Wrist Watch books and stories free download online pdf in Gujarati

રીસ્ટ વWrist Watchોચ

Wrist Watch

એક જૂની, લીલા રંગના દિવાલની પોપડી પડી. એ પછી અનુક્રમે ધૂળ, કરોળિયાનાં જાળાં અને બે-ચાર બાવા નીચે પડ્યા. આછાં રાખોડી રંગની સાડી પહેરેલી એક વૃદ્ધ સ્ત્રી ઘરની છતનાં ખૂણાઓ સાફ કરી રહી હતી. થોડી ઊધરસ ખાઈ, આંખો પટપટાવી, સાડીનો પાલવ કમરમાં ખોસી તે ફરી સાફસફાઈ કરવા લાગી.

Door bell વાગે છે. બે વાર વાગી બંધ થઈ જાય છે.

"એ ખૂલ્લું જ છે. આવી જાઓ!"

સ્ત્રી હવે આ પ્રકારે door bell વગાડવાની રીતથી પરીચિત હતી. ઘણાં વર્ષોથી એ ઘરમાં કોઈ આવતું નહિ, માટે જો door bell વાગે તો'ય એક જ પ્રકારે વાગતી. ક્યારેક કોઈક courierવાળો ખોટા રસ્તે ચડે તો જાળી ખખડાવતો અને postman તો જાળીનાં ખાંચામાંથી જ સીધી ટપાલ નાખી દેતો.

દરવાજો ખૂલ્યો. આવનાર વ્યક્તિએ ચંપ્પલ સોફા નીચે ઊતાર્યા અને નાક પરની જાડી frameનાં ચશ્માં સહેજ ઊંચા ચઢાવી દિવાલનાં ખૂણા સામે જોતાં જોતાં કહ્યું,"સાંભળ...આજે ઊઠવામા સહેજ મોડું થઈ ગયેલું. તે દૂધ લેવા ગયો ત્યારે બેની જગ્યાએ એક જ થેલી દૂધ મળ્યું છે."

"હા વાંધો નહિ. કાલની એક થેલી પડી છે. તમે બેસો હું ચા બનાવી લાવું." ખૂણાઓ બાદ હવે કપડાંથી show pieces સાફ કરતાં કરતાં સ્ત્રીએ કહ્યું.

"હા...અને આજે ચામાં ખાંડ ના નાંખતી. કાલે રાતે લાપસી ખાધી'તી તે અત્યારે sugar પાછું વધી જશે નહિ તો." સોફા પર ધીરેથી બેસી તેલ નાખેલા ચપ્પટ વાળની પાથી સરખી કરતાં કરતાં વૃદ્ધે કહ્યું.

"એ હા સારું." એટલું કહી સ્ત્રી દૂધ અને શાકની થેલી લઈ રસોડા તરફ ચાલી ગઈ.

વૃદ્ધે સોફા પર પડેલાં કડક છાપાંની ગડી ખોલી વાંચવા માંડ્યું. છાપાના front page ઉપરનાં ખૂણાંમાં લખેલું, A-23. Flat no. A-23. Ground floor. મકાન માલિક કિશોરચંદ્ર ગૌરીશંકર વ્યાસ, અને પત્ની સરિતા કિશોરચંદ્ર વ્યાસ. કિશોરચંદ્ર અત્યારે છાપું વાંચી રહ્યા છે અને સરિતા રસોડામાં કિશોર માટે ખાંડ વગરની ચા બનાવવામાં વ્યસ્ત છે.

"લ્યો ચા..."

મૂંગે મૂંગે ચા પીવાઈ ગઈ. અવાજમાં માત્ર ચાનાં સબડકા જ સંભળાયા. કિશોર વ્યાસ, retire થઈ ગયેલાં સરકારી અફસર અને સરિતા વ્યાસ, એક typical house wife. ચા પીધા પછી ન્હાઈને છાપાં ફંફોસવા એ સરિતાનો નિયમ અને છાપું વંચાઈ જાય એ પછી જ ન્હાવા જવું એ કિશોરચંદ્રની દિનચર્યા.

