Darna Mana He - 25 satya kathao books and stories free download online pdf in Gujarati

ડરના મના હૈ - ૨૫ સત્યકથાઓ

ડરના મના હૈ

- લેખક -

મયૂર પટેલ

READ MORE BOOKS ONwww.matrubharti.com

© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

Article : 1. બોલતા ખંડેરોનો ગઢ-ભાણગઢ

‘રાજસ્થાન’ નામ લેતાં જ અફાટ રણપ્રદેશ અને ભારતનાં રાજવી ઈતિહાસની ભવ્યતાની સાક્ષી પૂરતા મહેલો માનસપટલ પર તાદૃશ્ય થઈ જાય છે. પણ આ જ રાજસ્થાનનો એક ખૂણો એવો પણ છે જ્યાંનો ઈતિહાસ સદીઓથી રહસ્યની ચાદર ઓઢીને સુતો છે. ક્યારેક જનજીવનથી હર્યુંભર્યું હતું એ ‘ભાણગઢ’ નામનું નાનકડું ગામ આજે ખંડેરગઢમાં પરિવર્તિત થઈ ગયું છે. વર્તમાનમાં ભારતના સૌથી વધુ ભૂતાવળા ગણાયેલા આ સ્થળે એવું તો શું બને છે એ જાણવા ભાણગઢનો ભૂતકાળ ઉખેળવો પડશે.

ભાણગઢ:

દુનિયામાં અનેક એવા સ્થળો છે જે તેના ઐતિહાસિક વારસાને બદલે તેને લગતી ભૂતિયા કહાનીઓને લીધે પ્રવાસીઓમાં આકર્ષણ જગાવતા હોય છે. રાજસ્થાનનાં અલવર જિલ્લામાં આવેલું ‘ભાણગઢ’ પણ એક એવું જ સ્થળ છે. અલવરથી જયપુર જતા હાઇવે નંબર 11A પર આવેલું ભાણગઢ ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે અને ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા આરક્ષિત સ્થળ છે. મધ્યમ કદનાં પહાડોથી ઘેરાયેલા ભાણગઢમાં વડ અને કેવડાનાં સુંદર વૃક્ષો ઠેરઠેર જોવા મળે છે. અહિં ઘણા જોવાલાયક મંદિરો છે, જેમ કે ગોપીનાથ મંદિર, સોમેશ્વર મંદિર, કેશવરાજ મંદિર અને મંગલાદેવી મંદિર. આ તમામ મંદિરોની બાંધણી અત્યંત ચિત્તાકર્ષક છે અને તેમની જાળવણી ઘણી સારી રીતે કરવામાં આવી છે. ભાણગઢનો વિશાળ કિલ્લો તેના સ્થાપત્ય માટે જાણીતો છે. જોકે આંગળીને વેઢે ગણી શકાય એટલા બાંધકામો સિવાય ભાણગઢમાં એવા ઘણા મંદિરો અને હવેલીઓ છે કે જે કાળની થપાટે એટલી હદે ખંડેર બની ચૂક્યા છે કે હવે તેમની જાળવણી શક્ય નથી. કિલ્લા તરફ જતા માર્ગની બન્ને બાજુ સ્થિતપ્રજ્ઞની જેમ ઉભેલા આ ખંડેરો ભાણગઢની સુવ્યવસ્થા અને સ્થાપત્યને ખૂબ સારી રીતે પ્રતિબિંબિત કરે છે. પરંતુ ભાણગઢ જે બાબત માટે વિશ્વવિખ્યાત છે એ એનો ઐતિહાસિક વારસો નથી. ભાણગઢ ભૂતિયા હોવાનું કહેવાય છે અને રાત્રે અહીં ભૂતાવળ થતી હોવાની વાયકા છે. તે પણ એટલી હદે કે આ નગરને વિશ્વની સૌથી વધુ ડરામણી ‘ટોપ 10’ જગ્યાઓમાં ગણવામાં આવે છે. ખુદ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગે અહીં એક બોર્ડ મૂક્યું છે જેના પર લખ્યું છે કે, ‘ભાણગઢની હદમાં સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા પ્રવેશ પ્રતિબંધિત છે. નિયમનો ભંગ કરનાર પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.’ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ માટે એક નિયમ છે કે કોઈ પણ રક્ષિત સ્મારકના પરિસરની અંદર જ પુરાતત્વ વિભાગની ઓફિસ હોવી જોઈએ, પરંતુ રાત્રી દરમ્યાન ભાણગઢમાં થતી રહસ્યમય ગતીવિધિઓને લીધે અહીં ઓફિસ ખોલવાની હિંમત પુરાતત્વ વિભાગ પણ કરી શક્યો નથી. તેમની ઓફિસ ભાણગઢનાં ખંડેરોથી એક કિલોમીટર દૂર ખોલવામાં આવી છે. ભૂતપ્રેતને માત્ર નબળા મનનો વહેમ ગણીને હસી કાઢનારાઓ માટે આ ઘણું સૂચક છે.

ઈતિહાસ અને લોકવાયકા:

ભાણગઢનો ઈતિહાસ જોઈએ તો ઈ. સ. ૧૫૭૩માં રાજા ભગવંત દાસે પોતાના દિકરા માધો સિંહ માટે ભાણગઢ નગરનું નિર્માણ કરાવ્યું હતું. માધો સિંહ પછી તેના દીકરા છત્તર સિંહે ભાણગઢનું રાજ સંભાળ્યું હતું. ઈ. સ. ૧૬૩૦માં છત્તર સિંહના મૃત્યુ પછી ભાણગઢનું પતન શરૂ થયું અને એ પતન માટે બે અલગ અલગ લોકવાયકાઓ કારણભૂત હતી. એક વાયકા મુજબ ભાણગઢ શરૂઆતથી જ એક શ્રાપિત નગર હતું. નગરના શિલારોપણ અગાઉ આ સ્થળ એક વેરાન જંગલ હતું અને અહીં ગુરુ બાલુનાથ નામના એક સંત એકલા રહેતા હતા. તેઓ પ્રભુભક્તિમાં લીન રહેતા હતા અને સંન્યાસી જીવન જીવતા હતા. તેમણે નગરની સ્થાપના માટે એ શરતે મંજુરી આપી હતી કે નગરના કોઈ પણ મકાનની ઊંચાઈ એટલી ન હોવી જોઈએ કે જેથી તેનો પડછાયો તેમના રહેઠાણ પર પડે. તેમની શરત રાજવી પરિવાર દ્વારા માન્ય રાખવામાં આવી હતી. ભાણગઢ નગરમાં કોઈ પણ પ્રકારનું બાંધકામ કરવામાં આવતું ત્યારે તેમની શરતનું અચૂકપણે પાલન કરવામાં આવતું. વર્ષો વીતી ગયા અને ભારતવર્ષમાં ભાણગઢ એક જાણીતા નગર તરીકે ઉભરી આવ્યું. ગુરુ બાલુનાથના મૃત્યુ પછી તેમની સમાધી ભાણગઢમાં જ બનાવવામાં આવી હતી. અને એમના મૃત્યુ પછી પણ એમની શરતનું ચુસ્તપણે પાલન કરવામાં આવતું. પરંતુ છત્તર સિંહના દીકરા અજબ સિંહે અજાણતામાં આ શરતનો ભંગ કર્યો અને પોતાના મહેલની ઊંચાઈ એટલી વધારાવી દીધી કે જેથી તેનો પડછાયો ગુરુ બાલુનાથના રહેઠાણ પર પડવા લાગ્યો. બસ... તે દિવસથી ભાણગઢને ગુરુ બાલુનાથનો શ્રાપ લાગી ગયો. લોકો રહસ્યમય રોગચાળાનો ભોગ બનવા લાગ્યા. ધનધાન્યનું ઉત્પાદન કોઈ પણ દેખીતા કારણ વગર ઘટવા લાગ્યું. કોઈ અદૃશ્ય શક્તિના કોપને લીધે ભાણગઢની જનતા આકસ્મિક મૃત્યુનો ભોગ બનવા લાગી. ક્યારેક દુકાળ પડતો, તો ક્યારેક અતિવૃષ્ટિ થતી. ક્યારેક રેતીનું તોફાન ચડતું, તો ક્યારેક ભાગોળે ચરવા ગયેલા ઢોરઢાંખર સામૂહિક રૂપે ગાયબ થઈ જતા. હા, રીતસર ગાયબ થઈ જતા, અને પછી એમનો કોઈ પત્તો લાગતો નહીં. આ પ્રકારની સિલસિલાબંધ આપત્તિઓને લીધે ધીમે ધીમે નગર ખાલી થવા લાગ્યું, અને પછી એક દિવસ એવો આવ્યો કે ભાણગઢમાં એક પણ માણસ બચ્યો નહિ. લોકો કહે છે કે, ગુરુ બાલુનાથના શ્રાપને લીધે ભાણગઢમાં કોઈ પણ ઘરનું છાપરું સાબૂત નહોતું રહેતું. છાપરું બનાવવામાં આવે તો પણ એક યા બીજા કારણસર તૂટી જ પડતું.

આને સમાંતર બીજી પણ એક વાયકા જાણીતી છે જે ભાણગઢની યુવાન રાજકુમારી રત્નાવતીને લગતી છે. રૂપરૂપનાં અંબાર સમી રત્નાવતી ખૂબ જ ચતુર અને આકર્ષક યુવતી હતી. પાક કળાથી લઈને તલવારબાજી અને નૃત્યથી લઈને ઘોડેસવારી જેવી અનેક કળાઓમાં તે નિષ્ણાંત હતી. આવી સર્વાંગ, સંપૂર્ણ યુવતીને પામવા કોઈ પણ પુરુષ તૈયાર થઈ જાય. કિશોરાવસ્થામાં પ્રવેશતા જ રત્નાવતીને લગ્ન માટે આસપાસનાં રાજ્યોનાં રાજકુમારોના માગા આવવાના શરુ થઈ ચૂક્યા હતા. પરંતુ ભાણગઢમાં કોઈક એવું હતું જેની કાળી નજર રત્નાવતી પર હતી. સિંઘીયા નામના એક તાંત્રિકને રત્નાવતી સાથે એકતરફી પ્રેમ થઈ ગયો હતો. ભાણગઢનાં કોઈ ખૂણામાં તે એકલો રહેતો અને રહસ્યમય જીવન જીવતો હતો. વર્ષો સુધી ગૂઢ શક્તિઓ અને તંત્ર વિદ્યાનો અભ્યાસ કરીને તેણે કેટલીક અમોઘ શક્તિઓ મેળવી હતી. તે રત્નાવતીને પરણવા ઈચ્છતો હતો પણ તે જાણતો હતો કે તે કદી રત્નાવતીને સીધે રસ્તે પામી શકવાનો નથી એટલે તેણે પોતાની તાંત્રિક શક્તિઓનો દુરુપયોગ કરી રાજકુમારીને પામવાનો પ્રયાસ કર્યો હતો. એક દિવસ રત્નાવતીની દાસી તેના માટે બજારમાંથી સુગંધી તેલ ખરીદી રહી હતી ત્યારે સિંઘીયાએ ચુપકીદીથી એ તેલ પર પોતાની મેલી વિદ્યા અજમાવી દીધી. એ મંત્રેલા તેલનો સ્પર્શ થતાં જ રત્નાવતી તેના વશમાં થઈ જાય એમ હતું. પણ સિંઘીયાની ગણતરી ખોટી પડી કેમ કે રત્નાવતીએ સિંઘીયાને મેલી વિદ્યા અજમાવતા જોઈ લીધો હતો. તેણે તેલની શીશી ત્યાં જ ઢોળી દીધી. તેલ જમીન પર પડતા જ એક મોટા પથ્થરના રૂપમાં ફેરવાઈ ગયું. કોઈનું ખરાબ કરવા માટે અજમાવાયેલી તાંત્રિકવિધિ એમ કંઈ ખાલી જાય એમ નહોતું. કાળી શક્તિએ પોતાનો પરચો આપ્યો અને એણે પોતાના જ સર્જકનો ભોગ લીધો. એ પથ્થર હવામાં ઊડ્યો અને જઈને સીધો થોડે દૂર છુપાઈને બેઠેલા સિંઘીયા પર જ પડ્યો. આમ, પથ્થરનો સર્જક જ તેની નીચે ચગદાઈને મરણને શરણે થઈ ગયો. પરંતુ મરતા પહેલા તેણે ગુસ્સામાં આવી શ્રાપ આપ્યો કે ભાણગઢનાં તમામ રહેવાસી અકાળ અવસાન પામશે. સીંધિયાના શ્રાપને કહેર બનીને ભાણગઢવાસીઓ પર વરસવામાં વાર ન લાગી. બીજે જ વર્ષે ભાણગઢનું તેના પડોશી રાજ્ય સાથે યુધ્ધ થયું અને રાજકુમારી રત્નાવતી સહીત અનેક પ્રજાજનો તે યુધ્ધમાં માર્યા ગયા. તે પછી પણ ભાણગઢમાં અકાળ મૃત્યુ, અકસ્માત અને રોગચાળા જેવી ઘટનાઓએ અનેક લોકોનો ભોગ લીધો. ત્યારથી લઈને અત્યાર સુધી ભાણગઢમાં એ તાંત્રિકના શ્રાપને લીધે રહસ્યમય દુર્ઘટનાઓ બન્યા જ કરે છે એવું સ્થાનિક લોકોનું માનવું છે. અને હા, વાયકા એવી પણ છે કે એ દુષ્ટ તાંત્રિક આજે પણ અદૃશ્ય સ્વરૂપે ભાણગઢમાં હાજર છે અને કોઈક ખંડેર મંદિરની છત પર બેસીને આવતા-જતા લોકો પર ચાંપતી નજર રાખે છે.

ભાણગઢની આજ:

ઈ. સ. ૧૭૮૩ના ભયંકર દુકાળ પછી તો ભાણગઢ સંપૂર્ણપણે ખાલી થઈ ગયું હતું. આજે જે લોકો ત્યાં વસે છે તે ભાણગઢની હદ બહાર વસે છે. સ્થાનિક લોકોમાં ભાણગઢનાં ભૂતોની દહેશત એટલી હદે પ્રવર્તે છે કે, રાત પડ્યા પછી તો કોઈ ભૂલથી પણ ભાણગઢમાં પ્રવેશ કરતું નથી. અહીં કેટલાક યુવાનો ગાઇડ તરીકે કામ કરે છે, પણ કોઈ પ્રવાસી ગમે એટલા રૂપિયાની લાલચ આપે તો પણ તેઓ સૂરજ ઢળ્યા પછી ભાણગઢમાં જવા તૈયાર થતા નથી. અહીંનાં ખંડેરોમાં અનેક એવા બોગદાઓ છે કે જે જમીનની નીચે બનેલા વિશાળ ભોંયરાઓમાં લઈ જાય છે પરંતુ કોઈ એ અંધારિયા બોગદાઓમાં પ્રવેશવાની હિંમત કરતું નથી. ભાણગઢ જતાં પ્રવાસીઓને ઘણીવાર વિચિત્ર અનુભવો થાય છે. કોઈને દેખીતા કારણ વગર બેચેની લાગે છે તો કોઈને ખુલ્લી હવામાં પણ ગભરામણ થવા લાગે છે. દિવસનાં અજવાળાંમાં પણ જો આવું થતું હોય તો પછી રાતનું તો પૂછવું જ શું! ખરેખર તો ભાણગઢનાં રહસ્યમય ખંડેરોમાં રાત પડ્યા પછી શું થાય છે એ કોઈ કહી શકતું નથી કેમ કે ભાણગઢની હદમાં સૂર્યાસ્ત પછી દાખલ થયેલો માણસ કદી પાછો ફરતો નથી. અને એવા કિસ્સાઓ એક થી વધારે વાર બન્યા છે કે જ્યારે કોઈ અટકચાળા પ્રવાસીઓ ભાણગઢની હદમાં સૂર્યાસ્ત પછી દાખલ થયા હોય અને પછી હંમેશ માટે ગાયબ થઈ ગયા હોય. એટલા માટે જ તો ભારતીય પુરાતત્વ વિભાગે અહીં પેલું ચેતવણીસૂચક બોર્ડ મૂકવું પડ્યું છે. ભારતભરમાં અનેક સ્થળોએ ભૂત થતું હોવાનું કહેવાય છે પરંતુ ખુદ સરકારી તંત્રે ક્યાંય આ પ્રકારની ચેતવણી મૂકવી પડી નથી, એ હકીકત ભાણગઢમાં ભૂતિયા પ્રસંગો બનતા હોવાની બાબતનું આડકતરી રીતે સમર્થન કરે છે.

આ પ્રકારની વાતો સાચી છે કે માત્ર અફવા એની કોઈ નક્કર સાબિતી નથી પણ એટલું તો પાકું છે કે ભાણગઢ નામનું એ પ્રાચીન નગર સૈકાઓથી પોતાના ખંડેરોમાં કોઈ રહસ્ય ધરબીને બેઠું છે.

Article : 2. એક થી ડાયન: એની પાલ્મર ‘ધી વ્હાઇટ વિચ ઓફ જમૈકા’

મધ્ય અમેરિકી દેશ જમૈકાનાં ‘મોન્ટૅગો બૅ’ ખાતે આવેલું ‘રોઝ હોલ’ નામનું મકાન. ચોપાસ હરિયાળીથી ઘેરાયેલું, પહેલી નજરે જોતાં જ ગમી જાય એવું આ મકાન ખરેખર તો મહેલાત કહેવાય એવું વિશાળ અને ભવ્ય છે, પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે, આવું આ અત્યંત આકર્ષક મકાન ભૂતિયા હોવાનું કહેવાય છે. ઈ. સ. ૧૭૭૦માં જ્યોર્જીયન સ્ટાઇલમાં બંધાયેલા આ આલિશાન મકાનમાં એક સમયની કુખ્યાત માલિકણ એની પાલ્મરનું ભૂત થતું હોવાની વાયકા છે. એની પાલ્મરની કહાની એટલી બધી જાણીતી થઈ હતી કે, જ્હોની કૅશ નામના અમેરીકન ગાયક-સંગીતકારે એનીનાં જીવન પરથી ‘ધી બૅલડ ઓફ એની પાલ્મર’ નામના ગીતની રચના કરી દીધી હતી. કોણ હતી એ એની પાલ્મર અને કેવું હતું એનું જીવન એની હેરતઅંગેઝ અને ખોફનાક કહાની જાણવા માટે ઈતિહાસના આઈનામાં ડોકિયું કરવું પડશે.

એની પાલ્મરને લાગ્યો મેલી વિદ્યાનો ચસ્કો:

ઈતિહાસનાં પાનામાં જેનું નામ એક ક્રૂર અને શેતાની સ્ત્રી તરીકે લેવામાં આવે છે એવી એની પાલ્મરનો જન્મ ઇંગ્લેંડમાં થયો હતો, જોકે તેના જન્મની ચોક્કસ તારીખ ઉપલબ્ધ નથી. તેની માતા અંગ્રેજ અને પિતા આઇરીશ હતા. કમળાનાં રોગે તેના માતા-પિતાનો ભોગ લીધો ત્યારે કિશોરાવસ્થામાં પહોંચેલી એનીને એક વૃધ્ધ મહિલાએ દત્તક લઈ લીધી હતી. આ મહિલાએ જ ખતરનાક કહી શકાય એવી મેલી વિદ્યા ‘વુડુ’ એનીને શીખવાડી હતી. એનીના ટીનએજના વર્ષો મેલી વિદ્યા શીખવામાં જ વિત્યા હતા અને શરૂઆતથી જ તેને એ શીખવામાં ભારે રસ પડ્યો હતો, કેમ કે એ જાણતી હતી કે એ વિદ્યા થકી એ ભવિષ્યમાં અન્ય લોકોને પોતાના વશમાં કરી શકવાની હતી.

દેખાવમાં પાતળી અને આકર્ષક એવી એનીનાં લગ્ન યુવા વયે જમૈકાના જાગીરદાર જ્હોન પાલ્મર સાથે થયા હતા અને લગ્ન બાદ તે જમૈકા આવી ગઈ હતી. યુરોપનાં ભદ્ર સમાજમાં ઉછરેલી એનીએ યુરોપની સરખામણીમાં ખાસ્સા ગ્રામિણ કહી શકાય એવા જમૈકામાં લગ્ન કરવાનું પસંદ કર્યું એનું એક જ કારણ હતું, અને તે એ કે તેના પતિ પાસે ચિક્કાર પૈસો હતો.

‘રોઝ હોલ’ની જાહોજલાલી:

જ્હોન પાલ્મરની માલિકીનાં ‘રોઝ હોલ’ એસ્ટેટમાં જાહોજલાલીનો પાર નહોતો. એસ્ટેટના કેન્દ્રમાં એક મહેલસમું મકાન હતું અને તેની આસપાસ શેરડીનાં લીલાછમ ખેતરો હતા જે હજારો એકરમાં ફેલાયેલા હતા. મકાનને મોંઘા તૈલચિત્રો, ઝાકઝમાળભર્યા ઝુમરો, સિલ્કનાં વૉલપેપરો અને એન્ટીક યુરોપિયન ફર્નિચરથી સજાવવામાં આવ્યું હતું. એ જમાનામાં ‘રોઝ હોલ’ આખા જમૈકા દેશનું સૌથી ભવ્ય મકાન ગણાતું હતું. જ્હોન પાલ્મરની મુખ્ય આવક શેરડીનાં પાકની ઉપજમાંથી આવતી હતી. તેમના શેરડીનાં ખેતરોમાં મજૂરી માટે સેંકડો હબસી માણસોને રાખવામાં આવ્યા હતા. એ જમાનામાં વિશ્વભરમાં હબસી ગુલામોને ખેતમજૂરી અને ઘરકામ માટે ખરીદવા-વેચવાની પ્રથા હતી. ગોરા માલિક પાસે જેટલા ગુલામો વધુ હોય એટલી એની સામાજીક પ્રતિષ્ઠા વધારે ગણાતી.

સ્ત્રી જ્યારે શેતાન બની:

લગ્નની શરૂઆતમાં બધું બરાબર ચાલ્યું. ઠંડા યુરોપિયન વાતાવરણને બદલે જમૈકાની હુંફાળી, ખુશનુમા આબોહવા એનીને માફક આવી ગઈ. પતિની અધધધ સંપત્તિનો ખુમાર એનીની આંખોમાં થોડો સમય રહ્યો, પણ પછી તે ઇંગ્લેંડની ઝાકઝમાળભરી જિંદગી ‘મિસ’ કરવા લાગી. ઇંગ્લેંડ જ્યાં પ્રવૃતિઓથી ધમધમતું હતું ત્યાં જમૈકામાં કરવા જેવું ખાસ કંઈ નહોતું. કંટાળેલી એની સમય પસાર કરવા માટે ખેતરોનાં કામકાજમાં ધ્યાન આપવા લાગી. ધીમેધીમે તે ગુલામો પર જોહુકમી ચલાવવા લાગી અને એ કામમાં તેને મઝા આવવા લાગી. દરરોજ સવારે પોતાના રૂમની બાલ્કનીમાં આવીને તે નીચે ઉભેલા ગુલામોને દિવસ દરમ્યાન કરવાના કામો વિશે આદેશ આપતી. મોંઘા વસ્ત્રો ધારણ કરીને, અત્તરમાં તરબતર થઈને તે ખેતરોમાં ચક્કર કાપવા જતી અને એ વખતે તે પોતાના હાથમાં એક ચાબુક રાખતી. નાનકડી ભૂલ માટે પણ તે ગુલામોને જાહેરમાં ચાબૂક વડે ક્રૂરતાપૂર્વક ફટકારતી. લાચાર ગુલામોને કલાકો સુધી તડકામાં ઊભા રાખવામાં અને શરીર પરનાં સોળમાંથી લોહી વહેવા લાગે ત્યાં સુધી તેમને ચાબૂક વડે ફટકારવામાં તેને પાશવી આનંદ મળતો.

એનીની વિકૃતીએ ત્યારે માઝા મૂકી જ્યારે પોતાની શારીરિક ભૂખ સંતોષવા તે ગુલામો સાથે સહશયન કરવા લાગી. પતિની ગેરહાજરીમાં તે બળજબરીપૂર્વક યુવાન ગુલામોનો ઉપભોગ કરવા લાગી. શરૂઆતમાં ક્યારેક જ ખેલાતો વાસનાનો ખેલ પછી તો રોજિંદો ઘટનાક્રમ બની ગયો. એનીને એની આદત પડી ગઈ, બલકે રીતસરનું વ્યસન થઈ ગયું. પોતાના વ્યભિચારની પતિને વહેલી-મોડી ખબર પડી જ જવાની છે એનું ભાન થતા તેણે પોતાના પતિથી છુટકારો મેળવવાનું નક્કી કરી લીધું. લાગ જોઈને એક રાતે તેણે પોતાના પતિના ભોજનમાં ઝેર ભેળવી દીધું અને તેને મારી નાખ્યો! એ જમાનામાં જમૈકામાં કાયદા-વ્યવસ્થા જેવું ખાસ કંઈ હતું નહિ અને જે હતું એ ધનવાનો પોતાના ગજવામાં લઈને ફરતા એટલે એનીનો વાળ પણ વાંકો ના થયો. પતિના મોત બાદ તેની કરોડોની સંપત્તિની તે એકલી માલિકણ બની. પૈસાનાં મદમાં તે બેફામ બની કેમ કે, હવે ‘રોઝ હોલ’ની એકમાત્ર માલિકણ તરીકે તેની પાસે એટલી સત્તા હતી કે કોઈ તેનો વિરોધ કરવાની હિંમત કરતું નહિ. પૈસા અને પાવર ઉપરાંત તેની પાસે કાળા જાદુની શક્તિ પણ હતી જેના લીધે તેની આસપાસનાં લોકો તેનાથી ડરતા. વિધવા બન્યા બાદ તેની શારીરિક ભૂખ અમર્યાદીત બની ગઈ અને તે એક પછી એક કરી યુવાન, હબસી ગુલામોને પોતાની વાસનાનો શિકાર બનાવવા લાગી. કોઈ પણ યુવાન પર કાળા જાદુનો પ્રયોગ કરી તે તેને પોતાના વશમાં કરી લેતી અને પછી તેની પાસે પોતાનું ધારેલું કામ કરાવતી. એક વાર તેના ઘરમાં દાખલ થયેલો યુવાન ફરી કદી બહાર આવતો નહિ. તે પોતાના શિકારને ઘરની નીચે બનેલા અંધારીયા ભોંયરામાં બંધ કરી દેતી અને પછી તેનો ઉપભોગ કરતી. તેને બેરહમીપૂર્વક ફટકારવામાં, તેને ભૂખ્યો અને તરસ્યો રાખી તડપાવવામાં એનીને વિકૃત આનંદ મળતો. મેડિકલ ટર્મ્સમાં જેને ‘સાયકો’ કહેવાય એવી પિશાચી એની બની ગઈ હતી. આઠ-દસ દિવસ શિકારનો ઉપભોગ કર્યા બાદ જ્યારે તે ધરાઈ જતી ત્યારે તે શિકારની હત્યા કરી દેતી. રાતનાં અંધારામાં તે લાશને ‘રોઝ હોલ’ના વિશાળ એસ્ટેટના કોઈ ખૂણે દાટી દેવડાવતી. આ કામમાં તેના ઘરનોકરો તેની મદદ કરતા. તેના ઘરનોકરોમાં કેટલાક વુડુ અને એવી બીજી મેલી વિદ્યાનાં જાણકાર હતા. એનીનાં કોપમાંથી બચવા અને તેની સાથે સારાસારી રાખવા એ લોકો તેને એવી બધી વિદ્યા શીખવાડતા. કાળા જાદુમાં નરબલિની વિધિ પણ આવતી અને તે માટે એની પોતાના મળતિયાઓ દ્વારા હબસી બાળકોની ચોરી કરાવી ક્યારેક એમની બલિ પણ ચઢાવતી!

વર્ષો સુધી એની પાલ્મર આ રીતે હત્યાઓ કરતી રહી અને વખત જતાં ‘ધી વ્હાઇટ વિચ ઑફ જમૈકા’ (જમૈકાની ધોળી ડાકણ) તરીકે કુખ્યાત થઈ ગઈ. દરમ્યાન તેણે બીજા બે પુરુષો સાથે લગ્ન કર્યા અને તેમની સંપત્તિ મેળવવા તેમની પણ હત્યા કરી દીધી. લગ્ન માટે તે હંમેશા એવા વિદેશી માલેતુજાર પુરુષને પસંદ કરતી જે તેના લોહીયાળ ભૂતકાળથી અજાણ હોય. નવા પતિને તેની અસલીયતની જાણ થાય એ પહેલા જ તે એને ભોજનમાં ઝેર આપીને મોતને ઘાટ ઉતારી દેતી.

ધોળી ડાકણનો અંત:

‘રોઝ હોલ’ એસ્ટેટમાં વર્ષો સુધી એની પાલ્મરની હકૂમત ચાલતી રહી, પણ કહેવાય છે ને કે, પાપનો ઘડો ક્યારેક તો ફૂટે જ છે. એનીના પાપનો ઘડો પણ ફૂટ્યો અને ઘણો જ ડ્રામેટિક અંદાજમાં ફૂટ્યો.

એનીના ગુલામોમાં ટાકો નામનો એક આધેડ વયનો માણસ હતો જે પોતે પણ કાળા જાદુની વિદ્યાનો જાણકાર હતો, પરંતુ તેણે એ વાત બીજાઓથી છુપાવી રાખી હતી. ટાકોની યુવાન દીકરીનાં લગ્ન બીજા એક હબસી યુવાન સાથે નક્કી થયા હતા. એનીએ પોતાની વાસના સંતોષવા એ યુવાનને પોતાનો શિકાર બનાવવાની ભૂલ કરી. બદલાની આગમાં સળગતા ટાકોએ દીકરીનાં ભવિષ્ય સાથે ખેલ ખેલનારી હત્યારણનો ખેલ હંમેશ માટે ખતમ કરી દેવાનું નક્કી કરી લીધું. આ કામ પાર પાડવા માટે તેણે કેટલાક ગુલામોને પોતાના પક્ષમાં કરી લીધા. એનીનાં ત્રાસથી કાયમ માટે છુટકારો મેળવવા માટે એ યુવાનો ટાકોની મદદ કરવા તૈયાર થઈ ગયા. બધાએ મળીને ‘રોઝ હોલ’ની નજીકનાં જંગલમાં એક ઊંડી કબર ખોદી રાખી કે, જેથી એનીની હત્યા કર્યા બાદ તેની લાશને ઝડપથી દફનાવી શકાય.

નક્કી કરેલી રાતે ટાકોએ તેના સાથીઓ સાથે એનીના ઘર પર ઓચિંતો હલ્લો બોલાવ્યો. સૌથી પહેલા તેમણે ઘરનોકરોનો એક પછી એક કરી ખાતમો બોલાવ્યો અને ત્યારબાદ એનીનો વારો આવ્યો. એકલી પડી ગયેલી એની જીવ બચાવવા ભોંયરામાં છુપાઈ ગઈ, પણ ટાકો અને એના સાથીઓએ એને શોધી કાઢી. શારીરિક બળમાં એની એકલે હાથે આટલા બધા પુરુષોનો મુકાબલો કરી શકે એમ નહોતી, એટલે તેણે મેલી વિદ્યા અજમાવી. ટાકોએ પ્રતિકાર કર્યો અને પોતાના કાળો જાદુ એની પર ચલાવી જબરી લડત આપી. એ ગોંઝારી રાતે ‘રોઝ હોલ’ના ભોંયરામાં મેલી વિદ્યાઓનો ભયાવહ દોર એવો તો ચાલ્યો કે, અંતે બન્ને માર્યા ગયા. ટાકોનાં સાથીઓએ રાતોરાત એનીની લાશને અગાઉથી તૈયાર રખાયેલી કબરમાં દફનાવી દીધી અને કંઈક વિશેષ તાંત્રિક વિધિ કરી કે જેથી તે કદી પાછી ફરી ન શકે. પરંતુ એનીની દુષ્ટતા ત્યાં ખતમ નહોતી થઈ. પ્રેત સ્વરૂપે તે પાછી ફરી અને તેણે પોતાના ઘર પર ફરીથી કબજો જમાવી દીધો.

એનીના હત્યારાઓ તો ‘રોઝ હોલ’ એસ્ટેટ છોડીને ક્યાંય દૂર ભાગી ગયા હતા એટલે બદલો લેવા એનીનું પ્રેત નિર્દોષ લોકોને સતાવવા લાગ્યું. ‘રોઝ હોલ’માં જે કોઈ નવા માલિક રહેવા આવતા તેને એનીનું ભૂત ડરાવતું અને એટલી હદે ડરાવતું કે તેઓ વહેલા-મોડા મકાન ખાલી કરીને ભાગી જતાં. એની ઉપરાંત તેના મળતિયા ઘરનોકરો અને એનીનો શિકાર બનેલા અનેક ગુલામો પણ પ્રેત સ્વરૂપે ‘રોઝ હોલ’માં વર્ષો સુધી ભટકતા રહ્યા હતા, એવું કહેવાય છે.

‘રોઝ હોલ’ની આજ:

વર્ષો સુધી ખખડધજ હાલતમાં રહ્યા બાદ ઈ. સ. ૧૯૭૭માં ભૂતપૂર્વ મિસ અમેરિકા મિશેલ રોલિન્સ અને તેના પતિ જ્હોન રોલિન્સે ‘રોઝ હોલ’ને ખરીદી લીધું હતું. ભારે ખર્ચો કરીને તેમણે એ મકાનને મ્યુઝિયમમાં ફેરવી દીધું. એ પછી એની પાલ્મરની જિંદગી અને ‘રોઝ હોલ’ના ભવ્ય ભૂતકાળની ઝાંખી કરાવતી ગાઇડ ટુરની શરૂઆત કરવામાં આવી જે ખૂબ જ લોકપ્રિય થઈ. મકાનનાં ભોંયરાને ‘એનીઝ પબ’ નામ આપવામાં આવ્યું છે. અહીં મુલાકાતીઓને ‘વિચીઝ બ્રુ’ નામનું ‘રમ કોકટેલ’ પીરસવામાં આવે છે. જમૈકા જનારા મોટેભાગના પ્રવાસીઓ એ સ્થળની મુલાકાત લે છે જ્યાં દાયકાઓ અગાઉ એક શેતાની સ્ત્રીનું રાજ ચાલતું હતું. કહેવાય છે કે એની પાલ્મરનો આત્મા આજની તારીખે પણ ‘રોઝ હોલ’ એસ્ટેટમાં ભટકી રહ્યો છે. ઘણાં પ્રવાસીઓએ એનું ભૂત જોયાનો દાવો કર્યો છે, ફરક એટલો જ છે કે હવે તે કોઈને હેરાન કરતી નથી. કદાચ તેની બદલો લેવાની ભાવના વર્ષો વિતતા હવે શાંત થઈ ગઈ છે.

Article : 3. ભૃત્યુ વહાણ: મેરી સેલેસ્ટ

માણસનું ભૂત હોય એવા તો ઘણા દાખલા આપણે સાંભળ્યા છે. ક્વચિત કોઈ પ્રાણીનું પ્રેત દેખાયું હોવાની વાતો પણ જાણમાં છે, પણ ક્યારેય કોઈ નિર્જીવ વસ્તુનું ભૂત હોવાનું ભાળ્યું છે? નહીં? તો આજે આપણે જે ‘ડર-સફર’ પર જવાના છે, એ આવી જ એક નિર્જીવ વસ્તુની પ્રેતકથા છે. એ વસ્તુ એટલે એક દરિયાઈ વહાણ. વાત બહુ જૂની છે કે…

ઈ.સ. ૧૮૬૧માં કેનેડા દેશનાં નોવા સ્કોટિયા પ્રાંતનાં સ્પેન્સર્સ ટાપુ ખાતે એક લક્કડિયા વહાણ બનાવવામાં આવ્યું હતું. વહાણનું નિર્માણ જોશુઆ ડૅવિસ નામના ઇજનેર દ્વારા કરવામાં આવ્યું હતું. વેપારનાં હેતુસર ભાગીદારીમાં બનાવાયેલા આ વહાણના એક કે બે નહીં, પણ કુલ આઠ માલિક હતા. ૩૨ મીટર લાંબા અને ૨૮૨ ટનનાં એ માલવાહક વહાણને ‘ઍમેઝોન’ નામ આપવામાં આવ્યું હતું. એ જમાનાનું એ એક વિશાળ અને ગુણવત્તાસભર વહાણ હતું. અન્ય માલવાહક વહાણોની સરખામણીમાં એ ખાસ્સું ચડિયાતું હતું. વહાણ પર કેપ્ટન માટે અલાયદી કેબિન, દિવાનખંડ, રસોડું અને એકથી વધારે બાથરૂમ હતા. અકસ્માતે ઘુસેલા પાણીને ઉલેચી નાખવા માટે ત્રણ હેન્ડપંપ પણ ખરા.

શાપિત વહાણ:

શરૂઆતથી જ ઍમેઝોન શાપિત હોવાનુ કહેવાતું હતું કેમ કે, તેના બાંધકામ દરમિયાન નાના-મોટા અકસ્માતો થયા જ કરતા હતા. ઍમેઝોનનો પહેલો કેપ્ટન રોબર્ટ મૅકલેલન હતો. ઍમેઝોનમાં પહેલા જ પ્રવાસમાં ફક્ત નવ દિવસની મુસાફરી બાદ રોબર્ટને ન્યુમોનિયા થઈ ગયો અને મધદરીયે જ તેનું મૃત્યુ થઈ ગયું. રોબર્ટ બાદ ઍમેઝોનને નવો કેપ્ટન મળ્યો. નામ એનું જ્હોન નટીંગ પાર્કર. જ્હોન ઍમેઝોનને યુરોપથી અમેરિકા તરફ હંકારી ગયો, પણ સફર દરમિયાન વહાણને ગંભીર અકસ્માત નડ્યો. ઍમેઝોન એક માછીમાર નૌકા સાથે ટકરાઈ અને જ્હોને રાજીનામું આપવું પડ્યું. ઈજાગ્રસ્ત ઍમેઝોનને સમારકામ માટે લઈ જવી પડી, પણ મરમ્મત દરમિયાન તેમાં આગ ફાટી નીકળી અને તે વધુ નુકશાન પામી. બળી ગયેલા લાકડાં બદલીને નવા લાકડાં બેસાડી તેને ફરી તૈયાર કરવામાં આવી. એમેઝોનને દુરસ્ત કરવામાં ખાસ્સો ખર્ચ થયો, પણ તેની ઉપયોગિતા જોતા એ ખર્ચ લેખે લાગે એમ હતું. સમારકામ બાદની પહેલી જ સફરમાં તે ફરીવાર અકસ્માતગ્રસ્ત બની. એટલાંટિક મહાસાગર ખેડતી વખતે ઇંગ્લૅન્ડનાં ડોવર બંદર નજીક જ તે એક બીજા વહાણ સાથે ટકરાઈ ગઈ. આ રીતે અવારનવાર અકસ્માતનો ભોગ બનતી ઍમેઝોન પર થોડા વર્ષોમાં અપશુકનિયાળ હોવાનું લેબલ લાગી ગયું. તેના પર સવાર ખલાસીઓ અવારનવાર બિમારીનો ભોગ બનવા લાગ્યા હતા. તેનો ચાર્જ સંભાળ્યા બાદ કુલ ત્રણ કેપ્ટનોએ અકસ્માત કે બિમારીમાં જીવ ગુમાવ્યા હતા. તેના રિનોવેશનમાં પણ વારંવાર ખર્ચો થતો રહ્યો. દરેક અકસ્માત બાદ તેને વધુ મજબૂત બનાવવામાં આવ્યું પરંતુ કેમે કરીને તેના પર અકસ્માતોનો સિલસિલો અટકતો નહોતો. દરમિયાન તે વેસ્ટ ઇન્ડીઝ ટાપુઓ, મધ્ય અમેરિકા અને દક્ષિણ અમેરિકાનાં દેશો વચ્ચે વેપાર માટે ખેપ મારતું રહ્યું. આવક સારી થતી હોવાથી વારંવાર દુર્ઘટનાગ્રસ્ત થતી હોવા છતાં માલિકો તેને રીપેર કરી કરીને દરિયા પર ઉતારતા રહ્યા.

ઍમેઝોનમાંથી મેરી સેલેસ્ટ:

ઈ.સ. ૧૮૬૭માં વળી ઍમેઝોનને સમુદ્રી તોફાન નડ્યું. આ વખતે તો તેને અત્યંત ભારે નુકસાન થયું. તેના વારંવારના અકસ્માતોથી કંટાળેલા તેના માલિકોએ તેને વેચવા કાઢી પરંતુ અપશુકનિયાળનાં લેબલને લીધે તેને ઝટ કોઈ લેવાલ મળ્યો નહિ. ગમે એટલા પૈસા મળે તો પણ ઍમેઝોનને હંકારવા કોઈ નાવિક કે કેપ્ટન તૈયાર થતો નહિ એટલી હદે તે કુખ્યાત થઈ ગઈ હતી. અંતે રિચાર્ડ હેઇન્સ નામના અમેરિકને તેને ખરીદી લીધી. નવા માલિકે મરમ્મત, રંગરોગાન અને સજાવટ બાદ તેને નવું નામ આપ્યું– મેરી સેલેસ્ટ. નામ બદલવાથી તેની કિસ્મત બદલાઈ જશે અને તેના પર લાગેલું અપશુકનિયાળનું લેબલ હટી જશે એવી રિચાર્ડની માન્યતા હતી. વહાણનાં તળિયે જાડાં પતરાં જડાવવામાં આવ્યા હતા કે જેથી વહાણ કોઈ ખડક સાથે ટકરાય તો પણ તેને ખાસ નુકશાન ન થાય અને તેની સફર અટકે નહિ. કેપ્ટન બેન્જામિન બ્રીગ્સની આગેવાનીમાં ૫ નવેમ્બર, ૧૮૭૨નાં રોજ મેરી સેલેસ્ટ ન્યુયોર્કથી ઇટલીનાં જિનોઆ બંદરે જવા ઉપડ્યું ત્યારે તેના ભંડકિયામાં કમર્શિઅલ (ઔદ્યોગિક વપરાશ માટેનાં) આલ્કોહોલનાં ૧૭૦૦ પીપડા ખડકાયેલા હતા. બ્રીગ્સ સાથે તેની પત્નિ સારા, બે વર્ષની દીકરી સોફિયા અને સાત ખલાસીઓ હતા. કેપ્ટન સહિત તમામ ખલાસીઓ દરિયો ખેડવામાં વર્ષોનો અનુભવ ધરાવતા હતા.

મેરી સેલેસ્ટની છેલ્લી સફર:

મેરી સેલેસ્ટએ ન્યુયોર્ક છોડ્યું તેના સાત દિવસ પછી એના જેવું જ બીજું માલવાહક વહાણ ‘ડે ગ્રાશીઆ’ પણ મેરી સેલેસ્ટનાં પ્રવાસ માર્ગે જ યુરોપ જવા ઉપડ્યું. તેના ભંડકિયામાં પેટ્રોલનાં સેંકડો બેરલ હતા. એ વહાણનો કેપ્ટન ડેવિડ રીડ મૂરહાઉસ, કેપ્ટન બ્રીગ્સનો જૂનો મિત્ર હતો. મેરી સેલેસ્ટ ઉપડવાની હતી તેની આગલી રાતે બન્નેએ સાથે ડિનર પણ લીધું હતું. બન્નેના વહાણ એટલાંટિક મહાસાગર પાર કરી જિબ્રાલ્ટરની ખાડીમાં થઈને મેડિટેરેનીયન સમુદ્રમાં હંકારવાના હતા. ઇટલીમાં મળવાનો કોલ આપીને બન્ને મિત્રો છૂટા પડ્યા હતા.

મધદરિયે મુલાકાત:

૪ ડિસેમ્બર, ૧૮૭૨નાં દિવસે ડે ગ્રાશીઆ એટલાંટિક મહાસાગરનાં શાંત પાણી પર સરકી રહ્યું હતું. અઝોર્સ ટાપુ પાર કરી તે જિબ્રાલ્ટરની ખાડી તરફ આગળ વધી રહ્યું હતું. આકાશમાં વાદળોનું કોઈ નામોનિશાન નહોતું અને સૂરજ તપી રહ્યો હતો. હવામાન ખુશનુમા હતું. વહાણનાં કુવાસ્થંભ પર બેઠેલો જ્હોન જ્હોનસન પોતાના દૂરબીન વડે ચારે બાજુ નજર રાખી રહ્યો હતો. (એ જમાનામાં દરિયાઈ ચાંચિયાઓ ભારે લૂંટફાટ મચાવતા હતા, એટલે દરિયાઈ સફર દરમિયાન ચોવીસે કલાક આ પ્રકારની સાવચેતી રાખવી જરૂરી હતી.) અચાનક જ્હોને પાંચેક માઇલ દૂર એક વહાણ જોયું. વહાણ આમતેમ ડોલી રહ્યું હતું અને તેનાં શઢ ફાટેલા હતા. વહાણનાં તૂતક પર પણ કોઈ ચહલપહલ નહોતી દેખાતી. જ્હોને તરત કેપ્ટન મૂરહાઉસને એ વહાણ વિશે જણાવ્યું. મૂરહાઉસે પોતાનું વહાણ એ દિશામાં લેવડાવ્યું. લાવારિસ વહાનની નજીક જતાં જ મૂરહાઉસને આશ્ચર્યનો આંચકો લાગ્યો કેમ કે એ વહાણ મેરી સેલેસ્ટ હતું! મેરી સેલેસ્ટ પર એક પણ નાવિક હાજર નહોતો એ વળી બીજો આંચકો હતો. મૂરહાઉસના આદેશ પર ડે ગ્રાશીઆનાં બે ખલાસીઓ નાનકડી હોડીમાં બેસીને મેરી સેલેસ્ટ પર પહોંચ્યા. નધણિયાતા મેરી સેલેસ્ટનો દેખાવ ડરામણો હતો. ફાટેલા શઢ હવામાં ફફડી રહ્યા હતા, કૂવાસ્થંભનું લાકડું કીચૂડાટ બોલાવી રહ્યું હતું અને તૂતક પરની કેબીનનો દરવાજો પવનમાં ભટકાઈ રહ્યો હતો. ચારે તરફ ભેંકાર સન્નાટો છવાયેલો હતો. જાણે કે હોરર ફિલ્મનું કોઈ દ્રશ્ય જોઈ લ્યો! મેરી સેલેસ્ટ તદ્દન નિર્જન હતું. ડાઇનીંગ ટેબલ પર પીરસેલું ભોજન જેમનું તેમ પડેલું હતું. ભંડકિયામાં છ મહિના ચાલે એટલું સીધું-સામાન અને પાણી ભર્યું પડ્યું હતું. ખલાસીઓનો અંગત સામાન પણ જેમનો તેમ પડ્યો હતો. મેરી સેલેસ્ટ પરથી કેપ્ટન મૂરહાઉસની ‘લોગ બૂક’ (નોંધપોથી) મળી. દરિયાઈ સફર દરમિયાન કેપ્ટન પોતાની લોગ બૂકમાં તારીખવાર અક્ષાંસ-રેખાંશ અને હવામાનની માહિતી તથા પોતાને થયેલા અનુભવો લખતો હોય છે. કેપ્ટન મૂરહાઉસની લોગ બૂકમાં છેલ્લી નોંધ ૨૩ નવેમ્બરની હતી જેનો મતલબ એ કે મેરી સેલેસ્ટને દસ દિવસ અગાઉ જ છોડી દેવામાં આવી હતી. વહાણ છોડીને તેના નાવિકો ક્યાં ગયા એ કોઈને ખબર નહોતી. નધણિયાતા વહાણે દસ દિવસમાં પોતાની મેળે જ ૬૭૦ કિલોમીટર જેટલું લાંબું અંતર ઉત્તર-પૂર્વ દિશામાં કાપ્યું હતું!

એ જમાનામાં હજી વાયરલેસ યંત્ર શોધાયું નહોતું એટલે મેરી સેલેસ્ટ નધણિયાતી મળી આવ્યાના ખબર તાત્કાલિક તેના માલિકો સુધી પહોચાડી શકાય એમ નહોતું. મેરી સેલેસ્ટને મજબૂત દોરડાં વડે પોતાના વહાણ સાથે બાંધીને કેપ્ટન મૂરહાઉસ તેને જિબ્રાલ્ટર તરફ ઘસડી ગયો. આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે મધદરિયે નધણિયાતું વહાણ મળી આવે તો તેની માલિકી તે જેને મળ્યું હોય તેની ગણાય. આમ કેપ્ટન મૂરહાઉસ હવે મેરી સેલેસ્ટનો માલિક બન્યો હતો. પરંતુ અભિશાપિત ગણાતા વહાણને પોતાની પાસે રાખી તેનો વહીવટ કરવાનું જોખમ લેવાને બદલે તેણે મેરી સેલેસ્ટને જિબ્રાલ્ટરમાં જ વેચીને રોકડી કરી લેવાનું મુનાસિબ માન્યું. જે રકમ મળી તે રકમમાં સોદો પતાવી તેણે અડધી રકમ પોતાની પાસે રાખી બાકીની પોતાના નાવિકોમાં વહેંચી દીધી.

વણઉકેલ્યું રહસ્ય:

દસ-દસ માણસો મધદરિયે અચાનક હંમેશ માટે ગુમ થઈ જાય એ ઘટના કંઈ જેવી-તેવી નહોતી. મેરી સેલેસ્ટને નડેલી આ રહસ્યમય દુર્ઘટના વિશે જાતજાતની ધારણાઓ કરવામાં આવી. દરિયાઈ તોફાનથી લઈને ભૂકંપ સુધીની થીયરીઓ રજૂ કરવામાં આવી. જો આવું કંઈ બન્યું હોય તો તો વહાણને ભારે નુકશાન થાય, જે બિલકુલ થયું નહોતું. ખલાસીઓનો સામાન, ફર્નિચર, કાચનાં વાસણો, મહત્વપૂર્ણ નકશાઓ, નેવિગેશનના સાધનો વગેરે તમામ ચીજો સલામત હતી. દરિયાઈ તોફાન અને ભૂકંપ જેવી કોઈ પ્રાકૃતિક આપદા આવે તો ખલાસીઓ અને વહાણ સાથે જ ડુબે એ સ્વાભાવિક વાત છે, પણ મેરી સેલેસ્ટના કિસ્સામાં એવુંય બન્યું નહોતું. ચાંચિયાઓનાં હુમલાની શક્યતા પણ અપ્રસ્તુત હતી કેમ કે, ચાંચિયાઓ તો લૂંટના ઈરાદે જ હુમલો કરે, અને મેરી સેલેસ્ટ પરથી દેખીતી રીતે કંઈ પણ લૂંટાયું નહોતું. બીજું બધું છોડો તો પણ આલ્કોહોલનાં ૧૭૦૦ પીપડા ભારે કીંમતી હતા, પણ એ જેમ ના તેમ પડ્યા હતા. કેટલાકે વિશાળ સમુદ્રી રાક્ષસ તો કેટલાકે પરગ્રહવાસીઓનાં હુમલાની કલ્પના કરી, પરંતુ એ ફક્ત કલ્પના જ હતી. દુર્ઘટના બદલ કુખ્યાત ‘બર્મ્યુડા ટ્રાયેંગલ’ને પણ જવાબદાર ઠેરવાયો હતો, પરંતુ હકીકત એ હતી કે મેરી સેલેસ્ટનાં પ્રવાસમાર્ગમાં બર્મ્યુડા ટ્રાયેંગલ આવતો જ નહોતો. નાવિકોએ બળવો કર્યો હોય એમ માનીએ તો પણ કેપ્ટનને ખતમ કર્યા બાદ તેઓ કંઈ પણ લૂંટ્યા વિના વહાણને મધદરિયે શા માટે છોડી દે? નાવિકોનો અંગત સામાન પણ જેમ નો તેમ પડ્યો હતો, એટલે એ શક્યતા પર પણ પૂર્ણવિરામ મૂકાયું. એવું લાગતું હતું કે જાણે નાવિકો બેઠાબેઠા અચાનક જ વહાણ પરથી અદ્રશ્ય થઈ ગયા હતા. જે બન્યું હોય તે, પણ મેરી સેલેસ્ટનાં ગુમ થયેલા ખલાસીઓ અને કેપ્ટન મૂરહાઉસનાં પરિવારની કદી ભાળ મળી નહિ.

મેરી સેલેસ્ટની કમઠાણ:

મેરી સેલેસ્ટની કહાની અહીં પૂરી નથી થતી. જિબ્રાલ્ટરમાં કેપ્ટન મૂરહાઉસ દ્વારા વેચાયા બાદ પણ તેના માલિકો બદલાતા રહ્યા. પછીનાં ૧૩ વર્ષમાં તે ૧૭ વખત વેચાઈ. કોઈ પણ તેને લાંબો સમય પોતાની પાસે રાખી શકતું નહિ કેમ કે તેના અકસ્માતોનો સિલસિલો રોકાવાનું નામ નહોતો લેતો. કદાચ તેને કેપ્ટન અને ખલાસીઓનાં હાથમાં રહી દરિયા પર હંકારવાનું મંજૂર જ નહોતું. એક સફર દરમિયાન તે કેરેબિયન સમુદ્રમાં પરવાળાનાં એક ખડક પર ચડી ગઈ અને પછી હંમેશ માટે ત્યાં જ ખોડાઈ ગઈ. તેને ફરીથી દરિયામાં લાવવા માટે અનેક પ્રયાસ કરવામાં આવ્યા, પણ હવે તે મચક આપવા તૈયાર નહોતી. આખરે તેને ત્યાં જ છોડી દેવામાં આવી જ્યાં વર્ષો વિતતા તે ધીમે ધીમે ભંગારમાં ફેરવાઈ ગઈ.

૧૧૬ વર્ષોના વહાણા વિત્યા પછી ઈ.સ. ૨૦૦૧માં કેરેબિયન સમુદ્રમાં હૈતી ટાપુ પાસે મેરી સેલેસ્ટનો ભંગાર શોધી કાઢવામાં આવ્યો હતો. શાપિત ગણાયેલી મેરી સેલેસ્ટ હાલમાં સમુદ્રનાં તળીયે ટુકડાઓમાં વિશ્રામ કરી રહી છે.

Article : 4. ‘જોએલ્મા’ બિલ્ડીંગ: તેર ભૂતોનું તાંડવ

૧૧ સપ્ટેમ્બર, ૨૦૧૧ ના રોજ ન્યુયોર્કનાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા આતંકવાદી હુમલામાં લગભગ ૩૦૦૦ લોકોએ જાન ગુમાવ્યા હતા. એ વિશ્વવિખ્યાત ‘સ્કાયસ્ક્રૅપર ટ્રેજેડી’માં જગ વિખ્યાત ટ્વિન ટાવર્સને આગમાં ભસ્મીભૂત થતા આપણે બધાંએ ટી.વી. પર જોયા હતા. બહુમાળી ઈમારતને રાખમાં ફેરવી નાખતી આગની આવી જ એક ગમખ્વાર દુર્ઘટના આજથી લગભગ ૩૯ વર્ષ અગાઉ દક્ષિણ અમેરિકી દેશ બ્રાઝિલમાં બની હતી, પરંતુ તે જમાનામાં પ્રચાર માધ્યમો આજનાં જેવો વૈશ્વિક ફેલાવો ધરાવતા ન હોવાથી આપણામાંના ઘણા આ દુર્ઘટનાથી અજાણ છે. કોઈ ઈમારત આગમાં ખાક થઈ જાય એ આમ તો ખાસ નવાઈ પમાડનારી વાત નથી હોતી, કેમ કે એવી દુર્ઘટના અકસ્માતમાં ખપી જતી હોય છે. પણ જો કોઈ ઈમારતમાં લાગેલી આગનું કારણ જ ન જડે અને દુર્ઘટના ઘટ્યા બાદ પણ એ ઈમારત રહસ્યમય બનાવોની શિકાર બન્યા કરે તો? તો ચોક્કસ એ ઈમારતમાં છાશવારે સર્જાતી રહેતી ભેદી દુર્ઘટનાઓ વિશે શંકા જાગે કે કંશુક તો રહસ્યમય છે જ. બ્રાઝિલમાં બનેલી આગજનીની દુર્ઘટના પણ આવો જ એક વણઉકેલ્યો કોયડો છે.

દુર્ઘટના શું હતી?

શુક્રવાર ૧ ફેબ્રુઆરી, ૧૯૭૪ની એ ગોંઝારી સવારે ૮ વાગ્યાને ૫૦ મિનિટે બ્રાઝિલનાં સાઓ પાઓલો શહેરનાં જોએલ્મા બિલ્ડીંગમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ૨૫ માળના એ સમયે તોતિંગ ઊંચાઈના ગણાતા એ બિલ્ડીંગનાં ૧ થી ૧૦ માળ રેસિડેન્શીઅલ હતા અને ૧૧મા માળથી ઉપરનાં માળ કમર્શીઅલ હતા. ૧૨મા માળે એક એ.સી. યુનિટમાં ઓવરહિટીંગ થતા આગ લાગી હતી. લાકડાનાં ફર્નિચર અને પાર્ટીશન, સેલ્યુલોઝ ફાઇબર ટાઇલની બનેલી ફૉલ્સ સિલિંગ અને ફ્લૉર પરની કાર્પેટ જેવી જ્વલનશીલ ચીજો જોતજોતામાં આગની ચપેટમાં આવી ગઈ. ફાયર ફાઇટરની ટીમ આવે ત્યાં સુધીમાં આગ ૧૨મા માળે પૂરેપૂરી ફેલાઈ ચૂકી હતી. પવનની થપાટોને સહારે આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. બિલ્ડીંગનાં દાદરમાં થઈને ઉપર ઉઠેલી આગ ૧૫મા માળ સુધી પહોંચી ગઈ. દાદરનાં ભાગમાં જ્વલનશીલ પદાર્થોની માત્રા ખૂબ ઓછી હોવાથી સદભાગ્યે આગ બીજા મજલાઓ પર નહોતી ફરી વળી. ૧૨મા માળથી નીચેના માળ પર રહેલા માણસો સલામતીપૂર્વક નીચે પહોંચી ગયા પરંતુ ૧૨મા માળથી ઉપરનાં માળ પરનાં લોકોની હાલત કફોડી થઈ ગઈ હતી. ૧૨, ૧૩, ૧૪ અને ૧૫મા માળ પર લોકો આગની ચપેટમાં આવીને મરણને શરણ થવા લાગ્યા તો ૧૫મા માળથી ૨૫મા માળ પર રહેલા લોકો ફસાઈ ગયા હતા કેમ કે અગનજ્વાળા અને ધુમાડાએ બચવાના એકમાત્ર રસ્તા એવા દાદરનો કબજો લઈ લીધો હતો અને તેઓ કોઈ કાળે નીચે ઉતરી શકે એમ નહોતા. કેટલાક લોકો બિલ્ડીંગનાં ટેરેસ પર પહોંચી ગયા. એમને એવી આશા હતી કે મદદ માટે કોઈ હેલિકોપ્ટર મોકલવામાં આવશે પરંતુ એ આશા ઠગારી નીવડી. એમને બચાવવા કોઈ હેલિકોપ્ટર આવ્યું નહિ. બિલ્ડીંગનાં ટેરેસ પર ઉતરવા માટે હેલિપેડ નહોતું. એ ઉપરાંત હવામાં હેલિકોપ્ટરને સ્થિર રાખીને પણ બચાવકાર્ય કરી શકાય એમ નહોતું કેમ કે આકાશમાં ઊંચે સુધી ઉડી રહેલા ધુમાડાનાં ગોટેગોટામાં બિલ્ડીંગની ટોચ અને ટેરેસ દેખાતી જ નહોતી, જેને લીધે હેલિકોપ્ટર વડે બિલ્ડીંગનાં ટેરેસ સુધી પહોંચવાનું શક્ય જ નહોતું.

સંજોગો કહો કે કમ્બખ્તી, પણ ફાયર બ્રિગેડની નીસરણી ફક્ત ૧૧મા માળ સુધી પહોંચી શકે એટલી જ ઊંચી હતી. જાંબાઝ ફાયર ફાઇટરો બિલ્ડીંગમાં ધસી ગયા પણ આગ એટલી ભીષણ હતી કે તેઓ ૧૧મા માળથી ઉપર જઈ જ ન શક્યા. સામાન્યપણે આવી કટોકટીમાં લિફ્ટનો ઉપયોગ ટાળવાનો હોય છે, કેમ કે પાવર કટ થતાં કે અન્ય કોઈ પણ ખરાબીને લીધે લિફ્ટ અધવચ્ચે ખોટકાઇ જાય તો લિફ્ટની અંદર ફસાયેલાનું બહાર નીકળવું અત્યંત મુશ્કેલ બની જાય. જોકે, અન્ય કોઈ ઉપાય ન રહેતા ફાયર ફાઇટરોએ બિલ્ડીંગની ચાર પૈકી ત્રણ લિફટનો ઉપયોગ કરીને ૩૦૦ લોકોને બચાવ્યા. ચોથી લિફ્ટ કોઈક કારણસર ખોટકાઈ ગઈ હતી. જીવ પર આવેલા કેટલાક લોકો બારીની બહાર નીકળી બિલ્ડીંગની બહારની બાજુ બનેલી પાળીઓ પર પહોંચી ગયા કે જેથી તેઓ એક માળ પરથી બીજા માળ પર ઉતરી ૧૧મા માળ સુધી જઈ શકે અને ત્યાં ફાયરબ્રિગેડની નીસરણી તેમને બચાવી લે. આવું દુસ્સાહસ કરવાના પ્રયત્નમાં લોકો નીચે પટકાઈને મરણને શરણ થઈ ગયા હતા. હા, આવું ડેરડેવિલ સાહસ ખેડીને બચવામાં અમુક લોકો સાચે જ સફળ પણ થયા હતા, પણ આગમાં સપડાયેલા બધાં જ એટલા નસીબદાર નહોતા. ૪૦ લોકોએ મરણિયા બનીને બિલ્ડીંગમાંથી ભૂસ્કો મારી દીધો અને એ તમામ કાળનો કોળીયો બની ગયા.

આશ્ચર્યજનક બાબતે એ કે, આટલી ભીષણ આગ સવારે ૧૦:૩૦ કલાક બાદ ધીમેધીમે કરીને આપમેળે જ હોલવાઈ ગઈ, પણ ત્યાં સુધીમાં ૧૭૯ લોકો મોતનો ભોગ બની ચૂક્યા હતા. કોઈ બહુમાળી ઈમારત દુર્ઘટનામાં થયેલી એ ત્યાર સુધીની સૌથી મોટી જાનહાની હતી. આગ હોલવાયા બાદ જ ફાયર ફાઇટરો, મેડિકલ ટીમ અને પોલીસ ૧૧મા માળની ઉપર પહોંચી શક્યા. વારાફરતી દરેક માળનાં એકે-એક રૂમમાં બચાવદળનાં સભ્યોએ તપાસ કરી અને લોકોને બચાવ્યા. બચાવકાર્ય દરમ્યાન ૧૨મા માળે ખોટકાયેલી પેલી લિફ્ટ બચાવદળનાં સભ્યોના ધ્યાનમાં આવી. લિફ્ટનાં દરવાજાનું મેટલ આગની ભીષણ ગરમીને લીધે પીગળીને સજ્જડ જામ થઈ ગયું હતું. મહામહેનતે દરવાજો તોડવામાં આવ્યો ત્યારે અંદરનું જુગુપ્સાપ્રેરક દ્રશ્ય જોઈને બધા ચોંકી ગયા. ખૂબ જ ખરાબ રીતે બળી ગયેલા માનવદેહનો ઢગલો અંદર પડ્યો હતો. લિફ્ટની અંદર તાપમાન એટલું બધું વધી ગયું હતું કે મૃતદેહો લિફ્ટની ફ્લૉર અને દિવાલો પર રીતસર ચોંટી ગયા હતા. કેટલીક લાશો એકબીજા સાથે પણ ચોંટી ગઈ હતી અને તે પણ એ હદે કે બચાવદળનાં સભ્યોને મૃતદેહોની કુલ સંખ્યા ૧૩ હતી એ ગણતા પણ ખાસ્સી વાર લાગી હતી.

દુર્ઘટના કેમ ઘટી?

જોએલ્મા બિલ્ડીંગમાં દુર્ઘટના ઘટી એનું કારણ એ હતું કે, બિલ્ડીંગની સલામતી વ્યવસ્થા સાથે ભારે સમાધાન કરવામાં આવ્યું હતું. બલ્કે એમ કહો કે, બિલ્ડીંગમાં સલામતી વ્યવસ્થા જેવું કશું હતું જ નહિ. એ.સી. યુનિટમાં ઓવરહિટીંગ થતા આગ લાગી હતી કેમ કે, ખૂબ જરૂરી એવું સર્કિટ બ્રેકીંગ એ.સી.ને આપવામાં આવ્યું જ નહોતું. આટલા ઊંચા બિલ્ડીંગમાં આવવા-જવા માટે ફક્ત એક જ દાદર હતો અને બીજી કોઈ ઇમર્જન્સી ઍક્ઝિટ પણ નહોતી. આગ લાગે તો પાણીનો છંટકાવ શરૂ કરી દે એવા ‘ફાયર સ્પ્રીંક્લર્સ’ પણ લગાવવામાં આવ્યા નહોતા. ફાયર અલાર્મ અને ઇમર્જન્સી લાઇટ્સ જેવી બેસિક જરૂરિયાતોનો પણ અભાવ હતો. સલામતી વ્યવસ્થામાં આટલી હદની બેદરકારી ન રાખવામાં આવી હોત તો કદાચ આવી ભયંકર દુર્ઘટના બની જ ન હોત અને જો બની પણ હોત તો જાન-માલનું નુકશાન ઓછું થયું હોત.

વણઉકેલ્યા રહસ્યમય પ્રશ્નો:

દુર્ઘટનાને લગતા કેટલાક પ્રશ્નો હતા જેના જવાબ કદી મળી શક્યા નથી. આગ લાગી તે સમયે જોએલ્મા બિલ્ડીંગમાં ૭૫૦થી વધારે માણસો હતા અને એ પૈકી કોઈએ પણ એ ૧૩ રહસ્યમય લાશો પર પોતાનો દાવો કર્યો નહોતો. ડેડબૉડી પરથી મળેલા ઘરેણા અને કાંડા-ઘડિયાળ જેવી વસ્તુઓથી પણ મૃતકોની ઓળખ શક્ય બની નહોતી. એ લાશો ખરેખર કોની હતી એ આજ સુધી જાણી શકાયુ નથી. તમામ અનામી મૃતદેહોને સેઇન્ટ પીટર્સ સ્મશાનમાં દફનાવી દેવામાં આવ્યા હતા. એ ૧૩ ભેદી મૃતકો વિશે મીડિઆમાં ભારે ચર્ચાઓ ચાલી હતી અને જોએલ્મા બિલ્ડીંગની એ હોનારત ‘મિસ્ટ્રિ ઑફ ધી થર્ટીન સૉલ્સ’ નામે જાણીતી બની હતી. બિલ્ડીંગના રહેવાસીઓના કહેવા મુજબ આગ હોનારતમાં લિફ્ટમાંથી જે ૧૩ લાશ મળી હતી એ કદી જીવીત ઇન્સાન હતા જ નહીં, એ ૧૩ આગની દુર્ઘટનામાં સળગીને મર્યા જ નહોતા, એ ૧૩ તો આગ લાગવા પહેલાં જ… અને કદાચ એ ૧૩ને લીધે જ આગ… પ્રશ્નો અનેક હતા, અને હંમેશ માટે અનુત્તર રહેવાના હતા.

અન્ય પ્રશ્ન એ પણ ખરો કે આગ ૧૨ થી લઈને ૧૫ માળ સુધી જ કેમ સિમિત રહી હતી. શા માટે આગ વધુ ઉપરનાં માળ પર ના ફેલાઈ? ધીમે ધીમે કરીને આગ આપોઆપ જ કેવી રીતે હોલવાઈ ગઈ એનો બુધ્ધીગમ્ય ખુલાસો પણ કોઈની પાસે નહોતો.

સાચી કહાની કે વાયકા?

જોએલ્મા બિલ્ડીંગની દુર્ઘટના બાદ એની પાછળની જે ઘટના પ્રકાશમાં આવી એ કંઈક આ પ્રકારની હતી. એ બિલ્ડીંગ જે સ્થળે બન્યું હતું તે સ્થળે અગાઉ એક રહેણાંક મકાન હતું. ઈ.સ. ૧૯૪૮નાં અરસામાં એ મકાનમાં પૉલ કેમ્પબેલ નામનો એક ૨૬ વર્ષીય કેમિસ્ટ પોતાની માતા અને બે અપરિણિત બહેનો સાથે રહેતો હતો. એક દિવસ પૉલે કોઈ અગમ્ય કારણસર પોતાની માતા અને બન્ને બહેનોની હત્યા કરી દીધી હતી. તેમની લાશોને ઘરનાં પાછળનાં કમ્પાઉન્ડમાં ફેંકીને તેણે પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. કેમ્પબેલ કુટુંબ પડોશીઓ સાથે ખાસ કોઈ વ્યવહાર નહોતું રાખતું એટલે આ સામુહિક હત્યાકાંડ પાછળનું ચોક્કસ કારણ તો કદી જાણી શકાયું નહિ, પરંતુ લોકો એવી વાતો કરતા હતા કે પૉલને એક યુવતી સાથે પ્રેમસંબંધ હતો અને તે એની સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો. પરંતુ તેની માતા અને બહેનો તેના લગ્નનાં વિરોધી હતા કેમ કે તેમને ડર હતો કે લગ્ન બાદ પૉલ તેની પત્ની સાથે અલગ ઘર વસાવી લેશે અને તેઓ નોંધારા થઈ જશે. આ વિષયમાં પૉલને તેની માતા અને બહેનો સાથે ઘણીવાર બોલાચાલી થઈ જતી. એક દિવસ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લઈ લીધું અને ગુસ્સામાં પૉલે એક પછી એક કરીને ત્રણે મહિલાઓને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

પૉલનાં ઘરનાં કમ્પાઉન્ડમાંથી લાશો ઉઠાવનારા કર્મચારીઓ પૈકી એક આદમી થોડા દિવસો બાદ કોઈ પણ દેખીતા કારણ વિના મૃત્યુ પામ્યો હતો અને ત્યારથી એ જગ્યા શ્રાપિત હોવાની વાતો થવા લાગી હતી.

