Tu rokaai ja ne... books and stories free download online pdf in Gujarati

Tu rokaai ja ne...

તું રોકાઈ જાને...

[ પ્રેમનો ચિત્કાર ]

સંકલન – પ્રેમ આવો જ હોય છે...

લેખક :- સુલતાન સિંહ

+૯૧-૯૯૦૪૧૮૫૦૦૭

તું રોકાઈ જ ને...

એ કયો દિવસ હશે એ તો લગભગ એને પોતાને પણ યાદ નહિજ હોય પણ, હા એનો પ્રીતમ કાલે એને છોડી જવાનો હતો એ વાત પોતે સારી પેઠે જાણતી હતી. લગભગ એ બસ કેમ પણ કરી એને રોકી લેવા માટે કેવી પ્રયુક્તિઓ અપનાવી શકાય એ જ ગડમથલ કરતી હતી. મનુષ્ય જીવ કેટલો સાંસારિક અને ભૌતિક હોય છે ને? આજ પ્રથમ વખત રાધા પોતાની જાતને લાચાર ગણી રહી હતી. સાંજથી રાત તરફ સમય આજ જાણે બમણી ગતિએ દોડતો હતો. યમુના નદીના કાંઠેથી આજે શીતલ લહેરાતા પવનની સાથે વાંસળીના સુર પણ દોડી આવતા હતા. કાનમાં પડતા ભણકાર દિલને જડ મૂળથી ધ્રુજાવી નાખતા હતા વારંવાર કોઈક ગડમથલ માં ખોવાઈ જતી રાધા આંગણામાં બેઠી જાણે સૃષ્ટિના ગૂઢ રહસ્ય ને શોધવા નીકળી પડી હોય એમ વિચારમગ્ન હતી. એ પોતે પણ જાણતી હતી કે કાનો કોઈના કીધે પણ રોકવાનો તો નથી જ પણ મન જે વાતોને સહજતાથી સ્વીકારી શકે એ વાતો એટલી જ આસાનીથી દિલ એને પચાવી શકતું નથી જ્યારે, લાગણીઓ તો દુખ પહોચાડનારી હોય છે.

આજ રાધા સાંજના ચાર વાગ્યા પછી જ્યારથી એણે સાંભળ્યું હતું કે મથુરાથી અક્રુરજી કંસના બોલાવે કાના ને લેવા આવ્યા છે. ત્યારથી માંડીને એ જાણે ક્યાંય અલગ સૃષ્ટિમાં સારી પડી હતી. શા માટે? કાના ને એણે બોલાવ્યો હશે? એજ પ્રશ્ન વારંવાર એ પોતાની જાતને એવા નિર્દોષ ભાવે પૂછતી હતી જાણે કઈ જાણતી જ ના હોય. અથવા કદાચ લાગણીઓ સમજણ ને નેવે મૂકી દેવા લાચાર બનાવી દે છે. પણ, જાણે બધા એના શબ્દો સાંભળવા માગતા હતા એનો જવાબ એના પ્રેમનો ચિત્કાર અને એના દિલના અવાજ. ‘તું રોકાઈ જાને કાના...?’. રાધા હજુ સુધી ઘરમાં ગઈ ના હતી ટોડલે બેસીને સંધ્યાના ડૂબતા સુરજની સોનેરી કિરણોમાં એમજ ચુપચાપ બેસી રહી હતી. કેટલી વિચિત્ર વેદના હાલ એના દિલમાં ઊંડાણના ઉછળતા નીરમાં જેર ધોળતી હતી. એના બાબા એને ચાર વખત બોલાવી ચૂક્યા હતા પણ, આમતો દિલના સાગરમાં આવેલી ભયાનક સુનામીના પુર નસે નસમાં તોફાનો સર્જતા હતા અને રાધાનું મન સુન્ન અને ખોવાયેલું હતું.

