Niyati books and stories free download online pdf in Gujarati

નિયતિ

પ્રસ્તાવના

‘સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય’

શું ખરેખર તમને એવું લાગે છે કે પરસેવે નહાવાથી સિદ્ધિ મળે છે? જો પરસેવે નહાવાથી જ સિદ્ધિ મળતી હોત તો, કાળી મજુરી કરનારો મજુર આજે દુનિયાનો સૌથી અમીર આદમી હોત. સૌથી વધારે મહેનત કરનાર આજે સૌથી ઓછું કમાય છે, જયારે સૌથી ઓછી મહેનત કરનાર, ક્યારેય પરસેવો ના પાડનાર સૌથી વધુ કમાય છે. આનું કારણ શું છે કે તેઓ બુદ્ધિશાળી છે? જો બુદ્ધિની જ વાત હોત તો બુદ્ધિશાળી વ્યક્તિઓ અમીર હોત. તેને બદલે અત્યારે મોટા વૈજ્ઞાનિકો અને એન્જીનીયરો બીજાને માટે કામ કરે છે. માનો યા ના માનો પણ આનું કારણ છે તેમની નિયતિ(ભાગ્ય). તેમનું કિસ્મત એવું હશે જે તેમને અમીર બનાવે છે.

જીંદગી કિસ્મત સે ચલતી હૈ દોસ્તો....
અગર દિમાગ સે ચલતી હોતી તો અકબર કી જગહ બિરબલ બાદશાહ ના હોતા ?

આ સ્ટોરી એક સ્ત્રીની છે જે નિયતિની દુશ્મન છે. તેનું ભાગ્ય ક્યારેય તેને સાથ આપતું નથી. જયારે જયારે તેને એવું લાગે છે કે હવે તે ખુશ છે તરત જ તેના જીવનમાં દુઃખો છવાઈ જાય છે. તે પોતાના દુઃખો દુર કરવા ઘણી મથામણો કરે છે, પણ નિયતિને તે પસંદ નથી. તે પલટવાર કરે છે.

આ સ્ટોરી મે મારા જીવનમાં બનેલા અમુક સાચા પ્રસંગોમાંથી પ્રેરણા લઈને લખી છે. તેમાં થોડી ફિલોસોફી પણ છે. અંત સુધી વાંચશો તો તે તમને જરૂર હચમચાવી મુકાશે.

નિયતિ-1

એકવીસમી સદીની શરૂઆત હતી. ગ્લોબલાઇઝેશને (વૈશ્વિકીકરણ) નવા યુગના દ્વ્રાર ખોલી નાખ્યા હતા. જેને કારણે ભારતની બઝારો વિદેશી ચીજ વસ્તુઓથી ઉભરતી હતી. માર્કેટમાં ઈમ્પોર્ટેડ વસ્તુઓનો દબદબો હતો. હરીફાઈ વધવાને કારણે વસ્તુઓ સારી ગુણવતાવળી અને સસ્તી થઇ હતી. જે વસ્તુઓ પહેલા મધ્યમવર્ગ માટે એક સપનું હતું, આજે તે વસ્તુઓ લોકો લોનને કારણે સરળતાથી વસાવી શકતા હતા. જેને કારણે લોકોની લાઈફસ્ટાઇલ સુધારી હતી. લોકોનું પ્રશ્ચિમી સંસ્કૃતિ પ્રત્યે ખેચાણ વધી રહ્યું હતું. લોકોમાં ઈર્ષા અને અદેખાઈ વધ્યા હતા. આવા સમયે લોકોમાં ચડસા ચડસી અને દેખાવ કરવાની વૃતીએ માઝા મૂકી હતી. લોકો એકબીજા કરતા ચડિયાતા દેખાવાનો પ્રયત્ન કરતા હતા. આવા સમયે લોકો લોકો જીવન જરૂરીયાતની વસ્તુઓ કરતા, બિનજરૂરી અને અમીર દેખાય તેવી વસ્તુઓ વધારેને વધારે ખરીદતા હતા. રોટી-કપડા હવે ગૌણ બાબત બની હતી. લોકોની મોટા ભાગની કમાણી હવે મોજ શોખની વસ્તુઓમાં વપરાઈ જતી હતી. જરૂરીયાત વધવાને કારણે લોકો પૈસા પાછળ ગાંડા થયા હતા. પરિણામે લાઈફ બુલેટ ટ્રેનની જેમ ઝડપી બની હતી.

