Oh ! Nayantara - 12 books and stories free download online pdf in Gujarati

ઓહ ! નયનતારા - પ્રકરણ 12

ઓહ નયનતારા!


પ્રકરણ – 12

સૈફુદ્દીન શાયર બની ગયો !


કયારેક વિચાર આવે છે કે હું અને નયનતારા સાચે જ એકબીજાને પ્રેમ કરીએ છીએ ? બે પ્રેમી વચ્ચે જે રોમાન્સની વાતો થતી હોય છે તેવી વાતો કદી અમારા વચ્ચે થતી જ નથી. હમેશા વાતોમાં એકબીજાની મજાક કરવી, એકબીજાની વાતો કાપવી,મીઠા ઝઘડાઓ કરવા, કદાચ આ જ અમારો પ્રેમ હશે અને કદાચ આ જ અમારો રોમાન્સ હશે...? કદાચ અમારા બન્નેના સ્વભાવને બીજા પ્રેમીઓની જેવા ટાયલાવેડા પસંદ નથી એટલે આવું બનતું હશે ? આ પ્રેમ અમારા બન્નેના સ્વભાવ મળવાને કારણે વધારે ગાઢ થયો છે એવું સતત લાગે છે અને નયનતારા મારા કરતા વધારે લાગણીશીલ છે. પુરુષો કરતાં સ્ત્રીઓ હંમેશા વધુ પ્રમાણમાં લાગણીશીલ હોય છે અને નયનતારાનો પ્રેમી હોવાને કારણે તેની લાગણી વધારે પ્રમાણમાં મારા પ્રત્યેના પ્રેમમાં ઠલવતી હશે એવું મને સતત લાગતું હતું અને આ અહેસાસને કારણે હું નયનતારાને દિલ ફાડીને પ્રેમ કરતો હતો.



રમૂજ એક એવી વસ્તુ છે જે પતિમાં હોય તો પત્ની ગલતફહેમીનો શિકાર બને છે અને પત્નીમાં હોય તો પતિ બિચારો નર્વસ થઈ જાય છે. પણ અહીંયા તો અમારા બન્નેમાં રમૂજવૃત્તિ ઠાંસીઠાંસીને ભરી છે. એટલે મારે અને નયનતારાને કદી ગલતફહેમીનો શિકાર નહીં બનવું પડે અને અમારા બન્નેની રમૂજવૃત્તિનાં કારણે જિંદગીમાં કદી નર્વસ થવાનો વારો નહીં આવે ?



કયારેક કયારેક નયનતારાનો વિચાર કરતાં મારી અંદર રહેલો પુરુષ મારા શરીરમાં અનોખા સ્પંદનો જગાડતો હતો. નયનતારાનું ખૂબસૂરત જીશ્મ જોઈને કયારેક તડપી ઉઠતો હતો. તેની ગોરી ગોરી કાયાના વિચારો મને પાગલ કરી દેતા હતા. પોણા છ ફૂટ ઊંચી પૃષ્ઠ ઉભારવાળી, લાંબા કાળા કેશ,બદામી જેવા રંગોવાળી આંખો, સપ્રમાણ કમર, હાંફતી છાતી, શરબની પ્યાલી મારા હોઠને સ્પર્શતી હોય છે તેમ તેની સ્પર્શ થાય છે ત્યારે મારા અંદર રહેલો પુરુષ મારા વિચારો સામે ઇન્કલાબી બની જાય છે. ખૂબસૂરત સ્ત્રીનું શરીર હમેશા પુરુષો માટે કોઈ ગેબી સ્થાન જેવું હોય છે અને સતત એક અહેસાસ આ ગેબી સ્થાનની મુલાકાત લેવા પુરુષને ઉશ્કેરતો રહે છે. છતાં પણ મનને મારીને ધીરજ રાખતો કે આખરે તો લગ્ન પછી આ સ્પોટલેશ ગોરી ગોરી કાયાનો હું એકલો જ માલિક બનવાનો છું !



