Balatkar ni Kabulaat books and stories free download online pdf in Gujarati

બળાત્કાર ની કબૂલાત

'બળાત્કાર'ની કબૂલાત

- વિપુલ રાઠોડ

વર્ષોથી કોઈએ ખોલ્યો જ ન હોય અને નકામો ધૂંધવાતો હોય તેવા એક ઓરડાનો દરવાજો ખુલ્યો. સાવ ખાલીખમ એવા નાના ઓરડાને ચેતના મળી હોય તેમ દરવાજો ખુલવાનાં અવાજનો પણ નાનો પડઘો પડ્યો. પ્રકાશનાં શેરડાંએ તે ઓરડાની જર્જરિત દિવાલો, બાઝેલા કરોળિયાનાં જાળા અને ધૂળનાં થરને અજ્ઞાતવાસમાંથી ફરી એકવાર આ દુનિયાનો ભાગ બનાવી દીધા.

દરવાજો ખોલીને આવેલા એક સાધારણ કપડા પહેરેલા દૂબળા-પાતળા યુવાને અંદર પ્રવેશતા જ બારણાની બાજુમાં સ્વીચ બોર્ડ ઉપર હાથ લંબાવ્યો. એક પછી એક સ્વીચ ઓન-ઓફ કરતો ગયો અને એક સ્વીચ દબાવતાં પંખો કિચુડ-કિચુડ કરતો પોતાની ફરજ બજાવવા ઝઝૂમવા લાગ્યો. તેની ઉપર જામેલી ધૂળ ખરવા લાગી અને તેની હવાનાં કારણે જમીન ઉપરની ધૂળ પણ સ્હેજ ઉડી. જો કે આવી ગંદી જગ્યાનો ચિરપરિચિત અનુભવ ધરાવતો હોય તેમ આવેલો યુવાન આ ધૂળને ગણકારતો નથી. દરવાજો ખોલ્યા પછી તે ઓરડાની એકમાત્ર બારી ખોલે છે. ઘણાં સમયથી ખુલી ન હોવાના કારણે સજ્જડ બનેલી એ બારીને પોતાની પુરી તાકાત લગાડ્યા પછી એ ખોલી શક્યો.

આટલું કર્યા પછી તે થોડા ઉતાવળા પગલે ફરી રૂમની બહાર નીકળ્યો અને બહાર રાખેલી એક ખુરશી અને લાકડાનું ટેબલ અંદર ખેંચી લાવ્યો. ખુરશીને તેણે સામેની સાવ કોરી દિવાલ પાસે ગોઠવી અને પછી ટેબલને તેનાથી પાંચ-છ ફૂટનાં અંતરે એકદમ સામે મુક્યું. આટલું કર્યા પછી પોતાના ખિસ્સામાંથી તેણે હાલમાં જ ખરીદેલો સેકન્ડહેન્ડ સ્માર્ટ ફોન કાઢ્યો પછી આમતેમ જોયું. પણ ઓરડામાં કંઈ તેના ઉપયોગનું ધ્યાને ન આવ્યું. ફરી તે બહાર નીકળી ગયો. લાંબા સમયે કોઈ આવ્યું હોવાથી ઓરડો પણ તેની પરત આવવાની વાટમાં હોય તેમ લાગતું હતું. થોડીવારમાં એ પાછો આવ્યો અને આ વખતે તેના હાથમાં એક ઈંટ હતી. ઈંટ તેણે લાકડાનાં ટેબલ ઉપર ગોઠવી અને પછી પોતાના મોબાઈલમાં કેમેરા ચાલુ કરીને ઈંટનાં ટેકે ગોઠવ્યો. જેથી સામેની ખુરશી તેમાં ઝીલાય જાય.બે-ચાર ક્ષણ તેણે આ વિડીયો શૂટ કર્યો અને પછી ફોન ફરીથી પોતાના હાથમાં લઈને તેણે એ વિડીયો જોયો. એ શૂટિંગ તેને બરાબર લાગ્યું. તે ફોન પોતાના હાથમાં જ રાખીને ઓરડાનાં બારણે ગયો અને તેને વાંસી દીધું. હવે ઓરડામાં બારીમાંથી આવતાં પ્રકાશનાં કિરણો સીધા ખુરશી ઉપર પડતાં હતાં. અનાયાસે કોઈ કલાસૂઝ ધરાવતી વ્યક્તિએ આ ગોઠવણ કરી હોય તેવું લાગતું હતું. ફરી મોબાઈલ ફોનમાં વિડીયો કેમેરા ઓન કરીને તેણે ખુરશી કેમેરામાં બરાબર કેદ થાય તેવી રીતે ઈંટનાં ટેકે મોબાઈલને ગોઠવ્યો.