એ પોતાના કૃષ્ણ સાથેના સ્મરણોને વાગોળીને યાદ કરતી ત્યાં બેઠી હતી. યમુના કાંઠે સરી જતા નિર્મળ જળના આછા પટમાં એ લોકો કલાકો સુધી બેસી રહેતા હતા. અને યમુનાની પારદર્શક સપાટી પરથી ઠંડો પવન એમને ભીંજવતો રહેતો, એનું પાણી બંનેના ચરણ પખારવા સમુદ્રની ઓટની જેમ ધસી આવતું હતું. કેટલી આહલાદક પળો હતી એ... રાધા બસ આમજ કાનાની સાથે જીવનના અમૂલ્ય પળો વિતાવ્યા કરતી હતી. એણે જીવનના અભિન્ન અંગ તરીકે કાન્હાને જોડી લીધો હતો અને સમય જતા એ અભિન્ન અંગ એની આત્મા કરતાય વધુ મહત્વનું બની ગયું હતું. એના વગર એનું જીવન શક્ય જ ના હતું એ પોતે પણ આ વાત જાણતી હતી. સમયના પુર ભલ-ભલી ઈમારતોને ધૂળ ચાટતી કરીને વહી જતી હોય છે. કદાચ એમાની જ એક ઇમારત કાન્હા અને રાધાના સાથ ની હતી, એમના પ્રેમની હતી અને એમના અહેસાસની હતી.

“કાના તું મને એકલી મૂકી ને જતો નહિ રહે ને...?” એ દિવસ રાધા એ અચાનક જ પૂછી લીધું હતું. કેટલો વિચિત્ર અને ઓચિંતા જ એ પ્રશ્ન પૂછ્યો હતો એણે.

“રાધા ને છોડી શ્યામ જાય! તારા વગર તો મારું અસ્તિત્વ શૂન્ય છે. કોઈ જીવ એની આત્માને છોડી ને જઈ શકે? શું કોઈ માછલી પાણી વગર રહી શકે? શું સૂરજ ઉગવાનું ભૂલી શકે? શું ચંદ્ર શીતળતા છોડી શકે? તો પછી આ શ્યામ રાધાને છોડી કેવી રીતે રહી શકે...” કાનો એટલી જ નિખાલસતા સાથે એને સમજાવતો હતો.

“તારી વાતો પર મારે વિશ્વાસ નથી કરવો હોતો તેમ છતાં મારે કરવો પડે છે.”

“એજ તો સંબંધોની ગહેરાઈ છે, અને એજ તો પ્રેમ છે ને રાધા. નિર્મળ, પવિત્ર અને નિખાલસ પ્રેમ, આ યમુના ના જળ જેવો પારદર્શક અને આ પર્યાવરણ માં વ્યાપેલા પવન જેવો શીતળ પ્રેમ”

“મારી સાથે શબ્દની રમત રમવાની જરૂર નથી કાના, બસ મારી એટલી વાત ગાંઠ બાંધી લે જે કે તારા વગર આ રાધા એક આત્મા વિહોણા ખોરડાથી વધારે કઈ નહિ રહે.”

“પણ હું તારા થી દૂર ક્યાં છું, હું તો તારામાં જ વ્યાપ્ત છું...” કૃષ્ણ એને હડપચી પર હાથ દઈ પોતાની તરફ કરી રહ્યા હતા. એમના ચહેરા પર સ્મિત હતું જાણે મોહિની અસ્ત્ર ના છોડતા હોય એટલું માયાળુ હાસ્ય હતું એ. કેટલી નિખાલસતા અને ગૂઢતા હતી એ સ્મિતમાં કદાચ એમાંજ રહસ્યોનો પોટલો ધરબાયેલો હશે પણ, સમયના વહેણ સાથેજ ભવિષ્યના પડદા ખુલા પડતા હોય છે અને એ બધું પણ કાના થી અજાણ્યું તો નથી જ. પણ એના સાથમાં પોતે પણ ક્યાં કદી એ સ્મિતના રહસ્યો શોધવા પ્રયત્નો કરી શકી છે.

