Anyamanaskta - full novel books and stories free download online pdf in Gujarati

અન્યમનસ્કતા- સંપૂર્ણ નવલકથા

અન્યમનસ્કતા

પ્રકરણ ૧

‘આજથી બે-અઢી વર્ષ પહેલાં જ્યારે આપણે જુદા પડ્યા ત્યારે તું મારી જિંદગી હતી અને આજે જ્યારે આપણે ફરી મળી રહ્યા છીએ ત્યારે તારા શરીરમાં કોઈ જિંદગી ઉછરી રહી છે.’

વિવેકે આશ્ચર્ય સાથે સોનાલીની આંખોમાંથી નજર હટાવી દક્ષિણ-પશ્ચિમ તરફના આકાશમાં જોયું. આસમાન તે બંનેના અતીત જેટલું સ્વચ્છ દેખાઈ રહ્યું હતું, પરંતુ કેટલાક કાળા રેશમી સફેદ ધુમાડાના ગોટાદાર વાદળો અસ્ત થતાં સૂર્યના આચ્છા ગુલાબી ઠંડા તેજસ્વી પ્રકાશને શહેર પર પડતાં રોકી રહ્યા હતા. આ કારણે જ જૂનનું ચોથું સપ્તાહ હોવા છતાં દરરોજ કરતાં આજે વહેલું અંધારું થવાનું હોય તેમ લાગતું હતું. વાતાવરણમાં તે બન્નેના વર્તમાન સંબંધ જેટલી નરમી અને ભવિષ્યમાં ઘણા ઘટસ્ફોટના અંદેશા સાફપણે ફેલાઈ રહ્યા હતા.

‘વરસાદ પડવો જોઈએ, મોસમનો પ્રથમ વરસાદ.’ સોનાલીની વાત પર વિવેકે અર્ધસ્મિત સહ જણાવ્યું કે, ‘અહીં મોનસૂન મે મહિનાની આખરમાં જ બેસી ગઈ છે. હા, તું ઈચ્છે અને કહે છે તો મોડી રાતે ફરી વરસાદ પડશે તેવું મને લાગી રહ્યું છે.’

‘કેટલો બદલાઈ ગયો છે તું નહીં? ટૂંક સમયમાં માણસ કેટલો બદલાઈ જાય છે? શરીરથી, આત્માથી અને વિચારોથી. એક સમયે મારી દરેક વાતે વિરુદ્ધ વિચારો દર્શાવી મને ખોટી સાબિત કરનારી વ્યક્તિ આજે મારી અટકળો અને આશંકાઓ પર સહમતી જતાવી રહી છે અને હું ઈચ્છું તો મોડી રાતે વરસાદ પણ પડી શકે તેવું તેને લાગી રહ્યું છે. વિવેક, બિલકુલ એવી જ રીતે તને નથી થતું કે, હું ઇચ્છુ છું માટે નહીં, પણ હું તને પહેલા જેટલો જ ચાહું છું એટલે ફરી પોતાનો બનવા કહું છું ત્યારે તને થવું જોઈએ કે હા, મારે સોનાલીની આ વાતે પણ તેને પસંદીદા રીતે હામી ભરવી જોઈએ. હું પાંચસોથી વધુ કિલોમીટર દૂરથી માત્રને માત્ર તને, વિવેકને મળવા નથી આવી. હું વિવેકને મળવાની સાથે કંઈ કેટલીય આશા, અરમાનો સાથે આવી છું. વાતો તો ફોન પર પણ કરી શકાતી હતી, પણ મારે તને મળવું હતું અને તારે પણ મને. યાદ કર એ દિવસ જ્યારે તેં મારી બાહોમાં સમેટાઈ આખરી વખત મળ્યા બાદ પુનઃમિલન વિશે કહી હતી એ વાતો, યાદો, વાયદો...’

‘એક્સક્યુઝ મી, સોનાલી. મને બધું જ યાદ છે. હું એક-એક ક્ષણનો હિસાબ આપી વીતેલા સમયના વહાલનો બદલો ચુકાવી શકું તેમ છું, પણ હવે હું મજબૂર છું દોસ્ત.’ વિવેકે ઘડિયાળમાં નજર કરી. ‘અત્યારે મારે કંપનીના એક અગત્યના કામથી જવું પડશે. તું હજુ આવી જ છું. થોડા દિવસો અહીં પસાર કર. મારે તને ફુરસદથી મળીને ઘણું જણાવવું છે ને જતાવવું પણ છે.’

વિવેકે સોનાલીના ગાલ પર હાથ ફેરવ્યો. એ કશું જ બોલે તે પહેલાં તેણે હવામાં હાથ ઝુલાવતા ઉતાવળા પગે વિદાય લઈ લીધી. સોનાલી ત્યાં જ ઊભી રહી. વિવેક દૂર પાર્ક કરેલી પોતાની ગાડીની ડ્રાઈવર સીટમાં ગોઠવાયો. નમતા સૂર્યની દિશામાં રસ્તા પરના ટ્રાફિક વચ્ચે ખુદની મંજિલ તરફ એકધારી ગતિએ આગળ વધતાં વાહનોમાં વિવેકની ગાડી જતી હતી તે તરફ સોનાલી જોતી રહી. વિવેક જોષી ભૂતકાળનો તેનો આશિક બદલાઈ ચૂક્યો હતો તેવો અહેસાસ તેને થયો. એ ખુદ પણ નાલેશીભર્યા કદમથી ભારે હૈયે ડૂબતાં સૂરજની રાહ પર આગળ વિચારો સાથે ચાલવા લાગી. ‘ફેમિલી ડૉક્ટરે કહ્યું છે થોડું ચાલવું જોઈએ. સૌથી સારું છે જીમ જોઇન કરી લેવું. નિયમિતપણે હવે ટહેલવા નીકળવાનું શરૂ કરવું પડશે. ’

સોનાલી પહોળો લાંબો રસ્તો ઓળંગી ફોર્ટ સ્ટ્રીટની માર્કેટમાં ઘૂમવા લાગી. બત્તીઓ જલી ચૂકી હતી અને નારંગી-પીળી રોશની ઝગમગવા લાગી હતી. બજારમાં ધીમે ધીમે ભીડ જામતી હતી. એક શીખ સાઇકલ પર ઘંટડી વગાડતો ગરમ ખારી શીંગ, ચણાદાળ વેચી રહ્યો હતો. કાપડ, વાસણ, ઈલેક્ટ્રિક, હેન્ડલૂમના શો-રૂમ. પ્રોવિઝન, મેડિકલ, સ્ટોર્સ. શાકભાજી-ફળોની કતારબંધ દુકાનો વચ્ચે એ એરોમા-શોપમાં પ્રવેશી. ડિસ્પ્લેમાંથી એક પરફ્યુમની બોટલ ઊઠાવી દુકાનદારને તેનો ભાવ પૂછી ઈશારાપૂર્વક પરફ્યુમ ગિફ્ટ પૅક કરવા કહ્યું. પૈસા ચૂકવ્યા. પરસ્પર આભાર વ્યક્ત થયો. તે શોપ બહાર થોડે દૂર બજારમાં આગળ ચાલી. એક આલીશાન રેસ્ટોરાંની ફરતે રંગબેરંગી નિયૉન લાઇટથી ઝળહળતું ‘સ્પાઈસી સ્નેક’ નામનું બોર્ડ જોઈને સોનાલીએ વિચાર કર્યો. ‘ભૂખ નથી છતાં થોડું જમવું જોઈએ, પોતાના માટે નહીં તો પેટમાં પનપી રહેલી જિંદગી માટે...’

ચટાકેદાર ખાવાની આદત અને ઈચ્છા હોવાથી આ હોટેલ માફક લાગી. રહેવાનો બંદોબસ્ત પણ ત્યાં થઈ જશે તેવું લાગતા તે સૌથી પહેલા હોટેલના કાઉન્ટર પર ગઈ. તે બધી તપાસ કરવા લાગી. આઠ વાગી ચૂક્યા હતા અને મુસાફરીનો થોડો થાક હતો.

રિસેપ્શનિસ્ટ સાથે બહુ આદરથી જરૂરી વિગત અને રૂમબૂક માટેનું ફોર્મ ભરી સોનાલી એ જ હોટેલના રેસ્ટોરાંમાં ગઈ. મેનૂકાર્ડ જોયા વિના મંચુરિયન સૂપનો ઑડર આપ્યો. થોડીવારમાં વેઈટર વરાળ નીકળતો ગરમ સૂપ ટેબલ પર મૂકીને ગરદન ઝુકાવી ચાલ્યો ગયો. સોનાલી ધીરેથી ફૂંક મારી તેની મનપસંદ ડિશનો સ્વાદ માણવા લાગી. કૉલેજટાઇમમાં ઘણીવાર વિવેક સાથે અને લગ્ન બાદ આલોક સાથે એ ડિનર પર કોઈ ને કોઈ ખાસ લોકો સાથે જઈ ચૂકી હતી, પરંતુ આજે પહેલીવાર આ પ્રકારે ડિનર લેવું થોડું અલગ અજુગતું એકલું લાગી રહ્યું હતું. આજુબાજુના ડાઈનિંગ ટેબલ પર બે કે તેથી વધુ વ્યક્તિ રાત્રિભોજનની જિયાફત ઊડાવી રહી હતી તેવા સમયે તેને પોતાની સાથે એક નાની બેબી પણ જોડે છે તેવો મનને મનાવતો વિચાર આવી ગયો.

સોનાલીએ સૂપ પૂરો કરીને હૈદરબાદી બિરિયાની અને દહીંનો ઑડર કર્યો. જોતજોતામાં એક પ્લેટ ભરીને ખુશબોદાર વરાળ નીકળતી બિરિયાની ટેબલ પર આવી ગઈ સાથે મસ્ત મજાનું સફેદ કણીદાર ઠંડુ દહીં.

‘ઔર કુછ લાઉં મેમ’સાબ?’

‘ફિલહાલ નહીં, ઝરૂરત હોગી તો આવાજ કરુંગી.’

રેસ્ટોરાંની અજાણી ભીડમાં સઃસંકોચ એકલા-એકલા સોનાલીએ ડિનર પૂરું કર્યું. બિલ આવી ગયું, પર્સમાંથી વેઈટરને બિલની રકમ સાથે ટીપ અપાઈ ગઈ. જમ્યા બાદ સોનાલીને થોડી સંતોષની લાગણી થઈ. શરીરમાં રાહત લાગી. બીજી તરફ સાંજ ઢળી રાત્રિ પથરાઈ ચૂકી હતી. કંપનીનું કામ સંકેલી વિવેક મોડી રાતે પોતાના ઘરે ગયો.

ઓફિસથી ઘરે આવીને સોફા પર બેઠેલા વિવેકને ખંજને પાણીનો ગ્લાસ આપતા કહ્યું, ‘આજે આવવામાં ઘણું મોડું થઈ ગયું?’ શરારતી અંદાઝમાં તેણે નારાજગી વ્યક્ત કરવાની ચાલુ કરી. ‘તમે હમણાંથી દરરોજ લેઈટ આવો છો. મારા માટે તો જાણે સમય જ નથી. માય ડિયર હસબન્ડ મારી જગ્યાએ બીજી કોઈ નવપરણિત હોત તો તમને મૂકીને ભાગી જાત પિયર...’

વિવેકે પાણીના ઘૂંટડાં ભર્યાં, ‘ઓહ કમઓન ડાર્લિંગ તું તો જાણે છે હું કેટલો વ્યસ્ત રહું છું. આજકાલ તને ફેમિલી-ફ્રેન્ડમાં ફેરવવા કે હનિમૂન માટે ફરવા લઈ જવાનો સમય જ ક્યાં છે? કંપનીમાં એક ન્યૂ-પ્રોજેક્ટનું કામ મને એઝ એ મેનેજિંગ ડિરેક્ટર સોપવામાં આવ્યું છે તે મારે નિર્ધારિત ટાઇમલિમિટ પહેલાં બહુ જ કુશળતાથી પૂરું કરી મારી કાબેલિયત સાબિત કરી આપવી છે.’ વિવેક પોતાનું માથું ખંજનના ગળા પાસે લાવ્યો, ‘એકવાર કામ પતવા દે પછી તો મારી રાણીને વર્લ્ડ ટૂર પર લઈ જવી છે.’

‘ઠીક છે, બાબા... હું સમજુ છું છતાં આમ જ પતિ તરીકેની જવાબદારીથી તમને પરિચિત કરાવવા થોડાં લાડ લડ્યા કરું છું. ચાલો હવે ફ્રેશ થઈ જાઓ. મારા હાથનું સ્વાદિષ્ટ અને તમારું મનપસંદ ડિનર તમારી રાહ જુએ છે.’ ખંજન વિવેકથી દૂર ખસી. ‘મને આજ જોરથી ભૂખ લાગી છે.’

‘હા, ચાલ જમી લઈએ તું જમવાનું ટેબલ પર ગોઠવ, હું ફ્રેશ થઈને આવું છું.’ ડ્રોઈંગરૂમમાંથી બેડરૂમમાં જઈ નાઈટડ્રેસ પહેરતાં વિવેકની નજર અરીસામાં પોતાના પર પડી.

‘સોનાલી કહેતી હતી કે હું બદલાઈ ગયો છું, પણ મને તો નથી લાગતું કે હું બદલાયો હોઉં. સમયની સાથે દરેક વસ્તુ કે વ્યક્તિમાં બદલાવ જરૂરી છે. શરીરથી નહીં તો આત્માથી, રૂપ-રંગથી નહીં તો પ્રકારથી, અપ્ડેશન ઈઝ મસ્ટ બી રિક્વાયર્ડ. કીર્તિસ્તંભ જર્જરિત થઈ જાય છે ત્યારે તેનું રિનોવેશન કરીને ઈતિહાસને તાજો બનાવી દેવામાં આવે છે. પાકીને સફેદ થતાં વાળ પર હેરકલર ચોપડીને ઉંમર ઓછી દેખાડી શકાય છે. માણસ જૂઠાણાના સહારે જિંદગીભર જીવી જાય છે ને પળેપળ મરતો રહે છે જ્યારે સત્યના સહારે પળભર જીવીને જીવનભર લડીને ટકી શકવાની હિંમત ભેગી કરી લે છે. હવે બચ્ચાં વિવેક તારે સીધું સૂડીએ ચડી શહીદ થવાનું છે કે પછી હરપળ હરલમ્હા થોડુંઘણું બરબાદ થતા રહેવાનું છે. એ કેમ અને કોણ નક્કી કરશે? ’

‘વિવેક... વિ...વેક...’ કિચનમાંથી ખંજનની બૂમે બધા વિચારોને વિવેકના મનમાંથી રાત્રિ સુધી પોસ્ટપોન કરી દીધા.

ડિનર લેવાઈ ચૂક્યું. ટીવીમાં ન્યૂઝ જોવાઈ ગયા. લેપટોપ પર કામ પૂરું કરી લેવાયું.

‘તને ઊંઘ આવતી હોય તો સૂઈ જજે, હું ડાયરી લખી થોડીવારમાં બેડરૂમમાં આવું છું.’

‘હું હરરોજની જેમ ગાયત્રીમંત્ર કરતાં કરતાં તમારી રાહ જોઉં છું. ઓકે? યુ કમ્પ્લિટ યોર વર્ક.’ ઉદાસીનતાથી ખંજન બેડરૂમમાં જઈ કપડાં ચેન્જ કરવા વોશરૂમમાં ચાલી ગઈ. વિવેક ટેબલ ખુરશી ગોઠવી ડાયરી લખવા લાગ્યો. કલમ કાગળ પર ચાલી ન ચાલીને એક પછી એક બસ સ્ટેન્ડ પર આવતી બસ અને મુસાફરોની માફક વિવિધ વિચારો મસ્તિષ્કમાં આવવા-જવા લાગ્યા.

‘સોનાલીની મુલાકાતે આજે મારામાં રહેલા બદમાશ ખયાલોને ભડકાવી દીધા. સંવેદના સાથે સુખ મિશ્રિત લાગણીઓ જન્મીને નાચકૂદ કરવા લાગી. બે-અઢી વર્ષ પહેલાં આટલી ઊંચી, આટલી આકર્ષક, આટલી સોહામણી દેહલતા અને પીગળેલા સ્વભાવની એ ન હતી. લગ્ન પછી જ કેમ જૂની પ્રેમિકા વધુ પ્યારી લાગતી હશે એ આજે સમજાઈ ગયું. હું મેરિડ છું. એવું જાણીને તે વધુ દુ:ખી થશે. મારી પાસે એ કેટલી બધી અપેક્ષાઓ લઈને આવી છે, એવું એણે પોતે જણાવ્યું છે. હાય રે, મજબૂરી તું પણ મહાન માણસોના પલ્લે જ પડે છે. ખંજન સાથેના ઉતાવળા વિવાહે મને પૈસાદાર બનાવવા સાથે મજબૂર મહાશય બનાવી દીધો છે. પૈસાની સાથે સ્વતંત્રતા આવવી જોઈએ. માણસ ધારે તે કરી શકે. ના કે સંબંધોની સીમામાં જકડેલો એક જાગીરદાર બની બેસે. મારે તેને સત્ય જણાવી દેવું જોઈએ?

ના. સત્યની વ્યાખ્યા સમાજ, સરકાર કે કાનૂન નક્કી કરતી નથી. સ્વયં એ ઘડવી પડે છે. સત્યને જેટલી ઊંચી પીઠિકા પર મૂકવામાં આવશે એટલા વધુ કઠણાઈપૂર્વક દુ:ખી થવાશે, ઇંદ્રિયોની માયાજાળ છે બધી જ. જ્યારે મગજ પાપ કરતું હશે ત્યારે હ્રદય ધર્મ-ભક્તિમાં લીન હોય તેવું પણ બની શકે. એક અસત્યમાંથી કેટલાય જૂઠ પુન:જન્મ પામતા રહે છે. અસત્ય ક્યારેક સત્યથી વધુ પવિત્ર હોય છે.

જિંદગીમાં એકાએક, અચાનક તમારી સામે હસતો ઊભો રહે છે તે છે: ભૂતકાળ. તમારી ગઈકાલ. જે તમારા આજ અને આવતીકાલ પર અસર કરે છે. એટલે જ ભૂતકાળ જેટલો દિવ્ય હશે ભવિષ્ય એટલું જ જીવ્ય બનશે. ઋતુઓની જેમ એ ધીરે ધીરે આવતો નથી. ચક્રવાતની જેમ એ એક દિવસ ત્રાટકીને આપણી આજને ખેદાનમેદાન કરી મૂકે છે. ગુજરેલા, ભુલાયેલા સમયની ધૂળ ખંખેરી સ્મૃતિઓ એવી રીતે સજીવન થઈ જાય છે અને ક્યારેક સમગ્ર શાંતિ હણાઈ જાય છે.

શું કરતી હશે એ? તેણે જમ્યું હશે કે નહીં? આટલા વર્ષો પછી જ્યારે એ મળી ત્યારે મારે તેની પાસેથી આ રીતે ભાગી આવવું યોગ્ય ન હતું. તેની સાથે થોડો સમય પસાર કરીને સાંત્વના આપવી જોઈતી હતી. જોકે કદાચ હું ખુદ નર્વસ હતો. સોનાલીને આ સ્થિતિમાં જોઈ ડઘાઈ ગયો હતો. ફોન-કોલ કરવો જોઈએ.’

વિવેકે બે હોઠ વચ્ચે પેન દબાવી. ડાયરી બંધ કરી અને સોનાલીનો નંબર ડાયલ કર્યો.

હોટેલના કમરામાં નાઇટલેમ્પના આછા પ્રકાશમાં બિસ્તર પર સૂતેલી સોનાલીની નજર તેના સેલફોન પર પડી. મોબાઇલનું વાઇબ્રેશન મોડ તેના શરીરમાં એક સિરહન દોડાવી મૂકી. વિવેકનો નંબર જોઈને મનમાં મસ્તીનો મહેરામણ ઉછળી ગયો. તેના અંતરમન અને શરીરના અણુએ અણુમાં નવી સ્ફૂર્તિ અનુભવાઈ. મુસાફરી અને દિવસભરની થકાન દૂર થઈ જાય તેવી સ્થિતિમાં આવીને દબાયેલા સ્વરે તેણે વિવેકનો કોલ ઉઠાવ્યો, ‘મને હતું જ વિવેક તારો ફોન આવશે. તું ગમે તેટલો બદલાય, પ્રેમની બાબતમાં આજે પણ તું પહેલાં જેટલો જ ઈમાનદાર છે. હા, હું સમજુ છું વર્કલોડના હિસાબે ક્યારેક વ્યક્તિ ખુદને પણ નારાજ કરી બેસતી હોય છે, પણ તું મારી પાસે હંમેશા નિર્દોષ રહેશે. કદાચ મારું ખૂન કરી બેસે તો પણ...’

સોનાલી થોડી જ સેકન્ડમાં એક શ્વાસે ઘણું નેગેટિવ બોલી ગઈ. તેથી વિવેકને નિરાશા થઈ.

‘તું સમજે છે તેવું નથી સોનાલી. હું હવે પહેલાંનો તારો પ્રેમી વિવેક નથી રહ્યો. હું એક કંપનીનો એમ.ડી. બની ચૂક્યો છું. સંજોગોએ શરીર એ જ રાખ્યું છે, પણ પરિસ્થિતિએ પરમાત્મારૂપી થોડા આંતરિક બદલાવ લાવી દીધા છે. જીવનમાં આ ક્ષણે આત્મા અને અંતરની લાગણી, સહાનુભૂતિની રેખા તારા પ્રત્યે એક મિત્રથી વધુ નથી.’

‘મને પરિવર્તન પસંદ નથી. કેટલીક ચીજો ક્યારેય આઉટ ડેટેડ થતી નથી વિવેક. પુરીનો આકાર ઢાબાથી લઈને પાંચ-સાત સિતારા હોટેલ સુધી ગોળ જ રહેવાનો ફક્ત તેની જાડાઈ કે પહોળાઈમાં ફર્ક આવતો રહેશે. માણસના શરીરમાં રંગ, કદ, આકાર, ચમકના બદલાવ આવતા રહેતા હશે. તેના મન-મસ્તિકના પરિવર્તન સાથે આવતા વ્યક્તિત્વને લગતા બુનિયાદી ફેરફારો સામેની વ્યક્તિની સમજણો ગલત ઠેરવી દે છે એ હું કબૂલ કરું છું. આત્મા પર લાગણીની પરત પલટાતી રહે છે ને રેપરની જેમ તેના પર પ્રેમની પરત ચડાવીને ખુમારીથી હું તને ચાહું છું. હંમેશા ચાહતો રહીશ. અને જ્યારે આપણા છૂટા પડ્યા બાદ તું મને ફરી મળી જશે ત્યારે તને હર હાલતમાં અપનાવી લઈશ એવું તું કહી શકે છે. સંબંધોના તખ્તા પર આજ રીતે આગળ વધી શકાય છે. ઈમાનદારી અભિશાપ, સમજદારી નાદારી અને જવાબદારી પ્રથમ જરૂરિયાત બની જાય છે કેમ મિસ્ટર. જોષી?’

‘સ્ટોપ ઈટ સોનાલી. દરેક પરિવર્તન એકાદ પ્રતિકાર ઊભો કરે છે અને અંતે પ્રતિકાર સાથે પરિવર્તન ભળીને નવી પ્રસ્તૃતિને પેદા કરે છે. હું બુઝદિલ કે સંબંધોનો ગેરફાયદો ઊઠાવનાર માણસ નથી. તારો દોસ્ત હોવા ઉપરાંત મારા કેટલાક બીજા સંબંધો પ્રત્યેની ફરજ છે. કાર્યોના બોજ છે, જેની પાસે હું ઝૂકેલો છું અને તું મારી ખામોશીનો ગેરમતલબ કાઢી રહી છે તો સાંભળ... હા, આજે પણ હું તને ભૂતકાળમાં ચાહતો હતો એટલી જ ચાહું છું અને હું તારા માટે કંઈ પણ કરી શકવા તૈયાર છું સિવાય કે લગ્ન. લગ્ન પણ એટલા માટે નહીં કેમ કે હું એક બહુ મોટા પ્રોજેક્ટ પર વર્ક કરી રહ્યો છું. મેં તારો તારા લગ્નની રાત સુધી જ નહીં છેલ્લા અઢી વર્ષથી ઇંતેઝાર કર્યો છે. ક્યારે તું ફરી પાછી આવે? ક્યારે આપણો અધૂરો પ્રેમ પૂર્ણતાના શિખરો સર કરે? પણ પ્રેમનું પૂર્ણવિરામ લગ્ન ક્યારેક હોતું નથી ને થશે નહીં. પણ... પણ... તું નહીં સમજે. તું જાણે છે હું બહુ લાગણીશીલ છું માટે તું મને ઇમોશનલ બ્લેકમેઈલ જ કરશે. પહેલાંની જેમ જ મારા સ્વભાવનો ગલત ફાયદો ઉઠાવશે.’

ટેલિફોનિક વાતમાં ગુસ્સો કરી રહેલા વિવેકની નજર દીવાલ પર ફરતાં-ફરતાં પોતાની અને ખંજનની લગ્ન સમયે ખેંચાવેલી હસતાં ચહેરઓવાળી તસવીર પર આવી અને તેણે ક્રોધથી સોનલીને ગુડનાઇટ કહીને કોલ કાપીને પોતાનો મોંઘોદાટ ફોન સ્વીચ ઓફ કરી નાંખ્યો...

જીવનસફરના એ પીળા પડી ગયેલાં પૃષ્ઠો. એ વિવશ ગરીબી-બેકારીની અવસ્થા. આંખ ઊઘડતાં પલકારામાં બદલતી શીતળ પવન બાદ ફુંકાતી આંધી ચિત્તતંત્રને ડહોળી ગઈને સ્વસ્થતા લૂછી લેતી એ અકસ્માતોની મીઠી કરકરી યાતના, તડકી-છાયડીનાં પ્રસંગોની કહાની અને આજે જીવન ફરજના ભાર નીચે દટાયેલું પડ્યું હતું. લાગણીના કરજાથી ડૂબેલું પડ્યું હતું. જવાબદારીની જંજીરોથી બંધાયેલી જિંદગી. સંબંધની, પ્રેમની, વાત્સલ્યની, ન છૂટાય તેવી માયાની, પતિત્વના, પુત્રત્વના, કર્મચારીના કર્મોનું, બધાનું એક બંધન હતું. સૌ પ્રત્યેની એક ફરજ હતી. ન છૂટી શકાય કે ચૂકી શકાય તેવી જવાબદારીઓ હતી.

હરેક ઈન્સાનના દિલોદિમાગમાં એક ખૂણો એવો હોય છે જેમાં અનાયાસે જ અમુક પાત્રો સ્થાન બનાવી લેતા હોય છે. સમય વહેતા એ મનગમતું પાત્ર ખુદથી પણ પ્રિય બનીને આપણી પર અધિકાર જમાવનાર મનગમતો માણસ માલિક નહીં, પણ મહેબૂબ બની જાય છે. વિવેક એ જગ્યા વર્ષો પહેલાં સોનાલીના આત્મામાં એ ખૂણામાં બનાવી ચૂક્યો હતો.

લગ્નજીવનના પ્રથમ દિવસથી અવિરત મહેનત, મથામણ કરી હોવા છતાં આત્માના દ્વારમાં, યાદોના કારાગૃહમાં વિવેક નામનો દિલચોર ત્યાંથી નીકળવાનું નામ લેતો ન હતો. તેની જિંદગીમાં એ પ્રિય પાત્ર તરીકેની જગ્યા કોઈ લઈ શક્યું ન હતું કે લેવાનું ન હતું. નવો પતિ, પુત્ર, દોસ્ત કે કોઈપણ... આજે પણ માત્ર વિવેક બધા ઉત્તરો વિનાના પ્રશ્નો જે અવકાશમાં અદૃશ્ય થઈ રહ્યાં હતાં તેનો એકમાત્ર જવાબ હતો.

તકીયા પર જોરથી હાથ પટકીને સોનાલીએ રૂમની બત્તી બુઝાવી દીધી. તેને લાગ્યું કે તેની આજ આ વાતાવરણ જેવી ઘોર શાંત, અંધકારમય બની ચૂકી છે. વિવેક પ્રેમીમાંથી પ્રોફેશનલ વ્યક્તિ જેવી વાતો કરવા લાગ્યો છે. લગ્ન નહીં કરી શકે. તેના માટે હું દોસ્તથી વિશેષ કશું જ નથી. નિષ્ફળ પ્રેમ ને પૈસાની સફળતાએ તેના ઝમીરને કડક બનાવી દીધું છે. પૈસા માણસમાં તાકાત ભરે છે. તેનાથી જોર મળે છે જંગ કરી લેવાનું. સંજોગો સમક્ષ સમાધાન કે શરણાગતિ ન કરવાનું. હારમાં જીત ઉજવતા રહેવાનું.

આલોક સાથે બે વર્ષ જીવી લીધા પછી પણ હજુ વિવેકનો નશો, તેનો જાદુ છૂટતો ન હતો. શ્વેત વાન, લાંબા થોડા બરછટ વાળ, વાત કરવાની એ જ અલગ અદા, રિમલેસ ચશ્મા પાછળની ઘેરી ભીનાશભર આંખોનું એ જ અભ્યાસ કરતું ઊંડાણ. હજુ પણ એ ચહેરો એટલો જ વહાલો લાગતો હતો જેટલો ત્રણ વર્ષ પહેલાં લાગતો હતો.

વિવેક સાથે વિતાવેલા સમયની યાદો અને પ્રેમ જીવન પર કાટની જેમ જામીને તેના વિનાની જિંદગીના પોલિશને ખતમ કરી રહી હતી. જેમ ઝેરનાં બુંદની માત્રાઓ હોતી નથી, અસર હોય છે તેમ માત્ર યાદોની યાતનાની જલદ અસર હોય છે. જીવેલી ક્ષણોને ફરીથી જીવવાની. વારંવાર ગમતી વ્યક્તિના સાંનિધ્યમાં સ્વયંને ખોઈ દેવાની દોષિત ભાવના હોય છે. અયોગ્ય રીતે મનગમતું-મનમાગતું-મનચાહતું પામવાની વાસના જલતી હોય છે. જેને ઠારવા પાપ પણ પુણ્યથી વધુ પવિત્ર લાગે છે. બસ હવે જીવનમાં અનેકવિધ રીતે ‘અન્યમનસ્કતા’ પ્રવેશવાની શરૂ થઈ ચૂકી રહી હતી.

ક્રમશ:

અન્યમનસ્કતા

પ્રકરણ ૨

વહેલી સવારે સોનાલીએ એક જૂના બાંધકામવાળા એપાર્ટમેન્ટમાં બીજા માળના ફ્લેટ પર જઈ ડોરબેલનું બટન દબાવ્યું. બે-ત્રણ વાર લાંબી બેલ વાગ્યા બાદ દરવાજો ખૂલ્યો, ‘ઓહ વ્હોટ એ પ્લેઝન્ટ સરપ્રાઇઝ, સોનાલી પટેલ... કમ ઓન ઇન, માય બેબી...’

સોનાલી અંદર પ્રવેશી. રૂમમાં બધો સામાન અસ્તવ્યસ્ત પથરાયેલો પડ્યો હતો. ટેબલ પર છાપાં, દવાની ગોળીઓ, કાગળ-પેન પડ્યા હતા. ભીતના ઊખડતા પ્લાસ્ટર પર ઉડતા પક્ષીનાં ચિત્રોવાળી ફોટો ફ્રેમ હારબંધ રીતે ટિંગાડેલી હતી. શો-કેસમાં ડિગ્રી અને શિલ્ડ શોભી રહ્યાં હતાં. ખૂણામાં કેલેન્ડર પંખાની હવામાં ફફડી રહ્યું હતું. નીચે સોફાની બાજુમાં વેસ્ટ બાસ્કેટ કચરાથી ઢંકાઈ ગયેલું દેખાયું. બધે સાફસૂફી ન કરવાના કારણે થોડી થોડી ધૂળ વરસાદી હવાના ભેજમાં જામી ગઈ હતી.

‘કેમ છે તું સયુરી? મેં તારી સવાર-સવારમાં ઊંઘ બગાડી નહીં?’

છુટ્ટા વાળને ગોળગોળ વાળી અંબોડામાં લાંબી સોયા જેવી અણીદાર પીન ભરાવતા સયુરીએ અધખૂલી આંખે એક લાંબુ બગાસું ખાધું, ‘અરે, મારી સખી સારું થયું તું આવી તે મારી ઊંઘ ઊડી. નહીં તો આજે પણ ઓફિસ જવામાં મોડું થઈ જાત. અલાર્મ સમય પર વાગ્યો નહીં અને દૂધવાળો અહીં દૂધ વેચવાના નામ પર ઊઠાડવા આવતો નથી. હવે તું આવી છે માટે આજે ઓફિસમાં છુટ્ટી. ખરીદી કરવા, પાણીપુરી ખાવા જઈશું ને એય કૉલેજ લાઇફ જેવા જલસા કરીશું. રખડીશુ. બટ, બાય ધ વે ફસ્ટ ટેલ મી આમ અચાનક અહીં? ન કોઈ ફોન કોલ, ન કોઈ ફેસબુક સ્ટેટ્સ અપડેટ, મેસેજિસ..’ સયુરીએ કિચનમાં જઈને ફ્રિજમાંથી કાચની મિલ્ક બોટલ બહાર કાઢતા વાત આગળ ધપાવી, ‘શું ચા પીશ કે કોફી?’

‘હું હોટેલ પર બ્રેકફાસ્ટ કમ્પલિટ કરી આવી છું.’ સોનાલી જવાબ આપવા સાથે રસોડામાં પ્રવેશી.

‘વ્હોટ!’ સોનાલીની વાત પર સયુરીને આશ્ચર્ય થયું. ‘તું હોટેલમાં રહી છે? અહીં કેટલા સમયથી આવી છે?’ ગેસ ચાલુ કરી ચાનું પાણી ગરમ કરતાં વાત થતી ગઈ.

‘સયુરી, હું હજુ ગઈકાલે સાંજે જ અહીં આવી છું. આવીને સીધી વિવેકને મળી. પછી રાત પડી જતાં એક હોટલમાં ડિનર લઈ ત્યાં જ રોકાઈ ગઈ અને અહીંયા આવવા માટેના એક નહીં ઘણાં બધાં કારણો છે.’

‘તું વિવેકને મળી? એ આ શહેરમાં છે મને ખબર જ નથી!’ તપેલી ગરમ થઈ પાણી કથ્થઈ રંગનું થયું. તેમાં પરપોટેદાર ઊભરો આવતાં સયુરીએ દૂધ ઉમેર્યું, થોડી ખાંડ અને ટી-પાઉડર ઉમેર્યું, ‘આલોક જીજુના શું ન્યૂઝ છે? બે વર્ષ થઈ ગયા તેમને મળી નથી. મને તો ભૂલી પણ ગયા હશે.’

સોનાલી ચૂપ થઈ ગઈ. થોડીવાર બાદ ટ્રેમાં ચાની કિટલી તથા બે મગ ટીપોય પર મૂકી નજર સામે ચપટી વગાડતાં સયુરીએ સોનાલીનું ધ્યાનભંગ કર્યું. તેની નજીક બેસી ઉદાસીન આંખોમાં આંખ પરોવીને શાંત સ્વરે પૂછ્યું, ‘શું થયું છે?’

સયુરીના પ્રશ્ન પર સોનાલી ગમગીન બની તેને ભેટી પડી. આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યાં. સોનાલીના માથામાં હાથ ફેરવતા સયુરીએ તેનું રડવાનું રોકતાં પૂછ્યું, ‘સોનાલી, પ્લિઝ તું રડ નહીં. હું તારી સાથે છું. તારી સાથે કંઈજ ખોટું નહીં થવા દઉં કે બનવા દઉં અને જો તારી સાથે કંઈપણ ખોટું થયું હશે તો આપણે તેનો ન્યાય મેળવીશું. જરૂર પડે બદલો લઈશું, પણ પહેલાં તું વાત જણાવ કે વ્હોટ હેપન?’

સોનાલી સયુરીથી દૂર ખસી. જાતને મજબૂત બનાવતા તેણે ઊંડો શ્વાસ લીધો, બંને હાથથી આંખમાં આવી ગયેલા આંસુ લૂછયા ને સયુરીનો હાથ કડક રીતે પકડી તેણે મક્કમતાથી ગમગીન સ્વરે સઘળું કહેવાનું શરૂ કર્યું.

‘આલોક સાથે બે વર્ષ પહેલાં લગ્ન થયા બાદ જિંદગી હસીન રીતે ગુજરતી હતી. નામાંકિત પરિવાર, પૈસા, પ્રતિષ્ઠા, પ્રેમ બધા સાંસારિક સુખ. અપેક્ષા કરતાં પણ મને વધુ મળી રહ્યું હતું. દિલના કોઈ ખૂણે વિવેક સાથે જીવન પસાર ન કરી શકવાનો થોડો રંજ અને જૂની યાદો સિવાય બીજું કશું હતું નહીં. આલોક મને બહુ પ્રેમ કરતો હતો. વિવેક જેટલો નહીં, પણ વિવેકને ખ્યાલ આવે તો તેને જલન થાય એટલો બધો પ્રેમ. આલોકે એક પતિ તરીકેની બધી જવાબદારી નિભાવી જાણી. અત્યારે મારા પેટમાં દોઢ મહિનાનું ઉછરી રહેલું બાળક અમારા સુખી સંબધોની જ નિશાની છે. હું ખુશ હતી.’

‘આલોક જીજુ અત્યારે ક્યાં છે?’ સયુરીએ ટીપોઈના ખાનામાંથી એક પ્લાસ્ટિકનો નાસ્તા ભરેલો ડબ્બો અને પ્લેટ કાઢી ટેબલ ગોઠવ્યા. થોડા બિસ્કીટ પ્લેટમાં મૂકતાં સયુરીની આલોક વિશે જાણવાની ઉત્સુકતા વધી રહી હતી.

‘આલોક હવાઈ અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે. એક મહિનો થયો...’ આટલું બોલી સોનાલી અટકી ગઈ. પછી હિંમતથી ઊમેર્યું, ‘ધંધાના કામથી યુ.એસ.એ ગયા હતા. પછી ના તો એ પાછા આવ્યા. ના તેમનું બોડી કે અસ્થિ. ફકત સમાચાર આવ્યા કે આલોક નથી રહ્યા. હું અમેરિકા ગઈ. ઇન્ડિયન એમ્બેસીમાં તપાસ કરી. ત્યાંની સરકારને વિનંતી કરી પણ આલોકના કોઈ ચોક્કસ ખબર ન મળ્યા.’

સયુરીએ સોનાલીના બંને હાથ પોતીકાપણાની હૂંફ સાથે દબાવ્યા.

આલોકના મૃત્યુ વિશે જાણી સયુરી હતપ્રભ થઇ ગઈ હતી. વાતાવરણમાં નિરવ શાંતિ પ્રસરી ચૂકી.

ચા હવે ઠંડી પડી તેની સતહ પર ચોકલેટી રંગની થર ઝામી ગઈ હતી. સયુરી અને સોનાલી બંને ચૂપ અને શાંત હતા. સયુરી આ ક્રમ તોડવા સોનાલીના ખભા પર હાથ રાખી બોલી, ‘ચા પીલે સોનાલી.’

સોનાલીએ ચાનો મગ ટેબલ પરથી ઊઠાવ્યો. એકવારમાં જ તે બધી ચા ગટગટાવી ગઈ. મગ ટેબલ પર રાખી તેણે સયુરી સામે સૂકું સ્મિત કર્યું. સયુરી તેને જોતાં જોતાં ચા પીતી રહી અને ટેબલ પર બિસ્કીટ ખાધા વિનાના પડ્યાં રહ્યાં.

‘અઢી વર્ષમાં માણસ પોતાની દુનિયા બદલતો રહે છે અને દુનિયા માણસને પણ બદલી નાંખતી હોય છે. વિવેક પૂરો બદલાઈ ચૂક્યો છે. તેણે મને પરણવાની સાફ ના પાડી દીધી છે. તેના ઈનકાર પર મેં હજુ સુધી તેની સાથે તકરાર કરી નથી. મેં જ તેને છોડ્યો હતો. તે બેકાર, ગરીબ હતો અને આજે...’

‘અને આજે એ તને અમીર લાગી રહ્યો હશે, રાઇટ?’

‘એ પૈસાદાર બની ગયો છે માટે નહીં. મનની એકલતા, ભડકતા શરીરની વેદનાભરી પ્યાસ અને મારા-અમારા અધૂરા અરમાનોની અતૃપ્તિનો ઈલાજ માત્ર વિવેક છે.’

‘તું સ્વયંના સ્વાર્થમાં અંધ બની રહી હોય એવું મને લાગી રહ્યું છે. તારી વાતોમાંથી જરૂરિયાતો સંતોષવા માટેનો એક ખોટો ખયાલ ટપકી રહ્યો છે સોનાલી. મરેલા પતિનું અસ્તિત્વ છૂટી જાય છે. તેના વ્યક્તિત્વની માલિકી છૂટતી નથી. તારા ગર્ભમાં રહેલું બાળક કોઈ અનમેરિડ પર્સન અપનાવી શકે તેવું તારી પાસે બચ્યું જ શું છે? પૈસા? ખૂબસૂરતી? કોઈ બીજી લાક્ષણિકતા? બધા જ જવાબોમાં ગુજરેલા સમયના ગર્ભમાં નિષ્પાપ બની ચૂકેલી ઘટનાઓનો અણસાર ધબકી રહ્યો છે. નકારાત્મકતા પ્રવેશી ચૂકી છે. એક એવી અસ્થિરતામાં તું ફસાઈ છે જે તારી આવનારી દરેક કાલને પરોપજીવી બનાવી મૂકશે.’

‘એક સ્ત્રીની ઇચ્છામાં તને સ્ત્રી થઈને કેટલો બધો દોષ છલકાતો દેખાય છે સયુરી! પતિ જીવતો હોય ત્યારની દગાબાજી અને પતિના મરી ગયા પછીની દગાબાજીમાં અને બેવફાઈની વ્યાખ્યામાં ઘણો તફાવત છે. બંને સ્થિતિની સમજ અલગ અલગ છે. હા, હું સ્વાર્થીપણું દાખવી રહી છું કારણ કે હવે બીજાના કહેવા પ્રમાણેની જિંદગી સમાપ્ત થઈ ચૂકી છે. એક વિધવા ઔરત એક અનાથની મા ન બનવા ઈચ્છે તો ખોટું શું છે? અને વિવેક... કૉલેજની ફી ભરવાના પૈસા પણ તેની પાસે ન હતા. મારા પૈસા પર તેણે તેના દોસ્તોને ત્રણ-ત્રણ વર્ષ સુધી પાર્ટીઓ આપી છે. પોકેટમનીથી લઈને પિક્ચરો જોવાની પાઈ-પાઈ મેં જૂઠના સહારે ભોગવી છે. પોતાનાઓથી ખોટું બોલી મેં તેની વ્યવસ્થાઓ સાચવી હતી.’ સોનાલીએ લાંબો શ્વાસ લીધો. ‘હું આ બધાનો ઉપકાર ગણાવી રહી નથી કે પછી ન કોઈ બદલાની આપેક્ષાઓ રાખી રહી છું. હું માત્ર એક દોસ્ત તરીકેની આશા જગાવી બેઠી છું. હમદર્દીનું બીજ રોપી બેઠી છું.’

સયુરી સોનાલીની સામે એકી નજરે જોઈ રહી. ‘સૌ કોઈએ પોતપોતાની જવાબદારીનો ધર્મ નિભાવવો પડે છે. બાળકનો ઉછેર કરવો માતા-પિતાનો ધર્મ છે. મરતાંને બચવાનો માનવતાનો, અન્યાયનો બદલો લેવાનો કાનૂનનો, વિગેરે વિગેરે.. એ રીતે બની શકે વિવેક તેના કોઈ ધર્મ આગળ ઝૂકેલો હોય અને તે હજુ સુધી તને જણાવી શકયો ના હોય અને હવે...’

સયુરીની વાત સોનાલીએ કાપી નાંખી, ‘...અને દોસ્તીનો ધર્મ, કરેલા વાયદાઓની કિંમત?’

ટેબલ પરથી ચાના મગ, બિસ્કીટ ભરેલી પ્લેટ ટ્રેમાં મૂકી સયુરીએ રસોડા તરફ જતા કહ્યું, ‘હવે તું શું ઇચ્છે છે આગળ? વિવેક ફરીથી તારો બની જાય?’

સોનાલીએ થોડું મૌન રહીને ભાવહીન રીતે કહ્યું, ‘ખબર નહીં હું ખરેખર શું ઈચ્છું છું. કદાચ...’

‘ઠીક છે. જ્યાં સુધી હું વિવેકને ઓળખતી હતી તેની એક ખરાબ સુટેવ છે. કોઈને પણ ના નહીં કહી શકવાની. પોતાનાથી નિરાશ ન બનવા દેવાની. તેનો એ માઈનસ પોઈન્ટ વિવેકને ફરી તારો બનાવી શકે છે. તે પૂરો ના બદલાયો હોય, આઇ હોપ સો. મને તેનો મોબાઈલ નંબર આપ. હું તેની સાથ વાત કરી મળવા માટે કહું છું.’

બારીના પડદા હટાવતાં સયુરીએ વિવેકને ફોન જોડ્યો. બારીના સળિયા પરથી કબૂતરો ફફડીને ઊડ્યા, સૂર્યનો પ્રકાશ રૂમમાં પથરાઈ ગયો. વિવેક સાથે સયુરીની વાત થઈ. મુલાકાત માટેનો સમય અને સ્થળ નક્કી થયાં. સયુરી શાવર લઈને કામ પતાવીને તૈયાર થઈ અને બંને બજારમાં જવા નીકળી પડ્યા.

*** *

સવાર-સવારમાં સૂર્યોદય પછી વાતાવરણ અને બજાર ગરમ થઈ ખૂલવા લાગ્યા હતા. ભીડને ચીરીને સોનાલી અને સયુરી કોફી-ડે-કાફે હાઉસમાં ગયા. બેરર વિવિધ કોફી, શેઈક, બ્રાઉની, મોકટેલ, સેન્ડવિચ, મોકટેલનું મેનૂ કાર્ડ આપીને ત્યાં જ ઓર્ડર લેવા માટે ઊભો રહી ગયો. સયુરીએ ઝડપથી નજર ફેરવીને બે કોલ્ડ કોફી લઈ આવવા સૂચવ્યું. સામેની બાજુના દરવાજામાંથી વિવેકને અંદર આવતા દેખી સયુરી ચેર પરથી ઊછળીને ઊભી થઈ ગઈ, ‘અરે! કેટલો બદલાઈ ગયો છે યાર તું વિવેક, પહેલાં કરતાં વધારે હેન્ડસમ લાગે છે ને... ક્યા બાત હૈ?’ સયુરીની વાતમાં મધૂરતાભરી મસ્તી આવી ગઈ. 'સાલા, તું કહેતો પણ નથી કે આ શહેરમાં છે.'

વિવેક ખુરશી ખેંચીનો બેઠો અને ટેબલ પર રૂઆબથી કારની ચાવી અને મોબાઈલ રાખ્યો, ‘બસ... બસ...’ સોનાલીએ પાણીનો ગ્લાસ વિવેકને આપ્યો... ‘તું હંમેશની જેમ હોટ કોફી પીશ ને?’

‘એક્સક્યુઝ મી,’

‘એક રેગ્યુલર હોટ કોફી વિથ ક્રિમ.’

થોડા સમયમાં કોફી આવી. ઔપચારિક વાતો થતી ગઈ. સયુરી પ્રથમ મુલાકાતે વિવેકની જરા વધુ નજદીક આવતી રહી હોય તેવું સોનાલીને લાગી રહ્યું હતું. તે ખૂલી રહી હતી અને ખીલી પણ રહી હતી. આફ્ટરઓલ વિવેક હવે પહેલાંનો વિવેક નહોતો. તેની પાસે શું ન હતું? બધું જ તો હતું. એક સ્ત્રી આકર્ષિત થઈ શકે એવું બધું જ... શું ખોયું હતું? શું મળી રહ્યું હતું? ગુમાવ્યા કરતાં પામ્યું વધુ હતું.

‘તું કેમ કંઈ બોલતી નથી સોનાલી?’ વિવેકે કોફીનો કપ હાથમાં લીધો, ‘આજે તારે જે કહેવું છે તે કહી આપ. સમયની સાથે સયુરી પણ છે.’

‘યા, મિસ્ટર વિવેક અને સોનાલી શું કહેશે? હું જ કહી આપું છું કે શી વોન્ટસ યુ.’

વિવેક ખડખડાટ હસવા લાગ્યો. પછી એકાએક ગંભીર થયો, ‘સયુરી, હજી સોનાલી કાલે જ અહીં આવી છે. મેં તેને મારી મજબૂરી જણાવી આપી છે. અત્યારે હું કોઈ મોટા નિર્ણયો લઈ શકાય એ અવસ્થામાં નથી. સોનાલી પર ફાટી પડેલાં વેદનાના વાદળો હટાવી શકું તેમ વાત નથી યાર. આ દુ:ખદ સમયમાં હું તેનો સાથ ચોક્કસ આપીશ. મતલબ કે હું તેના પ્રેમી તરીકે નહીં, પરંતુ એક દોસ્ત તરીકે હર હાલતમાં સાથ આપવા તૈયાર છું.’

સોનાલી વિવેકનું ડાબા હાથનું ઘડિયાળ પહેરેલું કાંડું પકડી થોડું ઝૂકી. થોડું શરમાઈ. તેણે થોડું સ્મિત આપીને પૂછ્યું, ‘હકીકતમાં?’

‘હરદમ, હકીકતમાં... હંમેશા...’

‘ઉહુહહ ઉહુહૂ... ’ સયુરીએ કૃત્રિમ ઉધરસ ખાધી. ‘હવે સોનાલી થોડાં દિવસ અહીં જ રહેશે. મારા ફ્લેટ પર. હોટેલ પરથી સામાન મારે ત્યાં શિફ્ટ થઈ જશે. બીજી જરૂરી ચીજોનું શોપિંગ આજે જ થઈ જશે અને હા, વિવેક તું સોનાલીને તારાથી બનતો સમય ફાળવીશ. તેને ફેરવીશ અને પછી ફન હી ફન...’

ત્રણેયના ચેહરા પર હાસ્ય છલકાઈ ગયું.

‘નાઉ લેટ્સ ગો... વી વીલ વોચ મૂવી ઇન પીવીઆર.’

‘હું એક કોલ કરી અને બિલ ચૂકવી આપું. તમે બંને મારી ગાડીમાં જઈને બેસો. આઇ એમ કમિંગ.’

‘ઓહ, મિસ્ટર... હેલ્લો અમારી પાસે મારું ટુ-વ્હીલર છે. તું તારા જે કંઈ કોલ્સ કે કામ હોય તે પતાવી જલ્દીથી ગ્રાન્ડમોલ પહોંચ.’ સયુરીની વાત પર વિવેકે સંમતિ દર્શાવી. જરૂરી ફોનકોલ્સ પતાવીને વિવેક સોનાલી અને સયુરી જોડે પિક્ચર જોઈ બપોરે મોડું લંચ લઈ બંનેથી છૂટો પડ્યો... ગાડીમાં ઓફિસ જતાં જતાં તેને જાત જાતના વિચારો આવવા લાગ્યા.

‘આજે જિંદગીથી ખરા અર્થમાં મહોબ્બત થઈ રહી છે. ખુદા છપ્પર ફાડીને કર્મોનું બોનસ આપી રહ્યો છે. ધન-દૌલત, પત્ની, રોટી, ઇજ્જત, ફાઇવસ્ટાર લાઇફસ્ટાઈલ. શું બાકી રહ્યું હતું? સોનાલીના પરિઘમાંથી બહાર નીકળી ખંજન મળી. તેની પ્રીત, તેનો પૈસો, નવા સંબંધો, ચહેરાઓ, એક નવી મનગમતી દુનિયા... જૂની પ્રેમિકા પણ અધૂરો પ્રેમ લુંટાવા આવી ગઈ. બસ હવે એક જૂઠ ખંજનથી છુપાવાનું છે અને એક જ જૂઠ સોનાલીથી પણ... પતિ અને દોસ્ત બની બે સ્ત્રી સાથે થોડું જીવી લેવાનું છે અને જ્યારે ઠગાઈનો, અન્યાયનો અહેસાસ થશે ત્યારે? ત્યારે એ નફરત પણ નહીં રહે. ઠગાઈ કરવામાં કોઈ વીરતા નથી. થોડી સલામતીની ભાવના છે. કોઈનો ઉપયોગ કે ફાયદો ઊઠાવવાનું મકસદ નથી. કોઈ માટે થોડી અસત્યભરી આહુતિ આપવાની છે. મહાન કે તુચ્છ બનવાનું નથી. પેટમાં ગર્ભ લઈ આવેલી વિધવા ઔરતને પત્નીથી છુપાઈ જરા લાગણી વહેંચી અંતરાત્માને સ્વચ્છ કરી હર્ષ આપવાની સારાઈ છે અને સારાઈ માટે કરવી પડતી બુરાઈ છે?

