Net Jagat Ek Shaskta Madhyam ke Pacchi? books and stories free download online pdf in Gujarati

નેટ જગત એક સશક્ત માધ્યમ કે પછી ?

નેટ એક એવું માધ્યમ જે તમને વિચારોથી ઊંચા લાવી શકે ને આચારથી નીચા પણ ઉતારી શકે... ઘણી વખત આવા આચારવિચારનું પ્રમાણભાન ન રહે ત્યારે આવા લોહી ઉકાળાના છાંટા ઊડ્યાં કરે છે .ક્યાંક સ્વમાનનો ભંગ થાય છે ,નક્યાંક ભાષા વિવેક ચુકાય છે..ક્યારેક આત્મક્ષ્લાધા ઢોળાય છે. ક્યારેક વ્યક્તિ ઉપર આલોચનાના વટાણાઓ વેરાય છે. ક્યાંક કોઈને બચાવવા કોઈ આગળ આવે છે ને ક્યાંક કોઈને ડૂબાડવા આખી ફોજ ઊભી થાય છે. ક્યારેક કોઈ વહેતી ગંગામાં હાથ ધૂવે છે ને ક્યાંક કોઈ ખાબોચિયામાં છબછબિયા કરે છે.......!!!

શું આ નેટજગત મજાનું છે ખરા ? નેટિઝન આ શબ્દનો મહિમા વધતો જાય છે ? આ શબ્દના મહત્વને કોઈ જાણે છે ? કે પછી જાણ્યા વગર જ માણે છે અને કેટલાયને તારે છે ને ક્યારેક મારે પણ છે !!!

પરંતુ આ એવું માધ્યમ છે જ્યાં “ તમે જેવા છો એવા માણસો તમને મળી જ રહે છે “ બસ તમારા વિચાર ને આચાર પર તમારો અંકુશ કેટલો રહે છે “ તેની પર આધાર રાખે છે.

નવા નવા નેટયુઝર થયા હોય તો તેમને કદાચ ટેવાતાં વાર લાગે..ને એ દરમ્યાન કેટલીક ભૂલો પણ થાય ત્યારે થોડું મોટું મન રાખીને જવા દેવું જરૂરી બને છે. ક્યારેક કોઈના પર્સનલ ફોટો શેર થાય ...ક્યારેક નામ વગર કોપી પેસ્ટ થાય ...ક્યારેક કોઈ ગ્રૂપ બને ,પોતાના જ સર્કલમાં વાહવાહીની લેતીદેતી થાય ,કોઈ પર્સનલ રિલેશન બંધાય તો ક્યાંક પર્સનલ હોય એ દૂર થતાં જાય ....આવા નાના છમકલા બન્યા જ કરવાના ..એ બધા સાથે બનતું હશે ને એમાં કદાચ કોઈ બાકાત નહીં રહેતું હોય ..ઘણા અહિયાં ફક્ત ને ફક્ત ચેટિંગ કરવા જ આવે છે. એવા લોકોને જો તમે એક વાર ના પાડો તો સમજદાર હશે તે તમને ડિસ્ટર્બ નહીં કરે ..થોડી નાસમજ હશે તો બીજી વાર આવશે ..થોડી કડક ભાષા વાપરો એટ્લે નારાજ થઈ જતાં રહેશે ..પણ ફરી વાર જ્યારે આવે ત્યારે સમજી લેવું પડે જ કે દાળ માં કઇંક કાળું છે .....ને તેમની આવી કોશિશ જો કામયાબ થઈ જાય તો ભવિષ્યમાં ખૂબ માઠાં પરિણામ આવી શકે છે.

હવે મૂળ વાત ......સ્ત્રીઓને ભગવાને સિક્સ સેન્સ નહીં હું તો કહું છું કે એનાથી પણ વધારે સેન્સ આપી છે. નાની બાળકીને પણ અયોગ્ય માગણી કરવામાં આવે તો ભલે તેને ભાન ન પડે ..કઇંક અણછાજતી માગણી છે એની તો ખબર પડે જ છે॰

