Haal-a-dil books and stories free download online pdf in Gujarati

હાલ-એ-દિલ...સુખદ પૂર્ણવિરામ

હાલ-એ-દિલ...સુખદ પૂર્ણવિરામ

(આ લવસ્ટોરી હાલ-એ-દિલ...એક નવી શરૂઆતના બીજા અને અંતિમ ભાગ તરીકે પબ્લીશ કરી રહ્યો છું. આ લવ સ્ટોરીને વાંચતા પહેલા તેનો પહેલો ભાગ હાલ-એ-દિલ...એક નવી શરૂઆત વાંચવી આવશ્યક છે.)

ગ્રીન બેરી પંચતારક હોટેલના પાર્કિંગમાં કંદર્પે પોતાનું બાઈક પાર્ક કર્યું અને બાઈકની ચાવી તર્જની પર ગુમાવતા હોટેલના મુખ્ય દરવાજેથી પ્રવેશ કર્યો. દુરથી કાવ્યાને વેઈટીંગ એરિયાના સોફા પર બેસેલી જોઈને કંદર્પનું હૃદય એક ધબકારો ચુકી ગયું. કંદર્પના મનમાં કોઈ એકાદ ખૂણે હવે ડરની ચિનગારી પેદા થવા લાગી હતી પણ તેને તાત્કાલિક બુજાવી દેતા કંદર્પે વેઈટીંગ એરિયા તરફ પ્રયાણ કર્યું.

“મને માફ કરજે કાવ્યા, તને આપેલા સમયે હું પહોંચી ના શક્યો. મારી રાહ જોવામાં તારો જેટલો સમય વ્યર્થ ગયો એ બદલ હું દિલગીર છું.” વેઈટીંગ એરિયાના એ સોફા પાસે જ્યાં કાવ્યા બેઠી હતી ત્યાં જઈને કંદર્પે કહ્યું.

“તારા મોડા આવવા પાછળ મને કોઈ વાંધો નથી કંદર્પ પરંતુ જે પ્રકારની ભવ્ય ઉજવણીની તે વાત કરેલી એવું તો કોઈ અહી નથી દેખાતું. શું બધા લોકો તારાથી પણ વધારે લેટલતીફ છે કે પછી દાળમાં કંઇક કાળું છે.?” બ્લેક એન્ડ વ્હાઈટ કમીઝ અને પિંક કલરની સલવારમાં ડાબો પગ જમણા પગ પર ચડાવી, પોતાના બંને હાથ વડે મુઠ્ઠી બનાવી ઘૂંટણ પર ટેકવતા કાવ્યાએ કહ્યું.

“એક્ચ્યુઅલી કાવ્યા...વાત...એમ છે કે...” શુઝને જમીન પર ઘસતા ઘસતા કંદર્પ નીચું જોઈ માથું ખંજવાળતા કાવ્યા સામે ઉભો રહ્યો. જે ચિનગારી થોડીવાર પહેલા બુઝાવી દીધેલી એણે અત્યારે આગનું સ્વરૂપ ધારણ કર્યું હતું. કંદર્પના પગ ધ્રુજતા હતા.

“કંદર્પ તું આટલો નર્વસ કેમ છે.? કઈ થયું છે કે શું.?” કાવ્યાએ કંદર્પને પોતાની પાસે સોફા પર બેસવાનો ઈશારો કરતા કહ્યું.

“આખી દાળ કાળી છે...!” સોફા પર બેઠક લીધા વિના જ કંદર્પે જવાબ આપ્યો. તેનો આ જવાબ સાંભળી કાવ્યા અવાક બની કંદર્પ સામે જોતી રહી.

“વ્હોટ યુ મીન.? કંદર્પ તારો મતલબ શું છે.?” એ જ મુદ્રામાં કંદર્પ સામે જોતા કાવ્યા એ પૂછ્યું.

“આપણે એ બધી વાતો હવે ડીનર લેતા કરીશું આમ પણ મને ખુબ ભૂખ લાગી છે.” કંદર્પે કાવ્યા સામે પોતાનો હાથ ધર્યો અને તેને સોફા પરથી ઉભી કરી. બંનેએ વેઈટીંગ એરિયાથી આગળ વધીને હોટેલના ડીનર કક્ષમાં પ્રવેશ કર્યો. હોટેલના આ કક્ષમાં મધુર સંગીત વાગતું હતું.

