Tran Hath no Prem - 5 books and stories free download online pdf in Gujarati

Tran Hath no Prem Chapter-5

પ્રકરણ – ૫

ત્રણ હાથ નો પ્રેમ

લેખકઃ- શૈલેશ વ્યાસ

મો.૯૮૨૫૦૧૧૫૬૨

ઇમેલઃ- saileshkvyas@gmail.com


પ્રકરણ – ૫

ડોકટરના શબ્દોથી જાણે સ્વદેશ ઉપર વજ્રઘાત થયો. તેના શરીરના અણુઅણુમાં ભયંકર વેદના અને પીડા ફરી વળી. કદાચ દેવાસુર સંગ્રામમાં અસુર વૃત્રાસુર ને દેવરાજ ઈદ્ર દ્વારા કરાયેલા વજ્રઘાત થી પણ આટલી પીડા નહી થઈ હોય, કારણ કે દેહની પીડાથી પણ વધારે હૃદય અને મનની પીડા હોય છે.

થોડીક ક્ષણો તો તેનું તથા અન્ય કુટુંબીજનોનું મગજ કામ કરતુ બંધ થઈ ગયુ હોય તેવુ લાગ્યુ, પણ સ્વદેશે સૌ પ્રથમ સ્વસ્થતા મેળવી લીધી.

ડોકટરે તેને અગાઉથી જ આવું કંઈ બની શકે છે તેવી શકયતા જણાવી દીધી હતી એટલે મનોમન એક જાતની માનસિક તૈયારી તેણે કરી લીધી હતી. ઉંડે ઉંડે તેને આશા હતી કે કદાચ ઈશ્વરેચ્છા થી આવી પરિસ્થિતી ઉત્પન્ન ન થાય, પણ સાથે સાથે જો આવી અનિષ્ઠતા આવી પડે તો તેણે એને સહન કરવાની માનસિક તૈયારીઓ કરી લીધેલ.

“શું બીજો કોઈ ઉપાય ન હતો?” તેણે ડોકટરને પૂછયું.

“અમે અમારા સૌ પ્રયત્નો કરી જોયા, સુદર્શનાનો જીવ બચાવવા આ અંતિમ પગલુ ભરવુ જરૂરી હતું” ડોક્ટરે તેના ખભા ઉપર હાથ મૂકતા કહ્યુ.

“થેંક યુ ડોકટર” તેણે ડોકટરને ઉદેશીને કહ્યુ. સૌ આશ્ચર્ય થી તેની સામે જોઈ રહ્યા, તે શા માટે આભાર માને છે તે કોઈને સમજાયુ નહીં. “તમે મારી સુદર્શના નો જીવ બચાવ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર, મારા માટે સુદર્શનાનું જીવન જ સૌથી વધારે અગત્યનું છે.”

સૌને સ્વદેશ દ્વારા આભાર માનવાનું કારણ સમજાયુ.

ડોકટર આ લાગણીશીલ યુવાન સામે જોઈ રહ્યા. આવા કપરા સમયે ડોકટરનો આભાર માનવો એ તેની સંવેદના દર્શાવતી હતી. અન્ય કોઈ યુવાન હોત તો કાં તો ભાંગી પડયો હોત અથવા તકરાર ઉપર ઉતરી આવ્યો હોત.

તેમણે કહ્યુ. “આઈ એમ સોરી અમે આનાથી વધારે કાંઈ કરી ન શક્યા, તબીબી શાસ્ત્રની પણ એક સીમા છે. ”

“અમે તેને ક્યારે મળી શકીયે ?” તેણે પૂછયુ.

“તેને ભાનમાં આવતા હજુ વાર લાગશે. હમણા જ ઓપરેશન પુરુ થયુ છે. તે એનેસ્થેશીયાની અસર નીચે બેહોશ રહેશે. એકાદ બે કલાક લાગી શકે છે” અહી ડોક્ટર અટક્યા “મારી એક સલાહ છે”?

