Zindagi Pud - 2 books and stories free download online pdf in Gujarati

જિંદગીના ધબકાર - 2

દાનેશ્વરી

ડૉ. હર્ષદ વી. કામદાર

એમ. ડી. (બાળ રોગ નિષ્ણાંત)

ડૉ. કરન જલદી આવો, તમારા મિત્રે ઊંઘની વીસ ગોળીઓ ખાઈ લીધી છે.” જયાબહેને ફોન પર ચિંતાગ્રસ્ત અવાજે કહ્યું.

“હું તરત જ આવું છું, જયાભાભી !” ડૉ. કરને કહ્યું અને તરત જ સ્કૂટર તેના સ્કૂલમિત્ર અજિતના ઘર તરફ દોડાવ્યું.

ડૉ. કરન અને અજિત શાળામાં પહેલા ધોરણથી સાથે હતા. કરન હોશિયાર હતો, તે આગળ ભણીને ડૉક્ટર બની ફૅમિલી ફિઝિશિયન બન્યો, જ્યારે અજિતે બી.કૉમ. અભ્યાસ કરી બે-ત્રણ કંપનીઓમાં ટ્રાય કરી નોકરી લીધી પણ ક્યાંય ન ફાવતાં છેવટે તેણે પોતાનો શૅર ટ્રેડિંગનો વ્યવસાય સ્વીકારી લીધો.

ડૉ. કરન ખરેખર દાનવીર અને વિશાળ હૃદયના હતા. તેમની પોતાની પ્રૅક્ટિસ સારી હતી, પણ જેને જરૂર હોય તેને મદદ કરવા હંમેશાં તૈયાર ! કોઈ પણ મિત્ર કે કામવાળી કે પછી કંપાઉંડર જરા પણ તકલીફ લઈને કોઈ આવે એટલે બસો, પાંચસો તે તરતઆપી દે, એટલે જ તેમના મિત્રમંડળમાં તેમનું નામ દાનવીર કર્ણ પડી ગયેલું. તેમનાં પત્ની ડૉ. કૃતિબહેન પણ ડૉક્ટર હતાં અને સરકારી હૉસ્પિટલમાં નોકરી કરતાં. પગાર સારો પણ જીવ ટૂંકો. તેમને ડૉ. કરન બધાને મદદ કરતા ફરે એ જરાપણ ન ગમે. બંને વચ્ચે આ બાબતે કાયમ વિવાદ અને પછી અંટસ થઈ જતી.

ડૉ. કરનના કંપાઉંડરના પિતાજીને એક દિવસ અચાનક હાર્ટઍટેક આવ્યો. તરત જ ડૉ. કરને તેમને પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ કરાવી દીધા. કંપાઉંડર રાવજીભાઈ હાથ જોડીને ખર્ચાનું પૂછતા રહ્યા, તો ડૉક્ટરે કહ્યું એક વખત તારા પિતાજીને સરસ મજાના સાજા થઈ જવા દે, પછી બિલનું જોઈ લઈશું. સાત દિવસની મહેનત પછી પિતાજી તો સાજા થઈ ગયા, પણ બિલ આવ્યું ત્રીસ હજાર રૂપિયા. ડૉ. કરન વિચારમાં પડી ગયા. આટલા બધા રૂપિયા લાવવા ક્યાંથી ? અને વિચાર કરીને તેમણે કૃતિબહેન માટે નવી સાડી લાવવાના ભેગા કરેલા રૂપિયા આપી દીધા.

ડૉ. કૃતિબહેન ઊકળી ઊઠ્યાં, “હું નોકરીમાં આટલી બધી મહેનત કરું અને માંડમાંડ બચત કરેલા રૂપિયા ઉડાવી દીધા.”

ડૉ. કરને શાંતિથી જવાબ આપ્યો “કૃતિ, એક માણસનો જીવ બચતો હોય તો સાડીની શી ઉતાવળ છે ? પછીથી ખરીદશું.”

બંને વચ્ચે ભારી વિવાદ પછી અબોલા થઈ ગયા. ત્રણ મહિને ડૉ. કરને ભારે મહેનત કરી રૂપિયા બચાવી, નવી સાડી અપાવી પછી માંડ ગાડી પાટે ચડી.

