Safar ek anokha premni - 41 books and stories free download online pdf in Gujarati

સફર-એક અનોખા પ્રેમની... - 41






(આગળના ભાગમાં આપણે જોયું કે, આલોકને પોતે આલોક નહીં પણ રિતિક છે. તેની જાણ થઈ જાય છે. આ વાત સાંભળી તેનાં મગજ પર જોર પડે છે. જેને કારણે તે બેહોશ થઈ જાય છે. તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવે છે. પ્રીયંકાને આ વાતની જાણ થતાં તે પણ હોસ્પિટલે પહોંચી જાય છે. અભિજીતભાઈ બધાને પોતે કઇ રીતે સંપતી ગુમાવી બેઠા તે વિશે કહે છે. અને આ બધી વાતની જાણ થતાં આલોક કહે છે કે તેનો તો ઉપયોગ જ કરવામાં આવ્યો છે ને!!?.. હવે આગળ...)

"ના બેટા, તારો કોઈ ઉપયોગ કરવામાં નથી આવ્યો." હેત્વિબહેન આલોકનાં માથા પર હાથ ફેરવતા બોલ્યા. આલોકે પોતાનુ મોં બીજી બાજું ફેરવી લીધુ એટલે હેત્વિબહેનને દુઃખ થયુ આ જોઇ અભિજીતભાઈ બોલ્યા,
"હા, સાચુંજ બોલ્યો તું, તારો અમે ઉપયોગ જ કર્યો છે." આ સાંભળી બધાં નવાઈ સાથે અભિજીતભાઈ સામું જોવા લાગ્યા.

અભિજીતભાઈ હજુ આલોક સામું જ જોઇ રહ્યાં હતાં તેઓએ બોલવાનું શરૂ રાખ્યું, "તું રિતિક છે છતાં અમે તને આલોક કહેતાં રહ્યાં. શા માટે? ખબર છે.??...(આલોક હજું તે જ સ્થિતીમાં અન્યમનસ્ક રીતે બેઠો હતો) હું જ કહુ છું...
તું એટલે કે રિતિક અને અમારો દિકરો આલોક તમે બન્ને બેસ્ટ ફ્રેન્ડસ હતાં. તું એક અનાથ બાળક હતો. રશિયાનાં અનાથઆશ્રમમાં ગુજરાતી અનાથ બાળક જોઈને અમને પણ આશ્ચર્ય થયુ પણ હકીકત એ જ હતી. તું આલોક સાથે ઘણીબધી વાર અમારાં ઘરે આવતો રહેતો. એક દિવસ તમારાં કોલેજમાંથી ટૂર ગઇ હતી ત્યાં તમે બન્ને જંગલમાં ખોવાઇ ગયા હતાં...."

"હા, રિતિક, ત્યારે આલોકને મને ફોન કરવો હતો એટલે તે તને એક બાજુ બેસાડીને સિગ્નલ શોધવા ગયો હતો. સિગ્નલ ન મળતાં તે પાછો આવી રહ્યો હતો ત્યારે એક હિંસક પ્રાણીએ તેનાં પર હુમલો કર્યો અને તેણે રાડ નાખી, "રિતિક..." આ રાડ સાંભળી તું તરત જ એ અવાજ ની દિશામાં દોડ્યો, પણ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગઇ હતું....આલોકનું મૃત્યુ થઈ ગયુ હતું...તું ડરી ગયો ત્યાં તે પ્રાણીનું ધ્યાન તારા તરફ જતાં તું ત્યાંથી ભાગી નીકળ્યો." નીયા એકીશ્વાસે બધુ બોલી ગઇ.

આ સાંભળી વિરાજ સીવાય બધાં અચંબામાં પડી ગયા. અભિજીતભાઈ બોલ્યા, "જંગલમાં શું થયુ એ તો અમે પણ નથી જણતા તો બેટા તું એ કઇ રીતે જાણે છે અને એક સવાલ પણ પૂછવાનો રહી ગયો કે તને આ આલોક નથી, રિતિક છે તે કઇ રીતે ખબર પડી?"

