Rani ne game te raja books and stories free download online pdf in Gujarati

રાણીને ગમે તે રાજા

રાણીને ગમ્યો તે રાજા.

મમતાને ધણીવાર વિચાર આવે છે અઢી અક્ષરનો શબ્દ પ્રેમ નો આવિષ્કાર ના થયો હોત તો? આ જીવન સાવ શુષ્ક લાગત. જાણે સ્મશાન! આ સૃષ્ટિમાં જીવ પ્રેમ નામનું રસાયણ લઈને પ્રવેશે છે! એટલે તો પ્રત્યેક જીવમાં આકર્ષણ હોય છે. જેના તરફ આપણું મન ખેંચાયા કરે છે. ધીમેધીમે ખેંચાણ એવા તબક્કે પહોંચે છે કે આપણને એવું લાગે છે કે એના વગર જીવી નહીં શકાય. .

મમતા જોવા લાગી પથારીમાં પડી પડી બારી બહાર ચાંદ,વાદળ, ચાંદની, ટમટમ તારલાં. . જે વિશાળ આભલાની આંગળી પકડીને એની આંખોમાં સમાઈ જતા હતાં. અને આ સાથે મમતા શમણાં ઓઢીને ખોવાઈ જતી. દૂર દૂર દૂર. .

અચાનક ઝબકી. રાત્રિનાં ત્રણ થયાં હતાં. શ્વાસોશ્વાસ રોકી ઊભી થઈ. બારી ધીરેથી ખોલી. મૌનનો દરિયો ધૂધવતો હતો. ધીમા પગલે બારણાં તરફ ગઈ. હળવેથી લોક ખોલ્યું. માથે શાલ ઓઢી. દરવાજો બીલ્લી પગે ખોલ્યો. જમણાં હાથમાં થેલી પકડી. ધીરેથી દરવાજો બંધ કરવા દરવાજાની કિનારી પકડવા હાથ લંબાવ્યો. અને

શ્વાસ લગભગ એનાં થંભી ગયાં. ડીમ લાઈટનાં ઉજાસમાં એની મા ઊભી હતી. નજરથી નજર મળી. માની આંખોમાં ફિટકાર હતો. એક ડગલું આગળ ન વધવાનો અશબ્દ લોખંડી આદેશ હતો. દરવાજો બંધ કરી મમતા પથારીમાં પડી ઓઢણું ઓઢી.

મમતાની મા સવિતા પસીનો લૂછી રહી હતી કીડી વેગે. આ વેગમાં ન તો આવેગ હતો કે ના આક્રોશ. મૌન ચટકા ભરી રહ્યું હતું. જોઈ રહી નિરાંતે નસ્કોરા બોલાવતા પતિ હસમુખરાયને. એ બોલ્યા હોત કશું ક તો ઘરની આ દશા ન થાત. એક અકલ્પનીય વંટોળ શોગુસ્સો સવિતાને નસ્કોરા બોલતા નાક પર આવ્યો અને બાજ તરાપે પતિનુ્ં નાક દાબ્યું અને વીજ ચમકારાની ઝડપે છોડી દીધું. પણ કોઈ પ્રતિભાવ નહીં. પડખું ફેરવીને સૂઈ ગયાં. સવિતા ઊભી થઈ. બારીનાં દરવાજા ઉઘાડ્યાં. તમસની પથરાયેલી આભા વરાળની જેમ અદ્રશ્ય થઈ ગઈ હતી. રસોડામાં જતાં જતાં મમતાની રૂમમાં ડોકિયું કર્યું. તે ઊભી ઊભી આકાશને જોઈ રહી હતી ગુલાબી કિરણોનાં તળાવમાં તરતાં એનાં શમણાંને!

આવા જ શમણામાંસરિતા અટવાયા કરતી હતી જ્યારે મમતા યુવાનીની મહેંદી નો રંગ રંગી ચંચલ પવન સંગ પરીની જેમ અનોખા અંદાજમાં લહેરાતી હતી ત્યારે!