“કંદર્પ હવે તું મને કહીશ આ બધું શું ચાલી રહ્યું છે.?” પાસેનું એક ટેબલ યોગ્ય લાગતા કંદર્પે કાવ્યાને એ તરફ જવા ઈશારો કરેલો. ટેબલ પાસેની ચેર ખેંચીને કંદર્પે કાવ્યાને તેના પર બેઠક લેવા કહ્યું. ખુરશી પર બેઠક લેતા કાવ્યાએ સવાલ કર્યો.

“બધું શું ચાલી રહ્યું છે એ કહેવા જ તને અહી લાવ્યો છું કાવ્યા.! મને થોડીવાર શ્વાસ લેવા દે એ પછી બધું જ તને આજે કહી દેવાનું છે.” કંદર્પે પણ કાવ્યાની સામેની તરફ રહેલી ચેર ખેંચીને તેના પર બેઠક લીધી. થોડીવાર પોતાના બંને હાથ આંખો પર ઢાંકીને ઊંડો શ્વાસ લેતા કહ્યું. આ દરમિયાન કાવ્યા ચેહરા પર એક હળવા સ્મિત સાથે કંદર્પને જોઈ રહી.

“આ અનુભવ મારા માટે જરાય નવો નથી પરંતુ આ વખતે થોડો અલગ છે ખરો.! પાર્ટીનું બહાનું આપી આ રીતે તને મળવા બોલાવીને મારે મારી એ જ લાગણીઓ તારી સાથે શેર કરવી છે. કાવ્યા, સાચું કહું તો આજે મારો જન્મદિવસ પણ નથી અને અહી આવવા મેં તારા સિવાય કોઈને આમંત્રણ પણ નહતું આપ્યું.” થોડો વિરામ લઈને કંદર્પે બોલવાનું ચાલુ કર્યું હતું. આ દરમિયાન એક વેઈટર તેમની પાસે આવતા તેમની વાતમાં ખલેલ પહોંચી હતી. હાલ પુરતો કંદર્પે સૂપનો ઓર્ડર આપીને વેઇટરને રવાના કર્યો.

“કાવ્યા કદાચ મારી લાઈફમાં આ ફક્ત બીજી વાર જ છે અને પ્રથમ વખત હું એટલો સક્ષમ અનુભવું છું કે એ બધી મારી તારા વિશેની લાગણીઓ તારી સમક્ષ મૂકી શકું.” વેઈટરના ગયા પછી કંદર્પે ફરી એકવાર બોલવાનું ચાલુ કર્યું હતું.

“કંદર્પ તારી એક પણ વાત મને સમજાતી નથી પરંતુ, સાહિત્યકારની માફક તું જે રીતે વાત કરશ એ વાત કરવાની તારી અદા મને પસંદ આવી રહી છે.” કંદર્પ જે રીતે અટકી અટકીને બોલી રહ્યો હતો એના વચ્ચેના એક વિરામનો લાભ લેતા કાવ્યાએ કહ્યું.

“અત્યાર સુધીના અનુભવો પરથી એમ લાગે છે કે આપણી લાઇફમાં એક લાઈફ પાર્ટનર હોય તો લાઈફ થોડી અલગ બની જાય, જીવન જીવવાની મજા આવે. આ પહેલા પણ મારે એક પ્રેમ સંબંધ રહેલ હતો પરંતુ દુર્ભાગ્યવશ એ ટકી ન શક્યો. મને એ સંબંધ ન ટકવાનો લગીરેય અફ્સોસ નથી કારણ કે એ મારા જુના પ્રેમસંબંધ પરથી હું ઘણું શીખ્યો. એ જુના પ્રેમ સંબંધનું જ ફળ છે કે આજે હું ખુલ્લા દિલે મારા દિલની વાતો ‘હાલ-એ-દિલ’ તને કહી શકું છું.” કંદર્પ પોતાની ધૂનમાં બોલી રહ્યો હતો. સુપના બે બાઉલ સાથે ફરી એકવાર વેઈટરે એન્ટ્રી કરી એટલે કંદર્પ અટક્યો. વેઈટરના ગયા પછી પણ થોડીવાર કશું ન બોલતા કંદર્પે કાવ્યા તરફ મીટ માંડી. તે નીચું જોતા જોતા સુપના બાઉલમાં ચમચીને ગોળ ગોળ ફેરવી રહી હતી.

