Me joyulu adbhut aandaman books and stories free download online pdf in Gujarati

મેં જોયેલું અદભુત આંદામાન

મેં જોયેલું અદભુત આંદામાન

કેમ છો વાચકમિત્રો? આજે હું તમને ભારત દેશના સૌથી રમણીય અને અદભુત દ્વીપ સમૂહ એવા આંદામાન ની સફરે આ લેખના સહારે લઇ જવાની છું.તો તૈયાર છોને?મેં આંદામાન ની મુલાકાત નવેમ્બર મહિનામાં લીધેલી,જ્યારે આપણા ગુજરાતમાં ગુલાબી ઠંડીનો માહોલ હોય પણ ત્યાં આંદામાનમાં ચોમાસાને બાય બાય કહેવાની ખુશનુમા મોસમ હોય છે.

સૌ પ્રથમ હું તમને આંદામાન વિષે બેઝીક ઇન્ફોર્મેશન આપીશ અને પછી મેં જોયેલા પર્યટન સ્થળો અને ટાપૂઓ વિષે થોડી જાણકારી..

ભારતના મેગાસિટી કલકત્તા ની દક્ષિણે બંગાળની ખાડીમાં સ્થાયી એવા આંદામાન અને નિકોબાર ટાપૂઓ ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશમાંના એક છે.તેનું મુખ્ય શહેર પોર્ટબ્લેર છે.એરિયા છે 8249 ચો/કિમી સ્ક્વેર અને કુલ વસ્તી છે 3,80,500. અહીનું ઓફીશીયલ પ્રાણી છે ડુંગોંગ અને પક્ષી છે આંદામાન વૂડ પીજીયન.કુલ ટાપુઓની સંખ્યા 572 જેટલી અને તેમાં ફક્ત આંદામાનના ટાપુઓ હશે 342.

આંદામાન અને નિકોબાર દુનિયાના 218માના વિલુપ્ત પક્ષીજાતી પ્રદેશમાંના બે છે.અહી 270 જેટલી પક્ષીઓની જાતિ-પ્રજાતિ જોવા મળે છે.અહી 96 જેટલા અભયારણ્યો છે,9 જેટલા નેશનલ પાર્કસ અને 1 બાયોસ્ફીયર રીઝર્વ છે.

આ દ્વીપસમુહોને દક્ષિણ-પશ્ચિમ તેમજ ઉત્તર-પૂર્વ બંને ચોમાસાનો લાભ મળે છે જેથી વાતાવરણ અને જમીન લીલીછમ રહે છે હમેશા.છતાં વાતાવરણમાં એટલું ભેજનું પ્રમાણ જણાતું નથી એ અહીની સૌથી મોટી ખાસિયત છે.અહી ક્યારેય ધોમધખતો ઉનાળો કે કડકડતી ઠંડીની મોસમ નથી અનુભવાતી.ના ક્યારેય ટ્રાફિકજામની સમસ્યા.બસ, કુદરત,જંગલો અને અપાર દરિયા કિનારો.અને હા, અહીનું તાપમાન 23’C થી 25’C રહી શકે છે કાયમ છે ને અચરજ્ભર્યું?

મિત્રો, અહી દિવસ સવારે 5 વાગ્યે ઉગે અને સાંજ 2 વાગ્યાથી ચાલુ થઇ જાય તથા સૂર્યાસ્ત લગભગ 4.30 થી 5 વાગ્યાની વચ્ચે થઇ જ ગયો હોય.છતાં રોજબરોજની ગતિવિધિ,ટ્રાફિક,દુકાનો વગેરે રાત્રે 8 વાગ્યા સુધી ધમધમતા જોવા મળે.અહીની એક નોંધપાત્ર કહેવાય એવી જાણકારી તમને આપવા માંગુ છું એ છે કે અહીનો ક્રાઈમ રેટ 0% છે...એટલે કે અહી ણા કોઈ સામાન ચોરી ની ચિંતા કે ણા લૂટાઈ જવાનો ડર..તમે આરામથી નિશ્ચિંત થઈને ક્યાય પણ હરી-ફરી શકો છો..

