Mosam badlaay chhe. books and stories free download online pdf in Gujarati

મોસમ બદલાય છે..

મોસમ બદલાય છે…
નટવર મહેતા

સાંજે કામ પરથી આવી ડ્રાઈવ વેમાં કાર પાર્ક કરી બહાર નીકળી માનસીએ કારનું રિમોટ દબાવ્યું. હળવા ‘બીપ’ના અવાજ સાથે કાર લોક થઈ. ઘરનો દરવાજો ખોલી એ એના ઘરમાં દાખલ થઈ. હવે થાક લાગતો હતો. કામનો... જિંદગીનો... એકલતાનો...થાક...!!

કિચેઈન હોલ્ડર પર ચાવી લટકાવતા દીવાલ પર લટકતી આકાશની તસવીર પર એનાથી અનાયાસ જ એક નજર નંખાય ગઈ.

શું કામ આવ્યો તું આમ મારી તકદીરમાં?
કેમ હવે પુરાઈ ગયો આમ તસવીરમાં??

એનાથી એક ભારેખમ નિસાસો નંખાય ગયો...તસવીરમાં હસતો આકાશ તે કંઈ બોલે...!?

કોફી મશીન ચાલુ કરી કિચનની બારીમાંથી એણે બેક યાર્ડમાં એક નજર કરી. બેક યાર્ડમાં તપ કરી રહેલ મૅપલ વૃક્ષોના પર્ણો હવે રંગબેરંગી બની રહ્યા હતા. વૃક્ષોએ ભગવા પહેરવાની શરૂઆત કરી દીધી હતી!! ઑક્ટોબર મહિનો શરૂ થઈ ગયો હતો અને પાનખરની શરૂઆત થઈ ગઈ હતી.

-આ ઋતુઓ પણ કેટલી રંગીન હોય છે...! પાનખર પછી આવે વસંત...!

-એના જીવનમાં ય છવાઈ હતી એક વાર વસંત અને હવે તો બસ રહી ગઈ છે પાનખર આમ અનંત..!!

કોફીનો મોટો કપ ભરી બેકયાર્ડમાં ડેક પર ગોઠવેલ હીંચકા પર બેસી કપ બરાબર પકડી માનસીએ હીંચકાને એક હળવો હડસેલો આપ્યો અને હીંચકો હળવે હળવે ઝૂલવા લાગ્યો. શુક્રવારનો સૂરજ પણ પુરા દિવસની દડમજલ પછી થાકીને પશ્ચિમાકાશે ધીરે ધીરે ઢળી રહ્યો હતો. હવામાં ઠંડક હતી. કડવી કોફીનો એક ઘૂંટ પીવાથી માનસીના શરીરમાં સહેજ તાજગી આવી.

-ક્યાં સુધી જીવવી પડશે આવી જિંદગી!?

પવનની એક લહેર આવતા કેસરી રંગના થોડા પર્ણો ખર્યા અને એને હવામાં તરતા તરતા જમીન પર પડતા માનસી નિહાળી રહી. આ જ પર્ણોની માફક એ પણ ઊડીને આવી હતી અહિં ન્યુ જર્સી... વાયરો એવો વાયો હતો કે છેક નવસારીથી સીધી ન્યુ જર્સી સુધી ઉડાવી લાવ્યો હતો એને.

નવસારી...નવલું નવસારી...એનું વતન…એનું જન્મસ્થળ...!! જેનાથી એ કદી ય વિખૂટી પડી નહોતી...પડી શકવાની નહોતી. માનસીએ હીંચકાને ફરી હડસેલ્યો અને ત્રણેક દાયકાનો ધક્કો લાગ્યો એના મનને પણ... એ પહોંચી ગઈ નવસારી...

‘ક્વાઈટ પ્લીઝ...’ બી પી બારિયા સાયન્સ કૉલેજના માઈક્રોબાયોલોજીના પ્રોફેસર ડો. ઉપાધ્યાય એસ. વાય. બીએસસીના ક્લાસને શાંત પાડવાની કોશિશ કરી રહ્યા હતા, ‘પ્લીઝ લિસન...!! જુઓ... આવતા સોમવારે આપણે ખેતીવાડી કૉલેજના પ્લાન્ટ પેથોલોજી ડિપાર્ટમેંટની વિઝિટ લેવાના છીએ...!’

‘ખેતીવાડી કૉલેજ...?? બજરંગ કૉલેજ... !? કેમ સર...!?’

‘જુઓ...’ પ્રો. ઉપાધ્યાયને વાત વાતમાં જુઓ બોલાવાની આદત હતી, ‘ત્યાં પ્લાન્ટ પેથોલોજી ડિપાર્ટમેંટને દિલ્હી તરફથી ઈલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ભેટ મળેલ છે. એ જોવા માટે અને એના વિવિધ ઉપયોગો સમજવા માટે મેં ત્યાંના પ્રોફેસર જોશીની ખાસ મંજૂરી લીધી છે. એવા માઇક્રોસ્કોપ આખા ગુજરાતમાં માત્ર બે-ત્રણ જ છે. અને જુઓ તમારા પ્રેક્ટિકલ્સ માટે આપણે જે માઇક્રોસ્કોપ વાપરી રહ્યા છે એના કરતા આ માઇક્રોસ્કોપ બે-ત્રણ જનરેશન આગળ છે.’

એસ.વાયમાં જ ભણતી માનસીને પણ ખેતીવાડી કૉલેજ જોવાની ઘણા સમયથી ઇચ્છા હતી. નવસારીમાં જ ખેતીવાડી કૉલેજ હતી. એની ખાસ બસ શહેરમાંથી પસાર થતી એ જોતી. એના મિત્ર વર્તુળમાં સહુ એને બજરંગ કૉલેજ કહેતા કારણ કે, એમાં છોકરીઓને પ્રવેશ ન્હોતો...એકલા છોકરાઓ જ ભણતા હતા..!! ઘરે આવી એણે એના પપ્પા મનહરભાઈને વાત કરી. મનહરભાઈ સ્ટેટ બેંકમાં ઓફિસર હતા. એમણે જ આગ્રહ કરીને માનસીને સાયન્સ કૉલેજમાં ઍડ્મિશન લેવડાવ્યું હતું.

‘દીદી મારાથી અવાય...?’ નાનો ભાઈ રસપુર્વક વાતો સાંભળતો હતો એ એકદમ બોલી પડ્યો.

‘મનિષ..., આ તો અમને કૉલેજમાંથી લઈ જવાના છે. તું...?? તને કેવી રીતે લઈ જવાય..?! અમે બધા સીટી બસમાં જવાના છીએ...! તું પપ્પા સાથે જજે...!! પપ્પા તને લઈ જશે...!!’ માનસીએ મનહરભાઈ તરફ જોતાં કહ્યું. નવમીમાં ભણતો મનિષ એની ટેવ મુજબ રિસાઈને ઘરની બહાર નીકળી ગયો અને મનહરભાઈએ કહ્યું, ‘એને એ જ કૉલેજમાં ઍડ્મિશન અપાવી દેશું...!!’

‘હજુ તો એને એસ એસ સી પાસ તો થવા દો...’ માનસીની મમ્મી ગીતાબેને માનસી અને મનહરભાઈ તરફ નિહાળી કહ્યું...

એ સોમવાર આવી પહોંચ્યો.

પ્રો. ઉપાધ્યાયની આગેવાની હેઠળ વીસ વિદ્યાર્થીઓ એરૂ ચાર રસ્તા પર નવા બંધાય રહેલ ખેતીવાડી કૉલેજના મકાને પહોંચ્યા. વિશાળ જગ્યામાં પુરજોશમાં બાંધકામ ચાલી રહ્યું હતું. થોડી પૂછપરછ બાદ એમને પેથોલોજી ડિપાર્ટમેંટની જગ્યા મળી. એ વિભાગમાં બાંધકામ પૂર્ણ થઈ ગયેલ હતું. નવી નક્કોર એરકન્ડિશન્ડ પ્લાન્ટ પેથોલોજીની સ્વચ્છ લૅબોરેટરીમાં દાખલ થતા જ સહુ અચંબિત થઈ ગયા. જાણે કોઈ આંતરરાષ્ટ્રિય...કોઈ બીજા જ દેશની લૅબમાં પહોંચી ગયા હોય એવું સહુએ અનુભવ્યું!!

‘વેલકમ..!! આ લૅબમાં આપ સૌનું સ્વાગત છે.’ એક ઊંચા દેખાવડા યુવકે સૌને આવકારતા કહ્યું, ‘મારું નામ છે અમર...અમર ઓઝા...!! ડો. જોશીસાહેબ કૉલેજના કામ અંગે આણંદ ગયા છે. પરંતુ, એમણે ઈલેક્ટ્રોન માઇક્રોસ્કોપ માટે આપની વિઝિટ અંગે મને વાત કરેલ છે. હું અહિં ડોક્ટરેટનું, આઈ મીન પી એચડીની સ્ટડી કરું છું અને દિલ્હી જઈ મેં ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપની ટ્રેઇનિંગ લીધેલ છે...!!’

એક ખેંચાણ હતું અમર ઓઝાની જબાનમાં...એક અજીબ આકર્ષણ હતું એના મોહક વ્યક્તિત્વમાં....! એક સંમોહન હતું એની કથ્થઈ રંગની ગહેરી આંખોમાં. માનસી તો બસ જોતી જ રહી ગઈ અમરને...!! આ હતી અમર સાથેની માનસીની પહેલી મુલાકાત....!! અમરે શું સમજાવ્યું...શું કહ્યું...માઇક્રોસ્કોપ વિશે એ માનસીને કંઈ જ યાદ ન રહ્યું.... એ તો બસ જોતી જ રહી...અમરને!! એની દરેક અદાઓને...! એના વ્યક્તિત્વને મહેસુસ કરતી રહી માનસી...એને તો ફક્ત યાદ રહી ગયો અમર..!!

ખેતીવાડી કૉલેજ પરથી ઘરે આવતા એની સખી અવનિ એની ટેવ મુજબ જાતજાતની વાતો કરતી રહી. એસવાયના એ ક્લાસમાં બે જ છોકરીઓ હતી...માનસી અને અવનિ...! બન્ને વચ્ચે સારી નિકટતા હતી. પરંતુ અવનિ શી વાતો કરી રહી છે એમાં માનસીનું કોઈ જ ધ્યાન ન હતું. ઘરે આવી એ એના રૂમમાં ગઈ. મનગમતી કોઈ અનોખી જ બેચેની થઈ રહી હતી એને. ઠંડા પાણીથી મ્હોં ધોઈ એણે સ્વસ્થ થવાનો પ્રયત્ન કર્યો. ઉપાધ્યાય સરે ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપ વિશે ત્રીસ માર્કનું એસાઇન્મેન્ટ આપ્યું હતું એ લખી નાંખવાના ઇરાદા સાથે નોટ ખોલીને એ બેઠી...! પણ ક્યાંથી શરૂઆત કરવી કંઈ સમજ પડતી ન્હોતી. ખુલ્લી નોટના સફેદ પાનાઓ તરફ એ થોડી ક્ષણ તાકતી રહી....પેન ઉપાડી થોડી વાર બાદ એણે એક શબ્દ લખ્યો...અમર...! અમર ઓઝા...! બસ, અમરનું નામ એ ચીતરતી રહી...! એની જાણ બહાર કેટલી ય વાર એ નામ એ પાનાઓ પર લખાતું રહ્યું..!!

એની મનની કોરી પાટી પર કોતરાયેલ એ નામ સીધે સીધું નોટના નિર્જીવ પાનાઓ પર ઊતરીને જાણે એ પાનાઓને સજીવ કરી રહ્યું હતું!!

અમર...અમર...અમર...

આખી રાત તડપતી રહી માનસી...! આંખો મીંચાય ને અમરનો રૂપાળો ચહેરો દેખાય...! એ વિચારતી રહી...! મનોમન અમર સાથે વાતો કરતી રહી. ઊંઘમાંથી ય ઝબકીને એ બે-ત્રણ વાર જાગી ગઈ! જાણે કોઈ એના વાળમાં હાથ પસવારી રહ્યું ન હોય....એના રેશમી વાળો સાથે કોઈ રમત રમી રહ્યું હોય એવું લાગ્યું એને...! એના પરવાળા જેવા મૃદુ હોઠો પર ધીરે ધીરે આંગળી ફેરવી રહ્યું હોય એવું મહેસૂસ કર્યું માનસીએ...!! પણ ના કોઈ ન્હોતું...!! હસીને એણે તકિયામાં મ્હોં છુપાવી દીધું...! ત્રૂટક ત્રૂટક ઊંઘ આવેલ હોવા છતાં સવારે ઊઠી ત્યારે એણે અદમ્ય તાજગી અનુભવી. એક એવી તાજગી કે જે એણે કદી ય અનુભવી નહોતી...! પ્રેમની તાજગી...!! નોટ ખોલી એણે લખ્યું: જેને એક વાર મળ્યા પછી કેમ વારે વારે આવ્યા કરે એના જ વિચાર. શું એને જ તો અમસ્તાં આ લોકો નથી કહેતાને પ્યાર ?

હા, અમર સાથે પ્યાર થઈ ગયો હતો એને...પ્રથમ દૃષ્ટિએ થતો પ્યાર...! એવો પ્યાર કે જેનો કોઈ પર્યાય ન્હોતો...! એને એ પણ વિચારે ય ન્હોતા આવતા કે અમર કોણ છે...? ક્યાંનો છે...? એકલો હશે કે પછી એ પણ કોઈ સાથે પ્યાર કરતો હશે...?એને અપનાવશે કે નહિ...!? પરંતુ, એને અંદર અંદર ખાતરી હતી કે અમર એના માટે જ સર્જાયો છે...! ફક્ત માનસી માટે...!!

‘મ....મ્મી...’ ગીતાબેનને ગળે લાડથી વળગતા માનસી બોલી, ‘હું લ્યુના લઈ જાઉં આજે કૉલેજે...!? મારે બપોરે એક્સ્ટ્રા પ્રેક્ટિકલ્સ છે...ને સાંજે કદાચ મોડું પણ થઈ જાય...!’ આમ તો ઘરેથી એ ક્યારેક ચાલતી કે ક્યારેક સાયકલ પર કૉલેજ જતી. એના પપ્પા મનહરભાઈ એના માટે નવું મૉપેડ લ્યુના લાવ્યા હતા. પરંતુ એ બહુ ઓછું ચલાવતી.

‘આજે...!? આજે તો તારે પ્રેક્ટિકલ્સ નથી !!’ ગીતાબેનને માનસીનું ટાઈમ ટેબલ બરાબર યાદ હતું.

‘કહ્યું ને..!?’ થૂંક ગળીને માનસી બોલી... ‘એક્સ્ટ્રા પ્રેક્ટિકલ્સ છે...!’ પછી એણે વિચાર્યું: પ્યારમાં માણસ કેટલી આસાનીથી જૂઠું બોલતા શીખી જાય છે!! શ્વાસ લઈ એ બોલી, ‘મમ્મી પ્લી....ઈ...સ...! પપ્પા મારા માટે જ તો લ્યુના લાવ્યા છે ને...!?’

‘સા…રું...!! બાપા... લઈ જજે...! આ તારા પપ્પાને કેટલી ય ના પાડી હતી...તો ય ન માન્યા...સાચવીને ચલાવજે...! આજકાલ ટ્રાફિક વધી ગયો છે.’

‘થેંક્યુ મ...મ્મી...!’

‘રિઝર્વમાં તો નથીને...!? પેટ્રોલ જોઈ લેજે...! અને આ લે...’ પચાસ રૂપિયા આપતા ગીતાબેને કહ્યું, ‘ન હોય કે ઓછું હોય તો પુરાવી લેજે...રસ્તામાં તકલીફ ન પડે...!’

પછી તો એ લ્યુના અશાબાગથી સીધું ઊપડ્યું હતું બી પી બારિયા સાયન્સ કૉલેજ જવાને બદલે એરૂ ચાર રસ્તે! એગ્રિકલ્ચર કૉલેજ પર...! ગઈકાલે જ એ આવેલ એટલે એને અમરની લૅબની જગ્યા બરાબર યાદ રહી ગઈ હતી. દિલ ધક ધક ધડકતું હતું...

-શું કહેશે એ અમરને...!? એ તો એણે કંઈક વિચાર્યું જ ન્હોતું.

-આ રીતે આમ સાવ અચાનક અહિં આવીને એણે કોઈ તો ભૂલ તો નથી કરી નાંખીને...?? અમરની લેબ તરફ જતા એ સતત વિચારતી હતી.

-એને એકાએક જોઈને શું હશે અમરના પ્રતિભાવ...!!

લૅબની બહાર એ થોડી વાર અટકી: જાઉં કે ન જાઉં....!?