આવા સમયે દેશના આર્થિક પાટનગર એવા માયાનગરી મુંબઈમાં એક દંપતીને ત્યાં એક સુંદર બાળકીનો જન્મ થયો. બંને પતિ પત્ની બહુ ખુશ હતા. બાળકી જોતા જ ગમી જાય તેવી મોહક હતી. રાજકુમારી જેવી આ બાળકીનું નામ તેના પિતાએ સંધ્યા રાખ્યું. આ નામ ખરેખર તેને યોગ્ય હતું. કારણકે તે જોતા શાંત લાગતી. તેનું મુખ સંધ્યા જેવું મનોહર હતું. આંખો નીલી અને વાળ સોનેરી હતા. તેના બાળપણની સ્મૃતિઓમાં એક સફેદ પારણું હતું જે ઝુલવાળા ચંદરવાથી ઢંકાયેલું હતું. ગુલામી રીબીનોથી શણગારાયેલ હતું. સોનેરી ઘૂઘરા, સુંદર ઢીંગલીઓ અને પોચા રમકડાઓથી ભરપુર હતું. તેણે એ ઝડપથી શીખી લીધું હતું કે જો તે મો ખોલીને રડવા લાગશે તો કોઈ ઉતાવળે આવીને તેડીને તેને રમાડશે. જયારે તે છ મહિનાની થઇ ત્યારે તેના પિતા તેને બાગમાં લઇ જતા. જયારે તેની નાની આંગળીયો રંગબેરંગી ફૂલોને સ્પર્શતી ત્યારે તેના પિતા તેને કહેતા “ફૂલો કરતાય મારી દીકરી વધારે સુંદર અને કોમળ છે.” જયારે તેના પિતા તેને તેડીને બહાર લઇ જતા ત્યારે તેને બહુ મજા પડતી. તેના પિતા તેને કહેતા “આ સઘળું તારું સામ્રાજય છે. એક દિવસ આ બધું તારા તાબામાં હશે.”

સંધ્યાની છઠ્ઠી વખતે બધા મહેમાનોંએ તેનો નમણો ચહેરો, સોનેરી વાળ, નીલી આખો અને બરફ જેવા સફેદ રંગની ત્વચાના ખુબ વખાણ કર્યા. તેના પિતા બધાને ગર્વભેર કહેતા ”કોઈ ગાંડો માણસ પણ આને જોઇને કહી શકે કે આ એક રાજકુમારી છે.” તે હવે થોડું થોડું સમજવા લાગી હતી. તેને લાગતું કે પોતે એક રાજકુમારી છે અને એક મોટા મહેલમાં રહે છે. તેની સાર સંભાળ રાખવા માટે એક નોકરોનો મોટો કાફલો છે. પણ તે જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ તેને સાચી પરિસ્થિતિનું ભાન થયું. તેને ખબર પડી કે પોતે કોઈ રાજકુમારી નથી, પરતું એક ગરીબ માં-બાપની છોકરી છે. પોતે કોઈ મહેલમાં નહિ, પણ એક ગંધાતી ચાલીમાં રહે છે. તેના પપ્પા કોઈ રાજા નથી પણ એક ચંપલ બનાવવાની ફેકટરીમાં કામ કરતા મજુર છે. તેની મમ્મી એક શેઠને ત્યાં સાફ સફાઈનું કામ કરે છે. સંધ્યાના માતા-પિતા દેખાવે સાવ સામાન્ય હતા. તેની માતા એક ખરબચડા ચહેરાવાળી જાડી સ્ત્રી હતી. જયારે તેના પિતા ઠીંગણા અને પહોળા ખાભાવાળા હતા. તેમની આંખો ઝીણી અને ખંધી હતી જયારે વાળ એકદમ કાળા હતા. જયારે સંધ્યાનો જન્મ થયો ત્યારે લોકોને પણ નવાઈ લાગી કે આવા કાગડાના માળામાં હંસ ક્યાંથી! તેમને લાગતું કે આવી ગંધાતી અને ગોબરી ચાલીઓમાં આવી રાજકુમારીનો જન્મ એ એક ચમત્કાર હતો. જયારે તેના પિતાને તો પૂરી ખાતરી હતી જ કે આ મારું સંતાન નથી. તે જાણતો હતો કે તેની પત્ની જ્યાં કામ કરતી હતી તે શેઠ અને પોતાની પત્નીના આડ-સબંધનું આ પરિણામ હતું. જ્યારે સંધ્યાનો જન્મ થયો ત્યારે તેની મમ્મીને ખુબ ડર લાગેલો કે કદાચ પોતાનો પતિ આવી સુંદર અને સોનેરી બાળપરીને જોઇને પોતાના પર આરોપ લગાડશે. તેના સાચા પિતાની ઓળખાણ પૂછશે. કદાચ પોતાને મારી પણ નાખે. પણ તે હેરાન હતી કે પતિ પોતે બધું જાણતો હોવા છતાં તેણે કઈ કર્યું કેમ નહિ. કરવાની વાત તો દુર રહી, પોતાને કઈ કહ્યું પણ નહિ. પરંતુ તેને પાછળથી ખબર પડી કે તેના પતિએ તેના શેઠને બ્લેકમેઈલ કરીને સારા એવા પૈસા લીધા હતા. આ બધા પૈસા તે સંધ્યાના ઉછેરમાં વાપરવાનો હતો. તે સંધ્યાને એક રાજકુમારીની જેમ રાખવા માંગતો હતો.

