Trijo janm books and stories free download online pdf in Gujarati

ત્રીજો જન્મ

ત્રીજો જન્મ?
લેખકઃ નટવર મહેતા

સ્કૂલ બસમાંથી ઊતરી વિધી ઘરે આવી. ડ્રાઇવ-વેમાં મોમની કાર નિહાળી એ ખુશ થઈ ગઈઃ મોમ ઈસ એટ હોમ! વેલ!! એણે કોલ બેલનું બટન દબાવ્યું.

-ટીંગ....... ટોંગ........ ટીંગ....... ટોંગ........

દરવાજો બંધ જ રહ્યો!!

એણે ફરી બટન દબાવ્યું.

-ટીંગ....... ટોંગ........ ટીંગ....... ટોંગ........

મોમે દરવાજો ન ખોલ્યો. બુક બેગના આગળના નાના પાઊચમાંથી ઘરની ચાવી કાઢી એણે બારણું ખોલ્યું. ભારી બુક બૅગ લિવિંગ રૂમના સોફા પર નાંખ્યું.

“મો.....ઓ....ઓ...ઓ.....મ!!!”

એણે માટેથી બૂમ પાડી.

“મો.....ઓ....ઓ...ઓ.....મ!!!”

સામેથી કોઈ પ્રત્યુત્તર ન આવ્યો.

- વ્હેર ઈસ શી ?! વિધીએ વિચાર્યું. આમ તો વિધી ઘરે આવે ત્યારે એની મોમ નેહા ઘરે ન હોય. પણ આજે મોમ વ્હેલી ઘરે આવી છે એમ વિચારી એ રાજી રાજી થઈ ગઈ હતી.

“મો.....ઓ....ઓ...ઓ.....મ!!!”

ચાર બેડ રૂમના આખા ઘરમાં વિધી ફરી વળી. હવે એના સ્વરમાં થોડી ચિંતા પણ ભળી.

- મે બી શી ઇસ ઓન ડેક!!!

મોમને બેક યાર્ડમાં ડેક પર ઇઝી ચેરમાં બેસી કોફી પીતાં પીતાં વાંચવાની ટેવ હતી. એણે કિચનની બારીમાંથી બેક યાર્ડમાં નજર કરી. બેક યાર્ડ- ડેક ખાલી ખમ!!

- ઓ...હ!!!!

વિધી ગુંચવાઇ. એક મૂંઝારો થઈ આવ્યો એના બાળ માનસમાં. ફરી એણે ઘરમાં એક આંટો માર્યો. ક્યારેક મોમ હાઇડ થઈ જતી.એ નાની હતી ત્યારે ક્લોઝેટમાં સંતાય જતી. મોમ-ડેડનાં બેડ રૂમમાં વોલ્ક ઇન ક્લોઝેટ હતું: કદાચ!!

દબાતે પગલે દાદર ચઢી એ ઉપર ગઈ. માસ્ટર બેડ રૂમનો દરવાજો ધીરેથી ખોલ્યો. અંદર જઈ ક્લોઝેટનો દરવાજો ખોલી મોટ્ટેથી બોલી.

“ગોટ યુ !!!”

- પણ ક્લોઝેટમાં કોઈ ન હતું.

હવે વિધીને રડવાનું મન થઈ આવ્યું.

- મોમની કાર ડ્રાઇવ-વેમાં છે અને એ ઘરે નથી!! કેમ?

એણે છેલ્લી વાર બૂમ પાડી, “મો.....ઓ....ઓ...ઓ.....મ…?! વ્હેર આર યુ?”

લિવિંગ રૂમમાંથી ડ્રાઇવ-વેમાં નજર કરી એણે મોમની કાર ફરી જોઇ.

- યસ! ઈટ ઈસ હર કાર! હર લેક્સસ!!

રેફ્રિજરેટર પર કોઈ મૅસેજ હશે એમ વિચારી એ કિચનમાં ગઈ. પણ ત્યાં કોઈ મૅસેજ ન હતો. રેફ્રિજરેટર ખોલી હાઇસી જ્યૂસનું પાઉચ લઈ સ્ટ્રો પાઉચમાં નાંખી એણે એક ઘૂંટ પીધો. ઠંડા જ્યૂસથી થોડી રાહત થઈ પણ મૂંઝવણ ઓછી ન થઈ. છેલ્લાં થોડાંક વખતથી મોમ વરીડ હોય એમ લાગતું હતું. ડેડ - મોમ વચ્ચે કંઈક ગરબડ ચાલતી હતી. -

- સમથિંગ રોંગ ઈસ ગોઇંગ ઓન બિટવીન ધેમ!! બટ વ્હોટ ? ?

એ એના નાનકડા મનની બહારનું હતું. એના માટે તો એની મોમ બહુ લભ્ય હતી!! એવરીટાઇમ અવેલેબલ હતી!! લવલી હતી !!

જ્યૂસ પીતા પીતા એ વિચારતી હતી.

- વ્હેર શુલ્ડ શી? ?

- લેટ્સ કોલ હર!! બુક બૅગમાંથી એણે એનો સેલ ફોન કાઢ્યો. સવારે મોમે મોકલાવેલ ટેક્સ્ટ મૅસેજ એણે ફરીથી વાંચ્યો.

“આઇ લવ યુ!! આઇ એમ પ્રાઉડ ટુ બી એ મધર ઑફ લવલી ડોટર લાઇક યુ!! બેટા, નાઉ ડેઇઝ આર કમિંગ ધેટ યુ શુલ્ડ ટેઇક કેર ઑફ યોર સેલ્ફ એસ યુ આર ગ્રોઇંગ અપ!! ધ લાઇફ ઇસ ફુલ ઑફ સરપ્રાઇઝીસ!! એન્ડ ધીસ ઇસ ધ ચાર્મ ઑફ અવર લાઇવ્સ!! એવરી ડે ઇન અવર લાઇવ્સ ઇસ અ ન્યુ ડે!! વી શુલ્ડ વેલ્કમ્ડ ઇચ એન્ડ એવરી ડે વીથ લવ, લાફ્ટર એન્ડ હેપીનેસ!! આઇ લવ યુ!! ફોર એવર!! એન્ડ એવર!!”

નેહા વિધીને વિક ડેઇઝમાં રોજ ટેક્સ્ટ મૅસેજ કરતી. સવારે સાત - સવા સાતના ગાળામાં... વિધી સ્કૂલ બસમાં બેસતી ને મોમનો મૅસેજ આવ્યો જ સમજવો. રોજ રોજ મૅસેજમાં મોમ નવી નવી વાતો કહેતી. ક્યારેક જોક્સ, ક્યારેક પોએટ્રી, ક્યારેક કોઈક તત્વ ચિંતન !!

ટેક્સ્ટ મૅસેજનો અપ્રતિમ ઉપયોગ કરતી નેહા એની બેટી વિધીને સંસ્કાર આપવાનો.... જીવનના વિવિધ પાસાઓ સમજાવવાનો!! પણ આજનો મૅસેજ વાંચી વિધી વિચારતી થઈ ગઈ. મોમે લખ્યું હતું: યુ શુલ્ડ ટેઇક કેર ઑફ યોર સેલ્ફ!!

- વ્હાય? ! એ ટેક્સ્ટ મૅસેજ ફરી વાર વાંચી ગઈ. એને કોઈ સમજ ન પડી. રોજ આવતાં મૅસેજ કરતાં આજનો મૅસેજ અલગ હતો... અલગ લાગતો હતો!!!

સ્પિડ ડાયલનું બે નંબરનું બટન દબાવી એણે મોમને ફોન કર્યો.

- ધ નંબર યુ હેવ ડાયલ્ડ ઇસ નોટ ઇન સર્વિસ.... પ્લીસ, ચેક ધ નંબર એન્ડ ડાયલ અગેઇન !!

સામેથી નેહાના મીઠાં-મધુરા અવાજની અપેક્ષા રાખી હતી વિધીએ. એને બદલે કમ્પ્યુટરાઇઝ્ડ શુષ્ક મૅસેજ સાંભળવા મળ્યો!!

-વ્હોટ!! વિધીના આશ્ચર્યનો પાર ન રહ્યો.

ડેડને ડાયલ કરતી ત્યારે મોટે ભાગે મેઇલ બોક્ષ મળતો ને મૅસેજ મૂકવો પડતો. પણ મોમ? મોમ તો દરેક વખતે મળે જ! બિઝી હોય તો કહેતી: દીકુ, હું પાંચ મિનિટમાં તને ફોન કરું છું ને બે મિનિટમાં તો એનો ફોન આવી જ જતો. પણ આજે?!

