Jivanbaug books and stories free download online pdf in Gujarati

જીવનબાગ

જીવનબૅગ

પ્રશાંત જ્યારે અમદાવાદના એરપોટૅ પર ઉતર્યો ત્યારે રાત્રિના અગિયાર વાગી ચૂક્યા હતા.ઝરમર વરસાદ ચાલુ હતો જે પ્રશાંત ની બેચેની માં વધારો કરતો હતો.આવતીકાલે તેની કંપનીની નવી પ્રોડકટ અમદાવાદમાં લોન્ચ કરવા તેને પ્રેઝંટેશન આપવાનુ હતુ.આ પ્રોજેકટ ની સંપૂણ જવાબદારી તેના શિરે હતી.છેલ્લા છ મહિનાથી પત્ની,બાળકો તેને માટે અજ્ઞાત જેવા હતા.તેને ફકત યાદ હતા બોસ ના શબ્દો “પ્રશાંત,માય બોય તક ફકત એક જ વાર આવે છે.આ પ્રોજેકટ તારા માટે તક છે કંપનીમાં એ સ્થાન મેળવવુ જે પ્રાપ્ત કરતા બીજા લોકોને વર્ષો લાગી જાય છે”.અને આ તક આગળ પપ્પાની બગડતી તબિયત,રોહિણી સાથેના ઝધડા,દીકરા નૈતિક સાથે સમય વિતાવવાનું ડહાપણ ગૌણ બની જ્તા. પ્રશાંત એ નવી પેઢીનો આગેવાન બની જ્તો જે અંગ્રેજી ના ત્રણ “એસ” ને જીવન માને છે.”સક્સેસ,સેલરી,સ્ટેટ્સ”.

કંપનીની ગાડી એરપોટૅ પર તૈયાર હતી.જાણીતી ફાઇવસ્ટાર હોટેલમાં દર વખત ની જેમ રૂમ બુક હતો. પ્રશાંત ગાડીમાં ગોઠવાઇને હોટેલ પર પહોચ્યો ત્યારે ઝરમર વરસાદ નું સ્થાન મુશળધાર વરસાદે લઇ લીધુ હતુ.કાલે શું થશે તેની ચિંતામાં તે ડિનર પણ પુરુ ના લઇ શકયો.ઝટપટ ડિનર પતાવી પ્રશાંત હોટેલ ના રૂમમાં પહોચ્યો. રૂમની બારીમાંથી તેણે એક નજર બહાર કરી વરસાદે તેડુંલકરની જેમ બેટિંગ ચાલુ રાખી હતી.

“આ,વરસાદ કાલનો પ્લાન ના બગાડે તો સારું,બધા ડિસ્ટ્રિબ્યુટર હાજર રહેવા જ જોઇએ. મારે હજી એક વાર પ્રેઝંટેશન ચેક કરી લેવુ પડશે” –આમ બબડતા તેણે પોતાનુ લેપટોપ કાઢવા હેન્ડબૅગ ઉપાડી.પણ હેન્ડબૅગ ની ચેઇન ખોલ્યા પછિ તેની આંખો ખુલ્લી જ રહી ગઇ.આ હેન્ડબૅગ માં તેનુ લેપટોપ અને જરૂરી કાગળોની ફાઇલ નહોતી.તેમાં ફક્ત રબરથી વીટેંલા પરબીડિયાનો ઢગલો હતો.તેણે ઝડપથી હેન્ડબૅગ ની બધી ચેઇન ખોલી પણ કેટલાક ફોટા અને પેલા પરબીડિયા સિવાય તેમાં કંઈ નહોતું.

“ઓહ,શીટ ! મારી હેન્ડબૅગ બદલાઇ ગઇ છે.હવે શુ થશે ? એ બેગમાં કાલના પ્રેઝંટેશન ની બધી સ્લાઇડો,વિગતો હતી અરે મેં તો બધુ મારા લેપટોપ માં રાખ્યુ હતુ કોઇ બેકઅપ પણ તૈયાર નથી કર્યુ” પ્રશાંત પર આભ તુટી પડયુ હતુ.

હવે પ્રશાંતને ખ્યાલ આવ્યો કે શુ બન્યુ હશે.પોતાની બાજુમાં સિટમાં જે ચાળીસેક વષૅની આસપાસની વ્યકિત હતી તેની પાસે પણ પોતના જેવી જ હેન્ડબૅગ હતી.પ્લેન નુ લેન્ડિંગ થયા બાદ પોતે ઉતાવળમાં બાજુવાળા વ્યકિતની બેગ લઇને ઉતરી ગયો હતો.બંને બેગ એકસરખી હોવાથી આવી ભુલ બનવાજોગ હતી.