અંદરથી જાણે એક ધક્કો આવ્યો અને એ સીધી લૅબમાં દાખલ થઈ જ ગઈ. એની પાછળ ઑટોમૅટિક બંધ થતો દરવાજો બંધ થઈ ગયો...!

‘ત...મે...!?’ લૅબમાં ફ્લાસ્ક વગેરે ગ્લાસવેર સાફ કરતો લૅબબોય એને નિહાળી ચમક્યો, ‘કોનું કામ છે બેન...!?’

‘અમર...અમર ઓઝાનું....!’ એ ઝડપથી બોલી ગઈ… ‘છે...??’

‘અમરભાઈ તો આજે નથી આવવાના...! કાલે રાત્રે મોડે સુધી કામ કરેલ...અને એમની ફાઇનલ એક્ઝામ આવે છે એટલે કહી ગયા છે કે વાંચવાનું છે...!! તમે કોણ...!?’

‘.....તો એ આજે નહિ જ આવે...!?’ માનસીએ નિરાશ થઈને ફરી ખાતરી કરી.

‘ના...!’

માનસી મૌન થઈ ગઈ. શું કરવું એને કંઈ સમજ ન પડી. બસ, એક વાર અમરને મળવું જરૂરી હતું...! એક વાર...! હતાશ થઈ એ લૅબની બહાર નીકળી ગઈ. એની આંખ સહેજ ભીની થઈ ગઈ.

-શું કામ આજે અમર ન આવ્યો...!? આજે તો એણે આવવું જ જોઈતું હતું...! કેટલી આશાઓ સાથે, અરમાનો સાથે એ અહિં આવી હતી...! કેમ ન આવ્યો આજે...!? ના, મારે મળવું જ છે એક વાર એને.. પછી ભલે ને...... એ આગળ વિચારી ન શકી... એને મળવા પહેલાં શા માટે આગળ વિચારવું જોઈએ...!?

સહેજ વિચાર કરીને એ ફરી લૅબમાં ગઈ, ‘ક્યાં મળશે એ...!? મારે એમનું ખાસ કામ છે...!’

‘અમરભાઈ તો હોસ્ટેલ પર હોવા જોઈએ...! પણ એમનું કંઈ કહેવાય નહિ...!’

‘હોસ્ટેલ અહિં કૅમ્પસ પર જ છે....?’

‘ના...! એ તો દરજીવાડી...! આશાનગર નવસારી...!’

‘દરજીવાડી ?? આશાનગર...?? ત્યાં તો લગ્ન થાય ત્યાં... !!’ માનસીને આશ્ચર્ય થયું.

‘અહિં હોસ્ટેલનું મકાન બંધાય રહ્યું છે એટલે બધા પીજી વિદ્યાર્થીઓ ત્યાં જ રહેવાની વ્યવસ્થા કરી છે! ત્યાં કંઈ છાત્રાલય છે. એમાં રૂમ નંબર ન…વ….’ કંઈ યાદ કરીને એ લૅબબોય બોલ્યો…‘હા...નવ નંબર અમરભાઈનો રૂમ છે...!’

-શું કરવું...?? લૅબની બહાર નીકળી માનસી વિચારવા લાગી. એણે ઘડિયાળમાં જોયું. દશ વાગવાની તૈયારી હતી.

-કોઈ અજાણ્યાંની હોસ્ટેલ પર એમ જવાય...??

-અમર ક્યાં અજાણ્યો છે…?? એણે લ્યુનાની કિક મારી. એક જ કિકે સ્ટાર્ટ થઈ જતા લ્યુનાને એકથી વધુ કિક મારવી પડી.

-આજે અમરને નહિ મળાય તો કદી ય ન મળાય...!

-અને જુઓ તો ખરા એ તો સાવ નજદીક જ રહે છે.

લ્યુના જાણે આપોઆપ જ અમરની હોસ્ટેલ તરફ એને લઈ ગયું. માનસીને લાગ્યું કે, એનો એના મન પર કોઈ કાબુ રહ્યો ન્હોતો...શા માટે?? શા માટે..??

દરજી છાત્રાલયના એ કમ્પાઉંડમાં એણે લ્યુનાને પાર્ક કર્યું. એ મકાનમાં એ સમયે કોઈ ખાસ ચહલ પહલ ન્હોતી કારણ કે મોટાભાગના વિદ્યાર્થીઓ કૉલેજે ગયા હતા. છાત્રાલયના એ વિશાળ મકાનમાં માનસી દાખલ થઈ. કોઈએ એને રોકી નહિ! મકાનમાં બે હારમાં કતારબંધ ઓરડાઓ હતા. ઘણી વખત આ મકાનની પાસેથી એ પસાર થઈ હતી પણ કદીય અંદર જવાનો પ્રસંગ બન્યો ન્હોતો. બંધ રૂમના દરવાજા પર રૂમ નંબરો લખ્યા હતા એ એણે વાંચવા માંડ્યા....૫...૬...૭...૮.... અને ૯...! મકાનના ખૂણાના નવ નંબરની રૂમ સામે આવીને એ ઊભી રહી ગઈ. અંદરથી બંધ હતો એ રૂમ...! ધીમાં અવાજે અંદર વાગતા શરણાઈ કે એવા કોઈ વાંજિત્રનો મંદ અવાજ બહાર આવી રહ્યો હતો.

-તો એ અંદર જ છે...! વિચારી માનસીએ દરવાજે હળવેથી બે-ત્રણ ટકોરા માર્યા...!

‘ખુલ્લો જ છે...!!આવી જાઓ...!!’ અંદરથી અમરનો સંમોહક અવાજ આવ્યો...

માનસીએ હળવેકથી દરવાજો ખોલ્યો...

બારણા તરફ પીઠ રાખીને ટેબલની સામે ખુરશી પર બેઠેલો અમર એ જ સમયે બારણા તરફ ફર્યો અને માનસીને નિહાળી સહેજ ચમક્યો, ‘ત...મે...!?’

માનસી હજુ દરવાજામાં જ અસમંજસ ઊભી હતી.

ઝડપથી ઉભા થઈ અમરે શર્ટ પહેરી એના સ્નાયુબધ્ધ શરીરને ઢાંક્યું...

માનસીનું દિલ ધડક ધડક થતું હતું. સામે જ અમર ઊભો હતો. પરંતુ, એને નિહાળી એ જાણે સાવ શૂન્યમનસ્ક થઈ ગઈ...!!

‘હા...!!’ઊંડો શ્વાસ છાતીમાં ભરી એ બોલી, ‘હું....’ પણ એને જાણે કે શબ્દો મળતા નહોતા.

‘આ...વો...! માનસી દેસાઈ...!!’ એની એકદમ નજદીક આવી અમરે એનો જમણો હાથ પકડી એને દોરી અને હળવેકથી ખુરશી પર બેસાડી.

માનસીએ રૂમમાં એક નજર દોડાવી. ક્યાંક સળગી રહેલ સુખડની અગરબત્તીથી રૂમ મહેકતો હતો. દીવાલ પર ભગવાન શ્રીકૃષ્ણની કલાત્મક છબી લટકી રહી હતી. સાફસુથરા એ રૂમમાં વેરવિખેર પુસ્તકો પડ્યા હતા. અમર એને એકધારી નજરે નિહાળી રહ્યો હતો...!

‘સોરી...!’

‘કંઈ પણ ન કહો...!’ સાવ ધીરેથી અમર બોલ્યો...‘કંઈ જ નહિ...! બસ, આજ આપણા મૌનને બોલવા દો...! એ મૌનને સાંભળવા દો...!!’ માનસીના હાથના બે પંજાઓ પ્રીતિથી પકડી ખુરસીની સાવ પાસે ફરસ પર અમર બેસી પડ્યો...! બન્ને વચ્ચે એક તારામૈત્રક રચાયું...! સાચે જ કહેવાય છે કે મૌન એ પ્યારની પરિભાષા છે. કેસેટ પર બિસ્મિલાખાં સાહેબનો માલકોશ ગુંજી રહ્યો હતો..! બન્ને યુવાન હૈયાઓએ મહેસુસ કર્યું કે ધરતી પર સ્વર્ગ છે તો બસ અહિં જ છે. અહિં જ છે. અહિં જ છે....!!

એટલામાં કેસેટ પુરી થઈ. ઓટો સ્ટોપ થતું કેસેટ પ્લેયર ‘ખટાક’ના અવાજ સાથે બંધ થયું અને સ્વર્ગમાંથી એ બે હૈયા ફરી ધરતી પર આવ્યા.

હળવેકથી માનસીએ એનો હાથ છોડાવ્યો. હવે શરમના શેરડાએ માનસીના સુંદર ચહેરાને રક્તવર્ણો કરી દીધો...! સ્ત્રીસહજ લજ્જાથી એના મૃગનયની નયનો ઢળ્યા. જમણા પગના અંગૂઠાથી એ ફરસ કોતરવા લાગી.

‘મને ખાતરી હતી કે તમો જરૂરથી આવશો...!’ ફરસ પરથી ઉભા થઈ અમર પલંગ પર બેઠો, ‘તમને મળવાની મને પણ એટલી ઉત્સુકતા હતી કે આજે સવારે હું તમને મળવા તમારી સાયન્સ કૉલેજ પર પણ ગયો હતો!! પરંતુ તમે ન્હોતા આવ્યા, અ......ને મને તમારા ઘરનું સરનામું ખબર ન્હોતું...!!’

‘સા...ચ્ચે જ...!?’ માનસીને ય નવાઈ લાગી...! પણ તમને મારા નામની કેવી રીતે ખબર પડી...!?’

હસી પડતા અમર બોલ્યો...‘પોતાની જનરલ પર કોઈ અન્યનું નામ થોડું લખવાનું છે માનસી...!? એ દિવસે આપ જ્યારે આવ્યા હતા ત્યારે આપની જનરલના પૂંઠા પર આપના મરોડદાર અક્ષરોએ આપનું લખેલ નામ અત્યારે પણ હું જોઈ રહ્યો છું...!’ અમર જ્યારે હસતો હોય ત્યારે જાણે મધુર ઘંટડીઓ રણકતી હોય એમ લાગ્યું માનસીને...!!

‘પણ તમે એ કહો કે તમે કેવી રીતે આ નાચીઝની ઝૂંપડી આઈ મીન રૂમ ખોળી કાઢી...!?’

‘આ શું આપ...આપ ને તમે...તમે... લગાવી રહ્યો છે...!’ માનસી સીધી તુંકારા પર આવી ગઈ, ‘જાણે કે કોઈ રાજા-મહારાજા અને રજવાડાની કૃત્રિમ જબાનમાં વાત કરતા હોય એવું અતડું અતડું લાગે છે...!! સમજ્યો...!?’

અને આમ એક અનંત પ્રેમકહાણીની શરૂઆત થઈ...માનસી-અમરની પ્રેમ કહાણી...!! અમર-માનસીની પ્રેમ કહાણી...!!

અટકી ગયેલ હીંચકાને એક વધુ હીંચ આપી બાવન વરસની માનસી ફરી બાવીસની બની ગઈ.

પછી તો શાંત વહેતી પુર્ણાને સથવારે...દાંડીના દરિયામાં ડૂબતા કેસરી સૂર્યના સંગાથે...એક હજાર એકરમાં ફેલાયેલ વિશાળ કૃષિ કેમ્પસમાં ઊછેરવામાં આવેલ કૃત્રિમ વનના વિવિધ વૃક્ષોની સાક્ષીએ...નવ નંબરના એ રૂમમાં વાગતી શરણાઈ, સંતુર અને બંસરીની ધૂનો અને સુંગધિત અગરબત્તીઓની સુવાસની હાજરીમાં બે યુવાન હૈયાંઓ મળતા રહ્યા. એમના મંગળ પ્યારમાં પવિત્રતા હતી. પાવનતા હતી. સચ્ચાઈ હતી...! બન્ને એકબીજાને ઓળખતા રહ્યા. અમર એના માતપિતાનું એકનું એક સંતાન હતો. એના પિતા ભાર્ગવ ઓઝા ગુજરાત રાજ્ય વન વિભાગમાં સરકારી અધિકારી હતા અને હાલે આહવા રેંજના આસિસ્ટંટ કમિશ્નર ઑફ ફોરેસ્ટ હતા. લાંચ રિશ્વતથી ખદબદતા જંગલ ખાતામાં એમની છાપ એક સંનિષ્ઠ કડક કડપવાળા ઈમાનદાર કર્મચારીની હતી. મા રોમા ગૃહિણી હતા. અમરનું મોટા ભાગનું બાળપણ ગુજરાતના વિવિધ જંગલોમાં પસાર થયું હતું. વૃક્ષો પ્રત્યે અમરને અજીબ લગાવ હતો. ગુજરાતના કોઈપણ વૃક્ષ વિશે એ કલાકો સુધી બોલી શકતો! એ વૃક્ષોને એક પગે તપ કરતા ઋષિમુનિ કહેતો. એના રૂમના બારણે એણે એક સૂત્ર ટિંગાડ્યું હતું: વૃક્ષમ્ શરણમ્ ગચ્છામિ..!! એ કહેતો કે આ બારણાને બનાવવા માટે કેટલાય વૃક્ષોના ખૂન કરવામાં આવ્યા હશે....?? એ કહેતો કે એ વૃક્ષો સાથે વાતો કરી શકતો!! છાત્રાલયના પ્રાંગણમાં ઊછેરવામાં આવેલ આસોપાલવના વૃક્ષના થડને ધબ્બો મારી એ પૂછતો, ‘કેમ છે દોસ્ત, આજે વરસાદની હેલીમાં નાહવાની મજા પડીને...!? મને પણ પડી...!!’ વૃક્ષો માટેના સ્નેહને કારણે જ એગ્રિકલ્ચરમાં અભ્યાસ કરવાનું એણે નક્કી કર્યું હતું. વૃક્ષો પણ માંદા પડે!! એને પણ રોગ થાય એ હકીકત હતી એટલે જ એણે વનસ્પતિ રોગશાસ્ત્ર જેવો અઘરો વિષય પસંદ કર્યો હતો. કે જેથી વૃક્ષદેવતાની સેવા-સારવાર કરી શકાય...!!

ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યે એને અમાપ લાગણી હતી. એ એના ભગવાન નહિ પણ સખા હતા. સુદામા જેવો સખાભાવ હતો એને માધવ સાથે! શ્રીમદ્ ભગવદ્ગીતા એને કંઠસ્થ નહિ, મનઃસ્થ હતી!! જીવન પ્રત્યે એનો અભિગમ હંમેશ હકારાત્મક રહ્યો હતો. એક પોઝિટિવ એનર્જીનો અનુભવ થતો માનસીને જ્યારે એ અમરની સાથે હોય. એની યાદશક્તિ અગાઢ હતી. મોટેભાગે એક વાર વાંચીને એને કંઈ પણ યાદ રહી જતું. વાંચવાની એની અલગ રીત હતી! વાંચનને એ મનન કહેતો. એ કહેતો આંખથી નહિ મનથી વાંચો...ચોક્કસ યાદ રહી જશે!! રમત-ગમતનો પણ એને એટલો જ શોખ. ક્રિકેટથી માંડીને ગિલ્લી-દંડા સુધીનો. ગેરી સોબર્સ અને ગાવસ્કર એના માનિતા ખેલાડી. અરે!! એક વાર તો એણે કૉલેજમાં ગિલ્લી-દંડા અને સાત ઠીકરીની સ્પર્ધા યોજી હતી...અને સહુ વિદ્યાર્થીઓને એ એમના બચપણમાં દોરી ગયો હતો. શતરંજનો અચ્છો ખેલાડી. એને હરાવવો મુશ્કેલ. માનસીને શતરંજ એણે જ શીખવી હતી. માનસી સાથે રમતા રમતા એકાદ એવી ચાલ એ જાણી જોઈને ચાલતો કે માનસી જીતી જાય અને માનસીના એ વિજયાનંદને માણીને એ એના જીવનની એ પળોને ધન્ય બનાવતો.

માનસી માટે એની પાસે હંમેશ ક્યારેક સરપ્રાઈઝ રહેતું...!!

એ યાદ કરીને માનસીના ચહેરા પર અત્યારે પણ હળવું હાસ્ય ફરી વળ્યું. અમરે એને કહ્યું હતું: આજે ત્રણેક વાગે ઍકસ્ટ્રા ટ્યુટોરિયલના બહાને રૂમ પર આવજે. બહાના પણ એ જ બતાવતો! બરાબર ત્રણ વાગે એ અમરના રૂમ પર આવી ગઈ.

‘બોલ શું છે...?!’ અમરનું નાક મચડતા માનસી બોલી.

