anokha itihasna safare... books and stories free download online pdf in Gujarati

અનોખા ઇતિહાસના સફરે...


નમસ્કાર મિત્રો, મારી રચનાઓને તમારો અમૂલ્ય પ્રતિભાવ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર..🙏🙏

આજ રોજ ફરી એકવાર હું ગુજરાતના ગૌરવવંતા પ્રદેશની વાતોને ધ્યાનમાં રાખી વાર્તા ગઢવા જઈ રહી છું. તો ચાલો ફરી એક વાર તૈયાર થઈ જઈએ ગુજરાતના એક નવા પ્રદેશની સૈર કરવા માટે....

આશા છે તમને મારી રચના પસંદ આવશે. લખવામાં કોઈ ભૂલચૂક થઈ હોય તો તે તરફ ધ્યાન દોરવા વિનંતી અને તમારા અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશો.


આરુષી - મુખ્ય પાત્ર, ઇતિહાસ માં સ્નાતક
મહર્ષભાઈ - આરુષી ના પિતા
રિધિમાબેન - આરુષી ની માતા
ડો. ઈશાન - આરુષી નો સ્કૂલ સમય નો ફ્રેન્ડ
માહી - આરુષી ની સ્કૂલ સમય ની ફ્રેન્ડ
હિરેન - આરુષી નો સ્કૂલ સમય નો ફ્રેન્ડ
કામિની - આરુષી ની સ્કૂલ સમય ની ફ્રેન્ડ
સમીર - આરુષી નો સ્કૂલ સમય નો ફ્રેન્ડ
શૌર્ય - ગાઈડ
રામકાકા - વૃદ્ધ કાકા



અનોખા ઇતિહાસના સફરે...



" મમ્મી, પ્લીઝ મને જવા દે ને! મારા બધા સ્કૂલ ફ્રેન્ડ્સ ભાવનગર ફરવા જાય છે. પ્લીઝ મમ્મી જવા દે ને... " ચોવીસ વર્ષની આરુષી પોતાની મમ્મીને મનાવવા તેમની પાછળ પાછળ ફરી રહી હતી. " આરુ, એક વખત કહ્યું ને! ના એટલે ના. હું તને નહી જવા દઉં. વાત પૂરી." આરુષીની માતા ચોખ્ખી ના પાડતા બોલ્યા. " મમ્મી પ્લીઝ મારે જાવું છે." વિનંતીના સ્વરમાં મમ્મીને મનાવવા આરુષી ફરી બોલી.

" રિધિમા, આપણી દીકરી આટલું કહે છે તો એને જવા દે ને! એમપણ એ કઈ હવે નાની નથી રહી. તે પોતાનું ધ્યાન રાખવાનું સારી રીતે જાણે છે. " આરુષીના પક્ષમાં પાછળથી એક આધેડ વયના પુરુષ આરુષીના ખભા પર હાથ મૂકી સાંત્વના આપતા બોલ્યા. તેમનો અવાજ સાંભળી આરુષીના ચહેરા પર હાસ્ય ફરી વળ્યું. પછી સામે તેની મમ્મીને જોઈ તેના ચહેરા પરથી હાસ્ય ગાયબ થઈ ગયું. " મહર્ષ , આ વખતે નહી. દર વખતે તમે મને માનવી લો છો, પણ આ વખતે હું નથી માનવાની. આરુ ક્યાંય નહિ જાય. આ મારી અને આરુ વચ્ચેની વાત છે. તમે વચ્ચે ના પડશો. " મહર્ષભાઈ તરફ ફરીને રિધિમાબેન બોલ્યા. પછી આરુષી તરફ ફરીને બોલ્યા," તને ખબર છે, તારા કેનેડા જવા માટે ફકત બે મહિનાની વાર છે. અને તને તો ફક્ત તારા ફ્રેન્ડસ જ દેખાય છે. ક્યારે સ્કૂલ ફ્રેન્ડ તો ક્યારેક કૉલેજ ફ્રેન્ડ તો ક્યારેક સોસાઈટીના ફ્રેન્ડ. ક્યારેક ફેમિલી સાથે પણ તો ટાઈમસ્પેન્ડ કર. " આંખોમાં આંસુ સાથે રિધિમાબેન ભાવુક થતાં બોલ્યા.

