divorce books and stories free download online pdf in Gujarati

છૂટાછેડા

છોડી દો ને બધું યાર, સફર બહુ ટુંકી છે,
ખાલી મોજ કરો યાર,સફર બહુ ટુંકી છે.

થોડા ડૂસકા થોડા આંસુ, ને વ્યથા અપાર,
હળવો કરો હૈયાનો ભાર,સફર બહુ ટુંકી છે

કાઠમંડુમાં શ્રી પશુપતિનાથનાં દર્શન કરીને ત્યાંની હોટેલમાં તેનાં માતાપિતા સાથે રાત્રી રોકાયેલ મિતેષ હોટેલ બહાર આવેલ પાર્લર પાસેના ખુલ્લા ચોકમાં બેઠો હતો.સાંજના આઠ વાગ્યા હતા. એ સમયે આઠેક વર્ષનું એક નાનકડું ભુલકું પાર્લર પર કંઈક લેવા આવ્યું.
મોબાઈલોમાં વ્યસ્ત મિતેષની નજર અચાનક એ બાળક પર પડી.જોતાં જ મિતેષના મોંઢામાંથી શિષકારો નિકળી ગયો.બાળક વસ્તુ લઈને નિકળે એના પહેલાં તો મિતેષ ઉભો થઈને બાળક પાસે ગયો અને બાળકનો હાથ પકડીને કહ્યું,"બેટા! કહાં સે આયે હો?"
બાળકે કહ્યું, "અહમદાબાદ ગુજરાત."
"તને ગુજરાતી ભાષા આવડે છે?"-મિતેષના પ્રશ્નનો હકારમાં જવાબ મળતાં જ મિતેષે બીજો પ્રશ્ન પુછ્યો,"કોની સાથે અહીં આવ્યો છે?"
"મમ્મી સાથે."-કહીને બાળક કુદતો કુદતો હોટેલમાં પલાયન કરી ગયો.
મિતેષના મનમાંથી બાળકનો ચહેરો ખસતો નહોતો. એના મન પર એનું બાળપણ સવાર થઈ ગયું.કેવો અદ્લ હતો એ બાળકનો ચહેરો! બિલકુલ પોતાના બાળપણના ચહેરા જેવો! બાળપણના ફોટો આલ્બમમાં મિતેષે જોયેલી તસવીરો તદ્દન એ બાળક જેવી જ હતી.
મિતેષ ગામડા ગામના સામાન્ય પરિસ્થિતિના માબાપનું એકમાત્ર લાડકવાયું સંતાન. પિતા હરેશભાઈ અને માતા નયનાબેન.શહેરના પડખામાં જ આવેલ વતનનું ગામ એટલે હરેશભાઈ શહેરમાં એક જથ્થાબંધ કરિયાણાની દુકાનમાં નોકરી કરે ને સાંજે ઘેર આવે.દુકાનનો માલિક સ્વાભાવે ઉદાર અને માયાળું એટલે હરેશભાઈનો પગાર પણ ઠીક પ્રમાણમાં આપે અને આકસ્મિક જરૂરિયાતમાં પણ ટેકો કરતાં પાછો ના પડે.
માતા નયનાબેન આમ તો ગૃહિણી છતાંય ગામમાં વાર તહેવારોમાં છુટક મજુરી કરતાં અચકાય નહીં અને ઘરમાં ટેકારૂપ બનતાં રહે.
હરેશભાઈએ મિતેષને બાળપણથી જ શિક્ષણ માટે પ્રોત્સાહન આપ્યું.નયનાબેનની સતત દેખરેખ તો ખરી જ.ફળસ્વરૂપ મિતેષ કાયમ અભ્યાસમાં અવ્વલ રહ્યો અને અમદાવાદમાં મલ્ટીનેશનલ કંપનીમાં ઉંચો પગારદાર બની ગયો.
માબાપના દુ:ખના દિવસો દુર થઈ ગયા.
મનમાં બાળપણ સવાર કરીને બેઠેલ મિતેષના મગજ પર બાળપણ પછીનો ભૂતકાળ પણ પીછો છોડવા માગતો નહોતો.