વિચારો ચાલુ હતા, ત્યાં ડૉ. કરનનું સ્કૂટર અજિતના ઘર આગળ આવી ગયું. અજીત બેભાન હતો, તેણે ઊંઘવાની ગોળી ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બાબત શી છે, તે પૂછતાં તેમનાં પત્ની જયાબહેને ફોડ પાડ્યો. “ડૉક્ટર સાહેબ, તમે તો જાણો છો જ, અત્યારે શૅર બજાર ભારે મંદીમાં છે. અજિતે મોટા ખેલો કરીને ખૂબ જ નુકસાન કરેલ છે. બધું જ વેચી દેતાં હજી પચાસ હજાર ખૂટે છે. તેમાં એને જેલની સજા થાય તેમ છે, તેથી આવેગમાં આવી આવું પગલું ભર્યું છે.” ડૉક્ટર કરન પણ પોતાના શાળામિત્રની આવી હાલત જોઈ ગમગીન બની ગયા.

ભારે મહેનત પછી પાંચ દિવસે ડૉક્ટરે અજિતને બચાવી લીધો, પણ તેનું પચાસ હજારનું દેવું તો ઊભું જ હતું. અજિત અને જયાબહેન મદદ માટે હાથ જોડીને ઊભાં હતાં.

દાનવીર કર્ણે જરા પણ વિચાર કર્યા વગર સવારના પહોરમાં માગવાવાળા ભગવાન ઇન્દ્રને પોતાનાં કવચ અને કુંડળ આપી દીધાં હતાં, તેમ ડૉ. કરને પોતાની જૂની ગાડી વેચી મારી, અને તેમાંથી પચાસ હજાર અજિતને આપી દીધા.

કૃતિબહેનને ખબર પડતાં લાંબો ઝઘડો થઈ ગયો અને તેનો અંત ન આવતાં છેવટે તે રિસાઈને પોતાને પિયર જતાં રહ્યાં. માંડમાંડ વડીલોએ મહેનત કરી ત્રણ મહિને સમાધાન કરાવી દીધું. છેવટે દીકરીના હિત માટે કૃતિબહેન પોતાને ઘેર પરત આવ્યાં.

સમયના પંખીને ઊડતાં ક્યાં વાર લાગે છે, જોતજોતામાં પંદર વર્ષ પસાર થઈ ગયાં, તેમની દીકરીના લગ્નનો સમય પણ આવી ગયો, પણ તેમના મિત્ર અજિતભાઈ અને જયાભાભીના કોઈ જ સમાચાર ન હતા.

અચાનક એક રવિવારે સવારે અજિત અને જયાબહેન તેમના ઘેર આવ્યાં. કૃતિબહેન તેમને જોઈ છંછેડાઈ ગયાં. ડૉ. કરન બંનેને જોઈ અચંબામાં પડી બોલ્યા, “આવો, આવો, આટલાં બધાં વર્ષો ક્યાં હતાં ?” તેમણે કૃતિબહેનને બંને માટે ચા મૂકવા જણાવ્યું. કૃતિબહેન રસોડામાં ચા મૂકવા જતાં બબડ્યાં, “આવા લુખ્ખાઓને શું ચા પિવડાવવાની જરૂર છે ?”

અજિતે પોતાની વિગત રજૂ કરી, “ડૉક્ટર કરન, આપની મદદથી મારો જીવ બચી ગયો અને દેવું ઊતરી ગયું પછી અમે મારા કઝીનની સાથે ધંધો કરવા મુંબઈ જતાં રહ્યાં તેથી કોઈ જ સંપર્ક ન થયો તે બદલ ક્ષમાયાચના.”

કૃતિબહેને ચાનો ટેસ્ટ કરવા ડૉ. કરનને રસોડામાં બોલાવ્યા અને કહ્યું, “જો આ વખતે કોઈ પણ મદદ કરી છે, તો મારા જેવી ભૂંડી કોઈ નથી. હજુ આપણી દીકરીનાં લગ્ન માટે દાગીના અને ગાડી લેવાની જોગવાઈ તો થતી નથી.”

ડૉ. કરને ધીમેથી કહ્યું, “જોવા તો દે, મને મળવા જ આવ્યા લાગે છે.”

ડૉ. કરન બહાર આવતાં અજિતે નમ્રતાપૂર્વક કહ્યું, “તમે લોકો તો જાણો જ છો, શૅર બજાર તો રોલર કોસ્ટર જેવું છે, જે ક્યારેક ઉપર તો ક્યારેક નીચે જાય છે. એ વખતે મારો સમય ખરાબ હતો, પણ પછીની તેજીમાં સિતારો ચમકી ગયો. મેં એ જ વખતે તમારા દેવાના પચાસ હજાર પરત કરવાનો નિર્ણય કર્યો હતો, પછી થયું હું પણ મારી હોશિયારીથી આપને મદદ કરું. મેં એ જ વખતે પચાસ હજાર રૂપિયાના ઇન્ફોસીસના શૅર તારા નામે લઈ લીધા.”