સંતાનમાં પરણી ચૂકેલી એક દિકરી. જે દર શનિવારે સાંજે phoneથી જ મમ્મી-પપ્પાની તબિયત પૂછી લઈ પોતાની દુનિયામાં ખોવાઈ જાય. Flat no. A-23માં ના તો કોઈ આવતું કે ના તો "ફરી પાછા આવજો કો'ક દિ'" જેવા શબ્દો બોલતાં.

વાતચીતમાં માત્ર "આજે શેનું શાક છે?" અથવા "તમે દવા ખાધી?" કે પછી,

"આજે મને જમવાની ઈચ્છા નથી. તમારા માટે શું બનાવું?"

"તો પછી મારું'ય રહેવા જ દે!" પૂરતી જ વાતો થતી.

રાત્રે જમી કરીને સાડા નવ-દસ થતાં સુધીમાં સૂઈ જવાતું. પણ આજે...

"શું થયું? ઊંઘ નથી આવતી?" સરિતાએ પૂછ્યું.

પ્રત્યુત્તર ન આવતાં સરિતા જવાબ સમજી ગઈ, તે છતાં તેણે ફરી પૂછ્યું,

"સાંભળો છો? ઊંઘવું નથી આજે?"

"હેં? ના. તારી તબિયત કેમ છે?"

"કેમ આવું પૂછો છો?"

"સવારે દૂધ લઈને આવ્યો ત્યારે તું ઉધરસ ખાતી'તી તે સાંભળેલું. પાછું કંઈક તળેલું ખવાઈ ગયું?"

"એ ના ના. આ છતનાં ખૂણા સાફ કરતી'તી તો ધૂળને લીધે એ તો."

"હમ્મ્...સાચવજે."

"આ તમે diabetesના reports કરાવેલાં એનું શું થયું?"

"હા એ આવી ગયા. Normal છે બધું."

"સારું સારું." સરિતાએ કહ્યું.

શિયાળાની શરૂઆત થઈ ચૂકી હતી. પવનનાં સૂસવાટા, તમરાં અને સૂકાં પાંદડા ખખડવાનો અવાજ વધુ સ્પષ્ટ આવતો હતો.

"આજે ઊંઘ નથી આવતી, નહિ?" સરિતાએ પૂછ્યું.

"હા..." કિશોરચંદ્રે બંધ આંખે હા કહી. "ચાલ, આજે બહાર આંટો મારવા જઈએ!" થોડીવાર અટક્યા પછી કિશોરચંદ્રે કહ્યું.

"હેં??? અત્યારે?"

"હા હા! ચાલ!"

શિયાળાની અડધી રાતનાં સૂનકારમાં બે વ્યક્તિઓનાં ધીમા પગલાઓનો અવાજ પણ ભળ્યો. Street lightનો સોનેરી પ્રકાશ, ફૂટપાથ પર સૂતેલાં લોકો, આવતા-જતાં વાહનોનાં horns, એક-બે રખડતાં કૂતરાઓ અને એકબીજાથી એકાદ ફૂટ જેટલું અંતર રાખી ચાલતી બે વ્યક્તિઓ. કિશોરચંદ્ર અને સરિતા.

ચાલતા ચાલતા કિશોરચંદ્રની નજર રસ્તા પર ઊડતા એક પડીકા પર પડી. Collegeમાં exam પત્યા પછી question paper જ્યારે તે હવામાં ઉડાડતો ત્યારે campusમાં આમજ question paper ફરફર્યા કરતું અને ગીતા તેને દર વખતે ટોકતી.

"કિશોર, કેમ આવું કરે છે? કંઈક તો value કર ભણવાની!"

"જો ગીતા! કાં'તો હું ભણવા માટે નથી બન્યો કાં'તો ભણતર મારા માટે નથી બન્યું."

"એ ગમે તે હોય કિશોર! પણ તું આવું ના કરીશ!"

