N Frenk ni Dairy books and stories free download online pdf in Gujarati

એન ફ્રેન્ક ની ડાયરી

એન ફ્રેંક ની ડાયરી .

લેખક :

શૈલેશ વ્યાસ .

Email:

Mobile: 9825011562

સંહાર સાથે સંતાકુકડી .

એન ફ્રેંક ની ડાયરી .

સંહાર સાથે સંતાકુકડી .

આ અદભૂત ડાયરી ને અંતર થી વાંચતા અને સમજતા પહેલા એ શા માટે, ક્યારે અને કઈ પુષ્ઠભૂમી માં લખાઈ છે તે જાણવું ખુબજ જરૂરી છે.

પ્રારંભ

પ્રથમ વિશ્વયુધ્ધમાં જર્મની નો કારમો પરાજય થયો. જર્મની નો શહેનશાહ વીલ્હેમ કૈઝર જર્મની છોડીને હોલેન્ડ ભાગી ગયો , એટલે લોકશાહીમાં વિશ્વાસ રાખતા કેટલાક રાજનેતાઓ એ જર્મન ગણરાજ્ય ની સ્થાપના કરી. તેઓ એ વિજયી મિત્ર રાજ્યો સાથે શાંતિ સ્થાપવા પ્રયાસો આદર્યા પણ વિજય ના મદમાં મિત્રરાજ્યો બ્રિટન,ફ્રાંસ,ઇટાલી અને યુનાઈટેડ સ્ટેટસ ઓફ અમેરિકાએ જર્મની ની કોઈ પણ વાત સાંભળ્યા વગર જબરજસ્તીથી વર્સાઈલ્સ ની સંધી ઉપર તેમના હસ્તાક્ષર કરવ્યા. આ સંધી ખુબજ અમાનવીય અને કડક હતી. આ સંધી દ્વારા વિશ્વયુધ્ધ માટે જર્મની ને પૂર્ણ રીતે જવાબદાર ઠેરવવામાં આવ્યું. જર્મની પાસે થી તેમના ઉપનિવેશ અને યુરોપ ના મુલ્યવાન પ્રદેશો છીનવી લેવામાં આવ્યા. જર્મની નું શસ્ત્રઉત્પાદન સાવ નજીવું કરી દેવાયું અને યુધ્દ્દમાં થયેલ સામરીક અને નાગરીક નુકશાન પૂરેપુરૂ ભરપાઈ કરવાની માંગણી ઓ કરવામાં આવી. પરાજીત જર્મની પાસે આ બધી શરતો સ્વીકારવા સિવાય છુટકો ન હતો.

જર્મની ઉપર ફરીવાર સંકટ અને વિનાશ ના કાળા વાદળો ઘેરાતા જતા હતા. ચારેબાજુ આર્થિક, સામાજીક અને રાજકીય અંધાધુંધી ફેલાતી જતી હતી. જર્મની નું ચલણ ડોઈશમાર્ક સાવ જ તળીએ બેસી ગયું હતું. કહેવાય છે કે બે ઈંડા ખરીદવા હોય તો હજારો ડોઈશમાર્ક આપવા પડતા હતા. ફેકટરી ઓ બંધ પડી રહી હતી લાખો

નાગરીકો બેરોજગાર થઇ ગયા હતા ગુંડાગીરી,ખૂન,લુંટફાટ વધી રહ્યા હતા.સામાન્ય નાગરીક પોતાને અસુરક્ષિત માની રહ્યો હતો. કાયદો,વ્યવસ્થા તૂટી રહ્યા હતા.

સામાન્ય નાગરીક આ બધી અવ્યવસ્થા માટે વેઈમર ગણરાજ્ય ને દોષિત માની રહ્યા હતા . પરાજય પછી જર્મન રાજનેતાઓએ વેઈમર ગણરાજ્ય ની સ્થાપના કરી હતી. પણ આ સરકાર તદન નબળી અને અસુરક્ષિત હતી.