‘છોડ...મારી બલા, તૂટી જશે...આમે ય લાંબું જ છે અને તું ખેંચી ખેંચી ને વધારે લાંબું કરી નાંખશે!’ નાક છોડાવતા એ બોલ્યો, ‘બેસ અહિં…!!’ બળ કરી એણે માનસીને ટેબલ સામે ખુરશી પર બેસાડી દીધી. ટેબલ એકદમ સાફ સુથરૂં હતું. રોજની જેમ એના પર આજે અમરના પુસ્તકો પણ ન્હોતા. પાણીનો ગ્લાસ ભરી ટેબલ પર માનસીની જમણી તરફ મૂક્યો અમરે. ટેબલનું ખાનું ખોલી એમાંથી એક ફુલસ્કેપ નોટબુક અને ત્રણ કાગળો કાઢી એણે માનસી સમક્ષ ધર્યા.

માનસી ખરેખર ચોંકી ગઈ. એ માઈક્રોબાયોલોજી વનની પરીક્ષાનું પ્રશ્નપત્ર હતું!! સો માર્કનું અમરના સુઘડ હસ્તાક્ષરે લખાયેલ પ્રશ્નપત્ર !!

‘આ શું છે...!?’

‘ઍકસ્ટ્રા ટ્યુટોરિયલ...!’ એલાર્મમાં કાંટાઓ બરાબર ત્રણ વાગ્યાનો સમય બતાવે એમ ગોઠવી એ બોલ્યો, ‘યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ...!’

માનસી થોડો સમય આનાકાની કરતી રહી. પરંતુ છેવટે અમરે એને મનાવી જ લીધી, ‘તું અભ્યાસમાં પાછળ પડે એ મને કેમ ગમે...!? મારે તને સેન્ટરમાં ફર્સ્ટ જોવી છે. પ્લીઝ...! નો ચિટીંગ…તને જેવું આવડે તેવું, જેટલું આવડે તેવું લખજે... !!’ એમ કહી અમર એનું પુસ્તક લઈ વાંચવા બેસી ગયો. અને માનસીએ પરીક્ષા આપી. એ પેપર અમરે તપાસ્યા અને એના જવાબ પરથી માનસી માટે એણે એક અભ્યાસક્રમ નક્કી કર્યો...! ધ્યાન દઈને એ માનસીને દરેક વિષયો અઠવાડિયામાં બે દિવસ ભણાવતો...! ક્યાં શું ભૂલ થાય છે એ સમજાવતો…એને કેવી રીતે ટાળી શકાય એ બતાવતો. અને એનું સુંદર પરિણામ પણ આવ્યું. એસ.વાયમાં માનસીના એક્યાશી ટકા આવ્યા અને ફાઇનલ યરમાં એ પંચ્યાસી ટકા સાથે સેંટરમાં પ્રથમ આવી.

-ઓ અમર!! તું મારી કેટલી કાળજી રાખતો...!? અને જોને, તારા વિના શો હાલ થઈ ગયો છે મારો...!? માનસીની ભીની થયેલ આંખની જવનિકા પાછળ સંતાયેલ અમરને માનસી આજે અહિં ન્યુ જર્સી ખાતે પણ મહેસુસ કરતી રહી.

એ ફક્ત અભ્યાસમાં જ નિપુણ ન્હોતો. દોઢસો દંડ અને બસો બેઠક એ એકી વખતે કરી શકતો. પાંચેક માઈલ દોડવું એને માટે રમત વાત હતી. ક્યારેક તો એ છાત્રાલયથી કૉલેજ દોડતો જતો. અઘરામાં અઘરા યોગાસનો એ આસાનીથી કરી શકતો. એના એકવડા મજબૂત શરીર પર ક્યાંય ચરબીનો અંશ ન્હોતો. જ્યારે માનસીને એ યોગાસનો શીખવતી વખતે સ્પર્શતો ત્યારે ક્યારેય માનસીને એના સ્પર્શમાં દાહકતા ન લાગતી. એક ઉષ્મા અનુભવતી માનસી.

-કેટલો ખ્યાલ રાખતો હતો એ મારો...!?

-ક્યાં છે અમર તું...?? ફક્ત એક વાર મારે તને મળવું છે...!! તારા મજબૂત વિશાળ ખભા પર મારું શિર ઢાળી, આંખો મીંચી તારું સાંનિધ્ય માણવું છે મારે...!!

અમરે આપેલ આશ્ચર્યો એને વારે વારે યાદ આવતા હતા.

એક વાર તો એણે ખરું કર્યું હતું!!

એન.એસ.એસ અન્વયે સેવા કાર્યોના બહાને અમરે એને છાત્રાલય પર બોલાવી હતી. એ જ્યારે છાત્રાલય પર પહોંચી ત્યારે એક રિક્ષામાં અમર એની જ રાહ જોઈ રહ્યો હતો, ‘બહુ મોડું કરી નાંખ્યું..!! ચાલ, બેસી જા...!!’

માનસી એને કદી કોઈ સામો સવાલ ન પૂછતી. એની આજ્ઞા ચઢાવી એ રિક્ષામાં બેસી ગઈ. પછી એ રિક્ષા પહોંચી હતી શાક માર્કેટ...!! ત્યાંથી અમરે એક કરંડિયો સફરજન અને એક કરંડિયો સંતરા ખરીદ્યા...!!

‘આટલાં બધા...!?’ માનસીને નવાઈ લાગી..

‘અરે...!! જોજેને, આ તો ઓછા પડશે..!!’

‘પણ...’

‘કોઈ સવાલ નહિ...’ હસીને અમરે કહ્યું, ‘સેવા માટે આવી છે ને તું...!? સેવામાં સવાલ નહિ...! એન.એસ.એસ એટલે રાષ્ટ્રિય સેવા..!! સમજી...!!’ અમરે એના માથા પર હળવેથી ટપલી મારી, ‘પગલી...!!’

અને એ રિક્ષા સીધી પહોંચી હતી મફતલાલ સિવિલ હોસ્પિટલે...!

‘ચાલ મેમસા’બ, આ ટોપલા ઉતારવા લાગ...!!’ બન્નેએ ટોપલા ઉતાર્યા. અમર માનસીને જનરલ વૉર્ડ તરફ દોરી ગયો. ત્યાં સારવાર લેતા દરેક દર્દીને એણે એક સફરજન કે એક સંતરું આપવાની શરૂઆત કરી...! વળી કેટલાંક દર્દીને તો એ નામથી પણ ઓળખતો હતો…!! એમની ખબર પૂછતો અમર કોઈ ફરિસ્તા સમ ભાસતો હતો... તો કોઈકને સાથે લાવેલ ચપ્પુ વડે સફરજન સમારી ટુકડા કરી પ્રેમથી ખવડાવતો કે કોઈને કપાળે પ્રેમથી હાથ પસવારી હાલ પૂછતો અમર કોઈ દેવદૂત જેવો લાગતો હતો. સ્ત્રી વૉર્ડમાં એણે માનસી પાસે ફળ વહેંચાવ્યા...એ વહેંચતા માનસીને જે અનુભૂતિ થઈ એ સાવ અકલ્પનીય હતી...! અવિસ્મરણીય હતી...

સિવિલ હોસ્પિટલેથી છાત્રાલયે આવતા માનસી સાવ ચુપ થઈ ગઈ હતી.

‘કેમ બોલતી બંધ થઈ ગઈ...!?’

‘તું કોણ છે અમર...?! તારા એવા કેટલા રૂપ છે...કે જેનાથી હું હજુ ય અજાણ છું...!?’ અહોભાવની લાગણીથી માનસી અમરને જોઈ રહી.

‘હું કોઈ નથી...જેવો છું, તેવો તારો છું!!’ પછી એ હસીને એ ગાવા લાગ્યો, ‘જેવો તેવો પણ હું તારો, હાથ પકડ માનસી મારો...!!’

‘આના પૈસા ક્યાંથી આવ્યા તારી પાસે...??’

‘કેમ? શું લાગે છે તને ?? મેં ક્યાંક હાથ માર્યો છે...!?’

‘ના...! પણ મારે એ જાણવું ન જોઈએ...?? તારી દરેક વાત મારે જાણવી ન જોઈએ...??’

‘અવશ્ય...દેવી... ’માનસીનો જમણો હાથ પસવારતા પસવારતા એ બોલ્યો…‘એ સરકારના પૈસા છે...!’

‘સરકારના...!?’

‘હા, જો તને તો ખબર જ છે ને કે મને બે બે સ્કૉલરશિપ મળે છે…! એટલે સરકાર તરફથી મહિને દોઢ હજાર રૂપિયા આવે.. મારી ફિસ્, હોસ્ટેલ, મેસના પૈસા તો મારા પપ્પા જ મને આપે! મેં એમને કહ્યું કે મને સ્કૉલરશિપના પૈસા મળે છે તો ફોરેસ્ટ કમિશ્નર ઓઝા સાહેબ કહે એ પૈસા તો તારા... તારે જેમ વાપરવા હોય એમ વાપરવાના...બસ, ખોટા માર્ગે ન વાપરતો... અને આ માર્ગે વાપરું છું હું. આ તો કંઈ નથી!! એ તો રાત્રે તું ન આવી શકે એટલે હોસ્પિટલે બોલાવી બાકી આજે રાત્રે વીસ બ્લેન્કેટ પણ વહેંચવાના છે...! દૂધિયા તળાવને સામે પાર આવેલ પેલા ભિક્ષુકગૃહમાં! જો ને, ઠંડી કેવી વધી રહી છે!?’

માનસી માઈક્રોબાયોલોજી સાથે બીએસસી થઈ ગઈ...નવસારી સેંટરમાં એનો પ્રથમ ક્રમ આવ્યો હતો. માનસીને ખુશીની સાથે સાથે રંજ પણ થઈ રહ્યો હતો...! હવે કૉલેજ જવાનું બંધ થઈ ગયું હતું...એટલે અમરને મળવાનું પણ સાવ ઓછું થઈ ગયું હતું...અમર સાથેના સંબંધ એ એના માતપિતાથી છુપાવવામાં અત્યાર સુધી સફળ રહી હતી. એક માત્ર સાહેલી અવનિને એ સંબંધની જાણ હતી. એને થતું કે પપ્પાને કહી દઉં અમર વિશે...પણ એ એના પપ્પાનો સ્વભાવ જાણતી હતી...એ કદી ય આ સંબંધને મંજૂર ન રાખે...! પપ્પાને તો કદાચ મનાવી પણ શકાય પણ મમ્મી...!! ના બાબા ના...! મમ્મી તો ક્યાં મારી નાંખે ક્યાં મરી જાય...!

-તો હવે??

માનસીને મૂંઝારો થવા લાગ્યો હતો...! અમર સાથેના સંબંધોનો કોઈ છેડો મળતો ન્હોતો...!

અવનિ સાથે પિક્ચર જોવા જવાની છું નું બહાનું બતાવી એ અમરના રૂમ પર આવી હતી.

અમરે એનો હાથ પકડી લીધો... પ્રેમથી હળવું આલિંગન આપતા કહ્યું... ‘સનમ, તને મળવાનું જો કોઈ મને બહાનું મળે તો જાણે જિંદગીની આ બાજીમાં હુકમનું પાનું મળે...!!’

‘વાહ !! …તો હવે કવિ પણ બની ગયો..!!બસ, એ જ બાકી હતું...!!’

‘ઇશ્કને હમકો નિકમ્મા બના દિયા વર્ના હમ ભી આદમી થે કામકે...!’ હસતા હસતા અમર બોલ્યો, ‘કેમ આવવાનું થયું મહોતરમા...!!’

‘અ...મ...ર...!’ ભીનો અવાજ કરતા માનસી બોલી, ‘મને અહિંથી કહીં દૂર લઈ જા...!’

‘માનસી...!!’ અમર પણ ગંભીર થઈ ગયો, ‘તું તારે ઘરે વાત કર...તારા પપ્પાને-મમ્મીને સમજાવ...એક વાર એઓ હા પાડે તો હું આવીને એમને મળીશ...! તારા હાથની, તારા સાથની માગણી કરીશ...!’ અમરના માતા-પિતાને તો કોઈ વાંધો જ ન્હોતો.

‘પણ અમર...!!’

‘સહુ સારાવાના થશે...! ધીરજ રાખ...!! લિસન, બે ગુડ ન્યૂસ છે...!! એક તો મારી થીસિસ સબમીટ થઈ ગઈ છે....અ....ને...’ થૂંક ગળી એ અટકી ગયો...એ જાણતો હતો કે એ સમાચાર સાંભળીને માનસી વધુ વ્યગ્ર થઈ જશે...

‘બોલને...’

‘ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ દેહરાદુનથી મારો ઈન્ટર્વ્યુ કોલ આવ્યો છે...રિસર્ચ સાયન્ટિસ્ટનો...!!’

માનસીએ એક ઊંડો શ્વાસ લીધો...! હળવેકથી પૂછ્યું, ‘ક્યારે છે... ઈન્ટર્વ્યુ....!?’

‘એક મહિના પછી...!!’

‘તું જરૂર સિલેક્ટ થઈ જશે...મને ખાતરી છે...!!’

‘જોઈએ, શું થાય છે...!!’

‘તું મને દહેરાદુન લઈ જજે...!! લઈ જઈશને...!? લગભગ રડી પડતા માનસી બોલી.

‘માનસી....માનસી...માનસી...’ અમરે માનસીના સુંવાળી કેશરાશિ સાથે રમત કરતા કહ્યું, ‘એમાં કોઈ શક છે...!? જો, હવે સમય થઈ ગયો છે સાંજ પણ પડી ગઈ છે તું જા..ઘરે..!! હિંમત રાખ. અને સાંભળ, ઓઝાસાહેબને ઘણા વખતથી નથી મળ્યો એટલે આવતી કાલે સવારની બસમાં આહવા જવાનો છું.’ એ એના પિતાને ઓઝાસાહેબ જ કહેતો અને માતાને બાસાહેબ, ‘પંદરેક દિવસ તો રહેવું પડશે. બાસાહેબ તો મને આવવા જ નથી દેવાના...અને એ તો તને જોવા માટે પણ ખૂબ જ આતુર છે...! પણ હાલે તો તું ઘરે જા..!’

‘તું પણ મને કાઢી મૂકવા માંગે છે...!?’ માનસી અમરની વધુ નજદીક ખસી…‘જા નથી જવાની...!!’

થોડો સમય અમર સાથે વિતાવી માનસી કમને એનાથી છૂટી પડી ઘરે આવી...! ઘરની બહાર સફેદ એમ્બેસેડર ઊભેલ હતી.

-તો ગુંણવતકાકા આવ્યા લાગે...! માનસીએ કારને ઓળખતી હતી. ગુંણવતરાય નાયક ગડત રહેતા હતા. માનસીના પિતા મનહરભાઈના ખાસ મિત્ર. બહુ પહોંચેલ માણસ હતા એ! નવસારી તાલુકા પંચાયતના પ્રમુખ હતા. દિલ્હી સુધી એમની પહોંચ હતી. એમનો ડ્રાયવર સોમો બહાર ઓટલા પર બેસી બીડી પી રહ્યો હતો...

‘સોમાકાકા, હવે તો બીડી છોડી દો. ફેફસાં ખવાય જશે...’ ઘરે કમ્પાઉન્ડમાં લ્યુના પાર્ક કરતા એણે હસીને ડ્રાયવરને કહ્યું અને એ ઘરમાં દાખલ થઈ.

‘કેમ છો...ગુણવંતકાકા...!? મારી શેરડી લાવ્યા...!?’ માનસીએ ગુણવંતરાય તરફ જોઈ હકથી પુછ્યું...! પછીથી એની નજર સોફા પર બેઠેલ એક અજાણ્યા યુવક પર પડતા એ સહેજ ખંચકાય ગઈ...!

‘અરે માનસી!! આખી ભારી લાવ્યો છું...!’ એમની બહોળી ખેતીવાડી હતી, ‘…અને ટોપલો ભરીને ચીકુ પણ...! બેસ, અહિં.’ એમણે સોફા પર એમની બાજુમાં ઠપકારતા કહ્યું... ‘તો...હવે પાર્ટી ક્યારે આપે છે...!? નવસારી સેંટરમાં ફર્સ્ટ આવી છે ને મારી દીકરી....!! તમારે મને કહેવું હતું ને પેપરમાં તારા ફોટા સાથે આપણે સમાચાર ચમકાવતે...! હજુ પણ કંઈ વહી નથી ગયું. મના, તું મને એના ફોટાઓ આપી દે. આ તો આપણા અનાવિલ સમાજનું ગૌરવ કહેવાય ગૌરવ ..!’ મનહરભાઈ તરફ જોતા એમણે કહ્યું.