પુરુષોને હંમેશા બે જગ્યાએ જ પોતાની મર્દાનગી દેખાડવાનો શોખ હોય છે. એક લડાઈમાં જયાં બખ્તર પહેરીને હાથમાં શસ્ત્રો લઈને લડવાનું હોય છે અને બીજી સ્ત્રીનાં નગ્ન શરીર સાથેની લડાઈમાં જયાં પુરુષને નિર્વસ્ત્ર અને નિઃશસ્ત્ર થઈને લડાઈ લડવી પડે છે અને જિંદગીમાં કયારેક તો પુરુષને આ બન્ને લડાઈમાં હારવાનો વારો આવે છે ! શસ્ત્રોની લડાઈમાં પુરુષનું લોહી વહી પછી પુરુષ હારે છે અને સ્ત્રી સાથેની લડાઈમાં સ્ત્રીનું લોહી વહે પછી પુરુષ હારે છે. મતલબ સાફ છે લડાઈ હોય કે સ્ત્રી, પુરુષોને હમેશા આ બે વસ્તુઓ સામે હારવાનો ડર સતાવતો રહે છે.



અચાનક મારી સમાધિ અવસ્થાનો ભંગ થાય છે. નયનતારા ધીમી ટપલી મારીને મને પૂછે છે : 'સ્વામીજી, કોની ભકિતમાં આવા મગ્ન બની ગયા હતા ?'



'શું કરું યાર, તારા પ્રેમમાં પડયા પછી જેટલા વિચારો પેદા થાય છે તેટલા વિચારો પાછલી વીસ વર્ષની જિંદગીમાં કદી નથી આવ્યા. પ્રેમ કરવાથી માણસ ફિલસૂફ બની જતો હશે ? મને લાગે છે કે મોટા તત્વજ્ઞાનીઓ કદાચ પ્રેમમાં પડયા હશે એટલે જ તેમના વિચારો થકી મહાન પુરુષો બન્યા હશે ?'



'આવા વેવલાવેડા છોડ, વેપારીના દીકરાએ પૈસા સિવાયના બીજા વિચાર કરવાનાં જ નહીં, વિચારો કરવા માટે કેટલાય બુધ્ધિજીવીઓ બેઠા છે. વધુ વિચાર કરીશ તો ગાંડો થઈ જશે અને મારું તો સર્વસ્વ લૂંટાઈ જશે. હે...ભગવાન મારા પતિને સદ્દબુધ્ધિ આપજે.' નયનતારા આકાશ સામે બે હાથ જોડીને બોલતી હતી.



નયનતારાને હૉસ્ટેલના ગેટ પાસે છોડી અને ઘર તરફ રવાના થયો અને રાબેતા મુજબ પ્રિયા દરવાજો ખોલે છે અને મારી સામે જોઈને મોં પર હાથ રાખીને હસે છે અને હું પણ તેની સામે હસી પડું છું.



એક બહેન પોતાના ભાઈ માટે શું નથી કરતી ? નયનતારા મારા જીવનમાં આવી તે બદલ પ્રિયાનો આભાર માનવો રહ્યો પણ ભાઈ-બહેનના પ્રેમમાં આભાર જેવો શબ્દ વચ્ચે ન આવી શકે. પ્રેમની ભાષા એટલે જ આંખોથી બોલતી હશે. આંખો હંમેશા શબ્દોને બદલે હંમેશા ભાવ પ્રદર્શન કરે છે. પ્રેમ, કરુણા, નફરત, ધિક્કાર, ઉપકાર આ બધા શબ્દોના ભાવ બે આંખોમાં દેખાય છે ત્યારે જીભને શબ્દો નથી મળતા. એટલે જ પ્રેમની ભાષા દુનિયાના તમામ લોકોની આંખો બોલે છે. જેને કોઈ સરહદ, દેશ કે પ્રાંતવાદ નડતો નથી, કદાચ એટલે તો નયનતારાની ખૂબસૂરતીને શબ્દોથી અલંકારિત કરી શકતો નથી.



