Acid Attack - 11 books and stories free download online pdf in Gujarati

Acid Attack (Chapter-11)

એસીડ અટેક

[~૧૧~]

“સર આજ શૈલેષને કોર્ટમાં હાજર કરવાનો છે પણ, નિમેષ સર હજુ આવ્યા નથી.” મનુભાઈ ટેબલ પર ઝાલાની ચેમ્બરમાં ચાનો કપ ટેબલ પર મુકતા કહ્યું.

“એક કપ બીજો પણ લઇ આવજો ઓઝા સાહેબ ઓન ધ વે છે એટલે હાલ આવે જ છે...” ઝાલાએ જવાબ આપ્યો અને ફાઈલમાં કઈક શોધખોળ શરુ કરી દીધી.

“જી...” મનુભાઈએ હકારમાં જવાબ આપ્યો અને ત્યાંથી બહાર નીકળી ગયા એ હજુ ચાનો કપ લેવા જાય ત્યાજ બહાર બોલેરોના ટાયર ઘસડાવાના અવાજ સંભળાયા. ઓઝા અને સ્નેહલ પણ થોડીક વારમાં અંદર આવ્યા અને સીધા ઝાલાની ઓફિસમાં ગયા. સ્નેહલ એમની પાછળ જ ઓફીસ તરફ ચાલ્યો.

“સર શૈલેષને...” ઝાલાએ ઓઝા સાહેબને કહ્યું પણ ઓઝા બધું જાણતા હોય એમ કઈ પણ સાંભળ્યા વગર ખુરશીમાં ગોઠવાયા.

“સ્નેહલ ચા મંગાવ જે...” ઓઝા એ ચેર પર બધું વજન સાચવી રહી ગોઠવાતા થોડા સામાન્ય થતા સ્નેહલને કહ્યું. પણ ઝાલા એ ઓઝાના આવતા પેલા જ કહેલું હોવાથી ત્રણેય જણા ત્યાં કેબીનમાં બેઠા બેઠા કઈક વાતચિતમાં પરોવાયા. લગભગ વાતચીતના પાંચેક મીનીટમાં ચાનો કપ ટેબલ પર મુકાઈ ગયો. પોલીસ સ્ટેશનમાં પથરાયેલી નીરવ શાંતિ અને ત્રણેય વચ્ચે છવાયેલા મૌન વચ્ચે ઓઝા એ ચા પૂરી કરી. અત્યારે ઓઝા પોતે પણ કોઈક વિચારોમાં ખોવાયેલો બેઠો હતો. છેવટે સ્નેહલને ઈશારો કર્યો ઘડિયાળમાં કાંટો અત્યારે બાર અને એકની વચ્ચે અટવાયેલો હતો. થોડીક જ વારમાં બંને સેશન કોર્ટના રસ્તા પર સરકતી બોલેરો અને જીપમાં શૈલેષ સાથે નીકળી ગયા હતા. ઝાલા શૈલેષ સાથે જીપમાં ગોઠવાયો હતો અને ઓઝા સ્નેહલ સાથે આગળ બોલેરોમાં હતો. સમયના પ્રવાહની વિરુદ્ધમાં દોડતું ઓઝાનું મન અત્યારે આ કેસ સિવાયના વિચારોમાં અટવાતું જઈ રહ્યું હતું. આ વિચારો નીલમના હતા અને એ દિવસોના હતા જ્યારે એની લાડકવાયી દીકરી એની પાસેથી દુર ચાલી ગઈ હતી.

~~~~~~~~~~~~

“મારે કોઈ વકીલ નથી કરવો અને મારો કોઈ વકીલ છે પણ નઈ. મને મારો ગુનો કબુલ છે હવે સજા આપવાનું કામ તમને ગમે એમ તમે કરવા મુક્ત છો...” જજના જવાબી સવાલમાં શૈલેષે ભરી કોર્ટમાં કરેલી દલીલ થી આખી કોર્ટ એના તરફ વિચિત્ર નજરે તાકિ રહી. એના શબ્દોમાં છલકાતી નિર્લજતા એના વ્યંગાત્મક આવજમાં કોર્ટના ભરેલા રૂમના ખૂણાઓમાં પડઘાઈ રહી હતી.

જસ્ટીસ ડી. એન. વર્માએ કેસ શરુ કરતા પહેલા બંને વકીલના નામ નોધવા જ્યારે બંનેને ઉભા રહેવા કહ્યું ત્યારે માત્ર એક વકીલ હાજર દેખાયો. જ્યારે શૈલેષ તરફના પક્ષનો કોઈ વકીલ ના દેખાતા જસ્ટીસ દ્વારા પુછાયેલા સવાલનો જવાબ શૈલેષે જે રીતે આપ્યો એ સાંભળ્યા પછી દરેકના ચહેરે જાણે બાર વાગી ગયા. છેવટે કાયદાકીય રીતે કોર્ટમાં બે પક્ષની હાજરી જરૂરી હોવાથી સરકારી ખાતાનો વકીલ ફાળવવામાં આવ્યો અને કાર્યવાહી ને જાણે નવી દોર મળી. છેવટે આ દિવસની કાર્યવાહી પતિ અને તારીખ પર નિર્ણયો ફરી એક વખત લટકી રહ્યા.