માનસી એમની બાજુમાં બેસવું જ પડ્યું...પેલો યુવક એને જ તાકી રહ્યો હતો એટલે માનસીને થોડી બેચેની થતી હતી, ‘ના કાકા, મને એ બધું ન ગમે...!!’ માનસીએ કહ્યું, ‘અને એમાં મેં શી ધાડ મારી કે પેપરમાં આવે...!?’

‘કેમ નહિ...!? અને પેપરમાં આવે તો જ પછી તારા માટે સારા સારા છોકરાની વાત આવેને...!?’ હસીને ગુણવંતરાય બોલ્યા...ત્યારબાદ અચાનક યાદ આવ્યું હોય એમ કહ્યું, ‘અ…રે જો ને, તને ઓળખાણ કરાવવાની તો ભૂલી જ ગયો...! આ છે આકાશ..!! મારા ભાઈનો છોકરો...મારો એકનો એક ભત્રીજો...પેલું શું કહે નેફ્યુ...બરાબરને..!? એ ન્યુ જર્સીથી આવ્યો છે અહિં ફરવા માટે....!’

‘હા...ય...!’ આકાશે એની સાથે શેક-હેન્ડ કરવા હાથ લંબાવ્યો એટલે સ્વાભાવિક માનસી એ હસ્તધૂનન કરવું જ પડ્યું.

‘અ...રે...! ગીતાભાભી, આમ જ બેસીને વાતોના વડા ખાવાના છે કે પછી...?’ ગુણવંતરાયે ગીતાબેન તરફ ફરી કહ્યું...‘આ અમારા આકાશને તમારા હાથના વડા તો ચખાડો...!!’

પછી તો જાતની વાતો થઈ...! કૉંગ્રેસ...રાજકારણ...પાકિસ્તાન...શેરડીના ભાવ...મોંઘવારી....અમેરિકા... કછોલી...ગંગેશ્વર મહાદેવ...!!

વાત બદલી ગુણવંતરાય બોલ્યા, ‘તો... માનસી તને તો હવે રજા જ રજા...ચાલ, ગડત મારી સાથે...બે-ચાર અઠવાડિયા રહી જા...! આ આકાશને પણ કંપની રહેશે...!! શું કહે છે મના...!?’

‘મને શું વાંધો હોય...!?’

‘ના...ના... હમણાં નહિ...!’ માનસીને લાગ્યું કે એ ફસાય રહી છે...‘હું હમણાં નહિ આવું...!!’

‘તો...ઓ હમણાં નહિ ક્યારે આવવાની...??હોડીની પાંચમે...!?’ હસી પડતા ગુણવંતરાય બોલ્યા. ગુણવંતરાયે જાળ વધુ કસી.

માનસી ઊઠીને અંદરના રૂમમાં જતી રહી. એની પાછળ પાછળ એની મમ્મી પણ આવી. એને જોઈ એ ધીમેથી બોલી, ‘મમ્મી, મારે નથી જવું ગડત હમણાં..! બસ.. નથી જવું...!’

બહાર આવી ગીતાબેને કહ્યું, ‘ગુંણવતભાઈ, એને હમણાં નથી આવવું અને ગડત ક્યાં દૂર છે...!? એવું હોય તો...’

‘ઓકે...ઓકે...એને કહે આ ગુણિયાકાકા કંઈ એટલાં નગુણા નથી કે તને ઊંચકીને લઈ જાય... પણ બહાર તો આવ... બેટા...!! મને વાત કર. હવે તું હવે આગળ શું કરવાની છે? કંઈ નોકરી-બોકરી કરવાની હોય તો કહેજે..! આ ગુણિયાકાકા શાના માટે છે...એક અવાજ કરજે...!’

હસવાનો પ્રયાસ કરતી માનસી ફરી બહાર આવી. મનહરભાઈ અને ગીતાબેને ઘણો આગ્રહ કર્યો જમવા માટે...!!

‘બીજી વાર આવીશું...!! આ આકાશને થોડા કપડા લેવા છે, કંઈ કફની સુરવાલ એવું તે અપાવીને ગડત પહોંચી જાઉં. પાછું કાલે ગાંધીનગર જવાનું છે. આ રાજકારણ તો ભાઈ મારો જીવ લઈને રહેશે...!!’

‘તે છોડી દોને...!!’ હસીને માનસી બોલી.

બે-ત્રણ દિવસો એમ જ પસાર થયા. એ દરમિયાન માનસીની ઘરે ટેલિફોનનું પ્રથમ કનેક્શન આવી ગયું. માનસીની અકળામણનો કોઈ પાર ન્હોતો. અમર પણ આહવા ગયો હતો. આખો દિવસ ટીવી જોવાનો પણ કંટાળો આવતો..

એક સવારે એ ઊઠી ત્યારે મમ્મી રસોડામાં બરાબર કામે લાગી હતી. કામવાળી પણ સવારે વહેલી આવી ગઈ હતી. એ ઊઠી એટલે તરત એની મમ્મીએ કહ્યું, ‘ચાલ દીકરા.. આજે તારે મને રસોઈમાં મદદ કરવાની છે...!!’

‘કેમ...!?’

‘અ...રે !! તું કાલે સુઈ ગઈ પછી તારા ગુણિયાકાકાનો ફોન હતો...! એ અને એમના ભાઈ-ભાભી આજે જમવા આવવાના છે. તે ના થોડી પડાય...!?’

એઓ આવ્યા..એમની સાથે ગુણવંતરાય તો ખરા જ...! અને આકાશ પણ...!!

માનસીને હવે થોડો થોડો ડર લાગવા લાગ્યો હતો...! એને સમજ પડવા માંડી હતી કે આકાશ સાથે એના લગ્નની વાત ચાલી રહી છે અને એને કોઈ કંઈ કહેતું ન્હોતું! પપ્પાને અમેરિકાનું-પરદેશનું ઘેલું હતું. વારે વારે કહ્યા કરતા કે એક વાર અમેરિકા-લંડન પહોંચી જવાય તો પછી બસ જલસા જ જલસા...!!

-પપ્પા એને અમેરિકા જવાની નિસરણી બનાવી તો નથી રહ્યાને...!? એક પછી એક સમીકરણો ઊકલી રહ્યા હતા..એને ગભરાટ થઈ આવ્યો...હવે...!?

એક સાંજે પપ્પા બેંક પરથી ઘરે આવ્યા ત્યારે ખુશખુશાલ હતા. રેવાકાકીના પેંડા લઈ આવ્યા હતા. એક પેંડો એમણે માનસીના મ્હોંમા ખોસ્યો, ‘...માનસી...માનસી, તેં તો જંગ જીતી લીધો...!! આકાશને તું બહુ ગમી ગઈ છે...!! એઓ આવતીકાલે પહેરામણી લઈને આવવાના છે...!!’ પછી તો મનહરભાઈ નાચતા નાચતા ગાવા લાગ્યા, ‘ડમ ડમ ડિગા ડિગા મોસમ ભિગા ભિગા...મેરી દીકરી તો ચલી અમેરિકા...અમેરિકા!!’

માનસીના પગ તળેથી તો ધરતી જ સરકી ગઈ...!! પેંડાનો સ્વાદ જાણે સાવ કડવો થઈ ગયો...! ઝેર જેવો...!! એને થૂંકી નાંખવાનું મન થઈ આવ્યું.

‘મારે નથી જવું અમેરિકા...!’ ક્રોધથી એ ઊંચા અવાજે બોલી....!! પણ મોટ્ટે મોટ્ટેથી ગીત ગાઈ રહેલ મનહરભાઈના કાને તો જાણે એ અવાજ પહોંચ્યો જ નહિ...! એના રૂમમાં જઈ માનસી ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી.

-હવે...! ના, આમ તે કંઈ હોય...?? અ…રે!! મને તો કોઈ પૂછો...!

જમવા માટે મમ્મી એને બોલાવવા આવી ત્યારે એ મમ્મીને ભેટીને રડી પડી.

‘અરે...ગાંડી, રડે છે શા માટે...!? આતો કેટલા સારા સમાચાર છે!! જોને, તારા પપ્પા તો જાણે પાગલ જ થઈ ગયા છે...!’

-એ તો ખરેખર પાગલ જ છે...! સ્વગત વિચારી એ બોલી, ‘મમ્મી મારે લગન નથી કરવા. પ્લીઝ...!! તું સમજ...!!’

‘આજે નહિ તો કાલે લગ્ન તો કરવા પડવાના છે ને...!! આ તો ગુણવંતભાઈનું ફેમિલી. આપણું એકદમ જાણીતું...આકાશ એકનો એક છે. એક જ બેન છે. એ પણ પરણી ગયેલ. આકાશ પાછો અમેરિકન સિટીઝન છે એટલે તને સાથે જ લઈ જવાય એવા પેપર પણ લઈને જ એ લોકો આવેલ છે. ગુણિયાકાકાનો માણસ તારા પાસપોર્ટ માટે કાલે આવવાનો છે. ને કાગળિયા લઈને એ જાતે દિલ્હી જવાનો છે. દિલ્હીમાં એમના કનેક્શનને લીધે પાસપોર્ટ પણ એક-બે અઠવાડિયામાં આવી જશે એમ કહેતા હતા.’ જાળ માનસીની ફરતે વિંટળાઈ રહી હતી.

પહેરામણી પહેરાવાય ગઈ. લગ્નનું શુભ મુહૂર્ત જોવાઈ ગયું. ખરીદી ચાલુ થઈ ગઈ. મેન્યુ નક્કી થઈ ગયું... રસોઈઆ નક્કી થઈ ગયા.....!

માનસી બે-ત્રણ વાર છાત્રાલય પર જઈ આવી. અમર આહવાથી આવ્યો ન્હોતો. એનો ફોન નંબર શોધી એણે ફોન કરવાનો પ્રયત્ન કર્યો. પણ લાઈન જ ન મળી...

-મમ્મીને કહી દઉં....!??

-ના...જો મમ્મીને કહીશ તો તો મારા પર પહેરો લાગી જાય...! એક વાર અમર આવે તો એની સાથે સીધા દહેરાદુન પહોંચી જવાય પછી છોને...! માનસી વિચારતી હતી. અને અમર આવી ગયો. લગ્નની ખરીદીને બહાને એ નીકળી પડી. સીધી પહોંચી અમરના રૂમ પર...!!

‘અ...મ...ર...!!’ અમરને ભેટીને એ રડી પડી...અમરને પહેલાં તો કંઈ સમજ ન પડી.

‘જો હું આવી ગયો ને...? શા માટે રડે છે ? ચાલ, પાણી પીલે....ને વાત કર..!’

‘શું વાત કરૂં અમર...!? હવે વાત કરવા જેવું કંઈ રહ્યું નથી...વાતો કરતા રહીશું તો આપણે અલગ થઈ જઈશું!! ચાલ, આજે જ આપણે ભાગી જઈએ...દહેરાદુન... આહવા...વઘઈ...સુબિર...કોઈપણ જંગલમાં.. તું જ્યાં કહે ત્યાં આવવા હું તૈયાર છું...અત્યારે જ... અત્યારે ને અત્યારે જ..!’ રુદન પર માંડ કાબુ લાવતા માનસી બોલી.

‘પણ શું થયું એ તો વાત કર...!’

માનસીએ અમરને બધી વાત કરી. કોકડું ખરેખર ગૂંચવાયું હતું...

‘માનસી...ઓ મારી માનસી. હું તને ખોવા નથી માંગતો..તું તો મારો જીવ છે...આત્મા છે. તારા મમ્મી-પપ્પાને વાત કર આપણા પ્યારની. સમજાવ એમને.’

‘અ...રે..!! શું સમજાવું એઓને...? મારા પપ્પાને તો અત્યારથી જ અમેરિકા દેખાવા લાગ્યું છે!! મારો બલિ આપીને એમણે અમેરિકા જવું છે. ધિક્કાર આવે છે મને મારા પપ્પા પર...આઈ હેઈટ હીમ...!! આઈ હેઈટ માય મોમ..!!’

‘ના, માનસી એવું ન થાય...! આપણા જન્મદાતા છે એઓ...!! તું એકવાર પ્રયાસ કર...!’ અમરે માનસીને સમજાવતા કહ્યું. માનસીના અશ્રુઓ રોક્યા રોકાતા ન્હોતા.

‘ચાલ, ભાગી જઈએ...પ્લીઝ...ચાલને...બાસાહેબ તો મને અપનાવી જ લેશે...તું જ કહેતો હતો...!! કહેતો હતોને...!?’

‘માનસી, માનસી તું સમજ...આમાં બાસાહેબનો કે ઓઝાસાહેબનો સવાલ નથી. સવાલ તારા મમ્મી-પપ્પાનો છે.’

‘તો...?’

‘ધારોકે આપણે ભાગી જઈએ...હમણાં જ...!! પછીના પરિણામોનો વિચાર કર્યો છે તેં!?’

‘શું થશે...??’

‘તારા મમ્મી પપ્પાનો વિચાર કર...!’

‘એમણે મારો વિચાર કર્યો છે કદી...??’

‘એઓ શું કરશે એ વિચાર કર...’

‘..............’ મૌન થઈ ગઈ માનસી: મમ્મી તો મરી જ જાય...! કે પછી પાગલ થઈ જાય...!

‘તેં જ કહેલ કે તારી મમ્મી તો મરી જાય..!’ ચિંત્તાતુર અવાજે અમર બોલ્યો...

‘તો છો મરી જાય...!’ ગુસ્સે થઈ માનસી બોલી.

‘....ને એની ચિતાની રાખ પર તું તારો સંસાર સજાવવા માંગે છે...!?’ ધીમેથી અમર બોલ્યો, ‘ના, માનસી...ના.. આ રસ્તો નથી. આપણા મા-બાપની આહુતિ આપીને આપણે આપણો પ્રણયબાગ નથી ખીલવવો...!’

‘...તો પછી હું મરી જાઉં...!’ માનસી બોલી, ‘હું જ મરી જાઉં તો ન રહેગા બાંસ ન...’

‘બસ...માનસી બસ...!’ અમરે એના હોઠો પર હાથ મૂકી દીધો, ‘મરવાની વાત ન કર...!! મોત એ કંઈ ઊકેલ નથી...અંત છે...!!’

‘...તો ઊકેલ બતાવ...!!’

‘ઊભી થા, પ્લીઝ...!!’ અમરે બે હાથ પકડી માનસીને ધીરેથી ઊભી કરી. એનો જમણો હાથ પકડી અમરે પોતાના માથા પર મૂક્યો... એની આંખમાં પણ આછી આછી ભીનાશ તરતી હતી, ‘માનસી, ખા કસમ, તારા અમરની...કે કદી ય મરવાની વાત ન કરીશ...!!’ અમરના માથા પર હાથ મૂકી માનસી બોલી, ‘હું કસમ ખાઉ છું...કે...’

‘....કદી ય આત્મહત્યા ન કરીશ...એનો વિચાર પણ ન કરીશ...!’

માનસી એ રડતા રડતા દોહરાવ્યુ, ‘....કદી ય આત્મહત્યા ન કરીશ...એનો વિચાર પણ ન કરીશ...!’ અને અમરને જોરથી ભેટી એની વિશાળ છાતીમાં મ્હોં સંતાડી રડી પડી...અમરે પણ એને આલિંગનમાં ભીંસી દીધી...એની આંખોમાંથી પણ અશ્રુધારા વહી નીકળી... ક્યાંય સુધી બન્ને આલિંગનમાં જકડાયેલ જ રહ્યા...!! બન્ને એ સમજી ગયા હતા કે, રસ્તા હવે સર્વ બંધ થઈ રહ્યા હતા અને અલગ એમને કરવાના પ્રબંધ થઈ ગયા હતા...!!

-ઓ અમર...ઓ અમર!! એ કસમ જો એ દિવસે તેં ન આપી હોત તો...તો..આજે તારી આ પૂજારણ માનસી આમ જીવતી જ ન હોત...તેં તો મારો જીવ બાંધી લીધેલ...!! ક્યાં છે તું? છે ક્યાં!? અરે…જો, તારો જીવ તો મારા જીવમાં ભળી ગયો છે...!! તને છોડી નથી આવી હું...મારી ભેળા લઈને આવી છું તને...મારી રગ રગમાં તું સમાય ગયો છે...!! મારા અણુંએ અણુમાં તારો વાસ છે...સહવાસ છે...!! માનસીએ ટિસ્યુથી નાક સાફ કર્યું એની આંખમાંથી ધારાઓ વહી નીકળી હતી...!

અમરથી અલગ પડીને માનસી ઘરે આવી. આંસુંના સરોવરને એણે માંડ માંડ બંધ બાંધ્યો હતો. ઘરમાં લગ્નની ધમાલ ચાલતી હતી. ધીરે ધીરે નજદીકના સગા-વ્હાલા આવી રહ્યા હતા. બીજે દિવસે એણે એની મમ્મીને એના ઓરડામાં બોલાવી બારણું બંધ કર્યું.

