Jivan ni battery in Gujarati Motivational Stories by Kamlesh K Joshi books and stories PDF | ડાયરી - સીઝન ૨ - જીવનની બેટરી

Featured Books
Categories
Share

ડાયરી - સીઝન ૨ - જીવનની બેટરી

 

શીર્ષક : જીવનની બેટરી    

લેખક : કમલેશ જોષી

 

સાવ નાની વાતમાં ‘મરી જનારા’ લોકોની સંખ્યા દિવસે-દિવસે વધતી જાય છે. વ્હીકલમાં પંચર પડે તો મરી ગયા, બસ ચૂકી જાય તો મરી ગયા, ક્યાંક કોઈ જોઈ જાય તો મરી ગયા, જે દુકાને વસ્તુ લેવા ગયા હોય એ બંધ હોય તો મરી ગયા, બિલ વધુ આવે તો મરી ગયા, લાઈટ જાય તો મરી ગયા, જયારે જુઓ ત્યારે બસ મરી ગયા, મરી ગયા. સ્કૂલમાં ભણતા ત્યારે અમારા પી.ટી. ટીચર ઘણી વાર કહેતા ‘શું મરેલાની જેમ હાથ પગ હલાવો છો.. સ્ફૂર્તિ રાખો...’ અમને થતું મરેલા લોકો ક્યાં હાથ પગ હલાવતા હોય છે? પણ ધીરે-ધીરે સમજાયું કે કેટલાક લોકો જીવતે જીવ મરી ગયા હોય છે. પેલું ગીત છે ને ‘સાસોં કે ચલને કો તો જીવન કહા નહિ જાયે...’

 

એક દિવસ મારા ભાણિયાએ પ્રશ્ન કર્યો : "મામા, મૃત્યુ એટલે શું?" મેં કહ્યું, "અવસાન, શરીરમાંથી પ્રાણ નીકળી જાય, જીવ નીકળી જાય એને મૃત્યુ કહેવાય." ભાણિયો બે-પાંચ ક્ષણ મારી સામે મુંઝવણભરી નજરે તાકી બોલ્યો, "આ જીવ કે પ્રાણ, એટલે શું?" મેં સહેજ વિચારી જવાબ આપ્યો, "જીવ એટલે એક સોફ્ટવેર." એને હમણાં હમણાં ભણવામાં કમ્પ્યૂટર વિષય આવતો હતો. એ બોલ્યો, "કમ્પ્યૂટરમાં જેમ હાર્ડવેર અને સોફ્ટવેર હોય એવો સોફ્ટવેર?" મેં ‘હા’ તો કહી પણ મને પોતાને લાગ્યું કે ભાણિયો આનાથી વધુ સમજી શકે એમ નહોતો. એ તો જતો રહ્યો પણ મારા વિચારો ચાલુ થઈ ગયા. 

 

એક મિત્રે પોતાની ફિલોસોફી કહી: શરીર હાર્ડવેર છે અને મન, બુદ્ધિ, આત્મા સોફ્ટવેર છે. એક મિત્રે વળી જુદો જ પોઇન્ટ કહ્યો. માત્ર હાર્ડવેર અને સોફ્ટવેર ભેગા કરી દો એટલે કમ્પ્યૂટર ચાલુ ન થઈ જાય, એ માટે તો ઇલેક્ટ્રિક સપ્લાય ચાલુ કરવો પડે. પ્રાણ કે જીવ એ સોફ્ટવેર નહિ, ઇલેક્ટ્રિક પાવર સપ્લાય છે. શરીરમાં રહેલી અદૃશ્ય બેટરીને શ્વાસ-ઉચ્છવાસ દ્વારા આપણે સતત ચાર્જ કરતા રહીએ છીએ. જે ક્ષણે શ્વાસ ન લેવાય તે ક્ષણે બેટરી ડિસ્ચાર્જ થઈ જાય અને ડોક્ટર પણ આપણને ડિસ્ચાર્જ કરી દે. મને વાત તો વિચારવા જેવી લાગી. ઇલેક્ટ્રિક કરન્ટ વિના કમ્પ્યૂટર હાર્ડવેર સોફ્ટવેર નક્કામા. જાન હૈ તો જહાન હૈ. જ્યાં સુધી કરન્ટ ચાલુ છે ત્યાં સુધી કમ્પ્યૂટરની સ્ક્રીન પર (મારા તમારા જીવનમાં) રંગબેરંગી દૃશ્યો અને આંકડાઓની માયાજાળ છે, જેવો કરન્ટ ઓફ થાય કે ખેલ ખતમ. જેમ સ્વીચ બંધ કરવા માટે ‘ઓફ’ શબ્દ છે એમ જ માનવ મૃત્યુ માટે પણ આપણે ‘ઓફ થઈ ગયા’ એવું એટલે જ બોલતા હોઈશું?