~~~~~~~~~~~

“હેલ્લો...” અચાનક સવારના સાતના રણકારે મનન ના મોબાઈલમાં કોઈકનો કોલ આવ્યો. રાતના મોડા સુધી વિચારોના સપાટા વહેતા રહેવાના કરણે માંડ એની આંખો ચારેક વાગ્યા આસપાસ ઊંઘે ચડી હતી જે મોબાઈલના સતત રણકારથી ઉઘડી. એણે ફોન ઉઠાવી કાને લગાડ્યો અને સામેથી અવાજ સંભળાયો.

“હા કોણ?” મનને પૂછ્યું.

“હું વિજય, અનિતાના પપ્પા બોલું છું.”

“જી અંકલ બોલો કઈ જરૂરી કામ હતું.”

“ના બસ મેં અનીતા સાથે વાત કરી એણે કહ્યું તમે સાથે ભણો છો. એટલે તારા મળવાથી એને પ્રોબ્લેમ નથી એટલે તું એને મળી શકે છે. બસ એ કહેવા જ કોલ કરેલો મેં...” વિજયે વાત સમજાવતા કહ્યું.

“હા બસ કલાકમાં આવીશ અંકલ.”

“ઓકે બેટા, જેવી તારી ઈચ્છા.”

“જી મારે હજુ નહાવા ધોવાનું બાકી છે પછી આવી જઈશ.” આટલું કહી મનન ખુશીના માર્યો ત્યાજ પલંગ પર ઉછળી પડ્યો અને એના ચહેરા પર વિચિત્ર સ્ફૂર્તિ છવાઈ ગઈ. આટલા દિવસે પ્રથમ વખત એણે અનિતાને મળવા માટેનો હકારાત્મક જવાબ મેળવ્યો હતો. પહેલા દિવસથી એના દિલમાં બસ એક વાર અનિતાને મળવાની ઝંખનાઓ ટળવળી રહી હતી અને એ આખો દિવસ દવાખાને બેસી રહેતો હતો પણ વિજય દ્વારા એણે સતત નકાર જ મળતો હતો. આજ પ્રથમ વખત વિજયે સામે ચાલી એણે બોલાવ્યો હતો.

