Saata - Peta - 7 books and stories free download online pdf in Gujarati

સાટા - પેટા - 7

સૂરજ ઊગીને આભમાં રાશવા એક ચડ્યો હતો. રંગપુર અને નેસડા ગામના સીમાડા વચ્ચે આવેલા ખેતરમાં, ઊંચા,ધટાદાર અને ધેધૂર વડની ટોચ ઉપર ચડીને એક યુવાન, લાંબી.... લાંબી નજરે કાંઈક જોઈ રહ્યો હતો.'કેમ હજુ સુધી આવી નહીં હોય?' કે પછી બીજા ખેતરે તો જવાનું નહીં થયું હોય ને ?' કે પછી ક્યાંક ગામગોઠ તો નહીં ગયી હોય ને ?' કે પછી અચાનક નું બીજું કોઈ કામ તો માથે આવી નહીં પડ્યું હોય ને ?' વગેરે જાત જાતના સવાલો તેના મનમાં ઊઠતા હતા. પરંતુ બીજી જ પળે તેનો માંહ્યલો પોકારી ઊઠ્યો.'ગમે તે ભોગે, તે આવશે તો ખરીજ !'પરંતુ આજનું ટાણું (સમય) થઈ ગયું છે.છતા
હજુ સુધી નથી આવી એનું શું ?'
જેમજેમ સમય વીતતો ગયો તેમ તેમ તેના ચહેરા ઉપર ચિંતાના ભાવ પ્રગટ્યા. સૂર્યપ્રકાશથી બચવા હથેળીની છાજલી બનાવી તે દૂર દૂર બને એટલે દૂર દ્રષ્ટિ દોડાવવાની કોશિશ કરી રહ્યો હતો . કેટલીયે ક્ષણો તેણે એમ જ નજર દોડાવતાં બેચેનીમાં જ પસાર કરી .તેની નજરે ઘણી દૂર કોઈ સ્ત્રી આકૃતિ આ તરફ આવતી હોય એવું તેને લાગ્યું. અને બીજી જ પળે તે યુવાનનો ચહેરો આનંદથી ખીલી ઉઠ્યો. હોઠો ઉપર હાસ્ય તરી આવ્યું ,આખોમાં અજબ પ્રકારની ચમક તરી આવી. અને આઠે અંગમાં યુવાની ડોકાઇ આવી.ને તે સાથે જ આજુબાજુની હવાબ પણ જાણે કે પ્રેમમય બની ગઈ .
પરંતુ થોડી જ ક્ષણોમાં એ બધું અદ્રશ્ય થઈ ગયું. કારણ કે તે સ્ત્રી છોડે નજીક આવ્યા બાદ ,ખેતરોમાં બીજા આડા રસ્તે ફંટાઈ ગઈ .અને દૂર દૂર ના ખેતરોમાં તે સરકી ગઈ. એ કોઈક બીજી જ સ્ત્રી હતી ને ફરી પાછો તે યુવાનના મો ઉપર ઉચાટ તરી આવ્યો .પ્રથમ વખત જાગેલા પ્રશ્નોનું મનમાં પુનરાવર્તન થયું .ને એ બેચેનીમાં જ લાંબી- લાંબી નજર ગામ તરફ દોડાવતાં લગભગ બે કલાક સુધી વડ ની ટોચ ઉપર વીતાવ્યા . આખરે ના છૂટકે થાકીને, હારીને, નિરાશ થઈને , ભાગેલા પગે ,તૂટેલ હૈયે અને ઉતરેલા ચહેરે તે યુવાન વડ ઉપરથી નીચે ઉતર્યો . શામજી માંડમાંડ વડ ઉપરથી નીચે ઉતર્યો. ખેતરમાં બાજરીનો પાક હિલોળા લઇ રહ્યો હતો . બાજરીમાં ડૂંડાં ની અંદરના દાણા સૂર્યપ્રકાશમાં મોતીની જેમ ચમકી રહ્યા હતા. વાયરાના લહેરાટમાં એ ડૂંડાં એકબીજાને અથડાઈને, જાણે કે યુવાનીની મોજ માણતાં હતાં .જાણે કે એ શામજીની હાંસી ઉડાવતાં ન હોય ?'
શામજી વડ નીચે જમીન ઉપર બેસી ગયો . અનાયાસે જ તેની નજર ઉપર ગઈ. વડની ડાળ ઉપર બેસીને એક પોપટ અને પોપટી, ચાંચમાં -ચાંચ ભરાવીને, કંઈક મીઠી પ્રેમ- ગોઠડી કરી રહ્યાં હતાં .શામજી મનોમન વિચારી રહ્યો. પોતે અત્યારે ખરેખર કેટલો કમનસીબ હતો. આ પોપટ અને પોપટીના યુગલની સરખામણીમાં .અને તેનું મન તરંગે ચડ્યું કાશ,આ પોપટ અને પોપટી ની જેમ, પોતાને અને રાધા ને પણ પાંખો હોત તો ?' તો તે અને રાધા પણ, ક્યાંક દૂર દૂર આકાશમાં ઉડી જઈ ને, કોઈક ઘટાદાર વડની છાયામાં બેસીને શાની ચાંચમાં ચાંચ ભરાવીને અત્યારે મીઠી -મીઠી ગોઠડી કરતાં હોત. આ પંખી યુગલની જેમ જ !