જોએલ્મા બિલ્ડીંગમાં દેખાતા એ અજાણ્યા લોકો કોણ હતા?

થોડા વર્ષો પડતર રહ્યા બાદ કેમ્પબેલ કુટુંબના મકાનને તોડી પાડવામાં આવ્યું અને ત્યાં જોએલ્મા બિલ્ડીંગનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું. આ સ્થળે થયેલા હત્યાકાંડને લીધે સ્થાનિક લોકો તેને શરૂઆતથી જ શ્રાપિત માનતા હતા. જોએલ્મા બિલ્ડીંગને વપરાશ માટે ઈ.સ. ૧૯૭૨માં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને ત્યારથી જ તેમાં ચિત્રવિચિત્ર ઘટનાઓ બનવા લાગી હતી. જે લિફ્ટમાંથી પેલી ૧૩ લાશો મળી હતી એ લિફ્ટ કોઈ દેખીતા કારણ વિના વારંવાર ખોટકાઈ જતી હતી. જે ફ્લૅટ અને ઓફિસ વેચાયા વિના બંધ પડ્યા હતા તેની અંદરથી પણ ઘણીવાર માણસોનાં અવાજ સંભળાતા હતા. બિલ્ડીંગનાં રહીશો પૈકી કેટલાકે તો મધરાતનાં સમયે બિલ્ડીંગનાં પેસેજમાં અજાણ્યા લોકોને ફરતા પણ જોયા હતા. આગની હોનારત બાદ એ અજાણ્યા લોકો પેલા ૧૩ મૃતકો જ હોવાની વાતો ફેલાઈ હતી. લોકોને આવા અગોચર અનુભવો ફક્ત ૧૨મા અને ૧૫મા માળ વચ્ચે જ થતા હતા! આગ પણ એ ચાર માળ પર જ લાગી હતી અને એ ફક્ત સંજોગની વાત ન હોઈ શકે.

દુર્ઘટના બાદ શું બન્યું?

આગ દુર્ઘટના બાદ ૪ વર્ષો સુધી જોએલ્મા બિલ્ડીંગ બંધ રહ્યું હતું. એ પછી તેનું રીપેરીંગ અને રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને “ફલૅગ સ્ક્વૅર”ના નવા નામે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. સદભાગ્યે, ત્યારથી લઈને આજ સુધી એ બિલ્ડીંગમાં બીજી કોઈ મોટી દુર્ઘટના નથી બની. આજે એ બિલ્ડીંગ પ્રવૃત્તિઓથી, જનસામાન્યના આવાગમનથી ધમધમે છે, પરંતુ લોકો હજુ પણ કહે છે કે, એ બિલ્ડીંગ જે જમીન પર ઊભું છે એ જમીન શ્રાપિત છે.

Article : 5. ભૂતિયા બળાત્કારનો આતંક

અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના કલ્વર શહેરમાં બનેલી આ સત્યઘટના કઠણ કાળજાના કોઈ પણ માણસને ધ્રુજાવી દે એવી ખોફનાક છે. ઈ.સ. ૧૯૭૪ના વર્ષમાં ડોરિસ બિધર નામની મહિલા તેનાં ત્રણ પુત્રો અને એક પુત્રી સાથે કલ્વર શહેરમાં રહેતી હતી. તેના પુત્રો અનુક્રમે સોળ, તેર અને દસ વર્ષની વયના હતા, જ્યારે પુત્રી છ વર્ષની હતી. પાતળા બાંધાની, ત્રીસીમાં વિહરતી ડોરિસે પોતાના પતિથી છૂટાછેડા લીધા હતા અને ઘર ચલાવવા માટે તે એક સ્થાનિક કંપનીમાં સામાન્ય નોકરી કરતી હતી. ઘરની પરિસ્થિતિ આર્થિક દૃષ્ટિએ બહુ સારી ન હોવાથી ડોરિસ હંમેશાં ટેન્શનમાં રહેતી હતી. આર્થિક વિડંબણાઓના ટેન્શનથી મુક્ત થવા માટે તેને શરાબ પીવાની આદત પડી ગઈ હતી. તેના સૌથી મોટા પુત્ર ટોમ સાથે ડોરિસને ભારે અણબનાવ રહેતો. બાળકોને જરૂરતની ચીજો પૂરી પાડવામાં અક્ષમ માતાને ટોમ સખત નાપસંદ કરતો હતો. ડોરિસે એકથી વધુ વાર ટોમ સાથે વાતચીત કરીને તેમનો સંબંધ સુધારવાની કોશિશ કરી જોઈ હતી, પરંતુ એ પ્રયાસો ફોગટ નીવડ્યા હતા. ટોમની મોંઘી ફરમાઈશો ડોરિસ પૂરી કરી શકતી નહીં અને એ વાતને મોટો મુદ્દો બનાવી દીકરો મા સાથે સતત ઝઘડતો રહેતો. ઘણી વાર તો જરૂરત ન હોવા છતાં ફક્ત માતાને નીચી દેખાડવા માટે જ તે જાતજાતની માગણી કરતો. બંને વચ્ચે સર્જાતા ખટરાગને પરિણામે ઘરમાં સતત નકારાત્મક વાતાવરણ રહેતું. મોટાને પગલે બીજા બે દીકરાઓ પણ માતા વિશે ખરાબ વિચારો ધરાવતા થઈ ગયા હતા. એકમાત્ર દીકરી સાથે જ ડોરિસ પ્રેમપૂર્વક વાતો કરી શકતી હતી. આવી પરિસ્થિતિમાં એક રાતે ન બનવાનું બની ગયું.

ઘરનું કામકાજ પતાવીને ડોરિસ એક રાતે તેના રૂમમાં સૂવા માટે ગઈ ત્યારે તેનાં બાળકો પોતપોતાના રૂમમાં સૂઈ ગયાં હતાં. થાકેલી ડોરિસ નિદ્રામાં સરી પડે એ પહેલાં જ એના પર ‘કોઈકે’ હુમલો કર્યો અને તેને ઊંચકીને પલંગમાં ફેંકી દીધી. બહાવરી નજરે ડોરિસે ચારે બાજુ જોયું તો તેને કોઈ દેખાયું નહીં. તેના ઉપર હુમલો કરનાર કોઈ અદૃશ્ય શક્તિ હતી. એ અદૃશ્ય શક્તિએ ડોરિસને બળજબરીપૂર્વક બિસ્તર પર જકડી લીધી, તેનું મોં દબાવી દીધું અને પછી તેના પર ક્રૂરતાપૂર્વક બળાત્કાર કર્યો. ગેબી શક્તિ દ્વારા થયેલા જાતિય હુમલાથી હતપ્રભ બનેલી ડોરિસ સખત આઘાત પામી ગઈ.

સવારે ડોરિસે ટોમને રાતના બનાવ વિશે વાત કરી તો ટોમે તેની વાત પર વિશ્વાસ જ ન કર્યો. તેને લાગ્યું કે ડોરિસે કોઈ સપનું જોયું હશે અથવા તો દારૂના નશામાં તેને એવા કોઈ હુમલાનો ભાસ થયો હશે. માતાની વાતને લવારા ગણીને ચિડાયેલા ટોમે તેને દારૂ પીવાનું બંધ કરવાની સલાહ પણ આપી દીધી. પણ ડોરિસ જાણતી હતી કે તેણે આગલી રાતે દારૂ નહોતો જ પીધો અને તેને કોઈ ડરામણું સપનું પણ નહોતું આવ્યું. પણ તેની વાત માને કોણ! બીજી રાત તેણે જાગતા રહીને વિતાવી. પેલા અદૃશ્ય શેતાનના ભયે તે આખી રાત ફફડતી બેસી રહી. એ રાતે કોઈ અણગમતી ઘટના ન બની.

થોડા દિવસો શાંતિથી વીત્યા બાદ એક રાતે ફરી વાર પેલી ઘટનાનું પુનરાવર્તન થયું. અદૃશ્ય પિશાચે ફરી એક વાર ડોરિસ પર ક્રૂરતાપૂર્વક બળાત્કાર કર્યો. ડોરિસના શરીરે અનેક ઉઝરડા પડ્યા. એ પ્રેત પોતાના અદૃશ્ય હાથ વડે ડોરિસનું મોં દબાવી દેતું હોવાથી ડોરિસ મદદ માટે પોકાર કરી શકતી નહોતી. આ વખતે તો તેને પાકી ખાતરી થઈ ગઈ કે તેના ઘરમાં ચોક્કસ કોઈક ભૂતિયા તત્વ હતું. ડોરિસે પોતાના ફેમિલી ડૉક્ટરને આ બાબતમાં જણાવ્યું તો ડૉક્ટરને પણ તેની વાત પર વિશ્વાસ ન બેઠો. સ્વાભાવિક છે કે ના બેસે. ડોરિસની તકલીફ મનોવૈજ્ઞાનિક છે એવો નિષ્કર્ષ કાઢી ડૉક્ટરે તેને કોઈ મનોચિકિત્સકને મળવાની સલાહ આપી. મનોચિકિત્સક પોતાને પાગલખાનામાં દાખલ કરી દેશે તો બાળકો રખડી જશે એવું વિચારી ડોરિસે મનોચિકિત્સકને મળવાનું ટાળ્યું.

એક રાતે ભૂતે ડોરિસ પર હુમલો કર્યો. ભૂત તેને બિસ્તરમાં પટકી તેનું મોં બંધ કરી દે એ પહેલાં જ ડોરિસે મદદ માટે બૂમરાણ મચાવી દીધી. તેની ચીસો સાંભળીને ટોમ તેને બચાવવા માટે દોડી ગયો. ભૂતે તેને ઊંચકીને બારીની બહાર ફેંકી દીધો. નિસહાય ડોરિસ ફરી એક વાર ભૂતિયા બળાત્કારનો શિકાર બની ગઈ. એ ભયાવહ ઘટનાના સાક્ષી બન્યા બાદ ટોમને માતા પ્રત્યે સહાનુભૂતિ જાગી. ભૂતના આતંકથી છૂટવા તેમણે કોઈ નક્કર પગલાં ભરવાનું વિચાર્યું. દરમિયાન આસપાસના વિસ્તારમાં ડોરિસ ઉપર થતા ભૂતિયા બળાત્કાર ચર્ચાનો વિષય બની ગયા હતા.

ડોરિસની વાત ઉડતી ઉડતી ડૉ. બેરી ટાફ નામના અગોચર શક્તિઓના સંશોધક પાસે પહોંચી. ડૉ. બેરી એમના સહાયક કેરી ગેનોર સાથે એક દિવસ ડોરિસને મળવા જઈ પહોંચ્યા. ડોરિસના ઘરમાં થતી ભૂતાવળ વિશે તેમણે કોઈની પાસે સાંભળ્યું હતું એવું તેમણે કહ્યું ત્યારે ડોરિસે તેના વિશે થતી ચર્ચાઓને સમર્થન આપ્યું. કોઈ પણ સ્ત્રી પોતાના પર થયેલા બળાત્કાર વિશે તો જ વાતો કરે જો એવું કંઈ ખરેખર બન્યું હોય. એટલે ડોરિસ જે કંઈ કહેતી હતી એમાં કંઈક તો તથ્ય હોવું જ જોઈએ એવું ડૉ. બેરીને લાગ્યું. જોકે આ કિસ્સામાં શક્યતા એવી પણ હતી કે, ડોરિસ પાગલપણાનો શિકાર બની હોય. બની શકે કે તેને સ્કીઝોફ્રેનિયા નામનો માનસિક રોગ લાગુ પડી ગયો હોય. સ્કીઝોફ્રેનિયા એક એવો માનસિક રોગ છે જેમાં દર્દી અમસ્તો જ જાતજાતની અતાર્કિક કલ્પનાઓ કરીને ડરતો રહેતો હોય છે. બીજી શક્યતા એ હતી કે ડોરિસ શરાબના નશામાં કાલ્પનિક હુમલાઓની ધારણા કરી લેતી હતી. સત્ય જે હોય તે, પરંતુ તે જુઠ્ઠું તો નહોતી જ બોલી રહી એનો ડૉ. બેરીને વિશ્વાસ હતો. તેમણે આ કેસમાં સૌપ્રથમ વૈજ્ઞાનિક ઢબે તપાસ શરૂ કરી. જો વૈજ્ઞાનિક રીતે ડોરિસના ઘરમાં ભૂત હોવાની કોઈ સાબિતી ન મળે તો પછી તેની મનોવૈજ્ઞાનિક સારવાર કરાવવાનો જ રસ્તો બચે એમ હતો.

ડોરિસના બેડરૂમમાં હાઈસ્પીડ કેમેરા અને ઈ.એમ.એફ. ઉપકરણો ગોઠવવામાં આવ્યાં. (ઈ.એમ.એફ. એટલે ‘ઇલેક્ટ્રો મેગ્નેટિક ફિલ્ડ’. ઈ.એમ.એફ. ઉપકરણ એટલે એવું ઇલેક્ટ્રોનિક સાધન જે વાતાવરણમાં થતા એકાએક પલટાને નોંધી આપે છે. પશ્ચિમી દેશોમાં ભૂત-પ્રેતની હાજરી પારખવા માટે આવા સાધનોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. સાદી ભાષામાં આપણે એને ‘ભૂત-ભગાઓ યંત્ર’ કહી શકીએ.) એ રાતે ડૉ. બેરી પોતાના ત્રણ સહાયકો સાથે ડોરિસના રૂમમાં તેની સાથે ભૂતના આગમનની રાહ જોતા બેઠા રહ્યા. થોડી જ વારમાં રૂમની અંદરના તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો અને પછી અચાનક પ્રકાશના ઝબકારા થવા લાગ્યા. આશ્ચર્યની વાત એ હતી કે પ્રકાશ ઉત્પન્ન કરે એવો કોઈ સ્ત્રોત એ સમયે એ રૂમમાં નહોતો. એ રાતે ભૂતે ડોરિસ પર હુમલો તો ન કર્યો, પરંતુ પોતાની હાજરી જરૂર નોંધાવી.

ડૉ. બેરીએ આ જ પ્રયોગો વારંવાર દોહરાવ્યા અને દર વખતે પરિણામ એક સમાન જ મળ્યું. એક-બે વાર તો ધુમ્મસના ગોટા પણ રૂમના ખૂણામાં દેખાયા. સ્પષ્ટ વાત હતી કે, એ ભૂત હોવાની સાબિતી હતી. બીજાની હાજરીમાં ભૂત ડોરિસ પર હુમલો નહોતું કરતું, પરંતુ દરરોજ રાતે ડોરિસના રૂમમાં અદૃશ્યરૂપે પ્રગટ થવાનું તેણે ચાલુ રાખ્યું.

ઘરને ભૂતની ચૂંગાલમાંથી છોડાવવા માટે ડોરિસે તંત્રવિદ્યાના જાણકાર પાસે પણ મદદ મેળવી, પરંતુ એ ઉપાય પણ ફોગટ રહ્યો. છેવટે ડોરિસે ઘર બદલી નાખવાનું નક્કી કર્યું, કેમ કે એને લાગ્યું કે એ ભૂતની ચુંગાલમાંથી બચવા માટેનો એ જ આખરી અને એકમાત્ર ઉપાય હતો. તે પોતાનાં બાળકોને લઈને કાર્સન શહેર જતી રહી. નવાઈની વાત એ કે પેલું ભૂત પણ એનો પીછો કરતાં કરતાં તેના નવા ઘરમાં આવી પહોંચ્યું. અહીં પણ ડોરિસ ભૂતિયા બળાત્કારનો ભોગ બનતી રહી. કંટાળેલી ડોરિસ કાર્સનથી સાન બર્નાડિનો અને ત્યાંથી પછી ટેક્સાસ જતી રહી, પણ પેલું પ્રેત સતત એનો પીછો કરતું રહ્યું. બળાત્કારનો સિલસિલો ચાલુ જ રહ્યો. વારંવાર ઘર અને શહેર બદલવા છતાં ડોરિસને એ પ્રેતથી છુટકારો ન મળ્યો તે ન જ મળ્યો. આ જ રીતે વર્ષો વીતી ગયાં. ડોરિસ ઉપર એ પ્રેતના હુમલા ચાલુ જ રહ્યા. થોડાં વર્ષો બાદ આપોઆપ જ તેના હુમલા બંધ થઈ ગયા. એ પ્રેત હંમેશ માટે ડોરિસને છોડી ગયું. તે પ્રેત કોનું હતું એ રહસ્ય હંમેશ માટે વણઉકેલ્યું રહસ્ય જ રહી ગયું.

ડોરિસ બિધરના જીવનમાં ઘટેલી આ ભયાવહ કહાની પરથી ફ્રેંક દ’ ફેલિટ્ટા નામના લેખકે ઈ.સ. ૧૯૭૮માં એક નવલકથા લખી હતી, જેને ભારે સફળતા મળી હતી. આ જ નવલકથા પરથી પાછળથી ‘ધ એન્ટિટી’ નામની એક ક્લાસિક હોરર ફિલ્મ બની હતી, જેમાં અભિનેત્રી બાર્બરા હર્શીએ ડોરિસની ભૂમિકા ભજવી હતી. ફિલ્મને ખૂબ લોકચાહના મળી હતી. હોરર ફિલ્મોના ઈતિહાસમાં આ ફિલ્મ એક કલ્ટ ફિલ્મ ગણાઈ છે. આ જ વિષય પરથી ગુડ્ડુ ધનોઆએ તબ્બુને મુખ્ય ભૂમિકામાં લઈને ‘હવા’ નામની અસહનિય અને તદ્દન વાહિયાત હિન્દી ફિલ્મ બનાવી હતી, જે સુપર ફ્લોપ નીવડી હતી. ડોરિસ બિધરની યાતનાના ફિલ્મી ચિતાર સમી ‘ધ એન્ટિટી’ જોવા જેવી ખરી.

Article : 6. રાત પડ્યે કબ્રસ્તાન બની જતો દરિયાકિનારોઃ ચાંગી બીચ

ચાંગી બીચ, સિંગાપોર. નમતી બપોરના સમયે લી ચાઉ નામનો એક યુવાન પુરુષ એકલો દરિયાકિનારે ફરી રહ્યો હતો. ઓટનો સમય હોવાથી દરિયાના પાણી દૂર હતાં અને ખાસ્સો સમુદ્ર પટ ખુલ્લો પડ્યો હતો. ચાલતાં ચાલતાં ચાઉની નજરે માટીનાં બે કૂંડાં પડ્યાં, જે રેતીમાં અડધાં દટાયેલાં હતાં. નજીક જઈને તેણે એ કૂંડાં રેતીમાંથી બહાર કાઢ્યાં. કૂંડાની બનાવટ અને રંગો જોઈ તે ખુશ થઈ ગયો. તેની સાસુને બાગકામનો શોખ હોવાથી તેમને એ કૂંડાં કામ લાગશે એમ વિચારી ચાઉએ એ કૂંડાં ઉઠાવી લીધાં. કૂંડાં પર ચોંટેલી રેતીને ધોઈ નાખવા માટે તે નજીકમાં આવેલા જાહેર શૌચાલય તરફ ગયો. શૌચાલયની બહાર રહેલા નળ પાસે તે પેલાં કૂંડાં ધોઈ રહ્યો હતો ત્યાં જ શૌચાલયની સફાઈ કરી રહેલા વૃદ્ધ કામદારે તેને ટોક્યો. તેણે પૂછ્યું, ‘આ કૂંડાં તું ક્યાંથી લાવ્યો?’

‘આ મને દરિયા કિનારે રેતીમાંથી મળ્યાં. હું તેને ઘરે લઈ જાઉં છું,’ ચાંગે સ્વાભાવિકપણે જવાબ આપ્યો.

‘તને ખબર પણ છે કે, આ કૂંડા શું છે? અને શેને માટે વપરાય છે?’ વૃદ્ધે કંઈક અસ્વસ્થતાપૂર્વક પૂછ્યું.

‘ના. કેમ?’

‘આ કૂંડાં તું જ્યાંથી લાવ્યો છે ત્યાં જ પાછાં મૂકી આવ,’ વૃદ્ધે ચેતવણીસૂચક અવાજમાં કહ્યું. ‘આ પ્રકારનાં કૂંડાં સમાજનો એક વર્ગ મૃતદેહની અંતિમવિધિ વખતે વાપરે છે. તેમને ઉપયોગમાં લેવા એટલે સમજો કે મુસીબત નોતરવી!’

વૃદ્ધની વાત સાંભળી ચાઉ શરમિંદો બની ગયો. તેણે ભૂલ કરી હતી એનું ભાન થતાં તે તરત જ પેલાં કૂંડાં તેના યથાસ્થાને મૂકવા ગયો, પરંતુ પાછાં મૂકતી વખતે તેના હાથમાંથી એક કૂંડું અકસ્માતે પડી ગયું અને તૂટી ગયું. કંઈક અપશુકન થવાની બીકે ગભરાયેલા ચાઉએ સલામત રહેલાં કૂંડાં સાથે પેલાં તૂટેલાં કૂંડાંના ટુકડા જેમ તેમ ગોઠવી દીધા અને પછી ઘરે જતો રહ્યો.

એ રાતે ત્રણ વાગ્યે ચાઉની પત્ની મેગીને પાણીની તરસ લાગતાં તેની આંખો ખૂલી ગઈ. તે પલંગ પર બેઠી થઈ ત્યારે તેણે જે જોયું એનાથી તે ચીસ પાડી ઊઠી. તેમના ડબલ બેડ પર, ચાઉ જે તરફ સૂતો હતો તે તરફ એક વૃદ્ધ સ્ત્રી બેઠી હતી. તેણે ચળકતો સફેદ ગાઉન પહેર્યો હતો. તેના વાળ ખુલ્લા હતા. તેની કરચલીવાળી ચામડી સફેદ પડી ગઈ હતી. એ એક પ્રેત હતું! ચાઉના પગ પાસે બેઠેલું એ પ્રેત ખુન્નસભરી નજરે ચાઉને જ તાકી રહ્યું હતું.

મેગીની ચીસ સાંભળી ચાઉ સફાળો બેઠો થઈ ગયો. તેણે જોયું કે મેગી પરસેવે રેબઝેબ થઈ ગઈ હતી અને ડરની મારી ધ્રૂજી રહી હતી. પેલું પ્રેત ત્યાં સુધીમાં ગાયબ થઈ ચૂક્યું હતું. આઘાતને લીધે મેગી પોતાની બોલવાની શક્તિ ખોઈ બેઠી અને બીમાર પડી ગઈ. તેને અનેક ડૉક્ટરોને બતાવવામાં આવી, પરંતુ કોઈ પણ ડૉક્ટર તેની બીમારીનો ઈલાજ કરી શક્યો નહીં, કેમકે કોઈને તેની બીમારીનું કારણ જ ખબર નહોતી. મેગીની વિચારવાની શક્તિ જ જાણે કે ખતમ થઈ ચૂકી હતી. ઘણાં અઠવાડિયાં સુધી તે બીમાર રહી. આખરે તેની માતા સુ-ની ધીરજ ખૂટી ગઈ. તે મેગીને એક તાંત્રિક પાસે લઈ ગઈ. તાંત્રિકે પોતાની દિવ્ય શક્તિથી જોઈ લીધું કે, દિવસો અગાઉ ચાઉએ ચાંગી બીચ પરથી જે બે કૂંડાં ઉઠાવી લીધાં હતાં એ કૂંડાંમાં એક દંપતીની આત્માઓ રહેતી હતી. બે પૈકી એક કૂંડું ભાંગી જતાં તેમાં રહેતી વૃદ્ધ સ્ત્રીનો આત્મા બેઘર થઈ ગયો હતો. ચાઉને તેની ભૂલ બદલ પાઠ ભણાવવા તે સ્ત્રીનું પ્રેત ચાઉની પાછળ પાછળ તેના ઘર સુધી આવી પહોંચ્યું હતું. ચાઉ પહેલાં મેગીએ એ પ્રેતને જોઈ લીધું હતું, જેનાથી તે બીમાર પડી ગઈ હતી. ચાઉને તો કલ્પના પણ નહોતી કે આવું કંઈક હકીકતમાં બની શકે. તાંત્રિક પાસે તેણે પેલા કૂંડાંવાળી ઘટના બની હોવાનું સ્વીકાર્યું. તાંત્રિકે આપેલા મંત્રેલા પાણીના સેવનથી થોડા દિવસોમાં મેગી સાજી થઈ ગઈ. તાંત્રિકે ચાઉને સલાહ આપી કે અવાવરું અને વેરાન જગ્યાએ પડેલ અરીસા, જૂના ફર્નિચર, કૂંડાં, કપડાં, રમકડાં કે છત્રી જેવી નધણિયાતી વસ્તુઓ કદી ઘરે લાવવી નહીં. આવી વસ્તુઓ સાથે ઘણી વાર ‘વણનોતર્યા મહેમાનો’ પણ ઘરે આવી ચડતા હોય છે.

સિંગાપોરના ચાંગી બીચ પર આવા તો અનેક બનાવો બનતા રહ્યા છે. અહીં થતી ભૂતાવળનાં મૂળિયાં છેક બીજા વિશ્વયુદ્ધ સુધી લંબાય છે. બીજું વિશ્વયુદ્ધ ઈ.સ. ૧૯૩૯થી ઈ.સ. ૧૯૪૫ દરમિયાન લડાયું હતું. એ સમયે સિંગાપોરમાં બ્રિટિશરાજ હતું અને તે ‘પૂર્વના જિબ્રાલ્ટર’ તરીકે ઓળખાતું હતું. જર્મનીના પક્ષે રહીને લડતા જાપાને ફેબ્રુઆરી ૧૯૪૨માં સિંગાપોર પર સશસ્ત્ર હુમલો કરીને ફક્ત સાત જ દિવસમાં બ્રિટિશરોને પરાસ્ત કરી સિંગાપોરને પોતાના તાબામાં લઈ લીધું હતું. જાપાન સામે લડનારા ૮૦૦૦૦થી વધુ બ્રિટિશ, ભારતીય અને ઓસ્ટ્રેલિયન સૈનિકોને યુદ્ધકેદી બનાવવામાં આવ્યા હતા. આ યુદ્ધકેદીઓ પર ઝડપી ખટલા ચલાવવામાં આવતા અને મૃત્યુદંડની સજા પામેલા સૈનિકોને સજા આપવા માટે જે સ્થળ પસંદ કરવામાં આવ્યું હતું તે હતું ચાંગી બીચ. રેતીમાં સિપાહીઓને લાઈનબંધ ઊભા રાખી તેમને ગોળી મારી દેવામાં આવતી અને પછી ત્યાં જ તેમની સામૂહિક અંત્યેષ્ટિ કરી દેવામાં આવતી. ઘણી વાર મૃત્યુદંડ આપતાં પહેલાં યુદ્ધકેદીઓને બીચ પર જ શારીરિક યાતનાઓ આપવામાં આવતી. ક્રૂર જાપાની સૈનિકો યુદ્ધકેદીઓને ટોર્ચર કરવામાં કોઈ કસર છોડતા નહીં. યુદ્ધ દરમિયાન જે સ્થાનિક લોકોએ બ્રિટિશ સેનાને કોઈ પણ રીતે જાપાન વિરુદ્ધ મદદ કરી હતી એ લોકોને પણ જાપાની સૈન્ય મોતની સજા આપતું હતું. આવા ‘એન્ટિ-જાપાનીઝ’ લોકોને પકડવા તેમણે આખા સિંગાપોરમાં ‘સ્ક્રીનિંગ સેન્ટર’ નામે ઓળખાતા યુનિટ ઊભા કર્યા હતા. પકડાયેલા એન્ટિ-જાપાનીઝ લોકોને ચાંગી બીચ પર જ મોતનું ઈનામ આપવામાં આવતું. આ પ્રક્રિયામાં કાચું પણ કપાતું અને એનો ભોગ નિર્દોષ સિંગાપોરવાસીઓ બનતા.

સ્થાનિક લોકોમાં જાપાની સૈનિકોના જુલમો સામે છૂપો રોષ જાગી રહ્યો હતો, પરંતુ તેઓ સશસ્ત્ર જાપાનીઓનો ખુલ્લેઆમ સામનો કરી શકે એમ નહોતા, એટલે જાપાનીઓના હાથે મરાયેલા નિર્દોષ યુવાનોના પરિવારજનોએ જાપાની સૈનિકોને સબક શિખવાડવા એક કારસો ઘડી કાઢ્યો. ચાંગી બીચની નજીક જ આવેલી એક સાંકડી નદી પર લાકડાનો એક પુલ બનેલો હતો. દરરોજ સાંજે જાપાની સૈનિકોની એક વિશાળ ટુકડી એ પુલ પરથી પસાર થતી. બદલો લેવા માટે તૈયાર સ્થાનિક રહેવાસીઓએ એ પુલને બૉમ્બ વડે ફૂંકી મારવાનો પ્લાન ઘડ્યો. માછીમારના વેશમાં તેઓ બે-ત્રણ નાનકડી હોડીઓમાં બેસી એ પુલ નીચે જઈ પહોંચ્યા. ઢળતી સાંજનો ફાયદો ઉઠાવી, પુલના પડછાયામાં છુપાઈને તેઓ પુલના પાયામાં દારૂગોળો ગોઠવવા લાગ્યા. જાપાની સૈન્ય પુલ પરથી પસાર થતું હોય ત્યારે જ દારૂગોળાને પલીતો ચાંપી પુલને ઉડાવી દેવાની તેમની ગણતરી હતી. આસપાસ ઝાડ-જંગલ હોવાથી દૂરથી આવતા જાપાની સૈનિકોને તેઓ જોઈ શકે એમ નહોતા, પણ તેમનાં લશ્કરી વાહનોનાં એન્જિનોની ઘરેરાટી તેઓ સાંભળી શકે એમ હતા. તેમના બદનસીબે એ જ દિવસે કેટલાક જાપાની સૈનિકો સાઈકલ પર સવાર થઈને પુલ તરફ આવી પહોંચ્યા. પુલ નીચે બૉમ્બ લગાવી રહેલા સ્થાનિકો ચેતી જાય તે પહેલાં સૈનિકોએ એમને જોઈ લીધા. સૈનિકોએ બંદૂકને નાળચે તમામ બળવાખોરોને ઝડપી લીધા. બીજા સૈનિકોને અને કમાન્ડરને ત્યાં બોલાવવામાં આવ્યા અને ગુનેગારોને ‘ઑન ધી સ્પોટ’ સજા સંભળાવવામાં આવી. કાવતરાખોર તમામ સ્ત્રી-પુરુષોના હાથ પીઠ પાછળ બાંધી તેમને પુલની ધાર પર હરોળબંધ ઊભાં રાખવામાં આવ્યાં. કમાન્ડરે ત્યાર બાદ પોતાની સમુરાઈ તલવાર વડે એક પછી એક કરીને તમામ લોકોનાં માથાં વાઢી નાખ્યાં. નિ:સહાય માણસોની તરફડિયાં મારતી લાશો એક પછી એક કરીને નદીમાં ખાબકી. તેમના લોહીથી નદી રક્તરંજિત થઈ ગઈ, એ દૃશ્ય અત્યંત જુગુપ્સાપ્રેરક હતું.

ઈ.સ. ૧૯૪૫માં અમેરિકાએ જાપાનના બે શહેરો હિરોશિમા અને નાગાસાકી પર અણુબૉમ્બ વરસાવી એકી ઝાટકે વિશ્વયુદ્ધનો અંત આણી દીધો હતો. જાપાન-જર્મની બરબાદ થઈ ગયાં હતાં. સિંગાપોરમાં બેલગામ કત્લેઆમ ચલાવનાર તમામ જાપાની અફસરો અને અનેક સૈનિકોને એ જ ચાંગી બીચ પર બંદૂકની ગોળીએ વીંધી નાખવામાં આવ્યા. બહુ થોડા સમયમાં ચાંગી બીચ અનેક સામૂહિક હત્યાકાંડનો સાક્ષી બની ગયો અને પછી ત્યાં ભૂતાવળ દેખાવાનો સિલસિલો શરૂ થયો. કમોતે મરેલા સેંકડો લોકોના ભૂત અહીં દાયકાઓથી દેખાતા આવ્યાં છે. રાતના સમયે અહીંથી પસાર થનારા લોકોને રડારોળ અને દર્દનાક ચિત્કારો સંભળાય છે. ઘણી જગ્યાએ રેતીમાં લોહીનાં ખાબોચિયાં ભરેલાં દેખાય છે. ક્યારેક કપાયેલાં માનવઅંગો પણ અહીં-તહીં વેરાયેલાં પડેલાં દેખાય છે. કેટલાક લોકોએ ઘવાયેલા શરીર સાથે રખડતા પ્રેત જોવાના પણ દાવા કર્યા છે. જોકે આ પ્રેતાત્માઓ ભાગ્યે જ કદી કોઈને નુકસાન પહોંચાડે છે.

ચાંગી બીચ નજીકના લક્કડિયા પુલ પર ત્યાં મરાયેલા લોકોના ભૂત ભટકતાં હોવાના એકથી વધુ દાખલા મળ્યા છે. એ કાળમુખા દિવસે સાઈકલ પર આવેલા જાપાની સૈનિકોને લીધે જ તેમને મોત મળ્યું હોવાથી તેમને સાઈકલસવારો પર નફરત થઈ ગઈ હતી. પુલ પર થતાં ભૂતો પુલ પરથી પસાર થતા સાઈકલસવારોને જ રંજાડે છે. અહીંથી સાઈકલ પર જનારને ધક્કો મારીને કે વિરુદ્ધ દિશામાં ખેંચીને પાડી નાખવામાં આવે છે. કેટલાક સાઈકલસવારોને તો પુલ પરથી સીધા નીચે નદીમાં ધકેલી દેવાયા હોય એવા બનાવો પણ બન્યા છે.

દિવસ દરમિયાન ટૂરિસ્ટોથી ધમધમતા ચાંગી બીચ પર રાત થતાં જ સન્નાટો છવાઈ જાય છે અને કોઈ અગોચર દુનિયાની ભૂતાવળો આ સ્થળનો કબજો લઈ લે છે.

Article : 7. પાપી ગુડિયાના ખોફનાક કારસ્તાન

અમેરિકામાં ૧૯૭૦ના દાયકામાં બનેલી આ એક સત્યઘટના છે. ડોના નામની એક યુવતી પોતાનું ગ્રેજ્યુએશન પતાવી નર્સિંગની તાલીમ લઈ રહી હતી. એન્જી નામની એક અન્ય યુવતી સાથે તે પોતાના ઘરથી દૂર એક એપાર્ટમેન્ટ ભાડે રાખીને રહેતી હતી. એન્જી પણ નર્સ બનવાની તાલીમ લઈ રહી હતી. ડોનાની વર્ષગાંઠ પર તેને તેની મમ્મીએ એક ભેટ મોકલાવી હતી જે એક જૂનીપુરાણી ઢીંગલી હતી. અમેરિકામાં હોબી સ્ટોર તરીકે ઓળખાતી દુકાનો આવેલી હોય છે જ્યાં સેકન્ડ હેન્ડ ચીજો સસ્તામાં મળી જતી હોય છે. આવા જ કોઈ હોબી સ્ટોરમાંથી ડોનાની મમ્મીએ ડોના માટે એ ઢીંગલી ખરીદી હતી. કાપડની બનેલી એ ઢીંગલી દેખાવે સુંદર હોવાથી ડોનાને પહેલી જ નજરે ગમી ગઈ. તેણે એ રૂપકડી ઢીંગલીને પોતાના બેડરૂમમાં એક જગ્યાએ ગોઠવી દીધી. દેખાવે તદ્દન નિર્દોષ જણાતી એ ઢીંગલી વાસ્તવમાં એટલી નિર્દોષ નહોતી. એનામાં એવું કંઈક વિશિષ્ટ તત્વ હતું જે એ સમયે ડોના અને એન્જીના ધ્યાન બહાર રહી ગયું હતું.

થોડા જ દિવસોમાં ડોના અને એન્જીને એવું લાગવા માંડયું કે ઢીંગલી પોતાની જાતે હલનચલન કરતી હતી. ડોના તેને પોતાના પલંગ પર મૂકીને સવારે કોલેજ જતી રહેતી, પણ બપોર પછી તે જ્યારે પાછી ફરતી ત્યારે ઢીંગલી સોફા પર કે રૂમના બીજા કોઈ ખૂણામાં મળી આવતી. ડોના અને એન્જીનું ઘરની બહાર જવું એક સાથે જ થતું એટલે એકની ગેરહાજરીમાં બીજી આવું પરાક્રમ કરતી હોય એ અશક્ય હતું. આ પ્રકારે ઢીંગલીનું સ્થાનફેર વારંવાર થતું હોવા છતાં બંને સહેલીઓ એ માનવા તૈયાર નહોતી કે કોઈ નિર્જીવ ઢીંગલી આપમેળે જ ચાલીને કે સરકીને સ્થળાંતર કરતી હોય.

ડોના અને એન્જીનો એક કોમન ફ્રેન્ડ હતો જેનું નામ લુ હતું. ચીની મૂળનો લુ તેમની સાથે જ ભણતો હતો અને અવારનવાર તેમના એપાર્ટમેન્ટમાં આવતો હતો. લુને એ ઢીંગલી જરાય નહોતી ગમતી. તેને સતત એ ઢીંગલી તરફ નકારાત્મક લાગણી થતી અને તેણે ડોના અને એન્જીને એ વિશે જણાવ્યું પણ હતું, પરંતુ છોકરીઓએ લુની વાત ગંભીરતાથી નહોતી લીધી. લુનું માનવું હતું કે, એ ઢીંગલીમાં કોઈ અશુભ તત્વ હતું જેના લીધે તેને એના પ્રત્યે નકારાત્મક લાગણીનો અનુભવ થતો હતો. આધુનિક મિજાજની ડોના અને એન્જી તેની વાત હસી કાઢી હતી, પરંતુ એક રાતે કંઈક એવું બની ગયું કે જે જોઈને ડોના અને એન્જીની એ ઢીંગલી વિશેની માન્યતાઓ સમૂળગી બદલાઈ ગઈ.

રેસ્ટોરાંમાં ડિનર લઈને બંને સહેલીઓ એક રાતે ઘરે આવી ત્યારે તેમણે જોયું કે, ઢીંગલીના બંને હાથ લોહીથી ખરડાયેલા હતા. એટલું જ નહીં, પરંતુ ઢીંગલીના પીઠના ભાગમાં એક છિદ્ર પડ્યું હતું અને તેમાંથી લોહી નીકળી રહ્યું હતું. એ નજારો જોઈને ડોના અને એન્જી છળી ઊઠી. કોઈ નિર્જિવ પદાર્થમાંથી લોહી વહી જ કઈ રીતે શકે?! સખ્ખત ડરી ગયેલી ડોના અને એન્જીએ તાત્કાલિક લુને બોલાવ્યો અને જે કંઈ બન્યું હતું એના વિશે એને વાત કરી. લુ પાસેય કોઈ સોલ્યુશન નહોતું. અડધી રાતે આ સમસ્યાનો કોઈ ઉપાય કરી શકાય એમ નહોતો એટલે ત્રણે આખી રાત ડરના માર્યા જાગતાં બેસી રહ્યાં.

સવાર પડતાં જ તેમણે એક સ્થાનિક ભૂવાનો સંપર્ક કર્યો. ભૂવાએ તેમના ઘરે આવી ઢીંગલીને કેન્દ્રસ્થાને રાખીને તાંત્રિક વિધિ કરી અને એક ભયાવહ રહસ્ય સામે આવ્યું. ડોના અને એન્જી જે એપાર્ટમેન્ટમા રહેતાં હતાં એ એપાર્ટમેન્ટ બન્યું તે અગાઉ એ સ્થળે એક ખુલ્લું વેરાન મેદાન હતું. એક દિવસ એ મેદાનમાં સાત વર્ષની ઉંમરની એનાબેલા હિગિન્સ નામની એક છોકરીનો મૃતદેહ મળી આવ્યો હતો. તેની પીઠમાં કોઈ તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ ઘા કરવામાં આવ્યો હતો. એનાબેલા કોણ હતી અને ક્યાંથી આવી હતી એની કોઈ માહિતી કોઈ વ્યક્તિ પાસે નહોતી. તાંત્રિકે પોતાની વિશિષ્ટ વિદ્યાથી એનાબેલાના પ્રેત સાથે સંપર્ક સાધ્યો જેના પરથી એટલું જ જાણવા મળ્યું કે, એનાબેલાની આત્મા વર્ષો સુધી એ વેરાન સ્થળે ભટકતી રહી હતી અને આવતાં-જતાં લોકોને રંજાડતી, ડરાવતી હતી. એનાબેલાના એરિયામાંથી એકલી પસાર થતી વ્યક્તિને માથે કદીક કોઈ ભારે પથ્થર આવીને અફળાતો, તો કોઈ વ્યક્તિના કપડાં અચાનક જ આગ પકડી લેતાં. ક્યારેક કોઈ વ્યક્તિ પોતાના ખભા પર ભયંકર વજનનો અનુભવ કરતી, તો કોઈકના હાથમાં રહેલી થેલી કે બેગ આંચકી લઈને જમીન પર ફેંકી દેવાતી. લોકોને ડરાવવામાં, પોતાના એરિયામાંથી ભગાડી દેવામાં એનાબેલાને મજા આવતી હતી. તાંત્રિકે જાહેર કર્યું કે, એ તમામ કારસ્તાન એનાબેલાની આત્મા જ કરતી હતી.

વર્ષો વીતતાં એનાબેલાના ઘર સમાન એ વેરાન વિસ્તારનો સોદો થઈ ગયો અને એ સ્થળે એક એપાર્ટમેન્ટ બની ગયું. એનાબેલાએ એ એપાર્ટમેન્ટને પોતાનું ઘર બનાવી લીધું. તેનું પ્રેત એપાર્ટમેન્ટમાં અહીં તહીં ભટકતું રહેતું. ડોનાની ઢીંગલી જોતાં જ તેને એ ગમી ગઈ હતી. એ નિર્જીવ ઢીંગલીમાં પ્રવેશીને તેણે જ ઢીંગલીના સ્થાનફેરમાં ભાગ ભજવ્યો હતો. એનાબેલાના પ્રેતે તેને ઢીંગલીમાં રહેવા દેવાની આજીજી કરી અને તેનું પ્રેત એક માસૂમ બાળકીનું જ હોવાથી તેને ઢીંગલીમાં રહેવા દેવાની રજા પણ આપી દેવાઈ! ડોના અને એન્જીના જીવનની આ અત્યંત ગંભીર ભૂલ હતી.

આમેય ઢીંગલીના દેખાવથી જેને ચીડ હતી એવો લુ તો ડોના અને એન્જીના આ નિર્ણયથી છળી ઊઠ્યો. તેણે બંને સહેલીઓને સમજાવવાની ખૂબ કોશિશ કરી કે તેઓ એ ઢીંગલીથી હંમેશ માટે છુટકારો મેળવી લે એમાં જ સૌની ભલાઈ હતી, પરંતુ ડોના અને એન્જીએ ફરી એક વાર લુની સલાહને અવગણી. ઢીંગલીની અંદર બેઠેલી એનાબેલા આ બધું જોઈ રહી હતી. તેને લુ પ્રત્યે ભારે અણગમો થવા લાગ્યો હતો.

બસ, એ જ દિવસથી લુને ડરામણાં સપના આવવા લાગ્યાં. સપનામાં તેને એ ઢીંગલી દેખાતી. ઢીંગલી લુના પગ પાસેથી થઈને ચાલતી ચાલતી તેની ગરદન સુધી પહોંચી જતી અને પછી તેનું ગળું ઘોંટી દેતી. સપનાને અંતે લુ ગભરાઈને જાગી જતો ત્યારે તેનો ચહેરો લાલઘૂમ થઈ ગયેલો રહેતો, જાણે કે કોઈકે ખરેખર તેનું ગળું ઘોંટીને તેને મારી નાખવાની કોશિશ ન કરી હોય! શરૂઆતમાં આંતરે દિવસે આવતું આ સપનું પછી તો દરરોજ લુની ઊંઘ હરામ કરવા લાગ્યું. એકનું એક સપનું દરરોજ આવવું એ બહુ જ અસામાન્ય બાબત હતી, એટલે લુને લાગ્યું કે, નક્કી એમાં એનાબેલાના ભૂતનો જ કોઈ હાથ હતો.

ડોનાની ગેરહાજરીમાં એક દિવસ લુ અને એન્જી ક્યાંક બહાર ફરવા જવાનો પ્લાન ઘડી રહ્યાં હતાં. બંને બેઠક રૂમમાં બેઠાં હતાં ત્યાં જ અચાનક તેમને ડોનાના બંધ કમરામાં કંઈક ઘસડાતું હોય એવો અવાજ સંભળાયો. ધડકતા હૃદયે લુ ડોનાના રૂમના દરવાજા નજીક પહોંચ્યો. ડરની મારી એન્જી તો પોતાની જગ્યાએ જ બેસી રહી. ડોનાના રૂમમાંથી આવતો અવાજ ચાલુ જ રહ્યો. ધડામ્ કરતો દરવાજો લુએ ખોલી નાખ્યો. એક ચીજ છોડીને કમરામાં તમામ ચીજો યથા સ્થાને હતી, અને એ ચીજ હતી પેલી ઢીંગલી. ડોનાના પલંગ પર હોવાને બદલે તે એક ખૂણામાં પડી હતી. લુ હિંમતભેર ઢીંગલી તરફ આગળ વધ્યો. ઢીંગલી નજીક જઈ નીચા ઝૂકીને તેણે ઢીંગલીની આંખોમાં જોયું. ઢીંગલીમાં કોઈ હલનચલન નહોતું. બે પળ-ચાર પળ વીતી ત્યાં જ લુને લાગ્યું કે કોઈ તેની પાછળ ઊભું હતું. ‘કદાચ એન્જી હશે’ એમ વિચારી તેણે પાછળ ફરીને જોયું તો ત્યાં કોઈ નહોતું. અચાનક જ તેને છાતીના ભાગે જોરદાર બળતરા થવા લાગી. શર્ટનાં બટન ખોલીને તેણે જોયું તો તેની છાતી પર કોઈકના નખનાં ઊંડાં નિશાન પડ્યાં હતાં અને ત્યાં ટશિયાં ફૂટી આવ્યાં હતા. તેને એ સમજતાં વાર ન લાગી કે એ કારસ્તાન એનાબેલાનું જ હતું.

લુ, ડોના અને એન્જીએ આ ઘટના બાદ સ્થાનિક પાદરીની મદદ માગી. ઢીંગલીને જોઈ-તપાસીને પાદરીએ પણ તે ભૂતિયા હોવાનું જાહેર કર્યું. તેણે તાત્કાલિક એડ લોરન અને તેની પત્નીને તેડાવ્યાં. કનેક્ટીકટ રાજ્યના મનરો શહેરમાં વસતું વોરન દંપતી ભૂતપ્રેતો વિશે વૈજ્ઞાનિક ઢબે સંશોધન કરવા માટે પંકાયેલું હતું. તેમણે પોતાના ઘરના પાછળના ભાગે ભૂતિયા ચીજોનું મ્યુઝિયમ બનાવ્યું હતું. એ મ્યુઝિયમમાં રાખવા માટે એનાબેલા ઢીંગલીને લઈ જવાનો પ્રસ્તાવ તેમણે ડોના અને એન્જી સામે મૂક્યો.

ભૂતિયા ઢીંગલીથી છુટકારો મેળવવા તત્પર ડોનાએ તરત જ તેમને એ ઢીંગલી સોંપી દીધી. ઘર સુધીની સફર દરમિયાન એનાબેલાનું પ્રેત કોઈ સમસ્યા ઊભી ન કરે એ માટે તેના ઉપર વિશેષ મંત્રો અને પવિત્ર પાણીના છંટકાવનો ઉપયોગ કરી તેને એક ડબ્બામાં બંધ કરી દેવામાં આવી.

ઘરે જઈને વૉરન દંપતીએ શરૂઆતમાં એનાબેલાને ખુલ્લામાં રાખી. અહીં પણ ઢીંગલીએ પોતાના સ્થાનફેરની પ્રવૃત્તિ ચાલુ રાખી. ક્યારેક તે કોઈ ખૂણામાં અન્ય ચીજવસ્તુઓની પાછળ છુપાઈ જતી, તો ક્યારેક તે મ્યુઝિયમની અન્ય ચીજોને નુકશાન પહોંચાડતી. રાતે સાજાસમા હોય એવા સિરામિકના વાઝ અને મોંઘા પેઇન્ટિંગ્સ સવારે નખરાટી કાઢવામાં આવ્યા હોય એવા લાગતા. રાત પડ્યે જીવંત થઈ ઉઠતી એનાબેલા જાણે કે મ્યુઝિયમની નિર્જિવ ચીજો પર પોતાનું રાજ ચલાવતી. કદાચ કોઈ જીવિત વ્યક્તિને નુકશાન પહોંચાડવાની તક ન મળતી હોવાથી તે પોતાનો ગુસ્સો અને હતાશા મ્યુઝિયમમાં રાખેલી ચીજો પર ઉતારતી હતી. છેવટે તેને એક લાકડાના શો-કેસમાં પૂરી, તાળું મારી, તેની ફરતે પવિત્ર દોરા બાંધી દેવામાં આવ્યા કે જેથી તે ત્યાંથી બીજે ક્યાંય ન જઈ શકે. અને આખરે થયું પણ એમ જ. એનાબેલાનું ભૂત એ ઢીંગલીમાં અને એ ઢીંગલી પેલા શો-કેસમાં હંમેશ માટે કેદ થઈ ગઈ.

વર્ષ ૨૦૧૩માં અમેરિકામાં રિલીઝ થયેલી અંગ્રેજી હોરર ફિલ્મ ‘ધ કન્જ્યુરિંગ’માં એક સબ પ્લોટ તરીકે એનાબેલા ઢીંગલીની વાત વણી લેવામાં આવી છે. સિનેમેટિક લિબર્ટીને નામે દિગ્દર્શક જેમ્સ વાને ફિલ્મમાં ઢીંગલીને વધુ ખોફનાક પ્રવૃત્તિઓ કરતી બતાવી છે. બૉક્સઓફિસ પર તરખાટ મચાવનારી આ અદ્‍ભુત ફિલ્મે એનાબેલાની કહાનીને વૈશ્વિક સ્તરે ખૂબ પ્રસિદ્ધિ અપાવી છે. વિશ્વની સૌથી વધુ ભૂતિયા ગણાતી અસલ ઢીંગલી આજની તારીખે પણ વૉરન દંપતીના મ્યુઝિયમમાં જોવા મળે છે.

Article : 8. ભૂતાવળનો સાક્ષાત્કાર કરાવતું હાઈગેટ કબ્રસ્તાન

કબ્રસ્તાન. આ શબ્દ સાંભળતા જ કોઈના પણ ચહેરા પર અણગમો આવી જતો હોય છે. કબ્રસ્તાન એક એવી જગ્યા છે જ્યાં જવાનું કોઈ પણ વ્યક્તિ કારણ વગર પસંદ કરતી નથી, પછી એ કોઈ પણ ધર્મ, જાતિ અને દેશની વ્યક્તિ કેમ ન હોય. કબ્રસ્તાન એટલે મોત. કબ્રસ્તાન એટલે માતમ. કબ્રસ્તાન એટલે ભૂત-પ્રેત.

દુનિયાભરમાં લાખો કબ્રસ્તાન આવેલાં છે, પરંતુ કોઈ કબ્રસ્તાન પ્રવાસીઓમાં લોકપ્રિય થયું હોય એવું ભાગ્યે જ બનતું હોય છે, કેમ કે કબ્રસ્તાન એ કોઈ ગમાડવાનું સ્થળ નથી જ. છતાં પણ અપવાદો બધે જ હોય છે એ નાતે દુનિયામાં એક એવું કબ્રસ્તાન પણ છે જેણે દુનિયાભરમાં ભારે કુતૂહલ સર્જ્યું છે અને આકર્ષણ પણ જમાવ્યું છે. એ કબ્રસ્તાન એટલે ઈંગ્લેન્ડનાં જગવિખ્યાત શહેર લંડનની ઉત્તરે આવેલું ‘હાઈગેટ કબ્રસ્તાન’.

હાઈગેટ કબ્રસ્તાનની રોયલ છાપ:

ઓગણીસમી સદીની મધ્યમાં લંડનમાં મૃતકોને દફનાવવા માટે તત્કાલીન કબ્રસ્તાનોની સંખ્યા ઓછી પડવા લાગી ત્યારે એક નવું અને વિશાળ કબ્રસ્તાન બનાવવાની જરૂરત ઊભી થઈ હતી. પરિણામે ઈંગ્લેન્ડનાં રજવાડાઓ દ્વારા હાઈગેટ કબ્રસ્તાનનું સર્જન કરવામાં આવ્યું હતું. કબ્રસ્તાનની વ્યવસ્થિતપણે ડિઝાઈન કરવામાં આવી હતી અને ડિઝાઈનર હતો જાણીતો આર્કિટેક્ટ સ્ટીફન ગિયરી. ઈ.સ. ૧૮૩૯માં ખુલ્લું મુકાયેલું અને આજે ૧૭૭ વર્ષો પછીય વપરાશમાં લેવાતું આ કબ્રસ્તાન લગભગ ૨૦ એકરમાં ફેલાયેલું છે. આકર્ષક ગોથિક શૈલીમાં બંધાયેલું કબ્રસ્તાન લીલીછમ વનરાજીથી ઘેરાયેલું છે. ઘેઘૂર વૃક્ષો, નાના-મોટા છોડવા અને જંગલી પુષ્પો કબ્રસ્તાનનું વાતાવરણ મનોહર બનાવે છે. વૃક્ષો અને છોડવાને આયોજનપૂર્વક રોપવામાં આવ્યા હતા, પરંતુ પાછળથી તેમને સ્વાભાવિકપણે જ વિકસવા દેવામાં આવ્યા હતા, કે જેથી કબ્રસ્તાનનું સમગ્ર વાતાવરણ નેચરલ લાગે. સસલા અને શિયાળ જેવા નાના પ્રાણીઓ તથા અનેક પ્રકારના પક્ષીઓ અહીં જોવા મળે છે. હકીકતમાં તો હાઈગેટ કબ્રસ્તાન સાત અલગ અલગ કબ્રસ્તાનોનો સમૂહ છે અને એ સાતેય કબ્રસ્તાન ‘ધ મેગ્નિફિસન્ટ સેવન’ નામે ઓળખાય છે. મૃતકની સામાજિક પ્રતિષ્ઠા અનુસાર તેને કોઈ ચોક્કસ કબ્રસ્તાનમાં દફનાવાય છે. કોને ક્યાં દફનાવવો એનો નિર્ણય કબ્રસ્તાનનો વહીવટ ચલાવનાર ટ્રસ્ટી મંડળ લે છે. બ્રિટનનાં શાહી પરિવાર, ઉચ્ચ ઉમરાવો અને વિશ્વવિખ્યાત સેલિબ્રિટીઓ માટે કબ્રસ્તાનનો એક વિસ્તાર અનામત રાખવામાં આવ્યો છે. મહાન તત્વચિંતક અને સમાજવાદી નેતા કાર્લ માર્ક્સ, સુપ્રસિદ્ધ નવલકથાકાર જ્યોર્જ ઈલિયટ અને નાટ્યકાર-લેખક ડગ્લાસ એડમ્સ જેવી જગમશહૂર હસ્તીઓને અહીં દફનાવવામાં આવી છે. દેશ માટે શહીદ થનારા અનેક સૈનિકોને પણ અહીં પૂરા રાજકીય સન્માન સાથે દફનાવવામાં આવ્યા છે. હાઈગેટ કબ્રસ્તાન રાજવી પરંપરા સાથે સંકળાયેલું હોવાથી અહીં દફન થવું એ ખૂબ જ સન્માનજનક ગણાતું આવ્યું છે. આમ પણ જેવા તેવા લોકોને દફનાવવાની પરવાનગી અહીં નથી મળતી. આજની તારીખે સમગ્ર કબ્રસ્તાન સંકુલમાં ૫૦,૦૦૦ કરતાં વધુ કબરો આવેલી છે.

કબ્રસ્તાનમાં ભૂતોનાં પરચા:

કબ્રસ્તાનની જમીનમાં દફન થયેલા મોટા મોટા માણસોને લીધે ‘હાઈગેટ કબ્રસ્તાન’ જેટલી ખ્યાતિ પામ્યું એનાથી વધારે નામના એને ત્યાં થતી ભૂતાવળને લીધે મળી છે. આમ તો વર્ષોથી આ કબ્રસ્તાનમાં ભૂતિયા બનાવો બનતા આવ્યા હતા, પરંતુ ૧૯૬૦ના દાયકામાં કબ્રસ્તાનમાં ભૂતો દેખાવાના કિસ્સાઓની સંખ્યામાં ભારે વધારો થયો હતો. ઈ.સ. ૧૯૬૩ના વર્ષની એક સાંજે બે કિશોરીઓ પોતાની એક મિત્રને મળવા નજીકના ગામે ગઈ હતી. તેમને પાછા ફરતા રાત પડી ગઈ હતી. હાઈગેટ કબ્રસ્તાનને અડીને આવેલા ‘સ્વેન્સ લેન’ નામના રસ્તા પરથી તે બંને પસાર થઈ રહી હતી ત્યારે તેમણે કબ્રસ્તાનની અંદર ભયંકર ચીસો સાંભળી. ગભરાયેલી બંને બાળાઓ ત્યાંથી જીવ લઈને ભાગી. ઘરે પહોંચીને તેમણે તેમના પરિજનો અને પડોશીઓને એ ચીસો વિશે વાત કરી અને ત્યારથી હાઈગેટ કબ્રસ્તાનમાં ભૂતાવળ થતી હોવાની વાતો વહેવા લાગી. થોડા દિવસો બાદ એક નવપરિણીત યુગલ એ જ રસ્તેથી સાંજના સમયે પસાર થઈ રહ્યું હતું. અહીં-તહીંની વાતો કરતું દંપતી કબ્રસ્તાનનાં મુખ્ય ગેટની નજીક પહોંચ્યું ત્યારે તેમની નજરે કંઈક એવું પડ્યું કે જેને જોઈ બંને ડરથી ધ્રૂજી ઊઠ્યાં. તેમણે જોયું કે, એક બિહામણો, કાળો આકાર લોખંડના ગેટની પાછળ કબ્રસ્તાનની અંદર તરફ ઊભો હતો અને દંપતીને ઘૂરી ઘૂરીને તાકી રહ્યો હતો. આ ઘટનાએ પણ હાઈગેટ કબ્રસ્તાનમાં ભૂત થતું હોવાની વાતને પુષ્ટિ આપી.

ધીમે ધીમે કબ્રસ્તાનમાં નાના જંગલી પ્રાણીઓના મૃતદેહ મળવા લાગ્યા. એ પ્રાણીઓનાં શરીરમાંથી લોહી ચૂસી લેવામાં આવ્યું હતું અને એક પણ અપવાદ વિના તમામ મૃતદેહની ગરદન પર દાંતનાં નિશાન મળી આવ્યા હતા. સ્થાનિક અખબારોમાં કબ્રસ્તાનમાં બનતી રહસ્યમય ઘટનાઓ વિશે છપાવા લાગ્યું. લોહી ચૂસતા એ શેતાનને લોકોએ વેમ્પાયર ધારી લીધો અને મીડિયાએ તેને નામ આપ્યું- ‘જેક- ધ હાઈગેટ વેમ્પાયર’.

જેક- ધ હાઈગેટ વેમ્પાયરઃ

મીડિયામાં જેકનું નામ ઉછળ્યા બાદ તો કેટલાય લોકોને જેક દેખાયાના બનાવો બન્યા. એક યુવતી એક વહેલી સવારે હાઈગેટ કબ્રસ્તાનની નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે કબ્રસ્તાનના કમ્પાઉન્ડની દીવાલમાંથી કૂદીને બહાર આવેલા એક કાળા પડછાયાએ તેના પર હુમલો કર્યો. એ કાળા પડછાયાની આંખો ચળકતા લાલ રંગની હતી, કાન અણિયાળા હતા અને ચામડી તદ્દન સફેદ હતી. તેની ઊંચાઈ સાત ફીટ કરતા વધુ હતી અને આગલા દાંત મોંની બહાર ડોકાતા હતા. એ વેમ્પાયર જેક હતો.

જેકના હુમલાથી એ યુવતી એટલી બધી ડરી ગઈ હતી કે મદદ માટે ચીસ પણ પાડી નહોતી શકી. તેના સદનસીબે એ વેમ્પાયર તેનો જીવ લઈ લે એ પહેલા જ એક કાર ત્યાં આવી પહોંચી અને કારની હેડલાઈટનાં અજવાળાથી અંજાઈ ગયેલો વેમ્પાયર ત્યાંથી અદૃશ્ય થઈ ગયો. યુવતીને દિગ્મૂઢ અવસ્થામાં પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી ત્યારે તે આઘાતની મારી કંઈ પણ બોલી શકવાની સ્થિતિમાં નહોતી. પોલીસે ઘટનાસ્થળે અને કબ્રસ્તાનની અંદર તપાસ ચલાવી, પરંતુ તેમને વેમ્પાયર જેકના કોઈ સગડ મળ્યા નહિ.

ત્યાર બાદ તો અનેક લોકોએ રાતના સમયે એ રસ્તા પર જેકને જોયો હોવાનો દાવો કર્યો. કબ્રસ્તાનનાં કમ્પાઉન્ડની દીવાલમાં છુપાઈ રહેતો જેક હવામાં ઊડીને રસ્તા પરથી પસાર થનારા લોકો પર હુમલો કરતો. કેટલાક કમભાગી લોકોએ તો વેમ્પાયરનો ભોગ બનીને જીવ પણ ગુમાવ્યો. જે બચી ગયા એ બડભાગી લોકોએ વેમ્પાયરના દેખાવનું જે વર્ણન કર્યું એમાં ઘણી સમાનતા હતી. સાત ફીટ ઊંચો દેહ, કાળાં વસ્ત્રો, અણિયાળા કાન, તીક્ષ્ણ દાંત, સફેદ ચામડી અને લાલ ભયાવહ આંખો- એ વેમ્પાયર જેકની ઓળખ બની ગઈ.

બીજા એક કિસ્સામાં એક વૃદ્ધ એક દિવસ પોતાના મૃત મિત્રની કબર પર ફૂલ ચઢાવવા ગયા હતા. જોસેફ નામના એ વડીલ પાછા ફરતી વખતે બહાર નીકળવાનો રસ્તો ભૂલી ગયા. આમ પણ હાઈગેટ કબ્રસ્તાન એટલું બધું વિશાળ છે કે કોઈ પણ એકલો આદમી એમાં ભૂલો પડી જાય. બહાર નીકળવા માટે ઘણી વાર ફાંફા મારવા છતાં જોસેફને કોઈ રસ્તો જડ્યો નહિ. બહાર નીકળવા માટે તેઓ આમતેમ ભટકી રહ્યા હતા ત્યારે અચાનક એમને લાગ્યું કે એમની પાછળ કોઈક ચાલી રહ્યું છે. ચાલતા અટકીને એમણે પાછળ ફરીને જોયું તો ડરને લીધે એમનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. એમની પાછળ જેક ઊભો હતો. જેક એમને ઘૂરી રહ્યો હતો. જેકની ભયાનક આંખોમાં જોતા જ જાણે કે હિપ્નોટાઈઝ્ડ થઈ ગયા હોય એમ જોસેફ પોતાની જગ્યા પર જ સ્થિર થઈ ગયા. બંનેની આંખો મળેલી રહી અને જાણે કે સમય થંભી ગયો. મિનિટો બાદ જેક હવામાં ઊડીને નજીકની દીવાલમાં ઘૂસી ગયો પણ એની નજરથી જકડાયેલા જોસેફ પોતાની જગ્યા પર જેમના તેમ સ્થિર ઊભા હતા. જાણે કે એમના પગ એક જ જગ્યાએ ખોડાઈ ગયા હતા. લાંબા સમય બાદ એમને ત્યારે જ હોશ આવ્યા કે જ્યારે કબ્રસ્તાનમાં આવેલી બીજી કોઈ વ્યક્તિએ એમને સ્પર્શ કરીને એમની તંદ્રા તોડી.

‘જેક- ધ હાઈગેટ વેમ્પાયર’ને લગતા આવા તો અનેક કિસ્સા છે, પરંતુ હાઈગેટ કબ્રસ્તાનમાં દેખા દેતો તે એકમાત્ર શેતાન નથી. તેના સિવાય પણ બીજા અનેક ભૂત-પ્રેત-પલિત હાઈગેટ કબ્રસ્તાનમાં દેખાતા રહ્યા છે.

હાઇગેટ કબ્રસ્તાનમાં દેખા દેતા અન્ય ભૂતોઃ

એક પ્રેત એક ઘરડી પાગલ સ્ત્રીનું હતું, જે પોતાના બાળકને શોધવા માટે કબ્રસ્તાનમાં આમથી તેમ દોડાદોડી કરતી રહેતી. દોડતી વખતે તેના સૂકા-લાંબા-સફેદ વાળ હવામાં લહેરાતા જે તેના દેખાવને વધુ ભયંકર બનાવતા. તેના પાગલપણાની હદ એ હતી કે જીવિત હતી ત્યારે ખુદ તેણે જ પોતાના બાળકની હત્યા કરી દીધી હતી.

બીજું એક પ્રેત ધુમ્મસિયા સ્વરૂપે પ્રગટ થતું. ભૂખરા રંગનું એ પ્રેત ધ્યાનમગ્ન અવસ્થામાં એક જગ્યાએ સ્થિર ઊભું રહેતું. આસપાસમાં કોઈ માણસની હાજરી હોય તો પણ એને કોઈ ફરક પડતો નહિ. જો તેની ખૂબ નજીક જવામાં આવે તો તે અદૃશ્ય થઈ જતું અને થોડાક ફર્લાંગ છેટે ફરી પ્રગટ થતું. કબ્રસ્તાનમાં પ્રિયજનોની દફનવિધિ માટે આવતા હજારો લોકોને એ ધુમ્મસિયા પ્રેતે દર્શન દીધા છે.

હાઇગેટ કબ્રસ્તાનને મળેલી લોકપ્રિયતાઃ

જે લોકોએ હાઈગેટ કબ્રસ્તાનમાં ભૂતપ્રેત કે વેમ્પાયરને પ્રત્યક્ષરૂપે નથી જોયા એમણે પણ અહીં અદૃશ્યરૂપે પિશાચી શક્તિનો અનુભવ કર્યો છે. કબ્રસ્તાનનું વાતાવરણ તદ્દન સામાન્ય હોય, હવામાન ખુશનુમા હોય, પણ લોકોને એકાએક જ તાપમાનમાં ઘટાડો અનુભવાય એવા અનેક કિસ્સા બન્યા છે. સેંકડો લોકોએ તેમની સાજીસમી કાંડાઘડિયાળ કબ્રસ્તાનની અંદર અચાનક જ ચાલતી બંધ થઈ જવાની ફરિયાદો કરી હતી. બંધ પડેલી ઘડિયાળો કબ્રસ્તાનમાંથી બહાર નીકળતા જ થોડી વારમાં પૂર્વવત્ કામ કરતી થઈ જતી એ પાછી નવાઈની વાત હતી!

વખત જતાં હાઇગેટ કબ્રસ્તાન વિશે જનસમુદાયમાં એટલા બધા કિસ્સા ચર્ચાવા લાગ્યા કે એને આધાર બનાવી લોકો રોકડી કરવા લાગ્યા. લેખક ડેવિડ ફેરન્ટે તો હાઈગેટ કબ્રસ્તાનમાં થતા વેમ્પાયરને મુખ્ય પાત્ર બનાવી ‘હાઈગેટ વેમ્પાયર’ નામની નવલકથા પણ લખી નાખી હતી. કોઈ જ આશ્ચર્યની વાત નથી કે વાચકોએ નવલકથાને હાથોહાથ વધાવી લીધી હતી અને નવલકથા બેસ્ટ સેલર નીવડી હતી. હાઈગેટ કબ્રસ્તાનને જ કેન્દ્રસ્થાને રાખી સિત્તેરના દાયકામાં અન્ય એક લેખિકા ઓડ્રી નિફેન્જરે જોડિયાં બહેનોની કહાની કહેતી નવલકથા ‘હર ફિયરફુલ સેમેટ્રી’ લખી હતી. એને પણ ભારે લોકપ્રિયતા મળી હતી.