તો અહિયાં બિરાજતા બધાને શું એ ભાન નથી હોતું ....?? બધા જ વ્યક્તિઓમાં દેવ અને દાનવ બન્ને રહેલા છે ..એ નક્કી આપણે જ કરવું પડે કે આપણામાંના દેવની પુજા કરવી છે કે પછી દાનવને દાવ લેવા દેવો છે એટ્લે કે એને એની મનમાની કરવા દેવી છે . દેવ બનવું છે કે દાનવ ........અત્યારના જમાનામાં બન્નેને સાચવીને આગળ વધવાની સ્થિતિ ઊભી થઈ છે . આપણી મંજિલ આપણે જ પાર કરવી પડે છે. તેમ આપણાં ઉફાણાઓ જો બહાર ઠલવાય તો એ બૂમરેંગ થઈને પાછા ફરવાના પૂરા chances આ નેટ જગતમાં છે. એક ખ્યાલ એવો પ્રવર્તે છે કે આ માધ્યમ માત્ર ને માત્ર મિત્રો બનવા માટેનું જ છે. એમ પણ હશે ..પણ આપણે રહ્યા ગુજરાતી આપણે આપણાં ગુજરાતીપણાને ગમે તે રીતે છલકાવી ગમતાનો ગુલાલ કરવામાં માહિર છીએ. કોઈ પણ નવી વસ્તુ અપનાવવામાં આપણે અગ્રેસર છીએ.. નફા કે ખોટનું નાપતોલ કરીએ છીએ પણ નેટ જગતમાં આપણાં હિસાબકિતાબ ખોટા પડી શકે ખરા ! અને આમાં તો નુકસાન ભરપાઈ થઈ શકે પણ નહીં ઉલ્ટાની ખોટની ખાધ વધતી જાય .

પરંતુ નેટ જગતના ફાયદાઓ ઘણા છે અગણિત. બસ આપણને સાચા દાખલા ગણવાની આવડત હોવી જોઇયે તો આ ફાયદાઓની સંખ્યા વધતી અને વધતી જ રહેશે.

કેટલી કલમોને અહિયાં વિરામ મળ્યો હશે !!! કેટલા સંબંધોને અહિયાં વાચા મળી હશે ..!!! જૂના મિત્રોની ફોજ અહિયાં હિલોળા લેતી હશે ..... કેટલા લોકોની વાંચનની ભૂખ સંતોષાતી હશે ....કેટલા વિચારોને વેગ મળ્યો હશે ...!! આવું તો અગણિત આ એક જ માધ્યમથી શક્ય બન્યું છે.

સાથે અમુક વખોડાતા બનાવો પણ ....પરંતુ એટલું જરૂર કહીશ કે જ્યારે આવા બનાવો બને ત્યારે બધાએ પોતપોતાનું આત્મવિશ્લેષણ કરીને જ આગળ વધવું જોઇયે..કોઈ પણ સ્ત્રીની મરજી વગર અહિયાં આગળ નથી વધી શકાતું ..બળાત્કારના મામલે એ બન્ને જણા આમને સામને હોય છે ..સંમતિ વગર, બળજબરીનો સંબંધ જોડાય છે જ્યારે અહિયાં વાતોથી જો આગળ વધાતુ હોય તો એમાં બન્ને ની સંમતિ હોય જ છે, શું એક વારની વાતમાં કોઈ સ્ત્રીને ખબર નથી પડતી કે સામી વ્યક્તિ શું કહેવા માગે છે ? પડે જ છે.....બધી ખબર પડે જ છે ને છતાં પણ જાણી જોઈને એ ઊંડા કૂવામાં ઉતરે છે કારણ કે તેની માનસિક સ્થિતી એના જ કાબૂ બહાર હોય છે..............

મોટે ભાગે જે કોઈ બનાવો જે ધ્યાનમાં આવ્યા છે ત્યાં સુધી બધા જ મેચ્યોર લોકો ..ને યુવાનીની ઉંમર પાર કરી ગયેલા મિત્રો જ હોય છે, ખાસ કરીને સ્ત્રીઓ માટે મેનોપોઝનો સમય ચાલતો હોય ત્યારે આ સમય એને સાચવવાનો હોય છે .આજ સમયે તેની લાગણીની ભૂખ તીવ્ર કક્ષાએ હોય છે, એની માનસિક પરિસ્થિતી તેની કાબૂ બહાર હોય છે ને એના ઘરમાં જ્યારે આ સમય નથી સચવાતો ત્યારે એ બહાર પગલાં ભરતા અચકાતી નથી.

સારા નરસાનું ભાન એને પડતું હોવા છતાં ય એ સ્થિતી તેના હાથમાં નથી રહેતી ને એટ્લે જ એ ગમે તે સાથ પર મહોર મારી દેતા અચકાતી નથી. દરેક પુરુષો એ આ વાત સમજીને ,પોતાના ઘરમાં ને બહાર બંને જગ્યાએ આચરણમાં મૂકવાની વાત છે, સ્ત્રીઓને સન્માન દેવાની વાત છે ...કારણ કે સેન્સેટીવ સ્ત્રીઓ આમાં કૂદી પડતાં અચકાતી નથી ને જ્યારે એ મનોસ્થિતિ પાછી બદલાય છે ત્યારે કોઈ આ ભૂલને ભૂલી જાય છે ..કોઈ આને હોર્મોન્સની રમતમાં મળેલી હાર સમજી સ્વીકારી લે છે ને કોઈ સામો વળતો ઘા મારે છે એ વ્યક્તિ પર કે જે વ્યક્તિએ તેનો આ કહેવાતો “ લાભ “ ઉઠાવ્યો .....!!! હકિકતમાં ભૂલ બન્ને પક્ષોએ હોય છે અને ભોગવવાનું ઘણા બધા પક્ષોએ આવે છે .

