Viral video of Sajini Shinde books and stories free download online pdf in Gujarati

સજિની શિંદે કા વાયરલ વિડીયો

સજિની શિંદે કા વાયરલ વિડીયો

- રાકેશ ઠક્કર

ફિલ્મ સજિની શિંદે કા વાયરલ વિડીયો માં સજિની શિંદે ની મુખ્ય ભૂમિકા રાધિકા મદાને ભજવી છે અને ભાગ્યશ્રી ઘણા સમય પછી ફરી આવી છે છતાં નિમરત કોરની પ્રશંસા વધુ થઈ રહી છે. એ પરથી ખ્યાલ આવશે કે એ પોતાની ભૂમિકાને સહજ રીતે નિભાવી જાય છે. 2023 માં તે સ્કૂલ ઓફ લાઈઝ વેબસિરીઝમાં પણ પ્રભાવ છોડી ગઈ હતી. નિમરત આ ફિલ્મ પછી વધુ દમદાર ભૂમિકાવાળી ફિલ્મોની હકદાર બની છે. અને બીજી જાણીતી અભિનેત્રીઓને એણે પડકાર ફેંક્યો છે.

અગાઉ ઈરફાન ખાનને ધ લંચબોક્સ માં ટક્કર આપનાર નિમરત ઉપરાંત બીજી અભિનેત્રીઓએ ફિલ્મનું અભિનય સ્તર ઊંચું રાખ્યું છે. ગુજરાતી ફિલ્મ રોંગ સાઈડ રાજૂ માટે રાષ્ટ્રીય એવોર્ડ જીતનાર નિર્દેશક મિખિલ મુસાલેએ સજિની શિંદે કા વાયરલ વિડીયો માં પોલીસ અધિકારીની મહત્વની ભૂમિકા માટે નિમરતની પસંદગી કરીને અડધી જંગ જીતી લીધી હતી. નિમરતના પ્રવેશ સાથે જ ખરી ફિલ્મ શરૂ થાય છે. તે પોતાના નામ બેલા બારૂદ ની જેમ ખતરનાક સાબિત થાય છે. નિમરતની આ અત્યાર સુધીની શ્રેષ્ઠ ભૂમિકા હોવા વિષે કોઈને શંકા નહીં રહે. પોલીસ તરીકે તબુ લોકપ્રિય રહી છે પણ આ ફિલ્મમાં એને પણ દર્શકો ભૂલી જશે.

અત્યારના પ્રાસંગિક વિષય પરની આ ફિલ્મની વાર્તા પણ દર્શકોને જકડી રાખે છે. સજિની (રાધિકા) નામની એક સ્કૂલ ટીચરના લગ્ન આઇટી કંપનીમાં કામ કરતા યુવક સાથે થવાના હોય છે ત્યારે એક સ્કૂલ ટ્રિપમાં એ નશામાં યુવાનો સાથે ડાન્સ કરતી હોય છે એનો વિડીયો વાયરલ થયા પછી હંગામો મચી જાય છે. તેને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવે છે અને એને પરિવારનો સહકાર મળતો નથી. એ એક પોસ્ટ મૂકી પોતાના પિતા અને મંગેતર (સોહમ) ને જવાબદાર ગણી ગાયબ થઈ જાય છે. એણે આત્મહત્યા કરી છે કે હત્યા થઈ છે એનું રહસ્ય ઊભું થાય છે ત્યારે તપાસ અધિકારી બેલા (નિમરત) એના કેસની તપાસ હાથ ધરે છે. તપાસમાં અનેક નામ અને રહસ્ય બહાર આવે છે.

ફિલ્મની વાર્તા બહુ ઝડપથી આગળ વધે છે. સજની તરીકે રાધિકાએ શ્રેષ્ઠ કામ કર્યું છે પણ નિમરતે તપાસ અધિકારી બેલા તરીકે હાસ્યના તડકા સાથે શાનદાર કામ કર્યું છે. તેના સેન્સ ઓફ હ્યુમરના દ્રશ્યો અને વન લાઇનર્સ રંગ જમાવે છે. એનું પાત્ર બધાથી વધુ પ્રભાવ ઊભો કરે છે. ફિલ્મમાં ઔરત કો અપને હક કો હર બાર જસ્ટિફાઇ કરના પડતા હૈ અને વુમન કાર્ડ કોઈ આધાર કાર્ડ નહીં, જો હર જગહ ચલ જાયે જેવા ચબરાકીયા સંવાદ છે. સજિની સાથે શું થયું હશે એની ઉત્સુકતા બનાવી રાખવામાં નિર્દેશક સફળ થયા છે. એમણે સમાજના અનેક મુદ્દાઓને આવરી લીધા છે. બેકગ્રાઉન્ડ સંગીત દમદાર છે. નિર્દેશકે કલાકારોની પસંદગીમાં ક્યાંય ભૂલ કરી નથી અને કલાકારોએ એમનો વિશ્વાસ ખરો સાબિત કર્યો છે.

વાર્તા ઘણી જગ્યાએ ઈમોશનલ થઈ શકી નથી. મરાઠીમાં વધારે પડતા સંવાદ છે. વાર્તાના કેટલાક ટ્રેકનો જવાબ મળતો નથી. ક્લાઇમેક્સ પર હજુ વધારે મહેનત કરવાની જરૂર હતી. વિષયને કારણે ફિલ્મનો ટોન ડાર્ક રાખવામા આવ્યો છે. આવી કેટલીક ખામીઓને અવગણીને પણ નિમરત સહિતના દરેક કલાકારના અભિનય માટે આ સસ્પેન્સ થ્રીલર એક વખત જરૂર જોવા જેવી છે. સારી ફિલ્મો જોવા માગતા દર્શકો માટે આ શ્રેષ્ઠ તક છે. પ્રિન્સીપાલ કલ્યાણી તરીકે ભાગ્યશ્રી એક અલગ અવતારમાં દેખાઈ છે. સબ ઈન્સ્પેકટર તરીકે ચિન્મય જોરદાર કામ કરી જાય છે. રાધિકાના પિતા તરીકે સુબોધનું કામ સારું છે. ફિલ્મમાં કોઈ મોટો હીરો નથી એ એનો પ્લસ પોઈન્ટ છે.
વાર્તામાં આગળ શું થશે એની ઉત્સુકતા સતત બની રહે છે
. નિર્દેશકને એક વાતે ખાસ દાદ આપવી પડે કે ગંભીર અને ભારેખમ વિષય હોવા છતાં ફિલ્મ ભારે લાગતી નથી. ફિલ્મ સમાજને અરીસો બતાવવા સાથે દર્શકને અંદરથી હચમચાવી મૂકે છે. સજિની શિંદે કા વાયરલ વિડીયો એક સંદેશ આપે છે કે જિંદગી બહુ સુંદર છે અને કોઈપણ સમસ્યાનું સામાધાન આત્મહત્યા હોય શકે નહીં.