Ek patangiya ne pankho aavi - 48 books and stories free download online pdf in Gujarati

એક પતંગિયાને પાંખો આવી - 48

એક પતંગિયાને પાંખો આવી

પ્રકરણ 48

વ્રજેશ દવે “વેદ”

“નીરજા, જો તું આ અદભૂત ક્ષણે વાંસળીના કોઈ સૂર છેડી નાંખે તો? આ શીતળ ચાંદની અને તેમાં ભીંજાયેલૂ જંગલ, સાંજ, એકાંત અને વાંસળીના સૂર ! શું વિચાર છે?” વ્યોમાએ પાંપણો નચાવી.

“હું અત્યારે વાંસળી વગાડુ એમ કહે છે, તું? ના, યાર. અત્યારે તો બસ ચાલતા રહીએ અને પહોંચી જઈએ મંઝિલ પર. વાંસળી કાલે વગાડું તો? પેલા ધોધની સામે? કેટલી મજા પડશે, હેં?” નીરજા ટાળવા લાગી.

“કાલે? તું કાલે વાંસળી વગાડીશ? નાદાન છો તું. હજુ હમણાં જ તો કહ્યું કે જંગલમાં કોઈ પણ વાત કાલ પર ના રખાય. કાલે શું થશે તેની...”

“પણ, પેલા ધોધની સામે મારે વાંસળી વગાડવી છે.”

“તો શું થયું? કાલે ફરીને વગાડજે, કોઈએ રોકી છે તને, કે જંગલમાં આજે વાંસળી વગાડી હોય તો કાલે ના વગાડી શકાય? તું એવું બધું ક્યાથી વિચારે છે, નીરજા?”

“પણ ધોધ સામે તો ...”

“ત્યાં પણ વગાડજે, પણ તું અત્યારે વગાડીશ કે નહીં, બોલ?” વ્યોમાના અવાજમાં આદેશ હતો. નીરજા તેને ટાળી ના શકી.

લંબાયેલી એક જાડી ડાળ પર નીરજા બેસી ગઈ, થડનો ટેકો લઈને. વ્યોમા તેની બાજુની ડાળ પર બેસી ગઈ. ચાંદની ભરેલા જંગલમાં નીરજાના હોઠોએ વાંસળીને ચુમી લીધી. વ્યોમાએ આંખ માંડી, નીરજાના હોઠો પર અને કાન માંડ્યા, તેના હોઠ પર રમતી વાંસળી પર.

નીરજાના હોઠોએ વાંસળીને કાનમાં ફૂંક મારી. વાંસળી સફાળી જાગી ગઈ. નીરજા બોલાવે તેમ બોલવા લાગી. મધુર સૂરો સર્જાવા લાગ્યા. જંગલની નીરવ શાંતિમાં વાંસળીના સૂરો ભળવા લાગ્યા. પહેલો જ સૂર સાંભળીને ડાળી ડોલવા લાગી. તેણે પાંદડાઓને વાત વહાવી. તેણે ફૂલોને, ફૂલોએ સુગંધને, સુગંધે હવાને અને હવાએ આખા જંગલને વાંસળીના સૂર વહાવી દીધા.

જંગલમાં વહેવા લાગ્યા સૂરો.

સા...રે..મ..પ...ધ...સા... સા...ધ...પ...મ...રે...સા...

સૂરોના આરોહ અવરોહ વહેવા લાગ્યા. જંગલ આખું પલાંઠી વાળી બેસી ગયું, એક ચિત્તે ધ્યાન દઈને સાંભળવા લાગ્યું, વાંસળીના સૂરોને.

વહેતી હવા થઈ ગઇ સ્થિર. પર્ણોએ હલન ચલન કરી દીધું બંધ. ડાળીઓએ ઝૂલવાનું રોકી દીધું. ફૂલોએ સુગંધને કેદ કરી દીધી. જંગલ આખું એ ક્ષણોને માણવા મૂર્તિમંત બની ગયું. બધું જ સ્થિર થઈ ગયું. વહેતું હતું કોઈ, તો એ એક માત્ર નીરજાની વાંસળીના સૂરો.