ભૂતોના પરચાનો પ્રત્યક્ષ કે પરોક્ષ સાક્ષાત્કાર થાય એ માટે આખા ઇંગ્લેન્ડ અને વિદેશો સુદ્ધાંમાંથી સાહસિક પ્રવાસીઓ હાઇગેટ કબ્રસ્તાનની મુલાકાતે આવવા લાગ્યા. અત્યંત લોકપ્રિય થવા છતાં ૧૯૭૦નાં દાયકામાં હાઈગેટ કબ્રસ્તાનનો દેખાવ કથળવા લાગ્યો. દેખરેખને અભાવે કબરો પર શેવાળ બાઝી ગઈ અને ઝાડીઝાંખરાં ઊગી નીકળ્યાં, જેને લીધે કબ્રસ્તાનનો દેખાવ વધુ ડરામણો લાગવા લાગ્યો. ઈ.સ. ૧૯૭૯માં કેટલાક ઉત્સાહી લોકોએ કબ્રસ્તાનની કાયમી દેખરેખ રાખવા માટે ‘ફ્રેન્ડ્સ ઓફ હાઈગેટ સેમેટ્રી’ નામના ગ્રુપની રચના કરી. કબ્રસ્તાનની સાફસફાઈ કરી તેની જૂની ભવ્યતા પાછી આપવા માટે ભારે ખર્ચો કરી રિસ્ટોરેશન કરવામાં આવ્યું, જે ઘણું અસરકારક રહ્યું. હાઈગેટ કબ્રસ્તાનની રોનક પાછી ફરી. પાછલા દાયકાઓમાં કબ્રસ્તાનની દેખરેખ બાબતમાં થયેલી બેદરકારી ફરી વાર ન થાય એ જોવાનું કામ આ ગ્રુપે ત્યારથી આજ સુધી જાળવી રાખ્યું છે. રિસ્ટોરેશન બાદ કબ્રસ્તાનમાં થતી ભૂતિયા પ્રવૃત્તિઓનું પ્રમાણ ખાસ્સું ઓછું થઈ ગયું. કેટલાક લોકોનું માનવું છે કે ફ્રેન્ડસ ગ્રુપે સમગ્ર કબ્રસ્તાનમાં કોઈક વિશેષ તાંત્રિક વિધિ કરાવડાવી હતી જેને લીધે ત્યાં થતી ભૂતાવળી ઘટનાઓમાં કમી આવી હતી.

હાઇગેટ કબ્રસ્તાનની આજઃ

હાલમાં કબ્રસ્તાનનાં કેટલાક ભાગોમાં પ્રવાસીઓને બિલકુલ પ્રવેશ અપાતો નથી. તો કેટલાક ભાગોમાં સમૂહમાં જ મુલાકાતીઓને એન્ટ્રી આપવામાં આવે છે. વર્ષો અગાઉ જોસેફ નામના વૃદ્ધ ઈન્સાન સાથે બન્યું એમ કોઈ મુલાકાતી કબ્રસ્તાનના વિશાળ સંકુલમાં ભટકી ન જાય એટલા માટે આ નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે. હાઈગેટ કબ્રસ્તાનનું આકર્ષણ આજે પણ ટકી રહ્યું છે. દર વર્ષે હજારો પ્રવાસીઓ અહીં આવે છે અને ઘણાને આજે પણ કબ્રસ્તાનમાં ભૂત-પ્રેત-વેમ્પાયરનાં દર્શન થતા રહે છે.

Article : 9. કેલ્ગરી: આખે આખું શહેર જ ભૂતિયું!

કોઈ એક મકાનમાં કે સ્થળે ભૂતાવળ થતી હોય એવું તો આ દુનિયામાં ઘણી જગ્યાએ બનતું હોય છે, પરંતુ દુનિયામાં એક એવું શહેર પણ આવેલું છે કે જ્યાં અગણિત સંખ્યામાં ભૂતિયાં મકાનો આવેલાં છે. જાણે કે, આખું શહેર જ ભૂતિયા! કેનેડા દેશના આલ્બર્ટા પ્રાંતમાં આવેલું કેલ્ગરી આવું જ એક ભૂતિયા શહેર છે. કેલ્ગરીમાં અનેક એવા સ્થળો અને મકાનો છે જ્યાં ભૂતાવળ દેખા દે છે.

સો વર્ષથી વધુ જૂના કેલ્ગરી શહેરના હોન્ટેડ મકાનોમાં સૌથી વધુ જાણીતું નામ છે, ‘ધ ડીન હાઉસ’ નામનું મકાન. ઈ.સ. ૧૯૦૬માં રોયલ નોર્થ-વેસ્ટ માઉન્ટેડ પોલીસનાં સુપરિટેન્ડન્ટ રિચાર્ડ બર્ટન ડીન માટે આ ‘ડીન હાઉસ’ બનાવવામાં આવ્યું હતું. ‘બો’ નામની નદીના કિનારે બનેલું ‘ડીન હાઉસ’ મોબાઈલ (એક સ્થળેથી બીજે સ્થળે ખસેડી શકાય એવું) હતું. ડીન હાઉસને કેનેડાના સૌથી ભૂતિયા ઘર તરીકે ભારે નામના મળી છે. અનેક લોકોએ આ ઘરમાં આકસ્મિક રીતે જીવ ગુમાવ્યો છે.

આ મકાનના માલિક અન્યત્ર રહેવા જતાં રહેતા ઈ.સ. ૧૯૩૦માં ડીન હાઉસને ખસેડીને બૉ નદીના સામા કિનારે વધુ મોકાની જગ્યાએ લઈ જવામાં આવ્યું અને ત્યાં તેને ગેસ્ટ હાઉસમાં ફેરવી દેવાયું. બે-ત્રણ વર્ષ બધું બરાબર ચાલ્યું, પણ પછી દુર્ઘટનાઓનો એક વણઅટક્યો સિલસિલો શરૂ થયો. ઈ.સ. ૧૯૩૩માં હાઉસમાં અપમૃત્યુના બનાવો બનવાની શરૂઆત થઈ. એ સમયે અહીં એક આધેડ વયનો પુરુષ તેના કિશોર વયના દીકરા બ્રેન્ડન સાથે ભાડૂત તરીકે રહેતો હતો. બ્રેન્ડન એપિલેપ્સી (વાઇ) નામની બીમારીથી પીડાતો હતો. એની બીમારીને લીધે શાળામાં તેના સહાધ્યાયીઓ તેની ભારે મજાક ઉડાવતા હતા. સતત મશ્કરીનો ભોગ બનતો બ્રેન્ડન હતાશા અનુભવવા લાગ્યો. તેને ડિપ્રેશન થઈ ગયું અને ડિપ્રેશનની ચરમસીમામાં એક દિવસ તેણે ડીન હાઉસના માળિયામાં આત્મહત્યા કરી લીધી.

બ્રેન્ડનના આપઘાત બાદ ડીન હાઉસમાં ઘણા લોકો અકાળ અવસાન પામતા રહ્યા. ડીન હાઉસમાં રહેવા આવેલી એક મધ્યવયસ્ક મહિલાએ ડીન હાઉસના બીજા માળની બારીમાંથી કૂદીને આત્મહત્યા કરી. નદીના પથરાળ કિનારે પટકાતાં તેની ખોપરીના ભૂક્કા બોલાઈ ગયા અને છૂંદાયેલો ચહેરો વિકૃત થઈ ગયો. તેની આત્મહત્યાનું કારણ હંમેશ માટે અજાણ્યું જ રહ્યું. આવા જ બીજા એક અજાણ્યા પ્રવાસીનું આકસ્મિક મોત ડીન હાઉસના દાદર પરથી ગબડી પડતાં બ્રેનહેમરેજ થઈ જતાં થઈ ગયું. એ ડીન હાઉસનું મુખ્ય પ્રવેશદ્વાર જ હતું જ્યાં માર્ટિન નામના એક દારૂડિયાની હત્યા તેના જ મિત્રએ ગોળી મારીને કરી હતી.

જોકે, ડીન હાઉસમાં બનેલો હત્યા-આત્મહત્યાનો જે લોહિયાળ બનાવ સૌથી વધુ ચર્ચાયો અને જાણીતો થયો હતો તે ઈ.સ. ૧૯પરમાં બન્યો હતો. ઈર્મા અમ્પરવિલે નામની એક મહિલા ડીન હાઉસમાં રોકાઈ હતી. પોતાના પતિ રોડ્રિકની મારપીટ અને ગાળાગાળીથી કંટાળીને તે ઘર છોડીને ભાગી આવી હતી. તેની સાથે તેનાં બે બાળકો પણ હતાં. ડીન હાઉસમાં રાત્રિ રોકાણ બાદ સવારે ત્યાંથી પલાયલ થઈ જવાની ઈર્માની ગણતરી હતી, પરંતુ કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું. તે નહોતી જાણતી કે તેનું પગેરું દબાવતો તેનો પતિ તેની પાછળ પાછળ જ આવી રહ્યો હતો. ગમે તેમ કરીને રોડ્રિકે ઈર્માનું ઠામ-ઠેકાણું શોધી લીધું અને ડીન હાઉસના જે કમરામાં તે રોકાઈ હતી ત્યાં તે જઈ ચડ્યો. પતિ-પત્ની વચ્ચે ભારે ઝઘડો થયો અને ઉશ્કેરાટમાં આવી રોડ્રિકે ઉપરાછાપરી ચપ્પુના ઘા ઝીંકી ઈર્માની હત્યા કરી દીધી. પાછળથી પોતાના અણવિચાર્યા પગલા બદલ પસ્તાવો થતાં તેણે પોતે પણ આપઘાત કરી લીધો. સૌથી ભયાનક બાબત એ હતી કે, આ લોહિયાળ પ્રસંગ ઈર્મા-રોડ્રિકનાં બંને માસૂમ બાળકોની આંખો સામે બન્યો હતો!

ભૂતિયા સ્થળોની મુલાકાત લઈ ભૂતપ્રેતના અસ્તિત્વ વિશે સંશોધન ચલાવતી સંસ્થા ‘ધી કેલ્ગરી એસોસિયેશન ઓફ પેરાનોર્મલ ઈન્વેસ્ટિગેશન’એ એકથી વધુ અપમૃત્યુના સાક્ષી બનેલા ડીન હાઉસને ‘હોન્ટેડ’ જાહેર કર્યા બાદ લોકોની ઉત્સુકતા આ મકાન બાબતે વધી ગઈ. ડીન હાઉસની ફોયરમાં અડધી રાતે કોઈ અદૃશ્ય વ્યક્તિનો ખડખડાટ હસવાનો અવાજ સંભળાતો. હાઉસમાં ધૂમ્રપાન પ્રતિબંધિત હોવા છતાં હાઉસનાં બિયરબારમાં ઘણી વાર તમાકુ બળવાની ગંધ આવતી, જાણે કે કોઈ વ્યક્તિ સિગાર ફૂંકી રહી હોય. નજર સામે દેખાતી કોઈ પણ વ્યક્તિ ધૂમ્રપાન ન કરતી હોવા છતાં લોકોને બારમાં તમાકુની ગંધ જણાતી. ડીન હાઉસના ફોયરમાં જ એક ખૂણામાં એક એન્ટિક ફોન રાખવામાં આવ્યો હતો. માત્ર શૉ-પીસ તરીકે રાખવામાં આવેલો એ ફોન વર્ષોથી બંધ હોવા છતાં ઘણી વાર રણકી ઊઠતો! આવું બને ત્યારે હાઉસના સ્ટાફમાં સોપો પડી જતો. કોઈ પણ વ્યક્તિ એ ફોનનું રિસીવર ઊઠાવવાની હિંમત કરતું નહીં. હાઉસના સૌથી ઊપલા માળનો વપરાશ વર્ષોથી બંધ હતો અને તેનો ઉપયોગ ભાગ્યે જ થતો. છતાં પણ ક્યારેક ઉપરના માળે કોઈકનાં પગલાંનો અવાજ સંભળાતો. બીજા માળે આવેલી બારીમાંથી કૂદીને આત્મહત્યા કરી ચૂકેલી સ્ત્રીનો આત્મા કાચની એ જ બારી પાસે અનેક વાર બેઠેલો જોવા મળતો હતો. જાણે કંઈ વિચારતી હોય એમ ગુમસુમ બનીને તે એ બારી પાસે બેઠી રહેતી. કોઈને કંઈ નુકસાન ન પહોંચાડનારી એ પ્રેતાત્મા દેખાવે એટલી બધી જીવંત લાગતી કે ઘણી વાર હાઉસમાં રોકાયેલા પ્રવાસીઓ તેની સાથે વાતો કરવાની કોશિશ કરતા. કોઈક તેને બોલાવે તો તરત તેનો આત્મા અદૃશ્ય થઈ જતો.

૧૯૯૦માં સી.એફ.સી.એન. નામની એક લોકલ ટી.વી. ચેનલે ભૂતપ્રેત વિશે સંશોધન કરતી માર્થા નામની એક નિષ્ણાત મહિલાને ડીન હાઉસમાં મોકલી. હાઉસમાં રહેતી બે આત્માઓ સાથે સંપર્ક સાધવામાં માર્થાને સફળતા મળી. બે પૈકી એક આત્મા બંદૂકની ગોળીથી મરેલા દારૂડિયા માર્ટિનની હતી. માર્થા ડીન હાઉસના વિશાળ સ્ટોરરૂમમાં ફરી રહી હતી ત્યારે ત્યાં તેને આદિવાસી જેવો દેખાતો એક ઘરડો માણસ મળ્યો. માર્થા તરફ જોઈ ધમકીભર્યા સૂરમાં તે ચિલ્લાયો, ‘તું એક પવિત્ર ભૂમિ પર ઊભેલી છે અને અહીં આવવાનો તને કોઈ હક નથી. શા માટે તમે લોકો અમને એકલા નથી છોડી દેતા?’

ગભરાયેલી માર્થા સ્ટોરરૂમની બહાર ભાગી. ડીન હાઉસના સ્ટાફને તેણે પેલા માણસ વિશે જણાવ્યું. તપાસ કરવા બે-ત્રણ જણ સ્ટોરરૂમમાં ગયા તો ત્યાં ભેંકાર ખામોશી છવાયેલી હતી. માર્થા જે વ્યક્તિને જોયાની વાતો કરી રહી હતી એવી કોઇ વ્યક્તિ ત્યાં નહોતી. પછીથી માર્થાએ ખણખોદ કરીને શોધી કાઢ્યું કે, જે સ્થળે ડીન હાઉસ ઊભું હતું ત્યાં સદીઓ અગાઉ સ્થાનિક આદિવાસીઓની એક વસાહત હતી, મૃત આદિવાસીઓને ત્યાંની જમીનમાં દફનાવવામાં આવતા અને એવા જ કોઈ આદિવાસીનું ભૂત માર્થાને ડીન હાઉસના સ્ટોરરૂમમાં દેખાયું હતું.

હાઉસની સુપરવાઈઝર મિસિસ સ્નેઇડરમિલરે અનેક વાર હાઉસના ટોપ ફ્લોરમાં ‘પિયાનો’ વાગવાનો અવાજ સાંભળ્યો હતો. ત્યાં કોણ હોઈ શકે એની તપાસ કરવા માટે સુપરવાઈઝર ઉપર જતી અને જે કમરામાંથી અવાજ આવતો એનો દરવાજો ખોલતી, તો એ સાથે જ પિયાનો વાગવાનું બંધ થઈ જતું. કમરામાં નજર ફેરવતી તે દરવાજામાં ઊભી રહેતી ત્યારે ઠંડી હવાની એક લહેર તેની બાજુમાંથી પસાર થઈ જતી તેને અનુભવાતી. જાણે કે કોઈ અદૃશ્ય શક્તિ બાજુમાંથી પસાર થઈ ગઈ હોય!

ડીન હાઉસના માળિયામાં લાકડાનું એક કબાટ હતું. એ કબાટમાં લોહીનો એક ડાઘો દેખાતો. ખાસ્સા મોટા કદના એ ડાઘને નોકરો સાફ કરી દેતા પણ બીજે દિવસે ફરી એ જ સ્થાને એવો જ ડાઘ ઊપસી આવતો! ગમે એવા કેમિકલથી સાફ કરવા છતાં એ ડાઘને કદી સાફ કરી શકાતો નહીં. બીજી હેરતજનક બાબત એ હતી કે એ કબાટને કદી તાળું મારી શકાતું નહી. ગમે એટલું મોટું અને મજબૂત તાળું મારવામાં આવે તો પણ એ તાળું બીજા દિવસે સવારે તૂટેલી અવસ્થામાં ફર્શ પર પડેલું મળી આવતું.

કેલ્ગરી શહેરમાં આવેલું ડીન હાઉસ કોઈ એકમાત્ર ભૂતિયા મકાન નહોતું. તેના સિવાય પણ અનેક એવાં મકાનો છે જેમાં વર્ષોવર્ષ ભૂતાવળ થતી આવી છે. ‘ક્રોસ હાઉસ’ નામની એક રેસ્ટોરાંની પોતાની એક કરુણ કથા છે. રેસ્ટોરાંના માલિક મિ. ક્રોસના બે બાળકો એક વખત ભયાનક બીમારીમાં સપડાયાં અને ભારે શારીરિક યાતના વેઠીને ગુજરી ગયા. બંને બાળકોના હસવાના અવાજ આજે પણ એ રેસ્ટોરાંમાં સંભળાય છે. કેટલાક લોકોએ તો એ બાળકોને રેસ્ટોરાંની પરસાળમાં રમતાં, ધમાચકડી મચાવતાં પણ જોયાં હોવાનો દાવો કર્યો છે.

કેલ્ગરીના “સેન’સ ફૂડ એન્ડ ડ્રિંક” નામની રેસ્ટોરાં કમ બારના એક બાથરૂમમાં કોઈક અજાણ્યા પ્રવાસીનું ભૂત થાય છે. દરરોજ રાતે બાર બંધ કરતાં પહેલાં એ વણવપરાતા બાથરૂમના દરવાજાની બહાર બિયરનું એક કેન મૂકી દેવામાં આવે છે, જે સવારે ખાલી થઈ ગયું હોય છે.

‘પ્રિન્સ હાઉસ’ નામના એક અન્ય મકાનમાં એક અત્યંત ખૂબસૂરત સ્ત્રીનું ભૂત થાય છે. એક નવજાત બાળકને તેડીને તે મકાનની બાલ્કનીમાં દેખાતી રહે છે. મકાનની નજીકથી પસાર થતા લોકો તરફ તે નિર્દોષ મુસ્કુરાહટ રેલાવતી રહે છે. વર્ષોથી બંધ પડેલા એ મકાનમાં ઈલેક્ટ્રિસિટીનું કોઈ કનેકશન ન હોવા છતાં ઘણી વાર મકાનની બારીઓમાંથી ઝળહળતો પ્રકાશ રેલાતો દેખાય છે.

‘કેન્મોર ઓપેરા હાઉસ’ નામના થિયેટરમાં સ્થાનિક રહેવાસી સેમ લિવિંગસ્ટોનનું પ્રેત અવારનવાર દેખા દેતું. થિયેટરના રિહર્સલ હોલમાં કોઈ પણ નાટકનું રિહર્સલ ચાલતું હોય ત્યારે ઓડિટોરિયમની ત્રીજી હરોળની ત્રીજા નંબરની સીટ પર જ સેમનું પ્રેત બેઠેલું દેખાતું. કોઈ પણ વ્યક્તિને હેરાન કર્યા વિના તે શાંતિથી નાટકનું રિહર્સલ જોયા કરતો.

કેલ્ગરી શહેરમાં માણસોનાં ભૂત તો અનેક થાય છે, પરંતુ જાણીને નવાઈ લાગે એવી વાત એ છે કે અહીં એક જાનવરનું ભૂત પણ થાય છે. ‘ધી હોઝ એન્ડ હાઉજી’ નામની એક પબ કમ રેસ્ટોરાંમાં બાર્ની નામના એક વાંદરાનું ભૂત થાય છે. પબમાં નોકરી કરતા જેમ્સ કેપી નામના શખ્સે બાર્નીને પાળ્યો હતો. અટકચાળા બાર્નીએ એક દિવસ એક ગ્રાહકના નાનકડા દીકરા પર કોઈક કારણોસર હુમલો કર્યો અને તેને ઈજા પહોંચાડી. પેલા બાળકના પિતાએ પિત્તો ગુમાવી ગુસ્સામાં બાર્નીને મારી નાખ્યો. બાર્નીએ પોતાનું શરીર તો છોડી દીધું, પરંતુ તેની આત્મા ત્યાંથી જવા તૈયાર નહોતી. ભૂત બનીને તે ગ્રાહકોને પજવવા લાગ્યો. કોઈક વાર રસોડામાં વાસણો હવામાં ઊછળવા લાગતાં તો કોઈક વાર પંખા-લાઇટોની સ્વિચ આપોઆપ જ ચાલુ-બંધ થઈ જતી. પબના માલિકે બાર્નીનાં પ્રેતથી છુટકારો મેળવવા એકથી વધુ વાર તાંત્રિક વિધિઓ કરાવી જોઈ પણ બધું ફોગટ નીવડ્યું. વર્ષો બાદ આજે પણ બાર્નીનું ભૂત એ પબમાં અવારનવાર ધમાલ મચાવતું રહે છે.

કેલ્ગરી ટાઉનનો ઈતિહાસ આવી અનેક ભૂતાવળોથી ભર્યો પડ્યો છે અને એનો ફાયદો ઉઠાવવાનું પણ કેલ્ગરીવાસીઓ નથી ચૂક્યા. મોટા મોટા શહેરોમાં પ્રવાસીઓ માટે ‘સીટી ટુર’ કરાવતી બસો દોડતી હોય છે, એ જ પ્રમાણે કેલ્ગરીની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે રોજિંદી ‘ઘોસ્ટ ટુર’નું આયોજન કરવામાં આવે છે. અત્યંત લોકપ્રિય એવી આ ‘ઘોસ્ટ ટુર’ દરમિયાન પ્રવાસીઓને શહેરના તમામ ભૂતાવળા સ્થળોએ લઈ જવામાં આવે છે. ઘણા મુસાફરો આવી ‘ઘોસ્ટ ટુર’ દરમિયાન તેમને થતાં ચિત્રવિચિત્ર પ્રકારના અનુભવો વિશે કબૂલાત કરતા રહે છે. પશ્ચિમી દેશોમાં ભૂતોની યાદમાં ઊજવવામાં આવતા ‘હેલોવીન’ નામના તહેવાર દરમિયાન કેલ્ગરીના નગરજનો ભૂત-પ્રેત-ચૂડેલ જેવા દેખાવા વિચિત્ર વસ્ત્રો અને ડરામણા મેકઅપ સાથે શહેરની શેરીઓમાં ઊતરી પડે છે. અહીંના લોકોમાં એવી માન્યતા છે કે, હેલોવીનની ઉજવણી દરમિયાન કેલ્ગરી શહેરમાં થતાં અસલી ભૂતો પણ સામેલ થઈ જાય છે!

Article : 10. ધ સ્ક્રીમિંગ ટનલઃ ચીસોથી ગૂંજતું બોગદું

અડધી રાતના બાર વાગ્યા પછી બે યુવાનો અંધકારમાં ડૂબેલી એક ટનલમાં (બોગદામાં) દાખલ થયા. એકનું નામ ફિલિપ હતું અને બીજાનું જોર્ડન. બંનેએ માથા પર ટોર્ચ હેલ્મેટ પહેરી હતી અને ટોર્ચના શેરડા તેમને રસ્તો દેખાડી રહ્યા હતા. એક પણ શબ્દ બોલ્યા વિના બંને હળવે પગલે ટનલમાં આગળ વધી રહ્યા હતા. ટનલની વચ્ચોવચ પહોંચી બંનેએ પોતાના ખભે ભેરવેલા થેલા ખોલ્યા અને અંદરથી વિવિધ ઉપકરણો બહાર કાઢ્યાં. ફિલિપે પહેલા ઉપકરણને કામે લગાડ્યું જે એક ઈન્ફ્રારેડ કેમેરા હતો. એ કેમેરાથી રાતના અંધકારમાં પણ વિડિયો શૂટિંગ કરી શકાતું હતું. જોર્ડન પાસે ઈ.એમ.એફ. મીટર (ઇલેક્ટ્રો મેગ્નેટિક ફિલ્ડ મીટર) હતું જે આસપાસના ચુંબકીય ક્ષેત્રને માપી શકતું હતું. ઉપરાંત તેની પાસે ઓડિયો રેકોર્ડિંગનું સાધન પણ હતું. લગભગ અડધા કલાક સુધી બંને પોતપોતાનાં ઉપકરણો સાથે ટનલમાં ફરતા રહ્યા. ફિલિપના ઈન્ફ્રારેડ કેમેરામાં ભાગ્યે જ કંઈ શંકાસ્પદ રેકોર્ડિંગ થયું, પરંતુ જોર્ડનના ઈ.એમ.એફ. મીટરે વાતાવરણમાં ચોક્કસ ફેરફારો નોંધ્યા હતા. અને એ પણ અનેક વાર.

અડધા કલાકની મહેનત બાદ બંનેએ પોતાનાં સાધનો ફરી વાર થેલામાં પેક કરી દીધા. હવે અસલી સાધનનો ઉપયોગ કરવાનો વારો હતો. ફિલિપે પોતાના પૅન્ટના ગજવામાંથી માચીસનું બૉક્સ કાઢ્યું. બૉક્સમાંથી માચીસની એક કાંડી કાઢતાં તેણે ધડકતા હૃદયે જોર્ડન તરફ જોયું. જોર્ડનના ચહેરા પર ઉચાટ હતો, પણ તેણે હકારમાં ડોકું ધુણાવ્યું. બંનેએ પોતપોતાની હેલ્મેટ પરની ટોર્ચ બુઝાવી દીધી અને તેની બીજી જ પળે ફિલિપે પોતાના હાથમાં રહેલી માચીસની કાંડી સળગાવી. સહેજ અમસ્તી આગના અજવાળામાં બંનેને એકબીજાના ચહેરા દેખાયા અને સાથે જ સંભળાઈ એક ખોફનાક ચીસ! કોઈ સ્ત્રીએ સાવ નજીકમાં ઊભા રહીને ચીસ પાડી હોય એવું એમને લાગ્યું. ભલભલા મરદની છાતીનાં પાટિયાં બેસી જાય એવી એ ચીસ સાંભળી ફિલિપ અને જોર્ડન બંને ધ્રૂજી ઊઠ્યા, કેમ કે તેઓ જાણતા હતા કે તેમના સિવાય ટનલમાં એ સમયે ત્રીજી કોઈ વ્યક્તિ હાજર નહોતી. માચીસની કાંડી હોલવાઈ એ સાથે જ બંનેએ હેલ્મેટ ટોર્ચ ચાલુ કરી દીધી. બંનેનાં શરીર પરસેવે રેબઝેબ હતાં, હૃદયની ધડકનો તેજ હતી અને પગ ધ્રૂજી રહ્યા હતા. પેલી ચીસ તેમના ટેપરેકોર્ડરમાં રેકોર્ડ થઈ ચૂકી હતી. ટોર્ચના અજવાળામાં બંને ટનલની બહાર જવા આગળ વધ્યા. ટનલમાંથી બંને બહાર આવ્યા છેક ત્યારે તેમને હાશકારો થયો. તેઓ મનોમન ખુશ હતા. તેઓ એ વાતે ખુશ હતા કે તેઓ જે કામ માટે એ ટનલમાં આવ્યા હતા એ કામ પાર પડ્યું હતું. તેઓ એ ટનલમાં પ્રેતાત્માના સાક્ષાત્કાર માટે આવ્યા હતા. જે ચીસ તેમણે સાંભળી હતી એ ચીસ કોઈ જીવતી જાગતી સ્ત્રીની નહોતી, પણ એક ભટકતી આત્માની હતી!

ભૂતિયા ટનલ: ચીખતું બોગદું

કેનેડા અને અમેરિકાની સરહદ પર વિશ્વવિખ્યાત નાયગ્રા ધોધ આવેલો છે. અત્યંત વિશાળ એવા એ નાયગ્રા ધોધની ઉત્તર-પશ્ચિમ દિશામાં એન્ટોરિયો શહેરની હદમાં એક ટનલ આવેલી છે. આસપાસનાં ખેતરોમાં જમા થયેલા વધારે પડતા પાણીના નિકાલ માટે એ ટનલ બનાવવામાં આવી હતી. ટનલની ઉપરથી કેનેડિયન નેશનલ રેલવેની ટ્રેનો પસાર થાય છે. વર્ષો અગાઉ આ રેલવે ટ્રેક ‘ગ્રાન્ડ ટ્રંક રેલવે લાઇન્સ’ તરીકે ઓળખાતો હતો. વીસમી સદીની શરૂઆતનાં વર્ષોમાં બંધાયેલી આ ટનલ ૧૬ ફીટ ઊંચી અને ૧૨૫ ફીટ લાંબી છે. તદ્દન સામાન્ય જણાતી આ ટનલ જગતભરમાં ‘સ્ક્રીમિંગ ટનલ’ તરીકે જાણીતી બની છે, કેમ કે તેમાં ભૂત થતું હોવાની વાયકા છે. રાતના સમયે કોઈ સ્ત્રીનો અતૃપ્ત આત્મા આ ટનલમાં ચીસો પાડે છે અને એટલા માટે જ આ ટનલને ‘સ્ક્રીમિંગ ટનલ’ એવું નામ આપવામાં આવ્યું છે. ટનલમાં ભૂતના પરચા એટલી હદે મળ્યા છે કે, ખુદ કેનેડિયન સરકારે સાંજ ઢળે એ પછી ટનલમાં પ્રવેશબંધી ફરમાવી છે. સો વર્ષોથી સ્થાનિક લોકોમાં સ્ક્રીમિંગ ટનલમાં થતી ભૂતાવળ વિશે દહેશત ફેલાયેલી હતી જેને દૂર કરવા માટે કેનેડિયન સરકારે થોડાં વર્ષો અગાઉ પહેલ કરી હતી. આ અવેરનેસ પ્રોગ્રામનો હેતુ એ હતો કે સ્ક્રીમિંગ ટનલમાં ભૂત જેવી કોઈ વસ્તુ નથી એ સાબિત કરવું, પરંતુ બન્યું એનાથી ઊલટું. ભૂતની વાત અફવા માત્ર છે એ સાબિત કરવા માટે ટનલમાં દાખલ થયેલા સરકારના માણસોને પણ ભૂતાવળનો સાક્ષાત્કાર થયો હતો! તેમનો રિપોર્ટ જોયા બાદ સરકાર પણ અચંબામાં પડી ગઈ હતી. સ્ક્રીમિંગ ટનલમાં ભૂતાવળ થતી હોવાની સ્પષ્ટ સાબિતીઓ એકથી વધુ વાર મળ્યા છતાં કેનેડિયન સરકાર ઓફિશિયલી આ મુદ્દાનું સમર્થન કરી શકે એમ નહોતી. પરિણામે સરકારે વચ્ચેનો રસ્તો કાઢ્યો અને ‘લોકલાગણી’નું નામ આપી ટનલમાં પ્રવેશબંધી ફરમાવી દીધી. જોકે પ્રવેશબંધી બાદ પણ અગોચર શક્તિઓનો પ્રત્યક્ષ પરચો મેળવવા અનેક લોકો સરકારી પ્રતિબંધનો ભંગ કરી ટનલમાં પ્રવેશ કરતા રહ્યા હતા. ફિલિપ અને જોર્ડન એવા જ બે જિજ્ઞાસુ જુવાનિયા હતા.

સ્ક્રીમિંગ ટનલનું રહસ્ય: કોણ હતી એ યુવતી?

સ્ક્રીમિંગ ટનલની આસપાસનો વિસ્તાર સો વર્ષો અગાઉ આજના જેટલો વિકસિત નહોતો. ટનલની નજીક એક ગામ હતું જેમાં કેટ નામની એક કિશોરી રહેતી હતી. ટનલની નજીકમાં જ કેટના પિતાનું ખેતર હતું અને ખેતરના એક છેડે તેમનું મધ્યમ કદનું ઘર હતું. આટલી વાત તો પાકી હતી, પરંતુ કેટનું મૃત્યુ કેવી રીતે થયું એના વિશે ત્રણ અલગ અલગ વાતો વર્ષોથી ચર્ચાતી આવી છે. પહેલી વાયકા મુજબ એક રાતે કેટના ખેતરમાં અકસ્માતે આગ લાગી ગઈ હતી. થોડી વારમાં આગે કેટના ઘરને પણ ચપેટમાં લઈ લીધું હતું. ખુદ કેટ અને તેના પરિવારજનો પણ આગમાં સળગી ઊઠ્યા હતા. સળગતા શરીર સાથે ચીસો પાડતી કેટ જીવ બચાવવા ઘરથી દૂર ભાગી અને પેલી ટનલમાં પહોંચી ગઈ. ટનલમાં હંમેશાં ભેજ અને કાદવ રહેતો હતો, પરંતુ એનાથી કેટના શરીર પર લાગેલી આગ બુઝાઈ નહિ અને તે ખૂબ ખરાબ રીતે સળગી મરી.

બીજી વાયકા મુજબ કેટનાં માતા-પિતા વચ્ચે છૂટાછેડાનો કેસ ચાલતો હતો. છૂટાછેડા તો રાજીખુશીથી થઈ ગયા, પરંતુ એકની એક દીકરી કેટનો કબજો કોને મળે તેના પર આવીને વાત અટકી ગઈ હતી. પિતા માનસિક રીતે સહેજ અસ્થિર હોઈ કોર્ટે કેટની માતાના પક્ષમાં ચુકાદો આપ્યો. વહાલી દીકરી પોતાના જીવનમાંથી દૂર થઈ જશે એ કલ્પનામાત્રથી તેના પિતા ફફડી ઊઠ્યા. ‘દીકરી મારી નહિ તો કોઈની નહિ’ એ ન્યાયે તે એક આત્યંતિક પગલું ભરી બેઠા. કિશોર વયની દીકરીને ટનલમાં લઈ જઈ તેમણે તેને જીવતી સળગાવી દીધી. કેટે ચીસો પાડી પાડીને દમ તોડી દીધો. એ પછી તો તેના પિતાએ પણ આપઘાત કરી લીધો હતો.

ત્રીજી વાયકા મુજબ એક સાંજે કેટ તેમના ખેતરની આસપાસ ફરી રહી હતી ત્યારે તેને એકલી ભાળી કેટલાક મુફલિસ યુવાનો તેને ઉઠાવીને ટનલમાં લઈ ગયા હતા. ત્યાં તેમણે તેના પર સામૂહિક બળાત્કાર કર્યો હતો. પોતાનું કાળું કરતૂત છુપાવવા તેમણે તેને સળગાવીને ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારી દીધી હતી.

કેટ નામની એ કમભાગી કિશોરી જે કોઈ કારણોસર અકાળે અવસાન પામી હોય તે, પરંતુ સ્ક્રીમિંગ ટનલમાં તેનું ભૂત થાય છે એ વાત પાકી છે. તે આગમાં સળગીને મોત પામી હોવાથી ટનલમાં આગ સળગાવતાં જ તેની ચીસો સંભળાય છે.

દુનિયાના અનેક દેશોમાં ભૂતપ્રેતના અસ્તિત્વ વિશે ખોજ ચલાવતી પેરાનોર્મલ સંસ્થાઓ આવેલી છે. આવી સંસ્થાના સભ્યો ઈન્ફ્રારેડ કેમેરા, ઈ.એમ.એફ. મીટર, ડિજિટલ થર્મોમીટર અને ઓડિયો રેકૉર્ડર જેવાં ઉપકરણો લઈને અગોચર શક્તિઓની ભાળ મેળવતા રહે છે. જે સ્થળે પારલૌકિક શક્તિઓનું અસ્તિત્વ હોય ત્યાંનું વાતાવરણ જરૂર કરતાં વધુ ઠંડું જણાતું હોય છે અને ત્યાંના ચુંબકીય ક્ષેત્રમાં પણ ભારે બદલાવ જણાતા હોય છે. દેશવિદેશની આવી અનેક પેરાનોર્મલ સંસ્થાના સભ્યોએ કેનેડાની સ્ક્રીમિંગ ટનલની મુલાકાત લીધી છે અને દર વખતે કેટની હાજરી અનુભવી છે. જ્યારે જ્યારે એ ટનલમાં આગ સળગાવવામાં આવે છે ત્યારે ત્યારે કેટના અતૃપ્ત આત્માની ચીસો સાંભળવામાં આવે છે.

Article : 11. ભવ્ય પણ ભૂતિયું મકાનઃ બોરલે રેક્ટરી

૧૬ ઓક્ટોબર, ૧૯૩૦ના રોજ ઇંગ્લેન્ડના એસેક્સ પરગણાના બોરલે ગામના એક જૂના મકાનમાં નવા ભાડૂત દાખલ થયા. લિયોનેલ ફોયસ્ટર પોતાની પત્ની મેરિયન અને બાર વરસની દત્તક દીકરી એડિલેઇડને લઈને ‘બોરલે રેક્ટરી’ નામે ઓળખાતા એ મકાનમાં રહેવા આવ્યા તેના થોડાક જ દિવસોમાં તેમને એ ઘરમાં વિચિત્ર અનુભવો થવા લાગ્યા. લિયોનેલ તો દિવસ દરમિયાન કામને લીધે ઘરની બહાર રહેતો અને એડિલેઇડ પણ શાળાએ જતી રહેતી એટલે ઘરમાં એકલી રહેતી મેરિયનને જેની કોઈ સ્પષ્ટતા આપી ન શકાય એવા અનુભવો થવા લાગ્યા. ઘરનાં બારી-બારણાં આપોઆપ જ ઉઘાડ-બંધ થવા લાગતાં. સુશોભન માટે દીવાલ પર ટીંગાડેલાં તૈલચિત્રો વારંવાર નીચે પડી જતાં અને રસોડામાં સાચવીને મૂકેલા કાચનાં વાસણો આપોઆપ જ ફર્શ પર પડીને ચૂરચૂર થઈ જતાં. બારીઓ ન ભટકાય એ માટે મેરિયન બારીઓ વાસી દેતી તો ઘરની બહારથી પથ્થરો હવામાં ઊડીને આવતા અને બારીના કાચ તોડી નાખતા. પડોશનાં બાળકો મસ્તી કરતાં હશે એમ માની મેરિયન ઘરની બહાર તપાસ કરવા જતી તો ઘરની બહાર કોઈ પણ વ્યક્તિ દેખાતી નહીં. મેરિયને પોતાના પતિ સાથે આ બાબતમાં વાત કરી તો લિયોનેલે આવા બનાવોને અકસ્માતમાં ખપાવી વાત ટાળી દીધી. આમ પણ મેરિયનને થયેલા અનુભવો પર ઝટ વિશ્વાસ મૂકી શકાય એમ નહોતો.

મેરિયન પર થયેલા ભેદી હુમલાઃ

એક દિવસ નાનકડી એડિલેઇડ ઘરના ઓટલા પર ઊભી હતી ત્યારે કોઈકે તેને પાછળથી જોરથી ધક્કો મારીને ઓટલા પરથી નીચે ગબડાવી દીધી. આ ‘કોઈક’ કોણ હતું એ કોઈને દેખાતું નહોતું. બીજા એક દિવસે એડિલેઇડને કોઈકે સ્ટોરરૂમમાં લૉક કરી દીધી. અંદર-બહાર બંને બાજુથી સ્ટોપર ખુલ્લી હોવા છતાં કેમે કરીને દરવાજો ખોલી શકાતો નહોતો. છેવટે મજૂર બોલાવીને દરવાજો તોડીને તેને બહાર કાઢવામાં આવી ત્યારે તે ડરની મારી ધ્રૂજી રહી હતી. એક બપોરે ઘરકામ પતાવીને મેરિયન પોતાના પલંગ પર સૂતી હતી ત્યારે કોઈક અદૃશ્ય શક્તિએ તેને આખેઆખી ઉપાડીને નીચે ફલોર પર ફેંકી દીધી. આ હુમલાથી તે ભયંકર હદે ડરી ગઈ. ઘરમાં કોઈ અગોચર શક્તિનો વાસ હોવાની વાત હવે તેના મનમાં દૃઢ થઈ ગઈ હતી. પતિને વિશ્વાસમાં લઈ તેણે ભૂતપ્રેતને ભગાડનાર એક જાણકારને ઘરે બોલાવ્યો, જેણે જરૂરી વિધિ કરીને ઘરને પિશાચમુક્ત જાહેર કરી દીધું. તેમ છતાં ઘરમાં ભૂતિયા ઘટનાઓ બનતી અટકી નહીં. થોડા દિવસો બાદ મેરિયન બીજા કોઈ વધુ પહોંચેલા ભૂવાને ઝાડફૂંક કરવા ઘરમાં લઈ આવી અને તેની પાસે વધુ સારી વિધિઓ કરાવડાવી, પરંતુ તેનું પરિણામ પણ શૂન્ય જ રહ્યું. મકાનમાં રહેલા પ્રેતાત્માની સતામણી ચાલુ જ રહી. સતત ભયના ઓથાર નીચે જીવવા કરતા ફોયસ્ટર ફેમિલીએ મકાન જ છોડી દેવાનું વધારે મુનાસિબ માન્યું.

બોરલે રેક્ટરીનો ઈતિહાસ:

બોરલે રેક્ટરીમાં ફોયસ્ટર ફેમિલીને થયેલા એ ડરામણા અનુભવો કોઈ નવાઈની વાત નહોતી, કેમ કે જ્યારથી એ મકાન બનાવવામાં આવ્યું હતું છેક ત્યારથી જ તેમાં ભૂતપ્રેતનો વાસ હતો. સન ૧૮૬૨માં બોરલે ગામમાં બારમી સદીમાં બંધાયેલા ચર્ચની બાજુમાં આ રેક્ટરીનું બાંધકામ કરવામાં આવ્યું હતું. (ચર્ચના ધાર્મિક કાર્યો કરતા રેક્ટર કે પાસ્ટર માટે ચર્ચની નજીક, ચર્ચના ખર્ચે બનાવવામાં આવે એ મકાનને રેક્ટરી કહેવાય.) ચર્ચના રેવરન્ડ હેન્રી ડોસને તેનું નિર્માણ કરાવ્યું હતું. વિક્ટોરિયન શૈલીમાં બંધાયેલા આ વિશાળ મકાનમાં હેન્રી તેની પત્ની અને ચૌદ બાળકો સાથે રહેતો હતો. મકાનમાં રહેવાનું શરૂ કર્યાને તરત જ ડોસન કુટુંબને અગોચર અનુભવો થવા લાગ્યા હતા. ઘરમાં ક્યાંય બેલ ન હોવા છતાં બેલ રણકવાનો અવાજ સંભળાતો, કાચના વાસણો આપોઆપ જ શેલ્ફ પરથી નીચે પડીને ચૂરચૂર થઈ જતાં, દાદર પર કોઈ અદૃશ્ય વ્યક્તિનાં પગલાં ધડબડાડી બોલાવતાં અને બંધ દરવાજા પર વારંવાર ટકોરા થતા. એક સાંજે હેન્રીની બે દીકરીઓ મકાનની પાછળના ભાગે ઘાસમાં બેઠી બેઠી વાતો કરી રહી હતી. અચાનક તેમણે એક અજાણી સ્ત્રીને કમ્પાઉન્ડની દીવાલ પાસે ઊભેલી જોઈ. સાંજનો સમય હોવાથી અંધારું ઘેરાવા લાગ્યું હતું, એટલે તેઓ પેલી સ્ત્રીનો ચહેરો સ્પષ્ટપણે જોઈ શકી નહોતી, પરંતુ એના કપડાં પરથી તેઓ સમજી ગઈ હતી કે એ અજાણી સ્ત્રી કોઈ નન (ખ્રિસ્તી સાધ્વી) હતી. બંને બહેનોએ એને બોલાવી પણ સામેથી કોઈ પ્રત્યુત્તર મળ્યો નહીં. બંને બહેનો ઊભી થઈ તેની તરફ આગળ વધી ત્યાં જ એ રહસ્યમય સ્ત્રી જાણે કે હવામાં ઓગળી ગઈ હોય એમ અદૃશ્ય થઈ ગઈ. નજરોનજર પ્રેતાત્માનો સાક્ષાત્કાર જોઈ બંને બહેનો ડરને લીધે બીમાર પડી ગઈ. થોડા દિવસો બાદ હેન્રી ડોસને રાતના સમયે એક ઘોડાગાડીને પોતાના ઘરની નજીકથી પસાર થતી જોઈ. આમ તો આ એક સામાન્ય ઘટના લાગે, પરંતુ કોઈ પણ માણસના હાંજા ગગડાવી દે એવી બાબત એ હતી કે, એ ઘોડાગાડીનો જે ચાલક હતો તેને માથું જ નહોતું! માથા વગરના ઘોડાગાડીચાલકને પ્રત્યક્ષ જોયા બાદ જ હેન્રીએ પોતાના મકાનની અંદર અને આસપાસ ભૂતપ્રેત હોવાની વાત સ્વીકારી બાકી તો ત્યાં સુધી એ પોતાની પત્ની અને બાળકોની ઘરમાં ભૂત થતું હોવાની વાતને તેમના મનનો વહેમ ગણીને ઉડાડી મૂકતો હતો. જોકે ચર્ચની પડોશમાં રહેતા હોવાથી ઈશ્વર હંમેશાં તેમની રક્ષા કરશે એમ માની ડોસન કુટુંબે એ જ મકાનમાં રહેવાનું ચાલુ રાખ્યું. દરમિયાન કેટલાક પડોશીઓએ પણ પેલા મસ્તકવિહોણા ઘોડાગાડીચાલક અને પેલી નનને જોયાં.

સન ૧૮૯૨માં હેન્રી ડોસનના મૃત્યુ બાદ તેના મોટા દીકરા હેરી ડોસને પોતાના પરિવારનો કાર્યભાર સંભાળ્યો. વર્ષોનાં વહાણાં વીતતાં ગયાં અને એક પછી એક કરી હેન્રી ડોસનનાં તમામ સંતાન લગ્ન કરીને અલગ અલગ જગ્યાએ સ્થાયી થઈ ગયાં. એકમાત્ર હેરી ડોસન અને તેનાં પત્ની-બાળકો જ બોરલે રેક્ટરીમાં રહી ગયાં. સન ૧૯૨૮માં હેરી ડોસનના અવસાન બાદ તેના પરિવારજનો આ મકાન છોડી ગયા. ત્યાર પછી પેલું ફોયસ્ટર ફેમિલી અહીં રહેવા આવ્યું હતું. ઘરમાં થતી ભૂતાવળથી ડરીને તેઓ ઘર છોડી ગયા પછી નવા રેવરન્ડ એરિક સ્મિથ તેની પત્ની સાથે અહીં રહેવા આવ્યા.

સ્મિથ દંપતિને થયેલા ભૂતિયા અનુભવોઃ

નવા ઘરની સાફસફાઈ દરમિયાન મિસિસ સ્મિથને ઘરના સ્ટોર રૂમના એક ખૂણામાં પડેલા કબાટમાંથી એક એવી વસ્તુ મળી આવી જેને જોઈને તેના શરીરમાંથી ડરનું એક લખલખું પસાર થઈ ગયું. કથ્થઈ રંગના એક ખોખામાંથી તેને એક માનવ ખોપરી મળી આવી હતી. એરિકે એ ખોપરીનો વિધિપૂર્વક નિકાલ કરી દીધો. જોકે એનાથી ઘરમાં સંભળાતા ‘ફૂટ સ્ટેપ્સ’ કે દરવાજા પર થતા ટકોરા બંધ થયા નહીં. એક રાતે સ્મિથ દંપતીને પેલી ભૂતિયા ઘોડાગાડી પણ જોવા મળી. તેમણે તાત્કાલિક ‘ધ ડેઈલી મિરર’ અખબારનો સંપર્ક સાધ્યો અને વિનંતી કરી કે તેમના ઘરમાં થતી ભૂતિયા પ્રવૃત્તિઓનું કારણ શોધવામાં તેમની મદદ કરવામાં આવે. ૧૦ જૂન, ૧૯૨૯ના રોજ અખબાર દ્વારા હેરી પ્રાઇસ નામના એક પેરાનોર્મલ નિષ્ણાતને બોરલે રેક્ટરી મોકલવામાં આવ્યો. હેરી પ્રાઇસ ભૂત-પ્રેત જેવી અગોચર શક્તિઓ વિશે સંશોધન કરવામાં પંકાયેલો હતો. બોરલે રેક્ટરીમાં ઘણા દિવસો રહી, ભૂતપ્રેતની હાજરીનો પ્રત્યક્ષ અનુભવ મેળવી હેરીએ જે અહેવાલ તૈયાર કર્યો એ ‘ધ ડેઈલી મિરર’માં છપાતા સનસનાટી મચી ગઈ. આમ જનતાને પહેલી જ વાર બોરલે રેક્ટરીમાં થતી ભૂતાવળ વિશે જાણવા મળ્યું. હેરી પ્રાઇસને જબરી લોકપ્રિયતા મળી. પાછળથી તેણે બોરલે રેક્ટરીમાં પોતાને થયેલા ખોફનાક અનુભવો વિશે ‘ધ હોન્ટિંગ ઓફ બોરલે રેક્ટરી’ નામનું પુસ્તક પણ લખ્યું, જે ભારે સફળ નીવડ્યું.

બોરલે રેક્ટરીનું રહસ્ય:

ઈતિહાસનાં પાનાં ઉવેખીને હેરી પ્રાઇસે બોરલે રેક્ટરી વિશે જે રહસ્ય શોધી કાઢ્યું હતું તે કંઈક આ પ્રમાણે હતું. બોરલે રેક્ટરી જે જગ્યાએ બન્યું હતું એ જમીન પર સન ૧૩૬૨માં એક ખ્રિસ્તી મઠ ઊભો હતો. મઠમાં રહેતા એક યુવાન સાધુને નજીકની કોનવૅન્ટમાં રહેતી એક નન સાથે પ્રેમ થઈ ગયો હતો. બંને ચોરીચોરી મળવા લાગ્યાં હતાં. ચર્ચના સંચાલકોને જ્યારે તેમના પ્રેમપ્રસંગની જાણ થઈ ત્યારે જાણે કે તોફાન મચી ગયું. ચર્ચના આદેશનું ઉલ્લંઘન કરનારા પ્રેમીઓને પાપી જાહેર કરી તેમને મોતની સજા સંભળાવવામાં આવી. સાધુને શિરચ્છેદની સજા આપી તેનું માથું વાઢી લેવામાં આવ્યું, જ્યારે નનને એ જ મઠની એક દીવાલમાં જીવતી ચણી દેવામાં આવી. બસ, ત્યારથી લઈને એ બંને અધૂરા પ્રેમીઓનાં પ્રેત એ મઠની આસપાસ ભટકતાં રહેતાં. મઠના પતન પછી સદીઓ બાદ ત્યાં બોરલે રેક્ટરીનું બાંધકામ કરવામાં આવ્યું. ભૂતિયા જમીન પર બનેલું હોવાથી જ એ મકાનમાં ભૂતાવળ થતી હતી. નનનો અતૃપ્ત આત્મા સદીઓ સુધી રેક્ટરીમાં અને તેની આસપાસના વિસ્તારમાં ભટકતો રહ્યો અને લોકોને ડરાવતો રહ્યો. રાતે દેખાતો પેલો મસ્તકવિહોણો ઘોડેસવાર બીજું કોઈ નહીં પણ શિરચ્છેદની સજા પામેલો યુવાન સાધુ હતો.

બોરલે રેક્ટરીનો અંત:

સન ૧૯૩૯માં આ મકાન કેપ્ટન ડબ્લ્યુ. એચ. ગ્રેગસનને વેચી દેવામાં આવ્યું. નવા ઘરમાં રહેવા આવ્યાના થોડા દિવસોમાં જ એક દુર્ઘટના ઘટી. કેપ્ટન ગ્રેગસનના હાથમાંથી એક સળગતો કેરોસીન લેમ્પ અકસ્માતે નીચે પડી ગયો અને ઘરમાં આગ લાગી ગઈ. જોતજોતામાં આગે ભયંકર સ્વરૂપ લઈ લીધું અને બોરલે રેક્ટરી એ આગમાં બળીને રાખ થઈ ગયું. પાંચ વર્ષ સુધી તે ખંડેરની હાલતમાં ઊભું રહ્યું અને છેવટે ૧૯૪૪માં તેનું નબળું પડેલું બાંધકામ આપોઆપ જ ધડાકાભેર તૂટી પડ્યું. સમયનો પ્રવાહ એક વખતના ભવ્ય અને ભૂતિયા મકાનને ભરખી ગયો અને ત્યાં થતી ભૂતાવળ પણ બોરલે રેક્ટરીના અંત સાથે હંમેશ માટે ખતમ થઈ ગઈ.

Article : 12. શરીરમાં ઘર કરી ગયેલા એ ભૂતો

નામ તેનું એનેલિસ માઈકલ. ૨૧ સપ્ટેમ્બર, ૧૯૫૨ને દિવસે જર્મનીના બર્લિન શહેરમાં તેનો જન્મ થયો હતો. તેનું કુટુંબ કેથોલિક ધર્મ પાળતું હોવાથી નાનપણથી જ એનેલિસને ચર્ચમાં જવાની ટેવ પાડવામાં આવી હતી. તે ચર્ચમાં માત્ર પાર્થના કરવા કે ધાર્મિક પ્રવચન સાંભળવા જ નહોતી જતી, પરંતુ ચર્ચના મકાન અને બગીચાની સાફ-સફાઈ કરવામાં પણ તેને ઘણો આનંદ મળતો. બાળપણથી જ તે પ્રતિભાશાળી હતી અને ચર્ચ દ્વારા કરવામાં આવતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તે અચૂક ભાગ લેતી. શાળાકીય અભ્યાસ દરમ્યાન તેની રીતભાત સંપૂર્ણપણે સભ્યતાથી ભરપૂર રહેતી. બોલવામાં અને વ્યવહારમાંય એકદમ સભ્ય અને સંસ્કારી. ભણવામાં હોશિયાર હોવાથી તેણે ડૉક્ટર બનવાનું સ્વપ્ન જોયું હતું. બધી રીતે જોતાં એનેલિસ એક આદર્શ દીકરી હતી જેનું સુંદર ભવિષ્ય હતું.

જર્મનીના બીજા શહેર બાવેરિયામાં આવેલી મેડિકલ યુનિવર્સિટીમાં એડમિશન મળ્યું એ દિવસ એનેલિસનાં જીવનનો સૌથી ખુશીનો દિવસ હતો, કેમ કે બાવેરિયા મેડિકલ યુનિવર્સિટી વિશ્વની ટોચની મેડિકલ યુનિવર્સિટી ગણાતી હતી અને ત્યાં એડમિશન લેવા માટે ભારે ધસારો રહેતો હતો. ઈ.સ. ૧૯૬૮માં ૧૬ વર્ષની વયે એનેલિસ ઘર છોડીને બાવેરિયા નામના રમણિય શહેરમાં આવી ગઈ. કોલેજની જ હોસ્ટેલમાં રહીને તે ભણવા લાગી. હસમુખા અને મળતાવડા સ્વભાવને લીધે તેણે થોડા જ દિવસોમાં હોસ્ટેલની છોકરીઓ અને સ્ટાફ સાથે મૈત્રીપૂર્ણ સંબંધો સ્થાપી દીધા. બધાં જ એનેલિસને પસંદ કરતાં હતાં.

શરૂઆતનાં થોડાં અઠવાડિયા બાદ ધીમે ધીમે એનેલિસનું વર્તન બદલાવા માંડ્યું. કોઈ પણ દેખીતા કારણ વગર તે વારંવાર ગુસ્સે થઈ જતી. તેનો સ્વભાવ અતડો થવા લાગ્યો અને તે એકલી રહેવા લાગી. શરૂઆતમાં કોઈએ તેના સ્વભાવમાં આવેલા બદલાવ પર ખાસ ધ્યાન આપ્યું નહીં, પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ પરિસ્થિતિ વધુ ગંભીર થતી ગઈ. એનેલિસને આંચકીઓ આવવા લાગી અને એવા સમયે તે ડોળા ચઢાવી જઈ નીચે પડી જતી. ઘણી મિનિટો સુધી આ જ રીતે નિશ્ચેત પડ્યા રહ્યા બાદ તે આપોઆપ જ ઊભી થઈ જતી, અને એ રીતે વર્તતી કે જાણે કંઈ બન્યું જ ન હોય. ધીમે ધીમે આચંકીઓનું પ્રમાણ વધવા લાગ્યું અને દિવસમાં ત્રણ-ચાર વાર તેને આ તકલીફ થવા લાગી. આંચકીઓનું પ્રમાણ વધતાં હવે તેના શરીર પર એની અસર દેખાવા લાગી. તેને સતત સ્નાયુઓનો દુખાવો થતો રહેતો.

એવામાં એક સવારે કંઈક એવું બની ગયું કે જે કદી કોઈની કલ્પનામાં પણ ન આવે. એનેલિસ બાથરૂમમાં સ્નાન કરી રહી હતી. અચાનક જ તે કંઈ પણ પહેર્યા વિના બહાર દોડી આવી અને હોસ્ટેલની લોબીમાં જઈ બૂમાબૂમ કરવા લાગી. તેને તદ્દન નગ્ન અવસ્થામાં જોઈ બધા ચોંકી ગયા, પરંતુ તેનું વર્તન એટલું આક્રમક હતું કે કોઈની હિંમત તેની નજીક જઈ તેને શાંત પાડવા કે કોઈ વસ્ત્ર ઓઢાડવાની થઈ નહિ. મિનિટો બાદ તે જાતે જ શાંત થઈ ગઈ અને પોતાના કમરામાં જતી રહી. આ એક અત્યંત ગંભીર બાબત હોવાથી એનેલિસના પરિવારજનોને તાત્કાલિક ખબર આપવામાં આવી.

એનેલિસના ઘરવાળા તો એ ઘટના વિશે સાંભળીને અવાચક થઈ ગયા. એનેલિસ આ પ્રકારનું બેહુદું અને અસભ્ય વર્તન કરે એ એમના મતે શક્ય જ નહોતું. એ ઘટના બન્યા બાદ હોસ્ટેલની કોઈ પણ છોકરી એનેલિસ સાથે એક કમરામાં રહેવા તૈયાર નહોતી, કેમ કે એનેલિસ હિંસક બની જતી ત્યારે ન કરવાનું કરી બેસતી અને કોઈના કાબૂમાં આવતી નહિ. એકાદ-બે વાર તેણે પોતાની રૂમ પાર્ટનરને માર પણ માર્યો હતો. આથી એનેલિસના ઘરના લોકો તેને લેવા ન આવે ત્યાં સુધી તેને એકલી જ એક રૂમમાં પૂરી રાખવામાં આવી, પરંતુ એનેલિસને આનો કોઈ વાંધો નહોતો, કેમ કે તે એકાંતને પોતાનો સાથી બનાવી ચૂકી હતી.

એનેલિસનાં માતા-પિતા તેને લેવા હોસ્ટેલ પહોંચે તેની એક રાત પહેલાં એક ભયંકર ઘટના ઘટી. અડધી રાતે કોઈકે એનેલિસને હોસ્ટેલના ગાર્ડનમાં નગ્નાવસ્થામાં પડેલી જોઈ. તેના શરીર પર અનેક ઘા પડેલા હતા અને તે લોહીલુહાણ અવસ્થામાં હતી. એનેલિસ સાથે જે બન્યું હતું એને લીધે હોસ્ટેલમાં હો-હા મચી ગઈ. સ્ટાફ અને તમામ છોકરીઓ ગાર્ડનમાં ભેગી થઈ ગઈ. એનેલિસની હાલત જોઈ કેટલીક છોકરીઓને ઊલટી થઈ ગઈ તો અમુક તો આઘાતની મારી બેહોશ થઈ ગઈ. પોલીસ આવી ત્યાં સુધીમાં એનેલિસ થોડી સ્વસ્થ થઈ ચૂકી હતી. પોલીસ સાથેની વાત દરમ્યાન તેણે ધડાકો કરતા કહ્યું, ‘મારા પર બળાત્કાર થયો છે.’

તેની વાત સાંભળી વાતાવરણમાં ખામોશી છવાઈ ગઈ. એનેલિસ જે કંઈ કરતી હતી અને બોલતી હતી એ સ્પષ્ટપણે ગાંડપણનું લક્ષણ હતું એવું ધારી લેવામાં આવ્યું. ગાંડપણને લીધે જ તેણે સ્વયં પોતાની જાતને ઈજાઓ પહોંચાડી હતી એવું માની લેવાયું. તેનાં માતા-પિતાને બોલાવવામાં આવ્યા અને તેઓ એનેલિસને તેમના ઘરે લઈ ગયાં. બાવેરિયા પોલીસે એ રાતે ખરેખર શું બન્યું હતું એની સઘન તપાસ ચલાવી. જોકે પોલીસ તપાસમાં કોઈ પણ શકમંદ વ્યક્તિ મળી નહિ એટલે માનસિક બીમારી હેઠળ એનેલિસ જૂઠ્ઠું બોલી રહી હતી એવો નિષ્કર્ષ કાઢવામાં આવ્યો. બીજી બાજુ તેના મેડિકલ રિપોર્ટમાં એવું બહાર આવ્યું કે, એ રાતે તેના ઉપર એકથી વધુ વાર બળાત્કાર થયો હતો! પોલીસ અને ડૉક્ટરમાંથી સાચું કોણ એની અવઢવમાં બધા હતા. હકીકત એ હતી કે, પોલીસ અને ડૉક્ટર બંને જ સાચા હતા. એનેલિસ માઈકલ પર એ રાતે ખરેખર બળાત્કાર થયો હતો, પરંતુ બળાત્કાર કરનાર કોઈ ઈન્સાન નહોતા તેના પર બળાત્કાર કરનાર ભૂતો હતા! ભૂતો! એકથી વધારે ભૂતો!

બર્લિનમાં મનોચિકિત્સક પાસે લઈ જવાયેલી એનેલિસે જ્યારે એવું કહ્યું કે, તેના ઉપર એકથી વધારે ભૂતોએ બળાત્કાર કર્યો હતો ત્યારે મનોચિકિત્સક પણ ચોંકી ગયા. એનેલિસની માનસિક સારવાર માટે વધુ સારા ડૉક્ટરોને રોકવામાં આવ્યા, પરંતુ તેના વર્તનમાં કોઈ જ સુધારો થયો નહિ. તે હવે પહેલાં કરતાં વધુ હિંસક બની ગઈ. તે ડૉક્ટરો અને નર્સો ઉપર હુમલો કરવા લાગી. હિંસક અવસ્થામાં તે જાતજાતના અવાજો કાઢતી. પુરુષોના અવાજમાં બોલતી. તેને સતત પલંગ સાથે બાંધી રાખવાના દિવસો આવ્યા. મોંઘામાં મોંઘી દવાઓની પણ તેના ઉપર કોઈ હકારાત્મક અસર થતી નહોતી. છેવટે ડૉક્ટરોએ હાથ ઊંચા કરી દીધા.

એનેલિસના રહસ્યમય વર્તનનો મેડિકલ સાયન્સ પાસે કોઈ જવાબ નહોતો, એટલે છેવટે ચર્ચના પાદરીની મદદ માગવામાં આવી. ઘરમાં પણ એનેલિસને તેના રૂમમાં પલંગ પર બાંધીને જ રાખવામાં આવતી હતી અને એની એ દશામાં જ પાદરીએ તેની સારવાર શરૂ કરી. દયાળુ પાદરી સવાર-સાંજ તેની પાસે જઈ દૈવી પ્રાર્થના કરતા અને એનેલિસને પિશાચોના કબજામાંથી છોડાવવા માટે ઈશુને પ્રાર્થના કરતા.

એક રવિવારે સવારની પ્રાર્થના બાદ એનેલિસની માતા કેથરીન પાદરીને ચર્ચમાં મળી. કેથરીને તેમને કહ્યું કે, તેઓ એક વાર એનેલિસને સાજી કરી દે પછી તેઓ તેમની પુત્રીને ઈશુને જ સમર્પિત કરી દેશે. તેને નન બનાવી દેશે.

કેથરીનની ઈચ્છા-પ્રાર્થના ઈશ્વરે તો ન સાંભળી, પરંતુ શેતાને સાંભળી લીધી. એ રાતે એનેલિસ પર ભૂતોએ ફરી વાર બળાત્કાર કર્યો. પલંગ પર લોહીલુહાણ હાલતમાં પડેલી એનેલિસ પોતાની માતા કેથરીનને સંબોધીને પુરુષના અવાજમાં ગર્જના કરતા બોલી, ‘આવી અપવિત્ર છોકરી કદી નન ન બની શકે!’

એનેલિસના શરીરમાં ભૂતો વસતા હોવાના કોઈ વધારે પુરાવાઓની હવે જરૂર નહોતી. તેણે ખાવા-પીવાનું છોડી દીધું અને ધીમે ધીમે તેનું શરીર ઘસાતું ચાલ્યું. દીકરીને કોઈ પણ ભોગે બચાવવા માટે મરણિયા બનેલાં માઈકલ દંપતીએ ઘણા તાંત્રિક વિધિના જાણકારોને બોલાવીને પણ વિધિઓ કરાવી જોઈ, પરંતુ કોઈ ફાયદો થયો નહિ.

એનેલિસના કૃશકાય શરીરમાં પણ ભૂતો ઉત્પાત મચાવતાં રહ્યાં. ભૂતોના હુમલા દરમ્યાન તે ભારે ઊછળકૂદ કરી બંધનમુક્ત થવા પ્રયત્નો કરતી. હારેલા-થાકેલા માઈકલ પરિવારે છેવટે એનેલિસના બચવાની આશા છોડી દીધી.

તમામ પ્રકારની સારવાર બંધ કર્યા બાદ પણ તે અઠવાડિયા સુધી જીવતી રહી. છેવટે ૧ જુલાઈ, ૧૯૭૬ના દિવસે તેણે દમ તોડી દીધો. તેના શરીરમાં ઘૂસેલાં ભૂતો આખરે તેને પોતાની સાથે જ લઈ ગયાં. એક હોનહાર યુવતી ફક્ત ૨૪ વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી ગઈ. એનેલિસની કહાની પરથી ૨૦૦૬માં જર્મનીમાં ‘રેકવીમ’ નામની એક ફિલ્મ પણ બની હતી.

Article : 13. એડિનબર્ગનો ભૂતિયો કિલ્લો

ભેંકાર અંધકારમાં ભીની દીવાલને પીઠ અડાડીને ઊભેલી રેબેકાનાં હૃદયની ધડકનો તેજ હતી. વાસી, ભેજવાળી હવાની ગંધ તેને બેચેન બનાવી રહી હતી. કંઈક અગોચર, કંઈક અવિશ્વસનીય બનાવની સાક્ષી બનવા તે આતુર હતી. વાતાવરણમાં થતો સહેજ પણ ફેરફાર પામી લેવાનું ચૂકી ન જવાય એ માટે તે ભારે સચેત હતી. અંધારામાં કંઈ જ દેખાતું ન હોવા છતાં તે આંખો ફાડીને ઊભી હતી. કદાચ, ક્યાંક કંઈક દેખાય જાય..!

અચાનક તેને ઓરડીનાં એક ખૂણામાં કંઈક હલચલ જણાઈ. આંખો ઝીણી કરીને ધ્યાન આપતા તેણે મહેસૂસ કર્યું કે ત્યાં કોઈક શ્વાસ લઈ રહ્યું હતું. તેના હૃદયના ધબકારાની ગતિ તેજ થઈ. બે-પાંચ પળમાં જ શ્વાસોશ્વાસની ગતિ વધી, અવાજ વધુ મોટો અને સ્પષ્ટ થયો. રેબેકાનું શરીર પરસેવે રેબઝેબ થવા માંડ્યું. કાન પર લગાવેલા માઈક્રોફોનમાં તે હળવેકથી બોલી, ‘સર, મને કોઈકના શ્વાસોશ્વાસ એક ખૂણામાં સંભળાય છે.’

‘કેમેરા રેડી રાખ, રેબેકા.’ સામે છેડેથી કોઈ પુરુષનો અવાજ આવ્યો. રેબેકાની પકડ તેના હાથમાં રહેલા ડિજીટલ કેમેરા પર વધુ મજબૂત થઈ. શ્વાસોશ્વાસની ગતિ હવે ખરેખર ઝડપી બની રહી હતી. રેબેકાનાં પગ ડરનાં લીધે ધ્રૂજવા લાગ્યા. કદાચ પેલા શ્વાસોશ્વાસ રેબેકાની નજીક આવી રહ્યા હતા.

‘રેબેકા, કશું દેખાય છે તને?’ માઈક્રોફોનમાં અવાજ આવ્યો એટલે રેબેકાએ જવાબ આપ્યો, ‘અહીં કંઈક… કંઈક છે, સર!’

‘ફોટો પાડ! જલદી!’ માઈક્રોફોનમાંથી આદેશાત્મક અવાજ આવ્યો અને રેબેકા એ કેમેરાની ચાંપ દબાવી દીધી.

ક્લિક!

તેની બીજી જ પળે ઓરડીનો દરવાજો ‘ધડ’ કરતા ખૂલ્યો અને બે-ત્રણ પુરુષો અંદર ધસી આવ્યા. ઓરડીમાં અજવાળું રેલાયું અને રેબેકાએ પેલા પુરુષોને એક ખૂણા તરફ આંગળી ચીંધી. ત્યાં, એ ખૂણામાં, કંઈ જ નહોતું! પેલા શ્વાસોશ્વાસ બંધ થઈ ગયા હતા. રેબેકા અને એના સાથી પુરુષો ફાટી આંખે, ધડકતા હૃદયે, ધ્રૂજતા શરીરે એ ખૂણા તરફ તાકી રહ્યા.