ત્યાં તો અંદરથી કૃતિબહેન તાડૂક્યા, “હવે તમને કોઈ મદદ નહીં મળે, અમારે ઘેર પણ દીકરીનાં લગ્ન આવે છે.”

અજિતે ફરી નમ્રતાપૂર્વક કહ્યું, “લો આ પચાસ હજાર આપના રોકડા.”

ડૉ. કરને કહ્યું “અરે, અજિત દોસ્તીમાં એવું હોય જ નહીં, મેં ક્યાં રૂપિયા પરત માંગ્યા છે ?”

“પણ અમારી વાત આગળ તો સાંભળો” એમ કહી બંને જણા ધીમેથી ઊભા થયા, અને બોલ્યા, “ડૉક્ટર સાહેબ આપના શૅરોની પંદર વર્ષ પછી કિંમત થઈ છે પંદર લાખ રૂપિયા, જેમાંથી પચાસ હજાર આપના રોકડા અને...’

બંને ડૉક્ટર દંપતી એકીટશે અચંબાપૂર્વક સાંભળતાં હતાં. ત્યાં ફરી અજિતભાઈ બોલ્યા, “મને ખાતરી જ હતી કે વધારાના રૂપિયા તું નહીં જ સ્વીકારે, પણ શૅરો તો તારા નામે જ લીધા હતા. તેથી અમે આપના માટે બાકીના રૂપિયાની સ્વિફ્ટ ડીઝાયર લક્ઝરી ગાડી અને આપની દીકરી માટે બે સોનાના અને એક હીરાનો સેટ લાવ્યા છીએ, આપ આનો સ્વીકાર કરી, અમને ઉપકૃત કરશોજી.”

“અરે, આટલું બધું ના હોય.” ડૉ. કરને કહ્યું.

કૃતિબહેન શરમાઈને નીચું જોઈ ગયાં. અજિતે નમ્રતાથી કહ્યું, “ડૉક્ટર સાહેબ, આ આપના જ રોકાણના પૈસાની ખરીદી છે. મેં તો ફક્ત આપના નામે રોકાણ જ કરેલ હતું.”

ડૉ. કરન હર્ષનાં આંસુ સાથે પોતાના દોસ્ત અજિતને ભેટી પડ્યા.

દાગીનાનાં બૉક્સ અને ગાડીની ચાવી ડૉ. કરનને સોંપી બંને હાથ જોડી ધીમે પગલે ઘરની બહાર નીકળી ગયાં. સોના અને હીરાના દાગીનાની ચમકથી કૃતિબહેનની આંખોનાં ઝળઝળિયાં ચમકી રહ્યાં હતાં.

દાનવીર કર્ણની દાનવીરતા હવે રંગ લાવી રહી હતી. બહાર સૂર્યપ્રકાશમાં નવી નક્કોર લક્ઝરી ગાડી ઝગારા મારતી હતી.

----------****************----------

દગો

ડૉ. હર્ષદ વી. કામદાર

એમ. ડી. (બાળ રોગ નિષ્ણાંત)

“લો, ચંદુભાઈ, આ તમારા પચાસ હજાર રૂપિયા રોકડા.” શહેરની મોટામાં મોટી દવાની દુકાનવાળા શેઠ નાનજીભાઈએ ખાનગીમાં ચંદુને પોતાની કૅબિનમાં બોલાવી રૂપિયા આપતાં કહ્યું. ચંદુભાઈએ પાંચસોની નોટો ગણતાં ધીમેથી કહ્યું, “હજુ હું વધારે રૂપિયા બનાવી શકીશ, પણ જોજો, વાત બહાર જાય નહીં.”

ચંદુ છેલ્લાં ત્રીસ વર્ષથી શહેરની સૌથી નામાંકિત બી.આર. (બલ્લુભાઈ રાવજીભાઈ) હૉસ્પિટલમાં પટાવાળા તરીકે નોકરી કરતો હતો.મ્યુનિસિપલ હૉસ્પિટલ હોવાથી પગાર સારો હતો, પણ આટલી મોંઘવારીમાં ચંદુથી બિલકુલ બચત થતી ન હતી. ચંદુને કુટુંબમાં પત્ની, બે બાળકો અને વૃદ્ધ માતા-પિતા જીવીબહેન અને ડાહ્યાલાલનું છ માણસોનું ઘર ચલાવવાનું હતું. ચંદુ પણ ઈમાનદારીથી નોકરી કરતો હોવાથી ઉપલી આવક કંઈ ન હતી.