સૂરજ ઊગે છે અને આથમે છે. દિવસો જતા વાર નથી લાગતી. એપ્રિલ મહિનો શરૂ થયો છે. નયનતારા એકઝામની તૈયારીમાં પડી છે અને મારા પ્રેમના પ્રશ્રપત્રો કોરા છોડે છે. સવારે પાનની દુકાન પાસેથી હૉટલમાં પણ કયારેક અલપઝલપ મુલાકાત થાય છે. નયનતારાને મળવા માટે રવિવારનો ઈંતજાર દિલ પર પથ્થર રાખીને કરવો પડે છે. મારી ઈંગ્લેંન્ડની ક્રિકેટ ટુરના કારણે સવાર અને બપારે રોજ પ્રેકટીસ કરવા જવાનું અને ગ્રાઉન્ડને ફરજિયાત દસ ચક્કર લગાવવાના, જીમમાં એકસરસાઈઝ, બાકીનો દિવસ કામકાજમાં વીતી જાય છે. રાત્રીના ઘરે પહોંચી અને જમ્યા બાદ સીધી પથારી નજરમાં આવે છે પણ નયનતારાના પ્રેમમાં પડયા પછી આ બધા કાર્ય બમણા ઝનૂનથી કરું છું. કોઈપણ કાર્ય કરતો હોઉં છું ત્યારે એક-બે વાર નયનતારાનો ખૂબસૂરત ચહોરો નજરે ના પડયો હોય તેવું કદી નથી બન્યૂં.



આજે અગિયાર એપ્રિલનો દિવસ છે. આવતી કાલે મારો જન્મદિવસ છે એટલે બધા મિત્રોની ઈચ્છાને માન આપી બાર એપ્રિલના દિવસે એક જોરદાર પાર્ટીનું આયોજન કરેલું છે. ખાસ તો નયનતારાને એ બહાને ખુશ કરવાનો મોકો હતો. આ પાર્ટીમાં નયનતારાની મેડિકલ કૉલેજની તેની ફ્રેન્ડ્રસ તથા મારા બધા મિત્રોને પણ નિમંત્રણ આપવામાં આવ્યું છે. એ સિવાય મારા ધંધાદારી મિત્રો જેમાંના મોટાભાગના મારાથી મોટી ઉંમરના અને પરણેલા હતા. તેઓને પણ નિમંત્રણ આપવામાં આવ્યું છે અને થોડાઘણા પપ્પાના મિત્રોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.




મને મારા પપ્પા પ્રત્યે ખૂબ જ માન છે. કદી પણ મને ટોકયો નથી અને કદી પણ કોઈ વાત પર ગુસ્સે થયા હોય તેવું આજ સુધી બન્યું નથી. નાનપણથી હું તોફાની હોવાથી મમ્મીના હાથે માર દર અઠવાડિયામાં એક-બે વાર પડતો હતો. જયારે જયારે મમ્મી મને મારે ત્યારે નાનકડી પ્રિયા દર વખતે મારો બચાવ કરતી. પ્રિયાને નાનપણથી મારા પ્રત્યે અપાર લાગણી હતી.



બાર એપ્રિલ અને શુક્રવારને દિવસે મારા માટે સૂર્યનાં કિરણો મારી આંખોમાં પડતા જ શરૂ થાય છે. એપ્રિલ હોવા છતાં વાતાવરણમાં ઠંડક હતી. પંખીઓના મધુર કલરવ, મોરનું મેઆંઉ મેઆંઉ બોલવું અને પોપટ અને પોપટીઓના પ્રેમાલાપ મારા જન્મદિવસની વધાઈ આપતા હોય તેવું લાગતું હતું.



મારા રૂમની ટેલિફોન ઘંટડી વાગે છે. જે મધુર અવાજની કલ્પના મારા મનમાં હતી તે જ મધુર અવાજ નયનતારા કંઠેથી ફોનમાં સંભળાય છે : 'હેલ્લો...મારા સ્વીટહાર્ટ બેબીલવર, હેપ્પી બર્થ ડે ટુ યુ...લવ. યુ...ગુડ ડે ડાર્લિગ બાય બાય.' એમ કહીને નયનતારા ફોન કાપી નાખે છે. મને ખબર હતી કે નયનતારાએ હૉસ્પિટલની સામે આવેલા એસ.ટી.ડી. બુથ માંથી મને ફોન કર્યો હતો.



નવ વાગ્યાનો સવારનો સમય અને પાનની દુકાને જવાનો રોજનો નિયમ કદી તૂટતો નથી. પછી પેઢીએ ધંધો કરવા જવાનું. પાનની દુકાને પહોંચતા જ પાનવાળો મને એક ગુલાબી રંગનું કવર આપે છે અને કહે છે કે તારી ડૉકટરાણી તારા માટે આપી ગઈ છે.