એણે ફરી સ્પિડ ડાયલ માટેનું બટન દબાવ્યું. એ જ લાગણીવિહીન મૅસેજ!!

-વ્હાય ?! વિધીને રડવાનું મન થઈ આવ્યું

-હવે ?! વ્હોટ નાઉ ?! ટિસ્યૂ બોક્ષમાંથી ટિસ્યૂ લઈ આંખમાં તરી આવેલ ભીનાશ લૂંછી. નાક સાફ કર્યું.

“મોમ !!” ધીમેથી એ બોલી, “ આઈ લવ યુ મોમ !!” દીવાલ પર લટકતી ફેમિલી તસવીર પર એક નજર નાંખી એ બોલી. હતાશ થઈને એ સોફા પર બેસી પડી. કંઈક અજુગતું બની ગયું-બની રહ્યાની એને આશંકા થઈ. એણે એના ડેડ આકાશને ફોન કર્યો. એ જાણતી હતી કે મોટે ભાગે તો ડેડનો મેઇલ બોક્ષ જ મળશે.

“યસ, વિધી!” એના આશ્ચર્ય વચ્ચે બીજી રીંગ વાગતાં જ આકાશે જવાબ આપ્યો.

“ડે.....એ.....ડ.....?!”

“યસ.......!!”

“વ્હેર ઇસ મોમ?”

“શી મસ્ટ બી એટ વર્ક!!”

“નો..!! હર લેક્સસ ઇસ હિયર!! આઇ કૉલ્ડ હર સેલ એન્ડ ઈટ ઈસ ડિસકનેક્ટડ!! આઇ મીન નોટ ઈન સર્વિસ!”

“વ્હોટ?!” આકાશ ચમક્યો.

“યસ ડેડ, મોમનો સેલ મેં બે વાર ડાયલ કર્યો!!” રડી પડતાં એ બોલી.

“ઓ..ઓ... હ!!!” આકાશે નિ:શ્વાસ નાંખ્યો.

“નાઉ વ્હોટ ??” વિધીએ પૂછ્યું

“.................!!!” આકાશ મૌન... આકાશ પાસે ક્યાં કોઈ જવાબ હતો વિધીના પ્રશ્નનો?!

***

બરાબર એજ સમયે ક્લિફ્ટનથી લગભગ પચાસ માઇલ દૂર બ્રિજવોટર ખાતે નેહાએ બે બેડરુમના કોન્ડોમિનિયમનો ડોર ખોલી લિવીંગ રૂમમાં ગોઠવેલ સોફા પર પડતું નાંખ્યું. અસંખ્ય વિચારોનું વાવાઝોડું એના વિખેરાયેલ મનમાં ફૂંકાઈ રહ્યું હતું... એને વિચલિત બનાવી રહ્યું હતું.

એની જાણ બહાર જ નેહાની આંખમાં આંસુની સરવાણી ફૂટી.

જીંદગીમાં એવાં પણ મુકામ આવશે......

સંઘરેલ આંસુ જ પીવા કામ આવશે......

થોડા સમય પહેલાં વાંચેલ ગઝલનો શેર એને યાદ આવ્યો. સંઘરી રાખેલ આંસુનો બંધ તૂટી ગયો હતો.

- કેટ કેટલાં જનમો લેવા પડશે આ એક નાનકડી જીંદગીમાં?

નેહાના મને એને પ્રશ્ન પૂછ્યો.

કહેવાય છે કે સ્ત્રી એક જીંદગીમાં બે વાર જન્મે છે. એક વાર જ્યારે આ દુનિયામાં આવે છે ત્યારે અને બીજી વાર પોતાના પતિના ઘરે પ્રવેશે ત્યારે.

- પણ જ્યારે પતિનું ઘર છોડે ત્યારે?

- ત્યારે શું થાય છે?

- ત્રીજો જન્મ?

- કે પછી...........!!!

ઊંડો શ્વાસ લઈ એ સોફા પરથી ઊભી થઈ. બાથરૂમમાં જઈ ઠંડા ઠંડા પાણીથી એણે મ્હોં ધોયું.

કોન્ડોમિનિયમમાં હજુ નવા નવા રંગની ગંધ ગઈ ન હતી. સેંટ્રલ એર- કંડિશનિંગ સિસ્ટમમાંથી ઠંડી હવા આવી રહી હતી.

- શું એણે જે પગલું ભર્યું તે યોગ્ય હતું ?!!

- શું આ એનો ત્રીજો જન્મ છે?!!

જાત જાતના વિચારોનું દ્વંદ્વ યુદ્ધ એનાં મનમાં ચાલી રહ્યું હતું... પતિના ઘરનો ઉંબર ઓળંગી દીધો હતો... હવે પાછા વળવાનો તો કોઈ સવાલ જ ન્હોતો.

ફરીથી એ સોફા પર બેસી પડી. આંખો બંધ કરી એણે ઊંડા ઊંડા શ્વાસ લેવા માંડ્યા. એક અવકાશ છવાઈ ગયો હતો...સાવ એકલી પડી ગઈ હતી એ !!

- ખરેખર શું એ એકલી પડી ગઈ છે ??

- એણે એના પેટ પર હળવેથી જમણો હાથ ફેરવ્યો લાગણીથી!!

એના ગર્ભમાં આકાર લઈ રહેલ જીવે હળવો સળવળાટ કર્યો... એનું રોમ રોમ પુલકિત થઈ ઊઠ્યું... જાણે હાજરી પુરાવી રહ્યો હતો એ નાનકડો જીવ!! એનું પ્રથમ કંપન!!

ના, એ સાવ એકલી ન્હોતી. એની સાથે, એની અંદર એક જીવ આકાર લઈ રહ્યો હતો !! એનું બાળક!! એનું પોતાનું બાળક!!! ભીની આંખે પણ એનાં ચહેરા પર એક સુરમયી સુરખી છવાઈ ગઈ!! એક મંદ હાસ્ય!! ક્યાં સુધી પોતાના પેટ પર હળવે હળવે હાથ ફેરવતી એ બેસી રહી.

- જીંદગી એની કેવી કેવી કસોટી લઈ રહી છે ??

નેહાએ સોફા પર જ લંબાવી આંખો બંધ કરી.

મન-દર્પણમાં જીંદગીના લેખાં -જોખાં થઈ રહ્યા હતા. કેવાં મુકામ પર પહોંચી ગઈ હતી જીંદગી? બંધ આંખો આગળ જીંદગી જાણે પ્રવાસ કરી હતી અને સાક્ષી બની પસાર થતી પોતાની જીંદગીને એ જોઇ રહી...

***

“જો બહેન,” નેહાના નરોત્તમમામા આજે નેહાના ઘરે આવ્યા હતા નેહાના લગ્નની વાત લઈને, “છોકરો અમેરિકન સિટીઝન છે. વરસોથી અમેરિકા છે. બરાબર સેટ થઈ ગયેલ છે. સમાજમાં જાણીતું કુટુંબ છે. આપણી નેહાની ઉંમર પણ વધી રહી છે!!”

“પણ ........!!” નેહાની બા જરા ખંચકાઇને, અટકીને બોલ્યા, “છોકરો વિધુર છે એ વાત આપણે ધ્યાનમાં ન લઈએ, માની લઈએ કે એની પહેલી પત્ની કાર એક્સિડંટમાં ગુજરી ગઈ એમાં એનો કોઈ વાંક નથી.તમારી વાત પણ સાવ સાચી કે નેહા પણ અઠ્ઠાવીસનો તો થઈ ગઈ છે. પણ છોકરાને પહેલી પત્નીથી એક છોકરી છે....!! બે કે અઢી વરસની!! સાચી વાતને?” જરા શ્વાસ લઈને એ બોલ્યાં,“મને તો એ બરાબર નથી લાગતું.....મને તો........!!”