હાર્ટઍટેક આવે છે ત્યારે હૃદયની મુખ્ય લોહીની નળીઓમાં લોહીનો ગઠ્ઠો જામી જતાં હૃદયને ઑક્સિજન ન મળતાં સખતદુખાવો થઈ, જો યોગ્ય સારવાર ન થાય તો અંતે હૃદય કામ કરતું બંધ થતાં દર્દીનું મોત થાય છે. લોહીનો ગઠ્ઠો ઓગાળી નાખે એવું કીમતી “સ્ટ્રેપ્ટોકાઈનેઝ”નું ઇન્જેકશન જો ઍટેકના પહેલા ચાર કલાકમાં આપી દેવાય તો દર્દીનો જીવ બચી જાય છે. આ ઇન્જેક્શનો ઉપયોગી છે, પણ તેના એક વાયલની કિંમત અંદાજે ત્રણ હજાર રૂપિયા છે. બી.આર. હૉસ્પિટલમાં પણ આ ઇન્જેક્શન ઇમરજન્સી વૉર્ડમાં સ્ટૉકમાં રાખવામાં આવે છે, પણ કબાટની અંદર તાળાકૂંચીમાં, જેની એક ચાવી મુખ્ય ડૉક્ટર પાસે અને એક ચાવી જૂના વિશ્વાસુ પટાવાળા ચંદુ પાસે જ રહેતી. ચંદુલાલ આ ચાવી ખાસ તેના પેન્ટના અંદરના ગજવામાં સાચવીને રાખતા.

એક દિવસ શહેરના મોટામાં મોટા દવાના સ્ટોકિસ્ટ નાનજીભાઈએ ખાનગીમાં ચંદુને પોતાની ઑફિસમાં વધારાના રૂપિયા કમાવા મળશેની લાલચે બોલાવ્યો. ચંદુલાલને એમ કે કાંઈ વધારાનું કામ કરવાનું હશે, તેના રૂપિયા મળશે, પણ નાનજીભાઈની વાત સાંભળી ચંદુ ચોંકી ગયો.

નાનજીભાઈએ ધીમેથી કહ્યું, “જો ચંદુ, તારે હાર્ટઍટેકના સ્પેશ્યલ સ્ટ્રેપ્ટોકાઈનેઝના ઇન્જેક્શનનું બૉક્સ કાઢીને મને આપી દેવાનું અને હું આપું તે સફેદ પાવડરભરેલું ઇન્જેક્શનનું બૉક્સ તેની જગ્યાએ ગોઠવી દેવાનું. એક ઇન્જેક્શનના વાયલના બે હજાર રૂપિયા લેખે તને મહેનતાણું મળશે.”

ચંદુ ઉશ્કેરાઈ ગયો, અને ગરમ થઈને કહ્યું, “આ કામ મારાથી નહીં થાય, આ તો દર્દીની જિંદગી સાથે રમત કરવા જેવું છે.”

ચંદુ કૅબિનની બહાર નીકળી ગયો. ઈમાનદારીપૂર્વક કામ કરતો હતો એટલે જ તો કીમતી ઇન્જેક્શનોની ચાવી તેની પાસે રહેતી હતી ને! બધા ડૉક્ટરોને ચંદુ ઉપર પૂર્ણ વિશ્વાસ હતો.

બીજા અઠવાડિયે તેના બાપા ડાહ્યાલાલને આંખે ઝાંખપ વળતાં તે આંખના પ્રાઇવેટ ડૉક્ટરને ત્યાં બતાવવા લઈ ગયો. તેમની આંખે મોતિયો આવી ગયો હતો, તેથી દેખાવાનું પણ બંધ થઈ ગયું હતું. આંખના ડૉક્ટરે કહ્યું, “ચંદુ, હું તને ઓળખું છું એટલે તારા બાપાના મોતિયાના ઑપરેશનના ઓછા રૂપિયા લઈશ, પણ જો સારી ક્વોલિટીનો લેન્સ નાખવો હોય તો ત્રીસ હજાર જે

ટલો ખર્ચ તો થશે જ !”

