Marriage Byuroma books and stories free download online pdf in Gujarati

મૅરેજ બ્યૂરોમાં

મૅરેજ બ્યૂરોમાં

  • દેસાઈ શિલ્પા
  • મૈં ઔર મેરી તન્હાઈ...અકસર યે બાતે કરતે હૈ તુમ હોતી તો કૈસા હોતા? તુમ યે કહતી...

    “હેલો...”

    “હેલાવ... કાકભટ્ટજી?”

    “બોલું છું... આપ કોણ?”

    “સંપતરાય ખડકીવાળા.”

    તમારી રિંગટોન ટનાટન છે, ફોન ના ઉપાડો તોય મજા પડે.

    “થૅંક્યુ.”

    “કોણ? સંપતરાય? આપણે એકબીજાને ઓળખીએ છીએ એવું સ્મરણમાં નથી... આપને આ નંબર કોણે આપ્યો?”

    “અરે, આપણે અત્યારે પરિચિત નથી જ. પણ હેલાવ, આપણે બહુ જલદી સંબંધી બનવાનાં છીએ નક્કી.

    તમારો નંબર અમોએ “પરફેક્ટ-મેચ મૅરેજ બ્યૂરો”માંથી તમારા બાયોડેટામાંથી મેળવ્યો છે તે જાણશો. તમેય ત્યાં રજિસ્ટર કરાવ્યું છે ને? તમે... કન્યામાં જે જે ગુણો વર્ણવ્યા છે એ બધાંય અમારી ચંદીમાં છે... ઓહ સૉરી, ચંદ્રિકા. ઘરમાં એને ચંદી જ કહીએ છીએ એટલે એ જ નામ જીભે આવી જાય. હેલાવ, અમારી બેબી તમારા માટે એકદમ પરફેક્ટ મેચ છે.”

    “અરે પણ...”

    “અરે પણ ને બણ. હેલાવ.... ક્યારે ગોઠવવી છે મુલાકાત? અબીહાલ જ કહી દો તો શું કે અમે બહારગામ રહીએ છીએ. હવે તો ટિકિટ બુક કરાવવી પડે... તમે સમજો છો ને?”

    “સાંભળો મિત્ર...”

    તમે એક વાર અમારી ચંદીને જોશો તો કશું પૂછશો જ નહીં એવી છે અમારી ચંદી. રંગે જરા ઝાંખી છે પણ હવે તો આ બધા ક્રીમો મળે છે ને એ બધું લગાડીને ધોળી ધોળી ઐશ્વર્યારાય જેવી થઈ જશે.” દીકરી પરણાવવા ઉત્સુક પિતા છે સામેના છેડે એવો અમને હવે ખ્યાલ આવ્યો. અમે હવે બોલવાનું શરૂ કર્યું : “અરે ભાઈ તમે આમ એક્સ્પ્રેસથીય વધારે સ્પીડમાં ગાડી દોડાવે જ રાખો છો! પણ તમે જે સમજો છો એ અમે નથી વડીલ. અમારાં લગ્ન તો ક્યારનાં થઈ ચૂક્યા છે.”

    “તો પહેલા બોલતાં શું જોર આવે છે? ખોટા મારા દસ રૂપિયા બગાડ્યા.”

    “અરે પણ, સાંભળો તો ખરાં...” હવે અમે સંભળાવવાના મૂડમા હતા પણ બગડેલા સંપતરાયે તો સાંભળ્યા વિના જ ફોન ધડામ દઈને પછાડ્યો હશે અમે એમ કલ્પના કરી. આવું ને આવું ચાલશે તો ચંદી પરણે એ પહેલાં કેટલાય ફોનનો ભંગાર થઈ ગયો હશે. અમારા N.R.I. સંબંધીના પુત્રરત્ન અલ્પો ઉર્ફે અલ્પેશનું નામ આ બ્યૂરોમાં અમે જ નોંધાવી આવેલા રોકડા 9,000/- નો ચાંદલો કરીને. હવે આ ફૉર્મ આપ્યું ત્યારે સ્થાનિક ઍડ્રેસમાં અમારું નામ લખેલું હતું એટલે સંપતરાય ખડકીવાળા આ છબરડો વાળ્યો. આ સુમધુર છબરડાથી અમેય જરાવાર તો હવામાં આવી જ ગયાં. પણ પછી આ પ્રકારની નીચી મનોવૃત્તિ માટે ખુદ પર તિરસ્કારની લાગણી થઈ. હવે એ મૅરેજ બ્યૂરોમાંથી અલ્પાનું નામ કમી કરાવું તો આપોઆપ જ અમારું નામ પણ કમી થઈ જાય. આમ, ભૂલસુધારણા આમ નોંધ કરવાનો દૃઢ નિશ્ચય કરીને અમે ઘરની બહાર સંચર્યાં અને સીધા અટક્યાં બ્યૂરો પર.

