Ravlani tirthyatra - goa - 4 books and stories free download online pdf in Gujarati

રવલાની તીર્થયાત્રા - ગોવા ભાગ - ૪

રવલાની તીર્થયાત્રા – ગોવા...

ભાગ – ૪

Ravi Dharamshibhai Yadav

કહેવાય છે ને કે દરેક દિવસ તમે જલસા જ કરી શકો એવું જરૂરી નાં હોય અને જો એ ટ્રીપ ફક્ત જલસાવાળી જ હોય તો એ ટ્રીપ યાદ નાં રહે એવો જ દિવસ એટલે આ દિવસ હતો. સવારમાં દરેક પોતાની રીતે જલ્દીથી તૈયાર થઇ ચુક્યા હતા. તે દિવસે અમે લોકોએ “પણજી” જવાનું નક્કી કર્યું હતું. (હા એ જ પણજી જ્યાં અજય દેવગણ સાહેબ ૨ તારીખ કો બાબાજી કે સત્સંગ મેં ગયે થે ઓર ૩ તારીખ કો વાપિસ આયે થે. વહીચ.. ) અને પણજી જવા માટે અમે લોકોએ “જીપ્સી કાર” ભાડે કરી હતી.

અમારી પાસે વર્લ્ડ ક્લાસ ડ્રાઈવર તો હતા જ મી. તિવારી સાહેબ. (એમના ડ્રાઈવિંગના વખાણ તો છેક અમેરિકામાં પણ થઇ રહ્યા છે જેનાં વિશેનો લેખ તમને Ajaykumar Panchal સાહેબના શબ્દોમાં વાંચવા મળશે ટુક સમયમાં) ઓપન જીપ્સી કારમાં પહેલી વખત બેથ્વાનો રોમાંચક અનુભવ આહ !! ખુલ્લી હવાઓ મેં, ઘટાઓ કે સંગ મેં, સજન કે સંગ ચલે જાના હે કહી દુર” (ધીસ ઇસ કોલ્ડ ફાંકા ફોજદારી... શાસ્ત્રોમાં આને ફાંકોડી કહેવામાં આવ્યું છે.)

દરેક લોકો એકદમ વ્યવસ્થિત રીતે જીપ્સીમાં ગોઠવાઈ ચુક્યા હતા. દુગ્ગા બાપુનું પ્લેન ટેક-ઓફ કરવાની તૈયારી કરી રહ્યું હતું. ધીમે ધીમે અમેં મેઈન રોડ પર ચડી ચુક્યા હતા. જોરજોરથી ગીતો ગાતા ગાતા, અંતાક્ષરી રમતા અને મસ્તી કરતા કરતા જઈ રહ્યા હતા અને શરૂઆત થઇ પનોતી બેસવાની....

થોડે દુર એક ટર્નીંગ પોઈન્ટ પર ગોવા પોલીસએ અમારી જીપ્સી રોકી. હું, દુર્ગેશ અને સંકેત ત્રણેય એ પોલીસવાળા પાસે ગયા અને પૂછ્યું કે શું કારણથી ગાડી ઉભી રખાવી છે સાહેબ ? અમે ટુરિસ્ટ છીએ, ગાડી ભાડે કરીને લાવ્યા છીએ. તે પોલીસવાળો ઠંડા કલેજે બોલ્યો, “આપ જો ગાડી લાયે હો વો પ્રાઈવેટ પાર્સીંગ કી ગાડી હે, ઇસકો આપ ભાડે પે યુઝ નહિ કર સકતે.”

એટલે પછી અમારી પાસે પણ બોલવા જેવું કશું હતું નહિ કારણ કે અમારું ધ્યાન ગયું કે નંબર પ્લેટ તો સફેદ કલરની છે એટલે વાંક આપણો જ છે. એટલે શાંતિથી થોડી આડીઅવળી વાત કરી અને ગાડીના ઓનર જોડે ફોન પર પોલીસની વાત કરાવી અને તે ઓનરએ પોલીસવાળા જોડે શું સેટિંગ કર્યું એ ખબર નથી પણ અમને ૩૦૦ રૂપિયા આપી દેવા કહ્યું એટલે અમે તો ૩૦૦ રામ ભરોસે કરીને ત્યાંથી ચાલતા થયા.

