Speechless Words CH - 9 books and stories free download online pdf in Gujarati

Speechless Words Ch.9

|| 09 ||

પ્રકરણ 8 માં આપણે જોયું એમ અજીતભાઈ પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ દિયા અને હેત્વી બંને A.G.SCHOOL ની પ્રવેશ પરીક્ષા પાસ કરી લે છે. સ્કૂલનો પ્રથમ દિવસ હોય છે. પ્રતિક અને જેનીશ એક છોકરીને જોવા માટે છોકરીઓના ક્લાસરૂમથી થોડે દૂર આવેલા પગથિયાં પર છુપાઈને ક્લાસમાં જોઈ રહ્યા છે. પરંતુ તેઓને જે છોકરી જોવી હતી તે તેમણે દેખાતી ન હતી. એવામાં ગર્લ્સના બંને ક્લાસના ક્લાસટીચર્સ મિતેશ સર અને શોભના મેડમ આવી જાય છે અને તેમને આવી રીતે ઊભા રહીને તાકી તાકીને અંદર જોવા અંગે પૂછપરછ કરે છે. પ્રતિક અને જેનીશ બંને જવાબ આપવા જતાં થોથવાય છે. હવે શું મિતેશ સર અને શોભના મેડમ આ તેમને કોઈ સજા કરશે કે કેમ ? તેઓ જે છોકરીની રાહ જોઈ રહ્યા છે તે ક્યારે આવશે ? છેલ્લે મેં ‘આરતી’ એવું નામ લીધું તો આ આરતી કોણ છે ? આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ...

* * * * *

ક્યારેક શરીર ધ્રૂજવા માંડે અને દિલ એવું વિચારવા લાગે કે આ તેને શું થઈ રહ્યું છે? આ જે ફિલિંગ્સ છે ને તે માત્ર અનુભવી શકાય. અનુભવી હશે એમને ખબર જ હશે. પ્રતિક અને જેનીશની સાથે અહીંયા એવું જ બની રહ્યું હતું. હજી આટલું પ્રતિક બોલ્યો ત્યાં તો પાછળથી એક છોકરી આવી. આ છોકરીનું નામ હતું ‘આરતી’. પ્રતિકને તો નામની પણ નહોતી ખબર. પ્રતિક અને જેનિશ બન્ને અમારા જ ક્લાસમાં ભણતા હતા. તેમનું ઉપરના ક્લાસની બહાર પગથિયે ઊભા રહીને છોકરીઓના ક્લાસમાં તાકી તાકીને જોવાનું કારણ પણ તમે જાણો જ છો. પ્રતિક એક છોકરીને પ્રેમ કરતો હતો. પ્રેમ કહો કે ક્રશ કહો કે પછી કહો કઈંક અલગ. હવે આગળ..

“ઓઈ ઓલી આયવી...“, મિતેશ સર અને શોભના મેડમના ચહેરાની વચ્ચેની થોડી જગ્યામાંથી દૂરથી આવતી એક નંબરવાળા ચશ્માવાળી અને સારી એવી ઊંચાઈ ધરાવતી છોકરી આરતી આવતી જોવા મળતા જેનીશે પ્રતિકને ધીમેથી કહ્યું.

“આ... હેય..“, પ્રતિકે મનમાં ને મનમાં મલકતા હ્રદયે આરતીને જોઈને કહ્યું.

પ્રતિકના ચહેરા પર માનો નો બોલ પર ફ્રી હિટ મળે અને પોતે સિક્સ મારી હોય એવો ભાવ જોવા મળી રહ્યો હતો. ત્યારબાદ તો સર અને મેડમ જે કઈ વધારનું બોલ્યા તેમાં પ્રતિકનું ધ્યાન જ નહોતું. બસ, જેનીશ હા કહીને ફટાફટ મોઢું હકારાત્મક દિશામાં મોઢું હલાવી રહ્યો હતો. થોડીવારમાં તો આરતી પોતાના ક્લાસમાં સહેજ અમથી ત્રાંસી આંખે નજર કરી અને જતી રહી. છોકરાઓને બીજું શું જોઈએ ? બસ પોતાને ગમતી છોકરી જરાક સામું જોઈલે એટલે દિવસ સારો જ જાય. પ્રતિકના કેસમાં પણ એવું જ થયું. કાનમાં ‘પહેલા નશા પહેલા ખુમા’ ગીત સંભળાવા લાગ્યું. આજુબાજુમાં જાણે કોઈ છે જ નહીં અને પોતે તે છોકરી સાથે એકલો હોય, હવામાં ક્યારેક આરતીના ડ્રેસનો દુપટ્ટો લહેરાતો હોય અને ક્યારેક આરતી માનો ગુલાબી વન પીસમાં પ્રતિક સાથે બીચ પર કેંડલ લાઇટ ડિનર માટે આવી હોય એમ પ્રતિક પણ વિચારમગ્ન અવસ્થામાં જતો રહ્યો હતો.