જાણે પાછલા ત્રણેક દિવસ એના માટે ત્રણ જન્મોના ઇન્તજાર જેવા લાંબા લગતા હતા. પણ છેવટે આજે એ ઘડી આવી હતી જ્યારે એ અનિતાને મળવાનો હતો એણે ફોન મુકટા ની સાથે જ મનોમન બધું વિચારી લેવાનું શરુ કરી દીધું હતું. શું પૂછવું? ક્યાંથી શરૂઆત કરવી અથવા ક્યાં અટકવું અને ભૂલથી પણ વીતેલી વાતો એણે યાદ ના કરાવવી જેના કારણે એ જરા અમથી પણ દુઃખી થાય. એણે છેવટે પડખું ફેરવતાની વેત પથારીમાંથી ઉઠીને નહાવા માટે બાથરૂમમાં પુરાયો અને ફટાફટ તૈયાર પણ થઇ ગયો. એણે થોડીક વાર હજુય વિચારોમાં વિતાવવાનું વિચાર્યું અને એ પાછો પોતાના પલંગ પર ગોઠવાયો.

આજથી સાત દિવસ પહેલા કરેલા વોટ્સએપ પરના કનવરસેશન અને એનું લાસ્ટ સીન એ હજુય જોયા કરતો હતો. પ્રેમ કદાચ જીવનના અંત સુધી આશા નથી છોડતો એ વાત સાચેજ આજે સત્ય સાબિત થતી હોય એવું લાગતું હતું. મનન બધું જ જાણતો હોવા છતાં એવી નજરે એના ચેટબોક્ષને નિહાળી રહ્યો હતો જાણે હાલ જ સ્ક્રીન પર હાય સાથે અનિતાનો મેસેજ ઝળહળી ઉઠશે અને એ એની સાથે વાત કરી લેશે. કેટલું બધું પૂછવાનું બાકી બધું જ અત્યારે આ પળે શા માટે એ આવી નકામી આશાએ ખોવાયો હતો. જ્યારે એણે હવે અનીતા ને રૂબરૂ મળવાનું જ હતું. અને એ પણ ક્યાં દવાખાનામાં! વેદનાથી લથપથ પડેલી એની લાગણીઓના ઢગલામાંથી એ કણસતી અને વેદનામાં વીંટળાઈ બેઠેલી અનિતાને શું કહીને સાંત્વના આપશે એજ વીચારો એના મનમાં વધુ વેગ પકડતા હતા અને ભૂતકાળ વર્તમાનમાં જીવી રહ્યો હોય એમ સામે આવી જતો હતો.

~~~~~~~~~~~~

“તું શા માટે વારંવાર મારા પ્રશ્નો અસ્વીકાર કાર્યા કરે છે?” શનીવારના દિવસે ગણિતના લેક્ચર પત્યા પછી બહાર નીકળતી વખતે જીજ્ઞા સામે જ એણે પૂછી લીધું હતું. પણ અનીતા એવી બેફિકરાઈથી પસાર થઇ ગઈ હતી જાણે એણે કોઈ સાંભળ્યું જ ના હોય. એટલે સુધી કે જીજ્ઞાએ એને કહ્યું પણ હતું કે મનન બોલાવે છે એણે એક વાર પણ પાછળ ફરીને જોયું સુધ્ધા ના હતું.

આજ ફરી પોતે કોલેજ પાસેની કેન્ટીનમાં જઈ ને છેક બારી પાસેના ટેબલ પર એકલો બેસીને આજ વાત વારંવાર વાગોળ્યા કરતો હતો. કે શા માટેં અનીતા એને આજ આટલી હદે અવગણી શકે છે. એના મનમાં વંટોળ બમણી ગતિએ ફૂંકાઈ રહ્યા હતા. દિલના ખૂણાઓમાં જાણે પડઘો સંભળાતો હોય એમ એની અવગણના ના વિચારોના પછડાટીયા પડઘા પડતા હતા. માત્ર એક વેદના હતી પણ એના જવાબ આપનાર કોઈ જ ના હતું ત્યાં અને આજે તો અનીતા પણ...