થોડે દુર ગયા ત્યાં શેરડીના રસવાળો લારી લઈને ઉભો હતો એટલે અમે ત્યાં ખૂણા પર ગાડી ઉભી રાખી અને રસ પી રહ્યા હતા અને હજુ ગાડી શરુ કરી ત્યાં પોલીસની બીજી કાર આવીને અમારી આગળ ઉભી રહી ગઈ. સેમ સ્ટોરી એ પોલીસવાળા જોડે પણ કરી પરંતુ એ ગાડીમાં તો કોઈ ઓફિસર હતો જે ઓનર જોડે વાત કર્યા પછી પણ માન્યો નહોતો એટલે પોલીસવાળાએ ઓપ્શન આપ્યા કે “યા તો અપના ડ્રાઈવિંગ લાયસન્સ હંમે દે જાઓ ઓર ઇધર સાઈન કર દો, યા ફિર યે ગાડી ઇધર છોડ કે જાઓ.”

આ સાંભળીને હું, દુર્ગેશ અને સંકેત ત્રણેય મુંજાયા કે હવે શું કરવું ? કારણ કે બીજા રાજ્યમાં તમે તમારું ડ્રાઈવિંગ લાયસન્સ પોલીસને આપી દો એ પછી કરવાનું શું ? આપણે અહિયાંના લોકલ માણસ તો હતા નહિ કે તરત પોલીસ સ્ટેશન જઈને લઇ આવીએ, અને જો ગાડી આપી દઈએ તો અડધા રસ્તેથી જઈએ ક્યા ?

પોલીસવાળા જોડે ઘણી આજીજી અને રીક્વેસ્ટ છતાય કશું બન્યું નહિ અને અંતે નક્કી કર્યું કે દુર્ગેશ પોતાનું લાયસન્સ પોલીસને આપી દેશે અને બીજા દિવસે ગાડી પોલીસ સ્ટેશનએ મુકીને લાયસન્સ પાછુ મેળવી લેશે. પોલીસએ તરત જ મેમો ફાડી આપ્યો. અમારી અંતાક્ષરી ક્યાય ખોવાઈ ગઈ, ગીત પણ ક્યાય ખોવાઈ ગયા અને એક જ ટોપિક ચાલી રહ્યો હતો ગાડીમાં કે કાલે લાયસન્સ કઈ રીતે લઈશું ? ગાડીવાળો કશું કરશે તો ?

હજુ તો એ બધી ચર્ચા કરી જ રહ્યા હતા અને ગાડી ૨ કિલોમીટર જેટલી ચાલી હશે ત્યાં જ ફરીવાર પોલીસવાળા એ એક સર્કલ પાસે રોક્યા એટલે ડાઉટ તો પડ્યો કે આ ગાડીનો કશોક લોચો જરૂર છે. લાલ કલરની એ ૧૫૧૫ નંબરની જીપ્સીમાં કઈક તો કાંડ થયેલું હોવું જોઈએ. પરંતુ અમારી પાસે મેમો હતો એટલે એ મેમો બતાવી દીધો એટલે જવા દીધા અને ફરી વાતો એ ચડ્યા અને થોડે દુર જતા ફરી એક પોલીસની કારએ અમને રોક્યા.

વારંવાર બનતી આ ઘટનાથી એક વાત તો સમજમાં આવી ચુકી હતી કે કશોક લોચો તો છે પરંતુ શું છે એ હજુ ખબર પડતી નહોતી પરંતુ એ સમયે મેમો દેખાડી દીધો અને કામ ચાલી ગયું. પરંતુ ત્યાં પોલીસને આપેલું લાયસન્સ અને રવિરાજનું વોટર આઈડી ગાડીના ઓનર પાસે થી પાછુ કઈ રીતે લેવું એ બધી ચર્ચાઓ શરુ થઇ ચુકી હતી. એક રીતે ગોવા થોડું ગુંડાતત્વોનું રાજ ગણાય છે એટલે અંદરખાને એ ડર પણ હતો કે કશુક આડું-અવળું થવાના પુરા ચાન્સીસ છે પણ જે થશે એ જોયું જશે... પરંતુ વાત હકીકત હતી કે એ જીપ્સી ત્યાંના લોકલ ગુંડા ટાઈપના માણસોની હતી...