હું હંમેશા ભૂતકાળથી ભાગીને ભવિષ્યની ચિંતા છોડી વર્તમાનમાં, આજમાં જીવ્યો છું. કદાચ મારી આજની સફળતાનું આ રહસ્ય હશે. કદાચ દુનિયામાં ભૂતકાળ અને ભવિષ્યકાળ વચ્ચે આપણી આજ જ સૌથી વધુ સુખદાયી, જીવંત અને અનુભવથી છલોછલ હશે. ગઈકાલ અને આવનારી કાલ વચ્ચે વર્ષો સુધી વર્તમાન પાણીની સપાટી પર તૂટતી-ઢળતી ચાંદનીની માફક લહેરાયા કરતો હશે. અંધકારમાંથી ઉજાસ તરફ સીધી રેખામાં પસાર થતી આજની ક્ષણોનું અભિમાન નથી, ગર્વ છે. હવે ટ્રાફિક સિગ્નલ જેવા સદવિચારોની લાલબત્તી સિવાય જીવનસફરમાં બ્રેક નથી. હવે જીવન રફતારથી દોડશે, ભાગશે. કારણકે સુખની સ્થિતિ ચરમસીમાએ પહોંચવાની છે. અને પછી? દુ:ખ આવશે, દુ:ખની મજા, વેદનાની જલન અને પછી? પછી ફરીથી આજની પળ જેટલું સુખ. અને પછી?’ ઝપાટાબંધ વહેતા વિચારોમાં ઓફિસ આવી ગઈ. કાર સાથે વિચારોને હલકી બ્રેક લાગી ગઈ, પોતાની કેબિનમાં આવીને વિવેકનું ઓફિસવર્ક શરૂ થઈ ગયું.

દિવસ ગુજરતો ગયો.

સાંજને ઝુકાવી ઘેરાતા પાણી ભરેલાં વાદળોવાળી રાત પડી ને આસમાન ફાડીને જોરદાર પવન સાથે ગતિથી વરસાદ વરસી પડ્યો. ઠંડક પેદા કરે તેવો. રંગીનિયત ઉપજાવે તેવો. રાતને ભયાનક અને બીજા દિવસની સવારને સ્વચ્છ કરી મૂકે તેવો, વંટોળ, વીજળી, વેગવાળો વરસાદ. સોનાલી ચાહતી હતી તેવી મૌસમની પહેલી બારીશ. પરંતુ શહેર માથે થતી આ પહેલી કુદરતી મહેર ન હતી. વિવેકે હજુ કાલે જ કહ્યું હતું, અહીં ચોમાસું વહેલું આવી જાય છે. બારી બહાર હાથ કાઢીને પાણીની બૌછારને સ્પર્શી હાથ બારીની અંદર લઈ તેના પર જામીને સરકતી, ટપકતી પાણીની બુંદોને એ જોવા લાગી. સયુરી તેના કામ પરથી હજુ હમણાં જ બહાર ગઈ હતી. સોનાલીને વરસતો વરસાદ જોતાં થયું કે, ‘સયુરીના માતા-પિતા ગામડે એકલાં રહે છે. તે અહીં ઘરથી દૂર છેલ્લાં પાંચ વર્ષથી મહેનત, મશક્કતથી ભણીને, કમાઈને ઘરે પૈસા મોકલાવી તેના નિરાધાર કુટુંબીજનોને મદદરૂપ થાય છે. મોટા શહેરમાં અજાણ લોકો વચ્ચે જે રીતે એ જીવી રહી છે તે પરથી તેણે હવે લગ્ન કરી લેવા જોઈએ. જીવનસાથી વિનાની જિંદગી રેતમાં ઊગેલા ગુલાબ જેવી હોય છે. પરણી જવા માટે આ સાચો સમય છે. સયુરી જેવી સ્ત્રી જીવનભર એકલી રહી શકે પણ સોનાલી જેવી નહીં.’ આ કેવો વિચાર વીજળી સાથે ઝબકી ગયો? આકાશમાં પ્રચંડ અવાજ વચ્ચે પ્રકાશ ઝબૂકયો. સોનાલી ફરી વિચારોમાં ખોવાઈ, ‘જવાબદારીના બોજા વેંઢારતી વ્યક્તિએ જીવનની બીજી દિશાઓ પણ જોવી જોઈએ. ઘણાંની નજર જીવનની એક જ દિશામાં આવીને અટકી જતી હોય છે. કદાચ સયુરીની નજર પણ સીમીત સીમામાંથી બહાર જોઈ નહીં શકતી હોય. તેને ખ્યાલ પણ નહીં હોય કે દરેકની હિંમત નથી હોતી ભૂતકાળ સામે બાથ ભીડવાની. સ્મૃતિઓના તણખા બુજાવવાના બદલે રહી રહીને તરફડતા હોય છે. બેમતલબ રીતે ઝગમગતા રહે છે અને જીવનમાં કશી કરવા માટે પ્રવૃત્તિ ન રહે ત્યારે જિંદગી સમાપ્ત થઈ ગઈ હોય તેવું લાગ્યા કરે છે. મારા શરીરમાં પણ એક બીજી જિંદગી વિકસી રહી છે. જેની જિંદગી હજુ શરૂ નથી થઈ એનો અંત આવી જશે? હું એ કરી શકીશ?’

વરસાદના પાણીમાં ભીંજાયેલા હાથને પેટ પર ફેરવતાં સોનાલીએ એક આકરો નિર્ણય કરી લીધો. ‘આલોક સાથે બે વર્ષની અતૃપ્તિ. વિવેક સાથે બે પળની તૃપ્તિ. દુ:ખની સ્થિતિમાંથી બહાર નીકળી સુખી થવાની તૈયારી કરવી પડશે. જીવન એક રૂપક છે. દગાબાજી ને બેવફાઈ વચ્ચેની ભેદરેખા હજુ સુધી ધુમ્મસી છે. મારા અને વિવેકના અમર સંબંધની જેમ. આલોકના આભાસી અસ્તિત્વને ગર્ભમાંથી કાઢી ફરીથી એ બધું હાંસલ કરવા, જીવવા, મેળવવા માટે એક નાનું જૂઠ, છૂપું ફરેબ કરવું પડશે. જીવનરાહની અસ્થિરતામાં સંતુલન સાધવા સત્યને અનિચ્છાએ પ્રયાસપૂર્વક દૂર કરી જૂઠને જીવન પસાર કરવાનું બૂઠ્ઠું હથિયાર બનાવવું પડશે. ખુદ કે બીજાને ઘાયલ ના કરી મૂકે તેવા અસત્યને ઈમાનદારીથી પેશ કરી સહાનુભૂતિ મેળવવા હવે ગર્ભ સાથે અંત લાવવો પડશે અન્યમનસ્કતાનો...’

ક્રમશ:

અન્યમનસ્કતા

પ્રકરણ ૩

‘દરેક જીવતી વ્યક્તિને વધારે ને વધારે જીવતા રહેવાની ઈચ્છા જાગતી હોય છે. મોત પછી સ્વર્ગમાં પણ એ જીવવા માગે છે અને નર્કમાં ન જીવવા પુણ્યો કરે છે, કાલને મજેદાર બનાવવા માટે પાપ બહુ છુપાઈને કરે છે, કરતી જાય છે. જીવન અને મૃત્યુની વચ્ચે સુખ-દુ:ખ, ઈર્ષા-ક્રોધ, પ્યાર-નફરત, આનંદ-અપમાન, સહી-ગલતની માત્રામાં વધઘટ થતી જોવા મળે છે ત્યારે શરીર સાથે દિમાગ અસંતુલન સાધે છે. જીવનની અસ્થિરતાને બેલેન્સ કરવાનો ઈલાજ છે - પોતાની મુસીબતોના મામલામાં દરેક માણસે પોતે જ પોતાનો ખરા અર્થમાં ન્યાયધીશ બનવું. મળેલી જિંદગીને ઘન-ઋણના ત્રાજવામાં તોલી જાતને માપવાની મજા લેવાની હોય છે સોદાગરની જેમ જ...

જીવનસફરમાં બહુ સમજી વિચારીને કદમ ઊઠાવવા અને નિર્ણયો લેવા પડે છે કેમ કે અંધકારમાં દોડતા-ભાગતા રહેવાની રમતમાં તકદીર હંમેશા કામમાં આવતી નથી. તેને કરેલા કર્મોની સાથે નિસ્બત હોય છે એટલે ખુશનસીબ માણસ પણ કિસ્મતથી ક્યારેક એવી ઠોકર ખાઈ બેસે છે કે ખુદને દુનિયાનો સૌથી બુંદીયાળ માનવી સમજવા લાગે છે.

ઉદાસીનતા, અકળામણ ને અસ્વસ્થતાના ઘેરામાં હૈયું વ્યગ્રતા અનુભવે છે. એ સમયે આસ્તિકમાંથી નાસ્તિક અને નાસ્તિકમાંથી આસ્તિક બની જાય છે. આરપારની સરહદ પર દ્વિધામાં મહત્ત્વનું એક કદમ સ્વાભાવિક્તાથી ઊઠાવતા વાર તો નથી લાગતી, પણ પછી પાછળથી ક્યારેક રહી-રહીને થતો પસ્તાવો જખ્મી કરી મૂકે છે.

દરેક વ્યક્તિની જેમ મારી પણ એક સ્વતંત્ર જિંદગી છે. જિંદગીની જવાબદારીઓ છે. કોઈ બાળકને હું અનાથની જિંદગી કેવી રીતે બક્ષી શકું? કે તેના માટે કોઈ અજાણ્યો બાપ કઈ રીતે લઈ આવું? એક જિંદગીમાં એક પતિ હોવો જોઈએ. પતિથી પેદા થતાં સંતાનોનો પરિવાર હોવો જોઈએ. એક એકલા માણસથી આ બધું થતું નથી. ભરોસો મૂકી જીવી શકાય તેવી વ્યક્તિઓનો સહારો જોઈએ. મિત્રો પોતાની દુનિયામાં ખોવાઈ ગયા છે. દોસ્તીના સંબંધો બરફની જેમ ઓગળીને રેલાઈ ગયા છે. લાચારી અને મોહતાજી સમયના એક બિંદુ પર આવીને કરુણતાથી અટકી ગઈ છે.

બે મહિના પછી પગની પાનીથી લઈ માથું ભારે થઈને શારીરિક બદલાવ આવશે. પગની ચાલ, પેટની પહોળાઈ, છાતીનું ફુલાવું, ગાલનું ભરાઈ આવવું. જૂના જીન્સ ફિટ થશે. ટોપની સિલાઈ બે આંગળ ખોલી નાંખી બ્રેસિયર એક હૂક લૂઝ પહેરવી પડશે અથવા નવા ખૂલતાં કપડાં ખરીદી લેવા પડશે. સાડા ચાર-પાંચ કિલોના વજનવાળું જીવતું બાળક. પેટમાં લાત મારતું પોતાનું સંતાન નાભિમાંથી નીકળીને ભવિષ્યને ખતમ કરી મૂકે એ પહેલાં જ...’

સોનાલીનું અંતરમન ચીખ્યું, ‘સોનાલી પટેલ કોના માટે કેટલી જિંદગી જીવવી છે? કેવી રીતે જીવવી છે?’ તેનું મન ભરાઈ આવ્યું. ‘ચાલતા ચાલતા આ કેવી વિચારોની આંધી આવી રહી છે. શું કરવું? જેમને પોતાના સમજીને પ્રેમ કર્યો હતો એના માટે ગર્ભમાં વિકસી રહેલી જિંદગીને ફના કરવા, તબાહ કરવા જઈ રહી છું?’ તેના મને તેને જવાબ આપ્યો ‘હા, હા... અને હા, માતા-પિતાની ઈચ્છા મુજબ ચૂપચાપ પરણી લીધું. અજાણ્યા પુરુષને પતિ તરીકે અપનાવીને અકારણ-અનિચ્છાએ પ્રેમ પણ કરી લીધો. અને એ વ્યક્તિ મને છોડીને, એકલી મૂકીને અકારણ-અનિચ્છાએ ચાલી ગઈ. ઈશ્વરને પણ ઉપર બેઠાં-બેઠાં આત્માઓની ભીડમાં એકલતા લાગતી હશે માટે જ એ મનુષ્યને ધરતી પર મોકલી પાછા પોતાની પાસે બોલાવી લે છે. જ્યારે હું તો ઈશ્વર નથી, એક સ્ત્રી છું.’

ગ્રીનલેન્ડ સ્ટ્રીટની સડકો પર ટહેલતાં - ટહેલતાં સોનાલીની નજર એક લેડી ડૉક્ટરના ક્લિનિક પર પડી. તેના કદમ આપોઆપ એકદમ રોકાઈ ગયા. ડૉ. એ. બી. ગોસાઈ (એમ.ડી ડી.જી.ઑ) વીડિયો એન્ડોસ્કોપી અને સોનોગ્રાફી સેન્ટરનું બોર્ડ વાંચીને તે દવાખાનાના પગથિયા ચડીને ઉપર ગઈ. દરવાજા બહાર સેન્ડલ કાઢીને તે રિસેપ્શન કાઉન્ટર પાસે ગઈ અને રિસેપ્શનિસ્ટને પૂછ્યું, ‘ડૉક્ટર હાજર છે?’

કમ્પ્યુટરની સ્ક્રિનમાં જ નજર રાખી લેડી રિસેપ્શનિસ્ટ કમ નર્સે કહ્યું, ‘હા. ફાઇલ સાથે લાવ્યા છો? ફોન પર અપોઈન્ટમેન્ટ લીધી છે?’

સોનાલી સંકોચથી આસપાસ જોઈને ધીમેથી બોલી... ‘નવો કેસ કાઢવાનો છે.’

નર્સે કાગળમાં નજર રાખી, ‘ઠીક છે. બેસો. થોડી વાર લાગશે. ત્યાં સુધી આપ જરૂરી વિગત મને લખાવી આપો.’

તેણે ટેબલ નીચેથી એક નવી ફાઇલ કાઢીને સોનાલીને પૂછ્યું ‘નામ?’

‘સોનાલી પટેલ.’

નર્સ થોડી ચિડાઈ, ‘અરે બાબા પૂરું નામ બોલો. પતિ ના હોય તો તમારા પિતાનું નામ?’

‘જી, સોનાલી આલોક પટેલ.’

‘બહુ વિચારો નહીં ફટાફટ બોલો. ઉંમર?’

‘સત્તાવીસ વર્ષ.’

‘આ પહેલાં કોઈ ડૉક્ટરને બતાવ્યું છે?’

‘ના.’

‘કોઈ બીમારી?’

‘ના.’

‘અહીં સહી કરો અને બેસો. હમણાં તમારો વારો આવશે એટલે તમારું નામ બોલાશે. પછી અંદર જજો.’ સોનાલીએ સહી કરી. પારસી નર્સ ફરીથી કમ્પ્યુટરમાં કામ કરવા લાગી.

સોનાલી સોફા પર બેસી. બાજુમાં એક ગર્ભવતી સ્ત્રી અને તેનો પતિ ધીમા અવાજે વાતો કરી રહ્યા હતા. બીજી બાજુ સામેની ખુરશીઓ પર એક સ્ત્રી મોબાઈલ મચડી રહી હતી અને એક અન્ય કપલ તેમની વાતોમાં મશગૂલ હતું. દવાખાનાની દીવાલો પર હસતાં-રમતાં ચહેરાવાળા નવજાત શિશુનાં મોટા-મોટા પોસ્ટર ચીપકાવેલા હતા. બરાબર વચ્ચે કાચના એક પહોળા ટેબલ પર અખબારો, મેગેઝિન અને સ્ત્રી, માતા વિષયક પુસ્તિકાઓ પડી હતી. બાજૂના એક રૂમમાં કંપાઉન્ડર ઓપરેશન માટેની તૈયારીઓ કરી રહ્યો હતો.

થોડીવાર બેઠા બાદ સોનાલીનો ડૉક્ટરને મળવા માટેનો નંબર આવી ગયો. એ અંદર ગઈ. કેબિનમાં એ.સી.ની હવામાં તેને થોડું સારું મહેસુસ થયું. અનીતા ગોસાઈ ડૉક્ટર પણ બહુ પ્રેક્ટિકલ લાગ્યાં. તેમણે સોનાલીનું ચેકઅપ કર્યું. પેટ તપાસ્યું.

‘નવમું અઠવાડિયું ચાલી રહ્યું છે. આપ અબોર્શન કરાવવા ચાહો છો! તમારી તંદુરસ્તી તો સારી છે. કોઈ સમસ્યા પણ નથી.’ ડૉક્ટરે અટકીને વાત આગળ કહી. ‘આપના પતિની સહમતી છે?’

સોનાલી ડૉ. ગોસાઈ સામે જોઈ રહી. ‘મારા હસબન્ડની ડેથ થઈ ગઈ છે, હી ઇસ નો મોર.’

‘આઇ એમ સૉરી!’

‘ઇટ્સ ઓકે.’

‘ગર્ભપાત કરાવવા માટે આઠ અઠવાડિયાનો ગાળો ઠીક છે. આ સમયે સંતાન હજુ ગર્ભની સ્થિતિમાં હોય છે. એબ્રેયો. પાણીમાં તરતી માછલી જેવો ગર્ભ હોય. આ વખતમાં અબોર્શન કરીએ તો તે હત્યા નથી, પણ પછી ગર્ભમાંથી બાળકનો આકાર આવવા માંડશે - ફીટસ. તો તે ભ્રૂણહત્યા કહેવાય છે. સોનોગ્રાફીમાં ચકાસવું પડશે. શું હાલત છે.’

‘ભવિષ્યમાં કોઈ ખતરો?’

‘હા, જો ફીટ્સની સ્થિતિમાં ગર્ભ આવી ગયો હોય તો થોડો ખતરો રહે છે, કેમ કે ક્યારેક ફીટ્સને કાઢવા જતાં ગર્ભાશયની દીવાલમાં પંકચર પડી જાય છે. એ દીવાલ લોહીથી ભરેલી અને સુંવાળી હોય છે. બહુ બ્લિડિંગ થાય છે. બાળકના શરીરનો ભાગ પૂરેપૂરો બહાર ન નીકળી શકે અને અમુક અંગ કે ભાગ અંદર ફસાઈ જાય. રહી જાય તો ઇન્ફેક્શનનો ખતરો રહે છે. બીજા કોઈ કોમ્પ્લિકેશન્સ છે કે નહીં એની અમુક રિપોર્ટ કરાવ્યા બાદ ખબર પડશે. અત્યારે અમુક ટોનિક અને પ્રોટીનની ગોળી લખું આપું છું. આજે સાંજે પાંચ વાગ્યે આવો ત્યારે તમારા કેટલાક ચેકઅપ થશે.’

‘હા, ઓકે. ડૉક્ટર.’

‘ઘરે જઈને કંઈ પણ ખાશો-પીશો નહીં. સાંજે રિપોર્ટ્સ યોગ્ય લાગશે તો આજે સાંજે જ અબોર્શન થઈ જશે. સાંજે આવો ત્યારે ઘર-પરિવારની કોઈ વ્યક્તિને સાથે લેતા આવજો. ફોર્મ પર એમની સહીની જરૂર પડશે.’ ડૉક્ટરે બેલ વગાડી, ‘એલિના, સોનાલી પટેલના કેસની ફાઇલ અને જરૂરી વિગત રેડી છે. ચકાસીને ફી લઈ લે અને જરૂરી બીજી વિગતો સમજાવી દે. બીજા કેસને અંદર મોકલ.’

સોનાલીને નર્સે અન્ય સલાહ આપી. ફી ચૂકવીને ધીમી ચાલે સોનાલી સીડી ઉતરીને ફરી સડક પર આગળ વધી.

બપોર થઈ હતી. સૂર્ય તપી રહ્યો હતો. ગઈકાલ રાત્રિના વરસાદ બાદ આસમાન સાફ અને બફારો છોડતું હતું. સોનાલીએ કોફી કલરના સનગ્લાસિસ પહેરી લીધા. તેને થયું કે, ‘ફિલસૂફીના રંગીન ચશ્મામાંથી આખી દુનિયા મેઘધનુષી દેખાય છે. વાસ્તવના ચશ્માંનો રંગ બ્લેક એન્ડ વ્હાઇટ છે. જિંદગી અજીબોગરીબ વળાંક પર આવીને ઊભી રહી જાય છે. એકાએક કરવટ બદલવા લાગે છે તે સમયે થોડા દિવસોમાં વર્ષોનો અનુભવ આવી જાય છે. એક પ્રૌઢ પરિપક્વતા આપોઆપ ખુદમાં પ્રવેશી ચૂકી હોય તેવું પ્રાઉડ થવા લાગે છે.

ડૉક્ટરે કહ્યું છે કોઈ ઘર-પરિવારની વ્યક્તિને સાથે લઈ આવજો. કોને લઈ જાઉં સાથે? વિવેકને? સયુરીને? ના, વિવેકને બાળકના અબોર્શન વિશે જણાવવાનું નથી. સયુરી સાથે આવશે કે નહીં શું ખબર? શરૂમાં આ બાબત જાણીને ગુસ્સે થઈ સાથે આવવાની ના પાડશે, પણ તેને મનાવી તો પડશે જ.’

‘ના ક્યારેય નહીં, હું તારો સાથ નહીં આપી શકું સોનલી અને આ વાત માટે તેં મને લંચ ટાઇમમાં ઓફિસેથી અહીં બોલાવી? હું કેટલી ડરી ગઈ હતી કે શું થયું હશે?’ રોષપૂર્વક સયુરીએ ટી.વી.નું રિમોટ પછાડી અણગમો વ્યક્ત કર્યો.

‘ફિલિંગ્સ જ્યારે સમજદારી વિનાના નિર્ણયો સામે અથડાય છે, ટકરાય છે ત્યારે થોડો ડર લાગે છે. બધા જોખમોથી પાર ખુશહાલ રહી શકવાની આ સાઝિશ છે.’

‘આ પાપ છે, અનીતિ છે, ક્રૂર સ્વાર્થ છે, બેઈમાની, નાઈન્સાફી છે.’ સયુરીનો અવાજ ફાટીને ચિલ્લાયો.

‘કુલડાઉન, તું તો જાણે છે આપણા સમાજમાં તો અરીસો પણ અનાથ બાળકને, તેની વિધવા માતાને ઓબ્ઝર્વ કરતો હોય છે. કોઈને કોઈ અહીં કોઈકને કોઈકને જીવાડતું હોય છે. મારું સંતાન ઇજ્જતથી રડી કે ખુમારીથી હસી કે સ્વમાનથી પગભર જીવી નહીં શકે. એની ગરદન નમી જશે. પિતાનું નામ ખુદના નામ પાછળ લખતી વખતે હાથ કાંપશે. ડેડ વિશે જણાવતા જીભ તોતડાશે.’

‘જૂઠ, તદ્દન બકવાસ. હકીકતમાં તો બાળક આવશે તો તેની કીકીયારીમાં તારા જીવનની રમૂજ અને રોમાન્સ ગાયબ થઈ જશે. શું કરવા આ અબોશર્ન કરવું છે? સ્વતંત્રતા માટે? જીદથી થોડું જીવી શકાય એ માટે? કે પછી સુખ-દુ:ખની પસંદગીમાં ખુદના સ્વાર્થને મોખરે રાખી સુખને જ પામવાની આકાંક્ષા તારામાં વ્યાપી ચૂકી છે.’

સોનાલીને એક ક્ષણ શું બોલવું એ સૂઝયું નહીં. સયુરી તેનો સાથ આપવા તૈયાર હોય તેવું લાગી રહ્યું ન હતું. તે થોડી વધુ દુ:ખી થઈ. આંખમાંથી પ્રયત્નપૂર્વક આંસુ છલકાવ્યાં ‘એક જિંદગી બીજી જિંદગીને કેવી રીતે જીવન આપી શકે જ્યારે એ ખુદ જ અર્ધજીવિત હાલતમાં હોય? ઈશ્વરની જેમ સર્જન શક્ય નથી. હું જાતે જ જિંદગીનો અંત આણવા માગું છું. જે જિંદગી મારા માતા-પિતાએ મને આપી એ હું મારા ગર્ભને આપવા ઇચ્છતી નથી. ભગવાન રમે છે તેવી રમત રમવામાં મને રસ નથી. દિલચસ્પી ઊઠી ગઈ છે. કુદરતે બક્ષેલા જીવનને વધુને વધુ બહેતર અને ખૂબસૂરત બનાવી શકીએ છીએ. આપણા હાથની વાત છે. આ ખોટી દુનિયામાં એકલા રહીને સાચા થવાતું નથી. સારાપણું અપંગ બનાવી રુંધી નાંખે છે. સયુરી વિચારો નહીં સવાલો ધ્રૂજાવી નાખે છે.’

‘વિપરીત સંજોગોની કલ્પના માત્રથી ડરી જવાય છે, પરંતુ જ્યારે તે આપણા પર ત્રાટકે છે ત્યારે તેને સાનુકૂળ બનાવી રસ્તો કાઢવાની ત્રેવડ આપણામાં હોય જ છે. ફક્ત આપણા રુચિકોણ અને દૃષ્ટિકોણ હકારાત્મક હોવા જોઈએ. એક ગરિમા સાથે, એક જઝબા સાથે, એક મગરૂરી સાથે પોતાનું અને પોતાના અનાથ બાળકનું ગર્મજોશથી ભરણપોષણ કરી જીવતી કેટલીય વિધવાઓને મેં વિના સહારે લડતાં જોઈ છે. લડતાં-લડતાં લડખડાતા જોઈ છે અને લડખાઈને જાન લગાવી જીતતાં જોઈ છે.’

‘આ બધી વાતોથી હું સહમત નથી. જિંદગીમાં ઝૂકીને નહીં, ઝૂંટવીને જીવાય છે. સુખી થવા માટેની કિંમત ચૂકવતાં રહેવું પડે છે. દુ:ખીતો અમથા અમથા પણ થઈ શકાય છે. દરેક વ્યક્તિ પોતાના જીવનની ઉપયોગીતા-અનુપયોગીતાથી પરિચિત હોય છે.’

‘જ્યારે દુ:ખ સહ્ય બની જાય ત્યારે સુખની ઈચ્છા નહીં રહે.’ આગળ સયુરીને બોલવા, સોનાલી સાથે તર્ક-વિતર્ક કરવા શબ્દો ન મળ્યા. સોનાલી રડીને, રુકીને પોતાની વાત જણાવતી ગઈ. પોતાનાં કામમાં સાથ આપવા માટે સયુરીને પીગળાવતી રહી. સયુરીને પણ પછીથી લાગ્યું કે, ‘નાની-મોટી ફરેબી, દગાબાજી પાપ નહીં હોય. તે સ્વભાવમાં હોય છે અને સ્વભાવમાં જે હોય છે એ વ્યવહારમાં આપોઆપ આવી જાય છે. મનને મનાવવા માટે, જાત સામે ન ઝૂકવા માટે દલીલો મળતી નથી ત્યારે તર્ક નકામા જાય છે. નવા નવા બહાના જન્મે છે. સોનાલીની મનોદશા છિન્નભિન્ન થઈ ગઈ છે. વર્તમાન સ્થિતિમાં તેને અનુરૂપ બની રહેવું ભવિષ્યને ઓછું દુ:ખદાયી બનાવશે. તેના અડગ નિર્ણયોને સ્વભાવગત જીદ ગણીને ટેકો આપવા સિવાય બીજો કોઈ માર્ગ નથી.’

સાંજ સુધીમાં બ્લડ, શુગર, પ્રેશર અને યુરીનના રિપોર્ટ આવી ગયા. બધું નોર્મલ અને પોઝિટિવ હતું. મોડી રાત્રિ સુધીમાં અબોર્શન પણ થઈ ગયું. દવા લખાઈ ગઈ. ઈંજેક્શન અપાઈ ગયું. ગ્લુકોઝની નાની બોટલ્સ પણ ચડાવાઈ ગઈ. હોસ્પિટલમાંથી રજા અપાઈ ફરી ચેકઅપ કરાવવા આવવાનો સમય અને જરૂરી સૂચનો કહેવાઈ ગયાં.

ઘરે આવ્યા પછી પેટ હલકું અને ભવિષ્ય ઊજળું બની ગયું હોય તેવું સોનાલીને થયું. નહીં તો આલોકના ગયા પછી સોનાલીને જીવનમાં એક પ્રકારના ખાલીપાની લાગણી ઘેરી વળી હતી. તે ભવિષ્ય માટે અસલામતી અનુભવીને બની હતાશ બની ગઈ હતી. આલોક અને પોતાના સંબંધના કારણે પેટમાં ઉજરી રહેલું બાળક, તેના અસ્તિત્વના મૂળિયાં આવનારી કાલ પર નિઃસ્તબ્ધતા અને ભયનો ઢગ પાથરીને તેની કાલને વેરાન બનાવી નાંખે તેમ હતાં. પોતાના મિજાજ-મનની માલકણ સોનાલી હુકમ સહન કરવા કે કોઈની ગુલામી કરવા ક્યારેય બીજાની પસંદ કે સલાહ અપનાવતી ન હતી. માટે જ સયુરી થોડી સોનાલીના ભવિષ્ય પ્રત્યે ચિંતિત જણાઈ રહી હતી.

‘સુનકારભરી, હતાશભરી, દહેશતભરી પોતાની સમસ્યાઓને સારી રીતે, સચોટ રીતે જાણવા છતાંય શું તે પોતાની જિંદગીને સાચા રસ્તે દોરવામાં નિષ્ફળ નીવડશે? તેની માનસિકતા હજુ તેને કેટલાં અસ્થિર પગલાં ભરાવશે? તે સંજોગોથી બેધ્યાનપણું કેમ દાખવી રહી હશે? શું જવાબ આપશે તે પોતાના અને આલોકના માતા-પિતાને? મેં ખુદ તો કોઈ ભૂલ નથી કરી લીધીને તેને આ પ્રકારે મદદ કરીને? વિવેકથી આ વાત છુપાવીને? દોસ્તીના સંબંધોમાં હજુ કેટલાં પરીક્ષણોના પરિણામ આવશે?’ સયુરીનું મન પોતાને જ પ્રશ્ન-પ્રતિપ્રશ્ન કરી રહ્યું હતું. સયુરી પાસે કોઈ જવાબ નહોતાં. તેણે સોનાલીના વિચાર પડતાં મૂકીને પોતાની જોબ અને વર્ક પર ધ્યાન પરોવ્યું. ફેશન, ફનને લાગતી-વળગતી ક્રિયામાં પરોવાઈ ગઈ જાણે કશું બન્યું જ નથી!

ક્યારેક ક્યારેક કામમાંથી ફુરસદ મેળવી વિવેક સયુરીના ફ્લેટ પર સોનાલીને મળવા આવી જતો હતો. બંને વચ્ચે વાતચીતનો સેતુ હવે લાગણી અને ઉષ્મા પકડી રહ્યો હતો. નિકટતા ચુંબકના અસમાન ધ્રુવોની જેમ એકબીજાને પરસ્પર આકર્ષી રહી હતી. જોડે સિનેમા જોવા જવું, જમવું, ખરીદી કરવી. નજદીકી વધી રહી હતી. દોસ્તી-પ્રેમનો સંબંધ હવે જો સમાજની દૃષ્ટિમાં આવે તો એકસ્ટ્રા મેરિટલ અફેરનું નામ જ અપાય. જોકે વિવેક ખુશ હતો. સોનાલી ખુશ હતી પણ ખંજન?

ખંજન વિવેકના પ્રેમને હકથી પણ પામવામાં નાકામ નીવડી રહી હતી. સંસ્કારી એવી પત્ની ખંજન જાણતી હતી કે વેદના સહન કરવાથી કે સાદું જીવન જીવવાથી ખુદને મહાન બનાવવા, સમજવા એ મતિભ્રમ કરવા જેવું કાર્ય છે, પણ પતિ સામે તેણે ક્યારેય કોઈ પ્રશ્નો કરતી જ નહીં. કદાચ તેનો પતિ તેને જ સમર્પિત છે એવા ભ્રમમાં તે જીવતી હતી. સ્ત્રીએ હંમેશા સમાજનો વિચાર કરી સમજદારીથી પેશ આવવું જોઈએ. તે માનતી કે ભલે પૂરી જિંદગી પતિને ખુશ રાખવામાં વીતી જાય પણ સંતોષની, શહાદતની એક ક્ષણ મળશે જે સંબંધોને જીવતા રાખશે. હું અન્ય પત્ની કે વહુઓ જેવી નથી. મારે બનવું પણ નથી. વિવેકની બની રહેવું એ મારું કર્તવ્ય છે અને એનું પાલન એ જ મારું પહેલું કર્મ છે. દિવસો વીતવા લાગ્યા.

એક દિવસ સોનાલીએ વિવેકને કહ્યું, ‘માનસિક અને શારીરિક સ્વચ્છતા માટે બનાવટી ભ્રમિત દુનિયાનું ભ્રમણ કરવું જોઈએ જ્યાં ખોરાક, ભાષા, પ્રજા અને વાતાવરણ જુદા હોય. હવાફેર શરીરમાં કેટલાંય આંતરિક ને બાહ્ય બદલાવ લાવી આપે છે. ચાલને ક્યાંક ફરવા જઈએ.’

‘ઓફકોર્સ, તેં કહ્યું એવી સફર પર તારી જોડે જવાનું મારું સ્વપ્ન હતું. આવી એક જગ્યા છે જ્યાં ગુજરાતના લોકો શરાબ પીવા જાય છે. હું તને ત્યાં લઈ જવા માગુ છું.’

સોનાલીના ચહેરા પર ખુશીઓ હાસ્ય બનીને છલકાઈ ગઈ. એ વિવેકને ભેટીને બોલી પડી. ‘તને હજુ ભૂતકાળની હરેક વાતો યાદ છે. આપણી ફેવરિટ પ્લેસ પણ...’

ક્રમશ:

અન્યમનસ્કતા

પ્રકરણ ૪

દિવની દિશામાં દોડતી ગાડીની બારીનાં કાચમાંથી વિવેકે ડ્રાઇવિંગ કરતાં કરતાં બહાર તરફ આસપાસની જગ્યાનું દૃશ્ય જોયું. નરમ લીલા પ્રદેશની સડક સીધી લાંબી-પહોળી અને ખાડા ટેકરા વગરની સ્વચ્છ સપાટ હતી. માર્ગની ધૂળ હવાની ભીનાશના કારણે બેસી ગઈ હતી. રસ્તાની બંને બાજુ હરિયાળી, કેળાના ફાર્મ, નાળિયેરીના ઊંચા વૃક્ષ, ઝપાટાબંધ પસાર થતાં જતાં હતાં. કારની ઝડપ સાથે ફુંકાતી હવાનો વેગ વધીને પાણીમાં માટી ભળેલી ભીની ભીની સુગંધવાળો પવન ગાડીમાં આવી એ.સી.ની ઠંડકમાં ભળીને શ્વાસને તાજગી આપવા લાગ્યો. માર્ગમાં એકાએક કૂદતું કૂતરું સામે આવ્યું ને જોરદાર બ્રેક લાગી. સોનાલીની ઊંઘ ઊડી ગઈ. તેના વાળ વિખરાઈ ગયા હતા. તેણે આળસ મરડીને વિવેક સામે જોઈને પૂછ્યું, ‘હજુ મંજીલ કેટલી દૂર છે?’ વિવેક તેની સામે જ એકીટસે જોઈ રહ્યો હતો. સોનાલીએ કાંડા ઘડિયાળમાં જોયું. સાડા સાત વાગી ચૂક્યા હતા. સોનાલીએ ફરી સવાલ પૂછ્યો, ‘વિવેક, હજુ મંજીલ કેટલી દૂર છે?’ ત્યાં જ ખખડી ગયેલી સ્ટેટ-ટ્રાન્સપોર્ટની લકઝરી બસ ગાડીને ઓવરટેક કરીને નીકળી ગઈ.

સોનાલીએ ગાડીના કાચમાં ખુદનો ચહેરો નિહાળીને હવામાં ઉડતા વાળને બાંધી બક્કલ ભરાવ્યું. ‘મને ચા પીવાની ઇચ્છા છે.’ લાંબી મુસાફરી કર્યા બાદ પણ સોનાલી સ્વસ્થ અને ખુશનુમા દેખાઈ રહી હતી. પોતાની સીટ પરથી એ થોડી ખસી એ વિવેકથી દબાતી બેઠી ત્યાં સુધી વિવેક સોનાલીને એક આકર્ષણ સાથે જોઈ રહ્યો હતો. તેના ખભા પર માથું ઢાળી સોનાલીએ ફરી આંખો બંધ કરી દીધી.

દિવ હજુ દસેક કિલોમીટર દૂર છે. ગાડીથી પંદરેક ફૂટ દૂર દિવ - 10 કિ.મી. દર્શાવતા પાટિયાને જોતાં વિવેક બોલ્યો. તેણે ગાડી સ્ટાર્ટ કરી. ગાડી રસ્તા પરથી નીચેની બાજુ ડોલતી-હલતી ધૂળિયા મેદાનમાં ઢાળ પર ઊતારીને એક ઢાબા પર આવીને ઊભી રહી . બંને ત્યાં ચા પીવા રોકાઈ ગયા.

સૂર્ય દેખાતો ન હતો. હવામાં ધુમ્મસ ભળ્યું હતું. આકાશમાં પક્ષીઓ ઊડી રહ્યા હતા. ચા પીવાઈ ગઈ. ગાડી ફરી દિવ જવાના રસ્તે ચાલવા લાગી. ગાઢ કતારબંધ ઊભેલા તાડના ઝાડપાનવાળા જંગલપ્રદેશની ઘનતા ચીરી એકાએક ગોળાકાર સાગર કિનારો દેખાવા લાગ્યો. માઈલો સુધી ફેલાઈને આકાશમાં ઓગળી જતો આસમાની, વાદળી રંગનો સમુદ્ર આવ્યો. થોડીવારમાં દિવનું એરપોર્ટ આવી ગયું અને આગળ જતાં નાગવાબીચ. જ્યાં વિવેકે દરિયાની સામે એક નાનકડું ગેસ્ટહાઉસ અગાઉથી બૂક કરવી રાખ્યું હતું.

‘આશિયાના’ નામનું ગેસ્ટહાઉસ દરિયાની બિલકુલ સામે હતું. બે કમરાવાળું. મોટી બારીઓ અને દીવાલને બરોબર અડી સમાંતર ગોઠવેલા ફૂલોના ક્યારાવાળી બાલ્કનીમાંથી દરિયાને મહેસૂસ કરી શકાય એટલો હસીન નઝારો. આગળ બાળકો માટે લપસણી અને હીંચકા હતા. દિવસમાં મોટી-મોટી બારીમાંથી દરિયાના પાણીની ખારી સુગંધ આવતી રહેતી અને રાત પડતી ને હવામાંથી લીલોતરીની મહેક આવતી. સફેદ અને લાલ કરેણના, દૂધ જેવા શ્વેત મોગરાના ફૂલ અને તેની સુગંધ કુદરતી વાતાવરણને જીવંત બનાવતા હતાં.

છૂટ્ટીનો ગાળો ન હોવાથી ટુરિસ્ટની ખાસ ગિરદી લાગી રહી ન હતી. ગાડી પાર્ક કરાઈ. સામાન ગેસ્ટહાઉસમાં ગોઠવાઈ ગયો. રુમ પર હેલ્થી બ્રેકફાસ્ટ આવી ગયો. બટાકા પૌંવા, બ્રેડ-બટર-જામ, બે મોટા મગ ભરીને ચા સાથે થોડા સોલ્ટેડ અને ગ્લુકોઝના બિસ્કિટ. વિવેકને ડ્રાઈવિંગના કારણે થોડોક થાક લાગ્યો હતો. એણે નાસ્તો કર્યો અને પલંગ પર શૂઝ કાઢ્યા વિના જ સૂઈ ગયો. સોનાલી સીધી જ બાલ્કનીમાંથી કૂદી દરિયા કિનારે દોડીને પહોંચી ગઈ.

ઉછળીને કિનારે આવીને ફેલાઈ જતાં મોજાઓના અવાજમાં સોનાલી ખોવાઈ જવા લાગી. ભીની રેતી સવારના હલકા તડકામાં ચમકતી હતી. દરિયામાં દૂર દૂર સુધી નજર ફેકતાં સમુદ્રની પેલી પાર હીરા ચમકતા હોય તેવું સોનાલીને લાગી રહ્યું હતું. તે રેતીમાં નામ લખવા જતી ને હજુ તે નામ પૂરું લખાય તે પહેલાં એક વિશાળ મોજું આવીને નામને પાણીમાં પીગળાવી મિટાવી જતું. તે ફરી એ ભીની રેતીમાં નામ લખવા લાગતી. દરિયાની રેતીમાં તેને મજા આવવા લાગી હતી તેણે ભીની કરકરી રેતીનું ઘર બનાવવા લાગ્યું. ઘર બન્યું ત્યાં સફેદ ફીણવાળું મોજું આવ્યું અને તેના ઘરને તેની સાથે લઈ ગયું. સોનાલીને દરિયામાં મજા આવવા લીગી હતી. સફેદ પાણીમાં તે ઊભી રહેતી ને પાણી તેનાં પગ નીચેની જમીન સાથે તેને પણ પોતાની અંદર ઢસડી જતું હતું.

ધીમે ધીમે બીચ પર મુસાફરો આવવા લાગ્યા. ભીડ જામતી ગઈ. મોજાંના ઘુઘવાટામાં સ્કૂલ પ્રવાસનું ટોળું, નશામાં ચૂર યુગલોનું ગ્રુપ અને નવપરણિત જોડીઓ મજા માણી રહ્યાં હતાં. પેરાશૂટવાળો, ફોટા ખેંચનારો, બાઇક પર બેસાડી દરિયાની અંદર જઈ સેર કરાવનારો, પેટી ગળામાં ટાંગી ફરતો ચણાચોરવાળો. ઘોડા, ઊંટની સવારી કરાવનારાઓની ભીડ અને અવાજ દરિયાના અવાજ સાથે ભળવા લાગ્યા.

વિવેક ઊઠીને ફ્રેશ થઈ ગયો. તે સોનાલી પાસે કિનારા પર આવ્યો. સોનાલીને પાછળથી આવીને ઝકડી લીધી. તેને હવામાં ઊંચી કરીને ગોળ ફેરવી. સોનાલીની છાતી વચ્ચે એક બદામી રેખા ખેંચાઈ આવી. ખુલ્લા ગળાવાળા સ્લિવલેસ ટોપ અને ચપોચપ ફિટીંગવાળી જીન્સની કેપરીમાં તે મનમોહક લાગી રહી હતી.

‘તું કંઈ પીશ?’

‘કઈમાં શું-શું છે?’

‘બિયર ઓર સમથિંગ હાર્ડ ડ્રિંક લાઇક જીન, રમ, વોડ્કા.’

‘વન ચિલ્ડ બિયર.’

‘ઓકે ડાર્લિંગ.’ વિવેક બીચની સામેના ગંગાસાગર બાર પર જઈ એક પેગ રોયલસ્ટગ શરાબ પી, બે બિયરના ઠંડા કેન ઊઠાવીને કિનારા પર આવી ગયો.

‘સાથે ચણા ખાઈશ?’ ફાટ્ટ કરતું બિયરના કેનનું સીલ તૂટયુંને ફીણ જેવું સફેદ પ્રવાહી તેમાંથી નીકળી ઊભરાવા લાગ્યું.

‘લે જલ્દી પીવા લાગી જા.’ સોનાલી બે વારમાં પૂરું બિયર ખાલી કરી ગઈ. મગજમાં ઝણઝણાટી થઈ શરીરમાં એક વેગથી સિરહન ધૂમવા લાગી. બારમાં જઈ વિવેક સાથે ફરી બે પેગ વ્હાઇટ જિન શરાબ તેણે પીધો. હવે દરિયો કંઈક વધુ ખારો અને ગરમ લાગી રહ્યો હતો. આંખના પ્રસ્વેદ જેવું ખારું અને કરકરું પાણી મોઢા અને કાનમાં ફસાઈ જતું હતું. તે અને વિવેક મસ્તીમાં માથું ડૂબી જાય ત્યાં સુધીના પાણીમાં તરી આવતાં હતાં. નશો ચડતો ગયો તેમ તોફાન પણ વધતાં ગયા... ઘરથી દૂર, સંબંધોથી મુક્ત, નશામાં ચકનાચૂર થવાની બંનેને મજા આવી રહી હતી.

બપોર પડી. બંને રૂમ પર આવીને જોડે જ શાવર નીચે ઊભા રહી ગયા. વિવેક અને સોનાલી એકબીજાના રેતીવાળા તનને સાફ કરવા લાગ્યા. ફૂવારાની જલધારા નીચે ઉરપ્રદેશના ભીંજાયેલા ભાગને બાદ કરતાં નશો શાવરના પાણી સાથે ઊતરીને ઓગળી ગયો. વર્ષોના વિયોગના તાપથી તપ્ત બદન પર શરાબી આનંદવર્ષા થઈ. સ્નાન બાદ તૈયાર થઈને વિવેકે નોકરને અવાજ કર્યો. ગેસ્ટ હાઉસનો નોકર જમવાનો ઓર્ડર લઈ ચાલ્યો ગયો.

રૂમની આગળના ભાગમાં વાંસની કેબિન જેવા એક ઓરડામાં ટેબલ પર ત્રણ-ચાર જાતના શાક, કઢી-દાળ, સંભારા-સલાડ, પાપડ, પૂરી, રોટલી, મિષ્ટાન્ન સાથે કાચના ગ્લાસમાં ફીણવાળી છલોછલ છાશ પીરસાઈ. લંચ લઈને બંનેએ રૂમમાં આરામ કર્યો. ટી.વી. જોયું.

સાંજ પડી ગઈ.

ગાડી ગેસ્ટ હાઉસથી નીકળીને દિવની બજારમાં પાર્કિંગમાં આવી ઊભી રહી. મુસાફરો આવતા-જતાં દેખાવવા લાગ્યા. સડકોના કિનારે થયેલી સજાવટો દિવને રંગીન બનાવતી હતી. ફૂટપાથ પર લાંબી મોટી છત્રી નીચે ખુરશીઓ પાથરીને ચા-કોફી, કોલ્ડડ્રિંક્સ કે બિયરના ઊભરતા ઝાગવાળા ગ્લાસ પીતાં-પીતાં જુવાનિયાઓ ધીમા સંગીતની મજા લઈ રહ્યા હતા. મુસીબતોની, મહોબ્બતોની વાતો વચ્ચે સિગારેટનો ધુમાડો હવામાં ભળી ગાયબ થઈ જતો હતો.

વિવેક અને સોનાલી ચાલતાં-ચાલતાં એક કિલ્લાના મહાકાય લાકડાના લોખંડથી જડેલા મોટા દરવાજા પાસે આવ્યા. વિવેકે ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને ફોટા પાડ્યા. સોનાલીનો હાથ પકડી તે પથરાળા ઢાળવાળા કપાયેલા રસ્તે આગળ વધ્યો. કિલ્લાના કમરાઓમાં કરોળિયાના ઝાળાં, ધૂળ અને દીવાલ પરથી ઊખડેલા પોપડાં સિવાય કશું ન હતું. આગળ ચોગાનમાં એક જર્જરિત ફૂવારો અને ચબૂતરો હતો. પીપડાના ખરી ગયેલાં પાન પર ચાલીને તે સાંકળી સીડી ચડ્યા. કિલ્લાની ઉપરની બાજુ ટોચ પરથી ચોતરફનું દૃશ્ય આકર્ષક દેખાઈ રહ્યું હતું. એક તરફ ધરતી અને તેની ઉપર બાંધેલા મકાનો અને ઊગેલા વૃક્ષો. એક તરફ પશ્ચિમની દિશામાં ડૂબતો સૂરજ અને એક તરફ તોફાન કરતો દરિયો.

કિલ્લાની પાળી પર આવી વિવેકે લાંબી લોખંડની તોપ પર હાથ ફેરવ્યો. ‘આ તોપ દરિયા તરફથી આવતા દુશ્મનોના જહાજ પર આક્રમણ કરી તેને ઘૂસણખોરી કરતાં રોકતી હશે.’

‘તને તો દિવનો ઈતિહાસ માલૂમ હશે?’

‘હા, અહીં પોર્ટુગીઝ અંગ્રેજો આવ્યાં તે પહેલાંનાં સમયથી રહે છે. હવે તેમની વસ્તી ધીમે ધીમે ઓછી થતી જાય છે. ઇ.સ. ૧૪૯૮, પંદરમી સદીના અંતમાં વાસ્કો-દ-ગામા આવ્યો. પહેલો વિદેશી જે પોર્ટુગીઝ હતો. તેમણે દરિયાઈ સંસ્કૃતિને આધુનિકતા બક્ષી. ફળો વેચવા, નાની-મોટી વાંસની ટોપલીઓ-ટોપીઓ બનાવી કે ગૃહશોભાના સાધનોનો ગૃહઉદ્યોગ સ્થાપવાથી લઈ ઘરમાં જ કાજુની ખેતી કરવા જેવા મોનોપોલી વ્યવસાય અને ડ્રાયફૂટના વેચાણના કામો તે કરતા આવ્યા અને આજીવિકા ચલાવતા થયા. તેઓ પૂર્વના કિનારે આગળ દક્ષિણમાં ગોવામાં સ્થાયી થયા. પછી સન ૧૫૧૦, પંદરમી સદીના પ્રથમ દશકમાં... આમ મારી સામે આમ શું જુએ છે?’

‘હું મારા વિવેકને સાંભળું છું. બસ...’

‘હા, તો પછી સન ૧૯૬૧, ઓગણીસો એકસાઈઠમાં ગોવા સાથે ભારત સરકારે દિવને મુક્ત કરેલું. પંદર કિલોમીટરમાં ફેલાયેલો આ મારો મનગમતો દ્વીપ છે.’

કિલ્લાની સામેની બાજુ દરિયાની વચ્ચે જેલ દેખાઈ રહી હતી.

‘હવે તે જોવા જવા દેતા નથી.’

‘તે જોયેલી હશે અંદરથી.’

‘યસ, ત્યાં ગુલામીના સમયમાં કેદીઓને સજા રૂપે બંદી બનાવી રાખવામાં આવતા હતા.’

‘આ પથરાળ દુર્ગની બનાવટ પણ આધુનિક છે નહીં!’

કિલ્લા પરથી ઊતરીને આગળ નીકળી સાંકળી બજારના રસ્તે થોડા ટુ-વ્હીલર્સ સાઇકલ સ્ટેન્ડમાં ઊભા કરેલા દેખાયાં. ચાર રસ્તા પર રસ્તો નાનો અને વેરાન અને વળાંકદાર બનતો હતો. આગળ ઊંચો આરસના રંગનો ચર્ચ આવ્યો. બંને ચર્ચમાં આવ્યા અને પછી ત્યાંથી સીધા એક રિક્ષા પકડીને સનસેટ પોઈન્ટ ગયા. ત્યાંથી વિવેકે એક ટુરિસ્ટ ગાઈડ-બુક ખરીધી. દિવના નક્શા સાથે તે નામ વાંચવા લાગ્યો. અતિથિ ગૃહ, સર્કિટ હાઉસ, નયદા ગુફા, વોટર ફોલ, સમર હાઉસ, ચક્રતીર્થ બીચ...

‘એ..એ..એ..’ વિવેકનો હાથ ખેંચી સોનાલી તેને આઇસક્રિમવાળા પાસે લઈ આવી. ‘મેંગો મારી ફેવરિટ અને તારા માટે ચોકલેટ, તારી ફેવરિટ.’

એક પથરીલા ઢોળવની ટોચ પર બેસીને ચોકબાર-મેંગોબાર ખાતા-ખાતા બંને સામે પશ્ચિમમાં સૂર્ય ધરતી ફાડી તેમાં સમાઈ જતો જોઈ રહ્યા. એકાદું વાદળ ચીરીને પ્લેનના પસાર થવાનો કર્કશ અવાજ પણ વચ્ચે આવી ગયો. સૂર્યાસ્તના લાલ ગુલાબી કેસરી તાંબા જેવા બદામી પ્રકાશમાં વાળની લટો સોનાલીના ગાલને અથડાઈ જતી હતી ને વિવેક તેને એક જ નજરે જોયા કરતો હતો.

‘શું કરે છે? ચોકબાર પીગળી ગઈ. ખાવા લાગી જા, નહીં તો હું આ પૂરી કરીને એ પણ ખાઈ જઈશ.’

‘એક વાત પૂછું સોનાલી? થોડી ગંભીર છે.’

‘યા, બોલ.’

સોનાલીએ રૂમાલથી હાથ લૂછી પર્સમાંથી મિનરલ વોટરની પાણીની બોટલ કાઢીને એમાંથી પાણી પીધું વિવેકના હાથ પણ તેણે ધોવડાવ્યા.

‘જીવનમાં મનગમતી વ્યક્તિ સાથે લગ્ન થાય કે ન થાય શું ફરક પડે છે?’

સોનાલી ક્ષણાર્ધ વિવેક સામે જોઈ રહી. વિવેકે આ શું પૂછી નાખ્યું! તે તેનાથી બીજી તરફ ફરીને કહેવા લાગી...

‘લગ્ન માણસની વ્યક્તિગત મનશા અને કુરબાનીની ઈચ્છાથી થાય છે. સારામાં સારા નહીં, પરંતુ મનગમતા પાત્રને પસંદ કરી લગ્ન કરવાની ઈચ્છા હર વ્યક્તિની હોય છે વિવેક. માણસ સાંસારિક સુખની પ્રાપ્તિ કે ખ્વાબો પૂરા કરવા માટે પરણતો હશે. મારા માટે એ ક્યારેય બંધન કે મુક્તિ બન્યા નથી. મેં બનવા દીધા પણ નથી. મારી સ્ત્રી તરીકેની મનોઇચ્છા, સ્વતંત્ર વ્યક્તિ તરીકેની મનોકામના દબાવી મેં હમેશાં બીજાની ચાહનાઓને, આદેશોને માન આપ્યું છે. અને તું..’ સોનાલી વિવેકથી નજીક આવી ગઈ. ‘તું કેમ હજુ સુધી કોઈ બંધનમાં બંધાયો નથી?’