અંદરના રૂમમાં નેહા મામા અને એની બા વચ્ચે થઈ રહેલ વાત સાંભળી રહી હતી. મામા થોડા સમયમાં બે-ત્રણ વાર ઘરે આવી ગયા હતા. અને દર વખતે નેહાના લગ્નની વાત કાઢી દબાણ વધારી રહ્યા હતા. એમની વાત પણ સાચી હતી. છોકરીના લગ્નની સરેરાશ ઉંમર કરતાં નેહાની ઉંમર પણ વધી રહી હતી... વધી ગઈ હતી...નાના ભાઇ મનીષે એંજિનિયર થયા પછી એની સાથે ભણતી અમી મેનન સાથે આંતરજ્ઞાતીય પ્રેમ- લગ્ન કર્યા હતા. નેહાને પણ છોકરાઓ જોવા તો આવ્યા હતા પણ કોઈ સાથે મેળ પડતો ન હતો. વળી બાર ગામ, પંદર ગામની સીમાઓ પણ નડતી હતી. એવું ન્હોતું કે એ ભણેલ ન્હોતી... એમ એસ યુનિવર્સિટીની એ બી. ફાર્મ થઈ હતી... કેડિલા ફાર્માસ્યુટિકલમાં રિસર્ચ એંડ ડેવલેપમેંટમાં નોકરી પણ કરતી હતી. એક-બે છોકરા એને પસંદ પણ પડ્યા હતા પરંતુ એઓનું ભણતર નેહાની સમકક્ષ ન હતું કે એમનો અભ્યાસ ઓછો હતો એટલે નેહાએ એમાં રસ ન દાખવ્યો. જ્યારે બીજાઓની માગણીઓ ભારી હતી... પહેરામણી... દાયજો... સો તોલા સોનું.... મારુતિ કે સેંટ્રૉ કાર .... ફ્લૅટ.... વગેરે... વગેરે!! લગ્ન નહિ જાણે કોઈ મલ્ટિનૅશનલ કંપનીનું ટેક ઓવર ન કરવાનું હોય!! વળી મનીષે આંતરજ્ઞાતીય લગ્ન કરી નાંખ્યા ને નેહા માટે માંગા આવતા ઓછાં થઈ ગયા ને પછી ધીરે ધીરે બંધ જ થઈ ગયા. ને મનીષના ઘરે પણ હવે તો બાળક આવવાનું હતું. નેહાની ઉંમર પણ વધી રહી હતી. પિતા જશુભાઇની ચિંતાનો પહાડ પણ મોટો ને મોટો થઈ રહ્યો હતો. એમને પણ લાગતું હતું કે નેહાનું જલદી ઠેકાણું પડી જાય તો સારું....મનીષ-અમીએ અલગ રહેવું હતું. અમી તો બીજી જ દુનિયામાંથી આવી હતી. એટલે એને તો નેહાની હાજરી ખૂંચતી હતી. સાપનો ભારો બની ગઈ હતી નેહા!! એનાં પોતાના કુટુંબ માટે!! ભાઇ - ભાભી માટે.... મા-બાપ માટે!! પોતાના ન જાણે કેમ પારકાં થઈ જતાં હશે???

“મા...મા...!!” નેહાએ બેઠક ખંડમાં પ્રવેશતાં કહ્યું, “મારે મળવું છે એક વાર છોકરાને!!” નેહાને પણ છૂટવું હતું અહિંથી. ક્યાં સુધી એની જીંદગીનો ભાર વહે એના મા-બાપ??

“ગુડ...ગુડ !!!” નરોત્તમમામા ખુશ થઈ ગયા. “જોયું સુમિ?” નેહાની બા તરફ ફરી એ બોલ્યા, “આપણી નેહા સમજદાર છે. અને એક વાર અમેરિકા પહોંચી જાય પછી તો જલસા જ જલસા!! અ રે!! જોજોને ત્રણ વરસમાં તો તમને બધાંને ત્યાં બોલાવી દેશે!! હું આજે જ નડિયાદ ફોન કરી દઉં છું. આકાશની મોટી બહેનને!! લગભગ એકાદ મહિનામાં આકાશ ઇન્ડિયા આવવાનો છે. નેહાનો પાસપોર્ટ તો તૈયાર છે ને?” નરોત્તમમામા હંમેશ દૂરનું વિચારતા હતા..

આકાશ આવ્યો. નેહાને મળ્યો. ચોત્રીસ - પાંત્રીસનો આકાશ સહેજ ખાલિયો હતો. નેહાને પસંદ નાપસંદીનો સવાલ ન્હોતો. જો આકાશ હા પાડે તો બેસી જવું એવું નેહાએ મનોમન નક્કી કરી દીધું જ હતું. અને હા આકાશ માટે તો વીસથી માંડીને ત્રીસ વરસની કુંવારી છોકરીઓની લંગાર લાગી હતી. પરતું આકાશે સૌથી પહેલાં નેહાને મળવાનું. નરોત્તમમામાની મુત્સદ્દીગીરી પણ એમાં ભાગ ભજવી ગઈ. મામાએ ચક્કર કઇંક એવા ચલાવ્યા કે આકાશ છટકી જ ન શકે!! નેહાને આકાશે પસંદ કરી દીધી!! ખાસ તો આકાશ નેહાનું ભણતર જાણી રાજીનો રેડ થઈ ગયો: ધેર ઇસ લોટસ્ ઑફ સ્કોપ ફોર ફાર્માસિસ્ટ ઇન યુ એસ!! એ પોતે કૉલગેટમાં એનાલીટીકલ કેમિસ્ટ હતો....સિનિયર કેમિસ્ટ!! એક વિંટરમાં એની પત્ની નીનાને કાર એક્સિડંટ થયો.... ત્રણ દિવસ નીના બેહોશ રહી.. એને બચાવવાના બધાં જ પ્રયાસો વ્યર્થ ગયા. ને નીના પ્રભુને પ્યારી થઈ ગઈ. ત્યારે સાવ એકલો પડી ગયો હતો આકાશ - એની બે-અઢી વરસની પુત્રી વિધી સાથે..... હલી ઊઠ્યો હતો આકાશ....!!આકાશના મા-બાપ આણંદથી દોડી આવ્યા. ધીરે ધીરે આકાશ જીંદગીની ઘટમાળમાં ફરીથી જોડાયો..... કોઈના જવાથી કંઈ જીંદગી થોડી અટકી જાય છે?! છેલ્લાં થોડાંક વખતથી આકાશના મા-બાપ આકાશને દબાણ કરતાં હતાં ..પુનઃ લગ્ન માટે!! એમને પરદેશમાં ગોઠતું ન્હોતું. દેશમાં એમની બહોળી ખેતી હતી!! ઢોર ઢાંખર હતા..જો આકાશનું ઠેકાણું પડે તો એઓ ફરી દેશા ભેગાં થાય!! અ.....ને આકાશનું ગોઠવાય ગયું નેહા સાથે!! થોડી રજાઓ લઈ આકાશ દેશ આવ્યો. ઝડપથી લગ્ન ગોઠવાયા. કોઈ લેણ - દેણની તો કોઈ વાત જ ન્હોતી. વળી આકાશે જ લગ્નનો બધો ખર્ચ ઊપાડ્યો!! નાનકડી વિધી સૌને ગમી જાય એવી પ્યારી પ્યારી હતી... બધાં સાથે એ એની કાલી કાલી ગુંગ્લીશમાં વાતો કરતી રહેતી. થોડી વાતો થઈ સમાજમાં - નેહાના લગ્ન વિશે!! પણ નેહાને કોઈની કંઈ પડી ન્હોતી!! સમાજને મ્હોંએ ગળણું કોણ બાંધે?? જીંદગી એણે પોતે પસંદ કરી હતી!! અ.....ને.... નેહા પત્નીની સાથે સાથે મા પણ બની ગઈ!!! એક વહાલી રૂપાળી દીકરીની!!

લગ્ન પછી એક અઠવાડિયામાં આકાશ પાછો અમેરિકા પહોંચી ગયો. એ અમેરિકન સિટીઝન તો હતો જ... એણે નેહાની પિટિશન ફાઇલ કરી દીધી ને દોઢ વરસમાં નેહા આવી પહોંચી અમેરિકા!! એક નવી જ દુનિયામાં!! નેહા સમજદાર હતી...સંસ્કારી હતી...અહિં અમેરિકામાં નવી જીંદગીની શરૂઆત ....નવો જન્મ!!! નવો અવતાર!! નેહા તૈયાર હતી!!

આકાશ ખુશ હતો.. પોતાને એ ભાગ્યશાળી માનતો હતો - નેહાને મેળવીને!! નેહાના અમેરિકા આવ્યા બાદ આકાશના મા-બાપ દેશ પરત આવી ગયા. ધીરે ધીરે નેહા ટેવાવા લાગી અમેરિકાની લાઇફ-સ્ટાઇલથી!! આકાશનું ચાર બેડરૂમનું મોટ્ટું હાઉસ હતું!! સરસ જોબ હતી!! વિધી તો નેહા સાથે એકદમ હળી-ભળી ગઈ .... મોમ....મોમ....મોમ....વિધી નેહાને છોડતી જ ન્હોતી...નેહા પણ વિધીને મેળવી ધન્ય ધન્ય થઈ ગઈ!!!