***

સ્કોટલૅન્ડ દેશના એડિનબર્ગ શહેરમાં એક તરફ દરિયા અને બીજી તરફ હરિયાળી ટેકરીઓ વચ્ચે એક કિલ્લો આવેલો છે. નિષ્ક્રિય જ્વાળામુખી પર્વતની ટોચે ઊભેલો એ કિલ્લો ‘એડિનબર્ગના કિલ્લા’ને નામે વિશ્વવિખ્યાત છે. છેક બારમી સદીમાં બંધાયેલા એ કિલ્લાના પરિસરમાં સદીઓ સુધી નાના-મોટા બાંધકામ થતા રહ્યા હતા એટલે વર્તમાનમાં તો એ કિલ્લો ખાસ્સા વિશાળ વિસ્તારમાં ફેલાયેલો છે. કિલ્લાની મજબૂત દીવાલો વચ્ચે શાહી મહેલ, રાષ્ટ્રીય સ્મારકો અને મ્યુઝિયમ તથા એક ચર્ચ પણ બનેલું છે. કિલ્લામાં એક અન્ડરગ્રાઉન્ડ જેલ પણ છે અને નજીકમાં જ ખાસ સૈનિકો માટે જ બનાવવામાં આવેલું એક કબ્રસ્તાન પણ ખરું. સન ૧૬૦૩ સુધી આ કિલ્લો રાજવી ઘરાનાનું રહેઠાણ હતો અને ત્યાર બાદ તેનો ઉપયોગ લશ્કરીમથક તરીકે કરવામાં આવતો હતો. ફ્રાંસ સાથે ચાલેલા સાત વર્ષ લાંબા યુદ્ધ સહિત અનેક યુદ્ધો અને વિગ્રહોનો સાક્ષી બનેલો આ કિલ્લો ઈતિહાસની તવારીખમાં કંઈ કેટલાયે રહસ્યો ધરબીને બેઠો છે. ભવ્ય ભૂતકાળ ધરાવતા આ ઐતિહાસિક કિલ્લાનો વિશ્વવિખ્યાત ટાઈમ મેગેઝિને દુનિયાનાં ટોચનાં ૧૦ સૌથી વધુ ભૂતિયા સ્થળોમાં સમાવેશ કર્યો છે.

એડિનબર્ગના કિલ્લામાં થતી ભૂતાવળઃ

એડિનબર્ગના કિલ્લામાં એક કરતાં અનેક ભૂતાવળ સદીઓથી થતી આવી છે. સન ૧૫૩૭માં લેડી ગ્લેમીસ નામની સ્ત્રી પર ડાકણ હોવાનો આરોપ લગાડી આ કિલ્લામાં જ કેસ ચલાવવામાં આવ્યો હતો. તેણીને નવજાત બાળકોનું ભક્ષણ કરી જવાના ગુનામાં મોતની સજા સંભળાવવામાં આવી હતી અને કિલ્લાના પ્રાંગણમાં જ જાહેર જનતાની હાજરીમાં તેને જીવતી સળગાવી દેવામાં આવી હતી. કિલ્લાનાં જે હોલમાં લેડી ગ્લેમીસ ઉપર કેસ ચલાવવામાં આવ્યો હતો એ જ હોલમાં તેનું પ્રેત અવારનવાર દેખાતું રહ્યું છે.

લેડી ગ્લેમીસ ઉપરાંત મસ્તકવિહોણા એક ડ્રમર (શાહી તબલાવાદક)નું પ્રેત પણ કિલ્લાના અમુક ચોક્કસ ભાગમાં દેખાતું રહ્યું છે. ઘણીવાર તે ડ્રમર દેખાતો નથી પણ તેના ડ્રમનો સંગીતમય અવાજ સંભળાય છે. પાઈપર નામે ઓળખાતા એક શાહી બેન્ડવાળા પુરુષનું પ્રેત પણ કિલ્લાની પરસાળોમાં ભટકતું જોવા મળ્યું છે. જાણે કે કોઈ શાહી સમારંભની તૈયારી કરતો હોય એમ તે ખૂબ જ ગંભીરતાપૂર્વક વાજિંત્ર વગાડતો ચાલ્યો જતો દેખાય છે. એક કાળા કદાવર કૂતરાનું પ્રેત પણ કિલ્લાની બહાર આવેલા કબ્રસ્તાનમાં જમીન સૂંઘતું ફરતું દેખાતું રહે છે. એ કૂતરાનો માલિક કોણ હતો એ કદી જાણી શકાયું નથી, પરંતુ કહેવાય છે કે એ કોઈ સ્કોટીશ સિપાઈ હતો જેને એ કિલ્લાના પરિસરમાં બનેલા કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો હતો. કૂતરાનું પ્રેત તેના માલિકની કબર શોધવા માટે જ જમીન સૂંઘતું ફરતું રહે છે, એવી વાયકા છે.

આ ઉપરાંત પણ વણઓળખાયેલા અનેક પ્રેત સદીઓથી એડિનબર્ગ કિલ્લામાં ભટકતાં જણાયા છે. તેમાંનાં મોટાભાગના યુદ્ધકેદીઓ હતા કે જેમને દેહાંતદંડની સજા આપવામાં આવી હતી. કિલ્લાની નીચે ભુલભુલામણી જેવી જેલ બનાવવામાં આવી છે જેમાં ૧૨૦ જેટલી અંધારી ઓરડીઓ છે. યુદ્ધ દરમિયાન પકડાયેલા દુશ્મન દેશના સિપાઈઓને આ અન્ડરગ્રાઉન્ડ જેલમાં કેદ કરવામાં આવતા હતા. તેમાનાં ઘણા ઉપર શારીરિક જુલમો કરવામાં આવતા. કેટલાકને કાયદેસર મોતની સજા સંભળાવવામાં આવતી તો કેટલાક અસહ્ય ટોર્ચર સહન ન થતાં અંધારી કોટડીઓમાં જ દમ તોડી દેતા. ગણી ન શકાય એટલી મોતની સાક્ષી બનેલી એ જેલની દીવાલો એટલે જ ભૂતાવળી બની ગઈ. કિલ્લામાં થતાં મોટા ભાગનાં ભૂતપ્રેત એ અંધારિયા ભોંયરામાં જ દેખા દેતા રહ્યા છે.

ભૂતિયા કિલ્લા વિશેનું રસપ્રદ સંશોધનઃ

દક્ષિણ-પૂર્વ ઇંગ્લેન્ડમાં આવેલ શહેર હર્ટ ફોર્ડ શાયરની યુનિવર્સિટીના મનોચિકિત્સક ડૉ. રિચર્ડ વાઈઝમેનને એડિનબર્ગના કિલ્લામાં થતી ભૂતાવળો વિશે સાંભળીને એ ભૂતિયા કિલ્લા વિશે સંશોધન કરવાનું મન થયું. એડિનબર્ગ ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલનાં એક ભાગરૂપે તેમણે આ કાર્ય કરવાનું બીડું ઝડપ્યું. વર્ષ ર૦૦૧માં ૬ એપ્રિલથી ૧૭ એપ્રિલ દરમિયાન એમના દ્વારા એક પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો. અગોચર શક્તિઓને સાબિતિ મેળવવા માટે વૈજ્ઞાનિક દૃષ્ટિએ કરવામાં આવેલું એ દુનિયાનું સૌથી મોટું સંશોધન હતું.

આ પ્રોજેક્ટ માટે યુરોપની મુલાકાતે આવેલા અલગ અલગ દેશોના ર૪૦ સ્વયંસેવકો પસંદ કરવામાં આવ્યા હતા. તેઓને મળીને એડિનબર્ગના કિલ્લા વિશેનું તેમનું જ્ઞાન તપાસવામાં આવ્યું અને જેઓ કિલ્લા વિશે ઝાઝી માહિતી નહોતા ધરાવતા તેમને જ પસંદ કરવામાં આવ્યા હતા. કિલ્લાના ભોંયરામાં કઈ કોટડી કે ઓરડીમાં અને કયા હોલમાં ભૂતાવળ થતી એના વિશે કોઈ પણ સ્વયંસેવકને કંઈ પણ કહેવામાં આવ્યું નહોતું કે જેથી તેમનો તટસ્થ અભિપ્રાય મળી શકે.

સંશોધનનો નિચોડઃ

૧૦ દિવસના અભ્યાસ કાર્યક્રમ માટે ૧૦-૧૦ની કુલ ર૪ ટીમ બનાવવામાં આવી હતી. બધી જ ટીમોને થર્મલ ઈમેજર, જીઓ-મેગ્નેટીક સેન્સર, તાપમાનમાપક, નાઈટવિઝન કેમેરા જેવા અત્યાધુનિક સાધનોથી સજ્જ કરવામાં આવી અને પછી રાતનાં સમયે કિલ્લાનાં અલગ અલગ હિસ્સામાં તેમને લઈ જવામાં આવ્યા. સંશોધન પ્રોજેક્ટના પત્યા બાદ ચોંકાવનારા પરિણામો મળ્યા. અડધાથી વધુ સ્વયંસેવકોને ભૂતિયા અનુભવો થયા હતા. અગાઉ ભૂતિયા પ્રવૃત્તિઓ થતી હતી એ તમામ જગ્યાઓ અને કોટડીઓમાં જેનો ખુલાસો ન આપી શકાય એવા અનુભવો સ્વયંસેવકોને થયા, જેમ કે તાપમાનમાં અચાનક ઘટાડો થવો, પડછાયા દેખાવા અને કોઈક અદૃશ્ય શક્તિ તેમને તાકી રહી હોવાની વિચિત્ર લાગણી થવી. એક સ્વયંસેવકના ઘૂંટણથી લઈને પગની પાની સુધીની ચામડી રહસ્યમય ઢબે દાઝી ગઈ હતી તો એક મહિલા સ્વયંસેવકે પોતાની ગરદન પર કોઈક અદૃશ્ય હાથનો ઠંડો સ્પર્શ મહેસૂસ કર્યો હતો! દસથી વધુ સ્વયંસેવકોના વસ્ત્રો ખેંચાયાની ઘટના બની હતી. સૌથી વધુ ભૂતાવળ થતી હોવાનું કહેવાતું હતું એવી એક કોટડીમાં પેલી રેબેકા નામની યુવતીને પૂરી દેવામાં આવી હતી. તેણે જે ફોટો પાડ્યો હતો તેમાં એક સફેદ ધુમ્મસીયું ધાબું દેખાયું હતું. આવા જ ધાબાં કેમેરામાં અંકિત કરી લેવામાં બીજા ત્રણ સ્વયંસેવકોને પણ સફળતા મળી હતી.

વાયકાઓ, અફવાઓ અને અંધશ્રદ્ધાથી ન દોરવાઈ જતાં ડૉ. વાઈઝમેને શક્ય એટલા વધુ વૈજ્ઞાનિક પરિણામો મેળવવાની કોશિશ કરી હતી. તેમણે જે ફાઈનલ રિપોર્ટ બનાવ્યો તેમાં લખ્યું, ‘તાપમાનમાં અચાનક થયેલા ઘટાડાને સહજ ગણીને ટાળી શકાય. વસ્ત્રો ખેંચાવા કે ચામડી પર કોઈકનાં અદૃશ્ય હાથનો સ્પર્શ થવા જેવા અનુભવોને પણ ભ્રમણામાં ખપાવી શકાય, પરંતુ કોઈ પણ દેખીતા કારણ વગર ચામડી દાઝી જાય એ ઘટનાનો શો ખુલાસો આપી શકાય? ચાર જેટલા ફોટોગ્રાફ્સ (કે જે કિલ્લામાં અલગ અલગ જગ્યાએ લેવામાં આવ્યા હતાં)માં દેખાતા ધુમ્મસિયા સફેદ ધાબાંને કેમ નજરઅંદાજ કરી શકાય. ફોટોગ્રાફ્સના વિશેષ પૃથક્કરણ બાદ પણ કોઈ કહી શકતું નથી કે એ ધાબાં શું છે? આ પ્રોજેક્ટનો હેતુ સમાજમાં અંધશ્રદ્ધા ફેલાવવાનો કે અગોચર શક્તિઓનાં અસ્તિત્વને સાબિત કરવાનો હરગિઝ નથી, પરંતુ એડિનબર્ગના એ કિલ્લામાં ચોક્ક્સ જ કંઈક એવું છે જે આપણી સમજશક્તિથી પર છે. કંઈક એવું જેનો વિજ્ઞાન પાસે કોઈ જવાબ નથી.’

ભૂતિયા કિલ્લામાં ભ્રમણઃ

ફ્રેન હોલિન્રેક નામની મહિલા વર્ષોથી આ કિલ્લામાં ભૂતિયા ટૂરનું આયોજન કરે છે. તેણીને કદી કોઈ પ્રેત દેખાયા નથી, પરંતુ તેના પ્રવાસીઓ પૈકી ઘણાં છે જેમણે કિલ્લામાં ભૂતાવળ જોવાનાં દાવા કર્યા છે. લગભગ દર થોડા દિવસે અહીં ભૂત જોયાના દાવા પ્રવાસીઓ દ્વારા થતાં રહે છે, એટલે એડિનબર્ગનો આ વિશાળ, ઐતિહાસિક, ભવ્ય અને ભૂતાવળો કિલ્લો સદીઓથી પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષી રહ્યો છે અને આકર્ષતો રહેશે.

Article : 14. પ્રવાસીઓને ખાઈ જતી ‘હોટલ સેવોય’

વિશ્વભરમાં આવેલી હોટલો પૈકી અનેક હોટલો ભૂતિયા હોવાનું કહેવાતું આવ્યું છે. કેટલીક હોટલો ફક્ત પબ્લિસિટી મેળવવા માટે ભૂત દેખાતું હોવાનું તિકડમ ચલાવતી હોય છે, તો કેટલીક હોટલોમાં ખરેખર ભૂત દેખા દેતું હોય છે. આવી ભૂતિયા હોટલ હોવાના લિસ્ટમાં ભારત પણ પાછળ નથી. ભૂતિયા હોટલ તરીકે બહુ જાણીતી થયેલી એક હોટલ એટલે મસૂરીમાં આવેલી ‘હોટલ સેવોય’. આ એક એવી હોટલે છે જેણે ભૂતકાળમાં એને ત્યાં રાત્રિ રોકાણ કરનારા એકથી વધુ પ્રવાસીઓને રહસ્યમય રીતે મોતને ઘાટ ઉતારી દીધાં હતાં.

હોટલ સેવોયનો ઈતિહાસ:

વાત એ જમાનાની છે કે જ્યારે ભારતમાં અંગ્રેજો રાજ કરતા હતા. ઉત્તર ભારતની ગરમીથી ત્રસ્ત અંગ્રેજોએ હિમાચલ પ્રદેશના શિમલા શહેરને ઉનાળુ રાજધાની બનાવી હતી. ઉનાળાની ગરમીમાં અંગ્રેજ અમલદારો સપરિવાર શિમલા જતા રહેતા અને ત્યાં જ રહેતા. સમય જતાં શિમલાનું આકર્ષણ ઘટવા લાગ્યું. ત્યાંના કડક અમલદારશાહી વાતાવરણથી કંટાળીને અંગ્રેજોએ હવા ખાવાના બીજા કોઈ સ્થળ વિશે તપાસ આદરી. તેમની નજરમાં હાલના ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું મસૂરી વસી ગયું. આજે તો મસૂરી ખૂબ જ ફેમસ હિલ સ્ટેશન છે, પણ વીસમી સદીના શરૂઆતનાં વર્ષોમાં હજી મસૂરીનો પ્રવાસનધામ તરીકે કંઈ ખાસ વિકાસ થયો નહોતો. હિમાલયની ગિરિકંદરાઓથી ઘેરાયેલું મસૂરી વણખેડાયેલું જ રહ્યું હતું. અંગ્રેજોના વિશેષ રસ બાદ ધીમે ધીમે મસૂરીનો વિકાસ થવા લાગ્યો. મસૂરીથી લગભગ ૩૨ કિલોમીટર દૂર આવેલા દેહરાદૂન સુધી સન ૧૯૦૦માં રેલવેલાઈન પહોંચી ગઈ એ પછી તો મસૂરીનો વિકાસ ખૂબ ઝડપી થવા લાગ્યો અને ત્યાં પ્રવાસીઓની આવનજાવન વધવા લાગી.

આવા સમયે સન ૧૯૦૨માં ‘ધ સેવોય’ નામની હોટલ મસૂરીમાં બનાવવામાં આવી. અંગ્રેજી ગોથિક શૈલીમાં બંધાયેલી આ હોટલે શરૂઆતથી જ પ્રવાસીઓમાં આકર્ષણ જમાવ્યું હતું. મુખ્યત્વે લાકડામાંથી બનાવવામાં આવેલી આ હોટલ લગભગ ૧૧ એકરના વિસ્તારમાં ફેલાયેલી હતી. મુખ્ય મકાનમાં કુલ ૫૦ રૂમ હતા. હોટલમાં એક વિશાળ ડાઈનિંગ રૂમ અને બોલરૂમ હતા. દરરોજ રાતે બોલરૂમમાં ઓર્કેસ્ટ્રાનો પ્રોગ્રામ થતો અને મહેમાનો નૃત્યની મઝા માણતા જેની એ જમાનામાં ચારેકોર ચર્ચા ચાલતી. હોટલની બાલ્કનીઓમાંથી ‘દૂન વેલી’નું હૃદયંગમ દૃશ્ય જોવા મળતું. હોટલમાં આવેલો બાર ‘રાઇટર્સ બાર’ તરીકે મશહૂર થયો હતો. હોટલનો બગીચો ‘બિયર ગાર્ડન’ તરીકે ઓળખાતો હતો. ‘ધી પ્લેઝર કેપિટલ ઓફ ધી રાજ’ તરીકે જાણીતા બનેલા મસૂરીમાં હોટલ સેવોયનો દબદબો હતો. જેવા તેવા લોકોને તો તેમાં રહેવાનું પોસાતું પણ નહિ એટલી મોંઘી એ હોટલ હતી. માત્ર અંગ્રેજ અમલદારો જ નહિ, પરંતુ ભારત અને તેની આસપાસનાં દેશોના અનેક ઉમરાવો અને મહારાજાઓ હોટલ સેવોયમાં રજાઓ માણવા આવતા. આફ્રિકા ખંડના ઈથિયોપિયા દેશના રાજા, લાઓસ દેશના રાજકુમાર, જાણીતા વિશ્વપ્રવાસી લોવેલ થોમસ અને નોબેલ પ્રાઈઝ વિજેતા પર્લ એસ. બક પણ અહીં રહી ચૂક્યા હતા. હોટલ સેવોયની મહેમાનગતિ માણી ચૂકેલા મહાનુભાવોમાં જવાહરલાલ નેહરુ અને દલાઈ લામાનો પણ સમાવેશ થાય છે. માર્ચ ૧૯૦૬માં પ્રિન્સેસ ઓફ વેલ્સ ક્વીન મેરી પણ અહીં રોકાયાં હતાં. ૧૯૦૯ના વર્ષમાં મસૂરીમાં વીજળી પહોંચી ગઈ પછી તો હોટલ સેવોયની રોનક ઓર નીખરી ઊઠી. આવી આ ભવ્ય હોટલમાં બધું બરાબર ચાલી રહ્યું હતું ત્યાં જ...

એક રહસ્યમય હત્યા:

સન ૧૯૧૧ના વર્ષમાં હોટલ સેવોયમાં મિસ. ફ્રાન્સીસ ગાર્નેટ-ઓર્મ નામની મહિલા થોડા દિવસોની રજા માણવા આવી. ૪૯ વર્ષીય ફ્રાન્સીસ અગોચર શક્તિઓમાં વિશ્વાસ ધરાવતી હતી. તેની સાથે તેની સહેલી મિસ ઈવા માઉન્ટ સ્ટીફન પણ હતી. ઈવા લખનૌમાં રહેતી હતી અને પોતે પણ અગોચર શક્તિઓ વિશે અભ્યાસ કરી રહી હતી. ઉપરાંત તે ક્રિસ્ટલ ગેઝિંગ (કાચના ગોળામાં જોઈને ભવિષ્ય નિદાન કરવામાં) પણ નિષ્ણાત હતી. બંને સખીઓએ હોટલ સેવોયમાં થોડા દિવસો વિતાવ્યા. એ દરમિયાન બંનેનું વર્તન રહસ્યમય રહ્યું હતું. તેઓ ભાગ્યે જ હોટલના સ્ટાફ અને અજાણ્યાઓ સાથે વાતો કરતી. એક સવારે ઈવા એકલી જ હોટલ છોડીને લખનૌ જતી રહી. ઈવાના ગયા બાદ ફ્રાન્સીસ તેના રૂમમાં મૃત અવસ્થામાં મળી આવી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ તેનું મૃત્યુ ‘પ્રુસિક એસિડ’ (હાઈડ્રોજન સાઈનાઈડ)ને લીધે થયું હતું. ઈવાની ધરપકડ કરવામાં આવી અને તેના પર પોતાની સહેલીને ઝેર આપીને મારવાનો આરોપ લગાડવામાં આવ્યો. ધારણા એવી હતી કે ફ્રાન્સીસની સોડિયમ બાયકાર્બોનેટની બોટલમાં પ્રુસિક એસિડ નાખવામાં આવ્યું હતું. અને એ સોડિયમ બાયકાર્બોનેટનો ખાવામાં ઉપયોગ કરવાને લીધે જ ફ્રાન્સીસનું મોત થયું હતું. જોકે કોર્ટમાં એ વાત સાબિત નહોતી કરી શકાઈ કે આ કાવતરાને ઈવાએ જ અંજામ આપ્યો હતો. ઈવાએ કોર્ટમાં જે બયાન આપ્યું એણે સનસનાટી મચાવી દીધી. તેના કહેવા મુજબ ફ્રાન્સીસનું મોત થયું એ રાતે તેણે ભૂતપ્રેતની દુનિયા સાથે સંપર્ક કરવાની કોશિશ કરી હતી અને ખોટા મંત્રના ઉપયોગને લીધે કોઈક પ્રેતાત્માએ ગુસ્સામાં ફ્રાન્સીસની હત્યા કરી દીધી હતી. ઈવાનું આવું બયાન કોર્ટને માન્ય નહોતું. દુનિયાની કોઈ પણ કોર્ટ ભૂતપ્રેતના અસ્તિત્વને નકારી જ દે. ઈવાના અવાસ્તવિક જણાતા બયાન છતાં તેના વિરુદ્ધ કોઈ પુખ્તા સબૂત હાથ ન લાગતા કોર્ટે તેને છોડી મૂકી અને ફ્રાન્સીસ ગાર્નેટ-ઓર્મની હત્યાનો કેસ વણઉકેલ્યો જ રહી ગયો. ગૂઢ વિદ્યાની જાણકાર એક રહસ્યમય સ્ત્રીએ બીજી એવી જ સ્ત્રી મિત્રની હત્યા કરી હોવાની વાતે એ જમાનામાં આ કેસને ભારે પ્રસિદ્ધિ મળી હતી.

વિશ્વવિખ્યાત ક્રાઈમ નવલકથાકાર ‘અગાથા ક્રિસ્ટી’ની સન ૧૯૨૦માં લખાયેલી નવલકથા ‘ધી મિસ્ટિરિયસ અફેર એટ સ્ટાઈલ્સ’ આ જ કેસ ઉપર આધારિત હતી. અગાથા ક્રિસ્ટી જેવા જ બીજા નામી લેખક રસ્કિન બોન્ડને પણ આ રહસ્યમય કેસે ‘ઈન અ ક્રિસ્ટલ બોલ- અ મસૂરી મિસ્ટ્રી’ લખવાની પ્રેરણા આપી હતી.

એક કરતાં વધુ ભૂતોની સાક્ષી બનેલી હોટલ:

હોટલ સેવોયમાં અકાળે મોતને ભેટેલી ફ્રાન્સીસ ગાર્નેટ-ઓર્મનું ભૂત આજે પણ એ હોટલમાં ભટકતું હોવાની વાયકા છે. કેટલાંયે પ્રવાસીઓએ રાત્રિરોકાણ દરમ્યાન ફ્રાન્સીસને હોટલની અલગ અલગ જગ્યાઓએ જોઈ હોવાનો દાવો કર્યો છે. ફિલ્મોમાં બતાવવામાં આવે છે એવા ડરામણા ચહેરાને બદલે સાવ સામાન્ય (નોર્મલ) દેખાવ ધરાવતી ફ્રાન્સીસને જોઈને કોઈ કહી ન શકે કે તે એક પ્રેતાત્મા છે. તેને જોનારા લોકોના કહેવા મુજબ તે કંઈક તાણ અનુભવતી હોય એવું લાગતું. સાથોસાથ તે કંઈ શોધતી હોય એવું જણાતું. જોકે તેણે કદી કોઈને ડરાવવાની કે નુકસાન પહોંચાડવાની કોશિશ કરી નહોતી. તે બસ હોટલમાં આમથી તેમ આંટા મારતી રહેતી, જાણે કે કંઈક શોધવાની કોશિશ કરતી હોય! સ્થાનિક લોકોનું માનવું હતું કે ફ્રાન્સીસનું ભૂત સતત તેની હત્યા કરનાર વ્યક્તિને શોધતું રહેતું.

ફ્રાન્સીસ ઉપરાંત પણ બીજી બે વિદેશી વ્યક્તિઓનાં પ્રેત હોટલ સેવોયમાં ભટકતાં હોવાની ચર્ચા વર્ષોથી ચાલતી આવી છે. એમાંની પહેલી વ્યક્તિ છે બેટ્સી વાર્ડ નામની યુવતી કે જે હોટલના રૂમ નંબર ૫૦૫ના બાથટબમાં ડૂબીને મરી ગઈ હતી. તે અકસ્માતે ડૂબી ગઈ હતી કે તેને ડુબાડીને મારી નાખવામાં આવી હતી એ આજ સુધી એક રહસ્ય જ રહ્યું છે. બેટ્સીના મોત બાદ ઘણાં વર્ષે હોટલનું રિનોવેશન ચાલતું હતું ત્યારે મોકળાશ કરવા માટે રૂમ નંબર ૫૦૫ની એક દીવાલ તોડવામાં આવી હતી. એ સમયે એ દીવાલમાં છુપાવાયેલી એક રિવોલ્વર મળી આવી હતી. એ રિવોલ્વર ત્યાં કેવી રીતે પહોંચી એ કોયડો પણ આજ સુધી વણઉકેલ્યો જ રહ્યો છે. બેટ્સીના ભૂતના ડરથી આજે પણ હોટલ સેવોયના રૂમ નંબર ૫૦૫માં પ્રવાસીઓ રહેવાનું પસંદ કરતા નથી. હોટલમાં રોકાણ દરમ્યાન મિ. લાઈટનર નામના એક અન્ય વિદેશી પ્રવાસીનું પણ કોઈક ભેદી બીમારીને લીધે અકાળ અવસાન થઈ ગયું હતું. કહેવાય છે કે તેનું પ્રેત પણ હોટલની પરસાળમાં વારંવાર દેખાતું આવ્યું છે.

વાયકા કે વાસ્તવિકતા:

હોટલનો સ્ટાફ હંમેશાં આ બધી વાતોને અફવામાં ખપાવતો આવ્યો છે, (કદાચ હોટલી બદનામી ન થાય એ માટે) પરંતુ હોટલમાં રાતવાસો કરનાર ઘણાને બેચેની અને અનિદ્રા જેવા અનુભવો થતા રહ્યા છે. કેટલાક લોકોને હોટલના અમુક ચોક્કસ ખૂણા જરૂરત કરતાં વધારે ઠંડા જણાયા છે. જ્યાં અગોચર શક્તિઓની હાજરી હોય ત્યાં આસપાસના વાતાવરણ કરતાં વધુ ઠંડી જણાતી હોય છે.

હકીકત શું છે એ તો કોણ જાણે, પરંતુ કહેવાય છે કે આજની તારીખમાં પણ મિસ ફ્રાન્સીસ ગાર્નેટ-ઓર્મ, મિસ બેટ્સી વાર્ડ અને મિસ્ટર લાઈટનરનાં પ્રેત હોટલ સેવોયમાં અવારનવાર દેખાતાં રહે છે.

Article : 15. સમુદ્ર પર સરકતી ભૂતાવળ: ક્વીન મેરી

ચેલ્સિયા રેસ્ટોરાંની યુવાન હોસ્ટેસ રિસેપ્શન ટેબલ પર બેઠી હતી. ત્રણ યુવાન પુરુષોને તેણે રેસ્ટોરાંમાં પ્રવેશતા જોયા. એકબીજાની બાજુબાજુમાં ચાલી રહેલા એ પુરુષો તરફથી ઘડીભર નજર હટાવી રિસેપ્શનિસ્ટે ટેબલ પર પડેલા રજિસ્ટરમાં નજર નાખી. બે સેકંડ બાદ તેણે નજર ઉપર ઉઠાવી તો પેલા ત્રણે પુરુષો તેના ટેબલ પાસે ઊભા હતા. તેમણે પોતાના રિઝર્વ કરાવેલા ટેબલ વિશે પૂછ્યું. રિસેપ્શનિસ્ટે તેમને કહ્યું, ‘આપનું ટેબલ ફક્ત બે વ્યક્તિઓ માટે રિઝર્વ કરાવવામાં આવ્યું હતું એટલે હું તમને ત્રણે જણને જગ્યા ફાળવી શકું એમ નથી.’

‘ત્રણ?’ રિસેપ્શનિસ્ટે જે કહ્યું એનાથી આશ્ચર્ય પામતાં એક પુરુષે પૂછ્યું અને કહ્યું, ‘પણ અમે તો બે જ છીએ!’

તે બંનેની પાછળ ઊભેલા પુરુષ તરફ રિસેપ્શનિસ્ટે ઈશારો કર્યો એટલે પેલા બંનેએ પાછળ ફરીને જોયું. તેમની પાછળ કોઈ પણ ઊભું નહોતું! એ ત્રીજો પુરુષ ફક્ત પેલી રિસેપ્શનિસ્ટને દેખાતો હતો. હકીકતનું ભાન થતાં રિસેપ્શનિસ્ટ સખ્ખત ડરી ગઈ અને તેના ચહેરા પર ડરના હાવભાવ જોતાં જ પેલો ત્રીજો પુરુષ જાણે કે હવામાં ઓગળી ગયો હોય એમ અદૃશ્ય થઈ ગયો!

વેલકમ ટુ ક્વીન મેરી: ધી હૉન્ટેડ શિપ..!

ઉપરની ઘટના એચ.એમ.એસ. ક્વીન મેરી નામના વિશાળ દરિયાઈ જહાજની રેસ્ટોરાંમાં બની હતી.

ક્વીન મેરીની ભવ્યતાઃ

ઈસવી સન ૧૯૩૦માં યુરોપના સ્કોટલેન્ડ દેશના નગર ‘ક્લાઈડ રિવર’ ખાતે ‘કુનાર્ડ વ્હાઈટ સ્ટાર લાઈન’ નામની કંપની દ્વારા ક્વીન મેરી નામના એક ભવ્ય જહાજનું બાંધકામ કરવામાં આવ્યું હતું. જહાજનું વજન ૭૫૦૦૦ ટન હતું અને તેનો નિર્માણ ખર્ચ સાડા ત્રણ મિલિયન સ્ટર્લિંગ પાઉન્ડ થયો હતો. અલગ અલગ લેવલ પર કુલ મળીને સત્તર ડેક ધરાવતા ક્વીન મેરી જહાજમાં બે ઈન્ડોર સ્વિમિંગ પૂલ, અનેક બ્યુટી પાર્લર, મ્યુઝિક સ્ટુડિયો, લેકચર હોલ, ટેનિસ કોર્ટ અને લાઈબ્રેરી જેવી સગવડો હતી. પ્રવાસીઓના ત્રણ અલગ વર્ગો પાડવામાં આવ્યા હતા જે ફર્સ્ટ ક્લાસ, કેબિન ક્લાસ અને ટૂરિસ્ટ ક્લાસ તરીકે ઓળખાતા. જહાજની વિશાળતાનો ખ્યાલ એ વાતે આવશે કે ફર્સ્ટ ક્લાસના ૭૧૧, કેબિન ક્લાસના ૭૦૭ અને ટૂરિસ્ટ ક્લાસના ૫૭૭ નંગ બેડ જહાજમાં હતા. તમામ વર્ગના બાળકો માટે અલાયદાં પ્લે હાઉસ અને મોટેરાંઓ માટે મનોરંજન કક્ષ હતા.

આવા આ ભવ્યત્તમ જહાજનો સૌથી વિશાળ ખંડ ફર્સ્ટ ક્લાસ પેસેન્જર્સ માટેનો મુખ્ય ડાઈનિંગ રૂમ હતો જેની છત ત્રણ માળ જેટલી ઊંચી હતી. જહાજ પરના ટેલિફોનથી દુનિયાના કોઈ પણ ખૂણામાં સંપર્ક સાધી શકવાની સગવડ હતી. એ જમાનામાં દુનિયા પ્રથમ વિશ્વ યુદ્ધનો માર વેઠી ચૂકી હતી અને એ યુદ્ધમાં હારેલું જર્મની ગમે ત્યારે બીજા વિશ્વ યુદ્ધનો પલીતો ચાંપે એવી દહેશત પ્રવર્તતી હતી. જર્મની અને એના મિત્ર દેશોની સ્થાનિક પૂજામાં યહૂદીઓ પ્રત્યે ભારે રોષ પ્રવર્તતો હતો, પણ બ્રિટન વંશીય ભેદભાવમાં નથી માનતું એ સાબિત કરવા માટે ક્વીન મેરી પર યહૂદી લોકો માટે ખાસ પ્રાર્થનાખંડ બનાવવામાં આવ્યો હતો.

ક્વીન મેરીની કામગીરીઃ

૨૭મે ૧૯૩૬ના રોજ ક્વીન મેરીને પ્રથમ વાર દરિયાઈ સફર માટે ઉતારવામાં આવ્યું ત્યારે મીડિયામાં તેને ભારે પ્રસિદ્ધિ મળી હતી. એટલાન્ટિક મહાસાગર પારના બે દેશો ઈંગ્લૅન્ડ અને અમેરિકા વચ્ચે ખેપ મારવા માટે જ તેને બનાવવામાં આવ્યું હતું. શરૂઆતનાં વર્ષોમાં તેનો ઉપયોગ લકઝરી લાઈનર તરીકે જ કરવામાં આવ્યો અને યુરોપ-અમેરિકાના હજારો પ્રવાસીઓને તેણે એટલાન્ટિક પારની મુસાફરી કરાવી. યાદ કરો તો, આ જ રૂટ પર પોતાની પ્રથમ યાત્રા દરમિયાન વિશ્વ વિખ્યાત ‘ટાઇટેનિક’ જહાજ અકસ્માતગ્રસ્ત થઈને જળસમાધિ લઈ ચૂક્યું હતું. વિશ્વ એ દુર્ઘટનાને હજી ભૂલ્યું નહોતું. ટાઇટેનિકની અસફળતાને લીધે પણ ક્વીન મેરીની સફળતા ઘણી નોંધપાત્ર ગણાતી હતી. ધનવાન લોકો ક્વીન મેરીની સહેલ માણવા માટે અમસ્તા જ યુરોપ-અમેરિકા વચ્ચે આંટો મારી લેતા, એવી એ જહાજની ખ્યાતિ હતી.

સન ૧૯૩૯માં બીજું વિશ્વ યુદ્ધ શરૂ થઈ જતાં ક્વીન મેરીની રેગ્યુલર ખેપ પર બ્રેક લાગ્યો એટલે એનો ઉપયોગ સૈનિકો અને યુદ્ધને લગતા માલસામાનની હેરફેર માટે થવા લાગ્યો. આ જ દિવસો દરમિયાન આ વિશાળ જહાજે એક ટ્રીપમાં ૧૬૬૮૩ અમેરિકન સૈનિકોને દરિયાપાર લઈ જવાનો એ જમાનાનો રેકોર્ડ બનાવ્યો હતો. દરેક દેશ, વ્યક્તિ અને વસ્તુની જેમ ક્વીન મેરી જહાજે પણ દ્વિતિય વિશ્વયુદ્ધનાં માઠાં પરિણામો વેઠવાં પડ્યાં હતાં.

એ ભયાનક દુર્ઘટનાઃ

એ જમાનામાં મોટા દરિયાઈ જહાજો દરિયા પાર હંકારતાં ત્યારે ઘણી વાર તેમની સાથે નાનાં જહાજો પણ સફર ખેડતાં. ૨ ઓક્ટોબર ૧૯૪૨ના દિવસે ક્વીન મેરી અમેરિકાથી ઊપડ્યું ત્યારે તેની સાથે હળવા વજનનું જહાજ નામે ‘કુરાકોઆ’ પણ હતું. બંને જહાજ પર હજારોની સંખ્યામાં અમેરિકન સૈનિકો હતા. તેમને ઈંગ્લૅન્ડ લઈ જવાઈ રહ્યા હતા. આઈરિશ કોસ્ટ નજીક પહોંચ્યા ત્યારે બંને જહાજ અકસ્માતે ખૂબ નજીક આવી ગયાં અને કટોકટીની એ ક્ષણથી હેમખેમ ઊગરી જવાય એ પહેલાં જ બંને શિપ ટકરાઈ ગઈ. ટક્કર એટલી જોરદાર હતી કે કુરાકોઆ જહાજનો પાછળનો હિસ્સો તૂટીને રીતસર છૂટો પડી ગયો. કોઈ કંઈ સમજે-કરે તે પહેલાં તો કુરાકોઆ પર સવાર સેંકડો અમેરિકન સૈનિકો સમુદ્રના ઠંડા પાણીમાં જઈ પડ્યાં. ચારે તરફ રાડારાડ અને હો-હા મચી ગઈ. કુરાકોઆનાં તૂટેલા હિસ્સાએ જળસમાધિ લીધી. ડૂબતા હિસ્સાએ પોતાની પાછળ એક ભયાનક વમળ સર્જ્યું અને એમાં સપડાયેલા સૈનિકો ઘૂમરી ખાતા ખાતા સાગર પેટાળમાં ગરક થવા લાગ્યા. ગણતરીની ક્ષણોમાં કુરાકોઆનું અર્ધું અંગ ડૂબ્યું અને પોતાની સાથે અનેક સૈનિકોને સમુદ્રની ઊંડી ગર્તામાં તાણી ગયું.

વમળ શાંત થતાં બચી ગયેલા સૈનિકો પાણી પર તરતા રહ્યા, પરંતુ તેમની જીવનદોરી પણ ટૂંકી હતી. ક્વીન મેરી પરથી બચાવ નૌકાઓને સમુદ્રમાં ઉતારવામાં આવે તે પહેલાં જ દૈત્ય સમી શાર્ક માછલીઓએ સમુદ્ર સપાટી પર તરતા રહેલા સૈનિકો પર હુમલો કરી દીધો. વિકરાળ શાર્કના તીક્ષ્ણ દાંતોમાં ઝડપાયેલા અભાગિયા સૈનિકોનાં લોહીથી સમુદ્ર રક્તરંજિત થઈ ગયો.

દરિયામાં ચીસાચીસ મચી હતી તો ક્વીન મેરી પર દોડધામ મચી હતી. માનવ લોહીની ગંધ દરિયામાં ફેલાતાં બીજી અનેક શાર્ક માછલી ત્યાં ઘસી આવી અને આતંક મચાવવા લાગી. મોતના આ તાંડવે ઘડીભરમાં સેંકડો જાન છીનવી લીધા. ક્વીન મેરીના તૂતક પર ઊભેલા સૈનિકો પોતાના સાથીઓને ક્રૂર મોતને ભેટતાં જોવા સિવાય કંઈ કરી શક્યા નહીં. દરિયામાં પડેલા બહુ થોડા સૈનિકોને બચાવનૌકા બચાવી શકી. કુલ મળીને ૨૩૯ નરબંકાઓએ એ હોનારતમાં જીવ ગુમાવ્યા. પોતાના ૩૪ વર્ષના કાર્યકાળ દરમિયાન ક્વીન મેરી જહાજે વેઠેલી એ સૌથી ગમખ્વાર દુર્ઘટના હતી. જોકે ક્વીન મેરીએ વેઠેલી એ એકમાત્ર દુર્ઘટના નહોતી.

ક્વીન મેરી પર મોતનું ઈનામ પામેલા કમભાગી લોકો અને તેમના ભૂતોઃ

વિવિધ સફર દરમિયાન ઘણા લોકોએ ક્વીન મેરી જહાજ પર જીવ ગુમાવ્યા હતા. અલગ અલગ અકસ્માતોમાં અપમૃત્યુ પામનારાનો આંક કુલ મળીને ૪૯ થતો હતો! શિપ પર મરનાર કમભાગી લોકોમાં પહેલું નામ છે જોન હેન્રી. આ યુવાન ખલાસી એન્જિન રૂમ નંબર ૧૩માં કામ કરતો ત્યારે એન્જિનમાં અકસ્માતે આગ ફાટી નીકળતાં તે આગમાં જીવતો ભૂંજાઈ ગયો હતો. જોન હેન્રીના મોત બાદ અન્ય કર્મચારીઓએ તેના ભૂતને એન્જિન રૂમ નંબર ૧૩માં જોયા હોવાનો દાવો કર્યો હતો. શિપ પર અવારનવાર દેખાતું રહેતું બીજું ભૂત એક દસ વર્ષની બાળકીનું હતું. જહાજના નીચલા ડેક પરના દાદરના કઠેડા પરથી નીચે સરકતી વખતે એ બાળકી પોતાનું સંતુલન ગુમાવી બેઠી હતી અને લાકડાના ફલોર પર પડતાં જ એની ગરદન તૂટી ગઈ હતી. જે જગ્યાએ એ બાળકી મૃત્યુ પામી હતી એ જગ્યાએ જ પછીથી એનું પ્રેત દેખાતું રહ્યું હતું. જહાજના સ્વિમિંગ પુલમાં પણ બે મહિલાઓ અલગ અલગ સમયે ડૂબીને મૃત્યુ પામી હતી. એ બંને મહિલાનાં પ્રેત પણ એ સ્વિમિંગ પુલની આસપાસ ભટકતાં જોવામાં આવ્યાં હતાં.

ક્વીન મેરીના અનેક રૂમોમાં પણ ભૂતાવળ દેખાતી રહી હતી અને તેમાંના ઘણાં પ્રેત જહાજ પર ભટકતાં જોવામાં આવ્યાં હતાં. રૂમ નંબર બી-૩૪૦માં એટલા મોટા પ્રમાણમાં ભૂતાવળ થતી હતી કે અમુક વર્ષો પછી આ રૂમમાં કોઈને પણ ઉતારો આપવાનું જ બંધ કરી દેવામાં આવ્યું. એ કમરામાં રોકાયેલા એક પુરુષની એક રાતે કોઈ અજાણી વ્યક્તિ દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી. હત્યા કરાયેલા એ પુરુષનું ભૂત ત્યાર પછી એ કમરામાં દેખાતું રહેતું અને ત્યાં રોકાનારા મુસાફરોને હેરાન કરતું. ક્યારેક એ રૂમના એટેચ્ડ બાથરૂમના નળ આપોઆપ જ ચાલુ થઈ જતા અને પાણી વહેવા લાગતું. તો ક્યારેક એ પ્રેત સૂતેલા મુસાફરોના પગ કચકચાવીને પકડી લેતું. ડરેલો મુસાફર ઊંઘમાંથી જાગી જાય તો પણ એ પકડ આસાનીથી છૂટતી નહીં. એ કમરામાં ઊંઘતા માણસોએ ઓઢેલી ચાદર અચાનક જ દૂર ફંગોળાઈ જવાના કિસ્સા તો બહુ સામાન્ય થઈ ગયા હતા. ભૂતિયા એવા બી-૩૪૦ રૂમમાં રોકાનાર અનેક મુસાફરોની અનેકાનેક ફરિયાદો બાદ શિપના વહીવટકર્તાઓએ હંમેશ માટે એ રૂમને તાળું મારી દીધું હતું.

રૂમ નંબર એમ-૦૦૨માં એક મધ્ય વયસ્ક સ્ત્રીનું પ્રેત દેખાતું જેણે ૪૦ના દાયકાની ફેશનનાં વસ્ત્રો પહેર્યાં હતાં. જોકે તેના પ્રેતે કદી કોઈને ડરાવ્યા નહોતા કે નુકસાન પહોંચાડ્યું નહોતું. રૂમ નંબર એમ-૦૦૭માં મુસાફરો સવારે ઊઠતા ત્યારે ફર્નિચરમાં બનેલાં તમામ ડ્રોઅર ખુલ્લાં પડેલાં જોવા મળતાં. રાત્રિ દરમિયાન કોણ એ ડ્રોઅર ખુલ્લા કરી દેતું એ કદી જાણી શકાતું નહીં. રૂમ નંબર એ-૧૨૮માં કોઈ અદૃશ્ય વ્યક્તિનાં નસકોરાં સંભળાતાં. રૂમમાં હાજર તમામ માણસો જાગતા બેઠા હોય તો પણ ઘણી વાર આવાં નસકોરાં સંભળાતાં રહેતાં. રૂમ નંબર ૧૬૨ના બંધ કબાટમાંથી જાણે કે અંદર લટકતાં હેન્ગર આમતેમ ખસી રહ્યાં હોય એવા અવાજો આવતા. કબાટ ખોલીને તપાસ કરતાં હેન્ગર હંમેશાં સ્થિર દેખાતા.

કુરાકોઆ જહાજ સાથેની ટક્કર દરમિયાન માર્યા ગયેલા અમેરિકન સૈનિકોનાં ભૂત પણ ક્વીન મેરી પર સહેજ અલગ રીતે પોતાની હાજરી પુરાવતા. ક્વીન મેરીનો જે હિસ્સો કુરાકોઆ સાથે ટકરાયો હતો એ હિસ્સા પર બહારની તરફ ઘણી વાર આછું ધુમ્મસ ચોંટેલું જોવા મળતું. આસપાસનું વાતાવરણ તદ્દન સાફ હોવા છતાં ફક્ત એ જ જગ્યાએ ઘુમ્મસ દેખાતું. કેટલાક મુસાફરોએ એ ધુમ્મસમાં માનવ આકૃતિઓ જોઈ હોવાનો પણ દાવો કર્યો હતો.

અને ક્વીન મેરી સમાધિસ્થ થયું…

એક કરતાં અનેક ભૂતાવળોના સાક્ષી બનેલા ક્વીન મેરીને ૧૯૬૭માં સેવા નિવૃત્ત કરી દેવામાં આવ્યું હતું. અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના ‘લોંગબીચ’ ખાતે તેને હંમેશ માટે પાર્ક કરી દેવામાં આવ્યું. બોઈલર રૂમ, એન્જિન, વોટર સોફ્નિંગ પ્લાન્ટ, જનરેટર રૂમ જેવી હવે બિનજરૂરી થયેલી યંત્રણાઓ કાઢી નાખ્યા બાદ તેને મ્યુઝિયમ કમ હોટેલ કમ ટૂરિસ્ટ સ્પોટ બનાવી દેવામાં આવ્યું. દર વર્ષે હજારો લોકો તેની મુલાકાત લેવા લાગ્યા. જહાજ પર થતાં ભૂતપ્રેતમાંથી પૈસા કમાવા ઘોસ્ટ ટૂરનું આયોજન કરવામાં આવે છે. જેમાં મુલાકાતીઓને એ દરેક જગ્યાએ લઈ જવામાં આવે છે જ્યાં વર્ષોથી ભૂતપ્રેત દેખા દેતાં આવ્યાં છે. કહેવાય છે કે, આજે પણ ઘણાં લોકોને ક્વીન મેરી પર ભૂતાવળ દેખાઈ જાય છે.

Article : 16. બળાત્કાર-હત્યાનો ભોગ બનેલી યુવતી પાછી ફરી અને…

ડિ’સોઝા ચાલીની રોનકઃ

મહાનગર મુંબઈના પરાં માહિમમાં કેનોસા પ્રાઈમરી નામના સ્થળ નજીક આવેલી ડિ’સોઝા ચાલીની આ વાત છે. વર્ષ હતું ૧૯૬૦નું. નામ પ્રમાણે જ અહીં ખ્રિસ્તી ધર્મના લોકોની વસતિ વધુ હતી. જોકે, અહીં હિન્દુ લોકો પણ રહેતા હતા. ૦.૮૨ એકરમાં ફેલાયેલી ડિ’સોઝા ચાલીમાં કુલ ૧૦૮ ખોલી હતી. મુંબઈમાં આમ તો એ જમાનામાં પણ અગણિત ચાલો હતી, પરંતુ છેક અંગ્રેજોના જમાનામાં બનેલી ડિ’સોઝા ચાલી તેના બ્રિટિશ સ્ટાઇલના સુંદર બાંધકામ માટે અને સુવ્યવસ્થા માટે જાણીતી હતી. ૧૮૯૦ની આસ-પાસ બંધાયેલી આ ચાલીમાં મંદિર અને બગીચા જેવી સગવડો પણ હતી. મુંબઈની ગીચ અને ગંદી-ગોબરી ચાલીઓની મુલાકાત લેવાનો મોકો મળ્યો હોય એવા લોકો જ સમજી શકે કે, આ એવી સગવડો હતી જેની કલ્પના પણ મોટાભાગની ચાલીઓમાં કરી ન શકાય. જોની ડિ’સોઝા નામના અંગ્રેજ કમાન્ડરની યાદમાં બનાવવામાં આવેલી આ ચાલીમાં એક કૂવો હતો જેનું પાણી ચાલીના લોકો રસોઈમાં અને નહાવા-ધોવામાં વાપરતા. કૂવાની ફરતે કોઈ રક્ષણાત્મક દીવાલ નહોતી.

રક્તરંજિત થયેલો એ કૂવોઃ

એક સવારે ચાલીની મહિલાઓ કૂવા પર પાણી ભરવા ગઈ ત્યારે તેમની નજર કૂવાની અંદર પડતા જ તેઓ ડરની મારી ચિત્કારી ઊઠી. કૂવામાં એક પુરુષની લાશ તરી રહી હતી!

પોલીસે ઘટનાસ્થળે ધસી જઈ લાશને બહાર કઢાવી ત્યારે જાણ થઈ કે એ લાશ ચાલીની નજીકના વિસ્તારમાં જ રહેતા વસંત સાઠેની હતી. વસંત સાઠે ગુંડો હતો. એના જેવા અનેક માથાભારે તત્વો માહિમ વિસ્તારમાં લોકોની હેરાનગતિ કરતા રહેતા. વસંત સાથેના મુખ્ય ત્રણ સાગરિત હતાઃ સહદેવ આપ્ટે, વિજયરાજ રાણે અને કુશાભાઉ. વેપારીઓ પાસેથી જબરદસ્તી હપ્તા ઉઘરાવવું, ગાલી-ગલોચ અને મારપીટ કરવું, આવતી જતી છોકરીઓની છેડતી કરવું એ આ ગુંડા ગેંગનું રોજનું કામ હતું. ડિ’સોઝા ચાલીના રહેવાસીઓ વસંત સાઠે અને એના સાગરિતોની દાદાગિરીથી ત્રસ્ત હતા, પણ તેઓ માથાભારે હોવાથી કોઈ એ લોકોની વિરુદ્ધ અવાજ ઉઠાવતું નહોતું.

વસંત સાઠેની લાશ મળતા એક અસામાજિક તત્વ ઓછું થયું, એ વિચારે ડિ’સોઝા ચાલીના રહિશો ખુશ થવા જોઈએ, પણ એને બદલે ડિ’સોઝા ચાલીમાં દહેશત છવાઈ ગઈ. કારણ? કારણ બહુ ગંભીર હતું. એક જ અઠવાડિયાના ટૂંકા ગાળામાં એ કૂવામાંથી મળેલી એ બીજી લાશ હતી. સાત દિવસ અગાઉ રેણુકા પેઠે નામની યુવતીની લાશ એ જ કૂવામાંથી મળી આવી હતી. વસંત સાઠેની લાશ મળી ત્યારે તેના મોઢામાં સાવરણીનો ટુકડો ઠૂંસેલો મળી આવ્યો હતો. રેણુકાની લાશના મોઢામાં પણ બિલકુલ એ જ રીતે સાવરણીનો ટુકડો ઠૂંસેલો મળી આવ્યો હતો. આ એ જ રેણુકા હતી જે પોતાના બોયફ્રેન્ડ સાથે ઘર છોડીને ભાગી ગઈ હોવાનું લોકો તેની લાશ મળેલી ત્યાં સુધી માનતા હતા.

રેણુકાનું રહસ્યઃ

સમગ્ર ઘટનાક્રમથી રૂબરૂ થવા માટે સહેજ દૂરના ભૂતકાળમાં ડોકિયું કરવું પડશે. ડિ’સોઝા ચાલીની એક ખોલીમાં વસતા એક ગરીબ દંપતિનું એકનું એક સંતાન હતી રેણુકા પેઠે. બધી રીતે ડાહી અને વ્યવહારુ દીકરી હતી એ. માતા-પિતા અશક્ત અને વૃદ્ધ હોવાથી પરિવારના ભરણપોષણની જવાબદારી તેના પર જ હતી. પરેલની એક કાપડ મીલમાં નોકરી કરીને તે ગમે એમ કરીને પરિવારનું ગાડું ગબડાવ્યે જતી હતી. પોતાના લગ્ન થઈ જશે તો માતા-પિતાનું શું થશે એ વિચારે તે પોતાના લગ્ન પાછળ ઠેલ્યા કરતી. કોઈ તેના લગ્નની વાત છેડતું ત્યારે રેણુકા મજાકમાં કહેતી, ‘હું તો મારા બોયફ્રેન્ડ સાથે ભાગીને જ લગ્ન કરવાની છું.’

રેણુકાને નોકરી પરથી ઘરે આવતાં ક્યારેક મોડું થઈ જતું, પણ અશક્ત માતાએ દાદર ઊતરીને કૂવા પર જઈ પાણી ન ભરવું પડે એ માટે તે રાતે ગમે તેટલું મોડું થાય તો પણ ઘરનું પાણી પોતે જ ભરતી. માતાને પાણી ભરવાનો શ્રમ કરવાની સખત મનાઈ તેણે ફરમાવી હતી. આવી આ સમજુ અને મહેનતુ રેણુકાના નસીબમાં કંઈક એવું ભયાનક બનવાનું હતું જેની તેણે કદી સ્વપ્નેય કલ્પના નહોતી કરી.

એ ભયાનક રાતઃ

એક દિવસ રેણુકાને નોકરી પરથી આવતાં ખાસ્સું મોડું થઈ ગયું. તે ઘરે આવી ત્યાં સુધીમાં તેના માતા-પિતા ઊંઘી ગયા હતા. આખી ડિ’સોઝા ચાલી પણ પોઢી ગઈ હતી. સવારે પાણી ભરવામાં ઘણો સમય વેડફાય એમ હોવાથી રેણુકાએ મધરાત થઈ ગઈ હોવા છતાં ત્યારે જ પાણી ભરી લેવાનું નક્કી કર્યું. તે કૂવામાંથી પાણી ખેંચી રહી હતી ત્યારે તેના બદનસીબે ચાલીમાં રખડતા ચાર ગુંડાઓની નજરે તે ચઢી ગઈ. એ વસંત સાઠેની ગુંડા ગેંગ હતી. અડધી રાતે એકલીઅટૂલી યુવતીને જોઈને ચારેયના મનમાં હવસનો કીડો સળવળ્યો. તેમણે રેણુકાનો રસ્તો રોક્યો. ગુંડાઓના ઈરાદા પારખી જવામાં રેણુકાને વાર ન લાગી પણ તે મદદ માટે પોકાર કરે એ પહેલાં તેના મોંમાં સાવરણીનો એક મોટ્ટો ટૂકડો ખોસી દેવામાં આવ્યો.

ચારેય રેણુકાને ધસડીને ચાલીના અંધારિયા ખૂણામાં લઈ ગયા અને પછી તેમણે તેના પર વારાફરતી બળાત્કાર કર્યો. મોંમાં સાવરણીનો ટુકડો ખોસાયેલો હોવાથી રેણુકા સહેજ પણ બૂમાબૂમ ન કરી શકી. તે બસ તરફડતી રહી. પોતાની લાજ બચાવવા માટે હવાતિયાં મારતી રહી. પોતાને છોડી દેવા તે આંખોથી આજીજી કરતી રહી, પણ પેલા નરાધમોને તેના પર દયા ન આવી. વાસનામાં અંધ બનીને એમણે રેણુકાને ક્રૂરતાપૂર્વક પીંખી નાંખી.

બળાત્કાર ગુજાર્યા બાદ ચારેયને ભાન થયું કે રેણુકા જો પોલીસમાં ફરિયાદ કરશે તો સામૂહિક બળાત્કારના ગુનામાં તેમણે કમસેકમ આજીવન કેદ ભોગવવાની આવશે. એટલે સજાથી બચવા માટે તેમણે રેણુકાનો કાંટો કાઢી નાંખવાનું નક્કી કર્યું. બળાત્કારના આઘાત અને પીડાની લીધે બેભાન થઈ ગયેલી રેણુકાને ઊઠાવીને તેમણે પેલા કૂવામાં નાંખી દીધી અને પછી તેઓ ત્યાંથી સરકી ગયા. બેહોશાવસ્થામાં જ રેણુકાનો ક્ષત-વિક્ષત દેહ અંધારિયા કૂવાના ઊંડા પાણીમાં ગરક થઈ ગયો અને તેનું પ્રાણપંખેરું ઊડી ગયું.

મળસ્કે રેણુકાની માતા જાગી ત્યારે ઘરમાં દીકરી ન દેખાતા તે રઘવાઈ થઈ ગઈ. વહેલી સવારમાં જ ચાલીમાં હો-હા મચી ગઈ. રેણુકાને શોધવા માટે તેની ચાલીના માણસોએ આસપાસનો વિસ્તાર ધમરોળી નાખ્યો, પણ તે ન મળી ત્યારે લોકોમાં ગણગણાટ થવા માંડ્યો કે નક્કી તે કોઈ પુરુષ સાથે ઘર છોડીને ભાગી ગઈ હોવી જોઈએ. આમ પણ રેણુકા મજાકમાં પોતાના બોયફ્રેન્ડ સાથે ઘર છોડીને ભાગી જવાની વાત કરતી હતી એટલે પડોશીઓએ એ ધારણાને હકીકત માની લીધી. ડિ’સોઝા ચાલીના અમુક લોકોને રેણુકાનું પગલું નિર્લજ્જ લાગ્યું તો અમુક લોકો તેના જેવી શાંત અને સરળ યુવતી આવું કદમ ઊઠાવે એ માની જ નહોતા શકતા. જોકે, રેણુકાના ગુમ થવા પાછળનું રહસ્ય ઝાઝો સમય ગોપિત નહોતું રહેવાનું. રેણુકાના માતા-પિતાએ પણ રેણુકાના ભાગી જવાની કડવી હકીકત કમને સ્વીકારી લીધી.

રેણુકા ગુમ થયાના અડતાલીસ કલાક બાદ તેનો મૃતદેહ કૂવાના પાણીની સપાટી પર આવી ગયો ત્યારે ડિ’સોઝા ચાલીમાં સન્નાટો છવાઈ ગયો. લોકો આઘાતમાં સરી પડ્યા. રેણુકાના માતા-પિતાના કલ્પાંતનો તો પાર નહોતો. રેણુકાનું શરીર ફૂલી ગયેલું હતું, ચામડી સફેદ પડી ગઈ હતી અને તેના મોંમાં સાવરણીનો મોટો ટુકડો ઠૂંસાયેલો હતો. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં સાબિત થયું કે, રેણુકા પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો.

દહેશતગ્રસ્ત થયેલી ડિ’સોઝા ચાલીઃ

રેણુકાની લાશની જે સ્થિતિ હતી બરાબર એવી જ હાલતમાં એક અઠવાડિયા બાદ વસંત સાઠેની લાશ મળી આવી એટલે ડિ’સોઝા ચાલીમાં જાતજાતની વાતો થવા લાગી. મોટાભાગના લોકો માનતા હતા કે રેણુકા પોતાના મોતનો બદલો લેવા પ્રેતરૂપે પાછી ફરી હતી અને તેના ભૂતે જ વસંત સાઠેની હત્યા કરી હતી. જોકે પોલીસ આવી બાબત પર વિશ્વાસ કરી શકે એમ નહોતું. વસંત સાથેના મોંમાં સાવરણીનો ટુકડો ઠૂંસાયેલો ન હોત તો પોલીસે એમ જ માની લીધું હોત કે વસંત સાઠે દારૂના નશામાં કૂવામાં પડી ગયો હશે.

રેણુકાના રિવેન્જભૂખ્યા ભૂતની થિયરી ખારીજ કરીને પોલીસે બંને હત્યાઓની તપાસ કરવા માંડી. તેમનું માનવું હતું કે, આ કોઈ સિરિયલ કિલરનું કામ હોઈ શકે.

એક જ પેટર્નમાં થયેલી સિલસિલાબંધ હત્યાઓઃ

પોલીસ ભલે રેણુકાના ભૂતની શક્યતા નકારીને બેઠી હતી પણ રેણુકાના બળાત્કાર અને હત્યામાં સંડોવાયેલા વસંત સાઠેના ત્રણ સાથીઓ સમજી ગયા હતા કે વસંતનું ખૂન રેણુકાના આત્માએ જ કર્યું હતું. ત્રણેની માનસિક હાલત ખરાબ થઈ ગઈ. તેઓ સતત દહેશતમાં જીવવા લાગ્યા. પણ તેમની માનસિક યાતના લાંબી ન ચાલી કેમ કે, આગામી બે જ અઠવાડિયામાં એ ત્રણે ગુંડા માર્યા જવાના હતા.

ગણતરીના દિવસોમાં સહદેવ આપ્ટે અને વિજયરાજ રાણેની લાશ વારાફરતી ડિ’સોઝા ચાલીના કૂવામાંથી મળી આવી. બંનેના મોંમાં સાવરણીના ટુકડા ઠૂંસાયેલા હતા. હવે તો ડિ’સોઝા ચાલીના લોકોને પાક્કી ખાતરી થઈ ગઈ હતી કે, રેણુકા જ તેના હત્યારાઓને એક પછી એક કરીને મોતને ઘાટ ઊતારી રહી હતી. ભૂત-પ્રેતના અસ્તિત્વમાં ન માનનારી પોલીસ પણ હવે સ્તબ્ધ હતી. હત્યાઓ અટકાવવા શું પગલાં લેવા એ એમને સમજાતું નહોતું.

રેણુકાની હત્યારી ચાંડાળ ચોકડી પૈકીનો ચોથો ખૂણો હતો કુશાભાઉ. તે હજુ જીવતો હતો અને લોકો જે પ્રકારની વાતો કરતા હતા એ પ્રમાણે જો એ ચારેએ જ ભેગા મળીને રેણુકાની હત્યા કરી હોય તો હવે મરવાનો વારો કુશાભાઉનો હતો. તેની પૂછપરછ કરી, સાચી માહિતી કઢાવી, તેને કસ્ટડીમાં ધકેલી તેનો જીવ બચાવી શકાય એમ હતું, એટલે પોલીસ કુશાભાઉને ઘરે પહોંચી, પણ એ ઘરે હાજર નહોતો. પોલીસે એના ઘરે જાપ્તો રાખ્યો પણ એ રાતે પણ એના ઘરે પાછો ન ફર્યો.

બીજા દિવસની સવાર ડિ’સોઝા ચાલીમાં મોતનો પેગામ લઈને ઊગી. કુશાભાઉની લાશ મળી. એ જ કૂવો અને એવો જ મોંમાં ઠૂંસાયેલો સાવરણીનો ટુકડો!

ડિ’સોઝા ચાલીમાં દેખાતું રેણુકાનું પ્રેતઃ

પોતાના હત્યારાઓને યમસદન પહોંચાડ્યા બાદ રેણુકાનું ભૂત ડિ’સોઝા ચાલી છોડીને જતું રહેશે એવી ધારણા કરવામાં આવી, પણ એમ ન થયું. તે ન ગઈ. તેનો આત્મા ચાલીમાં જ ભટકતો રહ્યો. તે જ્યાં મરી હતી એ કૂવા પાસે જ તેના પ્રેતને ભટકતા ચાલીના અનેક લોકોએ મધરાત પછી જોયું હતું. તેનું પ્રેત કોઈને હેરાન કરતું નહોતું. તે બસ એ કૂવાની આસપાસ ભટકતું રહેતું. જોકે, આ હકીકત પણ ખૂબ ડરામણી કહેવાય. આપણા ઘરની આસપાસ જ કોઈ ભૂત દેખાતું હોય તો? રેણુકાનું પ્રેત સતત દેખા દેતા ચાલીના અનેક લોકો મકાન ખાલી કરીને અન્યત્ર સ્થળાંતર કરી ગયા.

રેણુકાના આત્માને શાતા વળે અને એ દેખાતો બંધ થાય એ માટે ડિ’સોઝા ચાલીના રહેવાસીઓએ ધાર્મિક વિધિઓ કરાવી જોઈ. હિન્દુ ઉપરાંત ખ્રિસ્તી વિધિઓ કરાવવાનું પણ કારગત ના નીવડ્યું. જાણે કે રેણુકા એ સ્થળ છોડીને જવા માગતી જ નહોતી.

જોકે અમુક વર્ષો બાદ આપોઆપ જ રેણુકાનું પ્રેત દેખાતું બંધ થઈ ગયું હતું. રેણુકા હત્યાકાંડના સાક્ષી બનેલા ડિ’સોઝા ચાલીના રહેવાસીઓ આજે પણ ‘માનો યા ના માનો’ પ્રકારના એ ઘટનાક્રમને યાદ કરતા રહે છે.

Article : 17. વ્હાઇટહાઉસમાં દેખાતું અબ્રાહમ લિંકનનું ભૂત

કમોતે મરેલા માણસોના ભૂત થતાં હોય એવા તો અનેક કિસ્સા છે, પણ કોઈ અતિવિખ્યાત વ્યક્તિનું પ્રેત થતું હોય એ નવાઈની વાત કહેવાય. અમેરિકનના મહાન પ્રમુખ અબ્રાહમ લિંકનનું પ્રેત તેમના મર્યા બાદ દાયકાઓ સુધી વ્હાઇટ હાઉસમાં દેખાતું રહ્યું હતું એવું કોઈ કહે તો એ પ્રથમ નજરે ટાઢા પહોરનું ગપ્પું લાગે. પણ સબૂર, આ એક હકીકત છે. રાષ્ટ્રભક્ત લિંકનનું ભૂત કેવા સંજોગોમાં અને કયા કારણોસર દેખાતું હતું એ જાણવા સહેજ માંડીને વાત કરવી પડશે.

વિશ્વ વિખ્યાત અમેરિકન રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન અમેરિકામાં ૧૬મા પ્રમુખ હતા. તેમનો જન્મ ઈસ્વી સન ૧૮૦૯માં ફેન્ટુકી, અમેરિકામાં થયો હતો. એપ્રિલ ૧૮૬૫માં તેમની હત્યા કરવામાં આવી હતી. મૃત્યુ બાદ વર્ષો સુધી તેમના પ્રેતને વ્હાઇટ હાઉસમાં જોવામાં આવ્યું હતું અને તેમના પ્રેતને જોનારા એક-બે નહિ, પરંતુ અનેક લોકો હતા. તેમાંના કેટલાક તો પોતે પણ વિશ્વ વિખ્યાત હસ્તી હતા. વ્હાઇટ હાઉસમાં કામ કરનારા સ્ટાફના સભ્યો ઉપરાંત દેશ-વિદેશના ઘણા મહાનુભાવોએ અલગ અલગ વર્ષોમાં લિંકનનું ભૂત જોયો હોવાનો દાવો કર્યો છે.

વ્હાઇટ હાઉસમાં મહાનુભાવોને દેખાયેલા લિંકનના પડછાયા કે પ્રેતઃ

લિંકનનું ભૂત વ્હાઇટ હાઉસમાં સૌથી પહેલાં ગ્રેસ કુલીજને જોવા મળ્યું હતું. ગ્રેસ ઈ.સ. ૧૯૨૩થી ૧૯૨૯ દરમ્યાન અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ રહેલા કેલ્વિન કુલીજના પત્ની હતાં. એક સાંજે ગ્રેસ કુલીજ ઓવલ ઓફિસમાં પ્રવેશ્યાં ત્યારે તેમણે ઓફિસની એક વિશાળ બારી પાસે લિંકનને ઊભેલા જોયા. ગ્રેસના પ્રવેશથી હળવો અવાજ થયો હોવા છતાં ગંભીર મુખમુદ્રામાં ઊભેલા લિંકને ગ્રેસ તરફ સહેજ પણ ધ્યાન આપ્યું નહીં. તેઓ બારીની બહાર જ તાકીને જોતા રહ્યા. ગભરાયેલાં ગ્રેસ તાત્કાલિક ઓફિસની બહાર દોડી ગયાં. જ્યારે તેમણે બીજા લોકોને આ બાબત વિશે જણાવ્યું ત્યારે કોઈએ તેમના કહ્યા પર તત્કાળ વિશ્વાસ ન મૂક્યો. તેમને દૃષ્ટિભ્રમ થયો હશે એમ બધાએ માની લીધું. એ ઘટના બન્યાનું વર્ષ હતું ૧૯૨૯.