“હા, સાહેબ બોલો ને”

“જૂઓ, તે ભાનમાં આવશે એટલે પહેલા તો તેના શરીરમાં વાઢકાપની પીડા શરૂ થશે. એના માટે તો એને પેઈન કીલર ના ઈંજેકશન નર્સ આપશે, પણ જયારે તેને ખબર પડશે કે તેનો એક હાથ નથી ત્યારે તેને સૌથી વધારે અને ભયંકર માનસિક પીડા થશે. એવા સમયે તમે કોઈ ત્યાં હાજર હશો તો તેનો માનસિક આઘાત બમણો થઈ જશે. સ્વજનો આસપાસ કે સામે હોય તો દુઃખની પીડા વધારે જણાતી હોય છે.”

“તો આપ ઈચ્છો છો કે તે ભાનમાં આવે ત્યારે અમારામાં થી કોઈ તેની સામે હાજર ન હોય?” રાધામાસીએ થોડા ઉગ્ર સ્વરે પૂછયું. “એવું કેમ બને?”

“હું દર્દીની માનસીકતા પ્રમાણે કહું છું, જો એ વખતે ડોક્ટર કે નર્સ જ માત્ર હાજર હોય તો તેઓ વ્યવસાયીક રીતે વર્તન કરે અને પ્રથમ આઘાત જે લાગે તેને સ્વીકાર કરવામાં મદદરૂપ થાય સ્વજનો અને કુટુંબીજનોની સામે માનસિક આઘાત લાગે તો તે સો ગણો વધી જતો હોય છે, એવો અમારો અનુભવ છે.”

“તો તમારા હિસાબે અમારે ક્યારે મળવુ જોઈએ ?” સ્વદેશે સ્વસ્થતા જાળવી પૂછયુ.

“દર્દીને જ્યારે આવા વાઢકાપની પરિસ્થિતીની જ્યારે જાણ થાય ત્યારે તેને પ્રચંડ આઘાત લાગતો હોય છે. પણ જેમ જેમ વાસ્તવીકતા સમજાતી જાય તેમ તેમ તેની પ્રતિક્રિયા ની સમતુલતા નીચે આવતી જાય છે અને મન, સ્થિતી ને સ્વીકારવા લાગે છે આ સ્વિકૃતી કદાચ માત્ર ૨ કે ૫% ટકા જેટલી જ હોય છે પણ લાંબા ગાળે દર્દીને સ્વસ્થતા મેળવવામાં ખૂબ જ મદદરૂપ થતી હોય છે.” ડોકટરે વિસ્તારથી સમજાવ્યું.

“હું નર્સને સૂચના આપી દઉ છું કે સુદર્શના થોડું ઘણું પણ પરિસ્થિતી સાથે સમાધાન કરી લે ત્યારે તમને બોલાવી લેશે. પછી તમે તેને મળી શકશો, પણ બને તો એક એક જ વ્યક્તિ મળવા જશો. સામટા જશો તો દુઃખનો ઘડો વધારે છલકાશે” ડોકટરે સમજાવ્યુ.

“હું મારી ચેમ્બરમાં જ છું, કોઈ પણ કામ હોય તો કહેજો” કહેતા ડોકટર પોતાના કક્ષમાં ગયા.

સ્વદેશ અને અન્ય સૌ એક બીજાની સામે તાકી રહ્યા. માસીમાંના મોઢા ઉપર તો છુપો રોષ હતો. તેમણે ફરી કહ્યુ. “આવું તો હોતુ હશે ? આવા વખતે તો એને કોઈનો સાથ જોઈએ, જાગે અને “આવું” જૂવે ત્યારે કોઈ ન હોય તો છોકરી ભાંગી જ પડે, હું તો માનું છું કે આપણામાંથી કોઈએ તેને સાંત્વના આપવા ત્યાં હાજર રહેવું જ જોઈએ”