“નાવ ગો ટુ યોર રિસપેકટિવ ક્લાસ એઝ નાઇન્થ, આઈ વિલ લેટ યુ નો વેન વી ગોટ ઇન્ફોર્મેશન અબાઉટ ટેન્થ“, શોભના મેડમે નિશાંત અને પ્રતિકને ક્લાસમાં જવાનું અને તેમને બેસવા માટેની ઇન્ફોર્મેશન પછી આપવા કહ્યું.

“ઓકે મેમ“, પ્રતિકે કહ્યું અને બન્ને એક સાથે ક્લાસમાં ગયા.

*

“ગૂડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, દરેક નવા વિધ્યાર્થીઓ અને શિક્ષકોનું એ. જી. સ્કૂલ પરિવાર હાર્દિક સ્વાગત કરે છે. દરેક વિધ્યાર્થીઓને નમ્ર વિનંતી ગ્રાઉંડ ફ્લોર પર આવી જાય. ગ્રાઉંડ ફ્લોર પર તમારા ક્લાસ અલગ અલગ કરવામાં આવશે.“, દરેક ક્લાસમાં લગાવવામાં આવેલા અતિ આધુનિક સાઉન્ડ સિસ્ટમ ધરાવતા સ્પીકરમાં એનાઉન્સમેન્ટ સંભળાયું.

આ સાથે જ દરેક વિધ્યાર્થીઓ પોત પોતાની બેગ લઈને ગ્રાઉંડ ફ્લોર પર આવી ગયા. ત્યારબાદ દરેકના તેના નંબર નામ પસંદ કરેલા વિષય પ્રમાણે ક્લાસ પાડવામાં આવ્યા. વર્ગખંડોનું ડિસ્ટ્રિબ્યુશન એવી રીતે થઈ રહ્યું હતું જાણે ભારત – પાકિસ્તાન એમ બે દેશોમાં વિભાજન કરવામાં આવી રહ્યું હોય. અમુક વિધ્યાર્થીઓ તો એક બીજાને ગળે મળીને ‘આવજો... આવજો’ કરી રહ્યા હતા. હવે, આવા લોકોને કોણ સમજાવે કે ભાઈ તું જાત્રા કરવા થોડો જાય છે ? ખાસ કરીને છોકરીઓના ક્લાસરૂમ્સનું વિભાજન થતું જોવાની મજા કઈક અલગ હતી. નવી આવેલી વિધ્યાર્થિનીઓને તો કોઈ જ પ્રોબ્લેમ નહોતો પણ જેટલી જૂની વિધ્યાર્થિનીઓ હતી એમાથી અમુક તો એક બીજાને ગળે મળીને રડી રહી હતી. મને ખબર છે કે તમે વિચારી રહ્યા છો કે ‘યાર કેવું લાગે હેં ?’ એકઝેક્ટલી હું પણ ત્યારે એ જ વિચાર કરતો કે ‘સાવ આમ થોડું હોય ? રડવાનું ?’.

દિયાનું નામ એફ ડિવિઝન માટે બોલવામાં આવ્યું, જેના ક્લાસટીચર મિતેશ સર હતા. મને ઈ ડિવિઝન ફાળવવામાં આવ્યું. કારણ કે મારે શરૂઆતમાં પી. ટી. ઓપ્શન સબજેક્ટ તરીકે રાખવાનું હતું. ક્લાસમાં જઈને જોયું તો મારા જેવા વિધ્યાર્થીઓ કોઈ હતા જ નહીં. જેમ કે હું દરરોજ જેમને મળતો હોય, રેગ્યુલર વાતચીત થતી હોય એવા તો કોઈ વિધ્યાર્થીઓ ના હતા. બે પિરિયડ પૂરા થયા અને રિસેસ પડ્યો. હું તરત જ ઓફિસમાં સેક્ષનલ હેડ સામંત સર પાસે ગયો. સામંત સર પી. એચ. ડી. (કેમેસ્ટ્રી) હતા અને સ્વભાવના બહુ જ ચોખ્ખા વ્યક્તિ હતા. મને જ્યારે શીળસ નીકળેલું ત્યારે સામંત સરે જ મારા માટે દવા બનાવેલી હતી.