ઈ.સ. ૧૯૩૩થી ૧૯૪૫ દરમ્યાન અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ રહેલા ફ્રેન્કલીન રુઝવેલ્ટના પત્ની ઇલેનોર રુઝવેલ્ટને પણ લિંકનની હાજરીનો અનુભવ થયો હતો અને એ પણ એક વાર નહિ બલકે અનેક વાર. પોતાના રાષ્ટ્ર પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમ્યાન લિંકન વ્હાઇટ હાઉસના જે રૂમનો બેડરૂમ તરીકે ઉપયોગ કરતા હતા એ જ બેડરૂમનો ઉપયોગ ઇલેનોર સ્ટડી રૂમ તરીકે કરતાં હતાં. પતિ કામસર ઘરની બહાર હોય ત્યારે તેમને રાતે મોડે સુધી વાંચવાની આદત હતી. સ્ટડી રૂમમાં બેસી તેઓ પુસ્તકોનું વાચન કરતાં હોય ત્યારે તેમને સતત એવો ભાસ થતો કે કોઈ તેમની સાથે રહેતું હતું. કોઈ અદૃશ્ય વ્યક્તિની હાજરી તેમને સતત અનુભવાતી. બીજાની જેમ તેમણે કદી લિંકનને જોયાનો દાવો નહોતો કર્યો, પરંતુ તેમના કહેવા પ્રમાણે તેમના સ્ટડી રૂમમાં ચોક્કસ જ કંઈક એવું અજ્ઞાત તત્વ હતું જે સતત તેની અદૃશ્ય હાજરી પુરાવતું રહેતું. વ્હાઇટ હાઉસમાં લિંકનનું ભૂત દેખાતું હોવાની વાતો સાંભળી હોવા છતાં લેડી ઇલેનોરના કહેવા મુજબ તેમને કદી એનો ડર લાગ્યો નહોતો. તેમની પાસે ‘ફાલા’ નામનો એક કૂતરો હતો જે સતત તેમની સાથે રહેતો. તેઓ વાચન કરતાં હોય ત્યારે એ શાંતિથી તેમના પગ પાસે બેસી રહેતો. જોકે કોઈક વાર કારણ વગર જ ફાલા બેબાકળો બની રૂમમાં આમથી તેમ આંટા મારવા લાગતો. કોઈ વાર રૂમના એકાદ ખૂણા તરફ જોઈને તે જોર જોરથી ભસવા લાગતો. લેડી ઇલેનોરને ફાલાનું એ વર્તન અજીબ જણાતું. તેઓ સ્ટડી રૂમનો ખૂણે ખૂણો વરી વળતા પણ તેમને એવું કંઈ જ શંકાસ્પદ નહોતું દેખાતું. કદાચ એ અબોલ જીવ વ્હાઇટ હાઉસના એ કમરામાં એવું કંઈક જોઈ લેતો હતો જે ઇલેનોર પોતે જોઈ શકતાં નહોતાં.

એ જ અરસામાં બીજી ચાર વ્યક્તિઓએ લિંકનનું પ્રેત જોયાનો દાવો કર્યો હતો, જેમાંના એક હતા બ્રિટનના જાણીતા પ્રધાનમંત્રી વિન્સ્ટન ચર્ચિલ. બીજા વિશ્વયુદ્ધના સમયગાળામાં એક વખત તેઓ અમેરિકાના પ્રવાસે ગયા હતા. વ્હાઇટ હાઉસના પહેલા માળે તેમને એક વિશાળ બેડરૂમમાં ઉતારો આપવામાં આવ્યો હતો. દિવસ આખાના રાજકીય કારભારોથી થાકેલા ચર્ચિલ સાંજે રિલેક્સ થવા માટે બાથરૂમમાં ગરમ પાણીથી સ્નાન કરવા ગયા હતા. લાંબા સમય સુધી બાથટબમાં નહાયા બાદ તેઓ બાથરૂમની બહાર આવ્યા ત્યારે બેડરૂમમાં દાખલ થતાં જ તેમણે જે દૃશ્ય જોયું એ જોઈને તેમને ધ્રૂજારી છૂટી ગઈ. ફાયર પ્લેસની નજીક પડેલી ખુરશીમાં લિંકનનું ભૂત બેઠું હતું! બંનેની નજર મળી અને થોડી ક્ષણો પૂરતી મળેલી રહી. ચર્ચિલને એ આઘાતની કળ વળે એ પહેલાં જ પેલું ભૂત જાણે કે હવામાં ઓગળી ગયું હોય એમ અદૃશ્ય થઈ ગયું. ગભરાયેલા ચર્ચિલે તાત્કાલિક એ રૂમ છોડી દીધો અને ફરી વાર કદી ત્યાં પગ ન મૂક્યો.

વિશ્વયુદ્ધના સમયગાળામાં જ ૧૯૪૨માં નેધરલેન્ડ દેશનાં રાણી વિલ્હેમિના વ્હાઇટ હાઉસની મુલાકાતે આવ્યાં હતાં. એક રાતે તેઓ પોતાના કમરામાં ઊંઘતાં હતાં ત્યારે રૂમના દરવાજા પર ટકોરા થયા. અડધી રાતે કોણ હોઈ શકે એમ વિચારતાં તેઓ ઊઠ્યાં અને જેવો તેમણે દરવાજો ખોલ્યો કે તેમના શરીરમાંથી ડરનું લખલખું પસાર થઈ ગયું. સામે વિચારમગ્ન અવસ્થામાં અબ્રાહમ લિંકન ઊભા હતા, બલકે તેમનું ભૂત ઊભું હતું. કાળા સૂટ અને તેમની ટ્રેડમાર્ક સમી કાળી હેટ પહેરેલા લિંકનના પ્રેતને જોઈને લેડી વિલ્હેમિના બેહોશ થઈને ફર્શ પર ફસડાઈ પડ્યાં.

સ્ટાફને પણ દર્શન દીધા લિંકનના ભૂતેઃ

બરાબર એ જ દિવસોમાં વ્હાઇટ હાઉસમાં કામ કરતા એક યુવાનને પણ લિંકનનું પ્રેત દેખાયું હતું. વ્હાઇટ હાઉસના એક કમરામાં સાફસફાઈ કરવા માટે દાખલ થયેલા એ યુવાનને લિંકન બેડ પર બેઠેલા દેખાયા. બેડ પર બેઠાં બેઠાં તેઓ તેમનાં જૂતાં ઉતારી રહ્યા હતા. પેલા યુવાનને કમરામાં દાખલ થયેલો જોતાં જ તેમનું ભૂત પલકવારમાં ગાયબ થઈ ગયું. ઇલેનોર રુઝવેલ્ટની યુવાન સેક્રેટરી મેરી ઇબેને પણ લિંકનનું ભૂત જોયું હોવાનો દાવો કર્યો હતો. એક સાંજે તેને પ્રમુખની ઓફિસમાં આ ડરામણો અનુભવ થયો હતો. લિંકનના પ્રેતને જોતાં જ તે ચીસો પાડતી બહારની તરફ ભાગી હતી.

પ્રમુખ હેરી ટ્રુમેન, થિયોડોર રુઝવેલ્ટ અને હર્બટ હુવરે પણ લિંકનના પ્રેતને વ્હાઇટ હાઉસના અલગ અલગ ભાગમાં જોયાનો દાવો કર્યો હતો. પ્રમુખ રોનાલ્ડ રેગનની પુત્રી મૌરીન રેગન પણ આ યાદીમાં શામેલ છે.

વાયકા કે વાસ્તવિકતા?

ચર્ચા એવી હતી કે અકાળ મૃત્યુને પામેલા હોવાથી લિંકનનું પ્રેત ખરેખર વ્હાઇટ હાઉસમાં ભટકતું રહેતું હતું. તેઓ એક સાચા દેશભક્ત નેતા હતા અને તેમના મૃત્યુ સમયે ઘણાં અધૂરાં કાર્યો મૂકી ગયા હતા. એ કાર્યોને પૂરાં કરવાની ઈચ્છાને લીધે જ તેમનું પ્રેત વ્હાઇટ હાઉસમાં ભટકતું રહેતું હતું. બીજી એક ખાસ વાત કે લિંકનનું પ્રેત હંમેશાં એવાં વર્ષોમાં જ દેખાતું હતું જ્યારે અમેરિકા કોઈ કટોકટીભર્યા કાળમાંથી પસાર થતું હોય. જેમ કે લિંકનનું પ્રેત કેલ્વિન કુલીજને જ્યારે પ્રથમ વાર દેખાયું હતું એ વર્ષ હતું ૧૯૨૯. બરાબર એ જ સમયગાળામાં અમેરિકામાં ‘ધ ગ્રેટ ડિપ્રેશન’ નામે ઓળખાયેલી મંદી શરૂ થઈ હતી. કટોકટીના એ સમયમાં લાખો અમેરિકનોએ નોકરી ગુમાવી હતી અને હજારો લોકોએ બે ટંકનાં ભોજન મેળવવા માટે ઘરવખરી વેચવાનો વખત આવ્યો હતો.

ઈ.સ. ૧૯૩૯થી ૧૯૪૫ દરમ્યાન બીજા વિશ્વ યુદ્ધનો સમયગાળો પણ અમેરિકા માટે કટોકટીમય હતો. લિંકનનું પ્રેત આ જ સમયગાળા દરમ્યાન ચર્ચિલથી લઈને વિલ્હેમિના અને ઇલેનોર રુઝવેલ્ટની સેક્રેટરીથી લઈને હેરી ટ્રુમેનને દેખાયું હતું.

કદાચ આ અંદાજામાં તથ્ય હતું, કેમ કે બીજા વિશ્વ યુદ્ધ બાદ ઘણાં વર્ષો સુધી વ્હાઇટ હાઉસમાં લિંકનના પ્રેતે દેખા નહોતી દીધી. ઈ.સ. ૧૯૬૩થી ૧૯૬૯ સુધી અમેરિકન પ્રમુખ રહેલા લિન્ડન જ્હોન્સનનાં પત્ની બર્ડ જ્હોન્સને એક દિવસ લિંકનનું પ્રેત જોયાનો દાવો કર્યો. તેમના કહેવા મુજબ તેઓ અબ્રાહમ લિંકનના જ જીવન પર બનેલી એક ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી રહ્યાં હતાં ત્યારે અચાનક જ તેમણે કમરાના એક ખૂણામાં કોઈ વ્યક્તિને ઊભેલી જોઈ. એ લિંકન હતા! તેમની નજર સતત ટી.વી. પર ખોડાયેલી હતી. લેડી બર્ડ તેમને જોઈ રહ્યાં હતાં એ હકીકતથી જાણે કે તેમને કોઈ જ ફરક પડતો નહોતો. અમેરિકા અને રશિયા વચ્ચે એ વર્ષોમાં કટ્ટર દુશ્મની હતી અને બંને દેશો વચ્ચે ચાલી રહેલા ઠંડા યુદ્ધને પગલે ત્રીજું વિશ્વ યુદ્ધ થવાની શક્યતાઓ વધી રહી હતી. કદાચ એટલે જ લિંકન એ કટોકટીના સમયે દેખાયા હતા.

છેલ્લે ૮૦ના દાયકાની શરૂઆતમાં વ્હાઇટ હાઉસમાં કલેરિકલ નોકરી કરતા ટોની સેવોય નામના પુરુષે લિંકનના પ્રેતને જોયાનો દાવો કર્યો હતો. ગ્રાઉન્ડ ફ્લોરના વિશાળ દાદર નજીક એક ખુરશીમાં તેઓ બેઠા હતા. હંમેશ મુજબ તેમના ચહેરા પર ગંભીરતાના હાવભાવ હતા.

લિંકનનું ભૂત ખરેખર વ્હાઇટ હાઉસમાં દેખાતું હતું કે પછી વ્હાઇટ હાઉસ અને અમેરિકન સરકારની બદનામી માટે આ પ્રકારની અફવાઓ ઉડાવવામાં આવતી હતી એ વિષય હંમેશાં ચર્ચા જગાવતો રહ્યો છે, પરંતુ આટઆટલા જવાબદાર મહાનુભાવો કંઈ અમસ્તા જ એવી તર્કહીન અફવાઓ ફેલાવવામાં નિમિત્ત ન બને. આવી વાતો જાહેર કરીને પોતાને દુનિયા સમક્ષ અંધશ્રદ્ધાળુ સાબિત કરવામાં તો આવા મહાનુભાવોને રસ ન જ હોય. વ્હાઇટ હાઉસમાં લિંકનનું ભૂત દેખાયાની અનેક ઘટનાઓ બાદ પણ આ રહસ્ય વણઉકેલ્યું જ રહ્યું છે, કેમ કે બીજી દુનિયામાંથી પાછા ફરનારાંઓનું અસ્તિત્વ સાબિત કરવું આસાન નથી હોતું.

Article : 18. ભૂતાળવી હોસ્પિટલઃ ડોમિનિકેન હિલ

લોહી નીંગળતો એ હાથઃ

મારિયો લોરેન્ઝો નામનો અઠંગ બ્રાઝિલિયન પ્રવાસી કોઈક કારણસર એ રાતે ઊંઘી શકતો નહોતો. દિવસ દરમ્યાન કરેલી રખડપટ્ટીને લીધે શરીર થાકેલું હોવા છતાં તેની ઊંઘ વેરણ થઈ ગઈ હતી. ‘ડિપ્લોમેટ’ હોટલના કમરામાં પોતાના બેડ પર તે એકલો હતો અને પડખાં ફેરવી રહ્યો હતો. કંઈક વિચિત્ર પ્રકારની બેચેની તેને અનુભવાઈ રહી હતી. કલાકો સુધી ઊંઘવા માટે મથામણ કર્યા બાદ છેવટે કંટાળીને તેણે પથારી છોડી દીધી. રૂમમાં આમતેમ આંટા માર્યા પછી તાજી હવા લેવા માટે તે રૂમની બહાર નીકળી ગયો. હોટલના બગીચામાં અડધો કલાક પસાર કર્યા બાદ તેની બેચેની દૂર થઈ અને મન શાંત થયું. હવે ઊંઘ આવી જશે એવું લાગતા તે પોતાના કમરા તરફ પાછો ફર્યો. સમય મધરાત ઉપરનો થયો હોવાથી હોટલમાં કોઈ ચહલપહલ નહોતી. બગીચામાંથી હોટલના પગથિયાં તરફ આગળ વધી રહેલા મારિયોની નજર અચાનક હોટલની બહાર ઊભેલા એક માણસ પર પડી. દીવાલ સરસો ઊભેલો એ માણસ કશીક પીડાથી કણસી રહ્યો હતો. એની સહેજ નજીક જતાં મારિયોએ જે જોયું એનાથી તેના હોશ ઊડી ગયા. તેણે જોયું કે પેલા માણસનો જમણો હાથ કોણીમાંથી કપાઈને છૂટો પડી ગયો હતો. એના કપાયેલા હાથમાંથી વહેતું લોહી બગીચાના ઘાસ પર રેલાઈ રહ્યું હતું અને ઘાસમાં લોહીનું ખાબોચિયું બની ગયું હતું. એના શરીર પર બીજા પણ અનેક ઘા પડ્યા હતા, જેમાંથી લોહી વહી રહ્યું હતું. એની હાલત જોઈ મારિયોને કમકમાં છૂટી ગયાં. તે પગથી માથા સુધી થથરી ગયો.

‘ઓહ માય ગોડ! તમારી આવી હાલત કોણે કરી?’ મારિયોના મોંમાંથી શબ્દો સરી પડ્યા. જવાબમાં પેલો ઘાયલ માણસ કંઈ બોલ્યો નહિ. એને એટલી બધી વેદના થઈ રહી હતી કે એ કંઈ પણ બોલી શકવાની સ્થિતિમાં નહોતો. એણે આજીજીભરી આંખે મારિયો તરફ જોયું.

મદદ મેળવવા માટે મારિયો હોટલના મુખ્ય દરવાજા તરફ ઉતાવળે દોડી ગયો. ત્યાં બેઠેલા ચોકીદારને તેણે પરિસ્થિતિ સમજાવતાં કહ્યું, ‘જલ્દી મારી સાથે ચાલો. ત્યાં કોઈ માણસ ઘવાયેલી હાલતમાં પડ્યો છે.’

તેણે જે દિશામાં ઈશારો કર્યો હતો એ દિશા તરફ જોઈ ચોકીદાર ખૂબ શાંતિથી બોલ્યો, ‘ત્યાં કશું જ નથી, સાહેબ. હવે ત્યાં કશું જ નહિ હોય.’

‘શું વાત કરો છો તમે?’ રઘવાયા થતાં મોરિયો બોલ્યો. ‘મેં હમણાં જ ત્યાં એક માણસને લોહી નીંગળતી હાલતમાં જોયો છે. એને તાત્કાલિક મદદની જરૂર છે. તમે જલ્દી મારી સાથે ચાલો.’

તેની જીદ સામે ઝૂકીને ચોકીદાર તેની સાથે પેલો ઘાયલ માણસ હતો એ તરફ ગયો. ત્યાં કોઈ જ નહોતું! થોડી વાર પહેલાં મારિયોએ જોયેલો માણસ ત્યાં નહોતો. એના કપાયેલા હાથમાંથી વહેતા લોહીથી ઘાસમાં રચાયેલું ખાબાચિયું પણ નહોતું.

‘હમણાં જ મેં અહીં એક...’ મારિયો બોલવા ગયો, પરંતુ ગભરાટનો માર્યો બોલી ન શક્યો. તે ડરને લીધે ધ્રૂજી રહ્યો હતો.

‘એ માણસને જોનારા તમે પહેલા આદમી નથી, સાહેબ,’ ચોકીદાર બોલ્યો. ‘અને એના જેવા બીજા અનેક ઘાયલો અહીંતહીં દેખાતા રહે છે.’

ચોકીદારની વાત સાંભળી મારિયો હેબત પામી ગયો. તેને એ સમજતા વાર ન લાગી કે હકીકતમાં શું બન્યું હતું. જીવનમાં પહેલી જ વખત તેણે ભૂત જોયું હતું. ભૂત...

ડોમિનિકેન હિલ પર આવેલું એ ભૂતિયા મકાનઃ

ફિલિપાઈન્સ દેશનું બાગીઓ શહેર પર્વતોથી ઘેરાયેલું એક નાનકડું નગર છે. અહીંની સૌથી ઊંચી જગ્યા ‘ડોમિનિકેન હિલ’ નામે જાણીતી એક ટેકરી છે. આ હિલથી બાગીઓ શહેરનું મનોહર દૃશ્ય દેખાય છે અને પ્રવાસીઓ કુદરતી સૌંદર્યની મઝા માણવા અહીં આવતા રહે છે. ડોમિનિકેન હિલ પર ઊભેલું એક માત્ર મકાન એટલે ‘ડિપ્લોમેટ હોટલ’. એક જમાનામાં ફિલિપાઈન્સની સૌથી વધુ આકર્ષક ગણાયેલી હોટેલો પૈકીની એક એવી આ હોટલ આજે ખખડધજ દશામાં ઊભી છે. હોટલની દીવાલોના રંગ વાતાવરણની થપાટો ઝીલી ઝીલીને પૂરેપૂરા ઊખડી ચૂક્યા છે. બારીબારણાને નામે લાકડાના થોડા ટુકડાઓ જ બારસાખમાં લટકી રહ્યા છે. ફર્શ પરની ટાઇલ્સ ઠેકઠેકાણે ઊખડી ગયેલી છે અને ફર્નિચર પર ધૂળના જાડા થર જામી ગયા છે.

આવા આ ખંડેર સમા મકાનના મુખ્ય ઓરડા—જેનો એક જમાનામાં રિસેપ્શન હોલ તરીકે ઉપયોગ થતો હતો—ની બંને બાજુ બે ખુલ્લાં આંગણાં છે. બંને આંગણામાં દેવદૂતની એક-એક મૂર્તિઓ ઊભી છે, પરંતુ એ મૂર્તિઓની હાલત એટલી ખરાબ છે કે તેઓ દેવદૂત કરતાં દાનવ વધુ લાગે છે. હોટલના મકાનની ચારે તરફ ઝાડીઝાંખરાં ઊગી નીકળ્યાં છે જેને લીધે મકાનનો દેખાવ વધુ ડરામણો લાગે છે. ખાસ કરીને રાતે તો આ ઈમારત જબરી ભૂતાળવી ભાસે છે! અહીં વર્ષોથી કોઈ માણસે વસવાટ નથી કર્યો. અહીંના રહેવાસીઓ ફક્ત વન્ય પક્ષીઓ છે. અબોલ પક્ષીઓના ઘણા બધા માળા અહીં જોવા મળે છે. મકાનની અંદર ફરતી વખતે સંભળાતા કબૂતરોના ઘૂઘવાટ અને પાંખો ફફડવાના અવાજો વાતાવરણને વધુ ભયાનક બનાવી મૂકે છે.

ડોમિનિકેન હિલ પર આવેલા આ એકાકી મકાનમાં એવું તો શું બન્યું હતું કે તેને ત્યજી દેવામાં આવ્યું અને તેની આવી અવદશા થઈ ગઈ એ જાણવા માટે દૂરના ઈતિહાસમાં ડોકિયું કરવું પડશે.

ભયંકર હત્યાકાંડની સાક્ષી બનેલી ડોમિનિકેન હિલ હોસ્પિટલઃ

ઈસવી સન ૧૯૧૧માં ડોમિનિકેન હિલ પર આ મકાનનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. વેકેશન હાઉસ તરીકે બાંધવામાં આવેલા આ મકાનને સરકારી ટેક્સ બચાવવા માટે શાળામાં ફેરવી દેવામાં આવ્યું, પરંતુ બાગીઓ ટાઉનથી દૂર હોવાથી બહુ ઓછા વિદ્યાર્થીઓ અહીં સુધી ભણવા આવતા, એટલે થોડા વખતમાં શાળા બંધ કરી દેવામાં આવી. કુલ મળીને ૧૭ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલી આ જાગીરને ત્યાર બાદ લાંબા સમય સુધી તેના માલિકો દ્વારા વપરાશમાં લેવામાં આવી નહિ. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ખાલી પડેલા આ મકાનનો ઘરબારવિહોણા લોકોના વસવાટ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફિલિપાઈન્સ પર એ વખતે જાપાનનો કબજો હતો અને જાપાની સેના એશિયાના અન્ય દેશોની જેમ ફિલિપાઈન્સમાં પણ હાહાકાર મચાવી રહી હતી. બીજા વિશ્વ યુદ્ધનું બ્યૂગલ તો યુરોપમાં ફૂંકાયું હતું, પણ હાલના ચીનની જેમ એ જમાનામાં વિસ્તારવાદી નીતિ ધરાવતા જાપાને વહેતી ગંગામાં હાથ ધોઈ લેવાને ઈરાદે કારણ વગર એશિયાઈ દેશો પર સશસ્ત્ર આક્રમણ કરવાનું શરૂ કરી દીધું હતું. ભારત ઉપરાંત ચીન, મ્યાન્માર, સિંગાપોર અને ફિલિપાઇન્સ સહિતના દક્ષિણ એશિયાના તમામ દેશોમાં જાપાને રીતસર કાળો કેર વર્તાવ્યો હતો. યુરોપમાં જર્મનીની ધાક જામશે અને એશિયામાં પોતાનું એકચક્રી સામ્રાજ્ય સ્થપાશે એવી ગણતરીએ જાપાન બેફામ બન્યું હતું અને એ પાપની સજા તેણે બબ્બે અણુ બોમ્બના કમરતોડ પ્રહાર વેઠીને ચૂકવવી પડી હતી. બીજા વિશ્વ યુદ્ધના આવા કપરા સમયમાં જાપાની સૈનિકો દ્વારા આચરાતી ક્રૂરતા હિટલરની નાઝી સેનાના સિપાઈઓ દ્વારા આદરાયેલા હત્યાકાંડનેય સારી કહેવડાવે એટલી ભયંકર હતી. કટોકટીના એ સમયમાં ડોમિનિકેન હિલના એ વિશાળ મકાનમાં એક હૉસ્પિટલ પણ ઊભી કરવામાં આવી હતી.

અન્ય નગરોની જેમ જાપાની હવાઈ સેનાએ બાગીઓ નગર પર ભારે બૉમ્બ વર્ષા કરી હતી. એ અગનવિનાશમાંથી ડોમિનિકેન હિલ પણ બચી શક્યું નહોતું. મકાનના માળખાને ભારે નુકસાન પહોંચ્યું અને અનેક લોકો માર્યા ગયા. આટલું અધૂરું હોય એમ જાપાની થલ સેનાએ થોડા દિવસો બાદ ફરી વાર બાગીઓ નગર પર હુમલો કર્યો અને લોકોને વીણી વીણીને માર્યા. ડોમિનિકેન હિલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને પણ એમણે ન છોડ્યા. પલંગ પર પડેલા અસહાય, ઘાયલ, લાચાર દર્દીઓને તેમણે ગોળીઓથી વિંધી નાખ્યા અને ઘણાને તલવારથી વધેરી નાખ્યા. શારીરિક રીતે અક્ષમ દર્દીઓ સ્વબચાવ પણ કરી શકે એમ નહોતા. ગણતરીના કલાકોમાં હોસ્પિટલને રક્તરંજિત કરીને જાપાની સૈન્ય ત્યાંથી જતું રહ્યું. પાછળ પડી હતી અનેકાનેક લાશો. એ લાશો, જે પોતાના અપમૃત્યુને લીધે પાછી જીવતી થવાની હતી. પ્રેત રૂપે…

સમય જતાં વિશ્વ યુદ્ધ તો પૂરું થઈ ગયું, પરંતુ ડોમિનિકેન હિલ હૉસ્પિટલમાં બનેલા લોહિયાળ હત્યાકાંડની ગૂંજ શાંત થઈ નહિ. રેઢા પડેલા મકાનમાં ભૂતો થવા લાગ્યાં. રાત પડ્યા બાદ અહીં કમોતે મરનારા લોકોની ચીસાચીસ સંભળાતી. સંપૂર્ણપણે ખાલી હોવા છતાં ઘણા પ્રવાસીઓએ હૉસ્પિટલની બારીઓમાં માણસો ઊભેલા જોયા હતા. અહીં થતી ભૂતાવળની વાતો સાંભળી તેના મૂળ માલિકોએ કદી અહીં રહેવાની હિંમત કરી નહિ.

ભૂત-પ્રેતની હાજરીએ હોટલને ચાંદી કરાવી દીધીઃ

છેક ૧૯૭૩માં આ મિલકત બાગીઓ શહેરના જ એક વેપારી ટોની અગપોઆને વેચી દેવામાં આવી. નવા માલિકે મકાનનું સમારકામ કરાવ્યું અને તેને ‘ડિપ્લોમેટ’ નામની હોટલમાં બદલી નાખ્યું. કુલ ૩૩ બેડરૂમની એ હૉટેલમાં પ્રવાસીઓ આવવા લાગ્યા અને હોટલ જાણીતી બની. જોકે હોટલને કુખ્યાત થતાંય ઝાઝી વાર ન લાગી. હોટલમાં રાતવાસો કરનારા લોકોને અહીં ભૂતપ્રેત દેખાવા લાગ્યા. ઘણી વાર કારમી ચીસો પણ સંભળાતી. બારીબારણાં પર ધબડાટી સંભળાતી. મારિયો જેવા કેટલાક લોકોને તો ભૂતો સદેહે પણ દેખાતાં. ભૂતાવળ થતી હોવાની વાત જંગલમાં આગની જેમ ફેલાઈ ગઈ અને ડિપ્લોમેટ હોટલની ચર્ચા દેશવિદેશમાં થવા લાગી. અનેક લોકો તો ફક્ત ભૂત-પ્રેતનો અનુભવ લેવા માટે અહીં આવવા લાગ્યા.

ડિપ્લોમેટ હોટલની દુર્દશાઃ

નેગેટિવ પબ્લિસિટી મળતી હોવા છતાં હોટલનો માલિક ખુશ હતો, કેમ કે હોટલ સારી કમાણી કરાવી આપતી હતી. જોકે ૧૯૮૭માં ટોનીને હૃદયરોગનો જીવલેણ હુમલો થયો. તેના મર્યા બાદ તેના કોઈ વારસદારને એ ભૂતિયા હોટલ ચલાવવામાં રસ નહોતો રહ્યો. હોટલ બંધ કરી દેવામાં આવી અને ત્યારથી એ બંધ જ છે. ટોનીના વારસદારોએ એકથી વધુ વાર એ ભૂતિયા પ્રોપર્ટી વેચવાની કોશિશો કરી જોઈ, પણ એમને કોઈ લેવાલ ન મળ્યા. આવી જોખમી અને ડરામણી પ્રોપર્ટીને હાથ પણ કોણ અડાડે? વણવપરાયેલા પડ્યા રહેલા એ મકાનને કાળની થપાટ અને વાતાવરણના મારે ગ્રસી લીધું. એક સમયની રોનકદાર ઈમારત વર્ષો વીતતાં ખંડેરમાં ફેરવાઈ ગઈ. આજની તારીખે પણ ડોમિનિકેન હિલ પરનું એ મકાન એવી જ દુર્દશામાં ઊભું છે અને આજની તારીખે પણ ત્યાં અપમૃત્યુ પામેલા લોકોની ભૂતાવળ થતી હોવાનું કહેવાય છે.

Article : 19. ભૂતિયું રેલવે ક્રોસિંગ

એક અનોખો અનુભવઃ

દક્ષિણ અમેરિકી દેશ પેરુની બ્રેન્ડા પશેકો નામની એક મધ્યવયસ્ક મહિલાની કાર અમેરિકાના ટેક્સાસ રાજ્યના સાન એન્ટોરિયો શહેરની દક્ષિણ દિશામાં આગળ વધી રહી છે. સાન જુઆન મિશન નામના સ્થળેથી સહેજ દૂર આવેલા રેલવે ક્રોસિંગ પાસે તે પોતાની કાર થંભાવે છે. બપોરનો સમય હોવાથી અન્ય કોઈ વાહન ત્યાં નહોતું. રેલવેલાઈન અને રસ્તો ક્રોસ થતો હોવા છતાં આ સ્થળે ફાટક કે સિગ્નલ જેવી કોઈ સલામતી નહોતી. એનું કારણ કદાચ એ હતું કે આ રેલવે ટ્રેક પરથી બહુ ઓછી ટ્રેનો પસાર થતી હતી. ક્રોસિંગથી માંડ પંદર ફિટનાં અંતરે બ્રેન્ડાની કાર ઊભી છે. કારને ન્યૂટ્રલ ગિયરમાં નાખી તે એન્જિન બંધ કરી દે છે. કારની પાછલી સીટ પર પડેલ હૅન્ડબેગમાંથી ટેલ્કમ પાઉડરનો ડબ્બો કાઢીને તે કારની બહાર નીકળે છે. કંઈક અસમંજસ, કંઈક અનિશ્ચિતતાની લાગણી સાથે તે ધીમા પગલે કારના પાછળનાં ભાગે જાય છે. કારની ડીકીના પતરાં પર તે સારી એવી માત્રામાં ટેલ્કમ પાઉડર છાંટી દે છે. ફરીવાર ડ્રાઈવિંગ સીટ પર બેસીને તે કંઈક અનોખું, કંઈક અગમ્ય બનવાની રાહ જોવા લાગે છે. અને થોડી જ વારમાં કંઈક એવું બનવા લાગે છે જેનો અનુભવ કરવા માટે તે છેક પેરુથી અમેરિકા સુધી લાંબી થઈ હતી. તેની કાર આપોઆપ જ આગળ વધવા લાગે છે! કારનું એન્જિન બંધ હોવા છતાં ધીમે ધીમે કરીને કાર આપોઆપ જ આગળ ધકેલાવા લાગે છે. સ્ટીયરિંગ વ્હીલ પરથી પોતાના હાથ હટાવી લઈ બ્રેન્ડા પાછળ ગરદન ઘુમાવે છે. કારની પાછળની તરફ તેને કોઈ દેખાતું નથી. કોઈ અદૃશ્ય શક્તિ દ્વારા તેની કાર રેલવે ક્રોસિંગ પાર કરીને બીજી બાજુ પહોંચી જાય છે અને પછી આગળ વધતી અટકી જાય છે. કાર આગળ વધતી અટકી ગઈ પછી પણ બ્રેન્ડા થોડીવાર અંદર જ બેઠી રહી. અગોચર શક્તિઓનો પ્રત્યક્ષ પરચો મેળવી તે ઉત્તેજિત થઈ ગઈ હતી. તેના હૃદયની ધડકનો તેજ થઈ ગઈ હતી. તેનાં રુંવાટા ઊભા થઈ ગયા હતા. આશ્ર્ચર્ય અને ઉત્તેજનાનું આ તો હજી પહેલું જ ચરણ હતું. અગોચર શક્તિઓની હાજરી વિશેની વધુ મોટી સાબિતી તો કારની પાછળની બાજુ તેની રાહ જોઈ રહી હતી. કારમાંથી ઊતરી તે ધ્રૂજતી ચાલે કારની પાછળ પહોંચી. કારની ડીકીનાં પતરાં પર તેણે જ્યાં ટેલ્કમ પાઉડર છાંટેલો હતો એ જગ્યાએ સફેદ પાઉડરમાં બાળકોનાં પંજાની છાપ દેખાતી હતી! ગણીને પૂરા વીસ પંજા! અત્યંત સ્પષ્ટ એવી એ નિશાનીઓ જોઈને બ્રેન્ડાનું મોં અધખૂલું રહી ગયું. આ રેલવે ક્રોસિંગ વિશે આજ સુધી તેણે જે કંઈ સાંભળ્યું હતું એ સો ટકા સાચું નીકળ્યું હતું. એ રેલવે ક્રોસિંગ પાસે ભૂતાવળ થતી હતી…

એ કમનસીબ દુર્ઘટનાઃ

સાન એન્ટોરિયો શહેરના એ રેલવે ક્રોસિંગ પાસે વર્ષોથી નાના બાળકોની ભૂતાવળ થતી આવી છે. આ સ્થળે એવું તો શું બન્યું હતું એ જાણવા માટે આપણે આજથી ૭૮ વર્ષ પહેલાં બનેલી એક દુર્ઘટના વિશે જાણવું પડશે. ઈસવીસન ૧૯૩૮માં ડિસેમ્બર મહિનામાં એક સ્કૂલ બસને આ રેલવે ક્રોસિંગ પર ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. એ સમયે સ્કૂલ બસમાં કુલ મળીને ૨૬ બાળકો બેઠા હતા. તમામ બાળકો ૮થી ૧૪ વર્ષની વયનાં હતા. દરરોજની જેમ તેમની બસ આ રેલવે ક્રોસિંગ પરથી પસાર થઈ રહી હતી એ જ સમયે બસને કંઈક ટેક્નિકલ ખરાબી નડી ગઈ. બસ રેલવે ક્રોસિંગની બરાબર વચ્ચે ખોટકાઈ ગઈ. ડ્રાઈવરે વારંવાર બસ ચાલુ કરવાની કોશિશ કરી જોઈ પણ બસ ચાલુ ન થઈ. સલામતી ખાતર તે બાળકોને નીચે ઉતારી ક્રોસિંગ પાર કરાવે એ પહેલાં જ તેને ટ્રેક પર આવતી ટ્રેન દેખાઈ. ટ્રેનની ઝડપ જોતા ડ્રાઈવરને લાગ્યું કે બધાં બાળકોને નીચે ઉતારી લેવા જેટલો સમય તેની પાસે નહોતો. તેણે ફરીવાર બસ ચાલુ કરવાની કોશિશ કરી, એ આશામાં કે ક્યાંક નસીબ સાથ આપી દે અને ચમત્કાર થઈ જાય! પરંતુ ન તો નસીબે તેને સાથ આપ્યો કે ન કોઈ ચમત્કાર થયો. અકસ્માત નિવારવા ટ્રેનનાં ડ્રાઈવરે બ્રેક મારી પણ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હતું. ટ્રેન ધીમી પડે તે પહેલાં જ ટક્કર થઈ અને બસનાં આગળનાં ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો. બાળકોની કારમી ચીસો વાતાવરણમાં ગૂંજી ઊઠી. ટક્કર પામેલી બસ ઊછળીને દૂર જઈ પડી અને ડ્રાઈવર ઉપરાંત દસ બાળકોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું. બાકીનાં ૧૬ બાળકો ગંભીરપણે ઘવાયા અને તેમને તાત્કાલિક તબીબી સારવાર મળતા તેઓ બચી ગયા. માસૂમ બાળકોનાં લોહીથી ખરડાયેલા એ સ્થળે ત્યારથી ભૂતાવળ થવા લાગી.

બાળકોના પ્રેતની પ્રત્યક્ષ સાબિતિઃ

એ રેલવે ક્રોસિંગ પાસે થતાં બાળકોનાં પ્રેત કોઈને ડરાવતા નથી, પરંતુ મદદરૂપ થાય છે. બ્રેન્ડા પશેકોની જેમ અનેક લોકો બાળકોની ભૂતાવળની હાજરી અનુભવવા એ ક્રોસિંગ પાસે આવી પોતાનું વાહન રોકી દે છે અને પછી આપોઆપ જ એ વાહન ધીમે ધીમે આગળ વધી રેલવે ટ્રેક ક્રોસ કરી જાય છે. વાહનનાં પાછળનાં ભાગ પર પાઉડર છાંટી દેવામાં આવ્યો હોય તો બાળકોનાં પંજાની સ્પષ્ટ છાપ પણ જોઈ શકાય છે. મેથ્યુ બેક્સટર નામના ભૂતપ્રેતનાં અસ્તિત્વ વિશે સંશોધન ચલાવતા વ્યક્તિએ તો એકથી વધુ વખત આ પ્રયોગ કર્યો છે અને એક પણ અપવાદ વિના તમામ કિસ્સાઓમાં તેના વાહન પર બાળકોનાં પંજાની છાપ જોવા મળી છે.

સૌથી આશ્ચર્યજનક બાબત તો એ છે કે રેલવે ટ્રેકનો ક્રોસિંગવાળો ભાગ રસ્તા કરતા થોડો ઊંચો છે એટલે કે રેલવે ટ્રેક તરફ હલકો ચઢાણવાળો રસ્તો છે. બંધ પડેલા વાહનો ગુરુત્વાકર્ષણના નિયમ વિરુદ્ધ જઈ આગળ વધવા માંડે એ ત્યારે જ શક્ય છે જ્યારે એને પાછળથી ધક્કો મારવામાં આવે.

સામાન્યપણે તો ભેંકાર અને અવાવરું જગ્યાએ ભૂતાવળ થતી હોય છે, પરંતુ અહીં તો વાહન વ્યવહારની ધમધમતા વિસ્તારમાં ભૂતાવળ થાય છે. અને એ પણ દસ-દસ બાળકોની! અનેક લોકોએ રાતનાં સમયે અહીંથી પસાર થતી વખતે ઘણાં બધાં બાળકોના રમવાનો અવાજ સાંભળ્યાનો દાવો કર્યો છે. જોકે કોઈને એ બાળકો પ્રત્યક્ષ રૂપે દેખાયા નથી.

બાળપ્રેતનો એ વિવાદાસ્પદ ફોટોઃ

ડેબી ચેસ્ને નામની એક મહિલાએ આ સ્થળે એક બાળકનાં પ્રેતનો ફોટો પાડ્યાનો દાવો કર્યો હતો. રાતનાં સમયે અહીંથી પસાર થતી ડેબીએ આ સ્થળે ઘણાં બધાં ફોટા પાડ્યા હતા. એ સમયે તો તેને એ સ્થળની આસપાસ કંઈ જ દેખાયું નહોતું, પરંતુ તેણે જ્યારે ફોટા ડેવલપ કર્યા ત્યારે તેને એક ફોટામાં એક બાળકીનો આકાર દેખાયો હતો. અર્ધપારદર્શક એવો એ આકાર રેલવે ટ્રેકની નજીક ઊભો હતો અને જાણે કે ફોટો લેનાર વ્યક્તિને જ તાકી રહ્યો હતો. ડેબીએ આ ફોટો જાહેર કર્યો ત્યારે સનસનાટી મચી ગઈ હતી. કેટલાકે આ ફોટાને બનાવટી ગણ્યો તો કેટલાકને એ સાચો લાગ્યો હતો. સાચુકલા ગણાયા હોય એવા ભૂત-પ્રેતનાં બહુ ગણ્યાં-ગાંઠ્યાં ફોટા દુનિયામાં ઉપલબ્ધ છે. એવા ફોટા પૈકીનો એક એવો આ ફોટો ભારે વિવાદાસ્પદ બન્યો હતો અને આજેય એ વિવાદાસ્પદ ગણાય છે. ક્રોસિંગ પર મરેલા બાળકો પૈકીના જ કોઈ એકનું પ્રેત એ ફોટામાં દેખાય છે એવું કહેવાતું આવ્યું છે, પરંતુ તે બાળકની સાચી ઓળખ થઈ શકી નથી.

મૃત બાળકોને અપાયેલી અનોખી શ્રદ્ધાંજલિઃ

એ ગોંઝારા અકસ્માતમાં માર્યા ગયેલા દરેક બાળકને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. સાન એન્ટોરિયો શહેરની શેરીઓને એ બાળકોનાં નામ આપવામાં આવ્યા છે. જેમાંનાં કેટલાક નામો છે- સિંડી ક્યુ સ્ટ્રીટ, બોબી એલન સ્ટ્રીટ, નૅન્સી કેરોલ સ્ટ્રીટ, લૌરા લી સ્ટ્રીટ અને રિચર્ડ ઓટીસ સ્ટ્રીટ.

રેલવે ક્રોસિંગની આસપાસના વિસ્તારમાં આજની તારીખે પણ ગુલાબનાં ફૂલો, રમકડાં અને ચોકલેટ જેવી બાળકોને ગમતી ચીજો વેરાયેલી પડેલી જોવા મળે છે. અહીંથી પસાર થતા લોકો બાળકોની આત્માને શાંતિ મળે એ માટે આવી બધી ચીજો મૂકી જતા હોય છે. ‘બાળકોની આત્માને શાંતિ મળે’ એ મતલબનું લખાણ કોતરેલો એક પથ્થર પણ અહીં મૂકવામાં આવ્યો છે. જોકે છેલ્લાં ૭૮ વર્ષથી તો અકાળ અકસ્માતનો ભોગ બનેલા એ માસૂમ જીવોને શાંતિ મળી નથી એમ કહી શકાય કેમ કે આજે પણ તેમની પરગજુ આત્માઓ ત્યાં થોભેલા વાહનોને ધક્કો મારીને રેલવે ક્રોસિંગની પેલે પાર પહોંચાડતી રહે છે.

Article : 20. સદીઓ જૂની ભૂતાવળ

‘એનિસન્ટ રેમ ઈન’માં જનસામાન્ય માટે પ્રવેશબંધી કેમ હતી?

ઇંગ્લેન્ડના ગ્લોસ્ટરશાયર પરગણામાં આવેલું મકાન ‘એનિસન્ટ રેમ ઈન’ વર્ષોથી નહીં, પરંતુ સદીઓથી ભૂતાવળું છે. માની ન શકાય એવી છતાં આ એક સાચી વાત છે. આજથી લગભગ પોણા નવસો વર્ષો અગાઉ છેક ઈ.સ. ૧૧૪૨ની સાલમાં તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એ સમયે આ મકાનની માલિકી એક ચર્ચની હતી. આ સ્થળે ‘સેઈન્ટ મેરી’ ચર્ચનું નિર્માણ થતું હતું એ દરમિયાન ચર્ચના બાંધકામમાં લાગેલા મજૂરો ‘એનિસન્ટ રેમ ઈન’માં રહેતા હતા. ચર્ચનું બાંધકામ પૂરું થઈ ગયા બાદ ચર્ચના મુખ્ય પાદરીએ આ મકાનને પોતાનું રહેઠાણ બનાવ્યું હતું. કેટલાંક અકળ કારણોસર સામાન્ય જનતાને એ મકાનમાં પ્રવેશ આપવામાં આવતો નહોતો. વ્યક્તિ ગમે એટલી પૈસાદાર હોય કે લાગવગવાળી હોય, તો પણ તેને આ મકાનમાં દાખલ થવા દેવામાં આવતી નહોતી. ધનવાન ઉમરાવો અને જમીનદારો તો ઠીક સર્વસત્તાધીશ રાજા-મહારાજાઓ માટેય આ મકાનમાં પ્રવેશબંધી હતી. યુરોપના તમામ દેશો એ જમાનામાં સામાજિક અંધકારમાં ડૂબેલા હતા. ચર્ચના વડાઓ ધર્મનો ડર બતાવી જનસમૂહના માનસ પર રાજ કરતા હતા. ચર્ચના સંચાલકોને સમાજનું બહોળું અને આંધળું સમર્થન મળતું હોવાથી ભલભલા ચરમબંધીઓ પણ ચર્ચના કામ અને નિર્ણયોમાં દખલ દેતા નહોતા. અને એ જ સ્થિતિનો ફાયદો ‘સેઈન્ટ મેરી’ ચર્ચના સંચાલકો પણ મેળવતા હતા. ચર્ચ સાથે સંકળાયેલા લોકો સિવાય અન્ય સૌ કોઈ માટે ‘એનિસન્ટ રેમ ઈન’માં પ્રવેશબંધી હોવાથી એ મકાનની આસપાસ સ્વાભાવિકપણે રહસ્યનું આવરણ ચઢી ગયું હતું. એ મકાનમાં એવું તો શું હતું એની ચર્ચા ગ્લોસ્ટરશાયરના રહેવાસીઓમાં થતી રહેતી અને જાતજાતની અફવાઓ સાંભળવા મળતી.

રહસ્યમય મકાનમાં ભાડૂતોને થયેલા ભૂતિયા અનુભવોઃ

અમુક વર્ષો બાદ પાદરીએ ‘એનિસન્ટ રેમ ઈન’ ખાલી કરી દીધું અને પછીથી એ મકાન કોઈને ભાડે આપી દેવામાં આવ્યું. નવા ભાડૂતે પણ માત્ર થોડા જ દિવસ બાદ મકાન ખાલી કરી દીધું. જોકે કોઈ અકળ કારણોસર તેના ઘર છોડી જવા પાછળના કારણને ચર્ચ દ્વારા જાહેર નહોતું કરાયું. ચર્ચના ટ્રસ્ટીઓએ કોઈ અન્ય ભાડૂત શોધી કાઢ્યો, પરંતુ તે પણ એ રહસ્યમય મકાનમાં વધુ દિવસો ન રોકાયો. મકાન ચર્ચથી માંડ થોડાક જ મીટર છેટે આવેલું હોવાથી ચર્ચના સાંનિધ્યમાં રહેવાનો લહાવો મેળવવા માટે આસ્થાળુ લોકો ત્યાં ભાડૂત તરીકે રહેવા આવતા, પરંતુ કોઈ પણ પરિવાર ત્યાં લાંબો સમય વસવાટ કરી ન શકતા. ચર્ચની પ્રતિષ્ઠા સારી હોવાથી ‘એનિસન્ટ રેમ ઈન’ને ભાડૂત મેળવવામાં કદી મુશ્કેલી ન પડી, પરંતુ એ મકાન જાણે કે કદી કોઈ એક માલિકનું થવા સર્જાયું જ નહોતું. મકાન ખાલી કરીને ગયેલા મોટા ભાગના લોકો ચર્ચના સંચાલકોને નારાજ કરવા ઈચ્છતા ન હોવાથી મકાન છોડવા બદલ સાવ ક્ષુલ્લક કારણો આપતા, પરંતુ હકીકત કંઈક બીજી જ હતી. શહેરમાં ધીમે ધીમે વાતો ફેલાવા લાગી કે ‘એનિસન્ટ રેમ ઈન’માં ભૂતો થતાં હતાં! મકાનમાં રહેનારા લોકોને ભારે બેચેની અને સતત માનસિક તાણનો અનુભવ થતો. મકાનનાં ખૂણાઓમાં રહસ્યમય અવાજો સંભળાતા. ચીજવસ્તુઓ આપોઆપ ફર્શ પર પડી જતી અને નાના-મોટા અકસ્માતો તો થયા જ કરતાં. શારીરિક અને માનસિક રીતે વ્યગ્ર રહેણાંક છેવટે મકાન છોડીને ભાગી જતો. ચર્ચની શાખ જાળવી રાખવા માટે ચર્ચના સંચાલકોએ એકથી વધુ વખત જાહેરમંચ પરથી ‘એનિસન્ટ રેમ ઈન’ સાથે સંકળાયેલી અફવાઓને પાયાવિહોણી જણાવી એવી અફવાઓને રદિયો આપ્યો, પરંતુ ખરેખર એ ઘરમાં કંઈક તો એવું હતું જ કે જે અકળ, રહસ્યમય અને પજવણીકારક હતું.

મકાન વિશે ઊડતી અફવાઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જ જતી હોવાથી છેવટે ચર્ચે તેને વેચી નાખવાનો નિર્ણય લીધો. તેમને ડર હતો કે, રખેને ભવિષ્યમાં કોઈ ખરીદનાર જ ન મળે અને આટલી વિશાળ પ્રોપર્ટી ખંડેરમાં ફેરવાઈ જાય! છેવટે ચર્ચની સમસ્યાનો અંત આવ્યો અને મકાન એક જમીનદારને વેચી દેવામાં આવ્યું. એ સમસ્યાકારક મકાન હવે ચર્ચની સમસ્યા રહ્યું નહોતું. અન્યોની જેમ પેલા જમીનદારના કુટુંબને પણ મકાનમાં અસામાન્ય અનુભવો થવા લાગ્યા, જેની પહેલાં તો તેમણે અવગણના કરી, પરંતુ છાશવારે બનતી રહસ્યમય ઘટનાઓ અને લોકવાયકાઓને ધ્યાનમાં રાખી તેમણે ઘરમાં ભૂતપ્રેત ભગાડનારને બોલાવ્યો. એનાથી કંઈ પણ ફાયદો થયો નહીં અને ભૂતાળવી પ્રવૃત્તિઓ ચાલતી જ રહી. છેવટે જમીનદારે ચાલાકી વાપરીને થોડી ખોટ ખાઈને એક દૂરના સંબંધીને એ મકાન વેચી માર્યું.

આમ કરતાં કરતાં ‘એનિસન્ટ રેમ ઈન’ના માલિકો સતત બદલાતા ગયા. નવો માલિક ખૂબ ઉત્સાહપૂર્વક આ ભવ્ય મકાનમાં રહેવા આવતો અને થોડા દિવસો બાદ ડરનો માર્યો મકાન ખાલી કરીને ભાગી જતો. ગળે પડેલા એ મકાનને તે ગમે એમ કરી બીજાને પધરાવી દેતો, પણ એ ભૂતિયું મકાન કોઈ પણ માણસને ત્યાં કાયમી વસવાટ કરવા દેતું નહોતું. ચલકચલાણી સમો આ ઘટનાક્રમ વર્ષો, દાયકાઓ અને સદીઓ સુધી ચાલતો રહ્યો! પણ ‘એનિસન્ટ રેમ ઈન’ કોઈનું ન થયું તે ન જ થયું!

ભૂતાવળોએ એના દિલોદિમાગ પર કબજો જમાવ્યો અને…

ઈ.સ. ૧૮૧૦માં ‘એનિસન્ટ રેમ ઈન’ને નવો માલિક મળ્યો. નામ એનું રોજર વૂડ. પત્ની અને બે બાળકો સાથે એ મકાનમાં રહેવા આવ્યા બાદ રોજરને પણ ભૂતિયા અનુભવો થવા લાગ્યા. રાતે વ્યવસ્થિત રીતે ગોઠવેલો સામાન સવારે ખેદાનમેદાન થઈ જતો. રાંધેલો ખોરાક રસોડામાં વેરણછેરણ પડેલો મળી આવતો અને મકાનનાં પહેલા માળે કોઈકનાં પગરવ સંભળાતાં. પત્ની અને બાળકો ડરી ગયેલાં હોવા છતાં રોજર એ મકાન છોડવા તૈયાર નહોતો. મકાનનાં ભૂતોએ છેવટે રોજરને જ શિકાર બનાવ્યો. તેના દિલોદિમાગ પર શેતાની ભૂતાવળો સવાર થઈ ગઈ. તેને શંકા થવા લાગી કે તેની પત્નીને અન્ય પુરુષો સાથે આડા સંબંધ હતા. આ શંકા તેમની વચ્ચે વારંવાર ઝઘડાનું કારણ બનવા લાગી. રોજર પોતાની પત્નીની મારઝૂડ પણ કરવા લાગ્યો. પત્નીની બેવફાઈની શંકાને લીધે તે ચિક્કાર દારૂ પીવા લાગ્યો અને એમાં તેનું કુટુંબ બરબાદ થવા લાગ્યું. પતિ-પત્નીની વચ્ચે હવે દરરોજ ઝઘડા થતાં. આવા જ એક ઝઘડા દરમિયાન ગુસ્સામાં આવીને રોજરે તેની પત્નીની હત્યા કરી દીધી. તેના એ પાપના સાક્ષી તેનાં બાળકો હોવાથી તેણે પોતાના બંને નિર્દોષ બાળકોને પણ રહેંસી નાખ્યાં. ત્રણે લાશોને તેણે કમ્પાઉન્ડમાં રાતના સમયે દાટી દીધી. તેણે કરેલા પાપ બદલ તેને પસ્તાવો થતો હતો, પરંતુ એ બદલ તે પોતાના ઘરમાં રહેતી આસુરી શક્તિઓને દોષિત માનતો હતો, જે એક હકીકત હતી. તે ઘર છોડવા તૈયાર નહોતો એટલે તેના દિલોદિમાગનો કબજો લઈ ભૂતોએ જ તેની પાસે સામૂહિક હત્યાકાંડનું અધમ કૃત્ય કરાવ્યું હતું. કોહવાયેલી લાશોની વાસે ચાર-પાંચ દિવસો બાદ વાતાવરણને પ્રદૂષિત કરી દીધું. કોઈકે સ્થાનિક પોલીસને આ બાબતમાં જણાવ્યું. પોલીસે રોજરનું ઘર ખોલાવ્યું તો તેના બેડરૂમમાં તેની લાશ મળી આવી. ભૂતોએ તેનો પણ ખેલ ખતમ કરી દીધો હતો. લાશની નજીક એક પત્ર પડ્યો હતો, જે રોજરનું કબૂલાતનામું હતો. તેણે પોતાનાં પત્ની અને બાળકોની હત્યા કરી હોવાનો સ્વીકાર કર્યો હતો અને એ બદલ ઘરમાં રહેતાં ભૂતોને દોષ દીધો હતો. વહેલુંમોડું તેને પોતાને પણ મોત મળવાનું જ હતું એ વાતની તેને અગાઉથી જ ખબર પડી ગઈ હતી. હકીકતમાં તો ઘરમાં વસતા ભૂતોએ જ તેને બધી રીતે વિવશ કરી દીધો હતો. પોલીસે તમામ લાશો શોધી કાઢીને તેમના વિધિપૂર્વક અંતિમસંસ્કાર કરાવી દીધા. રોજરના મકાનને તાળું મારી દેવામાં આવ્યું. મકાનમાં વસતા ભૂતો હવે કદાચ વધુ ખુશ હતાં કેમ કે દાયકાઓ સુધી ત્યાં કોઈ રહેવા આવવાનું નહોતું.

ભૂતો સામે મેદાને પડેલો ભડવીરઃ જ્હોન હમ્ફ્રીક

રોજર મૂરના પરિવારની દુર્ઘટના ઘટ્યા બાદ પૂરા ૧૫૮ વર્ષો સુધી ‘એનિસન્ટ રેમ ઈન’ને તાળું લાગેલું રહ્યું. દાયકાઓ વીતી ગયા અને પેઢીઓ બદલાઈ ગઈ એટલે એ મકાન સાથે સંકળાયેલા ભૂતિયા ભૂતકાળની ચર્ચાઓ અને અફવાઓ પણ શાંત પડી ગઈ. છેક ૧૯૬૮ની સાલમાં જ્હોન હમ્ફ્રીક નામની વ્યક્તિએ એ મકાન ખરીદ્યું. આધુનિક વિચારો ધરાવતો જ્હોન ભૂત-પ્રેત જેવી બાબતોને અંધશ્રદ્ધા અને નબળા મનનો વહેમ માનતો હતો. અમુક સ્થાનિક લોકોએ તેને એ મકાન ખરીદતી વખતે ચેતવ્યો ત્યારે જ્હોન એવી મજાક કરી કે, આટલા વર્ષો સુધી અહીં કોઈ રહેવા નથી આવ્યું એટલે હવે તો એમાં રહેતા ભૂતોય થાકીને જતા રહ્યા હશે. પણ એમ કંઈ શેતાની શક્તિઓ હાર માને!

‘એનિસન્ટ રેમ ઈન’ વર્ષોથી બંધ પડ્યું હોવાથી જર્જરિત હાલતમાં હતું. જ્હોને ભારે ખર્ચો કરીને મકાનનું સમારકામ કરાવ્યું. શરૂઆતના થોડા દિવસો શાંતિથી વીત્યા બાદ તેને પણ ભૂતાવળના પરચા થવા લાગ્યા. એક રાતે તે પોતાના બેડ પર સૂતો હતો ત્યારે તેણે પોતાના પગ પર બે ઠંડા હાથોનો સ્પર્શ અનુભવ્યો. હજી તો તે કંઈ સમજે-કરે એ પહેલાં જ પેલા અદૃશ્ય હાથોની પકડ તેના પગ ઉપર મજબૂત રીતે વીંટળાઈ ગઈ અને તેને પલંગ પરથી નીચે ઘસડી કાઢ્યો. જ્હોનની પત્ની આ હુમલાથી સખ્ખત ડરી ગઈ. બીજી જ સવારે તે તેની ત્રણ દીકરીઓ સાથે ઘર છોડી ગઈ. લાખ સમજાવવા છતાં જ્હોન તેમની સાથે ગયો નહીં. તેને હવે એ મકાનમાં રહેતાં ભૂતોનાં રહસ્યનો તાગ પામવાની તાલાવેલી લાગી હતી. કોઈક જાસૂસની અદામાં તેણે પોતાનું સંશોધનકાર્ય શરૂ કર્યું. મકાનના એકેએક ખૂણાને ફંફોસવાની તેણે શરૂઆત કરી. તેના ધારવા કરતાં ઘણાં વધારે રહસ્યો ધરબીને એ મકાન બેઠું હતું. મકાનનાં ભોંયતળિયે આવેલા દાદરની ફર્શ નીચે ખોદકામ કરતાં અનેક બાળકોનાં હાડકાં, લોખંડના ઓજારો અને કેટલાંક રહસ્યમય પ્રતીકો મળી આવ્યાં. સાફ વાત હતી કે એ બાળકોનો બલિ ચઢાવવામાં આવ્યો હતો. તંત્રવિદ્યાની સાધના માટે! મકાનના ભોંયરામાં એક છૂપી ટનલ મળી આવી જેનો બીજો છેડો પેલા ‘સેઈન્ટ મેરી’ ચર્ચના ભોંયરામાં ખૂલતો હતો! ભૂતકાળમાં એ ચર્ચ અને ‘એનિસન્ટ રેમ ઈન’ એ બે મકાનો વચ્ચે આવન-જાવન માટે એ ટનલનો ઉપયોગ થતો હતો. સ્થાનિક લાઈબ્રેરીમાં ગ્લોસ્ટરશાયર શહેરના ઈતિહાસ વિશેનાં પુસ્તકો ફંફોસીને જ્હોને શોધી કાઢ્યું કે ‘એનિસન્ટ રેમ ઈન’ જે જગ્યાએ ઊભું હતું ત્યાં દસમી સદીમાં એક કબ્રસ્તાન હતું અને વર્ષો સુધી ત્યાં લોકોને દફનાવવામાં આવતા હતા. એટલા માટે જ એ મકાનમાં એક નહીં, પરંતુ અનેક ભૂતોનો વાસ હતો. ૧૧મી-૧૨મી સદીમાં યુરોપ જ્યારે ભારે પછાત અવસ્થામાં હતું ત્યારે કોઈ વિશેષ કાનૂની તપાસ કર્યા વિના જ સ્ત્રીઓ પર, ખાસ કરીને વિધવા સ્ત્રીઓ પર, ડાકણ હોવાનો આરોપ લગાવીને તેમને જમીનમાં જીવતી દાટી દેવામાં આવતી હતી. આવી એક સ્ત્રીને એ કબ્રસ્તાનમાં જીવતી દાટી દેવામાં આવી હતી અને પાછળથી તેનું ભૂત પણ મકાન પર કબજો જમાવી બેઠું હતું. મકાનના પહેલા માળના એક રૂમને ‘વિચીઝ રૂમ’ (ડાકણનો રૂમ) એવું નામ પણ આપવામાં આવ્યું હતું.

‘એનિસન્ટ રેમ ઈન’માં ભૂતાવળ થતી હોવાના આટઆટલા અનુભવો અને સાબિતીઓ બાદ પણ જ્હોન હમ્ફ્રીઝ એ મકાન છોડવા તૈયાર નહોતો. આશ્ચર્યજનક બાબત તો એ હતી કે મકાનમાં તેણે કરેલા ખોદકામ અને અન્ય તપાસ વખતે કોઈ પણ ભૂતે તેને સહેજ પણ હેરાન કર્યો નહોતો. કદાચ તેઓ ઈચ્છતા હતા કે જ્હોન દુનિયા સામે એ મકાનની હકીકત છતી કરે. પાછલાં વર્ષોમાં એ મકાનમાં ભૂતોનો ઉપદ્રવ ખૂબ ઓછો થઈ ગયો. ભૂતોએ જ્હોનને સતાવવાનું ધીમે ધીમે બંધ કરી દીધું અને વર્ષો સુધી એ જ ભૂતાળવા મકાનમાં એકલા રહ્યા બાદ ૮૦ વર્ષની વયે જ્હોન હમ્ફ્રીઝનું કુદરતી અવસ્થામાં મૃત્યુ થયું. તેનાં મૃત્યુ બાદ મકાનને હંમેશ માટે તાળું મારી દેવામાં આવ્યું. ગ્લોસ્ટરશાયરમાં આજે પણ એ ભૂતિયું મકાન જેમનું તેમ ઊભું છે અને ત્યાં જતા પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર છે. કહેવાય છે કે, આજની ઘડીએ પણ કોઈક વાર કોઈક પ્રવાસીને ત્યાં, એ મકાનમાં, કંઈક દેખાય જાય છે.

Article : 21. રાજસ્થાનનું ભૂતિયા ગામઃ કુલધરા

રાજસ્થાનમાં આવેલું ‘ભાણગઢ’ ત્યાં થતી ભૂતિયા પ્રવૃત્તિઓ અને તેના રહસ્યમય ઈતિહાસ માટે વિશ્વભરમાં જાણીતું છે. એ જ રાજસ્થાનમાં એક બીજું ગામ પણ આવેલું છે જેની આસપાસ વીંટળાયેલા રહસ્યને ૨૦૦ વર્ષો બાદ પણ કોઈ ઉકેલી શક્યું નથી. એ ગામ એટલે રાજસ્થાનના બહુ જાણીતા પ્રવાસન સ્થળ જેસલમેરની નજીક આવેલું ‘કુલધરા’.

રણપ્રદેશમાં આવેલું આ ગામ છેલ્લી બે સદીથી સન્નાટો ઓઢીને સૂતું છે અને ‘ડેઝર્ટેડ ઘોસ્ટ વિલેજ’ તરીકે મશહૂર થયું છે. કુલધરાની જમીન ખેતી અને પશુપાલન માટે અત્યંત ફળદ્રુપ હોવા છતાં અહીં કોઈ વસતિ નથી! રાજસ્થાન જેવી મરુભૂમિમાં કુલધરાની ધરતી જણસ ગણાય, છતાં અહીં કોઈ માનવ વસાહત નથી. કુલધરાની ધરતીના પેટાળમાં બહુમૂલ્ય ખનીજોનો મબલખ જથ્થો ભર્યો પડ્યો હોવા છતાં ભારત સરકારે કે રાજસ્થાન સરકારે પણ અહીં ક્યારેય ઉત્ખનન ઉદ્યોગ સ્થાપવાની હિંમત નથી કરી. કેમ? એનો જવાબ જાણવા માટે ૨૦૦ વર્ષ અગાઉના ઈતિહાસમાં ડોકિયું કરવું પડશે.

કુલધરાનો ઈતિહાસઃ

કુલધરા ગામની સ્થાપના છેક ઈ.સ. ૧૨૯૭માં કરવામાં આવી હતી. અહીંની ધરતીની સમૃદ્ધિને ધ્યાનમાં રાખીને જ પાલીવાલ બ્રાહ્મણ દ્વારા આ ગામ બનાવવામાં આવ્યું હતું. કુલધરાવાસીઓને જમીનના પેટાળમાં રહેલા ખનીજો અને અહીંની માટીના બંધારણ વિશે બહોળું જ્ઞાન હતું તેથી તેઓ ઓછા પાણી વડે પણ ભરપૂર ખેત પેદાશો લેતા હતા. રાજસ્થાનના અન્ય ગામોની સરખામણીમાં આ ગામ અત્યંત ધનાઢ્ય હતું. કુલધરાના રહેવાસીઓની સમૃદ્ધિ જોઈને તેની આસપાસના વિસ્તારમાં અન્ય ગામો પણ વસવા લાગ્યા અને ગણતરીના વર્ષોમાં તો આ વિસ્તાર રાજસ્થાનના સમગ્ર રેગિસ્તાનમાં વિખ્યાત થઈ ગયો. સદીઓ સુધી કુલધરા અને એની આસપાસનો વિસ્તાર સમૃદ્ધિમાં આળોટતો રહ્યો.

આવા આ રોનકદાર કુલધરા ગામને ન જાણે કોની નજર લાગી ગઈ કે, અચાનક જ એક દિવસ એ આખું ગામ ખાલી થઈ ગયું. ફક્ત કુલધરા જ નહીં તેની આસપાસના બીજા ૮૩ ગામડાના રહેવાસીઓ પણ રાતોરાત ક્યાંક અદૃશ્ય થઈ ગયા! સામૂહિક સ્થળાંતરની એ ઘટનાનું વર્ષ હતું ૧૮૨૫ અને એ અનહોની માટે નિમિત્ત બની હતી એક વગદાર માણસની વાસના!

વાત એમ બની હતી કે એ વિસ્તારના રાજાના મનસ્વી સ્વભાવના એક પ્રધાન કુલધરાની મુલાકાતે આવ્યો હતો. નામ એમનું સલીમ સિંહ. કુલધરાની સમૃદ્ધિ નિહાળતી વેળાએ તેની નજર એક સુંદર યુવતી પર પડી અને તેને પહેલી નજરનો પ્રેમ થઈ ગયો. તેણે છોકરી સમક્ષ લગ્નપ્રસ્તાવ મૂક્યો, પણ છોકરીને તે પસંદ ન હોવાથી એણે એ પ્રસ્તાવ ઠુકરાવી દીધો. પ્રેમ(સાચુ કહો તો વાસના)માં અંધ બનેલા સલીમ સિંહનો અહંકાર એક અદની છોકરીની ‘ના’ સાંભળીને ઘવાયો અને તેણે પોતાની વગનો દુરુપયોગ કરવા માંડ્યો. તેણે છોકરીની ઘરના લોકોને ધમકીઓ આપવા માંડી, પણ એય કામ ન આવ્યું ત્યારે તેણે કુલધરાના રહેવાસીઓ પર આકરા કરવેરા નાંખી તેમની સમૃદ્ધિ છીનવી લેવાનો ડર બતાવ્યો. સલીમ સિંહની આવી નાલાયકી સામે ઝુકી જઈ, એક ભોળી છોકરી એ હવસખોરને હવાલે કરી દેવાને બદલે કુલધરાની પંચાયત એ નિર્ણય પર આવી કે, ભલે તેમણે ગામ છોડીને અન્યત્ર જતાં રહેવું પડે, પણ તેઓ સલીમ સિંહની અન્યાયી માગણી સામે નમતું નહીં જ જોખે. ગામના મોવડીઓના નિર્ણયને માથે ચડાવી કુલધરાના તમામ રહેવાસીઓ એક રાતે ચૂપચાપ ગામ છોડીને અદૃશ્ય થઈ ગયા! તેમને માટે ‘સ્થળાંતર કરી ગયા’ ને બદલે ‘અદૃશ્ય થઈ ગયા’ એવો શબ્દ પ્રયોગ એટલા માટે કર્યો છે કેમકે, કુલધરા છોડીને તેઓ ક્યાં ગયા એનો કોઈને ક્યારેય પત્તો લાગવાનો નહોતો! ગામનો એક પણ રહેવાસી કુલધરા છોડીને ગયા પછી બીજે ક્યાંય દેખાયો નહોતો! જાણે કે તમામ કુલધરાવાસીઓ એકીસાથે હવામાં ઓગળી ગયા હતા!

પોતાના રળિયામણા ગામને કમને છોડી જતા કુલધરાવાસીઓ જતાં જતાં કંઈક એવું કરી ગયાં કે જેને લીધે એ ગામનું જ નહીં બલકે એ સમગ્ર વિસ્તારનું ભવિષ્ય હંમેશ માટે ચોપટ થઈ જવાનું હતું. ખેતી અને ખનિજ તત્વો વિશે બહોળું જ્ઞાન ધરાવતા કુલધરાના લોકો તંત્ર-મંત્ર અને અગોચર શક્તિઓ વિશે પણ ખાસ્સી જાણકારી ધરાવતા હતા. કુલધરા છોડીને જતાં પહેલા તેઓ કંઈક રહસ્યમય પૂજાવિધિઓ કરીને ગામમાં કાળી શક્તિઓ છોડતા ગયા. આ એવી શક્તિઓ હતી જે કોઈનેય એ ગામમાં વસવાટ કરવા દેવાની નહોતી!

એ રહસ્યમય શક્તિઓ ફક્ત કુલધરાની હદ સુધી જ સિમિત ના રહેતા આસપાસના વિસ્તારમાં પણ ફરી વળી. કુલધરાની આસપાસ વસેલા ગામડાઓમાં લોકો કમોતે મરવા માંડ્યા, તેમની ફસલ બરબાદ થવા લાગી, તેમના ઢોર-ઢાંખર રહસ્યમય બિમારીઓનો ભોગ બનવા લાગ્યા. જાણે કે સમગ્ર વિસ્તાર પર કોઈ શ્રાપ ઊતરી આવ્યો હતો. આ સ્થિતિ લાંબો સમય ન જીરવાતા ધીમેધીમે કરીને કુલધરા વિસ્તારના ૮૩ ગામના રહેવાસીઓ અન્યત્ર સ્થળાંતર કરી ગયા.

