Yaad che tane books and stories free download online pdf in Gujarati

યાદ છે તને

Pravin Jotva

pravinjotva@gmail.com

યાદ છે તને

મારી વ્હાલી ઋતિકા, આજે સવારથી પેલો ઝરમર-ઝરમર વરસાદ ચાલુ હતો. પેલી આથમણી બાજુની બારીમાંથી વાંછટ આવતી હોય, તું કલાકો ત્યાં ઊભી રહેતી. મને આમતો વરસાદમાં પલળવું પણ ન ગમે ને ભીંજાવું પણ ન ગમે, પણ કોણ જાણે કેમ આજે એ બારી સામે ઊભો રહી કલાકો પેલા આછેરા વાંછટથી ભીંજાયો. સાથે મારી લાગણીઓ, વિચારો પણ ભીંજાયા.

યાદ છે તને, કૉલેજ કેમ્પસમાં બે’ક છાંટા પડતાં હું મેદાનમાંથી હડકાયું કૂતરું પાછળ પડ્યું હોય એમ ભાગતો, સીધો રૂમમાં. તું ખાસ્સું હસતી. કૉલેજ છુટ્યા પછી હું રેઇનકોટમાં સજ્જ થઇ નીકળતો ને, તું મનભરીને પલળતી. આપણે પહેલી વખત મળ્યા’તા ત્યારે વરસાદ નહોતો,પણ તારી પેલી વરસાદમાં પલળવાની કલ્પના તો હતી જ. ચોરસ કાળા પથરા પર બેઠાં-બેઠાં તું કલ્પનામાં પલળ્યા કરતી ને, હું મારા માથામાં ફરતી તારી આંગળીઓના ટેરવાથી.

આપણી જોડી આમતો આખા કેમ્પસ માટે અનપ્રિડેક્ટેબલ હતી. કેટલાં ભિન્ન હતાં આપણે બન્ને ! આપણા વિચારો ! આપણાં વર્તનો ! તને બન્ક મારવી ગમતી ‘ને મને ભણવું. તને ગીતો ગાવા ગમતાં ને મને કેમેસ્ટ્રી ! હું સ્કૉલર ને તું...... તોયે આપણે બન્ને મળ્યા, ભળ્યા ને એકબીજામાં ગળ્યા. એ પણ એવાં કે આખા પંથકમાં આપણે પંકાય ગયાં. અરે મારા નાનકડા ગામમાં તો કોઇ માનવા જ તૈયાર નહિં કે ભૌમિક અને લફરું, ઈમ્પોસિબલ !

યાદ છે તને, તારા માતા-પિતા અને તારો પરિવાર તો આપણને – આપણા સંબંધને સ્વીકારવા તૈયાર થઈ ગયો, પણ મારો રૂઢિચુસ્ત સમાજ ! ઈમ્પોસિબલ. મારા પરિવારનાં લાંબા–લાંબા ભાષણો શરૂ થઈ ગયા, શિખામણો શરૂ થઈ ગઈ. પૂરાણો, ઉપનિષદો, વેદો અરે નામ પણ ન આવડતાં હોય એવા ગ્રંથોના સંદર્ભે બીજી જ્ઞાતિમાં લગ્ન કરવાથી મને પડવાના પાપની કલ્પનાઓ રજૂ થઈ ગઈ. મારો બ્રૅઈન વૉશ શરૂ થઈ ગયો. આપણું મળવું ઘટી ગયું. હું રડ્યા કરતો ને તું હિમ્મત આપ્યા કરતી. ગજબની શકિત હતી તારામાં ઋતિકા!

યાદ છે તને, મારી પીઠ પર ઊઠી ગયેલી સોળો વિશે તે પુંછ્યું ત્યારે હું તારા ખોળામાં માથું નાખી ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો હતો. તારા એ શબ્દો ‘તું મારો છે ને મારો જ રહીશ, મારી પાસેથી તને કોઈ નહિ છીનવી શકે’ થી મને થોડી હિમ્મત મળતી, પણ મારું મન વ્યગ્ર જ રહેતું. કેટલા લાંબા સમયથી હું હસ્યો નહોતો ને તું આવી ગંભીર પરિસ્થિતિમાંય હસતી રહેતી.