નીયાએ પોતે જોયેલ સપના વિશે બધાને કહ્યું આ સાંભળી બધાં ખુશ થઈ ગયા. આગળ નીયા બોલી કે, "અને અંકલ, હું મારા આલોકનો સ્વભાવ સારી રીતે ઓળખું છુ, રિતિકનો સ્વભાવ તેનાથી અલગ છે. ફોર એકઝામ્પલ, રિતિકને એકશન મુવી જોવા ગમે જ્યારે આલોકને રોમેન્ટિક, આલોકને કાજુ-કત્રી ખૂબજ પસંદ હતી પણ રિતિકને તે જરા પણ પસંદ નથી, મેં વિચાર્યું કે માણસની યાદશક્તિ ચાલી જાય તોપણ કુદરતી સ્વભાવ થોડો અલગ થઈ જાય? છતાં હું કાઈ બોલી નહીં પણ કાલ આવેલા સપના પરથી મને વિશ્વાસ આવી ગયો કે આલોક નહીં પણ રિતિક છે."

હેત્વિબહેન બોલ્યા, "સાચેક, આલોક આવ્યો હતો? મારો દિકરો આલોક? મને તો વિશ્વાસ જ નથી થતો."

"પણ અંકલ-આંટી તેણે કહ્યુ કે હવે આગળની ઘટના તો તમે લોકો જ જણાવી શકશો." નીયા બોલી.

અભિજીતભાઈએ વાત આગળ વધારી, "અમે જ્યારે મુંબઇ આવ્યાં ત્યારે મેં જે તમને આલોકનાં ભૂતકાળ વિશે કહ્યુ હતું તે આલોકનો નહીં પણ રિતિકનો ભૂતકાળ હતો. રિતિક એક લેડીની કાર સાથે ટકરાઈને જંગલ પાસેનાં રસ્તામાં પડ્યો. તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો. પોલીસ ઇન્સપેક્ટર તન્નાએ અમને હોસ્પિટલે બોલાવ્યા. અમે હોસ્પિટલે જઇને આઇ.સી.યું નાં દરવાજામાંથી જોયું તો રિતિક જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો હતો. અમે મી. તન્ના સાથે વાત કરી તેમાં તેણે અંદાજો લગાડતા કહ્યુ કે, "આલોકને કોઈ હીંસક પ્રાણીએ માર્યો હશે, આ જોઇ રિતિક ડરીને ત્યાંથી ભાગી ગયો હશે અને એક મહીના સુધી જંગલમાં ભટકતો-રખડતો રહ્યો હશે." જુઓ આજે નીયાને પણ આલોકે કહ્યું એટલે ખબર પડી કે પોલીસ ઇન્સપેક્ટર તન્નાનો અંદાજો સાચો નીકળ્યો.
અમે રિતિકને હોંશ આવતાં તેની પાસે ગયાં, તે ઘણી-બધી વાર અમારે ઘરે આવતો તેમ છતાં તેણે ત્યાં હોસ્પિટલમાં અમને ના ઓળખ્યા એટલે અમને લાગ્યું કે રિતિક પોતાની યાદદાસ્ત ગુમાવી ચુક્યો છે આથી અમે તેનાં રિપોટૅસ કરાવ્યા અને અમારી શંકા સાચી નીકળી, તે ખરેખર પોતાનો ભૂતકાળ ભૂલી ચૂક્યો હતો. તે સમયે રિતિકની હાલત સારી ન હતી આથી ડોક્ટરે અમને તેની સાથે જેમ-બને તેમ પ્રેમથી વર્તન કરવા કહ્યું. તેની આવી હાલત જોઇ અમે તેને પોતાનો દિકરો બનાવવાનું નક્કી કર્યું અમને થયું કે એક અનાથને તેનાં માં-બાપ મળી જશેને અમને પણ આલોકની ખોટ પૂરાશે આથી રિતિકને ગમે તેમ કરીને અમેજ તેમનાં માતા-પીતા છીએ તેવો વિશ્વાસ બેસાડ્યો અને અમે તે અનાથ બાળકને પોતીકો કર્યો. અમે તેનું નામ આલોક રાખ્યું અને નક્કી કર્યું કે રિતિકને અમે આલોક જેટલો જ પ્રેમ કરીશું. એ અમારો આલોક છે એમજ માનીશું. ડોક્ટરે કહ્યુ હતું જો રિતિકને કોઈએ ભૂતકાળની ઘટના યાદ કરાવવા માટે ફોર્સ કર્યો તો તેની તબિયત વધું ખરાબ થઈ શકે છે અને કદાચ મૃત્યુ પણ....એટલે જ અમે તેને લઇને અમેરીકા ચાલ્યા ગયા. હવે અમેરીકામાં બસ અમારાં ત્રણની જ દુનિયા અમે વસાવી. રિતિકને ભરપુર પ્રેમ આપ્યો અને રિતિક પણ અમને તેનાં સગા માતા-પીતા માનીને પ્રેમ કરવા લાગ્યો. થોડાં વર્ષોમાં તો અમે તેને આલોકથી જ બોલાવવા માંડ્યા. હવે જાણે સાચે અમારો આલોક જ હોઇ તેમજ અમને લાગી રહ્યુ હતું. સાચું કહું રિતિક બેટા, થોડા વર્ષોથી તો અમે એ વાતને ભૂલી જ ગયા હતાં કે તું આલોક નથી રિતિક છે. આલોક તો દશ વર્ષ પહેલા જ આ દુનિયા છોડીને... હા બેટા અમે તને એડોપ્ટ કરીને અમારો દિકરો બનાવ્યો, પ્રેમ આપ્યો, શા માટે? અમને દિકરો જોઈતો હતો તેનાં માટે જ ને. તું સાચું કહે છે અમે તારો ઉપયોગ કર્યો છે એક દિકરા તરીકે."