" મમ્મા... મને ખબર છે. હું તને એ જ તો કહું છું બે મહિના પછી હું આગળ સ્ટડી માટે કેનેડા જઉં છું. ત્યાર પછી હું મારા friendsને ક્યારે મળીશ તે પણ મને નથી ખબર. ને રહી વાત family time spendની તો, i promise... કે આજ પછીના બે મહિના ફક્ત અને ફકત તારા અને પાપાના. ત્યાં ના તો કોઈ friends આવશે કે ના કોઈ માસા-માસી, કાકા-કાકી. ફકત અને ફકત તારો અને પાપાનો. " રિધિમાબેનના ગળામાં પોતાના બંને હાથ ભેરવી આરુષી બોલી.

" રિધિમા, આરુની વાત સાચી છે માની જા ને! " મહર્ષભાઈ આરુષીની વાતમા હામી પુરાવતા બોલ્યા. " ઠીક છે. આ last time. " રિધિમાબેન આરુષી તરફ ફરી બોલ્યા. " ઓકે , thank you, I love you... મમ્મા... " રિધિમાબેનના ગાલ પર વ્હાલથી ચુંબન કરી આરુષી બોલી. પોતાની પ્રિન્સેસના ચહેરા પર ખુશી જોઈ બંનેના ચહેરા પર પણ ખુશી ફરી વળી. " Thank you પાપા. I love you. " મહર્ષભાઈના ગાલે ચુંબન કરી આરુષી બોલી અને પછી પોતાના રૂમમાં જતી રહી.

આરુષીએ અમીર માતા-પિતાની એકની એક દીકરી હતી. પણ છતાં તેને તે વાતથી કોઈ ફરક પડતો ન હતો. મહર્ષભાઈનો પોતાનો ખુબ મોટો બિઝનેસ હતો. આરુષીને નાનપણથી ટીચર બનવાનો શોખ હતો. મોટા થયા પછી તેને ઇતિહાસમાં સ્નાતક થવાનું નક્કી કર્યા બાદ તે ઇતિહાસમાં PhD કરવા માટે કેનેડા જઈ રહી હતી. ઇતિહાસ લેવાનું મુખ્ય કારણ એ હતું કે તેને ઇતિહાસમાં ખુબ રસ હતો. ઐતિહાસિક સ્થળો પર ફરી તેના વિશે જાણકારી મેળવવી તેનો શોખ કહો કે પાગલપન.. પણ દર થોડા થોડા દિવસે તે જુદા જુદા ઐતિહાસિક સ્થળોએ જઈ તેના પર અભ્યાસ કરતી.

📖📖📖

" Pick up the phone... Pick up the phone... ,હે ભગવાન " રૂમમાં આવીને આરુષી કોઈને ફોન લગાવી રહી હતી પણ સામેથી કોઈ જવાબ ન મળતા તે નિરાશ થઈ ગઈ. થોડી વાર બાદ તે જ નંબર પર તેને વોટ્સએપ વોઇસ કોલ કર્યો પણ સામે વાળા વ્યક્તિએ તેનો કૉલ કટ કર્યો. કંટાળીને તેણે બેડ પર ફોનનો ઘા કર્યો. ત્યાંજ તેના ફોન પર ગ્રુપ વિડિયો કૉલ આવ્યો તેણે તરત તે રિસિવ કર્યો અને સામે પોતાના સ્કૂલ ફ્રેન્ડસ્ ને જોઈ ખુશીથી ઉછળી પડે છે.

