Lagn aetle.. books and stories free download online pdf in Gujarati

લગ્ન એટલે...

લગ્ન એટલે..

..હાસ્યાયણ.

પતઝર, સાવન, વસંત, બહાર.. કવિઓએ ચાર ઋતુઓમાં વરસનું વિભાજન કર્યું છે. વિદેશીઓ માટે વિન્ટર, સમર, ઓર્ટેમ.. એવી ત્રણ જ સિઝન હોય છે. ભારતીય ઉપ-મહાખંડ ખૂબ જ ભાગ્યશાળી છે કારણ કે આપણા પર્યાવરણ વૈજ્ઞાનિકોએ આપણા માટે 6-6 ઋતુઓ ઘડી કાઢી છે – વર્ષા, શરદ, શિશિર, હેમંત, વસંત અને ગૃષ્મ. પરંતુ, આપણું જનજીવન કહો કે લોક જીવન કહો.. તે એથી પણ એક ડગલું આગળ છે. આપણે સૌએ મળીને આજકાલ તેમાં એક નવી સિઝનનો ઉમેરે કર્યો છે – લગ્ન-સિઝન. જેમ શિયાળો હોય છે, ઉનાળો હોય છે.. તેમ જ લગ્નગાળો પણ હોય છે !

વીસેક વરસ પહેલાં એવું હતું કે હોળી-દિવાળી, ઈદ કે ક્રિસમસ જેવો કોઈ મોટો પર્વ આવે ત્યારે આપણે ઘરની સાફ સફાઈ કરતાં. તેને રંગ રોગાન કરતાં. તહેવારને આવકાર આપવા માટે સુશોભિત થયેલું ઘર હરખાતું હોય એવું લાગતું. આજકાલ આ સાદું સમીકરણ બદલાઈ ગયું છે. હવે ઘરે લગ્ન પ્રસંગ આવે ત્યારે જ તેને રંગે ઘોળીએ છીએ. કારણ કે, આધુનિક ટેકનોલોજીથી બનેલાં ઉચ્ચ ગુણવત્તાના રંગો ખૂબ ટકાઉ હોય છે. તે વરસોવરસ એમનેમ ટકી રહે છે. પહેલાની જેમ વારંવાર ચૂનો ચોપડવો પડતો નથી.

સંતાનોની સંખ્યા ઘટીને માત્ર બેક થઇ ગઈ છે. એટલે એક સંતાનના લગ્ન વખતે ઘરને રંગે ઘોળ્યું હોય તો બીજાં સુધી તે એવુંને એવું અડીખમ શોભતું હોય. આમ લગ્નગાળો વટ્ટભેર નવી ઋતુ બની બેઠો છે.

અને, અત્યારે એવી એ લગ્નની સિઝન પુરબહારમ ખીલી છે. જેમ પૂનમની રાતે દરિયામાં ભરતી ચઢે છે તેમ જ કમુરતા ઉતરતા ‘પરણ-વા’ શરૂ થાય છે. આ શબ્દ બહુ લોભામણો છે બોસ. લગ્ન કહો, એટલે કેટલીય વાયોલીન, કેટલાય સંતૂર, કેટલાય જળ તરંગ એક સામટાં રણઝણી ઉઠે છે – બેક ગ્રાઉન્ડમાં !

સદીઓથી આ એક શબ્દને જાણવા સમજવા માટે લોકો એક બીજાને પૂછતાં રહે છે કે અલ્યા, લગ્ન એટલે શું ? અને પછી જેમ ચાર આંધળાઓના હાથે ચઢેલા હાથીની આપણને જે પરિભાષા મળી હતી તેમ દરેક વ્યક્તિ લગ્નનું પોતાના અનુભવ પ્રમાણે નોખું અને અનોખું વર્ણન કરે છે. જૂની પ્રચલિત કહેવત છે – “લગ્ન એટલે લાકડાનો લાડૂ – જે ખાય તે પસ્તાય અને જે ના ખાય તે પણ પસ્તાય !”

બેન્જામિન ફ્રાન્ક્લિન નામના મહાન પતિએ સંસારના તમામ પતિઓને દામ્પત્ય જીવનની સફળતા માટે ‘લગ્ન-મંત્ર’ આપતાં કહ્યું – “લગ્ન પહેલાં તમારી આંખો ઉઘાડી રાખજો; લગ્ન પછી અડધી બંધ રાખજો.”