સંધ્યા જયારે પાંચ વર્ષની થઇ ત્યારે તેને સ્કુલમાં મુકવામાં આવી. આ સ્કુલ તે વિસ્તારમાં ખુબ પ્રખ્યાત હતી. આ સ્કુલમાં બધા અમીરોના બાળકો ભણતા. આ સ્કુલની ફી સામાન્ય લોકોને પોસાઈ તેવી ન હતી. લોકોએ જયારે આ વાત જાણી ત્યારે બધાના મો ખુલ્લા રહી ગયા. લોકો જયારે સંધ્યાના પિતાને કહેતા કે “આવી મોંઘી સ્કુલમાં છોકરીને ના ભણાવાય” ત્યારે તે કહેતો “મારે મન તે રાજકુમારી છે. હું તેના ઉછેરમાં કોઈ કમી રાખવા માંગતો નથી. હું તેના માટે સતત ચોવીસ કલાક કામ કરવા તૈયાર છું. જરૂર પડી તો હું મારા શરીરના અંગો પણ વેચી દઈશ પણ તેને હું કોઈ વાતની ખોટ નહિ પાડવા દવ.” તેઓ જે વિસ્તારમાં રહેતા, તે આખા એરિયામાં તેની વાહ વાહ થતી. લોકો બાપ દીકરીના પ્રેમની કહેવતો કહેતા. અમુક લોકો તેને હરખપદુડો પણ કહેતા. સંધ્યા જયારે રસ્તા પર નીકળતી ત્યારે તેઓ તેને ‘હરખપદુડા બાપની વંઠેલ છોકરી’ પણ કહેતા. પણ બાકીના લોકો માટે તે એક પ્રેરણારૂપ હતો. અમુક લોકો માટે તો તે હીરા સમાન હતો. જે સમયે લોકો દીકરીના જન્મ પહેલા તેની ભ્રૂણહત્યા કરતા, તે સમયે તે પોતાની દીકરીને રાજકુમારીની જેમ રાખતો. જયારે તે વિસ્તારમાં ‘બેટી બચાઓ, બેટી ભણાવો’ જેવી જાગૃતિ માટે સમાજ-સેવકો આવતા ત્યારે તેને બોલાવવામાં આવતો. તેનું સન્માન કરવામાં આવતું. લોકો જયારે તેને એક છોકરો પણ કરવાની સલાહ આપતા ત્યારે તે કહેતો “મારી દીકરીને હું એવી રીતે ઉછેરીશ કે તે છોકારાઓ પણ પાછા પડશે. મારે તો મારી દીકરી જ મારો ભવ તારશે, તે જ મારો વંશ આગળ વધારશે.” લોકો એવું માનતા કે તે એક સંત સમાન છે, જે પોતાની દીકરી માટે કઈ પણ કરવા તૈયાર છે. પણ સાચી વાત કોઈને ખબર ન હતી કે આ બધું તે પોતાને મળેલા પૈસા વડે કરતો હતો.