" હાય, બધા કેમ છો? અને માહી તને ફોન કર્યો તો તારો ફોન કેમ ના લાગ્યો?" બધાને તેમના ખબર અંતર પૂછી આરુષીએ માહીને પૂછ્યું. "ઓ મારી માતા રાની, તને કેટલી વખત કહ્યું કે મારો જૂનો નંબર બંધ થઈ ગયો છે. " માથું ફૂટીને માહી બોલી. પછી થોડી વાર બધા સાથે ઔપચારિક વાતો કરી આરુષી પણ તેમની સાથે ટ્રીપની ચર્ચામાં જોડાઈ. બધાની અનુકૂળતા અને પસંગીના હિસાબે ભાવનગરના અમુક ફરવા લાયક સ્થળો નક્કી કર્યા. જેમાં આરુષીના આગ્રહથી તેમણે વલ્લભીપુરનું પણ એક સ્થળ ઉમેર્યું.

📖📖📖

બીજા દિવસે સવારે સાત વાગ્યે,
" અરે આરુષી, કેટલી વાર?" ફોન પર માહી આરુષીને પૂછી રહી હતી. " અરે હા મા આવી. " આરુષી ફોન પર બોલી. " જલ્દી કર. " કહી માહીએ તરત ફોન કટ કરી નાખ્યો. બધા ત્યાર બાદ ઇશાનની જીપમાં ગોઠવાયા. થોડી વારમાં આરુષી પણ આવી ગઈ અને તે પણ જીપમાં ગોઠવાઈ ગઈ. " અરે sorry, મમ્મી બધા માટે નાસ્તો પેક કરતી હતી એટલે મોડું થઈ ગયું. " જીપમાં બેસી પોતાના બંને કાન પકડી આરુષી બોલી. " અરે, it's ok." ઈશાન તેની તરફ જોઈ મુસ્કુરાતા બોલ્યો. ત્યાર બાદ તેણે જીપ સ્ટાર્ટ કરી. સુરતથી ભાવનગર જતા લગભગ છ-સાત કલાક થાય છે. રસ્તામાં વડોદરા અને અમદાવાદમાં સ્ટોપ કરી તેઓ બે વાગ્યાની આસપાસ ભાવનગર પહોંચી ગયા. રસ્તામાં એકબીજા સાથે મજાક મસ્તી કરતા ક્યારે ભાવનગર આવ્યું તે કોઈને ધ્યાન નહી રહ્યું. ભાવનગરની એક હોટલ આગળ હિરેને જીપ રોકી. એકધારું ડ્રાઇવ કરી ઈશાન થાકી ના જાય એટલે વડોદરાથી અમદાવાદ સુધી ડ્રાઇવ કરવાનો દોર સમીરે સંભાળ્યો હતો ત્યારબાદ ભાવનગર સુધી હિરેને ડ્રાઇવ કર્યું હતું. હોટેલ ખુબ જ સુંદર હતી. છ friends હોટેલમાં પ્રવેશ્યા. ઈશાન અને સમીરે મળીને બધી formalities પૂરી કરી બે રૂમ બુક કર્યા એકમાં આરુષી, માહી અને કામિની જ્યારે બીજા રૂમમાં ઈશાન, સમીર અને હિરેન વહેચાઈ ગયા. બધા થોડું જમીને આરામ કરવા પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા. થોડી વાર આરામ કરી બધા ફરવા માટે નીકળ્યા. ભાવનગર તેમના માટે નવું હોવાથી તેમને એક ગાઈડને પોતાની સાથે રાખ્યો. જેને લોકો શૌર્યના નામથી ઓળખતા હતા. સામાન્ય કરતા થોડી વધુ હાઇટ, ઘઉંવર્ણો વાન, સોહામણો ચહેરો અને આત્મવિશ્વાસથી ભરપુર ચાલની સાથે ચહેરા પર સજેલી મુસ્કાન કોઈને પણ પોતાની તરફ આકર્ષવા માટે મજબૂર કરી દેતી હતી. શૌર્યના માર્ગદર્શન હેઠળ તેઓ ભાવનગરના જાણીતા સ્થળો પર ફર્યા. જેમકે, સ્વામિનારાયણ મંદિર, કેસેન્ટ ટાવર, તકતેશ્વર મંદિર મુખ્ય જગ્યાએ ફરી તેઓ કેબલ બ્રિજ પર પહોંચ્યા.