એ જમાનામાં મમતા એસ. એસ. સીની પરીક્ષામાં ૬૦% માર્ક લાવી ત્યારે સવિતા આસોપાલવનાં પાનની જેમ લહેરાતી હતી એનાં શમણાનાં ઉંબરે. દીકરીને ડોક્ટર બનાવી સમાજમાં પોતાનો વટ પાડશે અને… જોઈ રહી દર્પણમાં માથે પાલવ ઓઢી , ગળાનું મંગલ સુત્ર સરખું કરી જોઇ રહી પોતાનો ગુલાબી ચહેરો જાણે ખીલતું ગુલાબ! આ ખીલતા ગુલાબની આડમાં વેદનાનું શુળ હજી એની ભીતર ભીતર કંડરાયેલું હતું જે એનાં સુખીસંસારમાં ક્યારેક ખૂંચી એને બેહાલ કરી દેતું હતું.

વરસો પહેલાં બેઠી ચાલીમાં સવિતા અને સાકેત ની જોડી ચર્ચાનો ગરમાગરમ મસાલો હતો. સવિતાની મા તો નિશ્ચિંત હતી કે સવિતા માટે મૂરતિયો ગોતવાની જરુર નથી. ખૂણેખાંચરે સવિતા સાકેત જો ગપસપ કરતાં આંખે ચઢી જાય તો એક ઉત્સવ જેવું વાતાવરણ ચાલીમાં સર્જાઈ જતું! સરિતાની માને કોઈ “ સરખે સરખાં હોય તો વાતો જ કરે ને ?” જેવા જવાબોથી ફરિયાદ કરી શકતું નહીં. સાકેત દાક્તરી લાઈનનું ભણી રહ્યો હતો તેથી તેનું માન વધી ગયું હતું. સરિતાની મા બે પગ અધ્ધર ચાલી રહી હતી. સરિતાની સખીઓ અંદર ને અંદર ઈર્ષાની આગમાં કારણ વગર શેકાઈ રહી હતી. સાકેત હવે હોસ્ટેલમાં રહેતો હતો. આના કારણે બેચેન સરિતા બે વર્ષ કોલેજમાં નાપાસ થઈ. સરિતાની મા ને પણ ચિંતા થવા લાગી. સમાજમાં પૈસાદાર દીકરીઓના મા બાપ નાં માગા સાકેતનાં માબાપને આવવા લાગ્યાં છે એ વાતની જાણ થતાં અમંગળતાની વીજ ઝબકવા લાગી સવિતાની મા ની આંખોમાં.

ગફલતમાં ના રહી જવાય એ વિચારે ઘરમાં બંધ બારણે વિચારણા કરી. સાકેતનાં ઘરે જઈને એનાં માબાપ પાસે મોકો શોધી ખુલાસો કરી લેવો જોઈએ કે તેઓ શું વિચારે છે. આ મોકો અયાનસે મળી પણ ગયો. સાકેતની મમ્મી બાથરુમમાં લપસી ગયાં. પરિણામે પગ પર પાટો આવ્યો. આવો મોકો જોઈ સરિતાની મમ્મી સાકેતનાં ઘરે પહોંચ્યા પતિને લઈને ખબર કાઢવાને બહાને.

આડીઅવળી વાતો પત્યા પછી સરિતાની મમ્મીએ ધીરેથી પૂછ્યું કે સરિતા માટે તમારો શો વિચાર છે? સાકેતનાં માબાપ કશું જાણતાં ન હોય એ ભાવ સાથે પૂછ્યું કે તેઓ શું કહેવા માગે છે. સરિતાની મમ્મીએ ફોડ પાડતાં કહ્યું કે સરિતાનું સાકેત સાથે જો ગોઠવાય તો.. વચ્ચે સરિતાનાં પપ્પાએ ટાંપશી પૂરતા કહયું કે બંને વચ્ચે મનમેળ પણ સારો છે. પળભર ખામોશી સવાઈ ગઈ. વાતને આટોપતાં સાકેતનાં પિતાએ હસતાં હસતાં કહ્યું કે સાકેતને એનું ભણવાનું પુરું તો કરવા દો. ડોક્ટરનું ભણતર છે. સહેજે સાત આઠ વરસ લાગી જાય. પછી વિચારશે. સરિતાની માને લાગ્યું કે ધરતી પગ નીચેથી સરકી રહી છે. છતાં સરિતાના પપ્પા આજે જ આ વાતનો નિવડો લાવવા માગતા હોય એ રીતે હળવેથી પૂછ્યું