‘શું છે...!? સવારે સવારે!! આજે તો સોનીને ત્યાં પણ જવાનું છે. નાનાલાલ ચોક્સીને ત્યાં..’ માતાને પુત્રીના લગ્નનો ભારે ઉમળકો હતો. ગીતાબેન જાણે પાંચ વરસ નાના થઈ ગયા હતા.

‘મ...મ્મી..! મારે આ લગ્ન નથી કરવા...!!’ મમ્મીનો હાથ પકડી રુદન પર કાબુ રાખી એણે કહ્યું... ‘મારે નથી પરણવું…’

‘કે...મ?? શું વાંધો છે આકાશમાં!? કેવો હૅન્ડસમ દેખાય છે !!’

‘એમ નથી...! મમ્મી...હું કોઈને ચાહું છું...!!’

જાણે વીજળી પડી ગીતાબેન પર...!!

‘શું બોલી..?? ફરી બોલતો...!!’ માનસીને ચાળા પાડતા એઓ બોલ્યા, ‘બોલી પડ્યા હું કોઈને ચાહું છું...!!’

‘હા, મમ્મી હું અમરને ચાહું છું...’ માનસીએ હિંમત કરી કહી જ દીધું, ‘મમ્મી, હું અમરને ખરેખર ચાહું છું...’

‘મરી ગયો તારો એ અમર-ફમર..!! ખબરદાર! બીજી વાર જો એનું નામ લીધું છે આ ઘરમાં તો...! ભવાડા કરવા તને કોલેજે મોકલાવતા હતા...!?’ ગીતાબેનની આંખમાંથી તણખા ઝર્યા અને જબાનમાંથી અંગારા...એમણે એમના અવાજને સંયત રાખવાની કોશિશ કરી હતી કે જેથી અવાજ ઓરડાની બહાર નહિ જાય.

‘મ…મ્મી...ઈ...ઈ…’ રડી પડતા માનસી મમ્મીને ભેટીને બોલી, ‘એક વાર એને મળી તો જો...પ્લીઝ...!!’

‘અમને મારી નાંખવા છે તારે...!? સમાજમાં નાક કપાવવું છે અમારું...!? શું સમજે તું પ્યારને...!? અમે તને પ્યાર કર્યો તે ખોટો...!? ભણી-ગણી મોટી કરી તે આ માટે...!? તેં જો કંઈ આડું અવળું કર્યું છે ને તો તારી આ માનું મરેલું મ્હોં જોવા પણ આ ઘરમાં પગ ન મૂકીશ...!’ ગીતાબેન પણ રડી પડ્યા, ‘આ જ બાકી હતું સાંભળવાનું તારા મ્હોંએથી...?? તારા પપ્પા તને દીકરો મારો, દીકરો મારો કરે અને દીકરાએ તો....’ ગીતાબેનના શબ્દો રુદનમાં વહી ગયા.

બે હાથો વડે માનસીના બાવડાથી પકડી એક રોષભરી નજરે નિહાળી ગીતાબેને કહ્યું, ‘આજ પછી તારે એકલા ઘરની બહાર જવાનું બંધ...સમજી...!? બહુ છૂટ આપી રાખી છે તને તારા પપ્પાએ...!! ને બીજી વાર પ્યાર-ફ્યારની વાત કાઢી છે ને તો મારાથી બૂરું કોઈ ન હશે એ બરાબર સમજી લેજે...!’ ધક્કો મારી માનસીને એની પથારીમાં હડસેલી જુસ્સાથી ગીતાબેન જોરથી દરવાજો બંધ કરી રૂમની બહાર નીકળી ગયા.

પથારીમાં ફસડાયને માનસી રડતી રહી એના ભાગ્યને...!

મમ્મીએ એના પર નજર રાખવાની બરાબર વ્યવસ્થા કરી દીધી. કોઈને કોઈ તો સાથે હોય, હોય ને હોય જ. લગ્નની સર્વે તૈયારીઓ થઈ ગઈ હતી. સોસાયટીમાં મોટો મંડપ બંધાય રહ્યો હતો. હાથમાં મહેંદી મુકાય ગઈ...અને આવતી કાલથી પીઠીની વિધી હતી. માનસીનું હાસ્ય વિલાય ગયું હતું. મમ્મી કહેતી: જરા હસતું મોઢું રાખ...!પપ્પા પણ કહેતા કે હસ દીકરા...પરંતુ કેવી રીતે હસી શકે માનસી...??

સેવ મુહૂર્તને આગલે દિવસે, લગ્નના ત્રણ દિવસ પહેલાં માનસીએ એની મમ્મીને એક ખૂણામાં બોલાવી, ‘હું અત્યારે અમરને મળવા જાઉં છું!!’ એના અવાજની મક્કમતા એ મમ્મીને ડરાવી દીધી, ‘હું કંઈ એની સાથે ભાગી નથી જવાની...!!સમજી...!? જો ભાગી જ જવાની હોત તો કે’દીની ભાગી ગઈ હોત તારી આ ફાની દુનિયાથી દૂર એની સાથે!’

પોતાનામાં આવેલ હિંમતથી માનસીને ખુદને નવાઈ લાગતી હતી, ‘તારા પર, આ ઘર પર એનો ઉપકાર છે...કે આ મંડપ આમ સજી રહ્યો છે અને લગ્નના મંગલ ગીતો ગવાય છે નહિતર આજે મારા નામના મરશિયા ગવાઈ રહ્યા હોત...!’ માનસી હવે અટકે એમ ન્હોતી આજે, ‘મારી સાથે કોઈને મોકલવાની જરૂર નથી. તારે જે બહાનું બતાવવું હોય તે બતાવજે તારા સગલાંઓને...સમજી...?? હું બે-ત્રણ કલાકમાં તો પાછી આવી જઈશ. રિક્ષા કરીને જવાની છું અને રિક્ષામાં પાછી આવીશ...જરૂરથી પાછી આવીશ અને તેં જે મારી આ ચિતા સળગાવી ને છે એના પર હસતા હસતા ચઢી જઈશ..!!’ કમ્પાઉન્ડનો દરવાજો ખોલી માનસી સડસડાટ બહાર નીકળી ગઈ અને મમ્મી એને જતી જોઈ જ રહ્યા...સાવ અવાક્ બનીને...

એ સીધી પહોંચી હતી અમરના રૂમ પર.

વેકેશન હોય છાત્રાલય લગભગ ખાલી થઈ ગયું હતું. અમરના રૂમના બારણા દર વખતની જેમ અમસ્તાં જ બંધ હતા અને અંદરથી આવતો શિવકુમાર શર્માના સંતુરનો મીઠો મીઠો અવાજ કેવડાની સુવાસને વધુ માદક બનાવતો હતો. માનસીના મનમાં જાતજાત વિચારોનું તુમુલ યુદ્ધ ચાલી રહ્યું હતું. એણે ચુપકીદીથી બારણું ખોલ્યું...ઈન્ટર્વ્યુ માટે અમર માર્કશીટ વગેરે ફાઈલ કરી રહ્યો હતો. એની પીઠ બારણા તરફ હતી...! કદીય અંદરથી બંધ ન કરાતા એ બારણાને આજે માનસીએ ધીરેથી બંધ કર્યું. અમર એની તરફ ફર્યો...માનસીના શ્વાસોની ઝડપ વધી. એણે એની નીલરંગી સાડીનો છેડો એના સુકોમળ તન ઉપરથી ઉતાર્યો અને ફરસ પર પડવા દીધો..!! માનસીએ એની કંચુકીના બટણો હળવેકથી ખોલ્યા...!! માનસીના ભારે શ્વાસ હવે લયબદ્ધ રીતે એના ઉન્નત ઉરોજને ઊંચાનીચા કરતા હતા..!! નીલરંગી સાડીમાં લપેટાયેલ અર્ધ અનાવૃત્ત માનસી કોઈ જળપરી સમ ભાસતી હતી...!! માનસીએ આંખો બંધ કરી દીધી હતી...!! સાગરને મળવા જતી સરિતાનો તલસલાટ એના શરીરને હળવે હળવે કંપાવી રહ્યો હતો. એના સહેજ સુકા પ્યાસા અધરો ખૂલી ગયા હતા...!! અમરના હોઠ પોતાના હોઠને સ્પર્શે એની રાહ જોતી...અમરમાં સમાય જવાની અદમ્ય તૃષ્ણા સાથે આંખો બંધ કરીને અમરને ઇજન આપી એના માટે વલવલતી ઊભી હતી.. સમય જાણે થંભી ગયો હતો...!!

અમર ધીમેથી એના સ્થાન પરથી ઊભો થયો અને નાના નાના ડગલા ભરી એ માનસી પાસે ગયો. ફરસ પર પડેલ સાડીનો પાલવ એણે ઋજુતાથી માનસીના શરીરની ફરતે લપેટ્યો..એના શ્વાસો પણ તેજ તો થયા જ હતા. માનસીના કપાળે એણે એક ચુંબન કર્યું.

હળવેકથી માનસીના કાનમાં કહ્યું, ‘માનસી…મારી માનુ..., જાગ..વ્હાલી..!!’ માનસીના મહેંદી ભરેલ હાથોની હથેળીમાં એણે ચુંબનો કરતા કહ્યું, ‘આ મહેંદીના પવિત્ર રંગમાં દાગ લગાવી મારે તને અપવિત્ર નથી કરવી...આપણા પાવન પ્રેમને વાસનાનું કલંક નથી લગાવવાનું આપણે..! આપણે પ્રેમ કર્યો છે...કરતા રહીશું...ભવોભવ..! મનના અગાઢ મિલન સમક્ષ તનનું ક્ષણિક મિલન સાવ ક્ષુલ્લક છે....! હું જાણુ છું કે તારો અને મારો પ્યાર એ કંઈ ઊછળતા મોજા જેવો ઉન્માદ નથી. એ તો એક શાંત, નિતાંત, સતત ખળ ખળ વહેતા ઝરણા જેવી સચ્ચાઈ છે. એક સનાતન સત્ય છે આપણો પ્રેમ.’ ડૂસકું રોકી અમર બોલ્યો, ‘જો, તારા મહેંદી ભરેલ હાથ મારા હાથમાં આવ્યા ને હું ય રંગીન બની ગયો...!’ એ મહેંદીથી મઘમઘતી હથેળીઓમાં ચૂમીઓ ભરતા ભરતા અમર હસતા હસતા ડૂસકે ડૂસકે રડી પડ્યો...!! એની આંખોના એ પવિત્ર આંસુંઓમાં ક્યાંય ખારાશ ન્હોતી.

અમરની ખાદીની કફની બે મુઠ્ઠીમાં પકડી માનસી ફરસ પર ફસડાય પડી. એમ કરતાં અમરની કફની ફાટી ગઈ...માનસીનો આવેગ સમી ગયો...શાંત થઈ ગયો...એ હીબકાંઓ ભરવા લાગી. ઊભી થઈ એની સમક્ષ ઊભેલ અમરને ચહેરા પર...હોઠ પર...આંખ પર...ગાલ પર...ગરદન પર ચુંબનો પર ચુંબનો કરવા લાગી. એના નર્યા સ્નેહની હેલીમાં અમર તરબતર થઈ ગયો..

‘મને માફ કરી દે...!’ અમરને એકદમ આઘોષમાં લેતા માનસી રડી પડી. જાણે એ કદીયે એને છોડવાની જ ન હોય...

‘શા માટે તું માફી માંગે છે...?? તેં ક્યાં કોઈ ગુન્હો કર્યો છે ?? તેં તો પ્યાર કર્યો છે અને આજે એ પ્યારની પવિત્રતાની, સચ્ચાઈની કસોટી કરી છે.’ અમરે એના વાંસે પ્રેમથી ધીરે ધીરે હાથ પસવારતા કહ્યું.

‘તું મને ભૂલી જ...જે...’ ફરી આંખ ભીની થઈ ગઈ માનસીની.

‘આપણા શાશ્વત પ્યારની કોઈ વિસાત નથી ને તને વીસરી જવું એ હવે મારા હાથની વાત નથી.’ એની સાડી સરખી કરતા અમર બોલ્યો, ‘…અને આપણે શા માટે એક બીજાને ભૂલી જઈએ !?’ માનસીના માથા પર પ્રેમથી હાથ પસવારતા, એની વિખેરાયેલ કેશરાશિને વ્યવસ્થિત કરતા અમર બોલ્યો, ‘તેં તો મને જીવવાનો મકસદ આપ્યો છે. તેં મને બહુ આપ્યું છે. હવે એક છેલ્લું વચન આપણે સાથે લેવાનું છે. પ્રેમના દેવતા મુરલીમનોહરની સાક્ષીએ આપણે એક બીજાને વચન આપીએ કે આપણે આપણા જીવનસાથીને સુખી કરીશું...એમાં આપણા પ્યારને વચ્ચે ન લાવીશું...જીવન એ પ્રભુની મહેર છે. એ આપણે શક્ય હોય એટલી લહેરથી જીવી જઈશું...કોઈ પણ ફરિયાદ વિના..!!’

અમરે માનસીને પાણી આપ્યું, ‘ચાલ, લગ્નના ઘરે કન્યા લાંબો સમય ગેરહાજર રહે એ સારું નહિ! કેવી રીતે આવી છે? લ્યુના તો નથી લાવીને...?’ ગાલ પર વહી નીકળેલ સરવાણીને પ્યારથી લૂંછી.

‘અમર...અમર...અમર..! કેવી રીતે લાવે છે તું આટલી સ્વસ્થતા..? ક્યાંથી લાવે છે તું આટલી સ્વસ્થતા..?’ અમરને ફરી બાથમાં ભરી લેતાં માનસી ફરી ડૂસકાં ભરવા લાગી.

‘હું ય માણસ જ છું.’ નજર નીચી કરી અમર બોલ્યો, ‘સનમ, હું કોઈ સાધુ કે સંત પણ નથી…ને બેમોસમ આવું એવી વસંત પણ નથી. ચાલ, મારામાંનો કાપુરુષ જાગી જાય એ પહેલાં તને ઘરે મોકલાવી દઉં અને જો, આજની રાતના દહેરાદુન એક્ષપ્રેસમાં હું પણ દહેરાદુન જનાર છું.’

પછી તો રિક્ષા કરી અમર માનસીને સોસાયટીના દરવાજા સુધી મૂકી આવ્યો.

છેલ્લી મુલાકાત હતી આ માનસીની અમર સાથે...એને ડૂબતી બચાવી હતી અમરે...! અમર પ્રત્યેની એની લાગણી હવે એક પૂજાના રૂપમાં ધીરે ધીરે પરાવર્તિત થઈ રહી હતી. એક દેવતાનું સ્થાપન થઈ ચુક્યું હતું એના મનમંદિરમાં...અમર કહેતો જીવન વર્તમાનમાં જીવાય છે. વર્તમાનની દરેક પળને માણો..તો ભવિષ્ય ઉજ્જ્વળ જ હશે.

માનસીને ધારવા કરતા વહેલી પાછી આવેલ જોઈને એની મમ્મીના જીવમાં જીવ આવ્યો. એ રાત્રીએ ગરબા-ડિસ્કો દાંડિયાનો કાર્યક્રમ હતો. એમાં માનસી મૂકીને નાચી. રાધાના ક્યાં કૃષ્ણ સાથે લગ્ન થયેલા...!! રાસ રમતા રમતા એણે વિચાર્યું...મીરાંએ ક્યાં માધવને નિહાળ્યો હતો...!! એ તો પ્રેમ દિવાની હતી..!! માનસી પણ પ્રેમ-દિવાની જ હતીને...!! એરી મેં તો પ્રેમદીવાની મેરા દરદ ન જાને કોઈ...!! ગાયકવૃંદ પાસે જઈ એણે મીરાંનું આ ભજન ગાવાની વિનંતી કરી...! એને સહુએ આકાશ પ્રત્યેના પ્યારના રૂપમાં સમજીને વધાવી લીધું અને સહુએ એની વાહ વાહ કરી. આકાશને ડિસ્કો દાંડિયાના સ્ટેપ સમજાવતી માનસીને નિહાળી ગીતાબેને ગંગેશ્વર મહાદેવ જઈને દશહજાર બિલ્લીપત્ર ચઢાવવાની બાધા લીધી.