    કાઉન્ટર પર ઉંમર સંતાડવા પ્રયત્નશીલ હોય એવાં એક બહેન બેઠેલાં હતાં. ત્યાં જઈને અમે કશું કહીએ એ પહેલાં તો એમણે 50 ફૉર્મનું એક પૅડ અને પૅડ સાથે બાંધેલી એક પેન જેમાં કંઈ લેવા જેવું ન હતું. તેમ છતાંય બાંધેલી હતી એ આપ્યાં.

    “આ ભરી દો.”

    “આટલાં બધાં?” અમે આઘાતથી ઘડીક ફૉર્મના જથ્થા સામે તો ઘડીક પેલાં બહેન સામે જોઈ રહ્યાં.

    “અરે ભાઈ, આમાંથી તો એક જ ભરવાનું છે.” અમારો શ્વાસ જરા હેઠો બેઠો. અને ફિલ્મોમાં જોયેલું તે યાદ હતું કે ફૉર્મ વાંચીને ભરવું એ ન્યાયે અમે ફૉર્મ વાંચવામાં મન પરોવ્યું. ઉમેદવારનું નામ, ઠામ, કામ, આવક, કૌટુંબિક માહિતી, બ્લડગ્રૂપ, કોઈ બીમારી હોય તો એની માહિતી અને એવાં તો કંઈ કેટલાંય ખાનાં એ ફૉર્મમાં હતાં. અમે એ ફૉર્મ છેક નીચે “ઉમેદવારની સહી” લખેલું હતું ત્યાં સુધી વાંચી લીધું. પછી કહ્યું : “બહેન, આ ફૉર્મ મારે નથી ભરવું.”

    કરંટ લાગ્યો હોય એમ પેલાં બહેન આઘાત પામી ગયાં... “અરે... શા માટે પણ? આપણી સંસ્થામાંથી તમને તમે જેના માટે પાત્ર શોધો છો એને લાયક કોઈ ને કોઈ તો મળી જ રહેશે. આપણી સંસ્થાનો રેકૉર્ડ છે. જુઓ આલબમ” કહીને એમણે એક દળદાર આલબમ ખસેડ્યું. સંસ્થા દ્વારા ગોઠવાયેલાં લગ્નોના ફોટોગ્રાફ્સ હતાં. આલબમ પર એક અછડતી નજર નાંખતાં જ વિચારમાળા શરૂ થઈ. “આટલાં બધાંએ માત્ર યોગ્ય પસંદગી માટે જ અહીં નામ નોંધાવ્યું હશે? કે પછી બહેનને કોઈ લેતું ન હતું ને ભાઈને કોઈ દેતું ન હતું જેવો ઘાટ હશે? એટલે વખાના માર્યા અહીં આવ્યાં હશે?” વિચારયાત્રા પર માંડ કાબૂ મેળવીને અમે એમને માહિતી આપી કે અહીં ફૉર્મ તો ઓલરેડી ભરેલું છે એ રદ કરાવવા આવ્યાં છીએ.” હવે પેલાં સૌમ્યસ્વરૂપા બહેન કાળકાસ્વરૂપમાં રૂપાંતરિત થઈ ગયાં.

    “તમારું કહેવું એમ છે કે હવે તમારે સંસ્થાની કોઈ જરૂર નથી? લગ્ન થઈ ગયાં? તો જણાવ્યું કેમ નહીં? અમારે અહીં ઇન્ફર્મેશન અપડેટ ન હોય તો કેટલી તકલીફો પડે એ સમજ પડે છે કે નહીં? અમે કેટલી મહેનત લઈને યોગ્ય જોડીઓ મેચ કરતા હોઈએ છીએ ને તમે જણાવવાનીય તસદી નથી લેતાં?” મશીનગન પણ કદાચ ધીમી લાગે એમ એ કાળકાસ્વરૂપે પ્રશ્નોનો ગોળીબાર કર્યો. આટલા બધા પ્રશ્નોમાંથી કયા પ્રશ્નનો ઉત્તર પહેલો આપવો એની વિમાસણમાં અમે નિરુત્તર જ રહ્યાં. “એટલામાં પાછા કાળકામાએ નવું પ્રશ્નબાણ છોડ્યું, “પૈસા ભરેલાં?” અમે વધારે બધવાઈ ગયા અને પૂછી બેઠાં : “હેં?”

    “એમ પૂછું છું કે પૈસા... ભરેલાં આ ફૉર્મ આપવા આવ્યાં ત્યારે? 9,000/- પૂરાં? પહોંચ લાવ્યા છો?”