નોકરી મળતાં જ મિતેષે જીવનસાથી શોધવાના પ્રયત્નો આદરી દીધા પરંતુ તેને ક્યાં ખબર હતી કે, કોઈ યુવતિ તેને મનનો માણિગર બનાવીને જ બેઠી છે!
મિતેષ પોતાની કંપનીમાં નોકરી કરતા મિત્ર સંજય સાથે એક ફ્લેટમાં ભાડે રહેતો હતો.એ જ ફ્લેટમાં કંપનીમાં નોકરી કરતી ત્રણ છોકરીઓ પણ રહેતી હતી.સામ સામે દરવાજા હોવાથી એકબીજાનો પરિચય તો થયો જ હતો.
ક્યારેક રસોઈની આપલે તો ક્યારેક સાથે નાસ્તાપાણીએ એકબીજાને નજીક લાવી દીધાં તે ખબર પણ ના રહી! મિનાક્ષી નામની છોકરી મિતેષ પર મોહી પડી.
એક દિવસ મિનાક્ષીએ સીધેસીધું મિતેષને પુછી પણ લીઘું. મિતેષે પોતાનાં માબાપને ગામડેથી બોલાવીને મિનાક્ષી સાથે પરિચય કરાવીને બધી હકીકત કહીં.
વાત આગળ વધી.મિનાક્ષીના પરિવાર સાથે સંપર્ક, પરિચય અને છેવટે સગાઈ સગપણ થયાં ને ધામધૂમથી લગ્ન પણ લેવાઈ ગયાં.
લગ્નના એકાદ મહિને મિતેષે નવો ફ્લેટ ભાડે લઈને પોતાનાં માબાપને સાથે બોલાવી લીધાં.
હરેશભાઈએ એ વખતે ખુબ આગ્રહપૂર્વક કહ્યું કે,"બેટા! તું અને મિનાક્ષીવહુ બે ચાર વર્ષ મોજમજા કરો.કમાવા માટે હજી હું સમક્ષ છું. પછી આમેય તમારી સાથે રહેવા આવી જઈશું."
તો વળી નયનાબેને તો મિતેષને વિનંતીભાવે કહ્યું કે,"દિકરા! વહુ નવા જમાનાની છે એટલે બે પાંચ વર્ષ ખમી જા. અત્યારે તો તેના શોખ પુરા કર.એકાદ બાળબચ્ચું થશે એટલે અમે સામેથી ચાલીને આવી જઈશું."
પરંતુ મિતેષે તો માબાપને કહી જ દીધું કે, "મિનાક્ષી સારા ઘરની છોકરી છે.તમે ચિંતા ના કરો."
નવા જમાનાને ખુબ સારી રીતે સમજી ચુકેલાં હરેશભાઈ અને નયનાબેન મિનાક્ષી સાથે અનુકુળ થઈને જ રહ્યાં પરંતુ મિનાક્ષીનો સાસુ સસરા પ્રત્યેનો અણગમો વધતો જ ગયો. હરેશભાઈ અને નયનાબેનનું જીવન એકદમ સાદગીભર્યું હતું. નયનાબેન તો મિનાક્ષી કહે તેમ ખડા પગે હાજર રહેતાં.ઘરકામનું દરેક કાર્ય નયનાબેને સહર્ષ સ્વિકારી લીધું હતું તો કરિયાણું, શાકભાજી તો હરેશભાઈના માથે હતું છતાંય ખાઈ વધતી ગઈ.
એકલવાયા અને સ્વતંત્ર, સ્વછંદી જીવનની લઘુતાગ્રંથિ મિનાક્ષીમાં ઘુસી ગઈ.
બસ, એક વર્ષના લગ્નજીવનમાં તો મિનાક્ષીએ મનિષને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું,"ક્યાં તો હું નહીં કે ક્યાં તો તમારાં મા બાપ નહીં! બેમાંથી એકની પસંદગી કરી લ્યો મિતેષ."