ત્યારથી લઈને આજ સુધી, કોઈપણ માણસ કુલધરા વસવા જાય છે તો તેને એવા એવા ભયાનક અનુભવો થાય છે કે તેણે એ ગામ છોડીને જતા જ રહેવું પડે છે. કુલધરામાં ઘરો અને ઘરવખરી જેમની તેમ છોડી જવાઈ હોવાથી અનેક જાતિસમૂહોએ આ ગામમાં વસવાટ કરવાની કોશિશ કરી જોઈ, એકથી વધુ વખત તો રાજ્યના વહીવટદારોએ પણ ગામમાં અન્ય લોકોને વસાવવાની જહેમત કરી જોઈ, પણ અહીં વસવા આવતા લોકોને કંઈક એવા અનુભવો થતાં કે, તેઓ ઝાઝુ ટકી ન શકતા. તેમણે ફરજિયાતપણે કુલધરા ખાલી કરી જવું પડતું. એવું તો શું બનતું હતું આ ગામમાં..?

એ ચાર ભૂતિયા સ્થળોઃ

કુલધરામાં સ્થળો એવા છે જ્યાં અનેક લોકોને કોઈ આત્માનો વાસ હોવાનો કે કોઈ પારલૌકિક શક્તિઓ હોવાનો અહેસાસ અનેક વાર થયો છે. એક સ્થળ છે એક અવાવરુ મંદિર. આ મંદિર ખાલી છે. અહીં કોઈ મૂર્તિની સ્થાપના કરવામાં આવેલી નથી. કહેવાય છે કે આ મંદિરમાં સૂર્યાસ્ત પછી અજીબ પ્રકારની ચહલપહલ મચી જાય છે. ક્યારેક મંદિરમાંથી અનેક લોકો એકસાથે બોલતા હોય એવા અવાજો સંભળાવા લાગે છે તો ક્યારેક મંદિરમાંથી રહસ્યમય પ્રકાશ રેલાવા લાગે છે. લોકોની માન્યતા એવી છે કે, કુલધરાવાસીઓ જે મેલી શક્તિઓ પોતાની પાછળ છોડી ગયા હતા એ જ શક્તિઓનો આ મંદિરમાં વાસ છે.

બીજું સ્થળ છે એક વાવ. પાણી ભરેલી આ વાવની મુલાકાતે દિવસે પણ જઈએ તો ડરી જવાય એવો અહીંનો માહોલ છે. ખરબચડા પગથિયાં, ચોપાસ ફેલાયેલો સન્નાટો, લીલ જામેલું ઊંડું પાણી અને હવામાં ઘુમરાતો ભેદી ઉકળાટ. આ સ્થળે કંઈક એવી ગમગીની પ્રવર્તે છે કે તમે અહીં જાવ તો ગભરામણ થવા લાગે. કહેવાય છે કે દિવસ દરમિયાન સ્થિર રહેતા વાવના પાણી રાત પડ્યે જીવતા થઈ ઊઠે છે. અંધારું ઘેરાતા જ જાણે ઘમ્મરવલોણું ઊઠ્યું હોય એમ આ વાવના પાણીમાં મોટ્ટું વમળ સર્જાય છે. કુલધરાવાસીઓના સામૂહિક સ્થળાંતર બાદ અહીં વસવાટ કરવા આવેલા લોકો પૈકી અનેકના ભોગ આ વાવે લીધા છે. સામાન્યતઃ પાણીમાં ડૂબીને મરેલા માણસનો મૃતદેહ વહેલો મોડો પાણીની સપાટી પર આવી જતો હોય છે, પણ આ વાવના ભૂતિયા પાણીમાં ગરક થયેલો માણસ ફરી ક્યારેય ઉપર નથી આવતો, એવી માન્યતા છે. આવી આ ભેદી વાવને કુલધરાની સૌથી ડરામણી જગ્યા ગણવામાં આવે છે.

આ બે સ્થળો ઉપરાંત કુલધરામાં બે રહેણાંક મકાન એવા આવેલા છે જ્યાં ભૂતાવળ થતી રહે છે. આ બંને ઘરોમાં બાળકો અને સ્ત્રીઓના પ્રેત દેખા દેતા હોવાની વાતો ચગી છે. આ બંને મકાનમાં એટલી બધી નેગેટિવ એનર્જી ભરી પડી છે કે, દિવસના અજવાળામાં પણ અહીં તમને બેચેની લાગે છે અને મકાનના અંધારિયા ખૂણાઓમાંથી કોઈ સતત તમારા પર નજર રાખી રહ્યું હોય એવો ભાસ થયા કરે છે.

કુલધરામાં પ્રેતના પરચાઃ

આમ તો આખું કુલધરા જ નકારાત્મક ઉર્જાથી ભર્યું પડ્યું છે અને મુલાકાતીઓને ગમગીની ફીલ કરાવતું રહે છે, પણ અહીં વર્ણવ્યા એ ચાર સ્થળો તો સૌથી વધુ ખોફનાક છે. ભૂત-પ્રેતના અસ્તિત્વ વિશે સંશોધન કરતી ઘણી સંસ્થાઓએ આ ચાર સ્થળોએ પેરાનોર્મલ ઈન્વેસ્ટિગેશન કર્યું છે અને તેઓ ચિત્રવિચિત્ર અનુભવોના સાક્ષી બન્યા છે. પેરાનોર્મલ ઈન્વેસ્ટિગેટર્સ પોતાના અત્યાધુનિક સાધન સરંજામ સાથે ઈન્વેસ્ટિગેશન કરવા માટે કુલધરા જાય તો છે પણ અગમ્ય કારણોસર તેમના સાધનો કામ કરતા બંધ થઈ જાય છે અને તેઓ સંતોષકારક રીતે પોતાનું ઈન્વેસ્ટિગેશન હાથ ધરી શકતા નથી.

કુલધરામાં થતી ભૂતિયા હલચલ એટલી સ્ટ્રોંગ છે કે આપણા દેશની ‘આજ તક’ અને ‘ઝી ન્યૂઝ’ જેવી ટોચની ન્યૂઝ ચેનલ્સે પણ અહીં પેરાનોર્મલ ઇન્વેસ્ટિગેશન આદર્યું છે. કુલધરાના રહસ્યમય ઈતિહાસ વિશે ડૉક્યુમેન્ટરી બનાવવા ગયેલી આ ચેનલોને પણ પોતાના કામમાં ખૂબ મુશ્કેલી નડી હતી કેમ કે, પેલા ચાર મુખ્ય ભૂતિયા સ્થળોએ એમના કેમેરા અને રેકોર્ડિંગ મશીન્શ કોઈપણ પ્રકારના દેખીતા કારણ વિના કામ કરતા બંધ થઈ જતા હતા. એક ચેનલના જનરેટરમાં આગ લાગી ગયેલી તો બીજીના ઇન્ફ્રારેડ કેમેરા ઠપ્પ થઈ ગયેલા.

જોકે આવી બધી તકલીફો બાદ પણ વિવિધ ઇન્વેસ્ટિગેશન ટીમ્સે જે કંઈ કાચીપાકી સાબિતીઓ મેળવી એ હેરતઅંગેજ ગણી શકાય એવી છે. ઓડિયો મીટરમાં રેકોર્ડ થયેલા ચિત્રવિચિત્ર અવાજો, મોશન સેન્સર્સે રેકોર્ડ કરેલી ગતિવિધિઓ, અમુક ચોક્ક્સ ખૂણાઓમાં તાપમાનમાં નોંધાયેલી ડ્રામેટિક વધઘટ... આ બધી જ સાબિતીઓ સ્પષ્ટ નિર્દેશ કરે છે કે, કુલધરામાં ચોક્કસપણે કંઈક એવું છે જેનું કોઈ વૈજ્ઞાનિક સોલ્યુશન કે એક્સ્પ્લેનેશન મળી શકે એમ નથી.

કુલધરાનો રહસ્યમય ખજાનોઃ

કુલધરાની ધરતીમાં રહેલા કુદરતી ખજાના સમાન ખનીજો મેળવવા માટે ભારત સરકારે એકથી વધુ વખત અહીં ઉત્ખનનની કોશિશો કરી જોઈ છે, પણ ઉત્ખનનના કામ માટે આવેલા મજૂરોને રાતના સમયે અહીં એવીએવી ડરામણી ચીજો દેખાતી અને એવાએવા ખોફનાક અવાજો સંભળાતા કે તેઓ ઊભી પૂંછડીએ કુલધરામાંથી પલાયન થઈ જતા. સરકારને અહીંના ખનીજો તો હાથ ન લાગ્યા પણ એક સુવર્ણ ખજાનો ચોક્ક્સ મળ્યો હતો.

કુલધરાના એક મકાનના ભોંયરામાંથી અનાયાસે જ એક મોટો ખજાનો મળી આવ્યો હતો. જૂના જમાનાના સોનાના સિક્કા અને ઘરેણાં ભરેલા એ ચરુની કિંમતી કરોડોમાં આંકી શકાય એટલી હતી. એ ખજાનો કેન્દ્ર સરકારની તિજોરીમાં જમા કરાવી દેવામાં આવ્યો હતો. પણ સવાલ એ થાય કે, આટલો કિમતી ખજાનો શા માટે પાછળ છોડી જવાયો હતો? શું કુલધરાવાસીઓ માટે એ વધારાની જણસ હતો? જો એમ હોય, તો કુલધરાની આર્થિક સમૃદ્ધિનો કુલ આંકડો કેટલો હશે એની તો કલ્પના પણ ના કરી શકાય!

છેલ્લા લગભગ ૨૦૦ વર્ષોથી માનવવિહોણા રહેલા કુલધરાનું રહસ્ય કદાચ હંમેશ માટે રહસ્ય જ રહેવાનું છે. ક્યારેક જેસલમેર ફરવા જાવ તો કુલધરાની મુલાકાતે જઈ શકાય, પણ યાદ રહે કે ત્યાં સૂર્યાસ્ત પછી રોકાવામાં જોખમ છે, કારણ કે દિવસ દરમિયાન ઉજ્જડ ભાસતું એ ગામ રાત પડ્યે આળસ મરડીને બેઠું થઈ જાય છે.

Article : 22. મોન્ટે ક્રિસ્ટો વિલા: ધી હોન્ટેડ હાઉસ

પ જૂન, ૧૯૬૩ની ધુમ્મસભરી સાંજે રેજિનાલ્ડ રાયન પોતાની પત્ની ઓલિવ અને ત્રણ બાળકો સાથે શોપિંગ કરીને ઘરે પાછા ફરી રહ્યા હતા. તેમની કાર ઘરના કમ્પાઉન્ડમાં દાખલ થઈ રહી હતી ત્યાં જ આંખ સામેનું દૃશ્ય જોઈને તેઓ ચોંકી ગયા. તેમણે જોયું કે ઘરનાં તમામ બારી-બારણાંની તિરાડોમાંથી પુષ્કળ પ્રકાશ રેલાઈ રહ્યો હતો. જાણે કે ઘરની અંદર કોઈ તેજસ્વી પ્રકાશપુંજ પ્રજ્જવલિત હોય! ઘરમાં કોઈ લૂંટારા ઘૂસ્યા હશે એવી બીકથી રેજિનાલ્ડની પત્ની અને બાળકો ફફડી ઊઠ્યાં. અસમંજસમાં અટવાયેલા રેજિનાલ્ડે કારને ઘરની વધુ નજીક લીધી ત્યાં જ પેલો પ્રકાશ અચાનક જ અદૃશ્ય થઈ ગયો અને તેમનું ઘર ફરીથી અંધકારની આગોશમાં લપેટાઈ ગયું.

રેજિનાલ્ડ ઝડપથી ઘરની અંદર ધસી ગયો પણ અંદર કોઈ નહોતું. સૌથી વધુ હેરતજનક બાબત તો એ હતી કે વર્ષોથી એ મકાન બંધ હતું અને હજી ત્રણ દિવસ અગાઉ જ રાયન ફેમિલી ત્યાં રહેવા આવ્યું હોવાથી ઈલેક્ટ્રિસિટીની કોઈ જ સગવડ એ મકાનમાં નહોતી! ત્રણ દિવસથી તેઓ ફાનસ સળગાવીને કામ ચલાવી રહ્યા હતા. ઈલેક્ટ્રિસિટી ન હોય તો પછી આટલો બધો પ્રકાશ ઘરમાં કઈ રીતે થાય એ સમજવું તેમને માટે મુશ્કેલ હતું.

વેલકમ ટુ ધી હોન્ટેડ હાઉસ:

રાયન ફેમિલીએ એ સાંજે જોયેલા રહસ્યમય પ્રકાશવાળી ઘટના તો ફક્ત શરૂઆત હતી. સમજવામાં અને પચાવવામાં મુશ્કેલ પડે એવા બીજા અનેક અગોચર અનુભવો તેમને માટે રાહ જોઈ રહ્યા હતા. રાત પડે એટલે વિલાનાં બારી-બારણાં આપમેળે જ ભટકાવા લાગતાં. રસોડામાં વાસણો ફર્શ પર પડી જતાં. ક્યારેક દીવાલો પર જાતજાતના પડછાયા દેખાતા તો ક્યારેક ચિત્રવિચિત્ર અવાજો પણ સંભળાતા. વિલામાં ભૂત થતું હોવાની વાત ચારે તરફ જંગલની આગની જેમ ફેલાઈ ગઈ.

વિલા વિશે ઊડતી વાતો સાંભળીને વિલાનું મૂળ માલિક એવું ક્રોલે ફેમિલી ત્યાં આવી પહોંચ્યું. વિલા ખરીદવા બદલ જો રાયન ફેમિલીને છેતરાયાની લાગણી થતી હોય તો તેઓ વિલા પાછું ખરીદવા તૈયાર હતા. વિલામાં ભૂત થતું હોવાની વાત તેમને માનવા જેવી નહોતી લાગતી. જાતઅનુભવ માટે તેઓ વિલામાં રાત રોકાયા ત્યારે તેમને પણ રહસ્યમય અવાજો સંભળાયા, ચિત્રવિચિત્ર પડછાયા દેખાયા. પોતે જે સુંદર મહેલાતમાં વર્ષો સુધી રહ્યા હતા એ ઘર ભૂતિયું બની ગયું હતું એ હકીકત પચાવવી તેમના માટે ઘણી અઘરી હતી.

હોન્ટેડ હાઉસનો ઈતિહાસ:

ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સ પ્રાંતના ‘જૂની’ ગામમાં સન ૧૮૮૫માં મોન્ટે ક્રિસ્ટો વિલા બાંધવામાં આવ્યું હતું. ગામની બહાર એક ટેકરી પર બનેલા આ ભવ્ય મકાનમાંથી આખું જૂની ગામ દેખાતું એટલે મકાન જાણે કે ગામની ચોકી કરતું હોય એવું લાગતું. વિલાના માલિક ક્રિસ્ટોફર વિલિયમ ક્રોલે નામના શ્રીમંત વ્યક્તિ હતા.

વિક્ટોરિયન શૈલીમાં બંધાયેલા બે માળના વિલામાં ૭ બેડ રૂમ, ૨ કિચન અને ૪ બેઠક ખંડ હતા. પહેલા માળ પર ઓપન ટેરેસ પણ ખરું. વિલાને મોંઘાં ફર્નિચર અને એન્ટિક શોપીસથી સજાવવામાં આવ્યું હતું. વિલાની નજીકમાં જ ઘોડાનો તબેલો, એક ડેરી અને ઘરનોકરો માટેનું અલાયદું મકાન બનેલું હતું. આ સમગ્ર એસ્ટેટ કુલ ૧.૯ એકર જમીનમાં ફેલાયેલી હતી. વિલામાં ભૂત થતું હોવાની વાતો તો બહુ વર્ષો પછી ફેલાવાની હતી, પરંતુ ક્રોલે ફેમિલીના વસવાટ દરમિયાન જ વિલામાં વિચિત્ર દુર્ઘટનાઓ બનવાની શરૂઆત થઈ ગઈ હતી. સૌથી પહેલી દુર્ઘટનામાં ક્રોલે ફેમિલીનું જ એક બાળક દાદર પરથી પડી જવાથી મૃત્યુ પામ્યું. પછી ઘરની એક નોકરાણી પહેલા માળની બાલ્કનીમાંથી નીચે પટકાઈને મરણને શરણ થઈ અને છેલ્લે એક કિશોર મહેમાનનું અકસ્માતે સળગી જવાથી મોત થઈ ગયું. જોકે આ બધી દુર્ઘટનાઓમાં કોઈ ભૂતપ્રેતનો હાથ હોવાનું ક્રોલે ફેમિલીએ કદી વિચાર્યું પણ નહોતું. તેમને મતે તો એ બધું અકસ્માતવત્ બન્યું હતું.

૧૯૧૦માં ૬૯ વર્ષની ઉંમરમાં ક્રિસ્ટોફર ક્રોલેનું અવસાન થયું. તેમના દેહાંત બાદ તેમની પત્નીએ પોતાનું બાકીનું જીવન સાદગીપૂર્ણ રીતે એકાંતવાસમાં વિતાવ્યું. તેઓ પોતાના કમરામાં જ બંધ રહેતાં અને ભાગ્યે જ બહાર નીકળતાં. ૧૯૩૩માં ૯૨ વર્ષની વયે તેમનું પણ મૃત્યુ થયું. ૧૯૪૭માં ક્રોલે ફેમિલી મોન્ટે ક્રિસ્ટો વિલા છોડીને હંમેશ માટે સિડની સ્થળાંતર કરી ગયું. વિલાને વેચાણ માટે મૂકવામાં આવ્યું, પરંતુ તેની કિંમત ઘણી વધારે હોવાથી તેને તાત્કાલિક કોઈ ખરીદાર મળ્યું નહીં. છેક ૧૯૬૩માં વિલાને ખરીદનાર મળ્યો અને તે હતો રેજિનાલ્ડ રાયન. રાયન ફેમિલીને વિલામાં ભૂતોના પરચા મળવા લાગતા તેમણે ક્રોલે ફેમિલીનો સંપર્ક કર્યો.

વિલાનું રહસ્ય:

મોન્ટે ક્રિસ્ટો વિલામાં ભૂત થતું હોવા બાબતે જાતજાતની અફવાઓ ઊડતી રહી. કોઈ કહેતું કે, વિલા છોડતાં પહેલાં ક્રોલે ફેમિલીએ ઘરમાં કોઇની હત્યા કરી હતી અને હત્યા કરાયેલી એ વ્યક્તિનું જ ભૂત એ ઘરમાં થતું હતું. કોઈ એવું કહેતું કે વિલા બંધ હતો ત્યારે એમાં કેટલાક લૂંટારાઓ સંતાયા હતા. લૂંટના માલની વહેંચણી બાબતે તેમની વચ્ચે ઝઘડો થતાં બધા અંદરોઅંદર કપાઈ મર્યા હતા અને પછી એ લોકોના જ ભૂતોએ વિલા પર કબજો જમાવી દીધો હતો. તો કોઇએ એવી વાતો ઉડાવી કે એકાંતમાં આવેલા આ ઘરમાં ગામના બધા ભૂતોએ વાસ કરવાનું શરૂ કરી દીધું હતું. એ ભૂતોએ ક્રોલે ફેમિલીને રંજાડવા લાગતા તેમણે વિલા છોડીને સિડની જતા રહેવું પડ્યું હતું. વર્ષો સુધી આવી બધી વાતો જૂની ગામમાં સંભળાતી રહી અને એમાં જાતજાતની કલ્પનાઓ જોડાતી રહી. જોકે એ બધી વાતોમાંથી એક પણ સાચી નહોતી. સાચી વાત સાવ જુદી હતી, જેના પરથી છેક બાર વર્ષો બાદ પડદો ઊઠ્યો.

ક્રોલે ફેમિલી અહીં રહેતું હતું એ દરમ્યાન કોઈ ભૂતિયા ઘટના વિલામાં ઘટી નહોતી અને રાયન પરિવારનું કહેવું હતું કે એ લોકો અહીં રહેવા આવ્યા એ દિવસથી જ આવી ઘટનાઓ ઘટી રહી છે. એનો સીધો અર્થ એવો નીકળતો હતો કે ક્રોલે ફેમિલીની વિદાય પછી અને રાયન ફેમિલીના આગમન પહેલાં વિલામાં કોઈ એવી ઘટના બની હતી જેનાથી સૌ અજાણ હતા. બંને ફેમિલીના સદસ્યોએ તપાસ આદરતા સત્ય સામે આવ્યું જે કંઈક આવું હતું.

ક્રોલે ફેમિલી વિલા ખાલી કરીને સિડની સ્થળાંતર કરી ગયું પછી તરત નવો માલિક ના મળતા ઘણાં વર્ષો સુધી વિલા ખાલી પડી રહ્યું હતું. એન્ડ્રુ નામનો નોકર કેરટેકર તરીકે આટલા મોટા વિલામાં એકલો રહેતો હતો. મોંઘા વિલાને કોઈ નવો ખરીદાર મળે ત્યાં સુધી ખાલી મકાનને ભાડે આપીને રોકડી કરી લેવાની લાલચ એન્ડ્રુમાં જાગી. ક્રોલે ફેમિલીની જાણ બહાર તેણે કાવર્લા અટક ધરાવતા એક દંપતીને આ વિલા ગેરકાયદે રહેવા માટે ભાડે આપી દીધું.

મિસ્ટર-મિસિસ કાવર્લા આ ઘરમાં રહેવા આવ્યાં તેના બીજા જ દિવસે એક કમનસીબ બનાવ બન્યો. કોઈ રહસ્યમય બીમારીને લીધે મિસ્ટર કાવર્લાનું અવસાન થયું. મિસ્ટર કાવર્લાના મોત પછી મિસિસ કાવર્લા આ ઘરમાં લગભગ સવા બે વર્ષ સુધી રહ્યાં, પણ એ દરમિયાન તેઓ એક પણ વાર ઘરની બહાર નહોતા નીકળ્યા. પતિની ગેરહાજરીમાં તેમણે સંસારથી અલિપ્ત થઈને સંપૂર્ણપણે વૈધવ્ય પાળવાનું પસંદ કર્યું.

એક સવારે મિસિસ કાવર્લાના રૂમનો દરવાજો મોડે સુધી ના ખૂલ્યો ત્યારે એન્ડ્રુ એમના કમરામાં ગયો. તેણે જોયું તો બિસ્તર પર મિસિસ કાવર્લાનો મૃતદેહ પડ્યો હતો. એકાકી જીવનથી કંટાળીને તેમણે આપઘાત કરી લીધો હતો. એન્ડ્રુએ આ વાત બધાથી છુપાવી રાખી અને મોડી રાતે એકલા હાથે તેમની દફનવિધિ કરી દીધી. મિસ્ટર કાવર્લા ઘરમાં આવ્યાના બીજા જ દિવસે ગુજરી ગયા અને એ પછી મિસિસ કાવર્લા ક્યારેય ઘરની બહાર જ ન નીકળ્યાં એટલે વિલાની આસપાસ અવરજવર કરતાં જૂની ગામના લોકોને ક્યારેય ખબર જ ન પડી કે વિલામાં કોઈ રહે છે.

થોડા સમયમાં વિલામાં એકલા રહેતા એન્ડ્રુએ કેરટેકરની નોકરી છોડી દીધી કેમ કે રાતના સમયે તેને વિલામાં મિસ્ટર અને મિસિસ કાવર્લાના પ્રેત દેખાવા લાગ્યા હતા. નોકરી છોડીને જૂની ગામમાં વસી ગયેલા એન્ડ્રુએ કાવર્લા દંપતિ વિશે કે એમના પ્રેત વિશે ક્યારેય કોઈને કંઈ નહોતું કહ્યું. રાયન દંપતિ અહીં રહેવા આવ્યું ત્યાર પછી વિલામાં ભૂત થતું હોવાની વાતો ચગવા લાગી. ક્રોલે ફેમિલી અને રાયન ફેમિલીના સદસ્યોએ એન્ડ્રુની આકરી પૂછપરછ કરી ત્યારે એન્ડ્રુએ કાવર્લા દંપતિ વિશે કબૂલાત કરી અને વિલામાં થતી ભૂતાવળની હકીકતો પ્રકાશમાં આવી.

ભૂતિયા વિલાની રોકડી કરવાનો બિઝનેસ:

વિલામાં રહેવા આવવાના શરૂઆતના દિવસોમાં જ ડરામણા અનુભવો થવા છતાં રાયન ફેમિલી મોન્ટે ક્રિસ્ટો વિલા છોડીને જવા તૈયાર નહોતું. તેમના મકાનને મફતમાં પબ્લિસિટી મળી રહી હતી એટલે તેમણે એ વાતની રોકડી કરી લેવાનું નક્કી કર્યું. તેમણે વિલાને ટૂરિસ્ટ એટ્રેક્શન બનાવવાનો પ્લાન ઘડ્યો. ૧૯૭૮માં ભારે ખર્ચો કરીને તેમણે વિલાને તેના ભૂતકાળની રોનક આપી. વિલાને મ્યુઝિયમ કમ એન્ટિક સ્ટોરમાં ફેરવી ભૂત-પ્રેત દેખાડવાને નામે તેમણે રીતસરનો ધંધો જ શરૂ કરી દીધો. અહીં ભૂત-પ્રેતની ઝાંખી કરાવતી ચીજવસ્તુઓ વેચવાનો સ્ટોર પણ બનાવવામાં આવ્યો. આ પ્રોજેક્ટને તેમણે ‘હોન્ટ ટુરિઝમ’ એવું નામ આપ્યું. આ ‘હોન્ટ ટુરિઝમ’ને ભારે લોકપ્રિયતા મળી અને દેશવિદેશના પ્રવાસીઓનાં ઘોડેધાડાં ન્યુ સાઉથ વેલ્સ આવવા લાગ્યાં.

વિલાનો વર્તમાનઃ

ખુદ ઓસ્ટ્રેલિયન સરકારે મોન્ટે ક્રિસ્ટો વિલાને ઓસ્ટ્રેલિયાનું સૌથી ભૂતિયા સ્થળ જાહેર કર્યું છે, એટલે સ્વાભાવિક છે કે ભૂતપ્રેતના પરચા મેળવવાના સાહસિક શોખીનો બારેમાસ અહીં ભીડ જમાવતા રહે છે. જોકે ટુરિસ્ટ્સને આ વિલામાં દિવસ દરમિયાન જ પ્રવેશ મળે છે. સવારે સાડા નવ વાગ્યાથી સાંજે સાડા ચાર વાગ્યા સુધી લોકો ટિકિટ ખર્ચીને આ ઘરની અંદર જાય છે અને ઘરની સફર કરે છે. ભૂતિયા મહેલમાં સાંજ પછી કોઈને એન્ટ્રી મળતી નથી. અહીં થતી ભૂતિયા પ્રવૃતિઓ એટલી બધી ગાજી છે કે, સાંજના પાંચથી સવારે નવ વચ્ચે અહીં પોલીસ પ્રોટેક્શન મૂકવામાં આવે છે, જેથી કોઈ ચોરીછૂપે પણ અંદર દાખલ ન થઈ શકે.

આ ભૂતબંગલામાં ટિકિટ ખરીદીને દાખલ થતાં પહેલાં મુલાકાતી પાસે એક ફોર્મ સાઇન કરાવવામાં આવે છે, જેમાં લખ્યું હોય છે કે આ ઘરમાં પ્રવેશ કર્યાં પછી જો તેને કંઈ પણ થાય તો એ દુર્ઘટનાની જવાબદારી તેની પોતાની રહેશે. આ વિલામાં પ્રવેશવું આટલું જોખમી હોવા છતાં અહીં ક્યારેય પ્રવાસીઓની કમી નથી રહેતી.

મોન્ટે ક્રિસ્ટો વિલા પર આજ સુધી અનેક પ્રકારના ડિબેટ શો થયા છે, જેમાં ‘ધી ઘોસ્ટ હન્ટર્સ’, ‘ધી ટ્રાવેલ શો ગેટવે’ અને ‘સ્ક્રીમ ટેસ્ટિંગ ૨૦૦૦’ને ખૂબ પસંદ કરવામાં આવ્યા છે. ટીવી પ્રોગ્રામ્સને મળેલી સફળતા જોઈને આ વિલા વિશે ‘મૂર હાઉસ’ નામની ફિલ્મ પણ બની હતી અને સુપરહિટ રહી હતી.

Article : 23. નરકનું દ્વાર ‘હૌસકા કેસલ’

રહસ્યમય હેતુસર બનાવાયેલો કિલ્લોઃ

યુરોપના રમણીય દેશ ચેકોસ્લોવાકિયાની રાજધાની પ્રાગથી ઉત્તર દિશામાં ૪૭ કિલોમીટરના અંતરે બોહેમિયા પ્રાંત આવેલો છે. ચૂના પથ્થરોનાં પહાડો અને ગાઢ જંગલોથી ભરપૂર આ પ્રાંતની મધ્યમાં ‘હૌસકા’ નામનો એક કિલ્લો બનેલો છે. સામાન્ય રીતે કોઈપણ કિલ્લો એવી જગ્યાએ બનાવવામાં આવે છે કે જ્યાં બીજા દેશ સાથે સરહદ હોય, દુશ્મન દેશના આક્રમણનો ભય હોય અથવા તો પછી જ્યાં રાજાઓ હવાફેર કરવા માટે આવતા હોય. શિકાર પણ ખેલી ન શકાય એવા અત્યંત ગીચ જંગલમાં, નજીકમાં ક્યાંય દુશ્મન દેશની સરહદ કે વ્યાપારી માર્ગ ન હોવા છતાં શા માટે આટલો મોટો કિલ્લો બનાવવામાં આવ્યો હશે, એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે. હકીકત એ છે કે હૌસકા કેસલને દુશ્મનને દૂર કે બહાર રાખવા નહીં, પરંતુ દુશ્મન જેવી ‘કોઈક’ બીજી વસ્તુને ‘અંદર’ રાખવા માટે બનાવવામાં આવ્યો હતો અને એ કોઈક બીજી વસ્તુ હતા શેતાન!

નરકનો દરવાજો ગણાતી એ ભૂગર્ભ તિરાડઃ

વાયકા એવી છે કે ‘હૌસકા કેસલ’ નામનો એ કિલ્લો જ્યાં ઊભો છે ત્યાં ચૂના પથ્થરોની ભેખડમાં એક ઊંડી ભૂગર્ભ તિરાડ હતી જે નરકનો દરવાજો ગણાતી હતી. પ્રાચીન સમયમાં રાતના સમયે નરકના એ દ્વારમાંથી અર્ધમાનવી-અર્ધપશુ એવા શેતાનો બહાર નીકળી આવતા અને નજીકમાં વસેલા ગામડાઓમાંથી પાલતુ પશુઓ અને માણસોને ઉઠાવી જઈ તેમને ફાડી ખાતા. શેતાનોનો રંજાડ અટકાવવા બોહેમિયા વંશજોએ નરકના એ દરવાજાને હંમેશ માટે બંધ કરી દેવાનું નક્કી કર્યું, પરંતુ એમ કરતા પહેલા એ પિશાચી તિરાડનું પરીક્ષણ કરવું તેમને જરૂરી લાગ્યું.

એક ખોફનાક ભૂતિયા પ્રયોગઃ

તેરમી સદીના એ જમાનામાં સમાજમાં ચર્ચનું જબરદસ્ત વર્ચસ્વ રહેતું. કોઈ પણ મોટા કામને અંજામ આપતા પહેલા ચર્ચની પરવાનગી લેવી પડતી એટલે બોહેમિયા પ્રાંતને શેતાનની ચુંગાલમાંથી મુક્ત કરવાની કાર્યવાહી કરતા પહેલા પણ ચર્ચના પાદરીઓની સંમતિ લેવામાં આવી. એ પછી જ આ ખૂફિયા અને ભયંકર નીવડનારા પ્રયોગની શરૂઆત કરવામાં આવી. રાજ્યના કારાગૃહમાં આજીવન કેદની સજા ભોગવતા કેદીઓ પૈકી કેટલાકને એક શરતે સજામાંથી મુક્તિ આપવાની ‘ઓફર’ આપવામાં આવી. ઓફર એ હતી કે કેદીઓ પેલી શેતાની તિરાડમાં ઊંડા ઉતરવા તૈયાર થાય અને બહાર આવીને બધાને એ જણાવે કે તેમને અંદર શું જોવા મળ્યું. જેલની સજામાંથી મુક્તિ મેળવવાની લાલચમાં કેટલાક કેદીઓ જીવનો જુગાર રમવા તૈયાર થયા.

દોરડા વડે બાંધીને એક કેદીને દિવસના અજવાળામાં એ તિરાડમાં ઉતારવામાં આવ્યો. થોડી જ વારમાં તેની ચીસો સંભળાવા લાગી. ઝડપથી તેને ઉપર ખેંચી લેવામાં આવ્યો. તેનો દેખાવ જોતા જ બહાર ઊભેલા તમામ લોકો ચોંકી ગયા. કમભાગી કેદીના માથાનાં વાળ સંપૂર્ણપણે સફેદ થઈ ગયા હતા. તેની ચામડી કોઈ વૃદ્ધ માણસની જેમ કરચલીઓવાળી થઈ ગઈ હતી. તેના શરીરમાંથી જાણે કે લોહી ચૂસી લેવામાં આવ્યું હોય એમ તે સફેદ પડી ગયો હતો. થોડી મિનિટો અગાઉ યુવાન હતો એ આદમી આશ્ચર્યજનક રીતે વૃદ્ધ થઈ ગયો હતો. તેણે નીચે ભૂગર્ભમાં શું જોયું એ વિશે તેને પૂછવામાં આવ્યું પણ તે ડરનો માર્યો કંઈ બોલી શક્યો નહીં. તે ન તો કંઈ ખાઈ શક્યો કે ન ઊંઘી શક્યો. બે દિવસ પાગલની જેમ બૂમબરાડા પાડ્યા બાદ તે મરી ગયો. પેલી શેતાની તિરાડમાં એણે શું જોયું હતું એ કોઈ જાણી શક્યું નહીં. પણ ચોક્કસપણે ત્યાં કંઈક ખૂબ ભયાનક હોવું જોઈએ એવી ધારણા બાંધવામાં આવી. રાજ્યના શાસકો અને ચર્ચના સંચાલકોની જિજ્ઞાસા હવે વધી ગઈ હતી અને તેનો ભોગ બીજા કેદીઓ બન્યા. પહેલા કેદીની જે હાલત થઈ હતી એ પછી તો કોઈપણ સ્વેચ્છાએ એ નરકના દ્વાર સમી તિરાડમાં ઉતરવા તૈયાર નહીં જ થાય, એટલે બળજબરીપૂર્વક અન્ય કેદીઓની સાથે પેલો ક્રૂર પ્રયોગ દોહરાવવામાં આવ્યો. દરેક વખતે એક સમાન પરિણામ જ મળતું. મોત! ત્યાં નીચે કોઈક એવી ખોફનાક દુનિયા હતી જે જોઈને માણસો ડરીને પાગલ થઈને મરી જતા હતા.

શેતાની તિરાડને પૂરી દેવાની મથામણઃ કેટલી સફળ, કેટલી નિષ્ફળ

શેતાની તિરાડને પૂરી દેવા માટે તેની અંદર પથ્થરો અને રેતી નાખવામાં આવ્યા પણ એ તિરાડ એટલી બધી ઊંડી હતી કે કદી પૂરી જ ન શકાઈ! કદાચ તે અતળ હતી. છેવટે પથ્થરની પહોળી-જાડી પટ્ટીઓ તિરાડ ઉપર મૂકીને તેના ઉપર ચણતર કરી દેવામાં આવ્યું. બરાબર એ જ જગ્યા ઉપર ચર્ચ બનાવીને તેની આસપાસ કિલ્લો ચણી દેવામાં આવ્યો. શેતાનનો રસ્તો હંમેશ માટે બંધ કરી દીધાનો તેમણે સંતોષ લીધો પણ તેમ છતાં શેતાનનો આતંક ઓછો ન જ થયો. કિલ્લાની આસપાસના પ્રદેશમાંથી પાલતુ જાનવરો અને માણસોના અદૃશ્ય થવાની દુર્ઘટનાઓ છાશવારે બનતી જ રહી. એ જમાનો તેરમી સદીનો હતો.

કટ ટુ સત્તરમી સદી. મૂળ સ્વિડનના કાળા જાદુના નિષ્ણાત ઓરોન્ટોએ ઈ.સ. ૧૬૩૯ના અરસામાં આ કિલ્લાને પોતાનું રહેઠાણ બનાવ્યું હતું. ત્યાં રહીને તે કંઈક વિચિત્ર અને ખતરનાક પ્રયોગો અજમાવી રહ્યો હતો. એક સવારે તેની લાશ કિલ્લાના પ્રાંગણમાં પડેલી મળી આવી. તેના શરીર પર સેંકડો ઘા થયેલા હતા અને શરીરમાંથી પુષ્કળ લોહી વહી નીકળ્યું હતું. તેની હત્યા કોણે કરી, શા માટે કરી અને ક્યા સંજોગોમાં કરી એ રહસ્ય કદી ઉકેલી ન શકાયું.

હૌસકા અને હિટલરઃ

હૌસકા કેસલના ઈતિહાસ સાથે એક ઐતિહાસિક વ્યક્તિનું નામ પણ કંઈક વિવાદાસ્પદ રીતે જોડાયેલું છે. એ વ્યક્તિ એટલે એડોલ્ફ હિટલર! બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યુરોપમાં હિટલરની આણ પ્રવર્તતી હતી અને જર્મનીના દુશ્મન એવા અનેક દેશોને તેણે કચડી નાખ્યા હતા. ચેકોસ્લોવાકિયાનું નામ એવા જ દેશોની યાદીમાં હતું. કહેવાય છે કે આધુનિક વિચારધારા ધરાવતો હિટલર અંધશ્રદ્ધા અને ભૂતપ્રેતમાં પણ માનતો હતો અને તેને દરેક કામમાં સફળતા મળે એ માટે તે કાળી વિદ્યાનો પણ આશરો લેતો હતો. ત્રીસના દાયકામાં હૌસકા કેસલનો કબજો જમાવી તેણે અહીં જ કાળી વિદ્યાની રસમો અજમાવવાનું શરૂ કર્યું હતું. યુદ્ધની દૃષ્ટિએ કોઈ વ્યૂહાત્મક મહત્ત્વ ન હોવા છતાં ખાસ આ કામ માટે જ હિટલરે કિલ્લાને પોતાનો અડ્ડો બનાવ્યો હતો. કિલ્લામાં તેણે કોની પાસે શું કરાવ્યું એની કોઈ ઐતિહાસિક નોંધ નથી મળતી કેમકે રશિયાના આક્રમણને લીધે પીછેહઠ કરતી વખતે જર્મન પ્રથા અનુસાર તેમણે કિલ્લામાં કરેલી તમામ ગતિવિધિઓની સાબિતીઓ નષ્ટ કરી દીધી હતી. હિટલરના મૃત્યુનાં વર્ષો બાદ સંશોધકોએ હૌસકા કેસલમાં જ્યારે ખોદકામ કરાવ્યું ત્યારે તેમાં કેટલાક નાઝી સૈનિકોનાં શબ મળી આવ્યા હતા. લાશોને જોઈને સાફ ખબર પડી જતી હતી કે તેમની હત્યા કાળી વિદ્યાની સફળતાના હેતુસર કરવામાં આવી હતી. ઐતિહાસિક તવારીખમાં હિટલરના જીવનના આ પ્રકરણને કદાચ ઈરાદાપૂર્વક છુપાવવામાં આવ્યું છે.

હૌસકા કેસલનો વર્તમાનઃ

આજની તારીખે પણ હૌસકા કેસલ પોતાની જગ્યાએ અડીખમ ઊભો છે અને પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. આજે પણ ત્યાં અનેક શેતાની ભૂતાવળો થતી હોવાનું કહેવાય છે. માણસના ધડ, દેડકાના પગ અને કૂતરાના ચહેરો ધરાવતા શેતાનને આ કિલ્લામાં ભટકતો જોવામાં આવ્યો છે. તેની ઊંચાઈ આઠ ફૂટ કરતા વધારે હોવાનો અને તેનો દેખાવ ભયંકર હોવાનો દાવો કરવામાં આવે છે. કિલ્લાના ઉપરના માળની બારીઓમાં એક ખૂબસૂરત સ્ત્રીનું પ્રેત જોવામાં આવ્યું છે, પરંતુ તેણીની કદી ઓળખ થઈ શકી નથી. હૌસકા કેસલમાં જે ભૂતે સૌથી વધુ દેખા દીધી છે તે એક કાળા ઘોડાનું ભૂત છે. એ ઘોડાનું મસ્તક કપાયેલું હોય છે અને કપાયેલી ગરદનમાંથી લોહી વહેતું રહે છે. મસ્તકવિહોણા, લોહી નીંગળતા એ ઘોડાને કિલ્લામાં અહીં-તહીં દોડતા અનેક પ્રવાસીઓએ જોયો છે.

કિલ્લાની વચ્ચેના ખુલ્લા ભાગમાં આજની તારીખમાં પણ ઘણીવાર સેંકડો પંખીઓ મરેલા પડેલા મળી આવે છે. એ પંખીઓ કઈ રીતે, કયા કારણસર મરી જતા હશે એનો ખુલાસો વર્ષો બાદ પણ વૈજ્ઞાનિકો નથી આપી શક્યા. એ કિલ્લા નીચે વસતા શેતાનો, પિશાચો જ કદાચ એ અબોલ જીવોનો ભોગ લેતા હશે. કિલ્લાની અંદર બનેલા ચર્ચની દીવાલો ઉપર એવા અનેક ચિત્રો દોરાયેલા છે કે જેમાં ચિત્ર-વિચિત્ર પ્રાણીઓ અને શેતાનોને ઈશ્વરીય હાથો દ્વારા સજા કરવામાં આવી રહી હોય. ચર્ચ જેવી પવિત્ર જગ્યાએ આ પ્રકારના ડરામણા ચિત્રો સામાન્યપણે દોરવામાં નથી આવતા, પણ અહીં એવા ચિત્રો દોરાયેલા છે. એ સાંકેતિક ચિત્રો હૌસકા કેસલમાં ધરબાયેલા રહસ્યો વિશે ઘણું કહી જાય છે.

Article : 24. નગ્નાવસ્થામાં ભટકતી એ સુંદરી

હોટલના રૂમમાં મધરાતે મળેલું હસીન સરપ્રાઇઝઃ

પ્રવાસનો થાક ઉતારવા વિક્ટર લગભગ એક કલાક સુધી ગરમ પાણી ભરેલા બાથટબમાં પડ્યો રહ્યો. થાક ઉતરી ગયો, ફ્રેશ થઈ ગયો એટલે તે શરીરે રોબ વીંટાળી એટેચ્ડ બાથરૂમની બહાર આવ્યો ત્યારે રાતના સાડા બાર વાગી રહ્યા હતા. એકદમ હળવા મૂડમાં બાથરૂમમાંથી બહાર આવેલા વિક્ટરના પગ અચાનક જ બાથરૂમના દરવાજામાં ખોડાઈ ગયા. તેની આંખ સામે, કમરાની વચ્ચોવચ રહેલા બેડની ધાર પર એક અજાણી યુવતી બેઠી હતી. વિક્ટર તરફ પીઠ કરીને બેઠેલી એ યુવતી તદ્દન નિર્વસ્ત્ર દશામાં હતી! તેણે પગમાં હાઈ હીલના લાલ રંગના સેન્ડલ પહેર્યા હતા અને તેના અંગ પર રહેલું એ એક માત્ર આવરણ હતું.

વિક્ટરને બરાબર યાદ હતું કે બાથરૂમમાં નહાવા જતાં અગાઉ તેણે રૂમનો દરવાજો અંદરથી બરાબર લોક કર્યો હતો, તો પછી પેલી યુવતી રૂમની અંદર કઈ રીતે દાખલ થઈ શકે, એ પ્રશ્ન તેને મૂંઝવી રહ્યો. એકદમ શાંત ચિત્તે બેઠેલી એ યુવતીની રહસ્યમય હાજરીથી સચેત બની ગયેલા વિક્ટરે હળવો ખોંખારો ખાઈને કહ્યું, ‘એક્સ્ક્યુઝમી મિસ...’

વિક્ટરની હાજરી પારખી લીધી હોવા છતાં પેલી ન તો ચોંકી કે ન તો તેણે પાછળ ફરીને જોયું. અસમંજસમાં અટવાયેલો વિક્ટર આગળ શું કરવું એ નક્કી કરે એ પહેલા જ પેલી યુવતી બેડ પરથી ઊભી થઈ. તેણે પોતાની પીઠ વિક્ટર તરફ જ રાખી અને પછી તે ધીમે ધીમે રૂમની બાલ્કની તરફ ચાલવા લાગી. ફ્લોર પર પટકાતી તેના સેન્ડલ્સની હિલ્સે ‘ટક... ટક...’ અવાજ શરૂ કર્યો. તે બાલ્કનીમાં જતી રહી અને દેખાતી બંધ થઈ ગઈ. મૂંઝાયેલા વિક્ટરે હોટેલના ઇન્ટરકોમ પર કોલ કરીને મદદ માગવી કે પેલીની પાછળ બાલ્કનીમાં જવું એ નક્કી કરવામાં ખાસ્સી બે મિનિટ લીધી. અને પછી તેણે હિંમત કરીને પેલી યુવતીની પાછળ બાલ્કની તરફ જવા કદમ ઉપાડ્યા.

પેલી બાલ્કનીના એક ખૂણે ઊભી હતી, એ રીતે કે જેથી વિક્ટરને તેનો ચહેરો ન દેખાય. તેના વાંકળિયા, બ્રાઉન વાળ ખભાથી સહેજ નીચે સુધી લંબાતા હતા. સુરેખ શરીર પર ચરબીનો ‘ચ’ પણ નહોતો. તેના તરફથી કોઈ પરફ્યુમની સ્ટ્રોંગ સુવાસ આવી રહી હતી. તેના નગ્ન દેહ પર પગથી માથા સુધી નજર દોડાવતા વિક્ટરની માહ્યલો પુરુષ જાગી ગયો. આટલા સુંદર સ્ત્રી-શરીરને માણવાની ઈચ્છા અચાનક જ બળકટ બની ઊઠી. તેને વિચાર આવ્યો કે નક્કી આ હોટેલના સંચાલકોની ટ્રિક હશે. પુરુષ કસ્ટમર પાસેથી વધુ નાણા કમાવા માટે તેઓ ધંધાદારી સ્ત્રીઓને આ રીતે ચોરીછુપે કમરામાં મોકલતા હશે. ડુપ્લિકેટ ચાવીની મદદથી કમરાની અંદર ઘૂસી આવવું પણ અશક્ય નહોતું. મધરાતે મળેલા આ હસીન સરપ્રાઇઝથી વિક્ટર ખુશ થઈ ગયો. હોટલ સંચાલકોએ કરેલી આ વ્યવસ્થાનો લાભ ઊઠાવવામાં તેને કોઈ છોછ નહોતો. આમ પણ તેણે સ્ત્રીસંગ માણ્યાને ઘણા દિવસો વીતી ચૂક્યા હતા એટલે...

મનમાં ઊઠેલી રંગીન કલ્પનાને સાકાર કરવાના ઈરાદે, પોતાના અવાજમાં માર્દવતા ભેળવી વિક્ટર બોલ્યો, ‘હેલ્લો, મિસ. મે આઇ નૉ યોર ગૂડ નેમ?’

અને એ સાથે જ પેલી યુવતી પાછળ ફરી. વિક્ટરની ઉત્કંઠા બેવડાઈ. પણ પેલીના ચહેરા પર તેણે જે જોયું એનાથી તેના ચહેરાનો રંગ ઊડી ગયો. હોઠોં પર રમી રહેલું લંપટ સ્મિત વીલાઈ ગયું. શરીરમાં દોડી રહેલો ધગધગતો રક્તપ્રવાહ થીજી ગયો. તેની સામે ઊભેલી યુવતીનો કોઈ ચહેરો જ નહોતો. ચહેરાની જગ્યાએ હતું એક કાળું પોલાણ! જાણે કે અંધારિયો કૂવો! ચહેરા વગરની એ યુવતીને જોઈ ડરથી હેબત પામી ગયેલા વિક્ટરના હદ્‍યની ધડકનો તેજ થઈ ગઈ. તેનું દિમાગ ચીસ પાડી ઊઠ્યું પણ એ ચીસ બહાર ન નીકળી શકી, ગળામાં જ ક્યાંક થીજી ગઈ.

ડરના માર્યા બાલ્કનીની દીવાલ સાથે ચીપકી ગયેલા વિક્ટરની આંખ સામે પછી જે ઘટ્યું એ અવિશ્વસનીય હતું. પેલી ચહેરા વગરની યુવતીએ બાલ્કનીની રેલિંગ પર ચઢીને નીચે છલાંગ લગાવી દીધી! સાતમા માળેથી કૂદી પડેલી એ બલા નીચે ધરતી પર પટકાઈ કે વચ્ચે હવામાં જ ક્યાંક ઓગળી ગઈ એની પરવા કર્યા વિના વિક્ટર રૂમની અંદર તરફ ભાગ્યો. રોબ વીંટાળેલા શરીરે જ તેણે રૂમનો દરવાજો ખોલી લિફ્ટ તરફ દોટ મૂકી. જિંદગીમાં પહેલીવાર તેણે ભૂત જોયું હતું. ભૂત...

‘બેકર હોટલ’માં વિક્ટર સાથે જે બન્યું હતું એવી ડરામણી ઘટનાઓ અગાઉ અન્ય પ્રવાસીઓ સાથે પણ ઘટી હતી. એ ઘટનાઓ ઘટવા પાછળનું રહસ્ય જાણવા માટે ભૂતકાળભ્રમણ કરવું પડશે.

ભૂતિયા હોટલનો ભૂતકાળઃ

અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં વિખ્યાત ટેક્સાસ કિલ્લાની નજીકમાં બ્રાસોઝ નામની નદી વહે છે. ૧૮૭૭ની સાલમાં પાંખી વસતિ ધરાવતા આ વિસ્તારમાં રખડપટ્ટી કરવા આવેલા જેમ્સ લિન્ચને આ સ્થળ ગમી જતાં તે પોતાના પરિવારને અહીં લાવીને વસી ગયો. એક દિવસ લિન્ચ પરિવાર બ્રાસોઝ નદીમાં માછલી પકડવા ગયો. ફિશિંગ દરમિયાન મિસિસ લિન્ચને તરસ લાગતા તેમણે નદીનું પાણી પીધું. તેમને આશ્ર્ચર્ય થયું કેમકે નદીના પાણીનો ટેસ્ટ સામાન્ય પાણી કરતાં તદ્દન અલગ હતો. એક સેકન્ડ માટે તેમને લાગ્યું કે પાણી ઝેરીલું હોવું જોઈએ. તેમણે તેમના પતિ જેમ્સને આ બાબતે જણાવ્યું. જેમ્સએ સાવચેતી ખાતર પરિવારના અન્ય સભ્યોને નદીનું પાણી નહીં પીવાની સૂચના આપી દીધી.

હવે થયું એવું કે મિસિસ લિન્ચને વર્ષોથી ઘૂંટણના સાંધાના દુખાવાની તકલીફ હતી. પાણી પીધા બાદ ગણતરીના કલાકોમાં તેમને સાંધાના દુખાવામાં રાહત અનુભવાઈ. તેમને લાગ્યું કે નક્કી નદીના પાણીમાં કોઈ એવું ખનીજ તત્વ હતું જેની હકારાત્મક અસર તેમના સાંધાના દુખાવામાં થઈ હતી. પ્રયોગ ખાતર પણ તેમણે રોજે રોજ નદીનું પાણી પીવાનું શરૂ કર્યું, અને થોડા દિવસોમાં તો તેમનો એ રોગ જડમૂળથી નાબૂદ થઈ ગયો. આ વાતને ફેલાતા વાર ન લાગી. આસપાસના વિસ્તારના લોકો એ નદીનું પાણી પીવા માટે ત્યાં આવવા માંડ્યા. ઘણાએ અનુભવ કર્યો કે નદીના પાણીથી તેમની જૂની બિમારીમાં ખાસ્સી રાહત થઈ હતી.

નદીના આવા ‘ચમત્કારી’ પાણીમાંથી પૈસા ઉપજાવવાનો વિચાર જેમ્સ લિન્ચને આવ્યો. નદીનું પાણી પીવા માટે દૂર દૂરથી આવતા લોકો નદી કિનારે તંબૂ તાણીને રહેતા હતા. જેમ્સને થયું કે, એવા લોકોના રહેવા માટે અહીં હોટેલ બનાવવામાં આવે તો જબરી કમાણી થઈ શકે. તેની ગણતરી સાચી હતી. લિન્ચ પરિવારે નદીની નજીક હોટલ બનાવી અને એ હોટલ ધમધોકાર ચાલવા લાગી. હોટલ ખોલવાને લીધે લિન્ચ ફેમિલીના સંપર્કો વધ્યા અને તેમની આવકમાં ઓર વધારો થવા લાગ્યો. જોકે, કહેવાય છે ને કે અદેખાઈ એ માનવમનના મૂળભૂત કુલક્ષણો પૈકીનું એક છે. લિન્ચ પરિવારની સમૃદ્ધિ પણ અદેખાઈનો શિકાર બની ગઈ.

હોટલની નજીક આવેલા ગામના લોકો બહારથી આવેલા લિન્ચ પરિવારની સફળતા દેખી ન શક્યા. ગામમાં આવેલી નદીના પાણીનો ફાયદો ઉઠાવી બહારનો માણસ અહીં હોટેલ બાંધી કમાણી કરે એ તેઓ સાંખી ન શક્યા અને તેમણે લિન્ચ પરિવારનો સામૂહિક વિરોધ કર્યો. આખરે લિન્ચ પરિવારે હોટલ બંધ કરી દેવી પડી. ગામના લોકોએ ફાળો ઉઘરાવી નવી હોટલનું બાંધકામ શરૂ કરાવડાવ્યું. ગામની જ એક વ્યક્તિ હોટલનો કારભાર સંભાળે અને એની આવકમાંથી થતાં નફાને ગામના લોકોની સુખાકારી પાછળ ખર્ચે એવો મત ઠરાવાયો.

ગામના જ રહેવાસી થિયોડોર બ્રાશેર બેકરને ૧૪ માળની એ તોતિંગ ઈમારતના સંચાલનનું કામ સોંપાયું. હોટલને નામ આપવામાં આવ્યું ‘બેકર હોટેલ’. હોટલનો ટૉપ ફ્લૉર બેકર પરિવાર પોતાના રહેઠાણ માટે વાપરવા લાગ્યો. શરૂઆતના અમુક વર્ષો તો હોટલ ખૂબ સારી રીતે ચાલી, પણ પછી બેકર ફેમિલીની આર્થિક સ્થિતિ ગગડવા માંડી. હોટલ મેનેજમેન્ટમાં તેમને તકલીફ પડતા તેમણે થિયોડોરના યુવાન અને તરવરિયા ભત્રીજા અર્લ એમ. બેકરને હોટલનું સુકાન સોંપ્યું. પડોશી શહેરમાં રહેતો અર્લ બેકર હોટેલમાં મેનેજર તરીકે આવી ગયો. સાથે તેની પત્ની ગ્લેડી અને બે દીકરીઓ ડોરોથી અને બેટ્ટીને પણ લેતો આવ્યો. પણ પરિણિત અર્લ બેકરને લગ્નબાહ્ય લફરું હતું. સૌથી છુપાવીને તે વર્જિના બ્રાઉન નામની પોતાની પ્રેમિકાને પણ ‘બેકર હોટલ’ લેતો આવ્યો. વર્જિનાને તેણે હોટલના સાતમા માળે એક રૂમ કાયમી ધોરણે આપી દીધો. યુવાન અને સુંદર વર્જિનાને તો જલસા જ હતા. મફતમાં હોટલમાં રહેવાનું, દિવસ આખો ટીપટોપ થઈને મહાલતા રહેવાનું અને મનભાવન ભોજન ઝાપટતા રહેવાનું. ન કોઈની રોકટોક કે ન કોઈ કામ યા જવાબદારીનો બોજ! લોકો અને પરિવારની નજર ચોરીને અર્લ બેકર વર્જિનાના રૂમમાં ઘૂસી જતો અને પછી બંને કામાચારમાં મશગૂલ થઈ જતાં.

જોકે કહેવાય છે ને કે માણસ ગમે એટલું છુપાવે તો પણ પાપ તો છાપરે ચઢીને પોકારે જ છે. અર્લ અને વર્જિનાનું પાપ પણ ઝાઝા દિવસો છૂપું ન રહી શક્યું. એશઆરામભરી જિંદગી હોવા છતાં વર્જિના કંટાળવા લાગી. અર્લ તેના ફેમિલીને ક્યારેય નહીં છોડે એ વાસ્તવિકતાનું ભાન થતાં તેની માનસિક સ્થિતિ ખોરવાવા લાગી. ચોરીછૂપે પ્રેમ કરી કરીને, બીજાઓ સામે પોતાનો પ્રેમસંબંધ છુપાવવા માટે જૂઠ બોલી બોલીને તે થાકી ગઈ. આવી બનાવટી જિંદગીથી તંગ આવીને તેણે ભવાડા કરવા માંડ્યા. અર્લ સાથેના લફરાને જાહેર કરી દેવાની ધમકીઓ તે આપવા લાગી. હવે વર્જિના અર્લના ગળાનું હાડકું બનીને રહી ગઈ. અને એક રાતે ન થવાનું થઈ ગયું.

વર્જિનાએ પોતાના રૂમની બાલ્કનીમાંથી છલાંગ લગાવી આપઘાત કરી લીધો. સાતમા માળેથી નીચે ફંગોળાયેલી વર્જિના ધરતી પર મોં-ભેર પટકાઈ અને તેનો ચહેરો ભયંકર રીતે છુંદાઈ ગયો. ઘટનાસ્થળે જ તેનું કમકમાટીભર્યું મોત થઈ ગયું. તેના કરુણ મૃત્યુને ‘કોઈ અગમ્ય કારણસર કરવામાં આવેલી આત્મહત્યા’ ગણી લેવામાં આવ્યું પણ અફવા એવી ઊડી હતી કે વર્જિનાની કચકચથી ત્રાસીને અને તેમનું લફરું જાહેર કરી દેવાની તેની ધમકીઓથી ડરીને ખુદ અર્લ બેકરે તેનાથી છૂટકારો મેળવવા તેને સાતમા માળેથી નીચે ધકેલી દીધી હતી!

વર્જિના મરી તો ગઈ પણ હોટલ છોડીને ગઈ નહિ. પ્રેત સ્વરૂપે તે હોટલમાં જ ઘૂમતી રહી! આ એ જ વર્જિના હતી જેનું ભૂત વિક્ટરને તેના કમરામાં દેખાયું હતું.

વર્જિનાના ભૂતના રૂપ અનેકઃ

૧૯૫૦ના વર્ષે ‘બેકર હોટલ’માં મરી ગયેલી વર્જિનાના ભૂતે એપછી તો હોટલમાં અનેક લોકોને દેખા દીધી હતી. જીવતી હતી ત્યારે વર્જિના વિવિધ પરફ્યુમ્સની ભારે શોખીન હતી એટલે મર્યા બાદ હોટલમાં ભટકતા તેના પ્રેતમાંથી પણ મદમસ્ત પરફ્યુમની સુગંધ આવતી રહેતી. સ્ટાફના સભ્યો તથા અનેક ઉતારુઓએ તેના પ્રેતને હોટલના વિવિધ કમરાઓ અને લોબીમાં ઘૂમતી જોઈ હોવાના દાવા કર્યા. ઘણીવાર તેનું ભૂત પૂરા કપડામાં દેખાતું તો ઘણીવાર તે સાવ નગ્નાવસ્થામાં નજરે પડતી. ઘણાને તે વિક્ટરને બતાવ્યો હતો એવો પોલો ચહેરો બતાવતી, તો ઘણાને તેનો છુંદાયેલો, લોહી નીંગળતો ચહેરો જોવા મળતો. ઘણાએ તેને તદ્દન નોર્મલ રૂપમાં પણ જોઈ હતી. જાણે કે કોઈ જીવતી જાગતી વ્યક્તિ ન હોય! તે નોર્મલ રૂપમાં દેખા દેતી ત્યારે તેના હોઠો પર લાલચટ્ટક લિપસ્ટિક લાગેલી દેખાતી. અદ્દલ એવી જ લિપસ્ટિક જે તે જીવતી હતી ત્યારે લગાડતી હતી. તેના સેન્ડલ્સની હાઇ હિલ્સનો ‘ટક... ટક...’ અવાજ સંભળાવાની ઘટના તો બહુ જ કોમન થઈ ગઈ હતી.

વર્જિનાનું પ્રેત કદી કોઈની સાથે વાતચીત નહોતું કરતું. ક્યારેય કોઈની સ્માઇલનો જવાબ સ્માઇલથી નહોતું આપતું. કોઈ તેની હાજરીની નોંધ લે અને તેને બોલાવે એ સાથે જ તે દૂર ચાલી જતી અથવા તો હવામાં ઓગળી જતી. વિક્ટર જેવા અમુકની આંખ સામે તે બાલ્કનીમાંથી નીચે કૂદી પડવાનું ભયાવહ દૃશ્ય પણ ભજવી ચૂકી હતી.

વર્જિનાનું પ્રેત ‘બેકર હોટલ’ની અંદર વર્ષો સુધી દેખાતું રહ્યું હતું. તે પોતાના પરિજનોને કોઈ નુકશાન પહોંચાડશે એ બીકે અર્લ બેકરે હોટલ છોડી દીધી અને પછી થોડા મહિનાઓ બાદ વર્જિનાના ભૂતે પણ દેખાવાનું બંધ કરી દીધું. અલબત્ત, એ દેખાતી રહી એ વર્ષોમાં ‘બેકર હોટલ’ને ખાસ્સી પ્રસિદ્ધિ મળી હતી અને ઘણા ઉતારુઓ તો ફક્ત તેના ભૂતના દર્શન માટે હોટલમાં રાતવાસો કરવા આવતા. જોકે, આવા ભૂત-વાંચ્છુકોને વર્જિના ભાગ્યે જ દેખાતી. કદાચ જાણીબુઝીને નહોતી દેખાતી. તેમ છતાં વર્જિનાની ભૂતિયા ઝલક મેળવવા આતુર મુસાફરો ‘હોટલ બેકર’માં આવતા રહ્યા. પ્રેતના પારખાં ન કરવાના હોય પણ આ જગતમાં એવા દબંગ માણસોની કમી ક્યાં છે!

Article : 25. ભોંયરાનું રહસ્ય

ગેસ્ટ હાઉસમાં દહેશતઃ

એ વર્ષ હતું ૧૮૩૭નું. અમેરિકાના ન્યૂ ઓર્લીન્સ શહેરના પૉશ વિસ્તાર ગણાતા રોયલ સ્ટ્રીટ ખાતે આવેલા એક ખાલી મકાનને નવો મકાનમાલિક મળ્યો. સસ્તામાં મળી ગયેલું ‘લલૌરી મેન્શન’ નામનું એ મકાન ત્રણ વર્ષ અગાઉ આગની ભયંકર ચપેટમાં આવી ગયું હતું અને ભારે નુકશાન પામ્યું હતું એની જાણ મકાન ખરીદનારને હતી, પણ સોદો સસ્તામાં પત્યો એટલે તે ખુશ હતો. મકાનમાં રંગરોગાન સહિતનું સમારકામ કરાવ્યા બાદ તેને રહેવાલાયક બનાવાયું. એ જમાનામાં યુરોપથી લોકો મોટી સંખ્યામાં અમેરિકા સ્થળાંતર કરી રહ્યા હતા. આવા લોકોને ઠરીઠામ થવા એ મકાન ભાડે અપાવા લાગ્યું. શરૂઆતમાં તો બધુ ઠીક ચાલ્યું પણ પછી ગડબડ શરૂ થઈ. મકાનના ભોંયતળિયે આવેલા કમરાઓમાંથી રાતે ચીસાચીસ સંભળાતી અને પોઢી ગયેલા મહેમાનોને જગાડી દેતી. તપાસ કરવા માટે કોઈ એ કમરાઓ તરફ જતું તો ભાગ્યે જ કંઈ દેખાતું. આવી રહસ્યમય ચીસાચીસને ભૂતાવળી બનતા વાર ન લાગી.

રાત્રી દરમિયાન મકાનના ભોંયતળિયેથી ઊઠતી કારમી ચીસો અને કલ્પાંતોનું પ્રમાણ વધવા લાગ્યું. એક રાતે એ ચીસોની તપાસ કરવા ઊઠેલા મહાશયને કંઈક એવું જોવા મળ્યું જેની તેણે કદી કલ્પના પણ નહોતી કરી. સાંકળોમાં જકડાયેલો એક હબસી યુવાન ભોંયતળિયે એક દિવાલ સરસો ઊભો હતો. તેના હાથ-પગમાંથી લોહી વહી રહ્યું હતું અને તેનો ઉપલો હોઠ તેના નીચલા હોઠ સાથે દોરી વડે સીવી દેવાયેલો હતો! આંખોમાં આંસુ સાથે તે સાંકળોથી છુટવા મથી રહ્યો હતો. બીજા એક મુસાફરને એક રાતે એક હબસી સ્ત્રી જોવા મળી જે સંપૂર્ણ નગ્નાવસ્થામાં હતી, તેના શરીરે ચાબુકના અગણિત ઉઝરડા પડ્યા હતા અને એ ઘાવમાંથી માંસના લોચેલોચા લબડી રહ્યા હતા. ત્રીજા મહેમાનને મધરાતે એક એવી સ્ત્રીનો ભેટો થયો જે ગર્ભવતી હતી, પણ એનું પેટ ચીરાઈ ગયું હતું. ચીરાયેલા પેટમાંથી બહાર પડું પડું થઈ રહેલા ગર્ભને તે બંને હાથો વડે પોતાના ગર્ભાશયમાંથી બહાર સરી જતો અટકાવવાની કોશિશ કરી રહી હતી!

‘લલૌરી મેન્શન’માં મધરાતે દેખાયેલા એ તમામ લોકો ભૂત હતા..! એકથી વધુ લોકોને દેખાયેલા એ ભૂતોને લીધે આસપાસના વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ અને ગેસ્ટ હાઉસને બંધ કરી દેવું પડ્યું. ન્યૂ ઓર્લીન્સના લોકોને બિલકુલ નવાઈ ન લાગી કેમ કે તેઓ જાણતા હતા કે વહેલી મોડી આવી અજાયબ ઘટનાઓ એ મકાનમાં બનવાની જ હતી.

ભયાવહ ભૂતકાળનું સાક્ષી બનેલું ‘લલૌરી મેન્શન’

એ વર્ષ હતું ૧૯૩૧નું. ફિઝીશ્યન અને લેન્ડલોર્ડ ડો. લિયોનાર્ડ લુઈસ લલૌરી પોતાની પત્ની મેરી ડેલ્ફાઈ સાથે ન્યૂ ઓર્લીન્સ ખાતે એક વિશાળ મકાનમાં રહેવા આવ્યો અને એ મકાનને તેમણે ‘લલૌરી મેન્શન’ નામ આપ્યું. લિયોનાર્ડ મેરીનો ત્રીજો પતિ હતો અને તે મેરી કરતાં ઉંમરમાં નાનો હતો, પણ મેરી ડેલ્ફાઈન એટલી સ્વરૂપવાન હતી કે તેને જોઈને કોઈપણ તેની ઉંમરનો સાચો અંદાજ ન લગાવી શકે. થોડા જ વખતમાં મેરી તેના રૂપને કારણે આખા ન્યૂ ઓર્લીન્સમાં પ્રખ્યાત થઈ ગઈ. લલૌરી દંપતિને બે દીકરીઓ હતી અને બંને તેમની માતા મેરી જેટલી જ સુંદર હતી.

એ જમાનામાં ઘરનું વેઠિયું કરવા માટે આફ્રિકાના હબસી ગુલામોનું ખરીદ-વેચ કરવું સામાન્ય હતું. ‘લલૌરી મેન્શન’માં પણ ગુલામો માટે ભોંયરામાં ક્વાર્ટર્સ બનાવવામાં આવ્યા હતા. ડો. લલૌરી અને મેડમ લલૌરી બંને તેમની સામાજિક પ્રતિષ્ઠા અને સંપત્તિને લીધે આખા શહેરમાં જાણીતા હતા. તેઓ શહેરના ધનવાન લોકોને વારંવાર પાર્ટી આપવા માટે જાણીતા બની ગયા. ત્રણ માળના આ ભવ્ય મકાનમાં યોજાતી પાર્ટીઓ રાતભર ચાલતી અને એની ચર્ચા આખા શહેરમાં થતી. પરિવારનો બિઝનેસ પણ સંભાળતી હોવાને કારણે મેરી લલૌરી ખૂબ જ શક્તિશાળી અને પ્રભાવશાળી સ્ત્રી તરીકે ઓળખાવા માંડી. મેરી સ્વરૂપવાન તો હતી જ અને એમાં તે કપડાં પણ પાછા એવા પહેરતી કે ઓર છટાદાર લાગતી. કોઈ માણસ તેની આભામાં ન જકડાય તો જ નવાઈ, એવી ચુંબકીય એની પર્સનાલિટી હતી.

જોકે હકીકત જે દેખાતું હતું એનાથી કંઈક વેગળી હતી. સભ્ય અને મળતાવડી લાગતી મેરી લલૌરીના વ્યક્તિત્વનું એક એવું ભયાનક પાસું પણ હતું જેનાથી બીજા બધાં તો ઠીક ખુદ તેનો પતિ લિયોનાર્ડ પણ અજાણ હતો. મેરી સેડિસ્ટિક હતી! બીજાને શારીરિક પીડા આપીને એમાંથી માનસિક સંતોષ મેળવવાની વિકૃતિ મેરીમાં હતી અને એ માટે તે પોતાના હબસી ગુલામોનો ઉપયોગ કરતી.