“ તો અમારે શું સમજવું? બંને જણ વચ્ચે મનમેળ છે તે તો તમે સારી રીતે જાણતાં હશો શેઠ. ”

સાકેતનાં પપ્પાએ ફરીથી હસતાં હસતાં કહ્યું , ના રે ના. મારે આ બાબતની વાત સાકેત સાથે થઈ નથી. પણ દુનિયા આવી વાતો કરે છે, એની થોડીગણી જાણ છે ખરી. ”

“ તો સાકેતને પૂછી તો જોજો”

સરિતાની મમ્મીએ ઊભા થતાં કહ્યું.

“ એને શું પૂછવાનું હોય! આ તો કુમળા પાન કહેવાય. પવન બદલે એમ દિશા બદલે! પહેલાં ભણતર તો પુરું થવા દો. બે પૈસા કમાય પછી લગ્નનો વિચાર કરાયને. મારે તો છોકરો એટલે તમારા જેટલી ફિકર તો ન જ હોય. ”

“ઠીક છે. ઈચ્છા હોય તો જણાવજો. ”

“ જરુર. સરિતા તો દીકરી સમાન છે. પણ આજકાલનાં છોકરાઓનો શો ભરોસો. હું હા પાડું અને કાલે ઊઠીને છોકરો ફરી જાય તો? એટલે ઉતાવળ કરતો નથી. સમજ્યાં કે?”

સરિતાનાં મમ્મી,પપ્પા એ પરાણે હસતાં હસતાં વિદાય લીધી. સરિતાને આ વાતની જાણ થઈ ત્યારે એ સમસમી ઊઠી. બીજે દિવસે સવારે પહોંચી સાકેતની કોલેજે. સવિતાને જોતાં હસતાં હસતાં પૂછ્યું કે મેટીની શો ની ટિકિટ લઈને તે આવી છે કે? સરિતાએ ધીમેથી કહ્યું હાજી. સાકેતને ન સમજાયું કે કાબર શી સરિતા આજે ચૂપ કેમ છે. “ ચલ, ચા કોફી પીવા. ” સરિતા સાકેત પાછળ ઘસડાઈ. કાફે કોપી હાઉસ કોલેજ સ્ટુડન્ટની માનીતી જગ્યા. ગપસપ માટેનો સૌનો માનીતો અડ્ડો. બંને જણ મોકાની જગા શોધી બેઠાં. સાકેત સરિતાની બોડી લેંગવેજ પરથી એટલું સમજી ચૂક્યો કે સરિતા મૂડમાં નથી. સરિતા પોતે ઉલઝણમાં હતી કે વાતની શરુઆત ક્યાંથી કરવી. બંને વચ્ચે મૌનની પાતળી દીવાલ એક પાતળી રેખાની જેમ અંકાઈ ગઈ હતી.

“ આમ ,ચૂપચાપ બેસી રહેવાનું છે કે?”

સરિતાએ કોઇ જવાબ ન આપ્યો. સાકેત અકળાયો. સરિતાનાં હાથમાં રમતું પાકિટ ખેંચી તેનાં ગાલે હળવેથી ટપલી મારી પૂછ્યું કે આજે મૌન વ્રત છે કે?

“ હા” સરિતાએ એકાક્ષરી જવાબ આપી પાણી પીધું.

“ કોઈ કારણ?” સાકેતે ગુલાબી સ્મિત ઉછાળતાં પૂછ્યું.

“ કારણમાં તું. ” ચહેરા પરનો પરસેવો લુછતાં લુછતાં સાકેતનાં હાથમાંથી પોતાનું પર્સ લઈ, પર્સમાનાં મીની અરિસામાં પોતાનો ચહેરો જોતાં જોતાં બોલી.