ઉદ્યોગપતિઓ સેના ના અધિકારીઓ , જમીનદારો આ નબળા રાજનેતાઓ ની જગ્યાએ સુદઢ, કુલીન,લશ્કરી અને પરંપરાગત સામ્રાજ્યવાદી , રૂઢીવાદી શાસન ઝંખતા હતા.

આ નબળી સરકાર સામે જાતજાત ના વિરોધપક્ષો ઉભા થયા , ડાબેરી સામ્યવાદી ઓ નું જોર વધતું જતું હતું સામે પક્ષે એક નવી જ જમણેરી પાર્ટી નેશનલ સોશ્યાલીસ્ટ જર્મન વર્કર્સ પાર્ટી નાત્સી પાર્ટી (નાઝી નહી) નો ઉદય થઇ રહ્યો હતો. આ પાર્ટીમા આખા જર્મની ના અસંતુષ્ટ નાગરીકો સદસ્ય થઇ રહ્યા હતા. જેમાં બેરોજગાર નાગરીકો , પદચ્યુત કરાયેલા સૈનીકો , આદર્શવાદી યુવાનો , કામદારો અને સામ્યવાદ થી ગભરાતા ધંધાર્થીઓ , ગુનેગારો , મવાલીઓ વિ. અગ્રગણ્ય હતા. નાત્સી પાર્ટી રાષ્ટ્રવાદ અને સમાજવાદ ઉપર ભાર મુકતી હતી તેઓ એકહથ્થુ શાસન (જર્મની માટે જ એ આદર્શ પરંપરા હતી) બેરોજગારો ને નોકરી અને સંપતિ ની સમાન વહેચણી નું વચન આપતા હતા.

આ પાર્ટીનો નેતા (ફયુહરર) એડોલ્ફ હિટલર હતો. તે લુચ્ચો , ચાલક,કટ્ટર અને અદભૂત વક્તા હતો. તેનામાં જનમાનસ ને ઉન્માદ માં લાવી શકે તેવી વ્યકતત્વ શક્તિઓ હતી . હિટલર અને નાત્સી પાર્ટી જર્મની ની બેહાલી માટે યહુદીઓ , ઉદ્દામવાદીઓ ને જવાબદાર ઠેરવતા હતા , અને જર્મનો “આર્યન’ જાતીના છે , સર્વોપરી છે અને શાસન કરવા માટેની ઉત્તમ જાતી છે તેવું તેણે જર્મનો ના મનમાં ઠસાવી દીધું

હતું.યહુદીઓ ઉદ્દામવાદીઓ , જીપ્સીઓ ,સીમેટીક જાતીઓ વિ.જીવવા લાયક નથી અને ગુલામ બનવા લાયક છે તેવું તેણે જર્મનોને માનવા વિવશ કરી દીધા.

જર્મનીના સરમુખત્યાર બન્યા પછી તેણે યહુદીઓ ઉપરના હુમલા ખાસ વધારી દીધા યહુદીઓ ને સરકારી નોકરીઓ માંથી પાણીચું આપી દેવામાં આવ્યું. તેઓ ઉપર સ્કુલ ,કોલેજો માં શિક્ષક તરીકે કામ કરવા માટે પ્રતિબંધ મુકવામા આવ્યો કોઈ યહુદી પત્રકાર તરીકે કે છાપામાં રેડિયો ઉપર, સિનેમા કે નાટકમાં ભાગ લઇ શકતો ન હતો. ખાનગી કંપનીઓ માં પણ તેમને નોકરી ન આપવાનો હુકમ ફરમાવ્યો હતો. હજારો યહુદીઓ કામકાજ વગર ના બેરોજગાર થઈ ગયા. યહુદીઓ ના બાળકો સ્કુલોમાં જઈ શકતા ન હતા. આર્યન જાતી જોડે કોઈ યહુદી ના લગ્ન ગેરકાયદેસર કરાયા હતા, દુકાનો અને હોટલો યહુદીઓ ને સેવા આપતા ન હતા.