લગ્ન પ્રસંગ રંગેચંગે પતી ગયો. માનસીનો પાસપોર્ટ આવી ગયો. મુંબઈના બે-ત્રણ આંટા થયા આકાશ સાથે અમેરિકન કોંસ્યુલેટ જનરલ ખાતે. લગ્નના પુરાવા, ફોટાઓ, વીડિયો વગેરે રજૂ કરાયા અને માનસીને વિઝા મળી ગયા અને માનસી આવી પહોંચી અમેરિકા. માનસીએ વર્તમાનમાં જીવવાનું શીખી લીધું હતું. શીખવા માંડ્યું. સાવ નવી જ દુનિયા હતી અમેરિકામાં...! જિંદગીને એને નવા નવા અનુભવ કરાવતી હતી. જેવી છે તેવી જિંદગી અપનાવી લેવાનો એ પ્રયાસ કરતી હતી.

આકાશ સાથે એ પોતાની જાતને જોતરવાનો પ્રયત્ન કરતી. પણ ક્યાંક કંઈ ખૂટતું હતું. ડુંગળીના પડળો એક પછી એક ખૂલે એમ આકાશની વિકૃતિઓ બહાર આવી રહી હતી. એને જોઇતી વસ્તુઓ સમયસર ન મળે તો એનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જતો. દરેક વસ્તુઓ એને હાથમાં જોઇતી. માનસીને એ પત્ની નહિ પગની જુતી સમજતો હતો. ડ્રાઇવિંગ શીખવતી વખતે જો કોઈ ભૂલ થઈ જાય તો અંગ્રેજીમાં ગંદી ગંદી ગાળો દેતો. માનસી જાણે એની દાસી હોય એમ વર્તતો આકાશ માનસીના મનમાં સ્થાન કેવી રીતે પામી શકે...! છતાં માનસી પ્રયત્ન કરતી.

સાવ આવા જીવનની કલ્પના નો’તી કરે એણે.

અહિં અમેરિકામાં બધું જ મોટું મોટું હતું પરતું માણસોના દિલ બહુ નાના હતા. અરે!! દિલ જ ન્હોતા...!! ક્યાં જાય માનસી...!? કોને કહે એના દુઃખની વાત માનસી...?? એનું પોતાનું કહેવાય એવું કોઈ જ ન્હોતું...! આકાશને ખુશ રાખવાનો હર પ્રયત્ન એ કરતી... પણ કોઈ અગમ્ય માનસિક વિટંબણાથી પીડાતો આકાશ એને વધારે પીડા જ આપતો...એના સુંદર શરીર પર, કોમળ અંગો પર આકાશ જ્યારે બચકા ભરતો અને પીડાથી એ ચીસ પાડતી તો આકાશ ખુશ થતો. માનસીના સંગેમરમરી શરીર પર રક્તવર્ણા ચકામાંઓ ઊપસી આવતા. એને પીડા થતી અને આકાશને પોતાના પાશવી પૌરુષ પર ગર્વ થતો...! પ્રેમની એની વ્યાખ્યા હતી: સેક્સ...ઉપભોગ..સંભોગ...!! જે અક્ષત તનને લઈને એ આવી હતી એ દરરોજ ચૂંથાતું હતું...!! લગભગ રોજ થતા પતિ દ્વારા બળાત્કારનો એ ભોગ બનતી!! એની લાગણીઓની કોઈ કિંમત ન્હોતી આકાશને...!! માનસીને ઊબકા આવે એવી વિકૃત કામક્રીડાઓ કરવી પડતી. ન થાય તો ઉપરથી મણ મણની ગાળો પડતી.

રડી રડીને હવે તો આંસુંઓ પણ સુકાય ગયા હતા.

આકાશના માતા-પિતા પણ આકાશને કંઈ જ કહી ન શકતા. સાસુ તરફથી પણ મ્હેંણા-ટોણા જ સાંભળવા પડતા. આકાશ એની ફરિયાદ એની મા શારદાબેન આગળ કરતો રહેતો. કહેતો કે, તારે લીધે, એની માને લીધે એણે આ ગમાર સાથે લગ્ન કર્યા છે...!! એણે તો લગ્ન જ કરવા ન્હોતા. શારદાબેનને પણ માનસીમાં ઊણપ જ દેખાતી. લૅબ ટેકનિશિયનની નોકરીના બે-ત્રણ ઈંટર્વ્યુ આપવા છતાં એને નોકરી ન મળી ત્યારે એની મજાક ઉડાવતા આકાશે કહ્યું, ‘પૈસા આપીને ટોપર બની હતી કે શું...??નવસારી સેંટરમાં તો ફર્સ્ટ આવી હતી!! અહિં ક્યાં હવા નીકળી ગઈ?’

સમય પસર થતો હતો. ઘરકામ કરી કરીને માનસી થાકી જતી. સાસુ વાંધાવચકાઓ કાઢયા કરતી. સસરા સુમનભાઈનું સાસુ આગળ આકાશ સમક્ષ કંઈ ઊપજતું ન્હોતું. એઓ સમયસર નોકરીએ જતા. કોઈ કંપનીમાં એકાઉંટંટ હતા. સમયસર આવતા. મૌન મૌન જમી લેતા. ટીવી જોઈને સૂઈ જતા. શનિરવિ રજાઓમાં મોટેલમાં બીજી નોકરી કરતા. એમનો કોઈ અવાજ ઘરમાં સંભળાતો ન્હોતો. પોતના જ ઘરમાં જાણે એ મહેમાન બની રહેતા હતા.

થોડા પ્રયત્ન બાદ માનસીને સેંટ મેરી હોસ્પિટલમાં લૅબ-ટેકનિશિયનની નોકરી મળી ગઈ.. એને થયું ચાલો, હવે તો દિવસો સુધરશે...!! તો આકાશની નોકરી છૂટી ગઈ. એને લે-ઑફ મળી ગયો. એ કહેતો, ‘હવે મારે કામ કરવાની શી જરૂર છે...?? ઘરમાં પગાર તો આવતો થઈ ગયોને...! ને સરકાર તરફથી અનએમ્પલોયમેંટ મળે છે.’ આખો દિવસ એ ટીવી જોયા કરતો, સુઈ રહેતો અને રાત્રે થાકીને આવેલ માનસીનું શરીર ચૂંથતો.

માનસીને મરી જવાનું મન થતું...અમરને યાદ કરીને રાતોની રાતો જાગતી રહેતી. છત તાકતી રહેતી. દિવ્ય પુરુષ છોડીને એક કાપુરુષને પડખે પડેલી માનસી ધીરે ધીરે અંદરથી મરી રહી હતી. ના, એણે મરવું ન્હોતું...અમરે કહેલું: જીવન એ પ્રભુની મહેર છે. એ આપણે શક્ય હોય એટલી લહેરથી જીવી જઈશું...ઓ અમર, કેવી રીતે કરૂં લહેર...!? તું જ કહે કેવી રીતે...?? આંસુંઓથી તકિયાના ગલેફ ભિંજાય જતા. હવે નોકરી પણ હતી અને ઘરનું બધું જ કામ માનસીએ કરવું પડતું...રસોઈ..લોંડ્રી...વેક્યૂમ...અરે..બાગકામ પણ એણે જ કરવું પડતું. ઘાસ કાપવું પડતું. વિંટરમાં સ્નો પણ એણે જ સાફ કરવો પડતો. પોતાની જાતને એણે કામમાં જોતરી દીધી જેણે એક પ્યાલો પાણીનો સાફ નહિ કરેલ એણે ઢગલો વાસણો સાફ કરવા પડતા.

‘ડિશ–વોશરમાં તો પાણી બહુ વપરાય જાય...’ એની સાસુ કહેતી, ‘અહિં પાણીના ય પૈસા આપવા પડે છે આ કંઈ નવસારી નથી, ન્યુ જર્સી છે...નટલી છે...!!’ એમનું ત્રણ બેડરૂમનું હાઉસ હતું નટલી ખાતે...!! શનિ-રવિ રજાઓમાં એની નણંદ ટપકી પડતી એને માટે અઠવાડિયાની રસોઈ બનાવવી પડતી. એ બધું ખાવાનું પિયરથી જ લઈ જતી અને ફ્રોઝન કરી દેતી. એની નણંદની પોસ્ટઑફિસમાં જૉબ હતી. એને સમય ન્હોતો મળતો એમ એ કહેતી. ક્યાંય પ્યાર, સહકાર ન્હોતો અહિં અમેરિકામાં. લોકોના દિલ સાવ પોલાં હતા...ખોખલા હતા...ઉપર ઉપરની ચમક હતી અહિં... સ્વાર્થી મતલબી દુનિયા હતી અહિં. ડોલર પાછળ સહુ પાગલ બની દોડતા હતા. માણસાઈનું નામોનિશાન ન્હોતું...સર્વના સુખોની વ્યાખ્યા અલગ હતી...!! એણે નવસારી એના મમ્મી પપ્પાને જરા જાણ થવા દીધી ન હતી કે એ દોજખમાં જીવી રહી છે. ક્યારેક પપ્પાનો ફોન આવતો. એ વાતો કરતી હસી હસીને. પપ્પા પૂછતા, ‘અમારી ફાઈલ ક્યારે કરવાની?? સિટીઝન ક્યારે થવાની?’

એ કહેતી, ‘જલદી સિટીઝન થઈ જઈશને ફાઈલ કરીશ..!’

-ઓ પપ્પા!! તમે શું જાણો મારી હાલત..!?

અને એ દિવસ આવી પહોંચ્યો જ્યારે એને ખબર પડી કે એ મા બનાવવાની છે. એની ખુશી નો કોઈ પાર ન્હોતો.

‘આઈ એમ પ્રેગ્નનંટ...!!’ એક સાંજે આકાશનો સારો મિજાજ જોઈ એણે આકાશને કહ્યું.

છેલ્લા થોડા સમયથી આકાશને દવા બનાવતી એક કંપનીમાં પેકેજીંગ ડિપાર્ટમેંટમાં નોકરી મળી હતી. નિર્લેપ રહી એ બોલ્યો, ‘સો..!?’

-કેવો માણસ છે આ...!? માનસી એ વિચાર્યું. એ ચુપ જ રહી. પણ એના તનબદનમાં જાણે હજારો બટમોગરા પાંગરી રહ્યા હતા. હવે એ આનંદમાં રહેવાનો પ્રયત્ન કરતી!! જીવન જીવવાનું એક કારણ મળી ગયું હતું એને...!! હોસ્પિટલની લૅબમાં એની નોકરી બરાબર ચાલતી હતી અને સારી કામગીરીને કારણે એનો પગાર પણ વધ્યો હતો. એ સુપરવાઈઝર બની ગઈ હતી. આજે એના હાથમાં એના બાળકનું સોનોગ્રાફિક ચિત્ર આવ્યું. લેડી ડૉક્ટર સ્ટેફનીએ કહ્યું, ‘કોંગ્રેટ્સ...માનસી...! યુ હેવ એ ક્યૂટ બેબી ગર્લ લાઈક યુ..!!’

ફિલ્મમાંની એ ઝાંખી બાળ પ્રતિકૃતિને માનસી નિહાળી જ રહી. એક બીજી માનસી આકાર લઈ રહી હતી એની અંદર... એણે એક ચુંબન કર્યું સોનોગ્રાફીની એ ફિલ્મને...!! અને હળવેથી હાથ ફેરવ્યો એના પેટ પર અને બોલી, ‘આઈ લવ યુ...માય ડોટર..!!’

ડૉક્ટર પણ હસી પડ્યા. કાર ચલાવી એ ઘરે આવી. હાથમાં એ ફિલ્મનું મોટું એન્વલપ હતું. એ એણે સાચવીને લાગણીથી પકડ્યું હતું! સાસુ શારદાબેન પણ કામ પરથી આવી ગયા હતા અને ચા પી રહ્યા હતા. માનસીના હાથમાં એન્વલપ નિહાળી પૂછ્યું, ‘શું છે....?’

માનસીને એમના સવાલની સમજ ન પડી...!! એણે પ્રશ્નાર્થ નજરે એમના તરફ જોયું.

‘રિઝલ્ટ શું છે...!?’

‘બેબી ગર્લ...!’ હસીને માનસીએ કહ્યું.

સાસુએ મ્હોં મચકોડ્યું. માનસીને એ ધ્યાનમાં ન આવ્યું. સાંજે આકાશ આવ્યો કામ પરથી. માનસીએ લાપસી રાંધી હતી આજે...એ ખુશ હતી. સાસુનું મ્હોં ચઢી ગયું હતું. આકાશને જમાડી એ જમવા બેસી. હવે રોજ ધીરે ધીરે ખોરાક વધારવો પડશે. એણે રોજ કરતા બે-ત્રણ કોળિયા વધારે ખાધા. વાસણ સાફ કરી બીજા દિવસે કામ પર લઈ જવા માટે ચાર જણાના લંચબોક્ષ તૈયાર કરી એ લિવિંગ રૂમમાં આવી. સસરા સુમનભાઈ આજે ઓવરટાઈમ કરવાના હતા એટલે રાત્રે મોડા આવવાના હતા.

આકાશ ટીવી જોતો બેઠો હતો. એ ઊભો થયો અને અંદરના એમના રૂમમાંથી પેલું એન્વલપ લાવી માનસી પર ફેંક્યું, ‘ગેટ રીડ ઑફ ઈટ..!’

‘વ્હોટ...??’ માનસી ચોંકી ગઈ. એ ધ્રૂજી ઊઠી અંદરથી બહાર સુધી. વલોવાય ગઈ અંદરથી બહાર સુધી.

‘યસ..., આઈ ડોંટ વોંટ ગર્લ...!!’ પછી એ બરાડ્યો, ‘અંડરસ્ટેંડ...?? યુ બીચ...!!’

‘એપોઈંટમેંટ લઈ લેજે જલદીથી...’ સાસુએ કહ્યું, ‘મોડું થાય તે પહેલાં...!’

‘બા..!! તમે પણ...?’ માનસીને નવાઈ લાગી, ‘તમે પણ...?’

ઊઠીને રડતી રડતી એ એના રૂમમાં જઈ પથારીમાં પડી રડવા લાગી. આખી રાત એ રડતી રહી. સવારે ઊઠવાનું મન પણ ન થતું હતું. એના પર ગર્ભપાતનું દબાણ વધી રહ્યું હતું...પણ એ હવે મક્કમ થઈ ગઈ હતી. બહુ સહન કર્યું.

‘વોટ ડીડ યુ ડિસાઈડ...!? ક્યારે નિકાલ કરે છે...??’

‘શાનો...? આકાશ, જરા સમજ એમાં તારો પણ અંશ છે.’

‘વોટ અંશ...!? આઈ ડોંટ વોંટ...ગર્લ...!!’ માનસીનો કાંઠલો પકડી આકાશ જોર કરી કરાંઝ્યો. ધક્કો મારી ગુસ્સામાં એની કારમાં બેસી ગયો. માનસી ફરસ પર ફસડાય પડી હતી.. એને પણ નોકરીએ જવાનું હતું. મ્હોં ધોય એણે પણ એના કામ પર જવા માટે કાર ચાલુ કરી. આખો દિવસ કામ કરી સાંજે જ્યારે માનસી ઘરે આવી ત્યારે વાતાવરણ તંગ હતું. જાણે કંઈ ન થયું હોય એમ માનસી કામે લાગી. જમી પરવારી એ લિવિંગ રૂમમાં આવી. આકાશે ટીવી બંધ કરી એના તરફ વિચિત્ર નજરે જોયું અને બોલ્યો, ‘ક્યારે એપોઈંટમેંટ લે છે કે પછી હું લઉં...!? મોમ, તને ક્યારે ડે ઑફ છે ??’ એની મા તરફ જોઈ એણે પૂછ્યું.

‘નેવર...! રાક્ષસ છે તું...!ખૂની છે...!! હું કદી એબોર્શન કરાવવાની નથી...યુ બેટર અંડરસ્ટેંડ...!!’

‘વ્હોટ કેન યુ ડુ...??વ્હોટ...??’

‘આઈ કેન ડુ એનીથિંગ ફોર માય ડોટર...!! આઈ મીન ઈટ...!’ ક્રોધને કારણે, રોષને કારણે માનસી ધ્રૂજતી હતી, ‘ઈફ યુ એન્ડ યોર સ્ટુપિડ મોમ વિલ સ્પિક એબાઉટ એબોર્શન...યુ બોથ વિલ બી ઈન ધ જેલ...!આઈ વીલ કોલ ધ પોલીસ...!! એંડ એક્ષપ્લેઈન એવરીથિંગ...!!’ એ ફોન પાસે ગઈ અને ફોનનું રિસીવર ઊંચક્યું.

સહમી ગયો આકાશ..! ઘીસ ખાય ગયા શારદાબેન..! આંખમાં આક્રોશ સાથે, હૈયામાં માતૃત્વની હિંમત સાથે હાથમાં ફોન લઈને ઊભી રહેલ માનસી રણચંડી સમ ભાસતી હતી. એના હાથમાં ફોન નહિ પણ જાણે માતાજીનું ત્રિશૂળ હતું.