ઋતિકા, મને સરળ લાગતી વાત વધુ મુશ્કેલ બનતી ગઈ હતી. હું તને પામવા ધમપછાડા કરતો રહ્યો ને મારો રૂઢિચુસ્ત પરિવાર મારી સ્વતંત્રતા છીનવતો ગયો. દિકરાની ખુશી કરતાં તેઓને સમાજની રૂઢિઓ, રિવાજો મહત્વના હતા. સમાજમાં ઊપસી આવેલી પેલી કહેવાતી ઈજ્જત ગુમાવવાનો ડર હતો. ગ્રંથોમાં લખેલા પાપો ભોગવવાની ભીતી હતી. મારો પ્રેમ કશુંજ નહોતો. મારી આજીજી, રૂદન, ધમકી કશુંજ ચાલ્યું નહિં, ને મારા જ ભાઈઓએ – મારા જ સમાજે મને કેદ કરી મુક્યો, મારા જ ઘરમાં ! આટલું ઓછું હોય એમ તને અને તારા પરિવારને કનડવામાં પણ કાંઈ બાકી ન રાખ્યું.

માનસિક ટોર્ચર, વગોવણી, ધમકીઓ વગેરે વચ્ચે પણ તું હસતી રહેતી. મને ખૂબજ ચાહતી રહેતી.

યાદ છે તને, લાંબા સમયથી કૉલથી પણ વાત ન થતાં મારી પાસે તું દોડી આવેલી મારાં ગામડે. મારા માટે એ સૌથી વહાલી ક્ષણ હતી. મારા માટે તું મારા ગામ સામે લડી, મારા સમાજ સામે લડી, થપ્પડો ખાધી, પણ તું હારી નહિં. બીજી વખત આવી.., ત્રીજી વખત આવી.. અને ચોથી વખત આવી ત્યારે મારા સમાજનો અહમ ઘવાયો લાગ્યો. આમેય તેઓએ શરમ તો નેવે જ મૂકી હતી.... ગામ આખૂં ભેગું થયું, તારા મોં એ મેશ લગાડી, આખા ગામમાં ફેરવી, પોતાની હલકી માનસિકતા દર્શાવી દીધી હતી.. પણ ડગે તો એ ઋતિકા શાની ? સડી ગયેલા લોહી વાળા શરીરમાં લબડતી પેલી ગંધારી, વાસના ભરી લોલુપ નજરો ને તે તારી તેજ દ્રષ્ટિ થી હરાવી હતી. અરે હા.....! એ દિવસે પણ વરસાદ ધોધમાર પડ્યો હતો ને તું ત્યારે પણ મનભરીને પલળી જ હતી ને.

પેલી કોહવાયેલી રૂઢિચુસ્તતા ને એમ હતું કે તું હવે ક્યારેય નહિ આવે. પણ, બીજા જ દિવસે તું હાજર. રાડો પાડીને ગામને ચેલેન્જ આપી ગઈ કે ‘ભૌમિકને હું લઈ જઇ ને જ જંપીશ.’ અંદરથી તારી હિમ્મત વખાણતો મારો સમાજ બહારથી તને ન જ સ્વીકારી શક્યો.