રાજમોહને તેમને સમજાવ્યા “રાધાબેન, તમે તમારી રીતે સાચા છો. પણ ડોકટર સાહેબનું કહેવું પણ સાચુ છે. હું ઘરમાં હોઉં ને મને તાવ આવે છે તો હું ઘર માથે લઉ છું પણ દેશ-વિદેશની ટુર ઉપર હોઉં છું ત્યારે તાવ આવે તો દવાની ગોળી લઈ ચૂપચાપ સૂઈ જાવ છું. સ્વજનો સામે હોય તો આપણે તેમની પાસેથી વધારે અપેક્ષા રાખતા હોઈએ છીએ.”

“તમને જેમ ઠીક લાગે તેમ કરો, મને તો બરાબર નથી લાગતું” રાધાબેને રિસાયેલા સ્વરે કહ્યુ. તેમના કથનમાં સુદર્શના પ્રત્યેનો ભાવ અને લાગણી દેખાતી હતી.

સ્વદેશ વાતારવણ નરમ કરવા કહ્યુ. “હવે આપણે હજુ એકાદ બે કલાક રાહ જોવી પડશે તો મારૂ કહેવુ છે કે તમે લોકો નીચે કેંટીનમાં જઈ થોડું ઘણુ ખાઈ લો. હું તો ઈન્સ્પેક્ટર સાથે સેંડવીચ, કોફી વિ.ખાઈ આવ્યો છું તમે સૌ કોઈ ભૂખ્યા છો.”

રાધાબેન તથા રાજમોહને થોડી આનાકાની કરી પણ સ્વદેશની વાતમાં રહેલા તથ્યને સમજી બાકીના સૌ નીચે કેંટીનમાં ગયા.

સ્વદેશ ત્યાં પડેલી ખુરશી ઉપર બેઠો અને તેણે આંખ મીચી લીધી. અડધા પોણા કલાક પછી ચા નાસ્તો કરીને સૌ પાછા આવ્યા ત્યારે પણ સ્વદેશ આંખ મિંચીને બેઠો હતો, સૌને ખ્યાલ આવી ગયો કે બેઠા બેઠા સૂઈ ગયો છે. આટલા બધા માનસિક તણાવ અને ઉદ્વવેગ વચ્ચે થોડીવાર એકલા બેસવાથી તે સાહજીક નિદ્રામાં સરી પડયો હતો. રાજમોહને ઈશારો કરી સૌને જણાવ્યુ કે એને જેમ સૂતો છે તેમ સૂવા દયો. કોઈ ખલેલ પહોંચાડશો નહિ.

સ્વજનો ફરી પાછા પોતપોતાની જગ્યાએ ઉભા રહ્યા કે ખુરશીઓ પર ગોઠવાઈ ગયા. રાધાબેને હનુમાન ચાલીસાનો પાઠ મનમાં ને મનમાં બોલવાનો શરૂ કર્યો, રાજમોહને પોતાના મોબાઈલથી ઓફિસ તેમ અન્ય વ્યવસાયીકોને જરૂરી કામ અંગે SMS આપવા લાગ્યા. પરિક્ષિત તથા મોહિતે ધીમે ધીમે આંટા મારવા શરૂ કર્યા તથા વચમાં વચમાં મોબાઈલ ઉપર ફેસબુક કે વોટ્સએપ ઉપર જઈ સમય પસાર કરવા લાગ્યા. લગભગ બીજા કલાકેક પછી અચાનક જ સામેથી નર્સ આવતી દેખાઈ. સૌ પોતપોતાના મોબાઈલ, હનુમાન ચાલીસા ની ચોપડી વિ પોતાના ગજવામાં કે પર્સમાં મૂકી ઉભા થઈ ગયા.

રાજમોહને સ્વદેશનો ખભો સહજ જ હલાવ્યો કે તે તત્કાલ જાગ્રત થઈ ગયો. તે એકદમ ઉભો થઈ નર્સ તરફ ગયો.