સંધ્યાના જન્મ વખતે લોકોને એમ થયું કે આ એ કુદરતની કોઈ મોટી ભૂલ છે. સંધ્યા જેમ જેમ મોટી થશે તેમ આજુબાજુના લોકોની જેમ સાધારણ છોકરીમા ફેરવાઈ જશે પણ તેનાથી ઉલટું થયું. સંધ્યા જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ વધારે ને વધારે સુંદર થતી ગઈ. સત્તર વર્ષની ઉમરે સંધ્યાની પ્રારંભિક સુંદરતા પરિપૂર્ણ થઇ હતી. તે પુખ્ત થતા એક અદભુત સ્ત્રી બની હતી. તેનો ચહેરો સુંદર અને નમણો થયો હતો. આંખો ઘેરા નીલા રંગની થઇ હતી. તેના મુલાયમ વાળ ઘાટા અને સોનેરી રંગના હતા. તેની તાજગીભરી ત્વચા જાણે કે દુધમાં ધોઈ હોય તેવી સફેદ હતી. ચુસ્ત આકર્ષક સ્તન, પાતળી કમર, ગોળાકાર નિતંબ અને નાજુક ઘુંટીવાળા લાંબા પગ તેના દેહને દિલધડક બનાવતા હતા. તેનો અવાજ મૃદુ અને સુરીલો હતો. તેની આજુબાજુ રહેતા દરેક પુરુષો તેને જોવા કે તેની સાથે વાત કરવા તત્પર રહેતા. પરિણીત પુરુષો પણ તેની સાથે વાત કરવાનું કોઈ બહાનું શોધતા રહેતા. તેની સ્કુલમાં બધા છોકરાઓ તેની સાથે ફ્રેન્ડશીપ કરવા તત્પર હતા. તેઓ સંધ્યા માટે કઈ પણ કરવા તૈયાર રહેતા. જુદા જુદા બહાને તેઓ સંધ્યાને અલગ અલગ ભેટો આપતા. તે જયારે રસ્તા પરથી નીકળતી ત્યારે અનેક લોકોના મો ખુલા રહી જતા. લોકો બેશરમ બની તેને ટીકી ટીકીને જોઈ રહેતા, પુરુષો વાસનાથી અને સ્ત્રીઓ ઈર્ષાથી.

હવે તેના સ્વભાવમાં પણ પરિવર્તન આવવા લાગ્યું હતું. શાંત સ્વભાવની સંધ્યા હવે આક્રમક મિજાજની બની ગઈ હતી. તેની નસોમાં એક બગડેલા અમીરનું લોહી દોડતું હોવાથી તેના ગુણ પણ તેના જેવા હતા. તે પણ દેખાવમાં ખુબ માનતી અને ઠાઠથી રહેતી. તેમાં પણ તેના પિતાના લાડ પ્યારે તેને વધુ પ્રોત્સાહન આપ્યું હતું. જેને લીધે તેનો સ્વભાવ ખુબ બગડ્યો હતો. પોતે ગરીબ હોવા છતાં ગરીબોને તુચ્છ ગણાતી. તેમને બોલાવતી નહિ. તે ખરેખર હવે ‘હરખપદુડા બાપની વંઠેલ છોકરી’ બની ગઈ હતી. સ્કુલમાં તેના મિત્રો પણ તેના જેવા હતા. તેને પોતાની ખુશામત બહુ ગમતી. હવે ભણવામાં ઓછું અને ઠઠ્ઠામશ્કરીમાં વધારે ધ્યાન રહેતું. તે હવે માત્ર મિત્રો સાથે ફરવામાં અને પાર્ટીઓ કરવામાં વ્યસ્ત રહેતી. તે હંમેશા અમીરો જેવા સપના જોતી. તેને એક છોકરો બહુ ગમતો હતો. તેનું નામ આંનદ હતું. તે બહુ દેખાવડો ન હતો. હા, પણ અમીર જરૂર હતો. સંધ્યાને તો માત્ર એટલું જ જોઈતું હતું. આંનદના પપ્પા એક બિલ્ડર હતા. તેમને સરકારમાં મોટા પ્રધાનો સુધી ઓળખાણો હતી. તે ચુંટણી વખતે પાર્ટીઓને બહુ પૈસા આપતા. જેણે લીધે મોટા કન્સ્ટ્રકશનના કામો તેમણે મળતા. જેમાંથી તેઓ બહુ પૈસા કમાતા હતા.