નેહા હોંશિયર તો હતી જ. અમેરિકા આવવા પહેલાં દેશમાં એણે અમેરિકા માટેની ફાર્માસિસ્ટની પરીક્ષાની માહિતી મેળવી, પુસ્તકો વાંચી, રેફ્રરંસ ભેગા કરી, ઇંટરનેટનો ઉપયોગ કરી પુરી તૈયારી લીધી હતી. આથી પહેલાં જ પ્રયત્નમાં એ જરૂરી એક્ઝામ પાસ થઈ ગઈ... અને એનું સ્ટેટનું લાયસંસ પણ આવી ગયું. કાર તો એને ચલાવતા આવડી જ ગઈ હતી. હવે એ સર્ટિફાઇડ ફાર્માસિસસ્ટ બની ગઈ... ફાર્માસિસ્ટનું લાયસંસ આવતાંની સાથે જ જોબ માટે સામેથી ફોન આવવા માંડ્યા: કમ વર્ક વિથ અસ!! દેશમાં તો નોકરી માટે કેટ કેટલી લાગવગ લગાવવી પડી હતી?! અહિં?! એક મહિનામાં તો જોબની ચાર - ચાર ઑફર!! વોલ માર્ટ, વોલગ્રીન, રાઇટ એઇડમાંથી!!! આકાશ સાથે વિચારણા કરી નેહાએ હેકનસેક હોસ્પિટલમાં ફાર્માસિસ્ટની જોબ સ્વીકારી લીધી. સેકન્ડ શિફ્ટમાં!! જેથી વિધીની પણ સંભાળ લઈ શકાઈ. નેહા બપોરે સાડા ત્રણે જોબ પર જાઈ ને થોડી વારમાં આકાશ જોબ પરથી આવી જાય.. એટલે વિધીએ બેબી-સિટર પાસે, બેબી-સિટર સાથે વધુ સમય રહેવું ન પડે.

નેહાની જીંદગી સળસળાટ દોડવા લાગી!! ઘર...જોબ...આકાશ...વિધી... વિક-ડેઇઝ... વિક-એંડ... સુપર માર્કેટ...કૂપન... મૉલ.... શોપિંગ...નવી કાર-લેક્સસ...!!! હોસ્પિટલમાં પણ નેહા સૌની માનીતી થઈ ગઈ!! દિલ જીતવાની કળા હતી એની પાસે!! સમય સળસળાટ દોડવા લાગ્યો...મહિને - બે મહિને દેશ ફોન કરી મા-બાપની સાથે નેહા વાતો કરી લેતી... આકાશ ખુશ હતો...વિધી ખુશ હતી... નેહા ખુશ હતી...જીંદગીમાં ક્યાંય કોઈ મૂંઝવણ ન હતી... ક્યાંય કોઈ કમી ન હતી!!!

- પણ ક્યાંક કંઈક ખૂંટતું હતું !!

- કે પછી એ નેહાનો વહેમ હતો ??

વિધી આજે નેહાની સાથે સુતી હતી. કોઈ કોઈ રાત્રે, મોટે ભાગે જ્યારે નેહાને રજા હોય ત્યારે વિધી એના બેડ રૂમમાં સુવાને બદલે નેહા-આકાશની સાથે સુઇ જતી,. નેહાને વળગીને!! નેહા વિધીને અસીમ પ્રેમ કરતી. ને વિધીની તો એ તારણહાર હતી!! ડેડ ક્યારેક મેડ થઈ જતાં!! પણ મોમ?? નેવર!! વિધીને એક પળ પણ ન ચાલતું નેહા વિના. એ નેહાને છોડતી નહિ!! જ્યારે નેહા ઘરે હોય ત્યારે પૂરો કબજો વિધીનો જ!! નેહાને તો ખૂબ મજા પડતી... આનંદ મળતો... સંતોષ મળતો...વિધીનો નિઃસ્વાર્થ પ્રેમ મેળવી એ પાવન થઈ જતી... આકાશ કહેતો કે નેહા વિધીને બહુ પેમ્પર કરતી હતી... લાડકી કરતી હતી!!!

વિધી નેહાને વળગીને સુતી હતી. એનો જમણો પગ નેહાના પેટ પર હતો અને જમણો હાથ છાતી પર. રાત્રિનો એક વાગી ગયો હતો. આજે વીક-એંડ હોય નેહાને રજા હતી. એટલે એ આખો દિવસ ઘરે જ હતી. ઊંઘનું બાષ્પીભવન થઈ ગયું હતું. આકાશ પડખું ફરી સુઇ ગયો હતો. એના નસકોરાનાં ધીરા ઘરઘરાટ સિવાય બેડ રૂમમાં શાંતિ હતી. નેહાએ વિધીનો પગ હળવેથી પોતાના શરીર પરથી હઠાવ્યો. ને એના કપાળ એક હળવી ચૂમી ભરી..નિદ્રાધીન વિધી ઊંઘમાં ધીમું ધીમું મરકતી હતી. નેહાએ વિધી તરફ નજર કરી એના કપાળ પર, વાળ પર પ્રેમથી હાથ પસવાર્યો. આકાશ તરફ એક ઊડતી નજર નાંખી નેહા છત તરફ જોવા લાગીઃ શૂન્યમનસ્ક!!! કોરી આંખોમાં નિદ્રાનું ક્યાંય નામોનિશાન ન્હોતું!!

- શું મા બનવું ખોટું છે?!!

એના મને છેલ્લાં કેટલાંક સમયથી પૂછવા માંડેલ પ્રશ્ન પાછો પૂછ્યો.

- કેમ, તું મા નથી વિધીની ?!!

- છું જ !! ચોક્કસ છું જ !!

- પરતું.....!

એ પલંગ પરથી ઊભી થઈ ગઈ. વિધીને બરાબર ઓઢાડી એ બેડરૂમની વિશાળ બારી પાસે ગઈ. બારીમાંથી આકાશમાં નજર કરી. ચંદ્રમા વાદળો સાથે સંતાકૂકડી રમતો હતો. લપાતો-છુપાતો ચંદ્ર વધુ રૂપાળો લાગતો હતો....વાદળોમાં ઊલઝાતો પવન વાદળોને જુદા જુદા આકારમાં ઢાળી રહ્યો હતો. દરેક આકારમાં નેહાને બાળકોનો આકાર દેખાતો હતો... ગોળ-મટોળ રૂપાળા બાળકો.... દોડતાં બાળકો ...ગબડતાં બાળકો... રડતાં બાળકો... હસતાં બાળકો... રડતાં બાળકો... બાળકો.... બાળકો.... બાળકો....પણ ક્યાં છે એનું બાળક?? પોતાનું બાળક???

- નેહાને પોતાનું બાળક જોઇતું હતું.

- એના ગર્ભાશયમાં આકાર લેતું!!

- પોતાના લોહી-માંસમાંથી સર્જાતું!!

- પોતાની કૂખે જન્મતું!!

- ને એમાં ખોટું પણ શું હતું ??

એણે મા બનવું હતું. લગ્નને પાંચ- છ વરસ થઈ ગયા હતા. શરૂઆતમાં એણે યાસ્મિન ગોળી ગળી હતી. જે લગભગ બે વરસથી બંધ કરી હતી. કોઈ કોંટ્રાસેપ્ટિવસ એણે કે આકાશે વાપર્યા ન્હોતા. આકાશને તો કોંટ્રાસેપ્ટિવસ વાપરવાનો ભારે અણગમો હતો. પણ કંઈ વાત બનતી ન હતી!! અને દર મહિને એ નિરાશ થઈ જતી. આકાશ સાથે એણે સહશયન વધારી દીધું.. કોઈ તક એ ન્હોતી છોડતી..ક્યારેક ક્યારેક તો એ આક્રમક બનતી!!! આકાશ ધન્ય ધન્ય થઈ જતો... ગુંગળાઇ જતો!! મૂંઝાઈ જતો!! પણ મનોમન - તનોતન એ ખુશ થતો...!! મહોરી ઊઠતો...!!અને એક પુરુષને બીજું જોઈએ પણ શું પત્ની તરફથી?? નેહાને પણ મજા આવતી એક પૂર્ણ પુરુષને વશ કરતાં!!!

સહુ સુખ હતું એનાં ચરણ-કમળમાં!! કોઈ રંજ ન્હોતો!! કોઈ બંધન ન્હોતું!! સુખથી જીવન તર-બતર હતું......પણ મન વેર-વિખેર હતું નેહાનું!!

- કોઈ પણ સ્ત્રી મા બન્યા વિના અધૂરી છે!!

- કોઈ પણ સ્ત્રીની જીંદગી અસાર્થક છે મા બન્યા વિના, પોતાના બાળકની મા બન્યા વિના!!