જર્મની એ પોલેન્ડ,ઝેકોસ્લોવેકીઆ,ડેનમાર્ક અને નોર્વે જીતી લીધા હતા ત્યારબાદ હોલેન્ડ,બેલ્જીઅમ અને ફ્રાંસ જીતી લીધા અને સામ્યવાદી રશિયા ઉપર ચડાઈ કરી દીધી, નાત્સીઓ નું જીતેલુ યુરોપ ગુલામ સામ્રાજ્ય જેવું હતું. ખેતરો અને ફેકટરીઓ માં આ પરાજીત દેશના વતનીઓ ભૂખ્યા તરસ્યા નાત્સી માલીકો માટે તનતોડ મહેનત કરતા હતા.હવે હીટલરે આ ‘યહુડીઓ નો પ્રશ્ન” જળમૂળમાંથી કાઢી નાખવા માટે “છેલ્લા ઉપાય” તરીકે યહુદીઓ નુ કાસળ કાઢવાનું નક્કી કર્યું. હજારો યહુદીઓ ને મોતને ઘાટ ઉતારાયા. લાખો યહુદીઓ ને યાતના અને નિકંદન શિબીરો માં રેલ્વે નાં ડબ્બા માં ઢોરની જેમ પૂરી આવી શિબીરોમાં ધકેલવામા આવ્યા જ્યાં તેમની પાસે મરણતોલ થઇ જાય ત્યાં સુધી કામ કરાવી તેમને ગોળી મારી કે ઝેરી વાયુ થી હત્યાઓ કરવામાં આવી . આવી શિબીરો મુખ્યત્વે પોલેન્ડ મા હતી જેમા કુખ્યાત ટ્રેબલીંકા , બેલ્સેક , સીબીબોર , ચેલ્મો , બેલ્શેન ,અને ભયાનક અને વિકરાળ ઓત્સ્વીઝ શિબિરો હતી. આખા યુરોપમાંથી યહુદીઓ, સ્લાવજાતીઓ , જીપ્સીઓ વિ. ને ઘેટાબકરા ની જેમ ગુડઝ ટ્રેન ના ડબ્બા મા મોકલવામા આવતા જ્યા તેમને ગેસ ચેંબરમા ગુંગળાવી મૃત્યુ ને ઘાટ ઉતારાતા હતા

ત્યારબાદ તેમના શબોને ખાસ બનાવેલી ભઠ્ઠી મા બાળીને રાખ કરી નાખવામાં આવતા હતા.

નાત્સી જર્મની નું પતન થયું ત્યાં સુધીમાં ૬૦ લાખ યહુદીઓ ,પુરુષ , સ્ત્રી , બાળકો ને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. આ સિવાય યુરોપ ના અન્ય દેશોમાં થી લાખો બિનયહુદીઓ નો પણ આવોજ અંજામ આવ્યો.

*****

આવીજ એક યહુદી કોશોરી એ ભુગર્ભવસ્થામા એક ડાયરી લખી

ચાલો આપણે તેની અદભૂત ડાયરી વિશે જાણીએ.

પ્રારંભીક જીવન

એન ફ્રેંક ની ડાયરી આ ભયાનક ભૂતાવાળ ની એક સાક્ષી છે . જેણે આ ક્રૂર અને ઘાતકી શાસન દરમ્યાન કઈ રીતે પોતાનું જીવન વિતાવ્યું, કેવા કારમા દિવસો કાઢ્યા, એની શું માનસિક સ્થિતી હતી અને તેણે કેવી હિંમત દાખવી ને ભુગર્ભ મા દિવસો કાઢ્યા તેનુ વિસ્તારવાર વર્ણન છે આ ડાયરી તેણે લખવાની શરૂઆત કરી ત્યારે તેની વય માત્ર ૧૩ વર્ષની હતી. કેટલી ? હા! માત્ર ૧૩ વર્ષ ની.