સંધ્યા અને આનંદ ઘણીવાર બાઈક પર ફરવા જતા. મુંબઈના બીચ કે ચોપાટી પર મોડી સાંજ સુધી બેસી રહેતા. ક્યારેક થિયેટરમાં મુવી જોવા જતા. તેમને અંગ્રેજી મુવી જોવાનો બહુ શોખ હતો. તેમને મુવીમાં તો કઈ ખબર પડતી નહિ પરંતુ તેમાં બતાવવામાં આવતી મોઘી બાઈકો, ફેશનેબલ કપડા અને ઉતેજક દ્રશ્યો બહુ ગમતા. સંધ્યા આંનદ સાથે દુનિયાભરની વાતો કરતી પણ પોતાની ફેમીલી વિશે તેણે ક્યારેય કઈ જણાવ્યું ના હતું. પોતાનું ઘર તેણે કોઈને બતાવ્યું ન હતું. જયારે તેના ઘર કે ફેમીલી વિશે કોઈ પૂછતું ત્યારે તે આડી અવળી વાતો કરીને વાતને દબાવી દેતી. તેને પોતાના ઘર વિશે જણાવવામાં બહુ નાનપ લગતી. તેને ડર લાગતો કે જો આંનદને ખબર પડશે કે પોતે ગરીબ છે તો તે કદાચ તેને છોડીને ચાલ્યો જશે. સંધ્યા આવા અમીર છોકરાને છોડવા નહોતી માગતી.

સંધ્યાને હવે આંનદ સાથે સારું ફાવી ગયું હતું. હવે તેને હવે ઘરમાં ગમતું ન હતું. તેને ઘરમાં હવે અકળામણ લાગવા માંડી હતી. તે હવે આ ગરીબ ઘરમાંથી ગમે તેમ કરીને છૂટવા માગતી હતી. તે હવે ઘરમાં ખુબ ઓછો સમય રહેતી. તે મોટા ભાગનો સમય આંનદ સાથે રહેતી. રાત્રે ઘરમાં મોડી આવતી. રજાના દિવસે પણ આખો દિવસ બહાર રહેતી. તેના મમ્મી તેને ક્યારેક ઠપકો આપવા જતા ત્યારે ઉલટાના તેના પપ્પા સંધ્યાનો પક્ષ લેતા. જેના લીધે સંધ્યાને વધારે છૂટ મળી રહેતી.

એક દિવસ સંધ્યા અને આંનદ બાઈક પર બેસીને મુવી જોવા જતા હતા.સંધ્યા આંનંદને એકદમ ચીપકીને બેઠી હતી. સંધ્યાના પપ્પા આ બધું જોઈ ગયા. તેમને લાગ્યું પોતે સંધ્યાને વધારે છૂટ આપી દીધી છે. હવે હદ થઇ ગઈ છે. તેઓ બહુ ગુસ્સે થયા. તે ઘરે આવીને સંધ્યાની રાહ જોતા બેસી રહ્યા.

(પોતાના પપ્પાની લાડકી અને પપ્પાને જેની પર પૂરો વિશ્વાસ હતો તેને પોતાની નજર સામે બીજા છોકરા સાથે જોઈ લીધી. હવે તે ગુસ્સામાં શું કરશે ? તે હવે બીજા ભાગમાં. ત્યાં સુધી ખુશ રહો.)