નેહાએ આકાશને કોઈ વાત ન કરી પણ એણે નક્કી કર્યું કે બસ હવે તો એને પોતાનું બાળક જોઈએ, જોઇ, જોઈએ, ને જોઈએ જ!!!

***

“યુ આર એબ્સોલ્યુટલી નોર્મલ!!!” ગાયનેકોલોજીસ્ટ ડો. મારિયાએ નેહાને તપાસી કહ્યું, “નથિંગ રોંગ. યુ મસ્ટ કન્સિવ....!!!” ડો. મારિયા હેકનસેક હોસ્પિટલ ખાતે જ ફર્ટિલિટી ડિપાર્ટમેન્ટના હેડ હતા. નેહાને ઓળખતા હતા, “ટ્રાય ધોઝ ડેઇઝ અરાઉન્ડ ઓવ્યુલેશન !! વી વિલ ટ્રેક ડાઉન ધ કરેક્ટ ડે એંડ ટ્રાય ધોઝ ડેઇઝ વિધાઉટ મિસિંગ!!”

પછી તો તબીબી શાસ્ત્રની બધી જ વિધીઓ શરૂ થઈ. બધાં જ ટેસ્ટ !!! સમય પસાર થવા લાગ્યો. નેહાની બેચેની વધતી જતી હતી. સરી જતો સમય નેહાને પકડવાનો પ્રયત્ન કરતી હતી પણ લાગતું હતું કે એ હારી રહી હતી!! અને એ હારવા માંગતી ન્હોતી.

“કુલ ડાઉન... નેહા!! સમટાઇમ ઇટ ટેઇક્સ ટાઇમ.” ડો.. મારિયા નેહાને ધીરજ બંધાવતા હતા, “આઇ હેવ સીન કેઈસિસ વીચ ટુક યર્સ .... વિધાઉટ એની રિઝન..!!! એંજોય યોર લાઇફ ...સ્ટ્રેસ ફ્રી સેક્સ!!! ડોંટ વરી, રિલેક્સ..!! એવરિથીંગ વીલ બી ઓ કે!! યોર ઓલ રિપોર્ટસ આર વેરી નોરમલ!! જસ્ટ વી હેવ ટુ વેઇટ !! વેઇટ ફોર એ મોમેન્ટ વીચ વીલ મેઇક યુ અ મધર!! લવલી મધર, માય ડિયર!!” ડો. મારિયાએ નેહાના ખભા પર હાથ મૂકી હસતાં... હસતાં... કહ્યું, “વી નીડ ટુ ચેક યોર હબી!!”

“બટ મે.....મ, હી ઇસ ઑલરેડી ફાધર ફ્રોમ હીસ ફર્સ્ટ વાઈફ!!”

“ધેટ્સ ટ્રુ!!” શ્વાસ લઈ ડો. મારિયા બોલ્યા, “વન મોર ટેસ્ટ વી વીલ પરફોર્મ!! એક્ટિવિટિ ઈવાલ્યુએશન ઑફ સ્પર્મ ઇન યોર બોડી આફ્ટર યુ ગેટ ઇન!! હાઉ ઇટ ટ્રાવેલ ટુ ટ્યૂબ!!! ટુ ધ ફાઇનલ ડેસ્ટિનેશન!!!”

એ ટેસ્ટ પણ થયો...

- અને પરિણામ આવ્યું સાવ ચોંકાવનારું!!!

- વ્હાય ?? વ્હાય....??

- શુક્રાણુવિહિન......!!!

- ધેર વોઝ નો સ્પર્મ !! વજાનયલ ફ્લ્યુડ હેવિંગ નો સ્પર્મ!! નોટ અ સિંગલ!! ડેડ ઓર સરવાઇલ !!નથ્થિંગ !! શૂન્ય !! ના...ડા...!!!

- વ્હાય....?? નેહા સહમી ગઈ

- આકાશ તો પિતા છે!! વિધીનો!!!

- તો પછી?

- વિધી આકાશની છોકરી નથી કે પછી .......?

- ઓહ! ઓહ!!!

નેહા મૂંઝાઈ.... ગુંચવાઇ ... વલોવાય ગઈ.....

સમયને પસાર થતો કોણ અટકાવી શકે ?!!!

નેહાએ મા બનવાની મનીષા આકાશને આછી આછી જણાવી હતી ત્યારે આકાશે કહ્યું હતું કે, તું મોમ તો છે જ ને વિધીની?!! જોને, વિધી તો ભૂલી પણ ગઈ છે કે, એની ખરી મધર તો નીના છે!! યુ આર અ ગ્રેટ મોમ, ડાર્લિંગ!!!

નેહાએ આકાશને જરા પણ જાણ થવા ન દીધી કે, માતા બનવાના પ્રયત્નમાં એ કેટલી આગળ વધી હતી અને એવા મુકામ પર પહોંચી ગઈ હતી કે જ્યાંથી પાછા વળવાનો કોઈ રસ્તો જ ન્હોતો!! જીંદગીના એ મુકામનું કોઈ સરનામું ન્હોતું!!!

***

ડિસેમ્બર મહિનો બેસી ગયો હતો.

સહુ ખુશ હતા.. ફેસ્ટિવલ મુડ !!! સર્વ જગ્યાએ માનવ મહેરામણ ઊમટ્યો હતો... મૉલમાં ગિરદી વધી રહી હતી.... વિધીએ લિસ્ટ બનાવી એની મોમને આપી દીધું હતું... એને જોઇતી ગિફ્ટનું!! આકાશ ખૂબ ખુશ હતો. ત્રણ દિવસની એને રજા હતી. બીજી બે રજા મૂકી દેતાં આખું વીક રજા મળી જતી હતી... !! બસ, ઘરે પડી રહી થાક ઊતારવો હતો.. ખૂબ ખૂબ ઊંઘવું હતું!! મોંઘામાના ઉચ્ચ ગુણવત્તાના થોડા વાઇન એણે ક્યારના લાવી બેઝમેંટમાં મૂકી રાખ્યા હતા..

એક ઠંડ્ડી રાત્રિએ વિધીને એના બેડરૂમમાં સુવડાવી નેહા આકાશના પડખામાં સમાઈ....આકાશના ગરમા ગરમ હોઠો પર એણે એના નરમ નરમ હોઠો ચાંપ્યા.. આકાશના શ્વાસમાં વાઈનની માદક સુગંધ હતી...

- શું કરી રહી હતી એ?!

- કઈ રમત માંડી હતી નેહાએ ?!

નેહાના મને ડંખીલો પ્રશ્ન પૂછ્યો... નેહા અચાનક અળગી થઈ ગઈ આકાશથી. એના શ્વાસોશ્વાસ વધી ગયા.. ઝડપી થયા...હ્રદયના ધબકારા ....ધક... ધક... ધક ... કાનમાં સંભળાઈ રહ્યા હતા...

- શું કરવું .....? શું કહેવું આકાશને..... ??

“વોટ હેપન્ડ ડાર્લિંગ?” આકાશે નેહાના કાંપતા હોઠો પર હળવેથી આંગળી ફેરવી. પછી એના રેશમી વાળો સાથે રમવા લાગ્યો... મૌન મૌન નેહા પોતાના દિલની ધડકન સાંભળતી રહી.!!!

હોઠ પરથી ફરતો ફરતો આકાશનો હાથ નેહાના શરીર પર ધીરે ધીરે નીચે ઊતરી રહ્યો હતો!! એ હાથ નેહાએ અટકાવી દીધો! પકડી લીધો!! સહેજ વિચારી એ હાથને એણે પોતાના પેટ પર મૂક્યો ને ધીરેથી કહ્યું, “આઇ એમ પ્રેગ્નનન્ટ !!!”

અટકી જ ગયો આકાશનો હાથ નેહાના પેટ પર જ !!!

સાવ થીજી જ ગયો!!! હાથ પણ ને આકાશ પણ !!! ચાર પાંચ મિનિટ માટે!! ત્યારબાદ, હળવેકથી આકાશે હાથ હઠાવ્યો. પલંગ પર એ બેઠો થયો..શૂન્યમનસ્ક બેડ પર જ બેસી રહ્યો.. નેહા પથરાઈ હતી પથારીમાં!! બેઠાં થઈ પીઠ પાછળથી આકાશના બન્ને ખભાઓ પર બે હાથ મૂકી આકાશને સહેજ વળગીને નેહાએ એની ગરદન પર હળવું ચુંબન કર્યું.... હવે એને મજા આવવા લાગી!! જે રીતે આકાશ સહમી ગયો એ એની અપેક્ષા મુજબનું જ હતું!!

