Ikarar - 1 books and stories free download online pdf in Gujarati

ઇકરાર - (ભાગ ૧)

દરિયાના મોજાંનો હળવો ખળખળ નાદ તાલબદ્ધ રીતે વાતાવરણમાં રેલાઈ રહ્યો હતો. દરિયાનું આસમાની પાણી અને આકાશનો આસમાની રંગ એકસમાન લાગી રહ્યો હતો. દૂર ક્ષિતિજ પર બંને જ્યાં એકમેકને મળતા હતા ત્યાં એવું લાગી રહ્યું હતું કે દરિયો આકાશમાંથી ઉતરી કિનારે આવી પાછો વળી જતો હોય. રંગબેરંગી બિકનીમાં સજ્જ સ્ત્રીઓ અને અવનવા રંગના ચડ્ડા ધારણ કરી પુરુષો એકબીજાને પ્રેમ કરી રહ્યા હતા. બાળકો દરિયાના પાણીમાં નહાવાની મજા લઈ રહ્યા હતા તો કોઈ કોઈ રેતીમાં મસ્તીએ ચડ્યા હતા.

ઉનાળામાં મોટેભાગે સિડનીના આ બીચ પર કીડીયારાની જેમ માનવ મહેરામણ ઉભરાતું. હું પણ મોસમની મજા માણવા રવિવારે અહીં આવી જાઉં છું. હમણાં જ અડધો કલાક જેની સાથે દરિયામાં મસ્તી કરીને પોળો ખાવા દરિયાને અડીને બનાવાયેલા આ બગીચામાં ઝાડ નીચે લાંબો થયો હતો. કુદરતના લીલાં પાથરણા પર અમે અમારું સફેદ પાથરણું પાથરી ઉપર સાથે લાવેલી બેગનું ઓશીકું બનાવી કુદરતી સાનિધ્યનો લુપ્ત ઉઠાવી રહ્યા હતા.

જેમ ઝાડને વેલ વીંટળાઈ હોય એમ જેની મારા શરીર પર વીંટળાઈ હતી. અચાનક જેનીએ માથું ઊંચું કરી મારા હોઠ પર ચુંબન ચોડી દીધું. મેં આંખો ખોલી. પિંક બિકનીમાં સજ્જ જેની મોહક લાગી રહી હતી. તેના ઉઘાડા શરીર પર ક્યાંક ક્યાંક રેતીના કણ બાઝેલા દેખાતા હતા. મેં મારો એક હાથ તેની કમર ફરતે વીંટેલો હતો. તેનો દેહ સૂર્યપ્રકાશમાં ચમકી રહ્યો હતો. મેં પણ જવાબમાં તેના ગુલાબી હોંઠ પર બે ચુંબન કરી લીધા. ઓસ્ટ્રેલિયા હતું એટલે ચુંબનોની આપલે જાહેરમાં કરવામાં કોઈ આપત્તિ ન હતી, પણ જો આ જ આપલે ભારતમાં કરી હોત તો અમારો એમએમએસ ચોવીસ કલાકમાં ભારતના ખૂણે ખૂણે ચાહકોને આનંદ આપતો હોત. અહીં આખા દિવસમાં અમે, માફ કરજો અમે જ નહીં મોટેભાગે તમામ ઓસ્ટ્રેલીયન કપલ, એકબીજાને ઓછામાં ઓછા પચાસ ચુંબનોની આપલે કરતાં હશે અને જે દિવસ પ્રેમ વધારે ઉભરાઈ જાય તો આંકડો સો પાર પણ જતો રહે. અહીંની આ સંસ્કૃતિ હતી એટલે અહીં કોઈને નવાઈ લાગતી નહીં.

જેની મને વારેઘડીયે ‘આઈ લવ યુ’ પણ કહી દેતી. અમારી આ મજા વચ્ચે અચાનક છાંટા પડવા માંડ્યા. મેં આકાશ સામે નજર કરી, આકાશ સાફ હતું. વરસાદ પડે એવી સંભાવના જણાતી ન હતી, તો પછી છાંટા ક્યાંથી પડી રહ્યા હતા તે સમજવાની મારી કોશિશમાં મેં જેનીને પણ જોડી.

મેં ખાતરી કરવા તેની કમર અને પીઠ વચ્ચે હળવે હળવે હાથ ફેરવતાં પૂછ્યું, “જેની છાંટા પડી રહ્યા છે, બેબી.”

જેની મારી છાતી પર તેના હોંઠથી રમી રહી હતી, તેણે ઊંચે જોયું, “નથી પડતા.”