"Okay my sweetheart!" કહી કિશોર ગીતાનાં ગળામાં પોતાનો હાથ ભેરવી ચાલવા લાગતો. કિશોર અને ગીતની જોડી આખી collegeમાં famous હતી. એવું ક્યારેય ન બનતું કે કિશોર અને ગીતા એકબીજાની સાથે ના હોય!

કિશોરચંદ્ર મલકાયા. કમર પાછળ બાંધેલા હાથ છૂટા થયા અને હવે તેમણે ઊંડા શ્વાસ લઈ વાતાવરણની ઠંડકને પોતાનાં શરીરમાં ભરવા લાગી. સરિતા સાડીનાં પાલવનો છેડો પકડી ચાલી રહી હતી. તેની નજર ફૂટપાથ પરની તૂટેલી bench પર ગઈ. તે benchને જોતી જ રહી. નવું નવું office જવાનું શરુ કરેલું ત્યારે officeની બહાર આવી જ એક bench ઉપર તે tiffin લઈને જમવા બેસતી. યોગેશ પણ આવતો!

***

"આજે મોડું થઈ ગયું?" સરિતાએ પૂછેલું.

"હા...થોડું કામ હતું." યોગેશે સરિતાના tiffinમાંથી કોળીયો લેતા કહ્યું.

"હમ્મ્...સાંજે પણ મોડું થશે?"

"ના ના. સાંજે તો મળી શકાશે!" પ્રશ્ન પૂછવાનું કારણ સમજતાં યોગેશે કહ્યું.

યોગેશ અને સરિતા. સરિતા receptionistની જોબ કરતી અને યોગેશ સરિતાની જ organizationમાં sales departmentમાં હતો. બંને રોજ સાંજે office પછી મળતા અને રાત્રે દસ સાડા દસ સુધી બેસતાં.

એક દિવસ બંને એ જ રીતે મળેલાં...

"સરિતા...કંઈ થયું છે તને? તું disturbed હોય એવું લાગે છે!" યોગેશે પૂછ્યું.

"હં?? ના કંઈ નહિ. એમ જ એ તો!"

યોગેશે પોતાની બંને હથેળીમાં સરિતાનો ચહેરો પકડી પોતાની તરફ કરેલો. સરિતાની આંખોની ચમકમાં ઊંડે ઊંડે જોતાં તેણે પૂછ્યું ,"સરિતા શું થયું છે તને? કેમ આમ ચૂપ ચૂપ ઊભી છે?"

સરિતાની આંખમાં ઝળઝળિયાં આવી ગયેલાં. આંખો બંધ કરી આંસુ તે પી ગયેલી.

"તું લગ્ન કરીશ મારી સાથે?" પોતાની જાતને યોગેશ તરફ વીંટી સરિતાએ પૂછેલું.

જવાબમાં યોગેશ ફક્ત હસેલો,"હા...પરણીશ. બીજી કોઈ ફરમાઈશ? બોલ કેટલા છોકરા જોઈએ છે?"

સરિતા યોગેશના પેટમાં મુઠ્ઠી મારી હસી પડી. તેની યોગેશ પરની પકડ વધુ મજબૂત થઈ ગયેલી.

***

"કેટલી સુંદર ક્ષણો હતી એ!" સરિતાએ મનોમન વિચાર્યું અને શરમાઈ ગઈ. તેની નજર આકાશ તરફ હતી. હાથની અદબ વળી ગયેલી અને ઠંડીને કારણે આપમેળે જ હથેળીઓ તેનાં ખભા પંપાળતી હતી. ચહેરા ઉપર એક હળવું હાસ્ય હતું. વિચારોમાં ને વિચારોમાં સરિતાને ખ્યાલ પણ ન રહ્યો કે કિશોર તેનાથી આગળ નીકળી ગયા છે. એકવાર યોગેશ પણ તેનાથી આગળ નીકળી ગયેલો. તેણે ખૂબ phone કરેલા. Officeમાં, lunch break વખતે, bench ઉપર પણ ખૂબ રાહ જોયેલી.