અંતે તો આ દાવાનળ બંને પક્ષને દઝાડે જ છે. ને આવા કઇંક બનાવો બન્યા જ કરતાં હોય છે. જ્યાં સ્ત્રી સન્માનની વાત આવે ત્યારે મારો જીવડો ઊંચો નીચો થઈ જાય છે ને એટલું જ માન પુરુષોના સન્માનનું છે.તાળી ક્યારેય એક બાજુ નથી વાગતી ..!!

સ્ત્રીઓને માન આપવાનું મન એટલા માટે વધારે થાય કે નેટયુઝર્સમાં એમની સંખ્યા સરખામણીમાં ઓછી હોવા છતાં ય એ એમનું સ્થાન મજબૂત રાખવામાં સફળ થઈ છે. ઘણી વાર કેટલાય વિદ્વાન મિત્રોના મોઢે સાંભળેલું છે કે સ્ત્રી હોય એટ્લે લાઈક્સ અને કોમેંટ્સ મળવાની ........હું આ વાત ને બહુ હકારાત્મક દ્રષ્ટિથી જોઉ છું . આજે પણ સ્ત્રીઓની વાતનું વજન પડે છે, આજે પણ એક સ્ત્રી વગર આ સૃષ્ટિને આગળ વધારનાર કોઈ નથી ..એમ જ આજે એની સુંદરતા બીજાને સ્પર્શે છે....જેવા જેના વિચાર એવી એ સુંદરતાનું મુલવણી કરશે.....પણ એનાથી એ સ્ત્રીને શું ? સુંદર દેખાવાનું બંધ કરવું ?.......કસક નજરની છે ને કડાકા બીજા થાય છે. ખેર આની વિરુધ્ધમાં પણ વાતો કરી શકીએ છીએ . કારણ કે વયસ્ક લોકોની ભૂલોના માપદંડને આપણે કદાચ જુદા તારવી શકીએ નહીં .

સૌ ની પોત પોતાની સમજ મુજબ જ જીવન જીવાય છે..એમાંથી ક્યારેક રમુજ પણ ઉપજે ને ..ક્યારેક મજબૂરીના માયના બદલાય જાય ...એ ગમ્મતની રમતમાં કોઈની જીત કોઈની એટલી મોટી હાર ન બની જાય કે એ જિંદગીને કાયમ માટે ક્યાં તો ખોવી પડે ક્યાં તો જાનથી હાથ ધોવી પડે. આપણે વાત નેટ જગતની જ કરતાં હતા જ્યાં આવા બનાવો પણ બન્યા કરે છે . ખેર આપણે આને અભિશાપ કહેવાની ભૂલ નહીં જ કરીએ કારણ કે અત્યારે એવી કેટલીએ શાખાઓ છે જે વિસ્તરી રહી છે અને રહેશે જે આપણને વાંચન કે લેખન જેવી પ્રવૃતિઓથી જોડી રાખશે ..આપણાં જ્ઞાનમાં વધારો કરશે અને આપણી જિજ્ઞાસાને સંતોષ આપે છે . . જે કોઈ માહિતી જોઇયે તે માહિતી બસ એક જ ક્લિકથી મળી છે અને કેટલા નામી અનામીની કલમ ,કળા અને કારીગરીનો પરિચય થશે . નેટ જગત સાથે નાતો જોડાતો જ રહે છે દિવસે અને દિવસે આ સંખ્યા વધતી જાય છે . એ સાથોસાથ એને કેવી રીતે યુઝ કરવું એની સમજણ વધતી રહે એ જરૂરી છે . એનો ઉપયોગ કેમ કરવો અને શેની માટે કરવો એ જ શીખવાની જરૂર છે અને ત્યાં ક્યારેક સમજણ સાથે સંસ્કાર પણ કામ લાગતાં હોય છે . દુનિયાને મુઠ્ઠીમાં લઈને બધા ફરે છે . આજકાલ જ્યાં જુઓ ત્યાં બધા પોતપોતાની મોબાઈલની દુનિયામાં વ્યસ્ત છે ને કેટલાય આ વળગણથી ત્રસ્ત હશે પરંતુ કોઈ એને મૂકવાનું વિચારી શકતા નથી એટ્લે એમ કહી શકાય કે આ નેટ જગતે આપણાં પોતાના જગત પર કબ્જો કરી લીધો છે એટ્લે જ નેટનું બેન અત્યારે માણસોના ચેનને ઉડાડી દે છે આવા સમયે નેટની સાથે ભેટ કરવામાં અભય બનીને વિહરવું કે પછી સમજદારીથી કામ લેવું એ આપણાં હાથની વાત છે . બાકી તો સમજદાર કો ઇશારા કાફી હૈ.

થોડામાં ઘણું સમજવું ...................!!