નેહાને હડસેલી આકાશ ઊભો થઈ ગયો સહેજ ચમકીને!!

“આર યુ નોટ હેપ્પી?!!” નાઇટ લૅમ્પના મંદ મંદ ઊજાસમાં પણ આકાશની મૂંઝવણ એના ચહેરા પર સ્પષ્ટ દેખતી હતી.

“.............................” આકાશ મૌન... શું કહે આકાશ?? ઊઠીને એ લિવીંગ રૂમમાં જતો રહ્યો. વાઈનનો જે થોડો નશો હતો તે ઊતરી ગયો..ઊંઘ ઊડી ગઈ એની...!!

- તો વાત એમ હતી!!

- બટ હાઉ?? આકાશ વિચારતો થઈ ગયો..લિવીંગ રૂમમાં સોફા પર બેસી આકાશ વિચારવા લાગ્યો: હાઉ ધીસ હેપંડ?? એનું ગળું સુકાયું, તરસ લાગી પણ એ બેસી જ રહ્યો. બુદ્ધિ બહેર મારી ગઈ એની!!

- કેવા મુકામ પર લાવી દીધો એને નેહાએ ??

- કે પછી એણે નેહાને.??

નેહા ઊંઘી ગઈ હતી ઘસઘસાટ !! આકાશની ઊંઘ ઉડાડીને!!

ક્યાંય સુધી આકાશ સોફા પર જ બેસી રહ્યો.. વિચારમગ્ન!! લાંબા સમય પછી એ ઊભો થયો અને બારી પાસે ગયો..બહાર નજર કરી તો જોયું: મોસમનો પહેલો સ્નો પડવાની શરૂઆત થઈ હતી.. આકાશમાંથી જાણે પીંજાયેલ રૂ વરસી રહ્યું હતું.. બાગમાં રોપેલ નાના નાના છોડવાઓની કોમળ ડાળીઓ પર સ્નો થીજી રહ્યો હતો.. આકાશની જીંદગીની જેમ જ!!!

હવે .. ??? .

આકાશ ફરી બેડ રૂમમાં ગયો..નેહા પર એક ઊડતી નજર નાંખી એ લિવીંગ રૂમમાં આવ્યો.... રિક્લાયનર સોફા પર જ લંબાવી એણે આંખો બંધ કરી...નિદ્રારાણી તો રિસાઈ હતી અને હવે તો જીંદગી પણ રિસાવા લાગી હતી...

પછી તો ધીરે ધીરે અંતર વધવા લાગ્યું આકાશ અને નેહા વચ્ચે....

નેહાને થોડા ઘોડાં આનંદની સાથે અંદર અંદર રંજ પણ થતો હતો: આકાશને આમ તડપાવવાનો!! સતાવવાનો!!

- આકાશને શું હક્ક હતો નેહા સાથે આવી રમત રમવાનો...???

ખુશ ખુશાલ રહેતો આકાશ ગમગીન રહેવા લાગ્યો... જગજીતસિંગની ગઝલ ગણગણતો આકાશ મૌન મૌન રહેવા લાગ્યો..રોજ સમયસર આવી જતો આકાશ જોબ પરથી મોડો આવવા લાગ્યો..આવીને એ વ્હિસ્કીની બોટલ ખોલી બેસતો... જામ પર જામ ખલી થવા લાગ્યા.. નેહા તો સેકન્ડ શિફ્ટમાં કામ કરતી હોય કામે ગઈ હોઈ...વિધીને સમજ ન પડતી કે ડેડ કેમ આવું કરે છે ?? ડેડ કેમ મોમ સાથે વાત નથી કરતાં....?! મારી સાથે વાત નથી કરતાં..?!. જોક નથી કરતાં.... ?! ડેડ મોમ કેમ સાથે નથી સૂતાં...?! ડેડ લિવીંગ રૂમમાં કે ગેસ્ટ રૂમમાં સૂઈ જાય છે.....!! મોમ ખુશ ખુશ રહે છે !! ખૂબ ખૂબ હસે છે !! ખોટું ખોટું હસે છે !! ખૂબ ખાય છે !! ને ડેડ...?? સેડ સેડ !!! વ્હાય ? વ્હાય ? ? ?

નેહાની મૂંઝવણ વધી રહી હતી..જે ખેલ શરૂ કર્યો હતો આકાશે એનો અંત શું આવશે? એક મૂંઝવણ અંદર અંદર કોરી રહી હતી એને!! એક તો આવી જીંદગીને કારણે માનસિક અમુંઝણ ને પ્રેગ્નન્સીને કારણે...મોર્નિંગ સિકનેસ... ઉબકા આવતા... ખાવાનું મન થાય ને ખાય ન શકાય!! ઊલટીઓ થઈ જતી.... કોઈ પ્રેમથી પીઠ પર હાથ પસવારી પાણીનો પ્યાલો ધરે એવી ઇચ્છા થતી... પરંતુ આકાશ પાસેથી એવી અપેક્ષા રાખવી વ્યર્થ હતી... એણે તો સાવ અબોલાં લઈ લીધા હતા... !! રમતાં રમતાં બાળક રિસાઈ જાય ને કહી દે જા, નથી રમતો!!! બસ, આકાશે વગર કહ્યે જ કહી દીધું હતું: જા, નથી રમવું!! પણ અંચઈ કરી હતી કોણે? આકાશે કે નેહાએ?? પરંતુ આ રમત ન્હોતી... જીંદગી હતી.. જીંદગી જીંદગી જ રહે છે... આકાશ-નેહાએ જીંદગીને રમત બનાવી દીધી હતી...

- હવે ???

આકાશનું પીવાનું વધી ગયું હતું.. અનિયમિતતા વધી રહી હતી. દાઢી વધી ગઈ હતી...એની આંખોની નીચે કુંડાળા વધુ ઘાટા થવા લાગ્યા...વિધી નેહાની સાથે વાતો કરતી રહેતી... એ ક્યારેક ડેડ વિશે પણ પુછતી: મોમ, ડેડ કેમ સેડ છે?? શું કહે નેહા વિધીને.?? નેહાએ વિધીને સાચવવાની હતી.. વિધી નેહાના જીવનનું અંગ બની ગઈ હતી...ભલેને એના અંગમાંથી જન્મી ન્હોતી...પરંતુ, આકાશ સાથે રહેવું આકરું લાગતું હતું !! આકાશ સાથે, આકાશ જેવાં માણસ સાથે રહી પણ કેમ શકાય ??!!

“આકાશ !!” એક શનિવારે સવારે નેહાએ આકાશને કોફી આપતાં કહ્યું, “તેં આજકાલ વધારે પીવા માંડ્યું છે !!”

“........................!!” આકાશ ક્યાં કંઈ બોલતો હતો???

“જ્યારથી મારી પ્રેગ્નન્સીની વાત તેં જાણી ત્યારથી .........” અટકીને, થૂંક ગળી નેહા બોલી, “તું ખુશ નથી. વ્હાય..??” નેહાએ આકાશના મ્હોંએથી વાત સાંભળવી હતી... ભલે એ માટે આકાશના મ્હોંમાં આંગળાં નાખવા પડે!!

“ના...................!!” કોફીનો ઘૂંટ ભરી આકાશે નેહાથી નજર ચૂકવી કહ્યું, “એવું કંઈ નથી..!!”

“ખરેખર??” નેહાએ આકાશની નજર સાથે નજર મેળવવાનો પ્રયત્ન કરતાં તીક્ષ્ણ સવાલ પૂછ્યો., “ખા, કસમ વિધીની!!”

“એમાં તું વિધીને ન લાવ !!!”

“કેમ તારી દીકરી છે એટલે ??”

“.......................................!!” મૌન રહી આકાશે નેહાના પેટ પર વિચિત્ર રીતે નજર કરી!! જે હવે સહેજ ઊંચું દેખાતું હતું..વળી નેહાએ પણ પેટ પર જ હાથ મૂક્યા હતા..

“....ને આ તારું બાળક નથી......!!” નેહાએ કહી દીધું.....સીધે સીધું જ કહી દીધું, “મિ. આકાશ, આસ્ક યોરસેલ્ફ !!! કેમ સીધે સીધું મને પૂછતો નથી કે કોનું બાળક છે મારા ઉદરમાં...?!” ઊંડો શ્વાસ લઈ એ બોલી, “વિધી તારી દીકરી છે તો આ મારું બાળક છે!! મારું પોતાનું!! મેં તો વિધીની મધર બનવાનો પૂરો પ્રયત્ન કર્યો...મિસ્ટર આકાશ, નાવ ઇટ ઇસ યોર ટર્ન..!! હવે તારો વારો છે મારા બાળકના ફાધર બનવાનો..!! અને દુનિયા આખી જાણે છે કે હું વિધીની સ્ટેપ મધર છું....!! સાવકી મા છું !!પણ તું અને હું જ જાણીએ છીએ કે તું મારા બાળકનો સ્ટેપ ફાધર છે!!”