આટલા બધા રૂપિયા ક્યાંથી લાવવા ? ચંદુ નિરાશ થઈ ગયો. તેની પોતાની પાસે તો બચત હતી જ નહીં. તેથી તેણે બે-ત્રણ મિત્રો, સગાંવહાલાં પાસે હાથ લાંબો કરી જોયો, પણ તેને કોઈએ સહકાર ન આપ્યો. તેની જ હૉસ્પિટલના

બે-ત્રણ ડૉક્ટરોને પણ વિનંતી કરી જોઈ, પણ બધેથી ના, ના અને ના જ સાંભળવા મળી.

ઈમાનદારીપૂર્વક જીવતા ચંદુભાઈ નિરાશામાં ડૂબી ગયા. તેમના બાપાને એક આંખમાં તો પહેલેથી જ દેખાતું ન હતું, તેમાં વળી બીજી આંખે મોતિયો વળતાં સાવ દેખવાનું જ બંધ થઈ ગયું.ચંદુભાઈ વિચારે ચડ્યા. “ઈમાનદારીની આ દુનિયામાં કિંમત જ નથી. તેના કરતાં કોઈ પણ રીતે આવતા રૂપિયા શું ખોટા ? બાપાને દેખતા તો કરવા પડશે ને !”

અતિશય મોંઘવારી અને નાણાંની લાલચે ચંદુભાઈનો જીવ બગાડ્યો. બીજા જે દિવસે બપોરના એકાંત સમયે ચંદુભાઈ પહોંચી ગયા કીમતી ઇન્જેક્શનોના કબાટ પાસે, ખોટું કામ કરતા હાથ ધ્રૂજી રહ્યા હતા. પણ પચ્ચીસ વાયલનું આખું બૉક્સ બદલવાના પચાસ હજાર રૂપિયા મળતા હોવાથી મન લલચાઈ ગયું.

પાંચસોની ગાંધી છાપ નોટોનું બંડલ લઈને ઘેર આવીને મા-બાપને બતાવતાં બંને ઊછળી પડ્યાં. ડાહ્યાલાલ બોલ્યા, “અલ્યા ચંદુ, આટલા બધા પચાસ હજાર રૂપિયા લાવ્યો ક્યાંથી ?”

ચંદુ વિશ્વાસપૂર્વક બોલ્યો, “બાપા, મારી મહેનતના રૂપિયા છે, તમારું મોતિયાનું ઑપરેશન કરાવી સારામાં સારો ઇમ્પોર્ટેડ લેન્સ નખાવી તમને દેખતા કરી દઈશ.”

પણ તેની મા જીવીબહેનને વિશ્વાસ પડતો ન હતો, “ ચંદુ, કોઈ ખોટું કામ કરીને રૂપિયા લાવ્યો હોય તો પરત કરી દે. આપણે મોતિયો નથી ઉતારવો.”

“અરે મા ! તમને બંનેેને મારી ઉપર વિશ્વાસ નથી ? માંડમાંડ મહેનત કરીને પચાસ હજાર ભેગા કરેલ છે, અને હવે તમે મારી ઉપર જ શંકા કરો છો ?” ચંદુએ જવાબ વાળ્યો.

રૂપિયાની સગવડ થઈ ગઈ તેની ખુશાલીમાં ચંદુભાઈ ઊપડી ગયા સોમનાથ મહાદેવનાં દર્શન માટે પણ દરિયાકાંઠે પહોંચતાં જ મોબાઇલનું નેટવર્ક જતું રહ્યું. ઘરના કોઈ જોડે સંપર્ક જ ન રહ્યો.

મા-બાપ બંનેને લાગ્યું કે ચંદુએ કંઈક ગોટાળો કરેલ છે, તેની ચિંતામાં ને ચિંતામાં તેના બાપાને રાત્રે જ છાતીમાં દુખાવો ઊપડ્યો. બધાં સગાંવહાલાં ભેગાં થઈ ગયાં. ચંદુનો મોબાઇલ પર વારંવાર સંપર્ક કરવાની કોશિશ કરી પણ નેટવર્ક પકડાતું ન હોવાથી સંપર્ક જ થઈ ન શક્યો. અંતે બધા તેના બાપાને લઈને દોડ્યા. ચંદુની જ બી.આર. હૉસ્પિટલના ઇમરજન્સી વૉર્ડમાં. ત્યાંના સ્ટાફના માણસોએ ડૉક્ટરને ઓળખાણ કરાવતાં કહ્યું, “આ તો આપણા ચંદુના બાપા છે !” ડૉક્ટરે તરત જ કાર્ડિયોગ્રામ કાઢતા ગંભીર હાર્ટઍટેકનું નિદાન થયું. ડૉક્ટરે બધાને સમજાવતાં કહ્યું, “ચિંતા ના કરશો, હમણાં હું તેમને હાર્ટઍટેકનું સ્ટ્રેપ્ટોકાઇનેઝનું

સૌથી અસરકારક ઇન્જેક્શન આપી દઉં છું. અંદર જામેલું લોહી ઓગળી જતાં તેમને તરત જ આરામ થઈ જશે.”