'રાધા ! હા પોતાના રુદિયાની રાણી રાધા .એના સ્મરણ માત્રથી જ શામજી નો ચહેરો પ્રફુલિત થઈ ઊઠ્યો. ને બીજી જ પળે ,રૂપથી મઢેલો રાધાનો ચહેરો ,તેની આંખો આગળ તરવરી આવ્યો . અજંતા- ઇલોરાની ગુફાની કલાકૃતિઓની ઝાંખી કરાવતાં અંગો વાળી રાધા, સોનેરી ધઉવરણા વાન વાળી રાધા ,મૃગલી જેવી અણીયાળી આંખો વાળી રાધા ,ને હરણીની ચાલ જેવી ચાલ વાળી રાધા. ને આ બધાયનું મિશ્રણ કરીને વિશ્વ મોહિનીનો ભ્રમ પેદા કરતી રાધા. આમાંથી કઈ રાધા નો પોતે આશિક હતો તેની તો ખુદ શામજીને પણ ખબર ન હતી. કારણ કે આ બધી રાધાઓ એક થઈને આ રાધામાં સમાઈ ગઈ હતી પેલા કૃષ્ણ ભગવાનને પ્રેમ કરતી હતી ને ,બસ એવી જ રાધા ! પરંતુ સામે પોતે ક્રિષ્ણા ભગવાનની ચરણોની રજ થવાને પણ લાયક ન હતો .અને છતાં આ રાધા પોતાને પ્રેમ કરતી હતી .તે આગળ વિચારીએ રહ્યો .આ સ્ત્રીના દિલના ઊંડાણ સુધી કોઈ પહોંચી શક્યું નથી. ને પહોંચી પણ શકશે નહીં .તે માણસના કયા ગુણ ઉપર ક્યારે મોહી પડે ,તે કંઈ કહેવાય નહીં .તો પોતે કોઈ મોહી પડે એટલો બધો રૂપાળો છે ? અને પોતાનામાં એવા તે શું હીરા ટાંક્યા છે ?' છતાં આ રાધા પોતાના ઉપર મોહી પડી હતી. અને પોતે રાધા ઉપર . સૂર્યપ્રકાશના ગરમકિરણોનો મોંએ સ્પર્શ થવાથી શામજીની વિચાર તંદ્રા તૂટી .સુરજ પશ્ચિમ તરફ ઢળી ચૂક્યો હતો. તેણે ઝડપથી ઘાસ કાપીને ચારનો ભારો બનાવ્યો ને તે લઈને રંગપુર ગામ તરફ આવવાના થયો. ગામમાંથી પસાર થતાં આશા ભરી એક નજર રાધા ના ઘર તરફ પણ નાખી ,પરંતુ નિરાશા જ સાંપડી ,આખરે તે ઘેર આવ્યો .
બીજા દિવસે બરોબર એ જ સમયે ,એ જ યુવાન,એજ વડની ટોચ ઉપર ચડીને, એવી જ ઉચાટ ભરી અને લાંબી- લાંબી દ્રષ્ટિ નાખીને ,ગામની કેડી તરફ જોઈરહ્યો હતો ગઈકાલના પ્રશ્નોનું જ તેના મનમાં પુનરાવર્તન થયું .ને અચાનક તેને વિચાર આવ્યો.કે પછી સાજી -માદી તો નહીં થઈ હોય ને ?''તે આગળ વિચારી આવતાંજ તેના ચહેરા ઉપર ચિંતા તરી આવી.તે આગળ વિચારી રહ્યો. ગામમાં હશે તો- તો પાતાળ ફોડીનેય આજે તો આવ્યા વગર નહીં જ રહે .શામજીની આંખોએ હજુ આશા ગુમાવી નહોતી. અને ગામ તરફની કેડીએ દૂર -દૂર કોઈ સ્ત્રી આકૃતિ તેને આ તરફ આવતી દેખાઈ . કેડી વચ્ચે અને તેની વચ્ચે ધણું અંતર હતું .છતાં શામજીનો ચહેરો આનંદથી ખીલી ઉઠ્યો. મોં ઉપર હાસ્ય તરી આવ્યું ,આંખોમાં ચમક ને શરીરમાં નવું જોમ ઉભરાઈ આવ્યું .તે સ્વગત બગડ્યો .'હા ,હા એ જ છે ! નક્કી એ જ છે ! ભલે ને ઓઢણી આજે બીજા રંગની ઓઢી હોય, પરંતુ હેડણી (ચાલ) તો એની જ છે.એ સ્ત્રી થોડી વધુ નજીક આવી એટલે શામજીએ તેને હવે સ્પષ્ટ ઓળખી . હા તે રાધા જ હતી .ને શામજી ઝડપથી વડની ટોચ ઉપરથી નીચે ઉતરવા લાગ્યો.
શામજી વડ ઉપરથી નીચે ઉતર્યો એટલી વારમાં રાધા પણ વડ નીચે આવી ગઈ હતી .બંને સામસામે આવીને ઊભાં રહ્યાં .બંનેની આંખો મળી ,શામજી ને ઘણું બધું પૂછ્યું હતું ઘણી બધી ફરિયાદ કરવી હતી ,પરંતુ એ આખો જોતાં જ શામજી જાણે કે બધું જ ભૂલી ગયો. ને કેટલીક ક્ષણો બને એમ જ સ્થિર થઈ ગયાં .
'પરમ દી'થી ક્યાં અલોપ(ગૂમ ) થઈ ગઈ હતી ?'આખરે શામજીએ મૌન ભંગ કર્યો . 'નીચે બેસશો કે પછી બધુંય ઉભા -ઉભા જ પૂછશો ?' રાધા એ આખો નચાવી. બે ડગલાં આગળ વધીને શામજીએ રાધા નો હાથ પકડી લીધો ને તે જમીન ઉપર લગભગ ફસડાઈ પડ્યો હોય તેમ રાધા ને ખેંચતાં બોલ્યો. ' આ નીચે બેઠા લે બસ !'ને સાથે જ બંને જમીન ઉપર ગબડી પડ્યાં .અથડાયા ન અથડાયા ને પાછાં અલગ પણ થઈ ગયાં .
'જોર (તાકાત) નથી ઝાલ્યું રહેતું ?' રાધા એ છણકો કરતાં બનાવટી ગુસ્સો કર્યો . 'ના !' કહેતા શામજી રાધા તરફ વધુ સરક્યો .
રાધા થોડે દુર સરકતો બોલી .'તો જાઓ ને ક્યાંક આદમીઓ વચ્ચે જોર બતાવો. અહીં બૈરાં મને'ખ પાસે જોર બતાવવાથી શું વળે ?'. 'સમય આવ્યે આદમીઓ વચ્ચે પણ બતાવી દઈશ, સમજી ?'શામજીનો ચહેરો સહેજ કડક થયો. 'હું તો અમસ્તી જ, ચુડાવું છું જો જો પાછા રીસે ભરાતા.'કહેતી રાધા શામજી પાસે સરકી આવી.ને તેણીએ બંને હાથનો હાર બનાવી ને શામજીના ગળામાં ભેરવી દીધો.કેટલીક ક્ષણો બંને આંખોથીજ વાતો કરતાં રહ્યાં.અચાનક શામજીને યાદ આવ્યું હોય તેમ પુછ્યું.'પરમ દિવસથી ક્યાં ગૂમ થઈ ગઈ હતી,એતો તે કીધું જ નહીં ?'