‘ચાલતાં-ચાલતાં વાત કરીએ?’

હવે સાંજ ઓલવાઈ અંધારાતી રાત પડવાની શરૂઆત થઈ ચૂકી હતી. દીવાદાંડીનો ગોળગોળ ફરતો-ચકરતો-ધૂમતો પ્રકાશ અજવાળું ફેલાવી જતો હતો. દરિયામાં વહાણોની સર્ચલાઇટની બત્તીઓના સિગ્નલો ઝબકતા દેખાતા હતા. હાઇ-વેની બંને બાજુ નારંગી રંગનો ઉજાસ ઢોળાઈ રહ્યો હતો. વાહનોની અવર-જવર ઘટી રહી હતી. રસ્તા સૂમસામ બની રહ્યાં હતાં. સોનાલી અને વિવેક પોતપોતાના અભિપ્રાયો આપતા ગેસ્ટ હાઉસ પર પાછાં આવી રહ્યાં હતાં.

‘વાત લગ્ન ન કરી શકવાની નથી. વાત સાથે જીવવાની છે. ગમતી વ્યક્તિ સાથે જોડે જીવવાથી વધીને બીજી કોઈ મોટી વાત હોતી નથી. દુનિયા, સમાજ, સંબંધી, સગા-સ્નેહી મિત્રોથી મુક્ત થઈને રહેવાનું. લિવ-ઇન-રિલેશનશિપ એટલે કે લગ્ન બહારના સંબંધ નહીં પણ એક અકળામણ, ઉપેક્ષા અથવા કમેંટ્સ વિનાના, હકથી જીવવાના લવ એન્ડ હેટના સંબંધ. સુખ-દુ:ખની જેમ મુક્તિ અને બંધન પણ પરસ્પર જોડેયેલા છે. એકનું અસ્તિત્વ બીજાને આભારી છે.’

‘પ્રેમમાંથી, સંબંધમાંથી મુક્ત થઈ સંપૂર્ણ મનુષ્ય બની શકાય છે. જ્યાં સુધી સમાજમાં રહીશું ત્યાં સુધી જાનવરના લક્ષણો છૂટશે નહીં. સમાજથી દૂર રહી સુદ્રાત્મા બની શકાય છે.’

‘તું તો ઘોચું જેવી વાત કરે છે.’ વિવેકને માથામાં ટપલી મારી તેના વાળ વીખી સોનાલી ત્યાંથી ભાગીને આગળ નીકળી બજારમાં પરત ફરી ગાડીમાં બેસી ગઈ. ગેસ્ટ હાઉસ આવી ગયું. બાલ્કનીના હિંચકામાં ઝૂલતાં ઝૂલતાં સિગારેટ પીતા વિવેકે અંધારામાં આંબાના વૃક્ષો પરની લટકતી કેરીઓ જોઈ. લીમડાના, જાંબુના હવામાં ફડફડતા મખમલી લીલા પાંદડામાંથી સરસરાટ કરતો પવન ફૂંકાતો ને ઘનઘોર ઘટાઓ પવન બેસી જતો ત્યારે શાંતિ અનુભવી. ખામોશી વચ્ચે ટ્યૂબલાઇટના પ્રકાશમાં જીવતા-ઉડતા અસંખ્ય જીવજંતુઓના ગણગણાટ અને દરિયાની ભરતીના મોજાંની ગર્જનામાં એક વિચિત્ર અવાજ આવ્યા કરતો હતો. આકાશમાં તારા દેખાવવાનું બંધ થયુંને વાદળો બંધાઈ ગયાં. ટપોટપ થોડી પાણીની બુંદો પડી ને વિવેક સિગારેટ ફેંકી અંદર આવી ગયો. પૂરો રૂમ મીણબત્તીની રોશનીમાં પીળા રંગનો લાગી રહ્યો હતો. એક નાની ટીપોય પર ડિનર ઢાંકેલું રાખેલું પડ્યું હતું.

સોનાલી બાથરૂમમાંથી બહાર આવી. ‘મને બહુ ભૂખ લાગી છે, જમવાનું ઠંડુ થાય તે પહેલાં જમી લઈએ.’

વિવેકની નજર સોનાલી પર પડી. ભીના વાળ, હાથમાં ટુવાલ અને રેશમી સફેદ નાઈટીમાં સોનાલીનું બદન રાતની ચાંદની, રૂમની રોશનીમાં ભરપૂર ભરાવદાર અને ઉત્તેજિત કરી નાખનારું વિવેકને લાગ્યું.

‘કાલનો શું પોગ્રામ છે?’

રોટીનો ટુકડો તોડી પંજાબી સબ્જીમાં ડૂબાડીને ખાતાં વિવેક કહ્યું, ‘સપ્રાઈઝ છે, ફિશીંગફન. અચાર આપ.’

‘વાહ, મજા આવશે નહીં?’

‘હા. મેં જમી લીધું. જમવામાં ખાસ મોજ ન આવી. થોડું પીવું છે હવે, તું પીશ?’ વિવેકે સોનાલીને પૂછ્યું અને પછી કહ્યું, ‘ઓહ, ના, તું પ્રેગનેન્ટ છે માટે બહુ સારું નહીં બાળક પર ગલત અસર પડે.’

સોનાલીએ ડિશને હાથથી હડસેલી.. ‘તું મારી ચિંતા કર. મારા પ્રેગનેન્ટ હોવાની નહીં, તું મારો પતિ નથી સમજ્યો.’

સોનાલીના અવાજમાં ખિન્નતા આવી ગઈ. વિવેક રૂમનો દરવાજો પટકી ગેસ્ટ હાઉસની બાજુના બારમાં શરાબ પીવા ચાલ્યો ગયો. પાછા ફરતા સોનાલી માટે પણ લેતો આવ્યો. તે રૂમમાં પ્રવેશ્યો ત્યારે સોનાલી બિસ્તર પર સૂતી ટીવી જોતી હતી. ટીવીની સ્વિચ ઓફ કરી તે નારાજ સોનાલીને મનાવવા લાગ્યો. એક ગ્લાસમાં થોડી શરાબ સાથે સોડા અને પાણી ઉમેરીને તેણે સોનાલીને આપ્યું.

‘મારે નથી પીવું, લિવ મી વિવેક. દૂર જા.. આઉચ..’ વિવેકે શરાબની ઘૂંટ મોઢામાં ભરી સોનાલીના હોઠો વચ્ચે પોતાના હોઠ ફસાવી નાંખ્યા. પેગ જરા વધુ સ્ટ્રોંગ બની ગયો હતો. સોનાલીને તે શરાબની ઘૂંટ તેના ગળામાંથી થઈ પેટમાં જઈ પડ્યો તેવો અહેસાસ થયો. તેણે વિવેકને કસીને જકડી લીધોને પૂરેપૂરો પલંગ પર પોતાની જોડે લેટાવી લીધો. શરીરના ઘર્ષણ સાથેની ક્ષણો પસાર થઈ સવાર પડી.

પરોઢ થઈને કૂકડાંની બાંગ કૂકડે-કૂક અને કોયલના કેકારવ કુહુ કુહુનો સાદ આવ્યો. ક્યાંક દૂર ખેતરમાંથી મોરનું ટેહુંક ટેહુંક સંભળાયું. વિવેક બેડ પર સળવળ્યો. આંખો ચોળી ઊઠ્યો ત્યારે સોનાલી નિર્વસ્ત્ર ચાદરમાં લપેટાયેલી સૂતી હતી. પોતાની છાતી પરથી તેનો હાથ હટાવી ઊંઘમાં ખલેલ ન પડે એ રીતે તે ચૂપચાપ નાઇટ-સૂટ પહેરીને જોગિંગ કરવા કિનારા પર ચાલ્યો ગયો અને પરત આવ્યો ત્યાં સુધીમાં સોનાલી નાહીને ફ્રેશ થઈ ગઈ હતી. બ્રેક-ફાસ્ટ માટે તે તેની રાહ જોઈ રહી હતી. નાસ્તો પતાવી વિવેક તૈયાર થયો ત્યાં સુધીમાં સોનાલીએ જરૂરી સામાન પૅક કરી લીધો હતો.

બંને બે દિવસ માટે ‘ફિશીંગ ફન’ પર જવા નીકળી ગયા.

ક્રમશ:

અન્યમનસ્કતા

પ્રકરણ ૫

શનિવારની વહેલી બપોરે વ્હીસલ સંભળાઈ. એક મોટા ઈલેકટ્રીક ડિસપ્લે પર ફિશીંગ ફન વિશે સમાચારો પ્રદર્શિત થવા લાગ્યાં. યાત્રીઓ સૂચના મુજબ સામાન હાથમાં પકડી કતારમાં ગોઠવાઈ ગયા. લંગર ખેંચાઈ. સફેદ વર્દીમાં સજ્જ જહાજના કપ્તાને જૂના અક્ષરવાળી રોમન ઘડિયાળમાં જોઈ હાથથી અંગૂઠો બતાવી ઈશારો કર્યો. સૂસવાટા મારતા પવનની દિશામાં દોરડું છૂટ્યું ને ધ્વજ લહેરાયો. આગળ એક ધાતુની મોટી ગોળાકાર ચીમનીમાંથી ગુબ્બારેદાર રાખોડી રંગનો ધુમાડો છૂટ્યો. સંગીતની ધૂન વાગી ને હવામાં ફુગ્ગા છૂટ્યા. બ્લૂ ઘેરાશવાળું ફીણદાર પાણી ચીરતું ફિશીંગ ફન સ્ટીમર અરબ સાગરની સતહ પર લપસવા, તરવા, પૂર્વના પવનમાં લહેરવા નીકળી પડ્યું.

‘ફિશીંગ ફન’ દિવના દરિયા કિનારે ઊભેલી એક મનોરંજક, મોજદાયક, મોહક સ્ટીમર હતી. ક્રૂઝથી આકારમાં મોટું જૂના જમાનાના ટાઈટેનિક જહાજની યાદ અપાવતું વિશાળકાય જહાજ. જે હર વિકેન્ડ પર શનિવારની મોડી સવારે ઘોઘલા બંદરથી ઉપડીને રવિવારની વહેલી રાત સુધી મુસાફરોને સમુદ્રમાં પ્રવાસ કરાવી દિવના બંદર પર પરત લઈ આવતું.

જહાજમાં સાત સિતારા સુખ-સગવડવાળી આધુનિક સુવિધાઓ સાથે પચાસ કપલ મુસાફરી કરી શકે તેમના બાળબચ્ચાંઓ સાથે તેવી આલિશાન વ્યવસ્થા હતી. આ જહાજ પર મોટાભાગે સ્ત્રી-પુરુષો જોડામાં હતાં. તેમાંથી ઘણાના હજુ લગ્ન થયા ન હતા. આઠ-દસ કપલ જ તેમના સંતાનો સાથે પરિવારમાં હતા. બાકી જહાજ પર કામ કરતાં લોકોનો સ્ટાફ હતો. મુસાફરોમાં મુખ્યત્વે ઘણી સામ્યતા હતી. પુરુષો પુષ્ટ બદનના અને ઊંચા બાંધાના જીન્સ-ટી-શર્ટ પહેરેલાં ગુજરાત બહારના અંગ્રેજી બોલતા ગુજરાતીઓ હતા. સ્ત્રીઓ મસ્ત, ચુસ્ત ઇમ્પોર્ટેડ લિબાસમાં ઓછા આભૂષણો અને વસ્ત્રો સાથે લાંબુ પર્સ અને ઊંચી એડીના સેન્ડલ પહેરેલી હતી. બધાના હાથમાં એકથી એક ચડિયાતા મોબાઇલ ફોન હતાં. થોડાં બાળકો હતાં જે ફેશનેબલ કપડાં પહેરીને મોંઘાદાટ રમકડાં લઈને આમતેમ દોડાદોડી કરી રહ્યાં હતાં.

ફિશીંગ ફનમાં એક લાઉન્જ હતી જ્યાં બેસીને ક્રિકેટ-ફૂટબોલ જેવા ખેલ, રાજનીતિ-વ્યાપારજગત જેવા વિષયો અને બીજી કેટલીક આર્થિક-સામાજિક-ભૌગોલિક સમસ્યાઓ વિશે અજાણ્યા આદમીઓ સાથે ગુફ્તેગો કરી શકાતી હતી. બિયરનો છલકાતો ગ્લાસ ભરીને લાંબી ગોળ હેટ અને ચડ્ડી-ટી-શર્ટ પહેરેલા પુરુષો પોતાના બિઝનેસ, વિદેશ-ટુર, ઈન્વેસ્ટમેન્ટની વાતો એક અદાથી ઊછળી-ઊછળીને કરી રહ્યા હતા. તેમની જોડીદાર સ્ત્રી બીજી સ્ત્રીઓ સાથે સોનાની ખરીદી, હીરા-માણેક, કામવાળી બાઈથી લઈ હાઇ-ફાઈ બ્યુટિક અને ફેશન પર પોતાના વિચારો વધારી-ચડાવી દર્શાવી રહી હતી. અકલમંદો, બદમાશોનો રંગ-મૂડ-મિજાજ-લય ખુશદિલીથી વાતવાતમાં ઊભરાઈ જતાં હતાં. ઊડી અને ઊખડી જતાં હતાં.

જહાજમાં બે પ્રકારના બાર હતા. એક બાર સંપૂર્ણ એડલ્ટ લોકો માટે હતો અને બીજો બાર પારિવારિક સજજનો માટે હતો. બંને બારમાં દુનિયાભરનાં શરાબ, શરબત, મોકટેલની રેલમછેલમ હતી. શેમ્પેઇન, વોડકા, કોન્ત્રુ, લિકયોર નેપોલિયન કોન્યેક (બ્રાંડી), શિવાઝ, રિગલ, સ્કોચ વિગેરે પીણાંઓ સાથે જાત-ભાતની ગેમ્સ રમાતી અને નાચ-ગાના થતા. કલાકો સુધી બેસીને ગપાટા ઠોકતા લોકોની રઈસી રેતની જેમ હવામાં ઊડીને સામેની વ્યક્તિ પર ધૂળની જેમ ચોંટી જતી હતી અને સામેનો માણસ જોરથી હસીને તેને સિલ્વર મેટલના એશ-ટ્રેમાં સિગારેટની લાંબી કસ લઈ ધુમાડો ફૂંકતો તેની રાખ સાથે ખંખેરી નાખતો હતો.

પૈસાના દેખાડા માટે કે ખુદને બીજાથી અમીર સાબિત કરવા માટે, કૃત્રિમ સુંદરતાના શો માટે, બનાવટને બહેતરીન રીતે બતાવવા માટે આ જગ્યા સારી હતી. નવા નવા પૈસાદારો માટે જ આ ફિશીંગ ફનનું નિર્માણ થયું હશે. તેમની અમીરીને આકર્ષક રીતે આવેગથી બહાર કાઢી ઠાઠથી પેશ આવવા માટે આ ફિશીંગ ફન હશે તેવું સોનાલીની નિર્દોષ ઉચ્ચ-મધ્યમવર્ગીય આંખોથી જોતાં લાગ્યું. તેણે એડલ્ટ બારમાં જઈ એક લાંબા-ઊંચા સ્ટીલના ગોળ સ્ટૂલ પર બેસીને જિન વિથ ઓરેન્જ જ્યુસનો ઓર્ડર કર્યો. કાઉન્ટર પરથી એક સિગારેટ ઉઠાવીને બે હોઠો વચ્ચે ઝૂલતી દબાવી. હજુ તે એ જલાવવા જાય તે પહેલાં જ એક નોનઇન્ડિયન વ્યક્તિએ સોનાલીની સિગારેટ પોતાના લાઇટરથી જગાવી આપી ‘યુ લુક ગુડ બેબ્સ!’

‘થેંક્સ.’

‘માઈકલ. માઈકલ જેક્સન નાહીં, માઈકલ કેન. મેરા નામ. ફ્રોમ રશિયા.’

સોનાલી ખડખડાટ હસી. ‘સોનાલી, સોનાલી પટેલ.’

‘ઓકે બાય. એન્જોય યોર સેલ્ફ સુનાલી.’

હાથ મિલાવી શરાબના મગ ટકરાવતા ચેસ કરી ભૂરી આંખો અને ભુરાશ પડતાં મહેંદી કલરના વાળ અને સફેદ ચામડીવાળો, શરીર પર વિવિધ અને વિચિત્ર આકૃતિવાળા ટેટૂ ચિત્રાવેલો એ અજનબી આગળ વધી ગયો. વિવેક દૂર ઊભો ઊભો આ બધું જોઈ રહ્યો અને તેને આ ન ગમ્યું તેવું સોનાલીને તેના ચહેરા પરથી માલૂમ પડી ગયું.

સાંજ પડવાની શરૂ થઈ. આકાશમાંનો ઝગઝગતો પીળો સૂર્ય ગોળા જેવો દેખાઈને ફાલસાના શરબત જેવા બ્લૂ રંગના આકાશમાંથી લુડકીને દીવાની જ્યોત જેવા બ્લૂ પાણીમાં ગરકાવ થવા તૈયાર થઈ ગયો. એકાએક ઠંડી હવાની ભેજદાર લહેર આવીને બદનમાં સનસનાટી દોડાવી મૂકતી હતી. ડેક પર બેસીને નયનરમ્ય, મનગમ્ય કુદરતી વાતાવરણનો લુત્ફ ઊઠાવવા યાત્રીઓથી ડેક ઊભરાઈ ગયું. રેલિંગ પાસે હાથ હવામાં ફેલાવીને યુગલો ટાઈટેનિક પિક્ચરના પોઝમાં ફોટો ખેંચાવવા લાગ્યા. નીલગગનમાં અરેબિયન શ્વેત પક્ષીઓના સમૂહની આકર્ષક ઊડાન સૌનું ધ્યાન કેન્દ્રિત કરતી હતી. પંછીઓ જહાજની ઉપર જ મંડરાતાં ગગનવિહાર કરી રહ્યાં હતાં.

રાત પડી. ફિશીંગ ફન નાના-મોટા બલ્બ્સથી ઝળહળી ઊઠ્યું. દરિયો ઉછાળા મારતો થોડો વિકરાળ લાગવા માંડ્યો. ચાંદ સામેની દિશામાં હેડલાઇટ બનીને રોશની ફેંકતો હતો. આકાશ આખું ભરાઈ જાય તેટલાં અગણિત ટમટમતા તારાઓ પર પાણી ભરેલા વાદળો આવી ગયા અને તેમના આપસમાં ટકરાવવાના કારણે ગગડાટ થઈ વીજળી ઝબકતી હતી. તેના પ્રકાશમાં પાણીના ફીણ ફોસ્ફરસ જેવા ઝગારા મારતા હતા. જહાજની દિશા બદલાઈ. વ્હીસલ વાગી. આકાશ અને દરિયો બંને કાળા ગાઢ જાંબુડીયા રંગ જેવા દેખાઈ રહ્યાં હતાં.

દૂર મછવારાઓની નાની-મોટી બોટો માછીમારી કરતી દેખાતી હતી. ડેક પર ગિરદી ઓસરતી ગઈ અને નિરંકુશ ફરતા, ટહેલતા લોકો ડિનર અને ડિસ્કો માટે ઉતાવળા થઈ બાર અને ડાઈનિંગ હૉલમાં આવ્યાં.

જહાજમાં નીચેની બાજુ નાનો પણ હમેશાં મોટા માણસોની પસંદ બની બેસતો એક કેસીનો હતો. જ્યાં ધીમું સંગીત વાગતું રહેતું હતું. તરહ-તરહની ચાઇનીઝ લાઇટના બલ્બ ગોઠવીને રોશનીની નવીનત્તમ પેશકશ આપવામાં આવી હતી. બિલિયર્ડ રમવા માટે લીસાં લીલા મખમલી ચોરસ ટેબલ હતાં. તાશ ખેલવા માટે ગોળ ટેબલ ફિલ્મી અંદાજમાં સજાવેલા હતા. જ્યાં જુગારમાં મોંઘીદાટ બાજીઓ લગતી હતી. કોઈપણ અજાણ્યા શખ્સ સાથે જુગાર રમતા કોઈપણ અર્થહીન વાત પર ચર્ચા કરી મંતવ્ય ફેંકી શકાતા. ત્યાં જ આગળના એક ભાગમાં ચીની યુવતીઓ શરીરને મસાજ અને સ્પા કરી આપતી હતી તેવી કેબિન હતી. નાનકડું જીમ હતું. અહીં પુરુષોની ભીડ જામતી હતી. મહિલાઓ કે બાળકોની આવન – જાવન ખાસ જોવા મળતી ન હતી.

ફિશીંગ ફનમાં આગળ એક મોટા હૉલમાં જમવા માટે લાકડાના ટેબલ-ખુરશી સોફા ગોઠવેલી મીણબત્તીના, ફાનસના, ઝુમ્મરોના પ્રકાશ અને ફૂલોથી સજાવેલી કેન્ડલલાઇટ વેજ-નોનવેજ રેસ્ટોરાં બનાવેલી હતી. જ્યાંથી દિનભર ભૂખ ઉદ્દીપ્ત કરી મૂકે તેવા લિજ્જતદાર વ્યંજનોની ખુશ્બુદાર ભાંપ ઊઠતી રહેતી. દેશી-વિદેશી ઝાયકેદાર ડિશિસ શેફ સિફતભર્યા તડકા અને તહેઝીબથી ટેસ્ટી રીતે બનાવતા હતા.

રાતે સૂવા માટે કેબિન્સમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાંકળા પણ આરામથી સૂઈ શકાય તેવા ડબલ-બેડ બિસ્તરો હતા. ગુલાબવાળા વૉલપેપર લગાવેલી દીવાલો, નરમ કાર્પેટની ફર્શ અને રંગબેરંગી પડદા લગાવેલી નાની-નાની ત્રિકોણીય આકાર બારીઓ. જ્યાંથી તાજી તેજ ખારી હવા કેબિનની અંદર આવતી હતી. દિવસભર એરકન્ડિશનમાં બેસનારા, સુનારાને પણ અહીં પંખાની હવાની જરૂરત લગતી ન હતી એટલો તાજો પવન ફૂંકાતો રહેતો હતો.

વિવેક અને સોનાલી આખો દિવસ ફિશીંગ ફન પર ફરીને રાતે પોતાની કેબિનમાં આવી ગયા. શરાબની બોટલ ગોળ નાના ટેબલ પર ગોઠવીને બે ગ્લાસ, થોડો નાસ્તો અને બરફ મૂકી વિવેક કપડાં બદલવા કેબિનના નાનકડા કમરામાંથી બાથરૂમમાં ગયો. સોનાલી ત્યાં જ કપડાં બદલાવી બિસ્તર પર સૂઈ ગઈ. વિવેકે બહાર આવીને શરાબની બોટલ હલાવી ઢાંકણું ખોલીને ગ્લાસમાં વ્હીસ્કી રેડી. આઇસ ક્યુબ નાંખી તે પેગ બનાવવા લાગ્યો. લાઈટરથી સિગારેટ જલાવી લાંબો કશ લેતાં બારી ખોલી.

‘ઘણી મજા આવે છે નહીં? બધા સાથે પ્રેમ કરવાનું મન થઈ જાય તેવી...’

‘બધા સાથે નહીં મારા એકથી પ્રેમ કરશે તો પણ ચાલશે.’

‘તને જલન થઈ રહી છે?’

‘જલન! શેનાથી?’

‘મારા પ્રેમ ન આપી શકવાના કારણે... મારી સ્ત્રીમિત્રોથી.’

‘નહીં. પહેલાં પણ અને આજે પણ જલન જેવું કંઈ છે જ નહીં. મને વ્યક્તિ સ્વાતંત્ર વિશે પૂરી જાણ છે.’

‘હા, મનુષ્યે જઝબાતો પર કાબૂ રાખીને અપેક્ષાઓને બહુ જ ઓછી રાખવી જોઈએ.’

‘તું પ્રેમને કઈ દૃષ્ટિથી જુએ છે?’ સોનાલી પથારી પર આડી સૂતી. શરાબનો ગ્લાસ લેવા તેણે હાથ લંબાવ્યો. વિવેકે તેના હાથનો સ્પર્શ કરતાં વ્હીસ્કી આપી.. ‘હું પ્રેમને ધર્મરૂપે નહીં, દર્શન કે અનુભૂતિ કે ફિલસૂફીરૂપે પણ નહીં, હું પ્રેમને માત્ર સત્યરૂપે જોવા માગુ છું. પ્રેમ એ દિલનો વ્યાયામ છે. જિંદગીનો આયામ છે. સંબંધોનો આંખરી મુકામ છે. કોઈપણ સંબંધમાં પ્રેમથી આગળ ક્યાં કશું છે જ. ઓપનિંગ ટુ એન્ડિંગ લવ ઇઝ એવરીવ્હેર...’

‘પ્રેમ ક્યાંથી આવે છે? સંસ્કારમાંથી, સ્વસ્થતામાંથી, ચરિત્રમાંથી, આત્મવિશ્વાસમાંથી, સહાનુભૂતિમાંથી...’ સોનાલી વ્હીસ્કી ગટગટાવતાં કેટલાંય વિશેષણો બોલી. વિવેકને સવાલ સિવાયના બધા વિશેષણો નકામાં લાગ્યા.

‘પ્રેમ આંખોથી થઈ દિમાગમાં ઉતરી દિલમાંથી નીકળી આવે છે. અપંગ માણસોનો પ્રેમ અધ્યાત્મમાર્ગી અને તંદુરસ્ત માણસોનો પ્રેમ મને અંધકારમાર્ગી લાગ્યો છે. મનુષ્યની કદાચ સૌથી મોટી માયા કે ભ્રમ છે: સાચો પ્રેમ, ટ્રૂ લવ.’

‘મને આવા શબ્દો પર હસવું આવે છે. ક્યારેક કોઈને સાચો પ્રેમ કરીએ અને દગો મળે તો...?’ સોનાલીએ એક સીપ વ્હીસ્કી પીધી. ‘ચહેરા પરની રેખાઓ તંગ થઈ જાય છે. સમય સ્થિર થઈ થીજતો જાય છે. ઠંડો પડતો જાય છે. બ્લૂ ફ્લેશીસ અનુભવાય છે. આંખ સામે ઘેરો બ્લૂ રંગ ઢોળાઈ આંખોમાં લાલ ટસી ઉભરાઈ આવે છે. બહારથી સહન થાય એવી પરંતુ અંદરથી રુંધી નાંખે એવી પ્રચંડ જ્વાળાઓ જલી શરીરની અંદર વિસ્ફોટ થઈ પેટમાં ગરમાશ લાવે છે. પગ ધ્રૂજતા થઈ, કપાળની બંને બાજુ કાન પાસેથી પસીનાની બુંદો ઊપજી શારીરિક-માનસિક અસ્થિરતા સાથ જિંદગી અને સંબંધો જુલ્મગાર અને પોતાનાઓ નરાધમ લાગવા લાગે છે. બધુ સંવેદનહીન, ઉષ્માહીન, હૃદયહીન લાગી જિગરદારી, દીવાનગી પરથી ભરોસો ઊઠી દુનિયામાંથી ઊઠી જવાનું મન થાય છે. સાંજ બદ્સૂરત અને રાત એકલતાભરી બની જિંદગી તૂટક તૂટક પસાર થાય છે. દરેક સંબંધ, દરેક રસ્તા નાઇલાજ, બેદવા બની જાય છે.’

‘પ્રેમ એ પ્રેમ હોય છે. સાચો પ્રેમ, ટ્રૂ લવ, પ્લેટોનિક પ્યાર આ બધી ડાઈલોગબાજીના શબ્દો છે. લેખક-કવિઓની કલમની વ્યક્તિગત ઉપજ છે. પ્રેમમાં માત્ર સ્પર્શ, સુગંધ, સ્પંદનનો પ્રતિઘોષ પરસ્પર આપતા-મેળવતા રહેવા જોઈએ. પ્રેમ એ લાગણીના એક ઉચ્ચ પ્રકાર સિવાય બીજું કશું જ નથી. સ્નેહને શબ્દોથી સજાવવાનો ન હોય. તેની અંતરથી અનુભૂતિ કરવાની હોય છે. આઇ લવ યુ જેવા શબ્દો આજ સાથી પાત્રોનો વિશ્વાસ જીતીને તેની કરીબ આવવા માટે વપરાય છે અને બંને નજીક આવ્યા બાદ જ્યારે બેમાંથી એકને ભવિષ્યનો ડર સતાવવા લાગે છે ત્યારે વિલ યુ મેરી મી જેવા શબ્દો વાપરીને એક અથવા અલગ થવા માટે એકબીજાનો ઉપયોગ કરવામાં આવે છે.’

‘ડોન્ટ અગ્રી..' સોનાલીએ વિવેકને બોલતો ચૂપ કર્યો. 'પ્રેમ નરજાતિનો શબ્દ છે. લાગણી નારીજાતિનો શબ્દ છે. માટે જ કદાચ પુરુષો પ્રેમ અને સ્ત્રીઓ લાગણીની બાબતમાં વધુ ઈમાનદારથી સંબંધો નિભાવે છે. પ્રેમ અને લાગણીમાં ઘણો ફરક છે.’

‘આજે પણ ત્રણ વર્ષ પહેલાંની જેમ આપણા વિચારોમાં સામ્ય નથી. સોનાલી હું આ કારણે જ તારી સાથે લગ્ન કરવા માગતો નથી. અગવડો વેઠીને પ્રેમ સિવાય લગ્નજીવન ન ટકાવી શકાય. સગવડો જીવનને સરળ બનાવે છે, પ્રેમ સહ્ય.’ વિવેકની લગ્ન ન કરી શકવાની વાતને લઈને સોનાલીને ધક્કો લાગી આવ્યો. વિવેક નશામાં કંઈક વધુ બકવાટ કરી રહ્યો હતો તેવું તેને લાગ્યું.

‘જ્યારે કશુંક કરી બતાવવાનો સમય આવે છે ત્યારે પ્રેમ ન કરી બતાવવાનો હોય કે કોઈ માટે જાન કુરબાન કરી દેવાની હોય. જિંદગીમાં કરી બતાવવા માટે હજુ બીજા ઘણાં બધાં કારનામાઓ અકબંધ પડ્યાં છે.’

‘કેવા કારનામાઓ?’

‘ઘણા વિષયો, અઢળક વસ્તુઓ આ જગતમાં એવી છે જેના વિશે આપણને કોઈને કશો જ ખ્યાલ નથી. હિંદુસ્તાની પ્રજાએ પ્યાર પર પૂર્ણવિરામ રાખી એવા સંશોધનો કરવાના બાકી છે જે ભારતીયોને પ્રેમથી પણ વધુ ચાહતનો નશો અપાવી શકે છે.’

સોનાલી સાથે તર્ક-વિતર્ક ન કરતા વિવેક તેની મીણબત્તીની જ્યોતની જેમ, શમાની લૉની જેમ, ચિરાગના સરુરની જેમ શરીરમાં ઓગળતી ભડકતી, બળતી નાગણના ફેણ જેવી અફીણી માંસલ દેહાકૃતિ નિહાળતો રહ્યો.

‘સહાનુભૂતિના સંબંધો વ્યાપારિક ધોરણે ઘણી વખત બહુ કામ લાગે છે એ રીતે પ્રેમના સંબંધો બધા ક્ષેત્રે કામ ન પણ લાગે, ત્યાં સેક્સના સંબંધો કામ લાગે છે. ખાસ કરીને જવાન સ્ત્રીઓ માટે શરીર અને સેક્સનું જીવલેણ આકર્ષણરૂપી સૌંદર્ય ક્યારેક અભિશાપ તો ક્યારેક અલ્લાઉદ્દીનનો મોંઘેરી ઈચ્છાઓ પૂરી કરતો ચિરાગ બની જાય છે.’

વિવેક શરાબ પીતાં પીતાં સોનાલીની મોહક મુખરેખા, ઉત્તેજના જગાવનાર શરીરના વળાંકો, ઢંકાયેલા બદનની સપાટીઓ અને અંગોને જોડતા ખૂણાઓને નજર ફેરવીને જોતો રહ્યો.

સ્નેહની વાતો વચ્ચે શરાબનો નશો મોઢાથી થઈ પેટમાં જઈ પૂરા જિસ્મમાં જલી ચૂક્યો હતો. વિવેક લાઇટ ઓફ કરી નાઇટ લેમ્પ જગાવી સોનાલીની ઉપર પડ્યો. બંને થોડી ક્ષણો સૂતા રહ્યાં પછી વિવેકે સૂતા-સૂતા સોનાલીને પથારી પર જ આલિંગનમાં લીધી. તેના પીઠ પર હાથ ફેરવતાં, વાળ અને કાનની પાછળનો અને ગળાના ભાગને સૂંઘ્યો. સોનાલીએ તેને ચુંબન કર્યું.

ધીમેધીમે ઘેરું ચુંબન, ઠંડુ ચુંબન, મૃદુ ચુંબન અને ઉત્સાહથી એ ચુંબનો પર વળતું ચુંબન અપાતું ગયું. હાંફ ચડી જતી અને ધડકનો તેજ થઈ જતી. ગરમીથી છૂટકારો મેળવવા કેપરી, ટી-શર્ટ, ગાઉન, સ્લીપ... એક પછી એક કપડાં ઉતરતાં ગયાં. નીકળતા ગયા. શરીરની માંસલ નગ્નતામાં ભગ્નતા છૂટતી ગઈ. સોનાલી, શરાબ, સિગારેટનો સમાગમરૂપી નશો અને હૂંફનો ગરમાવો માહોલમાં પ્રસરી ગયો.

શ્વાસની ગતિ ઝડપ પકડી ધીમી પડી. સોનાલીએ તાજો શ્વાસ લેવા માટે મોઢું ખુલ્લું કર્યું. વિવેક સોનાલીના કાળા વિખરાઈ ગયેલા સુવાળા વાળની, પાઉડર અને સ્પ્રેની પરસેવામાં મેકઅપ ભળી નાકમાંથી ન જાય તેવી અસાધારણ સુવાસને અનુભવવા લાગ્યો. તેણે સોનાલીની કમર પરથી હાથ ખસેડી પેટ પર, કેડ પર, નાભિ ફરતે આંગળીઓ ધુમાવી છાતી પકડી અને પોતાના શરીરને પૂરું સોનાલી પર ઢાળી દીધું.

વિવેકના ખડતલ ખભા, સપાટ પેટ, માંસલ જાંધો નીચે તેનો વજન સહન કરી, પીસાઈને સોનાલી વીજળીક ઝટકો મહેસૂસ કરી રહી. ગાલની, પેટની, પીઠની અને જાંધની ચામડી વિવેકની દાઢીના રૂક્ષ વાળથી ઘસાઈને, ઘર્ષણ પામીને લાલ થઈ ગઈ. ચિંતા અને તનાવનું સ્થાન ઉત્સુકતા અને ઉત્તેજનાએ લઈ લીધું.

એક નર-માદાના આત્માની દેહથી જોડાઈને, તોળાઈને તડફડી રહેલી ઝિલમિલ-ઝિલમિલ સ્થિતિ, સખ્ત ખુશીની લૂંટાતી ખેરાત, અતૃપ્તિની, સહ્ય-અસહ્ય તીવ્રતાની રેશમી પળો વચ્ચે રાત પસાર થતી ગઈ. ધબકતા અંધકારમાં, ઉફનતા આવેશોમાં સોનાલી અને વિવેક વચ્ચે એકાત્મતા, તન્મયતા, તાદાત્મ્ય એકરૂપ બની ગયા. ભૂલ કર્યાનો ભય, સમાગમનો રોમાંચ અને સૌંદર્યનો રોમાંસ ઢળતી રાતમાં જોશથી ઢોળાતો ગયો. દરિયાના જળની જેમ છલકાતો, ઉભરાતો સમુદ્રની માછલીઓની જેવો તરવરાટ, તલસતો એકબીજામાં વહેતો ગયો. અપાતો ગયો.

ફિશીંગ ફન રોજિંદી જિંદગીથી જરા જુદી, અલગ કાર્બનડાયોકસાઈડ વિનાની, પ્રાકૃતિક આબોહવાવાળી સ્વપ્નિલ સફર પર કટુ વાસ્તવિક્તાની સતહથી દૂર લઈ જતી હતી. ડોલતી, ડૂબતી અને સ્વપ્ન અને સત્યનો તફાવત ભૂંસી નશીલી જિંદગીનો કાલ્પનિક પરિચય આ ફિશીંગ ફન કરાવી રહી હતી. અકારણ અસમંજસમાં ગરમ થઈ, ગુસ્સો કે રાજી થઈ પ્રેમ કરી નાંખનારા, પોતાની જ મહત્તામાં ચકચૂર સ્ત્રી-પુરુષોના સંબંધોમાં જોડાયા બાદ દુનિયાભરની પરેશાનીઓના નિરાકરણ માટેની, નિવારણ માટેની અહીં માત્રને માત્ર એક જ પરિભાષા, માત્ર એક જ મંત્ર હતો : ફન, મોજ, જલસા.

ક્રમશ:

અન્યમનસ્કતા

પ્રકરણ ૬

પાણીના વહેતા પ્રવાહની ઠંડી ઘેરી લીલી સતહમાં પ્રાત:કાલીન સૂરજની ધૂપવાળી સોનેરી સુવાસ હતી. દરિયાના ટાપુઓનું સૌંદર્ય નિહાળવા, શિખાઉ ગિટારવાદકની ધૂન પર બેઢંકી રીતે ખૂલીને નાચવા, ખુલ્લા આકાશમાંથી વરસતી ચાંદનીમાં, અનાદિથી અનંત સુધી ઝગમગતા આસમાની સિતારાઓની રોશનીમાં તરબતર થવા, ખારા પાણીના તાજા સી-ફૂડનો, વિવિધ જાતની મચ્છીઓનો સ્વાદ ઉઠાવવા, અસીમ અફાટ સામુદ્રિક સપાટી પર તરતા દૈનિક ફિકરમાંથી મુક્ત બની દરિયાઈ સંપત્તિના પ્રવાસનો લુફ્ત ઉઠાવવા, વિહરવા માટે ફિશીંગ ફન શ્રેષ્ઠ સાધન હતું. અહીં પાણીનો સ્વાદ નમકીન અને હવા શુષ્ક હતી, અજનબી હતી.

સવાર પડી. પાણી પર સૂર્ય ઊગી ક્ષિતિજની રેખામાંથી બહાર આવી ઝળહળતો ને પીળા પ્રકાશની સ્વર્ણ આભામાં દરિયાના ખારા, મીઠાંવાળા પાણીને ચમકતું-ચળકતું કરી દેતો. જહાજમાં વહેલી સવારના કુમળા તડકામાં ટુવાલ ઓઢીને પુરુષો લાંબી સફેદ નેતરની સુંવાળી આરામ-ખુરશીઓ ઉપર પગ લંબાવીને સૂતાં-સૂતાં સનગ્લાસિસ ચડાવી શરીર શેકી રહ્યા હતા. અંગ્રેજી છાપા વાંચતાં, જ્યુસનો ઓર્ડર અપાતો હતો. તેમની સ્ત્રીઓ પોતાના બચ્ચાંઓને લઈને સ્વિમિંગ પુલમાં બિકીની પહેરીને મસ્તી કરતી હતી. કલાકો સુધી હવા ભરેલા બોલ લઈ સંતાનો જોડે રમતી રહી હતી. બ્રેક-ફાસ્ટ પણ તે ઈચ્છે તો ત્યાં આવી જતો હતો.

એક સમુદ્રી ટાપુ પાસેથી જહાજ પસાર થયુંને મુસાફરો તેને જોવા ઉમટી પડ્યા. રેતી પર ઊંધી રાખેલી હોડીઓ અને વાંસના ટેકે છાપરા ટેકવેલા ઘરવાળી આદિવાસી કબીલાની વસ્તી જોવા મળી. વસાહતમાંથી પથ્થરના દાગીના અને લીલાં પાંદડા પહેરેલા અર્ધનંગા બાળકો દોડતાં જહાજને જોવા નીકળ્યા. આગળ જંગલ ગાઢ બન્યું. લીલોતરી હરિયાળીમાં નારિયેળીના નારિયેળ ન ઉતરવાને લીધે પાકીને ધૂળિયા રંગના થવા માંડ્યા હતા. પક્ષીઓ-પ્રાણીઓ જહાજના અવાજમાં જંગલમાંથી બહાર નીકળતા કલરવ કરતાં તો અમુક છુપાઈને ત્રાડ પાડતાં હતા. પાણીના વહેણમાં સરકતી માછલીઓના આભાસી પડછાયા દેખાતાંને બાળકો તેમને પોપકોર્ન નાખતાં ફોટો પાડતાં આનંદ કરવા લાગ્યાં.

ડેક પર ઊભા રહીને ચોકોના ટુકડા છાંટેલી ફીણયુક્ત કોલ્ડ-કોફી પીતાં પીતાં સોનાલીએ બેંચ પર બેસીને અખબાર વાંચી રહેલા વિવેકને પૂછ્યું, ‘તેને કેવી સ્ત્રી ગમે?’

વિવેકે છાપાંની અંદરથી મોઢું બહાર કાઢી સ્ફૂર્તિથી જવાબ આપ્યો. ‘સ્વસ્થ બદન, શરબતી હોય, એકલી પ્રેમી કે પતિથી છૂટી પડેલી સિંગલ હોય, વાતવાતમાં અંગ્રેજી વર્ડ બોલતી હોય, તેનું નામ સુમધુર હોય, ધનિક ખૂબસૂરત હોય, ઓછું ભણેલી પણ વધુ જાણતી હોય તેવી યુવતી હર પુરુષની પસંદ છે, પણ મારો ટેસ્ટ જરા અલગ છે. મને માત્ર એવી યુવતીઓ ગમે છે જે જૂઠ પણ બડી સચ્ચાઈથી બોલી શકે. જેની પાસે બેફિકર થઈને રહી શકાય. સ્વપ્નમાં જે દગો ના આપે અને દગો આપે તો એ પણ પૂરી વફાદારી, ખાનદાની, નિર્ભયતા સાથે, અન્યાય વિના આપે.’

ગમતી સ્ત્રી વિશે ખુદના વિચારો જણાવતા વિવેકના ચહેરા પર સ્મિત છલકી આવ્યું. સોનાલીને તેની વાતમાં રસ પડ્યો. સનગ્લાસિસ આંખ પરથી ઊંચા કરીને કપાળ પર વાળમાં ભરાવતા ઉત્સાહથી તે બોલી, ‘સ્ત્રી કેવી હોવી જોઈએ?’

‘સ્ત્રી કવિ ન હોવી જોઈએ. પુરુષને કવિ બનાવી દે તેવી હોવી જોઈએ. જેની પાસે રહીને બધી જ ઇન્દ્રિયો અટકી જાય. સમજશક્તિ, તર્કબુધ્ધિ અને જ્ઞાન ઓગળી જવા જોઈએ. મનગમતી માશુકા આંખ સામેના હરેક દૃશ્યમાં છલકાઈ, અતીતના દુ:ખોને ધોઈ નાંખવી જોઈએ. તેની સૂકી આંખોમાં જોઈ ખોળામાં કમજોર બની બધી જ વેદના ઢાળી દેવાનું મન થઈ રડી પડવાની ઈચ્છા થાય તેવી સ્ત્રી મારી પસંદ છે. મારા આત્માને પ્રેમથી ભીંજવી નાંખે તેવી સ્ત્રી અને ખુલ્લી આંખોના હર ખ્વાબ પૂરા કરી નાંખે તેવી સ્ત્રી. જેના શરીરનો સ્પર્શ બધી જ બનાવટને ઊખેડીને સચ્ચાઈ પ્રસ્તુત કરી દે તેવી સ્ત્રી. જેના વિચારો શરીર અને મન બેફામ બની દિમાગ સાથે ટકરાઈ મર્દાનગી ભડકાવી દે તેવી સ્ત્રી. જેની જિદ પણ પ્રિય થઈ જાય એવી સ્ત્રી. નિર્મળ ખાલીસ પારદર્શક્તા, મૌલિકતા સાથે મન-મર્યાદાની સપાટી પર રહીને સુખેથી ઝઘડી એકબીજાના વિરોધને સહજતાથી સ્વીકારી શકે તેવી સ્ત્રી મારી સપનાંની, પરિકથાની રાજકુમારી છે.’

‘કોલેજકાળમાં ઘણી સ્માર્ટ, સોફિસ્ટીકેટેડ, સીધીસાદી સરળ છોકરીઓથી લઈ ઉચ્ચ દરજાવાળી સુંદર-સુંદર યુવતીઓ સાથ તેં ફ્લર્ટિંગ કર્યું હતું અને આજ સુધી એ બધી છોકરીઓમાંથી કેમ કોઈ તારી પસંદ ન બની શક્યું?’

‘નાદાન છોકરીઓ સાથે કેબિનોમાં, બગીચાના ખૂણાઓમાં કે સિનેમા હૉલની કપલસીટ પર બેસીને અંધારામાં અડપલાં કરી લેવાનું કોને ન ગમે? એ યુવકની રોમિયોગીરી નથી પણ બાજીગરી છે. હર યુવતીને પ્રિય થઈ શરીરથી પારખી લેવાની પ્રયુક્તિ. એ ફ્લર્ટિંગ ન હતું અને મને ખ્યાલ નથી જિંદગીમાં કોણ પહેલાં આવ્યું? ફીલિંગ કે ફ્લર્ટિંગ. કદાચ ફ્લર્ટિંગ જ. લાગણી તો બહુ પહેલાં આંધળા પ્રેમના અનુભવો સાથે કિશોરાવસ્થાએ આવીને યુવાવસ્થા સુધીમાં જતી રહી હતી. પછીથી જીવનના પ્રત્યેક વળાંકે આકર્ષક અને સુંદર સ્ત્રી સાથે સંગાથ કેળવવામાં, સમજી-વિચારીને હળવા-મળવામાં, તેના સોહામણા વ્યક્તિત્વ અને સંદેશમય અસ્તિત્વના નિરીક્ષણ કરવામાં રસ રહ્યો છે.’

‘જીવનમાં સિંગલ રહી એકલતા મહેસૂસ નથી થતી?’

‘એકલતા!’ વિવેક જોરથી હસ્યો. ‘હા, લાગે છેને એકલતા. પરંતુ શું થાય? સખત ભૂખ લાગે ત્યારે ખરાબ રસોઈ પણ સ્વાદિષ્ટ લાગે છે એ રીતે એકાંતની પળોમાં કોઈ ન હોય ત્યારે ઘરનો નોકર કે કૂતરો પણ પ્રેમી લાગવા માંડે છે. એકાંત સ્ત્રીઓને સતાવી શકે. પુરુષોને તો એકલતા સ્વતંત્રતાનો અહેસાસ કરાવે છે.’ વિવેક અટક્યો, ‘પ્રેમ વિષય મારા માટે બહુ પેચીદો બની ગયો છે. હવે કોઈ માટે પહેલાં જેવો પ્રેમ ઉપજતો જ નથી, કોણ જાણે કેમ?’ વિવેકે લાંબુ બગાસું ખાધું.

‘બીજાની પસંદને પસંદ કરવા લાગી જા, પ્રેમ આપોઆપ ઉત્પન્ન થઈ જશે.’

‘પ્રેમ માટે સમાધાન કરીને સ્વતંત્ર રહેવાના ભ્રમમાં રહેવા કરતાં આત્મહત્યા વધુ સારો રસ્તો છે. કમ સે કમ એક જિંદગી જ નામશેષ થાય છે.’

‘વિવેક મને આવી મરવા-મારવાની વાતોથી ડર લાગે છે. તને ડર નથી લાગતો?’ સોનાલીના મુખ પર ચિંતાની રેખાઓ ખેંચાઈ આવી.

‘મને સત્ય બોલતાં માણસથી દુનિયામાં સૌથી વધુ ડર, ભય, બીક લાગે છે. કોણ જાણે ક્યારે આપણો સામનો નગ્નતા સાથે કરાવી નાંખે. નગ્નતા જાનલેવા હોય છે.’

‘હું ગઈકાલ સાંજથી પેલા કપલનો અભ્યાસ કરી રહી છું.’ સોનાલીએ એક સ્ત્રી-પુરુષ સામે હાથ લંબાવી ઇશારાથી વિવેકનું ધ્યાન તેની તરફ દોર્યું. એક યુવા પુરુષ તેની પાર્ટનરના નખ નેલ-કટરથી હજામની જેમ તરાશી રહ્યો હતો.

‘તે કપલ નવા-નવા નુસખાથી પોતે એકબીજાને કેટલો પ્રેમ કરે છે તે જતાવે છે. તે બંનેના સંબંધોમાં ઉપર ઉપરથી ફેશનેબલ મોડર્ન ઉષ્માની કરચલી ચડેલી દેખાય છે અને અંદરથી બર્ફીલી ઠંડક. નવપરણિત લાગે છે.’

વિવેક આશ્ચર્યથી સવાલ કર્યો. ‘તું આવું બધું ક્યારથી માર્ક કરવા લાગી?’

‘જ્યારથી બીજાઓની જેમ જીવવાનું, વિચારવાનું મેં છોડી દીધું. જીવનનાં આવા જ અભ્યાસો પરથી અનુભવ્યું છે કે ખોટા દેખાડા કરી સૌપ્રથમ મનુષ્ય પોતાની જાતને ઠગતો થાય છે. પછી દેખાડો થોડી સાધના માગી લે છે ત્યારે પોતાનું જૂઠ પણ બીજાને સત્ય લાગવા લાગે છે.’

‘ઓહ કમ ઓન ડિયર, સ્ત્રી-પુરુષના સંબંધ જૂઠના પાયા પર વધુ સમય સુધી ટકી શકે છે. શું આલોકે ક્યારેય તને લાડ લડાવ્યા નથી? શું તમારી બંને વચ્ચે પણ પેલા કપલ જેવો ઉષ્મા છલકાવતો પ્યાર ન હતો? એક નાનકડું સત્ય ઇતિહાસના પાયા ડોલાવી નાંખવા પૂરતું છે. મારા દિલમાં કોઈ પ્રત્યે કેટલી લાગણી છે એની જાણ જો તેમને થઈ જાય તો એ મારી ઈર્ષા કરવાના હકદાર બની જાય. જીવનની વિચિત્ર હકીકત તો એ છે કે જેમના પ્રત્યે આપણા હદયમાં ભારોભાર તિરસ્કાર અને નફરત હોય છે એ લોકો જ આપણી તીવ્ર આવશ્યકતા અને અનિવાર્યતા હોય છે.’

‘આલોકને મારી દરકાર હતી. એ દેખાડા ન હતા. હા, અમે પણ એકબીજાને ખૂબ લાડ લડાવ્યા છે. રિસાયા છીએ, રિસાઈને એકબીજાને મનાવ્યા છે. એકબીજાની જિદને જાન લગાવી પૂરી પણ કરી છે. એક સ્ત્રી કેમ ન ઈચ્છે કે એ શ્રેષ્ઠ પ્રેમિકા બની શકે તો બેસ્ટ વાઇફ પણ બની શકે. પછી ભલે દુ:ખ વધુ અને સુખ ઓછું ભોગવવા મળે. પછી ભલેને કોઈ એકની વફાદાર બનવા માટે બીજા બધા સાથે ગદ્દારી કરવી પડે. આલોક એવો પુરુષ હતો જેની પત્ની બનીને કોઈ પણ સ્ત્રી સુખ મેળવી શકે. તે લાગણીમાં વહી જતો નહોતો, પણ તેને લાગણીનું ભાન અને કદર હતી. ન ગમવા જેવું ઘણું હતું એનામાં, પરંતુ તેની સાથે જીવવાનું મને ગમતું હતું. જોકે આપણી જુદાઈમાં, તારો સાથ છૂટ્યા બાદના વિખૂટાપણામાં હું દુ:ખી પણ હતી. મેં તને યાદ ન કર્યો એવું પણ ન હતું. આલોકની હાજરીએ બસ તારી કમી ઓછી કરી હતી. આવનારા વર્ષોમાં એ કદાચ મારા જીવનમાંથી તારી યાદો ભૂંસવામાં, ભૂલવામાં સફળ પણ થઈ જાત પણ...’

‘હું સમજી શકું છું સોનાલી...’ વિવેકે સોનાલીને આશ્લેષમાં લીધી. ‘તે ઘણાં કષ્ટો સહ્યાં છે.’

‘ગમતી ક્રિયાઓમાં આનંદ અને આરામ કરતાં શ્રમ વધુ પડે છે.’ બંને ભાવહીન મુસ્કુરાયા.

વિવેકે વિચાર્યું, ‘એકલા પડવાનો પણ આનંદ મળે છે અને ભીડ વચ્ચે ગુમ થઈ વિષાદ ભળે છે. એ જવાનીના દિવસો હતા જ્યારે ફિકરનું ફલક બહુ નાનું અને હલકું હતું. હર યુવતી સાથે પ્રેમ કરી ‘‘આઈ લવ યુ’’ કહી શકાતું હતું. આગળ જતાં પૈસા અને પોતાના પાછળ દોડતી દુનિયામાં દિલચસ્પી સાથે સમયનું ક્ષેત્રફળ નાનું બનતું ગયું. આજે જ્યારે ઘટનાનું, ભૂતકાળનું કર્મક્ષેત્ર વિસ્તરીને સામે આવે છે ત્યારે લાગી રહ્યું છે કે, વેર લેવાથી સંતોષ મળતો નથી કે ફાયદો થતો નથી. પુરુષ પોતાના અહમથી ટકરાઈ, અથડાઈને તો સ્ત્રી જિદથી ઝૂકીને વેર લે છે. જ્યારે માણસના અહમને ધક્કો લાગે છે ત્યારે તેને બીજાઓ અહંકારી લાગવા લાગે છે. પુરુષ-સ્ત્રીના ઘર્ષણમાંથી ઝરતા પરાગનું નામ હશે: શૂન્યાવકાશ. ગઈકાલની ક્ષણો અને હાથની રેખામાં ચિતરેલી ભવિષ્યની પળો કોઈ ભૂંસી શકતું નથી.