હવે તે કોઈ ઉતાવળમાં ન હોય એવી રીતે ખુરશી પાસે ગયો અને તેના ઉપર બેઠો. કેમેરામાં તેનો આછી દાઢી ઉગેલો અને થાકેલો - નિસ્તજ ચહેરો કેદ થવા લાગ્યો. બારીમાંથી આવતો પ્રકાશ તેના ચહેરાની જમણીબાજુ પ્રકાશિત કરતો હતો અને ડાબીબાજુ છાયામાં દબાતી હતી. એક ઉંડો શ્વાસ ખંચીને તે પોતાના ભારે અવાજમાં બોલવાની શરૂઆત કરે છે.

'હવે... એ સમય આવી ગયો છે જ્યારે કદાચ બધા લોકો મારા ઉપર વિશ્ર્વાસ, ભરોસો કરી શકશે. કારણ કે હવે મારી વાત નહીં માનવાનું કોઈ કારણ લોકો પાસે બચ્યું નહીં હોય.' તેના ચહેરા ઉપર કોઈ જ ભાવ નથી.

' મારું નામ સત્યેન અમરશી... મારા નામથી પરિચિત હશો !' આટલું બોલીને તેના હોઠ એક તરફ ખેંચાઈને ભેદી સ્મિત આપતાં ગયા. તેણે આગળ બોલવાનું ચાલું રાખ્યું. ' મેં હવે ગુનાની સજા કાપી લીધી છે એટલે મારી પાસે ખોટું બોલવાનું હવે કોઈ કારણ છે નહીં. એટલે હું સત્ય જ બોલીશ અને તમારે લોકોએ પણ માનવું પડશે કે અત્યારે હું જે બોલી રહ્યો છું એ જ સત્ય છે.' તેની તેજહીન આખમાં મક્કમતા હતી.

' જેને બધાં લોકોએ બળાત્કાર સમજ્યો અને માન્યો તે વાસ્તવમાં બળાત્કાર ન હતો. હા, તેનો મતલબ એવો નથી કે કશું જ બન્યું ન હતું. પરંતુ, જે બન્યુ એ બધું જ બન્નેની મરજી, સહમતીથી થયેલું.

...પણ કદાચ તેની કોઈ મજબૂરી રહી હશે. જેના કારણે જ એના પરિવારે કરેલી બળાત્કારની ફરિયાદમાં તેણે પણ સૂર પુરાવી દીધો. જો કે તેની એ મજબૂરીનાં કારણે પોલીસ... કોર્ટ... સમાજ અને ત્યાં સુધી કે મારો પરિવાર પણ લાચાર બની ગયો. મજબૂર થઈ ગયો.

આ ફરિયાદ પછી પોલીસે મને પકડ્યો, મીડિયાએ મારા કપડા ફાડ્યા, ઉતાર્યા... સમાજે બળાત્કાર ગુજાર્યો અને કોર્ટે સજા સંભળાવી...' સત્યેનની આંખમાંથી અસહ્ય પીડા સાથે ઝળઝળીયા આંસૂ બની ગાલને ખરડી ગયા... તેણે હાથથી એ અશ્રુધાર લૂછીને પોતાની વાત આગળ ચલાવી...

' હવે હું જેલમાંથી બહાર આવી ગયો છું અને કહે છે કે મારી સજા પુરી થઈ ગઈ.' તેનાં દાંત ભીંસાઈ ગયા એવી ખીજ તેનો ચહેરો છુપાવી ન શક્યો. ' પણ... મારું કહેવું અને માનવું છે કે એક જેલમાંથી બહાર નીકળીને હું બહાર ખુલ્લી જેલમાં બંદી બની ગયો છું... અને મારી સજા હજી ખતમ નથી થઈ.'