“ હું?” હસતાં હસતાં સહજતાથી સાકેતે પૂછ્યું.

“ કેમ? તને કશી ખબર નથી?. . સ્યોરી. . ”

પોતાનો અવાજ મોટો થઈ ગ્યો એનો ખ્યાલ આવતાં ભૂલ સુધારતાં બોલી.

“ ઓકે. . પણ વાત શું છે એ તો કહે?” ગંભીર થઈને સાકેતે પૂછ્યું.

“ કાલે મારા મમ્મી પપ્પા તારા ઘરે ગયાં હતાં અને. . ”

“ ઓહ ! રીયલી હું આમાનો એક પણ અક્ષર જાણતો નથી. રીયલી આય એમ એક્ટ્રીમલી સ્યોરી. ” કોફીનો મગ નીચે મૂકતાં સાકેતે પૂછ્યું.

“ પણ , હવે હું જાણવા માંગુ છું?”

“ શું?” ઉત્કંઠાથી સાકેતે પૂછ્યું.

“ જે મારા મમ્મી પપ્પા જાણવા માગે છે?”

“ પણ શું?”

“ સાકેત, તું સમજવા માંગતો નથી કે ખરેખર નાદાન છે?”

“ સરુ, વાતને ગૂંચવીને સમય ના કાઢ. જે હોય તે સ્પષ્ટ કહી દે. મારા ક્લાસનો સમય થઈ રહ્યો છે પ્લીઝ. ”

“ ઓહ! હવે તને મારા માટે સમય નથી કેમ ખરુંને?”

“ સરુ, પ્લીઝ. . કમ ઓન ટોપીક. . ”

“ તો સાંભળ. . તારા મારા સંબંધનું નામ તું શું આપવા માગે છે?”

“ એટલે?”

“ કેમ, બધું મારા મોઢેંથી બોલાવા માંગે છે?”

“ મારી સમજની બહાર છે. . જે હોય તે સ્પષ્ટ કહી દે. . ” ઘડિયાળમાં જોતાં સાકેતે કહ્યું.

“ આખરે તું. . ” કહી સરિતા ઊભી થઈ.

“ જે કહેવું હોય તે કહી દે. પાંચ મિનિટ હજી પણ છે” પાકીટ ખોલતાં સાકેતે કહ્યું.

“ આપણા સંબંધનું નામ શું? દોસ્તી કે. . ?”

“કે?” સાકેતનાં મુખમાંથી શબ્દ સરી પડ્યો આશ્ચર્યથી.

“ કે પતિપત્ની ?” કહી સરિતા સડસડાટ કરતી ત્યાંથી નીકળી ગઈ.

સરિતા ઘરે પહોંચી ત્યારે તેની મા રાહ જોતી ઊભી હતી. જમાના ખાધેલ તેની મા સમજી ગઈ હતી કે તે ક્યાં જઈને આવી છે. કોઈ પણ જાતની પૂછપરછ ના કરતાં એટલું જ કહ્યું કે જમવાનું તૈયાર છે. અપેક્ષા પ્રમાણે જવાબ મળ્યો કે ભૂખ નથી. સરિતા ટેલિફોન પાસે બેસી છાપું વાંચવા લાગી. વારંવાર તેની નજર ટેલિફોન તરફ જતી, ઘડિયાળ તરફ જતી અને તેની મા કોઈને કોઈ બહાનું કાઢી સરિતાની આસપાસ ફરક્યા કરતી હતી. ટેલિફોનની ઘંટડી રણકી. સરિતાએ ફોન ઉપાડ્યો. સામે સાકેત હતો. “ મને મારો જવાબ જોઈએ. ” કહી ફોન કટ કર્યો. ફરી ફોન રણક્યો. રોંગનંબર કહી રિસીવર આડું મૂક્યું.

