Ek patangiya ne pankho aavi - 49 books and stories free download online pdf in Gujarati

એક પતંગિયાને પાંખો આવી - 49

એક પતંગિયાને પાંખો આવી

પ્રકરણ 49

વ્રજેશ દવે “વેદ”

“નીરજા, તું રાત્રે જ ધોધ પર પહોંચવા માંગે છે કે નહીં? આમ આપણે પેલી વ્યક્તિને શોધવા બેસીશું, તો કદાચ રાત અહીં જ રોકાઈ જવું પડે. અને કાલે ... “

“કાલે શું થશે તેની જંગલમાં કોઈને ખબર નથી હોતી, એમ જ ને?” નીરજાએ વ્યોમાની અધૂરી વાત પૂરી કરી.

“તું બધું જાણે છે, સમજે છે તો પછી કેમ આમ વર્તે છે? ક્યારેક મને જંગલની નીરજા નથી સમજાતી.” વ્યોમાએ મીઠી તકરાર કરી.

“કોશિશ પણ ના કરતી, જંગલની નીરજાને સમજવાની. ચાલ, હું કહું તેમ પેલી વ્યક્તિને શોધી કાઢીએ.”

નીરજા અને વ્યોમા નીકળી પડી, પેલી અજાણી વાંસળી વાદક વ્યક્તિની શોધમાં.

અવાજની દિશામાં બે ત્રણ મિનિટ ચાલ્યા ને નીરજા અટકી ગઈ. તેણે વ્યોમાનો પણ હાથ પકડી તેને ઊભી રાખી દીધી.

“પેલી ઝાડીમાં જો, કોઈ ત્યાં જરૂર છે. સાવધ રહેવું પડશે.“ નીરજાએ એક ઝાડી તરફ ઈશારો કર્યો. બન્ને તે ઝાડીને સાવધાનીથી જોવા લાગ્યા. હલતી ઝાડી જોઈને લાગતું હતું કે કોઈ પ્રાણી તેની પાછળ છે, અને તે ધીમે ધીમે ઝાડી વીંધીને બહાર આવવા મથતું હોય તેમ, વધુને વધુ નજદીક આવી રહ્યું હતું. તે હવે ખૂબ નજીક આવી ગયું. ઝાડી વચ્ચેથી કોઈ આકૃતિ સ્પષ્ટ સર્જાવા લાગી.

“આ તો કોઈ માનવ આકૃતિ લાગે છે.” વ્યોમાએ નીરજાના કાનમાં કહ્યું. નીરજાએ હોઠો પર આંગળી મૂકી દીધી. વ્યોમા ચૂપ થઈ ગઈ. બંનેના શરીરમાંથી જન્મીને એક ઝણઝણાટી જંગલમાં પ્રસરી ગઈ.

હવે તે આકૃતિ ઝાડી વીંધીને બહાર આવી ગઈ. ખીલેલી ચાંદનીમાં હવે બધું સ્પષ્ટ દેખાવા લાગ્યું. તે આકૃતિ કોઈ યુવાન છોકરીની હતી. 18 – 20 વર્ષની છોકરી હશે, કદાચ. તે હવે કેડી પર આવી ગઈ. તેણે પીળા વસ્ત્રો પહેર્યા હતા. ચાંદનીમાં તેના વસ્ત્રો શોભતા હતા. તેનું મુખ હજુ પણ સ્પષ્ટ જોઈ શકાતું નહોતું. તે ધીરે ધીરે નજીક આવી રહી હતી. તે નીરજા અને વ્યોમા તરફ જ આવતી હતી. તે હવે ખૂબ નજીક આવી ગઈ. તેનો ચહેરો હવે સ્પષ્ટ જોઈ શકાતો હતો. તે યુવાન છોકરી જ હતી. નીરજા અને વ્યોમાના વધેલા ધબકારા, તેને જોઈને સ્થિર થવા લાગ્યા. સ્વસ્થ થવા લાગ્યા, બન્ને.

પેલી છોકરી સામે આવીને ઊભી રહી ગઈ. બન્નેએ તેની આંખમાં આંખ મિલાવી. પેલીની આંખમાં કોઈ ગુસ્સો, કોઈ નારાજગી ઉગેલી દેખાઈ. વ્યોમાએ તેના જવાબમાં એક સ્મિત આપ્યું. પેલીના ચહેરા પર કોઈ ભાવો બદલાયા નહીં.

