Tran Hath no Prem - 4 books and stories free download online pdf in Gujarati

Tran Hath no Prem Chapter-4

ત્રણ હાથ

નો

પ્રેમ

પ્રકરણ – 4

લેખકઃ શૈલેશ વ્યાસ

Email:- saileshkvyas@gmail.com

Mobile:- 9825011562

બીજી બાજુ સુદર્શનાની પરિસ્થિતી પણ સ્વદેશ જેવી જ હતી તેની આખી રાત સ્વદેશના વિચારોમાં જ વિતી ગઈ હતી સ્વદેશનું વ્યક્તિત્વ, તેની છટા, તેનું સ્ત્રી દાક્ષણીય તેની આંખો સામે છવાઈ રહ્યુ હતુ. વચમાં વચમાં એક બે વાર જ્યારે તેની આંખો મિંચાઈ ગઈ ત્યારે પણ સ્વપ્નમાં સ્વદેશ જ હતો.

તેને ખબર જ પડતી ન હતી કે તેને શું થઈ ગયુ છે. સ્વદેશનું નામ લેતાજ તેના આખા શરિરમાં લજ્જાની લહેર દોડી જતી હતી. આંખો શરમના ભારથી ખૂલતી જ ન હતી. હોઠો ઉપર સ્મિત, ગાલ ઉપર લાલાશ આવી જઈ રહી હતી. “મારૂ હૃદય કેમ આવુ ઘડકે છે?” ચારેકોર મધુરતા કેમ લાગે છે? પરણેલી કે પ્રેમમાં પડેલી સહેલીઓની વાતો તેને યાદ આવી ગઈ. “શુ મને પ્રેમ થઈ ગયો છે?” વિચારતા વિચારતા જ તે શરમાઈ ગઈ. પલંગમાં ઉંધા પડી તેણે ઓશિકામાં પોતાનું મોઢું છુપાવી દીધુ. તેનુ આખુ શરિર અને મન પુકારી ઉઠયા. “સ્વદેશ, હં તને ચાહુ છું.”

પછી તો કોલેજમાં બંને જણા એકબીજને મળવાની તક જ શોધતા હતા. જ્યારે પણ સામસામે આવી જાય ત્યારે ઉભા રહીને વાતો થવા લાગી, નોટ્સની આપલે થવા લાગી, ક્યારેક કેંટીનમાં બેસીને કોફી કે જયુસ પીવા લાગ્યા. ડીબેટમાં તો ભાગ લેવાતો જ હતો.

પ્રણયના અંકુર વધારે ને વધારે વૃધ્ધિ પામવા લાગ્યા હતા. એકબીજાને મળવાના, સમય સાથે વિતાવવાની ઈચ્છાઓ પ્રબળ થતી જતી હતી. પણ પોતાના હૈયાની વાત હજુ મોઢે નહોતી આવી. હજુ મનસ્થિતી પોતાની પાસેજ રાખી હતી. કહેવાની હિંમત હજુ ચાલતી ન હતી.પણ એકબીજા પ્રત્યેનો લગાવ બંનેને વધારે ને વધારે નજદીક લઈ આવી રહ્યો હતો. સુદર્શનાને ગમતા કલરનું શર્ટ પહેરવુ કે સ્વદેશને ગમતુ પરફ્યુમ છાંટવુ એ બંને માટે અતિ આવશ્યક થઈ ગયુ હતુ. અચાનક જ સુદર્શના સ્વદેશને પ્રિય અંગ્રેજી પિકચરોમાં રસ લેવા લાગી હતી અને સ્વદેશને સુદર્શનાના પ્રિય ઉમાશંકર જોષી, વિલીયમ વર્ડઝવર્થ કે ફિરાક ગોરખપુરીની કવિતાને, શાયરીઓ ગમવા લાગી હતી. સ્વદેશને પહેલા મનગમતી એક્ટ્રેસો હવે ફિક્કી લાગતી હતી અને સુદર્શનાને તેનો પ્રિય ટેનીસ સ્ટાર હવે આકર્ષક નહોતો લાગતો.

એ જ અરસામાં આંતર કોલેજની ટેનીસ સ્પર્ધામાં બંને એ ભાગ લીધો હતો. મિક્ષ્ડ ડબલ્સ વર્ગમાં બંને જણાની જૂગલ જોડી લીગ રાઉંડ, ક્વાટર ફાઈનલ રાઉન્ડ, સેમી ફાઈનલ રાઉંડ જીતી ફાઈનલમાં પ્રવેશી હતી. ફાઈનલમાં પણ સામેની કોલેજની અજેય ગણાતી જોડીને 6-2, 6-4 પોઈન્ટસથી હાર આપી ચેંપીયનશીપ પોતાની કોલેજ માટે જીતી લીધી હતી. આ મેચો દરમ્યાન બંને વચ્ચેની દૂરસંવેદના, સુઝબુઝ અને એકમેક ઉપર નો વિશ્વાસ ખૂબ જ વધી ગયો હતો. બંનેને જાણે જાણ હતી કે અન્ય શું કરશે કે બીજા પાસે કરાવવા ચાહે છે. બંને ના મન એકબીજા સાથે પ્રેમની સાંકળથી બંધાઈ ગયા હતા.