યાદ છે તને, આપણે ભાગ્યા તે રાતે, બરડાના ડુંગરોમાં ભૂલા પડ્યાં ત્યારે આખી રાત તે ગીતો ગાયને મને જગાડ્યો’તો મને તું કહે કે, ‘આતો સૂઇ જઈએ ને કોઈ આવી જાય તો પકડાય જઈએ તો....’ પણ પછી ખબર પડી કે તને બરડા માં ક્યારેય નહોતા એવા રીંછની બીક લાગતી’તી ! હા-હા હા.....પછી તો તને ચીડવવા મારે રીંછનું નામ જ લેવું પડતું ને તું લાલચોળ. મારા હાથમાં હાથ પરોવી તે આખી રાત મારો પહેરો કર્યો હતો. સવાર પડતાં જ આપણે ભાગ્યાં, રોડ પર આવી જે પહેલી બસ આવી તેમા બેસી ગયા હતાં. બસ સાથે ક્યાંક દૂર જતાં રહેવા અકળાયાં. સીટ પર બેસતાં જ બન્ને સૂઈ પડ્યાં’તાં. હું તો ડરામણા સપનાઓથી બે-ત્રણ વાર ઝબકી પણ ગયો હતો, જ્યારે તું સ્થિર હતી. તારા ચહેરા પર ગજબનું સ્મિત હતું. ઊંઘમાંયે તે મારો હાથ છોડ્યો નહોતો.

યાદ છે તને, જ્યારે ઝટકા સાથે બસ ઊભી રહી, ત્યારે હું કેવો ગભરાઈ ગયો હતો, મને તો થયું પકડાય ગયાં. મારા લોકો આપણને બન્નેને મારી જ નાખશે. ખુન્નસ ભરેલા તેઓ બધા આપણને કોઈ કાળે છોડવાના નહોતા. મારા હાવભાવ જોઈ, હું વધુ ડરી ન જાઉં એ માટે તે મને કેવો જકડી લીધો હતો. બહારથી પથ્થર મારો શરૂ થયો હતો. રસ્તા પર ઘણા બધા લોકો હાથમાં લાકડીઓ અને પથ્થરો લઈને ઊભા હતાં. ઘણાઓ તો પથ્થરો બસ પર ફેંકવા પણ માંડ્યા હતાં. બસના કાચો તૂટી ગયા હતા. બધા મૂસાફરો ડરેલાં હતાં. મેં ટોળા તરફ નજર કરી મારા લોકોમાંનું કોઈ નજરે ચડ્યું નહિં. મને હાશ થઈ હતી.

યાદ છે તને, એ પરિસ્થિતિ સમજતાં તને વાર નહોતી લાગી. એ સરકાર સામે પોતાની માંગણીઓ લઈને તોડફોડના રસ્તે ચડેલી કોઇ જ્ઞાતિનું ટોળું હતું. મારામારી, તોડફોડ અને ટોળાશાહીને એ લોકો આંદોલન કહેતાં હતાં. એ લોકોએ પોતાના હાથમાં રહેલી લાકડીઓ વડે બસના કાચ તોડવા માંડ્યા.ઘણા મૂસાફરો ઘવાયા. દૂર ઊભેલું ટોળું ચીચીયારી પાડતું હતું, કોઈ ખુશીથી નાચતું હતું,અમૂક અન્ય જ્ઞાતિને અસભ્ય ગાળો ભાંડતું હતું.સરકારને પોતાની તાકાતના પરચા બતાવવા જેવું કાંઈક બબડતું હતું.

મારાથી રહેવાયું નહિને હું બસમાંથી ઊતરીને એ લોકોને સમજાવવા ગયો. પણ ટોળું કોને કહે ! તેં મને રોક્યો તો હતો, પણ હું જ ન માન્યો ને ગયો. ટોળાએ બસ છોડીને મને લીધો. લાકડીઓ વીંઝવા લાગ્યા, ગાળો બોલવા લાગ્યા, તું ઝડપથી અમારા તરફ ઘસી, ટોળામાંના એક પાસેથી લાકડી આંચકી, રણચંડીની જેમ મારી આસપાસ ઘેરો વળેલાં લોકો પર લાકડી વરસાવવા લાગી.

બીકના માર્યા બધાં દૂર ભાગ્યાં. તેં મને બચાવી લીધો ફરીથી. પણ સભ્યતા ખોઈ બેઠેલાં ટોળાએ પથ્થરમારો શરૂ કરી દીધો. ને એક પથ્થર તારા માથા પર પડ્યો હતો. માથામાંથી લોહીના ફૂવારા છૂટ્યા ને એ જોઈ એટલી જ તેજીથી ટોળું પણ ત્યાંથી ભાગી છુટ્યું. તું ત્યાંજ ઢળી ગઈ હતી.

