Modhama mag bharya chhe books and stories free download online pdf in Gujarati

મોઢામાં મગ ભર્યા છે

મોઢામાં મગ ભર્યા છે ?

કેમ તારું મોઢું સિવાયેલું છે ? શું મોઢામાં મગ ભર્યા છે? મંજરીના શબ્દોના બાણ એક પછી એક વરસતાં હતાં. ઘવાયેલી હરણીની માફક હીરલ તરફડતી હતી પણ એક અક્ષર સામો બોલતી નહી. બોલીને શું કરે કશું વળવાનું ન હતું. તે જાણતી હતી જો ઉંહકારો પણ ભરશે કે હા અથવા ના બોલશે તો રાતના પપ્પા આવે ત્યારે ઘરમાં મહાભરતનું યુદ્ધ થશે.

માનસીના અકાળે મૃત્યુ પછી માના આગ્રહને માન આપી મુકેશે બીજીવાર લગ્ન કર્યા. હરણી જેવી હીરલ જ્યારે માતા વિહોણી બની ત્યારે માંડ ત્રણ વર્ષની હતી. મુકેશે મંજરી સાથે લગ્ન કર્યા ત્યારે નાની હીરલને મનહરભાઈ અને મજુએ પોતાની પાસે રાખી. મંજરીને લાગ્યું આ તો ટાઢાપાંણીએ ખસ ગઈ. આમ પણ તેને બાળકો ગમતાં નહી. પોતાની કૂખે તો કોઈ પણ બાળક ધરાહાર ન જોઈએ. બાળકને કારણે શરીર બેડોળ થઈ જાય એવું ભૂત તેના મગજમાં ભરાયેલું હતું. મંજરીની મમ્મી ત્રણ બાળકોની માતા હતી. તેનો દેખાવ 'અથાણાની બરણી' જેવો થઈ ગયો હતો. જેને કારણે મંજરીના પિતા ખોટી લતે ચડી ગયા હતા,

હીરલ દસ વર્ષની થઈ અને છઠ્ઠા ધોરણમાં આવી ત્યારે દાદા અને દાદીને ભણાવવાનું અઘરું પડતું. દાદી નરમ તબિયતને કારણે હીરલનું કામ કરવા અશક્તિમાન હતી. આમ પણ મંજરીને આવ્યે પાંચેક વર્ષ થઈ ગયા હતાં. મુકેશ સાથે બરાબર ગોઠવાઈ ગઈ હતી. મંજુ બહેનને થયું હવે મુકેશને તેની દીકરી સોંપી પોતે ચિંતા મુક્ત થઈ જાય. મનહરભાઈ પણ નિવૃત્ત થઈ ગયા હતાં. તેમને ઘરમાં શાંતિ જોઈતી હતી. હીરલ પાછળ દોડધામ કરી શકવા શક્તિમાન ન હતાં.

ઉનાળાની રજાઓ પૂરી થવા આવી હતી. હીરલને તેને ત્યાં મૂકવા દાદા અને દાદી આવ્યા હતાં. મંજરી સાસુ અને સસરાના દેખતાં તો હસીને બોલી પણ દિલમાં ચિરાડ પડી. " આ પળૉજણ" હવે મારે માથે આવી ?" મંજરી સાવ સામાન્ય દેખાવમાં હતી. હીરલ નખશિખ સુંદરતાની મૂર્તિ જણાતી. મંજરીને તેની ઈર્ષ્યા થઈ આવતી. હીરલ મુકેશને ખૂબ વહાલી. કેમ ન હોય ? માનસી અને તેના પ્રથમ પ્યારની નિશાની હતી. માનસીને તે કૉલેજકાળથી ચાહતો હતો. જ્યારે તે ચાહત લગ્નમાં પરિણમી ત્યારે બન્ને ખૂબ ખુશ હતાં. માનસીને મુકેશ પલકોં પર બિછાવતો. માનસીએ મુકેશના મમ્મી અને પપ્પાના દિલ જીતી લીસ્ધાં હતાં. જેને કારણે હીરલને તેઓ સાથે લઈ ગયા. ખૂબ લાડકોડથી ઉછેરી. હવે જ્યારે ઉમરને કારણે તેના ઇતાને પાછી સોંપી ત્યારે દુખ થયું. બીજો કોઈ ઈલાજ પણ ન હતો. ફૂલશી હીરલ દાદા તેમજ દાદીને છોડીને આવી ત્યારે ખબર ન હતી મંજરી મમ્મી તેને કેવી રીતે રાખશે. સ્વભાવે શાંત અને મા વગરની કહ્યાગરી દીકરીની સ્થિતિ મંજરી કલ્પી શકે! એને તો બસ હું અને મારિ મૂકેશ ! જાણે હીરલ આકાશમાંથી ન ટપકી હોય ! હીરલ મુકેશને માનસીની યાદ અપાવે તે તેને મંઝૂર ન હતું.