એન ફ્રેંક નો જન્મ ફ્રેંકફર્ટ માં ૧૨ મી જુન ૧૯૨૯ માં થયો હતો તેની બહેન માર્ગોટ ત્યારે ૩.૫ વર્ષની હતી . તેના પિતા ઓટ્ટો ફ્રેંક એક સફળ વ્યપારી હતા અને તેમનું જીવન ખુશહાલ અને આનંદમય હતું.

ઓટ્ટો ફ્રેંકે આવનારી વિપત્તિ નો અણસાર પહેલે થી જ મેળવી લીધો હતો. એડોલ્ફ હિટલરના યહુદી પ્રત્યેના વૈરભાવ ને સમજીને ૧૯૩૩ માં જ તેમણે જર્મની છોડી દીધુ અને હોલેન્ડ માં વસવાટ કરવા લાગ્યો અને ખાદ્યપદાર્થો ના વ્યવસાય માં જોડાઈ ગયા. એન ફ્રેંક આમ્સ્ટ્રેડામ મા ખુશ હતી અને તેણે ઘણા મિત્રો બનાવ્યા હતા.

પણ જર્મની એ હોલેન્ડ જીતી લીધા પછી પરિસ્થિતી બદલાઈ ગઈ. આર્થર સેયસ ઇન્ક્વાર્ટ નામના જર્મન ને હોલેન્ડ ના હાઈકમિશ્નર તરીખે સત્તાઓ સોંપવામા આવી તે

ઘણો જ ક્રૂર અને ઘાતકી હતો. જર્મનો એ હોલેન્ડમાં પણ હાહાકાર મચાવી દીધો હતો. તેમણે રાજકીય દળ , મજુર મંડળ , અખબારો તથા મિત્રરાજ્યોના રેડિયો પ્રસારણ ઉપર રોક લગાવી દીધી. યુનીવર્સીટીઓ બંધ કરાવી દીધી અને દેશના રાજકીય , લશ્કરી અને બુધ્ધીજીવીઓ ને જેલ માં નાખી દીધા. હજારો નાગરીકો ને ગુલામ મજુર તરીકે જર્મની મોકલી દેવામા આવ્યા. અન્ય દેશો ની જેમ અહીઆ પણ યહુદીઓ વિરુધ્દ ક્રૂર પગલા લેવામા આવ્યા. અને યહુદીઓ ને હજારોની સંખ્યામા મૃત્યુશિબીરો મા ધકેલવામાં આવ્યા.

એન ફ્રેંક ના પિતાએ જર્મની ની જેમ અહીઆ પણ આવતી વિપત્તી ને પારખી લીધી હતી. ૧૯૪૧ ફેબ્રુઆરી માં નાત્સીઓ એ આમસ્ટ્રેડામ ના યહુદીઓ ને પકડી પકડી ને મજુરકામ કરવા જર્મની મોકલવા માંડયા.

ઓટ્ટો ફ્રેંકે પોતાના કુટુંબ ની રક્ષા માટે યોજના ઘડી કાઢી . જર્મન કાયદા પ્રમાણે તેણે પોતાનો વ્યવસાય છોડી દેવો પડ્યો હતો. પણ તેના ડચ મિત્રો અને કામદારો તેના પ્રતિ વફાદાર હતા. તેઓએ તેનીજે ઓફિસ અને ગોડાઉન હતું તેના પાછલા ભાગના ઉપરના માળે ગુપ્ત ઓરડાઓ તૈયાર કરાયા જે તેમના છુપાવા ના સ્થળ તરીકે કામ લાગે . ૧૫ જુલાઈ ૧૯૪૨ ના રોજ જર્મનો એ તેમની દિકરી માર્ગોટ ને દેશબહાર મોકલવા માટે હાજર થવા ફરમાન મોકલ્યું . બીજે દિવસે સવારે ઓટ્ટો ફ્રેંક અને તેનું કુટુંબ ચુપચાપ તૈયાર કરેલ પૂરવણી વાળા મકાન ના ઓરડામાં છુપાઈ ગયા થોડા સમય પછી તેમને ઓટ્ટો ફ્રેંક નો મિત્ર વાન ડાન , તેની પત્ની અને ૧૫ વર્ષીય પુત્ર પિટર પણ તેમની સાથે જોડાઈ ગયા. થોડા સમય પછી તેમણે તેમના દાંત ના ડોક્ટર એવા મિત્ર આલ્બર્ટ ડસેલ ને પણ પોતાની સાથે સંતાઈ જવા બોલાવી લીધા,તેમના મિત્રો તેમના માટે ખાવાનું , દવા , કપડા ની વ્યવસ્થા કરતા હતા . આ પ્રમાણે તેઓએ