“સર, મારે ક્લાસ બદલવો છે.“, મેં પોતાના કામમાં વ્યસ્ત રહેલા સામંત સરને કહ્યું.

“કેમ ? ઈ ડિવિઝન તો સારો ક્લાસ છે. ઘણા ટોપર્સ છે એમાં તો પણ ? “, સામંત સરે પોતાની પેનને હાથમાં ગોળ ગોળ ફેરવતા જવાબ આપ્યો.

“સર, મને સ્ટુડન્ટ્સ સાથે પ્રોબ્લેમ નથી. મારે આગળ જતાં ડિપ્લોમા કરવું છે જેના માટે કમ્પ્યુટર વિષય તરીકે હોવું જરૂરી છે. આથી ક્લાસ બદલાવવો છે.“, ખબર નહીં કેમ પણ મને કમ્પ્યુટર એક ઓપ્શનલ સબજેક્ટ તરીકે રાખવાની પણ ઈચ્છા થઈ ગયેલી. આથી મેં સરને સબજેક્ટનું બહાનું આપી ક્લાસ બદલાવવા કહ્યું.

“એ ડિવિઝનમાં જતો રે. હું મકવાણા સાહેબ સાથે વાત કરી લઉ છું.“, સામંત સરે મને એ ડિવિઝનમાં જવા અનુરોધ કર્યો.

એ ડિવિઝન અને બી ડિવિઝન માત્ર બે જ ક્લાસ કમ્પ્યુટર સબજેક્ટના હતા જ્યારે બાકીના D, E, G પી. ટી. વિષયના હતા. છોકરાઓ માટે એ. જી. વિંગ – 2 બિલ્ડીંગનો ફર્સ્ટ ફ્લોર નક્કી થયો હતો, જ્યારે છોકરીઓ માટે આ જ બીલ્ડિંગનો સેકન્ડ ફ્લોર અને થર્ડ ફ્લોર કોમર્સના વિધ્યાર્થીઓ માટે તથા લાઈબ્રેરી પણ થર્ડ ફ્લોર પર જ હતી. અમારી સ્કૂલ સાયન્સ માટે ઘણા વર્ષોથી બેસ્ટ સ્કૂલ હતી, જ્યારે કોમર્સ હજી નવું નવું જ શરૂ થયું હતું. કોઈક બોય કટ વાળ ધરાવતી અને પિન્ક કલરનું સ્કૂટી પેપ લઈને આવતી છોકરી કોમર્સમાં ટોપર હતી એવું મને આછું પાતળું યાદ છે. કોમર્સવાળા વિધ્યાર્થીઓનો હોટ ફેવરિટ ડાયલોગ ‘ગુડ મોર્નિંગ’ હતો. જે કોઈ મેડમ કે સર રસ્તામાં મળે તેને જોર જોરથી બધા એક સાથે રાડો પાડીને ‘ગુડ મોર્નિંગ’ વિશ કરે, પછી ભલે ને સવાર બપોર કે સાંજ કોઈ પણ સમય હોય, વિશ તો ‘ગુડ મોર્નિંગ’ જ કરવાનું. ક્યારેક સાહેબ પોતાના ફેમિલી સાથે રેસ્ટોરન્ટમાં જમવા ગયા હોય અને ત્યાં આ કોમર્સવાળા વિધ્યાર્થીઓનું ગ્રુપ આવ્યું હોય તો સાહેબને બિચારાને ભાગવું ભારે પડે કારણ કે ‘ગુડ મોર્નિંગ’ તો વિશ કરતાં કરે બધાની સામે જોર જોરથી સાહેબ આજે પાર્ટી આપશે એવું જાહેરમાં બોલે એટલે મજબૂરીમાં બિલ તો સરને જ આપવાનું થાય. આ બધા કોમર્સના વિધ્યાર્થીઓ પાસે અમે તો જુનિયર હતા, આમ છતાં તેઓ અમને બહુ જ સાંચવતા હતા.