“આપણે સાંજે મળીએ?” ફોન ઉઠાવતા જ અનિતાનો અવાજ આવ્યો. સુનકાર ચહેરે કોફીના ઘૂંટડા મારતો મનન હજુય કેન્ટીનના બહારની બારીમાંથી જાણે દુર સરી જતી અનિતાને જોઈ રહ્યો હોય એમ બેસીને કોફીના કપને હવામાં પકડી બેસી રહ્યો હતો. એની આંખોની કિનારી પરથી એક ટીંપુ સરકીને નીચે સરકતું જઈ રહ્યું હતું પણ આ વેદનાના નામકરણમાં હજુય કંઇક ખૂટતું હતું અને સબંધોમાં પણ સતત વર્તાતી અધુરપ જ હતી.

“શા માટે?” એણે આવેલા અવાજનો સામો જવાબ આપ્યો અને ફોન કટ કરીને મૂકી દીધી. અનિતાના ફોન આવવા છતાં એના પર છવાતી હમેશની રંગીનતા આજે આ સૂનકારની ક્ષણોમાં ધરબાઈ જતી હોય એવું લાગતું હતું.

“મારી વાતતો સાંભળ જો ફોન ના મુકતો...” કોફીના કપમાં સમય સાથે જમા થતી પરત જોયા કરતા મનન નો ફોન ફરી રણક્યો એણે ફરી નંબર જોયા વગર જ ફોન કાને ધર્યો અને એણે સામેથી આવતો અવાજ સાંભળ્યો. એ અવાજમાં છવાયેલી મીઠાસ હવે કોફીની મીઠાસ કરતા બમણી મીઠી લગતી હતી.

“હા બોલ, શા માટે મળવું છે. ક્યાંક મને ગણકાર્યા વગર નીકળી ગઈ એની જ વાત છે ને?” મનને થોડાક ગુસ્સા સાથે જવાબ આપ્યો. એની નજર હજુય બારીના બહાર કાચમાંથી દેખાતા બે વિદ્યાર્થીઓ તરફ હતી. કોફી પર જાડી પરત જામતી જઈ રહી હતી પણ મનન એને કદાચ જ એની પરવા હતી.

“તું જે સમજે એ, પણ મને સાંજે મળજે હું તને આખી વાત કહું ચલ...” અને અનીતા એ ફોન મૂકી પણ દીધી. એ હમેશા આવું જ કરતી હતી એના જવાબો આમ જ હોતા અને ક્યારેક સવાલો પણ, નીશબ્દ કરી નાખતી એ મનન ને.

અત્યારે ઓશિકાના આશરે માથું ટેકવી બેડ પર આડા પડેલા મનન ના મનમાં આ બધું એક સાથે ચાલી રહ્યું હતું. જાણે એ કોઈ હિન્દી ફિલ્મ જોઈ રહ્યો હોય એમ બધા દ્રશ્યો એની આંખો સામે હતા. એણે ઘડિયાળ તરફ નજર નાખી હજુ આઠને ત્રીસનો સમય બતાવી રહેલી ઘડિયાળ જાણે સમય થોભી ગયો હોય તેમ અટકી ગઈ હોય એવું મનનને લાગતું હતું. એણે ફરી ફરીને અનિતાના વોટ્સએપ ચેટબોક્ષ ને જોયા કર્યું જાણે હજુય એના શબ્દોમાં એ એને સાક્ષાત જીવંત અનુભવી શકતો હોય.

એણે થોડીક વાર ઘરમાં જેમ તેમ આંટા માર્યા અને પછી છેવટે નવના ટકોરે એ હોસ્પિટલ તરફ નીકળ્યો. એના મનમાં આનંદ છલકાતો હતો, જાણે વર્ષોના ઇન્તજાર પછી મળતા ઉપહારની માફક એ આનંદિત હતો. આજ આટલા દિવસો બાદ પોતે ફરી અનુના પાસે જઈ શકવાનો હતો આટલી વાતની પ્રસન્નતા જ એને આનંદથી છલકાવી દેતી હતી. ખાસ્સા દિવસે એના ચહેરા પર એક નિર્મળ હાસ્ય વેરાઈ રહ્યું હતું.