સ્વદેશે પ્રસ્તાવ મૂક્યો “ચાલ આપણે આ જીતને ઉજવીએ કોઈ રેસ્તોરાંમાં જઈ કોફી પીએ” સુદર્શનાએ પ્રસ્તાવ સ્વિકારી લીધો.

“ગોલ્ડન વર્લ્ડ” રેસ્તોરામાં સાંજે 5 વાગે બંને મળ્યા. એક ખૂણામાં આવેલ ટેબલ ઉપર બંનેએ બેસીને કોફી અને પેસ્ટ્રીઝનો ઓર્ડર આપ્યો. વેઈટર ઓર્ડર લઈને ગયો ત્યારથી બંને એકબીજાની આંખમાં આંખ નાખીને જોઈ રહ્યા હતા. જાણે એકબીજાને મનભરીને પી રહ્યા હોય. આજુબાજુનું વિશ્વ આખુ અદ્રશ્ય થઈ ગયુ હતું. આખી સૃષ્ટિમાં માત્ર બેજ જીવાત્મા હોય તેમ તેઓ એક બીજાને નીરખી રહ્યા હતા. સ્વદેશનો હાથ સ્વાભાવિક અને અણજાણતા જ સુદર્શનાના હાથ ઉપર પ્રસરી ગયો હતો. સ્પંદનોની ઘંટ઼ીઓ વાગી રહી હતી.

તેમની આ તંદ્રા વેઈટરે તોડી “સાહેબ આપની કોફી અને પેસ્ટ્રીઝ” કહેતા તેણે વાનગીઓ ટેબલ ઉપર તેમની સમક્ષ મૂકી. “થેંકયુ” કહેતા સ્વદેશે સુદર્શના સામે જોયુ. મલકાતા વેઈટર ને જોઈ બંને જણા મલકાઈ ઉઠયા. કોફીના એક બે ઘૂંટ ભર્યા પછી સ્વદેશે મીઠા આવાજે કહ્યુ “મારે તને કાંઈક કહેવુ છે.” અણજાણતા સુદર્શના નો ગુલાબી ચહેરો વધુ રતુંમડો થઈ ગયો. તે માત્ર સ્નિગ્ધ ભાવે સ્વદેશ સામે જોઈ રહી. સ્વદેશે ફરી કહ્યુ “મારે તને કાંઈક કહેવુ છે.”

સુદર્શનાએ પલકો ઢાળીને કહ્યુ “કહે”

સ્વદેશે ખૂબ જ સાલસ અને પ્રેમભીના અવાજે કહ્યુ “આઈ લવ યુ” તેણે તેનો હાથ ધીરેથી દબાવ્યો. સુદર્શના નો ચેહેરો, આંખો અને આખી દેહયષ્ઠિ લજ્જાથી લાલ થઈ ગઈ. આંખો અને હોઠો મલકી ગયા અને આ ક્ષણ જાણે મન ભરીને પીવા માંગતી હોય તેમ તેણે આંખો મીચીં દીધી અને સ્વદેશના શબ્દોનો આસ્વાદ લેતી રહી.

સ્વદેશે તેનો હાથ જરા હલબલાવ્યો. ચિંતાની એક લકીર તેના કપાળ ઉપર તરી આવી.

“તે મને જવાબ ના આપ્યો.”

પોતાના સ્વપ્ન વિશ્વમાં વિહરતી સુદર્શના એ ફરી જવાબ ન આપ્યો કદાચ જોરથી ઘડકી રહેલા હૃદયના અવાજમાં જાણે તેણે કાંઈ જ સાંભળ્યુ ન હોય.

હવે તો સ્વદેશના અવાજમાં પણ ઉચાટ આવી ગયો. “શું થયુ તે મને કોઈ જવાબ ન આપ્યો” આ વખતે તો તેણે રીતસરનો સુદર્શનાનો હાથ ઝંઝોડી નાખ્યો.

સુદર્શનાએ ધીમેથી આંખો ખોલી અને મલકતા મલકતા સ્વદેશ સામે નજર માંડી

“પ્લીજ, જવાબ આપને, મને ગભરાટ થાય છે.” સુદર્શનાએ પોતાના બંને હાથો સ્વદેશના હાથો ઉપર મુકી દીધા” જવાબની જરૂરત છે ખરી?” સુદર્શનાએ સુમધુર સ્વરે કહ્યુ.

એક ક્ષણ તો સ્વદેશને શું કહેવુ તેની જ સમજ ન પડી, પણ સુદર્શના નો ગર્ભીત ઈશારો સમજી તે પ્રફુલ્લિત થઈ ગયો. પ્રેમ અને હર્ષના તંરગો તેના મનને રોમાંચિત કરી રહ્યા હતા તેણે કહ્યુ “તો પણ મારે તારા મોઢે થી જવાબ સાંભળવો છે.”