આર્નોલ્ડ બેનેટ નામક લગ્ન પીડિત આત્માને પરણ્યા પછી ડહાપણ લાધ્યું ત્યારે બાપડો બોલ્યો – “લગ્ન કરવા એટલે ચોવીસ કલાકની નોકરી સ્વીકારવી !”

લગ્ન કરીએ એટલે સહજપણે પતિ-પત્ની થઇ જવાય પણ સફળ પતિ કે કામ્યાબ પત્ની થવું સરળ નથી. સક્સેસફૂલ પતિ કે પત્ની થવા માટે લાના ટર્નર નામક સંશોધકે ગુરુવાણી ઉચ્ચારતા જાહેર કર્યું – “પત્ની વાપરી શકે તેના કરતાં વધારે કમાય તે સફળ પતિ અને એવો પતિ મેળવી શકે એ સફળ પત્ની !”

અમુક શાણા લોકો લગ્નને ‘ખાનદાની ભૂલ’ ગણે છે. તેઓ આ બાબત દલીલ આપતાં કહે છે કે લગ્ન કરવાની સર્વ પ્રથમ ભૂલ દાદાજીએ કરી હતી. પણ તેઓએ મારા બાપાને ચેતવ્યા નહીં. બાપુજીએ એજ ભૂલ દોહરાવી પણ મને સાવચેત કર્યો નહીં.. પરિણામે હું પોતાની કુટુંબની પરંપરાને જાળવી રાખવા આ ગલતી કરી બેઠો. હવે હું પણ પોતાના દીકરાને આ ભૂલ કરતાં અટકાવવાનો નથી. ભૂલોનો આ વારસાગત સિલસિલો ચાલતો રહે તેમાં જ મજા છે.

લગ્ન મંડપની ચોરીમાં અગ્નિના ફેરાં ફર્યાથી દાઝેલા એક ‘લગ્નજલા’ શાયરે હૈયાવરાળ કાઢતા ગમગીન અંદાજમાં કહ્યું –

असीरी हाथ आयी.. तीलियों से बालो-पर उलझें..

कफ़स को फिर भी परिंदों ने अपना मान रखा है.

અર્થાત, લગ્ન એવી અવસ્થા છે કે જેમાં માત્ર અને માત્ર કેદ થવાનું લખાયું હોય છે. એક એવું પીંજરું છે કે જેના સળીયાઓથી અથડાઈને ભીતર પુરાયલા પંખીના વાળ અને પાંખો પીંખાઇ ગઈ હોવા છતાં એ પિંજરાને પડતું મૂકીને ઉડતું નથી. કારણ કે પંખીને પીંજરું ફાવી ગયું છે. પંખીને પીંજરું ભાવી ગયું છે !

એક દિવસ હું ટી.વી. ઉપર જાહેરખબરોનો ગોળીબાર જીરવતો ડોળા કાઢીને રૂપાળી કન્યાઓને નીરખી રહ્યો હતો. મને એજ સમજાતું નથી કે ગમે તે વસ્તુની જાહેરાત માટે તનવંગી નારીઓનો જ ઉપયોગ શાને થાય છે ? દાઢી છોલવાની રેઝર-બ્લેડની જાહેરાત માટે પણ યુવતી ? – અહો આશ્ચર્યમ !

ખેર, ત્યાં જ મારા એક નવયુવાન મિત્રે આ ચવાયલો પ્રશ્ન વાગોળતા વાગોળતા મારી સામે ફંગોળ્યો કે લગ્ન એટલે શું ? તે વખતે મારૂ સમગ્ર ધ્યાન ‘દૂરની-લલના-દર્શન’માં પરોવાયલું હતું એટલે હું જાહેર ખબરોની ભાષામાં જ એને સમજાવવા બેઠો...

ક્યારેક ક્યારેક જીવનમાં એવું એવું પણ થાય છે,

બીજાને સમજાવીએ, જે ખુદને ના સમજાય છે ! ... લ્યો બોલો !

ખેર, મેં ઠાવકું મ્હોં બનાવીને કહ્યું – મિત્ર.. લગ્ન એટલે ‘અલપેનલીબે’ ચોકલેટ – “જી લલચાયે ; રહા ના જાયે !”

