Pal pal teri yaad books and stories free download online pdf in Gujarati

પલ પલ તેરી યાદ

બ્યુટી ઊભી થઈ. સાથે આખું ઘર ઊભું થયું. આડી પડેલી બારી, ઊંધે પડખે સુતું બારણું, મૌનની ચાદર ઓઢીને સૂતી દીવાલો, અંધારા ખૂણામાં ટપક ટપક પલળતું પાણિયારું ને સૂકા રણ પ્રદેશ જેવો બાથરુમ સૌ ઊભા થઈ પ્રવૃતમય થઈ ગયાં. ધમાલ જોઈને આભલે દોડતું દોડતું અજવાળું કિલ્લોલ કરતું દોડી આવ્યું. બ્યુટી બની ઠનીને સામે લટકતું જોઈ રહી કેલેન્ડર. ૨૪ તારીખ ડાહી ડમરી બની ને સ્થિર હતી. જમણો હાથ લંબાવ્યો. મચ્છરની ઝડપે તારીખિયું ફાડી નાખ્યું. સોફા પર આસ્તેથી બેઠી. ટીપોય પર દૂધનો પડેલો ગ્લાસ જોઈ રહી. ૨૪ તારીખ, મે મહિનો જોતાં બ્યુટીના ચહેરા પર ઉદાસી રંગ છવાઈ જતો. લાખ કોશિશ પણ દિવસ ભૂલી શકતી નહિ. અથવા કહો કે દિવસનો તે ઈંતજાર કર્યાં કરતી હોય!

સાત વાગ્યાનું એલાર્મ રણક્યું. દરવાજો ખટખટ્યો. 'કમ ઓન'. આદત મુજબ બંધ હોઠોમાંથી જગ્યા શોધી શબ્દો પાણીની જેમ સરકી ગયાં. ધીરેથી દરવાજો હડસેલાયો. એકપછી એક કતારબંધ બ્યુટીનાં મિત્રો એની સામે નતમસ્તકે ગોઠવાઈ ગયાં. લ્યુસી, મોંટી, માઈસી, પોપટી, હરણી, તોટા, મેના જેવા બ્યુટીનાં મિત્રો. લ્યુસી એટલે બિલાડી, મોંટી એટલે કુતરો, માઈસી એટલે ઉંદર, પોપટ, હરણ, તોટા, મેના, મોર, ચકલાચકલી, કાબર, બ્યુટીની ઉદાસીમાં સામેલ હતાં. બ્યુટી ઊભી થઇ, સૌને વહાલી વહાલી કરી સૌની પીઠ થાબડવા લાગી. ચહેરા પર કૃત્રિમ સ્મિત લાવી સૌને ઉદે્ શી ને કહ્યું, 'ટેક યોર બ્રેક ફાસ્ટ ગો ટુ કીચન પ્લીઝ,' સૌએ માથું ધુણાવ્યું અને જોઈ રહ્યાં ટીપોય પર પડેલાં દૂધનાં ગ્લાસને. બ્યૂટી સમજી ગઈ કે પોતે દૂધ કેમ પીધું નથી તે પૂછી રહ્યાં છે. બ્યુટી કશું બોલી નહિ. બ્યુટી હસી પડી. હાથ જોડી વીનવી રહી હતી કે તેઓ તેમનો સવારનો નાસ્તો પાણી કરી લે. પણ સૌ ચૂપ રહ્યાં. 'ઠીક છે'. કહી બ્યુટી અંદરનાં રુમમાં ગઈ. બ્યુટી સફેદ કપડાંમાં, હાથમાં મીણબત્તી લઈ બહાર આવી. કોઈ કરતાં કોઈ ત્યાં હતું. આજુબાજુનાં ઓરડાં જોઈ લીધાં. સુમસામ એકાંત હાંફી રહ્યું હતું. તેનાં શ્વાસોશ્વાસ દરિયાઈ મોજાંની જેમ ઉછળી રહ્યાં હતાં. તે આમથી તેમ દેડકાની જેમ કૂદકાં મારતી મારતી પોતાનાં પડધાં સુણી રહી હતી, 'વેર આર યુ, વેર આર યુ લ્યુસી, મોંટી, માઈસી, પોપટી, હરણી. કમ ઓન પ્લીઝ, કન ઓન, વેર આર યુ, વેર આર યુ. "

તે થાકી ગઈ. સુરજ માથે આવી રહ્યો હતો. તડકો આળોટતો આળોટતો સૌને દઝાડી રહ્યો હતો. આંખ સામે દરિયો મૂરઝાઈ ગયેલો હોય એમ પવનની આંગળી પકડી ચાલી રહ્યો હતો. કિનારો ભરતીનાં મોજાઓનો પડ્યો પડ્યો ઈંતજાર કરી રહ્યો હતો અને બ્યુટી લમણે હાથ મૂકી વીતી ગયેલ ગોઝારા દિવસો માં ડૂબકી લગાવી રહી હતી.