અભિજીતભાઈની આંખોમાંથી આંસુ સરી પડ્યા.

હેત્વિબહેન બોલ્યા, "બેટા, અમે તારો ઉપયોગ નથી કર્યો. અમારાં માટે તું જ આલોક છે. અમે તને અમારો દિકરો માન્યો પણ પોતાના ઉપયોગ માટે નહીં. જ્યારે આપણે આટલી સંપતી ખોઈ બેઠા, કોઈ પૈસા નાં રહ્યાં ત્યારે પણ તને ચિંતા ના થાય તે માટે અમે તને આ વિશે કોઈ વાત કરી નહતી . અને રહી વાત ઈન્ડિયા આવવાની તો અમે ઇચ્છતા જ હતાં કે તું મોટો થઈને ઈન્ડિયા આવ, અહીંની સંસકૃતિ વિશે જાણ, શીખ, આપણાં આ મિત્રો અને એમનાં પરિવાર સાથે સમય પસાર કર, પણ આ દેવું થયુ તેમાં અમને બધુ ભુલાઈ ગયુ હતુ. હા, અમે સ્વીકારીએ છીએ કે નીયા સાથે તારા લગ્ન કરાવીને અમે તેની સંપતી લેવા માંગતા હતાં આથી અમે તારો ઉપયોગ કર્યો છે પણ બેટા, અમને ત્યારે એમ હતું કે તું નીયા સાથે વધું સમય પસાર કરે છે આથી તને તેનો સ્વભાવ ગમતો હશે ને આથીજ અમે તારા લગ્ન તેની સાથે કરવાનું કહ્યું. અમને સાચે એમ જ હતુ કે નીયાને પોતાનો આલોક મળ્યો છે તેથી તે ખુશ છે. એટલે જ પેલા દિવસે અમે તને નીયા સાથે લગ્ન કરવા માટે સમજાવી રહ્યાં હતાં. અમે તને પહેલેથી અમારો દિકરો જ માન્યો છે. ભગવાને અમારી પાસેથી એક દિકરો છીનવ્યો તેનાં બદલામાં બીજો દિકરો આપ્યો."

આ બધુ સાંભળીને આલોક રડી પડ્યો અને જઇને અભિજીતભાઈ અને હેત્વિબહેનને ભેટી પડ્યો. આ જોઇ બધાં ભાવુક થઈ ગયા.

તે બોલ્યો, "સોરી મમ્મી-પપ્પા, હું આલોક જ છું. તમારો આલોક. મને માફ કરી દો. મારે આવુ વિચારવું નહતુ જોઈતું. તમે મને ભરપૂર પ્રેમ આપ્યો છે. આઇ લવ યું મમ્મી-પપ્પા."

"વી લવ યું ટુ બેટા." અભિજીતભાઈ અને હેત્વિબહેન બોલ્યા અને ત્રણેય સોફા પર બેઠા.

થોડીવાર માટે હોલમાં શાંતી છવાઈ ગઇ ત્યાં નીયા પ્રીયંકા સામું જોઇને બોલી, " પણ પ્રીયંકા મને એ ન સમજાણુ કે કાલ ફોન પર આલોકનાં સમાચાર સાંભળીને તું આમ અચાનક અડધી રાત્રે હોસ્પિટલે દોડતી આવી અને જેવી ડોક્ટરે તેને મળવાની પરમિશન આપી તેવી તરતજ તું આલોકને મળવા તેનાં વોર્ડમાં ચાલી ગઇ અને તેને જોઈને તારા આંખોમાંથી આંસુ સરી પડ્યા!"