આખો બ્રિજ ખુબ જ સુંદર દેખાતો હતો. અલગ અલગ રંગની લાઈટથી શણગારેલ બ્રિજ ખુબ જ સુંદર લાગી રહ્યો હતો. બધા ખુબ જ ખુશ હતા. તેટલામાં આરુષીને ભાવનગર વિશે જાણવાની ઈચ્છા થઈ તેણે શૌર્યને તેના મનનો સવાલ પૂછતા કહયું," શૌર્ય શું આપ અમને ભાવનગર વિશે જણાવશો?". " હા, ચોક્કસ." કહી શૌર્યએ ભાવનગર વિશે જણાવવાનું ચાલુ કર્યું.

" ઇ.સ. 1722 - 23માં સિહોર પર ઘણા હુમલા થતાં હતાં. તે સમયે ગોહિલ વંશના રાજા ભાવસિંહ ગોહિલ હતા. ભાવનગરમાં આવેલું સિહોર તાલુકો એ તે સમયે ગોહિલ વંશની રાજધાની હતી. સિહોર પર થતાં હુમલા રોકવા માટે ભાવસિંહ ગોહિલ એ ઇ.સ. 1723માં સિહોરથી 20 km દૂર બીજી એક રાજધાનીની સ્થાપના કરી જે વળવા ગામથી ઓળખાયું. ત્યાર બાદ સમય જતાં રાજા ભાવસિંહ ગોહિલના નામ પરથી તેનું નામ ભાવનગર પડ્યું અને આજ સુધી તેને ભાવનગરના નામથી ઓળખવામાં આવે છે. " ભાવનગર વિશે જણાવતા શૌર્ય બોલ્યો. " ઓહ, તો આવી રીતે ભાવનગર બન્યું હતું! " આશ્ચર્યમિશ્રિત અવાજમા આરુષી બોલી. શૌર્યએ ફક્ત હકારમાં માથું ધુણાવ્યું. આરુષી ફરી કઈ પૂછવા જતી હતી. ત્યાંજ," આરુ હવે બસ કર. કાલે આપણે વહેલી સવારે નીકળવાનું છે એટલે જલ્દી ઉઠવું પડશે." કામિની આરુષીને વચ્ચે અટકાવતા બોલી. બધા સાથે હોટલ પહોંચ્યા અને જમીને શૌર્ય અને આરુષીનું આખું ગ્રુપ છૂટું પડ્યું. " Thank you, શૌર્યજી. અમારા ગ્રુપને ગાઈડ કરવા અને અમને સપોર્ટ કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. Thank you once again.." ઈશાન શૌર્ય સાથે હાથ મિલાવી આભાર વ્યક્ત કરતા બોલ્યો. " It's my pleasure. " મુસ્કુરાતો શૌર્ય બોલ્યો અને બધા છૂટા પડ્યા.

📖📖📖

" આરુષી , તુએ વલ્લભીપુરના કોઈ સ્થળ વિશે કહ્યું એટલે આપણે બધા તૈયાર તો થઈ જાય. પણ વલ્લભીપુર પાછળ પણ કોઈ ઇતિહાસ હશે ને?" સમીર ઉત્સાહ સાથે બોલ્યો. સવારે આઠ વાગ્યાની આસપાસ તેઓ નાસ્તો કરી વલભીપુર તરફ વધી રહ્યા હતા. " હા, એ તો છે. " ખુશ થતી આરુષી બોલી. " તો અમને પણ તેના વિશે કંઈ જણાવ. " આ વખતે કામિનીએ ટાપસી પુરાવતા કહ્યું.