“ કોણો ફોન હતો” તેની મમ્મીએ ધીમેથી પૂછ્યું. રોંગ નંબર હતો કહીને અગાસીમાં ઊભીઊભી મધ્યાનનાં કોરા કોરા આકાશને જોઈ રહી. શું કરવુંનાં વિચારો અટવાયા કરતી આખો દિવસ ટેલિફોન પાસે બેસી રહી.

બેત્રણ વાર સાકેતનો ફોન આવ્યો પણ રોંગ નંબર કહી મૂકી દીધો. અને છેલ્લે મેસેજ મોકલાવ્યો કે એનાં સવાલનો સૌ પ્રથમ જવાબ આપે હા કે ના. વધુ ખેંચવાનો અંદાજ એ આવ્યો કે સંબંધોની દોરી તૂટી ગઈ.

બસ ત્યારથી સરિતાને પ્રેમ લગ્ન પ્રત્યે ધૃણા

ફરી વળી હતી . વિધિની વ્રકતા તો જુઓ સરિતાની જ પુત્રી પ્રેમમાં પડી હતી. મા દીકરી અત્યાર સુધી સખીની જેમ રહેતાં હતાં, પેટછૂટી વાતો કરતા હતા. સરિતા હંમેશા મમતાનાં પક્ષે ઊભી રહેતી હતી. મમતાની માગણી જેવી કે શાળા કોલેજમાંથી છોકરાછોકરી સાથે પિકનીકમાં જવું, કોલેજથી મોડું આવવું વગેરે બાબતે મમતાના પપ્પા ચીડાય ત્યારે સરિતા બચાવ કરતી. મમતાને પોતાના પિતા દરેક બાબતે વિરોધ કરવાને કારણે મનોમન અળખામણાં લાગવા માંડ્યાં અને એક ન સમજાય તેવી દૂરી પિતા પ્રત્યે પેસી ગઈ. છતાં પિતા પુત્રી વચ્ચેનાં પ્રેમમાં હુ્ફ જળવાઈ રહી હતી.

મા જરુર પોતાના પ્રેમને અનુમોદન આપશે એ આશાએ મમતાએ પોતાનું દિલ ખોલ્યું મા પાસે. પ્રેમ નામ સાંભળતાં જ સરિતા સ્પ્રીંગની જેમ ઉછળી . મમતાએ સ્વપ્ને પણ વિચાર્યં ન હતું કે મા આવું રૌદ્ર સ્વરુપ ધારણ કરશે!

દિવસે દિવસે મા બેટી વચ્ચેનું વિશ્વાસનું અંતર ઘટતું ગયું. મમતા ને સમજાતું નહીં કે પિતાને પોતાના મનની વાત કહેવી કે નહીં?

એ તો એમ જ માનતી કે પિતા પાસે કોઈ આશા રાખવી વ્યર્થ છે. આ બાજુ સરિતા પોતાના પતિનો રુઢિચુસ્ત સ્વભાવ, અને હાર્ટ એટેકનો આવેલો હુમલો એ કારણે મમતાની વાત કરતા અચકાતી હતી. આમ મા દીકરી વચ્ચે વિચારોનું શીતય યુધ્ધ મંડાઈ ચૂક્યું હતું. એટલે જ મમતાએ ઘર છોડવાનો નિર્ણય લીધો હતો, જેમાં પ્રથમ પ્રયાસે એ ઝડપાઈ ગઈ હતી.

બારીમાં ઊભી ઊભી એ વિચારી રહી હતી કે હવે ખૂલ્લેઆમ બળવો કરવો પડશે. પિતા પ્રત્યેનો પ્રેમ, હમદર્દી રોકી રહી હતી અણગમતું પગલું ભરવાને. છતાં વિશ્વાસ હતો કે ભગવાન જરુર એક બારી ખૂલ્લી રાખે છે.

“ ઘરની બહાર નીકળી છે તો ટાંટિયો ભાંગી નાખીશ. . મંદિર જઈને આવું છું. . ઘરમાં જ રે’જે. . ”

“ અરે, તાળું મારીને જાને. . મારે જવું હશે તો તું કોણ છે રોકનાર?”