'મોસાળ ગઈ હતી.નહોતી ક્યાંય નાસી ગઇ.'
'અત્યાર ની છોડીઓ (છોકરી)નું ભલું પૂછવું.કયાક સારું ભાળે તો નાસી પણ જાય.' ' અને છોકરાઓ નું ?'
'હે...એ..! હેં...એ..!' છોકરાઓ નું તો એવું કે સામે જેવું મનેખ.' શામજીની જીભે લોચા વાળ્યા.અને તેણે વાત ફેરવી લીધી.'જોતી નથી,ઠેક કાલ થી વાટ (રાહ) જોઈ જોઈને હું અડધોય નથી રહ્યો એ !'
'અડધા તો શું,દોરા ભાર પણ ઓછા થયા હોય એવું મને તો નથી દેખાતું.' રાધા એ મજાક ચાલુ રાખી.
'હમણાં -હમણાંથી તું બહુ હોશિયાર થઈ ગઈ છે હો !કોઈ સીધું પૂછે એનોય આડોજ જવાબ આપે છે .'
'એ તો જેવો સંગ એવો રંગ !'રાધા માથા ઉપરથી સરકતી ઓઢણી સરખી કરતાં બોલી. 'અંહી નજીક આવીશ તો કાંઇ અભડાઇ નહીં જાય.' દૂર શરકતી રાધા ને શામજી એ પોતાની તરફ ખેંચી. ને શામજીના થોડાક ખેચાણ છતાંય રાધા, શામજીના ખોળામાં ગબડી પડી. ને ખોળામાં માથું રાખીને એમ જ પડી રહી અને બોલી .'લ્યો ,આ પાસે આવી ,બચકું ભરવું છે કંઈ ?'
'આઘે હોય ત્યારે તો એમ જ થાય છે, કે 'ગાલ કરડી ખાઉં ,પરંતુ પાસે આવતાં જ બધી જ ભૂખ ભાંગી જાય છે.' કહેતાં સામજીએ ચહેરાને નીચે ઝૂકાવ્યો.
' એમ ?' એવું તે શું રૂપ ભર્યું છે આ ખોળિયામાં ?'રાધા ના સ્ત્રી સ્વભાવે પૂછ્યું . 'કોઈ વખત દર્પણમાં મોઢું જોયું છે તારું ?' જોઈશ તો તું, તારા ઉપર જ મોહી પડીશ, એવું છે .'. 'તે તમારી આ આંખો પણ દર્પણ જ છે ને ,ને મને તો એમાં તમેં કેદજ કરી લીધી છે ને !'રાધાની આંખો સ્થિર હતી, માત્ર હોઠ હાલતા હતા .ને બીજી જ પળે શામજી એ રાધા ના ગુલાબી હોઠ ઉપર દીર્ધ ચુંબન ચોડી દીધું . કેટલીક ક્ષણો બંને પ્રેમ સૃષ્ટિમાં ખોવાઈને કોઈ અલૌકિક દુનિયામાં ઉતરી પડ્યાં .
રાધા અને શામજી એકબીજાને ભરપૂર પ્રેમ કરતાં હતાં જરૂર , પરંતુ હદ થી આગળ વધવાનો બંને એ વિચાર શુધ્ધો કર્યો ન હતો .લગ્ન પહેલાં લક્ષ્મણ રેખા ના ઓળંગવાના એકબીજાને કોલ આપ્યા હતા .અને એ બંને ને એકબીજા ઉપર પૂરો ભરોસો હતો .રાધા હજુએ બંધ આંખો કરીને શામજીના ખોળામાં સૂતી હતી .અને લાંબા લાંબા શ્વાસ લઈ રહી હતી. તેનાથી તેનો ઉર પ્રદેશ ઉંચો નીચો થતો હતો .રાધા ની રૂપ દૃષ્ટિમાં ખોવાયેલો શામજી પોતાના હૈયા સાથે યુદ્ધ કરી રહ્યો હતો. અનાયાસે જ શામજીનો હાથ પોલકું તોડવા મથતા ઉરપ્રદેશને સ્પર્શી ગયો. રાધા ઝબકીને બેઠી થઈ ગઈ, ને ઠપકા ભરી નજર શામજીની આંખમાં નાંખતાં બોલી .'બસ આટલું જ !એટલી વારમાં જ ચળી ગયા. ?'
'ના રે ના ,એ તો અમસ્તો જ !'પણ તારું આ જોબનિયુ ગમે તેવા ને પણ ,ઘડીમાં જ ચળાવી નાખે એવું છે .'
'રહેવા દો હવે ,મધ જેવું મીઠું બોલીને સામે ના ને ક્યાંક ચળાવી નાંખશો પાછા .' કહેતી રાધા એ ફરી પાછું માથું શામજીના ખોળામાં ઢાળી દીધું.શામજી હાથનાં આંગળાં માં તેણીના આંગળાં ભરાવીને રમાડવા લાગ્યો. કેટલોક સમય બંને નજરોથી જ એકબીજાના રૂપને પીતાં રહ્યાં ''શામજી ..!' 'હા ..આ..!'
' એક વાત કહું ?'રાધા એ ખામોશી તોડી .
'એમાં વળી પૂછવાનું શું હોય ?'શામજીની રમત હજૂ ચાલુ હતી . 'આ મંગુને આપણે વચ્ચેથી સાવ પડતી મેલી ,એ સારું નથી કર્યું હો!' કહીને રાધા શામજી સામે જોઈ રહી. 'તે આપણે ક્યાં એને વચ્ચેથી પડતી મેલી છે ?' અને ક્ષણિક અટકીને શામજીએ આગળ ઉમેર્યું 'પરંતુ રાધા, તું તો સમજે છે ને. કે' એક મ્યાનમાં બે તલવાર કોઈ દિવસ સમાય ખરી ?'. 'તે હું કે એમ ક્યાં કહું છું કે તમે ,તેને 'તમારામાં સમાવી લો .પરંતુ અમથી અમથી પણ આપણે એને ,હારે (સાથે )રાખી હોત તો સારું .તેના જીવને પણ થોડી ટાઢક રોત.'