વીતેલી પળોને, જીવેલા ભૂતકાળને ઇતિહાસ સમજીને તેને યાદ કરતાં રહેવાનો આપણે ત્યાં રિવાજ છે. ખુશનુમા વ્યક્તિઓ અને ગુલાબી ઘટનાઓને આપણી આજ સાથે સરખાવીને વાસ્તવને ઢાંકી શકાય છે. પાછલી કાલને ભૂલી જવાથી ભૂતકાળ ભૂંસાઈ જતો નથી. એ ઘટનાઓની યાદો મરતી નથી. સ્મૃતિઓ બુઝાતી નથી. આંખોની ભીનાશ, ચહેરા પરનું હાસ્ય, હાથની રેખાઓ, જબાની વાયદાઓ અને બીજું કેટકેટલુંય જે બયાન કરી શકાતું નથી.

આજે પણ જૂની પ્રેમિકાઓ ફેસબુક પર કે રસ્તામાં અનાયાસે મળી જાય છે ત્યારે જિંદગી બેખબર બની ભૂતકાળ તરફ ભાગતી જાય છે. વર્તમાનને ઠુકરાવી વીતેલી કાલની મેઘધનુષી યાદો જીવંત બની જાય છે. ભૂતકાળ હંમેશા જીવતો રહે છે. ધડકનો સાથે ધબકતો રહે છે અને આજ?’ વિવેકે બ્રિસ્ટોલ સિગારેટના પાકીટ પરથી પ્લાસ્ટિકનું પાતળું રેપર કાઢ્યું. તેમાંથી એક સિગારેટ કાઢીને હોઠોમાં દબાવી. લાઈટરથી જગાવી અને લાંબો કશ લઈને મોઢું આકાશની દિશામાં ઊચું કર્યું. તેના બે હોઠ વચ્ચેથી સફેદ ધુમ્રસેરની ગોટીઓ હવામાં ભળી ગઈ.

‘આજે હું ખુશ છું. પ્રેમિકાઓના દગા સહન કરીને બેવફાઈના જામ પીને, મમ્મી-પપ્પાની ઈચ્છા મુજબ જીવીને, પરણીને... દર્દ અને સુખના અનુભવો પરથી એટલું સમજાઈ ગયું છે કે જીવનમાં જો આંખોમાં ભીનાશનો, શ્વાસોનો અવાજ સાંભળીને કે વેદનાનો અહેસાસ ન થાય કે પછી કંઈ પણ યાદ કરીએ અને દુ:ખ ન થાય, સંતોષ ન મળે તો તેને જ ખરાબ સમય કહેવાય. જિંદગી થોડી લડખડાય નહીં તો અવનવા અનુભવોની મજા કેવી રીતે લઈ શકાય? પોતાનાઓથી પરિચિત કેમ થઈ શકાય? અને ખુદની ઓળખ જમાનાને કેવી રીતે આપી શકાય? આ દુનિયામાં ઈચ્છા, અનિચ્છાએ એકાએક થતી ઘટનાઓને અકસ્માત કહે છે, અકસ્માતો મને ગમે છે. જેમણે મને ખુન્નસથી ટક્કર આપવાની ઊર્જા બક્ષી છે.

એક ભયાનક દુર્ઘટના બીજાના જીવનનો સુખદ પ્રસંગ બની જાય છે. આલોકના હવાઈ-અકસ્માતના મૃત્યુએ મને ફરીથી સોનાલી સાથે મેળાપ કરાવી આપ્યો. કોઈ મૃતકની વિધવા આજે મારી દોસ્ત બની. અનાથ ઓલાદને પોતાનાં ગર્ભમાં લઈ ફરી રહેલી પુરાણી પ્રેમિકા. આ એ જ સોનાલી છે જેણે મને ગરીબ, બેકાર અને નિષ્ફળ હોવાના કારણે પ્રેમ હોવા છતાં નાપસંદ કરી દીધો હતો. આ એ જ સ્ત્રી છે જેણે ઘર-પરિવાર, જૂઠ્ઠી ઈજ્જત અને એક અમીર યુવકના પૈસાની રેલમછેલ પાછળ પોતાની પસંદને છોડી મૂકી હતી. આ એ જ ઓરત છે જેણે મહોબ્બતના મતલબોને પલટાવી નાંખ્યા હતા અને આજે એ જ સોનાલી મને કહે છે, બીજાની પસંદને પસંદ કરવા લાગી જા, પ્રેમ તો આપોઆપ ઉત્પન્ન થઈ જશે.’

દૂર ડેક પર ફોટો ખેંચાવી રહેલી સોનાલીએ કેમેરો હાથમાં લઈ ઈશારો કરી વિવેકને પોઝ આપવા કહ્યું. તે સિકંદરની જેમ છાતી બતાવી ખુમારીથી ટટ્ટાર ખડો રહી ગયો.

બપોર પડી ગઈ હતી. ખુલ્લા ગગનમાં સૂર્ય ગરમ જ્વાળાઓ છોડવા લાગ્યો. ફિશીંગ ફન પર વાંસના ફર્નિચરથી સજાવેલી રેસ્ટોરાંમાં સોનાલી-વિવેક લંચ કરવા ચાલ્યા ગયા. સફેદ કાચના ડિશ-બાઉલમાં બારીક ચીઝ છાંટેલી, કોથમીર ભભરાવેલી વિવિધ સબ્જી, વરાળ નીકળતા રાઈઝ પર લવિંગ અને તજ સજાવેલી ખુશ્બુથી મહેકત ડિશ, ક્રિસ્પી ફરસાણ, ચાસણીમાં ડૂબેલા ડ્રાયફ્રૂટથી તરબતર મિષ્ટાન, બારીક કાપેલાં પ્યાજ, બીટ, કાકડી, કોબી અને ટમેટા જેવાં વેજીટેબલ સાથે સફરજન, કેળાં, દ્રાક્ષ અને કિસમિસ નાંખેલું રશિયન સલાડ, પાલકનાં પાનના પરાઠા અને દાડમનાં દાણાંથી ઢંકાઈ ગયેલી મલાઈદાર ઘટ્ટ લસ્સી. જમીને લાલ રંગની મખમલી કાર્પેટ ફરસ પાથરેલા બારમાં જઈ બંને થોડીવાર ગેમ રમ્યા. સિગારેટના ધૂમાડા અને આલ્કોહોલની વાસમાં આછા અજવાળામાં બંનેએ કિંગફિશર બિયર પીધું અને પછી સોનાલી તેની કેબિનમાં આવી સૂટકેસ પૅક કરવા લાગી. બેગ તૈયાર થઈ. સામાન લઈ કેબિનની ચાવી જહાજના કેશ-કાઉન્ટર પર સોંપાઈ ગઈ.

ફિશીંગ ફનનો દરિયામાંથી કિનારા પર પાછો આવવાનો જેમ-જેમ વખત નજીક આવતો ગયો તેમ-તેમ યાત્રીઓમાં ચહલ-પહલ વધતી ગઈ. દૂરથી કિનારો દેખાવા લાગ્યો. નાના મોજાંઓ નિ:શબ્દતાથી પથરાઈ જઈ સોનેરી રેતી પર ભીનાશ પાથરતા હતા. આજે સમુદ્ર શાંત, સ્થિર અને સ્વચ્છ બ્લૂ દેખાતો હતો. મોટી ઈલેક્ટ્રિકની ડિસ-પ્લે પર વિવિધ રીતે પ્રવાસીઓનો આભાર વ્યક્ત થયો અને તેમને ફરીથી ફિશીંગ ફન પર આવવાનું આમંત્રણ અપાયું.

રવિવારની સાંજે કિનારા પર જહાજ આવ્યું. યાત્રીઓ ઠંડી રેતી પર ઉતર્યા. વિવેક અને સોનાલી ગેસ્ટ હાઉસ પર આવ્યા. જમીને થોડીવાર આરામ કરીને બંને ગાડીમાં ગોઠવાયા. વિવેકે ગાડી સ્ટાર્ટ કરી.

પાછા આવવાનો સમય આવી ગયો.

જે દિશામાંથી ગાડી આવી હતી તે દિશાના રસ્તા પર ફરીથી એ વૈવિધ્યહીન જીવેલી, વીતી ચૂકેલી ગઈકાલો વચ્ચે પાછું જવાનું હતું. ઘર-પરિવાર, ઓફિસના પરિચિતો, સાથી કર્મચારીઓના જૂના ચહેરા અને તીણાં અવાજોવાળી નામહીન કામસભર સંબંધોની દુનિયામાં પાછું ફરવાનું હતું. ટ્રાફિક વચ્ચે મશીનોની અદ્યતન નગરીમાં ઘડિયાળની છટકેલી કમાન જેવી માનસિક મનોદશા હેઠળ કામ કરતાં માલિકો, એક-એક પાઇ માટે ઝઝૂમતા મજૂરો, બેશુમાર પ્યાર કરતી ખંજન, પોતાની જવાબદારીઓને ખૂબસૂરતીથી નિભાવતી સયુરીની દુનિયા તેમને બોલાવી રહી હતી. મરેલા જાનવર ઉપર જંતુઓ ભેગા થવા લાગે એમ સિધ્ધાંતો અને આદર્શોના ખદબદતા વિચારોવાળી દુનિયામાં, સવારની કોમળ આભા, બપોરનો નમકીન ઉત્તાપ, સાંજનો ઠરતો સૂર્યાસ્ત અને થાકેલી રાતોવાળી દુનિયા. જ્યાં અપાયેલી સ્થિતિઓને તોડી, મરોડીને પોતાના મન મુજબ ગોઠવીને જીવવું મનુષ્ય-કર્મ છે. જંગલી જેહાદમાં, મરણિયા મુકાબલામાં, ખુવારી અને પ્રતિશોધની લડાઈમાં જિંદગી જીવવાની છે.

આ જમાનામાં પુરુષની તાસીર જ આવી છે. દિવમાં આવેશને આવેગપૂર્વક હેત અને હૂંફ આપી સોનાલી જેવી પ્રિયતમાને પત્નીની જેમ પામીને જિંદગીની ખાલી જગ્યા થોડી પુરાઈ હતી. મધુરતાથી વીતાવેલી આ ઘડીઓ જીવનસફરની કઠોર યાદોને ભૂંસી નાંખવા સર્જાઈ હતી તેવું લાગી રહ્યું હતું. સિક્કાની બીજી તરફ ખંજન જેવી આજ્ઞાકારી, વિશ્વાસુ અને આંખ આડા કાન કરી બધું ચલાવી લેનારી પત્ની સાથેની અનીતિ આચરી બેસીએ એવા પ્રેમી અને પતિત્વ વચ્ચેના સંબંધમાં પોતાને નિર્દોષ સાબિત કરવાનો વિચાર વિવેકને અકળાવી રહ્યો. અસહ્ય સુખ પાથરતા જીવન વચ્ચે ખંજન જેવી શ્રેષ્ઠ સ્ત્રી, પત્ની અને સંજોગોના કારણે લગ્નસંબંધમાં અપ્રમાણિક બન્યા બાદ પોતાને ઈમાનદાર, ભાવુક અને નિર્બળ બનીને ખુદને બેકસૂર સમજવાની, સમજાવાની એક એક રમતનાં પાસાં વિવેકના મનમાં પડવા લાગ્યાં હતાં.

‘જિંદગી પોતાને માટે જીવવા મળી હોય તેવું બહુ ઓછીવાર મહેસૂસ થયું છે. જીવન પોતાની મેળે જીવ્યું હોય તેવું ક્યારેય લાગ્યું જ નથી. સ્વાર્થ નામના શબ્દને કોઈ સ્થાન ન હતું ને આજે સ્વાર્થ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ખુશ થવાનો, મુખ પર હોઠ ભીડીને હાસ્ય કે ખામોશીથી શૂન્ય આંખોમાં ભીનાશના રંગ ઉપસાવી ખુશીના આંસુ છલકાવવાનો મોકો ક્યાં મળે છે? કોઈના દુ:ખમાં બહેલાવેલા આંસુ પણ આજે નમકીન લાગતા હતા જ્યારે ખુશીઓની કિંમત આટલી મોંઘી ન હતી. સમયની કદર ન હતી કે ભાવિ પર ભરોસો ન હતો. મુઠ્ઠીમાં આજ સમાયેલી હતી.

લાગણીના, આકર્ષણના સંબંધોમાં માનવીએ સત્યનું, સ્વાર્થનું, સહાનુભૂતિનું અટપટું ગણિત સૌએ પોતપોતાની જરૂરિયાત અને બુધ્ધિક્ષમતાથી સમજવા-સંતોષવાનું રહે છે. અપેક્ષા, આકાંક્ષા અને ઈચ્છાઓ નિરાશાને જન્મ આપીને સંબંધોને ખતમ કરી નાંખે છે.

બધી વૃત્તિઓ ચીમળાઈ ગઈ હતી. કશામાં જ્યારે રસ ન હતો એ સમયે સોનાલીને વિવેકનો સાથ-સહકાર, સ્નેહ અને સ્પર્શ મળી ગયો હતો. જે વ્યક્તિ પ્રત્યે પારાવાર રસ જાગ્યો હતો એ વ્યક્તિ હવે હાથમાં આવી હૈયા પર રાજ કરી હતી. તે છટકી ન જાય તેનું ધ્યાન રાખવાનું હતું. સોનાલીએ અવરોધોને શાંતિથી સહન કરી લેવાનું અને સંજોગો સામે ધીરજ રાખી નમી જવાનું છોડી દેવાનો નિર્ધાર કર્યો.

માનસપટ પર છવાયેલી ધૂંધળાશ વચ્ચે ગઈકાલના દૃશ્યની છાપ સ્પષ્ટ થવા લાગતી અને ઝડપથી ફરતા ફિલ્મી દૃશ્યની જેમ વિવેક અને સોનાલીને જાતજાતના ખયાલો આવી જતાં હતાં. વિચારો પણ બે પ્રકારના હોય છે: આંતરિક અને બાહ્ય. ભડકતી જ્યોતની જેમ, શમાની લૉની જેમ, ચિરાગોમાંથી જન્મતી દિમાગમાં તનાવ ઝુકાવી આંખોમાં સરુર પેદા કરી નાંખતી હર રાત સરખી અને સવાર જુદી હતી. શબ્દો વિનાના, વિચારો વિનાના, સંવેદનો વિનાના, વાચાને આકાર આપતા અજાણ, અણગમતા લાગણીઓના રસ્તા અન્યમનસ્કતા તરફ હાથમાં નાચતા પારાની જેમ ડોલી રહ્યાં હતાં. જીવવાની પ્રક્રિયા ફરી આનંદ-પ્રમોદના ઉચ્ચ સ્તર પર પહોંચી સ્વતંત્રતાની બેફામ ખુશીની સીમાને અડી સામાન્ય જીવનની ક્ષણિક ખરાબીઓ અને કાલ્પનિક સારાઈ વચ્ચે આવીને અટકી પડી.

ક્રમશ:

અન્યમનસ્કતા

પ્રકરણ ૭

‘...મમ્મીજી તમે મને જણાવવું જરૂરી કેમ ના સમજયું? મને પૂરી વાત કહો. શું થયું અને કેમ કરતાં આ થયું છે? હવે ખંજનને કેમ છે?’ પ્રશ્નોત્તરીના સ્વરમાં વિવેકની ઊંડી ચિંતાના ભાવ પ્રકટ થયા.

‘જમાઈરાજા, કોઈ ગંભીર વાત નથી. ખંજનને બિલકુલ સારું છે. તમે બિઝનેસ ટુરમાં વ્યસ્ત હતા એટલે ખંજનના જ કહેવાથી તમને ફોન કરી હેરાન કર્યા નથી. નાનકડો એક્સિડેન્ટ હતો, બસ...’

ખંજનની માતા કૌશલ્યાબહેનની વાત વિવેકના ગળે ન ઊતરી.

‘વ્હોટ? એ મારી પત્ની છે. તેને ચક્કર આવે છે. તે પગથિયાં પરથી પડી જાય છે. તેના કપાળ અને હાથ પર વાગ્યું છે અને તમારે મને જણાવવું જરૂરી ના લાગ્યું? ખંજન તો ના પાડે, પણ તમારી ફરજ બનતી હતી મને જાણ કરવાની...’ વિવેકના ઊંચા-ઉતાવળા અવાજે અંદરના રૂમમાં આરામ કરી રહેલી ખંજનનું ધ્યાન ખેંચ્યું. ખંજનનો ધીમો ધ્વનિ વિવેકના કાને પડતાં તે તેની પાસે દોડી ગયો.

પીળા બલ્બના આછા પ્રકાશમાં ખંજન આલિશાન બેડ પર ચાદર ઓઢીને સીધી સૂતી હતી. તેનો ચહેરો ફિક્કો પડી ગયો હતો. ટેબલ પર જ્યાં ટેબ્લેટ, દવાની બોટલ પડી હતી ત્યાં વિવેક ખુરશી ખેંચીને ખંજન પાસે બેઠો. તેણે ખંજનનો હાથ પકડીને દબાવ્યો. ખંજનને દવાનું પણ ઘેન ચડી રહ્યું હતું અને બોલવામાં થોડી તકલીફ પણ પડી રહી હતી, છતાં એને વિવેક સાથે વાતો કરવી હતી.

‘તમે ટેન્શન ન કરતા. ટૂંક સમયમાં હું ફરીથી સ્વસ્થ થઈ જઈશ. તમે હજુ ટુર પરથી આવ્યા જ છો. ફ્રેશ થઈ જાઓ, જમી લ્યો. નિરાંતે...’

‘તું ટેન્શનની વાત કરે છે? તમને લોકોને મને આ અકસ્માત વિશે જણાવવું જરા પણ જરૂરી ન લાગ્યું ને...’ ખંજને વિવેકની વાત કાપી શુષ્ક સ્વરે કહ્યું, ‘પ્લિઝ... અકસ્માત કે દુર્ઘટના જેવા વિશેષણો આ બનાવને ના આપો. વિવેક આ એક યાદગાર પ્રસંગ છે.’

વિવેકને કશું સમજાતું નહોતું. ખંજનની મમ્મી અને ખંજન પોતે પણ આ સ્થિતિમાં ખુશ હતાં!

ખંજને વિવેકે પકડેલો હાથ પોતાના પેટ પર મૂક્યો. ‘તમે પપ્પા બનવાના છો, વિવેક.’ વિવેકના કાનમાં આ શબ્દો પડ્યાં અને તેની ખુશીનો પાર ન રહ્યો. એ ઊછળી પડ્યો. આનંદથી ખંજનને ભેટી પડ્યો. તેણે ખંજનના ગાલ ચૂમી લીધાં. તેનાં પેટ પર કાન રાખીને ખંજનના પેટમાં ઉછરી રહેલા ખાનદાનના વંશ, પોતાના અંશને મહેસૂસ કરવાની તેણે કોશિશ કરી. ડ્રોઈંગરૂમમાંથી ખંજનના મમ્મી કૌશલ્યાજી બેડરૂમમાં પ્રવેશી હર્ષથી બોલ્યા,

‘હવે જેવી ખંજન દીકરી થોડી ઠીક થાય તેવી તેને પિયર લઈ જવાનો સમય આવી જશે. વિવેકકુમાર, મેં તમારા મમ્મી સાથે રાજકોટ ફોન પર વાત કરી લીધી છે. લીલાવતીબહેન કોઈપણ સમયે બસ અહીં પહોંચવા જ જોઈએ. રાજકોટ કહો તો રાજકોટ અને મુંબઈ કહો તો ત્યાં પણ આ શહેરમાં ડિલિવરી કરવી નથી.’

‘ઈશ્વરનો આભાર છે આ. પ્રભકૃપાનો પ્રસાદ છે.’ તેમણે ખંજનના માથા પર હાથ ફેરવ્યો, ‘વિવેકકુમાર મારી ઢીંગલીના પપ્પા નાનાજી બનશે એ વાત જ્યારથી તમારા સસરાએ જાણી છે ત્યારથી તેમની ખુશીની સીમાઓને કોઈ લગામ જ લગાવી શકે તેમ નથી.’ આટલું બોલીને ખંજનના મમ્મી ખંજનને ભેટી પડ્યા. આંખમાંથી આનંદના આંસુનો એક લસરકો ગાલ પર થઈ વહી ગયો.

ખંજનના પિતા પ્રવીણ દવે નામદાર બિઝનેસમેન હતા. તેમની એકની એક દીકરી ખંજનની ખુશી ખાતર તેમણે જીવનમાં ઘણી બાંધછોડ કરી હતી. વિવેકની માતા લીલાવતીબહેન જોડેના જૂના કૌટુંબિક સંબંધોના કારણે વિવેકના લગ્ન ખંજન સાથે થયાં હતાં. વિવેકને પૈસા-પ્રતિષ્ઠા દહેજમાં મળ્યાં હતાં એ વાત સૌ જાણતા હતા. વિવેક એટલે જ આ સગપણમાં ખુદને દબાયેલો, દટાયેલો બેબસ અનુભવતો હતો. ખરા વ્હાલ માટે તે વલખાં માર્યા કરતો હતો.

પ્રવાસના થાકમાં, સતત ડ્રાઇવિંગ કરવાના કારણે વિવેક પિતા બનવાની વિશેષ ખુશી વ્યક્ત ન કરી શક્યો. વાતો થતી ગઈ. પરિવારમાં, પાડોશમાં, ઓફિસમાં ખંજન મમ્મી અને વિવેક પપ્પા બનવાના છે તેવા શુભ સમાચાર ઝડપથી ફેલાયા. મીઠાઈ વહેંચાવા લાગી.

ચોતરફથી અભિનંદનવર્ષા થઈ.

રાજકોટથી લીલાવતીબહેન અને મુંબઈથી વિસ્તરેલા કારોબારની મથામણમાંથી ખંજનના પિતા પ્રવીણ દવે તેની પાસે પહોંચી ગયા.

સમય વ્યવસ્થિત રીતે વહેતો ગયો. ફેમિલી ડૉક્ટરની જોડે શહેરના ઊંચામાં ઊંચા ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટરને ખંજન માટે અપોઈન્ટ કરી લેવામાં આવ્યાં. ફિટનેસ ચાર્ટ તૈયાર થયો. શું જમવું? શું ન જમવું? તેની ફાઇલ બનાવાઈ ગઈ. કપડાં, રમકડાંની ખરીદી થવા લાગી. બાબો આવે તો શું નામ? અને બેબી આવે તો શું નામ રાખીશું? તેની ચર્ચા થવા લાગી. ઘર-પરિવારમાં એક નવા સદસ્યના આગમનના અવસરે ઉમંગ, ઉત્સાહનું માયાવિશ્વ રચાયું અને સૌને પ્રફુલ્લિત કરી મૂક્યા.

ખંજનની દેખરેખ પાછળ વિવેકને હવે સોનાલીના મેસેજ-કોલ્સ નજરઅંદાજ કરવા પડે તેવી સ્થિતિ ઉપજવાની શરૂ થવા લાગી હતી. એટલે જ તે જવાબદારીઓના બોજ હેઠળ સોનાલી સાથે ભૂતકાળના જીવતા થયેલા સૂક્ષ્મ નાજુક સંબંધનું પરિણામ શું આવી શકે તે પ્રત્યે પણ વિચારતો થઈ ગયો. શું કરવું અને શું ન કરવું? બેજવાબદાર ભૂલને દર્શાવી સ્વચ્છ વર્તમાન અને સ્વપ્નના વર્તમાનનો ભેદ કરાવતી ભેદરેખા અસમંજસ બનીને સામે આવવા લાગી હતી. તે મનોમન ગણતરીપૂર્વક તર્ક કરતો થઈ ગયો.

‘અકસ્માતો જ જીવનને ગતિ અને અર્થ આપે છે, પરંતુ સોનાલી સાથે રચાયેલા રિશ્તાએ આકાંક્ષાવાળા બંનેના સપનાંઓથી અજાણતા જ અગણિત અસ્તિત્વોને લોહીલુહાણ કરી મૂક્યા છે. હવે સોનાલીને મારી વધુ જરૂર છે કે ખંજનને મારી વધુ જરૂરિયાત છે? એ સમજાતું નથી. એક સ્ત્રીના પેટમાં પારકું તો એક સ્ત્રીના પેટમાં પોતાનું બાળક છે.’ વિવેકે મનોમન નક્કી કર્યું હતું કે, ‘પતિ અને પ્રેમી બનીને બે જિંદગી જીવવાની છે. એકસાથે બે જિંદગી જીવાઈ રહી હતી હવે તે બેધારી જીવાતી જિંદગીની સારાઈ-બુરાઈનો અંજામ ભોગવાનો સમય પાકી ચૂક્યો હતો. ખંજનની, પોતાના આવનારા બાળકની, પતિ તરીકેના સંબંધોની આંખોના નૂરની જેમ કાળજી કરવાની છે. પતિ, પ્રેમી ઉપરાંત હવે પિતા બનવાની ફરજ અદા કરવા તૈયાર થઈ જવાનું છે. ખંજનનું આવનારું બાળક, મારું-અમારું સંતાન જે દાંપત્ય સંબંધના પ્રેમની નિશાની છે એ ફરજના અદૃશ્ય ભાર નીચે પેદા નહીં થાય. હું પણ સમજું છું કે ભૂલને સુધારી લેવાની નિષ્ઠા પ્રેમ નથી પણ ફરજ જ છે. પ્રાયશ્ચિત કરી પુણ્ય કમાવા રાહ જોવી પડશે. શરાફતના મનમાં જામી ગયેલા સાચાં-ખોટાં વિચારોને વેગ આપીને વધુ અસ્થિરતા ઉપજવા દેવાની નથી. કોઈની વેદનાનો સહભાગી થવાનો પ્રયાસ કેટલો મોંઘો ને ભારે પડી શકે તે આજ સમજાઈ રહ્યું છે.

પોતાનું પરણિત હોવું સોનાલીથી અને પોતાની જૂની પ્રેમિકા સાથેના સંબંધ ફરી તંદુરસ્ત થયા છે એ ખંજનથી છુપાવવું એ ક્રૂર મજાક હતી. સ્વાર્થસભર ફરેબ હતો. દિલતોડ દગો અને બેવફાઈ હતી.

સ્ત્રી ભૂલોનો સ્વીકાર સહજતાથી કરે છે. પછી તેઓ ભૂલોને માફ કરે કે ન કરે તે બીજી બાબત છે. બધું સાફસાફ કહી દેવું જોઈએ. હમણાં નહીં થોડા સમય બાદ. અત્યારે સમય, સંજોગની સ્થિતિ થોડી નાજુક છે. બંને સ્ત્રીની માનસિક અને શારીરિક હાલત આવી નાજુક વાત સહન ન કરી શકે. બહેતર છે, જેમ ચાલે છે તેમ બધું અન્યમનસ્કપણે ચાલવા દેવું.’

વિવેકને ખંજનના પેટમાં ઉછરી રહેલો પોતાનો અંશ હવે દાંપત્ય જીવનની જુદાઈ ઘટાડીને જવાબદારીના ભાન સાથે કર્તવ્યના મધ્યબિંદુ આસપાસ ચકરાશે તેવું જણાતા તે સોનાલીને બંને તેટલું ઈગ્નોર કરવાના પ્રયાસો કરવા લાગ્યો. લાંબી વાતો, સંદેશાઓની જગ્યા એકશબ્દી પ્રત્યુત્તરોએ લઈ લીધી.

બંને એકબીજાને એકબીજાથી છુપાવેલા ચોંકવનારા રહસ્યો કહેવા ઈચ્છતા હતા. ઘણી વખત મોકો મળ્યો, પણ શબ્દો ગળામાંથી ઘુમરીઓ ખાઈને પાછા ધકેલાઈ જતાં હતાં. પેચીદાપણામાંથી નિખાલસતાભર્યા એકરારના માર્ગે તેઓનું ઊર્ધ્વગમન કરવાની કોઈ અદમ્ય ઝંખના વચ્ચે અભિપ્રાયો, વિચારો ગૂંચળાં થતાં હતાં.

બંને વચ્ચે દૂરી અને ખામોશીની તર જામતી ગઈ...

* * * *

સયુરી એક રાતે પોતાના ગામડેથી શહેરના ફ્લેટ પર પરત આવી. દરવાજા પર તાળું લટકતું જોઈને બાજુના ફ્લેટમાંથી ચાવી લઈ દરવાજો ખોલ્યો. અંદર પ્રવેશીને તેણે જોયું કે ટેબલ પર એક ગિફ્ટ-પૅકિંગ અને જોડે એક પત્ર હતો. ઘણા દિવસથી બંધ, અવાવરુ કમરામાં બધે ધૂળ જામી હતી અને અવાવરુપણાંની વાસ આવી રહી હતી. ગડી વાળેલા કાગળને એણે ખંખેર્યું અને ખોલીને વાંચવાનું શરૂ કર્યું.

પ્રિય સખી,

આ શહેરમાં પ્રવેશતાંની સાથે જ તારી યાદ આવી. તારી જરૂરિયાત ઉપજી અને તને મળી ત્યારથી લઈને આજ સુધી તેં મારી હમદર્દ બનીને જે દોસ્તી નિભાવી જાણી છે તેના માટે જે દિવસે અહીં આવી તે દિવસે જ તને ભેટ આપવા તારો ગમતો પરફ્યુમ ખરીદ્યો હતો. આપવાનું ભુલાઈ જતું હતું! આ ભેટ તો કશું નથી તેં મારા માટે જેટલું કર્યું છે. કરી રહી છે અને કરતી રહેશે એ મારે મન દોસ્તીની અપ્રદર્શિત અસ્કામત છે. હું તારી ઋણી છું. એ બદલ તારા નાનકડા ફ્લેટ, આલિશાન દિલ અને જીવનમાં જગ્યા આપવા માટે કદાચ તારો આભાર માનીશ તો પણ ખરાબ લાગશે એટલું તારી સાથે રહ્યા બાદ તને સારી રીતે ઓળખી, જાણી ગઈ છું. તું એમ પણ વિચારતી હશે કે આવી વાતો મેસેજ, કોલ્સમાં કહી શકાતી હતી, પરંતુ મને એ યોગ્ય ન લાગ્યું. હું જલ્દીમાં હતી. એક મુસીબત આવી પડી છે ને મારે મુંબઈ જવું પડ્યું છે.

વિવેક જોડે દિવ ફરવા જવાની ખૂબ જ મજા પડી. ત્યાં ગુજરતી સંધ્યાની એ ઓસયુક્ત ભીનાશવાળી હવામાં સ્વતંત્રતા હતી. મોહકતા હતી. શહેરની ભાગદોડ, ચિલ્લમચીલી, વાહનોના ગેસથી છુટ્ટી મળ્યાની, રોજિંદા કામોમાંથી છુટકારો મળ્યાની, સમુદ્રની ઊછળતી લહેરો જેવી એક બંધન-મુક્તિ હતી. સંસ્કૃતિ, સમાજ, સગાથી દૂર દોષ અનુભવ્યા વિના, રંજ રાખ્યા વિના, ખુલ્લેઆમ સંતોષી સુખથી રહેવાની, રખડવાની આનંદિત કરી મૂકતી પ્રદૂષણ વિનાની, ઘોંઘાટો વિનાની, આદેશો વિનાની, જમીન વિનાની, પાણી પર પસાર થતી કુદરતી લહેર, ધ્વનિમાં ખુલ્લાપણું બક્ષતી ક્યારેય ન ભૂલનારી પળો હતી. જેને ભવિષ્યમાં યાદ કરી ફરી વારંવાર જીવવાનું મન થશે તેવી મનમોહક મનગમતી ક્ષણો હતી.

વાંસના-વ્હાલના વેગમાં, આવેશમાં, અંધારામાં ધબકતા શ્વાસોમાં, ઝપાટાબંધ પસાર થતા પ્રેમપંથ પર પાછાં ફરતાં સમયે મારા સાસુ-સસરાનો ફોન આવી ગયો. હું તેમની પાસે ખોટું બોલી અહીં આવી હતી તે તું જાણે જ છે. તેમણે મારા ડેડીને પણ આ વાતની જાણ કરી હશે. હવે શું થશે એ મુંબઈ જઈને ખબર પડશે. હું બધું સંભાળી લઈશ. વિવેકને મેં આ વાત જણાવી આપી છે. હું મુંબઈ જઈ રહી છું. હવે કદાચ નિયમિત વાતચીત ન થઈ શકે તો તું ગભરાતી કે ચિંતિત થતી નહીં, તારો ખ્યાલ રાખજે.

લી.

તારી પ્રિય સખી,

સોનાલી.

જિંદગી અને સંબંધની વસંત મહોરી હોય, ખીલી હોય ત્યારે કોઈ વ્યક્તિ પોતાના આવેગોને વહેતા કરે તો તેને ક્યા બોલથી સંબોધવા તે નક્કી કરવું મુશ્કેલ બની જાય છે. સયુરીને આડકતરી રીતે વિવેક-સોનાલીના નાજાયસ જોડાણનો અંદેશો આવી ગયો. ઘટનાપૂર્ણ, ઝડપભેર, અકથ્ય, વિચિત્રતાપૂર્ણ કરવટ ભરેલી ઘટનાઓનો આરંભ એવી રીતે થયો કે જાણે વાસ્તવલક્ષી વલણ ધરાવતી બે વ્યક્તિની હરકતો કોઈને પણ જાણમાં આવે તો ખંડન અને વિરોધ સાથે તેને અપરાધી ઘોષિત કરી સજા કરવાનું મન થઈ જાય.

મુંબઈ પહોંચીને સોનાલીએ આલોકના મમ્મી-પપ્પાનું ઘર છોડીને પોતાના ડેડીના ઘરે રહેવાનું પસંદ કરી લીધું. પરંતુ તેને ત્યાં ફાવતું ન હતું.

સોનાલીની મમ્મી તો નાનપણમાં જ પ્રભુચરણ પામી હતી ત્યારથી લઈને સોનાલી માટે તેના પિતા જ સઘળું હતા. દરેક પિતાની જેમ લાડ લડાવવા અને સોનાલીની નિરર્થક આદતો, શોખ પૂરા કરવામાં તેમણે કશી કસર રાખી ન હતી. મુંબઈના ઘણા ધનિક પરિવારો એ ભૂલી ગયા છે કે પૈસાથી પ્રેમ ખરીદી શકાતો નથી. પ્રેમ આપીને પૈસા કમાઈ શકાય છે.

સોનાલી પિતા હસમુખ પટેલના ઘરેથી ફરી આલોકના મમ્મી-ડેડીના ઘરે આવી ગઈ. જ્યાં તેને થોડો આરામ અને રાહત રહેતી હતી. આલોકના મમ્મી, પોતાનાં સાસુ જ્યોતિબહેનનો વર્તાવ સોનાલી પ્રત્યે એક સગી મમ્મીથી ઓછો ન હતો. પોતાના એકના એક દીકરા આલોકના હવાઈ અકસ્માતમાં મૃત્યુ બાદ જ્યોતિબહેન અને આલોકના પિતા ભાઇલાલભાઈ આઘાતમાં સોનાલીના વર્તમાનથી અજાણ તેના આવનારા સંતાનને જ આલોકની અંતિમ નિશાની સમજી આગામી જિંદગીનો સહારો સમજી જીવતા હતા.

એક દિવસ સોનાલીને વિચાર આવ્યો કે તે અબોર્શન બાદ છેલ્લે મેન્સિસમાં ક્યારે આવી હતી? ગર્ભાશયમાં અસ્થિરતા ઉપડી હતી. સાથળ ગંદુ કરી જતું. પેટ દુ:ખાવી જતું દર્દ થમ્યું. તેણે મોબાઈલ ફોનના કેલેન્ડરમાં જોયું. મેડિકલ સ્ટોરમાંથી પ્રેગનેન્સી ટેસ્ટ કિટ ખરીદી. છાતી, કમર, હિપ્સમાં ધ્રુજારી ઉપડી ગઈ. હિંસાના આતંક સાથે ફરી ગર્ભવતી બનવાના આશંકાના આછેરાં વાદળ તેની મનોક્ષિતિજના ગગનમંડળે ઘેરાયા. પરપોટાઓ જેવા ઉટપટાંગ બેમતલબ વિચારો ખરીને તેના પેટમાં વિવેકનું સંતાન ભૂતકાળમાં કરેલા સર્વત્ર કર્મની સ્મૃતિ બની આ દુનિયામાં આગમન કરવા વિકસી રહ્યું છે એ સાબિત થઈ ગયું.

‘ગુલાબી, જાંબલી, કિરમજી, પર્પલ, લાલ સુકાયેલા લોહી જેવો ઘેરો કાળો રજસ્ત્રાવ અટકીને હવે તે રક્તનું શિશુ ઘડાશે. બાળકનું આશ્ચર્ય, માતૃત્વનું વાત્સલ્ય, મોંઘી અમાનતની જેમ સાચવી રાખેલો આલોકના મૃત્યુનો વિષાદ. વિવેકને પોતાનાં બાળક વિશે કહેવું જોઈએ? એ તેને સ્વીકારવાની, અપનાવવાની, પોતાનું નામ આપવાની ના પાડશે તો? તેના માટે તો હું પહેલાંથી જ ગર્ભવતી છું. વિવેકને હું કેમ સમજાવીશ કે મારું-આપણું આ બાળક અનવોન્ટેડ નથી. તારા-મારા સ્વત્વ, સ્ત્રીત્વ, વ્યક્તિત્વ અને અસ્તિત્વનો પ્રતિકૃતિરૂપે ધડકતો, ધબકતો અંશ છે. ભૂતકાળના સ્થગિત થયેલા પ્રેમસબંધો અને મારી મમતાને નવજીવન આપનાર આપણું સંતાન તારા ખાનદાનનું વારસ છે.

માતાનું ગર્ભ જીવંત કબ્રસ્તાન છે જ્યાંથી આત્માઓ બાળક બની સ્ત્રીનું સ્ત્રીત્વ, પુરુષનું પુરુષત્વ, ભૂત અને ભવિષ્યના સ્થાપિત સત્યો, માનુષી સહવાસમાંથી પનપતી વેદના-સંવેદના, તુમાખી, મિજાજ અને અસ્થાયી મનોવૃત્તિ લઈ જન્મે છે. તે વજૂદ છે - નર અને માદાનાં શારીરિક અને માનસિક સંબંધોનું. તે પ્રતિબિંબ છે, તેના માતા-પિતામાં રહેલી સચ્ચાઈ-સરળતા અને સ્વચ્છતાનું. તે પ્રતીક છે, ઈશ્વરના અપરંપાર શાંતિ, શમન અને સૌમ્યનું. તે ઈલાજ છે, વ્યાપી ગયેલી અકળામણ અને અસ્થિર ગૂંચવણોનો. અન્યમનસ્કતાનો.’

ક્રમશ:

અન્યમનસ્કતા

પ્રકરણ ૮

વહેતી જિંદગીમાં દિવસો, હપ્તાઓ પસાર થતાં ગયાં. ઉત્સવોનાં ગુલદસ્તામાં દિવાળીના ધમાકેદાર તહેવારો આવ્યાં ને ગયાં. નવવર્ષની ઉજાણી થઈ. એકાદ વાર વિવેકે સોનાલીનો ફોન ઉપાડીને વાત કરી લીધી. કોઈવાર તેણે ખુદ સામેથી સોનાલીને ફોન કોલ, મેસેજીસ કરી ખબર જાણી લીધી. ચોમાસું ઉતરી પાછાં ફરતાં મોસમી પવાનોની ઋતુ શરૂ થઈ. આકાશ સ્વચ્છ બનીને વાદળો ગતિશીલ રીતે વહેતા થયા. મિશ્ર તાપમાનમાં થોડાં વખતમાં ફેરફાર આવ્યો.

રાતે ઊંઘ જલ્દી ન આવતી અને પરોઢિયે વહેલું ઊઠી જવાતું. અનિદ્રા, બેચેની અને વિચારવાયુ વચ્ચે આજે આલોક થોડો વધુ પ્યારો લાગી રહ્યો હતો. તેની ખોટ વર્તાઈ રહી હતી. તેનો સ્વભાવ, તેના હાવભાવ, હસવું, મનાવવું, તેની આંખ સામે તરી રહેતા જઝબાત. સોનાલી તેના અને આલોકના બેડરૂમમાં ગઈ. આલોકની તસવીરને જોઈ રહી. કબાટમાંથી લગ્નનું આલ્બમ કાઢી જોયું. બેજવાબદાર ભૂલોની માફી માગવાનુ મન તેને થઈ આવ્યું.

મનની, આત્માની, મગજની, શાંતિ માટે કરેલા કર્મોનું પ્રાયશ્ચિત કરવા શું કરવું? એકતરફ આલોકને મૃત સમજીને વિવેકને અપનાવી તો લીધો, પણ બીજી તરફ આલોકની ફોટો-ફ્રેમ પર હજુ સુખડનો હાર ચડાવ્યો ન હતો કે વિધવા જીવન સ્વીકાર્યું નથી.

સુખડના હાર ક્યારેય કરમાતાં નથી. લોકો અમથા, નકામા મરનારાં પાછળ આસું વહાવે છે. વીતેલું અને મરેલું ક્યારેય પાછું ના આવે. આત્મા અમર છે. તેને શરીરમાં કેદ કરી શકાતો નથી. આજની યાદોને ફોટોમાં સંગ્રહી શકાય છે. વર્તમાન ક્ષણોને નહીં.

ધીમે-ધીમે નવેમ્બરના અંત અને ડિસેમ્બર મહિનાના શરૂના પખવાડિયામાં ઠંડી વેગ પકડતી ગઈ. પવન બેસી ઠાર જામતો ગયો. વિદેશી પક્ષીઓની પધરામણી થઈ. પ્રત્યેક સાંજ વહેલી ઢળી રાત સૂમસામ બની સવાર મોડી ઊગવા લાગી. પવનમાં ભારેપણું આવ્યું.

જ્યારે સમયનો રંગ પુરાય છે ત્યારે વિચારો બદલાતા રહે છે. ખ્વાબોમાં મસ્તીના, શોખના, ખુશદિલીના રંગો પૂરી જીવનને રંગીન તો બનાવી શકાય છે, પરંતુ પછીથી દુ:ખની ચમક જે રંગ લાવે છે તે દૃષ્ટિની ધુંધ હલાવી જતાં સંબંધોના કારણે જીવનખંડમાંથી ઊભરાતી હકારાત્મક અને નકારાત્મક ઉપજરૂપે અંતિમ કારૂણ્યની સીમાની શરૂઆત અહીંથી શરૂ થાય છે.

આસોપાલવના પીળા પડી ગયેલાં કડક કાગળ જેવાં પાન ખરીને આસપાસ ડાળીમાં ફસાઈ જતાં, રસ્તા પર ઢસળતા, આળોટતા જમીન પર ફેલાઈ જતાં. કબૂતરો હવે કોઈ ગાઢ પાનદાર વૃક્ષ અથવા કોઈ બિલ્ડીંગની બારી પર પોતાનો માળો બનાવવા લાગ્યા. સૂર્યનો તાપ શરીરને પ્યારો લાગતો છતાં તેમાં ટાઢક ભગાવનારી કઠોરતા ન હતી. પોતાના ફલેટની લોબીમાં આવીને સોનાલીએ વિવેકનો નંબર ડાયલ કર્યો. વિવેક સાથે ટૂંકી સામાન્ય વાતચીત થઈ. કોલ આપોઆપ કટ થઈ ગયો. સોનાલીએ રસ્તા પર નજર કરી. સ્ટ્રીટ-લાઇટ જલી ચૂકી હતી. બત્તીઓ આસપાસ જીવડાં ફરતાં હતાં. દૂર મંદિરમાંથી ક્યાંક આરતી અને ઘંટારવ પડઘાયા. રેત-ઘડિયાળમાં ફસાયેલા કણો જેવી આસ્તે-આસ્તે પસાર થતી સાંજે સોનાલીને થયું આજે પણ વિવેક પાસે પોતાના ગર્ભમાં તેનું જ સંતાન છે તેવું કહી ન શકાયું. સયુરીને સાબિતી બનાવીને વિવેક પાસે બધું આસાનીથી કબૂલ કરી ભૂલોનો એકરાર કરી શકાય છે. રહી રહીને બસ એકને એક સવાલ છે. શું વિવેક અપનાવશે? ક્યાંક અબોર્શન કરાવવા માટે મજબૂર કરશે તો આલોકના માતા-પિતા અને પોતાના કુટુંબમાં શું જવાબ આપવો?

પસ્તાવાની અગનજાળમાં દહન થતી માતૃત્વ પામવાની આનંદની માત્રા વચ્ચે ઠૂઠવાતી ઠંડીમાં શરાબો-સંગીતની મહેફિલ વચ્ચે દુનિયાભરમાં અંગ્રેજી નવું વર્ષ શરૂ થઈ ગયું. આકાશ રંગબેરંગી પતંગ, ફુગ્ગા અને ફાનસથી ભરાઈ પડ્યું. વિવેકનો પ્રિય તહેવાર ઉત્તરાયણ આવ્યો.

‘વિવેક હું તને કંઈક કહેવા ઈચ્છું છું.’

‘હા, સોનાલી કહી આપ. તારે શું કહેવું છે? હું જાણું છું તારે ઘણાં સમયથી મને કંઈક જણાવવું છે. હું પણ તને એક વાત જણાવવા તત્પર છું પરંતુ સમજ નથી પડતી ક્યાં પ્રકારે અને કેમ કહું?’

‘કદાચ જૂઠ જ સંબંધોને આકાર આપે છે, અર્થસભર બનાવે છે. વિવેક કોઈને માફ કરતાં રહેવાના કારણે કેટલાયનું જીવન સહ્ય બની જાય છે તે તને ખ્યાલ હશે.’

‘હા, સોનાલી હું સમજુ અને ઉમેદ ધરાવું છું. ગોળગોળ વાતો ન કરતાં એકવાર મળીને સીધી-સચોટ, સરળ વાત કરી લઈએ નહીં તો આપણે એકબીજાને લાલચને વશ મિથ્યાભિમાની વ્યક્તિ સમજીશું. ક્યારેક ફરી મળશું તો એકબીજાની આંખોમાં લાગણીનાં બાંધ અશ્રુ બનીને ઊભરાઈ નીતિભ્રષ્ટતાના ચિહ્નો ખેંચાશે.’

વિવેક ફોનમાં સોનાલી સાથે વાતો કરતો હતો ત્યાં અચાનક ખંજન આવી. વિવેકે કોલ કાપીને ફોન સ્વિચઓફ કરી નાંખ્યો. વિવેક માટે ખંજનથી મહત્ત્વપૂર્ણ આ સમયે બીજું કંઈ નહોતું. બે વ્યક્તિ વચ્ચે પ્રતિસ્પર્ધા જાગે તો બેમાંથી એક વ્યક્તિને અન્યાય થવો સામાન્ય છે.

આજે ઘણાં દિવસો પછી પણ રાહત અને આનંદનો અહેસાસ થઈ આવ્યો. વિવેકના વિચારો અને સમજણ સોનાલીને પોતાના પક્ષમાં હોય તેવું લાગી આવ્યું.. વિવેક સમજદાર છે. કદાચ તે મળીને મને કાયમ માટે પોતાની બનાવવાની માગણી કરી શકે... ઓહ... કેટલું સુખદ...!

જાંબુડી-રાખોડી રંગનું કાળું ડિબાંગ ગગન ગર્જ્યું. બોજલ આસમાનમાંથી ગાજવીજ સાથે કમોસમી જોરદાર માવઠું પડી ગયું. રસ્તા પર પાણી ભરાઈ વરસાદ પડ્યો પછી સોનેરી તડકો ખૂલ્યો. ક્યાંક એકાદ જગ્યાએ ઝાડ અને રસ્તા પરના થાંભલા, હોર્ડીંગ ઊખડીને પડી ગયા. ઠંડીનું સામ્રાજ્ય ઘટ્યું. વાતાવરણ એકાએક પલટાવાના કારણે શરદી-તાવ આવી ગયો. તબિયત થોડી લથડી. ડૉક્ટરની સલાહથી કઠોળ-દૂધ-ફળનું સેવન શરૂ કર્યું. વિટામિનની ગોળી, સિરપ લીધાં.

કડક થઈ ગયેલા ઘાસ અને પાંદડાંમાં સુવાળપ આવી. લીલાશ શરમાતી, લહેરાતી શૃંગારની ઋતુ વસંત આવી. સૃષ્ટિમાં ફૂલોના રંગોની રંગીન ભાત-ભાતની છોળો ઊડીને પાનખરની વિદાય થઈ. હલકી હવાની સનસનાહટમાં ખીલતા ફૂલોની મુલાયમ પંખુડીઓ પર પતંગિયા પંખ ફેલાવી બેસતાં. પ્રેમનું પખવાડિયું આવ્યું.

ફેબ્રુઆરીનું બીજું સપ્તાહ વિવિધ પ્રેમદિવસોની લહાણી આવી.

‘હેપ્પી વેલેન્ટાઈન્સ ડે વિવેક.’

‘સેમ ટુ યુ સોનાલી. કેમ છે?’

‘મને અને બાળક બંનેને સારું છે.’

‘ગૂડ, પાછલી વાતચીતમાં તું કંઈક કહેવા જઈ રહી હતી અને કોલ કટ થઈ ગયો હતો.’

‘હા. અને વિવેક, તું પણ કશુંક કહેવા માગતો હતો. મળીને વાત કરવા તે સૂચવ્યું હતું.’

‘યસ, બેટર છે મળીને જ વાત કરીએ. અત્યારે ઓફિસમાં છું. થોડાં દિવસોમાં મળવાનો સમય અને સ્થળ નક્કી કરી તને કોલ કરું છું. ટેક કેર યોર સેલ્ફ.’

દિવસો વીત્યા. સોનાલી વિવેકના કોલની રાહ જોતી રહી. આંબાને મોર આવ્યા. સૂર્ય પૃથ્વીથી નજીક આવી ગયો હોય તેમ તેનો તાપ આકારો લાગવા લાગ્યો. જ્યાં સાંજ લાંબી ચાલતી અને રાત વહેલી ઢળી જતી હતી. એકલતા અને બેબસીભર્યા લાંબા દિવસોમાં ઘરનો ઓરડો એકાંતનો સ્થાનક બન્યો. એકવાર સોનાલીને સયુરીની યાદ આવી તેને કોલ જોડ્યો. સામી બાજુથી અવાજ આવ્યો.

‘હેલ્લો’

‘હું સોનાલી.’

‘ઓહ, આજે મારી યાદ આવી? આ શહેરમાં હશે.’ સયુરીના અવાજમાં રહેલો રોષ સોનાલીને સમજાઈ ગયો.

‘ઘણા દિવસે તને યાદ કરી એટલે તું મારાથી નારાજ થવાની હકદાર છે.’

‘ના, ઘણાં દિવસે નહીં પણ ઘણાં મહિનાઓ પછી. હા, તારા પત્રને વાંચી મેં તેના પ્રત્યુત્તરરૂપે ઘણા મેસેજ અને કોલ્સ કર્યા. ખબર નહીં તને મળ્યા કે નહીં પણ મેં કર્યા હતા. આજે પણ મારી વ્યસ્તતાભરી જિંદગીમાં પિતાની બીમારીના પૈસા ભેગા કરતાં-કરતાં દિનરાત તનતોડ મહેનત વચ્ચે તને યાદ કરી જ લઉં છું. કદાચ તું તારા પોતાના જીવન અને ગૃહસ્થીમાં એટલી ગળાડૂબ મશગૂલ થઈ ગઈ છે કે તને જે દોસ્તો સાથે હમદર્દી હતી એ તને નફરત કરવા લાગ્યા છે.’

સયુરીના કટાક્ષને નજરઅંદાજ કરીને સોનાલી કહ્યું, ‘દરેક વ્યક્તિ પોતાની હાલત બહેતર બનાવવાની કોશિશ કરે એ તદ્દન કુદરતી વાત છે. હું અત્યારે ગૂંગળાવી નાંખનારા કેવા ખોફનાક વાતાવરણ વચ્ચે જીવું છું એ તને ખ્યાલ નથી.’

‘...અને એટલે જ તે બધામાં તને કોઈ પોતાનાંની યાદ આવી. તેં મને કોલ કરી દીધો. સોનાલી, એકાએક કોઈ પર એવી રીતે પણ સ્નેહ ના વરસાવવો કે સામેની વ્યક્તિને તે સ્નેહ સ્વાર્થ લાગવા લાગે. મૌન કોઈપણ પ્રકારના દિલાસાથી પર હોય છે.’

‘હું તને એક રાઝની વાત કહું? હું વિવેકનાં બાળકની મા બનવાની છું. મારા પેટમાં અત્યારે વિવેકનો અંશ ઉછરી રહ્યો છે.’