સમાધાન ના થયું તે ના જ થયું.હર્યોભર્યો સંસાર વિખેરાઈને જ રહ્યો.મિનાક્ષીએ છુટાછેડા લઈ લીધા.
મિતેષ ભાગી પડ્યો. હરેશભાઈ અને નયનાબેને ઘણો સમજાવ્યો પરંતુ મિતેષના મિનાક્ષી પ્રત્યેના નિર્મળ પ્રેમે એને હલબલાવી નાખ્યો હતો.એને એક સાચા પ્રેમ સામે વિશ્વાસઘાતનો અહેસાસ થઈ રહ્યો હતો."પ્રેમ" નામના શબ્દ પર નફરત થઈ ચુકી મિતેષને.મિતેષે એના જીવથીય વધારે ખ્યાલ રાખ્યો હતો મિનાક્ષીનો છતાંય વગર વાંકે સાવ અચાનક છોડીને ચાલી ગઈ?પ્રેમનું બંધન તો પારકાનેય પોતીકાં બનાવે છે તો આતો સગાં માબાપ એવાં સાસુ સસરાનેય પોતાનાં બનાવી ના શકી મિનાક્ષી!
છુટાછેડાના પંદરમા દિવસે મિતેષ મુંબઈમાં નોકરી શોધીને ચૂપચાપ માબાપ સાથે મુંબઈ ઉપડી ગયો.
એના હ્રદય પર એવો ઘાવ લાગી ચુક્યો હતો કે, બીજાં લગ્નની ઈચ્છા તો મરી પરવારી ચુકી હતી.
છંછેડાયેલ માનુની મિનાક્ષીએ છુટાછેડાના માત્ર બીજા મહિને તો કપિલ નામના છોકરા સાથે લવમેરેજ કરી લીધાં.કપિલ પૈસાદાર માબાપનું સંતાન હતો.
લગ્નના પાંચમા જ દિવસે મિનાક્ષીને ઉલ્ટીઓ થવા લાગી. દવાખાને ડોકટરે તપાસ કરતાં ખબર પડી કે, 'મિનાક્ષી મા બનવાની છે. ચોથો મહિનો ચાલે છે.'
થથરી ઉઠી મિનાક્ષી.હવે શું કરવું? ના વિચારોમાં ને વિચારોમાં મહિનો પસાર થઈ ગયો.કપિલ સહિત તેના આખા પરિવારને મિનાક્ષીના પ્રથમ લગ્ન વિષે ખબર તો હતી જ એટલે બીજો કોઈ તો પ્રશ્ન નહોતો. કપિલનાં પણ મિનાક્ષી સાથેનાં આ બીજાં લગ્ન હતાં.ફરક એટલો કે કપિલે એની પહેલી પત્નિને છુટાછેડા આપ્યા હતા. બીજું કે કપિલની પ્રથમ પત્નીની ચાર વર્ષની દિકરી પણ હતી.જેની ખબર મિનાક્ષીને લગ્ન પહેલાં કરવામાં આવેલ હતી પરંતુ કપિલ સહિત તેના પરિવારનું મિનાક્ષી સાથેનું વર્તન હવે સાવ બદલાઈ ગયું હતું એ મિનાક્ષીના ધ્યાને જરૂર આવ્યું.
સમયચક્ર ફરતું રહ્યું.પુરા મહિને મિનાક્ષીએ દિકરાને જન્મ આપ્યો.કપિલના પરિવારમાં તો કોઈ ઉત્સાહ નહોતો પરંતુ જાણ્યે અજાણ્યે મિનાક્ષીનું માતૃત્વ છલકાઈ ઉઠ્યું હતું અને કદાચ એટલે જ કપિલના પરિવારનાં વાણી વર્તન એને ડંખી રહ્યાં હતાં.
ખુદ મિનાક્ષીનો આત્મા પોકારી રહ્યો હતો,'તું મા બની છે મિનાક્ષી.બાળકનો પિતા મિતેષ છે પરંતુ મા તો એની તું જ છે મિનાક્ષી! છતાંય તને બાળક પર પ્રેમ ના હોય તો સોંપી દે એના બાપને!'