"પણ યોગેશ તું મને એ તો કહે કે તું છે ક્યાં?" એકવાર bench ઉપર બેઠા બેઠા સરિતાએ મનોમન સવાલ કર્યો અને જવાબમાં કોઈ આ ચિટ્ઠી આપી ગયેલું.

"સરિતા હું ક્યાં છું, કેમ છું, કોની સાથે છું એ કંઈ જ જાણવાની તારે જરૂર નથી. હવે હું પાછો નથી આવવાનો!"

અને એ જ દિવસે સરિતાએ officeમાંથી resign કરેલું. કાયમ માટે.

"પણ હું શા માટે ન જાણી શકું કે એ ક્યાં છે, કોની સાથે છે???"

***

ચાલતા ચાલતા સરિતા કિશોરચંદ્રની નજીક પહોંચી ગયેલી. કિશોરચંદ્રની ચાલ હવે ધીમી પડી ગઈ હતી. તે પોતાની કાંડાઘડિયાળ તરફ જોઈ રહ્યા હતા.

"શું થયું કિશોર?"

"કંઈ નહિ, Collegeના દિવસો યાદ આવી ગયા." કિશોરચંદ્રની નજર હજુ પણ એ ઘડિયાળ તરફ હતી. સરિતા તેને જોઈ રહી.

***

એ દિવસે કિશોરનો birthday હતો.

"કિશોર...Happy Birthday!!!" ગીતાએ કિશોરને hug કરીને કહ્યું.

"બોલ, શું gift લાવી છે મારા માટે?"

ગીતાએ bagમાંથી gift wrap કરેલું એક box કાઢ્યું.

"Round dial...Roman digits and leather belt! Right?"

"હા! Right!!!"

કિશોરે excite થઈને college campusમાં જ સરિતાને hug કરી kiss કરેલી. સરિતા શરમાઈને સીધી ઘરે ભાગી ગયેલી. એ પછી 2-3 દિવસે ગીતાની કોઈ friend આવીને કિશોરને કહી ગઈ...

"કિશોર, ગીતા હવે ક્યારેય પાછી નથી આવવાની. હવે તું એને ભૂલી જા."

"પણ કેમ??? શા માટે એ નહિ આવે?"

એ છોકરી કોઈ જવાબ આપ્યા વિના નીકળી ગઈ. કિશોર ત્યાંજ પેલી wrist watch સામે જોઈને ઊભો રહેલો. Wrist watchના કાંટા ફરતા જ રહેલા...

***

કિશોરચંદ્રની નજર Roman digitsવાળી ઘડિયાળ પરથી હટી.

"કેમ હસો છો કિશોર?"

"એમજ સરિતા..."

"પણ કિશોર કહો તો ખરી!"

"સરિતા...અમુક સવાલોનાં જવાબ આપણે ના જ મેળવીએ તો વધારે સારું છે."

"હું પણ એજ વિચારતી'તી કિશોર!" સરિતાએ હસીને કહ્યું.

"એમ? શું વિચારતી'તી?" કીશોરચંદ્રે સરિતાનો ગાલ ખેંચીને કહ્યું.

"કિશોર!!! આ ઉંમરે!!!"

"લે કેમ? આ ઉંમરે હું તારા ગાલ પણ ના ખેંચી શકું?"

સરિતાએ કિશોરનાં પેટમાં પોતાની મુઠ્ઠી મારી અને ભેટી પડી.

"તમે તો મને મૂકી ક્યાંય નહિ જાઓ ને?"

"છેલ્લા 30 વર્ષથી તને સહન કરું છું! હવે જેટલું ખેંચાશે એટલું ખેંચી લઈશું. બીજું શું!"

"કિશોર!!!"

સરિતાની પકડ વધુ મજબૂત થઈ અને કિશોરચંદ્રનો હાથ સરિતાના માથે ફરવા લાગ્યો...

Wrist watchના કાંટા ફરતા અટકી ગયા... કાયમ માટે...