“રાધા બેટા સૂઈ જા હવે” પાછળથી થોડોક મોટો અને ઘરડો અવાજ આવ્યો. રાધા ન ઈચ્છવા છતાં મોડી રાત સુધી ખાટલામાં આળોટતી રહી. રાધાને કેવી રીતે ઊંઘ આવે એ સાંભળ્યા પછી કે કાનાને કાલે કંસના બોલાવે મથુરા જવાનું છે અને દુષ્ટ કંસ એને મારી નાખવાની બનતી પૂરી કોશિશ કરશે. વિચારો અને પડખા ફેરવતી એની વહેતી પાણીદાર આંખો સૂર્યના તેજ અને ચંદ્રના પ્રતિબિંબના વાતાવરણમાં પડઘા પાડતી હતી.

   

એ રાત ક્યાં વહી ગઈ એની રાધાને જાણે ખબર જ નાં પડી. હજુ સૂરજ ઊગે એ પહેલા જ રાધા યમુના કાંઠે ના પેલા આડછ વાળા પથ્થર પાસે જઈ બેસી હતી, જ્યાં એ કાના સાથે રોજ બેસી રહેતી હતી. એની આંખોની વહેતી ધારા સામે આજે યમુનાના નીર પણ શૂન્યવત્ લગતા હતા. એની આંખોમાં ધોધમાર આંસુની નહેર વહેતી હતી અને આંખોમાં લાલાશ છવાઈ ગઈ હતી. રાતના ફેરવેલા પડખા અને અને ચંદ્રની પ્રતિમાને ઝેલતા રહેલા નૈનોમાં અત્યારે પાણી હતા અને રતાશ પણ. એણે ઉઠતાની સાથે જ યમુના કાંઠે ઉઘાડે પગે દોટ મૂકી હતી રસ્તામાં કાંટા, પથ્થર કે કાંકરી વાગી જાય એવો લેશમાત્ર વિચાર પણ આજે આવ્યો ના હતો. એની ઓઢણી પણ ઠીક કરી ના હતી કે સરખા વાળ પણ બાંધ્યાં ના હતા. આજ એણે શણગાર સજવામાં પણ જરાય સમય વેડફ્યો ના હતો કેટલી વ્યાકુળતા એના દિલમાં સર્જાઈ હશે જે એને આમ ખેંચી લાવી હશે. પણ, કેટલો શીતળ અને આહલાદક અનુભવ હતો આ કિનારે પેલા કાના ના સાંનિધ્યમાં વિતાવેલા પળોના મુકસાક્ષી પથ્થર પર જ્યાં ઉપર પવનના સુસવાટા પ્રણયનું સંગીત ફેલાવતા હતા અને પવન આનંદ. અચાનક જ ત્યાં બેસીને રાધાના ચહેરે કેટલી નિખાલસતા છવાઈ ગઈ હતી, જાણે કાનો હાલ પણ એની સાથે જ હોય એવો રોમાંચ એને અનુભવાતો હતો. સમય સદંતર સરકતો જતો હતો સામે વહેતા યમુના ના વહેણની જેમ જ નિયત અને અવિરત પણે. કદાચ પ્રેમમાં જીવવા માટે ક્યારેય વ્યક્તિની જરૂર નથી હોતી એનો અહેસાસ પણ આનંદ આપે છે. રાધા હજી સુધી સંપૂર્ણ સ્વસ્થ થઇ શકી ના હોય એમાં ગળાડૂબ વિચારમાં બેઠી હતી.

કાનો ક્યારે આવ્યો એની કદાચ એને ખબર પણ નહિ હોય તેમ છતાંય એનો સ્પર્શ જે અત્યારે એના વાળમાં હતો એ પોતે અનુભવી શકી હતી. આજ પ્રથમ વખત કાના એ સામે પડી પૂછી લીધું હતું કે “રાધા આજ જલ્દી માં હતા, લાવ તારા વાળ બાંધી દઉં” એના હાથ એના વાળમાં ફરતા હતા અને ચહેરા પર એટલી જ નિખાલસતા છવાયેલી હતી. એજ સ્મિત, એજ તેજ, એજ પ્રભાવ, એજ ઊર્જા અને એજ શીતળતા રાધા બસ થોડીક પળો એના આ રૂપને જોઈ જ રહી હતી.