સાઈકલમાં ક્યારેક પંચર પડ્યું હોય અને કોઈ કોમર્સવાળો વિધ્યાર્થી જોઈ જાય તો પોતાની સાઇકલ આપણને આપી પોતે આપણી સાઇકલ લઈને રમેશભાઈની કેબિને પંચર કરાવવા જાય. રમેશભાઈ એક એવા વ્યક્તિ હતા કે જેને એ. જી. સ્કૂલના દરેક વિધ્યાર્થિની બધી જ વાતો ખબર હોય. હા, કોને કઈ છોકરી ગમે છે એ વાત પણ ખબર હોય. એમાંય જો તે છોકરી ત્યાં પંચર કરાવવા ગઈ હોય તો બીજા દિવસે રમેશભાઈ કહેતા પણ ખરા કે, “તમારા ઓલા મેડમ આવ્યા હતા, પંચર પડી ગયું તું, આખાય પરસેવે નીતરતા તા“, આ એમની બોલવાની લાક્ષણિક અદા હતી.

મારો ક્લાસ બદલાઈ ગયો હતો. હું હવે એ ડિવિઝનનો વિધ્યાર્થી હતો. અમારા ક્લાસ ટીચર મકવાણા સર હતા. શ્રી દિનેશભાઇ મકવાણા (એમ. એ. બી. એડ. ગુજરાતી), તેઓ ગુજરાતીમાં પધ્ય વિભાગ અને વ્યાકરણ વિભાગ ભણાવતા હતા. હા, હું કોઈ પણ શિક્ષકને ચેલેન્જ કરી શકું કે મકવાણા સર જેવી પધ્ધતિથી કોઈ શિક્ષક ગુજરાતી ના જ ભણાવી શકે. હવે, હું મકવાણા સરના ક્લાસનો વિધ્યાર્થી હતો. સ્કૂલ રાબેતા મુજબ શરૂ થઈ ગઈ હતી અને પિરિયડ પણ નિયમિત લેવાના શરૂ થઈ ગયા હતા. ખબર નહીં કેમ પણ કમ્પ્યુટરમાં આવતી સી લેન્ગ્વેજ અને ડેટા બેઝ મેનેજમેંટ સૉફ્ટવેર (ડી. બી. એમ. એસ.) મારા માટે માથાનો દુખાવો બની ગયા હતા. આથી મેં અમારી બાજુના ક્લાસના અમુક વિધ્યાર્થીઓને પૂછ્યું જે બી ડિવિઝનમા કમ્પ્યુટર ભણતા હતા. તેમાંથી પણ ઘણા વિધ્યાર્થીઑ મારા જેવા જ હતા કે જેમને કમ્પ્યુટર વિષયમાં સમજવામાં મુશ્કેલી પડતી હતી અને પછી અમે બધા સાથે મળીને સરને વાત કરી તો મારો ક્લાસ બદલાવી બી ડિવિઝનમાં હું જતો રહ્યો જેથી તેઓમાંથી પાંચ છ વિધ્યાર્થીઓ સાથે હું પી. ટી. વિષય રાખી શકું. રિસેસ પડ્યો અને એ ડિવિઝનના મિત્રોને મળવા ગયો તો બધા વિધ્યાર્થીઓને કમ્પ્યુટરમાંથી પી. ટી. તરફ શિફ્ટ થવાની ઈચ્છા હતી. પરિણામે ફરીવાર ક્લાસ બદલાયો એ ડિવિઝનમાં એ અને બી બંનેના મળીને બધા જ પી. ટી. વાળા અને બી. માં કમ્પ્યુટર વાળા વિધ્યાર્થીઓને રાખવામા આવ્યા. એ ડિવિઝન ક્લાસની એક બહુ જ મોટી ખાસિયત હતી. આ બાબતે તમે અમને નસીબદાર પણ કહી જ શકો. સ્કૂલના પગથિયાં ચડતા પહેલા મળે સામો જ ક્લાસ અમારો હતો. આથી સ્કૂલ છૂટવાના સમયે જેટલા પગથિયાં ઉતરતા હોય બધા જોવા મળે અને પ્લસ સ્કૂલે આવતા જેટલા વિધાર્થીઓ પગથિયાં ચડે એ જોવા મળતું. મજા ત્યારે આવતી જ્યારે અમને દસમા ધોરણના બંને ક્લાસ સી અને એફ ડિવિઝન છૂટવાના સમયે નીચે ઉતરતા હોય. અમારે છૂટવાને હજી વાર હોવાથી સર થોડું વધારે ભણાવવાની ટ્રાય તો કરે પણ બધા પોતાના ગાલને અને મુખને વ્યવસ્થિત હાથની હથેળી વડે ટેકો દઈને પોતાનો ચહેરો પગથિયાં તરફ રાખીને બેઠા હોય. આ સમયમાં જ જો પગથિયાં ઊતરતી કોઈ પણ છોકરી જો ભૂલથી પોતાની વાતોમાં હોય છતાં અમારી તરફ સ્માઇલ કરી દે તો સમજવાનું કે આ વખતેની સાપ્તાહિક પરીક્ષામાં માર્કસ સારા જ આવશે. ઘણા માટે અમુક છોકરીઓ ફિક્સ જ હતી. જેને જોયા વગર દિવસ સારો જ ના જાય. ઘણી છોકરીઓના વાળમાં તેલ વધુ હોય તો ઘણાના નખ લાંબા લાંબા હોય તો ઘણાના વાળ લાંબા હોય અને અમુક છોકરીઓ એટલી સીધી સાદી હોય કે આપણને એમ થાય કે આ કો - એજયુકેશન નહીં ગર્લ્સ સ્કૂલ હોવાની જરૂર હતી પણ શું થાય હવે એડમિશન લીધું હોય ભણવું તો પડે ને ? પરાણે નહોતું પણ સ્કૂલ સારી હતી એટલે ભણવાની મજા આવતી હતી. અમુક છોકરીઓ બહુ સારી કંપનીના પરર્ફ્યુમ્સ લગાવીને સ્કૂલે આવતી હતી. આથી જ્યારે તે પગથિયાં ચડે કે ઉતરે એટલે ઓટોમેટિકલી ખબર પડી જાય કે આ એ જ છે. કરણપરાનો પરફ્યુમ. કરણપરા રાજકોટનો એક એરિયો છે, જ્યાં વિધ્યાર્થીઓ માટેના સ્પેશ્યલ પરર્ફ્યુમ્સ મળે છે. દરરોજ સ્કૂલેથી છૂટવાનો ટાઈમ હોય ત્યારે ત્યાં છોકરાઓની ભીડ જોવા મળતી.