~~~~~~~~~~~~

એ દીવસની ઢળતી સાંજ આજ પણ આંખો સામે ટળવળી રહી હતી. સુરજ અને ચન્દ્રના મિલનનો એ અવસર જાણે પૃથ્વીના છેડે છેડે સોનેરી વર્ષા વરસાવતો હતો. મનન હજુ ત્યાં બાંકડાની સીટ પર બેઠેલી અનિતાના ચહેરાને દુર ઉભા રહીને ત્વરાથી જોઈ રહ્યો હતો. એક આકર્ષક અને અદ્ભુત પ્રભાવ હતો એ ચહેરામાં આજે, જે મનનને હલબલાવી નાખતો હતો. આજે આ જગ્યા પર એણે શા માટે અનીતા એ બોલાવ્યો એજ વિચારો વારંવાર એના મનમાં ચડેલા ચક્રવાતની જેમ ઉછળતા પછડાતા હતા. છેવટે એણે પોતાની તંદ્રામાંથી વર્તમાનમાં ડોકિયું કર્યું અને અનીતા પાસે જઈ એ બાંકડામાં બેઠો.

“આટલી વાર કેમ લગાડી?” અનુએ તરત જ આવતાની વેત પૂછી લીધું “હું ક્યારની તારી રાહ જોઉં છું?”

“કંઇક કહેવાની હતી તું...?” મનને હજુય નીચેના લીલા કુમળા ઘાસ તરફ નીચી નજર રાખતા જ પૂછ્યું કદાચ એ આંખોમાં જોયા બાદ એ પોતાનો ગુસ્સો લાંબો ન ટકાવી શકવાનો ડર હતો એને. દરેક વખત જ્યારે પણ એ ગુસ્સે થતો અનિતાના ચહેરાને જોઈને રોમાંચિત થઇ જતો હતો. પોતાનો ગુસ્સો એનામાં જાતેજ ઓગળી જતો હતો.

“બોલ શું કહેતો હતો ફોન પર?” અનિતાએ ફરી વાર સામો સવાલ કર્યો.

“મેં પૂછ્યું? મેં ક્યાં ઈ કહ્યું કઈ છે તે જ મને...”

“હા તે અવગણવાની વાત કરી હતી તો સાંભળ.” અનીતા થોડુંક વિચાર્યા પછી બોલી રહી હતી.

“મને બહાના ના બતાવતી પ્લીઝ.”

“તું આ બાજુ જોઇશ પહેલા કે નઈ એમ કે જે...?”

“તું જે કહેવાની હોય એ બોલ, હું સાંભળું છું.” મનન હજુય નીચે નમી ઘાસના તાંતણા ઉખાડતો હતો. એના ચહેરા પર કેટલાય ભાવ ટળવળી રહ્યા હતા.

“મેં તને અવગણ્યો ત્યારે સામેના છેડે શૈલેષ ઉભો હતો અને એટલે...” અનીતા અટકી એના માટે મનન સામે શૈલેષની વાત કરવી મુશ્કેલ હતી પણ ચોખવટ કરવી જરૂરી હતી એટલે એણે કહ્યું.

“એટલે એની હાજરીમાં તું મને જવાબ પણ ના આપી શકે એમ?”

“તું નઈ સમજે મનન છોડ.”

“તો કેમ બોલાવ્યો મને?” મનને પુછ્યું અને ફરી નીચે જોઈ ગયો.

“તું ઉપર જોઇશ કે નહી એમ કે પેલા મને તો કંઇક કહું.”

“મારાથી એ નહિ થાય.”

“કેમ નહિ થાય, એટલે?”

“તારા ચહેરાને જોયા પછી હું મારા સવાલો તારી સામે નહિ મૂકી શકું.”

“તો તારે સવાલો કરવા જ શા માટે છે?”