“તું રોકાઈ જા ને... કાના.” આ વાત એને થોડીક જ મીનીટોમાં જાણે સહસ્ત્ર વાર વાગોળી હતી અને એટલે એનાથી બોલાઈ જવાયું. પણ કાનો હજુય એમજ શાંત બેઠો હતો એનો હાથ રાધાના વાળમાં ફરતો હતો એ એના વાળ બાંધવામાં ખોવાયેલો હતો.

“મને જવાબ આપ કાના, તું જઈશ ?” રાધા એ કાનાને આઘો કરતા ફરી વાર પૂછી લીધું હતું.

“તું બધું જાણે જ છે ને રાધા”

“હું જાણું છું! હું! હું તો કઈ નથી જાણતી કાના.”

“કાના ના દિલની વાત રાધાથી અજાણી કેમ રહી શકે?”

“જો કાના આજે તારી શબ્દની રમત વડે મને ઉલઝાવાની કોશિશ ના કરીશ”

“પણ તારાથી સાચે જ ક્યાં કઈ અજાણ્યું છે?” કાના એ જવાબ આપ્યો પણ આજે એની કોઈ વાત રાધાના દિલમાં સ્વીકાર્ય થઇ શકતી ના હતી. કેમ કરીને થાય કાનાથી દૂર રહેવાની કલ્પના પણ એણે કદી કરી જ નાં હતી. એની આંખોમાં શ્રાવણી વરસાદ વરસી રહ્યો હતો જેની કોઈ સીમા ના હતી. એની આંખોમાં પાણીના સ્થાને વેદના વહી રહી હતી.

“તું રોકાઈ જા ને... કાના! તારા વગર હું શું કરીશ? ગોકુળમાં અને યમુના કાંઠે હું કોને મળવા આવીશ?” આંસુમાં એનો અવાજ સંપૂર્ણપણે પલળી ગયો હતો.

“દૂધ વેચવા જજે... ગાયોને સાચવજે અને... અયન ને...” કાનાનો અવાજ લગભગ રૂંધાઇ ગયો હતો. પ્રેમ કદાચ આટલી હદે વેદના આપતો હોય છે એ તો બધાય જાણતા હશે પણ કાન્હાની વેદના પ્રેમની વેદનાની ચરમસીમા હતી.

“તો તારે જવું જ છે...?” રાધાનો અવાજ સાવ ધીમો હતો એના દિલના તંતુ નીચોડાઈને શબ્દો નીકળતા હોય એમ વેદનાથી ધ્રુજતા હતા “તને અમારી કોઈની નથી પડી એમ જ ને કાના?”

“ગોકુલ મારી શરૂઆત છે અને તું મારું સર્વસ્વ પણ, જીવન પ્રવાહ સાથે ચાલવું જ રહ્યું ને રાધા. અને એમાંય તારા આંસુ શું મને જવા દેશે? તારા આંસુ તો મારા રસ્તે અંગાર બની વેરાસે અને શું તું ખરેખર એવું ઈચ્છે છે કે તારા કાના ના પગ તારા વરસાવેલા અંગારા થી દાઝે?”

“તો શું કામ જાય છે? મને મુકીને? તું રોકાઈ જા ને...”

“આવું તું કહે છે રાધા, શું તું નથી જાણતી?”

“ના... હું કઈ નથી જાણતી, તું કેવી અઘરી વાતો કરે છે.”

“તને ખબર છે! તું જ્યારે પણ રિસાય છે ને એટલે કેટલી વહાલી લાગે છે જાણે બસ અહીં બેસી રહું અને તને જોયા કરું... દિવસ રાત.”

“વહાલી...” રાધાએ વ્યંગાત્મક સ્વરે જાણે ચાળા પાડતી હોય એમ કાના સામે નજર કરી અને કહ્યું “વહાલી લાગુ છું ને, એટલે જ છોડીને જાય છે ને મને?”

“તો શું કરું કે?”