ક્ષણેક અટકીને શામજી ધીરેથી બોલ્યો .'રાધા, સાચું કહું ?' મને એ મગુડીની બીક લાગે છે .'. રાધા ચમકી ગઈ.' મર્દ જેવા મર્દ થઈને, એક સ્ત્રી થી બીવો છો ?'
'મરદ તો ખરો જ.પરંતુ એની આંખોથી આંખો મળતા જ એની આંખોની અંદર કંઈક બીજું રમતું હોય તેવું લાગે છે. ને તેમાંય તેને ક્યાંક એકાન્તમાં સામે આવતી જોવું, ત્યારે તો તેનાથી રીતસર નો થથરી જ જાઉં છું .'
'તમે ધારો છો, એવી કદાચ એ ન પણ હોય.' રાધાએ કહ્યું 'હું ધારું છું એવી એ હશે કે નહીં એ તો ભગવાન જાણે, પરંતુ એ ધારે છે એવો હું નથી . તેથી જ તો બીક લાગે છે. ને ક્ષણેક અટકીને શામજી આગળ બોલ્યો .'સાચું કહું રાધા ?'અંહીં વનવગડા વચ્ચે પણ તું મારા ખોળામાં સુતી હોય ,તોય તારી ઉપર ભરોસો છે. કે કદીક ને મારું મન લપટયુ ,તોય તું પાપમાં પડવા નહિ દે. પરંતુ તારી એ ગોઠણ (સખી) ની આંખોમાં તો ન જાણે શું છે કે. --'
' એ જે હોય તે ! પણ દિલ તૂટેલી સ્ત્રી, ને ઘાયલ નાગણી ને. બંનેને સરખાં જ સમજવા . દસ વર્ષે પણ પોતાને લાગેલો ઘા નથી ભૂલતાં .'. 'પરંતુ મેં ક્યાં મંગુ નું કાંઈ બગાડ્યું છે તે મારા માથે એ વેર રાખે ?'
'લ્યો આ બધી ફાલતુ વાતોમાં, જે કહેવાનું હતું એ તો સાવ ભૂલી જ ગઈ.' રાધા ને અચાનક કંઈક યાદ આવ્યું હોય તેમ બોલી . 'શું કહેવાનું હતું, કહે તો જોઉં ?'
'કાલે સવારે હટાહણું કરવા (કરિયાણું લેવા) કામલપુર જવાનું છે એ !' 'એમ ?' કોણ કોણ જવાનાં છો ?શામજીની આંખમાં નવી ચમક આવી.
' હું ને શંકરની વહુ બેય એકલાં જ જવાનાં છીએ તમે આવશો ?'કહીને રાધા શામજી સામે આશા ભરી નજરે જોઈ રહી . 'અરે પગલી, તું શહેરમાં જાય, ને 'હું ન આવું એ બને ?'તમો બંને પહેલાં બંદાતો ત્યાં પહોંચ્યા જ સમજો .'અને પછી ધીમેકથી પૂછ્યું 'શંકરની વહુ કેવીક છે ?' વાતનું વતેસર કરે એવી તો નથી ને ?'
'ના રે ના ,એમ ક્યાં એ બીજીઓના જેવી અધૂર પેટી છે. 'સારુ તો -તો જરૂર આવીશ ,મોટાભાઈ પુના ને હટાસણા નું કે સાજા માદા નું કંઈક બહાનું બતાવી દઈશ .'
'તમને બહાનાં ઉભાં કરતાં જબરા આવડે છે હોં .'કહીને રાધા ચાલવા ગઈ. એ જ વખતે શામજીએ તેણીને ખેંચીને ગોરા ગાલ ઉપર ચુંબન ચોડી દીધું.
'લયો છોડો હવે ! બાર દિવસ બેસીશું તોય, જીવતો જુદા પડવાનું નહીં કહે .'રાધા હાથની પકડ ઢીલી કરાવતાં બોલી શામજીએ પકડને વધુ મજબૂત કરી .રાધા ને પોતાનામાં સમાવી લેવા માંગતો હોય શરીરને મસળી નાખ્યું . ને તેણીને લગભગ ધક્કો મારતો હોય તેમ દૂર હડસેલી લીધી 'લે જા હવે નહીં તો પાછું --'
'નહી તો,શું કરી નાખવાના હતા પાછું --'. કહેતાં ફસડાઈ પડી હોય તેમ રાધા પાછી શામજીની બાહોમાં આવી ગઈ શામજીનું શરીર સળગી ઊઠ્યું ,નશો ફાટી જાય એટલા વેગથી દોડવા લાગી .ને પોતાને જ પોતાનો વિશ્વાસ ન રહ્યો હોય તેમ ,સમજીએ રાધા ને ધક્કો મારીને દૂર હડસેલી દીધી .અને બીજી જ પળે શામજી ઉંધો ફરીને દોડતો હોય તેમ બાજરીમાં ભાગવા લાગ્યો .
'ઉભા રહો ! હવે નહી સતાવુ બસ ?' પાછા ન વાળો તો મારા સમ !'રાધા કહેતી હતી .પરંતુ શામજી જાણે કે કંઈ સાંભળતો જ ન હતો .આ ક્ષણે પાછળ નજર કરવામાં પણ જાણે કે તેને પાપ લાગતું હતું .