અસમંજસની સ્થિતિમાં એક વર્ષ વીતી ગયું ત્યાં જ કપિલ સહિતના પરિવારે પોત પ્રકાશ્યું."છોકરાને કાં તો હવે એના બાપને સોંપી દઈએ કે પછી ગમે તે બહાને અનાથાશ્રમમાં મુકી દઈએ."
મિનાક્ષીના પગ નીચેથી જમીન સરકી ગઈ.એણે મિતેષ વિષે તપાસ તો કરી હતી પરંતુ કોઈ ભાળ મેળવી શકી નહોતી. આજની હકીકતથી તો એને રીતસરનો આઘાત લાગ્યો.ઘણું મનોમંથન કરી જોયું.એના આત્માએ એને ધિક્કારીને કહી દીધું,' જોઈ લે મિનાક્ષી! હાથનાં કર્યાં હૈયે વાગ્યાં ને! તેં ખુદ તારા પતિને એનાં માબાપથી અલગ કરવા માટે પ્રયત્નો કર્યા હતા ને! જોઈ લે મિનાક્ષી!આજે તારો બીજો પતિ તારા દિકરાને મા થી અલગ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે.કેવો અનુભવ થાય છે હવે? તું તો એકલી રહેવા ટેવાયેલી છે!છોડી દે આ દિકરાને! '
કોમામાંથી બહાર આવી હોય તેમ મિનાક્ષી એકલી એકલી હાંફવા લાગી.અજાણતાં જ કપિલ અને મિતેષની સરખામણી કરી બેઠી.મિતેષ અને અેના માબાપની એકદમ પ્રેમભરી જીવનશૈલી એના માનસપટ પર ચલચિત્રની જેમ સરકી રહી હતી.
પુરા પાંચ દિવસના ગુમસામભર્યા ચહેરે મનોમંથન કર્યા પછી છઠ્ઠા દિવસની સવારે મિનાક્ષીએ કપિલ આગળ બેધડક નિર્ણય જાહેર કરી દીધો,"મારે તારાથી છુટાછેડા લેવા છે કપિલ.હું આ બાળકને એકલી રહીને ઉછેરીને મોટો કરીશ."
મિનાક્ષીનાં માબાપે આવીને મિનાક્ષીને ઘણું સમજાવી પરંતુ મિનાક્ષી એક ની બે ના થઈ.એણે જાહેર કરી દીધું કે, "હું એકલી જ રહીશ.હવે હું તમારા ઘેર પણ રહેવા માંગતી નથી."
છેવટે કપિલથી છુટાછેડા લઈને મિનાક્ષી તેના પુત્ર મિલન સાથે એકલી રહેવા લાગી. મીનાક્ષીનાં મમ્મીની વિનંતી પછી વિધવા દાદીને પાસે રાખવા સંમત થઈ ગઈ.આમેય દાદી સાથે બાળપણથી જ મિનાક્ષીને ખુબ બનતું.
મિલનને પ્રથમ ધોરણમાં પિતા તરીકે મિતેષનું નામ આપીને દાખલ કર્યો.
થોડી સમજણ આવતાં જ મિલનના અજબ ગજબના પ્રશ્નોની શરૂઆત થઈ ગઈ,"મમ્મી! મારા પપ્પા આપણી પાસે ક્યારે આવશે? મમ્મી! આજે મારી સ્કૂલમાં રાહુલનાં દાદા -દાદી આવ્યાં હતાં, શું મારે દાદા-દાદી નથી? મારાં મેડમ મને કહેતાં હતાં કે, દાદા દાદી તો સરસ મજાની વાર્તાઓ કહે. મારાં દાદા-દાદીને પણ વાર્તાઓ કહેવા બોલાવને મમ્મી!"
કોઈ જવાબો નહોતા મિનાક્ષી પાસે! જીંદગીના સરવાળાને જાતે જ બાદબાકી કરી બેઠી હતી મિનાક્ષી.