“કેમ છે સુદર્શના ને ?” તેણે ચિંતીત સ્વરે પૂછયું.

“જૂવો સુદર્શનાબેનને એસી. ડીલક્ષ રૂમમાં શીફ્ટ કરી દીધા છે અને હવે તેઓ ભાનમાં આવી ગયા છે. અત્યારે ડોક્ટર સાહેબ તથા અન્ય એક નર્સ તેમની જોડે છે.” નર્સે જણાવ્યું.

“પણ એને............સ્વદેશને શું શબ્દો વાપરવા તે સમજાયુ નહીં પછી ગોઠવીને ઉમેર્યુ. પરિસ્થિતીની જાણ છે ?”

“હજુ પૂરેપૂરા ભાનમાં આવતા અડધો એક કલાક લાગશે ત્યાર પછી ખરી પરિસ્થિતી ની તેમને જાણ થશે, એટલે ત્યાં સુધી ડોક્ટર સાહેબ અને નર્સ તેમની જોડે જ રહેશે. એકવાર પ્રાથમિક આઘાત તેઓ સહન કરી લે પછી તમને બોલાવશે”

“હજુ અમારે કેટલી રાહ જોવાની ?” રાધાબેને ડોકટર અને નર્સ પ્રત્યે અણગમો પ્રગટ કરતા કહ્યું. “અંદર અમારી દીકરી તરફડે અને અમારે અહિુંઆ બહાર બેસી રહેવાનું ?”

રાજમોહને તથા સ્વદેશે રાધાબેન ને ફરી સમજાવ્યા. “ડોકટર, સુદર્શનાના ભલા માટે જ કહે છે એટલે આપણે થોડી રાહ જોવી જ રહી” અનિચ્છાએ રાધાબેન ફરી દુર ખૂરશીમાં ગોઠવાયા.

હવે નો સમય બધા માટે ખૂબ જ ભારે હતો. હવે જ્યારે સુદર્શના ભાનમાં આવી છે ત્યારે તેની શું માનસિક પરિસ્થિતી હશે તે વિચારે સૌ કંપી જતા હતા. સ્વદેશ પોતાની પ્રેયસી માટે, રાજમોહન પોતાની લાડકી માટે, માસીમાં પોતાની દિકરી માટે, પરિક્ષીત પોતાની બહેન માટે અને મોહિત પોતાની મિત્ર માટે મનોમન ઈશ્વર ને પ્રાર્થિ રહ્યા હતા.

કલાકેક પછી, ફરી સુદર્શના ના એ.સી ડીલક્ષ રૂમનો દરવાજો ખૂલ્યો અને ડોક્ટર બહાર આવ્યા. સૌ તેમની સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યા. સવાલ પૂછવાની કદાચ કોઈમાં હિંમત ન હતી.

ડોકટરે રાજમોહન ના ખભે હાથ મૂક્યો. “સુદર્શના હવે પૂરેપૂરી ભાનમાં આવી ગઈ છે એના આખા શરિરમાં ચારેબાજુ પાટાપીંડી થયેલ છે એટલે એને દુઃખાવો છે પણ પેઈન કીલર ના ઈન્જેકશન આપેલા છે એટલે કલાક બે કલાક તેને દુઃખાવાનો અહેસાસ નહિ થાય........” સ્વદેશને પહેલી વાર ડોકટર ઉપર ચીડ ચડી, ડોકટર આ શું વાર્તા માંડી બેઠા છે જે અમારે જાણવુ છે તે કહેતા નથી. “.......હવે તેને પરિસ્થતી સમજાઈ ગઈ છે. ” ડોક્ટરે કહેવાનું ચાલુ રાખ્યુ. “તેના ડાબા હાથની પરિસ્થિતી પણ તેને સમજાઈ ગઈ છે, થોડો સમય માટે તેને પ્રચંડ આઘાત લાગ્યો હતો અને ખૂબ જ રડી હતી. પણ અમે તેને સમજાવ્યુ છે કે તેનુ જીવન બચાવવા હાથ નું બલિદાન દેવુ જરૂરી હતું.” ડોકટરે અહિ અટકી સૌ ના સામુ જોયુ, સૌ ચિત્રવત સાંભળી રહ્યા હતા, અંદર સૂતેલી સુદર્શનાની મનોદશા તથા પીડાનો પડઘો અહિંઆ સહુના ચહેરા ઉપર સ્પષ્ટ હતો.