કવર ખોલતાં જ તેમાંથી મજાનું બર્થ-ડે કાર્ડ નીકળે છે અને તેમાં સુંદર અક્ષરોથી લખાયેલું છે કે, 'માય સ્વીટ બેબી,યુ આર સ્પેશિયલ ટુડે' અને નીચે ગુજરાતીમાઃ લખેલું છે : 'બસ તારા એકલાની નયનતારા.' આ લખાણ વાંચીને હું તો પાગલ થઈ ગયો.



પાનવાળો બોલે છે, ' ડૉકટરાણીએ અંગ્રેજીમાં લખ્યું છે. તને સમજાણું કે નહીં કે ખાલી અમસ્તો દાંત કાઢે છે ?' આ કાઠિયાવાડી ભાષાની કમાલ છે.



અમારા કાઠિયાવાડીમાં એક વાતનું સુખ છે જે વ્યકિતના ઘરે કોઈ પણ પ્રસંગ હોય તો તે વ્યકિતના ઘરના લોકોને પ્રસંગ માટેની કોઈ વ્યવસ્થા કરવા પરેશાની ભોગવવી પડતી હતી. આ વ્યકિતના મિત્રો અને નજીકનાં સગાંવહાલાંઓ જ આ બધી વ્યવસ્થા આપમેળે સંભાળી લે છે.



એટલે મારી બર્થ-ડે પાર્ટીની ઉજવણીની તમામ જવાબદારી મિત્રોએ સંભાળી હતી. અમોએ તો ફકત સમયસર મારા પપ્પાના મિત્ર પ્રેમકુમાર અગ્રવાલના ફાર્મ હાઉસ પર પહોંચવાનું હતું, જયાં મારી મિત્રપાટીઁએ બર્થ-ડેની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. સાંજના સાત વાગ્યાનો સમય થતા જ હું ઘરે પહોંચી ગયો. ફકત મારા આવવાની રાહ જોવાતી હતી. નયનતારા કદાચ એક કલાક પહેલા જ ઘરે આવી ગઈ હશે એવું મને લાગ્યું.



પપ્પા કહે છે : 'જલદી નાહી-ધોઈને તૈયાર થઈ જા અને અહીંયા નીચે તારી રાહ જોઈ છીએ.' સ્નાન પતાવી બાથરૂમની બહાર નીકળું છું ત્યારે મારા બેડ પર મારી કપડાની જોડી પ્રિયાએ પસંદ કરી બહાર રાખી છે. એટલે કયા કપડાં પહેરવા તે વિચારવાનો અવકાશ રહેતો નથી.



નીચે ઉતરતાની સાથે જ નયનતારાને જોઈને હું દંગ થઈ ગયો ! પ્રિયા પણ તેની ભાભી પાછળ ગાંડી થઈ છે. આવી સુંદર રીતે ખૂબસૂરતીને સજાવીને મારી સામે નયનતારાને એક નવા રૂપમાં પેશ કરવામાં આવી. આ નયનતારાનો નયનરમ્ય દેહ જ એટલો સપ્રમાણ છે જેને કોઈ પણ લૂગડું પહેર્યું હોય તે તેની ખૂબસૂરતીમાં વધારો જ કરતું હોય છે.



અમારી કાર ધીરે ધીરે પ્રેમકુમારના ફાર્મહાઉસ તરફ રવાના થાય છે. આજે મારે કારમાં શાંત બેસવું પડે છે. કારણ કે મમ્મી, પપ્પા અને પ્રિયા, નયનતારા અને હું પાંચ વ્યકિતઓ કારમાં સાથે હતા. પપ્પા મારી બાજુમાં બેઠા હતા અને મમ્મી, પ્રિયા અને નયનતારા પાછળ બેઠાં હતાં.



અમારી કાર ફાર્મહાઉસની અંદર પ્રવેશ કરે છે અને ત્યાંનો માહોલ જોઈને હું તો આભો બની ગયો. મારા મિત્રોએ મારીબર્થડે પાર્ટીમાં કોઈ કચાશ ન રહે તે માટે બરાબર મહેનત કરી છે. સુંદર નાનકડું સ્ટેજ બનાવવામાં આવ્યું છે. એક મોટું સ્ટેજ સંગીત પાર્ટી માટે બનાવ્યું. રોશનીથી માહોલ ઝગમગે છે. ધીરે ધીરે આમંત્રિતોનું આગમન શરૂ થયું. શહેરની ખ્યાતનામ વ્યકિતઓને નિમંત્રણ આપવામાં આવ્યા છે. શહેરમાં પપ્પાની ગણના આબરૂદાર વેપારી તરીકેની છે. પપ્પાનો સમાજમાં એક મોભો છે. જિંદગીમાં કદી પણ ઈમાનદારી અને નીતિ છોડી નથી. કદાચ એટલે વેપારી સમાજના પ્રતિષ્ઠિત વ્યકિતની છાપ છે.