લગભગ અડધા ખેતરમાં જઈને શામજી ઉભો રહ્યો કેટલીક ક્ષણો પોતાની જાત સાથે જ યુદ્ધ ખેલતો રહ્યોં .ને ત્રીજી જ પળે પોતાના ચંચળ મન ઉપર તેણે વિજય મેળવ્યો. અને પાછો રાધા પાસે આવતાં બોલ્યો .'હવે તો તું, લાખ નખરાં કરીશ ,તોય તારાથી કંઈ નહીં વીતે .એ ધડી તો ગઈ હવે .' રાધાને આમાં કાંઈ ખબર પડતી ન હતી.તે વિચારી રહી.શામજીને આમ અચાનક નું શું થઈ ગયું હતું?'તે ઘડી પહેલાં તો એ બાજરીમાં ભાગવા માંડ્યો હતો .અને એટલી વારમાં અચાનક એવું તે શું થયું તે પાછો પણ આવી ગયો.અને કહે છે કે હવે તારા થી કાંઈ નહીં વીતે. રાધા એ શામજીની આંખમાં આંખ પરોવતા પુછ્યું ''ઘડી પહેલા જ એવું તો શું થઈ ગયું હતું ? કે અહીંથી ભાગવા માંડ્યા હતા ? અને એટલી વારમાં એવું તે શું થઈ ગયું છે, કે 'કહો છો કે હવે તારાથી કંઈ નહીં વીતે ?' શામજી કોઈ મહા સત્ય ઉચચારતો હોય તેમ ,ગંભીર સાદે બોલ્યો . 'રાધા, પુરુષ નો આવેગ એ એવી ચીજ છે કે ,સારા -નસરા નો વિવેક ભૂલી બેસે છે. આવેગ ની એ એક ક્ષણ જો પુરુષ પોતાની જાતને સંભાળી લે તો ,પછી સાત મેનકાઓ હોય તો પણ તેનો તપોભંગ ન કરી શકે .પરંતુ એ એક ક્ષણ ઉપર વિજય મેળવવો મહા મુશ્કેલ છે .' 'તો શું તમને પણ એવો આવેગ ?'. ' હા રાધા, હું પણ એક યુવાન મરી છું .એ ઘડીએ મારામાં પણ એ આવેગ ઉમટ્યો હતો. જયારે મને એમ લાગ્યું કે મારી જાતને હું સંભાળી નહીં શકું ,તેથી તે ઘડીએ હું તારાથી દૂર ભાગી ગયો હતો .ને એ આવેગ ઉપર વિજય મેળવીને પાછો તારી પાસે આવી ગયો છું.
'આ આદમીનું દિલ તો ,ન ઓળખાય એવું હો !'
'ને સ્ત્રીનું દિલ તો એનાથી પણ અટપટું .'કહીને બંને હસી પડ્યાં . 'લ્યો હવે જાઉં ,કાલે કામણપુર જવાનું છે એ ના ભૂલતા .'કહીને રાધા પીઠ ફેરવીને ગામ તરફ ચાલતી થઈ. શામજી તેને જતી પ્રેમ ભરી નજરે જોઈ રહ્યો.
કામલપુર .
પંદરેક હજાર ની વસ્તી ધરાવતું નાનું શહેર .અનાજનું પીઠું પણ ત્યાં, ને વાણીયા ની વખારો પણ ત્યાં .કાપડ ને કરિયાણાની મોટી દુકાનો પણ ત્યાં ,ને મોચી તથા મોંઘા સોનારેય ત્યાં .તાંબા પીતળના વાસણોની દુકાનેય ત્યાં ,ને કટલરી ને દરજીડાઓની હાટડીઓ પણ ત્યાં . આ વિસ્તારમાં આજુબાજુનાં ગામડાનો બધો વહેવાર કામલપુર સાથે જ સંકળાયેલો હોવાથી, અને બહારની દુનિયાનો આ વિસ્તારને ઝાઝો પરિચય ન હોવાથી, આ વિસ્તારના લોકોને મન શહેર ગણો ,નગર ગણો, કે મહાનગર ગણો. જે ગણો તે આ કામલપુર જ હતું .ચાર ગાઉ (12 km ) ચાલતા જવાનું ને ચાર ગાઉ વળતાં પાછા આવવાનું .ત્રણ- ચાર કલાક તો શહેરમાં હટાસણુ કરતાં લાગશે ,આમ બધી જ ગણતરી કરીને રાધા અને પશી (શંકરની પત્ની) કામલપુર જવા રવાના થયાં હતાં ધણીએ ઉતાવળ કરી તોય સવારના આશરે નવ એક વાગી ગયા હતા. રાધા એ અત્યારે સાત મીટર કાપડ નો મોરપીંછ કલરની નવી સેટ નો ઘાઘરો, પોલિસ્ટર નું ચપોચપ પોલકું અને માથા ઉપર ગવનની ચુંદડી ઓઢી હતી .આંખમાં કાળી કાજળ પણ આંજી લીધી હતી . ધૂળિયા રસ્તે બન્ને જણીઓ આગળ વધી રહી હતી .પાંચ ડગલાં આગળ નીકળી ગયેલી રાધા ,'હેડને ભાભી ઉતાવળી .'કહેતા પાછળ ફરી .પરંતુ પશી ને પોતાના તરફ જોઈને હસ્તી જોતાં સહેજ શરમાઈ ગઈ, ને બોલી 'કેમ ભાભી હશે છે ?' 'એ તો અમસ્તી જ !'કહેતા પશી એ વાતને ટાળી. ' ના ના મારા સમ . સાચું કહે તો ? મને જોઈ ને કેમ હસવું આવ્યું ?'રાધા એ કેડો પકડ્યો .
'એ તો તને આજે આમ પરવારેલી જોઈને થયું કે વજેગઢ (રાધા ના સાસરે) થી કોઈ આવવાનું છે કે કેમ ?'
' એ ડોહલુંમાં ઠેક કામલપુર હેડીને આવે એટલી પોચ (શક્તિ) જ ક્યાં છે ?'રાધા એ મો બગાડ્યું .
'ત્યારે પરવારી (તૈયાર થઈ ) તો એવી છો કે ,જાણે કે આજે જ જાન આવતી ના હોય ?'પશી બોલી .
'આ ભવ તો, આવી રહી હવે જાન મારી બુન ! ને થોડું ને કંઈ એક ભવમાં બે વખત કોઈથી પરણાય છે ?' રાધા નિરાશ વદને બોલી . 'તે પરણ્યા હશો ત્યારે તો રૂડીરૂપાળી જાન પણ આવી હશે ને ?'