“હવે તે થોડીક સાહજીક થઈ હશે”, ડોકટરે કહ્યુ, “હવે એક એક કે બે જણ અંદર જઈ શકો છો. તમને જોઈને તેના થી નહી રહેવાય અને આક્રંદ કરશે પણ તમારે ધીરજ થી તેને સંભાળવી પડશે. અમારી નર્સ અંદર જ રહેશે, તમારે કોઈ જરૂરત હોય તો તેની મદદ લેશો.” ડોકટરે સ્વદેશ સામે જોયુ અને કહ્યુ” “ગુડ લક” અને તેઓ પોતાની ચેમ્બર તરફ ગયા.

અત્યાર સુધી મૂર્તિમંત થયેલ સૌ કોઈમાં જાણે કોઈ માયાવીની એ પ્રાણ પૂર્યા હોય તેમ સૌમાં સળવળાટ આવી ગયો.

રાધાબેન તરત ઉભા થઈ સુદર્શનાની રૂમ તરફ જવા લાગ્યા “હું પહેલા જાઉં છું મારી દિકરી પાસે”

“એક મિનિટ” રાજમોહને તેમને રોકયા. “સ્વદેશને સાથે લઈ જાવ, નહિતર તમે રડવા બેસી જશો તો સુદર્શનાની તબિયત વધારે બગડશે” તેમણે આજ્ઞાકારી સ્વરે કહ્યુ. “સ્વદેશ તું પણ સાથે જા”

સ્વદેશની મનોદશા ત્રિશંકુ જેવી હતી. એક બાજુ તે પોતાના પ્રિયપાત્ર પાસે ઉડીને જવા ઉતાવળો થઈ રહ્યો હતો જ્યારે બીજી બાજુ એક અજ્ઞાત ભય તેને પાછો ખેચીં રહ્યો હતો.” શું તે સુદર્શનાને આવી પરિસ્થિતીમાં જોઈ શકશે ? શું તેને જોઈને સુદર્શના ભાંગી પડશે ? તેની તબિયત વધારે તો નહી બગડે ને ?”

પણ સ્વદેશમાં એક પ્રકારનું માનસિક બળ આવી ગયું હતુ, તેણે પોતાની જાતને સ્વસ્થ કરી ગમે તેવા સંજોગો સાથે બાથ ભરવાની નિર્ણાયક્તા મેળવી લીધી હતી.

“ચાલો, માસીમાં” તેણે કહ્યુ અને રાધાબેનની સાથે સાથે જ સુદર્શના ના રૂમમાં પ્રવેશ કર્યો.

અંદર પ્રવેશતા જ બંને એકાદ ઘડી માટે ખચકાઈ ને, ઉભા રહી ગયા. ખાસ્સો મોટો કહી શકાય તેવો રૂમ હતો. હલકા વાદળી રંગની દિવાલો હતી, એક બાજી સ્પ્લીટ એ.સી. લાગેલુ હતુ. મેચીંગ પડદા અને ઉપર્યુકત રંગના દર્દીના સ્વજનો ને બસવા માટે નાના સોફાસેટ ગોઠવેલ હતા. સામી દિવાલે LCD ટીવી લાગેલુ હતુ. જે અત્યારે બંધ હતું. એ સિવાય દર્દી માટે જરૂરી જાતજાતના તબીબી સાધનો ને મીટરો ગોઠવાયેલા હતા.

સફેદ કપડામાં સજ્જ નર્સ એક બાજુ પોતાના Reports માં કોઈ નોંધ કરી રહેલ હતી.