ફોન પકડી બન્ને તરફ માનસી થોડી વાર જોતી રહી, ‘વ્હોટ ડુ યુ વોંટ...?? ડિસાઈડ...બા, શું વિચારો છો...? જવું છે જેલમાં કે પછી મારી સેવાનો લાભ લેવો છે. બહુ સહન કર્યું પણ ખબરદાર મારી દીકરીને જો હાથ અડાડ્યો છે તો મારાથી બૂરું કોઈ નથી એ સમજી લેજો...તમે બન્ને...!’

ત્યારબાદ નેહાનો જન્મ થયો.માનસીના આનંદની કોઈ પરિસીમા ન્હોતી. નાનકડી પરી આવી હતી એના સુકા જીવનમાં બહાર બનીને...!! એ પરી આજે તો ડૉક્ટર નેહા બની ગઈ હતી.

-અરે...!! કાલે તો નેહા આવવાની હતી. માનસીએ હીંચકાને ઠેલો માર્યો. નેહા સાઈક્રિયાટીસ્ટ બની હતી અને એના રિસર્ચ પેપરના પ્રેઝન્ટેશન માટે એ શિકાગો ગઈ હતી ઈંટરનેશનલ બ્રેઈન કૉન્ફરન્સમાં. ન્યુ જર્સીમાં એક નામી યુવાન માનસ ચિકિત્સક તરીકે એની ગણના થતી હતી.

નેહાને મોટી કરતા કેટલી તકલીફ પડી હતી...!?

નેહાના જન્મ પછી આકાશે એનામાં રસ લેવાનું, એના શરીરને ચૂંથવાનું ધીરે ધીરે ઓછું કરી દીધું... પણ એને એક બૂરી આદત લાગી હતી શરાબ પીવાની. રોજ વ્હિસ્કીની બાટલી ખોલી બેસતો. જામ પર જામ ખાલી થતા...!! માનસીએ પણ એની અવગણના જ કરી...! કરે જ ને..!? સમય પસાર થતો હતો. માનસીએ પપ્પા, મમ્મી, ભાઈની પીટીશન ફાઈલ કરી દીધી હતી અને એમને વિઝા મળી ગયા હતા. એઓની માનસીને રાહ હતી. પપ્પાની તમન્ના પુરી થઈ જશે તો એક એ દેવું ઉતરશે...! માનસી વિચારતી.

એક રાત્રીએ નશામાં ચૂર થઈ આકાશે માનસી સાથે બળજબરી કરી. નેહા માનસી સાથે સુતેલ હતી એની ય પરવા કર્યા વિના નશામાં ધુત આકાશ માનસી પર તૂટી પડ્યો...! એની પારાકાષ્ટાની ક્ષણોએ એ બોલતો હતો, ‘મેગી..!! આઈ લવ યુ...!મેગી આઈ...’ પછી નશા હેઠળ અંગ્રેજીમાં ભદ્દાં ભદ્દાં બિભત્સ લવારા કરતો આકાશ નિદ્રાધીન થયો...માનસીની ઊંઘ વેરણ કરીને.

-હવે આ જ બાકી રહ્યું હતું!? વિચારી માનસી પથારીમાંથી ઊભી થઈ. અસ્તવ્યસ્ત મન સાથે એણે એના વિખેરાયેલ વસ્ત્રોને સરખાં કર્યા. બે વરસની ઊંઘતી નેહાને એને પ્રેમથી ઉપાડી બાથમાં લીધી અને પથારીમાં પથરાયેલ આકાશના મ્હોં પર તિરસ્કારથી થૂંકી બીજા રૂમમાં જઈને એ સૂઈ ગઈ! આકાશના જીવનમાં બીજી સ્ત્રી પ્રવેશી હતી. એટલે જ એ માનસીને હેરાન કરતો ન્હોતો. આકાશ નાનકડી ઢીંગલી જેવી નેહા સાથે ભાગ્યે જ વાતો કરતો. નેહા કાલી કાલી ભાષામાં એની સાથે વાતો કરતી તો મ્હોં ફેરવી લેતો કે અવગણતો અથવા તો માનસીને બૂમ પાડીને કહેતો, ‘ટેઈક કેર ઑફ યોર સૅમ્પલ..!!’

હવે આકાશ વધારે બહાર જ રહેતો. શનિરવિમાં પણ ઘરે બહુ ઓછું આવતો. સાસુ શારદાબેન માનસીને મ્હેણા-ટોણા મારતા: તારે લીધે આકાશ આવો થઈ ગયો. તારામાં ખામી એટલે બહાર રખડે નહિ તો શું કરે...!!

બે દિવસથી આકાશ ઘરે ન્હોતો આવ્યો. એક વાર એનો ફોન આવેલ. માનસીને પડખાં ફરતી હતી. નેહાને થોડો તાવ જેવું હતું એટલે દવા પિવાડવી સુવડાવવાનો પ્રયત્ન કરી રહી હતી. ફોનની ઘંટડી વાગી. માનસીએ ઘડિયાળમાં જોયું, અગિયાર વાગી રહ્યા હતા. રાત પડી આકાશનો જ ફોન હશે એમ કરી કંટાળા સાથે એણે ફોન ઉપાડ્યો, ‘હ...લ્લો..!’

‘...................’

એના હાથમાંથી ફોન પડી ગયો. એક ડૂમો ઉભરાઈને સમી ગયો એના દિલમાં.

આકાશને એક્સિડંટ થયો હતો. ટર્નપાઈક નૉર્થ પર એ સાઉથમાંથી સાવ ખોટી રીતે ઘૂસી ગયો હતો અને એની કાર ભારેખમ ટ્રક સાથે ધડાકાભેર અથડાય હતી. સ્થળ પર જ આકાશ મોતને ભેટ્યો હતો. સાથે માર્ગારેટ-મેગી પણ હતી...!! એને પણ વાગ્યું હતું. આકાશના લોહીમાં કાયદેસરના આલ્કોહોલ લેવલ કરતા પાંચ ગણો વધારે આલ્કોહોલ હતો. આકાશની ફ્યુનરલ પતી. એના મોત માટે પણ માનસીને જવાબદાર માનવામાં આવી. હૈયાફાટ રુદન કરતા શારદાબેન એને કોસતા કહ્યું, ‘મારા દીકરાને ભરખી ગઈ...!!’

આકાશના ચાલ્યા જવાથી એક રાહત થઈ ગઈ માનસીને. હાથમાંથી બંગડીઓ તો એણે તોડી નાંખી પણ સૌની નવાઈ વચ્ચે સરસ મજાનો લાલ કુમકુમનો ગોળ મટોળ ચાંદલો કરવાની શરૂઆત કરી એણે! અમરના નામે રોજ સવારે એ કુમકુમ લગાવતી. સસરા તો પહેલેથી જ બોલતા ન હતા. એક રાત્રે સૂતેલ સસરા સુમનભાઈ સવારે ઊઠ્યા જ નહિ. માનસીએ એમની દવાનો ડબ્બો તપાસ્યો. એમની દવાની કાળજી માનસી જ રાખતી હતી. બ્લડ પ્રેશર ઘટાડવાની ગોળીનો ઓવરડોઝ લઈને એમણે મોતની સોડ તાણી હતી!!

એ દરમ્યાન જ નવસારીથી એના મમ્મી, પપ્પા અને મનિષ આવી ગયા. એમના માટે એણે અગાઉથી જ એપાર્ટમેંટ ભાડે રાખી લીધેલ એટલે એમને સીધા ત્યાં જ ઉતાર્યા. એમના આવ્યેથી માનસીને ઘણી જ રાહત થઈ. સસરાના સ્વર્ગવાસથી ઘરના મોર્ટગેજના હપતા ભરાતા બંધ થઈ જતા ઘર ફોરક્લોઝરમાં ગયું! સાસુ નણંદ સાથે રહેવા ગયા અને નેહા સાથે એના પપ્પાને ત્યાં એપાર્ટમેંટ પર રહેવા ચાલી ગઈ. આ દરમ્યાન એણે બે-ત્રણ વાર અમરને દહેરાદુન જેવા તેવા સરનામાં સાથે પત્રો લખ્યા. પણ એનો કોઈ જવાબ ન આવ્યો. પપ્પા મમ્મીને એમની ભૂલ સમજાય હતી. બહુ જ રડ્યા હતા બન્ને. મનહરભાઈને તો બેંકમાં તરત નોકરી મળી ગઈ. નેહાને મમ્મી સાચવતી. નાનકડી નેહાને પપ્પાની યાદ આવતી. એ પૂછતી, ‘મમ્મી, પપ્પા ક્યાં છે ?’

નેહા એની ભોળી ભોળી આંખોમાં નિહાળી કહેતી, ‘તારા પપ્પા તો ભગવાનને ત્યાં ગયા છે !’

‘કે...મ..?’ નાનકડી નેહા પાસે સવાલની ક્યાં કઈ ખોટ હતી.

શું કહે માનસી? નેહાને વહાલથી ચુંબન કરી એણે કહ્યું, ‘એ તો જે માણસ સારા હોય એમની ભગવાનને પણ જરૂર હોય છે...!!’

‘મારે પપ્પા પાસે જવું છે.’ નેહા રડતી...અને માનસીએ એના ઘરની દીવાલ પર આકાશની તસવીર ટિંગાડી. જેથી નેહાને થોડી રાહત રહે. નેહાને પપ્પાની ખોટ ન પડે. માનસીએ નક્કી કર્યું કે, નેહાને આકાશની સચ્ચાઈ વિશે કદીય જાણ ન થવા દેવી. દરેક દીકરી માટે એના પિતા એક હીરો હોય છે. એના મમ્મી પપ્પાને પણ એણે કહી દીધું, ‘કોઈએ પણ નેહા સમક્ષ આકાશની જરાય બૂરાઈ ન કરવી. કદી પણ નહિ.’ ત્યારથી આકાશની એ તસવીર ઘરના લિવિંગ રૂમનો એક ભાગ હતી.

નેહા મોટી થતી ગઈ. એ એકદમ માનસી જેવી જ દેખાતી હતી. ફક્ત રંગ સહેજ શામળો હતો આકાશ જેવો...બાકી માનસીની પ્રતિકૃતિ હતી નેહા! ભણવામાં ખૂબ જ હોશિયાર..! મહેનતુ...! ચતુર...!! નેહાને માનસી એવી રીતે ઉછેરી કે એ એની મા કરતા મિત્ર વધારે હતી. પુરી સ્વતંત્રતા હતી નેહાને. પણ ક્યાંય કોઈ સ્વચ્છંદતા ન્હોતી એનામાં!

મમ્મી પપ્પા સાથે રહેવાને કારણે એને સમય મળવા લાગ્યો. એણે કૉલેજ જવા માંડ્યું. ઇવનિંગ કૉલેજ. સિંગલ મધર અને વિડો-વિધવા હોવાથી એને સરકાર તરફથી ઘણી મદદ મળી. એ સર્ટિફાઈડ પેથોલોજીસ્ટ થઈ ગઈ. એણે નોકરી બદલી. લૅબકોર્પમાં મેનેજરની નોકરી મળી અને ઘરમાં પૈસાની પણ ખાસી છૂટ થઈ. મમ્મી-પપ્પા બહુ દબાણ કર્યું બીજા લગ્ન માટે. પણ માનસીએ એમને કહ્યું, ‘એક વાર નરકમાંથી હું માંડ માંડ બહાર આવી છું. હવે તમે બીજી વાર દબાણ નહિ કરતા. તમારે રસ્તે ચાલતા શું થયું એ તમે જોયું છે ને? પપ્પાને આવવું હતું અમેરિકા. મેં બોલાવ્યા. તમે આવી ગયા. પણ મારી જિંદગી હવે તમે દખલ ના કરશો.’ બીજીવાર લગ્ન કરવાનો વિચાર પણ એ કેવી રીતે કરી શકે? એ કારણે જ એણે દેશ જવાનું ય ટાળ્યું. જો દેશ જાય તો લોકો ખોટી પિષ્ટ-પોષણ કરે. બીજી વાર માટે દબાણ કરે..ખોટી ખોટી પંચાત કરે...!! હાથે કરીને એણે દેશવટો વહોરી લીધો અને એનો કોઈ અફસોસ પણ ન્હોતો થતો.

ભાઈ મનિષ સોફ્ટવેર એંજિનિયર બન્યો. એને કેલિફોર્નિયા નોકરી મળી ગઈ. એ પણ પર પરણી ગયો અને એના બાળકોને સાચવવા મમ્મી પપ્પા એને ત્યાં રહેવા ગયા.

માનસીએ ત્રણ બેડરૂમનું હાઉસ લીધું અહિં ડોવર ખાતે. અને અત્યારે માનસી ઘરના એના સહુથી મનપસંદ સ્થળ ડેકના હીંચકે બેસી એની મનગમતી પ્રવૃત્તિમાં રમમાણ હતી. એ હતી અમરની સાથે વિતાવેલ એક એક પળને ફરીથી જીવવાની! અમરની કોઈ જ ભૌતિક-સ્થુળ વસ્તુ કે ચીજ એની પાસે ન્હોતી. ન તો એનો ફોટો હતો...ન તો એના પત્ર...કે ન કોઈ અન્ય ભેટ...!! પણ માનસી જાણે અમર સાથે જ જીવી રહી હતી. અમર સાથે એના મનોમન સંવાદો થતા...વિચારોની આપ-લે થતી...શતરંજની બાજીઓ મંડાતી રમાતી... યોગાભ્યાસ થતો...અને ક્યારેક રિસામણા-મનામણાં પણ થતા...અમર...અમર...અમર ક્યાંય અલગ ન હતો એનાથી...! કદી ય વિખૂટો નહોતો થયો એનાથી. વર્તમાનમાં જીવી રહેલ માનસી મનોરોગીની કક્ષા વટોળી અમરની સાથે માણેલ ભૂતકાળની એક એક સુનહરી પળોને હર ઘડી વાગોળતી રહેતી. એના સહારે જ એણે એની યુવાનીના વરસો સજાવ્યા હતા. શણગાર્યા હતા. વિતાવ્યા હતા. અમરને મનપસંદ રંગોની સાડીઓનો ભંડાર હતો એની પાસે. અમરના નામે રોજ સવારે કપાળે કંકુનો ચાંદલો થતો. એની યાદોએ એની રાતોને રંગીન બનાવી હતી એણે. અમર સાથે મનોમન સંવનન કર્યું હતું. માણ્યો હતો એને. એની પૂજા કરી હતી. એનો ઇશ્ક ઇબાદતની ય સીમા વટાવી ગયો હતો. એના મનોમંદિરમાં સ્થાપેલ એ દેવની રોજ એ અર્ચના કરતી. એની સાધના કરતી કરતી માનસી ક્યારેક તો વર્તમાનથી ય સાવ વિખૂટી પડી જતી. સમાધિ અવસ્થામાં પહોંચી જતી.

‘મો...મ...!!’ અંધારિયા ડેક પર અચાનક નેહા ધસી આવી, ‘લાઈટ તો કર...!! અને જો તો કેટલી ઠંડી છે ને તું આ…મ...!!’ જલદી જલદી અંદરથી ક્લોઝેટમાંથી પશમીના સાલ લઈ આવી નેહાએ હેતથી માનસીની ફરતે વીંટાળી ડેક પરની લાઈટ સળગાવી. ડેકના ચાર ખૂણે આવેલ ચાર દૂધિયા ગોળાઓએ તેજ ચાંદની જેવો પ્રકાશ રેલાવ્યો.

‘તું...?? તું તો કાલે આવવાની હતીને...?!’ માનસી વર્તમાનમાં આવી.

‘તને સરપ્રાઈઝ આપવા વહેલી આવી ગઈ...!!’ નેહા એના નટખટ નયનો લડાવતા કહ્યું. માનસીએ નેહાની આંખોમાં રેશમી તોફાન નીહાળ્યું...

‘સરપ્રા...ઈ...ઝ....?!’

‘યસ!! માય ડાર્લિંગ મોમ...!! આઈ હેવ અ ગેસ્ટ વિથ મી...!!’ હીંચકાની સામે ફોલ્ડિંગ ખુરશી ખોલી એણે ડેક પર આવવાનો કાચનો સ્લાઈડિંગ દરવાજો સરકાવી કહ્યું, ‘પ્લીઝ, કમ ઓન ડેક...!! આઈ ટોલ્ડ યુ...માય મોમ વિલ બે ઓન ડેક...એંડ શી ઈસ હિયર...!!’

એ દરવાજામાંથી એક સહેજ ઊંચા યુવાને પ્રવેશ કરી નીચા નમી માનસીના ચરણસ્પર્શ કર્યા અને સામે ગોઠવેલ ખુરશીમાં એ ગોઠવાયો.