સુદર્શનાને પહેલા તો સ્વદેશને હેરાન કરવાની ઈચ્છા થઈ આવી પણ આવી પ્રેમભરી સુમધુર ક્ષણો એ પ્રિયતમને પજવવો તેને યોગ્ય ન લાગ્યું. તેણે મંદિરની કર્ણમંજૂલ ઘંટડી જેવા અવાજે કહ્યુ. “આઈ લવ યુ ટુ”

સ્વદેશ પ્રેયસી દ્વારા કરાયેલા પ્રેમના એકરારને રસાકાર કરીને પી રહ્યો. જાણે તેના કાનોએ અમૃતનું પાન કર્યુ હોય અને આંખો એ મેઘધનુષના રંગોથી વિશ્વને રંગબેરંગી જોયુ હોય તેમ પોતાના તનમનમાં આ ક્ષણોને આત્મસાત કરી રહ્યો.

“મુનિવર્ય, સમાધી તોડશો?” સુદર્શનાનો સ્વર આવ્યો. સ્વદેશે સુખતંદ્રામાંથી બહાર આવી પ્રેયસીને સ્મિત આપ્યુ. “થેંકયુ થેંક્યુ સો મચ”

“આપણી વચ્ચે નો થેંક્યુ, નો સોરી, ઓકે?” સુદર્શના એ કહ્યુ અને ઉમેર્યુ “હુ તને એટલો જ પ્રેમ કરૂ છું જેટલો તુ મને કરે છે.”

સ્વદેશે પોતાના ખીસામાંથી એક નાની લંબચોરસ ડબ્બી કાઢી, તેને ખોલી અને સુદર્શનાની સામે મુકી “આજના આપણા પ્રેમના એકરારના પ્રસંગે મારા તરફથી એક પ્રેમભરી તને ભેંટ” સુદર્શનાએ નજર નાખી તો એક સુંદર નાજુક સોનેરી રંગની લેડીઝ ઘડિયાળ તેમાં ચમકતી હતી. પ્રિયતમ સાથે પ્રેમભરી નજર નાંખી તેણે ઘડિયાળ ઉંચકી તેને પોતાના હોઠો થી સ્પર્શી. “આ ભેટ મને આજીવન યાદ રહેશે.”

“હવે મારો વારો” તેણે પોતાનુ પર્સ ખોલી એવી જ લંબચોરસ ડબ્બી સ્વદેશ સામે મૂકી. “જો હુ તારા માટે શું લાવી છું.” સ્વદેશે ખોલીને જોયુ તો વિદેશી બ્રાંન્ડની ગોલ્ડપ્લેઈટેડ મોંધી બોલપેન હતી તેણે બોલપેન હાથમાં રમાડતા કહ્યુ. “મારા માટે પણ જીવનભર આ ભેટ અમુલ્ય રહેશે.”

બંને એ નક્કી કર્યુ કે આપણો પ્રેમ સાત્વીક અને સાચો છે એટલે આપણે આપણા કુટુંબોથી છુપાવવો ના જોઈએ અને તેમને આપણા સંબંધોથી વાકેફ કરવા જાઈએ જેથી તેમના મનમાં કોઈ જાતનો અંદેશો ન રહે.

નક્કી કરેલ વાત પ્રમાણે બંને એ પોતપોતાના કુટુંબને આ પ્રેમ સબંધની જાણ કરી દીધી. સ્વદેશે પોતાના માતાપિતાને તથા સુદર્શનાએ પોતાના કાકાને તથા ઉછેરનાર “માસીમા” રાધાબેનને આ સબંધ વિશે જણાવી દીધુ.

બંને કુટુંબો એ આ સંબંધને પ્રેમ અને હર્ષ થી સ્વિકારી લીધો. બંને પક્ષ આર્થિક સામાજીક અને સંસ્કારોની રીતે સમકક્ષ હતા. બંને કુટુંબોને જમાઈ અને વહુ તરીકે સ્વદેશ અને સુદર્શના બધી રીતે યોગ્ય લાગ્યા હતા. વડિલોએ મળીને થોડા સમય પછી બંને ની સગાઈ કરવાનો પણ નિર્ણય લઈ લીધો.

બંને ના સબંધોની જાણ તેમના મિત્ર વર્તુળો દ્વારા આખા કોલેજમાં પ્રસરી ગઈ અને સગાઈ પણ થવાની છે તેની જાણ થતા તેમના ઉપર અભિનંદનોની વર્ષા થવા લાગી. આ સંબંધ નિર્મળ, સ્વચ્છ અને કુટુંબો દ્વારા સ્વિકૃત થયો હોવાથી કોલેજમાં પણ કોઈ પણ અનિચ્છનીય ટિકા કે ટિપ્પણી થતી ન હતી.

પહેલાથી જ સુદર્શનાની કોલેજના રોમિયો ઉપર ધાક હતી હવે તેના પ્રેમસબંધ અને સગાઈની જાણ થતા રોમિઓ અને મજનુઓને તેનામાંથી લગભગ રસ ઉડી ગયો હતો. અને તેઓ પણ તેની સામે આદર સહિત જોવા લાગ્યા હતા.