પ્રશાંતે ઘડિયાળમાં નજર કરી,રાત્રિના બાર ઉપર થઇ ચૂકયા હતા.કદાચ એરપોટૅ પર ઇન્કવાયરી કરવાથી તે વ્યકિત નુ સરનામુ કે કૉન્ટેક નંબર મળી શકે.પણ આ વરસાદ માં જવુ કઇ રીતે ? કોઇ ટેકસી પણ મળવી મુશ્કેલ છે.હવે કાલે શુ થશે? કાલે આઠ વાગે મીટીંગ શરૂ થવાની છે.બોસ ને આ બધી વાત કહીંશ તો મારું જ અપમાન થશે.મારે આ વરસાદ ધીમો થાય ત્યાં સુધી રાહ જોવી જ પડશે.

પ્રશાંત નુ દિલ ઘડિયાળ ની દરેક હિલચાલ ને અનુભવી રહ્યુ. અનેક વખત બારી આગળ તે આંટો મારી આવ્યો પણ વરસાદ વર્ષો જુની દુશ્મનાવટ કાઢી રહ્યો હતો.વઘારામાં પુરુ એરપોટૅ ઇન્કવાયરી પરથી જાણવા મળેલ નંબર ને કોઇ છોકરાએ ઉપાડયો અને જાણવા મળ્યુ કે તેના પિતા મોબાઇલ ઘરે જ ભૂલી ગયા છે.પોતે હોટલ નુ સરનામુ અને કૉન્ટેક નંબર આપ્યો પણ આ વરસાદ માં આ નકામા પરબીડિયા લેવા કોણ આવે ? અને કદાચ તે બેગ આપવા તૈયાર ના થાય તો ! તેની નજીવી વસ્તુઓ કરતા મારી બેગ ની કિંમત ઘણી વધારે છે.

પ્રશાંત હવે પોતાના વિચારો ના પ્રવાહ થી જ થાક્યો હતો.પણ કાલ ના દિવસે શુ થશે તેનો તણાવ તેને સુવા દેતો ન હતો. આ આત્મમંથન ચાલતુ હતુ ત્યારે તેની નજર હેન્ડબૅગ માંથી કાઢેલા પર પરબીડિયાઓ પર પડી. પરબીડિયા હાથ પર લઇ તેના પર તૃચ્છ નજર નાખી. પણ કોણ જાણે કોઇ અજ્ઞાત કારણોસર તેણે પહેલુ પરબીડિયુ ખોલ્યુ. પરબીડિયા માં સુંદર અક્ષરે લખાયેલ કાગળ હતો.કાગળ આ પ્રમાણે હતો.

“તમે પણ કેવી વિચિત્ર માગણી મુકી છે મારી પાસે મોતના બિછાને સુતેલી વ્યકિત પાસે આ તો કેવી માગણી ? રોજ એક પત્ર ? શુ આ પત્રો મારી સ્મૃતિ ના જખમો નહી બની જાય. પણ તમે કહો છો આ એ યાદો બનશે જે તમને

જીવવાનુ બળ આપશે. શુ મરતી વ્યકિત ના શબ્દો તમારા માટે જીવવાનુ બળ બની શક્શે? પણ તમારી જીદ ને હું પુરી કરીશ કારણ કે, કારણ નહિં જ આપુ કારણ મને ગમે છે.ઘાયલ સાહેબ ના અમર શબ્દો થી શરૂઆત કરુ.”
બાકીનો કાગળ પ્રશાંત એકશ્ર્વાસે વાંચી ગયો.ઘડીભર માટે તે કાલની મીટીંગ,પોતાનો તણાવ ભુલી ગયો.આ કાગળ પોતાની બાજુમાં બેઠેલી વ્યકિત ની પત્ની સાધના દ્રારા લખાયા હતા.જે કાગળ પરથી લાગતુ હતુ કે તે

કેન્સર ના છેલ્લા સ્ટેજ માં હતી.પહેલા જ પત્રે તેની જીવન વિશે ની સમજ બદ્લાઈ ગઇ હતી,અને ન જાણે કેમ તે પોતાને બાકીના પત્રો વાંચતા ન રોકી શકયો.