હવે હું તમને મેં જોયેલા પોર્ટબ્લેરના પર્યટન સ્થળો વિષે જણાવીશ. પોર્ટબ્લેરના અનેક જોવાલાયક બીચમાંથી એક છે કોરબીન્સ કોવ બીચ.તે ટાઉનથી 6 કિમી અંતરે આવેલો છે અને સ્વીમીંગ અને સન-બાસ્કીંગ માટે ફેમસ છે.કિનારો આખો કોકોનટ અને પામ વ્રુક્ષોથી ઘેરાયેલો છે તથા સુન્દર,ક્લીન અને વિશાળ દરિયાકિનારો આવેલો હોવાથી થોડી ઘણી વોટર સ્પોર્ટ્સ એક્ટીવીટીસ થાય છે.ત્યાં જતા રસ્તામાં સ્નેક આઈલેન્ડ આવેલો છે જે સ્કુબા ડાઈવિંગ માટે ફેમસ છે.મને ત્યાં કોરબીન્સ કોવ બીચમાં સનસેટ માણવાનો સુંદર લાભ મળ્યો હતો. ઉપરાંત પોર્ટબ્લેરના જોવાલાયક બીચ છે વાન્દૂર, મુંડાપહાડ બીચ તથા રાજીવ ગાંધી વોટરસ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ..થોડે દૂર આવેલા બીચ છે નોર્થ બે બીચ,રોસ આઈલેન્ડ,ચીડિયા ટાપુ અને સિંક આઈલેન્ડ.ઉપરાંત અહી અનેક પ્રકારના જોવાલાયક મ્યુઝીયમ આવેલા છે જેમ કે Anthropological Museum, Fisheries Museum, Naval Marine Museum, Zoological Survey of India Museum and Science Centre. અમે લગભગ બધા જ સ્થળોની મુલાકાત લીધેલી. ઘણી વ્યવસ્થિત રીતે જાળવણી કરેલા સ્થળો છે આ બધા.આંદામાન માં પુષ્કળ પ્રમાણમાં દરિયાઈ જીવસૃષ્ટિ છે તે વિષે માહિતી આપતા સ્થળો એટલે આ બધા મ્યુઝીયમ્સ.

આંદામાન વિષે વાત કરતા હોઈએ અને ત્યાની મશહૂર જેલ વિષે માહિતી ના આપું તે તો શક્ય જ નથી.

અઢારમી સદી ના પૂર્વાર્ધમાં બનાવવામાં આવેલી આ જેલ ફક્ત અને ફક્ત ભારતીય સ્વાતંત્ર્ય સેનાનીઓ ને કાલાપાની ની સજા આપવાના હેતુથી બનાવવામાં આવેલી.આંદામાન એ ભારતના કોઈ પણ મોટા શહેરથી ઘણું જ દૂર અને છેવાડાના વિસ્તારમાં આવેલું હોઈ તેમજ ચારે તરફ ફક્ત સમુદ્ર સમુદ્ર હોઈ અહીંથી છટકવાની કોઈ જ શક્યતા નહિવત હતી.કેદીઓ બનીને આવેલા ભારતીય સ્વાતંત્ર્ય સેનાનીઓ પાસે શરુ શરૂમાં તો રસ્તાઓ બનાવવા, ઝાડ તોડવા કે પછી અંગ્રેજ અમલદારો માટે મકાનો બનાવવા જેવા કામો કરાવવામાં આવતા હતા.અહીની જેલ સ્ટારફીશના આકારની બાંધવામાં આવેલી છે.300 થી વધુ સાડા સાત ફૂટની ઓરડીઓમાં કેદીઓને પૂરવામાં આવતા.બાંધકામ માં કોઈ જ સિમેન્ટ વાપરવામાં આવ્યો નહોતો ફક્ત મોટા પથ્થરોથી જ આખી જેલ મજબૂત રીતે બાંધવામાં આવેલી છે.રચના એવી રીતે કરી છે કે ક્યારેય કોઈ એક કેદી ઓરડીમાં બંધ કરવામાં આવ્યા પછી અમલદારની પરમીશન વિના બીજા કેદી ની ઓરડી તરફ નજર સુધ્ધા કરી શકે નહિ.ફાંસી આપવા માટે મેઈન ગેટ ની જમણી બાજુ નજીકમાં જ મોટો હોલ બનાવવામાં આવેલો છે.અને વચ્ચેના મોટા ચોગાનમાં અલગ અલગ પ્રકારના હૃદય હચમચાવી મુકે તેવા કામો આપવામાં આવતા.જેમ કે બળદની જગ્યાએ ઘાણીમાં તેલ કાઢવા માટે કેદીને જોડવામાં આવતા તેમજ મોટા જાડા દોરડા વડે કોરડા વીંઝવામાં આવાતા જ્યાં સુધી તેમના ઘામાંથી લોહી ના નીકળે. કોરડા વીંઝવા વાળો કે ફાંસી આપવા વાળો પણ ભારતીય જ રહેતો હતો.અંગ્રેજો પિશાચી વૃત્તિ ધરાવતા હતા.ઘણી ક્રુરતાપૂર્વક સજાઓ આપવામાં માહિર એવા તેઓ ફાંસી પણ નજીવા કારણોસર કેદીઓને આપી દેતા હતા.