અચાનક દુરથી કોઈ મને બોલાવી રહ્યું હોય એવું લાગ્યું, “મહર્ષિ... મહર્ષિ...” મેં આજુબાજુ જોયું, પણ કોઈ દેખાયું નહીં. મેં મારો ભ્રમ હશે એમ માની હજી તો માંડ આંખો બંધ કરી હતી કે કોઈએ મારા મોં પર ગ્લાસ ભરીને પાણી રેડ્યું. અચાનક થયેલા ઠંડા પાણીના ઘાથી હું સફાળો બેઠો થઈ ગયો. આંખ મસળીને માંડ માંડ આંખ ખોલી તો સામે હાથમાં પાણીનો ગ્લાસ રમાડતી ને હસતી મારી નાની બહેન નેહા દેખાઈ. મને અત્યારે એ રામાયણ યુગમાં મહર્ષિઓના હવનમાં હાડકાં નાંખતી કોઈ રાક્ષસીણી સમી દેખાણી. અત્યારે એ પણ મારા રોમાન્સના હવનમાં હાડકા જ નાંખી રહી હતી. મન તો થયું કે ત્રીજું નેત્ર ખોલી બાળીને ભસ્મ કરી નાંખું. પણ મને યાદ આવી ગયું, “ક્ષમા વીરસ્ય ભૂષણમ”.

નેહા નાની હતી પણ મારા પર અપાર ત્રાસ ગુજારતી. મારા મમ્મી પપ્પા પણ મારા કરતાં એનું જ વધારે માનતા. એનો પડ્યો બોલ ઝીલતા. હજીય એ મારી સામે એકધારું જોઈ રહી હતી. એણે આંખ ઉલાળતા મને પૂછ્યું, “કામ પર નથી જવાનું ?”

મન તો થયું કે એક પાટું મેલું, જાય ગોઠમડુ ખાતી. મેં મારી જાત પર કાબુ મેળવ્યો અને બે ઊંડા શ્વાસ લઈને આંખો કાઢતાં કહ્યું, “તું તારું કામ કરને, પંચાત.”

એણે એની આદત મુજબ મમ્મીને બુમ પાડી, “મમ્મી આ મને બીવડાવે છે.”

નીચેથી મારી મમ્મીની બુમ આવી, “ઉભો થા, ઉઠે છે મોડો ને પછી ઉતાવળ કરશે.” મેં મોબાઈલમાં જોયું સાડા સાત થઈ ગયા હતા. હું ઉભો થયો કે ડરના માર્યા નેહા મારા રૂમની બહાર નીકળી ગઈ. ફરી એકવાર ઓસ્ટ્રેલીયા જેની પાસે જવા મેં આંખ બંધ કરી, પણ જેની ના મળી. નિસાસો નાંખતા હું ઉભો થતા મારી જાતને સંબોધતા મનમાં બોલ્યો, “ચલ મહર્ષિ મજુરી કરવા.”

હું ઉભો થઈ નિત્યક્રમ પતાવી ટીફીનનું ડબલું લઈને બસ સ્ટેન્ડ પર આવ્યો. સરસ નોકરી હતી ને ચાલીસ હજારનો પગાર સમયસર બેંક એકાઉન્ટમાં આવી જતો છતાં કંઇક ખૂટતું હંમેશ મને બેચેન કરી રાખતું. રોજ મારી સાથે અપડાઉન કરતાં મિત્રો સાથે મસ્તી કરતાં કરતાં બસમાં મારી નિયત કરેલી કંડકટરની પાછળની સીટ પર ગોઠવાયો. બારીની પાસેની સીટમાં એક કાકા ઘોરતા દેખાયા. મને હંમેશાં મનમાં લાલચ રહેતી કે મારી બાજુમાં કોઈ સુંદર છોકરી આવીને બેસે. પણ સાચું કહું, જો ખરેખર મારી બાજુમાં કોઈ છોકરી આવીને બેસે તો મારામાં એની સામે જોવાની હિંમત પણ ન થતી.

હળવો હળવો વરસાદ શરૂ થયો હતો. ગંતવ્ય સ્થાને પહોંચવામાં એક કલાક લાગતો, તેથી મેં કાનમાં ઈયરફોન લગાવી અદબ વાળી આંખો બંધ કરી. સંગીતના સુર પકડવામાં સમય ક્યારે સમય વીતી જાય એની મને જાણ જ રહેતી નહીં. થોડીવાર પછી મેં મારી મધ્યમા આંગળીએ કંઈક હળવો સ્પર્શ અનુભવ્યો. મેં એક આંખ સહેજ ખોલી જોવાનો પ્રયત્ન કર્યો. બસ ગીચોગીચ ભરાઈ ગઈ હતી. મેં નજર ફેરવી મારી આંગળીને કોઈની જાંઘનો સ્પર્શ થઈ રહ્યો હતો. મને કાળા રંગનું જીન્સ દેખાયું. મેં નજર ઊંચે કરી. મારા હોશ ઊડી ગયા. મારી સીટને અડીને એક છોકરી ઉભી હતી જેની જાંઘનો સ્પર્શ મારી આંગળીએ થતો હતો. મેં એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના અદબ છોડી હાથ સીધા કરી દીધા. છોકરીએ પણ પગ હટાવી લીધો. પણ મારી સમજમાં એ ન આવ્યું કે એણે કેમ પગ હટાવી લીધો.