ભૂગર્ભવાસ મા ૨ વર્ષ વિતાવ્યા ત્યારબાદ અચાનક જ જર્મન સૈનિકોએ કોઈએ આપેલી બાતમી ઉપર થી તેમની ધરપકડ કરી.

એન ફ્રેંક ની ડાયરી.

એન ફ્રેંક ને તેના ૧૩ માં જન્મ દિવસે લાલ ચટાપટા વાળી ડાયરી ભેટમાં મળી તેણે ત્યારથી તેમા લખવાનો નિશ્ચય કર્યો. તેણે આ ડાયરી “ડીઅર કિટ્ટી” ને ઉદેશીને લખવા માંડી તેણે પોતાની આ ડાયરીમાં ભુગર્ભવાસ દરમ્યાન તેના વિચારો , મનોમંથન , નિરાશા , આશા , અભિલાષા વિગેરે નું વર્ણન કરેલ છે . સાથે સાથે નાત્સી જર્મની ના જુલ્મો , વિજયો , પરાજયો વિ.પણ છુપાયેલા રેડીઓ મા સાંભળી તેના વિશે વર્ણનો અને વિચારો વ્યક્ત કર્યા છે, અને ઐતિહાસીક ક્ષણો ને પોતાની અંગત માન્યતા સાથે જોડ્યા છે. અન્ય ભુગર્ભ મા રહેલ વ્યક્તિઓ સાથે તે શરત લગાવતી હતી કે મિત્ર રાજ્યો નો કયારે વિજય થશે. જયારે જયારે મિત્ર રાજ્યો ની સેના પરાજય પામી કે પીછે હઠ કરી ત્યારે ત્યારે તે નિરાશાની ગર્ત માં ઉતરી જતી હતી તેનું પણ તેણે સવિસ્તાર વર્ણન કર્યું છે. તેણે લખ્યું છે કે ખાદ્ય પદાર્થો દુર્લભ થઇ ગયા હતા અને બ્રેડ , દૂધ , ચીઝ , ચોખા , વિ ની ભયંકર તંગી થઇ રહી હતી. આ બધી વસ્તુઓ માટે જનતા લુંટફાટ મચાવી રહી હતી જેનાથી પોતાના કુટુંબ નું પેટ ભરી શકે. તેણે એકાંતવાસ અને એકલતા વિશે લંબાણપૂર્વક લખ્યું છે અને આવી એકલતા ની તેના ઉપર થઇ રહેલ માનસીક અસર ઉપર પણ વિસ્તારપૂર્વક લખ્યું છે.

આવા નિરાશાજનક સમયમાં તેને પોતાની માતા પાસેથી પ્રેમ અને હુંફ ની અપેક્ષા રાખી હતી પણ ત્યાં તેને નિરાશા જ સાંપડી હતી . તેની માતાનો વહેવાર તેના તરફ રૂક્ષ થઇ ગયો હતો. ભુગર્ભવાસ માં રહેતા અન્ય લોકો સાથે તેના સંબંધો ક્યારેક તણાવપૂર્વક તથા ક્યારેક પ્રેમભર્યા રહ્યા હતા. ૧૫ વર્ષ ના પીટર પ્રત્યે તેના હ્રદય મન માં કુમળા ભાવ પ્રગટ્યા હતા. પિટર તેને પ્રિય લાગવા લાગ્યો હતો. જો કે તેના પિતા ઓટ્ટો ફ્રેંક ને આવી લાગણીઓ પસંદ ના હતી.