પણ હમણાં હમણાં થી કોલેજની બહાર ચાર પાંચ મવાલીઓએ બેસાવાનું શરૂ કર્યુ હતુ તેઓ આખો સમય ત્યાં બેસીને ટોળટપ્પા મારવા, સિગરેટો ફુંકવી અને આવતી જતી છોકરીઓ વિશે ટિપ્પણીઓ કરતા હતા. કોલેજ બહાર પોતાની મોટરસાયકલ પાર્ક કરી ગોગલ્સ ચડાવી આખો સમય બેસી રહેતી ટોળકીના નાયક તરીકે રફિક નામનો મવાલી હતો. ઉમરમાં કોલેજીયન મવાલીઓ કરતા તે ઘણો મોટો હતો એટલે સ્વભાવીક રીતે તેણે તેમનું નેતૃત્વ લઈ લીધુ હતુ. તે બેફિકરો, સિગરેટ અને દારૂનો બંધાણી અને સ્ત્રીસંગ માટે તરસતો ગુંડો જ હતો. શહેરમાં મોડા ગુંડાઓની ગેંગ માટે નાના મોટા કામ કરતો હતો. તેની પોતાની એક જૂની ટ્રક હતી જેનો ઉપયોગ તે ગુંડાતત્વોના નાના મોટા કામ અને ગેરકાયદેસર માલસામાન ની હેરાફેરી કરવામાં કરતો હતો. મહિનામાં ત્રણ ચાર દિવસ આવી ખેપ કરવાથી તેણે ઘણા સારા પૈસા મળતા હતા એટલે બાકીના 20/25 દિવસ એક બે કોલેજની બહાર ટોળકી જમાવી છોકરીઓની શાબ્દીક છેડતી કરી પોતાની અતૃપ્ત વિકૃત માનિસકતાને તૃપ્ત કરતો હતો.

થોડા વખત પહેલા તેની નજર સુદર્શના પર પડી હતી. પહેલી વાર જોતા જ તે સ્તબ્ધ થઈ ગયો હતો. આટલી સુંદર કોઈ યુવતિ હોઈ શકે તે તેની કલ્પનાની બહાર હતુ આવી સુંદરીનો સાથ મળે તો પાનું જીવન ધન્ય થઈ જાય અને એવુ ના શક્ય હોય તો એક વખત પોતાની થઈ જાય તો તે માટે તે ગમે તે કરવા તૈયાર હતો.

રફિક તેને આંતરવાનો મોકો ગોતી રહ્યો હતો. કોલેજ કેંપસમાં તો વિદ્યાર્થીઓના ટોળામાં આંતરવું મુશ્કેલ હતુ. બાહર આંતરવાનો મોકો નહોતો કારણ કે કોલેજમાં પાર્કિગમાંથી જ સુદર્શના પોતાની ગાડીમાં બેસી સેલ્ફ ડ્રાઈવ કરી નીકળી જતી હતી મોકો મળતો ન હતો.

આ દરમ્યાન રફિકના ત્રાસથી પાંચ છ વિદ્યાર્થીનીઓએ કોલેજના પ્રિન્સિપાલ ને ફરિયાદ કરી કે બાહાર બેઠેલા મવાલીઓ તેમની છેડતી કરે છે એટલે કોલેજ આવવા જતા તેમને મુશ્કેલી પડે છે.

પ્રિન્સિપાલે કોલેજની સિક્યુરીટીની સાથે જઈને રફિક અને તેની ટોળીને આવી હરકતો બંધ કરવા માટે ચેતવણી આપી અને જો સતામણી ચાલુ રહેશે તો તેમને ના છુટકે પોલીસમાં ફરિયાદ કરવી પડશે તેવી ચિમકી પણ આપી. પણ રફિક માથાનો ફરેલો, અહંકારી અને ગુંડાતત્વોથી રક્ષિત હોવાથી બેપરવાહ હતો. એક બે વાર પોલીસ ના હાથે માર પડેલ હોવાથી તથા નાની મોટી જેલયાત્રા કરેલ હોવાથી તેને કાયદાની બીક ન હતી. એટલે તેણે પોતાની હિન પ્રવૃતિઓ ચાલુ જ રાખી હતી.

વિદ્યાર્થીઓની ફરિયાદોથી ત્રસ્ત થઈને પ્રિન્સિપાલે પોલિસમાં રફિકની ટોળી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી.