આ સાંભળીને બધાને શાંતિ થઈ. પણ આશ્ચર્ય ! ઇન્જેક્શન આપવા છતાં ડાહ્યાલાલનો છાતીનો દુખાવો વધતો જ ગયો, બધા સ્ટાફ સહિત ડૉક્ટરને નવાઈ લાગી. બધા વિચારમાં પડી ગયા “આટલા સારા ઇન્જેક્શનની અસર કેમ થતી નથી ?” અડધા કલાકની દોડાદોડી, બૂમાબૂમ પછી ડાહ્યાલાલની નાડી ધીમી પડવા લાગી. આંખો ઉપર ચડી ગઈ અને શ્વાસ કાયમ માટે થંભી ગયો. તેમણે આ ફાની દુનિયાનો ત્યાગ કરી દીધો. ચારેકોર રોકકળ મચી ગઈ. બીજા દિવસે ચંદુલાલનો સંપર્ક થતાં તે દોડતાદોડતા ઘેર આવ્યા અને સઘળી બાબતો જાણી હૈયાફાટ રુદન કર્યું, “અરેરે ! મેં જ ખોદેલા ખાડામાં મારા બાપા જ ફસાઈ ગયા. ખરેખર દગા કિસીકા સગા નહીં હોતા.”

બપોરે બાપાના મૃતદેહને કાંધ આપતા ચંદુલાલની આંખોમાંથી શ્રાવણ- ભાદરવો વરસી રહ્યા હતા. તેણે અંદરથી પચાસ હજારનું બંડલ કાઢ્યું ત્યારે પાંચસોની નોટોમાં રહેલા ગાંધીબાપુ જાણે કે તેને ઠપકો આપી રહ્યા હતા. પાછા વળતાં તેણે બધા રૂપિયા દવાની દુકાનમાં પરત કરી અસલ ઇન્જેક્શનો પાછાં તેના કબાટમાં ગોઠવી દીધાં. થાકની અસરથી અને મન ઉપરથી બધો બોજ ઊતરી જતાં ચંદુને રાત્રે ઘસઘસાટ ઊંઘ આવી ગઈ.

માતા ની પરીક્ષા

ડૉ. હર્ષદ વી. કામદાર

એમ. ડી. (બાળ રોગ નિષ્ણાંત)

અમારા ખાસ મિત્ર અને સ્નેહી અમેરિકાથી મુંબઈ થઈને અમદાવાદ ટ્રેનમાં આવી રહ્યા હતા, તેથી તેમને લેવા કાળુપુર રેલવે સ્ટેશને જવાનું થયું. સ્ટેશને પહોંચીને ખબર પડી કે મુંબઈથી આવતી શતાબ્દી એક્સપ્રેસ એક કલાક લેટ છે, તેથી પ્લૅટફૉર્મ પર વેઇટિંગમાં રાહ જોયા વગર છૂટકો જ ન હતો.

બપોરનો સમય હતો. શરીરમાં આળસ લાગતી હોવાથી હું ચા પીવા જવા વિચારી રહ્યો હતો, ત્યાં સામે ઇન્સ્પેક્ટર રાઠોડ સાહેબ મળ્યા. તેમનાં બંને બાળકોની સારવાર મારી પાસે ચાલતી હોવાથી મને સારી રીતે ઓળખતા હતા.

‘કેમ છો ડૉક્ટરસાહેબ, અહીં કેમ આવવું પડ્યું ?’ રાઠોડસાહેબે મને જોતાંવેંત પૂછ્યું.

‘એક ખાસ મિત્રને શતાબ્દીમાં લેવા આવેલ, પણ ટ્રેન લેટ છે, એટલે રાહ જોયા વગર છૂટકો જ નથી, પણ તમે અહીં કેમ ?’ મેં પૂછ્યું.

‘ગયા મહિને જ રેલવેમાં ટ્રાન્સફર થઈ છે. આજકાલ રેલવેમાં પણ ગુનાખોરી વધતી જ જાય છે.’ રાઠોડસાહેબે કહ્યું.