દિયાએ વિષય તરીકે પી. ટી. રાખ્યું હતું. દિયાને સી ડિવિઝન ક્લાસ એનાયત કરવામાં આવ્યો હતો. જેમાં પહેલા તે એફમાં હતી પણ પછી કમ્પ્યુટર રાખવા સી માં આવી પણ અંતે સી વાળાએ પણ પીટી જ રાખ્યું હતું. સી અને એફ, આ બંને ડિવિઝનમાં માત્ર છોકરીઓ હોવાથી બહુ મોટા મોટા ક્લાસ હતા. સી ડિવિઝન હવે પી. ટી. વિષય માટેનો ક્લાસ હતો. હવે આ વિષયોની માયાજાળમાંથી બહાર આવીએ તો સ્કૂલમાં રામાનુજન ગણિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં ઘણા બધા વિધ્યાર્થીઓએ ભાગ લીધો હતો. મને તો ગણિતની સાથે વર્ષો જૂની દુશ્મનાવટ હતી, આથી મારા ભાગ લેવાનો કોઈ સવાલ જ નથી ઊઠતો. અમારા ક્લસમાંથી પ્રતિકે અને જેનીશે આ પરીક્ષામાં ભાગ લીધો હતો. છોકરીઓના ક્લાસમાંથી બ્રિન્દા, માનસી, આરતી અને રાધિકાએ ભાગ લીધો હતો. આ પરીક્ષા સામાન્ય રીતે રવિવારે આયોજિત થતી હોય છે. આ વર્ષે પણ આ પરીક્ષાનું આયોજન રવિવારે જ કરવામાં આવ્યું હતું. પ્રતિક અને તેની મનપસંદ છોકરી આરતી, બંનેનો એક જ ક્લાસમાં નંબર આવ્યો હતો. હવે આજે જે થયું તે કદાચ આરતી અને પ્રતિકને આજે પણ યાદ હશે.

“પ્રતિક, છુછુછ... પ્રતિક.. ઓઈ સાંભળને“, આરતીએ સુપરવઈસરને સંભળાય નહીં એમ આછા પાતળા અવાજ સાથે પોતાની આગળ બેઠેલા પ્રતિકને બોલાવતા કહ્યું.