એન ને તેના પિતા પ્રત્યે પૂજ્યભાવ હતો. ઓટ્ટો ફ્રેંક પણ તેના ઉપર ખુબજ વ્હાલ રાખતા હતા.

આ કઠીન ભુગર્ભવાસ દરમ્યાન આ અબોધ કિશોરી ખુબજ પરિપક્વ માનસીક રીતે થઇ ગઈ હતી . તેણે માનવતા વિષે પોતાના વિચારો ઊંડાણ પૂર્વક રજુ કર્યા છે અને નાત્સી શાસન દ્વારા કરાતા માનવતા વિરુધ્ધ ના પગલા અને કાર્યક્રમો ઉપર પોતાનું મનોમંથન પણ લખેલું છે.

એન ફ્રેંકે લખે છે કે નાત્સી શાસન દ્વારા આદરતા જુલ્મો સમજ બહાર હતા. ખાસ કરીને યહુદી ઓ પર આવા જુલમ, કત્લેઆમ કેવી રીતે કરી શકે તે તેને સમજાતું ન હતું. તેને પોતાના વ્યક્તિત્વ ઉપર ના સંકટ ને સમજવું ખુબજ અઘરૂ થઇ પડ્યું હતું. તે મૂળભૂત જર્મન નાગરીક હતી પણ તેઓની નાગરીકતા સમાપ્ત કરી દેવામા આવી હતી. હોલેંડ મા તેમની વાસ્તવિકતા સ્વીકારાયેલ હતી પણ ઘણા બધા ડચ નાગરિકો યહુદીઓની વિરુધ્ધ માં હતા અને જર્મનો ને મદદ કરતા હતા.

તેના અંગત વિચારો અનુસાર તે કચડાયેલ વર્ગો સાથે સહાનુભુતી રાખતી હતી અને પોતાનું એક અલગ વ્યક્તીત્વ હોય તેવું ઈચ્છતી હતી. તે નહોતી ચાહતી કે તેની ગણના એક અત્યાચારો થી પિડિત જાતીની એજ નામવિહીન વ્યક્તિ તરીકે થાય.

એન ફ્રેંક આવા ભયાવહ સમય માં પોતાની આશા , વિશ્વાસ અને હિંમત વિ. દર્શાવે છે , સાથેસાથે નિરાશા , પિડા અને વિપદા વિશે પણ લાગણીપૂર્વક લખે છે , અને “હોલોકાસ્ટ’ સમય ના સમુહિક નરસંહાર ના સમય માં પોતાના શારિરીક અને માનસીક વિકાસમાં ઉદભવતી તકલીફો વર્ણવી છે. આ પ્રતાડિત સમય માં પોતાની જાત વિશે વ્યાખ્યા કરવાના સંધર્ષ ને પણ હ્ર્દયદ્રાવક રીતે વર્ણવ્યો છે.

તેણે ડાયરીમાં લખ્યું છે કે ખાદ્ય પદાર્થો ની તંગી ને કારણે ઘણીવાર તેમને બગડી ગયેલું કે નીચી ગુણવત્તાનું ખાવાનું ખાવું પડતું હતું. રોજબરોજ ની ઘણી

આવશ્યક વસ્તુઓ વગર પણ તેમણે ચલાવી લેવું પડતું હતું . તેને શ્રીમતી વાન ડેન જોડે ફાવતું ન હતું અને તેને લાગતું હતું કે તે તેના પિતા ઉપર પોતાની પ્રેમજાળ ફેકવાનો પ્રયાસ કરતી હતી.

તેણે પોતાની એકલતા,નિરાશા અને અપરાધ બોધ વિષે પણ ઘણું જ જણાવ્યું છે. યુધ્ધની ભયાનકતા,વિનાશ અને પ્રજાજનો ની બરબાદી વિષે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.