“હેલ્લો, ગૂડ ઈવનિંગ. ”નીરજાએ વાત કરવાની કોશિશ કરી. તેણે કોઈ પ્રતિભાવ ના આપ્યો. માત્ર તેની તીક્ષ્ણ નજર વડે તે તાકી રહી બન્ને તરફ.

વ્યોમાએ તેની નજર પરથી પોતાની નજર હટાવી. તે પેલીને ઉપરથી નીચે સુધી જોવા લાગી. તેની નજર તેના હાથ પર પડી. તેના ડાબા હાથમાં વાંસળી પકડી હતી તેણે.

“નીરજા, આ એ જ છોકરી છે જે તારી સાથે વાંસળી વગાડતી હતી.” વ્યોમાએ નીરજાના પેલી છોકરી સાથેના નેત્ર સેતુને ભંગ કર્યો. નીરજા પણ તેના હાથમાં રહેલી વાંસળીને જોવા લાગી.

નીરજા અને વ્યોમાને સમજાઈ ગયું કે આ જ છોકરી વાંસળી વગાડતી હશે. જો આ સમયે વાંસળી વગાડીએ તો કદાચ .... નીરજાના મનમાં વિચાર આવી ગયો. તે પોતાની વાંસળી હોઠ પર મૂકી વગાડવા જતી હતી, ત્યાં જ પેલી છોકરીએ તેના હાથમાંથી વાંસળી ઝૂંટવી લીધી.

તેના આ કૃત્યથી બંને ડઘાઈ ગઈ. કશું ય સમજે તે પહેલાં જ, તે ગુસ્સામાં બોલી, ”સંગીતના નિયમોની જરા પણ ખબર છે, તમને?”

વ્યોમા તેના શબ્દોથી વિચલિત થઈ ગઈ. પણ નીરજાને મજા પડી ગઈ. તે મનમાં જ વિચારવા લાગી-‘તીર બરાબર નિશાન પર જ લાગ્યું છે’ તે હસવા લાગી, મુક્ત મને. તેના હાસ્યની પેલી છોકરી પર અસર થઈ. તે થોડી શાંત થઈ.

“મને સંગીત પણ આવડે છે, અને તેના નિયમોની પણ જાણ છે. મેં જાણી જોઈને જ તેનો ભંગ કર્યો છે.”

“તું જાણે છે સંગીતના નિયમો, ને તોય તું તેનો ભંગ કરે છે? અને એ પણ ઈરાદા પૂર્વક?” પેલી હવે વધુ ગુસ્સે થઈ ગઈ.

“જો મેં રાગ ભૈરવી વગાડયા પછી, રાગ ચંદ્રકૌંસ ના વગાડ્યો હોત, તો કદાચ આપણું મિલન ક્યારેય ના થાત. રાઇટ, મિસ...” નીરજાએ તેની આંખોમાં આંખ નાંખી પૂરા આત્મવિશ્વાસથી કહ્યું. નીરજાએ પોતે વગાડેલા રાગો વિષે વાત કરી એથી પેલીને ખાત્રી થઈ ગઈ કે તેને સંગીતનું પૂરું જ્ઞાન છે.

નીરજાના સંગીતના જ્ઞાનને, તે માન આપતી હોય તેમ બોલી, “મનીષા. નામ છે મારૂ, મનીષા.” તેણે પોતાનું નામ કહ્યું. તેની આંખમાં હવે સ્મિત પ્રવેશી ગયું.

“મિસ મનીષા, તમને આ જંગલમાં, ચાંદનીમય જંગલમાં, હાથમાં વાંસળી સાથે મળીને અમને કોઈ જુદા જ આનંદનો અનુભવ થઈ રહ્યો છે.” વ્યોમાએ થોડી સાહિત્યિક ભાષાનો પ્રયોગ કર્યો.

મનીષા હવે નોર્મલ થઈ ગઈ. તેણે વ્યોમા તરફ પોતાનો હાથ લંબાવ્યો, દોસ્તીનો. સૌએ દોસ્તીના હાથનો સ્વીકાર કર્યો. નીરજા અને વ્યોમાએ મનિષાને પરિચય આપ્યો.

“હૂઁ જંગલમાં જ રહું છું, મારા પરિવાર સાથે. કોલેજમાં ભણું છું. મને સંગીત ગમે છે. વાંસળી વગાડવાનો મને શોખ છે. અને રોજ સાંજે હું જંગલને મારી વાંસળી સંભળાવું છું. આજે પણ જ્યારે મેં વાંસળી વગાડવા વિચાર્યું, ત્યારે જ તારી વાંસળીના સૂરો મને સંભળાયા. મને ગમ્યા. મેં પણ તે જ સૂરોને વગાડ્યા.”