ફરિયાદની તપાસ કરવાની જવાબદારી ઈન્સ્પેકટર છેલશંકર ત્રિવેદી ઉપર આવી. ઈન્સ્પેક્ટર ત્રિવેદીની ગણના ભડ અને કોઈથી ન ડરનાર પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે થતી હતી તેઓ રાજકીય દબાણ કે ગુંડાતત્વો ની લાલચથી ઉપર હતા. તે ધાર્યુ કરતા અને જે વિસ્તારમાં જાય ત્યાં ગુંડાતત્વોમાં સોપો પડી જતો. અચુક નિશાનબાજ એવા ત્રિવેદી સાહેબે ત્રણ ચાર ગુંડાઓના ઢીમ ઢાળી દિધા હતા અને પોલીસના નિતિનિયમો અને કાયદાકીય ગૂંચો ના એવા જાણકાર હતા કે ક્યાંય કોઈ તેમના વિરૂધ્ધ પગલા લઈ શકતુ નહિ.

રફિકને પણ ત્રિવેદી સાહેબ વિશે પુરી માહિતી હતી એની ટોળીના ઉપરીઓએ પણ તેમને નહિ છંછેડવાની સૂચનાઓ આપેલ હતી. એટલે જ્યારે ત્રિવેદી સાહેબે તેને ધમકાવ્યો ત્યારે નતમસ્તક બધુ સાંભળી રહ્યો. ત્રિવેદી સાહેબે તેને બે સૂચના આપી “એક તો કોલેજની બાહર અડ્ડો મારી બેસવુ નહિ અને કોઈ વિદ્યાર્થીની ને છેડવી નહી જો હવે પછી કોઈ ફરિયાદ આવી છે તો પછી તારા સુલેમાન ભાઈ કે અબ્દુલ મિયા પણ તને છોડાવી કે બચાવી નહી શકે.”

ત્રિવેદી સાહેબની સૂચના મુજબ તેણે અને તેની ટોળીએ કોલેજ ની બહાર બેસવાનું બંધ કરી દીધુ તેને બદલે દૂર રસ્તાના છેવાડે આવેલ પાનની દુકાનની બહાર તેણે પોતાની ટોળી સાથે બેસવાનું શરૂ કર્યુ અને છોકરીઓને છેડવાનું પણ બંધ કરી દીધુ કારણ કે તેના ઉપરીઓની સ્પષ્ટ સૂચના હતી કે ત્રિવેદી સાહેબને છંછેડવા નહિ અને ઉપરીઓની વિરુધ્ધમાં જવુ એટલે શું તે જાણતા હતો. અત્યંત પીડાદાયક મોત.

રંજ માત્ર એને સુદર્શનાના દર્શન ન થાય એનું હતુ. જેમ જેમ દિવસો જતા ગયા અને સુદર્શનાના દર્શન દુર્લભ થતા ગયા તેમ તેમ એના મનમાં એક જાતની ચડસ ઉત્પન્ન થતી ગઈ. એના વિકારો એ ઉભરો લેવા માંડયો. એની લાલસા વધતી ગઈ. કામવૃતી બેકાબુ થતી ગઈ અને સંસ્કૃતના સુભાષિત “કામાતુરાણાં ન ભયં ન લજ્જા” અનુસાર તેણે સુદર્શના ને જોવા અને બને તો પામવા માટે જોખમી નિર્ણય લઈ લીધો.

“આજે આપણે રીસેસ વખતે કોલેજના કેમ્પસમાં જવાનું છે.” તેણે સાથીઓને આદેશ આપ્યો.

“પણ ત્રિવેદી સાહેબ.......” એક સાથીએ યાદ અપાવ્યું.

“ત્રિવેદીની તો એસી તેસી” ખુન્નસ થી તેણે કહ્યુ “પણ સલમાનભાઈ અને અબ્દુલ મિયા......” બીજાએ કહ્યુ.

“તેમને હું સમજાવી લઈશ. આવતા અઠવાડિયે મોટી હેરાફેરી કરવાની છે જેમાં જીવનું જોખમ છે. મારા સિવાય કોઈ કરી શકે તેમ નથી એટલે સલમાનભાઈ વિ. મનેજ સાથ આપશે” તેણે કોઈપણ જાતના ડર વગર કહ્યું.

બપોરની રીસેસમાં વિદ્યાર્થીઓનું ટોળુ બહાર કેંપસમાં ભેગુ થઈને રીસેસ માણી રહ્યુ હતુ કેટલાક વિદ્યાર્થીઓ કેંટીનમાં ગયા હતા પણ મોટાભાગના વિદ્યાર્થીઓ ખૂલ્લા મેદાનમાં કે ઝાડના છાયા હેઠળ ટોળે વળીને ઉભા હતા અને આવતા અઠવાડીયામાં થઈ રહેલા સાંસ્કૃતિક કાર્યક્રમો વિશે ચર્ચા કરી રહ્યા હતા.

કોલેજની સિક્યુરીટીની નજર બચાવી રફિક અને તેના બે સાથીઓ કોલેજમાં પ્રવેશી ને વિદ્યાર્થીઓના ટોળામાં ભળી ગયા. વાતોમાં મગ્ન વિદ્યાર્થીઓનુ ધ્યાન તરત જ તો આ ટોળી ઉપર ન પડ્યુ. તેમણે કપડા અને પહેરવેશ પણ કોલેજીયનો જેવો જ પહેર્યો હતો. રફિકે સુદર્શનાને જોવા આજુબાજુ નજર ફેરવી.