‘હે ભગવાન, સોનાલી તેં આ શું કર્યું? કેમ કર્યું? એકવાર પણ તને આ આચરણ કરતાં પાપની અનુભૂતિ ન થઈ? આલોકનું મૃત્યુ, તેના બાળકને તે પેટમાં જ સફાયો બોલાવી દીધો અને હવે વિવેકનું સંતાન તું… મારી પાસે શબ્દો નથી તારી આ બેશરમીભર્યા કૃત્યો માટે..’ સયુરીની વાતમાં આશ્ચર્ય કરતાં ઠપકાનો ભાવ વધુ હતો.

હંમેશાની જેમ સોનાલી અને સયુરીની વાતચીત ઉગ્રતા પકડતી ગઈ.

માર્ચ-એપ્રિલમાં ઊકળાટભર્યું વાતાવરણ સર્જાયું. આકાશ પ્રકાશનો ગોળો બની ધકતો વાયરો ત્વરાથી ગરમાવો બની લૂ ફૂકાવતો, ફેલાવતો જતો હતો. બોર્ડની પરીક્ષાઓ આવી. વેકેશન પડી ગયું. શાળા-કોલેજમાં હવે સનાટ્ટો વ્યાપી બગીચામાં યુગલોની સંખ્યા ઘટી. બાળકોની રમતો શરૂ થઈ. મમ્મીઓ પોતાનાં બાળકોને લઈને પિયર જવા રવાના થઈ ગઈ. નવા પરણેલાં જોડાં પહાડી વિસ્તારમાં ગરમીની છુટ્ટીઓ મનાવવા ઉપડ્યા.

દૂર-દૂરથી લૂનો વહેતો ગરમાગરમ પ્રવાહ મંદ થઈ ગયો. ગરમી અનરાધાર વરસવા લાગી. બળતા વાદળ વિનાના આકાશ નીચે ધૂળ ઊડતી હતી અને ગળામાં પરસેવાનો ક્ષાર જામ્યા કરતો તેવું લાગતું. બફારો બંધાઈ રહ્યો હતો. કરિયાણા, અથાણાંની સિઝન હતી. બજારમાંથી ફળની રાણી લુપ્ત થવા લાગી.

જૂનના અંતિમ દિવસો સુધી પૂર્વ ભારતમાં વરસાદ ખેંચાઈ ગયો. લીલીપીળી ધૂપછાંવવાળી ધરતીની ગમગીન ખામોશી. ખેડૂતો ચિંતાતુર બની ઊઠ્યા. બજારમાં ભાવ વધારો થયો. જમીન લેવડ-દેવડમાં મંદી આવી. પાણીની તંગી ઊભી થઈ ડેમ, નદી-નાળા સુકાવા લાગ્યા. એકાતરા પાણીકાપ થયો. ક્યાંક, કોઈ જગ્યા વરસાદને રિઝવવા હવનો અને યજ્ઞો થયા. આખરે કુદરત મહેરબાન બની. વાદળો બંધાયા. ચોમાસાને વધાવવા કોયલની કૂહુ કૂહુ અને મોરનું ટેહુંક ટેહુંક થયાં. ડામરની સડકોને તોડી નાંખતો, જમીન સાથે અથડાઈ લયબદ્ધ સંગીત પેદા કરતો મેહુલો ગાજયો. હાથીના રંગના, કબૂતરના પીંછાનાં રંગના વજનદાર વાદળાંમાંથી વીજળીઓ પડી.

સોનાલીને ગમે છે તેવી વર્ષમાં માત્ર એકવાર આવતી મોસમની પહેલી બારીશ થઈ. નવીનતા, આશ્ચર્ય કે આનંદ ન થાય એ જાતની ધીમે-ધીમે પેદા થઈ રહેલી સ્થિતિમાં રાહત થઈ. સોનાલીને ભૂતકાળની સંતાયેલી અમૂક ક્ષણો યાદ આવી. એક સાલ થવા આવ્યું વિવેકને મળ્યાને. આંખ સામે ભાવભર્યા દૃશ્યો આવતા-જતા રહ્યા.

પછીથી રોજ-રોજ વરસાદ આવતો. ધરતી અને આકાશના સમાગમરૂપી મિલનના પરિણામરૂપે તૃપ્ત થઈ રહેલી કુદરતની પ્યાસ બુઝાવવા. આંધીએ મેલી કરી નાંખેલી વનસ્પતિને સ્વચ્છ કરવા. પર્ણહીન વૃક્ષોને લીલાછમ્મ કરી મૂકવા. સડક પરના ખાડાને છલકાવા હલકી બુંદો શરૂ થઈ જતી. ખેતરોમાં વાવણી શરૂ થઈ. ચોમાસું વિધિવત રીતે બેસી ગયું.

રક્ષાબંધન સાથે જન્માષ્ટમીના પવિત્ર તહેવાર આવ્યાં.

વિવેક સાથે સોનાલીની છેલ્લે એક મહિના પહેલાં વાતચીત થઈ હતી. તેનો વર્તાવ હવે શંકાસ્પદ બની રહ્યો હતો. સોનાલીને નવમો મહિનો પૂરો થવામાં હતો. ડૉક્ટરની સ્પષ્ટ સલાહ હતી કે, આ સ્થિતિમાં મુસાફરી કે વધુ પડતું હલન-ચલન ન કરવું. તમારી માનસિક-શારીરિક પરિસ્થિતિ તપાસતાં કદાચ સિઝેરિયન કરવાનો પણ વારો આવી શકે. એટલે બાળકના આવનારા જન્મકાળ દરમિયાન બને તેટલી કાળજી ફાયદારૂપ બની રહેશે.

વિવેક ફોન ઉપાડતો નહોતો. તેને ગમે તેમ કરીને હિંમત ભેગી કરીને બધું સત્ય જણાવી દેવું પડશે. તેની ઓફિસમાં ફોન કરવો જોઈએ. સોનાલીએ ઇન્ટરનેટ પરથી વિવેકની ઓફિસનો નંબર મેળવી કોલ કર્યો. રિંગ વાગી. સામી બાજુએથી લેડીએ ફોન ઉપાડ્યો.

‘યસ. એ.બી.સી. કંપની લિમિટેડ.’

‘હેલ્લો, મિસ્ટર વિવેક જોષી સાથે વાત થઈ શકશે?’

‘સોરી મેડમ. સર આજે જ કંપની અને પોતાના પર્સનલ વર્કથી રાજકોટ ગયા છે. ત્રણ દિવસ નહીં મળી શકે.’

સોનાલી નિરાશ થઈ. ‘ઓહ માય ગોડ.’

‘તમારે મળવું હોય તો હું ચાર દિવસ બાદની તમારી મિટિંગ ફિક્સ કરી આપું. આપનું નામ, નંબર અને મળવાનું કારણ લખાવશો પ્લિઝ?’

સોનાલી ફોનમાં ચિલ્લાઈ, ‘વોટ નોનસેન્સ? હું કોણ બોલી રહી છું માલૂમ છે?’

‘નો આઇડિયા મેમ, વિવેકસર સાથેનું તમારું રિલેશન સ્ટેટસ જણાવશો?

‘વિવેક મારો...’ અને સોનાલીને શબ્દો ન મળતા તે બોલતાં-બોલતાં અટકી ગઈ.

‘હેલ્લો, હેલ્લો...’

‘સોરી.’ આટલું કહીને સોનાલીએ ફોન કાપી નાંખ્યો.

સોનાલીનો સ્વર ઘુંટાઈને ભાવુક બની ગયો. હું વિવેકની કોણ છું? મિત્ર, પ્રેમિકા કે પછી તેનું બાળક પેટમાં લઈ ફરતી કોઈ સડકછાપ રખાત? મગજ શાંત સોનાલી, ગુસ્સાની અસર બાળક પર પડશે. તેણે સ્વયંને દિલાસો આપ્યો. ડિલિવરીનો સમય પાસે છે અને વિવેક ભૂતકાળની જેમ દૂર જઈને કપરા સમયે સાથે નથી. દોસ્તીની જવાબદારીમાંથી અને ફરી કરેલા વાયદાઓમાંથી છટકી ભાગી રહ્યો છે. હવે જલ્દીથી કોઈ પણ રીતે વિવેકનો સંપર્ક સાધવો જ પડશે.

રાજકોટ વિવેકનું ઘર હતું. જ્યાં તેનો જન્મ થયો હતો. બાળપણ પસાર થયું હતું. સોનાલીને થયું સીધું રાજકોટ પહોંચીને વિવેકને મળી લઉં. બધું જ જણાવી આપવું. પછી જે થાય તે ભોગવીને અપનાવી લેવું. પેટમાં ઉછરેલા કર્મના ફણગા ફૂટી બહાર આવી આ દુનિયા તેને આલોકનું બાળક સમજી બેસે તે પહેલાં માતા તરીકે મારે મારાં બાળકને અસલી પિતાનું નામ અપાવવા થોડો સંઘર્ષ કરવો પડશે.

સોનાલી રાજકોટ જવા માટે તૈયાર થઈ.

ક્રમશ:

અન્યમનસ્કતા

પ્રકરણ ૯

અમદાવાદ હાઇવે પરથી સ્વભાવ અને શોખના શહેર રાજકોટની હદમાં વિવેકની ગાડી પ્રવેશી. ફૂલોની બજાર ભરાય છે તેવી ગ્રીનલેન્ડ ચોકડી. હોસ્પિટલ ચોકથી જામનગર રોડ પર માધાપર ચોકડીથી ડાબી તરફ વળતાં ફલાયઓવર પર ચડીને ડામર-સિમેન્ટના સપાટ એકસો પચાસફૂટ રિંગ રોડ, ઈન્દિરા સર્કલ, કે.કે.વી ચોક, બિગબજાર થઈ પુલ પરથી ઊતરતા ગોંડલ ચોકડીથી ડાબી તરફ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર કોઠારિયા રોડ, આજીડેમ ચોકડી ફરતાં-ફરતાં સોરઠિયાવાડી, ભક્તિનગર સર્કલથી આગળ જતાં જમણી બાજુ વળી ભીડભાડવાળા વિસ્તાર એસ.ટી. બસસ્ટેન્ડ પાસેથી નીકળીને ત્રિકોણબાગ આગળ મોડર્ન માર્કેટ યાજ્ઞિકરોડ પરથી વિવેકની ગાડી સરકી. શહેરની પ્રદક્ષિણા ફરી લોંગ ડ્રાઇવ કરીને તેણે ગાડી ઊભી રાખી. કારની બહાર આવીને તેણે હવામાં ઉપર બે હાથ ફેલાવીને આળસ મરડી. સાંજના ચાર વાગ્યા હતા. વાદળછાયું વાતાવરણ હતું. રસ્તા પર રોજ જેટલો જ ટ્રાફિક હતો.

રાજકોટમાં આજે ત્રણ વર્ષ પછી આવવાનું થયું. હજુ પણ આ શહેર સિવાયના બીજા માણસોને અભિભૂત, આકર્ષિત કરે તેવું અહીં કશું નથી અને બધું જ છે. રાજકોટનું ચક્કર મારવાની મજા આવી ગઈ.

મિજાજ-મસ્તી-મારધાડ અને માનવતાના સંગમનું મનગમતું શહેર મારું રાજકોટ. મારી જન્મભૂમિ, મારી બાળભૂમિ. મારા રાજાશાહી અને રંગીલી આદતો માટેનું જવાબદાર શહેનશાહી સ્થળ. લેન્ડ ઑફ ગોડ, આઈ લવ ધીસ પ્લેસ.

વિવેકના ચહેરા પર ખુશીમય ચમક આવી ગઈ. એક પાનની દુકાન પર જઈ પાણીનું પાઉચ ખરીદ્યું. મોઢેથી પાણીની કોથળી ચૂસતા વિચાર્યું, ઘણાં દિવસે આ પ્રકારે પાણી પીધું. બ્રિસ્ટોલ સિગારેટ જગાવી. મોબાઈલ ફોન હાથમાં લીધો. સોનાલીના પચાસ જેટલા મિસ્ડકોલ્સ જોયા અને દસ જેટલા મેસેજીસ જોયાં. નંબર રિજેક્ટ લિસ્ટમાં નાંખી દઈને એક નંબર પર કોલ કર્યો. લાંબી રિંગ ગઈ. ટ્રાફિકના ઘોંઘાટ વચ્ચે મોટેથી અવાજ આવ્યો.

‘હલ્લો.’

‘વિવેક હિયર.’

‘બોલો ને દાદા. આજે અમારા જેવા ગરીબ માણાંની યાદ આઈવી?’

‘રાજકોટ છું.’

‘ઓહો! રાજકોટમાં ક્યાં?’

‘યાજ્ઞિક રોડ. ધનરજની પાસે.’

‘અરે, તારો સગો હું ત્યાં જ છું.’

‘તે વ્હાઇટ શર્ટ ને બ્લૂ જીન્સ પેર્યું છે?’

‘હા, ક્યાં છો?’

‘તારો બાપ પાછળ જો, આ રહ્યો.’

વિવેક તેના દોસ્ત બાળપણના મિત્ર ધૈર્યને હાથ મિલાવીને ભેટી પડ્યો. પીઠમાં ધબ્બો માર્યો. ધૈર્યએ મસ્તીમાં વિવેકના પેટ પર થપાટ મારી. ‘અરે સાલા... તું તો ઓળખાતો પણ નથી. થોડો જાડો થઈ ગયોસ. શું કે ધંધા-પાણી?’

‘પાકીટ સાથે પોતાનું વજન ન વધારી આપે તેવી તરક્કી નકામી. કંપનીના કામથી રાજકોટ આવ્યો છું. અહીંના ઘરે કોઈ નથી. ખંજન પ્રેગનેન્ટ છે એટલે મમ્મીને ત્યાં એની સારસંભાળ માટે બોલાવી લીધાં છે. તું બોલ શું ચાલે છે?’

‘વાહ પ્રભુ, અભિનંદન. બસ જો મોબાઈલની શોપ છે પાછળ ગલીમાં જ. ચાલ્યા કરે દોસ્ત હજુ એકલા-અટુલા. ઉપરવાળાની દયા છે. વ્યાજે પૈસા ફેરવી લેવાના થોડા ઘણા. ક્યારેક તૂટા પડે તો લોન લઈ જીવી લેવાનું.’ ધૈર્ય બે હાથની હથેળી વચ્ચે માવો ચોળવા લાગ્યો. ‘હું ફાકી ખાવા આવ્યો હતો. ત્યાં આમ જાદુઈ રીતે તારો ભેટો થઈ ગ્યો. મોજ પડી ગઈ. ચાલ મારી દુકાને બેસીએ.’

‘ના, શોપ પર નહીં.’

‘તો પછી?’

‘આવ ગાડીમાં બેસી જા. આંટો મારવો છે. ઘણી વાતો ભેગી થઈ છે.’

બંને ગાડીમાં બેઠા. વિવેકે ગાડી સેલ્ફ સ્ટાર્ટ કરી. યાજ્ઞિક રોડ પરથી રેસકોર્સ રિંગરોડ તરફ ગાડી દોડાવી મૂકી.

વિવેકે વાતની શરૂઆત કરી. ‘અડધા રાજકોટનો આંટો મારી આવ્યો. અહીં ખાસ કોઈ બદલાવ થયો નથી કેમ? એ જ બપોરે ઘેરી નિંદ્રાનું સામ્રાજ્ય ફેલાયેલું વાતાવરણ. સુસ્ત લોકો અને અચોક્સ્સ વ્યવહાર - વ્યવસ્થા. રાજકોટનો વિરોધાભાસ વિકાસ થતો જાય છે.’ વિવેકે કાર બીજામાંથી ત્રીજા ગિયરમાં નાંખી. ગાડીએ ગતિ પકડી.

‘તને નહીં સમજાય યાર. કેમ કે તને રાજકોટ છોડ્યાને સાત-આઠ વર્ષ થયાં. ત્રણેક વર્ષે તું ફરી અહીં આવ્યો છે. વિવેક આ શહેર પોતાનામાં એક અલગપણું ધરાવે છે.’ ધૈર્યએ સ્વસ્થતાથી જવાબ આપ્યો.

‘કેવું અલગપણું? પાન હોય પાસ્તા હોય કે પનીરનું શાક બધામાં કાજુ નાંખી ખાવાનું અલગપણું? કે પછી તીખાં ભાવનગરી, વણેલાં-ફાફડા ગાંઠિયા જોડે તેના પ્રમાણના મરચાં, સંભારો ઝાપટવાનું અલગપણું કે પછી બપોરે ફૂલ પેટ જમીને સાંજે ખમણ-ઢોકળાં, ઘૂઘરા, ભજીયા, વડાપાઉં, દાબેલી, દાળ-પકવાન ખાવાનું અલગપણું? કે પછી પાનના ગલ્લે ઊભા રહીને નિરર્થક વાતોમાં સમય વ્યર્થ કરવાનું પંચાતિયું અલગપણું? તેલ અને ચણાના લોટના ભાવ તમે લોકોએ જ વધાર્યા છે.’

‘આ બધી તો ખાવાની વાત થઈ. જો ભાઈ વિવેક અમે બહુ નાના અને નવા માણસો છીએ. અમારું આ રેસકોર્ષ રિંગ રોડ કાબા અને કાલાવડ રોડ કાશી છે. ગંગા જેવી આજી અને ન્યારી ડેમ તો નદીઓનો સંગમ છે. નર્મદાનું પાણી એમાં ઠલવાય છે. મોટા શહેરો કે નાના ગામડાંની જેમ કોમી તોફાનો ક્યારેય થયાં નથી. બધામાં સંપ અને ભાઈચારો છે.’

‘આજીડેમ આત્મહત્યા અને ન્યારી ડેમ શેનો સંગમ છે? પાણી અને પ્રેમીઓનો? તું જે રાજકોટિયન હોવાની વાત પર ગર્વ કરે છે ધૈર્ય એ ગર્વ એક સમયે મને પણ હતો પણ પછીથી જ્યારે મેં કેટલાંક બીજા શહેરોની મુલાકાત લીધી ત્યારે સમજાયું.’ એકદમ ગાડીને જોરથી બ્રેક લાગી. બંને આગળની તરફ ધકેલાયા. ધૈર્યથી ગાળ બોલાઈ ગઈ. બીપ... બીપ...

વિવેક કહ્યું, ‘તું જ જોઈ લે, ઈંન્ડીકેટરનો ઉપયોગ કર્યા વિના ડોકું હલાવીને માથું ધુણાવીને હાથ બતાવીને બધા એકબીજાને સાઈડ આપે છે. મનફાવે તેમ વાહન ચલાવે છે. કોઈ પ્રકારની ટ્રાફિક સેન્સ નથી. પાર્કિંગની વ્યવસ્થા નહીં. સડક પર ગલીઓમાં ગાયો અને કૂતરાં રખડતા ન જોવા મળે તેવો કોઈ ઇલાકો નથી. કોમ્પ્લેક્સના કાટખૂણા પાન-ફાકીની પિચકારીથી ભરેલા ગોબરા અને ગંદા. નાટકો આવતા નથી અને કલાકારો ટકતા નથી. પૈસા સુખ માટે નહીં પણ શોખ માટે વેડફાય છે. દેખાદેખીની માનસિકતા અને...’

રેસકોર્સનું ચક્કર પૂરું થઈને કિસાનપરા ચોક થઈ મહિલા કોલેજ અંડરબ્રિજ આગળ બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિર આવ્યું. કાલાવડ રોડ શરૂ.

વિવેકની વાતોથી ધૈર્ય ગુસ્સે થઈ ભડક્યો, ‘ગાડી ઊભી રાખ. મને ઉતારી આપ આગળ.’

વિવેક ચોંક્યો, ‘અરે પણ શું થયું?’

‘પણ બણની બેન ને... હું તારી હલકી નફ્ફટાઈ સાંભળવા મળ્યો છું? હરામી, મોટા શહેરમાં ગયો એટલે? ઘમંડી ભૂલી ગયો તું એક ટાઇમે આ રોડ પર મારી સાઇકલ લઈને છોકરી પાછળ મોબાઈલ નંબરની ચિઠ્ઠી નાંખવા જતો હતો. વર્ષના અંતે ચોપડીઓ પસ્તીમાં આપીને જે પૈસા આવે તેનાં ગિરનાર-ગેલેક્સી સિનેમામાં પિક્ચરો જોતો. ગાળો બોલતો. આજે થોડા પૈસા કમાયો કે નાનપણની કર્મભૂમિ પર બળાપો કાઢે છે?’

‘એમ વાત નથી ધૈર્ય. શાંત થઈ જા પ્લિઝ. હું જસ્ટ જેમ દરેક રાજકોટિયન પોતાના નાના-મોટા અભિપ્રાયો અને મંતવ્યો ગમે ત્યાં અને ગમે તેને આપી શકે તેમ મારો આજના રાજકોટ વિશેનો મત રજૂ કરી રહ્યો છું.

આ શહેર પોતાનું છે એટલે પ્યાર સાથે નફરત કરવાનો અધિકાર જેટલો તને છે એટલો જ મને છે. આ તારું એકલાનું રાજકોટ નથી. મને હજુ યાદ છે હું નાનો હતો અને પપ્પા રોજ વહેલી સવારે સાઇકલ પાછળ બેસાડી સ્કૂલે મૂકવા આવતા હતા અને બપોરે તેડવા આવતા હતા. આપણે સ્કૂલમાં કેવી ધમાલ મચાવતા હતા. સાથી વિદ્યાર્થીઓનો નાસ્તો ખાઈ જતા. બહેનપણીઓ પાસે નોટબૂક્સ લખાવતા. સ્કૂલેથી વહેલા છૂટીને ભાગતા. બપોરે ઘરે મમ્મી ગરમાગરમ જમવાના પર રાહ જોતી. પછી લેસન પતાવતા અને સાંજ પડતી.’

ધૈર્યે કહ્યું, ‘હા વિવેક, રોજ સાંજે ઘરના કંપાઉન્ડમાં ભાઈબંધો જોડે ક્રિકેટ રમવાનું. સિઝન અને ફેશન મુજબના રમકડાં સાથે ખેલવાનું. બાજુના મકાનની ઊંચી અગાસા પર પતંગ ચગાવવાના. આપણો કજિયો અને આપણો દેકારો અને આપણાં ધમપછાડા-ધીંગામસ્તી. ટીખળખોર દોસ્તાર, મગજ પાસે એક રિવાઇન્ડનું બટન હોવું જોઈએ. શું કહે છે?’

વિવેકની વાતમાં ધૈર્યએ સહમતિનો સૂર પુરાવ્યો.

‘બોર્ડની પરીક્ષાનું વર્ષ હતું. પંદર વર્ષની ઉંમર હતી મારી અને પપ્પાની પચાસ વર્ષ જ્યારે તેઓ છોડીને જતા રહ્યા હતા.’ વિવેકના સ્વરમાં વિષાદ આવી ગયો. ‘હાર્ટએટેક હતો. ડૉક્ટરે કહ્યું હતું કે હોસ્પિટલ લઈ આવવામાં મોડું કર્યું નહીં તો...’

‘છોડને હવે, ઘણાં વર્ષે મળ્યાને તું આવી વાતો લઈ બેસી ગયો. માનવનું માયાળું મન હોય કે પછી માટીની બનેલી જમીન હોય તેમાં ધરબાઈ ગયેલા, દટાઈ ને દફ્ન પડેલા ભૂતકાળને ઉલેચીએ એટલે વર્તમાન વરાળ બંને અને ભવિષ્ય ભસ્મિભૂત બનવાનો ખતરો ઉપજે. બોલ તારા ઘરે જઈશું કે હવે મારે ઘરે? બહુ રખડી લીધું. ક્યાંક ગાડી ઊભી રાખો શેઠ. નાસ્તો, ચા-પાણી કરીએ. સાંજે પોગ્રામ કરી. નંગ મગાવી લઉં છું. જે ફાવે એ. આજે કેટલા સમય પછી જોડે પીવા મળશે.’ ચાલતી ગાડીનો દરવાજો ખોલી ધૈર્યએ પિચકારી મારી. ‘બાપ બનવાનો છો, ખુશી સેલિબ્રેટ કરી કે નહીં?’ વિવેક જોઈ રહ્યો.

‘ના ભાઈ. નથી કરી શક્યો ખુશી વ્યક્ત કેમ કે આ ખુશી સાથ દર્દ જોડાયેલું છે.’

ધૈર્યએ પ્રશ્ન કર્યો. ‘ખુશી સાથે જોડાયેલું દર્દ? કેવું દર્દ? શું બોલે છે? પીધા પહેલાં ચડી ગઈ કે શું?’

‘તને નહીં સમજાય.’ વિવેકે વાત બદલાવી.

કાલાવડ રોડ પર રાણી ટાવરના રસ્તે ચકાચક શોપિંગ મોલ્સ અને ડોમિનોઝ, મેકડોનાલ્ડસ જેવી ચટાકેદાર આંતરરાસ્ટ્રીય રેસ્ટોરાં પાસેથી કાર સ્પીડમાં પસાર થઈ. ન્યારી ડેમ સુધી જઈ પરત ફરી ગાડી વિવેક અને ધૈર્યની નવાજૂની વાતો વચ્ચે શહેરની મધ્યે કેનાલ રોડ, ધર્મેન્દ્ર રોડ, ભુપેન્દ્ર રોડની રોનક ચીરતી સોની બજાર સુધી જઈ આવી. કંસારા બજાર, મોચી બજારની તંગ-સાંકળી ગલીમાં ધૂમી કેસરી નરમ મોડી સાંજ ધોળી-પીળી ઝગમગતી લાઈટોવાળી રાતમાં પલટી ચૂકી.

વિવેક ધૈર્યને પોતાના એક રૂમ-રસોડાવાળા નાનકડા ઘરે લઈ આવ્યો. ચાવીથી દરવાજો ખોલ્યો. ટ્યુબલાઈટ કરી. ઘરમાં બધી વસ્તુ જ્યાં બાળપણથી રહેતી ત્યાં પોતાની નિયત જગ્યાએ જ પડી હતી. તે બાથરૂમમાં જઈ ફ્રેશ થઈ ગયો. લાકડાનું નાનું ટેબલ ગોઠવ્યું. રસોડામાંથી બે પ્લાસ્ટિકના ગ્લાસ એક ડિશ લાવી મૂકી. કાળી કાપડની થેલીમાંથી શરાબની બોટલ કાઢતા ધૈર્યે કહ્યું, ‘હજુ આ ઘર એવું જ છે જેવું વર્ષો પહેલાં હતું.’

‘હા, મમ્મીએ બધું હજુ એ જ જગ્યા એ ગોઠવીને મૂક્યું છે. વર્ષો થયા પપ્પાની યાદ સાથે એકલાં આ ઘરમાં રહે છે. તેમને હવે આ ઘર વહેંચી અમારી જોડે રહેવા બોલાવી લેવા છે.’ વિવેકે રેડિયો ચાલુ કર્યો. ફરમાઈશ કાર્યક્રમ આવતો હતો. તેને યાદ આવી ગયું કે પિતાજી અચૂક આ પ્રોગ્રામ સાંભળતાં હતાં.

ગ્લાસમાં શરાબ રેડાયો. સોડા ઉમેરાઈ તેની સતહ પર ફીણાં થયાં. પ્લેટમાં પેકેટ તોડી વેફર, ચણા-દાળિયા, ચીઝના ટુકડા મુકાયાં. બંને એ ચિયર્સ કરીને એક-એક ઘૂંટ શરાબ પીધો. ટેબલ પર ગ્લાસ મૂકીને બંનેએ હથેળી ઘસી. સ્ટ્રોંગ પેગ બન્યો છે. સામાન્ય વાતચીત, હળવા તર્ક-વિતર્ક, રેડિયોના ધીમા સંગીતની ધૂન વચ્ચે વિવેકના સ્વરે ગંભીરતા પકડી. ‘દોસ્ત, હું તને ખુશ દેખાઉં છું? તને એમ થાય છે ક્યારેક કે મને પણ વિવેક જેવી જિંદગી જીવવા મળે.’

‘ના ભાઈ ના.’ ધૈર્યને લાગ્યું કે ક્યારેક પીવાના કારણે વિવેકને બે પેગમાં નશો પૂરો ચડી ગયો.

‘કોઈ ખાસ દયા-ભાવના કે આદત મનુષ્યને કોરી ખાતી હોય છે. અંદરથી ખોખલો કરી નાંખતી હોય છે ત્યારે માણસ નાટક કરી ચહેરા પરના ભાવો અને મનના તરંગો છુપાવવાના પ્રયત્નો કરતો ફરે છે. હું પણ બેધારી જિંદગી જીવી જીવીને થાકી ગયો છું’ વિવેક ભાવુક બની ગયો. તેની આંખોની કોરમાં ભીનાશ પથરાઈ ગઈ. તેણે સિગારેટ સળગાવી. ધૈર્યને પણ સિગારેટ આપી અને લાઇટરથી જલાવી આપી.

‘ટુ સાઇડ લાઇફ? વિવેક, જીવનમાં નરી વાસ્તવિક્તા પ્રદર્શિત કરી જીવીએ નહીં તો લોકોને દંભ લાગે. જો નિખાલસપણું દાખવીએ તો અણગમાનો શિકાર બની જાય. એટલે માણસે ક્યારેક બેધારી તો શું અનેકધારી જિંદગી જીવવી પડે.’

‘ઇટ્સ ઓકે. તને નહીં સમજાય મારી પરિસ્થિતિ.’

‘ના, બોસ એવું નથી. તું તો મારો ભાઈ છે. સમજાવ તો સમજી શકું કંઈક કે આખરે વાંધો શું છે. તારી ખુશી હોય કે ગમ એ બધું મારું. દિલ ખોલીને બોલ ભઇલા, પ્રોબ્લેમ શું છે? પૈસાની મારામારી છે? ભાભી સાથે કાંઈ ડખો છે? કે પછી કોઈ લફરામાં ફસાયો છે?’

‘લફરું નહીં લવ’ વિવેકના જવાબે ધૈર્યએ વિવેકની આંખોમાં આંખ મિલાવી પાછો સવાલ કર્યો. ‘કોની જોડે?’ વિવેક શરાબનો અડધો ગ્લાસ ગટગટાવી ગયો, ‘સોનાલી. સોનાલી પટેલ. માય ઓલ ટાઇમ લવર.’

ટેબલ પર જોરથી શરાબનો ખાલી ગ્લાસ પટક્યો.

‘વ્હોટ? શું બકવાસ કરે છે?’ ધૈર્યનો નશો બધો ચકનાચૂર થઈ ગયો. તે ઉધરસ ખાતો-ખાતો ખુરશી પરથી નીચે જમીન પર ગબડી પડ્યો.

ક્રમશ:

અન્યમનસ્કતા

પ્રકરણ ૧૦

‘તને લાગતું હશે હું શરાબના નશામાં કંઈ પણ બોલી રહ્યો છું, પણ ના ધૈર્ય, આ શરાબ જે રીતે સ્મૃતિના જાળાં સાફ કરવાનું કામ કરે છે અને પછી ભૂતકાળની જેમ પાછળ પડીને આદત બની પીછો ન છોડે એ રીતે સોનાલી સાથેના સંબંધોએ મને મથામણની માયાનગરીના ભૂલભૂલૈયામાં એવો ફસાવી નાંખ્યો છે કે એ લાગણીભર્યા જડ ચુંગાલમાંથી છૂટવાનો રસ્તો મળતો નથી. હું તરફડી રહ્યો છું’

‘જ્યારે આદતો પોતાના પર આધિપત્ય, અધિકાર જમાવી બેસે છે ત્યારે જીવનનું લચીલાપણું ખોવાઈ જાય છે. તારી ઊભરાઈ જતી લાગણીઓને લગામ લાદવાની જરૂર છે. તારું માનવતાભર્યું મળતાવળાપણું, તારા નામ જ જેવો અસ્સલ વિવેકી સ્વભાવ, સૌને ગમી જાય તેવી ટેવ-કુટેવ, ગંભીર વાતચીત કરવાની ઢબ અને અસ્ખલિત વહેતો જીવનપ્રવાહ...’ ધૈર્ય બોલતા અટક્યો. ખાલી પ્યાલાઓમાં શરાબ નાંખતાં કહ્યું, ‘આ બધા કારણો છે, લક્ષણો છે જે તને ઢસડીને મહોબ્બતની માથાકૂટોભર્યા મંઝર સુધી લઈ જઈ એકલો છોડી દે છે.’

‘ધૈર્ય, કદાચ તું સાચો છે.’ વિવેકે લાંબો કશ લઈ સિગારેટ ઍશ-ટ્રેમાં ઠારી. શરાબના ખાલી પ્યાલા ભરવા સૂચવ્યું.

ધૈર્યના શબ્દોમાં તીખાશ આવી. ‘તારી ઘરવાળી તારા બાળકની મા બનવાની છે. એ વ્યક્તિ જેણે તને સુખ-સંપત્તિ અને સંતાન આપ્યું તેની જોડે તને આવું ખોટું કરતાં થોડો પણ વિચાર ન આવ્યો? આમ તો તું બહુ મોટી-મોટી સિધ્ધાંત અને આદર્શની વાતો કરતો ફરતો હોય છે. સાલા ઊંચી ઊંચીના બંડલબાજ માણસ...’

‘વિચાર આવ્યો હતો ધૈર્ય. પ્રામાણિક બનવા માટે ધર્મ-અધર્મની કે પાપ-પુણ્યની ફિલસૂફી સમજવી પડતી નથી. જીવનમાં જન્મેલી ઈચ્છાઓને તરત જ મોક્ષ આપી દેવાનો.’

‘તું હજુ પણ પહેલાં જેવો જ રહ્યો. ભૂતકાળને પકડીને લાગણીપ્રધાન સગપણો અને સપનાંમાં જીવતો.’

ધૈર્યની વાત પર વિવેકે અણગમો દર્શાવ્યો. ‘ના, ના, સોનાલીએ કીધું હતું હું બદલાઈ ગયો છું.’

‘એ ભોળા ભગત. વર્તમાનમાં કરેલા કર્મનું પરિણામ જ્યારે ભવિષ્યના બદલે વર્તમાનમાં જ મળવા લાગે ત્યારે સમજવું કે આપણે સમયથી બહુ પાછળ ચાલી રહ્યા છીએ અને જીવનની ચડઉતર સાથે સંકળાયેલા અમુક સગા-સબંધી આપણને છોડવા ઇચ્છતા નથી. સોનાલી પણ તને પામીને ગુમાવવા ન માગતી હોવાથી આવું બોલી હશે. દોસ્તીની વ્યાખ્યા શું હોઈ શકે એ ખબર ન હતી ત્યારથી હું તને દોસ્ત તરીકે ઓળખું છું. તેં અંગત મુશ્કેલીઓનો વિચાર કર્યા વિના, બાહ્ય સહાય લીધા વગર કોઈ ગણતરીબાજ જેવી નોંધ ક્યારેય લીધી નથી. તારું અંગત જીવન કપરું હોવા છતાં કોઈ સગા-સ્નેહી કે દોસ્તો પાસે હાથ લાંબો કર્યો નથી. એ કાલ સવારે આવેલી સોનાલી શું તને ઓળખી શકવાની?’

ધૈર્યને વિવેક ભેટી પડ્યો. ‘વાહ, દોસ્ત..’

‘તું હજુ પણ પહેલાં જેવો જ છે લફડાબાજ. હા, હા, હા.’

શરાબના ગ્લાસ ટકરાયાં, જામ છલકાયાં. જૂના સૂરીલા ગીતો, કડવી શરાબી વાતો અને તૂરી સિગારેટના ગોટાઓમાં શબનમી રાત ક્યારે પસાર થઈ ગઈ એની ખબર ન રહી.

વિવેક ઊઠ્યો. આંખો ખોલીને તેણે એક લાંબુ બગાસું ખાધું. પલંગ પર એ એકલો સૂતો હતો. ધૈર્ય પોતાના ઘરે જતો રહ્યો હતો. કંપનીનું કામ પતાવી મળવાનો મેસેજ તેણે સેલફોનમાં મૂક્યો હતો. આઠ વાગ્યા હતા. દીવાલ પર લટકેલી જૂની ઘડિયાળ પરથી નજર ફેરવી અરીસામાં પોતાનું નિસ્તેજ તેણે મોઢું જોયું. આંખો જરા ભારેખમ થઈ ગઈ હતી. શરીર તૂટતું હતું. ફટાફટ નિત્યક્રિયા આટોપી એ તૈયાર થઈ ગયો. ઘરની નજીક ચાની રેકડી પર ચા-ગાંઠિયાનો નાસ્તો કરી આવ્યો. સિગારેટ પીધી. પોતાના કામ પર જવા નીકળતી વખતે તેનું ધ્યાન એક પેટી પર ગયું. તે પેટી પાસે આવ્યો અને ધીમેથી પેટી ખોલી.

ભમરડો, કેરમની કૂકરી, ઇષ્ટોની કોડીઓ, લખોટીઓ, શતરંજના પ્યાદાઓ, નાની-નાની મોટરો. તેણે એક કાળી પાટી જોઈ. એની પર ઇષ્ટો રમતના ખાના દોર્યા હતા. પીળાં પડી ગયેલા પાનાંની એક દેશીહિસાબની ચોપડી એ પેટીમાં હતી. ભૂખરા કાટ ખાધેલા કંપાસ બોક્સમાં પેન્સિલ, પેન હતી. ભૂમિતિનો સમાન હતો.

સઘળાં સ્મરણો આંખ સામેથી ફિલ્મની પટ્ટીની જેમ પસાર થવા લાગ્યાં.

વિવેકની સામે બાળપણના દૃશ્યો એક પછી એક ક્રમબધ્ધ રીતે આવવા લાગ્યાં.

એ નાનો હતો ત્યારે તેને ચડ્ડી પહેરવી અને માથામાં તેલ નાખવું ગમતું ન હતું. બાળક વિવેક શક્તિમાનનો ફેન હતો. એને અલ્લાઉદ્દીનના કાર્ટૂનની હિરોઈન જેસ્મિન બહુ ગમતી. ગલી-ગલી સીમ-સીમ પોગ્રામ જોવા એ ક્યારેક શાળા ન જતો. એ બહેનપણીઓ પાસે મોટી-મોટી વાતો કરતો અને એમના અક્ષરના વખાણ કરી લેસન કરાવી લેતો. બદલામાં ક્યારેક રાજી થઈ પાવલીવાળી પીપર આપતો. વિવેકે મનોમન કહ્યું...

‘કિસ્મત કહો કે કરામત ગાળ બોલવી, ચોરી કરવી કે કોઈને મારીને ભાગવું એ આજે પણ બાળપણનું જરૂરી લક્ષણ લાગે છે. નાસ્તાનો ડબ્બો હોય કે કરિયાણાની દુકાનમાંથી જીતાતું ઈનામ, બધું ઝૂટવ્યું છે. કપાયેલી પતંગ મારા હાથમાં આવી જોઈએ ભલેને પછી ફાટી જાય.’ વિવેક મનોમન ગમગીન મુસ્કુરાયો.

પપ્પા પાસે આવીને એ અદેખાઈ, લુચ્ચાઈ, ઠગાઈ, બેઈમાનીની વાતો ગર્વથી કહેતો. અને પપ્પા પ્રેમથી ખિજાતા ત્યારે મમ્મી છાતી સરસો ચાંપીને સાડીના છેડામાં સંતાડી દેતી. પપ્પાને વઢતી, ‘કેમ મારા રાજા દીકરાને હેરાન કરો છો?

મમ્મી હંમેશા તેનો પક્ષ લેતી. એકના એક સંતાન વિવેકને લાડ લડાવતી. ક્યારેક તેને ખિજાતી - મારતી અને પછી રિસાયેલા વિવેકને મનાવતી. ઘરમાં ક્યારેક મહેમાન આવતા ને સ્વાદિષ્ટ ભોજન બનતું. બધા બાળકોની જેમ ચિટીંગ કરીને કોઈ વાનગી સેરવી લેવાને વિવેક બહાદુરી સમજતો.’ વિવેકની માથાની રેખા તણાઈ અને હોઠ મરક્યા. તે મનોમન બબડ્યો, ‘બાળક વિવેક અને આજના સમજદાર પુરુષ વિવેકમાં ક્યાં કંઈ અંતર છે? ચિટીંગ કરીને આજે પણ તે મજા લઈ જાણે છે, પણ હતાશાય સાથે ભોગવી રહ્યો છે.’ એલ્યુમિનિયમની પેટીને ફંફોસતા એક પિત્તળનો તૂટલો ગલ્લો નીકળ્યો. એ ગલ્લામાં પૈસા ભેગા કરી-કરીને સાઇકલ લીધી હતી. અને પછી સાઇકલ વેચીને વીડિયોગેમ ખરીદી હતી.

ઘરમાં, ઓરડામાં, દીવાલોનાં ખરતાં પોપડામાંથી શૂન્યતા પ્રસરી ગઈ. સીલિંગ ફેનનો ઘરઘરાટ, ઘડિયાળનું ટક... ટક... ટક...

જૂની વસ્તુ સાચવી રાખવાના શોખના કારણે આજ પૂરું બાળપણ પટારામાં પડ્યું છે. જેમાં રમત-ગમતના સાધનો બાળપણની માસૂમિયત, મુલાયમિયત અને આજની કઠોરતા અને કાલીમાં ઊભી કરી અસહ્ય કેફ ચડાવી રહ્યાં છે.

બધા મોટી ઉંમરના માણસો જેવું બાળપણના સ્મરણો તાજા થતાં વિચારે તેવું વિચારી વિવેકે તીવ્ર ઈચ્છા દર્શાવી કે કાશ આ બધું ફરી જીવવા મળે. સજીવન થાય.

વિવેક ધીમી ચાલે ઘરના ફળિયામાં આવ્યો. પાડોશના મકાનની ગેલેરીમાં કપડાં સૂકાવતી એક સ્ત્રીએ તેની સામે જોઈ હાસ્ય વેર્યું. તે પેલી સ્ત્રી સામે જોઈ રહ્યો. એનું નામ ટીના છે. એ નાનપણની ટીનકી જેની જોડે એક પાટલી પર બેસી ભણ્યું. જેની જોડે રમ્યું, ઝઘડયું અને એકવાર જ્યારે ઘરમાં મમ્મી ન હતી ત્યારે ટીનાને બોલાવી છત પર લઈ જઈ જીવનમાં પહેલીવાર કોઈ યુવતીને ચુંબન કર્યું હતું તો એ આ ટીના હતી. અને પછી પરણવાનો વાયદો કર્યો હતો. ટીના હાંફતી હાંફતી પોતાનો હાથ છોડાવી સીડીઓ ઊતરી ભાગી છૂટી હતી અને રસ્તામાં મમ્મી મળતાં બુક્સ લેવા આવી હતી એવું બહાનું આપી દીધું હતું. પણ તે આજ અહીં? વિવેક શેરીમાં આવ્યો. ટીના કપડાં સૂકવવાનું છોડીને પોતાના ઘરની ડેલી ખોલી બહાર આવી. થોડીવાર બંનેને શું બોલવું એ જ ના સમજાયું અને પછી ઘરમાંથી એક નાનકડો બાબો બહાર આવ્યો.

ટીનાએ કહ્યું, ‘આ મારો છોકરો છે.’

વિવેકે ટીનાના સંતાનને પૂછ્યું, ‘શું નામ છે બેટા તારું?’

બાળક અક્ષરો છૂટા પાડી બોલ્યો. ‘વિ...વે...ક.’

વિવેક ટીનાની સામે જોઈ જ રહ્યો.

આસપાસ અન્યમનસ્કતા છવાઈ ગઈ.

જિંદગીમાં એકાએક આ શું-શું થઈ રહ્યું છે?

રાજકોટનું આ ઘર. એ શેરી, એ સોસાયટી, એ મેદાનોની ઊડતી ધૂળ, એ તીવ્ર તડકો, એ શરીર પર અથડાતો મેહુલો, એ લચીલી લહેરાતી હવા, એ પાનની દુકાનો, ચાની કેબિનો. ધૂમાડા છોડતી રિક્ષાઓ, ટ્રાફિક જામ કરતી સીટી બસ, હોટલ, સિનેમાઘર, ઓડિટોરિયમ, બાલ-ભવન, ફનવર્લ્ડ, બાગ-બગીચા, મિત્રોના ઘર, સગા-સંબંધીના મકાનો, દુકાનો, બજારો, પ્રાર્થનાગૃહો, સભા મંડપો, લગ્નહૉલ, મંદિરો, સ્મશાન... પડછાયાની જેમ આ બધું છોડવા તૈયાર નથી અને પડછાયાની જેમ જ રંગ અને આકાર વગરનું ગઈકાલ અને આવતીકાલ વચ્ચે તડફડતું વર્તમાન.

વિવેક વિચારોની આંધી વચ્ચે ઓફિસના કામથી પોતાના મહાગામડાંની ભરચક વાહનોવાળી સડકો પર નીકળી પડ્યો.

જીવનની ખાસિયત, જીવનની અપનિયત, જીવનની નાદનીયત આજે આ રાજકોટ શહેરમાં આવીને જાણે વિવેકને અકારણ ખૂંચી રહી છે. ભગવાન યાદ આવી ગયા. ચોક દર ચોક આવતી, ગલી હર ગલી જોવા મળતી હનુમાનજીની ડેરીઓ. સૂતા, બાલ, સાત, કપીલા, બોલબાલા, રામદૂત, રોકડિયા, રંગીલા, સૂર્યમુખી, પંચમુખી, સંકટમોચન અને સંકલ્પસિધ્ધ હનુમાનજી. કેટકેટલાં રામભક્તના ભક્ત છે આ મહાનગરમાં તેમ છતાં ધર્મ દ્વારા આત્માને વ્હાઈટવૉશ કરી શકતો નથી. મિથ્યા આદર્શોની આધાશીશી ઊતારવા માટેની ગોળી પુસ્તકો કે પ્રવચનોમાં ન પણ મળે! શું કરવું તો? અનામી, ગેર સંબંધો નામના હકીકત અને કલ્પના વચ્ચે હીંચકા ખાતા અસ્તિત્વો સમજવાની ફુરસદ કે હિંમત નથી.

વિવેક પોતાના કામ પતાવતો ગયો. ગાડીમાં પંચર પડ્યું. બપોર થઈ વાદળામાં સંતાતો, છુપાતો સૂર્ય માથે આવ્યો. પરસેવો થઈ આજ મધ્યાહ્ન સુધીમાં જ થાક લાગવા લાગ્યો.

રાજકોટ છોડ્યું તે પહેલાંનું બાળપણ ને કુમારાવસ્થા અને આજનું રાજકોટ. સટ્ટા અને ગુટખાનું સૌરાષ્ટ્રનું પાટનગર. અહીંના લોકોમાં ખંત, ખુન્નસ અને ખુદ્દારી છે. જે ખુદ્દારી આજ મારામાં રહી નથી. તમાકુની વાસવાળા તેજ વ્યસની શહેરીજનો વચ્ચે ગૂંગળામણ થઈ ભૂતકાળની અનેક આંટીઘૂંટીઓમાં અટવાઈને તેને બેચેની થઈ આવી. પોતપોતાની દિશામાં દોડતા લોકોએ જાણે ધસમસતા તેની તરફ ડગલાં માંડ્યા અને એ ગુનેગારની જેમ ભાગ્યો. દોડ્યો.

પ્રચંડ અવાજ ગૂંજ્યો. બોમ્બ ફૂટ્યો. ફટાકડાના શોરમાં વિવેકનું ધ્યાનભંગ થયું. વિવિધરંગી શણગાર સજેલા લોકોની જાન નાચતી-ગાતી પસાર થઈ.

‘જિંદગી પોતાનાં આદર્શો મુજબ જ હજુ જીવવી પડશે. બીજાની સલાહો પર નહીં જ.’ તેનામાં અદૃશ્ય શક્તિનો અજબ સંચાર થયો. રાજકોટ. લાગણીઓની સુવાળપથી સ્પર્શતું શહેર. આગિયા જેવાં ધમધોકાર અરમાનો વચ્ચે જીવતા લોકોમાં સતત જીવંત દિલની જેમ ધડકતું ધબકતું રાજકોટ. જ્યાં ભૂતકાલીન આશા-અભિલાષા અને વર્તમાન આકાંક્ષાનું સંમિશ્રણ થઈ વિવેકની અંદર મન-મગજમાં એક મક્કમ નિર્ણય નક્કી થઈ ચૂક્યો હતો.

રસિકતાના મનભેદમાં સમાધાનનો સરળ રસ્તો શોધી કાઢવામાં યાદોનો ખજાનો બની ગયું છે એવું આ શહેર. જીવનમાં કરેલાં કેટલાંક અકથિત, અસહ્ય સારા-નરસા કાર્યો, કારસ્તાનોનું ગવાહ બની રહેલું આ રમતિયાળ રાજકોટ આજે મુક્તિધામ બની વિવેકને હાશકારો કરાવી રહ્યું હતું. વિવેકના અસ્તિત્વ અને વ્યક્તિત્વ જેવું જ વૈવિધ્ય અને વિરોધાભાસ ઉપજાવી સળગતા ગૂગળના ધૂપની જેમ સતત મહેકતા, મંથન કરાવતા જાણે તેને તેનું દર્પણ દર્શાવી રહ્યું હતું. નવી દિશા અને દશા સૂચવી રહ્યું હતું.

રાજકોટમાં વિવેકને ઉછેર, સંસ્કાર અને શિખામણ મળ્યાં હતાં. પોતાનાંઓનાં લગન-મરણ, આત્મહત્યા-એક્સિડન્ટ જોયાં. આનંદ-શોક અનુભવ્યાં. ઘણું સમજ્યો અને શીખ્યો. સમૂહ, સંગઠન, સંસ્થા, સમાજ, શહેરીજનો અને આત્મજનોની વ્યાખ્યા અને વ્યવહારથી પરિચિત થયો હતો. ઘડાયો હતો. આ બધામાં આજ જાણે તેને જીવન જ્ઞાન મળ્યું.

મમ્મીનો ફોન આવ્યો. ગાડીનો ટેકો લઈ ઉભેલા પંચર કરાવતા વિવેકે કોલ લીધો.

‘વિવેક, બેટા મમ્મી બોલું છું. જય શ્રી કૃષ્ણ.’

‘જય શ્રી કૃષ્ણ. બોલો મમ્મી. કેમ છો? ખંજનને સારું છે ને? હું કાલ સુધીમાં કંપનીનું કામ આટોપીને તમારા બધા પાસે આવી પહોંચીશ.’

‘દીકરા, ડૉક્ટરે ખંજનની ડિલિવરીની ડેટ આપી છે. વેવાઈની એવી ઈચ્છા છે કે ખંજન બાળકને પોતાના પિયરમાં જન્મ આપે. હવે પાછલા દિવસોમાં તું તેને સાથ આપી શકતો નથી અને હું એકલી કેટલે પહુંચી શકું? અમે આજે ફ્લાઈટથી તારા સાસરે મુંબઈ આવી ગયા છીએ. તું અહીં મુંબઈ આવી જા.’

‘સારું મમ્મી. હું બિઝનેસનું કામ પતાવીને થોડા દિવસોની રજા લઈ અહીંથી સીધો બોમ્બે આવી જાઉં છું.’

વિવેકે કોલ ડિસકનેક્ટ કર્યો. તુરંત મુંબઈના કોડવાળા લેન્ડલાઈન નંબર પરથી કોલ આવ્યો. ખંજન હશે એવું સમજી તેણે કોલ સ્વીકાર્યો.

‘હલ્લો...’

‘…..’ કોઈ બોલ્યું નહીં.

‘હેલ્લો...’

‘વિવેક, હું સોનાલી.’ સોનાલીના અવાજમાં નમી હતી. તેના બે શબ્દોમાં એક હતાશા અનુભવી વિવેક સીધું બોલ્યો, ‘હું અત્યારે રાજકોટ છું, આજે જ અહીંથી પ્લેનમાં બેસીને બોમ્બે આવવા રવાના થઈ રહ્યો છું.’

સોનાલીને ડુમો ભરાઈ આવ્યો. આંખમાંથી દળદળ કરતું પાણી વહ્યું. ‘હકીકતમાં વિવેક?’

રડતી સોનાલીને અસત્યના અંધારામાં રાખીને વિવેકને જાણે તેની ભૂલ સમજાઈ હોય એ રીતે સ્વયંને દોષિત ગણી ગુનાહિતભાવે કહ્યું ‘હા, પ્રોમીસ. હું તારી પાસે આવું છું. મુંબઈ.’

ક્રમશ:

અન્યમનસ્કતા

પ્રકરણ ૧૧

અમેરિકાનું ન્યૂયોર્ક શહેર, જે.એફ.કે – જોન એફ કેનેડી એરપોર્ટ.

એક દેશથી બીજા દેશ જવા માગતા મુસાફરોની ભીડમાં ડાર્ક બ્રાઉન કલરનું સ્વેટર અને બ્લૂ જીન્સ પહેરેલો, જમણા હાથમાં ફેકચરના કારણે પ્લાસ્ટરનો પાટો બાંધેલો વધેલી દાઢીવાળો શ્યામવર્ણ ભારતીય માણસ લોકલ અમેરિકન પોલીસના કાફલા સાથે એરપોર્ટ પર પ્રવેશ્યો. તેના ડાબા હાથમાં નાનકડી બ્લેક બેગ હતી. વાંકડિયા નાના વાળને વ્યવસ્થિત રીતે તેણે હોળ્યા હતા. એરએજન્સીની વેબસાઈટ પર ઓનલાઇન નોંધાવેલી ટિકિટની પ્રિન્ટ એરપોર્ટના કાઉન્ટર પર તેણે બતાવી. બોર્ડીંગ પાસ અને જરૂરી દસ્તાવેજ મેળવી લીધા.