પ્રીયંકા અને આલોકને જે વાતનો ડર હતો તે જ વાત તેમનાં સમક્ષ આવીને ઊભી રહી. આલોક અને પ્રીયંકા બન્ને મૌન હતાં અને એક-બીજા સામું જોઇ રહ્યાં હતાં. બધાનું ધ્યાન તે તરફ હતું. કારણકે કાલ પ્રીયંકા જે રીતે આલોકને હોસ્પિટલમાં મળી હતી તે જોઈને બધાંને આશ્ચર્ય થયુ હતું.

"અરે..નીયા, હું...." આલોક આટલું જ બોલી શક્યો.

"તું અને પ્રીયંકા એક-બીજાને પ્રેમ કરો છો. એમ જ ને?" નીયા આલોક અને પ્રીયંકા સામું સ્મિત કરતા બોલી.

આલોક અને પ્રીયંકાની સાથે-સાથે પરિવાર નાં બધાં નીયા સામું નવાઈ સાથે જોઇ રહ્યાં એટલે નીયા બોલી, "આલોક અને પ્રીયંકા તમને શું લાગે છે કે, મને ખબર નહીં પડે એમ? જ્યારે અમે લગ્નનું મુહૂર્ત કઢાવ્યુ હતું તે દિવસે તમારાં બન્નેની આંખ આખી રાત રડીને લાલ થઈ ગઇ હતી અને બન્નેેને કારણ પુછ્યું તો એકજ સરખું બહાનું આપ્યું.
પ્રીયંકાનું મારી સગાઈમાં ન આવવું, હમેશા કામમાં તલ્લીન પ્રીયંકાનું થોડા દિવસથી કામમાં ધ્યાન ન હોવું આ બધાંથી મને થોડો શક તો ગયો જ હતો પણ કાલ જયારે મે પ્રીયંકાને આલોક માટે આટલી ચિંતામાં જોઇ ત્યારે મારો શક હકીકતમાં ફેરવાણો."

આલોક બોલ્યો, "હા, હું અને પ્રીયંકા એક-બીજાને પ્રેમ કરીએ છીએ."

"પણ તમારાં બન્નેની મુલાકાત કઇ રીતે થઈ?" અનન્યાએ પુછ્યું.

પ્રીયંકાએ આલોક સાથે નીયાનાં ઓફિસમાં પહેલી મુલાકાત, પરિચય થવો, કોન્સર્ટમાં જવું, ધીમે-ધીમે એકબીજા સાથે વાતો થવી, વિચારો મળવા અને પછી દિલનું મળવું, નીયા સાથે લગ્નનો પ્રસ્તાવ મુક્યા બાદની ઘટના આ બધાં વિશે કહ્યુ.

આ બધુ સાંભળી નીયા પ્રીયંકા પાસે જઇ તેને મસ્તીમાં ધક્કો મારતા બોલી, "તું તો છુપીરૂસતમ નીકળી."

"અરે ના મેમ..." આટલું કહી પ્રીયંકા શરમાઈ ગઇ.

નીયા બોલી, "પ્રીયંકા તે જેવી રીતે આલોકને મારા માટે સમજાવ્યો તે એક દોસ્ત જ કરી શકે બીજુ કોઈ નહીં. માટે પહેલા તો તું આ મેમ..મેમ.. કહેવાનું બંધ કર. તું મને હવેથી નીયા જ કહેજે. અને બીજી વાત એ કે હું પણ આલોકને પ્રેમ નથી કરતી. (પછી નીયાએ હેત્વિબહેન-અભિજીતભાઈ તેમજ આલોક-પ્રીયંકાને વિરાજ સાથેનો પોતાનો ભૂતકાળ કહ્યો)
અને કહ્યુ કે હું વિરાજ, આલોક બન્નેમાંથી કોઈને પ્રેમ નથી કરતી, અલબત્ત આલોક તો મારો બેસ્ટ ફ્રેન્ડ છે."

નીયાએ પોતાના એક હાથમાં આલોકનો હાથ અને બીજા હાથમાં પ્રીયંકાનો હાથ લીધો અને બન્નેના હાથ એક-બીજાને આપ્યાં. બધાંનાં ચહેરા પર ખુશી છવાઈ ગઇ.

અભિજીતભાઈ અને હેત્વિબહેન રિતેશભાઈ અને રીમાબહેન પાસે જઇને બે હાથ જોડીને બોલ્યા, "અમને માફ કરી દો, આટલા વર્ષોની દોસ્તી હોવાં છતા અમે આવુ કર્યું તે અમારી ભુલ છે પણ મજબૂરીમાં મગજ બંધ પડી ગયો હતો. બાકી સાચેક અમને કોઈ સંપતી મેળવવાની લાલચ નહતી."