દિવસે મેરી પોતાના મિત્રો અને મહેમાનો સાથે ખૂબ જ સભ્યતાથી વર્તતી. તેની મહેમાનગતિ માણી તેના મહેમાનો ગદગદિત થઈ જતા. લલૌરી મેન્શનની મહેમાનગતિ માણવા મળે એને સૌ પોતાનું સૌભાગ્ય સમજતા. આવી પ્રેમાળ મેરીનું એક અલગ જ રૂપ રાત પડતા બહાર આવતું. લલૌરી મેન્શનમાં કામ કરતા એક ડઝનથીય વધુ ગુલામો માટે મેરી એક કાળ હતી કાળ! એ જમાનામાં ગુલામોની ગણતરી માણસ તરીકે થતી જ નહોતી. તેમને માત્ર એક પ્રોપર્ટી સમજવામાં આવતા અને કોઈ જનાવર કરતા પણ નીચલી પાયરીના ગણવામાં આવતા. તેમની સાથે અપમાનજનક વ્યવહાર કરવો તો બહુ સામાન્ય હતું પણ મેરી લલૌરી તો તેના ગુલામો પ્રત્યેના બદવર્તનને એક અલગ જ લેવલ પર લઈ ગઈ.

મેરી પોતાના રસોઈયાને રસોડાની ફાયર પ્લેસ પાસે ચેઈનથી બાંધી રાખતી. નાની નાની ભૂલો બદલ પણ તે પોતાના ગુલામોને ચાબુકથી ઢોર માર મારતી. એક દિવસ તેને ત્યાં સફાઈ કામ કરતો છોકરો અચાનક જ ગાયબ થઈ ગયો. મેરીએ તેની સાથે શું કર્યુ, તેને ક્યાં ગાયબ કરી નાખ્યો એની કોઈને ખબર ન પડી. આ રીતે મેરીએ તેના અનેક ગુલામોને ગાયબ કરી દીધા હતા. એક દિવસ મેરીના પડોશણને શક થતાં તે ચકાસણી માટે મેરીના ઘરે જઈ ચઢી. તેણે જોયું કે મેરી એક નાનકડી ગુલામ છોકરીને પકડવા માટે તેની પાછળ દોડી રહી હતી. પડોશણે છુપાઈને જોયું કે મેરીએ તે છોકરીને પકડી, તેને મારી નાખી અને પછી તેનું શરીર પોતાના ઘરની પાછળના હિસ્સામાં ઉગેલી ઝાડીઓમાં ફેંકી દીધું.

પાડોશણે પોલિસમાં ફરિયાદ કરી. પોલિસ મેરીના ઘરે તપાસ કરવા આવી. ‘લલૌરી મેન્શન’માં કામ કરતા ગુલામો રાતોરાત ગાયબ થઈ જતા હોવાની પાડોશણની ફરિયાદને આધારે પોલિસે પૂછપરછ કરી તો મેરીએ કહી દીધું કે, તેણે તેના તમામ નોકરો ઓક્શનમાં વેચી દીધા હતા. મેરી વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા ન મળતા પોલિસ તેની સામે કોઈ કાયદાકીય પગલાં ન લઈ શકી. હકીકત એ હતી કે, મેરીની કરતૂતોમાં તેના અમુક ઓળખીતા આડકતરી રીતે તેનો સાથ આપતા હતા. તેઓ લોકોને દેખાડવા ખાતર મેરી પાસે તેના ગુલામ ખરીદી લેતા અને ત્યારબાદ રાતના અંધકારમાં તેમને મેરીની ઘરે જ મોકલી આપતા. મેરી તેમને સાંકળથી બાંધી, ચાબુકથી ફટકારતી, તેમના શરીરે ડામ દેતી અને તેમને ભૂખે-તરસે મારતી. આવા અત્યાચાર કરવામાં તેને વિકૃત આનંદ મળતો.

જોકે મેરી લલૌરીનું પાપ વધુ દિવસ છાનુ ન રહી શક્યું. ધીરે ધીરે સમાજમાં તેની પરપીડન વૃત્તિ વિશે ખબર પડવા માંડી. લોકો તેને ઘરે તપાસ કરવા આવતા, પણ પોતાના ગુલામોને મકાનના છુપા ભોંયરામાં કેદ કરીને રાખતી હોવાથી મેરી આબાદ છટકી જતી. ઘણા હિતેચ્છુઓએ તેને આવી બધી હરકતો બંધ કરવા સમજાવી પણ મેરી કોઈ પણ હાલતમાં તેના ગુલામોને છોડવા તૈયાર નહોતી, કેમકે તે હવે સેડિઝમની વ્યસની થઈ ચૂકી હતી. ગુલામો પર શારીરિક અત્યાચાર કર્યા વિના તેને ચેન નહોતું પડતું. મેરીના પતિ લિયોનાર્ડને મેરીની વિકૃતીની જાણ થઈ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ચૂક્યું હતું. સરમુખત્યાર જેવી પત્ની તેના કાબૂ બહાર હતી એટલે તેણે પત્નીની વિકૃતિઓ પ્રતિ આંખ આડા કાન કર્યે રાખ્યા.

ધીમે ધીમે લોકોએ મેરીને ઘરે જવાનું બંધ કરી દીધું. મેરી કોઈ પણ બહાને આમંત્રણ આપે તો પણ લોકો તેને ઘરે જતા બંધ થઈ ગયા. સમાજે તેની અવગણના કરવા માંડી. તે એકલી પડી ગઈ.

‘લલૌરી મેન્શન’ની પડતીઃ

૧૮૩૪ના એપ્રિલ મહિનામાં એક દિવસ એક અઘટિત ઘટના બની ગઈ. ‘લલૌરી મેન્શન’માં આગ લાગી ગઈ. આગનું સાચું કારણ તો ક્યારેય બહાર ન આવ્યું પણ એવું કહેવાતું રહ્યું કે પેલા રસોઈયાથી આખરે તેની માલિકણનો જુલમ ન સહેવાતા તેણે જ રસોડાની ફાયરપ્લેસથી ઘરમાં આગ લગાડી દીધી હતી. આગ એટલી જબરદસ્ત હતી કે તે આખાય ઘરમાં કોઈ જીવિત બચી ન શક્યું. મહામહેનતે ફાયર ફાઈટર્સે આગ પર કાબૂ મેળવ્યો. એ લોકો ઘરની અંદર ગયા ત્યારે ત્યાં તેમણે જે જોયું તે અત્યંત ભયાનક હતું. ઘરના ભોંયરામાં મેરી લલૌરીએ એક જેલ જેવી કાળ કોટડી બનાવેલી હતી જ્યાં કેટલાંય ગુલામોને તેણે કેદ કરી રાખ્યા હતા. કેદની કારણે એ તમામ પોતાનો જીવ નહોતા બચાવી શક્યા અને જીવતા જ આગમાં ભૂંજાઈ ગયા હતા. મેરીની જેલમાં સાંકળથી બંધાયેલા એ બદનસીબ ગુલામોમાં કેટલીક સ્ત્રીઓ પણ હતી. ગુલામો પૈકીના ઘણાને તો કૂતરા માટે હોય એટલા નાના પાંજરામાં કેદ કરવામાં આવ્યા હતા! આ પાંજરા એટલા નાના હતા કે કેદ કરાયેલી વ્યક્તિના હાથ-પગ પણ પૂરેપૂરા સીધા ન થઈ શકે. આ પ્રકારની કેદ વેઠવાની કલ્પના જ કેટલી ભયંકર ગણાય! અનેક ગુલામોના નાક-કાન અને આંગળીઓ કાપી નંખાયેલા હતા તો અનેકના નખ ખેંચી કઢાયેલા હતા. ભોંયરામાં ટોર્ચરના અનેક સાધનો મોજૂદ હતા. ચાબૂક, કમરપટા, કાતર, એસિડ... હદ તો એ વાતની હતી કે કાચની મોટી મોટી બાટલીઓમાં રસાયણો ભરીને એમાં માનવઅંગો સચવાયેલા પડ્યા હતા! માણસનું હૃદય, મગજ અને આંતરડા જેવા અંગો જોઈને એ પ્રશ્ન થાય કે ‘લલૌરી મેન્શન’ કોઈ ઘર હતું કે પ્રયોગશાળા..! અકાળે બર્બર મોતને ભેટેલા એ તમામ ગુલામો પાછળથી ભૂત બનીને ‘લલૌરી મેન્શન’માં ભટકતા જોવા મળ્યા હતા. ચિલ્લાતા ભૂતો! આક્રંદ કરતા ભૂતો! લોહિઝાણ ભૂતો! ડરામણા ભૂતો!

પોલિસે ‘લલૌરી મેન્શન’માં વધુ તપાસ કરતા વધુ એક ચોંકાવનારી હકીકત સામે આવી. મેન્શનને પછવાડે લાકડાના પાટિયાનું પેવિંગ કરેલો જે ભાગ હતો એ ખરેખર તો મેરી લલૌરીએ બનાવેલું કબ્રસ્તાન હતું. અમુક પાટિયાને હટાવતા તેની નીચે બનેલો વિશાળ ખાડો નજરે પડતો હતો. એ ખાડામાં અનેક ગુલામોની લાશો દટાયેલી પડી હતી. ભોંયરામાં અત્યાચાર સહન કરી કરીને મોતને ભેટતા ગુલામોને મેરી રાતના અંધકારમાં આ કબ્રસ્તાનમાં દફનાવી દેતી હતી.

પલાયન થઈ ગયેલી મેરી લલૌરીઃ

‘લલૌરી મેન્શન’માં ઘટેલી આગજનીની દુર્ઘટના પછી મેડમ લલૌરી અને તેનું ફેમિલી ક્યાં ગયું તે આજ દિન સુધી કોઈનેય ચોક્ક્સ ખબર નથી. લોકો કહે છે કે, તેઓ અમેરિકા છોડીને ફ્રાન્સ ભાગી ગયા હતા તો ઘણા માને છે કે તેમણે ન્યૂ ઓર્લિન્સથી થોડે જ દૂર એક જંગલમાં ઘર બનાવી લીધું હતું અને આજીવન ત્યાં જ રહ્યા હતા.

ન્યૂ ઓર્લિન્સના લોકો કહે છે કે, આજે પણ કોઈ એ ભૂતિયા ‘લલૌરી મેન્શન’માં જાય તો તેને તે ઘરમાં ભૂતના પરચા મળે છે. કેટલાંક ત્યાં ગૂંગળામણ અનુભવે છે તો કેટલાંકને પાણીની જબરદસ્ત તરસ લાગી હોય એ રીતે ગળું સુકાતું હોવાનો અનુભવ થાય છે. અમુક લોકોનું કહેવું છે કે તે ઘરના રસોડામાં હજી પણ આગ બળતી હોય એવી તીવ્ર ગરમી અનુભવાય છે. ઘણા એ ઘરમાં પડછાયા દેખાતા હોવાની વાતો કરે છે. જોકે, ભૂતકાળમાં ‘લલૌરી મેન્શન’ની ઓળખ બની ગયેલા ડરામણા કલ્પાંતો અને ચીસો હવે ત્યાં સંભળાતી નથી. કાળની ગર્તામાં કદાચ અહીં ભટકતા ભૂતો પણ શાંત થઈ ગયા છે.

Article : 26. ભૂતિયાં વાહનોનો તરખાટ

અકસ્માતમાં લોકો જીવ ગુમાવે એવા સમાચાર તો દરરોજ અખબારોની હેડલાઇન બનતા હોય છે પણ કોઈ અકસ્માતમાં ભૂતિયા તત્વ છુપાયેલું હોય તો! ખુદ કોઈ વાહન ભૂતિયા બનીને અકસ્માત સર્જતું હોય તો! હોલીવુડના હાર્ટથ્રોબ એક્ટર જેમ્સી ડીનેનો જીવ લેનારી અપશુકનિયાળ સ્પોર્ટ્સ કારથી લઈને લંડનમાં તહેલકો મચાવનાર ડબલ ડેકર બસના પ્રેત અને સાગર પેટાળમાં ભટકતી સમબરીનના ભૂત સહિત ભૂતિયા વાહનોના ઉદાહરણો અનેક છે.

હોલીવુડ હંકની રહસ્યમય કારઃ

જેમ્સ ડીન. ૫૦ના દાયકાના હેન્ડસમ, ટેલેન્ટેડ એક્ટર. હોલીવુડના આ હાર્ટથ્રોબે ગણીને માત્ર ત્રણ જ ફિલ્મો કરી હોવા છતાં તેમનું નામ ફિલ્મ ઈતિહાસમાં આદરપૂર્વક લેવામાં આવે છે. ૧૯૫૩થી ૧૯૫૫ દરમિયાન રિલીઝ થયેલી તેમની ફિલ્મો ‘રિબેલ વિધાઉટ અ કોઝ’, ‘જાયન્ટ’ અને ‘ઈસ્ટ ઓફ ઈડન’ને ભારે સફળતા મળી હતી અને જો તેમનું અકાળે અવસાન ન થયું હોત તો તેમનું ભવિષ્ય હોલીવુડમાં ઉજ્જવળ હતું. ૧૯૩૧માં જન્મેલા જેમ્સ ડીન ફક્ત ચોવીસ વર્ષની યુવા વયે ૧૯૫૫માં એક કાર અકસ્માતમાં માર્યા ગયા હતા અને પોતાના મોત પાછળ કેટલાક વણઉકેલ્યા રહસ્યો છોડી ગયા હતા. એ રહસ્યો તેઓ જે કાર અકસ્માતને લીધે માર્યા ગયા હતા એ કાર સાથે સંકળાયેલા છે. પ્રોફેશનલ રેસિંગનાં શોખીન જેમ્સે ૧૯૫૫માં પોર્શ ૫૫૦ સ્યાયડર નામની એક સ્પોર્ટ્સ કાર ખરીદી હતી. ઝડપી ડ્રાઈવિંગનો જેમ્સને શોખ હતો અને આ કાર તેમનો એ શોખ પૂરો કરતી હતી. જેમ્સે તેમની કારને ‘લિટલ બાસ્ટર્ડ’ (નાનકડો હરામી!) એવું વિચિત્ર નામ આપ્યું હતું.

એ અગમ્ય ભવિષ્યવાણીઃ

૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકામાં ‘સ્ટાર વોર્સ’ શ્રેણીની ફિલ્મોમાં ઓબી-વાન કેનોબીનો રોલ કરીને ભારે ખ્યાતિ મેળવનારા એક્ટર એલેક ગિનેસ એ જમાનામાં જેમ્સના પરમ મિત્ર હતા. એક દિવસ જેમ્સે એલેકને પોતાની કાર બતાવી અને તેમાં બેસવા કહ્યું. દરવાજો ખોલીને એલેક અંદર બેસવા જતા હતા, પરંતુ અચાનક અટકી ગયા. તેમણે જેમ્સને કહ્યું, ‘આ કારમાં કંઈક એવું અપશુકનિયાળ તત્ત્વ છે જે મને અંદર બેસતા રોકે છે. જેમ બને એમ જલદી આને વેચી દે, નહિતર એ તારો જીવ લઈને જ રહેશે.’

એલેકની વાત સાંભળી જેમ્સ અવાચક થઈ ગયા કેમ કે તેઓ જાણતા હતા કે, એલેકની છઠ્ઠી ઈન્દ્રિય ઘણી શક્તિશાળી હતી અને ભૂતકાળમાં તેમના દ્વારા થયેલા ઘણા ભવિષ્યકથન વિચિત્ર અને અવિશ્વસનીય લાગતા હોવા છતાં સાચા પડ્યા હતા. પરંતુ જેમ્સે જિગરજાન મિત્રની વાત હસવામાં કાઢી નાખી. કારને વેચી દેવાનો તો કોઈ પ્રશ્ર્ન જ નહોતો કેમ કે તેમને કાર પ્રત્યે માયા લાગી ગઈ હતી. આ બનાવ ૨૩ સપ્ટેમ્બરે બન્યો હતો.

એ ગોંઝારી દુર્ઘટનાઃ

બીજા જ અઠવાડિયે કેલિફોર્નિયામાં સાલિનાસ ખાતે એક સ્પોર્ટ્સ કાર રેસનું આયોજન થયું. જેમ્સ પણ તેમાં પોતાની કાર સાથે ભાગ લેવાના હતા, જે મીડિયા માટે આકર્ષણનું કારણ હતું. રેસ સર્કિટમાં જેમ્સના ઈન્ટરવ્યુ માટે પત્રકારોએ પૂરી તૈયારી કરી રાખી હતી. ૩૦ સપ્ટેમ્બર ૧૯૫૫નો એ દિવસ હતો. રેસનો સમય સાંજે હોવાથી બપોરના સમયે જેમ્સ કાર લઈને પ્રેક્ટિસ માટે હાઈવે ૪૬૬ પર નીકળી પડ્યા. સાથે કાર મિકેનીક રોફ વુધરિચ પણ હતા જે કારની પાછલી સીટ ઉપર બેઠા હતા. ૫૫ માઈલની સ્પીડ લિમિટનાં ઝોનમાં 65 માઈલની ઝડપે કાર ચલાવવા બદલ જેમ્સને હાઈવે પોલીસે દંડ ફટકાર્યો. નજીકના ભવિષ્યમાં બનનારી ઘટના માટેની આ કદાચ ચેતવણી હતી. દંડ ભરીને આગળ જઈ ફરીથી જેમ્સે કારને પૂરપાટ ભગાવવાનું ચાલુ રાખ્યું. થોડે આગળ ગયા ત્યાં જ એક યુવાન રસ્તો ઓળંગતો દેખાયો. જેમ્સનું ધ્યાન તેના ઉપર હોવાથી તેઓ સામેથી આવતી બીજી કારને જોઈ ન શક્યા. તેમનું ધ્યાન પેલી કાર તરફ ગયું ત્યાં સુધી ખૂબ મોડું થઈ ચૂક્યું હતું. પેલા યુવાન અને સામેથી ધસમસતી આવતી કાર એમ બંનેથી બચવું લગભગ અશક્ય હતું. જેમ્સની કાર અને પેલી બીજી કાર સામસામે ટકરાઈ અને આ ભયંકર અકસ્માત સર્જાયો. ઘટનાસ્થળે જ જેમ્સનું પ્રાણપંખેરું ઊડી ગયું. મિકેનીક રોફ બચી ગયા. એલેક ગિનેસની ભવિષ્યવાણી સાચી પડી. લિટલ બાસ્ટર્ડે છેવટે પોતાના માલિકનો ભોગ લઈ જ લીધો. જેમ્સ ડીન જેવા હોનહાર અભિનેતાના અકાળ અવસાનથી હોલીવુડમાં હાહાકાર મચી ગયો. મીડિયાએ જેમ્સની મનહૂસ કારની કહાનીને બરાબર ચગાવી.

અને લિટલ બાસ્ટર્ડે જીવ લેવાનું ચાલુ રાખ્યું...

ભારે નુકસાન પામી હોવા છતાં ‘લિટલ બાસ્ટર્ડ’ હજી ઉપયોગમાં લઈ શકાય એમ હતી. વ્યવસ્થિત સમારકામ કરીને તેને વેચવા માટે કાઢવામાં આવી ત્યારે જેમ્સ ડીનની કાર હોવાથી તેની ઘણી સારી કિંમત ઉપજી. થોડા દિવસમાં કારને ફરી વાર અકસ્માત થયો અને તે તેના નવા માલિકને પણ ભરખી ગઈ. અપશુકનિયાળ ગણાવા લાગેલી હોવા છતાં કારને નવા માલિક શોધવામાં કદી મુશ્કેલી પડી નહિ. ભવિષ્યમાં તેના અનેક અકસ્માત થવાનાં હતાં અને અનેક લોકો જીવ ગુમાવવાના હતા. ૧૯૭૦નાં દાયકામાં ‘લિટલ બાસ્ટર્ડ’ તેના એક માલિકના બંધ ગેરેજમાંથી ગાયબ થઈ ગઈ અને પછી કદી ન મળી.

વિશ્વયુદ્ધનો પૂળો ચાંપનાર ભૂતિયા કારઃ

પ્રથમ વિશ્ર્વયુદ્ધ સાથે સંકળાયેલી એવી જ બીજી અપશુકનિયાળ કાર હતી ૧૯૧૦માં બનેલી ‘ગ્રાફ એન્ડ સ્ટીફ્ટ ડબલ ફેટોન’. પહેલા વિશ્ર્વયુદ્ધનાં ભણકારા વાગી રહ્યા હતા ત્યારે આ કારમાં ‘ફ્રાંઝ ફર્ડિનાન્ડ’ની હત્યા કરવામાં આવી હતી, જે વિશ્ર્વયુદ્ધનો પૂળો ચાંપવાના કારણો પૈકીનું એક કારણ હતું. ફ્રાંઝની કાર પછીના ૧૨ વર્ષોમાં ૧૫ વ્યક્તિઓનાં હાથમાં ગઈ જેમાંના ૧૩ના મોતનું તે કારણ બની! ૧૩ પૈકી ૩ જણે પાગલપણાની હાલતમાં આત્મહત્યા કરી લીધી હતી. ચાર મિત્રો સહિત પરણવા જતા રોમાનિયન મૂરતિયાને લઈને એ કાર એક પુલ પરથી નીચે ખાબકી હતી અને પાંચેય મરણને શરણ થઈ ગયા હતા. કહેવાતું હતું કે ફ્રાંઝનું પ્રેત એ કારમાં હંમેશ માટે વસી ગયું હતું અને તેના લીધે જ એ કારે આટલા બધા માણસોનો ભોગ લીધો હતો. હાલમાં એ કાર ઑસ્ટ્રીયાનાં એક મ્યુઝિયમમાં તૂટેલી હાલતમાં પડી છે.

આપમેળે સ્થાનફેર કરતી કારઃ

આવી એક ભૂતિયા કારનો અનુભવ સાઉથ આફ્રિકાનાં કેપટાઉન શહેરનાં એક ફેમિલીને પણ થયો હતો. તેમણે એક અજાણી વ્યક્તિ પાસેથી સાવ સસ્તામાં ખરીદેલી એ કાર જાણે કે સ્વયંસંચાલિત હતી. તે આપોઆપ જ ચાલુ થઈ જતી અને સ્થળાંતર કરવા લાગતી. ઘરની પાછળના ખુલ્લા વગડામાં તેને પાર્ક કરવામાં આવતી પરંતુ સવારે તે પોતાના સ્થાનથી ક્યાંક બીજે જ ઊભેલી મળી આવતી. તેના દરવાજા, બારીના કાચ બધું લોક રહેતું હોવાથી કોઈ વ્યક્તિએ તેનું સ્થાનફેર કર્યું હોય એ પણ અશક્ય હતું. છતાં પણ આવી કોઈ સંભાવના ચકાસવા માટે કારનાં માલિકે એક રાતે આખી કાર ઉપર ટેલ્કમ પાઉડર છાંટી દીધો, જેથી કોઈ વ્યક્તિ તેને સ્પર્શે તો તેના હાથ-આંગળાની છાપ દેખાઈ જાય. દરરોજની જેમ બીજી સવારે કાર વગડાનાં કોઈ બીજા જ ખૂણામાં ઊભી હતી. તેના ઉપર ક્યાંય કોઈ વ્યક્તિના હાથનાં નિશાન નહોતા. મૂંઝાયેલા માલિકે પોતાના એક પોલીસ મિત્રને આ બાબતમાં જણાવ્યું.

પોલીસ મિત્ર તપાસ માટે ઘરે આવ્યો. કારને અંદર બહારથી બધી રીતે તપાસીને તેણે જાહેર કર્યું કે તેને કારમાં કંઈ વિશેષ કે વિચિત્ર લાગતું નથી. બરાબર એ જ સેકન્ડે કાર સળગી ઊઠી. જોતજોતામાં તો આખેઆખી કાર અગનજ્વાળાઓની ચપેટમાં આવી ગઈ. એ બનાવ એટલો રહસ્યમય અને ડરામણો હતો કે, આત્મદહન પામેલી કારની નજીક જઈ આગ ઓલવવાની પણ કોઈની હિંમત થઈ નહીં. ભૂતિયા કારે છેવટે પોતે જ પોતાનો અંજામ નક્કી કરી લીધો હતો.

અકસ્માત કરીને અદૃશ્ય થઈ જતી એ ભૂતિયા બસઃ

ન માનવામાં આવે એવી થોડી ઘટનાઓ ૧૯૩૪ના વર્ષમાં લંડનમાં બની હતી. આખેઆખી ડબલ ડેકર બસનું ભૂત લંડનની સડકો પર અડધી રાત બાદ ફરતું રહેતું! કેટલીયે કારોને તેણે પોતાની ચપેટમાં લીધી હતી અને ઘણા લોકોએ આવા ભૂતિયા અકસ્માતમાં જીવ ગુમાવ્યા હતા. જે લોકો બચી ગયા હતા તેમના જણાવ્યા મુજબ અચાનક જ ક્યાંકથી મસમોટી બસ તેમના વાહન સામે આવી ગઈ હતી અને તેઓ અકસ્માત કરી બેઠા હતા. આઘાતની કળ વળે અને તેઓ સભાન થઈ જુએ તો સામે કોઈ બસ હોતી નથી, પરંતુ તેમના વાહનનો કચ્ચરઘાણ નીકળી ગયો હોય એ નક્કી. લંડનના જે જે વિસ્તારોમાં એ ભૂતિયા બસે અકસ્માત સર્જ્યા હતા ત્યાં પોલિસ પહેરો મૂકવામાં આવ્યો હતો પણ એ બસ કદી એક સ્થળે બે વાર ‘પ્રગટ’ થતી નહોતી. દર વખતે તે ‘શિકાર’ માટે નવું સ્થળ પસંદ કરતી. હવામાં ક્યાંક શિકારની રાહ જોતી રહેતી અને કોઈ પૂરપાટ દોડતી કાર દેખાય એટલે ફટાક કરતી એના માર્ગમાં આડી ઊતરતી. ક્ષણભર માટે દર્શન દઈ, કારને જખ્મી કરી, અંદર બેઠેલાના જીવ લઈ તે પલકવારમાં તો અંતર્ધ્યાન થઈ જતી! અનેક તપાસ છતાં એ ભૂતિયા બસનો ક્યારેય કોઈ અત્તોપત્તો નહોતો લાગ્યો. અકસ્માત કરીને અદૃશ્ય થઈ જતી એ ભૂતિયા બસે થોડા સમય માટે જ લંડનમાં દેખા દીધી હતી પણ એ સમય દરમિયાન તેણે જબરી અફરાતફરી મચાવી હતી.

સમુંદરની સતેહ નીચે ભટકતી સબમરીનની આત્માઃ

પહેલા વિશ્ર્વયુદ્ધ દરમિયાન જર્મનીની યુબી 3 ક્લાસની સબમરીનો ખૂબ મહત્ત્વ ધરાવતી હતી. દરિયામાં તેની રીતસર આણ પ્રવર્તતી હતી. એચ. એમ. એસ. બ્રિટાનિયા સહિત બીજા ૫૦૭ નાના મોટા યુદ્ધ જહાજોને આ પ્રકારની સબમરીનોએ જળસમાધિ આપી હતી. આવી જ એક યુબી 3 ક્લાસની સબમરીન હતી ‘યુ 65’. યુ 65 સબમરીન મધદરિયે પ્રવાસ કરી રહી હતી ત્યારે એક રાતે તેની અંદર અકસ્માતે એક ટોરપિડો ફાટતા ક્રૂના આઠ સભ્યો અને એક કમાન્ડિંગ ઓફિસરનું મૃત્યુ થઈ ગયું હતું.

ઈજાગ્રસ્ત યુ 65ની મરમ્મત કરીને તેને ફરીથી દરિયામાં ઉતારવામાં આવી. થોડા જ દિવસોમાં પેલા અકસ્માતમાં માર્યા ગયેલા કમાન્ડિંગ ઓફિસરનું પ્રેત સબમરીન ઉપર દેખાવા લાગ્યું. ક્રૂના સભ્યો તેને જોઈને પરેશાન થવા લાગ્યા. તેમણે કમાન્ડિંગ ઓફિસરના પ્રેત બાબતે ફરિયાદ તો કરી પણ તેમની વાતો પર ઉપરી અધિકારીઓએ વિશ્ર્વાસ ન કર્યો. એક પછી એક કરીને ક્રૂનાં તમામ સભ્યો એ સબમરીન પરથી બીજે ક્યાંક જવા માટે બદલી માગવા લાગ્યા, પરંતુ તેમની ઈચ્છા પૂરી થાય તે પહેલાં જ...

...એક રાતે એક અમેરિકન સબમરીન દ્વારા છોડાયેલા ટોરપિડો દ્વારા યુ 65 સબમરીન નાશ પામી હોવાના સમાચાર આવ્યા.

બીજે જ દિવસે પેલી અમેરિકન સબમરીનના ઓફિસરે મીડિયામાં ખુલાસો કરતું વિધાન આપ્યું કે, તેઓ યુ 65 પર હુમલો કરે એ પહેલા જ યુ 65માં આપમેળે જ ધડાકા થઈ ગયા હતા અને સબમરીન તેના તમામ ક્રૂ સભ્યો સાથે જાતે જ ભસ્મીભૂત થઈ ગઈ હતી. યુ 65નાં વિનાશનું કારણ કદી જાણી શકાયું નહીં, પરંતુ કહેવાય છે કે પેલા ઓફિસરનું પ્રેત જ તેના અંતનું કારણ હતું.

Article : 27. આ કિલ્લામાં વસે છે ભૂત

વિચિઝ કેસલઃ ડાકણોનો ગઢ

યુરોપના દેશ ઓસ્ટ્રિયામાં આવેલ વિચિઝ કેસલની ભવ્યતા અને તેની આસપાસનું પ્રાકૃતિક વાતાવરણ ભારે મનમોહક લાગે છે, પરંતુ શું આ સુંદરતા ભ્રામક છે? કદાચ હા, કારણ કે દિવસના અજવાળામાં શાંત જણાતો આ કિલ્લો રાતના અંધકારમાં કંઈ કેટલીયે અગોચર પ્રવૃત્તિઓથી ખળભળી ઊઠે છે. ઈ. સ. ૧૨૦૮માં સાલ્ઝબર્ગના રાજકુંવર દ્વારા બંધાયેલા આ કિલ્લાનું મૂળ નામ તો મૂશામ કેસલ છે. તેનું નામ વિચિઝ કેસલ (ડાકણોનો કિલ્લો) કેમ પડ્યું એની પાછળ એક રસપ્રદ ઐતિહાસિક તથ્ય છુપાયેલું છે. વર્ષો અગાઉ જ્યારે યુરોપ અંધકારયુગમાં જીવતું હતું ત્યારથી ત્યાં સ્ત્રીઓ કાળી વિદ્યા શીખીને ડાકણ બની શકે છે એવી માન્યતા ચાલતી આવી છે. પંદરમી અને સોળમી સદીમાં ઓસ્ટ્રિયામાં ચર્ચના બિશપો આવી અનેક મહિલાઓને ડાકણ ઠેરવી તેમને દેહાંતદંડની સજા કરાવડાવતા હતા. પાદરીઓનો સમાજ પર એ હદે પ્રભાવ હતો કે આવી સજા સંભળાવવામાં તેમને ઝાઝી સાબિતીઓની જરૂર પડતી નહીં. મોટેભાગે તો સમાજના નિમ્ન વર્ગની સ્ત્રીઓ જ આવા આરોપોનો ભોગ બનતી. ડાકણ સાબિત થયેલી સ્ત્રીઓને ક્યાં તો જાહેરમાં ફાંસીએ લટકાવવામાં આવતી, ક્યાં તો જીવતી સળગાવી દેવામાં આવતી. જમીનમાં કે દીવાલમાં જીવતી ચણી દેવાની સજાને રાહતરૂપ ગણવામાં આવતી અને આવી રાહતરૂપ સજા પામેલી અનેક સ્ત્રીઓને મૂશામ કેસલની દીવાલોમાં જીવતી ચણી દેવામાં આવી હતી. કહેવાય છે કે એ ડાકણોનાં પ્રેત આજે પણ કિલ્લામાં ભટકતાં રહે છે અને એટલા જ માટે મૂશામ કિલ્લો વિચિઝ કેસલ તરીકે વિશ્વમાં વધુ જાણીતો થયો છે.

સત્તરમી સદીમાં આ કિલ્લાની આસપાસનાં ગામડાંઓમાં કંઈક વિચિત્ર ઘટનાઓ ઘટવા માંડી હતી. પાલતુ પ્રાણીઓના શબ ઠેરઠેર પડેલાં જોવા મળતાં. રાતના સમયે પ્રાણીઓ પર વેરવૂલ્ફ (માનવ વરુ) હુમલો કરતું અને પ્રાણીઓનું લોહી પીને જંગલમાં ભાગી જતું. કેટલાક ગામવાસીઓએ આવા વેરવૂલ્ફ જોયાનો દાવો કર્યો હતો. કેટલાક અભાગિયાઓ વેરવૂલ્ફ પાછળ હથિયાર લઈને દોડ્યા પણ હતા, પરંતુ એ નરબંકાઓ કદી પાછા નહોતા ફર્યા. ગામડાના જ અમુક પુરુષો પર વેરવૂલ્ફ હોવાનો આરોપ લગાડી તેમને પણ મોતની સજા સંભળાવવામાં આવતી. આવા પુરુષોને પણ દીવાલમાં જીવતા ચણી દેવાની ‘હળવી સજાઓ’ કરવામાં આવતી. વિચિઝ કેસલમાં આવા પુરુષોનાં પ્રેત પણ ભટકતાં હોવાનું કહેવાય છે.

આ ભૂતિયા કિલ્લાને અનેક ટી. વી. પ્રોગ્રામમાં ચમકાવીને તેને વિશ્વવિખ્યાત બનાવી દેવામાં આવ્યો છે. આજની તારીખે મ્યુઝિયમમાં ફેરવી દેવાયેલા આ કિલ્લાની વર્ષે લાખો પ્રવાસીઓ મુલાકાત લે છે અને ત્યાં આયોજિત થતી ‘ઘોસ્ટ ટૂર’નો આનંદ માણે છે. અનેક પ્રવાસીઓને કિલ્લામાં ફરતી વખતે હાથ, પગ અને ચહેરા ઉપર ઠંડા હાથોનો સ્પર્શ અનુભવાયો છે. કેટલાકે ટોની નામના શખ્સનું પ્રેત કિલ્લાના અમુક ચોક્કસ હિસ્સામાં જોયાનો પણ દાવો કર્યો છે. આ એ જ ટોની હોવાનું કહેવાય છે કે જેને મોતની સજા પામેલી સ્ત્રીઓ અને પુરુષોને દીવાલમાં ચણી દેવાનું કામ સોંપવામાં આવતું. એ સ્ત્રી-પુરુષોનાં ભૂતોએ જ ટોનીને ગંભીર બીમારીમાં સપડાવી તેને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું કહેવાય છે. હકીકત શું હોય, કોને ખબર, પરંતુ વિચિઝ કિલ્લો યુરોપના સૌથી વધુ ભૂતિયા કિલ્લાઓ પૈકીના એક તરીકે પંકાયેલો છે એ હકીકત છે.

બાર્ડી કેસલઃ અતૃપ્ત પ્રેમનો સાક્ષી કિલ્લો

ઈટલી દેશના ‘એમિલિયા-રોમાના’ પ્રાંતમાં આવેલ બાર્ડી કિલ્લાનું બાંધકામ નવમી સદીમાં કરવામાં આવ્યું હતું. કિલ્લાને નામે ચડેલ એક ઐતિહાસિક બનાવ એ છે કે રોમ તરફ કૂચ કરતી વખતે વિખ્યાત લડવૈયા ‘હેનીબાલ’ની પ્રચંડ સેનાનો સૌથી છેલ્લો હાથી અહીં મૃત્યુ પામ્યો હતો. જોકે એક બીજી વાત માટે પણ આ કિલ્લો વિશ્વમાં જાણીતો થયો છે અને તે એ કે અહીં ભૂત થાય છે. મોરેલો નામના સૈનિકનું પ્રેત આ કિલ્લામાં ભટકતું દેખાય છે. વાત એવી છે કે સદીઓ અગાઉ બાર્ડીના રાજાની દીકરી સોલેસ્ટને સૈન્યમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરતા મોરેલો સાથે પ્રેમ થઈ ગયો હતો. મોરેલો તમામ રીતે યોગ્ય પુરુષ હોઈ રાજાને પણ પોતાની દીકરીને તેની સાથે પરણાવવામાં કોઈ વાંધો નહોતો. બધાં રાજી હોવાથી સોલેસ્ટના મોરેલો સાથે લગ્ન નક્કી જ હતા પણ ત્યાં જ અચાનક પડોશી રાજ્યમાં યુદ્ધ ફાટી નીકળતાં મોરેલોએ યુદ્ધ લડવા જવું પડ્યું.

કિલ્લાની ઊંચી દીવાલ પર ચઢી સોલેસ્ટ પોતાના પ્રેમીના પાછા ફરવાની રાહ કલાકો સુધી જોતી રહેતી. મોરેલોની ગેરહાજરીમાં તેને જીવનમાંથી જાણે કે રસ જ ઊડી ગયો હતો. એક દિવસ સોલેસ્ટ આ જ રીતે મોરેલોની રાહ જોઈ રહી હતી ત્યારે દૂર ક્ષિતિજ પર તેને ઘોડા દોડતા દેખાયા. મોરેલો પાછો આવી રહ્યો છે એવી કલ્પનામાં તેણીની આંખોમાં ચમક આવી ગઈ. પેલા ઘોડા સહેજ નજીક આવ્યા ત્યારે તેણીને કળાયું કે ઘોડેસવારોના હાથોમાં તો દુશ્મન દેશના ધ્વજ હતા.

‘યુદ્ધમાં મોરેલોની સેનાની હાર થઈ છે અને તો પછી તેના જીવિત હોવાની પણ કોઈ શક્યતા નહીં હોય’ એમ વિચારીને આઘાત પામેલી સોલેસ્ટે કિલ્લા પરથી કૂદીને આપઘાત કરી લીધો. કરુણતા એ હતી કે પેલા ઘોડેસવારો મોરેલો અને તેના વિજયી સાથીઓ જ હતા. દુશ્મન સેના પર વિજય મેળવ્યો હોવાથી તેમણે તેમનો ધ્વજ પ્રતીકરૂપે, જીતના જશ્નરૂપે સાથે લઈ લીધો હતો.

એક સામાન્ય ગેરસમજને લીધે પ્રેમિકાનો જીવ ગયો હતો એ જાણી મોરેલોએ પણ આત્મહત્યા કરી લીધી. એ પછી તેનું પ્રેત પોતાની પ્રેમિકાને શોધતું બાર્ડીના કિલ્લામાં ભટકવા લાગ્યું. કિલ્લાની મુલાકાતે આવનાર પ્રવાસીઓને આજે પણ ક્યારેક મોરેલોનું અતૃપ્ત પ્રેત દેખાતું રહે છે.

ડ્રેગહોમ કેસલઃ ભૂતાવળોનો મેળો!

ડેન્માર્કમાં આવેલ ડ્રેગહોમ કિલ્લો ત્યાં થતી રાજવી ભૂતાવળને લીધે જાણીતો થયો છે. ઈ. સ. ૧૨૧૫માં રોસકિડેના બિશપ પેડર સુનેસન દ્વારા ડેન્માર્કના ઝીલેન્ડ નામના ટાપુ ઉપર બંધાયેલો આ કિલ્લો સદીઓ દરમિયાન ભારે રાજકીય ઊથલપાથલનો સાક્ષી બન્યો છે. મૂળ તો ડેન્માર્કના રાજવી પરિવારના વસવાટ માટે આ કિલ્લો બનાવવામાં આવ્યો હતો અને ઈ. સ. ૧૫૩૬ સુધી આ હેતુ બર આવ્યો હતો . ત્યાર બાદ ઊઠેલી ધાર્મિક અને રાજકીય ખટપટોએ કિલ્લાનો હેતુ અને ભવિષ્ય બંને બદલી નાખ્યાં. સત્તા પર આવેલા નવા રાજા ક્રિશ્ચન ત્રીજાએ વર્ષોથી ડેન્માર્ક પર રાજ કરતા રાજવી પરિવારને બંદી બનાવ્યા અને ડ્રેગહોમ કિલ્લાના જ ભોંયરામાં બનેલી કાળકોટડીઓમાં બધાને અલગ અલગ પૂરી દીધા. તેમાંના મોટાભાગના ભૂખથી તરફડીને, ગાંડા થઈને મરણને શરણ થઈ ગયા અને બાકીનાએ જેલના અંધારામાં જ આયખું પૂરું કરી નાખ્યું. જુલમી ક્રિશ્ચન પાંચમો ડેન્માર્ક પર રાજ કરતો હતો ત્યારે સ્વીડને ચઢાઈ કરી અને યુદ્ધમાં કિલ્લાને ઘણું નુકસાન થયું. દેવાના ડુંગર તળે દબાયેલા ઐય્યાશ રાજાએ પોતાનું દેવું ચૂકવવા એ કિલ્લો હેન્રિચ મૂલરને નામે કરી દીધો. ૧૬૯૪માં હેન્રીચ મૂલરે ખાલી પડેલો એ કિલ્લો ફ્રેડરિક નામના માલેતુજારને વેચી માર્યો. ફ્રેડરિકે ભારે ખર્ચો કરીને કિલ્લાનું સમારકામ કરાવ્યું અને કિલ્લાની જૂની રોનક પાછી ફરી. આજે એકવીસમી સદીમાં ડ્રેગહોમ કિલ્લો એક હોટેલ, બે રેસ્ટોરન્ટ, કેટલાક કોન્ફરન્સ રૂમ અને સો જેટલાં ભૂતો ધરાવે છે! જી, હા! ડ્રેગહોમ કિલ્લામાં ૧૦૦ જેટલાં ભૂતો થાય છે જેમાં સામાન્ય પ્રજાજનો અને સૈનિકોથી લઈને રાજવી પરિવારના સભ્યોનો સમાવેશ થાય છે. પશ્ચિમી દેશોના લગભગ તમામ કિલ્લાઓમાં ઐતિહાસિક વાયકાઓની રોકડી કરી લેવામાં આવે છે અને ડ્રેગહોમ કિલ્લો પણ એમાંથી બાકાત નથી. આ કિલ્લામાં યોજાતી ‘ઘોસ્ટ ટૂર’ દરમિયાન પ્રવાસીઓને કિલ્લાના ભોંયરામાં આવેલી કાળકોટડીઓમાં રાજવી પરિવારનાં પ્રેતોના ડૂસકાં સંભળાય છે. કિલ્લાની બહાર ખુલ્લા પ્રાંગણમાં ઘોડાઓ દોડતા હોય એવો અવાજ સંભળાય છે, પરંતુ આસપાસમાં ક્યાંય કોઈ ઘોડા હોતા નથી. કિલ્લામાં સૌથી વધુ દેખાતાં ત્રણ પ્રેતો છે અને ત્રણે સ્ત્રીઓનાં છે. તેમનાં નામ છે ‘ગ્રે લેડી’, ‘વ્હાઈટ લેડી‘, અને ‘અર્લ ઓફ બોથવેલ.’ ગ્રે લેડી ડ્રેગહોમની કર્મચારી હતી. એક દિવસ દાંતનો દુ:ખાવો થતાં તેને શાહી વૈદ્યે કંઈક જંગલી દવા આપી હતી. દવાના ઉપયોગથી રાત સુધીમાં તેના દાંતનો દુ:ખાવો તો મટી ગયો, પરંતુ બીજા દિવસે સવારે તે પોતાની પથારીમાં મૃત અવસ્થામાં મળી આવી હતી. દવાના રીએક્શને તેનો ભોગ લીધો હોવાનું કહેવાય છે. તેણીનું ભૂત કિલ્લાના ભોંયતળિયે, જ્યાં તે કામ કરતી હતી, તે જગ્યાએ દેખાતું રહ્યું છે. ‘અર્લ ઓફ બોથવેલ’ની સાચી ઓળખ થઈ શકી નથી, પરંતુ તેનું પ્રેત પણ કિલ્લામાં ઠેકઠેકાણે અવારનવાર દેખાતું રહ્યું છે. જોકે એ ત્રણે ભૂતિયા લેડીમાં સૌથી વધુ જાણીતી થઈ છે વ્હાઈટ લેડી. તદ્દન યુવાન એવી વ્હાઈટ લેડી રાજાની વહાલી પુત્રી હતી. તેને એક સામાન્ય પરિવારના યુવાન સાથે પ્રેમ થઈ ગયો હતો. પ્રેમને વાસનાનો રંગ ચઢતા વાર ન લાગી અને એક દિવસ બંને યુવાન હૈયા મર્યાદા ઓળંગી ગયા. કુંવારી રાજકુમારી ગર્ભવતી થઈ જતાં રાજાનો ગુસ્સો ફાટી પડ્યો અને તેણે પેલા યુવાનની શોધખોળ ચલાવી. રાજા પોતાના પ્રેમીને મરાવી નાંખશે એ બીકે રાજકુમારીએ કદી પોતાના પ્રેમીની સાચી ઓળખ છતી નહોતી કરી. રાજાએ દીકરીને નજરકેદ કરી અને પ્રેમવિરહમાં ઝૂરી ઝૂરીને તેણીએ દમ તોડી દીધો હતો. તેના મૃત્યુ સમયે તેણીએ સફેદ કલરનો ડ્રેસ પહેર્યો હતો એટલે એ ડ્રેસમાં જ તેનું પ્રેત કિલ્લામાં ભટકતું દેખાતું હોવાથી તેને વ્હાઈટ લેડી તરીકે ઓળખવામાં આવે છે.

Article : 28. રોડ કે હર મોડ પે...

રોડ નંબર એ-૨૨૯- ‘લિફ્ટ મળશે, પ્લીઝ?’

ઈંગ્લેન્ડના સસેક્સ પરગણાંથી કૅન્ટ જતા રોડ નંબર એ-૨૨૯ પર એક કાર તેજ ગતિએ આગળ વધી રહી હતી. મધરાત વિતી ચૂકી હતી અને ચારે તરફ સન્નાટો છવાયેલો હતો. દૂર દૂર સુધી માનવવસ્તીનું કોઈ નામોનિશાન નહોતું. રસ્તાની બંને તરફ ખુલ્લી જમીન હતી અને પછી પાંખાં વૃક્ષોનું જંગલ શરૂ થતું હતું. કારના રેડિયો પર એક જૂની બ્રિટીશ ફિલ્મનું ગીત વાગી રહ્યું હતું અને કારચાલક ઈયાન શાર્પ ધીમા અવાજે એ ગીત ગુનગુનાવી રહ્યો હતો. અચાનક તેને કારની હેડલાઈટનાં અજવાળામાં રસ્તાની એક બાજુ ઊભેલો એક માણસ દેખાયો. આધેડ વયના એ હટ્ટાકટ્ટા માણસે મેલું જીન્સ અને કાળું ટી-શર્ટ પહેરેલું હતું અને તેના બાવડાં પર ડ્રેગનનું ટેટૂ બનેલું હતું. લિફ્ટ મેળવવા માટે તે હાથ હલાવી રહ્યો હતો. ઈયાને કાર રોકી તેને અંદર લઈ લીધો. તેણે પોતાનું નામ થોમસ જણાવ્યું અને કહ્યું કે તેની કારને થોડે દૂર અકસ્માત નડ્યો હતો. કાર આગળ વધી એટલે બંને વાતે વળગ્યા.

થોમસને દુનિયાભરનું જ્ઞાન હતું. તેણે સમાજમાં પ્રવર્તતી અસમાનતાઓ અને અન્યાયો વિશે ફરિયાદો કરવા માંડી અને આમ કરવું જોઈએ અને તેમ ન કરવું જોઈએ એવા ઉપાયો સૂચવવા માંડ્યા. ઈયાનને એની વાતો સાંભળી હસવું પણ આવ્યું અને એના સામાન્ય જ્ઞાનથી તે પ્રભાવિત પણ થયો. ચાર-પાંચ કિલોમીટર બાદ થોમસે એક વેરાન જગ્યાએ પોતાને ઉતારી દેવા કહ્યું ત્યારે ઈયાને આશ્ચર્ય વ્યક્ત કરતાં પૂછ્યું, ‘અહીં કેમ?’

‘મારું ઘર અહીં જ છે,’ બોલીને થોમસે રહસ્યમય મુસ્કાન રેલાવી.

થોમસે કાર રોકી એટલે થોમસ નીચે ઉતરી ગયો. છૂટા પડતા પહેલા તેણે પૂછ્યું, ‘ફરી મળીશું ને?’

‘ચોક્કસ,’ કહી ઈયાને એક સ્મિત રેલાવી કાર હંકારી મૂકી.

ચાર-પાંચ કિલોમીટર આગળ ગયા બાદ ઈયાનને બીજો એક માણસ રસ્તાની એક તરફ ઊભેલો દેખાયો. હાથ હલાવીને તે લિફ્ટ માગી રહ્યો હતો. તેનાં જીન્સ, ટી-શર્ટ અને બાવડાં પરનું ટેટૂ જોઈ ઈયાન તરત તેને ઓળખી ગયો. એ થોમસ હતો! હજી થોડી મિનિટો પહેલાં જ એક અવાવરું જગ્યાએ તો એ ઊતર્યો હતો તો પછી આટલો જલદી એ અહીં કેવી રીતે પહોંચી શકે એ પ્રશ્ર્ન થતાં જ ઈયાન ધ્રૂજી ઊઠ્યો. આટલી ઠંડીમાં પણ તેને પરસેવો છૂટી ગયો. સહેજ ધીમી પાડેલી કારને તેણે પૂરપાટ દોડાવી મૂકી. કાર થોમસની નજીકથી પસાર થઈ ત્યારે થોમસ તરફ જોવાની હિંમત પણ ઈયાનને ન થઈ. ચાર સેકન્ડ બાદ તેણે કારનાં રિયર-વ્યૂ મિરરમાં જોયું તો થોમસ હજી પણ પોતાની જગ્યાએ ઊભો હતો. ઈયાન તરફ જોઈને તે હસી રહ્યો હતો. ઈયાન ફરી એક વાર પગથી માથા સુધી ધ્રૂજી ઊઠ્યો.

મળસ્કે કૅન્ટ પહોંચીને ઈયાને પોતાના મિત્રને થોમસ વિશે જણાવ્યું. જવાબમાં મિત્રએ જે કંઈ કહ્યું તે સાંભળી ઈયાન સ્તબ્ધ થઈ ગયો. છ વર્ષ અગાઉ થોમસ નામના એ વ્યક્તિની કારને રોડ નંબર એ-૨૨૯ પર ગમખ્વાર અકસ્માત નડ્યો હતો અને સ્થળ પર જ તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. ત્યારથી તેનું ભૂત એ રસ્તા પર ભટકી રહ્યું હતું. એકલા મુસાફરી કરતાં લોકો પાસે થોમસનું પ્રેત લિફ્ટ માગતું. તેનું મોત થયું હતું એ સ્થળે ઊતરી જઈ થોડા કિલોમીટર આગળ તે ફરી વાર તેને લિફ્ટ આપનારને દેખાતું. આજ સુધી અનેક લોકોએ થોમસનાં પ્રેતને જોયું હતું. આ હરકત થોમસનું ભૂત કદાચ ફક્ત મનોરંજન માટે જ કરતું હતું કેમકે તેણે કદી પણ કોઈને નુકસાન પહોંચાડ્યું નહોતું.

સ્ટોક બ્રિજ પાસઃ હસતા રમતા એ બાળકો

ઈંગ્લેન્ડમાં જ ‘સ્ટોક બ્રિજ પાસ’ નામનો બીજો એક રસ્તો પણ છે જ્યાં આઠ-દસ વર્ષનાં બાળકોનો એક સમૂહ ભૂતાવળ તરીકે દેખા દેતો રહ્યો છે. અહીંથી પસાર થતા લોકોને અવારનવાર એ બાળકો રસ્તાની એક તરફ થોડે દૂર રમતાં દેખાતાં, સ્કૂલ યુનિફોર્મમાં સજ્જ એ બાળકોનાં કપડાં ઘણી જૂની ફેશનનાં હતાં. રાતનાં સમયે આવી અવાવરું જગ્યાએ એ બાળકોને એકલાં રમતાં જોઈને કોઈ કૂતુહલવશ વાહન ઊભું રાખી એ બાળકોની નજીક જવાની કોશિશ કરતું તો એ બાળકો અદૃશ્ય થઈ જતાં. કિલ્લોલ કરતાં, ગીતો ગાતાં એ બાળકો જ્યાં રમતાં એ જમીન પર ધૂળ હોવા છતાં કોઈ માનવપગલાંની છાપ દેખાતી નહીં. વાયકા એવી છે કે દાયકાઓ અગાઉ એક સ્કૂલ બસનો અહીં અકસ્માત થયો હતો અને બસમાં સવાર અડધા ઉપરાંત બાળકોનાં મૃત્યુ થઈ ગયાં હતાં. માર્યા ગયેલાં બાળકોની જ ભૂતાવળ સ્ટોક બ્રિજ પાસ પર રાતનાં સમયે રહેતી.

કેલી રોડઃ સાયકો પ્રાણીઓની દહેશત

અમેરિકાનાં પેન્સિલવેનિયા રાજ્યનાં ઓહાયોવિલે નજીક ‘કેલી રોડ’ નામનો એક રસ્તો છે, જ્યાં વર્ષોથી એક અલગ પ્રકારની ભૂતાવળ થતી આવી છે. કેલી રોડની બંને તરફ માઈલો સુધી ગીચ અને ડરામણું જંગલ પથરાયેલું છે. જંગલમાં વસતાં પ્રાણીઓ કેલી રોડ પરના અમુક ચોક્કસ વિસ્તારમાંથી પસાર થાય ત્યારે તેમનું વર્તન વિચિત્ર થઈ જાય છે. રસ્તા પરથી પસાર થતાં વાહનો પર પ્રાણીઓ હિંસક હુમલા કરે છે અને માણસોને નુકસાન પહોંચાડવાની કોશિશ કરે છે. નવાઈની વાત તો એ છે કે હરણ અને સાબર જેવા રાંક ગણાતાં શાકાહારી પ્રાણીઓ પણ કોઈ રહસ્યમય શક્તિની અસર નીચે એ વિસ્તારમાં આવી જંગલી વર્તન કરે છે. જાણે કે સાયકો બની જતા એ પ્રાણીઓનાં આવા હુમલા ફક્ત રાતે બને છે. પ્રાણીઓનાં હિંસક હુમલાની દહેશત એ હદે વ્યાપી ગઈ છે કે લોકો રાતનાં સમયે કેલી રોડ પરથી પસાર થવાનું ટાળે છે. કેટલાક લોકોનું માનવું હતું કે કેલી રોડની આસપાસનાં જંગલમાં વર્ષો પહેલાં કાળી વિદ્યાના પ્રયોગો થતા હતા. રહસ્યમય માણસોનાં એક સ્થાનિક સમૂહ દ્વારા થતા આવા પ્રયોગોમાં વિવિધ પ્રાણીઓની બલિ ચઢાવવામાં આવતી. કહેવાય છે કે છેક ત્યારથી લઈને આજ સુધી બીજી દુનિયાના પ્રેતાત્માઓ ત્યાંનાં જંગલમાં આવી જંગલી પ્રાણીઓમાં પ્રવેશે છે અને રાહદારીઓ પર હિંસક હુમલા કરે છે.

ક્લીન્ટન રોડઃ ભૂતિયા ટ્રકનો કહેર

અમેરિકાનાં જ ન્યુજર્સી રાજ્યમાં વેસ્ટ મિલ્ફોર્ડ ખાતે આવેલો ‘ક્લીન્ટન રોડ’ પણ ભૂતિયા પ્રવૃત્તિ માટે જાણીતો છે. રાતનાં સમયે એક રહસ્યમય ટ્રક અહીંથી પસાર થતાં એકલાં વાહનોનો પીછો કરે છે. વાહનચાલકને ટ્રકની બે પ્રકાશિત હેડલાઈટ જ દેખાય છે અને ટ્રક દેખાતી નથી, પરંતુ હેડલાઈટના પ્રકાશ અને રસ્તાની સપાટીથી તેની ઊંચાઈ પરથી તે વાહન ટ્રક હોવાનો અંદાજ લગાવી શકાય છે. ઓવરટેક માટે સાઈડ આપવામાં આવે તો પણ એ ટ્રક આગળ નીકળતી નથી. આગળ ચાલતા વાહનની ઝડપને અનુરૂપ તે પોતાની ઝડપ વધારે કે ઓછી કરતી રહે છે. એ ટ્રક કોની છે કે શું છે એની તપાસ કરવા માટે કોઈ રાહદારી પોતાનું વાહન થોભાવી નીચે ઊતરે તો તરત એ હેડલાઈટ બુઝાઈ જાય છે અને પછી ત્યાં કંઈ નજર નથી આવતું. એ ભૂતિયા લાઈટને લોકો ઘણાં વર્ષો પહેલાં એ વિસ્તારમાં થયેલી હરોળબંધ હત્યાઓ સાથે સાંકળે છે. ક્લીન્ટન રોડ ઉપર વર્ષો પહેલાં એક પછી એક કરી અનેક લાશો મળી આવી હતી. તમામ લાશોને ડીપ ફ્રિઝરમાં થીજાવ્યાં બાદ ક્લીન્ટન રોડ પર ફેંકી દેવામાં આવી હતી. કદી ન પકડાયેલા એ સિરિયલ કિલરને એટલા માટે જ ‘આઈસ મેન’ નામ આપવામાં આવ્યું હતું. કહેવાય છે કે ક્લીન્ટન રોડ પર દેખાતી એ રહસ્યમય ટ્રક એ જ આઈસ મેનની ટ્રક હતી. નિર્દોષ લોકોની હત્યા કરીને એ કિલર ટ્રકનાં પાછળનાં ભાગમાં રાખેલા ફ્રીઝરમાં લાશને થીજાવી દેતો. એ સાયકો કિલરનું પછી શું થયું એની તો કોઈ માહિતી ઉપલબ્ધ નથી. અનેક હત્યાઓની સાક્ષી બનેલી એ ટ્રક કદાચ એટલે જ ક્લીન્ટન રોડ પર પોતાનો શિકાર શોધતી ફરતી હતી.

બોય સ્કાઉટ લેનઃ ટ્રેકિંગ માટે નીકળતી ભૂતાવળ

ઘણીબધી બાબતોની જેમ ભૂતિયા રસ્તા હોવાની બાબતમાં પણ અમેરિકા જ સૌથી આગળ પડતો દેશ છે. અહીંનાં વિસ્કોન્સીન ખાતે આવેલા સ્ટીવન્સ પોઇંટ નજીક એકાકી રસ્તો આવેલો છે જે ‘બોય સ્કાઉટ લેન’ તરીકે જાણીતો બન્યો છે. રસ્તો આ નામે જાણીતો થયો તેની પાછળ એક કરુણ ઘટના જવાબદાર છે. ચોક્કસ વર્ષની માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ ૧૯૫૦ના દાયકામાં આ વિસ્તારમાં જંગલ હતું ત્યારે કિશોર વયનાં વિદ્યાર્થીઓની એક ટુકડી અહીં ટ્રેકિંગ માટે આવી હતી. રાત્રિ રોકાણ દરમ્યાન અકસ્માતે એમના તંબૂમાં આગ લાગી ગઈ હતી અને કેમ્પ લીડર સહિત તમામ વિદ્યાર્થીઓ એ આગમાં સળગી મર્યા હતા. ત્યાર બાદ એ વિદ્યાર્થીઓના પ્રેતાત્માઓ એ વિસ્તારમાં દેખાવા લાગ્યા. જાણે કે ખરેખર ટ્રેકિંગ કરતા હોય એમ એમની પ્રેતાત્માઓ શિસ્તબદ્ધ રીતે એક લાઈનમાં ચાલતા જતા દેખાતા. ઘણી વાર તેઓ શોર્યગીતો ગાતા સંભળાતા તો ઘણી વાર એકબીજાનો ઉત્સાહ વધારવા બૂમો પાડતા સંભળાતા. થોડાં વર્ષો અગાઉ તો એમના દેખાવાની ઘટના એટલી બધી સામાન્ય થઈ ગઈ હતી કે લોકોએ એ અનામ રસ્તાને ‘બૉય સ્કાઉટ લેન’ એવું નામ જ આપી દીધું.

ટ્યુનમૂન રોડઃ નવપરણિત દંપતીના પ્રેત

હોંગકોંગનો ‘ટ્યુનમૂન રોડ’ અનેક જીવલેણ અકસ્માતોનો સાક્ષી બન્યો છે. આ રસ્તા પર છાશવારે થતા રહેતા અકસ્માતોનું કારણ અહીં થતી ભૂતાવળને ગણવામાં આવે છે. વર્ષો અગાઉ તાજું પરણેલું એક દંપતી આ રસ્તા પર અકસ્માતમાં માર્યું ગયું હતું અને ત્યારથી એ બંનેનાં ભૂત અહીં થતા રહ્યા છે. પુરુષે કાળો સૂટ પહેર્યો હોય છે, જ્યારે સ્ત્રી સફેદ ગાઉનમાં સજ્જ હોય છે. આ જ કપડાં તેમણે તેમના લગ્નમાં પહેર્યાં હતાં. ચાલતા વાહનોની સામે અચાનક જ એ કપલ આવીને ઊભું રહી જતું. હાથમાં હાથ પરોવીને ચાલતાં જતાં એ દંપતીને જીવતા માણસો સમજી તેમને બચાવવા માટે વાહનચાલકો ક્યાં તો એકાએક બ્રેક મારી દેતા અથવા તો પછી વાહનને બીજી દિશામાં વાળી દેતા. સમયસર વાહન અટકાવી બચી ગયેલા લોકો જ્યારે તેમના વાહન તળે કચડાઈ ગયેલા કપલની તપાસ માટે નીચે ઉતરતા ત્યારે તેમને પેલું દંપતી ક્યાંય દેખાતું નહીં! એ ભૂતિયા કપલને બચાવવાની કોશિશમાં ઘણાં વાહનો પલટી મારી જતાં અને વાહનમાં સવાર લોકો જીવ ગુમાવતા. કહેવાય છે કે આ રીતે અકસ્માતગ્રસ્ત બની માર્યા જનાર લોકોનાં ભૂત પણ પછી ટ્યુનમૂન રોડ પર દેખાવા લાગતા. અહીં દેખાતા ભૂતોની સંખ્યા આ રીતે વધતી ચાલી અને આજે આ રસ્તા પર અગણિત સંખ્યામાં ભૂતો દેખાતા હોવાનું કહેવાય છે.

એ-૭૫ રોડઃ ગમ્મત પમાડતું ભૂત

ભૂત-પ્રેતનું કામ ડરાવવાનું હોય છે. કોઈ દિવસ રમૂજ પમાડે એવી ભૂતાવળ પણ હોઈ શકે એમ કહું તો માનશો? માનવું જ પડશે. યુરોપનાં સ્કોટલૅન્ડ દેશનાં ‘એ-૭૫’ રોડ ઉપર ખરેખર ગમ્મત પડે એવી એક ભૂતાવળ થાય છે. રાતનાં સમયે અહીંથી પસાર થતા લોકોને એક વૃદ્ધ મહિલાનું ભૂત દેખાય છે જે તેની મરઘીઓને પકડવા માટે તેમની પાછળ દોડતી હોય છે. લઘરવઘર વસ્ત્રો પહેરેલી એ કદરૂપી વૃદ્ધાનાં અવાજ સાથે તેની મરઘીઓનો કકળાટ પણ સાંભળી શકાય છે. રસ્તાની બાજુમાં જ આ દૃશ્ય ભજવાતું હોવાથી કેટલીક વાર મરઘીઓ રસ્તા ઉપર પણ આવી જાય છે. ક્યારેક કોઈ મરઘી ઊડીને વાહન તરફ આવી વાહનનાં કાચ સાથે અથડાય પણ છે. પકડાપકડીનો આ શોરબકોર ભર્યો ખેલ માંડ થોડી મિનિટો સુધી ચાલે છે અને પછી ચારે તરફ નીરવ શાંતિ છવાઈ જાય છે. વૃદ્ધા સહિત તેની તમામ મરઘીઓ અદૃશ્ય થઈ જાય છે. રાતનાં સન્નાટામાં આવી ઘોંઘાટભરી ભૂતિયા ઘટના નિહાળી ઘણા રાહદારીઓ ગભરાઈ જાય છે. મરઘીઓ પાછળ દોડતી એ અણઘડ વૃદ્ધા કોણ હતી એ કદી જાણી શકાયું નથી.

લેન ઈસ્ટ કોસ્ટ રોડઃ સફેદ સાડી મેં લિપટા હુઆ જિસ્મ

ચેન્નઈથી પોન્ડિચેરી વચ્ચેનો રસ્તો ‘લેન ઈસ્ટ કોસ્ટ રોડ’ નામે ઓળખાય છે. આ રસ્તો ભૂતોની હાજરીને લીધે ખાસ્સો ડરામણો બની ગયો છે. ગાઢ વનરાજીથી ઘેરાયેલો આ રસ્તો સૂર્યાસ્ત પછી ભારે બિહામણું રૂપ ધારણ કરી લે છે. આ રસ્તેથી રેગ્યુલરલી પસાર થતાં ટ્રક ડ્રાઈવર્સ કહે છે કે, રાતે અચાનક જ રસ્તા પર સફેદ સાડી પહેરેલી એક સ્ત્રી દેખાય છે. રસ્તાની વચ્ચોવચ અચાનક જ ટપકી પડતી એ સ્ત્રીને લીધે એમનું ધ્યાન ડ્રાઇવિંગ પરથી ભટકી જાય છે અને સમયસૂચકતા ન વાપરવામાં આવે તો એક્સિડન્ટ થયો જ સમજો. જોકે ટ્રક ડ્રાઇવર્સ અહીંની સ્થિતિથી વાકેફ હોઈ મોટેભાગે તો તેઓ ડ્રાઇવિંગ પરથી કાબૂ નથી ગુમાવતા પણ અહીંથી ક્યારેક જ નીકળતા મુસાફરો રસ્તાની વચ્ચે એકાએક જ ફૂટી નીકળતા એ મહિલાના પ્રેતને બચાવવાની લહાયમાં અકસ્માત કરી બેસે છે. માંડ ગણતરીની સેકન્ડ માટે દેખાતા એ પ્રેતને લીધે જોકે આજ સુધી કોઈએ જીવ નથી ગુમાવ્યા.

Article : 29. યુદ્ધકેદીઓની લાશો પર ઊભેલો બ્રીજ

૧) યુદ્ધકેદીઓની લાશો પર ઊભેલો બ્રીજ

થાઈલેન્ડના પાટનગર બેંગ્કોકથી પશ્ચિમ દિશામાં ૯૦ માઈલ જતાં કાંચનબુરી નામનું સ્થળ આવે છે. આ સ્થળેથી ‘ક્વાઈ’ નામની મધ્યમ પહોળાઈ ધરાવતી નદી વહે છે. આ નદી પર આવેલા એક પુલની આસપાસ અનેક ભૂતો દેખાતાં હોવાનું કહેવાય છે. બહુ જાણીતા એવા આ પુલની ઐતિહાસિક તવારીખથી પરિચિત થવા માટે ઈતિહાસમાં ડૂબકી મારવી પડશે.

બીજા વિશ્વયુદ્ધનો એ સમય

૧૯૪૦ના દાયકાના શરૂઆતના વર્ષો હતા. યુરોપ બીજા વિશ્વયુદ્ધની ચપેટમાં સપડાયું હતું. રહીરહીને અમેરિકાએ પણ યુદ્ધમાં ઝંપલાવ્યું હતું. યુરોપી મોરચે જ્યાં જર્મનીએ પોતાના પડોશી દેશોને ખેદાનમેદાન કરી નાખ્યા હતા ત્યારે તેના પક્ષે રહીને લડતા જાપાને એશિયાની ધરતી ધમરોળી નાખી હતી.

ચીન, બર્મા, થાઈલેન્ડ, સિંગાપોર, હોંગકોંગ, મલેશિયા, ઈન્ડોનેશિયા સહિતના તમામ દક્ષિણ-પૂર્વીય એશિયાઈ દેશો પર હુમલા કરી જાપાને ભારે આણ વર્તાવી હતી. પોતાના સામ્રાજ્યને સમગ્ર એશિયામાં ફેલાવી દેવાની જાપાનની મેલી મુરાદ હતી. અગાઉ નોંધ્યા એ દેશોને યુદ્ધમાં હરાવી જાપાને ભારત ઉપર ડોળો માંડ્યો હતો. ભારત પર એ સમયે અંગ્રેજોનું રાજ હતું એટલે પણ જાપાનને જર્મનીના દુશ્મન ઈંગ્લૅન્ડને પરાસ્ત કરી ભારત પર કબજો જમાવવાનું બહુ મન હતું, પરંતુ સેનાને જમીન માર્ગે ભારત સુધી પહોંચાડવી ભારે કઠિન હતું, કેમકે બર્મા-થાઈલેન્ડનો ભારત સાથે અડીને આવેલો સરહદી પ્રાંત પર્વતાળ હતો અને ઘનઘોર જંગલોથી છવાયેલો હતો. ત્યાંનું હવામાન અત્યંત દુષ્કર હતું. ભારે વરસાદને લીધે સમૃદ્ધ થયેલા અહીંના ઘટાટોપ જંગલોમાં જીવલેણ મલેરિયા ફેલાવતા મચ્છરોનો ભારે ત્રાસ હતો. આવી વિષમ ભૂગોળને ચીરતી રેલવે લાઈન નાખવાનું જાપાને નક્કી કર્યું. ભારત પર કબજો જમાવવો હોય તો સૈનિકો અને માલસામાનના પરિવહન માટે રેલવે લાઈન નાખવી અનિવાર્ય હતું. જાપાની એન્જિનિયરોએ મહામુશ્કેલ એવા આ પ્રોજેક્ટની ચેલેન્જ ઉપાડી લીધી. ભારે ખર્ચો કરીને ૧૯૪૨માં કુલ ૨૬૦ માઈલ લાંબી રેલવે લાઈન નાખવાનું શરૂ કરવામાં આવ્યું.