કેક કાપવાને હજુ થોડી વાર હોવાથી મ્યુઝીકલ પાર્ટીએ મુકેશના એક સુંદર ગીતથી પાર્ટીને સંગીતમય બનાવવાની શરૂઆત કરી :



'દિવાનો સે યે મત પૂછો, દિવાને પે કયા ગુજરી હૈ...કયા ગુજરી હૈ.'ત્યારબાદ બીજું ગીત શરૂ થાય છે : 'યે મેરા દિવાનાપન હૈ, યા મહોબ્બત કા સુરૂર....તું યે માને કે ના માને મેરી નજરો કા...' અને પછી તો અનેક નવાજૂના ગીતો સાંભળીને દિલ ખુશ થઈ ગયું. અધવચ્ચેથી મ્યુકીલ પાર્ટી માઈક પરથી કેક કાપવાની જોહરાત કરે છે અને મને જન્મદિવસની શુભેચ્છા આપે છે.



આજે ખરેખર મારી જાતને હું 'સ્પેશિયલ' સમજું છું. કેક કાપવા માટે હાથમાં છરી ઉપાડું છું અને મીણબત્તીને ફૂંક મારીને ઠારી દઉં છું અને તાળીઓના ગડગડાટ વચ્ચે 'હેપ્પી બર્થ-ડે ટુ યુ'નું સમૂહગાન મને કાનમાં સંભળાય છે. કેકના ટુકડાઓ કાપી પહેલો ટુકડો મમ્મીને,ત્યારબાદ પપ્પા,પ્રિયા અને નયનતારાને ખવડાવું છું.



અચાનક એક પરિચિત અવાજ સંભળાય છે : 'એ શેઠ ! સબ લોગોં કો કેક ખીલાયા ઔર અપને દોસ્તો કો ભૂલ ગયા. જલદી જલદી સબ દોસ્ત લોગો કો કેક ખીલાઓ.' આ અવાજ મારા જીગરીયા મિત્ર કુટ્ટી સિવાય કોઈનો ના હોય. આખરે કુટ્ટી અમારી મિત્રની મહેફિલની શાન છે. તેના વિના મહેફિલમાં રંગજામતો નથી.



'આજા આજા કુટ્ટી, સબસે પહલે તુઝે કેક ખીલાતા હું. બાદ મેં સબ દોસ્તો કો ખીલાઉગા.' આમ હું બોલ્યો ત્યાં બધા હસી પડયાં . મમ્મી, પપ્પા અને પ્રિયા તથા તમામ મહેમાનો પોતપોતાની ચેરમાં બેસી ગયા પણ નયનતારા મારી બાજુમાં હજુ સુધી ઊભી હતી.



'તારા માટે ગિફટ ધણી આવી છે પણ મારે તને એક ગિફટ આપવી છે અને તે પણ ખાનગીમાં, જયારે આપણે બન્ને એકલાં હોય ત્યારે.' નયનતારા મારા કાનમાં ધીરેથી બોલી. 'થોડી વાર રાહ જોઈ લે, પછી હું તને પ્રેમકુમારના ફાર્મહાઉસમાં ઉપર લઈ જઈશ. ત્યાં ખાનગીમાં તારે જે કરવું હોય તે મારી સાથે કરજે, જયાં આપણે બન્ને એકલા હશું. નયનતારાની સાવ અડોઅડ ઊભો રહીને બોલ્યો.



'આજે તો સખણો રહે. તારા બધાં સગાંઓ વારંવાર આપણી તરફ જોયા રાખે છે.' નયનતારા દાઢમાં બોલી.


'
એમાં શું છે ? તું મારી ભાવી પત્ની છે. તું અને હું બન્ને પ્રેમમાં છીએ તે બધા લોકો જાણે છે એમાં આટલી શરમાય છે શા માટે ?' હું બોલ્યો.