‘મોંઘવારી એટલી બધી વધી ગઈ છે કે માણસો લાચાર બનીને નાની-મોટી ચોરી કરી રહ્યા છે.’ મેં વાસ્તવિકતા જણાવી.

ત્યાં તો ચાવાળો ચા લઈને આવી ગયો. અમે ચા પીતા હતા, ત્યાં સજુભા જમાદાર એક અજીબોગરીબ કેસ લઈને રાઠોડસાહેબ પાસે આવ્યા.

એક સુંદર તંદુરસ્ત ફક્ત એકથી સવા વર્ષનો છોકરો રેલવેના ડબ્બામાંથી મળી આવ્યો હતો. તેનાં કપડાં સ્વચ્છ અને સરસ હતાં, ગળામાં સોનાની ચેન હતી, તેથી સારા ઘરનો લાગતો હતો. તે ઊભો ઊભો રડતો હતો ત્યાં એક જુવાન મધ્યમ દેખાવનાં રાખીબહેન બાબાને શાંત પાડવા પ્રયત્ન કરવા લાગ્યાં. જમાદાર સજુભા આ બધું જોઈ રહ્યા હતા. તે ચિડાયા ‘બહેન તમારા બાળકને સાચવી કેમ રાખતાં નથી ?’

‘ના, ના, હું તો બાજુમાં જ બાથરૂમ ગઈ હતી’ રાખીએ ખુલાસો કર્યો. આ વાતચીત ચાલુ હતી, ત્યાં જ એક બીજાં સાદાં પણ જુવાન એવાં સીતાબહેન, પોતાનો બાબો છે, તેમ કહેતાં આવી પહોંચ્યાં, અને ખુશ થઈને બોલ્યાં. ‘હાશ મારો રાજુ મળી ગયો.’

હવે સજુભા ગૂંચવાયા. રાજુ નામ તો એક બહેને જ આપ્યું, પણ બીજાં રાખીબહેને કહ્યું કે, તેમણે હજુ બાબાનું સાચું નામ પાડ્યું જ નથી તેને મુન્નો કહીને જ બોલાવે છે.

બંને બહેનો પોતાનું બાળક છે, તેવો દાવો પ્રબળ કરતાં જતાં હતાં. ચારે તરફ લોકોનું ટોળું જમા થવા લાગ્યું. બીજા કોઈ સગા પણ નહોતા અને બાળક તો કંઈ જ બોલી શકે તેમ હતું નહીં, તેથી નિર્ણય લેવો કઈ રીતે ?

જમાદાર બંને બહેનો અને બાળકને લઈને રાઠોડસાહેબ પાસે આવ્યા. રાઠોડસાહેબ પણ આખી વાત સાંભળીને નવાઈ પામ્યા. બંને બહેનોને ધમકાવીને કહ્યું, ‘સાચું બોલો, આ બાળક કોનું છે ? નહીંતર તમને બંને બહેનોને જેલમાં ધકેલી દઈશ.’ પણ બંને બહેનો બાળક પોતાનું જ છે, તેનું રટણ કરતાં રહ્યાં.

રાઠોડસાહેબે મારી સામે જોઈ કહ્યું, ‘ડૉક્ટર સાહેબ, તમે તો બાળકોના ડૉક્ટર છો, તમે કઈ રીતે ફેંસલો કરશો ?’

મને ખબર હતી કે બંને બહેનો અને બાળકનો ડીએનએ ટેસ્ટ કરવાથી સાચા- ખોટાનો નિર્ણય થઈ જ જશે. પણ તેને માટે તો બધાંને હૉસ્પિટલ લઈ જવાં પડે અને રિપોર્ટ આવે ત્યાં સુધી રાહ જોવી પડે. રાઠોડસાહેબને તો અહીં જ ફેંસલો કરવો હતો.

અચાનક મને સરસ ઉપાય જડી ગયો. મેં ઇન્સ્પેક્ટર સાહેબને કહ્યું, ‘સાહેબ, ફક્ત દસ જ મિનિટમાં ફેંસલો આપી દઉં છું. આમાં મારા મેડિકલ જ્ઞાનનો નહીં, પણ વર્ષોના અનુભવનો ઉપયોગ કરીશ.’

બંને બહેનોને અલગ રૂમમાં બેસાડી દીધાં. પહેલાં રાખીબહેનને બોલાવી મેં કહ્યું, ‘જુઓ, તમે બંને સાચું નહીં બોલો તો અમારે તમારી બધાની આખી બૉટલ ભરીને લોહી લઈને તપાસ કરવી પડશે, તેમાં તમારા મુન્નાની તબિયત સિરિયસ પણ થઈ શકે છે.’