સામેની દિવાલ ની નજદીક ગોઠવાયેલ બેડ ઉપર સુદર્શના સૂતી હતી. સ્વદેશ તેને એકીટશે જોઈ રહ્યો.

સુદર્શના શૂન્યમનસ્યક ભાવે એસી રૂમની છત સામે તાકી રહી હતી. તેના ચહેરા ઉપર કોઈ ભાવ ન હતા પણ આંખોમાં વેદના અને પીડા આટલે દૂર થી પણ તેને સ્પષ્ટ દેખાતા હતા. રડી રડી ને આંખો લાલ થઈને સુજી ગયેલી લાગતી હતી. તેણે હોસ્પીટલના નિયમાનુસાર હલકા વાદળી રંગના ગાઉન જેવો ડ્રેસ પહેર્યો હતો. તેના અડધા શરિર સુધી બ્લેંકેટ ઓઢાયેલો હતો. તેના માથા ઉપર તથા શરિરના અન્ય ભાગો ઉપર પાટાપિંડી કરેલ હતી. ડાબા હાથ ઉપર ખભાથી લઈને કોણી સુધી સફેદ પાટો બાંધેલો હતો. જમણા હાથ ઉપર નળી દ્વારા I.V. Fluid દવા સાથે ચડી રહ્યુ હતુ. એક ક્ષણમાં જ સ્વદેશે આ દ્રશ્યો જોઈ લીધા.

ત્યાં જ રાધાબેન “મારી દીકરી” કહેતા ફાટેલા અવાજે સુદર્શના પાસે ઘસી ગયા અને તેને લગભગ વળગી જ પડયા. એકાદ બે ક્ષણ માટે તો સુદર્શના આ અચાનક જ થયેલ પ્રતિઘાત થી ગભરાઈ જ ગઈ અને તેના મોઢામાંથી હળવી ચીસ નીકળી ગઈ થોડે દૂર ઉભેલી નર્સ તુરત જ દોડી આવી અને રાધાબેનને સુદર્શના થી બળપૂર્વક દૂર કર્યા. “બેન, તમને સમજ નથી પડતી ? હજુ તો હમણાં ઓપરેશન થયુ છે અને તમે આમ વળગો છો ? વ્યવસ્થિત રીતે વર્તો નહિતર માટે તમને બહાર કાઢવા પડશે ” નર્સે વ્યવસાયીક ગુસ્સો દેખાડતા કહ્યું.

“સોરી, સોરી” રાધાબેને માફી માંગતા ક્હ્યુ. પછી “કેમ છે દિકરા ?” કહેતા સુદર્શના નો જમણો હાથ પોતાના હાથમાં લઈ બાજુના સ્ટુલ ઉપર બેસતા પૂછયું.

અચાનક થયેલા આ “હુમલા” થી બે ઘડી સ્તબ્ધ થયેલ સુદર્શના ને જાણે બેહોશીમાંથી જાગ્રત થઈ હોય તેમ કળ વળી. તેની આંખો છતને બદલે રાધાબેનના ચહેરા ઉપર સ્થિર થઈ, અત્યાર સુધીના અગોચર અંધકારમય વિશ્વમાંથી અચાનક તેના પોતાના જાણીતા અજવાળીયા વિશ્વમાં પાછી ફરી. તેનુ અભાન માનસ અચાનક જ સભાન બન્યુ. તેણે રાધાબેનને ઓળખ્યા. “માસીમા” એક તીવ્ર રૂદનસી ચીસ તેના ગળામાંથી નિકળી.

“હા, બેટા કેમ છે તને” રાધાબેન રૂંધાતા અવાજે પૂછયું.