૨૪ મે ની સવાર. . રીમઝીમ રીમઝીમ વરસાદ, બ્યુટીની આંગળી પકડી ચાલતી ઢીંગલી સમી દીકરી લ્યુસી અને શમણાંનાં નાવ હંકારતો એનો પતિ હેન્નરી વાતોમાં ગળાડૂબ હતાં. અચાનક લ્યુસીએ આંગળી છોડાવી, ભાગી હરણી પેઠે સાગર તરફ, કરવા લાગી ગેલગમ્મત મોજાં સાથે. . જોકે તેમને માટે નવું નહતું. લ્યુસી મોજાંની પીઠ પર સવાર હતી. ઓચિંતા બ્યુટી હેન્નરી એક રાક્ષસી મોજું જોઈ બૂમ પાડી ઊઠ્યાં "લ્યુસી વોચઆઉટ, વોચઆઉટ," હેન્નરી બ્યુટીનો હાથ ઝટકા સાથે છોડાવી લ્યુસી તરફ દોડ્યો. અચાનક તોફાને ચડેલો દરિયો જોઈ બ્યુટી હાંફવા લાગી. પરસેવે પલળી ગઈ, છાતી લહેરાતા પાલવની જેમ ઉછળી રહી હતી. , ચારેકોર અંધકાર પથરાઈ ગયો, શબ્દો મોઢામાં પીંજરાના પંખીની જેમ કેદ થઈ ગયાં! આંખે અંધારા આવી ગયાં. અને ફસડાઈ ગઈ રેતી પર ઝાડ પરથી નાળિયેર પડે એમ ધડામ કરતી. આંખો ખોલી બ્યુટીએ. આજુબાજુ નિશબ્દ ટોળું હતું. ટોળામાં હતાં હેન્નરી અને લ્યુસી.. સવારથી સાંજ લ્યુસી ખાધા પીધાં વગર કિનારે બેસી રહેતી. હમણાં આવશે હમણાં આવશે આશાએ. એકલી એકલી બબડતી સાગરને હાથ જોડતી, ક્યારે કંઠ કગળી ઊઠે. હે સાગર દેવા, હે સાગર દેવા. . જરા મારી સામે જો,મારા જીવ ને ક્યાં મેલી આયો, છોડી આયો.. તને શું ઓછું આયું કે મારા જીવતરને તું લૂંટી ગયો, ઝૂંટવી ગયો. દેવા મુજને પણ લઈ લે, લઈ લે. અચાનક આભમાંથી એક વિમાન ઊતર્યું. જાણે તારાઓનો ઝગમગાટ. આંખ સામે હેન્નરી, લ્યુસી, મલકાતી મુદ્રામાં. બ્યુટી હર્ષાવેશમાંપવન પેઠે ઝૂપડે ઝૂપડે ફરી વળી. ચાલો ચાલો જોવા હેન્નરી લ્યુસી ને. પણ સૌએ સમજાવી ને પાછી મોકલી દીધી. સૌના પર ફિટકાર વરસાવતી પાછી આવી. પગલાની છાપ સિવાય કશું નજરે ના ચડ્યું. રાત આખી ટળવળતી રહી ઘૂઘવટા સાગરને નીરખતી નીરખતી રખેને કોઈ ચમત્કાર બને!

જિંદગી, જિંદગી થઈ ગઈ છું હું બેહાલ કરી નાખી છે મને કંગાળ. તારા ભરોસે હંકારતા અમે અમારી નાવ તારા ભરોસે શણગાર્યા હતાં શમણાં. . કોણ જાણે કોની ફરીવળી નજર હું તો થઈ ગઈ આજ બેહાલ. કિલ્લોલ કરતું આંગણું છે મારું સાવ સુનું, સાવ રે સાવ સુનું જોયા કરું છું સવારસાંજ હું ભરતી ઓટનું મોજું વિકરાળ. જિંદગી ઓહ જિંદગી થઈ ગઈ છું હું પાયમાલ

પૂનમની દુધિયાળી રાત. ઉછળતા મોજાઓનો થનગનાટ, કિનારે આવીને પટકાઈ જવું, વળી ઊભા થવું, દોડતા કિનારે આવવું અને તૂટવું ક્રિયા સતત જોતી રહી. નીરવ શાંતિમાં તે બેચેનીની આગમાં શેકાઈ રહી હતી. આંખ સામે અતીત ખૂંચી રહ્યો હતો. વિરહની વેદના અકળાવી રહી હતી. તે ઊભી થઈ. સાગરને સમર્પિત થવા મક્કમ પગલાં પાડી રહી હતી. બે હાથ જોડી જેવી ઝંપલાવા ગઈ કે આકાશમાં વીજ ઝબકી . નજર કરી અને લ્યુસીનો અવાજ સંભળાયો, " નો નો મમ્મી ". તે ઊભી રહી ગઈ. પગમાં કશું અટવાયું. નીચી નમી. હાથમાં લઈ જોવા લાગી. " ઓહ , આતો લ્યુસીની ચેન!;"