વ્યોમા પણ સ્થિર થઈ, સૂરોના જંગલમાં ખોવાઈ ગઈ. નીરજા બંધ આંખે વગાડતી હતી, તો વ્યોમા આંખ બંધ કરી તેને સાંભળી રહી હતી. વાંસળી વાગતી રહી. સૂરો વહેતા રહ્યા. એક આખી ધૂન પૂરી કરી, નીરજાએ હોઠો પરથી વાંસળી હટાવી લીધી. આંખો ખોલી નાંખી. વ્યોમા હજુ પણ આંખો બંધ કરી બેસી રહી હતી. નીરજાએ તેને જગાડી.

વ્યોમાએ આંખ ખોલી તો તે ચોંકી ગઈ,” નીરજા, તું વાંસળી નથી વગાડતી?”

“ના, મારી ધૂન તો પૂરી થઈ ગઈ.” નીરજાએ વ્યોમાને હાથમાં રહેલી વાંસળી બતાવી.

“હેં? શું વાત કરે છે? તો પછી આ વાંસળી કોણ વગાડે છે?” વ્યોમાએ તેને સંભળાતા સૂરો પર કાન ધર્યા. તેને હજુ પણ વાંસળીના સૂરો સંભળાતા હતા.

“નીરજા, જો, જો. ધ્યાનથી કાન માંડ. તને વાંસળીના સૂરો સંભળાશે. આ તરફ... સાંભળ જો...” વ્યોમાએ અવાજની દિશામાં નીરજાનું ધ્યાન ખેંચ્યું. નીરજા તે સૂરોને પકડવા પ્રયાસ કરવા લાગી.

“એ તો શાંત અને નીરવ જંગલ છે, એટલે કદાચ મેં વગાડેલી વાંસળીના પડઘા વાગતા હોય તેવું લાગે છે.”

“ના. એ તારા સૂરોના પડઘા નથી, ખરેખર કોઈ બીજી વ્યક્તિ પણ દૂર, કોઈ જગ્યાએ વાંસળી વગાડતું હોય એવું લાગે છે.”

“ના. એ તો પડઘા જ છે. હું જે ધૂન વગાડતી હતી તે જ ધૂન વાગી રહી છે. જો સા.. રે... મ... પ... ધ...સા...... રાગ દુર્ગા. હમણાં જ મેં વગાડ્યો હતો. તે જ સૂર વાગી રહ્યો છે. એ પડઘા જ છે, વ્યોમા.” નીરજાએ વિગતે કહ્યું.

“ના. પડઘા નથી એ. પડઘા આટલી વાર સુધી ગુંજયા ના કરે. મારૂ માનવું છે કે નક્કી કોઈ દૂર દૂર તારી જેમ જ વાંસળી વગાડી રહ્યું છે. તારા જ સૂરોની નકલ કરી રહ્યું છે. અથવા તો તારા જ સૂરો વગાડીને તને જવાબ આપી રહ્યું છે.” વ્યોમા પોતાની વાત પર અડગ રહી.

“”વ્યોમા, આ જંગલમાં આટલી મોડી સાંજે કોઈ ના વગાડે, આવું બધું. અરે.. દિવસના ભાગે પણ કોઈ માણસ જોવા નથી મળતો, તો રાત્રે અહીં કોઈ ક્યાંથી હોય? અને જો માની લઈએ કે કોઈ હોય તો પણ તે મારા જ સૂરોને ક્યાંથી વગાડી શકે? અને જો તે એ જ સૂરોને વગાડે તો પણ મારી જેમ જ વાંસળી તો ના જ વગાડી શકે. માટે એ માત્ર પડઘા જ છે, અને બાકી બધો તારો ભ્રમ છે, વ્યોમા” નીરજાએ લાંબી વાત રજૂ કરી એટલામાં તો વાંસળી વાગતી બંધ થઈ ગઈ. “જો, હવે અવાજ બંધ થઈ ગયો. પડઘાઓ શાંત થઈ ગયા. માટે મારી વાત સાચી જ છે. એ માત્ર પડઘા જ છે.“

“પણ, આટલા લાંબા પડઘા? એ કેમ બને?” વ્યોમાએ સંદેહ કર્યો.

“જંગલ જેટલું ગાઢ, પડઘા તેટલા જ લાંબા હોય છે.”

“હું નથી માની શક્તી. નક્કી દૂર દૂર કોઈ બીજું વાંસળી વગાડતું હતું.” વ્યોમા હજુ પણ પોતાની ધારણા પર મક્કમ હતી.