જવાબમાં સુદર્શનાના ગળામાં થી કોઈ શબ્દ ન નિકળ્યો તેને બદલે આખા શરીરમાં એક રૂદનની ધ્રૂજારી પ્રસરી ગઈ. આખુ શરિર તીવ્ર વેદનાથી હલબલી ગયુ અને તે ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગી. તેની આંખોમાંથી આંસુઓનો વરસાદ વરસવા લાગ્યો, ગળામાં હિબકા ભરાવા લાગ્યા. વેદના અને અસહાયતામાં તે માથુ જમણી થી ડાબી બાજૂ અને ડાબી થી જમણી બાજુ પછાડવા લાગી.

રાધાબેન ઉભા થઈ ગયા, તેમણે અને નર્સે સુદર્શનાને ધીરેથી પકડી રાખી. “શાંત થઈ જા બેટા, બધુ સારૂ થઈ જશે” રાધાબેન સુદર્શના ને શાંત કરવાના પ્રયાસ કરતા હતા, પણ સુદર્શના નું રૂદન, વેદના અને પીડા વધતા જતા હતા.

હવે રાધાબેન ને ખ્યાલ આવ્યો કે ડોકટર સાચુ કહેતા હતા, અત્યારે આટલી પીડા છે તો જાણ થઈ હશે ત્યારે શું થયુ હશે ? ”

તેમણે અસહાયતા થી સ્વદેશ સામે જોયુ તે હજુ એકબાજુ જ ઉભો હતો. તે ધીરેક થી આગળ આવ્યો. સુદર્શનાની નજર હજુ તેના ઉપર પડી ન હતી. તે હજુ હિંબકા ભરી રહી હતી.

સ્વદેશે મીઠા અને હેતાળ સ્વરે કહ્યુ, “Hi, Sweetheart” હાઉ. આર. યુ ?

એક પળ માટે જાણે રૂમની અંદરની સૃષ્ટિ સ્થિર થઈ ગઈ. પ્રચંડ વેગે ફૂંકાતુ વાવાઝોડું અચાનક શાંત થઈ જાય કે ધધકતો જવાલામુખી પોતાના અગ્નિની જવાલાઓ તાત્કાલીક શમાવી લે તેવુ વાતાવરણ થઈ ગયુ.

સુદર્શનાને એકાદ પળતો ખબર જ ન પડી કે આ કોણ બોલ્યુ. તેણે પોતાનુ મસ્તક અવાજની દિશા તરફ ફેરવ્યુ. તેની આંખો સ્વદેશની આંખો સાથે મળી તે માત્ર તેને જોઈ જ રહી. તેના હૃદયમાં પિડા, વેદના, અસહયતાની સાથે સાથે એક જાતના હાશકારા ના ભાવો ઉપસી આવ્યા.

ફરી પેલો હેતાળ મીઠો સ્વર આવ્યો. “હેલો, સ્વીટહાર્ટ” કહેતાં સ્વદેશ તેની બાજુમાં આવ્યો. રાધાબેન સ્ટુલ ઉપર થી ઉભા થઈ ગયા અને સ્વદેશને બેસવા જગ્યા કરી આપી.

સ્વદેશે સ્ટુલ ઉપર બેસી સુદર્શનાનો જમણો હાથ પોતાના હાથમાં લઈ પંપાળ્યો. બંને પ્રેમીઓ એક બીજાને મનભરીને જોઈ રહ્યા. અચાનક જ સુદર્શાની આંખોમાં થી આંસુની ધારા વહી નીકળી. “સ્વદેશ” રૂંધાતા અવાજે માત્ર એટલુ જે તેના ગળામાંથી નીકળ્યું.

સ્વદેશે કઠણ મનોબળ રાખીને હળવા અવાજે કહ્યુ. “કશું ચિંતા કરવા જેવુ નથી. ડોક્ટરે કહ્યુ છે કે ૧૦/૧૨ દિવસમાં તો તુ એકદમ ઠીક થઈ જઈશ.”