“ના જા... તને જોવું ગમે તો જોયા કર... હું તારા માટે જીવન પર્યંત રિસાયેલા રહેવાની કોશિશ કરીશ પણ, તું રોકાઈ જા ને...” રાધાની આંખો ફરી ભરાઈ આવી હતી.

“એટલે જ તો જવું છે રાધા, ક્યાં સુધી તને હું મારી સામે બેસાડી શકીશ. તારા મોહમાં મારા ધરતી પરના ઉદ્દેશ્ય તો રહી જશે ને? તું ક્યાં નથી જાણતી કે સદીયો સુધી પણ તને જોયા કરીને મારી ભૂખ તો ભગાય એમ જ નથી.”

“શું બોલે છે કાના...” રાધા વધુ બોલી જ ના શકી એ નિર્દોષ ભાવે એના ચહેરાને તાકી રહી. યમુના નો મીઠો પવન આ પ્રેમલીલાની સાક્ષી પુરતો હતો. કેટલી આહલાદક પળો હતી એ પાણી આજ ફરી રાધાના ચરણ પખારવા ધસી આવતું હતું. જાણે કહેતું ના હોય શાંત થઇ જા રાધા શાંત... કાના ને જવા દે અને એ રાધા એની વાતને અવગણતી હોય એમ પગ વડે પાણીને હડસેલી દેતી હતી.

“કઈ નઈ બસ એમજ...” કૃષ્ણ હસી પડ્યા હતા પણ આજ પ્રથમ વખત એમની આંખોમાં વેદના ધસી આવતી હતી. “ અક્રુરજી મને લેવા આવવાનાં છે હજુ યશોદા માને પણ મનાવવાના છે, મારે જવું પડશે.”

“પણ શા માટે કાન્હા જાય છે?”

“કેમ?” કૃષ્ણ મુકસ્મિત સાથે ઊભા હતા.

“તારે શા માટે પેલા રાક્ષસ મામા પાસે જવા આટલા બધા ના પ્રેમને છોડી જવું પડે... અને તારા વગર મારું શું થશે એ વિચાર્યું છે તે?”

“સંસારને પણ કેટલાક નિયમ હોય છે”

“તારે બધા નિયમ ને કેમ વળગી રહેવું પડે કાના”

“એ પણ સમયનું કાર્ય છે, એજ નિયમ”

“નિયમ! તું શું કહેવા માંગે છે મને નથી સમજાતું કાના”

“મને ક્યાં બધું સમજાય છે”

“તો રોકાઈ જા ને...”

“મારે જવું પડશે.”

“જા જતો રહે અને હા, ક્યારેય પાછો ના આવતો જા” રાધા ગુસ્સામાં બોલી ગઈ અને પાછળ ફરી ગઈ એના થી આજ શબ્દો એના સામે કહી શકવાની હિમ્મત ના હતી. એની આંખોમાં યમુના હજી નિરંતર અને અવિરત વહેતી હતી.

“ફરી બોલ તો...” કાનાનો અવાજ સંપૂર્ણ પણે હવે રૂંધાઇ ગયો એના અવાજમાં વેદના ભળી રહી હતી.

“હા, જતો રે જા કાન્હા! અને જો તારે ન જ રોકાવું હોય તો, ક્યારેય આ રાધા માટે પાછો ના આવતો” રાધા તરડાયેલા અવાજે બોલી ઊઠી.

“તથાસ્તુ...” કાના એ છેલ્લી વખત પણ એની ઇચ્છાને સ્વીકારી લીધી હતી. કેટલા વેદના ભર્યા શબ્દો હતા એ કાન્હા માટે, જેના વગર એનું મન એક પળ ચેન ના પામી શકતું એજ રાધા આજે એને જતા રહેવાનું અને પાછા ન ફરવાનું કહ્યું હતું. સ્વીકાર માત્રની રાહે ચાલેલા કાનાએ દરેક પળે સ્વીકાર કરતા જ ચાલવાનું નક્કી કર્યું હતું પણ આ... આ સ્વીકાર એમના માટે આત્મા મૂકી જવા જેવો અઘરો હતો. પણ જેના પ્રેમનો સ્વીકાર કર્યો હતો એની નફરતનો અસ્વીકાર પણ કેમ કરાય. એક શબ્દમાં જાણે બધુ પલટાઈ ગયું હતું. કાના એ એની વાત સ્વીકારી લીધી હતી અને એ પાછળ જોયા વગર જ નીકળી ગયો હતો. એની આંખોમાં આજે વેદના હતી, આંસુ હતા, રુદન હતું, પ્રેમ હતો અને ભાર... આખી સૃષ્ટિનું ભાર હોય એમ પાછળ જોવાની પણ એ હિમ્મત એકઠી નાં કરી શક્યા.