“ઓકે. ચાલ આપણે એક પ્રયોગ કરીએ. હું ફરી કોઈ ધૂન વગાડું અને તું અવલોકન કર, પછી કોઈ નિષ્કર્ષ પર આવીએ.”

“ઠીક છે. ચાલ તું કોઈ બીજી ધૂન, કોઈ બીજો રાગ વગાડ.”

“હું રાગ હેમ કલ્યાણ વગાડુ છું.”

નીરજાએ તેની વાંસળી પર રાગ હેમ કલ્યાણ છેડ્યો. ત્રણેક મિનિટ સુધી તેણે કોઈ ધૂન વગાડી. તે અટકી ગઈ. ધ્યાન દઈને દૂરથી આવનારા કોઈ સૂરોને શોધવા લાગી. તેના કાને એ જ સૂરો પડવા લાગ્યા. હેમ કલ્યાણ રાગની ધ્વનિ જંગલના કોઈ ખૂણેથી ઉત્પન્ન થઈને, તેઓના કાને પડી રહી હતી. બંને જાગૃત થઈ ગઈ. તેઓને નવાઈ લાગી.

‘શું ખરખર કોઈ આ જંગલના કોઈ ખૂણે બેસીને એ જ રાગ, એ જ વાંસળી પર વગાડી રહ્યું છે?’

‘શું એ માત્ર પડઘા જ છે?’

‘પડઘા આટલા લાંબા હોય ખરા?’

‘જંગલ જેટલું ગાઢ, એટલા ગાઢ પડઘા હોતા હશે?’

‘જો ખરેખર કોઈ છે, આ જંગલમાં, તો તે ખૂબ જ નજીક છે.’

‘કોણ હશે એ? કેવી હશે એ વ્યક્તિ?’

‘શું રહસ્ય છે, આ પડઘાઓનું? કે આ સૂરોના સત્યનું? ‘

બન્નેએ એકબીજાને મૌન રહીને સવાલો કરી લીધા.

ફરી તે સૂરો બંધ થઈ ગયા. નીરજા વિચારવા લાગી. એકાદ ક્ષણ બાદ, તેણે ફરી વાંસળી હોઠો પર લગાડી. રાગ પુરીયા વગાડવા લાગી. જંગલે એ જ ધૂન ફરી સંભળાવી. હવે તેણે રાગ બસંત, રાગ યમન, રાગ કેદાર પણ વગાડયા. દરેક વખતે તે જ સૂરો જંગલમાંથી સર્જાવા લાગ્યા. અદ્દલ તે જ સૂરો. સૂરોમાં કોઈ એકાદ માત્રાનો પણ ફેર નહીં.

અચંબિત થઈ ગઈ બન્ને. શું હશે આ વાતનું રહસ્ય? વ્યોમાને કશું જ નહોતું સમજાતું, ”તેં વગાડેલ સૂર જાણે કોઈ રેકોર્ડ કરી લેતું હોય અને ફરી એ જ ધૂન, એ જ સૂરો વગાડતું હોય એવું લાગે છે. નીરજા, આ વાતનો તાગ તો મેળવવો જ પડશે.”

નીરજા તે વાતના મૂળ સુધી કેમ પહોંચવું તે વિચારવામાં લાગી ગઈ.

“ઓહ, એક આઇડિયા છે, ખબર પડી જશે, આ રહસ્યની.” નીરજાએ ચપટી વગાડતા કહ્યું. તેના ચહેરા પર કોઈ નક્કર પ્લાન રમવા લાગ્યો.

“તું શું કરવા માંગે છે?” વ્યોમા પણ ઉત્સાહિત થઈ ગઈ.

નીરજા કશું જ ના બોલી. ફરી હોઠો પર વાંસળી રાખી, રાગ ભૈરવી વગાડવા લાગી. જંગલે પણ એ જ રાગ વગાડયો. નીરજાએ વિશ્રામ લીધો. થોડી વારે જંગલનો રાગ ભૈરવી પૂરો થઈ ગયો. વ્યોમાને કશું ય સમજાયું નહીં. તે પ્રશ્નાર્થ નજરે નીરજાને જોઈ રહી.

નીરજાએ ફરી વાંસળી હોઠ પર મૂકી. રાગ ચંદ્રકૌંસ છેડી દીધો. વ્યોમા હજુ પણ વિસ્મયના જંગલમાં સ્તબ્ધ બની, નીરજાને પ્રશ્નાર્થ નજરે જોઈ રહી હતી. નીરજા, રાગ છેડી રહી હતી. અઢી મિનિટની ધૂન પૂરી કરી નીરજા શાંત થઈ ગઈ.