સુદર્શના સ્વદેશને તાકી રહી, “આ શુ બોલી રહ્યો છે, શું તેને જાણ નથી મારા હાથ વિશે ? ”

સ્વદેશે તેનો હાથ પંપાળતા જાણે કોઈ રહસ્યમય વાત કહેતો હોય તેમ કહ્યું “તું ફટાફટ ઠીક થઈ જા પછી આપણે સગાઈની date પાકી કરવાની છે. આપણે થોડી સરપ્રાઈઝ આપવાની છે ઘરના બધાને” સુદર્શના ને ક્યાં ખબર હતી કે આવી વાત કરતા સ્વદેશનો જીવ કળીએ કળીએ કપાતો હતો પણ સુદર્શના ને સ્વસ્થ કરવા તે આ કરી રહ્યો હતો.

સુદર્શના નું ધ્યાન પોતાની અસહાયતા ઉપરથી હટીને સ્વદેશની વાત ઉપર આવી ગયું. “શું સરપ્રાઈઝ છે.?” “એ તો અત્યારે તારાથી પણ સરપ્રાઈઝ છે.” સ્વદેશે તેના ગાલ ઉપર ટપલી મારતા કહ્યુ.

આવી પીડામાં પણ સુદર્શનાના મ્હોં ઉપર એક સ્મિતની રેખા આવી ગઈ, સ્વદેશને આ જ જોઈતું હતુ.

“જો હવે રડવાનું બંધ, અને સાજા થવાનું ચાલું, બરાબરને રાધાબેન ? “તેણે રાધાબેનને વાતમાં ઘસિય્યા” “હા, દીકરા, જલ્દી જલ્દી સાજી થઈ જા” ઘડી બે ઘડી સુદર્શના આ પ્રેમ અને મમતા ના આકાશમાં ઉડી રહી, પણ અચાનક જ તે ફરી ધરાતલ પર આવી ગઈ.

તેને પોતાની અપંગતા, અસહાયતાનું ભાન થઈ આવ્યુ, “ પણ સ્વદેશ ” તેણે વેદના ભર્યા સ્વરે કહ્યુ. “હા, બોલ સુદર્શના”

“પણ મારો હાથ.......” તે આગળ બોલી ન શકી તેનો સ્વર રૂંધાઈ ગયો એકાદ બે પળ પછી તેણે ફરી કહ્યુ. “મારો એક હાથ આ લોકો એ કાપી નાખ્યો છે” તેણે રડતા રડતા કહ્ય. “હું અપંગ, હવે તારી સહચરી કેવી રીતે બની શકીશ, હું તારા માટે હવે લાયક નથી રહી.”

“એવુ કોણે કહ્યું ”? સ્વદેશે સુદર્શના નો ચહેરો પોતાના બંને હાથમાં લઈ કહ્યુ. “શું આપણા લગ્ન પછી આવુ બન્યુ હોત તો હું તને છોડી દેત ? કે મને આવો અકસ્માત થયો હોત તો તું મને છોડી દેત ?

સુદર્શનાએ નકારમાં માથું ધુણાવ્યુ. “હું તને ચાહું છું, તારા મનને ચાહું છુ, માત્ર તારા તનને નથી ચાહતો” સુદર્શના સ્તબ્ધ થઈ પોતાના પ્રિયતમને તાકી રહી હતી ” જો એવું કહેવાય છે ને કે કુદરતે ચારે હાથે પૃથ્વી ઉપર સૌંદર્ય બક્ષ્યુ છે અને બે પ્રેમીઓ પોતાના બંને હાથે એટલે કુલ ચાર હાથ સાથે એકમેકને પ્રેમ કરે છે, તેની સામે આપણે ચાર હાથે નહી તો ત્રણ હાથે પ્રેમ કરીશું આખી દુનિયાના ચાર હાથના પ્રેમ સામે આપણો “ત્રણ હાથનો પ્રેમ” હશે તે સુદર્શના ઉપર નમ્યો. સુદર્શના પોતાના જમણા હાથે સ્વદેશને વળગી પડી.

(ક્રમશઃ)

(વધુ રસિક ભાગ આવતા અંકે)