એન ફ્રેંક ના હિસાબે યુધ્ધ માત્ર યહુદીઓ માટે યાતના યુક્ત ન હતું પણ આખા વિશ્વ ની જાતીઓ અને ધર્મ માટે પણ વિનાશકારક પુરવાર થાય તેવું હતું. તેણે ડાયરીમાં આત્મગ્લાની પણ દર્શાવી છે કે જયારે બહારના વિશ્વની પ્રજા નો નરસંહાર થઇ રહ્યો હતો ત્યારે તેઓ સ્વાર્થવૃત્તિથી ભુગર્ભ મા સુરક્ષીત જીવન જીવી રહ્યા હતા. તેણે એવું પણ લખ્યું કે યુધ્ધ દરમ્યાન પ્રજાજનો ની બલિદાની ની ઉચ્ચ ભાવના પણ પ્રદર્શિત થાય છે. એન ફ્રેંક નું માનવું છે કે યુધ્ધ અને વિનાશ માટે માત્ર યુધ્ધખોર માનસના રાજનેતાઓ જ જવાબદાર નથી સાથે સાથે એવા પ્રજાજનો પણ દોષિત છે કે જેઓ શાંતી અને ન્યાય માટે આવા રાજનેતાઓ સામે વિરોધ પ્રદર્શીત નથી કરતા. નિરાશા અને એકલતા ની ઘોર ખાઈમાં પણ એન ફ્રેંક આશા ના કિરણો શોધે છે. અને મનુષ્ય ની માનવતા અને ભલાઈ ઉપર પોતાનો સંપૂર્ણ વિશ્વાસ દર્શાવે છે.

તેણે નાત્સી ઓ વિશે વર્ણન કરેલ છે કઈ રીતે યહુદીઓ ને યાતના શિબિરો માં ધકેલવામા આવે છે જ્યાં તેમને મૃત્યુદંડ દેવામાં આવે છે. નાત્સીઓ પ્રતિકારીઓ ઉપર કેવો જુલ્મ ગુજારતા હતા તેનું પણ તાદશ વર્ણન કરેલ છે. તેમની વિરુધ્ધ કરાયેલ ભાંગફોડ સામે તેઓ એકની વિરુધ્ધ પાંચ પાંચ નાગરીકો ને ગોળીએ થી ઉડાડી ડેતા હતા. વિદ્યાર્થી ઓ ને બળજબરીથી “ નવી વ્યવસ્થા “ માં સહેમતી આપવી પડતી હતી નહીતર તેમને યાતના શિબીરોમાં મોકલી આપવવામાં આવતા હતા.

આમ છતા આખી ડાયરીમાં તેણે પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે અંતે ક્રૂરતા અને પાશવિતા ઉપર ભલાઈ અને માનવતા નો વિજય થશે. જયારે જયારે તે નિરાશ થઇ જતી હતી કે રડી પડતી હતી ત્યારે તે અચુક ભગવાન ની પ્રાર્થના કરતી હતી જે તેને જીવન જીવવા માટે બળ પ્રદાન કરતી હતી.

ધરપકડ અને યાતના શિબિર

૧૯૪૪ ની ૪ ઓગષ્ટે એ બાતમીદારે આપેલ માહિતી મુજબ જર્મન ગેસ્ટાપો (સ્પેશીયલ પોલીસ) એ તેમના ભુગર્ભ રહેઠાણ ઉપર દરોડો પાડ્યો અને સંતાયેલા આઠે આઠ યહુદીઓ ની ધરપકડ કરી. યહુદી ઓ ને વેસ્ટરબ્રોક યાતના શિબીર માં મોકલી દેવામાં આવ્યા. અને ત્યાંથી તેમને હોલેન્ડ ની બહાર ઓત્સવીઝ યાતના શિબીરમાં મોકલી દેવાયા , ઓટ્ટો ફ્રેંકે પોતાના કુટુંબીજનો ને ત્યાર પછી ક્યારેય જોયા નહી. ૧૯૪૪ ના ઓક્ટોબર મહીના મા એન , માર્ગોટ અને શ્રીમતી વાન ડેન ને જર્મની ના બેલ્સન યાતના શિબીરમાં મોકલી દેવામાં આવ્યા. તેની માતા શ્રીમતી ફ્રેંક ઓત્સવીઝ માં જ ગાંડા જેવી માનસીક હાલત માં મૃત્યુ પામી. વાન ડાન ને ગેસ ચેંબર માં નાખી મારી નાખવામાં આવ્યો. શ્રીમાન ડસેલ ને જર્મની મોકલવામાં આવ્યો જ્યાં તેનું ન્યુએનગામ યાતના શિબીરમાં મૃત્યુ થઇ ગયું. પીટર વાન ડેન ને શિયાળા માં કૂચ કરતા જોયા પછી તેનું શું થયું તેની કોઈનેય જાણ નથી.