થોડે દૂર કલાસમાં થી બહાર આવતી સુદર્શનાને તેણે જોઈ તે બીજી બાજુથી આવતા સ્વદેશ સામે હાથ ઉંચો કરી હલાવતી હતી. કહેવા કે આ બાજુ આવ. રફિકે જોયુ તેને ખબર હતી કે તે સ્વદેશ હતો. અને તેની સગાઈ સુદર્શના સાથે થવાની છે.

પણ અત્યારે તેના ઉપર સુદર્શના ને મળવાનુ ભૂત સવાર થયુ હતુ તે કોઈપણ જોખમ ખેડવા તૈયાર હતો અને સ્વદેશ તો એક સીધો સાદો કોલેજીયન હતો. તેની એક જ અડબોથથી તે ધરાશાયી થઈ જશે એવુ તેણે માની લીધેલું.

વિદ્યાર્થીઓના ટોળા વચ્ચે રસ્તો કાપી તે સુદર્શનાની સામે જઈ ઉભો. સુદર્શના કાંઈ સમજે તે પહેલા તેણે સુદર્શનાનો હાથ પકડી લીધો અને પોતાની આંખો ઉલાળી પાન સિગારેટ થી ગંદા થયેલા દાંતોથી હિન હાસ્ય કરતા કહ્યુ “તુ ક્યાં છો? ડાર્લિંગ હું તો તને ગોતી ગોતી ને થાકી ગયો.”

અચાનક જ થયેલી આ વારદાતથી સુદર્શના એક બે ક્ષણ સ્તબ્ધ જ થઈ ગઈ હતી. તે સમજી જ ન શકી કે આ શું થઈ રહ્યુ છે. પણ તુરત જ પરિસ્થિતીને પારખી ને તેણે પોતાનો હાથ પાછો ખેંચવા પ્રયત્ન કર્યો “આ શું બદતમીઝી છે. કોણ છે તું? છોડ મારો હાથ” ગુસ્સામાં તેણે કહ્યુ.

“હાથ છોડવા માટે થોડો જ પકડયો છે.” રફિકે ગંદો ઈશારો કરતા કહ્યુ, તેણે હાથ વધુ જોરથી પકડયો. “તને તો લઈ જવા આવ્યો છું.”

એકજ ક્ષણમાં સુદર્શનાએ પરિસ્થિતી સમજી લીધી. તે સીધી, સાદી, સુશીલ અને સંસ્કારી કન્યા હતી. પણ બિકણ કે ડરપોક ન હતી, પહેલા પણ તેણે મજનુઓને પાઠ ભણાવ્યા હતા.

અચાનક જ તેણે રફિક કશુ સમજે તે પહેલા પોતાના જમણા હાથમાં રહેલા ચોપડીઓ અને પર્સને પોતાના હાથમાંથી સરકી જવા દીધા, ખાલી થયેલ જમણા હાથથી તેણે રફિકના ચહેરા ઉપર જાણે તલવાર ની ધાર થી જમણી બાજુથી ડાબી બાજુ ઉપર વાર કરતી હોય તેમ વિંઝયો તેના મેનીક્યોર કરાયેલા અણિદાર નખોએ રફિકની આંખના પોપચા ઉપર કાપા પાડી દીધા. આંખો ઉપર થયેલા આ પ્રહારથી રફીક ચીસ પાડી ઉઠ્યો અને આંખો પર હાથ મુકવાની ક્રિયા કરતા સુદર્શના નો હાથ તેણે છોડી દીધો. પણ નખનો ઘા માત્ર ઉપર છલ્લો હતો એટલે તેણે તેને ગણકાર્યા વગર ખીસામાંથી ધારદાર ચાકુ કાઢીને સુદર્શનાની સુરાહીદાર ગરદન ઉપર મુકી દીધું “ચાલ મારી સાથે” અને વિદ્યાર્થીઓને ધમકી આપી “ખબરદાર જો કોઈ આગળ વધ્યુ છે તો” એના સાથીઓ પણ તેની પાછળ રક્ષણાત્મક હરોળ બનાવી ઉભા હતા.

પણ જેવી તેની નજર સુદર્શના ઉપરથી એકાદ પળ માટે ઉપરથી હટીને વિદ્યાર્થીઓના ટોળા ઉપર ગઈ, તેટલી ક્ષણાર્ધમાં તેના ચાકુવાળા હાથ ઉપર એક લોંખંડી પક્ડ આવી ગઈ અને એ પકડની જરાક વળ આપતા તેના પંજાની પક્ડ ચાકુ ઉપરથી છુટી થઈ ગઈ અને ચાકુ જમીન ઉપર પડી ગયું.

આશ્ચર્યથી તેણે મોઢું ફેરવ્યુ તો તેણે જોયુ કે તેના કાંડા ઉપર સ્વદેશના હાથની પક્ડ હતી. ચાકુનો ભય જતો રહ્યો હોવાથી સુદર્શના બે ત્રણ ડગલા પાછળ ખસી ગઈ હતી.