આ ગાડી લઈને આજે નોર્થ ગોવા ફરવાનો પ્લાન કરી ચુક્યા હતા એટલે આટલી પોલીસના ચક્કર છતાય અમે ગાડી મૂકી તો નહોતી જ. જે થાશે તે જોયું જશે કરીને અમે લોકોએ ગાડી ચલાવ્યે જ રાખી હતી. દુર્ગેશના ફ્રેન્ડના એક માણસને પણજીમાંથી લીધો જોડે જેથી તે અમને નોર્થ ગોવામાં ફેરવી શકે.

આથી સૌ પ્રથમ અમે લોકો એ “કલંગટ બીચ” પર જવાનું નક્કી કર્યું. બપોરે તડકાના નીકળ્યા હતા આથી વધુ ત્યાં રહેવાય એવું નહોતું આથી એમ ને એમ જ આંટો મારીને આવ્યા ત્યાં જ રસ્તામાં શોપિંગ શરુ થઇ ગઈ. કલાક જેવું શોપિંગમાં સમય વિતાવ્યા પછી આખરે ત્યાંથી નીકળ્યા અને ઓલ્ડ ગોવા જોવા માટે નીકળ્યા. હજુ રસ્તામાં જઈ રહ્યા હતા ત્યાં એક પાણીપૂરી અને ભેલપૂરીવાળાની લારી જોઈ અને છોકરીઓ બોલી કે ભૂખ લાગી છે હાલો નાસ્તો કરવા. એટલે ગાડી તરત રોકી અને ત્યાં પાણીપુરી, ભેલપૂરી, સેવપુરી, રગડાપેટીસ બધું જ ખાધું અને લારીની સામે જ કોઈક સાઉથ ઇન્ડિયન મુવીનું શુટિંગ ચાલી રહ્યું હતું એ જોઈ રહ્યા હતા. ત્યાં પર કપલ ખાધેલી ડીશ અમે ગણાવી અને એ ભાઈ વધારે ડીશ બોલતો હતો એટલે ત્યાં માથાકૂટ કરી કે ખાધી છે ૧૮ ડીશ અને તું ૧૯ કે છે. આખરે રકઝક કરીને ૧૯ના પૈસા ચૂકવીને ત્યાંથી નીકળ્યા ઓલ્ડ ગોવા તરફ. ઓલ્ડ ગોવાના ચર્ચ જોયા, જુના જમાનાના યુદ્ધોમાં વપરાતી તોપના ગોળા કઈ રીતે બનતા એ પત્થરો ત્યાં ચર્ચ પાસે જોયા. ઘણા બધા ફોટો પડ્યા અને ત્યાંથી નીકળીને ક્રુઝ રાઈડ કરવાનું વિચાર્યું.

ક્રુઝ રાઈડની ટીકીટ લેવાઈ ગઈ, પણ દુર્ગેશ હજુ ગાડીનું પાર્કિંગ શોધી રહ્યો હતો આથી અમે થોડીવાર ધીમે ધીમે ચાલતા હતા એટલામાં પેલો ક્રુઝનો એક માણસ આવ્યો કે તમે લોકો ચડી જાવ હું એ ભાઈને લઇને આવું છું. એટલે મારા હાથમાં 8 ટીકીટ લીધેલી હતી એ બધી જ એમ ને એમ આપી દીધી અને તેણે પણ માણસો ગણ્યા વિના જ એમ ને એમ બધી જ ટીકીટની સ્લીપ ફાડી નાખી. જેવા અમે ક્રુઝ પર ચડ્યા એટલે તરત જ પેલા એ ક્રુઝ ચલાવવા માંડ્યું અને દુર્ગેશ બાપુ ફક્ત ૧ મિનીટનાં અંતરનાં કારણે કિનારે રહી ગયા. એટલે અમે લોકો કેપ્ટન જોડે ઝઘડો કરવા ગયા. કેપ્ટનને ઘણું બધું સંભળાવ્યું પણ એને કશો જવાબ આપ્યો નહિ. નાં છૂટકે અમારે દુગ્ગાબાપુ વિના જ ક્રુઝ પર જવું પડ્યું. ત્યાં ક્રુઝ પર સ્ટેજ શો ચાલી રહ્યો હતો તો થોડો ઘણો ડાન્સ પણ કરી લીધો. જ્યારે ક્રુઝ પરથી નીચે ઉતરી રહ્યા હતા એટલે વાત શરુ થઇ કે હવે એક ટીકીટના પૈસા તો પાછા લેવાના જ છે. બધાયે જોડે મળીને બોલવાનું એટલે ક્યા જશે પછી ?

વધુ આવતા અંકે..