'આવી હશે જાન, પણ મને કંઈ પૂરું યાદ નથી. પણ મનેખ વાતો કરે છે, કે 'ચોરીના ચાર ફેરા પણ મને 'કાળા કાકા' એ તેડીને જ ફેરવ્યા હતા.
'આ મનેખે પણ કેવા ઉંધા રિવાજ કર્યા છે નહીં ?' પશી બોલી . 'ઉંધા રિવાજ છે ત્યારે જ ને --'કહીને રાધા એ મણનો નિસાસો નાખ્યો.ને આગળ ઉમેર્યું 'સાચું કહું ભાભી ?' એ ડોહલાને દેવગામના મેળામાં જોયો છે ત્યારથી એની હારે ઘર માંડવામાં મારો જીવ જ નથી માનતો.'. 'અરરર... મારી બુંન એવું તે કાંઈ બોલાય ?'એવો તો સ્વપ્નમાં પણ વિચાર ન કરીએ એ .તો જે કરમમાં લખ્યું હોય તે ,ભોગવે જ છૂટકો .'પશી એ શિખામણ આપી . રાધા પશીની આંખમાં આંખ પરોવી ને બોલી.' ભાભી, તુંય ભલે મોંઢે કહેતી હોય,પણ મારા સમ ખાજે ?'જો આ શંકરભાઈ 50 વર્ષના કાળો કૂબડો ડોસો હોય ,તો તું શું એનું ઘર માંડે ખરી ?' પશી રાધાના આ ધારદાર સવાલ નો કોઈ જવાબ ના આપી શકી.રાધા સરકતી ઓઢણીને સરખી કરતાં પાછળ નજર કરીને બોલી 'ચેડે કોક મનેખ ખાવી રહ્યું છે .'
પશી એ પણ પાછળ નજર કરી. એક યુવાન ઝડપી ચાલે રસ્તામાં આવી રહ્યો હતો .'કોક ગામનું હોય તો કેવું સારું? સથવારો તો થઈ જાય.' પશી બોલી .ને એ બંને જણીઓ આગળ ચાલવા લાગી .થોડી જ વારમાં પાછળ આવતો યુવાન તેમને ભેગો થઈ ગયો .'ભાભી તમે ? કયા ગામ જવું છે ? આવવું છે કમલપુર ?'લગોલગ આવેલા શામજીએ પશી ને ઉદેશીને પૂછ્યું .
'હાસ્તો , કામલપુર જ આવવાનું છે ને ! સારું થયું તમે મળી ગયા ,એટલે સથવારો થશે .ન 'કે બેય જણીઓ એકલી જ હતી.' પશી બોલી . રાધા એ જોયું તો શામજી આજે પૂરેપૂરો પરવારીને આવ્યો હતો. બગલાની પાંખ જેવો સફેદ અઢીવટો, અને તે ઉપર ટેરી કોટનનું પહેરણ પહેર્યું હતું .પગમાં ભીનમાલની મોજડી પહેરી હતી ને માથા ઉપર કેસરી કલર નો રાજસ્થાની સાફો ફેશનથી બાંધીને, તે ઉપર એવી રીતે છોગું મુક્યું હતું કે ,મોરની કલગી જ જોઈ લો. શામજીનો અત્યારનો દેખાવ કોઈ વરરાજાને પણ પાછળ પાડે તેવો હતો .
થોડુંક અંતર ત્રણેય સાથે ચાલ્યાં ને પછી શામજી બોલ્યો 'તમે બૈરાં મને'ખ ઝટ ચાલી નહીં શકો, ને મારે પાછા આવવાની ઉતાવળ છે. માટે તમે રાગે -રાગે આવો. હું હેડતો થાઉં .'કહીને તેણે રાધા તરફ જોયું .બંનેની નજર મળી. બંનેએ હોઠમાં જ હસી લીધું.રાધા મનમાં જ બબડી 'આ જુઓને ? સંગાથ કરવા તો ક્યારનાય સંતાઈને બેઠા હશે.ને ઢોંગ (બનાવટ) કરતાં કેવીક આવડે છે ?'
'એવું તે કોણ શે'રમાં વાટ જોઈને બેઠું છે, કે અમાં જેવાનો સથવારો કરવા પણ નથી રહેતા ?' પશી એ ચાબુક ફટકાર્યો . 'તમેય ભાભી શું ,આમ ઠાલી મશ્કરી કરતાં હશો .મૂળ કોઈ વાટ જોનાર નથી ત્યારે જ નેં ?શામજી બોલ્યો. ને રાધા તરફ જોઈને ઉમેર્યું 'લ્યો ઉપાડો પગ ન'કે કહેશો કે ગામના હતા તોય, મેલીને હેડતા થયા. 'ઉતાવળા હેડીને જ એકલા રહ્યા છો .હળવે -હળવે હેડ્યા હોત તો ,કો'ક મનેખ નો સંગાથ તો મળી જ જાત.' પશી એ બીજો કટાક્ષ કર્યો . 'એમ થોડું ને કાંઇ રસ્તા વચ્ચે મનેખ પડ્યું છે .તે હેડતા -હેડતા મળી જાય ?શામજી ધીમા સાદે બોલ્યો .
'મનેખ તો રસ્તામાંય પડ્યાં હોય ,જો પંડ માં પોચ હોય તો .' ત્રાંસી નજર શામજી ઉપર નાખતાં રાધા પહેલી વખત બોલી . 'પો'ચ તો ઘણીએય છે .પણ સમાજના આ ઊંધા રિવાજો નું શું ?' શામજી બોલ્યો ને ક્ષણેક રહીને ઉમેર્યું . 'ધારું તો સાંજ પડતાં પહેલાં જ કોઈકને લઈને પરદેશ ઉતરી જાઉં એવો છું. પણ પાછળ આ ઘરવાળાની શી દશા આવે ?'