ગેટ નંબર ચાર તરફ તે ત્રણ પોલીસકર્મી સાથે સિક્યોરિટી ચેકઅપ માટે ઉતાવળા કદમે ઝપાટાબંધ રવાના થયો. ત્યાં યાત્રીઓની અલગ-અલગ કક્ષામાં મોટી લાઈન લાગી હતી. તે લાંબી કતારમાં ઊભો રહીને સામાન-બેગ જમા કરાવવા માટેની વિધિ કરવા લાગ્યો. આગળ નાની ટ્રે જેવી પ્લાસ્ટિકની છાબડીમાં તેણે પોતાનો પટ્ટો, પાકીટ, ઘડિયાળ, અને જૂતાં મૂકી દીધાં. બધું મશીનમાં સ્કેન થઈ આવ્યા બાદ તેણે બધી વસ્તુઓ પહેરી લીધી. હાથમાં ફેક્ચર હોવાના કારણે તેને થોડી તકલીફ પડી. વાર લાગી. સફેદ યુનિફોર્મ પહેરેલો એક એરપોર્ટ ગ્રાઉન્ડ ઓફિસર કેટલાંક કાગળોમાં તેની સહી કરાવીને એરોબ્રિજ સુધી ચેકપોસ્ટ વટાવી છોડી ગયો.

અમેરિકામાં ન્યુજર્સી - ન્યૂયોર્કના ગુજરાતીઓ ન્યૂયોર્કના એરપોર્ટ પરથી મોટા ભાગે ભારત આવતાં અને જતાં હોય છે. ત્યાં ભારણ વધી જતાં ન્યૂયોર્ક નજીક આવેલાં નુવાર્કના એરપોર્ટને પણ ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવી દીધું છે. જેથી મુસાફરોને અવરજવરમાં વધુ સમય અને સમસ્યા ઊભી ન થાય. તે પ્રથમવાર આવ્યો ત્યારે લીબર્ટી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઊતર્યો હતો અને વિમાન બ્રિટિશ એરવેઝનું હતું. યાદો ઘસાયેલી ધૂંધળી હતી. મગજ પર ભાર પડતો હતો.

એરપોર્ટ પર બટકા, ખેંચાયેલી આંખ, ટૂંકા વાળ અને ભૂખરા રંગના ચહેરાવાળા યાત્રીઓનો સમૂહ ધસી આવ્યો. આ વખતે ચાઈનીઝ લોકો વધુ દેખાઈ રહ્યાં હતાં. થોડીવાર બાદ ચાઇના માટે ફ્લાઈટ રવાના થવાની હશે અથવા આવી હશે તેવું તેણે વિચાર્યું. બધા ચેકપોસ્ટ પાર કરી એ ચાલવા લાગ્યો. હવે તેની જોડે કોઈ પોલીસ અધિકારી કે સુરક્ષા વ્યવસ્થા ન હતી.

ટર્મેક પર એર ઈન્ડિયાનું ઘટ્ટ સફેદ મહાકાય હવાઈ જહાજ ૩૬૭ ઊભું હતું. તે અરોબ્રિજમાં થઈ પગથિયાં ચડીને પ્લેનમાં પ્રવેશ્યો. ટિકિટમાં જોયું. પોતાનું નામ વાંચ્યું. ફ્લાઈટ નંબર એ.આઈ (એર ઈન્ડિયા) પચ્ચીસ ૨૫, ન્યૂયોર્ક ટુ બોમ્બે. યૂ.એસ.એ-ઈન્ડિયા સીટ નંબર બી. છત્રીસ ૩૬. ફર્સ્ટ-ક્લાસ. તે પોતાની સીટ ગોતીને બેસી ગયો. એની બાજુની સીટ હજુ ખાલી હતી. બારીમાંથી રન-વે દેખાઈ તેની બંને બાજુ બત્તીઓ જલતી દેખાઈ રહી હતી. યાત્રીઓ હજુ પોતપોતાની જગ્યા પર ગોઠવાઈ રહ્યા હતા.

વિમાનમાં ખાસ ગર્દી ન હતી.

ટૂંક સમયમાં પ્લેન ઉપડ્યાનું રેવિંગ શરૂ થઈ ગયું. પ્રચંડ અવાજ થયો. હવાઈ મુસાફરો સીટમાં સીધા ટટ્ટાર બેસી પોતપોતાના સીટબેલ્ટ વધુ મજબૂત રીતે બાંધવા લાગ્યા. ગતિ પકડતાં વિમાને ન્યૂયોર્ક એરપોર્ટની જમીનને અલવિદા કરતાં આકાશમાં ઉડાન કરવાની શરૂ કરી.

અમેરિકન એરલાઈન્સ તરફથી હવાઈ યાત્રીઓને શુભ અને સફળ યાત્રાની શુભકામના આપવામાં આવી. પ્લેન ટેક-ઓફ થઈ ચૂક્યું. ફ્લાઈટ થ્રી-સિક્સ-સેવન હિંદુસ્તાનની દિશામાં આકાશના વાદળો ચીરતી, ગર્જના કરતી ઊડી.

મુંબઈ-ન્યૂયોર્કના સમયમાં સાડા નવ કલાકનો તફાવત હતો. કાપવાનું અંતર આશરે બાર હજાર પાંચસો પચાસ કિલોમીટર જેટલું હતું. લગભગ સાત હજાર આઠસો માઈલ્સ. તે માટે જોઈતો સમય પંદર કલાક સોળ મિનિટ હતો. સ્પીકરમાંથી મધુર અવાજે અંગ્રેજીમાં કહેવાયું.

પ્લેન ઉપડ્યાની થોડી જ મિનિટોમાં એક એર-હોસ્ટેસ ટ્રૉલી લઈને તેની પાસે આવી. તેણે એક સોફ્ટ ડ્રિન્ક લઈ નેવી બ્લૂ અને બ્લેક યુનિફોર્મ પહેરેલી બ્રિટીશ અંગ્રેજી બોલતી ભારતીય યુવતિનો આભાર વ્યક્ત કર્યો. થોડીવાર બાદ એક જાપાની જેવી લાગતી એર-હૉસ્ટેસ બ્લેંકેટ આપી ગઈ.

પ્લેને ઊંચાઈ અને સ્થિરતા પ્રાપ્ત કરતાં સીટબેલ્ટ્સ ખૂલવા લાગી. હવે યાત્રીઓ ટોઇલેટ અને સ્મોકિંગ ચેમ્બર તરફ આવનજાવન કરી રહ્યાં હતાં. અમુક વચ્ચે સરળ વાતો થતી હતી. કેટલાંક ન્યૂઝ પેપર અને બુક્સ વાંચી રહ્યાં હતાં. તેણે આંખો બંધ કરી પગ થોડાં લંબાવ્યા. મીચેલી આંખો સમક્ષ જીવન રી-રન થવા લાગ્યું.

જ્યારે એ મુંબઈથી નીકળ્યો હતો ત્યારે ૨૦૧૩ની સાલના અંતિમ મહિના ચાલતા હતા. આજે ૨૦૧૪ની સાલ અડધી ગુજરી ચૂકી હતી. રાત્રિના થોડાં કલાકોની ઊંઘ બાદ સવારે આંખો ખૂલે છે. રાત્રે સૂઈ જાય છે ત્યારે આંખો બંધ થઈ જાય છે. અને એક સમય એવો આવે છે જ્યારે આંખો કાયમ માટે બંધ થઈ ફરી ક્યારેય ખૂલતી નથી અને બધા મૃત માની બેસે છે. તેણે વિચાર્યું પોતાની પત્નીએ પણ તેને મૃત સમજી કંકુની ડબ્બી, કાજળની પેટી, મેકઅપ બોક્સ, તેના ગોળ મોટા ઈયરરિંગ્સ અને કાચની બંગળીઓને કબાટની તીજોરીમાં મૂકીને લોક મારી દીધું હશે. કે પછી કોઈ બીજા? ના... ના...

પર્મ કરેલા વાળવાળી, મગરૂર ચહેરાવાળી રસિક મિજાજી પોતાની વાઇફના હોઠ પર રમતું સ્વીટ સ્મિત દૃશ્ય બનીને તેની બંધ નજર સમક્ષ અંકાઈ ગયું. પોતાની જીવનસાથી તરફ લગભગ અનાયાસે, અકારણ ખૂલી જતું તંદુરસ્ત હાસ્ય બાદ એ હાસ્યના પ્રતિસાદરૂપે તેની પત્નીનું હાથથી મોઢું ઢાંકી શરમાવું. ખડખડાટ હાસ્યને દબાવવું. પોતાનો બધો પ્રેમાળ રોષ ઠાલવતાં દમકદાર જવાન જિજ્ઞાસુ નયનમાંથી મૌન બંનેલા શબ્દોનું છલકાવું. ક્યારેક રડવું, રિસાવું, મલકવું...

પોપચાં પાછળ રચાતાં ફ્લેશબેકના અમુક પિકચર જોઈને તેની બંધ આંખો ભારેખમ થઈ ગઈ.

તેણે મગજને બીજા વિચારમાં, અલગ દિશામાં વાળવાનો પ્રયત્ન કર્યો. એક રેગ્યુલર કોફી અને ગાર્લિક ટોસ્ટનો ઓર્ડર કર્યો. થોડાં સમય બાદ ટ્રૉલી આવી. એલ્યુમિનિયમ ફોઈલમાં ટોસ્ટ અને પેપર ગ્લાસમાં કોફી તેની સીટ પાસે મૂકી એર-હોસ્ટેસ ચાલી ગઈ. તેણે થેંક્યુ કહ્યું, યુવતિ ઝૂકીને મુસ્કુરાઈ આગળ ચાલી.

‘હલ્લો...’

‘એક વર્ષ થયું ઘરનું જમવાનું જમ્યો નથી! મમ્મીના હાથનો સ્વાદ જીભને સ્પર્શ્યો નથી. પત્નીના હાથની મનગમતી અવનવી વાનગીઓ જમી નથી. પપ્પા સાથે સાંજના સમયે ડાઈનિંગટેબલ પર જમતાં-જમતાં કોઈ મુદ્દાઓ પર ગપસપ થઈ નથી.’

તેણે વિમાનમાં નાસ્તો કરતાં-કરતાં વિચાર્યું, ‘ઘણાં દિવસે વિચારો ઝડપથી વહ્યાં. તૂટી ગયા અને ફરી વેગથી વહ્યાં. આજે એ પોતાની પત્ની, માતા-પિતા, ઘર-પરિવાર, દોસ્તો પાસે પાછો ફરી રહ્યો છું. કારમી કિસ્મતને, અકારણ પામેલા મોતને માત આપીને સૈનિકની જેમ યુદ્ધમાં ફતેહ મેળવીને પોતાના વતન જઈ રહ્યો છું’ તેણે પોતાને સવાલ કર્યો. ‘કેવું અનુભવાઈ રહ્યું છે? મનોમન ચિંતા કરતી, અકળાતી, પાછા આવવાની આશામાં બાધાઆખડી રાખીને ઈશ્વરની સાથે દરરોજ મંદિરે જઈ ઝઘડતી પત્નીની સામે જશે ત્યારે શું થશે? હે પ્રભુ...

જીવનમાં અતૃપ્તિ રહી જાય છે ત્યારે ઈશ્વરના નિયત કરેલા મૃત્યુ સમયે તેડવા આવેલા યમરાજને પણ પાછા જવું પડે છે. જિંદગીમાં તૃપ્તિ નથી, પણ જવાબદારી અદા કરવા કદાચ મને ભગવાને બીજી જિંદગી આપી છે. પોતાની પ્રેગનેન્ટ વાઇફ માટે, આવનાર સંતાન માટે, ઘરમાં રહેલાં વૃદ્ધ મા-બાપ માટે મને આ તક મળી છે. મેં મેળવી છે. સૌને આઘાત લાગશે. જેવો આઘાત મારા આજ સુધી મૃત બની બેખબર રહ્યાનો લાગ્યો છે એવો જ આઘાત મારા જીવંત બની પાછા ફરવાથી લાગશે.

જોડે હોવાની, જીવન જીવવાની મજા અને જીવન જીવતા-જીવતા દૂર થઈ જવાનું દુ:ખ અને ફરી પાછા મળવાનો આનંદ. માણસ લાગણીશીલ છે એટલે ખુદ કરતાં બીજાનાં મૃત્યુ વિશે જાણીને વધુ બેચેન બની જાય છે. એકલા રહેવાનો વિચાર હલબલાવી નાંખે છે. આપણે જીવંત છીએ એટલે અચેતન વસ્તુ સાથે થોડો સમય પસાર કરી શકીએ છીએ. આખી જિંદગી એકલા જીવવા માટે પણ કોઈ એકનો સાથ જોઈએ. માણસને માણસની જરૂર છે એટલે આપણે બધા જીવી શકીએ છીએ.’ તેની આંખો આપોઆપ મિંચાઈ ગઈ.

એરહોસ્ટેસે ‘વૉટર સર...’ કહ્યું ત્યારે તેણે આંખો ઉઘાડી. નાસ્તો પતાવી વ્હાઇટ કડક પેપર નેપ્કિનથી મોઢું સાફ કરી તેનો ડૂચો વાળ્યો, બોટલમાંથી પાણી ગ્લાસમાં કાઢ્યા વિના સીધું જ પી લીધું. ટોઇલેટ જઈ આવ્યો. બ્લેન્કેટ ઓઢી સીટ પાછળ કરી થોડાં પગ લાંબા કર્યાં. પોતાની બાજુની સીટ પર બેઠેલા મહેંદી કલરના વાળ વાળા એક નેપાળી બુઝુર્ગને અકારણ એક્સક્યુસ મી કહેવાઈ ગયું. બંને વચ્ચે ઔપચારિક વાતચીતનો દોર ચાલ્યો. તૂટક-તૂટક નબળી હિન્દી અંગ્રેજી ભાષામાં બંનેએ થોડી વાતો કરી.

મનમાં જૂનાં-નવાં સંવાદો ચાલતા રહેતાં અને વચ્ચે-વચ્ચે તંદ્રામાંથી જાગી જતાં ઊંઘવામાં ખલેલ પડતી હતી. આજે તેણે મગજ પર ખૂબ દબાણ આપ્યું હતું. એકભાગમાં દર્દ થતું હતું. તેણે ઊંઘવાનો પ્રયત્ન કર્યો. ફરી જાગ્યો. ગોળી લેવાનું રહી ગયું હતું. પોકેટમાંથી ટેબ્લેટ કાઢી પાણી સાથે ગટગટાવી ગયો.

અમેરિકાના ન્યૂયોર્ક સીટીથી મુંબઈ જતું પ્લેન ત્રીસ હજાર ફીટની ઊંચાઈ પર સ્થિર આસમાનમાં ઊડી રહ્યું હતું. પ્લેનની ગતિ કલાકના નવસો કિલોમીટર હતી. વિવિધ મહાકાય શહેરોની ખબરો, ભૌગોલિક અંતરો, હવામાનની માહિતી ટી.વી. સ્ક્રીન પર ફ્લેશ થતી હતી તેનાં પર અધખુલ્લી આંખે નજર પડી. દુનિયામાં ખાસ બનાવો બન્યાં ન હતાં. વાતાવરણ સ્વચ્છ હતું. તેની નજર બારીની બહાર ગઈ. વાદળો ધૂમાડાની જેમ ઊડી જતાં દેખાયા. નીચે ધરતી પર પાણીમાં પડેલા ઓઈલના બુંદોની જેમ શહેરોના રસ્તા, ઈમારતો ઝળહળી રહ્યાં હતાં. દવાની અસર થવા લાગી. ઘેન ચડ્યું. એ સૂઈ ગયો.

ઘર સુધી પહોંચવાના અધરસ્તે અકળામણ શરૂ થઈ પોતાની મંજિલ જેમ જેમ નજીક આવી રહી હતી તેમ તેમ ધડકનો વધતી જતી હતી. સંયમ હવે જળવાતો ન હતો. પોતાના પર કાબૂ કરવો કપરો બની રહ્યો હતો. એ થોડીવારમાં જાગી ગયો.

અમેરિકાથી ઊડીને આવેલા વિમાને ભારત દેશની ભૂમિ પર ઊતરતી વખતે ફરી પ્રચંડ અવાજ કર્યો. પ્લેનના પૈડાં રન-વે પર આવીને ઢસડાયાં. એક ધક્કો લાગી વાગ્યો. દરવાજો બહારની તરફ ખૂલ્યો. મુસાફરો કતારબંધ એક પછી એક વિમાનની બહાર નીકળતા ગયા.

મુંબઈ આવી ગયું.

મુંબઈના છત્રપતિ શિવાજી એરપોર્ટ પર કોઈ લેવા આવવાનું ન હતું. કોઈને ખબર જ ક્યાં હતી કે એ આવવાનો છે. આવી ગયો છે. તે ઘર તરફ ધસવા ઉતાવળો બન્યો બન્યો. એરપોર્ટ પરની જરૂરી વિધિ ફરજિયાતપણે પતાવીને તે રસ્તા પર આવ્યો. બે હાથ ફેલાવ્યા. જમણો હાથ થોડો ખેંચાયો. થોડી વેદના થઈ પણ પોતાના શહેર પાછા આવવાની ખુશી પાસે આ દર્દ કંઈજ ન હતું. અસલી વેદના સાથે તો હવે તેનો સામનો થવાનો હતો અને એ વેદનાને દૂર કરવા જ એ પરત આવ્યો હતો. તે થોડીવાર ફૂટપાથ પર ચાલ્યો. મુંબઈની સડકો પર, દરિયાની હવામાં, ભાગતાં-દોડતાં લોકો વચ્ચે તેને અજબની શાંતિ મળી.

જિંદગી, માણસો, સબંધો બધાં સાથે એક ખૂટ-અખૂટ અંજળ હોય છે. એક આબોદાના હોય છે. માણસ માણસની વચ્ચે એક ઋણાનુબંધ હોય છે. આ બધા માટે જીવતા રહેવું પડે છે. મરીને પણ ફરી જન્મી સદગુણ-સ્વાર્થ, સારાઈ-ખરાબ, નીતિ-અનીતિ, કુટુંબપ્રેમ આદિતત્વોના નાના-મોટા પાસાને પૂરાં કરવાં આ ધરતી પર વારંવાર પૈદા થતું રહેવું પડે છે.

ઊંચી-ઊંચી આલીશાન હાઈ-રાઈઝ ઇમારતો જોઈ. બજારમાં ટહલતા હાથ ઊંચો કરી એક કાળી-પીળી કાર રોકી, ટેક્સી કરી ઘર ગયો. રસ્તામાં ટેક્સી ડ્રાઇવરને મુંબઈના હાલચાલ પૂછ્યા. ઘણાં દિવસે મરાઠીમાં વાતો થઈ. કશું બદલાયું ન હતું.

પોતાનાં ઘરે આવી દરવાજાને હાથથી ઠપકારતા તેણે બેલ મારી. થોડી જ ક્ષણોમાં દરવાજો ખૂલ્યો અને દરવાજો ખોલનાર સ્ત્રી સોનાલી હતી. તેની આંખો ફાટીને સ્તબ્ધ બની ગઈ. પાંપણ ઝબકાવ્યા વિના એકીટસે તે દરવાજા પર ઊભેલી વ્યક્તિને જોઈ રહી. તેનાથી આલોક નામ બોલાયું, પણ અવાજ ગાળામાં જ બેસી ગયો. માત્ર હોઠ ફફડયાં. મૂગી થઈ ગયેલી સોનાલીને આંચકો લાગી આવ્યો. નસેનસમાં, રોમેરોમમાં એક કમકમી પસાર થઈ ગઈ. પોતાના મૃત પતિને દસ-અગિયાર મહિના બાદ જીવંત નિહાળી તે માટીના પૂતળા જેવી અચેતન જડ જેવી અન્યમનસ્ક બની ગઈ.

ક્રમશ:

અન્યમનસ્કતા

પ્રકરણ ૧૨

તે આલોકને વળગી પડી. આંસુ આપોઆપ વહેવા લાગ્યાં. તેણે પોતાનું સમગ્ર શરીર આલોક પર ઢાળી દીધું. આલોકે તેના માથા પરથી કેડમાં હાથ પરોવ્યા. તે ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો. માથા પર, પીઠ પર, પેટ પર, ખભા પર હાથ ફેરવતાં, ‘હું આવી ગયો સોનાલી. આપણા બાળક માટે. તારા માટે. મમ્મી-પપ્પા માટે. તારી પ્રાર્થના સફળ રહી. હું આવી ગયો. ભગવાને સાંભળી લીધી તારી અરજ. આમ જો, બસ... હવે રડ નહીં...’ આલોકે હથેળીથી સોનાલીના ગાલ પર સરી આવેલાં આંસુ લૂછયાં.

બંને એકબીજાને કસીને ભાવનામય ભેટી રહ્યાં.

રસોડામાંથી ઘરના જૂના વડીલ એવા નોકર બચુ મહારાજ બહાર આવ્યા. સોફા પર બેસી રડતાં આલોક અને સોનાલીને એકસાથે જોઈને પહેલાં તો તે ચોંકી ઉઠ્યા. અડધી મિનિટ પસાર થઈ.

‘શેઠ?’

તે ઝડપથી આલોકના મમ્મી-પપ્પાના રૂમ તરફ દોડ્યા.

‘ગજબ થઈ ગયું. હું કહેતો હતોને શેઠાણીબા, આલોકબાબુ...’ અને પછી મહારાજના મોંમાંથી આગળના શબ્દો ન નીકળ્યા. આંસુડાંની ધાર થઈ.

આલોકના પિતા ભાઈલાલભાઈએ ખુરશી પરથી ઊભા થતાં પ્રશ્ન કર્યો. ‘આલોક! આલોકબાબુ શું?’

‘આલોક શેઠ...’ તેણે ડ્રોઈંગરૂમ તરફ રડતાં-રડતાં ઈશારો કર્યો.

‘હા પણ આલોક... બાબુ... શું?’ જ્યોતિબહેન અને ભાઈલાલભાઈ ઉતાવળા પગે બચુ મહારાજની પાછળ બહારના રૂમમાં દોડી આવ્યા.

અને બહાર દીવાનખંડમાં આવીને જોયું તો... આ શું? આલોક!

આશ્ચર્ય અને પ્રશ્નાર્થ વચ્ચે તેમની આંખો ખેંચાઈને ફાટી ગઈ!

ઘરનું વાતાવરણ ઘેરું બની ગયું.

* ***

આલોકે પોતાની પત્ની સોનાલી અને મમ્મી-પપ્પાને શાંત કર્યા. તેમને શક્તિ આપી. કુદરતના કરિશ્માનો આભાર વ્યક્ત કરતા આપવીતી બયાન કરી, ‘મને ઠીકઠાક થોડું ઘણું યાદ તો છે. હું ચાર્ટડ વિમાનમાં શિકાગો શહેરથી બેઠો હતો. અમે પચાસેક જેટલા યાત્રીઓ હતા. ફ્લાઇટ ફ્લોરિડાની હતી. આપણી પાર્ટનર કંપનીના કેટલાક કર્મચારીઓ પણ કાફલામાં મારી સાથે હતા. અમે એક સાઇટ જોવા જતાં હતા અને બસ પછી... ધડામ...’

બચુ મહારાજ કિચનમાંથી પાણીનો ગ્લાસ ભરી લાવ્યા. પોતાના માલિક આલોકશેઠને પાણી આપીને તે ખભે નાંખેલા ગમછાથી આંખો લૂછી તેમની પાસે નીચે બેસી વાતો સાંભળવા લાગ્યા. આલોકે થોડું પાણી પીધું. શબ્દો ગોઠવતા ફરી સમગ્ર ઘટના કહેવાની શરૂ કરી.

‘આછું આછું યાદ આવે છે. મારી આંખો ખૂલી ત્યારે ડૉક્ટરે કીધું હતું કે આશરે પંદર-વીસ દિવસ પહેલાં હું કોમામાં ચાલ્યો ગયો હતો. મગજમાં હેમરેજ થઈ ગયું હતું અને નાના-મોટા ઘા, ઇજા હતી. બટ ઇટ્સ મિરેકલ. વિમાનને ખરાબ હવામાન નડયું હતું અને અમારું પ્લેન એક ખેતરમાં ક્રેશ થયું હતું. સોનાલી ત્યાં આવી હતી. તેણે કરેલી મારી તપાસ અને શોધખોળના કારણે ભારતીય સરકારી દૂતાવાસે મને ઘણી મદદ કરી. ઈન્ડિયા સુધી, આપ સૌ સુધી મોકલી આપવાની વ્યવસ્થા કરી.’

‘આપણું નસીબ અને કિસ્મત આપણા કર (હાથ)માં નહીં કર્મમાં છે.’ આલોકના પપ્પાએ દીકરા આલોકને ગળે લગાવી લીધો.

આલોકના પરિવારમાં પાછા ફરવાથી ગમના તોફાન બાદ ખુશીના આંચકાની આંધી ફરી વળી.

આલોકના માતા-પિતાએ કુટુંબમાં બધાને આલોક હેમખેમ પાછો ફર્યોના સમાચાર અને મીઠાઈ ફરતી કરી. બીજી તરફ આલોક સિવાય એક બીજું નાનું મહેમાન જે સોનાલી થકી ઘર-પરિવારમાં આવવાનું છે તેની પણ ખુશી આલોકના હવાઈ અકસ્માતમાં ગુમ થવાના કારણે વ્યક્ત ન થઈ શકી હતી હવે તેને પણ સાથે ઉજવવાનો અવસર મળી રહ્યો.

પરંતુ સોનાલી આલોકના પરત ફરવાનો હર્ષ અનુભવે કે વિવેક તેને મુંબઈ મળવા માટે આવી રહ્યો છે એ વાતનો આનંદ વ્યક્ત કરે તે સમજાતું ન હતું. સોનાલી માટે બહુ મોટી મુસીબત ઊભી થઈ હતી. સવારથી રાત પડી ચૂકી હતી. સોનાલી અને આલોક વચ્ચે કોઈ પ્રકારની ખાસ વાતચીત કે નજદીકપણું કેળવાયું ન હતું. સોનાલી જાણે કોઈ બીજા વિચારવિશ્વમાં અન્યમનસ્ક ટહેલતી હોય તેવું આલોકને વર્તાઈ આવ્યું. પતિના પાછાં ફરવાની, તેની વિધવાની જિંદગીમાંથી ફરી સૌભાગ્યવતી બનવાની જે ખુશી થવી જોઈએ તે ખુશી સોનાલીમાં છલકાતી ન હતી.

આખરે શું કારણ હતું?

આલોક સોનાલીના પેટ પર હાથ ફેરવતાં તેના ગર્ભમાં રહેલાં સંતાનને અનુભવવા તેની નજીક આવ્યો અને સોનાલીએ તેને પોતાનાથી દૂર હટાવ્યો. આલોકથી આ સહન ન થયું, તે ગમ ખાઈ ગયો. તેણે સોનાલીને ચિબુકથી પકડી, ‘ખુશ નથી?’

‘ના, આલોક. તબિયત ઠીક નથી.’

‘વાત શું છે?’

‘કહેવાનું તો ઘણું છે. કેમ કહું? કોને કહું? કેટલાંને સમજાવું? મારી વાત કોણ સમજશે?’

‘મતલબ?’

સોનાલીને શબ્દો ન જ્ડ્યા.

મધરાતે સોનાલીને ગર્ભમાં અચાનક ધીમો દર્દ ઉપડ્યો. શ્વાસ લેવામાં તકલીફ પડી. તેની પીડા વધતી ગઈ. તે બાથરૂમ જઈ આવી. વેદનાને વ્યક્ત કરવા ચીસ ઊઠી ગઈ. બ્લડીંગ શરૂ થયું. તેને જલ્દીથી કારમાં બેસાડી સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી.

સોનાલીનો મા બનવાનો સમય પાકી ગયો. પ્રથમ પ્રસવની વેળાએ તેના શરીરમાં અગમ્ય લહેર દોડી - આલોક અને વિવેકને પરત્વે અજાણતા અપ્રામાણિક બન્યાના દુ:ખની, ગર્ભમાં રહેલા બાળકનું આ જગમાં આવવા છતાં શારીરિક સંતાપની, બે પુરુષ પરત્વે દગાખોરીના ખેદની, છૂપા અસત્યના રંજની, સંજોગોના ન ઉકેલી શકાય તેવા પ્રમેયની, વર્તમાન અકથિત કઠણાઈની, મા બની તેના સંતાન સાથે કાયમ રહી શકશે કે નહીં, સંતાનને અસલી પિતાનો હક્ક અપાવવાની વ્યથાની, માતૃત્વની સંવેદનાની... પત્નીત્વ, પ્રેમિત્વના બેહિસાબ ચક્રવાતો વચ્ચે તે સૂધબૂધ ખોઈ હોશ ગુમાવી બેઠી.

છેલ્લાં કેટલાંક મહિનાથી સોનાલીની ટ્રીટમેન્ટ કરનાર ડૉક્ટરે સ્ટેથોસ્કોપથી સોનાલીની છાતી, પેટ પર હાથ મૂક્યાં. નર્સને કહીને બી.પી. ચેક કારાવ્યું. નાડી તપાસી. સોનાલીને સ્ટ્રેચર પર ઓપરેશન રૂમમાં ખસેડાઈ. ત્યાંથી આલોક અને તેમની મમ્મીને બહાર જવાનું કહેવાયું. દરવાજા બંધ થઈ ગયાં.

આઇ.સી.યુ.માંથી જ્યારે નર્સ બહાર આવતી અને અંદર જતી ત્યારે કાચનો દરવાજો ખૂલતો. સોનાલીની નાભિમાંથી સંતાન અલગ થવાની દર્દભરી બૂમાબૂમ સંભળાતી.

‘આહહ... ઓહહ..’

બેહોશીમાં ચિલ્લાતી સોનાલીનો શ્વાસ ભરાઈ આવ્યો. આંખો ખેંચાઈ આવી. પોતાની મુઠ્ઠીઓ પલંગની બેડશીટને પકડવાના વ્યર્થ પ્રયત્નમાં તે હાંફવા લાગી. તેનું પૂરું બદન પસીનાદાર થઈ ગયું. તેનામાં હવે વધુ જોશ રહ્યો ન હતો. થોડા કલાકોની યાતના પછી સોનાલીની રાડ ખામોશ થઈ બાળકનું ઉંવા... ઉવવા... ઉવાવાવા... ઓપરેશન રૂમમાં પરોઢની નિરવ શાંતિમાં ગૂંજી ઊઠ્યું.

બે-ત્રણ કલાકની કપરી જહેમત બાદ ડૉક્ટર બહાર આવ્યા. ‘અભિનંદન, બાબો થયો છે. હી ઈઝ વેરી હેલ્ધી એન્ડ નેચરલ બર્થ.’

‘આભાર ડૉક્ટર સાહેબ. અમે સોનાલી અને બાળકને મળી શકીએ? હવે કોઈ ખતરો તો નથીને?’

‘પેશન્ટ હજુ થોડી અર્ધબેહોશીની હાલતમાં છે. દવાની અસર છે. તેમના હસબન્ડ તેમને મળી શકશે. એક સમયે સિઝેરિયન કરવાની જરૂર જણાતી હતી, પણ પછીથી બધું ફાઈન થયું ગયું. ઓલ ઈઝ ગુડ. થેંક્સ ટુ ગોડ.’

આલોક અને તેમની મમ્મી જ્યોતિબહેન તથા પાછળથી વહેલી સવારે આવી પહોંચેલા આલોક-સોનાલીના બંનેના પિતા ભાઈલાલભાઈ અને હસમુખ પટેલની ખુશીનો, આનંદનો, હર્ષોઉલ્લાસનો સૈલાબ ઊભરાઈ પડ્યો.

આલોક સોનાલી પાસે ગયો. તેની અર્ધખુલ્લી આંખ અને થાકેલા શરીર પાસે એક સફેદ કાપડમાં લપેટાઈને આંખો બંધ કરેલું મુઠ્ઠી વાળેલું શ્વેત ગુલાબી બાળક સૂતું હતું. આલોકે તેને કાળજીપૂર્વક ઊંચકીને વહાલથી ચૂમ્યું. તેની આંખોની કિનારી પર ભીનાશ તરી આવી.

નર્સ આવી. ‘ડૉક્ટર આપને જરૂરી વિગતો તેમજ પેશન્ટ અને દવા સંબંધિત જાણકારી માટે તેમની કૅબિનમાં બોલાવ્યા છે.’

આલોકે સફેદ ચાદર ઓઢીને સૂતેલી સોનાલીના કપાળ પર ચુંબન કર્યું. અકારણ તેનાથી આભાર વ્યક્ત થઈ ગયો.

આલોક ડૉક્ટરની કેબિનમાં પ્રવેશ્યો.

ડૉક્ટર માથુરે ફાઇલમાંથી નજર હટાવીને આલોકને બેસવા કહ્યું.

‘આલોક, હું તમને જે વાત કહેવા જઈ રહ્યો છું તે જાણી તમને દુ:ખ તો થશે, પરંતુ તમારે મન મક્કમ રાખીને હિંમત દાખવવી પડશે.’

આલોકે બે હાથ ભેગા કરેલા હતા તે છૂટા પાડી મુઠ્ઠીઑ કસી લીધી. અને પિતા બન્યાની ખુશીમાં જોશથી સ્વરમા પરિવર્તન લાવ્યા વિના કહ્યું, ‘ડૉક્ટર સાહેબ તમે તો જાણો છો હું ક્યા પ્રકારે મોતના મુખમાંથી ફરી પાછો આવ્યો છું. જે વ્યક્તિએ મૃત્યુને માત આપી હોય તેનામાં શું નાની-મોટી મુશ્કેલી સાથ બાથ ભીડવાની તાકાત ન હોય?’

‘બિલકુલ, આલોક. હું જે વાત કરવા જઈ રહ્યો છું એ નોર્મલ નથી માય ડિયર. ડૉકટરી વ્યવસાયના સિદ્ધાંતને બાજુ પર રાખીને મિત્રતાના વર્ષો જૂના સંબંધને કારણે જણાવવું તો પડશે કે...’

‘ટેલ મી ડૉક્ટર.’

ડૉક્ટર માથુર પોતાની ચેર પરથી ઊભા થયા. આલોક પાસે આવ્યા. ‘સોનાલી હવે આજ પછી મા નહીં બની શકે. સૉરી.’ આલોકના હાથ પર હાથ મૂકીને તેની આંખોમાં સાંત્વનાભરી દૃષ્ટિથી જોઈને પછી આગળ કહ્યું, ‘...અને બીજી અગત્યની વાત એ છે કે, સોનાલીએ જે બાળકને જન્મ આપ્યો છે તે તમારું નથી મિસ્ટર પટેલ.’

આલોકના ધ્રૂજી ઊઠ્યો. તેના મુખ પર ડૉક્ટર પ્રત્યે તિરસ્કાર તરી આવ્યો. ‘ઇનફ ડૉક્ટર. આ તમે શું કહી રહ્યા છો. ચાલો માન્યું કે સોનાલી હવે મા નહીં બની શકે, બટ તેણે હમણાં જે બાળકને જન્મ આપ્યો તે મારું નથી એ વાત માનવા હું તૈયાર નથી. મારા અહીંથી ગયા સમય સોનાલી પ્રેગનેન્ટ હતી અને તમે કહો છો કે તે બાળક મારું નથી. એ વાત કેમ શક્ય જ બને?’

‘જુઓ આલોક પટેલ. હું તમારી વાઇફ સોનાલીની છેલ્લા છ-સાત મહિનાથી ટ્રીટમેન્ટ કરી રહ્યો છું. તેમણે મને તેમની અબોર્શનની ફાઇલ બતાવી છે. અને અબોર્શન કર્યાના એક-દોઢ મહિનામાં જ તે ફરી ગર્ભવતી બની હતી અને તે અહીં નિયમિતપણે ચેકઅપ માટે આવતાં હતાં.’

‘વ્હોટ?’ આલોક સ્તબ્ધ થઈ ગયો. તેને કંઈ પણ બોલવું સૂઝયું નહીં.

‘હું એક ડૉક્ટર તરીકેની મારી જવાબદારી પૂર્ણ કરી રહ્યો છું. આ વાત તમારી ફેમિલી સામે જાહેરમાં થઈ શકતી હતી પરંતુ હું તમારા ખાનદાનની શાખથી વાકેફ છું. અને આ સમય આવી વાતો કે સમસ્યાના સમાધાનનો નથી, શાંતિનો, ધીરજનો છે. સોનાલીને માનસિક શાંતિની ખૂબ જ જરૂર છે. તેઓ અનિંદ્રાના શિકારી છે. આલોક આ સમય આવેશમાં આવી ખોટા ઝઘડા કરવાનો નથી.’

ડૉક્ટર માથુરની કેબિન વજનદાર થઈ ગઈ હોય તેવું લાગ્યું.

આલોક ઘુંટાયેલા સ્વરે આંખો નમાવીને બોલ્યો, ‘મતલબ હું એ બાળકને અપનાવી લઉં? ડૉક્ટર સાહેબ ક્યારેક એ નક્કી કરવું મુશ્કેલ બની જાય છે કે મળેલા અનિચ્છિત પરિણામ પર હદયથી માફી આપવી કે મગજથી વેર લેવું.’

‘બાળકને અપનાવવું, ઠુકરાવવું એ તમારો વ્યક્તિગત મામલો છે. રહી વાત સોનાલીની તો મારા હિસાબે બની શકે કે તમારા વાપસ ન આવવાના યકીનની સાથે તેમણે અબોર્શન કરાવી લીધું હતું. અને આ બીજી વખત મમ્મી બનવાનો કદમ ઊઠી ગયો. આ સોનાલીએ અબોર્શન કરાવ્યું તે ફાઇલ. સર્ટિફિકેટ પર કોઈ સયુરીના સિગ્નેચર છે. ત્યાર પછી તે કોઈ પરપુરુષના સંપર્કમાં આવીને તે ગર્ભવતી બની. તમારા ફેમિલીમાં બધા સમજ્યા આ તમારું જ મતલબ કે આલોકનું બાળક છે એટલે તેને પ્રેગનેન્સી દરમિયાન કોઈ શક, સવાલ, સમસ્યાનો સામનો પણ ન કરવો પડ્યો. અને તેણે મારી પાસે તેની ટ્રીટમેન્ટ શરૂ કરાવી આ તેની ત્યારબાદની ફાઇલ.’

આલોક લાંબી ક્ષણો સુધી ફાઈલ ચકાસતો રહ્યો અને પછી સપાટાબંધ કદમે ત્યાંથી ચાલતો થયો. હવે એક પળ પણ વધુ સમય તે ત્યાં રોકાઈ શકે તેમ ન હતો. મમ્મી પાસે તબિયત ખરાબ હોવાનું બહાનું બતાવીને તે જલ્દીથી ઘરે જવા રવાના થયો.

ગાડી મરીન ડ્રાઇવના રસ્તે ઘર તરફ સ્પીડમાં ભાગતી ગઈ. આલોકને બધા સોપાનો એક પછી એક સંપૂર્ણપણે યાદ આવે છે. તેના અંગેઅંગમા ગુસ્સાનું એક મોજું ફરી વળ્યું.

‘જેવા સાથે તેવું એટલે કે બદલો લેવાથી વેર ખત્મ થતું નથી. અત્યાચારની સજા કુદરત અને કાનૂન બંને આપે છે. બંને સજા સમાન આપતા નથી એ વાત અલગ છે. કાનૂનના દરબારમાંથી છટકી શકાય ઈશ્વરના નહીં. જે કરવાનું છે તે બહુ સમજી વિચારીને કરવું પડશે. ઘરની ઈજ્જત અને કુટુંબની આંખો અત્યારે નીચી થાય તેવું કશું કરવું છે? ન્યાય કરવાનો અને કર્મનું ફળ આપવાનો હક માત્રને માત્ર ઈશ્વરને પ્રાપ્ત છે.

તો શું કાયર જેમ બધું જ ચૂપચાપ જોઈ રહું? અપનાવી લઉં કોઈ ગૈરસંતાનને અને પત્નીને મનમાની કરવા દઉં? ક્ષમા વીરનું આભૂષણ હશે, પરંતુ મારી વીરતાને હું મૂર્ખાઈ બનવા દઈશ નહીં. મારા સંતાન, મારા અંશની ગર્ભહત્યા કરીને સોનાલીએ પાપ કર્યું છે. ઈશ્વરે મને કદાચ આ માટે જ પાછો મોકલ્યો હશે કે હું આ નાઈન્સાફીનો બદલો લઈ શકું. હું મારા સંતાનની ગર્ભહત્યા કરાવનારાને સજા આપવામાં ભગવાનનો નિમિત્ત બની શકું.’

ઘર આવી ગયું. તેણે ઘરનું લૉક ખોલ્યું. બેડરૂમમાં જતાં જ આલોકના કાનમાં પડઘા પડ્યા. ‘ના આલોક. આ સમય જોશમાં હોંશ ખોવાનો નથી. માત્રને માત્ર પોતાનપણા, સ્વાર્થીપણાની ભાવના સંબંધને તોડીફોડી મચોડી નાંખે છે. પાપનો બદલો પાપ ન હોઈ શકે. અહમની તૃપ્તિ અત્યાચાર નથી. સંબંધો ક્યારેય તૂટતાં નથી. માણસનો અહમ તેને મુરઝાવી નાંખે છે. વધુ પડતી ઈમાનદારી પાગલપણાંની તો વધુ પડતી દગાખોરી પાપીપણાની નિશાની છે.’

તેણે ટેબલનું ડ્રોઅર ખોલ્યું અને રિસ્ટ વૉચ કાઢીને ડ્રોઅરમાં મૂકી. સોનાલીનો મોબાઈલ ત્યાં હતો. તેણે ફોન ચેક કરીને તેમાંથી ફોટો જોયા. તેણે વેદનાભર્યા વજનદાર સ્વરે ખુદને સવાલ કર્યો. ‘આ દિવસ જોવા માટે હું જીવતો રહ્યો? કે પછી હજુ જીવનમાં ઘણું જોવાનું, સહેવાનું બાકી રહી ગયું છે? એકવાર સોનાલીને પણ સફાઈ પેશ કરવા દેવી પડશે. એ શું કહે છે અને શું કામ તેણે આવું કર્યું. સયુરી જેવી સમજદાર મિત્ર પણ આવી નીકળશે તે અંદાજો ન હતો. બધું માફ કરવા છતાં પણ અંતિમ પ્રશ્ન છે સોનાલીનું બાળક?

જીવનમાં જે મળે છે તે સ્વીકારી લેવામાં શાણપણ નથી, ગાંડપણ છે. હું સોનાલીને માફ કરી શકું, બાળક સ્વીકારવું નામુમકીન છે.’ આલોક બિલકુલ અસ્વસ્થ થઈ પથારી પર પડ્યો. થાકેલો, હારેલો તે સમજી ન શક્યો કે શું કરવું? ક્યાં જવું? તે ઊભો થયો. નિરાશપણે દીવાલમાં વેગથી હાથવાળી મુઠ્ઠી પછાડી. તેની આંખો લાલ થઈ આવી. એક સવાલ તૂટેલા અણીદાર કાચના કરચની જેમ ચૂભી રહ્યો હતો. ‘આખરે કોણ હશે આ અવૈધ સબંધોના સમીકરણથી રચાયેલી અનૌરસ ઔલાદનો બાસ્ટર્ડ બાપ?’

ક્રમશ:

અન્યમનસ્કતા

પ્રકરણ ૧૩

સોનાલીને હોસ્પિટલમાંથી પછીના દિવસે સાંજે રજા આપી દેવામાં આવી. આલોકના અવળચંડા વર્તને સાબિત કરી આપ્યું હતું કે તે સોનાલીના મા બનવાથી ખુશ ન હતો. ઘરના ડ્રોઈંગરૂમમા જ્યાં બાળક આવવાની ઉજવણી થવી જોઈએ ત્યાં શોકમય સન્નાટો વ્યાપેલો હતો. એક તરફ સોફા પર તેના પિતા ભાઈલાલભાઈ, માતા જ્યોતિબહેન અને સસરા હસમુખ પટેલ હતા. આલોક વચ્ચેની ચેરમા બેઠો હતો અને બીજી તરફ સોનાલી તેની સામેની બાજુએ મુજરિમની જેમ નજર ઢાળીને બેઠી હતી જાણે હમણાં જ તેના પર કોઈ મુકદમો શરૂ થઈ તેને એકતરફી સજા આપવામાં આવશે અને બન્યું પણ તેવું જ.

‘પપ્પાજી હવે મારા અને સોનાલીના સંબંધ વધુ ટકી શકે તેમ નથી. હું સોનાલીને લગ્નના બંધનમાંથી મુક્ત કરું છું.’ આલોકે એક જ ઝટકામાં એક પક્ષીય ફરમાન સંભળાવતો હોય તેમ પોતાની વાત કહી આપી.

હસમુખ પટેલે નવાઈથી સોનાલીને પૂછ્યું, ‘દીકરી આ આલોકકુમાર શું કહી રહ્યા છે?’

એક પ્રશ્ન સાસુ જ્યોતિબહેન તરફથી પૂછાયો. ‘આમ અચાનક એકાએક તમારા બંને વચ્ચે એવું તો શું થયું?’

સોનાલી ચૂપ રહી. તેની નિ:શબ્દતા તેના ગુનેગાર હોવાની જાણે સાબિતી આપતી હતી.

‘સોનાલી શું બોલશે? હું જ કહી આપું. આ તમારી લાડકી વહુ દીકરીએ મારા ગયા બાદ પાછળથી તમારા લોકોની જાણ બહાર અબોર્શન કરાવી નાખ્યું. સોનાલીએ મારા ખાનદાનના વંશની ગર્ભહત્યા કરવાનું પાપ કર્યું છે.’ આલોકનો અવાજ ફાટ્યો. તે રીતસર ચિલ્લાયો.

‘શું? આ શું વાત કરે છે આલોક?’ આલોકના પિતા વહુ સોનાલી પરના આ આક્ષેપથી થોડા વિચલિત થઈ ઊઠયા.

અત્યાર સુધી ચૂપ સોનાલી મોઢું સંતાડીને રડવા લાગી.

જ્યોતિબહેને ઉત્સુકતાથી, ‘તો પછી આ બાળક કોનું છે?’

‘મારા ગૂમ થયા બાદ સોનાલી મારી શોધખોળ કરવા યુ.એસ.એ. આવી હતી. ત્યારબાદ હું મૃત છું એવું સમજીને અમેરિકાથી પરત આવી. તે સીધી તમારી પાસે આવી ન હતી. એ મોકાનો ફાયદો ઉઠાવીને તેના કોઈ વિવેક નામના જૂના આશિક જોડે દિવમાં રંગરલિયા મનાવતી હતી. આ જન્મેલું નીચ બાળક તેનો જ નતીજો છે. આ ગંદુ ખૂન મારા ઘરમાં નહી રહી શકે.’ સોનાલી તરફ આંગળી ચીંધીને આલોક હસમુખ પટેલ તરફ જોઈ બોલ્યો, ‘મહેરબાની કરીને તમે સોનાલી અને તેના સંતાનને અહીંથી લઈ ચાલ્યા જાવ. ગેટ આઉટ.’

ભાઈલાલભાઈએ દીકરા આલોકને ઠંડો પાડ્યો. ‘બેટા, કુદરતનો નિયમ છે સ્ત્રી-પુરુષના શારીરિક સમાગમનું પરિણામ હોય છે: બાળક. જે થઈ ગયું તે થઈ ગયું. અત્યારે એકવાર સોનાલીને બોલવાની તક પણ આપ. તેની હાલતનું વિચાર. ઉતાવળે આવેશમાં અને રોષમાં આવી ક્યાંક તું ખુદને જ અન્યાય ન કરી બેસે તેનું ધ્યાન રાખજે.’

ભાઈલાલભાઈની વાતમાં હસમુખ પટેલે સૂર પુરાવ્યો. ‘ખરી વાત છે વેવાઈ. આલોકને એક પતિ તરીકે, એક પુરુષ તરીકે સોનાલી અને તેના સંતાનને ધિકકારીને મારી નાંખવાની કે તરછોડી દેવાની ઈચ્છા થતી હશે, તે સ્વાભાવિક છે. પરંતુ માત્ર એક સવાલ ખુદની જાતને પૂછજે - તું જે સ્થિતિમાં ગુમ થયો. સોનાલીથી અલગ પડી ગયો ત્યાર પછી તેની જગ્યા એ તું હોતો તો તે શું કર્યું હોત?’

‘હું ક્યારેય મારા સંતાનનો ગર્ભપાત ન કરત. સોનાલીના આ પગલાંને કારણે હવે તેણે ભવિષ્યમાં મા બનવાની ક્ષમતા પણ ગુમાવી બેઠી છે. ઈશ્વરના ઘર દેર છે અંધેર નહીં.’ આલોકનો અવાજ કડવો થઈ ગયો. ગુસ્સામાં તે વધુ ન બોલ્યો.

આલોકને વિચારતો કરી સોનાલી પાસેથી ત્યાં ઉપસ્થિત સૌએ સચ્ચાઈભરી સફાઈની અપેક્ષા રાખી.

સોનાલીનું અકળાવનારું મૌન તૂટ્યું.

‘આલોકના વિરહે મને કમજોર અને મજબૂર બનાવી છોડી હતી. મારે કોઈના સાથની જરૂર હતી. જે માણસની દુનિયા અલગ હોય તેમણે એકલું જીવવું જોઈએ. એ એકલાએકલા જીવી શકે છે. રહી શકે છે. મારી દુનિયા અલગ ન હતી, હું એકલી ન જીવી શકી કેમ કે હું સામાન્ય છું. આઇ એમ નોટ સમબડી, આઇ એમ નોબડી. હું સ્વીકારું છું મારી ભૂલ છે. મને મારા ભૂલની સજા કબૂલ છે.’

રડતી સોનાલીએ નિ:શ્વાસ નાંખ્યો.

‘નાદાનીના પરિણામ સ્વરૂપે નાદારી નોંધાવવાનો વારો આવે છે.’ હસમુખ પટેલે આલોકના માતા પિતાને આગળ કહ્યું, ‘આપણે બંનેને એકલા વાત કરવા દેવા જોઈએ. આખરે આ એકથી વધુ જિંદગીઓનો સવાલ છે.’

‘હા, વેવાઈ હવે તેઓ નાના નથી રહ્યાં. આગળના જીવનની દશા અને દિશા નક્કી કરતો તેમનો આખરી નિર્ણય આપણે અપનાવી લેવાનો છે.’

ભાઈલાલભાઈ, જ્યોતિબહેન અને હસમુખ પટેલ બીજા રૂમમાં ચાલ્યા ગયા.

પાનખરમાં વૃક્ષમાંથી પાંદડા ખરે તેમ સોનાલીના આંસુ વહેતા હતા. દિવાનખંડમાં હવે માત્ર આલોક હતો અને સોનાલી હતી.

‘મારી સામે જો સોનાલી...’ આલોકે સોનાલીના બંને બાવડા પકડી હચમચાવી મૂકી. સોનાલી આલોકની નજરથી નજર ન મેળવી શકી. તે રડતી રહી. તેની આંખો આલોકના ચહેરા પરથી ખસી ગઈ.

‘માણસનું સત્ય એની આંખોમાં હોય છે. આંખ એ શરીરનો સૌથી ક્રૂર નગ્ન હિસ્સો છે. એને ઢાકી દેશે તો તને પોતાનું સત્ય દેખાતું બંધ થઈ જશે અને બીજાને એ જોવા દેશે તો એને તારું સત્ય સમજાઈ જશે. મારે તારું સત્ય જોવું છે સોનાલી આંખોમાં આંખ નાંખી વાત કર. જ્યારે દિવમા વિધવાબાઈ હનીમૂન કરતી હતી કોઈ ગૈરમર્દ સાથે ત્યારે શરમ નામનો ભાવ આંખોમાં ન હતો? સિંદૂરની સીમા અને મંગળસૂત્રના મૂલ્યને કલંકિત કરી ત્યારે આંખોમાં શર્મ ન હતી? હવે જ્યારે પાપનો ભાંડો ફૂટ્યો ત્યારે પવિત્ર દેવી હોવાનું નાટક કરે છે?’

આલોકના શબ્દોનો સણસણતો કટાક્ષભાવ સોનાલીના દિલમાં ચૂભ્યો. તેણે આલોકની આંખમાં જોયું જેમાંથી નર્યો વિદ્રોહ નીતરતો હતો.

આલોકના સ્વરમાં કટાક્ષભાવ આવી ગયો. ‘અમેરિકા હું જીવું છું કે નહીં તેની તપાસ કરવા, તું ખાતરી કરવા જ આવી હતી? કે પ્લેનક્રેશ પછી પણ હું જીવતો રહી ગયો હોય તો તારા મજનું જોડે મળી મને મારી નાખવાનું ષડયંત્ર હતું તારું?’

‘આલોક, તમે આ શું બોલી રહ્યા છો?’

‘હું એ જ બોલી રહ્યો છું જે તે કર્યું છે, કરવા ઇચ્છતી હતી.’

આલોકની નજર સમક્ષ યથાર્થ જીવનને જીવાતું જોવું જેટલું શ્રમદાયક બની ગયું હતું તેટલું સોનાલી માટે આલોકની તરહ તરહની શંકા-કુશંકા અને સવાલોના ઘેરામાંથી છૂટવું કષ્ટદાયક હતું.