ઋતિકા, અમે બધાએ એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પિટલે પહોંચ્યાં. તું બેભાન હતી. ખાસ્સું લોહિ વહી ગયું હતું. તારો આખો કાળા રંગનો કુર્તો લોહી-લોહી થઈ ગયો હતો. એ સમયે પણ તારા ચહેરા પર અતૂલ્ય સ્મિત હતું. હું ડરેલો હતો. ડોક્ટરો તને બચાવવાના કામે મંડ્યા. બસના મૂસાફરોમાંના ઘણા મારી સાથે દવાખાને જ રહ્યાં, મને સંભાળવા.

તું બે દિવસ બેભાન રહી હતી. તારી હિમ્મત ની વાતો જોતજોતાંમાં આખા પંથકમાં ફેલાઈ ગઈ, પત્રકારો, ટી.વી. રીપોર્ટરો બધા ડેલીએ હાથ દઈ ગયા હતા. હું હજૂએ સ્તબ્ધ હતો. તું જાગ, મને ગળે વળગાડ એની રાહમાં હતો. મને સંભાળવા તારી જરૂર હતી.

અચાનક મારો પરિવાર રઘવાયો થતો હોસ્પિટલમાં દેખાયો. મારી મમ્મી દોડીને મને વળગી પડી. મારા આશ્ચર્ય વચ્ચે ઘણાંબધાંની આંખોમાં આંસુ હતાં. મારા પપ્પાએ પણ મને પહેલીવાર ગળે વળગાડ્યો. હું તૂટી ગયો. બે દિવસથી સંગ્રહી રાખેલાં આંસુ પપ્પાના ખભા પર વરસાવી દીધા. ધ્રુસકે –ધ્રુસકે એને કાંઈ ના કરવા કહેવા લાગ્યો. તેમણે મારું માથું ખંજવાળતાં કહ્યું કે બેટા અમે તને એકને જ નહિ અમારી પુત્રવધૂને પણ લેવા આવ્યાં છીએ. હવે તો બેભાન થવાનો વારો મારો હતો. તારા પ્રત્યે અમાપ ખુન્નસ રાખતો મારો સમાજ તને સ્વીકારવા આવ્યો હતો! હું માની જ ન શક્યો, માનું પણ કેમ ગઈકાલ સુધી તું મળે ત્યાં તને મારી નાખવા વલખાં મારતાં લોકો તને પુત્રવધૂ બનાવવા આવ્યાં હતાં. ચમત્કાર જ હતો આ ! મારી મમ્મી તારા આઇ.સી.યુ. રૂમની બારી પાસે ઊભી-ઊભી તને દૂરથી નીરખતી હતી. તેં મને કેવી રીતે બચાવ્યો, કેટલાં ને તેં માર માર્યો વગેરે વિશે, તારા સાજા થવા માટે કરેલી કેટકેટલી માનતાઓ, આખડીઓ, બાધાઓ વગેરેની વાતો થઈ. તું લડતી હતી એ વિડિયો પણ મને બતાવ્યો. હું મનોમન ભગવાનનો આભાર માનતો રહ્યો હતો.

યાદા છે તને, તું ભાનમાં આવી કે તરત મારી મમ્મી તને ભેટીને રડી પડ્યાં. તું કાંઈ સમજે એ પહેલાં તારા હાથ-ચહેરાને ચૂમી લીધાં ને કહેવા લાગ્યાં કે ‘ મારે તારા જેવી જ પૌત્રી જોઈએ હોં !’

અરે, ઘણો સમય થઈ ગયો. દવાખાનેથી તું ને મમ્મી પાછા આવતાં જ હશો. મમ્મીને તારા ગર્ભમાં એની પૌત્રી કે પૌત્ર હોવાની જાણ થઇ ગઇ હશે. હજુ તો તમારાં માટે કૉફી પણ બનાવવી છે. યાદ છે તને, તને મારા હાથે બનાવેલી કૉફી જરા પણ ન ભાવતી!

સમાપ્ત