હાલમાં છેલ્લા કેટલાક વર્ષો પૂર્વેથી આ જેલ સદંતર બંધ જ રાખવામાં આવી છે અને એક ઐતિહાસિક જોવાલાયક સ્થળ તરીકે પ્રવાસીઓ માટે ચાલુ રખાયેલ છે.

મિત્રો,પ્રકૃતિ અને મનુષ્ય એ બંને એક સિક્કાની બે બાજુ જેવા કહી શકાય.પ્રકૃતિના સુંદર રચયિતા એવા પરમાત્માનો ઉપકાર આપણે માનીએ તેટલો ઓછો છે કે તેમણે આપણને ઘણી સુંદર રચનાઓ ભેટ આપી છે.તેમાંની એક એટલે જીવંત કોરલ્સ.તે ફક્ત અને ફક્ત આંદામાન અને નિકોબારના દરિયામાં જ સમગ્ર એશિયા ખાતે જોવા મળે છે.રંગબેરંગી કોરલ્સ એ સામુદ્રિક કુદરતી સંપતિ છે.જેને આ પ્રદેશની બહાર ગવર્મેન્ટની પરમીશન વગર લઇ જવા એ ગુનાપાત્ર બને છે અને લઇ જનારને દંડ તેમજ સજા પણ મળે છે.

અહી આ કોરલ્સને નજીકથી નિહાળવા માટે તેમજ સ્પર્શ કરવા માટે ઘણી દરિયાઈ એકટીવીટીસ છે.નરી આંખે કોરલ્સ ને માણવા અને જોવા માટે અહી પ્રવાસીઓ સ્નોર્કલીંગ,સ્કૂબા ડાઈવીંગ,સી વોક વગેરેની મજા માણતા હોય છે. લાઈવ કોરલ્સની ખાસિયત એ છે કે તેને સ્પર્શતાની સાથે જ તે લજામણીના છોડની જેમ સંકોચાઈ જાય છે!છે ને અજાયબીની વાત!!કોરાલ્સની સાથે તેટલી જ વિશાળ સંખ્યામાં સુંદર નાની-મોટી રંગબેરંગી માછલીઓ પણ અહી જોવા મળે છે.દરિયાઈ સૃષ્ટિનો ભરપૂર ખજાનો એટલે આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહ ખરેખર!!

પોર્ટબ્લેરથી થોડા કીલોમીટરના અંતરે આવેલા રોસ આઈલેન્ડ અને નોર્થ બે આઈલેન્ડ જવા માટે ફક્ત ગવર્મેન્ટ ફેરીનો જ ઉપયોગ કરી શકાય છે.આ બંને જગ્યા સાથે જ જઈ શકાય છે.અને નિર્ધારિત સમયમાં પાછા પોર્ટબ્લેર આવી જવાનું હોય છે.

નોર્થ બે આઈલેન્ડ અનેક પ્રકારની સી એકટીવિટીસ માટે સાનુકૂળ હોવાથી અહી ઘણી ભીડ રહે છે.અહી સુંદર એવી મેગ્નીફાયિંગ ગ્લાસ લગાડેલી બોટ પણ હોય છે જેમાં બેસીને અલગ અલગ પ્રકારના કોરલ્સ અને માછલીઓ તેમજ દરિયાઈ સાપ પણ જોવા મળે છે.આ સુવિધાજનક બોટ ફ્રાન્સથી આયાત થયેલી અને પૂરા એશિયામાં ફક્ત અહીજ છે.અહી દરિયામાં ઘણી વખત ડોલ્ફિન માછલીઓ પણ જોવા મળી શકે છે.અહી સી ફૂડ અને શોપિંગ માટે નાની નાની દુકાનો આવેલી છે.બહુ જ નાનો આઇલેન્ડ છે.