મેં ફરીવાર આંખો બંધ કરી. પણ માણસ એક જ સ્થિતિમાં કેટલીવાર સુધી બેસી શકે એ જો તમે અપડાઉન કર્યું હશે તો તમને જાણ હશે જ. મેં ફરી અદબ વાળી લીધી. થોડીવાર પછી ફરીથી મેં મારી આંગળીએ સ્પર્શ અનુભવ્યો. મેં ઘડીકવાર આંખો બંધ રાખીને આંગળી પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને જે મેં અનુભવ્યું તેનાથી મારા શરીરની નસોમાં રક્તસંચાર વેગ પકડવા માંડ્યો. પેલી છોકરી એની ઇચ્છાથી પોતાની જાંઘ મારી આંગળી સાથે ઘસતી મેં અનુભવી. આવો અનુભવ મારા માટે પહેલીવાર હતો. શરીરમાં રોમાંચ ને કંપારી એક સાથે અનુભવાઈ રહ્યા હતા.

મારું સ્ટેન્ડ આવી ગયું હતું. બસ ઉભી રહી એટલે હું ઉભો થયો. મારી અને એ છોકરીની નજર એક થઈ, પણ બે ઘટનાઓ એકસાથે બની. મેં નજર ફેરવી લીધી અને તે મારી ખાલી પડેલી જગ્યામાં ગોઠવાઈ ગઈ.

હળવો વરસાદ હજી વરસી રહ્યો હતો. મેં નીચે ઊતરીને છત્રી ખોલી બારીમાં જોયું, પણ પેલી છોકરીએ મારી સામે એક નજર પણ ન નાંખી. હું આખી ઘટના સમજવા મથી રહ્યો હતો કે એ હતું શું? પણ તરત મેં વિચારો ખંખેરી પગ ઉપાડ્યા.

ચાર રસ્તા પાર કરીને મારી ઓફીસ તરફ જતા રસ્તા તરફ આગળ વધી રહ્યો હતો ત્યાં મેં ચાર છોકરીઓના વૃંદને વરસાદમાં ભીંજાતા જોયું. મારી નજર તેમાંની કે છોકરી પર ઘડાઈ ગઈ. વરસાદની બુંદ બુંદને પોતાનામાં સમાવી દેવા માંગતી હોય એમ પોતાના બે હાથ પહોળા કરીને ગોળ ગોળ ફરી રહી હતી. તેના ભીંજાયેલા વાળ તેના ગળા પર ને પીઠ પર તેણે પહેરલા લાલ અને વાદળી ફૂલોથી સજ્જ સફેદ ફ્રોક પર ચોંટી ગયા હતા. તે ફરતા ફરતા વારેવારે માથાને ઝટકો આપીને પોતાના વાળને હવામાં ઉડાડી દેતી. અચાનક રોમાંચિત થઈ તે હવામાં ઉછળવા માંડી. હું તેના લયબદ્ધ ઉછળતા નિતંબ અને ઉરોજને જોઈ રહ્યો. તેની સહેલીઓએ પણ તેનો સાથ આપ્યો. તેમને જોઈ મને પણ મન થઈ આવ્યું કે છત્રી છોડીને તેમની સાથે કુદકા મારું, પણ તરત મન પર મગજે કાબુ મેળવ્યો અને મને આદેશ કર્યો કે ઓફીસ જવાનું મોડું થઈ રહ્યું છે.

મગજનો આદેશ થતા પગ ઓફીસ તરફ વળ્યા, પણ આંખો હજી પેલી છોકરી તરફ જ મંડાયેલી હતી. આંખો તેણે છોડીને જવા નહોતી માંગતી, પણ પગ આગળ વધ્યે જતા હતા. અચાનક હું કોઈને અથડાયો. કાકા દ્વારા “ડફોળ, જોઈને હેંડને..” ઉચ્ચારાયેલા વાક્યે આંખોનો મોહ ભંગ કર્યો ને મગજને સજાગ કર્યું. “ચ્યોંથી હેડ્યા આવી શી હવાર હવારમાં.” બબડતાં કાકાની વિરુદ્ધ દિશામાં મેં ઓફીસ તરફ જવા પગ ઉપાડ્યા. વળાંક આગળ ફરી મેં પેલી યુવતીના અંગોના વળાંકોને નિહારી લેવાના આશયે કે ઉડતી નજર નાંખી. હજીય ચારેય વરસાદની મજા માણી રહી હતી. મારા હોંઠો પર સ્મિત આવી ગયું ને હું ઓફીસ તરફ આગળ વધ્યો.