માત્ર ઓટ્ટો ફ્રેંક જીવતો બચી ગયો અને રશિયન સેના દ્વારા મુક્ત થયો.

શ્રીમતી વાન ડેન બેલ્સનમાં જ મૃત્યુ પામ્યા. માર્ગોટ ૧૯૪૫ ના ફેબ્રુઆરી ૬ માર્ચ મહિનામાં મૃત્યુ પામી. એન ફ્રેંક બર્ગેન બેલ્સન યાતના શિબીર મા “ટાયફસ” રોગ થી મૃત્યુ પામી ત્યારે તે માત્ર ૧૫ વર્ષ ની હતી.

ડાયરી ની મહત્તા અને સંદેશ

આ ડાયરી ૧૪ જુન ૧૯૪૨ થી ૧ ઓગષ્ટ ૧૯૪૪ સુધી , એન ફ્રેંક ના ભુગર્ભવાસ દરમ્યાન લખાયેલ. એક કિશોરી એ પોતાના ૧૩ થી ૧૫ વર્ષના જીવનકાળ દરમ્યાન લખેલા વિચારો એ આખા વિશ્વને આશ્ચર્ય ચકિત કરી દીધું હતું. ધાતકી શાસન ની ક્રૂરતા નો ભોગ બનેલા એક કુટુંબ કઈ રીતે પોતાની રક્ષા કરવા ભુગર્ભવાસ વેઠ્યો તેનું વર્ણન

આ ડાયરીમાં છે. એક અબોધ પણ હિંમતવાન બાળા ની મનોવ્યથા વ્યક્ત કરતી ડાયરી સમગ્ર વિશ્વને સંદેશ આપે છે કે અંતે વિજય સત્ય અને માનવતા નો જ છે. આ કઠિન સમય મા તેણે કઈ રીતે પોતાને નિરાશા માંથી બહાર કાઢી હંમેશા આશા ના કિરણો ગોત્યા તે સમજવા લાયક છે. ગમે તેવી યાતનામય કે કઠીન પરિસ્થિતીમા પણ માનસીક સ્વસ્થતા જાળવવી અને હિંમત રાખવીએ આ ડાયરીનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

આ નરસંહાર માં થી બચી ગયેલા તેના પિતા ઓટ્ટો ફ્રેંકે પોતાની વહાલસોયી દિકરીની ડાયરી પ્રસિધ્ધ કરી અને આખા વિશ્વે તેને વધાવી લીધી. આજ ની તારીખમાં પણ આ ડાયરી એક ‘બેસ્ટ સેલર’ જેવી છે.

*****

(નોંધ :- ડાયરીમાં એન ફ્રેંકે અમુક પાત્રો ને જુદા નામો આપેલા છે. જેમકે વાન ડેન કુંટુંબ નું ખરુનામ વાન પેલ્સ છે જયારે આલ્બર્ટ ડુસલ્સ નું સાચું નામ ફ્રીટઝ ફેફર છે )

Ref :( 1) www.//en.wikipedia.org/wiki/The_dairy_of_a_young_girl

(2) www.biography.com/people/anne-frank-9300892,

(3) The diary of a young girl – by Anne frank.