‘આલોક મારા અને વિવેકના સંબંધ એ તમારા આવ્યા પહેલાંના હતા જેમાં પવિત્રતા હતી. તમારા આવ્યા બાદ એ સંબંધ પર પૂર્ણવિરામ લાગી ચૂક્યું હતું. શું મેં આપણા પતિ-પત્નીના સંબંધને નિભાવવામાં કોઈ કસર કે બાંધછોડ કરી હતી? હું ક્યારેય તમને ખુશી ન આપી શકી કે પછી મારી જવાબદારી અદા કરવામાં નિષ્ફળ રહી હતી? તમારી હયાતીમાં કોઈ પુરુષ સાથે સામે જોઈ હસીમજાકમાં બોલી છું? સગો ભાઈ ન હોવા છતાં ધર્મના ભાઈના કોઈ છોકરા જોડે વ્યવહાર રાખ્યા હતા?’

‘તો પછી મારા ગયા બાદ કેમ અનર્થ થયો? મારી પીઠ પાછળ તે આ યોગ્ય ન કર્યું.’

‘સંજોગની પકડમાં સપડાઈને સભાન રીતે માણસ કેન્દ્રિય બની જાય છે. માનસિક સ્વતંત્રતા અને ફફડાટ બંધ થઈ ધીમે-ધીમે પરવશતા સ્વીકાર્ય થવા લાગે છે ત્યારે દુ:ખી થવાની એકવિધ પ્રક્રિયામાં જીવન જીવવું કઠિન બની જાય છે. હું જે સ્થિતિમાં હતી એ દશામાં મારે કોઈ પોતાનાના સહારા, અંગતના સ્નેહની જરૂરત હતી. અમારી દોસ્તીને તમારા ગયા પછી ફરી વર્ષો બાદ વેગ મળી પ્રેમ થયો.’

‘એ મહોબ્બત નહીં મજા કહેવાય. માંસનો એક ટુકડો બીજા ટુકડા તરફ આકર્ષાય તો તે સેક્સ છે સોનાલી, વાસના છે. શરીરનું ઘસાવું અને વહાલનું ઉત્પન્ન થવું પ્રેમ નથી. એ સ્વાર્થ હતો. એ સમર્પણ નહીં, સંબંધદ્રોહ હતો. એને પ્યાર નહીં પાપ કહેવાય, પાપ.’ આલોકના અવાજે ગંભીર કઠોરતા પકડી.

સોનાલીએ આલોકના કોલર પકડી લીધાં. ‘એક એકલી પતિ વિનાની બેબસ ઔરત પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા પરપુરુષ કે ગૈર રિશ્તાઓનો સહારો લેવાથી પાપી ગણાય છે તો હા સમાજની દૃષ્ટિમાં હું પાપી છું. હું ગુનેગાર છું. આલોક સજા આપો મને.’ સોનાલીનો અવાજ આર્દ્ર થઈ ગયો.

‘તું આત્માભિમાની ઔરત બની ગઈ છે.’ આલોકએ સોનાલીથી પીઠ ફેરવી લીધી. ‘હું આ બાળક અપનાવી નહીં શકું. પતિ અને તારા પુત્રમાંથી સોનાલી તારે એકની પસંદગી કરવાની છે.’

‘હું આ બાળક ત્યજી નહીં શકું. આલોક હું તમારી પત્ની બની રહેવા કરતાં બાળકની મા બની જીવવાનું પસંદ કરીશ.’

‘તો હું તને છોડું છું. મારી જિંદગીમાં હવે તારું કોઈ સ્થાન નથી.’

‘આ તમારો આખરી નિર્ણય છે?’

‘હા, સોનાલી. શરીરનું બેલેન્સ રહેતું નથી ત્યારે બેંકમાં રહેલું બેલેન્સ ખૂબ કામ લાગે છે. બોલ કેટલા રૂપિયા જોઈએ છે મને છૂટો કરવાના? ડિવોર્સ આપવાના? મારા પૈસા પર તારા લવર જોડે મોજમસ્તી કરવાના?’

‘આલોક તમે કેવી વાત કરી રહ્યા છો?’ સોનાલીએ આલોકના ખભા પર પાછળથી હાથ મૂક્યો.

‘લાગણીના મલમથી વેદનાના ઘાને સાજા કરી શકાતા નથી. હવે આ બધા નખરાંની મારા પર કોઈ અસર થવાની નથી. ચાલી જા અહીંથી. ગેટ લોસ્ટ યૂ બીચ.’ આલોકે રાડ પાડી.

વાતાવરણમાં ગરમાગરમી થઈ ચૂકી હતી. આલોક અને સોનાલીના વધતાં ઝઘડામાં અંદરના રૂમમાંથી બધા બહાર દોડી આવ્યા.

‘પપ્પા, મમ્મી અને સોનાલીના પપ્પા હસમુખ પટેલ. હવે પપ્પાજી નહીં કહું તમે એ હક આજથી ગુમાવી બેઠા છો. કેમ કે, આપ પણ સોનાલી જેટલાં જ ગુનેગાર છો. મારા ગયા બાદ તે તમારી જવાબદારી હતી. એ તમારે ત્યાં રહેતી હતી. શું કરે છે, કોને મળે છે, કેમ રહે છે તે જોવાનું તમારી ફરજમાં આવતું હતું. પણ ના, કંપની સારી રીતે ચલાવવામાં તમે ઘર ચલાવવાનો સમય ન ફાળવી શક્યા, આજની કાબૂ બહારની પરિસ્થિતિ તમારા લાડ-પ્યારનો અંજામ છે.’

‘દીકરા આલોક સાંભળ...’

કડવાશથી આલોક કહ્યું, ‘સાંભળવાનું મારે નથી. મારે તો હવે ફક્ત સંભાળવાનું છે તમારા જેવા વિશ્વાસઘાતીઓથી.’

‘આલોક બસ.’ પિતા ભાઈલાલભાઈએ આલોકને બોલતા રોક્યો, ‘તું તારા સંસ્કાર ન ભૂલીશ. અમે તને મોટાંઓનો આદર કરતાં શીખવ્યું છે, અપમાન નહીં. આક્રોશમાં તારા આદર્શ સાથ બાંધછોડ ન કર બેટા.’

‘પપ્પા મેં અને સોનાલીએ નિર્ણય લઈ લીધો છે. અમે એકબીજાને ડિવોર્સ આપીએ છીએ. તે તેનું બાળક છોડવા તૈયાર નથી અને હું સોનાલીને તેના સંતાન સાથે અપનાવા તૈયાર નથી.’

આલોકે બે હાથ જોડ્યા, ‘માફ કરજો હસમુખ પટેલ. હું જલ્દીથી આપને છૂટાછેડાના કાગળ અને ભરણપોષણની રકમ મોકલી આપીશ. તમે તમારી દીકરી અને તેના દીકરાને લઈને અહીંથી જઈ શકો છો.’

આલોકની મમ્મીથી પુછાઈ ગયું, ‘શું આ તમારા બંનેનો આખરી ફેંસલો છે?’

આલોક ગુસ્સામાં હા કહી પગ પછાડતો ત્યાથી ચાલતો બન્યો.

સોનાલીએ પણ બાળકને આલોકની મમ્મી પાસેથી લઈ લીધું. બાળકને ઊંચકીને ખભે નાંખતાં કહ્યું, ‘ચાલો પપ્પા. આલોક કરતાં મારા સંતાનને મારી વધુ જરૂર છે. મેં આજે ફરી એકવાર આલોકને મૃત સમજી લીધા. આમ પણ આજે એક વર્ષ બાદ પાછા ફરેલા આ શખ્સ એ આલોક નથી જે આલોક સાથે હું પરણીને આ ઘરમાં આવી હતી. જેમનું સંતાન મારા ગર્ભમાં હતું. અને જે જીવને અનાથની જિંદગી ન મળે તે માટે મેં અબોર્શન કર્યું. ખેર, આલોકનો આત્મા મોતની માર સહન કરી મીણ મટી મશીન જેવો જડ બની ગયો છે.’

સોનાલીએ તેના સંતાન અને પિતા હસમુખ પટેલ સાથે આલોકના ઘરમાંથી ક્ષણભર રોકાયા વિના વિદાય લીધી.

એક સાથે ઘણાં અવાજો સોનાલીના કાનમાં ગૂંજવા લાગ્યા.

લાઇફની આ કેવી ટ્રેજેડી છે? જીવનનો આ સંઘર્ષ શેના માટે? શું આ સંબંધનો અપરાધબોધ હશે? સોનાલીને થયું, સંબંધની દુનિયાનો સૌથી મોટો અને વ્યાપક શબ્દ નસીબ છે. હજુ આજ સુધી એ સાબિત નથી થયું કે આખરે આ નસીબનું સ્થાન માણસના જીવનમાં ક્યાં છે? શું માણસનું નસીબ તેની હાથ અને કપાળની રેખાઓમાં છે? રેખાઓ તો પગની પાનીમાં પણ હોય છે, પ્રાણીઓમાં બંદરના હાથોમાં પણ રેખા હોય છે. બીજી તરફ જે વ્યક્તિનાં હાથ નથી હોતા તેનું પણ નસીબ હોય છે.

જ્યારે આલોક સાથ વિવાહ થયા હતા ત્યારે જ્યોતિષ કહ્યું હતું - બંનેની કુંડળી જે પ્રકારે મળે છે જાણે એકબીજા માટે જ ઘડાયા હોય. પાછલા જ્ન્મના પુણ્યશાળી પાત્રોના બત્રીસ લક્ષણા મેળ છે. લગ્નની તારીખનું મુહૂર્ત પણ એ એકાદશીનું કાઢ્યું છે જે સો વર્ષે એક જ વાર આવે છે. આવી જોડીઓના તો આપણે માત્ર લગ્ન-સંસ્કાર વિધિ કરવાની હોય બાકી તેઓ તો અતૂટ દાંપત્ય ધરાવતા આવતા હોય છે.

અને આજે? સોનાલીના આંસુ રોકાયા રોકતાં ન હતાં.

નસીબના ખેલ કેવા નખરાખોર છે, નાસમજી શકાય તેવા છે. હજુ ગઈકાલે આલોક જીવંત બનીને ઘર-પરિવારમાં સોનાલી અને પોતાના સંતાનને પામવા ફરી આવ્યો અને આજે સોનાલી-આલોકના અર્ધવિરામ મુકાયેલા લગ્નજીવન પર છૂટાછેડા સાથે પૂર્ણવિરામ મૂકાઈ સંબંધનો કરુણ અંત આવી ગયો.

ક્રમશ:

અન્યમનસ્કતા

પ્રકરણ ૧૪

મુંબઈના દરિયાના કિનારે હવામાં ન વરસેલા વરસાદની શીતળતા હતી. અરબસાગરના મોજાં ઊછળીને દરિયાને કંઈક વધુ ગાંડાતૂર બન્યાં જવાનો સંકેત આપી રહ્યાં હતાં. કિનારાથી થોડે દૂર એક પથ્થર પર બેઠાં બેઠાં વિવેક વિચારી રહ્યો હતો. ‘શું જણાવવું હશે સોનાલીને? પોતાને સોનાલી પાસે બોલવું ફાવશે નહીં તો? સંવાદ ગોઠવવાનો પ્રયત્ન કરવો જોઈએ. કઈ રીતે વાત શરૂ કરીને એક પછી એક બાબત જણાવતા જવી? ક્યા પ્રકારે વર્તવું?’ થોડીવાર મગજ ચકરાવે ચડ્યું, પછી કશું સૂઝયું નહીં. તેણે ઊતાવળે એક સિગારેટ પી લીધી.

ગગનમાંથી નીતરતા પાણીની સપાટી પર પરિવર્તિત થઈને આંખોને આંજી નાંખે તેવો પ્રકાશ ભારેખમ કાળા વાદળોના સમૂહ પાછળ છુપાઈ ગયો. અંધારું થયું.

સોનાલીએ પાછળથી આવીને દરિયા તરફ મો રાખીને બેઠેલા વિવેકને અવાજ લગાવ્યો. વિવેક પાછળ ફરી થોડીવાર માટે સોનાલીને જોઈ જ રહ્યો. ઊંચા કાપેલાં પથ્થરો પર ચડીને તેનો એકધારો ચાલતો શ્વાસ ફુલાઈ ગયો હતો. ઠંડા પવનની સુસવાટા મારતી લહેરખી તેના લાંબા વાળને વિખરાઈને કપાળ, પીઠ અને ખભા પર ફેલાવતા જતાં હતાં.

‘અરે, તું તો એકદમ બદલાઈ ગયેલી દેખાઈ છે. ઓળખાતી પણ નથી.’ વિવેકે છેલ્લાં એક વર્ષમાં જે સોનાલીને જોઈ હતી એ ગર્ભવતી સ્ત્રી હતી અને આજે જે સોનાલીને જોઈ રહ્યો હતો એ સમતોલ ભરાવદાર બાંધાવાળી એક બાળકની મા હતી. જોકે બંનેમાં ખાસ ફર્ક ન હતો. સોનાલીનું પ્રસવ પહેલાંથી બ્લડ પ્રેશર નોર્મલ રહેતું ન હતું અને ડિલેવરી બાદથી હાર્ટ-બીટ્સ ઈરરેગ્યુલર થઈ ગયાં છે. તેની શ્વસનપ્રક્રિયા પરથી ખ્યાલ આવ્યો.

‘ના વિવેક. હું એ જ સોનાલી છું જે આજથી પાંચ વર્ષ પહેલાં આપણે પ્રથમ વખત કોલેજના ક્લાસમા રૂમમાં મળ્યા હતા તે સમયે હતી. તારી નજર સમક્ષ એ જ સોનાલી ઊભી છે જે આજથી ત્રણ વર્ષ પહેલાં તને છોડી ને જતી રહી હતી. જે સોનાલી તને એક વર્ષ પહેલાં ફરી મળી હતી અને પછી જેને તું છોડીને ચાલ્યો ગયો હતો અને આજ આ સોનાલી જે તારી સામે ઊભી છે તે એ જ સોનાલી છે જે એક બાળકની મમ્મી છે. તારી દોસ્ત છે. પ્રેમિકા છે અને પત્ની...’

અધૂરી વાત કહીને સોનાલી ચૂપ થઈ ગઈ. લાગણીના તંતુની ધારદાર દોરીથી કપાયેલી સ્ત્રી સોનાલી હવે આલોકની પત્ની મટી ત્યક્તા બની ચૂકી હતી. અને જો આજ વિવેક પણ તેને તરછોડી દેશે તો તેની પરિસ્થિતિ ખરડાયેલા ભૂતકાળથી વધુ વિપરીત સદા શોકાતુર બનવાની નિશ્ચિત હતી.

‘આપણે બંને એકબીજાને ઘણાં સમયથી કેટલીક વાતો કહેવા ઇચ્છીએ છીએ. સોનાલી ક્યારેક સમય તો ક્યારેક સંજોગ સાથે ન હતા. ક્યારેક માન્યતાભેદનો ડર હતો તો ક્યારેક અસમંજસ હતું. આખરે કઈ રીતે ક્યાંથી શું કહેવું ન કહેવું. આજ સુધીના હદયબોજની કહાનીની શરૂઆત કેમ કરવી તે હજુ સુધી સમજાતું નથી. દુનિયા આપણી વાત સમજતી કે સાંભળતી નથી એવો ખ્યાલ સૌના મનમાં છે. આપણે કેટલાંને સમજીને સાંભળી શકીએ છીએ એની ખબર નથી હોતી.’

‘વિવેક, જીવનમાં જેમ ન કરવાનું બધું કરી લીધું હોય તેમ ન સહેવાનું બધું સહન કરી લીધું છે. આલોકના ગયા બાદના તારા સાથ, સહવાસ અને સંવનનના કારણે આજે મારો પતિ હોવા છતાં હું વિધવા છું કે ડાયવોર્સી તે નક્કી થતું નથી. મેં જે સંતાનને જન્મ આપ્યો છે તે સંતાનના પિતાને ખબર નથી કે તેનું બાળક ક્યાં છે.’

‘મતલબ?’ વિવેકે કહ્યું, ‘તારે જે કહેવું હોય તે સ્પષ્ટપણે સરળતાથી જણાવી આપ. મને દુ:ખ નહીં થાય. હું આશ્ચર્ય જરૂર પામીશ. રહસ્ય પરથી પરદો હટે છે ત્યારે જ તો સત્ય સામે આવે છે.’

‘હા, પણ બની શકે એ સત્ય એટલું વિચિત્ર હોય કે નાટક લાગે. મને રજૂઆત કરતાં નહીં ફાવે. દંભ અને બનાવટને દૂર કરી તિલાંજલી આપી વાસ્તવિક્તા જ્યારે રજૂ કરવામાં આવે છે ત્યારે તે આપોઆપ સત્યનું સ્વરૂપ લે છે. જીવનમાં એટલી બધી પેચીદગી, ગૂંચવણો વ્યાપી ગઈ છે જેમાં કશી સમજ-ભાન નથી પડતી.’

‘મને જાણ છે. સત્યના આધારે ટકી રહેવું બહુ કઠિન છે. ઘણાં ઓછાં વ્યક્તિઓ માટે સત્યની ધાર પર ચાલવું આસાન હોય છે. માત્ર સત્યના સહારે કંઈપણ પામી શકવું એ તારા-મારા જેવા માણસોનું કામ નથી. જ્યારે વાસ્તવિક્તાથી દૂર ભાગીએ ત્યારે માનવસમાજના નિયમો પાળવા પડતા નથી. પછીથી સ્વયંના ભૂલની સજા વીરત્વના અંતિમ લક્ષણની જેમ સ્વયંમને જ આપવાની હોય છે.’

‘વિવેક...’ ક્ષણાર્ધ શબ્દોમાં ખાલી જગ્યા પ્રસરી. ‘સાચું કહીશ તો સત્ય સાંભળીને સ્વીકારી નહીં શકે અને જુઠ્ઠું હવે હું વધુ બોલવા માગતી નથી.’

સોનાલીએ થોડાં સમય સુધી ચૂપ રહી પછી એક પછી એક બધું જ કહેવાનું શરૂ કર્યું.

સમયના ધોધમાર ઊઠતાં જુવાળ વચ્ચે માનવસહજ નબળાઈના કારણોસર મૂલ્યો તૂટતાં ગયા. આલોકનો હવાઈ અકસ્માત થઈ ભટકીને ગુમ થયા પછી લાંબી સારવાર બાદ ક્યા પ્રકારે પાછા ફર્યા.

સમયનું વહેણ છલકાતી નદીના ધસમસતા પ્રવાહની જેમ આનંદ અને ગમની ઓટ લઈ આવ્યો છે.

આલોકના પરત ફર્યાના દિવસે જ તેને ગર્ભાવસ્થાનો દર્દ ઉપડયો. તે મા બની.

મનની વ્યગ્રતા, વ્યતિરેક, વ્યથા, વ્યાધિ બધું જ એક સાથે ભેગું થઈ વિધિની વક્રતાનું વમળ રચી તેને જીવલેણ રીતે કોતરી રહ્યું છે.

આલોકે તેનો પર્સનલ મોબાઈલ ફોન ચેક કર્યો, જૂના ફોટો-મેસેજીસ જોયા. અધૂરી કસર ડૉક્ટરે પૂરી કરી આપી.

શોખ, સ્વભાવ અને જીવનશૈલીથી વિપરીત સ્વરૂપે એકલવાઈ જિંદગીથી ટેવાઈ જવાનું છે. આલોકે મને ઘરમાંથી કાઢી મૂકી છે. હવે તે ડિવોર્સ આપી દેશે. બધા બંધનોથી સ્વતંત્ર થઈ છૂટાછેડા થઈ જવાના.

માત્ર હવે કોઈ સાથે લગ્નનાં બંધનમાં જોડાઈ જવું પર્યાપ્ત નથી. બાળકના ઉછેર, સંસ્કાર, એના વિકાસની તમામ જરૂરિયાતના સાધન સંતોષવાનાં છે.

‘આપણા વિશે ઘરમાં બધાને ખબર પડી ગઈ છે અને એક વાત એ પણ છે જે વાતનો તને ખ્યાલ નથી. જે વાત બહુ ગંભીર છે. જે વાત કરવા માટે છેલ્લાં કેટલાંક મહિનાથી હું તડફડી રહી છું.’

આશ્ચર્ય કરતાં વધુ આઘાત પામેલા વિવેકે અચકાતા પૂછ્યું, ‘કઈ વાત સોનાલી?’ તેના ચહેરા પર ચોંકવાનો ભાવ તરવરતો સાફપણે જોઈ શકાતો હતો...

‘વિવેક.... મેં જે બાળકને જન્મ આપ્યો છે તે આલોકનું નહીં તારું છે, આપણું છે.’

સમુદ્રની ગરજતી લહેરો વચ્ચે કિનારાના પથ્થરો પર બેઠેલા વિવેકના પગ નીચેથી જમીન સરકી ગઈ.

‘શું વાત કરે છે સોનાલી?’ વિવેકના ચહેરા પરથી રંગ ઊડી ચૂક્યો. ‘વર્તમાન, વાતાવરણ, વ્યવહાર બધા વિશે સભાન રહી તે આવું કેમ કર્યું? હર મહિને સ્ત્રી માસિકમાં આવે છે સોનાલી. શું કામ? કેમ કે તે ગર્ભવતી છે કે નહીં તેની તેને પોતાને ખબર પડતી રહે. તું ઇચ્છતી તો આ બધું થતાં રોકી શકતી હતી. મને જણાવી શકતી હતી. તે સત્ય છુપાવી મને છેતર્યો છે. મારી જાણ બહાર આલોકનું સંતાન પડાવી નાંખી આલોકને ઠેસ આપી છે.’

‘મારો આશય કોઈને અન્યાય કરવાનો કે ઠગવાનો ન હતો. સત્યને છૂપાવવું એ જૂઠ નથી વિવેક.’

‘તે સંબંધોની ફરજ, દોસ્તીની કરજ જેવા શબ્દોમાં ફસાવી કોણ જાણે કેમ આવું ક્રૂર કાવતરું ઘડ્યું?’

‘મેં મારા સ્નેહ અને જરૂરિયાતના નામે કોઈને દગો આપ્યો નથી. મેં તો બસ થોડી ખુશી ઈચ્છી હતી.’

‘તું મારી દોસ્ત છે સોનાલી. દુશ્મન દગાખોરી કરી શકે, દોસ્ત નહીં. જ્યારે દોસ્ત દગો આપે છે ત્યારે દોસ્તી તૂટી શત્રુતા જન્મે છે. તું આટલી સ્વાર્થી ક્યારથી અને કેમ બની? તેં ઊઠાવેલા કદમો બુદ્ધિપૂર્વકના નિર્ણયો ન હતા. નાદાનીઓ કરવાની તારી આ ઉંમર નથી.’ વિવેક ગુસ્સે થયો.

‘હું સ્વાર્થી નથી. કદાચ લોભી જરૂર બની ગઈ હતી. હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે વિવેક. એક સજા મને આલોક આપી ચૂક્યા છે. તું પણ સજા આપ મને. સ્વીકારવા તૈયાર છું. હું દિલગીર છું.’

હળવો વરસાદ શરૂ થયો. વિવેક અને સોનાલી વરસાદથી ન પલળવા નાળિયેરના વૃક્ષ નીચે આવી ગયા. સોનાલીએ રુદનને દબાવી ફફડતા દર્દભર્યા મનને કઠણ કરી લીધું.

‘મા બનવા માટે પતિ નહીં પુરુષની જરૂર પડતી હોય છે. હું તારા સંતાનની મા બનવાની ઈચ્છુક હતી.’

‘મારા સંતાનની મા બનવાની ઈચ્છા? પ્રેમસંબંધ અને હમદર્દીનો સંબંધ ભિન્ન હોય છે સોનાલી. અલગ હોય છે. જુદા હોય છે. પ્રેમ થનાર, કરનાર અને પતિ અથવા પત્ની બનનાર બંને પાત્રો અલગ હોવા જોઈએ. જઝબાતોમાં જિસ્મ ટકરાવી હકીકતમાં તારે મારા થકી બાળક નહીં પરંતુ મારા બાળક થકી મને પામવો હતો.’

‘ના વિવેક... ના...’

‘ગમે તેની દીકરી કે દીકરા સાથે પરણીને જીવી લેવું એ દાંપત્ય જીવન નથી. જે ગમે છે તેની સાથે પ્રેમ થઈ શકે. ગમે છે તેની સાથે લગ્ન ન પણ થઈ શકે.’

દરિયાની છોળોનો કિનારા પરના પથ્થરો પર પછડાવવાના ઘેરા આવજોમાં, વીજળીના ગડગડાટમાં શબ્દોને ક્યાંય સુધી અવકાશ ન મળ્યો. દરિયામાં ગરકાવ થતો સૂર્ય આથમતો જતો હતો. એક તરફ મુલાયમ આચ્છો ગુલાબી કલરનો પ્રકાશ વરસતા વાદળ ચીરતો ફેલાઈ સંધ્યાને ખીલવતો હતો. બીજી તરફ ઘેરાતી કાલીમા હતી.

ઉચાટ અનુભવતા વિવેક પૂછ્યું, ‘મારું બાળક ક્યાં છે?’

‘હું તેને ઘર સૂવાડીને આવી છું.’

‘ચાલ... મને તેની પાસે લઈ જા.’

સોનાલીને ખુશી થઈ આવી. તેનો હાથ પકડી દોડતાં પગલે કારમાં બેસી વિવેકે સોનાલીના ઘર તરફ ગાડી દોડાવી મૂકી. સાંજ પડી વરસાદની તીવ્રતા ધીમે ધીમે વધી રહી હતી. મુંબઈના રસ્તા પર ટ્રાફિકજામ અને પાણી ભરાવાની સમસ્યા શરૂ થઈ ચૂકી.

સોનાલીના વ્યક્તિત્વમાં કાંઈક તો એવું હતું જે વિવેક જેવા પુરુષના કોમળ હદયને જીતવા-જકડવા સમર્થ હતું. તેથી જ વિવેક કાયમ સોનાલીની હરકતો પર ગુસ્સો કે નારાજ થવાને બદલે તેનાં નામની માફક વર્તન કરી રહ્યો હતો. અથવા તે ગતિથી પસાર થતી ઘટના સાથે તાલ મેળવતા અચકાતો હતો.

સોનાલીના ઘરે આવી મેચ્યોર, સેન્સિટીવ, બ્રોડમાઈન્ડેડ વિવેક કદાચ એ માનવા તૈયાર ન હતો જે કમળ જેવુ કૂણું ધવલ-ગુલાબી બાળક તેનાં નજર સમક્ષ જ છે તે તેનું લોહી છે. મુગ્ધપણે જોતાં-જોતાં વિવેક પોતાના સંતાન પાસે જઈ તેને ઊંચકીને વળગી પડ્યો. બાળક રડવા લાગ્યું.

સોનાલી પાંપણ ઝબકાવ્યા વિના એક નજરે પિતા-પુત્ર મિલનનાં દૃશ્યને નિહાળી રહી.

લાગણીના પ્રવાહોની અભિવ્યક્તિ પ્રકાશના પ્રતિબિંબ જેટલી જ વાસ્તવિક્તાભરી હતી.

વિવેક પાસેથી બાળકને લઈ શાંત રાખતા સોનાલી બોલી, ‘એકદમ તારા પર ગયો છે.’

સોનાલીની વાત પર વિવેકે પ્રતિભાવ ન આપ્યો. વરસાદ ધીમે ધીમે રૌદ્ર રૂપ લઈ રહ્યો હતો. સોનાલીએ અર્ધનિંદ્રામાંથી ઊઠેલા બાળકને સૂવાડીને વિવેકને બહારના રૂમમાં બેસવા કહ્યું.

‘ચા પીશ?’

વિવેકે ચા પીવાની ના પાડવા છતાં સોનાલીએ તેના માટે ચા બનાવી. સોનાલીની મરજી વિવેકને પોતાની પાસે રોકી લેવાની હતી. તે ચાહતી હતી કે વિવેક હવે ક્યારેય તેનાથી દૂર ન જાય.

‘બોલ વિવેક, તારે શું કહેવું હતું? મેં મારી વાત જણાવી આપી. હવે તારો વારો છે.’

‘સોનાલી તારી દુનિયા અને મારી દુનિયા એ બંને જુદી દુનિયા બની ગઈ છે. જે મુજબ તે મારાથી આપણે મળ્યા તે દિવસથી લઈ આજ દિવસ સુધી એક હકીકત છુપાવી તે મુજબ મેં પણ એક સચ્ચાઈ ફક્ત તને ખુશી આપવા માટે છુપાવી હતી. જે સમયે અને સ્થિતિમાં તું આશા-અપેક્ષા સાથે આલોકનું સંતાન પેટમાં લઈને મારી પાસે આવી હતી તે સમયે તને મારા વિશે હું સાચેસાચું જણાવતો તો તું દુ:ખી થાત. હું તારો સાથ આપી તારી ઈચ્છા સંતોષી ન શકત. આ માટે એક નાનકડું જૂઠ મેં પણ...’

‘આશાઓ મરી જાય ત્યારે મોહતાજી નિભાવી લેવાની હોય છે. હજુ ઘણી આકાંક્ષાઓ વધી છે. વધતી જાય છે જીવનમાં વિવેક... કેટલી સંતોષી શકાશે? તને તારી ભૂલ જાણ્યાં પહેલાં જ માફ કર્યો. હવે બોલ હજુ પણ સાચું કહેવું છે?’

‘હા.’

‘હું ના કહું તો પણ?’

‘સોનાલી તું સમજતી નથી.’ સોનાલીએ દાંત કાઢ્યા. ‘તો મને સમજાવ વિવેક.’

‘હું પરણિત છું.’ પવનનો જોરદાર પ્રવાહ આવી બારીઓ ભટકાઈ. ‘મારાં લગ્નજીવનને એક વર્ષ ઉપર થઈ ગયું છે.’ ભયાનક ગડગડાટ થઈ પ્રચંડ વીજળી ચમકી. વૃક્ષોના મૂળ જમીનમાંથી ઊખડી ફેંકાયા. ‘મારી પત્ની ખંજન ગમે ત્યારે અમારા બાળકને જન્મ આપી શકે તેમ છે.’

વિનાશક તોફાન આવ્યું.

ક્રમશ:

અન્યમનસ્કતા

પ્રકરણ ૧૫

સોનાલી બાદ વિવેકના નિખાલસ કબૂલનામાંથી સોનાલી પર જાણે આભમાંથી વીજળી તૂટી પડી તેમ તેની માનસિક હાલત રફેદફે થઈ ગઈ. વાદ-વિવાદ, સંવાદ-સંહારે વેદનાના એવા ખડક ધર્યા કે સોનાલી નકરી કોરી વાસ્તવિક્તા પચાવી ન શકી.

બુદ્ધિશાળી પુરુષો પ્યાર કરતાં પોલિટીક્સ વધુ રમતાં હોય છે. એ જેટલી સરપ્રાઈઝ આપી શકે એટલાં જ સેડ થવાના કારણો પણ કેમ કે સ્માર્ટનેસ સાબિત કરતાં-કરતાં ક્યારેક પુરુષો દુનિયા તો જીતી લે છે પરંતુ પોતાનાઓથી હારી જતાં હોય છે. વિવેક પણ કુનેહથી એક સાથે બે સ્ત્રીને પ્યાર આપવાના ચક્કરમાં જાણતાં-અજાણતાં એવી રમત રમી બેઠો છે જેની હાર કે જીત બંનેનો નતીજો ખતરનાક આવવાનો નક્કી હતો.

અકલ્પ્ય બનાવોએ પુણ્ય-ન્યાય, પાપ-અન્યાયની સમજ સ્વયં અને સમાજની મર્યાદામાં પરિઘથી બહાર લાવીને રાખી આપી. જે ખૂબ જ કષ્ઠદેહ હતી.

એક વ્યવહારનું વિષચક્ર નિયમિત ફર્યાં કરતું હતું: સીધું અને ઊલટું. વિવેક હતો એ દિવસો, વિવેકના ગયા પછીના આલોક આવ્યાનાં દિવસો, આલોકના ગયા બાદ ફરી વિવેકના આવ્યાંના દિવસો અને હવે ફરી વિવેક-આલોક સાથેના દિવસો અને હવે તે બંને વિનાની જિંદગી? ચાર વ્યક્તિના, બે-બે પતિ-પત્નીના ત્રણ-ત્રણ સબંધો વચ્ચે અટવાઈ ગયેલી છ જિંદગીઓ.

વિવેક-ખંજન, વિવેક-સોનાલી, સોનાલી-આલોક. સ્વીકૃતિ-સંમતિ-અસ્વીકૃતિના કાવાદાવાભર્યા તાણાવાણા એવાં ગુંથાઈ ચૂક્યા કે કોણ કોની સાથે ખુશીની મારામારી, ગમની કાપાકાપી, અવિશ્વાસની ઝપાઝપી કરી ધમાલચકડી મચાવતું હતું તે સમજી શકાતું ન હતું. સમય મુજબ આર્થિક, સામાજિક, અને વ્યક્તિગત રીતે બદલાતા સંબંધો વચ્ચે સોનાલી પડી ભાંગી.

‘સોનાલી, તું ઠીક તો છે ને?’

‘ભાવનાઓ પર અંકુશ રાખવો સરળ કામ નથી. વિવેક મેં વિચાર્યું હતું તું મને આજે અપનાવીશ નહીં તો જીવનમાં પરવશ અને પરાવલંબનનો ભય નહીં રહે, મારા સંતાનનો સાથ છે. અસલામતી લાચારીનો ડર ન હતો. પ...ણ...’ સોનાલી માટે બોલવું તકલીફકારક બની રહ્યું હતું. તેની જીભ તેના શબ્દોને સાથ આપી રહી ન હતી. ‘તારી વાતે મને ઘેરી ચોટ આપી છે. તું પરણિત છો! પિતા બનવાનો છે? તારા પ્રામાણિક જૂઠમાં અસંખ્ય અસ્વચ્છતા હતી! શું કામ? વિ...વેક...’

સોનાલીના જીવનમાં નિષ્ઠુર સત્યની ત્સુનામીનો ઝેરીલો ઝલઝલા આવી ગયો.

‘મેં જે કંઈ કર્યું તે તને અપરણિત સમજીને કર્યું, અસત્યવાદીઓનાં જુઠ્ઠાણાંઓથી હું કફોડી સ્થિતિમાં આવી ગઈ છું. હું ફના થઈ ગઈ. મારે હવે જીવવું નથી. સહનશક્તિનો બાંધ તૂટી ગયો છે. પરાકાષ્ઠા ગુમાવી રહી છું...’ સોનાલી તેનાં હાથ માથા પર પટકવા લાગી.

‘સોનાલી પ્લિઝ.’ વિવેક સોનાલીની નજીક આવ્યો. તેના હાથ પકડી લીધાં. ‘આપણા સંબંધો ભલે લાંબા ન ટકે. પ્રેમ ચિરકાળ રહેવાનો. હું દૂર રહી હરદમ પાસ રહેવાનો. ડગલેને પગલે તારો સાથ આપવાનો. આપણા બાળકના ઉજ્જળ ભવિષ્ય માટેના તમામ પ્રયત્નો કરીશ. આપણી દોસ્તી સદાય અકબંધ રહેવાની.’

‘વિ...વે...ક... પ્રેમના શાશ્વત હોવા વિશે મને શંકા...’ સોનાલીની વાત કરતાં ઝબાન લડખડાઈ જતી હતી. તેને શ્વાસ લેવામાં તકલીફ પડી આંખો ઘેરાવા માંડી હતી.

‘જે માગીએ અને તરત મળી જાય તેને નસીબ કહેવાય. નસીબ પલટાય અને જે માંગીએ એ તુરંત ન મળે તો ખ્યાલ આવે કે આપણી પામવાની વૃત્તિ જિદ્દી હિંસક બની ગઈ છે. સુખને પામવાની દોટમાં મેં દુ:ખનાં ઢગલા કરી મૂક્યા. હું આંધળી બની ગઈ હતી. આજ મારી આંખો હવે ઊઘડી છે કાયમ માટે બંધ થઈ જવા.’

‘નહીં સોનાલી, મહેરબાની કરી આવું ન બોલીશ.’

સોનાલીના શ્વાસ લેતાં અને ઉચ્છ્વાસ ફેકતાં ફેફસાંમાં અસમતોલન પ્રવેશ્યું. ભીતર રહેલું ખાલીપણું તેને ખોખલું બનાવતું જતું હતું.

‘કેટલીક વાતો ન જાણવામાં જ કેટલો બધો આનંદ રહેલો હોય છે. જીવનમાં બંધ બાજી જ રમવી સારી.’

એકલતા અને અન્યમનસ્કતાની ઘૂટને સોનાલીને અવસાદમય બનાવી નાંખી.

‘માણસની ઈચ્છાઓ સ્વાર્થ કહેવાય એ આજ સમજાયું.’

સોનાલીનો રક્તચાપ અસામાન્ય થઈ પરસેવો છૂટી રહ્યો હતો. ગભરામણ સાથે ચક્કર આવતાં હતાં.

ચહેરા પર વેદનાની રેખા ફેલાઈ રહી હતી. હદયમાં યુદ્ધ ચાલી રહ્યું હતું.

‘મારી એક અંતિમ ઈચ્છા અને માગ છે.’ હાંફી ગયેલા અવાજે વેદનાપૂર્ણ શબ્દોથી, ‘વિવેક આપણા બાળકને સાચવજે. તેને માતા-પિતા બંનેનો પૂરતો પ્યાર આપજે.’

સોનાલીની ધડકન થંભી તેનું નિશ્ચેતન દેહ વિવેક પર ઘસી આવ્યું. વિવેકે તેને સંભાળી.

સોનાલીના પિતા હસમુખ પટેલ ત્યાં આવી ગયા.

‘સોનાલી.....’

મુંબઈની પાણી ભરાયેલી સડકો પર થઈ જામતી વરસાદી રાતના વિકટ વાતાવરણમાં સોનાલીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી.

ઈમરજન્સીમાં ડૉક્ટર માથુરે સ્ટેથોસ્કોપથી સોનાલીને તપાસી. કૃત્રિમ શ્વાસ આપ્યો. સ્થિર આંખોમાં પ્રકાશ ફેંકી જોયો. પછી પોપચાં ઢાળી સ્ટ્રેચરમાં સૂતેલી સોનાલીને અંદર રૂમમાં લઈ જવા નર્સને કહી વિવેક અને હસમુખ પટેલ સામે જોઈ નિરાશાથી કહ્યું, ‘આઇ અમ સૉરી.’

વજનદાર તીવ્ર શૂન્યતાનું મોજું વહી જાય છે. સોનાલી પટેલની જિંદગી મૃત્યુની ચાદરમાં બિડાઈ ગઈ હતી.

હસમુખ પટેલ આ સાંભળતાની સાથે જ જીવતા શબની જેમ જમીન પર પટકાઈને બેસી ગયા. શરીરમાં અદમ્ય કંપારી દોડી ગઈ. વિવેકના મગજમાં અશાંતિ છવાઈ ગઈ. તેણે ડૉક્ટરનો સફેદ કોર્ટ પકડી લીધો. ‘વ્હોટ નોનસેન્સ.’

‘હું સમજી શકું છું મિસ્ટર. આપ જેવા સમજદાર અને ઈજ્જતદાર વ્યક્તિને આ શોભા કરતું નથી. માનવબુદ્ધિની વાસ્તવિકતાઓ સાથે વ્યવસ્થિત રીતે મેળમિલાપ થઈ જવાની, પોતાને તેના મુતાબિક ઢાળી લેવાની શક્તિમાં જ શાણપણ છે. અસત્યની એટલી પણ આદત ન પાળવી કે તમામ સત્ય જૂઠ લાગે.’ વિવેકે ડૉક્ટરનો કોર્ટ છોડી માફી માગી. ડૉક્ટર માથુરે પૂછ્યું, ‘તમે વિવેક?’

‘હા, તમે કઈ રીતે મને ઓળખો છો?’ વિવેક બેચેન બની ગયો.

‘કાલે સોનાલીના પતિ આલોક મારો કોલર પકડતા હતા અને આજ આપ! મારા માટે આ નવું નથી છતાં હું બધું જણાવું છું. મને થોડો સમય આપો. ત્યાં સુધીમાં આપ અને હસમુખ પટેલ સ્વસ્થ થઈ મારી કેબિનમાં આવો. ઓકે યંગમેન બી બ્રેવ. બી સ્ટ્રોન્ગ.’

સામાન્ય રીતે અર્ધ રાત્રીએ જ્યારે બધા સૂઈ જાય છે ત્યારે ઊંઘ ઊડી શોકમય બની ગયેલા હસમુખ પટેલ અને વિવેકને ડૉક્ટરે સમજાવ્યું, ‘મેડિકલ સાયન્સ પાસે દિલી-દિમાગી બીમારીની દવા છે. સંબંધિક બીમારીની દવા ન હોય. ઈશ્વરે નક્કી કરેલા મૃત્યુનાં શકંજામાંથી જીવતા બચવું એ અકસ્માત છે અને મૃત્યુ એ ઘટના છે. ક્યારેક ડેથના તાર્કીક કારણ હોતાં નથી છતાં હું સોનાલીની મૃત્યુને સમજવાની થોડી મહેનત કરું છું.’ આ મારા સાથી ડૉક્ટર મિત્ર છે. હ્રદયરોગ નિષ્ણાત છે. ડૉ. શાહ.

ડૉક્ટર શાહે વિવેક અને હસમુખ પટેલને કહ્યું, ‘સોનાલીને સડન કાર્ડિયાક એરેસ્ટ મતલબ એસસીએ આવ્યો હતો. જેને ગુજરાતીમાં હ્રદયસ્તંભ કહે છે. હ્રદય જ્યારે અસરકારક રીતે સંકોચન કરવામાં નિષ્ફળ નીવડે છે ત્યારે રક્ત પરિવહન થવામાં તકલીફ ઊભી થાય છે. શ્વસન પ્રક્રિયામાં ઓક્સિજનની ઉણપ બેશુદ્રતા લાવે છે. આ કારણે મગજને સીધી ઈજા થઈ શકે છે. ક્યારેક હેમરેજ થઈ શકે. જેને કારણે તત્ક્ષણ મૃત્યુ નીપજે છે. વિજ્ઞાનની ભાષામાં જેને સડન કાર્ડિયાક ડેથ કહે છે.’

ડૉક્ટર માથુર વચ્ચે બોલ્યા, ‘ઈમરજન્સીમાં વહેલાંમાં વહેલી તકે દર્દીને યોગ્ય સારવાર આપી બચાવી શકાય છે. પરંતુ આ કિસ્સામાં અણધાર્યા હદયસ્તંભને મોડી સારવાર મળવાને કારણે સોનાલીનું મૃત્યુ નીપજયું.’ થોડીવાર અશબ્દ રહીને ડૉક્ટર બોલ્યા, ‘મેં આલોકને ગઈકાલે જ જણાવ્યું હતું. સોનાલીની માનસિક હાલત જરા પણ સ્થિર નથી. તે હજુ ગર્ભવતી બની છે. આ સમયે તેને મન-મગજ પર કોઈ દબાણ ન પડે તેની ખાસ કાળજી રાખવાની છે.’

‘પરંતુ ડૉક્ટર સાહેબ સોનાલી નાનપણથી સ્વસ્થ છે. અમારા ઘરમાં કોઈને પણ બ્લડપ્રેશર કે ડાયાબીટિસની બીમારી નથી. તો પછી સોનાલીને આમ હાર્ટ એટેક..’ દબાયેલા અવાજે હસમુખ પટેલ વાત કરતાં રડી પડ્યા.

‘હાર્ટ એટેક અને કાર્ડિયાક એરેસ્ટ બંને જુદા છે. કાર્ડિયાકમાં કોઈ અગમચેતી હોતી નથી. ગમે ત્યારે ઓચિંતા એકાએક ધબકારા ઓછા થઈ જાય અને ધબકારા બંધ પણ થઈ જાય. જ્યારે હાર્ટ એટેકમાં હદયમાં રક્ત પહોંચાડતી શિરા કે ધમનીનું ઉધાડબંધ બરાબર ના થાય તેમાં ખલેલ પહોંચે અથવા બીજા કારણોસર લોહીનું હ્રદય સુધી ન પહોંચી આવતો હુમલો હાર્ટ એટેક છે. હાર્ટ એટેક તો પુરુષોને આવવાની ચીજ છે. એ નરમ દિલ અને ગુસ્સાળુ સ્વભાવવાળી વ્યક્તિઓનો રોગ છે. ભોજન અને કસરતમાં થોડી નિયમિતતા અને રોજ એક ટેબ્લેટ લેવાથી બ્લડપ્રેસર કંટ્રોલમાં રાખી એટેકને આવતા રોકી શકાય છે.’

ડૉક્ટર માથુર ફરી વચ્ચે બોલ્યા, ‘હાર્ટ એટેક ક્યારેક એક તો ક્યારેક બે તો ક્યારેક ત્રણ મોકા આપે છે. સ્ત્રીને હાર્ટ એટેક ઓછાં આવે છે કારણ તન-મન તોડી નાંખતાં જીવાતા જીવનમાં તેમનું હ્રદય પહેલેથી જ એટલું મજબૂત થઈ જાય છે કે અચરજતા કે અકસ્માતોને તે શક્તિપૂર્વક સહન કરી શકે છે.’

‘વૈજ્ઞાનિક અભિગમથી દૂર રહી મારાં પ્રયોગો અને અનુભવોને આધારે એવું અનુમાન છે કે માણસના દિલ, દિમાગ અને આંખોને ગાઢ સંગમ છે. એક એવું જોડાણ છે જે તમારા સંપૂર્ણ શારીરિક અને માનસિક સ્વાસ્થ પર અસરકર્તા છે. માણસ જે જુએ છે તે અંગે વિચારે છે. જે વિચારે છે અને નથી જોયું તે તે જોવા માગે છે. ગમતી ક્રિયા વારંવાર કરવા ઈચ્છે છે અને નથી કર્યું તે કરવાના પ્રયાસો કરતો રહે છે.’

‘જે રીતે એક ખોટા નિર્ણયની સારી-ખરાબ ઉપજ તેનાં સાથે જોડાયેલાં તમામ પરિબળોને લાગે-વળગે છે તે રીતે મગજ, મન, અને આંખમાંથી એક પણ અંગનું વિચલન બાકીના બંને મહત્ત્વપૂર્ણ અંગો હદય અને મગજની સાથે શારીરિક-માનસિક આત્મશક્તિને લાગુ પડી ખતમ કરી મૂકે છે. એ અણધાર્યો આનંદ કે એ વણમાગ્યો દર્દનો અતિરેક દિલ કે દિમાગ સહન કરી શકતું નથી અને અચાનક જ કાર્ય કરવાનું બંધ કરી દે છે. સોનાલીના કેસમાં આવું જ બન્યું.’ આટલું કહી પોતાનાં સાથી મિત્રને લઈને ડૉ. માથુર ચાલ્યા ગયા.

વિવેક પાસે કશું કહેવા શબ્દો ન હતા. હસમુખ પટેલ રડતાં રહ્યાં.

સોનાલીના શરીરનું ચેકઅપ થયું. ડેથ-સર્ટીની કામગીરી પૂરી થઈ અને કહેવાઈ ગયું, ‘શબને લઈ જઈ શકો છો.’

સોનાલીના મૃત્યુની આલોકને જાણ કરવામાં આવી.

‘કોણ સોનાલી પટેલ? હું કોઈ સોનાલી પટેલને ઓળખતો નથી.’ આલોકે સોનાલીને અને સોનાલીએ આલોકને છૂટા પડતાં સમયે જ મૃત સમજી લીધા હતાં. આલોકના જાણ્યા-કહેવામાં અચરજ નહોતું.

વિવેક અને તેના સંતાનની હાજરીમાં સવારના ચડતા તડકામાં સોનાલીના પાર્થિવ દેવને અગ્નિદાહ દેવાની વિધિ થઈ.

ભડભડ જલતી ચિતા પર ગાઢ લીલા વનમાં ઊગેલા લાલ ફૂલ જેવી સોનાલી વિવેક પર સંતાનની જવાબદારીનો ભાર મૂકીને અનંત યાત્રાએ ચાલી ગઈ.

ગીતામાં મૃત્યુ વિશે કહ્યું છે : ‘જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવં જન્મ મૃતસ્ય ચ.’ જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે.

નિસ્તેજ-નિચેતન શરીરનું પંચમહાભૂતમાં વિલીન થઈ અસ્ત થવું એટલે જીવનનું આથમવું. જેમ નવેસરથી ઊગવા પહેલાં આથમવું જરૂરી છે તેમ નવજન્મ પામતાં પહેલાં મૃત્યુ અનિવાર્ય છે. મોત દરેક સજીવને નિર્જીવ બનાવીને છોડે છે.

આ જગતમાં કોઈ યજમાન નથી. બધા મહેમાન છે. જન્મ લઈ એકબીજાને મળવા આવે છે. મરવા કોણ જીવે છે? કંઈક કરવા જીવવું. કંઈક બનીને મરવું.

મોત એટલે દેહત્યાગ બાદ આત્માને નવજન્મ આપવો. વર્તમાન કર્મમાંથી છૂટી જૂના શરીર, સંબંધો, સ્થળનો ત્યાગ કરી એક જુદાં નવાં પરિવેશમાં અવતરવું.

વરસાદના પાણીથી પલળી ગયેલા મોટા ભેજદાર લાકડા પર સળગતા શરીરની, ઝળઝળતી ચિતાની લૌ સમક્ષ પોતાના સંતાનને છાતીએ લગાવીને વિવેક અશ્રુ વહાવવા ઈચ્છતો હતો. બાળકના જન્મ સાથે માતાનું મૃત્યુ થવું એ ઈશ્વરના ન્યાયના દરબારમાં કેટલું વાજબી હશે?

માણસને તેના જન્મદિવસની તારીખ ખબર હોય છે એટલે એ જન્મદિન ઉજવતો આવે છે. મરણદિનની તિથિ ખબર પડી જાય તો? બર્થડેઈટની જેમ ડેથની ડેઈટ માલૂમ પડી જવી જોઈએ એટલે દુ:ખની પણ મજા લઈ શકાય અને સુખની પણ કદર થઈ શકે. શરીરની કાર્યશક્તિનો ખ્યાલ આવે. અને આત્મા?

‘નૈનં છિન્દંતિ શસ્ત્રાણિ...’ આત્માને શસ્ત્રો મારી શકતા નથી.

બ્રહ્માંડમાં આત્મા નામશેષ છે? આત્મા સ્મૃતિઓની જેમ અમર છે. જીવનસફરનો અંત નથી. મૃત્યુ એ પડાવ છે. મોક્ષ શરીરને મળે છે. આત્માએ તો કાળક્રમે નિત્ય પેદા અને વિલીન થતું જ રહેવું પડે છે.

કર્મની જંજાળથી છૂટીને જીવતાં આવડવું મનુષ્ય માટે સદીઓથી આકરું બનતું આવ્યું છે. મોહ-માયાના બંધન સાથે જાન સ્વતંત્ર થઈ જવી જોઈએ. વિવેકે સોનાલીના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી. ચિતા ઠરી ગઈ. સફેદ ધુમાડો આકાશમાં અદૃશ્ય બની ગયો. અસ્થિઓ માટીના કળશમાં ભરાઈ તેના પર લાલ કપળું બંધાઈ ગયું. સોનાલીના એકાએક અકાળ મૃત્યુથી વિવેકને પશ્ચાતાપની અગ્નિ ઘેરી વળી.

ખેર, મોતે એક જિંદગીનું પૂર્ણવિરામ છે, વાર્તાનું નહીં.

ક્રમશ:

અન્યમનસ્કતા

પ્રકરણ ૧૬

મુક્તિના મંત્ર, સ્વતંત્રતાના શ્લોકનું બીજું નામ મૃત્યુ છે. કર્મોનાં કારાગારમાંથી છૂટેલા આત્માને માનવજીવનમાં જગ્યા મળતી નથી. એટલે શરીરની જેમ નવા આત્માઓ પણ જન્મતા રહે છે. જીવો જીવસ્ય જીવનમનું પૈડું અવિરત ફર્યા કરે છે. જન્મનું સત્ય શું છે? મૃત્યુનું અસત્ય શું છે? ખબર નથી.

સાચું-ખોટું દિવસ-રાતના પ્રકાશ-અંધકારની જેમ, સૂર્ય-ચાંદના ઉગ્રતા-શીતળતાની જેમ પરસ્પર વિરોધાભાસ છે. એકનું વજૂદ બીજાને આધીન રહી રચાય છે. જીવનના હરેક સુખને સીધી લીટીનું જોડાણ સત્ય સાથે છે. જેટલું સત્ય ઓછું તેટલી ખુશીઓ વધુ! જરા વિચિત્ર લાગશે પરંતુ વિચારવા જેવું છે - જીવનની યાદગાર ખુશીઓ વધુ પડતું ખોટું બોલીને જ મેળવી છે. ન કરવાનું કરીને પામેલું સુખ ક્યારેય પૂર્ણ સત્યના ધોરણે પામ્યું નથી હોતું.

સત્યપાલન, સત્ય સંવર્ધન, સત્ય સ્થાપન અને સત્ય રક્ષણ ખાતર પ્રાયશ્ચિત સિવાય કોઈ બીજો વિકલ્પ નથી. પશ્ચાતાપ એ મનની એક એવી સ્થિતિ છે જેમાં ખુદ પ્રત્યે જ અણગમો થાય. નકામા ઊમળકા પણ ન આવે. વર્તમાન નકારાત્મક ને ભવિષ્ય નિરાશામય લાગે. આડું-સીધું વિચારતા-વિચારતા વિવેકને થયું માનવીને ભૂતકાળમાં જઈને ભૂલો સુધારવાનો એક મોકો મળવો જોઈએ. ભૌતિક કે સ્થૂળ કારણ વગર મનુષ્ય કઈંજ કરતો નથી.