રાધાને દિયર -ભાભી ની વાતો સાંભળવાની મજા આવતી હતી .શામજી અને પોતાને કોઈ સંબંધ નથી તેઓ શામજીનો અભિનય જોઈને પોતાનાથી હસી ન પડાય તે માટે ક્યારેક- ક્યારેક રાધા આડુ પણ જોઈ લેતી હતી 'આવડી ઉંમર થઈ છે તોય પરણવાનો જીવ નથી થતો.? પશી ના આ સવાલથી શામજી અને રાધા બંને ચમકી ગયાં. 'જીવ તો બધાંના સરખા --' અને બાકીનું વાક્ય શામજી એ રાધા તરફ જોઈને કાપી નાખ્યું .
'તો શું આખી ઉંમર કુવારા જ રહેશો ?' પશીને શામજીને પજવવામાં જાણે કે મજા આવતી હતીઃ
'અત્યારે તો એવું જ સમજો ને !'શામજી માંડ માંડ બોલ્યો. ' તે દિયર ની એટલી બધી દયા આવતી હોય. તો ક્યાંક ગોઠવી આપને ? ઉંમર ભર આશિષ બોલશે. રાધા કહેતી હતી પશી ને પણ નજર તો શામજી તરફ જ હતી . 'તે થાય તૈયાર જો .સાંજ પડવા દઉં તો આ પશી ને ફટ કેજો .' ગામમાં ઓછા બોલી અને શરમાળ ગણાતી પશીનું આ નવું રૂપ જોઈને રાધા અને શામજી બંને ચમકી ગયાં . 'સાંજ તો શું, પણ છ મહિને લાવી આપો તોય જાણું કે ભાભી બોલ્યાં હતાં તે પળ્યાં ખરાં .'રાધા ના શબ્દોમાં અણગમો હતો .
પશી ઝડપ વધારીને ઇરાદાપૂર્વક થોડી આગળ નીકળી ગઈ ચાલતી રાધા નો હાથ પકડીને શામજીએ પોતાના તરફ ખેંચી . ચુંબન ચોડ્યું ના ચોડ્યું ત્યાં તો ,એય...એય..પશી ભાભી જોઈ જશે .' એ શબ્દ પૂરા થાય એ પહેલાં તો સામજીએ તેને છોડી પણ દીધી. ચાર પાંચ ડગલાં દોડતી હોય તેમ રાધા ઝડપી ચાલે ચાલીને પશી હારે થઈ ગઈ .ને બોલી.'લયો હેડોને ઉતાવળા, ઘેર થી તો ઘોડાય નતા પકડતા !'. 'હુ... હું... હેડોને તમતમારે ઉતાવળાં,એમ થોડો ને કાંઈ થાકી ગયો છું ?' શામજી ઝબકારો હોય તેમ બોલ્યો.ને આઠ -દશ ડગલાં ઉતાવળાં ભરીને તે પણ હારે થઈ ગયો. થોડીવાર ચાલ્યા પછી પશી ઈરાદાપૂર્વક પાછળ રહી ગઈ. આગળ શામજી અને રાધા ને જોડાજોડ જતાં જોઈને તે મનમાં વિચારી રહી .'કેવું રૂડું રૂપાળું જોડલુ છે, આંખને ગમે એવું .'પરંતુ એકને વર નથી ગમતો ,અને બીજાને બૈરું નથી મળતું .બેઉ સમદખિયા જ સમજી લો .આ ભગવાન પણ કેવા-કેવા ખેલ, ખેલે છે હે ?'
'ચાલને ભાભી ઉતાવળી, થાક લાગ્યો છે કે શું ?'રાધા ના શબ્દોએ પશીની વિચાર માળા તોડી .
'હું તો આવું જ છું ને ,તમ તમારે હેડયા કરો ને ? ને પછી શામજી તરફ આખો ઉલાળીને ઈશારો કરતાં શરમ છોડીને પશી એ ઉમેર્યું .'આવો સંગાથ થોડો ને કાંઈ ઘડી -ઘડી મળવાનો છે ?'. રાધા શરમથી નીચું જોઈ ગઈ. આમ અવનવી વાતો કરતાં ત્રણેય કામલપુર પહોંચ્યા. પશી ના રંગપુર થી કામલપુર વચ્ચેના સંગાથમાં શામજીએ જોઈ લીધું હતું કે પશી તરફથી તેમને પૂરો સપોર્ટ છે .તેથી રાધા અને શામજી પણ પશીની શરમ છોડીને ,હાથમાં હાથ પકડીને કામલપુર ની બજારમાં મુક્ત રીતે ઘૂમી રહ્યાં હતાં ત્રણેય જણ કામલપુર ની શેરીએ શેરીએ ફરી વળ્યાં.કામના દિવસો હોવાથી રંગપુર નું કોઈ અહીં આવી ચડવાની શક્યતા બહુ ઓછી હતી. ને કદાચ કોઈ રડ્યું ખડયુ આવે તો, તે પણ બપોર પછી જ ,અત્યારે તો કોઈ જ નહીં.
ત્રણેયે કામલપુરમાં બાલુ કંસારાની દુકાનેથી તાંબા -પીતળ નાં વાસણોય મૂલવી જોયાં .સેચુરીવાળા કાનજીભાઈ ને ત્યાં ઉંચી જાતનું કાપડેય મૂલવી જોયું .હીરાલાલ સોની ને ત્યાંથી અમથા- અમથા સોના ચાંદીના ભાવે પૂછી લીધા. બજારમાં દરેક જણ મુક્ત રીતે ફરતી આ ત્રિપુટીને કુતૂહલ ભરી દૃષ્ટિએ જોતાં હતાં .અને મનમાં જાતજાતના ખ્યાલ ધડતા હતાં .આઝાદ ચોક પાસે શેરીમાં પસાર થતી વખતે આ ત્રિપુટી ઉપર પોતાની દુકાન માં વાળ કાપતા રાજા નાયી ની નજર પડી.વાળ કાપવા પડતા મેલી એ ત્રણેય ને જોઈ રહ્યો .ને પછી ધીમેથી બબડ્યો . 'આ જુઓને , મારાં વહાલાં કેવાં મોજથી ફરે છે. દુનિયાનું ભાનેય છે ?'અને ઘરનાં છે કે બારોબાર,એ તો રામ જાણે. ને ત્રણેય દેખાણા ત્યાં સુધી તેમને જતાં જોઈ રહ્યોં . ત્રણેય આશાપુરા કટલરી ની દુકાને આવ્યાં .શામજીએ રાધા ને એકદમ નવી જ ડિઝાઇન વાળી સૌથી ભારે કિંમતવાળી બંગડીઓના બે ગાળા લઈ આપ્યા. એ જ માંયલો એક ગાળો પશી ભાભીનેય લઈ આપ્યો. કોણ જાણે કેમ ,ભાભી ઉપર હેત ઉભરાઈ એથી, કે પછી એના અહેસાન નીચે પશી કોઈને કહે નહીં એવી ગણતરીથી, એ તો સમજી જાણે .