" વલ્લભીપુર પ્રાચીન મૈત્રક વંશની રાજધાની હતી. " આરુષી એ બોલવાનું ચાલુ જ કર્યું હતું ત્યાં, " અરે આ મૈત્રક વંશ તો ખુબ જૂનું છે ને?" હિરેન યાદ કરતા બોલ્યો. " હા, ખુબ જ જૂનું છે. ઇ.સ.470 થી 788ની આસપાસના સમયનું છે. " આરુષી તેના સવાલનો જવાબ આપતા બોલી. " સાલ તો યાદ નથી.. પણ હા.. એટલું યાદ છે કે ધોરણ આઠમાં મૈત્રક વંશ વિશે ભણવાનું આવ્યું હતું. પછી તો ખબર નહિ તે ક્યાં ગુમ થઈ ગયું. ને આ સાલવારી, તને બધી યાદ કઈ રીતે રહી જાય છે? મને તો ત્યારે પણ ના યાદ રહેતી હતી ને આજે પણ નથી રહેતી. ને સારું છે computer engineeringમાં આવું કંઈ આવતું પણ નથી એટલે સારું છે. " હિરેન આરુષીને ઉદ્દેશીને બોલ્યો. " હા, એટલે જ મે history લીધું કેમકે મને તમરી કોડિંગમાં કઈ સમજ નથી પડતી. અને સાલવારી યાદ રાખવી મારા માટે ચુટકીનો ખેલ છે. " આરુષી પોતાનું અદ્રશ્ય કોલર ઊંચું કરી બોલી. અને બધા હસી પડ્યા. " બસ હિરેન હવે બહું થયું તું ચૂપ રહે. આરુ, તું આ હિરનની વાત પર ધ્યાન નહી આપ તું તારું બોલ. એમ પણ એને લવારા કરવાની આદત છે." સમીર હિરેનને ચિડવી વચ્ચે ટોકતા બોલ્યો. આરુષીના ચહેરા પર હાસ્ય ફરી વળ્યું. તેણે ફક્ત હકારમાં માથુ હલાવ્યું. " હા તો વલભીએ મૈત્રક વંશની રાજધાની હતી. તે સમયે બૌદ્ધ ધર્મ પ્રમુખ કેન્દ્ર પર હતું તેથી આ સમયે અહી બૌદ્ધ મઠો અને વિહારો ઘણા બંધાયા છે. અને રહી વાત વલભીપુર નામની? તો 'વલભી'નો અર્થ 'ઢળતું છાપરું' એવું થાય છે. આ નગર નદીની બે શાખા વચ્ચે ઊચ્ચ પ્રદેશ પર વસેલું હતું અને ત્યાં ઘરના છાપરા ઢળતા હતા તેથી આ પ્રદેશનું નામ વલભી પડ્યું હતું. વલભીના શાસકો શિવજીના ભક્ત હતા. તેથી આ સમયમાં અહી ઘણા શિવમંદિરો પણ બંધાયા હતા. પ્રાચીન કાળમાં વલભી તેની પ્રસિદ્ધ વલભી વિદ્યાપીઠ માટે ઓળખાતું હતું. ઇ.સ. 700ની આસપાસ ચીની પ્રવાસી હ્યુ-એન-ત્સાંગે તેના પુસ્તકમાં વલભી વિદ્યાપીઠનું વર્ણન કર્યું હતું. આ સિવાય બીજી ઘણી મહત્વની વિદ્યાપીઠો ભારતમાં હતી જે તે સમયે ખુબ જ પ્રસિદ્ધ હતી. " આરુષી બોલી રહી હતી. બધા તેને ખુબ રસપૂર્વક સાંભળી રહ્યા હતા. જ્યારે ઈશાન આરુષીની વાતો સાંભળતો સાંભળતો જીપ ડ્રાઇવ કરી રહ્યો હતો. બાકી બધાનું ધ્યાન આરુષી તરફ હતું. વલ્લભીપુરની વાતો કરતા કરતા ક્યારે તેઓ વલ્લભીપુર પહોંચી ગયા તે કોઈને જાણ પણ ન રહી. " આરુષી, તારી વાતો વાતોમાં આપણે વલભી પુર પહોંચી ગયા હવે બોલ ક્યાં જવાનું છે. " ડ્રાઇવિંગ સીટ પર બેઠેલો ઈશાન બધાને ભાનમાં લાવવા થોડો મોટેથી બોલ્યો.