“તું રોકાઈ જા ને...” રાધાનું રુદન હવે રોકી ના શકાયું એને પોતાની ભૂલ સમજાઈ રહી હતી પણ હવે એનો વખત ના હતો એણે એવી વાતનો સ્વીકાર કરાવી લીધો હતો જે એ અથવા કાનો જીવન ભર સપનામાંય વિચારી કે ઈચ્છી નઈ શક્યા હોય. રાધાની આંખો હજુય વરસતી હતી અને મુખમાંથી માંડ શબ્દો નીકળતા હતા...

“તું રોકાઈ જા ને... કાના...”

લેખક વિષે :-

સુલતાન સિંહ...

જે પ્રોફાઈલમાં જોઈ શકાય છે હા એજ મારું નામ અને એના પાછળનું ‘જીવન’ એજ મારું ઉપનામ. હું મુખ્ય મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્રનો અનુસ્નાતક વિદ્યાર્થી છું. અત્યાર સુધી કોઈ ઝાઝી મોટી સફળતા મારા જીવનમાં મેં પામી નથી, કંઇક શોધું છું, શીખવામાં મસ્ત છું અને બસ આમ જ મારે હર હંમેશ શીખતા રહેવું છે. મારા લક્ષ્ય મુજબ મારે કોઈ ટોચ પર નથી પહોચવું, બસ મારે આ સફળતા અને દિલના પહાડી માર્ગમાં ચાલતા પડતા અને ઉઠતા આગળ વધતાં રહેવું છે. અટકવું નથી અને કોઈને ખટકવું પણ નથી. કહેવાય છે કે પડેલું તો પાણી પણ ગંધાય છે અને વહેતું હર હમેશ તાજગી સાથે વહેતું જાય છે. માન્યતામાં નથી માનતો પણ આ વાત સાચી છે. માનવામાં હું શૂન્ય છું અને જાણવામાં વિદ્યાર્થી, દરેક પળે નવી રાહ શીખતો વિદ્યાર્થી. જાણવાની જિજ્ઞાસા સદાય મારા દિલમાં રહી છે. અને આમજ રહેશે... સતત... નિરંતર... અને અવિરત... અખંડ જ્યોત સમી...

અત્યાર સુધી મારા ખાસ્સા આર્ટિકલ માતૃ ભારતી પર આવ્યા છે. અને મારી એક નૉવેલ [સ્વપ્નસૃષ્ટિ- દુનિયાદારી થી દિલની મંઝીલ સુધીની કહાની] પણ પ્રકરણ સ્વરૂપે ૩૧ ભાગમાં પ્રકાશિત થઇ ચૂકી છે જે બધાજ ભાગ તમે માતૃ ભારતી પર વાંચી શકો છો અને કદાચ અંદાજીત જુલાઈના અંત સુધીમાં એક નવી નૉવેલ [સુલતાન ભાઈ- અ સ્ટોરી ઓફ વિલેજીયન રેબેલ] પણ માતૃ ભારતી પર પ્રકાશિત થશે.

માતૃ ભારતી સિવાય પણ હું પ્રતીલીપી, વીપબ, ડેયલીહન્ટ અને ખાસ મારા બ્લોગ પર હું લખતો રહું છું.

વિગતો :-

Mobile: - +91-9904185007

Mail-id: -

Facebook: - @imsultansingh [twitter, LinkedIn]

Blog: -