“……………………!!” આકાશ મૌન.

“ઘણું અઘરું છે ને આકાશ સાવકા બાપ બનવાનું? પણ હું તો હસતાં હસતાં બની હતી સાવકી મા !! સ્ટેપ મધર વિધીની..!! મેં એને સાચો પ્યાર કર્યો છે.. મારી દીકરી છે એ..કદાચ, તારા કરતાં પણ વધારે એ મારી નજીક છે..!! એ તો તું પણ જાણે જ છે... અને આકાશ, જો વિધી ન હોત તો હું તને ક્યારની ય છોડીને જતી રહી હોત..પણ ....!!”નેહાએ ઊંડો નિઃશ્વાસ નાંખ્યો.., “એ તો વિધીનો પ્યાર છે જેણે મને જકડી રાખી છે આ ઘરમાં!! બાકી મારો દમ ઘૂંટાય છે તારા ઘરમાં!! તારી સાથે જીવતાં!! તારા જેવાં જુઠ્ઠાં માણસ સાથે..........!” સહેજ ક્રોધિત થઈ ગઈ નેહા..

“એમ આઇ લાયર ??!!”

“પૂછ તારી જાતને......!!!” આકાશની છાતી પર ઇંડેક્ષ ફિંગર મૂકતાં નેહા મક્કમતાથી બોલી.., “આસ્ક યોરસેલ્ફ.....!! તારે સ્ત્રી જોઇતી હતી..!! તારી વાસના સંતોષવા...તારા ઘરને સાચવવા...તારી બાળકી સાચવવા...તને ખવડાવવા...તારા માટે રાંધવા...!!!! અ....અ રે....!!! એ માટે મારી જીંદગી બગાડવાની શી જરૂર હતી..?? ઘૃણા આવે છે મને...! મારી જાત પર કે, મેં તારું પડખું સેવ્યું...તારી વાસના સંતોષી.. મારા શરીરને મેં અભડાવ્યું!!!”

“...............તો ... આ શું છે તારા પેટમાં...?” આકાશે જરા મોટો અવાજ કરી નેહાના પેટ તરફ અંગુલિનિર્દેશ કરતાં પૂછ્યું...

“ના....., આ પાપ નથી!! મારી કૂખમાં આકાર લેતું બાળક મારું છે! મારું પોતાનું!! તું માની રહ્યો છે એવું કંઈ જ નથી...!!! અ.....ને, મારા પર એવો શક કરે તે પહેલાં પૂછ તારી જાતને....તારા આત્માને.... જો તારો આત્મા જીવતો હોય તો હજુ....!!” ગુસ્સા પર માંડ કાબુ રાખતાં નેહા મક્કમતાપુર્વક બોલી..., “આસ્ક યોર સૉઉલ !! તેં શું કર્યું મારી સાથે લગ્ન પહેલાં??!! આઇ નો એવરિથિંગ!! મને બધ્ધી જ ખબર છે.. તને તો ખબર જ છે કે, હું હોસ્પિટલમાં કામ કરું છું...! મધર બનવા માટે જરૂરી મેં બધાં જ ટેસ્ટ કરાવ્યા....ને......મને જાણવા મળ્યું કે, તારા સ્પર્મમાં ખામી છે... અ.....રે!!! સ્પર્મ જ નથી....!!! એટલે મને તો પહેલાં શક થયો કે તારામાં કોઈ જન્મજાત ખામી છે અને નીના- તારી પહેલી પત્ની તને કોઈનું બાળક પધરાવી સ્વર્ગે સિધાવી ગઈ...! અને તું વિધીને તારું બાળક માની રહ્યો છે.... !! પરતું, મારે મારો શક દૂર કરવો હતો..!!” શ્વાસ લેવા નેહા અટકી... , “હા, હું બેચેન થઈ ગઈ ..!! મારે મારો શક દૂર કરવો જ રહ્યો. તને યાદ છે ગયા વરસે મેં તને મારી જ હોસ્પિટલમાં તારા બ્લડ વર્ક કરાવવા વિનંતિ કરી હતી?? ખાસ આગ્રહ કર્યો હતો...?? એમાં એક કારણ હતું..ધેર વોઝ અ રિઝન..!! આઇ વોંટેડ ટુ મેઇક સ્યોર કે વિધી તારી જ છોકરી છે!! તારું જ સંતાન છે...!! ત્યારે તારા બ્લડ વર્ક, લિપિડ પ્રોફાઇલ વગેરે સાથે તારો અને વિધીનો ડીએનએ મૅચિંગ ટેસ્ટ પણ કરાવ્યો હતો... !! એંડ આઇ વોઝ શોક્ડ !!! આઇ એમ શોક્ડ!!! વિધી તો તારી જ છોકરી નીકળી... !! તારી જ દીકરી નીકળી!! તો પછી તું સ્પર્મલેસ ??? વ્હાય ?! વ્હાય ?! મારી તો ઊંઘ ઊડી ગઈ... મારું જીવવાનું હરામ થઈ ગયું.. તને તો જરા પણ જાણ ન થઈ - મારી એ અસીમ બેચેનીની....!! મારે તો મા બનવું હતું.. મારા પોતાના બાળકની મા.....!! મેં મારું ઇન્વેસ્ટિગેશન ચાલું કર્યું...મેં તારા હેલ્થ ઇંસ્યુરન્સ એટના પાસેથી માહિતી મેળવી!!! તારા દશ વરસના મેડિકલ રેકર્ડસ્ મેળવ્યા....કમ્પ્યુટરના થોડા બટનો દબાવતાં ને પાંચ- પંદર ફોન કરતાં મને એ જાણવા મળ્યું કે જે તું છુપાવતો હતો મારાથી.. !!!”

- ઠરી જ ગયો આકાશ નેહાની વાત સાંભળીને!!!

“મારી સાથે બીજાં લગ્ન કરવા પહેલાં તેં વેઝેક્ટોમી કરાવી હતી...!! નસબંધી !! વંધ્યત્વનું ઓપરેશન !! આઇ નો ડેઇટ ઑફ યોર સર્જરી!! આઇ નો યોર સર્જીકલ સેંટર !! ઇવન આઇ નો યોર સર્જન નેઇમ..!! આઇ નો એ..વ...રી....થિં......ગ... !!” નેહાની આંખમાં આંસું ધસી આવ્યા, “શા માટે તેં મને છેતરી....?? શા માટે ?? શા માટે ?? હું એવું બીજ મારી ફળદ્રુપ કૂખમાં વાવતી રહી કે જે કદી ઊગવાનું જ ન્હોતું!! એવું બીજ કે જેમાં જીવ જ નથી...!!” ડૂસકે ડૂસકે રડી પડી નેહા, “હું મને જ દોષી માનતી રહી મારી વાંઝણી કૂખ માટે...!! જ્યારે તેં તો મને પત્ની બનાવતાં પહેલાં જ વાંઝણી બનાવી દીધી હતી..!!. મારી કૂખ ઉઝાડી દીધી હતી...!! એક સ્ત્રીનો મા બનવાનો જન્મસિદ્ધ અધિકાર તેં છીનવી લીધો!!!” માંડ ડૂસકૂં રોકી શ્વાસ લેતાં નેહા બોલી..., “વ્હાય......? વ્હાય......? વ્હાય ? શા માટે? આકાશ, શા માટે તેં મને છેતરી...? મારો શો દોષ ? તું તારી દીકરી, વિધીને સાવકી મા આપવા રાજી હતો. પરંતુ, સાવકા ભાઇ-ભાડું આપવા માંગતો ન્હોતો....!! આપવા માંગતો નથી....!! તારા પામર મનમાં એવો ડર છે હતો, ને છે કે જો બીજાં લગ્નથી બાળક થશે તો બીજી પત્ની એના પોતાના બાળકને ચાહવા લાગશે ને વિધીને કોરાણે મૂકી દેશે... વિધીને ઇગ્નોર કરશે..બરાબરને......?? લ્યાનત છે તને... ધિક્કાર છે તારી એવી હલકી વિચાર સરણીને....!!! તું શું સમજે એક સ્ત્રીત્વને...? તું શું જાણે માતૃત્વને....? માના પ્રેમને....?” નેહા ફરી ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી, “યુ પ્લેઇડ વિથ માય મધરહુડ !!! માય ફિલિંગ્સ !! માય લવ !!! અ...રે! નામ આકાશ રાખવાથી કંઈ મહાન નથી થઈ જવાતું !!આકાશ ...!!આ....કા....શ..!!! શા માટે તેં આવું કર્યું?”