“શા માટે એટલે અનુ તું કહેવા શું માંગે છે?” એણે ઘાસનો મોટો ભાગ ઉખાડીને દુર ફેંક્યો અને અનુના ચહેરા સામે નજર કરી. એના ચહેરા પર આથમતા સુરજની હળવાશ અને ઉગતા ચંદ્રની કુમાશ પથરાયેલી હતી. એનો ગોરો વર્ણ જાણે સોનેરી કિરણોમાં ચળકાટ મારતો હતો એના વાળ એના ખભા પર ઉછળકૂદ કરતા હતા. એનું રેડ એન્ડ બ્લેક ટીશર્ટ એના દેહ સાથે બંધબેસતું હતું એની આંખો... એ આંખો જોયા બાદ મનન બધું ભૂલી ગયો હતો બધુજ... એ એમજ કેટલાય સુધી એની આંખોમાં કઇક શોધતો રહ્યો હતો.

“મનન...” અનીતા એ એના ખભા પર હાથ મુક્યો.

“હું તારા વગર નથી રહી શકતો અનુ અને તારી આ આંખો, આ અહેસાસ. કેમ નથી સમજતી તું કઈ?” મનન નિશબ્દ પણે બબડતો રહ્યો હતો એના શબ્દોમાં ગણગણાટ હતો પણ જાણે ઊંઘમાં બબડાટ કરતો હોય એમ વર્તતો હતો.

“તું શું કહે છે મનન, આર યુ ઓકે?”

“હું ઓકે જ નથી રહી શકતો તારા વગર.” મનન ફરી બોલ્યો.

“આપણે અહીં...”

“શું અનુ, આપણે અહીં આ વાત કરવા નથી આવ્યા એમ અથવા આપણે અહીં... શા માટે આવ્યા એવું તો નથી પૂછવા જઈ રહી ને?”

“તને ખબર છે શૈલેષ સાથે મારા પપ્પા અને પરિવાર મારી સગાઈની વાતો કરી રહ્યા છે અને તું...” અનીતા ફરી એજ નિષ્કર્ષ પર આવી ગઈ હતી.

“મને પરવા નથી.” મનને ઉછાળું જવાબ આપ્યો.

“પણ, મને છે મનન. મારે મારા પરિવારની ખુશી માટે એ બધું જ કરવું છે જે એ લોકો ઈચ્છે છે.” નીચી જમીનમાં છેદ કરી નાખતી વેધક નજરે અનીતા એ જવાબ આપ્યો.

“અને તું.?”

“હું શું મનન, બોલને હું શું?”

“તું જે કઈ ઈચ્છે છે એનું શું?”

“હું કઈજ નથી ઈચ્છતી, મારા પરિવાર સિવાય...”

“સાચે જ...?” ગડના બેસતી બેસતી હોય એમ ફાટી આંખે અનિતાને મનન જોઈ રહ્યો. એના શબ્દોના અર્થ ના સમજે એટલો મૂર્ખ પોતે ના હતો.

સમય વીતતો જઈ રહ્યો હતો. બેમાથી એક ને પણ કદાચ સપને પણ એવો અંદેશો ના હતો કે આજની રાત અથવા કઈ વાત આખરી હશે. બંને એકમેકના સવાલોના જવાબ હતા તેમ છતાં બંને એકમેકથી દુરની દુનિયામાં જાણે દોડી રહ્યા હતા. એવા માર્ગે જેની કદાચ કોઈ મંઝીલ નિયત ન હતી. બસ એક રસ્તો હતો જેની માહિતી ના અનિતાને હતી કે ના મનન ને આ રાહ પ્રેમની હતી. જ્યારે જાણીતી સડક દુનિયાના રીતરીવાજોના ટોળામાં સાથે નીકળતી હતી અને પ્રેમ વાળી એકાંતમાં કેટલાય વિરોધો સાથે ચાલતી હતી.

~~~~~~~~~~~~

[ ક્રમશઃ ]

લેખક :- સુલતાન સિંહ

મેઇલ :-

(તમારા અમુલ્ય પ્રતિભાવો જરૂરથી ઈ-બુકની નીચેના કમેંન્ટ બોક્ષમાં આપો એવી આશા સહ...)