જંગલના સૂરોને સાંભળવા લાગી. વ્યોમા પણ તે સૂરોને સાંભળવા લાગી. પણ, આ વખતે તેઓને કોઈ સૂરો ના સંભળાયા. કોઈ ધ્વનિ કાન પર ના અથડાયા.

જંગલ સાવ શાંત, સાવ નીરવ, સાવ મૌન. કોઈ અવાજ નહીં, કોઈ સૂર નહીં, કોઈ ધૂન પણ નહીં. વ્યોમા વિસ્મય પામી, પણ નીરજાને પેલા રહસ્યનો તાગ મળી ગયો હોય તેમ તે બોલી ઉઠી, ”વ્યોમા, જંગલમાં કોઈ છે. જરૂર છે. પાક્કી ખાત્રી થઈ ગઈ. તું કહે છે તે વાત સાચી છે. કોઈ મારી ધૂન પર, મને એ જ ધૂન વગાડી, જવાબ આપી રહયું હતું. મારા સૂરોને સન્માન આપી રહ્યું હતું.“

“તો હવે કેમ તે જવાબ નથી આપતું? શું તેને, તેં હમણાં જ વગાડેલ સૂર કે રાગ નથી આવડતો? કેમ તે એ જ ધૂન નથી વગાડતું? કેમ તે કોઈ પણ ધૂન નથી વગાડતું?” વ્યોમાએ ઘણા સવાલો કરી નાંખ્યા. નીરજા હસી પડી, ”બસ, એ જ તો રહસ્ય છે એ વ્યક્તિનું, વ્યોમા.”

“એટલે તું શું કહેવા માંગે છે? શું છે એ રહસ્ય? જલ્દી બતાવ. “વ્યોમા રહસ્યને જાણવા ઉતાવળી થઈ.

“વ્યોમા, તે વ્યક્તિ સંગીતની પૂરેપૂરી જાણકાર છે.”

“એ તો ખબર જ છે. એટલે તો એ તારી જ ધૂન વગાડીને, તને જવાબ આપતી હતી. તેમાં શું રહસ્ય છે? કોઈ નવી વાત હોય તો કહે.”

“એ જ વાત નવી છે. જો, હું તને સમજાવું. મેં છેલ્લે જે ધૂન વગાડી હતી તે રાગ ચંદ્રકૌંસ હતો. તેની પહેલાં મેં રાગ ભૈરવી વગાડયો હતો. પેલી વ્યક્તિએ રાગ ભૈરવી તો વગાડયો, પણ ચંદ્રકૌંસ ના વગાડયો.”

“નીરજા, મેં કહ્યું તેમ તેને તે રાગ નહીં આવડતો હોય, રાગ ચંદ્રકૌંસ અઘરો રાગ છે ને? એટલે નહીં વગાડ્યો હોય. પણ તેમાં રહસ્ય ક્યાં છે?”

“તું પૂરી વાત તો સાંભળ. સંગીતનો નિયમ છે, કે રાગ ભૈરવી વાગી જાય પછી કોઈ રાગ કે ધૂન ના વગાડાય. તેણે ભૈરવી તો વગાડયો. પણ પછી કોઈ ધૂન ના વગાડી. કારણ કે તે સંગીતને જાણે છે. અને એટલે જ છેલ્લી ધૂન પછી, આપણને કોઈ ધૂન ના સંભળાઈ. મતલબ સ્પષ્ટ છે કે કોઈ વ્યક્તિ છે જ, કોઈ પડઘા નથી.” નીરજાએ વિસ્તારથી સમજાવ્યું.

“ઓહ, તો મારી વાત સાચી પડી ને? હું તો પહેલાંથી જ કહેતી હતી, કે કોઈ છે જે ધૂન વગાડે છે, કોઈ પડઘા નથી. થઈ ગયું ને સાબિત?” વ્યોમા પોતાના વિજય પર ખુશ થઈ ગઈ.

“તો ચાલ, પેલી વ્યક્તિને શોધી કાઢીએ. તે જરૂર નજીકમાં જ હશે.” નીરજાએ નવો પડકાર સર્જી લીધો બન્ને માટે.