લગ્ન એટલે – “ક્રેક્જેક બિસ્કીટ... થોડા મીઠા ; થોડા નમકીન !”

ક્યારેક કોક ભાગ્યશાળી સિંદબાદ માટે લગ્ન એટલે T.V.S. વિક્ટર પણ થાય – “મિલો ચલતી મુસ્કાન !”

જોકે, આવું ત્યારે જ થાય છે મારા દોસ્ત કે જયારે પતિ પત્ની વચ્ચેના સંબંધ ‘પેપ્સી-કોલા’ જેવા ના હોય – અર્થાત, “યે દિલ માંગે MORE !”

પતિ પત્ની પરસ્પર ‘વિલ્સ’ જેવા “Made for each other” પણ ના હોય..

આવું તો ત્યારે જ થાય ભઈલા કે જ્યારે પતિ પત્નીના સંબંધ હોય – ‘LIC’ જેવા ! અર્થાત – “જિંદગી કે સાથ ભી ; જિંદગી કે બાદ ભી !”

આવા બે પ્રાણી મળે ત્યારે લગ્ન જીવન ‘મિલો ચલતી મુસ્કાન’ લાગે. નહિતર ઘણાખરાં લગ્ન એટલે – ‘કાઈનાટિક ઝિંક’... “અચ્છે અચ્છો કી હવા નિકાલ દે !”

અને દોસ્ત છેલ્લે કહું – લગ્ન એટલે ‘ક્લોરોમિન્ટ’... “દુબારા મત પૂછના !”

ટી.વી. ઉપર જાહેરાતોના તોપમારા વચ્ચે મારા મગજમાં જે આવ્યું તે વિજ્ઞાપનની ભાષામાં તેને સમજાવ્યું. અલ્લા જાણે એણે કેટલુંક સમજ્યું ! અલબત્ત, લગ્ન વિશે આવું ઘસાતું એટલે બોલાય છે કારણ કે જે સ્વરૂપવાન યુવતી લગ્ન પહેલાં ‘ચંદ્રમુખી’ લાગતી હોય છે તે જ લગ્નના પાંચેક વરસ પછી ‘સૂરજમુખી’ થઇ જતી હોય છે અને દસ વરસ પછી તો તે ‘જ્વાળામુખી’ બની જાય છે !

તેવી જ રીતે લગ્નનો મુંઢ-માર સહેન કરનારા નરબંકાઓ વિશે કહેવું છે કે લગ્ન પહેલાં જે ફૂટડો યુવાન હોય છે – ‘સુપર-મેન’ ...તે લગ્ન પછી થઇ જાય છે – ‘જેન્ટલમેન’ ! લગ્નના પાંચ વરસ પછી તે થઇ જાય છે – ‘વોચમેન’ અને દસ વરસ વીતી ગયાં પછી તેની હાલત ‘ડોબરમેન’ જેવી થઇ જતી હોય છે !

ઉપરોક્ત નિરીક્ષણમાં ક્યાંક કાવ્યાત્મક અતિશયોક્તિ થઇ ગઈ હોય, તેની શક્યતા છે. પણ કવિતા કંઇ જીવનની વાસ્તવિકતાથી બહુ અળગી નથી હોતી, તે પણ નોંધવા જેવી બાબત છે. આવા પ્રકારના વિવેચનને લક્ષ્યમાં રાખીને લગ્નોત્સુક યુવાનોને ચેતવણી આપવાના સૂરમાં કહેવું છે – “દોસ્ત... લગ્ન અને બંદુકમાં જબરી સમાનતા હોય છે – બંનેમાં ‘જાન’ જાય છે !”

જેથી હે પરણ’વાથી પીડાતા વીરલા ! તારી ‘જાન’ નીકળે અને ઘોડે બેસવાની છેલ્લી તક મળે ત્યારે ઘોડાને પૂરપાટ દોડાવીને નાસી જજે. નહિતર આ ઉપર લખ્યાં તેવા હાલ હવાલ થઇ જશે !!

એક કવિની વાત માનો કે ના માનો પણ એક અનુભવીની વાત પણ ના જ માનવી હોય તો ‘ભોગ’ તમારા. Best of Luck... !

કુમાર જિનેશ શાહ

9824425929.