' મારા પરિવારે મને બેદખલ કરી નાખ્યો છે અને હવે તેઓ તો મારું મોઢું પણ જોવા માગતાં નથી, નોકરી પણ નથી અને કોઈ રાખવા પણ તૈયાર થશે કે કેમ? એ સવાલ છે. મારા પોતાના મિત્રો હવે મારી સાથે વાત કરવામાં મારી પડખે ઉભા રહેવામાં પણ ધિક્કાર, શરમ અનુભવે છે. મારા જાણીતા લોકો જ હવે મારી સામે અજાણ બની જુએ છે અને ભૂલેચુકે મારી સામે મંડાયેલી એમની નજર મારામાં એક ગુનેગારને જ જુએ છે... તો કેવી રીતે કહું કે મારી સજા પુરી થઈ ? તમે પણ કેવી રીતે કહી શકો કે મારી સજા પુરી થઈ? વાસ્તવમાં એક સજા પૂરી થઈ અને હવે બીજીની શરૂઆત થઈ. પહેલી સજા દસ વરસ ચાલી અને હવે આ નવી સજા કદાચ મારા મોત સાથે પુરી થશે.' પોતાનામાં ધરબાયેલો જ્વાળામુખી આજે માંડમાંડ ફાટ્યો હોય તેમ બેદરકારીથી શબ્દોરૂપી લાવારસ વહેવાનું આગળ ચાલું રહે છે.

' હું માનું છું કે બળાત્કારની સજા ફાંસી જ હોવી જોઈએ. પરંતુ આ મોતની સજા કાયદા થકી હોવી જોઈએ. જો મને આવો કાનૂની મૃત્યુદંડ ફટકારાયો હોત તો આજે મને ખ્યાલ હોત કે હું ક્યારે મરવાનો છું... ક્યારે આમાંથી છૂટવાનો છું. આ બહારની જેલમાં પણ મને તો સજા-એ-મૌત જ મળેલી છે પણ હું ક્યારે મરીશ તેની મને ખબર નથી.

આ સાંભળ્યા પછી તમને મારા ઉપર ભરોસો બેસે તો તમને લાગશે કે અરે, આ કેસ તો બળાત્કારનો છે જ નહીં. જો તમે આવું માનો કે તમે આવું વિચારો તો એ તમારી ભૂલ હશે. કારણ કે બળાત્કાર તો થયો જ હતો... બળાત્કાર તો થઈ જ રહ્યો અને હજી ય કદાચ આગળ બળાત્કાર ચાલું જ રહેશે... મારી સાથે'

આટલું બોલીને સત્યેન જાણે પોતાની અંદરની બધી આગ ઓકીને હળવો થઈ ગયો... તે ભાંગી પડ્યો. તેનો આક્રોશ હવે આક્રંદમાં ફેરવાઈ ગયો. થોડીવાર તે પોતાનું માથું પકડીને રડ્યો અને પછી પોતાની જાતને સંભાળીને ઉભો થયો. સામેનાં ટેબલ પાસે જઈને ફોન પોતાનાં હાથમાં લીધો અને કેમેરા બંધ કરીને પોતાનો વિડીયો જોયો...

સૌપ્રથમ પોતાના ફોનમાં સેવ કરેલા થોડા નંબરોમાંથી સત્યેને એક નંબર શોધ્યો. જેના ઉપર બળાત્કારનાં આરોપમાં પોતાને સજા થઈ હતી તે નંબર ઉપર આ વિડીયો વોટ્સએપથી સેન્ડ કર્યો... નસીબજોગ એ ફોન નંબર હજી પણ એ યુવતી પાસે જ હતો. તે આ વિડીયો જુએ છે. આટલા વર્ષો બાદ ફરી તેની સામે પોતાના જૂઠ અને પાપ આવીને પોકારતા હતાં. તેની અંદર પશ્ર્ચાતાપનાં ભાવ જાગે છે પણ હવે તેનાથી કંઈ જ થઈ શકે તેમ નથી. આમછતાં સત્યેનનો અવાજ લોકો સુધી પહોંચાડવા આ વિડીયો તે યુટ્યુબ અને ફેસબૂકમાં ચડાવી દે છે... જેમાં આ વિડીયો વાયરલ બની જાય ગયો... બીજીબાજુ સત્યેને જેટલા પણ નંબર ઉપર આ વિડીયો મોકલ્યો ત્યાંથી તે આગળને આગળ વહેતો થવા લાગ્યો.

.......................................................................................