રાખીબહેન બોલ્યાં, ‘સાહેબ, આ સિવાય બીજો કોઈ રસ્તો જ નથી ?’

મેં જવાબ આપ્યો. ‘ના, આ એક જ ઉપાય છે, ટેસ્ટ તો કરવો જ પડશે.’

રાખીબહેને કહ્યું, ‘સારું, તો પહેલાં હું મુન્નાને ખવડાવી દઉં, પછી ટેસ્ટ કરજો. તેની સોનાની ચેઈન સાચવીને મને આપી દો.’

રાઠોડસાહેબ ખુશ થયા. ‘આ બહેન ટેસ્ટ માટે તૈયાર થયાં, એટલે એ જ સાચાં લાગે છે.’

મને વિશ્વાસ પડતો ન હતો. મેં કહ્યું, ‘હવે સીતાબહેનને બોલાવો.’ સાદાં સીધાં સીતાબહેનને પણ આ જ વાત કડકાઈથી કહી. સીતાબહેન કરગરી રહ્યાં હતાં. ‘ડૉક્ટર, મારા રાજુની તબિયત સિરિયસ થઈ જાય તેવા ટેસ્ટ ના કરો તો સારું.’

મેં જવાબ વાળ્યો, ‘તમે બંને માનતાં નથી, તેથી સાચું-ખોટું જાણવા અમારે લોહીના ટેસ્ટ તો કરવા જ પડશે.’

સીતાબહેનની આંખોની પાંપણો ભીની થતી જતી હતી. તે ફરી કરગર્યાં ‘ડૉક્ટર, મારે મારા રાજુની હાલત ગંભીર થાય તેવો ટેસ્ટ કરાવવો નથી.’

‘તો શું કરવું ? એ સિવાય તો તમે બંને સાચું બોલો તેમ લાગતું જ નથી.’ મેં કડકાઈથી જરા જોરથી ધમકાવ્યાં.

અને સીતાબહેન ફરી ગયાં ‘ડૉક્ટર સાહેબ હું તો ખોટું બોલતી હતી. બાબાને આ બહેનને આપી દો પણ તેને નુકસાન થાય તેવું કાંઈ ના કરશો.’

આટલી બાબત બોલતાં તેમની આંખોમાંથી આંસુ બહાર આવી ગયાં.

રાઠોડસાહેબ અને જમાદાર ગરમ થઈ ગયા. તેમણે ઑર્ડર કર્યો. ‘પકડી લો, આ સીતાબહેનને, ખોટું બોલીને બીજાનું બાળક લેવા આવી હતી, જેલમાં જશે તો સીધી થઈ જશે.’

‘નહીં, નહીં.’ મેં તરત કહ્યું. ‘રાઠોડસાહેબ, તમે ફક્ત ડંડા અને કાયદાથી ચુકાદાઓ વિચારો છો, પણ માતાની લાગણી તમે હજુ જોઈ શકતા નથી.’

‘હેં ! કેવી રીતે કહો છો ?’ સાહેબે પૂછ્યું.

“સાહેબ, સીતાબહેનની આંખમાં રહેલાં આંસુ અને રાજુને બચાવવા ખોટું બોલીને પણ ગુનો પોતાને માથે લે તે જ ખરી મા - સાહેબ તમને તો ગુજરાતી કહેવત ‘મા તે મા બીજા બધાં વગડાંના વા.’ ખબર છે ને !” રાઠોડસાહેબ અચંબામાં પડી ગયા.

તરત જ જમાદારે રાખીબહેનને પકડીને ચૌદમું રતન આપવાની વાત કરી, એટલે સાચું બોલી ગયાં.

‘સાહેબ, હું તો સોનાની ચેઈન લઈને મુન્નાને દૂરદૂરના પ્રદેશમાં વેચી નાખવાની હતી.’ રાખીબહેને કહ્યું.

ત્યાં જમા થયેલી લોકોની ભીડ અને પોલીસવાળા મોંમાં આંગળાં ઘાલી ગયા.

પછી તો કોઈના ડીએનએ ટેસ્ટ કરાવવાની જરૂર જ ક્યાં હતી ? સીતાબહેન અને રાજુ આંખમાં આંસુ સાથે એકબીજાને વળગી પડ્યાં.

સમાપ્ત