એ યુવાનને જોતાં જ માનસી સાવ ચોંકી ગઈ. માનસીને લાગ્યું કે એનું હૃદય એકાદ-બે ધબકારા ચૂકી ગયું. જાણે ખૂલી આંખે એ કોઈ શમણું જોઈ રહી!! એજ ભાવવાહી ચહેરો...એ જ વિખેરાયેલ શ્યામરંગી જુલ્ફાં... એ જ તેજોમય પહોળું કપાળ...કથ્થઈ રંગની મોહક ગહેરી આંખો...એ જ નાનકડા ખાડા વાળી ચિબુક... હસે ત્યારે પડતા એ નાના નાના ખંજનો.. એ જ સહેજ લાંબું પણ નકશીદાર નાક... વિશાળ ખભા... જાણે અમર એના મનમાંથી...એના વિચારોના વનમાંથી આવીને સીધો ખુરશી પર ગોઠવાય ગયો હતો...માનસીના શ્વાસો-શ્વાસની ગતિ તેજ થઈ રહી હતી.

‘મોમ...મી...ટ ડૉક્ટર...માનસ..!’ નેહાએ ઉત્સાહથી એ યુવકની ઓળખ કરાવતા કહ્યું.

હાથની ઇશારો કરી માનસીએ એને બોલતા અટકાવી અને જાણે અવકાશમાં નિહાળી ગેબી અવાજે એ બોલી, ‘માનસ અમર ઓઝા...ફ્રોમ દહેરાદુન...ઇંડિયા...!!’

હવે ચોંકી જવાનો વારો હતો નેહાનો...માનસનો...! બન્ને સાવ અવાક...!! સાવ સ્તબ્ધ...!!

એ બન્ને કંઈ સમજે વિચારે તે પહેલાં તો માનસી ખુરશી પરથી યંત્રવત્ ઊભી થઈ. એમ કરતાં એની શાલ ખભા પરથી સરકીને ડેકની ફ્લોર પર પડી. જાણે કોઈ વશીકરણ હેઠળ ડગલા ભરતી હોય એમ માનસીએ નીચા નમી ખુરશી પર બેઠેલ માનસના વિશાળ ભાલપ્રદેશ પર એક પ્રેમાળ ચુંબન કર્યું...એના મજબૂત બાવડાં પકડી ઊભો કરી પ્રેમથી માનસી એને ભેટી પડી! ક્યાંય સુધી આશ્લેષમાં જકડી રાખ્યો એણે માનસને...માનસીની આંખો વહેતી હતી. ચહેરા પર દિવ્ય હાસ્ય હતું. હીબકા ભરતી માનસી ફરી હીંચકા પર ધબ્બ દઈને બેસી પડી...!

શું થઈ રહ્યું છે...શા માટે થઈ રહ્યું છે...મોમ કેમ આમ કરે છે...નેહાને કંઈ સમજ પડતી ન્હોતી.

‘મો...મ...!?’ એને માનસીની ચિંતા થઈ આવી...માનસીની એકદમ નજદીક સરકી એણે પૂછ્યું, ‘મો…મ, હાઉ ડુ યુ નો હિસ લાસ્ટ નેઈમ..!? હિસ ફાધર નેઈમ...!?’

માનસીએ કોઈ જ જવાબ ન આપ્યો.. એ તો પહોંચી ગઈ હતી નવસારીના છાત્રાલયના પેલા નવ નંબરના રૂમમાં કે જ્યારે એણે પહેલી વાર અમરને એકલતામાં સાવ નજદીકથી મહેસુસ કર્યો હતો...એના સ્પર્શને માણ્યો હતો...એના સામીપ્યને અનુભવ્યું હતું... એની છલકાતી આંખોમાં એ ચિત્ર તરી રહ્યું હતું. માનસી જાણે અહિં હતી જ નહિ...!! એના મ્હોં પર હાસ્ય હતું પણ આંખોમાંથી આનંદાશ્રુની હેલી વરસી રહી હતી. મનોચિકિત્સક નેહાને મોમની ચિંતા થઈ રહી હતી. જે કંઈ બની રહ્યું હતું એ એની સમજ બહારનું હતું. જ્યારે માનસને સંકોચ થઈ રહ્યો હતો.

‘મો....મ...!!’ નેહાએ માનસીને સહેજ ઢંઢોળી.. એણે એના આંસુંઓ લુંછ્યા. માનસી ફરી વર્તમાનમાં આવી. હીંચકા પર નેહા એના ડાબે પડખે બેઠી હતી. માનસી રડી રહી હતી. હસતા હસતા હીબકા ભરી રહી હતી. માનસ પણ ઊભો થયો. અને માનસીની જમણે પડખે એ ગોઠવાયો...!!

‘સાચા પ્યારનો હંમેશ વિજય થાય છે! ઇતિહાસ પુનરાવર્તિત થઈ રહ્યો છે...હિસ્ટ્રી રિપીટ્સ..!’ માનસીએ નેહાનો પંજો પોતાના ખોળામાં લઈ હાથથી પસવારતા પસવારતા કહ્યું....એણે માનસનો પંજો પણ બીજા હાથેથી પ્રેમથી પકડ્યો અને નેહાનો હાથ એનાં હાથમાં મૂકી એના પર પોતાના બન્ને પંજા મૂકી એ ફરી બોલી, ‘હિસ્ટ્રી રિપીટ્સ ઈટસેલ્ફ!! હું નેહાની આંખોમાં પ્રેમની ઉષ્મા જોઈ રહી છું....પહેલાં પહેલાં પ્યારના પારિજાત ખીલતા સૂંઘી રહી છું. તો માનસ, માય સન, તારા નયનોમાં પણ એના પ્રત્યેનો પ્રેમ પાંગરતો નિહાળી રહી છું...મને વચન આપો કે તમે બન્ને કે તમે બન્ને કદી ય જુદા થશો નહિ...અલગ થશો નહિ !! કમ વ્હોટ મે...!! યુ આર મેઈડ ફોર ઈચ અધર...ફોર એવર...એંડ એવર...એંડ એવર...! ગીવ મી એ પ્રૉમિસ...!!’ માનસી ભીના અવાજે કહ્યું...

‘ઓહ...મોમ્..!!’ નેહાએ પર સહેજ શરમાઈને માનસીના ખભા એનું મસ્તક પ્યારથી નમાવી દીધું...માનસે પ્યારથી નેહાની હથેળી દબાવી.

‘મોમ...!! બટ આઈ કેન નોટ અંડરસ્ટેંડ...!!’ નેહા નવાઈથી બોલી, ‘હાઉ ડુ યુ નો...’

‘આઈ નો મેની થિંગ્સ એબાઉટ હિમ...!! મે બી હિ ડસ નોટ નો...!’ હસીને માનસી બોલી, ‘એનું નામ માનસ છે કેમકે મારું નામ માનસી છે....! આઈ એમ માનસી....!!’ બન્નેના હાથ હજુ માનસીના હાથમાં જ હતા અને માનસી એને કસીને પકડ્યા હતા.

‘ઓહ...! આઈ ડિડ નોટ રિયાલાઈઝ!!’ નેહાને નવાઈ લાગી.

‘ઈટસ્ એ લોંગ ટ્રુ સ્ટોરી માય લવલી ડોટર...!’ માનસી જાણે હજુય અગમમાં નિહાળીને જ બોલી રહી હતી, ‘મને એ પણ ખબર છે કે એના ફાધરને એ ઓઝાસાહેબ કહીને બોલાવે છે...! એમ આઈ રાઈટ્..!?’ માનસના ગાલ પર પ્રેમથી હાથ પસવારતા કહ્યું.

‘હા...યસ..!!’ માનસ ચમક્યો...!

‘....અને મોમને...મધરને કદાચ બાસાહેબ....!!’

‘યસ્...યસ્..!!’ સહેજ અટકીને થૂંક ગળતા એ બોલ્યો, ‘પ…ણ, મેં બાસાહેબને ફોટામાં જ વધારે જોયા છે...!’ એની આંખમાં એક ખાલીપો છવાય ગયો.

માનસીએ ઊંડો શ્વાસ લઈ એના ફેફસાંમાં ભર્યો અને થોડી વાર રોકી રાખ્યો. માનસ ગમગીન થઈ ગયો અને પછી વિનંતી કરતો હોય એમ બોલ્યો, ‘હું તમને બાસાહેબ કહી શકું...!?’

‘વ્હાય નોટ...!? માય સન..!’ એને બાથમાં લઈ માનસી બોલી, ‘બટ વ્હાય...?? એવું તે શું થયું હતું કે...’

‘હું બે કે અઢી વરસનો હતો...!’ ભૂતકાળમાં નિહાળતો હોય એમ માનસ એના ઘેરા અવાજે બોલી રહ્યો હતો, ‘દહેરાદુનના જંગલોમાં ઊગેલ વરસો જુના વૃક્ષો કોઈ અગમ્ય રોગને કારણે મરી રહ્યા હતા. સરકાર ચિંતામાં હતી. ઓઝાસાહેબના માર્ગદર્શન હેઠળ એક કમિટી બનાવી હતી એનું કારણ શોધવા. એના સેમ્પલિંગ માટે, સરવે માટે દુન વેલીના ગાઢ જંગલોમાં ત્રણ દિવસનો કૅમ્પ હતો. ઓઝાસાહેબ બાસાહેબને મોટેભાગે સાથે જ લઈ જતા. બહુ પ્રેમ કરતા હતા એમને. હું તો સાથે હોઉં જ! જંગલમાં રાવટીઓ નાંખવામાં આવી હતી. ઓઝાસાહેબ અને એમની ટીમ અંદર જંગલમાં સેમ્પલિંગ માટે ગઈ હતી. અને બાસાહેબને એરું આભડ્યો...’

‘વ્હોટ...?’ નેહાને સમજ ન પડી..

‘સ્નેક બાઈટ...!! સાપ કરડ્યો...ઝેરી સાપ...દોડતા જઈને ઓર્ડરલીએ ઓઝાસાહેબને જાણ કરતા એઓ તુરંત દોડી આવ્યા. બાસાહેબને પીએચસી પર લઈ જવા માટે જીપમાં સુવડાવ્યા...જીપ મારી મૂકી હતી એમણે પણ...’માનસની આંખ ભીની થઈ...અવાજ ગળગળો થઈ ગયો, ‘પ…ણ રસ્તામાં જ જીપ બગડી ગઈ. અ...ને બાસાહેબે ઓઝાસાહેબના ખોળામાં જ...!’ માનસ ચુપ થઈ ગયો...

ડેક પર એક ગમગીની છવાય ગઈ.

‘ઓહ સો સેડ...’ નેહા ઊઠીને માનસની બાજુમાં બેસી એને દિલાસો આપવા લાગી. માનસે જલદીથી સ્વસ્થતા મેળવી લીધી, ‘ત્યારથી ઓઝાસાહેબ જ મારા બાસાહેબ છે...!! કદી ય મને મધરની ખોટ પડવા નથી દીધી. હાલરડા ગાઈને મને સુવડાવ્યો છે. વાર્તાઓ કરી છે મને. સંતાકૂકડી રમ્યા છે મારી સાથે.’

-એ છે જ એવો!! માનસીએ વિચાર્યું...પછી એ બોલી, ‘ઈટ્સ સો કોલ્ડ...લેટ્સ ગો ઈનસાઈડ...’

વાતાવરણ ગમગીન થતું અટકાવવું જરૂરી હતું. સહુ ઘરમાં આવ્યા.

નેહાએ ઓલિવ ગાર્ડન પર ફોન કરી ફૂડ ઑર્ડર કર્યું. બન્ને સાથે જઈને ટેક આઉટમાંથી ખાવાનું લઈ આવ્યા. નેહા અને માનસ એક જ ડિશમાંથી ખાઈ રહ્યા હતા. જાણે વરસોથી બન્ને એક બીજાને જાણતા ન હોય!! ડાયનિંગ ટેબલ પર એમની સામે બેસીને માનસી પાસ્તા ખાઈ રહી હતી. માનસીને એ જોઈ અમરની યાદ આવી ગઈ. એક વાર દૂધિયા તળાવ પર ઉભા રહેતા ભૈયાજી પાસે એઓ આમ જ પાણીપુરી ખાઈ રહ્યા હતા. ભૈયાજીને ઇશારો કરી અમરે માનસીને તીખી તમતમતી પાણીપુરી ખવડાવી દીધી હતી!! માનસીએ એ તીખાશ અત્યારે પણ અનુભવી અને પાસ્તા જાણે એને તીખા લાગ્યા હોય એમ એણે પાણી પીધું. એની આંખોમાં ય તીખાશની ભીનાશ તરી આવી.

‘સો માનસ...!! વ્હોટ ઈસ યોર સ્કેડ્યુલ...!?’ માનસીએ પાણીનો ગ્લાસ મૂકી નેહાને ફોર્ક વડે પ્રેમથી પાસ્તા ખવડાવી રહેલ માનસને પૂછ્યું.

‘મોમ..!’ નેહાએ માનસને બદલે જવાબ આપ્યો. માનસીના ધ્યાનમાં એ પણ આવ્યું. ‘એણે ન્યુયોર્ક જોવું છે. એ બ્રેઈન સર્જન છે. એનું સ્ટેટ ઑફ ધ આર્ટ હોય એવું બ્રેઈન સર્જીકલ સેંટર છે દેહરાદુનની બ્યુટિફુલ વેલીમાં. એટલે એમાં ઉપયોગમાં આવે એવા લેટેસ્ટ ગામા-નાઈફ ઈન્સ્ટ્રુમેન્ટસ્ માટે એના મેન્યુફેક્ચરરની એપોઈંટમેંટ છે ટ્યુસડેએ. અ...ને... આવતા ફ્રાઈડેએ એની રિટર્ન ફ્લાઇટ છે કોન્ટિનેંટલ એરલાઈનની નેવાર્કથી!!’

‘નેહા, હની!!’ માનસીએ નિર્ણય કરી લીધો, ‘બુક માય ટિકિટ વિથ હીમ...એની હાઉ...એની ક્લાસ..!!’ હસીને બોલી, ‘અમરે…આઈ મીન ઓઝાસાહેબે મને બહુ સરપ્રાઈઝ આપી છે. હવે સરપ્રાઈઝ થવાનો એનો વારો છે. માનસ સાથે એના બાસાહેબ પણ જશે....!!’

‘ઓ... મા...આ...ય ગો...ઓ...ડ...!!’ નેહા મોટ્ટેથી હસીને આશ્ચર્યચકિત થઈ બોલી, ‘મો...મ...!! ઓ મા...ય ડિયર મોમ, યુ આર ગ્રેઈટ...!! સિમ્પલી ગ્રેઈટ !! યુ નો વોટ!? તેં તો મારા મનની વાત સાવ આસાન કરી દીધી.’ માનસીને પ્રેમથી ગળે વળગી નેહા બોલી, ‘હું પણ અહીંની આ મની ઓરિએંટેડ મેડિકલ ઈંન્ડ્રસ્ટ્રીથી સાવ ત્રાસી ગઈ છું!! આઈ એમ ફેડ અપ વિથ ઓલ ધીસ!! માનસ કહેતો હતો કે ત્યાં ઈંડિયામાં મનોરોગી માટે કોઈ સારી વ્યવસ્થા નથી અને બિચારાં ઘણા પાગલો સ્ટ્રીટ પર રખડે છે કે જેઓ નાનકડી કાળજીભરી સારવારથી ફરી નૉર્મલ જીવન જીવતા થઈ જાય. એણે તો એવાની સારવાર-સેવા કરવા એક સંસ્થા પણ ફોર્મ કરી છે.’

‘મનમં...દિ...ર...!!’ માનસે હળવેથી કહ્યું.

‘હા, મારે એ મનમંદિરમાં સેવા કરવી છે...!! મોમ, તને હું વાત કરતા ડરતી હતી!! પણ માય ડાર્લિંગ મોમ, આઈ લવ યુ...!!’ નેહા માનસીને ફરી હેતથી બળપૂર્વક ભેટી પડી. એના આનંદની, એના આશ્ચર્યની કોઈ સીમા ન્હોતી.

‘થેંક યુ...! બેટા, હું તો કંઈ નથી જ્યારે તું અમરને મળશે ત્યારે તને સમજાશે કે સાચો માણસ કોને કહેવાય...!!’

અને એ શુક્રવારે માનસી, નેહા અને માનસને લઈને નેવાર્કના લિબર્ટી ઈંટરનેશનલ એરપોર્ટ પરથી કોન્ટિનેંટલ એરલાઈનની ફ્લાઇટ સીઓ ૪૮ હવામાં તરતી થઈ ત્યારે દુર દુર દુનની વાદીઓમાં મોસમ બદલાય રહી હતી.

(સમાપ્ત)