"બસ,બસ...અમને પણ અમારાં વર્તન પર પસ્તાવો થાય છે. અને તું તો મારો પાકો મિત્ર છે તું આમ માફી ના માંગ." રિતેશભાઈએ અભિજીતભાઈનાં હાથ પકડી લીધાં.

રીમાબહેન અને હેત્વિબહેન બન્ને ભેટી પડ્યા. રિતેશભાઈ, અભિજીતભાઈ અને રાહુલભાઈ ત્રણેય જુના મિત્રો એક-બીજાને ભેટી પડ્યા. આલોક, અનન્યા અને નીયા ત્રણેય બેસ્ટ ફ્રેન્ડ્સ ગળે મળ્યા. મેહુલ, પ્રિયા, અવિનાશ, વિરાજ અને પ્રીયંકા એક સાથે ભેટી પડ્યા.

"ચલો, અંત ભલા તો સબ ભલા." રાહુલઅંકલ હસતા-હસતા બોલ્યા. બધાં હસવા માંડ્યા પછી બધાએ એક-બીજાનું મોં મીઠુ કરાવ્યું. અને બધાં હસી-મજાક કરવા માંડ્યા.

પ્રીયંકાનાં પરિવારને સમગ્ર ઘટનાની જાણ કરતા તેઓ આલોકનાં પરિવારને મળવા આવી ગયા અને અવિનાશ અને અનન્યાની સાથે-સાથે જે દિવસે આલોક અને નીયાનાં લગ્ન નક્કી કરવામાં આવ્યાં હતાં, તે જ દિવસે તેની જગ્યાએ આલોક અને પ્રીયંકાનાં લગ્ન નક્કી થયાં. બીજે દિવસે અવિનાશનાં માતા-પિતા પણ દિલ્હીથી અહિયાં આવી ગયા. આલોક અને તેનાં પરિવારનો વિરાજ સાથે સારો સંબધ બની ગયો હતો. તેમજ પ્રીયંકા હવે નીયાની ફક્ત પર્સનલ આસિસટન્ટ ન રહેતાં તેની ફ્રેન્ડ બની ગઇ હતી. લગ્નને હવે થોડાજ દિવસોની વાર હતી. લગભગ બધુ જ કામ ઇવેન્ટ મેનેજરને સોંપવામાં આવ્યુ હતું. બધાં સગા-સંબંધીઓને આમંત્રણ આપી દેવામાં આવ્યુ.

*****

લગ્નને હવે ફક્ત એક અઠવાડિયાની વાર હતી. બધી તૈયારીઓ લગભગ પૂર્ણ થવા આવી હતી. નીયા પોતાની ઓફીસમાં બેઠી હતી અને પોતાનુ કામ કરી રહી હતી. ત્યાંજ પ્રીયંકા ત્યાં આવી અને તેણે નીયાને કહ્યું

"નીયા સાંજે મારી સાથે તું શોપિંગ માટે આવીશ?"

"બધી જ શોપિંગ અને તૈયારી તો થઈ ગઇ છે, લગ્નને એક વીકની વાર છે. હવે શું બાકી છે?" નીયા આશ્ચર્ય સાથે બોલી.

"અરે, મારે અમુક મેક-અપનો સામાન લેવો છે. એટલે." પ્રીયંકા બોલી.

"યાર પ્રીયંકા તને તો ખબર છે ને કે હમણા બહુ કામ છે તો..." નીયા અચકાતા બોલી.

"બહુ ફ્રેન્ડ ફ્રેન્ડ કરતી હોય છે, ને ફ્રેન્ડ સાથે શોપિંગમાં પણ નહીં આવ?? " પ્રીયંકા ગુસ્સામાં બોલી.

"તારી, દાદાગીરી તો ગજબ છે હો..આવીશ, મારી માં." નીયા હસતા-હસતા બોલી.

"થેન્ક યું." કહીને તે ઓફીસની બહાર નીકળી અને કોઈને ફોન કરીને કહ્યુ, "હા, મે તો આપણા પ્લાન મુજબ શરૂ કરી દીધું છે. હવે તારો વારો...ઓલ ધી બેસ્ટ."
આ શું? પ્રીયંકા ક્યાં પ્લાનની વાત કરે છે?. જાણવા માટે વાંચતા રહો.... સફર-એક અનોખા પ્રેમની....