    “બહેન, તમે જ તમારા કમ્પ્યુટર ડેટામાં જોઈ લોને જે એમાં બધી ડિટેઇલ્સ હશે જ ને? પહોંચ રહી ગઈ છે.”

    “અમારે શું કરવું એ અમને શિખવાડવાની જરૂર નથી. પહોંચ વિના સંસ્થા કોઈ પણ ફૉર્મમાં ફેરફાર કરી ન શકે એવો સંસ્થાનો નિયમ છે. ધારો કે આજે તમે ફૉર્મમાં ફેરફાર કરાવી જાવ અને કાલે ઊઠીને અસલી માલિક આવીને અમારો કાંઠલો પકડે તો અમારે ક્યાં જવું? સંસ્થાની બદનામી થાય એવું કૃત્ય હરગિજ ચલાવી લેવામાં નહીં આવે... તમે પહોંચ લાવ્યાં હોય તો તમારું કામ અબીહાલ થઈ જશે. બાકી તમે જઈ શકો છો.” આ કાળકામાને સમજાવતાં અમારા નાકે દમ આવ્યો. માંડ માંડ એમને સમજ પડી કે જેવું સમજે છે એવું કશું નથી. “ત્યાં”નો નંબર જોઈને એમણે ખાતરી કરી કે એમને ગેરસમજ થયેલી અને વળી પાછાં એ કાળકાસ્વરૂપામાંથી નૉર્મલ સૌમ્યસ્વરૂપામાં તબદીલ થયાં અને બોલ્યાં : “આમ તો સંસ્થાની મેમ્બરશિપ એક જ વર્ષની હોય છે. જો તમે બીજા વર્ષે એ રિન્યૂ ન કરાવો તો ઑટોમેટિક રદ જ થઈ જાય. આમાં બૅન્કની F.D. જેવું ઓટો રિન્યૂઅલ જેવું હોતું નથી.”

    કાળસ્વરૂપ થવાનો વારો હવે અમારો હતો. “આટલી વારથી તમારી સાથે માથાકૂટ કરું છું ત્યારે તમે બોલતાં નથી. આ વરસની મેમ્બરશિપવાળું?” પણ પછી સ્ત્રીદાક્ષિણ્ય દાખવીને અમે સંયમપૂર્વક મૌનવ્રત લીધું અને પેલું અલ્પાવાળું ફૉર્મ રદ કરાવીને ત્યાંથી નીકળી ગયાં. પાછાં ફરતાં આખા રસ્તે આ મૅરેજ બ્યૂરોની શોધ, સગવડ, કેવી રીતે કેવા સંજોગોમાં કોણે કરી હશે જેવા વિચારો આવનજાવન કરતા રહ્યા. પેલા ફૉર્મમાં ઉમેદવાર વિશે અથી લઈને જ્ઞ સુધી બધે બધી વિગતોનાં ખાનાં હતાં પણ ઉમેદવારના સ્વભાવ વિશે કે ઉમેદવાર જો છોકરો હોય તો એની માતાના, બહેનના સ્વભાવ વિશે કંઈ માહિતી ફૉર્મ પર આધાર રાખવાથી મળતી નથી. કારણ કે ફૉર્મમાં ખાનાં ભરવા પૂરતાં તો સૌકોઈ સાલસ, હસમુખા, મિલનસાર, ઘરરખ્ખુ જ હોવાના. પાછું જોવા જેવું એ કે દરેકને ચામડીના ગોરા હોવાનું એકસરખું જ ઘેલું હોય છે. દરેક છોકરાને પોતે અંધારામાં કળાય એવા ન હોય તોય છોકરી તો ગોરીચિટ્ટી જ જોઈતી હોય. મૅરેજ બ્યૂરોના ઉપક્રમે સમયાંતરે કુંવારા, પુનઃલગ્નોત્સુક, વિધુર, વિધવા, છૂટાછેડાવાળા એમ દરેક કેટેગરીના જીવનસાથી પસંદગી મેળાઓનું ઉમેદવારોના ખર્ચે (અને જોખમે) આયોજન કરતાં રહે છે. લગ્નો સ્વર્ગમાં ગોઠવાય છે અને એનો ઉત્સવ મૅરેજબ્યૂરો થકી ઊજવાય છે.

    ખોંખારો : મૅરેજ બ્યૂરોમાં જેમ પાત્ર પસંદગી માટે ખાસ લપ્પનછપ્પન કરવી પડતી નથી એમ જો પસંદ કરેલા પાત્ર સાથે કાયદાકીય છૂટાછેડા લેવા માટે કાયદાકીય ગૂંચો વિના ચાલતાં છૂટાછેડા કેન્દ્ર ખોલવામાં આવે તો એ પણ મૅરેજ-બ્યૂરો જેટલાં જ ચાલે.