“કાવ્યા, તને કઈ અજુગતું તો નથી લાગી રહ્યું ને.? ઇસ ધેર એનીથીંગ રોંગ.?” કંદર્પને લાગ્યું કદાચ પોતાની વાત વધારે પડતી કહેવાઈ ગઈ હોય તો અહી અટકી જવું યોગ્ય રહેશે માટે તેણે કાવ્યાને સવાલ કર્યો.

“કશું જ રોંગ નથી બટ...” કાવ્યા એમ જ નીચું જોઈ ચમચીને બાઉલમાં ગોળ ગોળ ફેરવતા બોલી ઉઠી.

“પણ શું.?” કંદર્પે થોડી ગભરાહટ સાથે પૂછ્યું.

“પણ હું હજુ ઈમ્પ્રેસ નથી થઇ. તારે હજુ થોડું ભાષણ આપવું પડે એમ છે. કદાચ તારો મેળ પડી જાય.” કાવ્યાએ આંખો મોટી કરી કંદર્પની આંખમાં આંખ પરોવીને કહ્યું. કાવ્યાના જવાબે કંદર્પને આગળ વધવા પ્રોત્સાહન આપ્યું. તે સમજતી હતી કે કંદર્પ કયા માર્ગે જઈ રહ્યો છે અને તેના આ જવાબમાં કંદર્પને આગળ વધવાની સહમતી છે એ પણ દર્શાઈ આવતું હતું.

“અમુક સમયે તારા સાથે થયેલી વાતચીતે મને મારી જાત સાથેનો પરિચય કરાવ્યો. હું મારા એ જુના સંબંધોને વાગોળીને ડંખ પર ડંખ ખાતો જતો હતો પરંતુ એ ભૂલી ગયો કે કોઈ બીજું સતત મારી દરકાર કરવામાં વ્યસ્ત રહે છે. એ તું જ તો હતી જેણે મારા દુખના સમયમાં મને સતત શાંત્વના આપેલી.” કાવ્યાના પેલા જવાબથી કંદર્પની હિંમત ખુલી ગઈ હતી. તે વધારે આત્મવિશ્વાસ સાથે બોલી રહ્યો હતો.

“એક મિનીટ કંદર્પ મને લાગે છે તારે હવે કંઇક મસ્ત મજ્જાનું ડીનર ઓર્ડર કરવું જોઈએ કેમકે હવે બંને પ્રકારના વ્યંજનો માટે મારી ભૂખ વધતી જ જાય છે.” કાવ્યાએ કંદર્પને અધવચ્ચેથી જ અટકાવતા કહ્યું.

“બંને પ્રકારના.? હું સમજ્યો નહિ.!” કંદર્પે આશ્ચર્ય સાથે સવાલ કર્યો.

“એક તો તારી ભાષાની મધુરતા અને બીજું અહીનું ભોજન.!” આંખો પલકાવીને કાવ્યાએ જવાબ આપ્યો. બંને મેનુ કાર્ડના પાના ઉથલાવવા લાગ્યા. થોડીવાર પછી કંદર્પે પાસેના એક વેઈટરને બોલાવીને ઓર્ડર આપ્યો. ફરીથી એકવાર બંને વચ્ચે નીરવ શાંતિ બની રહી.

“ચલ આગળ ચલાવ. તારી પાસે જે હાજર છે એને તો પીરસ..” શાંતિનો ભંગ કરતા કાવ્યાએ કહ્યું.

“કાવ્યા, અમુક સમયે મારી એવી સમજ બની છે કે હું ફરી એક વખત ખુલીને જીવી શકું એમ છું અને ખરેખર હું જીવવા માંગું છું. એ ખુશીઓની ચાવી જેને હું મારી એક્સ ગર્લફ્રેન્ડ પાસે મુકીને આવ્યો હતો એ એના પાસેથી પાછી લઇ આવ્યો હોઉં એવું લાગી રહ્યું છે. મારી આ ખુશીઓની ચાવી આજે મારે તને સોંપવી છે. મારી આંગળીઓની વચ્ચે જે જગ્યા રહેલી છે એ મારે તારી આંગળીઓના ગેપથી પૂરી કરવી છે. શું તું એ જગ્યાને પુરવા માટે રાજી છો.? શું તને મારું આ પ્રોપોઝલ સ્વીકાર છે.?” કંદર્પે લગભગ પોતાના હૃદયની સઘળી વાત કાવ્યા સમક્ષ મુકી દીધેલી અને રાહતનો એક શ્વાસ લીધો. કાવ્યાના ચેહરા પર આછી લજ્જા સાથે સ્મિતનું હતું.