" અરે હા, ચલ હું બતાવ તેમ લઈ લે. " આરુષી પોતાની વાત પર પૂર્ણવિરામ લાવતા બોલી. આરુષીએ કહ્યા મુજબ ઈશાને બધાને નિયત સ્થાને પહોચાડ્યા. બધા જીપમાંથી બહાર આવી રહ્યા હતા. " આરુ તું પહેલા પણ અહીં આવી ગઈ છે ને?" જીપમાંથી ઉતરતી આરુષીને માહીએ પૂછ્યું. " હા, હું અહી પહેલા પ્રોજેક્ટના કામથી આવી હતી. ત્યારે જ મે નક્કી કર્યું હતું કે એક દિવસ હું તમારા બધા સાથે અહીં આવીશ." આરુષી મુસ્કુરાતી બોલી. " આરુષી , આ મંદિર તો પાણીની વચ્ચે છે! " સામે પાણીમાં સ્થિત મંદિર જોઈ સમીર બોલી ઉઠ્યો. " હા, આ નિષ્કલંક મહાદેવ મંદિર છે.તેની પાછળનો ઈતિહાસ પણ ખુબ જ રસપ્રદ છે. તેની વાર્તા મહાભારત સાથે સંકળાયેલી છે. " આરુષી મંદિર વિશે બોલી રહી હતી. " આરુષી, એક વાત કહું?" ઈશાન આરુષી તરફ જોઈ બોલ્યો. ઈશાન તરફ જોઈ આરુષીએ હકારમાં માથુ હલાવ્યું. " તારે છે ને કોઈ ઐતિહાસિક સ્થળે ગાઈડ બની જવા જેવું છે. ખરેખર તારી પાસે દરેકે દરેક ઐતિહાસિક સ્થળ નું નોલેજ છે." ઈશાન આરુષીના વખાણ કરતા બોલ્યો. " Thank you" આરુષી આભાર વ્યક્ત કરતા બોલી. " આરુષી, એક કામ કરીએ હમણાં આપને શિવજીના દર્શન કરી લઈએ પછી સુરત રિટર્ન થતી વખતે તું અમને આ મંદિર વિશે જણાવજે. " માહી ઉછળીને બોલી. " હા, મારી મા , ચોક્કસ." કહી આરુષી સાથે બધા હસી પડ્યા. બધા મંદિરમાં પ્રવેશ્યા.

📖📖📖

" સારું થયું કે આજે ભરતી ના હતી. જો ભરતી હોત તો કદાચ આપણે મંદિરમાં દર્શનનો લાહવો નહી લઈ શક્તે." બાકડા પર બેઠેલી આરુષી બોલી. અડધો પોણો કલાક બાદ મંદિરમાંથી દર્શન કરી બહાર બાકડા પર બધા ગોઠવાયા હતા. " કેમ પણ?" હિરેન અને કામિની બંને એકી સાથે બોલી ઉઠ્યા. " કારણકે જ્યારે ભરતી આવે છે ત્યારે મંદિરની ફક્ત ધજા અને એક થાંભલો જ દેખાય છે." આરુષી કઈ બોલે તે પહેલાં પાછળથી કોઈ વૃદ્ધનો અવાજ આવ્યો. બધાએ પાછળ ફરીને જોયું.