ભગવાને આપેલ ઝગમગતી જ્યોત સ્વરૂપ જીંદગીને અંધકારની ગર્તામાં ધકેલી ચુકી હતી મિનાક્ષી. એને મિતેષ યાદ આવતો હતો પરંતુ ક્યાં હતો મિતેષ!!!!
થાકી પાકી ઓફિસેથી ઘેર આવતાંની સાથે જ જીંદગીની ભૂતાવળ એના પર સવાર થઈ જતી હતી.મિનાક્ષીનાં દાદી એને જરૂર સાંત્વના આપતાં પરંતુ એમની પાસેય કોઈ ઉપાય ક્યાં હતો?
જોતજોતામાં સમય વહી રહ્યો હતો.મિલન ત્રીજા ધોરણમાં આવી ગયો પરંતુ હજી સુધી મિતેષની ભાળ તો મળી જ નહોતી.
અશાંત અને બેચેન મિનાક્ષીએ ઉતર ભારત નેપાળનું તિર્થાટન કરવાનું નક્કી કર્યું.દાદી અને મિલન સહિત ઉપડી ગઈ યાત્રા કરવા.
હરેશભાઈ અને નયનાબેને મિતેષને બીજાં લગ્ન કરવા ઘણો સમજાવ્યો પરંતુ "સમય આવવા દો"-ના પ્રત્યુતરે આઠ વર્ષ વિતાવી દીધાં.
હરેશભાઈને મનમાં કંઈક સુઝતાં એમણે નયનાબેનને હકીકત કહી, "એકદમ સાચી વાત છે તમારી મિતેષના પપ્પા! મિતેષને યાત્રા કરાવીએ. એે બહાને એના જીવનને થોડી સાતા જરૂર મળશે.સાથે સાથે આપણે પણ પ્રભુ, દેવી દેવતાઓને પ્રાર્થના કરશું.પ્રભુ નવા જીવન માટે દિકરાને જરૂર પ્રેરણા આપશે. "
બસ, મિતેષ પણ પોતાની ગાડી લઈને માબાપ સાથે ઉપડી ગયો તિર્થાટન કરવા.અત્યારે કાઠમંડુમાં હોટલની બહાર બેસીને ભૂતકાળને વાગોળી રહ્યો છે.રાત્રીના સાડા નવ વાગી ચુક્યા છે.
મિનાક્ષીનાં દાદીને પેટમાં થોડા દુખાવા જેવું લાગતાં સોડાની બાટલી લેવા મિલનને લઈને મિનાક્ષી પાર્લર પર આવી.
મિતેષને હજી એજ જગ્યા પર બેઠેલ જોઈને મિલને કહ્યું, "અંકલ તમે હજી અહીં જ બેઠા છો? ઉંઘ નથી આવતી હજી? "
પોતાના બોલકા સ્વાભાવનો દિકરો કોની સાથે વાત કરી રહ્યો છે?એ જોવા મિનાક્ષીએ નજર ફેરવી.
પગ એમ જ થંભી ગયા મિનાક્ષીના.આંખો પટપટાવીને જોવા લાગી. મિતેષને બરાબર ઓળખતાં જ એની આંખો ટપકવા લાગી.થોડાઘણાં ત્યાં હાજર યાત્રાળુઓની હાજરીમાં જ અશ્રુધારા વહેવા લાગી.સૌ કોઈ સમજે, વિચારે એના પહેલાં તો એણે મિલનને હાથેથી પકડીને રૂમ તરફ દોટ મુકી.
મિતેષે પણ મિનાક્ષીને ઓળખી લીધી હતી.એની આંખમાંય આંસુ હતાં. એક પળનોય વિલંબ કર્યા વગર મિતેષ પણ ઝડપભેર પાછળ ગયો. સાથે સાથે મિનાક્ષીની બસ સાથેનાં અને અન્ય હાજર યાત્રાળુ પણ ખરાં!
ખુલ્લા રૂમમાં મિનાક્ષી દાદીના ખોળામાં માથું નાખીને રડી રહી હતી.દાદી "શું થયું ?શું થયું? "કહી રહ્યાં હતાં.મિનાક્ષી કંઈ જવાબ આપી રહી નહોતી.