એકાદ કલાક માં તો તેણે મોટાભાગના પત્રો વાંચી લીધા.હવે તો બે જગ્યાએ વરસાદ વરસી રહ્યો હતો એક તો એ હોટેલ રૂમ ની બહાર અને બીજો પ્રશાંત ના દિલ માં. અને છેલ્લે આજ્ની તારીખ મારેલો પત્ર પ્રશાંત ના હાથમાં હતો.આ પત્ર વાંચવા પ્રશાંત ને પણ હિંમત એકઠી કરવી પડી.પત્ર આ પ્રમાણે હતો.

“લખવાનું તો ઘણા સમયથી છુટી ગયુ છે અને હવે તો થોડુક બોલતા પણ હાંફ ચઢી જાય છે.તમારા કહેવાથી નસૅ રેણુકાબેન માંડ તૈયાર થયા છે,પણ તે લખતા લખતા રડી વધારે જાય છે.વધારે શુ કહુ ? મૃત્યુ સાથે ડેંટિગ તો ધણા મહિનાઓથી કરી રહી હતી ,હવે લાગે છે પરણી જ જવુ પડશે.ઈર્ષા આવે છે ને તમને ! મારે એક ને તો છૂટાછેડા આપવા જ પડશે. સાચુ કહુ, હું આ અંદર થી પીડા છતા અશાંત નથી.મને તો જાણે આંખ સામે દેખાય છે એ ઝરમર ઝરમર વરસતો વરસાદ અને તમારા હાથનો સ્પશૅ ! આખા રસ્તે

અબોલ રહેવાનો પણ કેટલો આનંદ હતો .અને યાદ આવે છે આપણા પહેલા મકાન ની એ દિવાલો,હું હજી પણ એ દિવાલો ને મારી આંગળી ના ટેરવે અડી રહી છું.બાજુના ઓરડા માંથી આવતો પાર્થ ના રડવાનો અવાજ.પાર્થ પા-પા પગલી ચાલતો મારી નજીક આવી રહ્યો છે ,હું કુમળા બદન ને ઊંચકી ને ચારે દિશામાં ફેરવી રહી છું.હિંદુ ધમૅ પુનૅજન્મ માં માને છે અને હું પણ. મને ખાતરી છે કે એકાદ જન્મમાં તો આપણે ફરી મળીશું.હુ કોઇ કોલેજ ની કૅન્ટીન માં સખીઓ સાથે બેઠી હોઇશ અને એક યુવાન છોકરો થોડાક રોમાંચ માં, થોડીક મુઝંવણમાં આછી નજરો મારી સામે રાખીને મારી સખી ને પુછશે “મારે, બાયોલોજી ની નોટસ લેવી હતી” અને સામેથી જવાબ મળશે “બાયોલોજી ની નોટસ ! એ બધી નોટસ તો ફકત આ સાધના જ લખે છે,તમારે એની જોડે જ માગવી જોઇએ.” .... અને આપણા બંનેની નજરો મળશે અનંત સુધી એક થવા”

છેલ્લો પત્ર વંચાઇ ગયો હતો.કેટલીક ક્ષણો સુધી પ્રશાંત શાંત જ બેસી રહ્યો.એટલામાં જ તેના હોટેલ ના રૂમ ની ડોરબેલ વાગી.ઘડિયાળ માં દોઢ વાગી ચુકયો હતો.આટલી રાત્રે કોણ હશે ? આ વિચાર તા તેણે બારણુ ખોલ્યુ તો સામે વરસાદ થી પુરી ભીંજાયેલ વ્યકિત તેની સામે હતી.બરાબર તેના ખભા પર પોતાના જેવી જ હૅન્ડબેગ લટકી રહી હતી. પ્રશાંત કંઇ બોલે તે પહેલા જ તે આગંતુકે કહ્યુ

“ મારી જીવન બેગ તમારી પાસે રહી ગઈ છે,આ તમારી હૅન્ડબેગ “

પ્રશાંતે ઝડપથી બધા પરબીડિયા ભેગા કરી તે વ્યકિતની હૅન્ડબેગ પાછિ સોંપી. પણ તે વિચાર માં હતો કંઇ બેગ ની કિંમત વધારે છે?

બીજા દિવસ ની પ્રશાંત ની મીટીંગ પ્રશંસનીય રહી.ખબર નહિ કોણ જાણે કેમ તે દિવસ પછી હવે તે બાળકો ને પહેલાથી વધુ સમય આપી શક્તો.પિતા માટે તે આદૅશ પુત્ર હતો અને પત્ની રોહિણી માટે તેનો કંઇક નવો જ અવતાર હતો.