રોસ આઇલેન્ડ એ આંદામાન ની ખૂબ જ સુંદર,સ્વચ્છ અને રોચક જગ્યા છે.આ પૂરો આઇલેન્ડ ઇન્ડિયન નેવીના કંટ્રોલ નીચે આવેલો છે.અહી કોઈ પણ પ્રકારની પ્લાસ્ટીકની ચીજ વસ્તુ લઈ જવા પર પ્રતિબંધ છે.અને આ નિયમ બહુ જ ચુસ્તપણે પાળવામાં આવે છે.અહી કુદરતી રીતે જ ઉછેરેલા હરણ,સસલા અને મોર જેવા બિનહાનિકારક અને સુંદર વન્યજીવો વસેલા છે.તેમને કોઈ પણ જાતની ખલેલ પહોચાડ્યા વગર અહી છૂટથી થોડો સમય ફરી શકાય છે.અહી વન્યજીવોને પધ્ધ્તીસરથી ખોરાક વગેરે આપવામાં આવે છે તેમજ કોઈ પ્રવાસી તેમને હાનિ ના પહોચાડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.તે ઉપરાંત અહી જુનું ખંડેર જેવું ચર્ચ,અમલદારોના આવાસો તેમજ એક મોટું લેક આવેલા છે.

પોર્ટબ્લેરથી દરિયાઈ સફર મેકૃઝી નામની અદ્યતન સુવિધાજનક સ્ટીમરમાં કરીને હેવલોક અને નીલ આઈલેન્ડ જઈ શકાય છે. લગભગ બે કલાક થી ત્રણ કલાક સુધીની દરિયાઈ સફર વિમાન જેવી જ આરામદાયક હોય છે.સ્ટીમરમાં થોડો ઘણો ડ્રાઈ નાસ્તો બહાર કરતા લગભગ બમણી કીમતે ઉપલબ્ધ હોય છે.હેવલોક આઇલેન્ડ ખૂબ જ સુંદર કહી શકાય એવી જગ્યા છે કે જ્યાં પ્રદુષણ નહિવત છે.અહી પુરા આઇલેન્ડને વીજળી જનરેટર થી પૂરી પાડવામાં આવે છે.અહી વર્લ્ડ ફેમસ સુંદર અને સફેદ રેતીનો બીચ રાધાનગર આવેલો છે.આમ તો વીસેક જેટલા બીચ છે ઉપરાંત થોડે દૂર એલીફન્ટ આઇલેન્ડ આવેલો છે તે પણ આહ્લાદક કુદરતી દ્રશ્યો ધરાવતી જગ્યા છે કે જ્યાં લાઈવ કોરલ્સ અને માછલીઓ વગેરે ને નજીકથી જોવા તેમજ માણવા માટે સ્નોર્કલીંગ કરી શકાય છે.અહી ડોલ્ફિન માછલીઓ પણ વિશાળ સંખ્યામાં હોઈ તેનો પણ નઝારો કરી શકાય છે. અહીના દરેક બીચનું પાણી કાચ જેવું સુંદર અને સ્વચ્છ હોઈ દરિયાકિનારે પણ કેટલીક અદભુત માછલીઓ અને દરિયાઈ જીવો જોઈ શકાય છે.પૂરો આઈલેન્ડ પ્રવાસન ઉધ્યોગ પર નભે છે ,હાં થોડા ઘણા દૂધાળા પશુઓ છે તેમજ થોડી ઘણી ખેતી થાય છે.આમ, હેવલોક આઈલેન્ડ ફક્ત અને ફક્ત રમણીય બીચ ધરાવતી,બાકીની દુનિયા ભુલાવતી એક અવિસ્મરણીય જગ્યા છે.

તો મિત્રો, આમ આપે મારી સાથે આંદામાન ના મુખ્ય કહી શકાય તેવા જોવાલાયક સ્થળોની મારી સાથે સફર કરી.આશા રાખું છું કે આપણે પસંદ પડી હશે આ સફર.

જીવનમાં એક વાર તો જરૂરથી મુલાકાત લેવા જેવો દ્વીપ સમૂહ એટલે આંદામાન અને નિકોબાર.

આભાર સહ,

નૃતિ શાહ.

9824660648.