Ikarar - 2 books and stories free download online pdf in Gujarati

ઇકરાર - (ભાગ ૨)

આજ સવારથી જે સુંદર સુંદર ઘટનાઓ બની રહી હતી તેની ખુબસુરતી મમરાવતો મમરાવતો હું ઓફિસે પહોંચ્યો. મને લાગતું હતું કે આજ સવારથી જ ચોઘડિયા સારા ચાલતાં લાગે છે નહીંતર ઉપરાઉપરી એક સે બઢકર એક ઘટનાઓ બને નહીં.

હું જેવો લીફટમાં પહોંચ્યો કે વધુ એક ઘટના મારી રાહ જોઈ રહી હોય એમ જેવો હું લિફ્ટનો દરવાજો બંધ કરવા જતો હતો ત્યાં જ ઉતાવળે અવની પ્રવેશી. એ જેવી પ્રવેશી એવો જ મને લીફ્ટમાં રોમેન્ટિક સંગીત વાગવાનો આભાસ થયો. આવું સંગીત જયારે પણ અવની મારી આસપાસ આવતી ત્યારે સંભળાતું. અવની કેવળ મારી બાજુમાં આવીને ઉભી રહેતી તો પણ મારા આખા શરીરમાં અચાનક ઉર્જાનો સંચાર થયો હોય એમ તળવરાટ અનુભવાતો. કેવો તળવરાટ એ કહેવાની જરૂર છે? મોટાભાગે બધાએ આવું અનુભવ્યું જ હશે. એ દરવાજો બંધ કરતી હતી એ વખતે મારી તરફ પીઠ કરીને ઉભી રહી ગઈ હતી. જયારે પણ હું અવનીને જોઉં ત્યારે મનમાં એક જ શબ્દ ગુંજી ઉઠે, “જાલિમ”. હજી તો હું અવનીની સુંદરતા નિહાળું અને અવની લિફટ બંધ કરે ત્યાં જ લેંબાજી આવ્યો ને અમારી બંનેની વચ્ચે ઉભો રહી ગયો.

લિફટ ઉપડી, પણ લેંબાને અમારી બંનેની વચ્ચે આવેલો જોઈ મનમાં તો થયું કે લેંબાને મેલું પાટું તે જાય ગડથોલું ખાતો. પણ કોઈનો અવાજ ગુંજ્યો, “ક્ષમા વીરસ્ય ભૂષણમ.”

મેં પણ હિંમત હાર્યા વગર અવનીની પાછળથી સુંદરતા નિહાળવા ડોક જરા બાજુમાં નમાવી. પાછળથી એટલા માટે કારણ કે એના મુખપ્રદેશના દર્શન મારા નસીબમાં જ ન હતા અથવા તો એમ કહું કે મારી હિંમત જ ન થતી. મારી એની સાથે પહેલી મુલાકાત જ અદભુત હતી. એનો છ મહિના પહેલાં ઓફિસમાં પહેલો દિવસ હતો અને આજ લીફ્ટ આમારા પહેલાં મિલનની સાક્ષી હતી. મારું ઓફિસમાંથી નીકળી લીફ્ટ તરફ જવું અને એનું લિફટ ખોલી ઓફીસના દરવાજામાં પ્રવેશવું એકસાથે ઘટ્યું. અમે બંને સીધે સીધા અથડાયા. ફરી કહું છું સીધેસીધા, હં. હવે વિચારો શું હાલત થઈ હશે મારી. ફિલ્મોમાં થાય, હિરો અને હિરોઈન અથડાય ને હીરો હિરોઈનને પડતી બચાવવા તેને પોતાના હાથોમાં સમાવી લે, એવો કોઈ સીન અહિયાં થયો ન હતો. અમે બંને એટલા જોરથી અથડાયા હતા કે બંને ભોંય ભેગા થઈ ગયા. એ મારી પહેલાં ઉભી થઈ ગઈ અને મેં મારી જાતને સંભાળતા ઉભા થવાની કોશિશમાં જ એને જોઈ ને હું ત્યાં જ ચોંટી ગયો. એ કંઇક બોલી રહી હતી, પણ મને કંઈ સંભળાય તો ને. મારી નજર આગળ કાનનું જોર ન ચાલ્યું. આહાહા... શું જોઈ રહ્યો હતો હું. જાણે ઈન્દ્ર સાથે ઝઘડીને પૃથ્વી પર આવી ગઈ હોય અને મારી ઉપર એની દાઝ કાઢતી હોય એવી અપ્સરા જોઈ હોય એવું લાગ્યું. ખુલ્લા ચળકતા રેશમી વાળ એક તરફથી આગળથી સહેજ કપાળ પર અર્ધચંદ્ર બનાવી કાન પાછળ સરકી તેની છાતી સુધી ઉતરી આવ્યા હતા. પાણી પીવે તો ગળામાંથી ઉતરતું સોંસરવું દેખાય એટલી હદે ઉજળી હતી. ધારદાર ઘાટી વાદળી આંખો અને બંને આંખોથી નીચે યોગ્ય વળાંકમાં ગોઠવેલું નાક ને નાકમાં પહેરેલી રીંગ. અને એ પણ જમણી તરફ પહેરેલી હતી. મેં મોટેભાગે ડાબી તરફના નાકે રીંગ પહેરી હોય એવી સ્ત્રીઓ જોઈ હતી પણ આ જમણા નસકોરાં પર પહેરેલી રીંગ એની સુંદરતા વધુ ખીલવતી હતી. એના ગાલ મેક અપના લપેડા કરેલા નહીં પણ કુદરતી જ ગુલાબી હતા. અને હોંઠ, શું હોંઠ હતા... ગુલાબી ગુલાબની પાંદડીઓ. બંને તરફ લટકતા વાળ તેના બંને ઉરોજોને ઢાંકતા હતા. કમર એકદમ પાતળી જે તેના ધડ અને પગના ભાગને વળાંક લઈ જોડતી હતી. ભલભલા મહર્ષિઓનું તપોભંગ કરી નાખે એવી એ મુજ મહર્ષિ માનવનું ચરિત્ર રગદોળે એની કંઈ નવાઈ જ ન હતી. એ ઓફિસમાં પ્રવેશતાં પ્રવેશતાં રાસ્કલનો છણકો કરી ગઈ એમાંય મને રાસ્કલના છણકામાં આશકનો રણકાર સંભળાયો એટલી હદે હું મદહોશ થઈ ચુક્યો હતો. માંડ માંડ મારી વિખુટી પડેલી પ્રેમાત્મા દેહમાં ખેંચી લાવ્યો ને ઉભા થઈ એને જતી જોવા એક નજર નાંખી. એ બોસની કેબીનમાં વળી ને હું લીફ્ટ તરફ.