સફેદ થઈ ગયેલા વાળ, ઊંડી ઉતરી ગયેલી આંખો જેના પર જાડા કાચના ચશ્મા, પાતળા શરીર પર સોહેલી સફેદ કફની અને પાયજામા સાથે એક વૃદ્ધ તેમની પાછળ ઉભા હતા. આરુષી તેમને જોઈ મુસ્કુરાઈ. સામે તેમણે પણ પ્રેમાળ સ્મિત આપ્યું. " અરે રામકાકા! બેસો, કેવી છે તમારી તબિયત? " આરુષી પોતાની જગ્યા પરથી ઉભી થઇ રામકાકાને બેસવા માટે જગ્યા કરી આપી. " તું આમને ઓળખે છે?" કામિનીએ આરુષીને પુછ્યું. " મે જ્યારે પ્રોજેક્ટ માટે આ સ્થળ પસંદ કર્યું હતું ત્યારે મારી પાસે તેની કોઈ માહિતી ના હતી. અહીં આવી આ જ રીતે રામકાકાને મળી અને તેમણે જ મને આ મંદિરની કથા વિશે જણાવ્યું હતું. મુસ્કુરાતી આરુષી બોલી. " તો કાકા તમે અમને પણ આ મંદિરની કથા વિશે જણાવો ને?" માહી વિનંતીના સ્વરમાં બોલી. તેની ઉત્સુકતા હવે વધી રહી હતી જે તેની વાત પર થી જાણી શકાતું હતું. તેનો આ ઉત્સાહ જોઈ બધા હસી પડ્યા.

" ઠીક છે જેવી તારી ઈચ્છા. " કહી રામકાકાએ વ્હાલથી માહીના માથે હાથ મૂક્યો. તેમણે તેમની વાત શરૂ કરી, " મહાભારતના યુદ્ધ વિશે તો તમે બધા જાણો જ છો. પાંડવો અને કૌરવો વચ્ચેના યુદ્ધમાં પાંડવો વિજેતા બન્યા હતા. પરંતુ ત્યાર પછી પાંડવોને ખુબ દુઃખ થયું કે તેમને કારણે તેમના ભાઈ મરાયા અને આ બધી હત્યાઓનો પાપ તેમને લાગ્યો છે. ત્યાર પછી આ પાપથી છુટકારો મેળવવા તેઓ શ્રીકૃષ્ણની સલાહ લેવા જાય છે.ત્યારે શ્રીકૃષ્ણએ તમને એક કાળી ગાય અને કાળી ધજા આપી કહ્યું કે જ્યારે ધજા અને ગાય બંને સફેદ થઈ જાય ત્યારે તમારે સમજવું કે તમને તમારા પાપમાંથી મુક્તિ મળી ગઇ છે. સાથે સાથે તેમણે તેમને એ પણ જણાવ્યું કે જે સ્થળે આવું થાય ત્યાં તમારે શિવજીની તપસ્યા પણ કરવાની છે." રામકાકા થોડી વાર શ્વાસ લેવા રોકાયા. બધાની આંખો તેમની પર જ તંકાયેલી હતી. બધા જ તેમની વાત આગળ જાણવા ઉત્સુક હતા. તે જોઈ તેમણે તેમની વાત આગળ વધારી.

" પાંચો ભાઈ શ્રીકૃષ્ણના કહેવા મુજબ કાળી ધજા હાથમાં લઇ કાળી ગાયનું અનુસરણ કરવા લાગ્યા. ઘણાં દિવસો વિતી ગયા. આટલા દિવસોમાં તેઓ ઘણી અલગ અલગ જગ્યાએ ગયાં. છેવટે તેઓ અહીં આવી પહોંચ્યા અને તેમના હાથમાં રહેલી ધજા અને ગાય બંને કાળામાંથી સફેદ થઈ ગયા. બધા ભાઈઓ ખુબ ખુશ થયા. ત્યાર બાદ તમને અહી જ શિવજીની તપસ્યા કરી અને એક દિવસ શિવજી એ પ્રસન્ન થઈ તે પાંચેય ભાઈઓને અલગ અલગ લિંગ સ્વરૂપે દર્શન આપ્યા. તે જ લિંગો અહી સ્થિત છે. " રામકાકા નિષ્કલંક મહાદેવ મંદિરનો ઈતિહાસ જણાવતા બોલ્યા. વાતો વાતોમાં ઘણો સમય નીકળી ગયો હતો. આરુષીના મિત્રોએ પણ રામકાકા સાથે ખુબ વાતો કરી. રામકાકા પણ આરુષી અને તેના મિત્રોને મળી ને ખુબ ખુશ હતા. તેટલામાં એક નવ-દસ વર્ષનું બાળક રામકાકા પાસે આવું બોલ્યો, " દાદાજી... ઘરે ચાલો. દાદી તમારી વાટ જુએ છે." તે બાળક બોલ્યો. " હા , બેટા આવ્યો." કહી તેમણે તે બાળકના માથે વ્હાલથી હાથ મૂક્યો. તેમણે બધાને ઘરે જમવા આવવા માટે આગ્રહ કર્યો પણ તે બધાએ ના પાડી. એટલે તેઓ તે બાળકનો હાથ પકડી ચાલતાં થયા.