રડતાં રડતાં નેહા ડાયનિંગ ટેબલની ખુરશી પર ફસડાય પડી.. નૅપ્કિન હોલ્ડરમાંથી પેપર નૅપ્કિન લઈ આંખમાં આવેલ આંસું સાફ કર્યા.., “આકાશ શા માટે?? તને શું હક હતો મારા માતૃત્વને છીનવી લેવાનો..?? શું ગુજર્યું હશે મારા પર વિચાર કર. જ્યારે મેં જાણ્યું કે તેં મને છેતરી છે!! તેં ડિફરન્ટેક્ટોમી કરાવી છે !! અરે !! લગ્ન પહેલાં જો તેં મને કહ્યું હોત તો પણ હું તારી સાથે જ લગ્ન કરત...!!” ખુરશી પરથી બેઠાં થઈ નેહાએ મૂર્તિમંત સ્તબ્ધ ઊભેલ આકાશના ખભા પર બન્ને હાથો મૂક્યા, “ના.....આકાશ, ના..., તેં તો જીંદગીની ઇમારતના પાયામાં જ અસત્યની ઈંટો મૂકી....!! ના, આકાશ ના !! મારે મારા બાળકને તારું નામ નથી આપવું..! અને મિસ્ટર આકાશ, ફોર યોર કાઈન્ડ ઇન્ફર્મેશન કે આ બાળકનો બાપ તું નથી એ તો ચોક્કસ જ છે પરન્તુ, કોણ છે એ મને પણ ખબર નથી..!!!” આકાશની આંખ સાથે નીડરતાથી નજર મેળવી નેહા બોલી., “હા, આજના સાયન્સ એઇજમાં મા બનવા કોઈ પુરુષનું પડખું સેવવું જરૂરી પણ નથી... આઇ ડિડ નોટ સ્લિપ વીથ એનીવન્..!!! ધીસ ઇસ એ રિઝલ્ટ ઑફ આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન...!! કૃત્રિમ વિર્યદાન!! સ્પર્મ બેંકમાંથી મેં સ્પર્મ મેળવ્યું - જેનો હાઇ આઇ ક્યુ હોય એવા હેલ્ધી હૅન્ડસમ ગુડ લુકિંગ હિન્દુ ઇન્ડિયન ડોનરનું !! આ ત્રણ-ચાર મહિના તને તડપાવવા બદલ આઇ એમ સોરી...!! પણ મારે તારા મ્હોંએથી વાત સાંભળવી હતી..!!પણ તું શાનો બોલે...?? તું કેવી રીતે તારા જખમ બતાવે કે જે તેં ખુદને પહોંચાડ્યા છે... ?? મને તારી દયા આવે છે આકાશ..!!!.એક નારીને ઓળખવામાં તું થાપ ખાય ગયો....નારીને ઓળખવા માટે તો તું સો જન્મો લે તો પણ એના અમર પ્રેમને, એની ભીની ભીની લાગણીઓને જાણી ન શકે...! માણી ન શકે !! નારીના નારિત્વને પામી ન શકે....અનુભવી ન શકે....!! અને દરેક સ્ત્રી એક માતા છે!! સ્ત્રીત્વ કરતાં માતૃત્વ મહાન છે..માનો પ્રેમ તો મહાન જ છે... માનો પ્રેમ તો કદી ન બુઝાતા દિવાની એક જ્યોત જેવો છે..એક જ્યોતમાંથી બીજી જ્યોત સળગાવો તો પહેલી જ્યોતનો પ્રકાશ રતીભાર પણ ઓછો નથી થતો.... જરાય નથી ઘટતો...માનો પ્રેમ એ માનો પ્રેમ જ રહે છે...! પછી એ સગી હોય કે સાવકી....!! મેં વિધીને મારા સગાં બાળક જેટલો જ પ્રેમ આપ્યો છે. એ તો તું પણ જાણે છે..એ તો વિધીનો પ્રેમ જ આજ સુધી અહિં રાખવા માટે કારણભૂત છે..મેં જેટલો પ્રેમ વિધીને આપ્યો છે એટલો પ્રેમ તો હું મારા આ આવનારા બાળકને પણ આપી શકીશ કે કેમ એનો મને શક છે!!” નેહાનો અવાજ ફરી ભીંજાયો.. એની આંખના સરોવરો ફરી છલકાયા, “એ જ રીતે મને વિશ્વાસ નથી તારા પર!! અને કેવી રીતે કરૂં વિશ્વાસ તારા પર?? તું જ મને કહે...!!” નેહાએ આકાશની નજર સાથે નજર મેળવવાનો પ્રયત્ન કર્યો..પણ આકાશના ગુન્હાહિત માનસે નજર ન મેળવી., “ના, આકાશ, ના!! મારે મારું બાળક તારા પર નથી ઠોકવું.. બળજબરીથી મારા બાળકનો બાપ નથી બનાવવો તને...!!” શ્વાસ લઈ નેહા બોલી, “મારે તારા પૈસા પણ નથી જોઇતા..હા, જ્યારથી મને ખબર પડી તારી સર્જરીની ત્યારથી મેં મારી સેલેરી આપણા જોઇન્ટ એકાઉન્ટમાં ડિપોઝિટ નથી કરાવી..જમા નથી કરાવી...એ તારી જાણ ખાતર !! બાકી બધા પૈસા તારા જ છે... કાર તારી છે... ઘર તારું છે...તારો એક પણ પૈસો મારે ન જોઇએ! નોટ અ સિંગલ સેન્ટ…! તારા પૈસા લઈને મારે તને તક નથી આપવી મારા બાળક માટે દાવો કરવાની!! હા, વિધીને મેં એવી રીતે ઉછેરી છે કે એ પોતાને ધીરે ધીરે સંભાળી લેશે.... કદાચ, તને પણ સંભાળી લેશે... સાચવી લેશે... હું વિધીને મિસ કરીશ!!” ડૂસકે ડૂસકે ફરી રડી પડી નેહા...માંડ માંડ આંસું ખાળી એ બોલી. “એ પણ મને મિસ તો કરશે જ !!” પોતાના રુદન પર મક્કમતાથી કાબુ મેળવી એ બોલી, “હું તને મુક્ત કરૂં છું આકાશ.... !!મારા બાળકથી....!! મારા પ્યારથી...!! જા આકાશ જા, યુ આર ફ્રી....!!!”

- અને થોડા દિવસો બાદ નેહાએ ઘર છોડ્યું આકાશનું…આવી પહોંચી બ્રિજવોટરના આ બે બેડરૂમના કૉન્ડોમિનિયમમાં..જીંદગીના એક નવા જ મુકામ પર......

જીંદગીમાં એવાં પણ મુકામ આવશે......

કોણ જાણે કોણ ક્યારે કામ આવશે.......

સોફા પર જ આંખ મળી ગઈ હતી નેહાની.. એ ઊભી થઈ. ના, પોતે જ પોતાના તારણહાર બનવાનું છે...!! પોતે જ મા બનવાનું છે !! ને પોતે જ બાપ બનવાનું છે!! રેફ્રિજરેટરમાં રાખેલ ગેલનમાંથી દૂધ કાઢી એણે દૂધનો ગ્લાસ ભર્યો.. મ્હોંએ માંડ્યો.. કૅબિનેટમાંથી મલ્ટિવાઇટામિન્સ, ફોલિક એસિડ, કૅલ્શિયમની પિલ્સ કાઢી ગળી...પોતાનાં પેટ પર જમણા હાથની હથેળી પ્રેમથી પસવારી એ બોલી: ડોન્ટ વરી માય ચાઇલ્ડ, યોર મધર ઇસ વેરી સ્ટ્રોંગ!!

ફોન લઈ ઇંડિયા ફોન લગાવી પોતાના મા-બાપ સાથે વાતો કરવાની શરૂઆત કરી..એઓને કોઈને કોઈ પણ ખબર ન્હોતી કે કેવાં કેવાં સંજોગોમાંથી એની જીંદગી પસાર થઈ રહી હતી...એ કોઈને જાણ કરવા માંગતી પણ ન્હોતી!! બસ, મનને હળવું કરવા એણે ફોન જોડ્યો.. લાંબી.... લાંબી વાતો કરી એ નિદ્રાધીન થઈ.. એના ગર્ભજળમાં આકાર લઈ રહેલ બાળકનો વિચાર કરતાં કરતાં.....................!!!

(સમાપ્ત)