'તારી સાથે મારે શેની શરમ ? પણ તું કોઈક વાર શરમને નેવે મૂકી આવે છે એટલે મારે તેને ચેતવવો પડે છે.' નયનતારા મને કોણી મારતા કહ્યું.


'
ચાલો, હવે આપણે બન્ને મહેમાનોને મળીએ અને બધાને ખબર પડે કે મારી પસંદગીની છોકરી કેવી હોય ! અને લોકોને ખબર પડે કે ખૂબસૂરતીની જયાં હદ આવી જાય છે તે માસ્ટર પીસ કેવો હોય ! તે તને જોતાં જ લોકોને ખબર પડી જાય.'


'
વાહ ! વાહ ! છોકરીઓને ખુશ કરવા માટેની તરકીબો લોકોને તારી પાસે શીખવા આવવું પડશે, મારા મીઠું, તેં મીઠું મીઠું બોલીને જ મને છેતરી છે. ' નયનતારા તેના ખૂબસૂરત અંદાજમાં બોલી.



'નયનતારા, આ પ્રવીણભાઈ શેઠ છે. અહીંના મોટા બિલ્ડર્સ છે અને માયાબેન તેના વાઈફ છે. ' ઓળખાણ કરાવતા નયનતારા અને હું આગળ વધીએ છીએ. વસંતભાઈ પટેલ (ઉધોગપતિ), મનુભાઈ દોશી (ઉધોગપતિ), આશાબહેન શાહ (મહિલા અગ્રણી) જેવી હસ્તીઓને નયનતારાની ઓળખાણ કરાવતા મોટાભાગના લોકોના ચહેરા ઉપર આશ્રર્યભાવ જોવા મળતા હતા. ડૉ. વીરેન્દ્ર મહેતાએ મને એટલે સુધી કહ્યું કે 'તું તો ભારે નસીબદાર છે. આજ મને લાગે છે કે 'કાગડો દહીંથરુ ઉપાડી ગયો.' હું અને નયનતારા, હું અને નયનતારા, વીરેન્દ્રભાઈ અને રચનાભાભી બધાં હસી પડયાં.



એટલે મેં રચનાભાભીને પૂછયું : 'તમારા લગ્ન થયા ત્યારે ડૉકટરસાહેબને કાગડાવાળી કહેવત યાદ તો આવી હશે ? સાચું બોલજો ડૉકટરસાહેબ ?'



રચનાભાભી બોલ્યાં : 'મને સાહેબ પર દયા આવી એટલે લગ્ન કર્યા.'



ડૉકટરસાહેબ હસતા હસતા નયનતારાને કહે છે : 'આ બદમાશ છોકરો છે અને તારે આ છોકરાને સુધારવાનો છે.'

રચનાભાભી બોલ્યા : 'મારા દીકરાને નાહકનો બદનામ શા માટે કરો છો ? મારો દીકરો તો હીરો જેવો છે અને આ ડૉકટર નયનતારા પણ ધાયલ થઈ ગઈ છે.'



અચાનક મારા પપ્પાના ખાસ મિત્ર અને રમૂજના બાદશાહ ગંભીર અંકલ અને તેના પત્ની રસિકબાનું આગમન થાય છે અને સીધા અમારી પાસે આવે છે અને કાઠિયાવાડી ભાષામાંની કમાલ શરૂ થાય છે :



' મારા હાળા લુવારીયા દાતેરડાના કાંકરૂ ( ધાર) કાઢતા અને રાંપ (ખેતર ખેડવાનુ ઓજાર) નાં પાનાં ઘસતા ઘસતા વેપારી બની ગયા અને આ લુવારનો છોરો નાગરની છોડી હારે પ્રેમ કરવા લાગ્યો છે. '


'
જોયું ને ડૉકટર ! આજના છોકરાવ કયાં ને કયાં પોગી ગયા અને અમારા દરબારુનાં રાજપાટ લૂંટાઈ ગયા.' ગંભીરસિંહ જાડેજાની જીભ અસ્ખલિત વહે છે અને વાતાવરણ હળવુંફૂલ બની જાય છે.



' એ શેઠ ! સબકો મિલ લિયા તો દોસ્તોં કે સાથ ભી બાતે કરને મેં શરમ આતા હૈ ? સબ દોસ્ત લોગ આપકી રાહ દેખ કે બેઠા હૈ.' કુટ્ટીને માન આપવા બધા દોસ્તોની મંડળીમાં હું અને નયનતારા જોડાઈ ગયા.