સાંજ એટલે અષાઢી મેધલી સાંજ. કોયલનાં ટહુકે,વીજળીનાં ઝગમગાટે જોઈ રહી હતી આકાશને. આંખ સામે ઊછળતો રાખોડી રંગનો દરિયો, જોઈ આશા બંધાણી કદાચ, હા કદાચ હેન્નરી, લ્યુસી પાછા ફરે! આભલામાં રાખોડી રંગનાં દોડતાં વાદળો,જાતજાત ભાતભાતનાં આકારોમાં.. અને આભાસ વર્તાતો જાણે હેન્નરી લ્યુસી! તે જોયા કરતી, રોયા કરતી,ને ચાટીજતી આંસુ. . બે પગની વચ્ચે માથું છુપાવીને. એક ગજબ કડાકો થયો. એક ક્ષણ લાગ્યું કે હમણા આખેઆખો સાગર કૂદીને બહાર આવશે ને સૌને ગળી જશે. તે ધ્રૂજી ઊઠી. ઊભી થઈ, તે ધ્રુજી રહી હતી,દોટ લગાવા પ્રયત્ન કર્યો, માંડ માંડ પડતા બચી, જાત પર કાબુ મેળવ્યો અને એક શ્વાસે દોડી. . ઘરમા પેસી બારી,દરવાજા બંધ કર્યાં. વંટોળ ફરી વળ્યો હતો. કાચુંપાકું મકાન હમણાં પડી જશે એમ ધ્રૂજી રહ્યું હતું.

અચાનક એનાં દરવાજે ટકોરા પડ્યાં. દરવાજો ધમધમી રહ્યો હતો. તેની આંખોમાં લાવા જેવો જુસ્સો ધસી આવ્યો. હાથની મુઠ્ઠી હવામાં ઉછાળી દરવાજાની લગોલગ ઊભી રહી. તેને પાક્કી ખાતરી થઈ કે દરવાજો કોક ખખડાવી રહ્યું છે. આવી તોફાની રાતે કોણ આવ્યું હશે. મુખમાંથી આક્રોશ ભરી ચીસ નીકળી પડી " ઓહ ગોડ, મને માફ કર અજાણતાં પણ મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો! પ્લીઝ સેવ મી, સેવ મી. . " મન મક્કમ કરીને પૂછ્યું કે કોણ છે? જવાબ ના મળ્યો. કદાચ નો આંખો સમક્ષ ફરી વળ્યો. જરુર હેન્નરી, લ્યુસી હશે. દરવાજો ખટખટી રહ્યો હતો. બ્યુટીનાં હાથ કંપી રહ્યાં હતાં. ધડકતા હ્રદયે દરવાજો ખોલ્યો. ઓહ માય ગોડ ઉદ્ ગાર સરી પડ્યો. કતારબંધ પશુપક્ષી ઊભા હતાં. ધ્રુજી રહ્યાં હતાં. દોડતાં દોડતાં ઘરમાં ઘુસી ગયાં. એક જોરદાર ધડાકો થયો. આકાશમાંથી તણખો ઝર્યો. આંખને આંજી નાખતો પ્રકાશ, પ્રકાશમાં બાય બાય કરતી હેન્નરી, લ્યુસીની તસ્વીર જોઈ. . . . બ્યુટીની આંખે ખુશનુમા સવાર લહેરાઈ રહી હતી. રાતનું ધડાકાભડાકા ભર્યું તોફાન શાંત હતું. રાતભરનાં વરસાદે વરસાદી મહેંક પાથરી દીધી હતી. તે ઊભી થઈ. ફ્રેશ થઈને રાતે આવેલાં મહેમાનો માટે સવારનો નાસ્તો તૈયાર કરી ગોઠવી દીધો. મહેમાનો જાગ્યાં. ડોક હલાવી, પગ સુંધી, પાંખો ફફડાવી આભાર વ્યક્ત કર્યો. સૌ દરવાજા પાસે ઊભા રહી જવા માટે રજા માગી રહ્યાં હતાં. બ્યુટીને હસવું આવી ગયું. સૌનાં શરીર પર વહાલ વરસાવી રહી હતી. સૌ સમક્ષ દૂધનાં કટોરા ધર્યાં. સૌ એકબીજાને જોઈ રહ્યાં. આંખોથી આંખો માં વિશ્વાસનાં તંતુ સંધાયા. જઠરાગ્નિ સૌનો શાંત થયો. પ્રીતનાં પુષ્ષો ખીલ્યાં અને બ્યુટી સહિત સૌને સગપણ મળ્યું.

ચાર વર્ષ વિયોગનાં પચાવી સ્વસ્થ બની. પશુપક્ષીને ઘરમાં વસાવ્યાં. દર વર્ષે ગોઝારા દિવસે કબર પાસે જઈ કેંડલ સળગાવી પ્રાર્થના કરે. .

સમય સચવાઈ રહે માટે ઉતાવળા પગલે તે કબર તરફ ચાલી. જેમ જેમ કબર નજીક આવતી ગઈ તેમ તેમ આશા પ્રજ્વલિત થવા લાગી કદાચ તેઓ વચ્ચે પુનર મિલન થાય. કબર પાસે જોયું. તે ઝબકી ગઈ. શું? લ્યુસી, માઈસી, સૌ ઊભા હતાં કેંડલ લઈને બ્યુટીની રાહ જોતાં. .

સમાપ્ત