તેને લાગ્યું કે સોનાલીના મૃત્યુ પાછળ ક્યાંક એ પોતે મુખ્ય જવાબદાર કારણ છે. અનેક પ્રકારના સતત વિચારો ઘૂમતા વિવેકને પોતાની જ જાતને ફિટકાર લગાવવાની ઈચ્છા થઈ. પોતાના માટે નફરત થઈ આવી.

જે વ્યક્તિ વધુ પડતું વિચારી શકે છે તે વ્યક્તિ માટે દિલ અને દિમાગ વચ્ચે બેલેન્સ જાળવી જીવવું કઠિન છે. દિલની લાગણી અને મગજની બુદ્ધિ વચ્ચે તાર્કિક યુદ્ધ થાય છે ત્યારે સર્વ દિશામાંથી સમગ્રપણે શોકાગ્નિની જાળ પથરાઈ જાય છે. જે ખીણ જેવા ઊંડા ભૂતકાળ અને સૂકાયેલા કૂવા જેવા વેરાન ભવિષ્ય વચ્ચે ઊભેલા માણસની વર્તમાન માદક સ્થિતિને ભરખી ભસ્મ કરી છોડે છે.

મનના વિચાર અને મગજના જ્ઞાન સાથેની સ્પર્ધામાં વિવેક ફરી શું કરવું ન કરવુંની સોચમાં ગભરાય છે, અકળાય છે. દિગ્મૂઢ બનીને શાંત થઈ જાય છે પછી વિચારોમાં વીંટળાય છે. સિગારેટો ફૂંકવા લાગે છે. તેની પાસે રહેલું પોતાનું જ સંતાન સચવાતું નથી. બાળક મમ્મી-સોનાલી પાસે જવા જોરજોરથી રડે છે, સ્તનપાન કરવા ઈચ્છે છે.

અઢળક વિચારણા પછી વિવેક પોતાના સંતાનને લઈને આખરે ખંજનના ઘરે આવી પહોંચ્યો.

ખંજનના માતા-પિતા કૌશલ્યા બહેન અને પ્રવીણ દવે અને વિવેકની માતા લીલાવતી બહેન વિવેકના હાથમાં નવજાત શિશુ જોઈને નવાઈ પામ્યા.

‘વિવેક આ કોનું બાળક છે?’

‘આ નવજાત શિશુ?’

વિવેક નિ:શબ્દ રહ્યો.

મૌન રહીને વિચારે છે શું? વિવેક ન્યાયપ્રિય બની બોલી નાંખ, આ તારું સંતાન છે. કહેવા માટે તો એમ પણ કહી શકાય છે કોઈ બીજાનું ખૂન છે. રસ્તા પર કે મંદિરમાં મળી આવ્યું. અનાથ છે અને આશરો આપવાનો છે.

આશરો આપી શકાશે પરંતુ ન્યાય નહીં. હજુ કેટલું અસત્ય બોલું? એક જૂઠ પાછળ બીજાં કેટલાં જૂઠને જન્મ આપું? હજુ કેટલાં અપકર્મો જાણી સમજીને કરું? વિવેકનો આત્મા ઝેરીલા સાપની જેમ તેને ડંખ્યો.

સમજી નહીં શકે, ખબર નહીં પડે જેવી પૂર્ણધારણા ખોટી પડ્યા વિના રહેતી નથી એ અનુભવ પરથી સાબિત થઈ ગયું છે એટલે હવે સાચું બોલવું એ જ છેલ્લો વિકલ્પ બચ્યો છે.

‘મમ્મી-પપ્પા વિવેક નહીં બોલી શકે. હું કહું? આ વિવેકનું જ બાળક છે.’

ખંજનના વિસ્ફોટક ખુલાસાથી વિવેકની આંખો પલક ઝબક્યા વિના ખંજન તરફ ફાટી રહી ગઈ. રડતાં બાળકને વિવેકના મમ્મી અંદરના રૂમ તરફ લઈ ગયા.

‘ખંજન તને બધી ખબર હતી?’

‘જૂઠનું આયુષ્ય પરપોટા જેટલું હોય છે, બહુ ઓછું. લાખ ધમપછાડા કરી પણ સત્યને અસત્યના મહોરામાંથી બહાર આવતાં રોકી શકાતું નથી. ગમે તેવો ચાલાક ચોર હોય કે આંખોમાં આંખ પોરવી આસાનીથી જૂઠ બોલી શકતો કહેવાતો સત્યવાદી હોય, એક ભૂલ હર કોઈ કરે જ છે જે બીજી બધી ભૂલ કરતાં અસમાન્ય હોય છે.’

‘કઈ ભૂલ?’

‘પોતાની જાત સમક્ષ ભૂલનો સ્વીકાર કરવાની ભૂલ. ચશ્મા વિનાની આંખો પણ ઘણું જોઈ શકે છે. વિવેક મેં તમારી ડાયરી સંપૂર્ણ વાંચી છે.’

‘સાચું બોલવું જેટલું અઘરું છે તેનાં કરતાં સાચું સ્વીકારવું વધું અઘરું છે. સાચું જોવું અને સાચું સમજવું તેમાં પણ ફર્ક રહેલો છે. ખંજન તે જે સમજયું છે અને હમણાં-હમણાં જે બની ગયું છે તેમાં ઘણો તફાવત છે.’

‘વિવેક, લગ્ન એક પવિત્ર બંધન છે. જેને નિભાવવામાં મેં ક્યારેય કોઈ કસર છોડી નથી. હું ખુશ છું અને રહેવાની. ઈમાનદારી માણસને પોતાનીને પોતાની પાસે બહુ ઊચું સ્થાન આપે છે. આજ એક તરફ મને ખુદ પર એક પવિત્ર સ્ત્રી હોવાનો નાઝ થાય છે. એક કર્તવ્યનિષ્ઠ પત્ની બની રહ્યાનો ગર્વ મહેસૂસ થાય છે અને બીજી તરફ તમારા કુકર્મ પર શરમ આવે છે. સોનાલી પર ઉગ્ર રોષ-ક્રોધ જન્મે છે. આખરે મેં મારી જવાબદારી નિભાવવામાં ક્યાં ચૂક કરી? મારામાં શું ખામી કે ત્રુટિ હતી? મારો અને મારા આવનારા સંતાનનો વાંક શું હતો?’

વિવેક કશું બોલી ન શક્યો. તેની આંખો શરમથી નમેલી હતી.

‘જ્યારે તમે ઓફિસના કામમાં વ્યસ્ત અને સોનાલી જોડે ફરવામાં મસ્ત હતા ત્યારે મારા માટે ઘરનો એક એક ખૂણો ખૂંદવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હતું. વિવેક માથું પટકવાનું મન થાય અને જાત દેખાદેખીની આગમાં સળગી ઊઠે જ્યારે તમારો હક્ક તમારો પતિ કોઈ બીજી ઓરત પર લૂંટાવતો હોય. ગમે તેવાં સંજોગોમાં મેં ક્યારેય ઉફ્ફ સુદ્ધાં નથી કરી.’

‘મને માફ નહીં કરે?’

‘માફી? હું નાદાન નાસમજ...’ ખંજનથી રડી પડાયું. ‘હું નાઈન્સાફી સહન કરી લઈશ. મારું બાળક નહીં. મારો હક્ક સોનાલીએ છીનવ્યો છે. મારા બાળકનો હક્ક-અધિકાર હવે હું તેનાં બાળકને લૂંટવા નહીં આપું. વિવેક મહેરબાની કરીને સોનાલીના બાળકને મારા મોમ-ડેડના ઘરમાંથી સોનાલી પાસે લઈ જાઓ.’

‘સોનાલીનું સડન કાર્ડિયાક એરેસ્ટથી મૃત્યુ થઈ ગયું છે. એની અંતિમ ઈચ્છા છે આ બાળકને હું સાચવું. આપણે જોડે મળી...’

‘પ્રેમની સજા મોત ન હોય. અકાળ મોત સ્વાર્થભર્યા પ્યારને પામવા જતાં બીજાને દગો દેવાનો દંડ હોઈ શકે. તેનું બાળક તેના માતા-પિતાની જવાબદારી છે. તેના પ્રેમીની કે નાજાયઝ પિતાની ફરજ નથી.’

અવાજને મોટો કરીને ખંજને શબ્દો વધુ કડક કર્યા.

‘જેટલી અપેક્ષા એક પતિ તેની પત્ની તરફથી ઈચ્છતો હોય છે તેટલી જ અપેક્ષા એક પત્નીની તેના પતિથી આપોઆપ બંધાઈ જતી હોય છે. આપવા-લેવાના સમાન સમીકરણો વિના ગૃહસ્થજીવન શક્ય નથી. સોનાલીની અંતિમ ઈચ્છાની જેમ મારી એક ખેવના છે તમે ફક્ત મારા-આપણાં સંતાનના પિતા બની રહો. મારા આવનારા બાળકનો ઉછેર કોઈ પારકી સ્ત્રીના બાળક સાથે થતાં હું એક મા તરીકે સહન ન કરી શકું. મારા આવનારા સંતાન પ્રત્યે મારી કેટલીક જવાબદારીઓ છે.’

‘અને આ બાળક પ્રત્યેની મારી જવાબદારી? જેની મા આ દુનિયામાં નથી.’

‘અને જે બાળક મારા પેટમાં છે તેના પ્રત્યે તમારી જવાબદારી?’

વિવેક પાસે કોઈ જ ઉત્તર ન હતો. શબ્દો ન હતાં.

‘બસ બહુ થઈ ગયું. આજ સુધી તમે મને પત્ની સમજીને વ્યવહાર કર્યો નથી પરંતુ પીસની જેમ વાપરી છે. મારા મૌનનો ગલત મતલબ સમજ્યો છે. પ્રાપ્ય અબાધિત અધિકારોનો દૂરપયોગ કર્યો છે. હવે વધુ નહીં. સંબંધો મૃત નથી હોતા તેને જીવની જેમ સાચવતાં આવડવા જોઈએ. માવજત કરીએ નહીં તો કરમાઈ જાય. ક્યારેક તેમાં વિક્ષેપ પડે તો તેને સાચવવા આકરા નિર્ણય લેવા પડે અને ભવિષ્યને ધ્યાનમાં રાખી મારો નિર્ણય છે હું આ બાળક સાથે તમારી જોડે રહેવા ઇચ્છતી નથી.’

સોનાલી અને વિવેકનો વાર્તાલાપ ભાવશૂન્ય બની ગયો.

ઘરની દીવાલો વચ્ચે ધૂંટાતું બાળકનું રુદન કર્કશ લાગવા લાગ્યું.

લાંછનરૂપ લગ્નેત્તર સંબંધોના કૃત્યોથી વિવેકની મમ્મીને ગુસ્સો આવ્યો. શર્મસાર બની નીચું જોવાપણું થયું. ખંજનના માતા-પિતાએ પણ વિવેકે કરેલી બચકાના હરકતો પર ઠપકો આપ્યો.

વિવેક બાળક અને પોતાની મમ્મીને લઈને ખંજનના ઘરથી નીકળી ટ્રેન પકડીને પોતાના શહર તરફ આવવા રવાના થઈ ગયો.

સમર્પણ, સ્વમાન, સંસ્કાર, સભ્યતાની સરહદો વચ્ચે તૂટતાં-બંધાતા... બંધાતા-તૂટતાં... સ્વાર્થ નામના ભાવની જીવલેણ પકડમાં સપડાઈને મુર્જાઈ જતાં સંબંધો ફના-ફાતિયાં થઈ ગયાં. અહિંસક વેરની વસૂલાતનાં વ્યવસાયમાં માણસ સંબંધો પ્રત્યે ઊંડી અનુકંપા દાખવાના બદલે ચિત્રગુપ્ત બની પાપ અને અન્યાયનાં હિસાબ કરે છે ત્યારે કળિયુગમાં પણ છાને ખૂણે અગ્નિ પરીક્ષાઓ અપાતી રહેતી હોય છે.

સીતાએ રામને કહ્યું હતું ‘ત્વમેવ ભર્તા ન ચ વિપ્રયોગ’ આવતા ભવ તમે જ મને પતિ તરીકે મળો.

પતિ-પત્ની હરેક જન્મો સાથ જીવવા માગે છે અને ક્યારેક જો એ દર જન્મ જોડે જીવવા ઈચ્છતા દાંપત્યના સુખી-સંપન્ન જીવનમાં કોઈ બીજું પ્રવેશે તો? તો જીવતેજીવ જે વ્યક્તિને તમે કહ્યું હતું કે, તારા વિના જીવનના એક-એક પળ જીવવા અશક્ય છે તેની જોડે એક-એક ક્ષણ પસાર કરવી મુશ્કેલ થઈ જાય છે.

ઘોંઘાટ કરતી ટ્રેનના સેકેન્ડ ક્લાસના હાલતા ડબ્બાના દરવાજે વિવેક ઊભો રહીને નજર સામે આવતા ક્ષણોમાં બદલતા રહેતા ખેતરોના દૃશ્યો જોઈ રહ્યો હતો. ગોરંભાયેલી જાંબુડી સાંજ પાણી વરસાવતી જતી હતી. જે વરસાદી છાંટા વિવેકના ગાલને સ્પર્શી આંસુમાં ભળી જતાં હતા. આંખોમાં પડછાયો બનીને પથરાયેલી ખારી ભીનાશનો નમકીન સ્વાદ વિવેકના ઝખ્મો પર નમક જેવો કરારો હતો. જન્મનો જય રુદનથી થાય છે તો મૃત્યુનો લય પણ રુદન જોડે સંકળાયેલો છે. આંસુ હર્ષના પણ હોઈ શકે, હાસ્યને શોકમાં સ્થાન નથી.

અમર્યાદ ઈચ્છાને આધીન રહી જીવન હવે કેવું અને કેટલું જીવાશે?

એ સાથે સાથે છે છતાં પાસે પાસે નથી.

મનના એક ખૂણે ખટ્ટી-મીઠ્ઠી યાદો સંઘરીને એકલતાની ખાલી જગ્યાઓ ભરી નહીં શકાય. જો ભીતર રહેલું ખાલીપણું ભરવું હોય તો...

જો જિંદગી આસમાન છે તો કબૂતરની જેમ જીવો.

જો જિંદગી જમીન છે અળસિયાની જેમ જીવો.

જો જિંદગી પાણી છે તો કાચબાની જેમ જીવો.

જો જિંદગી આગ છે તો બરફની જેમ જીવો.

જિંદગી સ્વયં આપમેળે આગળ વધતી જાય છે. ક્યારેક વ્યવસ્થિત તો ક્યારેક ડગમગતી જીવાતી જાય છે. કપાતી જાય છે. ખવાતી જાય છે. ઉજવાતી જાય છે.

ભીડથી ખીચોખીચ ભરેલી ટ્રેનની વ્હીસલ વાગી પ્લેટફોર્મ પર ઊભી રહી ગઈ. વિવેકનું શહેર આવી ગયું. ફરીથી એ જીવનચર્યા શરૂ. ઓફિસના કામની વ્યસ્તતા. ડાયરી લખવી. સિગારેટો પીવી. ક્યારેક શરાબ પણ. પ્રોજેકટની તૈયારી. વિવેકની મમ્મી બાળકની દેખભાળ રાખતી. ઘરકામ માટે એક નોકર રાખી લેવામાં આવ્યો. બસ આટલું કાફિ હતું?

સવાર પડે છે ને આંખો ખૂલે છે. રાત થાય છે ને આંખો બંધ થઈ જાય છે. દિવસો સામાન્યપણે ગુજરતા ગયા. તોફાન પછીની થોડી શાંતિ છવાઈ તો ખરી પરંતુ હજુ વિષાદ, ઉદાસી, તિતિક્ષા, રિક્તતા, નિર્લેપ, નિર્થકતા, બોજલતાનો કોઈ ઉપાય નહીં.

માનવસમાજ ભીરુ અને ચતુર છે. ખોટું કરવામાં શૂરો અને સાચું સામે આવે તો ડરપોક. પાંજરામાં રહેલા સર્કસના સિંહ-વાઘ જેવો. જે કેદમાં હોય ત્યારે ગર્જન કરશે અને જ્યારે રિંગ માસ્ટર કરતબ કરાવશે ત્યારે ઊછળકૂદ કરશે. પ્રેક્ષકોને મનોરંજન આપશે.

જીવન રંગમંચ નથી. જીવન કિતાબ નથી. જીવન ફિલ્મ નથી. જીવન એક એવા મેદાન વચ્ચે રમાતી રમત છે જ્યાં માણસ કલાકાર નથી, કર્મકાર છે. જ્યાં પ્રેક્ષકો નથી. દર્શકો નથી. હિતેચ્છુઓ જ હરીફ છે. વર્તુળાકાર વ્યવહારો છે.

જીવનમાં ઘણું બધું ગોળ છે એટલે આપણે પણ પૃથ્વી પર રહી ગોળગોળ ફરીએ છીએ. મતલબ સવારથી રાત અને રાતથી સવાર સુધી ઘડિયાળનાં કાંટાની જેમ પ્રદક્ષિણાઓ ફરતાં રહેવાની. અતઃથી ઈતિ ટૂંકમાં જીવનનો આકાર ગોળ છે.

કેટલીક વાર આખરની ગણતરીઓ હંમેશા પહેલેથી શરૂ થાય છે. અંક ગણિતમાં સૌથી નાની રકમ શૂન્ય છે. અને સૌથી મોટી રકમમાં પણ સૌથી વધુ શૂન્ય છે. જેમ જેમ શૂન્યો વધતાં જાય છે તેમ તેમ કિંમત વધતી જાય છે. અને જ્યારે ફક્ત ઘણાંબધાં શૂન્ય ભેગા થઈ જાય છે ત્યારે વિવેકની જિંદગીની જેમ જીવનમાં સંબંધોના સરનામે શૂન્યાવકાશ સ્થપાય છે.

ક્રમશ:

અન્યમનસ્કતા

પ્રકરણ ૧૭

જિંદગીની કણેકણમાં વ્યાપેલી શૂન્યતાભર દિવસોની કેટલીક રાતોના જડતાભર્યા આરામ પછી ક્યારેક સવારે પૂર્વાકાશમાં સૂર્ય ડોકાતો અને અસંખ્ય પાંખોનો ફફડાટ ગૂંજતો. ગાયો ભાંભરતી, દૂધવાળા ભરવાડ ડેલી-ડેલીએ સાદ કરતા. ક્યાંક છેક દૂર-દૂર ગવાતી હતી શ્રી રામ જય રામ જય જય રામની ધૂન. આકાશમાં વિહાર કરતું ચહેકતું પંખી વિવેકના ફ્લેટની બારી પર માળો કરવા મથતું. ક્યારેક પંખીઓ તેના ફ્લેટની બારીએ કિનારીએ આવીને બેસતાં. શહેરથી દૂર જંગલ પ્રદેશમાં ઘટાટોપ બનેલા વૃક્ષોના મૂળિયાંની માટી ધોતાં ઝરણાંનાં કલકલ ઘ્વનિ, વાયુવેગથી નદીની છોળો કિનારાનાં પથ્થરની પાળ પર પછાડાવવાનો ધ્વનિ, મંગળા આરતીનો શંખનાદ કાનમાં ઘોળાતો અને ક્યારેક સૂઈ ગયેલા બાળકની ચૂપકીદીમાં વહાલથી વિવેક બાળકને પંપાળી લેતો.

વખતની સાથે અવાજો બદલાયા...

બપોરે શાળા છૂટ્યાના સમયે બાળકોનો અસ્પષ્ટ કોલાહલ થતો. વહેલી સાંજે પોતપોતાના માળા તરફ મંડાણ કરતાં પક્ષીઓનો મધુર કેકારવ થતો. સોનેરી અજવાળાનાં દીવાસમયે સંધ્યા આરતીનો કર્ણપ્રિય ઘંટારવ ગૂંજતો. રૂક્ષ ઝડતાં પત્તાંઓની ધીમી સરસરાહટ વાતાવરણમાં ફેલાતી. ખુલ્લી હવામાં અદૃશ્ય પવનના સૂસવાટા થતા અને રાત્રિની ગાઢ શાંતિમાં હિંચકાનું કર્કશ કિચૂંડ-કિચૂંડ થતું છતાં બાળકને ત્યાં સૂવાડાતું અને તે ઘેરી નિંદ્રામાં જવા પ્રયત્ન કરતું. રડતા બાળકને ચૂપ કરી સૂવાડવા હાલરડું ગવાતું. મોડી રાતે કૂતરાઓના અંદરોઅંદર ઝઘડવા-ભસવાના અને બાકીના ન સમજાય તેવા અપરિચિત અવાજો આવતા. જિંદગી આગળ ચાલી દોડી રહી હતી.

રોજ થોડાં થોડાં જીવન પ્રકરણનાં પાનાં પર આગળ ચાલતા રહેવાનું, પલટાતા રહેવાનું, બદલાતા રહેવાનું, દોડતા રહેવાનું. જીવનમૂલ્યો હવે તૂટતાં-ફૂટતા વેરવિખેર થઈ રહ્યાં હતાં. એકલી રાતોનો ઉજાગરો અને દિનભરના કાર્યોનો થાક વિવેકને પાણી વગરની માછલીની જેમ અસહ્ય તરફડિયાં મરાવતો હતો. કાળની ગર્તામાં વિલીન થયેલી અનેક વીતેલી વાતો તેની ઊંધ ઊડાડી મૂકતી. અંગત અને સાર્વજનિક ક્રિયાઓમાં એકાકીપણું વિવેકનું ચિત્તભ્રમ કરી વશ, વિવશ અને પરવશ બનાવી રહ્યું હતું.

ખંજન શું કરતી હશે? અને તેના પેટમાં બાળક હતું એ? સામાજિક, સંબંધિક માળખું સહેલાઈથી ચુંથાઈ ન જાય તે માટે અહમથી હાર માની લઈને અભાવ અને એકલતાથી છૂટકારો મેળવવા એક દિવસ વિવેકે ખંજનને પત્ર લખવાનું વિચાર્યું પછી તેને થયું, ‘મેસેજ કરું? ના. ના. ફોન જ કરી દેવો જોઈએ.’ જોકે કોઈ કોન્ટેક ન થયો. મોબાઈલ નંબર બંધ આવ્યો. ઊંડી તપાસને આધારે જાણવા મળ્યું, ખંજન મુંબઈ છોડીને લંડન ચાલી ગઈ છે. પાછળથી તેની સહેલીએ ઉમેર્યું કે કોઈ એન.આઈ.આર. સાથે લગ્નના સમાચાર છે. લગભગ તો એના કોલેજ ફ્રેન્ડ જોડે જ...

થોડા જ દિવસોમાં એક દિવસ ખાખી ટપાલમાં લાલ-લીલા કલરના સરકારી સ્ટેમ્પ મારેલા ડિવોર્સના કાગળીયા આવી ગયા! ભરણપોષણના બ્લેંક ચેક સાથે વિવેકે કાગળો પર વાંચ્યા-વિચાર્યા વિના સહી કરી નાંખી.

રાજકોટનું ઘર વેચાઈને હવે પાછળ છૂટી ગયું હતું. મુંબઈ સાથેના બધાં જોડાણો તૂટીને વેરવિખેર થઇ ગયા હતાં. સોનાલી બીજી દુનિયામાં ચાલી ગઈ તો ખંજન સેંકડો માઈલ દૂર જઈ પોતાની અલગ દુનિયા વસાવી બેઠી હતી. હવે એને ભૂલી જવાનું છે. કામ અને જવાબદારીના વજનમાં વિવેકે એકલા હાથે સંઘર્ષ ચાલુ રાખ્યો. બાળકને ડૉક્ટર પાસે લઈ જવું. નાહવાનો સમય, રમવાની ચીજો, પહેરવાના કપડાં, એક-એક નાની-મોટી વસ્તુનો વિવેક ખ્યાલ રાખતો હતો. બાળક જોડે રમતાં-રમતાં એ પણ બાળક જેવો બની જતો હતો.

શું નામ રાખીશું મારા વાહલા દીકરાનું?

દિવ્ય. દિવ્ય વિવેક જોષી. દિવ્ય એટલે પ્રકાશમાન. શિવનું હજારો નામમાંથી એક નામ. સોનાલીને દિવ્ય નામ બહુ પસંદ હતું. એ કોલેજકાળમાં જોડે હતી ત્યારે કહેતી, ‘વિવેક આપણે દીકરો થશે તો દિવ્ય નામ રાખીશું. દીકરી થશે તો દિવ્યા.’

‘કેમ એ નામ?’

‘કેમ કે તને અઢી અક્ષરવાળા નામ પસંદ છે. એટલે મેં અત્યારથી જ આ નામ પસંદ કરી રાખ્યાં.’

વિવેકે બાળકનું નામ દિવ્ય રાખ્યું. જીવનની કાયા બેરંગ રીતે પલટાતી રહેતી.

કેલેન્ડરના પન્નાં બદલતા ગયા. વાદળાં ફાટીને વરસાદ ચાલ્યો ગયો. ચોમાસું ઊતર્યું. ઋતુ બદલાઈ. નવવર્ષ નજીક હતું.

પરોક્ષ કે અપરોક્ષ અસરો હેઠળ ચક્રવત પરિવર્તન પામતા રહેતાં જીવનમાં વિવેકના મન-મગજનો અવિરત અજંપો તનાવભર્યા માહોલને સર્જતો જતો હતો. સતત વિચારોના બુદબુદા અંતરમાંથી ઊઠતા ચકરાયા ઘુમરાયા કરતાં.

વિવેક રોજ વાળ ઓળતા સમયે અરીસામાં પોતાની આંખમાં આવતાં આંસુ જોઈ રહેતો. સોનાલીનો અવાજ જાણે પોકારે છે... ‘ઈમાનદારની આંખોમાં આંસુ નહીં પશ્ચાતાપ હોય છે. તારું રડવું મારાં આત્માને દુ:ખી કરે છે. વિવેક સ્માઈલ પ્લિઝ.’

‘પુરુષમાં આંસુ વહાવી દેવાની નહીં પચાવી જવાની હિંમત હોય.’

...ને વિવેક પોતાના દર્દ છુપાવી હંમેશા હસતો અને બીજાને હસાવતો રહી શકે એટલે પાગલો જેવા કરતબો કરતો જાણે કશું બન્યું જ નથી!

‘ચહેરા પર હાસ્ય ઉત્પન્ન ન કરીએ તો દુ:ખનો અહેસાસ જ ન થાય. મતલબ કે ગમમાં ખોટી મુસ્કાન દર્દને વધુ પ્રદર્શિત કરે છે. સ્મિત તમારી સેડનેસને ઢાંકવાનું એક સાધન છે. બધા લોકો દર્દનો ખારો દરિયો અંદર ભરી બહાર ખુશીના મીઠાં ધોધ ન પ્રગટાવી શકે. કોઈકને જ આવડે એ કરામત. નાટકબાજ પતિદેવ.’

...ને એકાએક ખંજનની વાત વિરોધી વૃત્તિ ઊભી કરે છે. લાગણીશીલ માણસોના ઘા હંમેશા લીલાંછમ જ રહેતાં હોય છે. ભગવાન પાસે જેટલા માર્ગ સજા (વિનાશ) કરવાનાં છે એટલાં માર્ગ સાજા (વિકાસ) કરવાના છે. એ પથદર્શક પણ છે અને રાહભક્ષક પણ.

ક્યારેક દાઢી કરી મુલાયમ ગાલ પર હાથ ફેરવતા વિવેકના કાને પડઘા પડે છે.

‘ફૂલો માત્ર કરમાવા ખીલતા નથી વિવેક. ખુલ્લી કિતાબ જેવું જીવવાનું બંધ મુઠ્ઠી જેવું નહીં. વિવેક સિમ્પથી જતાવતા તમને સારી આવડે છે. વિવેક... વિવેક... ઓફઓ વિ...વે...ક... વે...ક...’

‘કઈ ટાઈ મેચિંગ છે? રૂમાલ લીધો? અરે... ટીફિન તો લેતા જાવ બાબા... આજે પણ રોજની જેમ સાંજે ઘર મોડા ન આવતા. ઓ...કે? ઓફિસ જઈ મારી યાદ આવે તો ફોન નહીં તો કંઈ નહીં, એકાદ મેસેજ, મિસ્ડકોલ તો આપજો. અને હા, બિલ ભરવાનું ન ભુલાય. આજ છેલ્લી તારીખ છે. ડિયર ધીમે... શું કરો છો?’

વિવેકના મગજમાં કંપન કરતો ખંજનનો મધુર તીણો સ્વર ગમની આવરદા વધારતો જતો હતો. અધૂરી આશા-ઈચ્છા પ્રત્યેનું આકર્ષણ જગાવનાર જીવનરીતિનાં અનેક સ્મરણીય દૃશ્યો અવારનવાર સર્વત્ર ચોતરફ તરી ઊઠે છે. વિવેક એ ઘરમાં રહેતો હતો જ્યાં ખંજનની યાદ રસોડાં, કોઠાર, દીવાનખાનું, વરન્ડાથી લઈને હરેક નાની-મોટી વસ્તુ સાથે સંકળાયેલી તેની અદૃશ્ય હાજરી પૂરતી. એ અતીતની ખૂલી ગયેલી અટારીએથી પ્રવેશીને આજને સ્પર્શી ગયેલી યાદોને મનમાં ઘૂમરાતી કેમ રોકવી? વિવેક અજવાબી, અજનબી બની ઊઠે છે.

વિવેક વર્તમાનમાં આવ્યો. મમ્મીના શબ્દો અસ્પષ્ઠ કાને પડ્યા.

‘દીકરા વિવેક, આજકાલ તારું ધ્યાન ક્યાં હોય છે? શું વિચારતો રહેતો હોય છે? જમી લે બેટા. તારું ભાવતું ભીંડાનું શાક બનાવ્યું છે.’

‘ભૂખ નથી મમ્મી.’ વિવેક જમવાના ટેબલ પરથી ઊઠીને ચાલ્યો જાય છે.

ભાવતી વાનગીઓથી ભરેલી થાળી પણ ખૂટતી નથી કારણ ખંજનના હાથે બંનેલી રસોઈનો સ્વાદ જીભને એવો વળગી ગયો હતો કે કોઈ બીજાના હાથની રસોઈ ભાવતી નથી.

‘વિવેક ક્યારેક તમે પણ મારાથી છૂપાઈને કે હું નહીં હોઉં ત્યારે શરીર અને પેટની ભૂખ સંતોષવા વેશ્યા સાથે શયન સુખ માણશો? કોઈ પારકીના હાથનું જમશો?’

‘પ્રેમિકાની જગ્યા કોઈ નવી દોસ્ત લઈ શકે. પત્નીનું સ્થાન કોઈ ન લઈ શકે. તું પણ કેવી વાતો કરે છે?’

‘કેમ ન પૂછી શકાય ક્યારેક મને પણ સવાલો ન થાય. કંઈ પૂછવાનું મન ન થાય?’

વિવેકના અંતરમાં વિષાદના ભંવરો ઊઠતા જાય છે. ખંજન સાથે રચેલા સંવાદના વિવેકનાં માથામાં ટકોરા પડતા હતાં.

સોનાલી બાદ ખંજનનું છોડી જવું એ વિવેકની દુનિયાદારીની સમજમાં ખોટું ઉતર્યાની હાર હતી. પ્રેમ બાદ લગ્નજીવનમાં નાકામયાબ નીવડવું એ અધ:પતનમાં પા પા પગલી હતી.

થોડાં જ દિવસોમાં એક બીજી દુ:ખદ ઘટના ઘટી. જે પ્રોજેકટ પર વિવેક કામ કરી રહ્યો હતો તે તદ્દન નિષ્ફળ ગયો. કંપનીના શેરના ભાવ રાતોરાત ગબડી પડ્યા. વિવેકને કંપનીમાંથી રાજીનામું આપવું પડ્યું. પત્ની, પ્રેમિકા પછી જેમની પાછળ પૂર્ણ પવિત્રમય સમર્પણ હતું એવી પ્રતિષ્ઠાભરી નોકરી ગઈ. જે ન થવું જોઈતું હતું એ પણ થઈ ગયું. બરબાદી-બેકારીના, નિરાશા-નવરાશના દિવસો આવ્યા. વિવેક ફરી કામ મેળવવા, ખાલી થતાં જતા પૈસા કમાવવા બધી જાણીતી ઓફિસોના સરનામે ફરી વળ્યો. વારંવાર ઘડિયાળમાં સમય જોવાનો ક્રમ આવ્યો. ક્યારે પાછો સારો સમય આવશે?

કૃત્રિમ ઘડિયાળ બંધ પડી જાય અથવા બગડી જાય તો સચોટ સમયની જાણ ન થાય. એ સમયના ભરોસે વહેલા-મોડું થઈ જાય. અને ફરી બધું સમયસર કરવા બીજી ઘડિયાળમાં સમય જોઈ બંધ ઘડિયાળ કે આગળ-પાછળ સમય બતાવતી ઘડિયાળને સમયસર કરવી પડે. આ સમય મનુષ્યે નક્કી કરેલો છે જે ખોટો વખત દર્શાવી શકે... કુદરતની ઘડિયાળ ક્યારેય ખોટો સમય બતાવતી નથી. એ એની ગતિથી કોઈના માટે રોકાયા વિના ચાલતી રહે છે. જે દિવસે દુનિયા થંભી જશે તે દિવસ પછી પણ સમય વહેતો જ જશે. પસાર થતો જ જશે. પ્રકૃતિ પોતાનું કાર્ય કરતી રહે છે. આગળ વધવાનું. રાત્રે અંધકાર જામતો રહે છે. સવારથી સાંજ પ્રકાશ ફૂટતો રહે છે. આકાશમાં સૂર્ય અગમ્ય રીતે સરકતો રહે છે.

બેકારીની સ્થિતિમાં થોડી ઊણપ અને ઓછપ બહુ વધીને સામે આવે છે. વિવેકને પરિચિતો-અપરિચિતોની ખરી ઓળખાણ થતી ગઈ અને પોતાના કહી શકાય તેવાં પારકાં છોડીને દૂર જતાં રહ્યાં હતાં. બાકીના દૂર જઈ રહ્યાં હતાં. સફળ માણસોને દોસ્ત અને નિષ્ફળ માણસોને દુશ્મન હોતા નથી. ખિસ્સાનું ખાલીપણું અને અરમાનનો છલકાવ સાથેની નિસ્બત હિતચિંતકો ભગાવી મૂકે છે.

ખાલી પથારીમાં પડખાં ફરવાની, આળોટવાની ક્રિયા બેચેન કરતી રહે છે. આયના આગળથી ખસી જવું પડે છે. સિગારેટના ધુમાડામાં રાતે મોડી ઊંઘ આવે છે અને સવારે વહેલા જાગી જવાય છે. બાળક પણ રોજ રાત્રે વિવેકની સહવ્યથામાં રિબાતું મમતાની ચાહમાં રડતું રહે છે.

ખરેખર, એકલતા અદ્ભુત ચીજ છે અને એનાથીયે અદ્ભુત ચીજ છે અન્યમનસ્કતા. અન્યમનસ્કતા લીલની જેમ જિંદગી પર જીમી જાય છે. માણસના જીવનમાં એ અનેકવિધ સ્વરૂપે પ્રવેશે છે. સમયની અન્યમનસ્કતા, યાદોની અનમનસ્કતા, મન અને તનના તમાશાની, વિચારના માયાવી વૈભવની... માયાળું કે સ્વાર્થી સ્વભાવની. અસ્ખલિત વહેતી લાગણીની...

‘અન્યમનસ્કતા’ શબ્દ જેટલો વાંચવા-બોલવા-સમજવામાં અઘરો છે તેટલો જીવવામાં મુશ્કેલ છે. માનસિક-શારીરિક પરિસ્થિતિમાં રહેલી અન્યમનસ્કતા મનુષ્યના આત્માવિશ્વાસને મારી ચકનાચૂર કરી નાંખે છે. મનુષ્ય ઉચિત નિર્ણયશક્તિ ગુમાવીને અનુચિત પગલાં ભરતો જાય છે. માણસ પોતે જ એકમાત્ર સાચો છે એવી ધૂની અવસ્થા ઊભી થાય છે. અન્યમનસ્કતાના ઝાળાદાર પહેરામાં કશું નથી સૂઝતું ત્યારે એ ઈશ્વરની યાદ આવે છે જે પ્રભુએ અસ્તિત્વ આપ્યું અને એ પરમ કૃપાળુના અસ્તિત્વ વિશે સદાય શંકા ઊઠાવતા હોઈએ છીએ. ભગવાનનું સ્મરણ થાય છે. આપોઆપ બે હાથ જોડાઈ જાય છે. અનમનસ્કતાનું ઓસડ શું હોય શકે? વહેતી જીવનધારામાં એક આશાવાદ બંધાય છે. સંબંધોનું ખાલીપણું-ખોખલાપણું-ખડબચડાપણું દૂર કરવા અંતમાં અધૂરા હિસાબ જાણે કુદરત પૂરા કરવા માગતી હોય તેમ વિધાતા અતીત સાથ કડી જોડવાની પેરવી શરૂ કરે છે.

એક દિવસ રોજની જેમ સામાન્યત: સફેદ શર્ટ, બ્લેક પેન્ટ અને ટાઈ-શૂઝ પહેરેલા હાથમાં ફાઈલ લઈને નોકરીની તલાશમાં સરેઆમ રસ્તા પર ભટકાતાં, ઊંચા ઊંચા મકાનો તરફ જોતાં જોતાં વિવેકની પાસે એક મોટી કાળી આલિશાન કાર આવીને ઊભી. ગાડીનો દરવાજો ખૂલ્યો. તેમાં બેઠેલી બદામી ગાલ, ઘેરાશવાળી કાળી આંખો, કાનમાં લાંબા ગોળ ઝૂમકા, નાકમાં બાલી, હાથમાં ચમકદાર બ્રેસલેટ અને ફેશનેબલ જીન્સ-ટોપ પહેરેલી યુવતીએ ગોગલ્સ આંખો પરથી માથા ઉપર સરકાવી સાદ પાડ્યો,

‘એ... વિવેક... વિ...વેક...’

વિવેક કારમાં બેસી ગયો, ગાડી ચાલવા લાગી. સફર શરૂ થઈ.

ક્રમશ:

અન્યમનસ્કતા

પ્રકરણ ૧૮

ગાડી એક ટેકરી જેવા ઊંચા વેરાન સ્થળ પર આવી ઊભી રહી. જ્યાંથી શહેર આખાને આંખોમાં ભરી શકાતું. વિવેક અને યુવતી ગાડીની બહાર આવી. થોડીવાર અશબ્દ રહ્યાં પછી જૂની વાતો, યાદો ખૂલતી ગઈ. બંને વચ્ચે સામાન્ય સંવાદો ચર્ચાતા ગયા.

મુકદ્દરને મુનાસિબ સમજીને ઉપરવાળો ક્યારેક વર્ષોના હિસાબ ક્ષણોમાં કરી નાંખતો હોય છે. સમય થતાં કલ્પના કરતાં વધુ વિચિત્ર અને અકથિત અકસ્માતો અને ઘટના જણાવતાં-જણાવતાં વિવેકનું ગળું ભરાઈ આવ્યું. ઘણુંબધું કહી નાંખવાનું, રડી લેવાનું મન થયું પરંતુ વધુ પડતું બોલી શકાયું નહીં. ભીનાશનું આવરણ રચાઈ ગયું. તેની વાતોમાં પહેલાં જેવો આત્માવિશ્વાસ કે ફિલસૂફી ન હતાં. શબ્દે-શબ્દે તેના ચહેરા પર અલગ ભાવ પ્રગટ થતા હતા. વિવેકને સિગારેટની જગ્યાએ બીડી પીતા જોઈને તેની આર્થિક પરિસ્થિતિનો અંદાજ પેલી યુવતીને આવી ગયો.

વાતચીતમાં અંગતપણું વધતું ગયું. સહાનુભૂતિનો સેતુ રચાયો. સાંજ પડી અજવાળું સૂરજની સાથે સંતાતું ઓછું થતું ગયું. વિવેકે થતી વાતો સાથે સાફપણે કહી આપ્યું.

‘મારે ખુદ માટે એક ફ્રેન્ડ, લાઈફ પાર્ટનર કરતાં મારા બાળક માટે એક માની વધુ જરૂર છે. મારું બાળક...’ વિવેકની આંખમાંથી આંસુની એક ધાર વહી યુવતીના હાથ પર પડી.

‘તું... તું... મારા સુખ-દુ:ખની સંગિની બનીશ?’

યુવતીને અચાનક જ વિવેકના પ્રસ્તાવ પર શું ઉત્તર આપવો એ જડતો નહોતો. ખામોશ રહ્યા બાદ તેણે વિવેક પાસે થોડો સમય માંગ્યો. પછી બંને અલગ પડ્યાં ફરી મળવા માટે...

મળવા-ફરવા-ભળવાનું અવારનવાર થતું ગયું...

‘જીવનમાં લગ્નનું એક મહત્ત્વ હોય છે. એટલે જ એ સંસ્કાર કહેવાય છે. સમય રહેતાં પરણી જવું જોઈએ. વિવેક સારો છોકરો છે.’ યુવતીને પોતાને જ પોતાના વિચાર પર શંકાભર્યો સવાલ થયો. ‘છોકરો? ના. પુરુષ. બે બાળકનો પિતા, એક ડિવોર્સી મેન. જેની જોડે પ્રેમ કરીને એક સ્ત્રીએ જાન ગુમાવી. એક સ્ત્રીએ તેને છૂટાછેડા આપ્યા. એ વ્યક્તિ જોડે મેરેજ કરવા છે? જ્યારે વિવેક સાથે છેલ્લે મુલાકાત થઈ ત્યારે તેનાથી આકર્ષી જવાય તેવું તેનામાં ઘણું હતું અને આજે એને અપનાવી શકાય એવું તેનામાં કશું નથી. છતાં પણ? હા. છતાં પણ. વિવેક દિલદાર છે. બસ એટલું કાફિ છે. ચીટર પણ ચાહક હોય તો લુંટાઈ જવાની મજા છે.’

વિવેક સાથે યુવતીની મુલાકાતો વધતી જતી હતી. ઓળખાણ અંતર ઘટાડીને બંનેને પાસે લઈ આવી. અને આખરે યુવતીએ વિવેકનો પ્રસ્તાવ અપનાવી એક વરસાદી સાંજે કહ્યું, ‘વિધિના આટાપાટા સમજવાનું છોડી દીધાને ઘણો સમય થયો. જે જિંદગીના સામા પ્રવાહે આવ્યું તેને બાહો ફેલાવીને અપનાવી લીધું છે. હું સોનાલી જેટલી સમજદાર, ખંજન જેટલી ઈમાનદાર, તારા જેટલી જવાબદાર કદાચ ન પણ બની શકું. તેમ છતાં તું મારો સારો દોસ્ત છે હું તારી વાત સ્વીકારું છું. અને એકબીજાની જરૂરિયાત વિના જીવન શક્ય જ ક્યાં છે? તેથી મારે તારો પૂરતો સાથ જોઈશે.’

વિવેકે કહેવા માંડ્યુ.

‘ક્યારેક ચડતી જવાનીનું તો ક્યારેક ઊતરતા સૌંદર્યનું નશીલું દૃવ્ય જિંદગીઓને ઉલઝાવી દેવામાં એક નિમિત્ત બની જાય છે. સંબંધોને સહજતાપૂર્વક સમજવાની આવડત દરેકમાં ન હોય. હું કરેલી ભૂલોનું પુનરાવર્તન નહીં થાય તેવું વચન આપું છું. ’

‘નસીબને કોસ્યા કરવાની, લાચારીની વાતો હવે બંધ વિવેક. જ્યાં પ્યાર ત્યાં પરમેશ્વર. મહોબ્બત હોય ત્યાં મુસીબતો ના હોય.’ વિવેક ખરતા તારાની જેમ જીવનમાં આવેલી યુવતીને ભેટી પડ્યો. તેનાથી નાછૂટકે રડી પડાયું.

જૂનાં સંબંધોની સર્પકાંચળી ઊતારી નવા સંબંધોના પરિવેશને અપનાવ્યા બાદ...

‘હું એક સારી પત્ની ભલે ન બની શકું પરંતુ હા વિવેક.. એક સારી મમ્મી બનવાની બધી જ કોશિશ કરી છૂટીશ. મને મારા ભવિષ્ય કરતાં તારા અને ખાસ તો સોનાલીના સંતાનના કરિયરની ચિંતા છે જે હું બહેતરથી બહેતર બનાવવાના પ્રયત્નો કરીશ. પ્રોમિસ.’

...અને બંને પરણી ગયા.

‘જ્યારે આપણે મળ્યા ત્યારે એકબીજાના દોસ્તના દોસ્ત હતા અને આજે એકમેકના દોસ્તથી પણ વિશેષ પતિ-પત્ની બની ગયા.! દોસ્તી અને દાંપત્યના સંબંધ વચ્ચે પ્રેમનું પગથિયું ચૂકી જવાયું છે જ્યાં હવે પગ માંડીને આપણે એક નવી શરૂઆત કરવાની છે.’

‘પ્રેમ વિશેના મારા ખ્યાલ બદલાયા છે. પ્રેમ કરવાના ઈરાદા કે મનોબળ નહીં.’

વિવેક તે યુવતી, પોતાની પત્નીને પોતાના ઘરે લઈ આવ્યો. મમ્મીની સેવા અને બાળકની દેખભાળ રાખવા. તે સ્ત્રીએ પણ ઘરની બધી જ જવાબદારી ટૂંકાગાળામાં બખૂબી અપનાવી લીધી. વિવેકની પત્ની, દિવ્યની મમ્મી, વિવેકના મમ્મીની વહુ બનીને તેણે અગવડોનું રૂપાંતર સગવડોમાં કર્યું. પોતાના જીવનનાં ધ્યેય જેવી મલ્ટીનેશનલ બિઝનેસ કંપનીમાં પોતાના સ્થાને બેકાર બનેલા વિવેકને નોકરી અપાવી. દર્દની પરાકાષ્ઠાના દિન પસાર થઈ ગયા.

‘કેટલો સ્વીટ, લવલી... ઓહ દિવ્ય, મારો દીકું..’

‘હા.’

‘તોફાની નથી લાગતો તારા જેવો. શાંત છે. જો કેવું ટગરટગર જુએ છે મારી સામે.’

‘હા. શાંત છે.’

‘બેટા હું તારી મમ્મા છું. બોલ તું કોનો દીકરો? મમ્મીનો કે પપ્પાનો? ચોકેટ ખાવી છે? ચકરડીમાં બેસવું છે? ચાલો પપ્પાને કહો જોઈ આપણને બધાને ફરવા લઈ જાય. બાબા જવું છે ને...’

‘હા. લઈ જઈશ.’

પોતાની નવપત્નીને સંતાન દિવ્ય સાથે જોતાં વિવેક અને તેના મમ્મીની આંખ છલકાઈ ઊઠી.

સ્ત્રી વિના જીવી શકાય છે ખરું? વિવેકના વિચારોમાં અને જીવનમાં સ્ત્રીનું એક અનોખી અહેમિયત હતી. સ્ત્રી અનિવાર્ય તત્ત્વ બની રહી હતી. નવા શ્વાસની જેમ નિત્ય પેદા થતી રહેતી ઈચ્છાને સંતોષનાર સ્ત્રી છે. શિયાળ જેવા પુરુષની ફિતરત સિધ્ધિ અને સસલાં જેવી સ્ત્રીની પ્રકૃતિ સત્તા મેળવવા ઈચ્છતી હોય છે. એ સમયે સમર્પણ વિના કશું જ શક્ય નથી.

ભૂતકાળ દફનાવીને વિવેકે આગળ વધતાં રહેવાનું ચાલુ તો રાખ્યું જ હતું અને એ કાર્યમાં હવે તેને તેની જીવનસાથીનો સ્નેહભર્યો સાથ મળ્યો. તેથી જીવનમાં ફરી વિશ્વાસનો મેઘધનુષી રંગ ઉમેરાયો. લાગણીની રંગોળીએ રંગીનીયત પાથરી આપી. રહેણીકરણીમાં હકારાત્મક બદલાવ આવ્યો.

શરૂના દિવસો સુખના દિવસો હોય છે. રવિવારે સવારે તડકો ચડી ગયા પછીની ઊડતી ઊંધ શરીરમાં ફેલાયેલી આળસ બાદ પથારીમાં ચા પીતાં-પીતાં નજરની સામે પત્ની અને પુત્ર રમતા હોય છે. મમ્મી મંદિરે ગયા હોય, ઓફિસનું કોઈ પ્રકારનું કામ નહીં. વિવેકને હજુ પણ મનમાં કઈક કમકમી કે મગજમાં કંઈક ભમભમી રહ્યું હતું.

‘શનિવારની સાંજ અને રવિવારની સવાર વર્તમાન જેટલી જીવંત અને સુખદ લાગી રહી છે તેટલી આજ સુધીની બીજી કોઈ સાંજ કે સવાર લાગી નથી. સોનાલી જોડે પણ નહીં અને ખંજન જોડે પણ નહીં.’ વિવેકના જીવનમાં આવેલી આ યુવતીએ તેની તમામ ઊભરાતી અને શમતી અન્યમનસ્કતા ખંખેરી નાંખી. નવસર્જનના બીજ રોપ્યા. પીંજાયેલા રૂ જેવા વાદળાં હટી ફરી એક ચોમાસું પ્રસરી ગયું.

મિત્રતાના દાવે વિવેકના જીવનમાં આવેલી નવી પત્ની એક એવી અંગત દોસ્ત બની ગઈ હતી જેની સામે વિવેક પોતાનું દિલ ઠાલવીને હળવાશ અનુભવી શકતો હતો. તેના હૂંફાળા આશ્રયમાં અર્થહીન કંઈ પણ બોલી શકતો હતો. તેનું અને તેનાં પરિવારનું સુખી અસ્તિત્વ તે યુવતી પર નિર્ભર હતું.

‘બધું કેટલું ત્વરાથી બદલાઈ જતું હોય છે.

સા.રે.ગ.મ.પ.ધ.ની.સા. મુજબ સૂર-લયમાં, સુખ-દુ:ખનાં આરોહ-અવરોહનાં અનુક્રમમાં જિંદગી પ્રાસબધ્ધ વહેવા લાગી. ન જાણે નિયતિ શું પ્રયોજતી રહે છે. જીવનનાં યોગ-વિયોગ-પ્રયોગનો સમય હવે બદલાયો છે અને સાથે સુધર્યો પણ છે. દિવ્ય હવે બે હાથના ટેકા પર ચાલવાનું શીખી રહ્યો છે. તૂટી-ફૂટી ભાષામાં કાલી-ઘેલી વાતો કરે છે. મમ્મીને જાત્રા કરવા મોકલ્યા છે. સોનાલીની અસ્થિઓ સાબરમતીના પાણીમાં વહેડાવી આપી. હવે સિગારેટ પીવાનું છોડી નાખ્યું છે. જીવનમાં પૈસાની બચતને મંત્ર બનાવ્યો છે. ક્યારેક રાજકોટના ઘરની, પપ્પાની બહુ યાદ આવે છે. એ બધુ જીવંત હોતું તો દુ:ખની પણ કેટલી મજા આવતી હોત.’

સવાર હજી ઊઘડી ન હતી, મોડે સુધી જાગીને વિવેકે આથમતી રાતની વહેલી પરોઢે ડાયરી લખવાનું બંધ કર્યું.

‘હજુ સુધી જાગે છે? મારા વિના ઊંઘ આવતી લાગતી નથી.’ વિવેકે બગાસું ખાધું. ‘હું સૂઈ જાઉં. ઊંઘ આવે છે.’

‘દિવ્ય એકાએક રડવા લાગ્યો તો જાગી ગઈ. મને ખબર ન હતી તું લખતો હશે. શું લખે છે?’

‘ઘણાં સમય બાદ ફરીથી નવી ડાયરી લખવાની શરૂઆત કરી.’ વિવેકે ફરી લાંબું બગાસું ખાધું.

‘તમારે સૂઈ જવું છે?’

‘હા, આંખો ઘેરાવા લાગી છે. તારે નથી ઊંઘવું?’

‘મારી તો ગઈકાલની એક વાત જાણ્યા બાદ નીંદ જ ભાગી ગઈ છે.’

વિવેક પૂછ્યું, ‘કઈ વાત?’

‘એક ઊંધ ઊડી જાય તેવા ખબર આપું?’

‘હા, બોલ.’

‘વિવેક મારા પેટમાં એક જિંદગી પનપી રહી છે. તું પપ્પા અને દિવ્ય ભાઈ બનશે વિવેક... મમ્મીજી બા અને મારા મમ્મી-પપ્પા નાના-નાની બનશે.’

સૂર્યની પહેલી કિરણ આકાશમાં રાતના અંધારાનો પડછાયો હટાવતી જતી હતી. વિવેક એ યુવતીની નજીક ગયો. જીવનમાં ક્યારેય ન અનુભવેલી નિરાંત અને ખુશી એક સાથે વિવેકની આંખોમાં છલકાતી હતી. વિવેકે યુવતીનું કપાળ ચુમ્યું.

‘હા, વિવેક... હું આપણા સંતાનની મમ્મી બનવાની...’ આટલું કહીને સયુરી વિવેકને લપેટાઈ ગઈ.

* સમાપ્ત *