ઉસ્તાદ એટલી કે મુકેશના દેખતાં વહાલ બતાવે. જેથી મુકેશને તેના પર શંકા ન આવે. સ્ત્રીનું જો કોઈ દુશ્મન હોય તો તે અન્ય સ્ત્રી જ છે. જગ જાહેર વાત છે. માને દીકરી વહાલી હોય. માને દીકરાની વહુ ન રૂચે. બે બહેનો એકબીજાની પ્રિય દોસ્ત હોય. ભાભી નણંદને બાપે માર્યા વેર હોય. આનું કારણ આપણા સમાજના બાળપણના સંસ્કાર હોઈ શકે. વર્ષોથી ચાલતી પરંપરાના શિકાર ! આજે ૨૧મી સદીમાં પણ પોતાનું એકચક્રી રાજ કરે છે.

હીરલ માત્ર જમવા ટાણે મોઢું ખોલે. તેની વહાલા પપ્પા કાંઇ પણ પૂછે તો હા કે નામાં જવાબ આપે. મંજરી બન્ને જણાને એકલાં પડવા દેતી નહી. અંદરથી તે ભયભિત હતી, 'રખેને હીરલ પપ્પાને ચાડી ખાય !' તે હમેશા હીરલને શંકાની નજરે જોતી. ભણવામાં અને નૃત્યમાં પારંગત હીરલ નવી શાળામાં બધાનું પ્રિય પાત્ર થઈ પડી. મંજરી તો પાણીમાંથી પોરા શોધતી હોય. ચોમાસાની ઋતુ હતી હીરલ શાળાએથી આવતી હતી ત્યાં અચાનક વરસાદ ત્રાટ્ક્યો. દોડીને ઘરે તો આવી પણ શરદી અને તાવ અડ્ડો જમાવીને બેઠાં.

મંજરીના પેટનું પાણી હાલતું નહી. મુકેશ સાંજના ઘરે આવે ત્યારે વહાલી દીકરી પાસેથી જરા પણ ન ખસે. મંજરીને ગમતું નહી પણ કાંઈ કરી શકવા શક્તિમાન ન હતી. આખરે પાંચ દિવસ પછી હીરલ સાજી થઑ શાળાએ જવા માંડી. વરસાદની ઋતુ કોઈના વિષે ભેદભાવ ન કરે. શુક્રવારે સાંજના મજરી ક્લબમાંથી આવતાં ઘર આંગણે કેળાની છાલ પગ નીચે આવતાં લપસી પડી. ઝરમર વરસાદ ચાલુ હતો. ઉભા થવાને અશક્તિમાન મંજરીને બારીમાંથી હીરલે જોઈ. દોડીને તેને ઉભા થવામાં મદદ કરી. મંજરીનો હાથ પકડી ઘરમાં લાવી. તેનાં કપડાં ભીના હતા. બદલવાના કપડાં નોકરને લાવવાનું કહ્યું. મંજરી સૂઈ ગઈ ત્યારે બામ લાવીને તેને કપાળે ઘસવા લાગી. મહારાજને કહી ગરમ મસાલાવાળી ચા લાવવાનું કહ્યું. મંજરીને ખૂબ સારું લાગ્યું. ક્યારે સૂઈ ગઈ તેને ભાન ન રહ્યું.

નાનીશી બાળા હીરલ થોડા વખત પહેલાં જ્યારે તાવ અને શરદીનો શિકાર બની હતી ત્યારે પપ્પા તેને 'નાસ આપતાં અને બામ ઘસતાં'. હીરલ ખૂબ શાંતિથી સૂતી. તેને બરાબર યાદ રહી ગયું હતું. જે અખતરો તેણે મંજરી પર કર્યો. તે મંજરીને જ્યારે મમ્મી કહેતી ત્યારે તેના મોઢા પર અણગમતા ભાવ ફરી વળતાં. હીરલ છોભીલી પડી જતી. આજે એ જ હીરલ "મમ્મીને" માથે બામ ઘસી રહી. મહારાજને કહી મસાલાવાળી ચા બનાવડાવી. હીરલને દાદીએ ખૂબ પ્રેમ આપ્યો હતો. મંજરી આજે વઢી શકવાને કે આંખ કાઢવાની હાલતમાં ન હતી. હીરલને તો દાદી શું કે મંજરી શું કોઈ ફરક ન હતો.

કોમળ અને નિર્દોષ હીરલ પપ્પાજી આવ્યા ત્યાં સુધી મંજરી પાસેથી ખસી નહી. મંજરીને મનોમન હીરલ જે રીતે વ્યવહાર કરી રહી હતી તે ગમ્યું. બોલીને બે શબ્દ સારા કહે તો પાછી પોતે 'નીચા બાપની ન થઈ જાય'. મુંગે મોઢે આ અગિયાર વર્ષની છોકરી જે મા વિહોણી હતી તેને અનુભવી રહી. ક્યારે નિંદર આવી તે તેને ખબર પણ ન પડી. હીરલને દાદીએ ખૂબ સુંદર સંસ્કાર આપી ઉછેરી હતી.

રાતના મુકેશ આવ્યો ત્યારે મંજરી ખુલ્લા દિલે તેની બાહુમાં ભરાઈ રડીને પશ્ચાતાપના આંસુ વહાવી રહી હતી !