રફિકના મગજમાં જવાલામુખી ફાટ્યો. “આ મગતરા જેવો કોલેજીયન મારૂ કાડું મરડે છે.?” ક્રોધ અને અપમાનમાં ભાન ભૂલેલા રફિકે પોતાનો છુટ્ટા ડાબા હાથની મુઠ્ઠી વાળી તેણે એક મુક્કાબાજ ની રીતે સ્વદેશના મોઢા ઉપર વીંઝી, તેણે ધાર્યુ હતું કે હમણા જ સ્વદેશના નાકના હાડકાનો ભૂકો થઈ જશે, એક ભંયકર દર્દભરી ચીસ સંભળાશે, પણ આવુ કશું થયુ નહિ, તેના આશ્ચર્ય વચ્ચે તેની મુઠ્ઠી સ્વદેશના પંજામાં જકડાઈ ગઈ હતી.

અચાનક જ સ્વદેશે પોતાના બંને કાંડાને એવો વળ આપ્યો કે સાથે સાથ રફિકના બંને હાથો સામાન્ય કરતા ઉંધી દિશામાં મરડાઈ ગયા તેના મોઢાંમાંથી પીડાની એક ચિસ નિકળી ગઈ, હજુ તે બીજૂ કાંઈ સમજે ત્યા તો એક એવો વર્તુળ આંચકો આવ્યો કે તે ગુંલાટ ખાઈને મોઢા ભેર જમીન ઉપર ફસડાઈ ને દૂર સુધી સરકી રહ્યો તેના ગાળામાંથી ભયંકર પિડાદાયક ચિસ નીકળી ગઈ. એકાદ ક્ષણ પછી જ્યારે તેણે ઉભા થવા પ્રયત્નો કર્યા ત્યારે વધારે પીડાથી ચિત્કારી ઉઠ્યો એનો જમણો હાથ ખભા ઉપર થી ખડી પડયો હતો, તેની આંખે પીડાને લીધે અંધારા આવવા મંડયા, પગોએ મગજની આજ્ઞા માનવાનો ઈન્કાર કરી દીધો, તેનો શ્વાસ ચડી ગયો, એના ચહેરા ઉપર ભય અને ગભરાટ છવાઈ ગયો. પહેલીવાર તેનુ હૃદય બીકથી થરથરવા લાગ્યુ સ્વદેશ તેની પાસે આવ્યો “આતો જયૂજસ્તુ અને જુડોનો પ્રાથમિક જ દાવ હતો ફરી ક્યારેક સુદર્શના ની સામે આવ્યો છું તો ઉભા થવા લાયક પણ નહી રહે.”

આ દરમ્યાન વિદ્યાર્થીઓના ટોળાએ પણ હિંમત દેખાડી તેના સાથીઓને સારો એવો મેથિપાક આપી દીધો હતો. તેઓ રફિકને ઉંચકીને સહારો આપી તરત જ કોલેજની બહાર લઈ ગયા. પણ જતા જતા પીડાતા અવાજે તે ધમકી ઉચ્ચારતો ગયો. “તે મારી આંખ ઉપર વગાડ્યું છે, હું તને જીવતી નહી છોડું, હવે તારા મૃત્યુના દિવસો ગણજે. અને તે મારા હાડકા તોડ્યા છે તો તારા હાથ પગ તોડીને તને રસ્તા ઉપર ભીખ માંગતો કરીશ” તેણે સુદર્શનાને અને સ્વદેશને ઉદ્દેશીને ધમકી આપી.

વિદ્યાર્થીઓની પરવા કર્યા વગર સુદર્શના સ્વદેશને વળગી પડી. વિદ્યાર્થીઓને પણ પરિસ્થિતીના સંદર્ભમાં આ એક સ્વાભાવિક ક્રિયા દેખાઈ.

“ઈટ્સ ઓકે, ગભરાવાની જરૂર નથી હવે તને હેરાન કરવાની તે હિંમત નહિ કરે” ગભરાયેલી સુદર્શનાને હૈયા ધારણ આપતા સ્વદેશે કહ્યુ.

“પણ સુદર્શના તો તમારા કરતા પણ વધારે હિંમતવાળી કહેવાય હો. જે રીતે તેણે પેલા મવાલીની આંખો ઉપર નખ માર્યા તેનાથી તો એ પણ ગભરાઈ ગયો હતો.” સુદર્શનાની સહેલીઓએ તેની પ્રસંશા કરતા કહ્યુ.

“મને લાગે છે કે આપણે પોલીસમાં ફરિયાદ નોંધાવવી જોઈએ જેથી ભવિષ્યમાં તે કોઈને કનડે નહી.” સ્વદેશે સૂચન કર્યુ “તને વાંધો નથી ને?”