 

એક વડીલે કહ્યું: આપણને મૃત્યુનો એક જ પ્રકાર ખબર છે અને એ એટલે દેહનું અવસાન. પણ વાસ્તવમાં મૃત્યુના અનેક પ્રકારો છે. ઘણાનું મન મરી ગયું હોય છે, ઘણાનો આત્મા મરી ગયો હોય છે. મન કે આત્મા જેનો મરી જાય એની સ્મશાનયાત્રા નથી નીકળતી, માત્ર દેહમાંથી પ્રાણ નીકળી જાય એની જ આપણને ખબર પડે છે. તમારી આસપાસ, શેરી, સોસાયટી, ઓફિસ કે મિત્રમંડળમાં ઝીણી નજર કરશો તો એવા ઘણા મૃત:પ્રાય લોકો મળી આવશે. અંગત વ્યક્તિને ગુમાવનાર વ્યક્તિ આખરી શ્વાસ સુધી (એમની પેલી અદૃશ્ય બેટરી તો ચાર્જડ્ હોય છે છતાં) મરેલા જેવું જ જીવન નથી જીવતા હોતા? લોકોના જીવ જાય ત્યાં સુધી અત્યાચાર ગુજારનારાઓ માટે ‘એનો આત્મા જ મરી ગયો છે’ એવું બોલતા લોકોને તમે સાંભળ્યા જ હશે. તો શું એનો અર્થ એવો થયો કે આપણી અંદર શરીર માટે અદૃશ્ય બેટરી છે એમ મન માટે, બુદ્ધિ માટે અને આત્મા માટે પણ અલગ-અલગ બેટરી હશે? જો શ્વાસથી શરીરની બેટરી ચાર્જ થતી હોય તો મન, બુદ્ધિ અને આત્માની બેટરી માટે ઓક્સિજન પૂરું પાડતી ક્રિયા કઈ?

 

કથામાં સાંભળ્યું છે કે કૃષ્ણને મારવા માટે છેક નાનપણથી પ્રયત્નો થયા. અનેક રીતે મૃત્યુએ કૃષ્ણ પર અટેક કર્યો પણ કાનુડો દર વખતે ‘મૃત્યુને હાથતાળી દઈ જીવતો બચી ગયો’. નોકરી-ધંધા માટે કે અભ્યાસ માટે આપણે વતનથી દૂર જવું પડે તો ‘મરી ગયા’ જેવી ફીલિંગ આવે છે જયારે કાનુડો નાનપણમાં ગોકુળ છોડી ગયો ‘તોયે હસતો રહ્યો’. સગાંઓ અને અંગતો સાથ સહકાર ન આપે કે દગાબાજી કરે તો આપણને જીવનમાંથી રસ ઉડી જાય જયારે કંસ જેવા મામાએ જ જીવ લેવા પ્રયત્ન કર્યો તોયે કાનુડો તો ‘ખીલતો જ રહ્યો’. શક્તિશાળી, બુદ્ધિશાળી (ભીષ્મ પિતામહ અને ગુરુદ્રોણ જેવા) વડીલોને (આજના જમાનામાં લાંચ-રૂશ્વત લેવા કે વહુને ત્રાસ આપવા જેવા) અધર્મના પક્ષે જોઈને આપણે મૂંગા-મંતર થઈ જઈએ છીએ ત્યારે કૃષ્ણ કાનુડાએ તો ‘શંખનાદ કરી સત્ય માટે યુદ્ધ આદર્યું’. કેટકેટલી જગ્યાએ આપણે મરી ચૂક્યા છીએ, જ્યાં કાનુડો જીવતો, જાગતો, નાચતો, ગાતો ખીલી રહ્યો છે. જો કાનુડાની જિંદગીને જ સાચી જિંદગી ગણીએ તો ભારતની વસ્તી આંગળીના વેઢે ગણી શકાય એટલી પણ થાય કે નહિ એ વિચારવા જેવી બાબત છે.