હજારોનો જીવ લેનારી રેલવે લાઇન

એશિયાભરમાં જાપાને લાખો યુદ્ધકેદીઓને જેલમાં પૂરી રાખ્યા હતા. એ જ યુદ્ધકેદીઓને મજૂર બનાવવામાં આવ્યા. જંગલો કાપવામાં અને પહાડો તોડવામાં સેંકડો સૈનિકો જાન ગુમાવવા લાગ્યા. વિષમ વાતાવરણ, કમરતોડ મહેનત અને અપૂરતા ખોરાકને લીધે કુપોષણનો ભોગ બનેલા મજૂરોનો મૃત્યુઆંક રોજ-બરોજ વધતો ચાલ્યો, પરંતુ જાપાનીઓને તેમની કોઈ ચિંતા નહોતી. દરમિયાન ચોમાસું બેઠું અને અધૂરું હતું તે કામ મચ્છરોએ પૂરું કર્યું. મલેરિયાનો ભોગ બનીને હજારો મજૂરો મરણને શરણ થઈ ગયા. મરેલા યુદ્ધકેદીઓના શબોનો સામૂહિક નિકાલ કરી દેવામાં આવતો અને તેમને બદલે જીવતા નરકમાં ધકેલવા માટે બીજા યુદ્ધકેદીઓ મગાવી લેવાતા હતા.

બર્મા અને થાઈલેન્ડ થઈને પૂર્વ ભારત સુધી પહોંચતી રેલવે લાઈન પૂરી કરવા માટે પાંચ વરસ જેટલા લાંબા સમયની જરૂર હતી, પરંતુ જાપાન પાસે સમય જ તો નહોતો. જાપાની સેનાએ ફક્ત અને ફક્ત ૧૩ જ મહિનામાં આ પ્રોજેક્ટ પૂરો કરી દેવાનો ટાર્ગેટ રાખ્યો હતો (જે તેમણે મહદંશે પૂરો કરી પણ દેખાડ્યો!) અને એ માટે જે કોઈ પગલાં લેવાં પડે એ લેવાની સેનાને છૂટ હતી.

મજૂરો પાસેથી મહત્તમ કામ લેવા માટે તેમને જાનવરોની જેમ કામમાં જોતરવામાં આવતા. કામમાં ધીમા પડનારને ચાબુક વડે ફટકારવામાં આવતા અને ઘવાયેલા મજૂરો જો વધારે કામ આપવામાં અસમર્થ જણાય તો તેમને ગોળીથી વીંધી દેવામાં આવતા. માંદા પડવાનું કોઈને પરવડે એમ નહોતું, કેમ કે ‘માંદા પડ્યા તો મર્યા’નો નિયમ હતો. તબીબી સારવાર આપીને સમય અને પૈસા બરબાદ કરવાને બદલે બીમાર મજૂરને મોત આપી દેવામાં આવતું. રાત-દિવસની શિફ્ટમાં બાંધકામ ચાલતું અને ટાર્ગેટ પૂરો કરવા માટે જાપાની સૈનિકોએ માનવતા કોરાણે મૂકી દઈને ક્રૂરતા આચરવા માંડી. કેટલાય સૈનિકો એટલી હદે ઈજાગ્રસ્ત કે બીમાર બનતા કે રાતે સૂતા તો સવારે મૃત અવસ્થામાં મળી આવતા.

‘ક્વાઈ’ નદી પર એ સમયે લાકડાનો મજબૂત પુલ બનાવવામાં આવ્યો હતો. (હવે ત્યાં લોખંડનો વધુ મજબૂત પુલ ઊભો છે). સમગ્ર રેલવે લાઈન તૈયાર થાય તે પહેલાં જ કુલ મળીને ૧ લાખ જેટલા યુદ્ધકેદીઓ તનતોડ મજૂરી કરી કરીને મોતને શરણ થઈ ગયા હતા, જેમાં ૧૬૦૦૦ જેટલા યુદ્ધકેદીઓ ઑસ્ટ્રેલિયા, બ્રિટન, અમેરિકા અને નેધરલેન્ડના હતા. બાકીના ભારત, બર્મા, મલેશિયા, ઈન્ડોનેશિયા, ચીન અને થાઈલેન્ડના યુદ્ધકેદીઓ અને સિવિલિયનો હતા.

જ્યારે જાપાનના પાસા અવળા પડ્યા

જાપાની સૈન્યની ભારત સુધી પહોંચવાની મેલી મુરાદ પૂરી થાય એ પહેલાં જ અમેરિકાએ સપાટો બોલાવ્યો અને એશિયાના તમામ મોરચે જાપાનને કારમી પછડાટ આપી. અમેરિકન સેનાએ ક્વાઈ નદી પર બનેલા પુલને પણ બૉમ્બ વડે ઉડાડી દીધો. વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ જાપાની સેનાના કાળા કેરનો ભોગ બનેલા યુદ્ધકેદીઓની મોટા પ્રમાણમાં લાશો મળી આવી હતી. સેંકડોની સંખ્યામાં ઢગલો કરીને જમીનમાં દટાયેલાં હાડપિંજરો મળી આવ્યાં હતા. ક્રૂર મોતને ભેટેલા એ જ સૈનિકોનાં પ્રેત વર્ષોથી ક્વાઈ નદીના એ પુલની આસપાસ જોવા મળી રહ્યાં હતા.

આ સમગ્ર ઘટનાક્રમ પરથી હોલીવુડમાં એલેક ગિનિસ અભિનીત એક અદ્‍ભુત ફિલ્મ ‘બ્રીજ ઑન ધી રિવર ક્વાઈ’ નામે બની હતી. ફિલ્મમાં જાપાની સૈન્યના અત્યાચારનું રૂંવાડાં ઊભાં કરી દેતું ચિત્રણ થયું છે. હાલમાં રિવર ક્વાઈ બ્રીજની ઘટનાને લઈને તે સ્થળે આખો બિઝનેસ વિક્સી ચૂક્યો છે. દર વર્ષે પાનખર ઋતુમાં ૧૦ દિવસના રિવર ક્વાઈ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે, જેમાં રાતના સમયે પુલની આસપાસ સાઉન્ડ ઈફેક્ટ અને લાઈટિંગ દ્વારા યુદ્ધનો માહોલ ઊભો કરી પ્રેક્ષકોને મનોરંજન અને રોમાંચ પૂરો પાડવામાં આવે છે. નદીનાં પાણીમાં બોટિંગની સગવડ છે અને બ્રીજની છાપવાળા ટી-શર્ટ, કેપ અને કોફી મગ જેવા સુવિનિયરનું આખું બજાર વિકસી ચૂક્યું છે.

ક્વાઈ નદી પરના એ બ્રીજની મુલાકાતે આવનાર અનેક પ્રવાસીઓએ દાયદાઓ પહેલાં યાતના વેઠી વેઠીને મરી ગયેલા યુદ્ધકેદીઓનાં પ્રેત જોયાના દાવા કર્યા છે. રાતના સમયે પુલની આસપાસના વિસ્તારમાં ઈજાગ્રસ્ત પ્રેતો ફરતા જોવામાં આવ્યાં છે. ઘણા પ્રવાસીઓએ તો કુતૂહલવશ આવા પ્રેતોનો જંગલમાં પીછો કર્યો હોય એવા કિસ્સા પણ નોંધાયા છે. પુલની આસપાસ મૃત યુદ્ધકેદીઓની ચીસો સંભળાતી હોવાના દાવા પણ વખતોવખત થતા રહ્યા છે. યુદ્ધકેદીઓના પ્રેત દેખાતાં હોવાની વાતે જ વધુ ને વધુ પ્રવાસીઓ રિવર ક્વાઈ બ્રીજની મુલાકાતે ખેંચાઈ આવે છે.

૨) લેક હવાસુ બ્રીજ, ઇંગ્લેન્ડઃ પથ્થરોમાં વસેલી ભૂતાવળ

લંડનની વિખ્યાત થેમ્સ નદી ઉપર ઈ.સ. ૧૮૩૧માં એક ઐતિહાસિક પુલ બનાવાયો હતો. દાયકાઓ સુધી લંડનની જનતાનાં વપરાશમાં આવેલો આ પુલ કાળક્રમે જર્જરિત થવા લાગ્યો હતો. સન ૧૯૬૦માં લંડન નગરપાલિકાએ પુલની પરિસ્થિતિનો અભ્યાસ કર્યો ત્યારે તેમને જણાયું કે પુલ વધુ ટકે એમ નથી. તાત્કાલિક પુલને વેચવા કાઢવામાં આવ્યો પરંતુ પુલને ખરીદનાર મેળવવામાં બે વર્ષ લાગી ગયાં. ૧૯૬૨માં એક ખાનગી કંપનીએ પુલને ખરીદી લીધો. પુલની મરમ્મત કરી તેને ફરી વાર ઉપયોગમાં લેવાનું મુશ્કેલ હોવાથી પુલને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો. ભારે કાળજીપૂર્વક પુલને તોડવાની કામગીરી આરંભાઈ. ધીમે ધીમે કરીને એક એક પથ્થર છુટો પાડવામાં આવ્યો. આ જ પથ્થરોને ફરી વાર વ્યવસ્થિત રીતે વાપરી નવો પુલ બંધાવાનો હતો એટલે નવા પુલને પણ ઐતિહાસિક દેખાવ મળે એટલા માટે પથ્થરોની જાળવણી જરૂરી હતી. એકેએક પથ્થર પર નંબર લખવામાં આવ્યો કે જેથી તેમની ફરી વાર ગોઠવણી થાય ત્યારે તેમનું સ્થાનફેર ન થાય.

આટઆટલી કાળજી બાદ થેમ્સ નદીને કાંઠે ભેગા કરાયેલા નાના-મોટા પથ્થરોને એક જહાજમાં લાદી ‘લેક હવાસુ’ નામના નગરમાં લઈ જવાયા. આ નાનકડા નગરમાં આવેલી નદી ઉપર એ પથ્થરો વાપરી નવો પુલ બનાવવામાં આવ્યો. લંડનના મેયર દ્વારા ૧૯૭૧માં આ પુલનું ઉદ્ઘાટન થયું અને પુલ વપરાશ માટે ખુલ્લો મુકાયો.

હવે કહાનીમાં ટ્વિસ્ટ આવે છે. ઐતિહાસિક પુલના પથ્થરોની સાથે સાથે કેટલાક ભૂતો પણ લેક હવાસુ આવ્યા હતા! આ એ જ ભૂતો હતા જે પુલ જ્યારે લંડનની થેમ્સ નદી પર હતો ત્યારે તેના પથ્થરોમાં વસતા હતા. લેક હવાસુમાં નવો પુલ ખુલ્લો મુકાયાના બીજા જ દિવસથી અહીં ભૂતો દેખાવા લાગ્યા હતા. સાંજના સમયે જૂના જમાનાનાં બ્રિટીશ વસ્ત્રોમાં સજ્જ સ્ત્રીઓ અને પુરુષો પુલ પરથી પસાર થતાં દેખાતાં. સુસંસ્કૃત જણાતા એ પ્રેતો બહુ જ સહજ રહેતા અને હૂબહૂ જીવતા મનુષ્યો જેવાં લાગતાં. બહુ જ સ્વાભાવિકપણે ચાલતા જતાં એ પ્રેતો પોતાની જ દુનિયામાં ખોવાયેલા રહેતાં અને આસપાસનાં વાતાવરણથી તદ્દન અલિપ્ત રહેતાં. પુલ પરથી પસાર થતાં વાહનો અને જીવતા માણસો તરફ તેઓ સહેજ પણ ધ્યાન ન આપતા. પુલને છેડે પહોંચતા જ તેઓ અદૃશ્ય થઈ જતા, જાણે કે હવામાં ઓગળી જતા!

સ્થાનિક સુધરાઈએ ઐતિહાસિક તથ્યો ચકાસ્યાં ત્યારે તેમને એ પુલ પર થતાં ભૂતોનાં રહસ્ય વિશે સાચી હકીકત જાણવા મળી. થેમ્સ નદી પર મૂળ જ્યારે પુલ બનતો હતો ત્યારે રાજદ્રોહ માટે મૃત્યુદંડની સજા પામેલા કેટલાક સ્ત્રી-પુરુષોને એ પુલનાં પાયામાં જીવતા દાટી દેવામાં આવ્યા હતા. સજા પામેલામાં મોટાભાગનાં ઉચ્ચ વર્ગમાંથી આવતા હતા. એ અભાગિયા લોકોનાં જ પ્રેત પછીથી લંડનનાં એ બ્રીજનાં પથ્થરોમાં વસી ગયા હતા અને ત્યાંથી પછી તેઓ લેક હવાસુ આવી ગયા હતા.

લેક હવાસુનાં પુલ પર થતી આ ભૂતાવળને વીતેલાં વર્ષોમાં ભારે પ્રસિદ્ધિ મળી અને અહીં આવનારા મુલાકાતીઓની સંખ્યામાં વર્ષોવર્ષ વધારો થતો ગયો. ભૂતાવળની રોકડી કરી લેવા માટે સ્થાનિક ગાઈડો દ્વારા ‘ધી લંડન બ્રીજ હિસ્ટોરીકલ ઘોસ્ટ વૉક’ નામની ટૂરનું આયોજન કરવાનું શરૂ કરવામાં આવ્યું જેને ભારે લોકચાહના મળી. બ્રીજની મુલાકાત દરમ્યાન કોઈ પ્રેત જોવા મળે કે ના મળે પરંતુ એ ઐતિહાસિક પુલની મુલાકાત પ્રવાસીઓને ભારે રોમાંચ પૂરો પાડે છે. આજે પણ દરરોજ સાંજે છ વાગ્યાને ૩૦ મિનિટે લેક હવાસુના એ પુલ પર ઘોસ્ટ ટૂરનું આયોજન કરવામાં આવે છે.

૩) ધ રિચમન્ડ બ્રીજ, ઑસ્ટ્રેલિયાઃ જ્યોર્જ ગ્રોવરનું ભૂત

ઑસ્ટ્રેલિયાના તાસ્માનિયા પ્રાંતમાં હોબાર્ટ શહેરથી ૨૫ કિલોમીટર ઉત્તરે આવેલા નગર રિચમન્ડમાં એક પુલ આવેલો છે. ‘ધ રિચમન્ડ બ્રીજ’ નામે ઓળખાતો આ પુલ ઑસ્ટ્રેલિયાના હાલમાં વપરાશમાં લેવાતા પુલોમાં સૌથી જૂનો છે. છેક ઈ.સ. ૧૮૨૫માં આ ઐતિહાસિક પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

વર્ષ ૨૦૦૫માં ઑસ્ટ્રેલિયાના રાષ્ટ્રીય હેરિટેજ સ્મારકોમાં આ પુલનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સેન્ડ સ્ટોનમાંથી બનેલો આ પુલ ‘કોલ’ નદી પર બનાવવામાં આવ્યો છે. એ જમાનામાં કંઈક એવી રીત-રસમો હતી કે જાહેર બાંધકામો માટે જેલની સજા ભોગવતા કેદીઓને મજૂરીકામે લગાડવામાં આવતા જેની પાછળ સસ્તી મજૂરીનો આશય રહેતો. સુંદર કમાનો ઉપર ટકેલો રિચમન્ડ બ્રીજ તેની આસપાસ આવેલી લીલીછમ વનરાજીભરી ટેકરીઓને લીધે એક રમણીય સ્થાન લાગે છે. ઘણા પ્રવાસીઓ ઑસ્ટ્રેલિયાનો સૌથી જૂનો પુલ હોવાથી તેની ભવ્યતા અને મજબૂત બાંધણીની ઝાંખી કરવા રિચમન્ડ આવે છે, તો ઘણા આ પુલ પર જ્યોર્જ ગ્રોવરની એક ઝલક મેળવવા આવે છે. જ્યોર્જને જોવા માટે ફક્ત રાતે જ આ પુલ પર જવું પડે છે, કેમ કે જ્યોર્જ કોઈ જીવિત વ્યક્તિ નહીં, પરંતુ એક ભૂત છે!

જ્યોર્જનું ભૂત રિચમન્ડ બ્રીજ પર શા માટે આવે છે એની એક રસપ્રદ કહાની છે. ઈ.સ. ૧૮૨૧માં ચોરી કરવાના ગુના હેઠળ જ્યોર્જ ગ્રોવર તાસ્માનિયાની એક જેલમાં સજા કાપી રહ્યો હતો. તેને ચાર વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. ૧૯૨૫માં જ્યારે તેની સજા પૂરી થઈ ત્યારે રિચમન્ડ બ્રીજનું બાંધકામ ચાલુ હતું. જેલના કેદીઓને મજૂરીએ લગાડવામાં આવ્યા હતા. જ્યોર્જને એ કેદીઓના કામ પર દેખરેખ રાખવાની નોકરી આપવામાં આવી. સુપરવાઈઝર તરીકે જ્યોર્જે મજૂર કેદીઓ પર કેર વર્તાવવાનું શરૂ કર્યું. કામમાં ભૂલ કરનાર કેદીને તે સોટી વડે ક્રૂરતાપૂર્વક ફટકારી સજા કરતો. એક વાર સવારે જ્યોર્જની લાશ રિચમન્ડ બ્રીજના પાયામાં આવેલા પથ્થર પર પડેલી મળી આવી. લોકોએ માન્યું કે દારૂ પીને હોશ ગુમાવી તે અકસ્માતે પુલ પરથી નીચે પડી ગયો હશે, પરંતુ હકીકત કંઈક જુદી જ હતી. દરરોજ સાંજે કામ પૂરું કર્યા બાદ દારૂ પીવાની જ્યોર્જને આદત હતી. તેનું મૃત્યુ થયું એ દિવસે તેણે કંઈક વધારે જ શરાબ ઢીંચ્યો હતો. હોશ ગુમાવીને તે પુલ પર જ ઢળી પડ્યો હતો. તેની ક્રૂરતાને લીધે તેના પર ગિન્નાયેલા કેદી મજૂરોએ આ તકનો લાભ લીધો અને તેને ઢોર માર મારીને તેના પરની ખીજ ઉતારી. છેલ્લે તેમણે તેને ઊંચકીને પુલ પરથી નીચે ફેંકી દીધો. ત્રીસ ફૂટ ઊંચેથી પથ્થર પર પટકાયેલા જ્યોર્જનું તત્કાલ અવસાન થઈ ગયું.

બસ, ત્યારથી લઈને આજ સુધી જ્યોર્જ ગ્રોવરનું ભૂત રિચમન્ડ બ્રીજ પર ભટકતું રહે છે. તેને જોવા માટે રાતના સમયે બ્રીજ પર પહોંચતા મુલાકાતીઓ પૈકીના મોટા ભાગનાને તો ફક્ત જ્યોર્જનો પગરવ જ સંભળાય છે. જીવતો હતો ત્યારે બ્રીજ પર ફરજ નિભાવતી વખતે તે રૂઆબભેર ચાલતો અને ત્યારે તેના મજબૂત જૂતાં જે પ્રકારનો અવાજ ઉત્પન્ન કરતા એવો જ એ પગરવ હોય છે. બહુ ઓછા પ્રવાસીઓને આજ સુધીમાં જ્યોર્જ ગ્રોવરનું પ્રેત પડછાયારૂપે કે ઝાંખી આકૃતિરૂપે જોવા મળ્યું છે.

Article : 30. ભારતનાં ભૂતિયાં સ્થળો

અવાવરું મકાન કે કોઈ કબ્રસ્તાનમાં ભૂતાવળ થતી હોય એ તો સમજાય એવી વાત છે, પણ ટુરિસ્ટ એટ્રેક્શન હોય એવા ખૂબ જાણીતા સ્થળોએ ભૂત-પ્રેતના પરચા મળતા હોય એ નવાઈની વાત ગણાય. ભારતમાંય આવા ડરામણા સ્થળોની કમી નથી. પૂનાના ‘શનિવારવાડા ફોર્ટ’થી લઈને હૈદરાબાદની ‘રામોજીરાવ ફિલ્મ સિટી’ તથા પશ્ચિમ બંગાળના ‘બેગુનકોડોર રેલવે સ્ટેશન’થી લઈને દિલ્હીના ‘ખૂની દરવાજા’ સુધીની ભૂતિયા સફર ખેડવા તૈયાર થઈ જાવ…

બેગુનકોડોર રેલવે સ્ટેશન, પશ્ર્ચિમ બંગાળઃ ભૂતાવળે બંધ કરાવેલું સ્ટેશન

પશ્ર્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લામાં બેગુનકોડોર નામનું એક નાનકડું ગામ આવેલું છે. કોલકાતાથી ૧૬૧ કિમી અને પુરુલિયાથી ૪૬ કિલોમીટરનાં અંતરે વસેલા આ ગામના રેલવે સ્ટેશને ૪૨ વર્ષો સુધી કોઈ ટ્રેન થોભી નહોતી. કારણ? કારણ કે આ ગામનાં રેલવે સ્ટેશને ભૂતાવળ થતી હતી!

૧૯૬૭ના વર્ષમાં જ્યારે લોકલ ટ્રેનો આ ગામે થોભતી હતી ત્યારે સ્ટેશન પરના એક કર્મચારીએ એક મહિલાનું ભૂત જોયું હતું. ખૂબ ડરી ગયેલા એ કર્મચારીએ નોકરી છોડી દીધી અને ત્યાર બાદ તો બીજા કર્મચારીઓમાં એ ભૂતનો ડર એવો બેસી ગયો કે કોઈ અહીં કામ કરવા તૈયાર નહોતું. ઘણા બધા કર્મચારીઓએ બેગુનકોડોર સ્ટેશન પર નોકરી કરવા જવાનું બંધ કરી દીધું એટલે જરૂરી સ્ટાફના અભાવે આ સ્ટેશન બંધ થઈ ગયું. ટ્રેનોએ અહીં થોભવાનું બંધ કર્યું એટલે ગામવાસીઓની તકલીફમાં વધારો થયો. લોકોએ ફરી વાર સ્ટેશનને કાર્યાન્વિત કરવા માટે સ્થાનિક સરકાર સમક્ષ માગણી મૂકી, પરંતુ કોઈ પણ કર્મચારી આ સ્ટેશને નોકરી કરવા તૈયાર જ ન હોવાથી ૧૯૬૭થી લઈને છેક ૨૦૦૯ સુધી, કુલ મળીને ૪૨ વર્ષો સુધી આ સ્ટેશન બંધ રહ્યું. સાફસફાઈના અભાવને લીધે સ્ટેશનની ઈમારત ખંડેરમાં બદલાઈ ગઈ અને વખત જતાં સ્થાનિક લોકોએ પણ સ્ટેશન ફરી શરૂ થાય એની આશા મૂકી દીધી.

બેગુનકોડોર સ્ટેશને દેખાતી ભૂતાવળ બાબતે બે પ્રકારની વાતો લોકોમાં થતી રહી છે. એક એ કે બેગુનકોડોર સ્ટેશન તરફ આવતી લોકલ ટ્રેનમાં એકલી પ્રવાસ કરતી કોઈ મહિલા પર બળાત્કાર કરીને તેને ચાલતી ટ્રેનમાંથી નીચે ફેંકી દેવામાં આવી હતી. આ જ મહિલાનું પ્રેત પછીથી રેલવે સ્ટેશને દેખાવા લાગ્યું હતું. ભૂત-પ્રેતના અસ્તિત્વમાં ન માનનારા લોકો દલીલ કરતા કે ત્યાં ભૂત-બૂત કશું નહોતું, પરંતુ બેગુનકોડોર જેટલા દૂરના સ્થળે નોકરી કરવા આવવું ન પડે એટલા માટે સ્ટેશનના કર્મચારીઓએ ભેગા મળીને ભૂતની વાતો ઊપજાવી કાઢી હતી. જોકે આ દલીલ ગળે ઊતરે એવી નથી. કારકિર્દી ઘડવાની તકો બહુ ઓછી હતી એવા એ જમાનામાં રેલવે જેવી સલામત નોકરી દાવ પર લગાડવા કોઈ એમ જ તૈયાર ન થાય! વળી એ પણ પ્રશ્ર્ન થાય છે કે શું સિનિયર ઓફિસરોએ પણ જુનિયરોને આવી અફવા ઉડાડવામાં મદદ કરી હોય?

૨૦૦૯માં મમતા બેનરજીના પ્રયત્નોથી બેગુનકોડોરનું સ્ટેશન ફરી શરૂ કરવામાં આવ્યું અને હવે અહીં લોકલ ટ્રેનો નિયમિતપણે થોભે છે. હવે અહીં કોઈ ભૂતાવળ દેખાતી નથી, પરંતુ વર્ષો અગાઉ પેલી મહિલાનું ભૂત થતું હોવા વિશે સ્થાનિકો હજી પણ ચર્ચા કરતા રહે છે.

શનિવારવાડા ફોર્ટ, પૂના, મહારાષ્ટ્રઃ પેશ્વાના વંશજની ચીસોથી ગૂંજતો કિલ્લો

ઈસવી સન ૧૭૩૨માં પૂનામાં પેશ્ર્વા બાજીરાવ પ્રથમ દ્વારા બનાવાયેલો શનિવારવાડા ફોર્ટ આજ સુધી પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. વિશાળ પથ્થરો ચણીને બનાવાયેલા આ ભવ્ય કિલ્લામાં પણ ભૂત થતું હોવાની વાયકા વર્ષોથી ચાલતી આવે છે. પૂનમની રાતે અહીં કોઈના મદદ માટેના પોકાર સંભળાય છે. આ ઐતિહાસિક કિલ્લામાં એવું તો શું બન્યું હતું એ જાણવા ઈતિહાસમાં ડોકિયું કરવું પડશે. અઢારમી સદીમાં પૂનામાં પેશ્ર્વાઓ રાજ કરતા હતા. પેશ્ર્વા બાલાજી બાજીરાવ અને ગોપીકાબાઈને ત્યાં ૧૭૭૦માં નારાયણરાવનો જન્મ થયો હતો. ભાવિ વારસને જાતજાતની કળાઓનું શિક્ષણ આપવામાં આવ્યું હતું. પિતાના મૃત્યુ બાદ નારાયણરાવને ગાદી મળી, પરંતુ એ સમયે તે હજી ૧૩ જ વર્ષના હોવાથી રાજકારભારની જવાબદારી તેમના કાકા રઘુનાથરાવ પર હતી. કાકાની દાનત રાજગાદી પર બગડતાં તેણે નારાયણરાવની કતલ કરવાનો કારસો ઘડી કાઢ્યો. વર્ષ ૧૭૭૩નો ગણેશ ચતુર્થીનો તહેવાર ચાલતો હતો એ દરમિયાન જ આ હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો હતો. સત્તાલાલસી રઘુનાથરાવના સિપાઈઓએ મધરાતે શનિવારવાડા ફોર્ટ પર હુમલો કરી દીધો. જીવ બચાવવા માટે નારાયણરાવ પોતાનો ઓરડો છોડી બહાર ભાગ્યા. હાથમાં નગ્ન તલવારો સાથે રઘુનાથરાવના યમદૂતો તેની પાછળ પડ્યા. નારાયણરાવ કિલ્લામાં આમથી તેમ ભાગ્યા કે જેથી કોઈ મદદ મળી શકે, પરંતુ તેમના પહેરેદારોને તો પહેલાં જ ખતમ કરી નાખવામાં આવ્યા હતા. સંકટની એ ઘડીમાં નાનકડા બાળકને પોતાના કાકા જ યાદ આવ્યા. ભાગતી વખતે તેણે ‘કાકા, મલા વાચવા!’ (કાકા, મને બચાવો!) એવી બૂમો પાડી. બિચારાને એ ખબર નહોતી કે તેનો જીવ લેવા માટે એ રાક્ષસોને તેના કાકાએ જ મોકલ્યા હતા. નારાયણરાવ મદદ માટે બૂમો પાડતા રહ્યા પણ તેમને કોઈ મદદ ન મળી. આખરે તેમને તલવારો વડે વાઢી નાખવામાં આવ્યા. ખૂબ ક્રૂરતાપૂર્વક તેમની લાશના નાના નાના કટકા કરી નદીમાં ફેંકી દેવામાં આવ્યા. મરતાં પહેલાં નારાયણરાવે મદદ માટે જે બૂમો પાડી હતી એ જ બૂમોના પડઘા આજની તારીખે પણ શનિવારવાડા ફોર્ટમાં ગુંજતા રહે છે, એવું કહેવાય છે.

રામોજીરાવ ફિલ્મ સિટી, હૈદરાબાદ, આંધ્ર પ્રદેશઃ સિપાઈઓના રક્તથી ખરડાયેલી ભૂમિ

તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રી જ્યાં ફૂલીફાલી છે એવા હૈદરાબાદ શહેરમાં રામોજીરાવ ફિલ્મ સિટી એક ખૂબ જાણીતું સ્થળ છે. ફિલ્મો સાથે સંકળાયેલા હજારો લોકોને રોજી પૂરી પાડતી રામોજીરાવ ફિલ્મ સિટી સન ૧૯૯૬માં બનાવવામાં આવી હતી. દિવસ-રાત ફિલ્મોના શૂટિંગથી ધમધમતા આ સ્થળે પણ વર્ષોથી ભૂતાવળ થતી આવી છે. ફિલ્મસિટીમાં બનેલી હોટેલોમાં રાત્રિ દરમિયાન ભૂતાવળો થતી હોવાની અનેક સાબિતીઓ મળી છે. કમરામાં રાખેલો ખોરાક ફ્લૉર પર વેરણછેરણ થઈ જવો અને ડ્રેસિંગ મિરર પર આપોઆપ જ ઉર્દૂ ભાષામાં લખાણ ઉપસી આવવા જેવી ઘટનાઓ તો અહીં સામાન્ય થઈ પડી છે. હોટેલમાં રાત રોકાનારાની લૉક મારીને રાખેલી બેગો અહીં આપમેળે જ ખૂલી જાય છે અને અંદરનો સામાન આખા રૂમમાં વેરવિખેર થઈ જાય છે. અહીં થતી પ્રેતાત્માઓનું કારણ એ છે કે આ જગ્યા સદીઓ પહેલાં યુદ્ધભૂમિ હતી. નિઝામના જમાનામાં આ સ્થળે અનેક યુદ્ધો લડાયાં હતાં અને હજારો સિપાઈઓનાં લોહી આ ભૂમિ પર રેડાયાં હતાં. દાયકાઓ સુધી રક્તરંજિત થયેલી આ ભૂમિ પર રામોજીરાવ ફિલ્મ સિટી બાંધવામાં આવી હોવાથી અહીં વારંવાર ભૂતોના પરચા મળતા રહે છે. આ અદૃશ્ય ભૂતોથી છુટકારો મેળવવા અનેક વાર તાંત્રિક વિધિઓ કરવામાં આવી છે, પરંતુ ઝાઝો ફાયદો થયો નથી. થોડા દિવસોની શાંતિ બાદ પાછું બધું જેમનું તેમ જ થઈ જાય છે. ઉર્દૂમાં ન સમજાય એવા અક્ષરોમાં લખાતા શબ્દો પણ આ ભૂતોવળોનાં જ કારસ્તાન છે.

વૃંદાવન સોસાયટી, થાણે, મહારાષ્ટ્રઃ તમાચા મારતું ભૂત

થાણે ખાતે આવેલી વૃંદાવન સોસાયટીના ‘બિલ્ડિંગ બી’ના ૬૬ નંબરના ફ્લૅટમાં એક આધેડ વયના પુરુષે આત્મહત્યા કરી લીધી હતી અને ત્યારથી તેનું ભૂત રાતના સમયે આ સોસાયટીમાં ભટકતું રહે છે. એ ભૂત કોઈને દેખાતું નથી, પણ તેની હાજરી અનુભવી શકાય છે. ‘બી’ બિલ્ડિંગનો નાઈટ વોચમેન એક રાતે પોતાની જગ્યાએથી ઊઠીને ‘એ’ બિલ્ડિંગના વોચમેન પાસે ટાઈમપાસ કરવા ગયો હતો. ગપ્પાં મારતી વખતે પેલાનું ધ્યાન બીજી તરફ ગયું ત્યાં જ તેના ગાલ પર એક ઝન્નાટેદાર તમાચો પડ્યો. ‘એ’ બિલ્ડિંગના વોચમેને પોતાને માર્યો હતો એમ માની તેણે તેને મારવા માંડ્યો. બંને વચ્ચે મધરાતે મારામારી થવા લાગી. થોડી વાર બાદ બંનેને ખ્યાલ આવ્યો કે ‘બી’ બિલ્ડિંગના વોચમેનના ગાલ પર પડેલો એ તમાચો કોઈ અદૃશ્ય શક્તિએ માર્યો હતો. ડરના માર્યા બંને જણે નોકરી છોડી દીધી. તેમના પછી નોકરીએ લાગેલા ચોકીદારોને પણ એ રીતે જ તમાચા પડવાનું ચાલુ રહ્યું, પરંતુ આવા તમાચા એ જ ચોકીદારોને પડતા જે પોતાની ફરજ ચૂકતા. જેમ કે ચાલુ ડ્યુટીએ પાનમસાલા ખાવા આમતેમ જતા રહેવું કે ખુરશીમાં બેઠાં બેઠાં ઊંઘી જવું. કહેવાય છે કે ‘બી-૬૬’ ફલેટમાં આપઘાત કરનાર વ્યક્તિનું પ્રેત જ એ ચોકીદારોને તેમની ફરજચૂક બદલ સજા કરતું હતું.

ડૉ હિલ, કુરસંગ, પશ્ર્ચિમ બંગાળઃ સ્કૂલ પર કબજો જમાવી દેતી ભૂતાવળ

પશ્ર્ચિમ બંગાળના વિશ્ર્વવિખ્યાત હિલ સ્ટેશન દાર્જીલિંગથી ૩૦ કિલોમીટર દૂર કુરસંગ નામનું નાનકડું હિલ સ્ટેશન આવેલું છે. લીલાંછમ જંગલો અને અદ્‍ભુત હવામાન ધરાવતું આ સ્થળ શરૂઆતથી જ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે, પરંતુ છેલ્લાં થોડાં વર્ષોથી અહીં થતી ભૂતાવળની વાયકાને લીધે વધુ ને વધુ પ્રવાસીઓ અહીં આવવા લાગ્યા છે. કુરસંગનાં ભેજવાળાં, ગાઢ, ઠંડાં જંગલમાં એકથી વધારે હત્યાઓ થઈ છે અને કેટલાક લોકો હંમેશ માટે ગુમ થઈ ગયા છે. ગુમ થયેલા લોકોની કદી ભાળ નથી મળી! જંગલને અડીને આવેલી ‘વિક્ટોરિયા બોઇઝ હાઈસ્કૂલ’માં ભૂતાવળ થતી હોવાનું માનવામાં આવે છે. આ વિસ્તારમાં ગાત્રો થિજાવી દેતી ઠંડી પડતી હોવાથી શિયાળા દરમિયાન શાળાઓમાં વેકેશન આપવામાં આવે છે. ડિસેમ્બરથી માર્ચ દરમિયાન જ્યારે શાળાઓમાં રજા હોય છે, ત્યારે બંધ પડેલી વિક્ટોરિયા બોઇઝ હાઈસ્કૂલ પર ભૂતો કબજો જમાવી દેતાં હોવાનું માનવામાં આવે છે. એકાંતમાં આવેલી બંધ શાળામાંથી જાતજાતના અવાજો આવતા હોય છે એવું અહીંથી પસાર થનારા લોકો કહે છે.

મોટે ભાગે દાદર પર ઘણાં બધાં બાળકો એક સાથે ચઢ-ઊતર કરતાં હોય એવા અવાજો સંભળાય છે. જાણે કે શાળા ચાલુ હોય એવો ભાસ સ્થાનિકોને થાય છે. વિક્ટોરિયા હાઈસ્કૂલ ઉપરાંત પણ કુરસંગનાં જંગલમાં બીજી એક ભૂતાવળ થાય છે. જંગલના ‘ડૉ હિલ’ નામે ઓળખાતા વિસ્તારમાં દસ-બાર વર્ષના એક બાળકનું ભૂત અવારનવાર દેખાતું રહે છે. બળતણ માટેનાં લાકડાં વીણવા જંગલમાં જતા સ્થાનિક લોકોને ટૂંકી ચડ્ડી અને મેલું પહેરણ પહેરેલો એ બાળક વર્ષોથી દેખાતો આવ્યો છે. કોઈ તેને બોલાવે કે તેની નજીક જવાની કોશિશ કરે તો તે ઊંડા જંગલમાં ભાગી જાય છે. જોકે આજ સુધી એ બાળકના પ્રેતે કોઈને નુકસાન પહોંચાડ્યું નથી.

દિલ્હી કેન્ટોન્મેન્ટઃ દોડતા વાહન સાથે સ્પર્ધામાં ઉતરતી એ આત્મા

દિલ્હીનો કેન્ટોન્મેન્ટ વિસ્તાર લીલાંછમ વૃક્ષોથી ભરપૂર છે. કુદરતી સૌંદર્યથી ફાટફાટ થતાં આ વિસ્તારમાં વર્ષોથી એક ભૂત થતું હોવાની વાયકા છે. અહીંથી પસાર થતી સડક પર સફેદ સાડી પહેરેલી એક સ્ત્રીનું ભૂત થાય છે જે એકલા મુસાફરી કરી રહેલા વાહનચાલકો પાસે લિફ્ટ માગે છે. જો કોઈ પરગજુ મુસાફર પોતાનું વાહન થોભાવી દે તો તેના દેખતાં જ પેલી સ્ત્રી જાણે કે હવામાં ઓગળી ગઈ હોય એમ અદૃશ્ય થઈ જાય છે. જો કોઈ વ્યક્તિ તેને લિફ્ટ આપવા માટે રોકાવાને બદલે વાહન હંકારતો રહે તો પેલું ભૂત જાણે કે એ વાહન સાથે સ્પર્ધામાં ઊતરે છે. ફૂલ સ્પીડમાં ભાગતા વાહન કરતાંય વધુ ઝડપે દોડીને તે વાહનને પાછળ છોડીને સડસડાટ આગળ નીકળી જાય છે.

કેન્ટોન્મેન્ટના એ નિર્જન વિસ્તારમાં લોકોને રાતના અંધારામાં જ નહીં પણ દિવસના અજવાળામાં પણ આવા ભૂતિયા અનુભવો થતા રહે છે. કહેવાય છે કે એ સ્ત્રીનું વર્ષો પહેલાં એ જ રસ્તા પર એક અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું હતું અને ત્યારથી તેનું ભૂત ત્યાં દેખાતું રહે છે.

જમાલી-કમાલી મસ્જિદ-મકબરો, મહેરૌલી, દિલ્હીઃ સપાટા બોલાવતા ‘જીન’

દિલ્હીની દક્ષિણ-પશ્ર્ચિમ દિશામાં આવેલું સ્થળ મહેરૌલી એક પુરાતત્વીય કોમ્પ્લેક્સ છે. અહીં જમાલી-કમાલી નામની મસ્જિદ કમ મકબરો આવેલો છે જે કલાકારીગીરીનો એક ઉત્તમ નમૂનો છે. સોળમી સદીમાં જમાલી અને કમાલી નામના બે મુસ્લિમ સંતો આ સ્થળે આવીને વસ્યા હતા. તેમણે લોકોને ધર્મનું સાચું જ્ઞાન આપ્યું અને ખુદાની બંદગીમાં જીવન સમર્પિત કરી દીધું. ઈસવી સન ૧૫૨૮માં તેમનાં અવસાન થયા બાદ મસ્જિદના પરિસરમાં જ તેમને દફનાવવામાં આવ્યા અને એમનો મકબરો બનાવવામાં આવ્યો. ત્યારથી એ મસ્જિદ અને મકબરો સંયુક્તપણે જમાલી-કમાલીને નામે જાણીતો થયો છે. આજે એ સ્થળ ‘જીન’નું ઘર હોવાનું કહેવાય છે, પરંતુ આ જીન એ નથી જે ‘હુકુમ, મેરે આકા!’ કહીને તમારી ત્રણ ઈચ્છાઓ પૂરી કરી દે. આ જીન થોડા તકલીફદાયક-મુશ્કેલીકારક છે. જમાલી-કમાલીની મુલાકાતે આવનારા લોકોએ આ સ્થળના ખૂણાઓમાંથી જંગલી પ્રાણીઓના ઘુરકાટ સાંભળ્યાના બનાવો બન્યા છે. કેટલાક પ્રવાસીઓને પીઠ અને ગાલ પર અદૃશ્ય શક્તિ દ્વારા તમાચા પડવાની ઘટનાઓ પણ બની છે. આવા પ્રસંગોએ ભોગ બનેલા લોકોનાં શરીર પર મારનાં નિશાન પણ મળી આવ્યાં છે. આવી તમામ અસામાન્ય ઘટનાઓની પાછળ જમાલી-કમાલીમાં રહેતા જીનોને કારણરૂપ ગણવામાં આવ્યા છે.

ખૂની દરવાજા, દિલ્હીઃ લોહી નીંગળતી એ દીવાલો

દિલ્હી શહેરના પ્રવેશદ્વાર ગણાતા ૧૩ દરવાજા પૈકીનો એક એવો ખૂની દરવાજા ભૂતિયો હોવાનું કહેવાય છે. પચાસ ફીટ ઊંચાઈનો ખૂની દરવાજા બહાદુર શાહ ઝફર માર્ગ પર દિલ્હી ગેટની નજીક આવેલો છે. લાલ દરવાજા તરીકે પણ ઓળખાતા આ દરવાજાનું નિર્માણ શેર શાહ સૂરીએ કરાવ્યું હતું. અંગ્રેજ હકૂમત વિરુદ્ધ સન ૧૮૫૭માં જ્યારે આઝાદી મેળવવા માટે પહેલો વિગ્રહ થયો હતો ત્યારની આ વાત છે. મુગલ બાદશાહ બહાદુર શાહ ઝફરના બે દીકરા મિર્ઝા મુગલ, ખીર્ઝ સુલતાન અને પૌત્ર અબુ બકરની હત્યા અંગ્રેજ ઓફિસર વિલિયમ હડસને ખૂની દરવાજા પાસે કરી હતી. એ હત્યાકાંડ ઘટે એ પહેલા બહાદુર શાહ ઝફરે અંગ્રેજો સામે ઘૂંટણિયાં ટેકવી દીધાં હતાં અને આત્મસમર્પણ કરી દીધું હતું, પરંતુ તેના ત્રણ રાજકુમારો એમ કરવા તૈયાર નહોતા. તેઓ લપાતા-છુપાતા ભાગતા ફરતા હતા, પરંતુ તેઓ લાંબો સમય આ રીતે જીવી શકે એમ ન હોવાથી તેમણે પણ આત્મસમર્પણ કરવાની તૈયારી બતાવી. બહાદુર શાહ ઝફરની જેમ તેમને પણ જીવનદાન મળશે એમ વિચારી તેમણે શરણાગતિ સ્વીકારી લીધી, પરંતુ અંગ્રેજ સરકારને તેમને જીવતા રાખવાની કોઈ જરૂર લાગી નહીં. ૨૨ સપ્ટેમ્બર, ૧૮૫૭ના દિવસે વિલિયમ હડસને ત્રણે રાજકુમારોને લાલ દરવાજા પાસે ગોળીએ દીધા હતા અને એટલે જ એ સ્થળ ખૂની દરવાજા નામે જાણીતું થયું હતું. એ ખૂની દરવાજા પર ત્રણે રાજકુમારોનાં ભૂત થતાં હોવાનું કહેવાય છે. ચોમાસા દરમિયાન દરવાજાની છતમાંથી લોહી ટપકતું હોવાના પણ કિસ્સા નોંધાયા છે. કેટલાક લોકોએ તો દરવાજાના પથ્થરોમાંથી ન સમજી શકાય એવા અવાજો સાંભળ્યાનાં પણ દાવા કર્યા છે.

આ ઉપરાંત પણ ભારતમાં કેટલાંક એવાં સ્થળો છે જ્યાં વર્ષોથી ભૂતાવળ થતી હોવાની લોકવાયકા ચાલતી આવી છે. ગુજરાતના સુરત શહેરમાં આવેલા ડુમસના દરિયાકિનારે હિન્દુઓની સ્મશાનભૂમિ આવેલી છે. દરિયાકિનારાના એક ચોક્કસ વિસ્તારમાં રાત દરમિયાન ભૂતો દેખાવાના બનાવો બન્યા છે. કોલકાતા શહેરમાં બી.બી.ડી. સ્કેવર ખાતે આવેલા રાઈટર્સ બિલ્ડિંગમાં પણ ભૂતાવળ થતી હોવાનું કહેવાય છે. લાલ રંગના આ વિશાળ સરકારી મકાનના અમુક ઓરડાઓ વર્ષોથી વણવપરાયેલા પડ્યા છે. કોઈને પણ એ ઓરડાઓના દરવાજે લાગેલાં તાળાં ખોલવાની છૂટ નથી. એ તમામ ઓરડાઓ ભૂતાવળા હોવાની માન્યતા છે. રાતના સમયે એ કમરાઓમાંથી કોઈકના રડવાના અવાજો આવતા હોવાની વાયકા છે.

કોલકાતાના જ અન્ય એક સ્થળ ‘રવિન્દ્ર સરોવર મેટ્રો સ્ટેશન’માં પણ ભૂતો દેખાતાં હોવાનું કહેવાય છે. રવિન્દ્ર સરોવર એક માનવનિર્મિત સરોવર છે જેમાં કૂદીને અનેક લોકોએ આત્મહત્યા કરી છે. સરોવરની બાજુમાં જ આવેલા મેટ્રો સ્ટેશનમાં એ સરોવરમાં જીવ આપનાર લોકોના પ્રેતાત્માઓ દેખાતા આવ્યા છે.

મેરઠમાં આવેલ ‘જી. પી. બ્લોક’ નામનું મકાન, કોટાની ‘બ્રિજ રાજ ભવન હોટલ’ અને દિલ્હીનો ‘સંજય વન’ વિસ્તાર પણ ભૂતાવળાં સ્થળો ગણાય છે.

Article : 31. અમેરિકાના ભૂતિયા પુલો

‘એવૉન’નો ભૂતિયો પુલ: પ્રેતનો રહસ્યમય બબડાટ

અમેરિકાના ઈન્ડિયાના રાજ્યના એવૉન શહેરમાં હાઈવે નંબર ૩૬ની દક્ષિણ દિશામાં અડધા કિલોમીટરે ‘એવૉન્સ કાઉન્ટી રોડ નંબર ૬૨૫’ આવેલો છે. આ રસ્તા પર આવેલો એક પુલ ભૂતિયા હોવાનું કહેવાય છે. ઈ.સ. ૧૯૦૬માં બંધાયેલા આ પુલને સત્તાવાર રીતે કોઈ નામ આપવામાં આવ્યું નથી. એવૉન શહેરનાં નામ પરથી એને ‘એવૉનના પુલ’ તરીકે ઓળખવામાં આવે છે. અન્ય અનેક પુલોની જેમ દિવસ દરમ્યાન તદ્દન સામાન્ય દેખાતા આ પુલ પરથી રાતના સમયે પસાર થનારા લોકોને કોઈ પુરુષનો બબડાટ સંભળાય છે. એ અદૃશ્ય અવાજ એટલો અસ્પષ્ટ હોય છે કે કોઈ પણ વ્યક્તિ બોલાયેલા શબ્દો સમજી શકતું નથી. મોટાભાગનાં લોકોને એ અવાજ કોઈ દારૂડિયા માણસના લવારા હોય એવું લાગે છે. કળી ન શકાય એવો એ ભૂતિયો બબડાટ કોનો છે એ જાણવા માટે આપણે એ સમયમાં પાછા ફરવું પડશે જ્યારે એ પુલનું નિર્માણ થઈ રહ્યું હતું.

ઈ.સ. ૧૯૦૫માં પુલ જ્યારે નિર્માણાધીન હતો ત્યારે હેન્રી જ્હોનસન નામનો એક મજૂર પુલની સાઈટ ઉપર કામ કરતો હતો. તે ખૂબ દારૂ પીતો હતો. કામનાં સ્થળે પણ તે ઘણી વાર પીધેલી હાલતમાં આવતો અને પોતાના ઉપરીની ડાંટ-ફટકાર ખાતો. એવૉન શહેરમાં તે એકલો રહેતો હતો અને તેના ઘર-પરિવારમાં કોઈ નથી એમ કહેતો. એક સાંજે કામ પતાવીને બધા મજૂરો પોતપોતાના ઘરે જતા રહ્યા પછી પણ હેન્રી પુલનાં અડધા બંધાયેલા ફ્રેમવર્ક (માળખા) ઉપર બેઠો રહ્યો. ત્યાં જ બેસીને તે દારૂ પીવા લાગ્યો. ખાસ્સુ અંધારું ઘેરાયા બાદ તે ઘરે જવા ઊભો થયો. અચાનક તેણે સંતુલન ગુમાવ્યું અને તે ફ્રેમવર્ક પરથી નીચે પટકાયો. ઊંધા મોઢે તે પુલનાં પાયામાં બની રહેલા ખાડામાં પટકાયો. એ ખાડામાં તાજું કોન્ક્રિટ ભરેલું હતું જે રાત દરમ્યાન ધીમે ધીમે જામીને સવાર સુધીમાં સખત થઈ જવાનું હતું. ઘટ્ટ કોન્ક્રિટમાં પડેલા હેન્રીએ શ્વાસ રુંધાતા બહાર નીકળવા માટે હવાતિયાં માર્યાં પરંતુ એમ કરવા જતાં તે વધુ ઊંડે ખૂંપી ગયો. કળણ સમા કોન્ક્રિટમાંથી તે આપમેળે બહાર નીકળી શકે એવી કોઈ શક્યતા જ નહોતી. છેવટે કોન્ક્રિટમાં જ ગૂંગળાઈને તેનું પ્રાણપંખેરું ઊડી ગયું.

સવારે હેન્રીનાં સહકર્મીઓ કામ પર આવ્યા ત્યારે તેમણે જોયું કે હેન્રીનાં ચહેરા સહિત તેનું અડધા ઉપરાંત શરીર જામીને સખત થઈ ગયેલા કોન્ક્રિટમાં ફસાયેલું હતું. તેના આકસ્મિક અને અરેરાટીજનક મૃત્યુ બદલ તેના સહકર્મીઓને અફસોસ હતો પરંતુ તેના મૃતદેહને બહાર કાઢવાની માનવતા તેમણે ન દેખાડી. કોન્ક્રિટનાં વિશાળ પાયાને તોડીને કે ખોદીને લાશ બહાર કાઢવાનું કામ મુશ્કેલ અને સમય માગી લેનારું હોવાથી હેન્રીની લાશને એ જ સ્થિતિમાં પુલનાં પાયામાં દફનાવી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો. આમ પણ તેનું કોઈ સગું-વહાલું હતું નહીં કે જે તેની લાશ મેળવવા માટે દાવો કરી શકે. ઘટ્ટ કોન્ક્રિટનો રગડો હેન્રીનાં મૃતદેહ પર રેડી પુલનાં પાયાને જ તેની કબર બનાવી દેવામાં આવી. થોડા જ દિવસોમાં આ દુર્ઘટનાને ભૂલાવી દેવામાં આવી. પુલ બનીને તૈયાર થઈ ગયો અને તેને વપરાશમાં લેવાનું શરૂ કર્યાનાં થોડા જ વખતમાં રાતના સમયે ત્યાંથી પસાર થનારા લોકોને હેન્રીનાં પ્રેતનો બબડાટ સંભળાવા લાગ્યો. જીવતો હતો ત્યારે પીધેલી હાલતમાં હેન્રી જેવો બબડાટ કરતો એવો જ એ બબડાટ હતો એટલે માની લેવામાં આવ્યું કે એ પુલ પર હેન્રીનું જ ભૂત થયું હતું. ન સમજી શકાય એ એવો એ બબડાટ કદાચ એના સહકર્મીઓએ એની લાશ પ્રતિ દેખાડેલ અમાનવીય અભિગમનું પ્રતિબિંબ હતો.

સ્કૂલર કાઉન્ટિ બ્રિજ: અદૃશ્ય ટ્રેનનું પ્રેત!!!

અમેરિકાનાં જ ઈલિનોઈસ રાજ્યમાં આવેલા અંતરિયાળ પ્રદેશ સ્કૂલર કાઉન્ટિમાં એક એવો રેલવે પુલ છે જેના પર કોઈ એકલદોકલ માણસનું નહીં પરંતુ એક આખેઆખી ટ્રેનનું ભૂત થાય છે! આજે એ પુલ અને રલવે ટ્રેકનો કોઈ ઉપયોગ થતો નથી અને સારસંભાળનાં અભાવને લીધે પુલ ર્જીણશીર્ણ હાલતમાં ઊભો છે, પરંતુ લાકડાનાં બનેલા એ પૂલની ઓગણીસમી સદીમાં કંઈક ઓર જ રોનક હતી. તેના ઉપરથી નિયમિત રીતે ટ્રેનો પસાર થતી હતી. વર્ષો બાદ કોઈ પણ દેખીતા કારણ વગર એ પૂલ અને રેલવે ટ્રેકનો ઉપયોગ બંધ કરી દેવામાં આવ્યો. એનું કારણ કદાચ એ પુલ ઉપર થયેલો એક ગમખ્વાર અકસ્માત હતો. એક રાતે આઠ ડબાની એક પેસેન્જર ટ્રેન રોજની જેમ આ ટ્રેક પરથી પસાર થતી હતી ત્યારે એ ટ્રેનને સ્કૂલર કાઉન્ટી બ્રિજ પર અકસ્માત નડ્યો હતો. પુલ પરથી ઉછળીને નીચે સૂકી નદીમાં ખાબકેલી ટ્રેન પર સવાર તમામ મુસાફરો એ અકસ્માતમાં માર્યા ગયાં હતાં. ત્યારથી લઈને આજ સુધી દરરોજ એ ટ્રેનનું ભૂત એ બ્રિજ પરથી પસાર થાય છે. અકસ્માત થયો હતો બરાબર એ સમયે બ્રિજ પર ઊભા રહેવામાં આવે તો પુલ ધ્રૂજવા માંડે છે. પછી દૂરથી ધસી આવતી ટ્રેનની ધબડાટી સંભળાય છે અને થોડી જ વારમાં ખામોશી છવાઈ જાય છે. ટ્રેન કોઈને દેખાતી નથી ફક્ત ટ્રેનનાં દોડવાનો અને એન્જિનનો અવાજ જ સંભળાય છે. વર્ષોથી વણથંભ્યો આ બનાવ કદાચ દુનિયામાં એક માત્ર હશે જેમાં કોઈ વાહનની ભૂતાવળ થાય છે.

‘ચાર મેન’ બ્રિજઃ અગનજ્વાળામાં લપેટાયેલું ભૂત

અમેરિકાની વેન્ચ્યુરા કાઉન્ટીના દક્ષિણી ઓજાઈ પ્રદેશમાં કેમ્પ કમ્ફર્ટ કાઉન્ટી પાર્ક આવેલો છે. આ પાર્કમાં એક પુલ આવેલો છે જેનું સત્તાવાર નામ તો ‘ક્રીક બ્રિજ રોડ’ છે, પરંતુ પુલને વધુ ખ્યાતિ ‘ચાર મેન બ્રિજ’ નામે મળી છે. શા માટે? કારણ કે આ બ્રિજ પર એક અલગ પ્રકારની ભૂતાવળ થાય છે. રાતના સમયે આ બ્રિજ ઉપર એક પુખ્ત વયના આદમીનું ભૂત બેઠેલું દેખાય છે. તેનું આખું શરીર ખૂબ ખરાબ રીતે દાઝીને કાળું થઈ ગયેલું હોય છે અને શરીરમાં ઠેકઠેકાણે બળેલી ચામડી લબડતી હોય છે. શરીરમાંથી હલકી ધૂમ્રસેરો નીકળતી દેખાય છે અને માંસ બળવાની ગંદી વાસ આવતી હોય છે. અત્યંત ઘૃણાજનક દેખાવ ધરાવતા એ વસ્ત્રહિન માણસને જોઈને જ મોટા ભાગના લોકો ડરીને ભાગી જાય છે, પરંતુ જો કોઈ તેને મદદ કરવાને ઈરાદે તેની નજીક જવાની કોશિશ કરે તો પેલો તેમના પર હુમલો પણ કરે છે. ક્રીક બ્રિજ રોડ પર થતાં આ ભૂતને ‘ચાર મેન’ એવું નામ આપવામાં આવ્યું છે. થોડાં વર્ષો અગાઉ તેના દેખાવાની ઘટના એટલી બધી સામાન્ય થઈ ગઈ હતી કે એના નામ પરથી જ એ પુલ ઓળખાવા લાગ્યો છે. સન ૧૯૪૮માં આ વિસ્તારના જંગલમાં ભયંકર દાવાનળ ફાટી નીકળ્યો હતો અને એ આગ હોલવતી વખતે એક કર્મચારી (ફાયર ફાઈટર) સળગીને મોતને શરણ થઈ ગયો હતો. ચાર મેન એ જ કર્મચારીનું પ્રેત હોવાનું કહેવાય છે.

બીજી એક થિયરી એવી છે કે ૫૦ના દાયકામાં ક્રીક બ્રિજ પર એક કાર ક્ષતિગ્રસ્ત થઈ જતાં બંધ થઈ ગઈ હતી અને કારના એન્જિનમાં ત્વરિત આગ ફાટી નીકળી હતી. કારચાલક કેમે કરીને કારમાંથી બહાર નહોતો નીકળી શક્યો અને ડ્રાઈવિંગ સીટ ઉપર જ બળીને માર્યો ગયો હતો. ચાર મેન એ અજાણ્યા ચાલકનું જ પ્રેત હોવાનું કહેવાય છે. જોકે કેટલાક સ્થાનિકો એવું માને છે કે ચાર મેન એક જીવતો માણસ છે અને જંગલમાં એકલો રહે છે. રાતના સમયે લોકોને ડરાવવા માટે તે પુલ પર આવતો રહે છે.

ઓજાઈ પ્રાંતનાં એ જ જંગલમાં એક બીજી ભૂતાવળ થતી હોવાની પણ વાયકા છે જે વધુ રસપ્રદ છે. સન ૧૮૯૦ના વર્ષમાં યુરોપથી કોઈ માલેતુજાર વ્યક્તિ ઓજાઈના જંગલમાં આવીને વસી ગઈ હતી. ગ્રામ્ય વિસ્તાર અને જંગલની વચ્ચેના પટ્ટામાં પ્રોપર્ટી ખરીદીને તેણે ત્યાં ભવ્ય મકાન બનાવ્યું હતું અને એકલો જ રહેવા લાગ્યો હતો. તેની માલિકીની ખુલ્લી જમીનમાં ચરવા જતાં ઢોર-ઢાંખર મૃત અવસ્થામાં મળવા લાગતાં સ્થાનિક ગ્રામવાસીઓ ચોંકી ગયા હતા. મરેલા ઢોરની ગરદનમાંથી લોહી ચૂહી લેવામાં આવેલું દેખાતું. દરરોજ કોઈ ને કોઈનું ઢોર આ રીતે મોત થતાં લોકો રોષે ભરાયા. તમામ ઢોર માત્ર અને માત્ર પેલા યુરોપિયનની જમીન પર જ મરેલાં મળી આવતાં હોવાથી એક દિવસ ગ્રામજનોએ ભેગા મળી, હથિયાર લઈ એ યુરોપિયનના ઘર પર હલ્લો બોલાવ્યો. તેમણે જ્યારે એની પાસે આ દુર્ઘટનાઓ વિશે સ્પષ્ટતા માગી ત્યારે વ્યવસ્થિત જવાબ આપવાને બદલે પેલાએ ગામવાસીઓ ઉપર પોતાનો પાળેલો કૂતરો છૂટો મૂકી દીધો. વિકરાળ કૂતરાએ ચાર-પાંચ ગામવાસીઓને બચકાં ભરી લીધાં. ઉશ્કેરાયેલા ગામવાસીઓએ હથિયારો વડે હુમલો કરી કૂતરા અને તેના માલિક બંનેને મારી નાખ્યા. ત્યારબાદ તેના ઘરમાં તપાસ કરતાં તેમને મેલીવિદ્યાને લગતો સામાન અને પુસ્તકો હાથ લાગ્યાં. એ યુરોપિયન હકીકતમાં વેમ્પાયર બનવા માગતો હતો અને એ માટેની મેલીવિદ્યા યુરોપથી શીખીને આવ્યો હતો. વેમ્પાયર બનવા માટેની વિધિમાં તેને દરરોજ તાજું લોહી જોઈતું હતું જેના માટે તેણે ગામવાસીઓનાં પાલતું ઢોર પર આધાર રાખ્યો હતો. તેના કૂતરા પાસે જ તે ઢોરનો શિકાર કરાવડાવતો અને પછી મરવા પડેલા ઢોરનું લોહી મેળવી લેતો. એ અજાણ્યો યુરોપિયન કદી વેમ્પાયર તો ન બની શક્યો, પરંતુ એમ કરવાની કોશિશમાં તેણે પોતાની જિંદગીથી હાથ ધોઈ નાખવા પડ્યા. ગામવાસીઓએ એની અને એના કૂતરાની લાશ સહિત તેના ઘરને સળગાવી મૂક્યું હતું. વાયકા એવી પણ છે કે એ જ યુરોપિયન ભૂત બનીને ‘ચાર મેન’ તરીકે ક્રીક બ્રિજ પર દેખાતો રહે છે.

પાસાડેના સ્યુસાઈડ બ્રિજ: આત્મહત્યા માટે પ્રેરતી ભૂતાવળ

અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં આવેલી ‘અરોયો સેકો’ નદી ઉપર ‘પાસાડેના’ નામનો એક પુલ બનેલો છે જેને વર્ષો જતાં ‘સ્યુસાઈડ બ્રિજ’ તરીકેનું વિશેષણ લાગી ગયું છે. આમ બનવાનું કારણ એ છે કે આજ સુધી એ પુલ ઉપરથી ૧૦૦થી પણ વધુ વ્યક્તિઓએ આત્મહત્યા કરી છે. ૧૯૧૨માં બંધાયેલો આ સુંદર, વળાંકદાર પુલ દૂરથી ખૂબ જ રળિયામણો અને રોમેન્ટિક જણાય છે, પરંતુ હકીકતમાં એ ભૂતિયો છે. પુલ પરથી નદીમાં કૂદીને આપઘાત કરનાર અનેક લોકોનાં પ્રેત અહીં અવારનવાર દેખાતાં રહે છે. દોઢસો ફીટ ઊંચા પાસાડેના પુલ નીચે છીછરી નદી વહે છે. આ પુલ પર આપઘાતનો પહેલો બનાવ ૧૯૧૯માં બન્યો હતો. પ્રેમમાં નિષ્ફળ ગયેલા એક હબસી યુવાને પુલ પરથી નીચે ભૂસકો મારી જીવ ખોયો હતો. અમેરિકામાં છવાયેલી ભયંકર મંદી ‘ધ ગ્રેટ ડિપ્રેશન’ દરમિયાન વર્ષ ૧૯૩૩થી ૧૯૩૭ના ગાળામાં ૫૦થી વધુ લોકોએ આ પુલ પરથી કૂદીને આત્મહત્યા કરી હતી. આમાંના મોટા ભાગના ઘરબારવિહોણા, નોકરી ખોઈ બેઠેલા અને દેવા તળે દબાયેલા માણસો હતા.

કહેવાય છે કે સૌપ્રથમ આત્મહત્યા કરનાર હબસી યુવાનનું દુ:ખી પ્રેત બીજા લોકોને પણ આત્મહત્યા કરવા માટે અહીં ખેંચી લાવે છે. પુલ પર સાજા સમા લોકોને પણ કારણ વગર બેચેની અનુભવાય છે અને નકારાત્મકતા ઘેરી વળે છે. એનું કારણ પુલ ઉપર અને નીચે નદીના પટમાં થતી અનેકાનેક ભૂતાવળો દ્વારા સર્જાતી નકારાત્મકતા છે.

પુલ પર સૌથી વધુ દેખાતાં બે ભૂતો પૈકી એક ભૂત એક યુવાન મહિલાનું છે જેણે લાંબો, સફેદ ગાઉન પહેર્યો હોય છે. તે પુલની એક બાજુ શાંતિથી ઊભેલી હોય છે અને તેનો ગાઉન હવાની લહેરખીઓમાં લહેરાતો રહે છે. તેની નજીક જવાની કોશિશ કરવામાં આવે તો તે અદૃશ્ય થઈ જાય છે. બીજું ભૂત એ છે કે જેને ઘણા બધા લોકોએ જોયાનો દાવો કર્યો છે તે એક ચશ્માંધારી આધેડ વયના પુરુષનું છે. જાણે કે પોતાના કોઈ કામ માટે નીકળ્યો હોય એમ એ પુલ ઉપર ચાલતો જતો દેખાય છે અને પછી એકાએક જ હવામાં ઓગળી જાય છે. રાતના સમયે પુલની નીચેથી રડવાના અને ઊંહકારા ભરવાના અવાજો સંભળાય છે.

૧૯૯૩માં સરકારે ૨૭ મિલિયન જેવી માતબર રકમ ખર્ચીને પાસાડેના પુલનું રિનોવેશન કરાવ્યું અને આત્મહત્યાના બનાવો અટકાવવા માટે પુલની બંને તરફ ઊંચી રક્ષણાત્મક જાળી લગાવવામાં આવી. સ્ટીલની જાળીને લીધે આપઘાતનું પ્રમાણ ઓછું તો થયું, પરંતુ સદંતર બંધ ન થયું. સ્યુસાઈડ બ્રિજ તરીકે જાણીતો થયેલો પાસાડેના પુલ આજે પણ દુ:ખી લોકોને પોતાની તરફ આકર્ષે છે અને આત્મહત્યાની પ્રેરણા આપે છે.

ક્રાયબેબી બ્રિજ: અકાળે અવગતે ગયેલા એ જીવો

અમેરિકામાં ઘણા એવા પુલો આવેલા છે કે જ્યાં રાતના સમયે નાનાં બાળકોનાં રુદન સંભળાય છે, આવા પુલોને ક્રાયબેબી બ્રિજ નામે ઓળખવામાં આવે છે. વર્ષ ૨૦૧૩માં ‘ક્રાયબેબી બ્રિજ’ નામની આ જ વિષય પર એક ફિલ્મ પણ અમેરિકામાં બની હતી. ઓહાયો રાજ્યના સાલેમ શહેરમાં ઈજિપ્ત રોડ નામનો એક રસ્તો આવેલો છે. આ રસ્તા પર એકાંત વિસ્તારમાં એક પુલ બનેલો છે જ્યાં એક સ્ત્રીનું ભૂત દેખાતું રહે છે. આ ભૂત એક ગર્ભવતી સ્ત્રીનું છે કે જેને વર્ષો અગાઉ એ પુલ ઉપર મારી નાખવામાં આવી હતી. કાળી વિદ્યાની સિદ્ધિ માટે કોઈકે એ ગર્ભવતી સ્ત્રીને એક લોખંડના પીંજરામાં પૂરીને એને પુલની વચ્ચોવચ જીવતી સળગાવી દીધી હતી. ત્યારથી એ સ્ત્રીનું ભૂત રાતના સમયે એ પુલ પર ભટકતું જોવા મળે છે. તે નાના બાળકની જેમ રડે છે અને પછી રડતાં રડતાં જ પુલ પરથી અદૃશ્ય થઈ જાય છે.

મેરીલેન્ડ રાજ્યના બોવી શહેરમાં આવેલો ગવર્નર બ્રિજ પણ આવો જ એક ક્રાયબેબી બ્રિજ છે. વર્ષો અગાઉ એક કુંવારિકાએ પોતાના પ્રેમનું પાપ છુપાવવા માટે પોતાના નવજાત બાળકને સમાજ અને કુટુંબના ડરથી આ પુલ નીચે આવેલા નાળામાં ડુબાડી દીધું હતું. આજે પણ એ નવજાત બાળકના પ્રેતનું રુદન અહીંથી પસાર થનાર લોકોને રાતના સમયે સાંભળવા મળે છે.

ઓકલાહોમાના એલ્ડરસન ખાતે આવેલા એક રેલવે પુલ ઉપર વર્ષો અગાઉ એક ભારે કરુણ દુર્ઘટના ઘટી ગઈ હતી. એક વિધવા સ્ત્રી પોતાના બીમાર બાળકને લઈને રાતના સમયે એક ડૉકટર પાસે લઈ જઈ રહી હતી. તે ચાલતી ચાલતી રેલવે પુલની વચ્ચોવચ પહોંચી ત્યાં જ પાછળથી ટ્રેનની વ્હિસલ સંભળાઈ. ટ્રેન ધસમસતી આવી રહી હતી અને તે દોડીને પુલ પાર કરી શકે એમ ન હોવાથી જીવ બચાવવા તે નીચે વહેતી નદીમાં કૂદી પડી હતી. પાણીમાં પડતાં જ નાનકડું બાળક તેના હાથમાંથી છૂટી ગયું અને ડૂબીને મરી ગયું. સ્ત્રી બચી ગઈ, પરંતુ પોતાના બાળકના મોતથી તે ગાંડી થઈ ગઈ. રડી-રડીને બાળક માટે ઝૂરતી માતા પણ થોડા દિવસોમાં ગુજરી ગઈ. ત્યારથી એ રેલવે પુલની નીચે બાળકના રડવાનો અવાજ સંભળાય છે. પેલી અભાગણી સ્ત્રીનું ભૂત પણ બહાવરી દશામાં પોતાના બાળકને શોધતું પુલની આસપાસ ભટકતું દેખાતું રહે છે.

***