'
ડૉકટર મેડમ ! એક વાત કહો ! તમારો અને આ શેઠનો મેળાપ કઈ રીતે થયો ?' મારી ઉંમરનો મારો વેપારી મિત્ર સૈફુદ્દીન કાચવાલા નયનતારાને સવાલ પૂછે છે.



'તમારા મિત્રને પૂછો એટલે આખી વાર્તા તમને કહેશે.' નયનતારાએ હસતા હસતા જવાબ આપ્યો.


'
નયનતારા ! આ સૈફૂને શેર-શાયરીનો બહુ શોખ છે, જયારથી એક છોકરીએ તેને થપ્પડ મારી હતી તે દિવસથી એ શાયર બની ગયો છે.' સૈફૂદ્દીનની મજાક ઉડાડતા બોલ્યો.


'
સૈફુભાઈ ! તો તમારા મિત્રને પણ થોડી શેરશાયરી શીખવો એટલે કયારેક મને ખુશ કરવા થોડી શેર-શાયરી કામ આવે.' નયનતારાએ સૈફૂદ્દીનને કહ્યું.


'
સૈફુભાઈ ! ઓહ ! સૈફુ તને ભાઈ બનાવ્યો છે,હવે તારે ફરજિયાત ડૉકટર મેડમ પાસે રાખડી બંધાવવી પડશે.' ચેતન સૈફુની મજાક કરતા બોલ્યો.



'સુનો મેં સબ લોગો કો અપની શાયરી સુનાતા હું. ચેતન, શશાંક ઔર શેઠ તુમ તીનો ચૂપ બેઠના.' કુટ્ટી વચ્ચે ટપકી પડયો.



'એઈ કુટીડા, તેરી બકવાસ બંધ કર, તેરી સ્પેર ટાયરવાલી શાયરી યહાં નહીં ચલતી હૈ' શશાંક કુટ્ટીની વાત કાપતા બોલ્યો.


'
સૈફુદ્દીન બોલ્યો : 'ડૉકટર મેડમને માન આપી શાયરી બોલું છું.' અને બધા એકી અવાજે બોલ્યા : 'સૈફુદ્દીન...સૈફુદ્દીન...!

'જોયા છે મહાસાગરોને પાછલા પગે જતાં,
જોયાં નદીઓનાં વહેણને શરમના માર્યાપાછાં જતાં,
નદીઓનાં વહેણ અને મહાસાગર બન્ને શરમાય છે,
જયારે નયનતારા વરસતા વરસાદમાં ભીંજાય છે,
ત્યારે નદી શાંત થઈ જાય છે ને મહાસાગરને ક્ષોભ થાય છે.
સમણાઓને પાંખો નથી હોતી,
ખૂબસૂરતીનું નામ નથી હોતું,
આશિકના પતા હોતા નથી,
દિલની દાનત નથી હોતી,
શું કરીએ અમે,મનને મનાવવા
પ્રેમમાં તો પડવું જ પડશે, કદાચ
સમણાંઓને પાંખો આવશે;
પ્રેમ તો કરવો જ પડશે; કદાચ
ખૂબસૂરતીનું નામ સામે આવશે,
પ્રેમનું સરનામું શોધવું પડશે,કદાચ
સનમનાં દિલમાં કદાચ આશિકનો
પતો મળી જાય,
દિલની દાનત તો ખરી જ,
એટલે જ પ્રેમ તો કરવો જ પડશે.'
'
મૌસમની આ પાર મારું ઘર છે, મૌસમની પેલે પાર તેનું ઘર છે કયારેક મૌસમની પેલે પાર તેના શરીરમાં તોફાન સર્જાય છે, ત્યારે તેના ઉફાંણો તેની છાતીમાં સમાય છે અને છાતી હાંફે છે ત્યારે મૌસમ છલકાય છે અને ઉડતી છાલકો મને ભીંજવે છે ?

'આફરીન...આફરીન... સૈફુદ્દીન, વાહ સૈફુદ્દીન.' બધા એકી સાથે બોલી ઊઠયાં.

' જોયુંને છોકરીની એક થપ્પડની કમાલ અને આ સૈફુદ્દીન શાયલ બની ગયો.' સૈફુદ્દીનને ચીડવવા હું બોલ્યો.