“ બહુ ચિબાવલી ના થા. . ”

“ આ શું ધમાલ છે સવારેસવારે?” મમતાનાં પિતાએ મા-દીકરીની કચકચ સાંભળીને

બહાર આવીને પૂછ્યું.

“ તમને પડી છે ઘરની કાંઈ? ધંધો ધંધો ને ધંધો. . આ તમારી છોડીને સંભાળો. . જવાનીની આગમાં તડફડી રહી છે અને તમે નિરાંતે ધોરો છો?”

“ પણ , વાત શું છે?”

“ પૂછો તમારી દીકરીને અને સાચવો. . હું આવી મંદિર જઈને. ”

“ બેટા. . શું વાત છે?” મમતાનાં પિતાએ

મમતાનાં માથે હાથ ફેરવતાં પૂછ્યું.

“ પપ્પા કશું નહીં” કહી મમતા પિતાને વળગી રડી પડી. સ્વસ્થ થઈ મમતાએ ડરતાં ડરતાં પોતાના પ્રણયની વાત કરી . તે ધ્રૂજી રહી હતી. કદાચ પિતા ગુસ્સે થઈને આડુંઅવળાં વેણ કહી વાતનું વતેસર કરશે.

પણ મમતા અચરજથી જોઈ રહી પિતાના ચહેરા પરનાં હાવભાવ. તે કશું બોલ્યા નહીં.

ક્યાંય સુધી મૌન રહ્યાં. મમતા અકળાઈ ઊઠી. ચૂપ્પી તોડતાં મમતાના પિતા બોલ્યા,

“ બેટા, તારા જીવનની આવડી મોટી વાત, અને મને અંધારામાં રાખ્યો? બેટા,હું તારો બાપ નથી? હંમેશા તે તારી દરેક વાતમાં તારી માને આગળ કરી છે. કેમ? શા માટે તને મારા માટે પૂર્વગ્રહ? “

“ ના પપ્પા એવું નથી. સાચી વાત એ કે હું તમને નારાજ કરવા માંગતી ન હતી. કદાચ મારો તમારા પ્રત્યેનો પ્રેમ હું દર્શાવી શકતી ન પણ હોઉં, પણ એનો અર્થ એ નથી કે તમને હું પ્રેમ કરતી નથી. ”

“ ઠીક છે. હું તારો બાપ છું તારી માને આવવા દે . નિરાંતે વાત કરશું. ”

“ પણ,પપ્પા તમારી. . ”

“ બેટા, ધીરજ રાખ. ” કહી તે તેમના રુમમાં જતા રહ્યાં. તે તેનાં પપ્પાને જતાં જોઈ રહી. મનમાં પસ્તાઈ રહી હતી જાણેઅજાણે પોતાનાં પપ્પાને અન્યાય કરી રહી હતી. સતત પપ્પા તેનાં પ્યારને ઝંખતા હતા. એની મમ્મી ધણીવાર કહેતી કે એનાં પપ્પા ઓફિસથી આવીને તરત જ એ ના દેખાય તો પૂછતાં કે મમતા ક્યાં ગઈ છે. શરુઆતમાં પપ્પાનાં કડક સ્વભાવનાં કારણે એનાં મનમાં પપ્પા પ્રત્યે લધુતાગ્રંથી જે બંધાઈ ગઈ તે દૂર કરી ના શકી. અને દરેક નિર્ણય એની મા લેતી તેનાં કારણે પપ્પા ભાગ્યે જ ચિત્રમાં આવતાં. પરીક્ષાનું રિઝલ્ટ આવ્યાં પછી એના પપ્પાએ કહ્યું, “ બેટા, ડોક્ટરી લાઈનમાં જવા માટે ૬૦ % માર્ક ઓછા કહેવાય. બાકી તારી મરજી. ” પણ એની મમ્મીએ મમતાની ઈચ્છાને માન આપ્યું. ત્યારે પણ મમતાને પપ્પા પ્રત્યે નારાજગી પ્રગટ કરેલી. અને મમ્મી વહાલી લાગેલી. અનુભવે મમતાને સમજાયું કે એનાં પપ્પાનો અભિપ્રાય સાચો હતો. અને મનોમન પપ્પા પ્રત્યેનાં આદર, પ્રેમ માં એનાં હ્દયમાં ભરતી ઊભરાવવા લાગી.