“કંદર્પ હું તને છેલ્લા દોઢ વર્ષથી ઓળખું છું. તારા વ્યક્તિત્વને પણ સારી રીતે જાણું છું. તું એક સાફ દિલનો માણસ છો. આજના સમયમાં તારા જેવા લોકો મળવા મુશ્કેલ જ નહિ અશક્ય પણ કહી શકાય. એવું નથી કે આ પહેલા કોઈએ મને પ્રોપોઝ નથી કર્યું અને એવું પણ નથી કે આ સંબંધ જો બંધાય તો મારા તરફથી એ પહેલો અનુભવ રહે. હું પણ તારા જેમ એક તૂટેલા સંબંધ અને કાંચ કાંચ થઇ ગયેલા મારા હૃદયની સાક્ષી છું. ક્યારેક હજુ પણ એ કરચો છાતીમાં ચુભતી મેં અનુભવેલી છે. પણ જ્યારથી તને જોયો ત્યારથી હૃદયમાં એક શાતાનો અનુભવ થતો હોય એવું મને લાગવા લાગ્યું હતું.” ધીમા અને મધુર અવાજે કાવ્યાએ કંદર્પના પ્રોપોઝલનો જવાબ આપવાનું શરૂ કર્યું હતું. કંદર્પ તેને એક ધ્યાન થઇ સાંભળી રહ્યો હતો. હોટેલના કક્ષમાં વાગતું મધુર ધ્વની કાવ્યાના અવાજને વધુ રોમેન્ટિક બનાવી રહ્યું હતું. ટેબલ પરનો ઓર્ડર હાજર થતા તેને થોડીવાર વિરામ લેવો પડ્યો.

“કંદર્પ જ્યારથી આપણે સાથે કામ કરતા થયા ત્યારથી જ તારા માટે મારા હૃદયમાં એક અલગ પ્રકારની જ લાગણી હતી પરંતુ તારા જેમ હું પણ એ લાગણીઓને પહેલા થયેલા ખરાબ અનુભવને લીધે દબાવીને બેઠી હતી. મને આજના દિવસની આવી કલ્પના પણ નહતી. આ સમય આવવામાં ભલે ખુબ મોડું થયું છે પરંતુ કહેવાય છેને કે ‘દેર આયે દુરસ્ત આયે’.” ટેબલ પરના વ્યંજનોને અવગણતા કાવ્યાએ પોતાનું વિધાન પૂરું કરવું વધારે યોગ્ય સમજ્યું.

“તારા આવા જવાબને શું હું તારી હા સમજી શકું છું.?” એકદમ ધડકતા હૈયે અને સુકાયેલા હોઠે કંદર્પે સવાલ કર્યો. ચેહરા પર આવેલા લજ્જાના ઘોડાપુરે કાવ્યાનું માથું ઊંચું ન થવા દીધું. તેણે ફક્ત હકારમાં માથું ધુણાવીને કંદર્પને હા કહી. તેના આવા ઉત્તરથી કંદર્પના ચેહરા પર વિજયનું સ્મિત ફરકવા લાગ્યું. પછી બંને એ સાથે મળીને ડીનર પતાવ્યું.

નદી સમુદ્રને મળવાથી તૃપ્ત થઇ હતી અને સમુદ્ર પણ આ મિલનથી ખુબ ખુશ હતો. આસપાસ ઘણા લોકો હોવા છતાં કંદર્પ અને કાવ્યા એકબીજામાં ઓતપ્રોત હતા. બંનેને આજે એકબીજાની સામે કઈ પણ બોલ્યા વગર આમ બેસી રહેવું ગમતું હતું. ડીનર પૂરું કર્યા પછી પણ બંને જણ ઘણી વાર સુધી બેસી રહ્યા.

“આપણે હવે અહીંથી જવું જોઈએ કંદર્પ.” કાવ્યાએ લાંબો સમય ચાલેલી એ ખામોશીનો ભંગ કરતા કહ્યું. કંદર્પે ઉભા થઈને કાવ્યા સામે પોતાનો હાથ ધર્યો. કાવ્યાએ કંદર્પના હાથનો સહારો લીધો અને હળવેકથી ઉભી થઇ. બંને જણ ચાલતા ચાલતા હોટેલની લોબીમાં આવ્યા. કાવ્યાએ કંદર્પનો હાથ પકડીને તેની આંગળીઓ વચ્ચેની જગ્યા પૂરી દીધી.