થોડા ટોળા સહિત મિતેષ મિનાક્ષીના રૂમના દરવાજે આવીને ઊભો રહ્યો ત્યારે દાદીને મિલન જવાબ આપી રહ્યો હતો,"દાદી! એક અજાણ્યા અંકલને જોઈને મમ્મી જોરજોરથી રડવા લાગી અને રૂમમાં દોડી આવી."
દિકરાનો જવાબ સાંભળતાં જ મિનાક્ષીનું રૂદન થંભી ગયું.આંસુ લુંછી બેઠી થઈને મિનાક્ષી બોલી ઉઠી,"બેટા! એ તારા અજાણ્યા અંકલ નહીં પરંતુ તારા પપ્પા છે.હા બેટા! એ તારા પપ્પા છે."
કોલાહલ સાંભળીને નીચેના માળની રૂમમાં રોકાયેલ મિતેષનાં મમ્મી પપ્પા પણ આવી પહોંચ્યાં.
મિતેષને શું કહેવું એ કંઈ સુઝતું નહોતું. છેવટે થોડું મનોબળ ભેગું કરીને બોલ્યો, "શું વાત છે મિનાક્ષી? "
તો મિનાક્ષીના પણ કંઈ બોલવાના ક્યાં હોશ હતા!
છેવટે શરૂઆત તો મિનાક્ષીએ જ કરી. મિતેષ સાથેના છુટાછેડાના કારણથી લઈને આજસુધીનું પોતાનું જીવનવૃતાંત કહીને મિનાક્ષી એટલું જ બોલી,"મિતેષ! આપની અમાનત આપને સોંપવા માંગું છું.એનો સ્વિકાર કરવાની ના પાડતા નહીં.બાકી મેં તો તમને અને તમારા પરિવાર સાથે દગો કર્યો છે.હું તમારા માટે લાયક નથી.યાત્રા પુરી થયે મિલન દિકરાને તમને સોંપવા માંગું છું."
ટોળામાંથી તાળીઓ સંભળાઈ.એ તાળીઓ નયનાબેનની હતી. તેઓ ધીરે ધીરે રૂમમાં આવ્યાં અને મિલનના માથા પર હાથ મુકીને બોલ્યાં, "જો બેટા! હું તારી દાદી છું.બોલ બેટા! તારે મમ્મી પાસે રહેવું છે કે પપ્પા સાથે."
મિલન તો આ બધું ચકળવકળ આંખે જોઈ અને સાંભળી રહ્યો હતો.એને ઝાઝી સમજ પડતી નહોતી.ત્યાં જ મિનાક્ષીનાં દાદી બોલ્યાં,"બોલ દિકરા બોલ! "
છેવટે મિલન ધીરે ધીરે બોલ્યો,"બન્ને સાથે.દાદા-દાદી પણ ખરાં જ.એમના વગર મને વાર્તાઓ કોણ સંભળાવે."
સન્નાટો છવાઈ ગયો ઘડીભર.... .
છેવટે મિતેષે મિનાક્ષીનો હાથ પકડીને ઉભી કરી.લતા જેમ વૃક્ષને વિંટળાઈ વળે તેમ મિનાક્ષી મિતેષ સાથે વિંટળાઈ વળી.
પવિત્ર ભૂમિના પવિત્ર તીર્થસ્થાનની હોટેલ પર ટોળાની તાળીઓનો ગુંજારવ માનવ હૈયાંને ભાવવિભોર કરી રહ્યો હતો.મિનાક્ષીનાં દાદી અને મિતેષનાં માવતરના આનંદની કોઈ સીમા નહોતી...
સવારે આરતી ટાણે અશ્રુભરી આંખે મિતેષ અને મિનાક્ષી ભોળાનાથને પ્રાર્થના કરીને વિનવી રહ્યાં હતાં.
એ વિનંતીમાં શું હશે એ વાચકો પર છોડું છું.