શું હું અને તમે જીવીએ છીએ? શરીરની બેટરી તો ચાર્જડ્ છે, શ્વાસ ચાલુ છે એટલે શરીર તો જીવે છે, પણ મનનું શું? આત્માનું શું? મન તો ‘મોર બની થનગાટ કરે’. તમે છેલ્લે ક્યારે થનગનાટ અનુભવ્યો હતો? પ્રગાઢ પ્રચુર ધ્યાનમાં ડૂબી જાઓ તો ભીતરે પ્રસન્નતાનો સહેજ અમથો પ્રકાશ ઝળહળે, તમે છેલ્લે ક્યારે મેડીટેશન કર્યું હતું? શેરબજારમાં થતી ભાવની વધઘટ સાથે કે પગાર વધારાના પરિપત્રને જોઈને કે લાંચની મોટી ઓફર મળે છે ત્યારે કે પચાસ ટકા ડિસ્કાઉન્ટનું પાટિયું જુઓ છો ત્યારે ભીતરે જે લુચ્ચો સળવળાટ અનુભવો છો એને ‘મોજે દરિયા’ માની અટકી જશો તો કોઈને ‘બ્લડ ડોનેટ કરવાથી’ કે ‘ફ્રી માં ટ્યુશન આપવાથી’ કે ‘એક રૂપિયામાં થાળી ભરી જમાડવાથી’ કે ‘પિસ્તાલીસ મિનિટના પિરીયડમાંથી તેતાલીસ કે ચુમ્માલીસ મિનિટ રસદાર, દળદાર ભણાવવાથી’ કે ‘કોઈ ગરીબના કૂબામાં તેલનું ટીપું પહોંચાડવાથી’ કે ‘કામધેનુ જેવી ગાયને મહેનતની, ઈમાનદાર કમાણીથી કમાયેલું ખેતર-જેટલું ખડ નીણવાથી’ જે આનંદની-પ્રસન્નતાની પરાકાષ્ઠા મળે એ ચૂકી નહિ જાઓ? ભારતમાં એકસો ચાલીસ કરોડ શરીરો જીવી રહ્યા છે પણ મનથી કદાચ એકાદ કરોડ પણ જીવતા હશે કે કેમ અને આત્માથી તો એકાદ વ્યક્તિ જીવતો હોય તોય ‘આનંદ ભયો’ બીજું શું?

 

કેટકેટલી પ્રતિકૂળતાઓએ કાનુડાને ઘેર્યો, પણ મૃત્યુના એકેય પ્રયાસને કાનુડાએ સફળ થવા ન દીધો. એક ફિલ્મી ડાયલોગ છે ‘હર આગ સે મેં વાકિફ હું, અંદાઝ મેરા નિરાલા હૈ, જિસ હાદસોસે લોગ અક્સર મર જાતે હૈ, ઉસી હાદસોને મુઝે પાલા હૈ’. દુનિયા ‘થાય તે કરી લે’ હું ‘આનંદ, ઉત્સાહ, ઉમંગ, થનગનાટ અને જિંદાદીલી’ થી જ જીવીશ એ કાનુડાના ભક્તો, ઉપાસકોને કાનુડાએ આપેલો જીવન સંદેશ છે. પાંચ હજાર વર્ષ પહેલા જે ચહેરા-મહોરા, વેશ-ભૂષા સાથે કાનુડો મથુરા, ગોકુળ અને દ્વારકા કે હસ્તિનાપુરમાં જોવા મળ્યો હતો એ જ રંગ-રૂપવાળો તમને આજે જોવા ન મળે. પરંતુ, એવા જ થીંકીંગ, એવા જ વાણી, વર્તન અને વિચાર વાળો, એવી જ જીવનશૈલી વાળો, પેલા કાનુડામાં જે સોફ્ટવેર હતો એ જ સોફ્ટવેરવાળો, એ જ કૃષ્ણત્વવાળો (પૂર્ણ નહિ તો આંશિક કૃષ્ણત્વવાળો) કોઈ માનવ મારી-તમારી આસપાસ, મારી-તમારી અંદર પ્રગટે એ સંભાવના (કેટલી બધી રોચક અને મનભાવન સંભાવના) નકારી શકાય નહિ. કેમ કે કાનુડાએ ખુદ જ કહ્યું છે કે ‘મમૈવાન્શો જીવલોકે’, મારો અંશ, મારું બીજ, હું જ એક નાનકડા સ્વરૂપે, સૂક્ષ્મ સ્વરૂપે દરેક જીવમાં બિરાજમાન છું’. કાનુડાએ તો પોતાની ભીતરે રહેલા એ ‘મમૈવાન્શો’ વાળા અંશને ખીલવીને (એને ખીલવવાની જીવન પદ્ધતિનું ડેમોન્સ્ટ્રેશન) બતાવી દીધું, પણ હું અને તમે, આપણી ભીતરે રહેલા એ અંશને ક્યાંક ગૂંગળાવી તો નથી રહ્યા ને? કોઈ એ અંશને ખીલવવા પ્રયત્ન કરતું હોય તો એને, રોકતા કે નડતા નહીં. શી ખબર આ જન્મે જ ફરી કૃષ્ણત્વના દર્શનનો લહાવો મળી જાય. 

 

- kamlesh _joshi_sir@yahoo.co.in