રાધા એ તો બધી જ બંગડીઓ ત્યાં ને ત્યાં જ બંને હાથોમાં પહેરી લીધી. અને પછી પસી તરફ હાથ બતાવતાં બોલી.' કેવી લાગે છે હે ભાભી ?'તે કહેતી હતી પશી ને પરંતુ નજર તો શામજી તરફ જ હતી .
'તે મૂલ પણ શોભે એવું આપ્યું છે ,એટલે શોભે તો ખરી જ ને !' પશી એ કહ્યું . ત્યાંથી ત્રણેય જૂના ગરાગ મોહન કાપડિયા ની દુકાને આવ્યાં .પશી તથા રાધા એ જોઈતાં કપડાં ત્યાંથી ઉધારમાં ખરીધ્યા. શામજી તેમની બાજુમાં જ બેઠો હતો. બધાંય કપડાં ખરીદી રહ્યાં એટલે શામજી સહેજ આગળ આવ્યો અને બોલ્યો.' મોહન કાકા ,એક સારો જોઈને ,ભારેમાં ભારે પોલિસ્ટર નો પછેડો (ચૂંદડી ) બતાવજો .'. મોહન કાકા એ પંદર -વીસ ચૂંદડીઓનો ઢગલો કરી દીધો ,અને બતાવતાં બોલ્યા .'લે ત્યારે ,આખા કામલપુરમાં ફરીશ તોય આવું કાપડ નહીં મળે હા ! તું તારે ભાત પસંદ કરી લે ,એટલે વાત પૂરી .'
શામજીએ રાધા તથા પસીને કહ્યું .'તમે બેય જણીઓ જ પરસન કરી લો ને ?' ને જુઓ ,પૈસા સામું તમતમારે ના જોતાં ,પણ કાપડ બેસેલ ના આવવું જોઈએ હા.'
ચૂંદડીઓ બતાવતાં બતાવતાં મોહન કાકો બોલ્યા 'કેમ લ્યા શામજી , કંઈ નવાજૂની છે કે શું ?'
નવાજૂની તો મોહન કાકા, કંઈ નથી પણ --' શામજીએ લોચા વાળ્યા.ને પછી રાધા ને બતાવતાં એનાથી અનાયાસે જ બોલાઈ ગયું . 'આ રહ્યુ એવડું જ ઓઢનાર ગણી લો ને !'. મોહન કાકો પહેલા તો ચમક્યા , પછી હસી ને બોલ્યા . 'સમજયો-સમજયો ! તો-તો આ લીલા કલરનો ગુલાબી મોટી ભાત વાળો પછેડો જ લઈ લે .વટ પડી જશે આ ત્રણેય ને પણ એજ પછેડો પસંદ આવ્યો હતો . શામજીએ પૈસા ખિસ્સામાંથી કાઢીને ચૂકવ્યા. સાતમના મેળા માટે ભેગા કરેલ 80 રૂપિયા અહીં વપરાઈ જતા હતા પરંતુ શામજીને મેળા કરતાં અહીં પૈસા વાપરવામાં વધુ મજા આવતી હતી. 'લે રાધા ,તારા બચકામાં જ બાંધી દે. એ તો ઘેર પહોંચીને હું લઈ લઈશ !'શામજીએ મોહન કાકા ને સંભળાવતાં કહ્યું . પરંતુ મોહન કાકો પણ હવેતો અડધું પડધું તો સમજી ગયા હતા .
સાંજના ચાર વાગે ત્રણેય રંગપુર આવવા નીકળ્યાં .પશી આગળ ચાલી રહી હતી .તેનાથી પાંચ છ ડગલાનું અંતર રાખીને શામજીને રાધા પણ પાછળ -પાછળ ધીગા -મસ્તી કરતાં ,પ્રેમ ગોષ્ઠી કરતાં આવી રહ્યાં હતાં . જોત જોતામાં રંગપુર નો સીમાડો ક્યારે આવી ગયો એની એમને ખબરેય ન રહી . 'હે ભાભી, કોઈને કે'શો તો નહીં ને ,કે રાધા ને મેં બંગડીઓ અને પછેડો લઈ આપ્યો છે એ !'શામજી પશી તરફ જોતાં દયામણા સાદે બોલ્યો .
'પછેડો તો શું ,પૂરી સોને મઢો તોય, હું શું કામ કોઈને કહું ?ને ક્ષણેક અટકીને પશી આગળ બોલી . 'એને મારા માથે, કેટલો વિશ્વાસ હશે ત્યારે ,મારો સથવારો કર્યો હશે ?' 'વિશ્વાસ તો પૂરો ત્યારે જ ને ,નહિતર સથવારા વાળી એને ક્યાં ઘટતી હતી ?' શામજીએ એ પશીને પોરસ ચડાવ્યો. 'કોઈની વાત જઈને કોઈને કહે ,એવી અધૂર પેટી કે જાવડ -ભાવડ આ પશી નથી હા, !' પશી ગર્વથી બોલી .
રંગપુર નજીક આવતાં ,શામજી ખેતરોમાં આડા રસ્તે ફંટાવાની તૈયારી કરતાં બોલ્યો .'હુ આ કોર ખેતરોમાં આંટો મારીને આવું છું.તમે સીધા રસ્તે જાઓ .નકર તમે તો જાણો છો કે , ત્રણેયને ભેગાં ભાળશે 'તો લોકો તો ઘોનો સાપ કરી નાખે એવાં છે .' કહીને શામજી આડા રસ્તે ફંટાઈ ગયો .રાધા અને પશી ગુસપુસ વાતો કરતી ઘર તરફ આવી રહી હતીઃ