“હું ? મને બોલાવ્યો ? “, પ્રતિકે આરતીને પૂછ્યું.

“હા, દસમા ક્વેસ્ચનમાં કન્ફ્યુઝન છે. શું આવે B કે C ? “, આરતીએ પ્રતિકને પેપરમાં પોતાને ના આવડતો ક્વેસ્ચન પૂછ્યો.

“A આવે... પાકું.. A આવે..“, પ્રતિકે પોતાની બેંચને ટેકો દઈને પાછળ આરતીને સંભળાય તેવા ધીમા શબ્દોથી આરતીને કહ્યું.

“પાકું, શ્યોર ? “, આરતીએ ફરીવાર પૂછ્યું.

“હમ્મ.. તારા સમ.. લખી નાખ બિન્દાસ“, પ્રતિકે પોતાના દિલમાં ક્યારની કૂદાકૂદ કરી રહેલી પ્રેમ ભરેલી ઊર્મિઓને શાંત કરવા માટે થોડીક હલકી રાહત આપવા પોતાના દિલમાં રહેલી વાતને પોતાના અંદાજમાં આરતીને કહ્યું.

થોડીવારમાં પરીક્ષા પૂરી થઈ અને પ્રતિક અને આરતી બંને એક્ઝામ હોલમાંથી બહાર નીકળ્યા. હા, તેમની વાતમાં સમ ક્યાંથી આવે એ તો હું હજી પણ વિચારું છું.

“મજા આવીને પેપરમાં ? “, પ્રતિકને પૂછ્યા વિના રહેવાતું ના હોય એમ તેણે આરતીને પૂછ્યું.

“હા, પણ શું યાર અઘરું કેટલું હતું ? એન્ડ થેન્ક યૂ યાર તે મારી હેલ્પ કરી આજે બહુ જ પેપરમાં, જો તું ના હોત તો મારે તો એક માર્ક પણ ના આવત“, આરતીએ પ્રતિકને એક્ઝામમાં હેલ્પ કરવા માટે આભાર માનતા કહ્યું.

“નો થેંક્સ, ફ્રેન્ડ્સ? “, પ્રતિકે આરતીને આભાર માનવાની મનાઈ કરીને મિત્રતા માટે પૂછ્યું.

આપણાં ભારત દેશમાં સામાન્ય રીતે કોઈ પણ પ્રકારના પ્રેમની શરૂઆત ફ્રેન્ડશિપથી જ થાય છે. આ ફ્રેન્ડશિપમાં પછી જો કોઈ મિત્ર વચમાં આવતો દેખાય એટલે તરત જ બોલાય જાય, “ રેવા દે જે હો ભાઈ ભાભી છે તારી “. તમને હસવું આવતું હશે પણ આ સાચી વાત છે. તમારો ચહેરો પણ મલક મલક થાય છે. કારણ કે આપણે બધાએ આપણી અંગત જિંદગીમાં આ પ્રકારનો અનુભવ આ પહેલા કરેલો જ છે. સાચું ને ? આરતીએ થોડીવાર વિચાર્યું અને જવાબ આપ્યો.

“હા, દોસ્ત“, આમ કહેતા આરતીએ પ્રતિક સાથે હાથ મિલાવ્યો અને બંને એક્ઝામ હોલમાંથી ઘરે જવા માટે છૂટા પડ્યા. આ પ્રેમકથા કદાચ મારા સ્કૂલના દિવસોમાં મેં જોયેલી પહેલી પ્રેમકથાની શરૂઆત હતી અને બીજી ? ? ?

હવે શું થશે જ્યારે કોઈ બીજી લવસ્ટોરી શરૂ થશે? શું આ લવસ્ટોરી આદિત્યની છે? તો દિયાનું પાત્ર શા માટે છે? આરતી અને પ્રતિકની સ્ટોરીમાં હવે આગળ શું છે? હેત્વીનું કમબેક થશે કે નહીં? આદિત્યની વાત ક્યારે શરૂ થશે? કેવા હશે હજી સ્કૂલના દિવસો? આ એક લવસ્ટોરી છે તો પછી ક્યારે શરૂ થશે આ લવ સ્ટોરી બીટવિન ફ્રેન્ડશિપ? તમારા આ બધા જ પ્રશ્નો જવાબ મળશે પરંતુ આવતા અંકે...