“ના ના હું તૈયાર છું” સુદર્શનાએ કહ્યુ બંને જણા નજદીકના પોલીસ સ્ટેશને ગયા અને ફરિયાદ નોંધાવી. હજી તો ત્યા ફરિયાદ ઉપર સહી કરતા હતા ત્યાંજ કોલેજનો પટાવાળો આવ્યો અને કહ્યુ “પ્રિન્સિપલ સાહેબ તમને બહાર બોલાવે છે” સ્વદેશ અને સુદર્શના આશ્ચર્ય સાથે એકમેક સામુ જોયુ “સાહેબ અમે બે મિનીટ બહાર જઈ શકિયે?” સ્વદેશે ઈન્સ્પેક્ટરની પરવાનગી માંગી “હા જઈ આવો.” ઈન્સ્પેક્ટરે રજા આપી.

બહાર પ્રિન્સિપાલ સાહેબ ગાડીમાં થી બહાર આવ્યા અને ગુસ્સા અને ચિંતાજનક સ્વરે કહ્યુ “આ શું કરો છો?” મને પુછ્યા વગર કેમ ફરિયાદ નોંધાવા આવ્યા છો? મને પુછવુ તો જોઈએ ને? “પણ સર....” સ્વદેશને અધવચ્ચે થી અટકાવીને પ્રિન્સિપાલે કહ્યુ “અંદર ચાલો અને ફરિયાદ પાછી લઈ લો.” બંનેની અનિચ્છા છતા પ્રિન્સિપાલ તેમને અંદર લઈ ગયા “સાહેબ, આ લોકો તેમની ફરિયાદ પાછી લે છે.? “કેમ” આશ્ચર્યથી ઈન્સ્પેક્ટરે પુછયું. “સાહેબ આવી ઘટના ની ફરિયાદથી કોલેજ અને આ દિકરીની બંનેની આબરૂના ધજાગરા થાય, કોલેજને તો હું સંભાળી લઈ, પણ અમારી દીકરીઓની બદનામી મને મંજુર નથી.”

સ્વદેશ અને સુદર્શના આશ્ચર્યથી પ્રિન્સિપાલની સામે જોઈ રહ્યા, આ માણસ પોતાની અને કોલેજની આબરૂ બચાવવા સુદર્શનાનું ઓઠુ લઈ રહ્યો હતો. ઈન્સ્પેક્ટરે કહ્યુ ” પણ આ પહેલા પણ તમે જ ફરિયાદ નોંધાવી ચૂક્યા છો.”

“હા પણ તે વખતે પરિસ્થિતી જુદી હતી. સ્વદેશ ફરિયાદ પાછી ખેંછી લો” લાચાર થઈ સ્વદેશે કહ્યુ “સાહેબ અમારી ફરિયાદ કાઢી નાખો”

“તમે આ બરાબર નથી કરતા, આ રિઢો ગુનેગાર ફરી આવુ કરશે” ઈન્સ્પેક્ટરે દલીલ કરી “સ્વદેશે તેના હાડકા ભાંગી નાખ્યા છે હવે તે હિંમત નહી કરે”

“સારૂ જેવી તમારી મરજી” ઈન્સ્પેક્ટરે ફરિયાદ કાઢી નાખતા કહ્યું સૌ બહાર આવ્યા.

અચાનક જ સ્વદેશ તંદ્રામાંથી જાગૃત થઈ ગયો. નર્સ તેના ખભાને ધીમેથી હલાવી રહી હતી. “લોહી લેવાઈ ગયુ છે. તમે બહાર જઈ શકો છો. ત્યા ટેબલ ઉપર કેળા અને કોફી છે તે લઈ લો એટલે અશક્તિ ના લાગે”

કેળા, કોફી લઈ સ્વદેશ બહાર પરસાળમાં આવી ખુરશી પર બેઠો, રાજમોહન, માસીમા, વિ.સૌ ત્યા ઉભેલા, બેઠેલા હતા. ઓપરેશન પૂરૂ થાય તેની રાહ જોતા હતા ત્યાં જ ઓપરેશન થીયેટરની બહારની લાલ લાઈટ બંધ થઈ ગઈ. ઓપરેશન પુરૂ થયાની નિશાની હતી. થોડી વારે ડોક્ટર બહાર આવ્યા તેમનો ચહેરો સ્થિતપ્રજ્ઞ હતો. સૌ તેમની પાસે ધસી ગયા. “કેવુ છે સાહેબ સુદર્શનાને?”

“ઓપરેશન તો થઈ ગયુ છે. સુદર્શનાના જીવને કોઈ જોખમ હવે નથી, ભાનમાં આવતા વાર લાગશે પણ.... ” ડોક્ટર અટક્યા... “પણ શું સાહેબ”

“અમે સુદર્શનાનો જીવ તો બચાવી લીધો છે. પણ તેનો ડાબો હાથ બચાવી નથી શક્યા. અમારે તેનો ડાબો હાથ એમ્પ્યુટ / કાપવો પડયો છે. કાં હાથ કા જીવ એ વચ્ચે અમારે પસંદગી કરવાની હતી, અમે જીવ બચાવ્યો, હાથ ગુમાવ્યો. સ્વદેશ અને અન્ય સૌ સ્તબ્ધ અને અવાક થઈ સાંભળી રહ્યા.