📖📖📖

" યાર, આરુષી ખરેખર આ વખતની ટ્રીપમાં મજા આવી ગઈ." માહી આરુષીની બાજુમાં ગોઠવાતી બોલી. બપોરે બાર વાગ્યાની આસપાસના સમયે સુરત જવા માટે નીકળેલું આરુષીનું ગ્રૂપ ભાવનગરની જ એક સારી હોટેલમાં જમવા માટે રોકાયા હતા. " હા યાર એકદમ સાચી વાત છે. ડોક્ટરીનો કોર્સ કર્યો પણ ક્યારેય આપણા દેશના ઐતિહાસિક સ્થળો વિશે જાણવાની તસ્દી પણ ના લીધી હતી. પણ ખરેખર હવે સમજાય છે કે ભારત પ્રાચીન સમયમાં સોનાની ચિડિયા કેમ કહેવતો હતો. " ઈશાન પણ માહીની વાતમા સૂર પુરાવતા બોલ્યો. એટલામાં જમવાનું પણ આવી ગયું. જમીને બધા ફરી સુરત માટે રવાના થયા. વચ્ચે ભરૂચમાં સ્ટોપ કરી લગભગ સાત વાગ્યાની આસપાસ તેઓ સુરત પહોંચ્યા.

📖📖📖

" મમ્મા.. મારું મન નથી માનતું કેનેડા જવા માટે." ઘરે પહોંચ્યા બાદ જમીને રિધિમાબેન આરુષીના માથામાં તેલ નાખી રહ્યા હતા. ત્યાંજ આરુષી ઉદાસીન અવાજે બોલી. " કેમ હવે શું થયું? " રિધિમાબેન આરુષીના અવાજમાં રહેલી ઉદાસીનતા પારખી ને બોલ્યા. " મમ્મા મારે મારા દેશને છોડીને ક્યાંય નથી જવું. મમ્મી ખબર છે, પ્રાચીન સમયમાં આપની વિદ્યાપીઠોમાં બહારથી લોકો ભણવા માટે આવતા હતા. તે વખતના સમયમાં અને અત્યારના સમયમાં કેટલું જુદાપણું છે નઈ? અંગ્રેજોએ આવીને આપના આખા દેશમાં ઉથલપાથલ મચાવી દીધી. હવે તેમના જ ઘર આંગણે જઈ તેમની જ ભાષા ભણવું તે તો તેવું જ થયું કે આપણે તેમના ગુલામ બન્યા. આપણા દેશમાં પણ કેટલી સારી સારી કોલેજો છે જ. મારે મારું બાકીનું ભણતર પણ અહી જ પૂરું કરવું છે." આરુષી મક્કમતાથી બોલી. રિધિમાબેન પણ તેના આ નિર્ણયથી ખુશ થયા અને બોલ્યા," જેવી તારી ઈચ્છા."



( સમાપ્ત )



મારી રચના વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર. આશા છે તમને મારી રચના પસંદ આવી હશે. કોઈ ભૂલચૂક થઈ હોય તો તે તરફ ધ્યાન દોરી માફ કરજો. અહીં દર્શાવેલ માહિતી ગૂગલ પરથી લેવામાં આવી છે. તો તેમાં પણ કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરવા વિનંતી. પ્રસ્તુત કથા સંપૂર્ણપણે કાલ્પનિક છે. જો રચના પસંદ આવે તો રેટિંગ અને અભિપ્રાય જરૂરથી આપજો. આપના અભિપ્રાય મને આગળ લખવા માટે પ્રેરણા આપશે.