“ઓહ, તો તું રોજ આમ સાંજે સંગીત વગાડે છે ! અદભૂત છે.“ નીરજાએ આનંદ વ્યક્ત કર્યો.

“પણ, તું શા માટે સાંજે જ વગાડે છે?” વ્યોમાએ જીજ્ઞાસા બતાવી.

“હું રોજ સાંજે જ સંગીત વગાડુ છું. અને એ પણ માત્ર વાંસળી જ. તેનું કારણ સિમ્પલ છે. એક, મને વાંસળી જ વગાડતા આવડે છે. બીજું, જંગલને હવે આદત પડી ગઈ છે મારી વાંસળી સાંભળવાની. કોઈ દિવસ જો હું ના વગાડુ કે મોડી પડું, તો તે મારા પર નારાજ થઈ જાય. અને મને, તે નારાજ થાય તે ના ગમે.” મનીષાએ પોતાની લાગણી કહી.

“એમ? જંગલ સંગીત પણ સાંભળે? અને નારાજ પણ થાય?”

“વાહ. કેટલું અદભૂત છે?”

“નીરજા, તારી વાંસળી પણ જંગલને ખૂબ ગમી છે. મને પણ. તારી સાથે વાંસળી વાગડવાનું મને ગમશે.“ મનીષાએ કહ્યું.

“તો, ચાલ. હું તૈયાર છું. આપણે વાંસળી વગાડીએ, સાથે-સાથે.” નીરજાએ પોતાની વાંસળી હોઠો પર મૂકી દીધી. પ્રતિક્ષા કરવા લાગી મનીષાના સાથની.

પણ, મનીષાએ કોઈ જ પ્રતિક્રિયા ના આપી. નીરજા અટકી ગઈ. પ્રશ્નાર્થ નજરે તે મનીષાને જોતી રહી.

“મનીષા, નીરજા તારી પ્રતિક્ષા કરે છે. ચાલ, તું પણ શરૂ કર, એટલે વાંસળીની જુગલબંદીની જમાવટ થાય.” વ્યોમાએ મનીષાને આગ્રહ કર્યો.

“ના, આજે રાગ ભૈરવી વાગી ચૂક્યો છે. હવે તો કાલે જ વગાડીશું.” મનીષાએ વિવશતા કહી.

“પણ, કાલે તો અમે અહીં નહીં જ હોઈએ.” વ્યોમાએ કહ્યું.

“કેમ? કાલે ક્યાં હશો?” મનીષાએ વિસ્મય સાથે કહ્યું.

નીરજા અને વ્યોમાને સમજાયું કે માત્ર નામનો જ પરિચય થયો છે, મનીષા જોડે. તેઓ શા માટે આટલે દૂર જંગલમાં એકલા ફરી રહ્યા છે, એ વાત તો તેઓએ મનીષાને કહી જ નહીં. અરે, મનીષાએ પૂછી પણ નહીં.

“મનીષા, અમે અહીં છેક જંગલમાં ગુજરાતથી આવ્યા છીએ. અમારે તો જવું છે...” નીરજાએ કહેવા ધાર્યું.

મનીષા વચ્ચે જ બોલી પડી, ” ઓહ. મેં તો પૂછ્યું જ નહીં કે તમે લોકો અહીં ક્યાંથી આવ્યા છો? શા માટે આવ્યા છો? શું કરવા ચાહો છો?” પોતાના જ શબ્દો પર તે હસી પડી.

“અમે નોહ કલિકાઇ ધોધ પર જઇ રહ્યા છીએ. બસ, આજ રાત સુધીમાં ત્યાં પહોંચી જઈશું.”

“પૂનમના ચંદ્રની ખીલેલી ચાંદનીમાં ધોધને જોવો છે, માણવો છે.”

“ઓહ. અદભૂત છે એ દ્રશ્યો. લગભગ એક દોઢ કલાકનો રસ્તો છે. તમારે હવે નીકળી પડવું જોઈએ.” મનીષાએ સૂચન કર્યું.

“યસ, મનીષા. અમારે હવે જવું જ પડશે. પણ, મજા પડી તારી સાથે આ સંગીત અને ચાંદની ભરેલી સાંજમાં.” નીરજા અને વ્યોમાએ મનીષાનો આભાર માન્યો અને ચાલવા લાગ્યા મંઝિલ તરફ.