છ મહિના થઈ ગયા એને ઓફિસમાં આવ્યે પણ હજી સુધી મેં એને સામેથી નીરખી નથી. એની આંખોમાં જે તેજ છે એનો સામનો કરવો મારી તાકાત બહારની વાત હતી. એટલે એને મેં હંમેશાં પાછળથી જ જોઈ છે. અત્યારે પણ લેંબો મારો ગયા જનમનો દુશ્મન હોય એમ એ મારી વળેલી ડોકની દિશામાં આડો ઉતર્યો. ધીમેથી લેંબાએ પોતાની ડોક ફેરવીને મારી સામે એવી રીતે જોયું જાણે હું એની કોઈ કિંમતી ચીજ ચોરવાની કોશિશ કરી રહ્યો હોઉં.

લેંબો એના નામ પ્રમાણે મને કડવો જ જણાતો. એનું આખું નામ લેંબાજી જીવાજી ઠાકોર. ટીપીકલ નેવુંના દાયકામાં આવતા ગુજરાતી રંગીન ચિત્રપટના કોઈ પાત્ર જેવો દેખાવ. કોપરેલ નાંખીને ઓળેલા વાળ જોઇને મને હંમેશાં એક જ ખયાલ આવતો કે કોપેરેલ મોંઘુ કરવામાં લેંબાના બિરાદરોનો હાથ છે. રંગે એટલો ઘાટો કાળો કે તમે સફેદ શર્ટ પહેરીને આવ્યા હોવ તો તમને તેની પાસે જતા સતત એવો ડર સતાવ્યા કરે કે જો હમણાં આ ભાઈ શર્ટને અડકી જશે તો ડાઘ પડી જશે. તેના દાંત તેનો વિરોધાભાસ દર્શાવતા જણાતા. દાંત એટલી હદ સુધી સફેદ અને વ્યવસ્થિત ગોઠવાયેલા કે જો અમાસની રાત્રે તમને કોઈ વેરાન જગ્યાએ નગ્ન હાલતમાં લેંબો મળી જાય ને એ તમારી પાસે આવીને ખાલી હસે તોય ડરના માર્યા તમારું હૃદય બંધ થઈ જાય. રોજ કસરત કરીને બનાવેલું એનું કસાયેલું શરીર સૌષ્ઠવ તેને આફ્રિકન દેશોમાં મોડેલીંગ માટે નામ કઢાવી આપે તેવું હતું. કદાચ તેનું કિસ્મત આફ્રિકા જવા સાથ નહીં આપતું હોય એટલે એ અત્યારે અમારી ઓફિસમાં પટાવાળો બની અમારી વેઠ કરી રહ્યો હતો.

અમે લીફ્ટમાંથી નીકળી પોતપોતાના કેબીન તરફ જવા નીકળ્યા. અરે, એક ખાસ વાત કહેવાની રહી ગઈ જે સાંભળીને ઘણા પોતાના નસીબને કોસશે. મારી આખી ઓફિસમાં સોળ જણાનો સ્ટાફ છે એમાં મારા અને લેંબા સિવાય બધી નારીઓ.