ઓફિસે જતા જતા મમતાનાં પપ્પા કહેતાં ગયા કે બપ્પોરે તે વહેલાં આવશે અને મા, દીકરી ઘરમાં રહે. સરિતાને જતા જતા કહ્યું પણ ખરું, “ વાત આટલે સુધી પહોંચી છતાં મને કશું કહેતા નથી?”

મમતા મનથી ધ્રૂજી ઊઠી. તે પપ્પાનો ગુસ્સો જાણતી હતી. મા-દીકરી મૂંગે મોઢે રસોડામાં કામ કરી રહ્યાં હતાં, બપ્પોરનાં ઈંતજારમાં.

બપ્પોરની ચા મમતા ધ્રૂજતા હાથે પી રહી હતી. ડોરબેલ વાગતાં શરીરે પસીનો ફરી વળ્યો. દરવાજો ખૂલ્યો. એનાં પપ્પાએ મમતા અને સરિતાને પોતાના રુમમાં બોલાવી બંને જણને શાંતિથી સાંભળ્યાં ઉગ્ર દલીલો વચ્ચે.

“ સરિતા, છોકરાને જોવામાં વાંધો શું છે?”

“ પણ, મને આ પ્રેમલગ્ન માટે સખત વાંધો છે. હું આ લગ્ન કોઈ પણ કાળે થવા નહીં દઉં. ”

“ મમતા કાંઈ ઢીંગલી નથી. ઘર છોડીને જતી રહી તો?”

“ જવા દો. એનાં વગર મરી નહીં જાઉં. . ”

“ બેટા, તારી મા પાસે મારું કશું નથી ચાલતું તે તું સારી રીતે જાણે છે. . ”

“ પપ્પા, આમ મ્હેંણા ના મારો. પ્લીઝ, તમારો નિર્ણય જણાવો. . તમારી હામાં હા ને તમારી ના માં ના. . ”

“ હું ના પાડું,આને તું ભાગી જાય તો?”

“ પપ્પા, તમને મારામાં વિશ્વાસ નથી કે?”

“ સવારની તમારી હરકત જોઈને તો ના. ”

“ એનો અર્થ તમે મારી મમ્મીનાં પક્ષે છો. ” કહી ઊભી થઈ. ત્યાં જ ડોરબેલ વાગ્યી. સરિતા દરવાજો ખોલવા ઊભી થઈ. મમતાનાં પપ્પાએ સરિતાને કહ્યું, “ તમે રહેવા દો. બેટા,મમતા દરવાજો ખોલો, જે પણ હોય તેને પ્રેમથી લઈ આવો. ”

કમને મમતા પગ પછાડતી દરવાજો ખોલવા ગઈ. પપ્પાનું ધારણા વિરુધ્ધ વલણ જોઈ અચરજ પામી. પપ્પાનો ગુસ્સો તે જાણતી હતી. હવે તે બેફિકર હતી. ખાસ કરીને તેનાં પ્રણયની વાત માબાપ જાણી ચૂક્યાં હતાં.

આસ્તેથી દરવાજો ખોલ્યો. દરવાજે ઊભેલા શખ્સને જોઈ ડધાઈ ગઈ અને શબ્દ સરી પડ્યો, “ તું અહીં?”

“ હા,હું અહી. આ અમૃતલાલનું ઘર છે ને?”

“ હા આવો. . ” કહી માબાપ બેઠાં હતાં ત્યાં લઈ ગઈ.

“ સરિતા, આમને ઓળખે છે?”

“ ના. . ” સંકોચ સાથે કહ્યું. મમતા પાણીનો ગ્લાસ લઈને આવી.

“ સરિતા,આ આપણા જમાઈ. મમતાની

પસંદગી. મને એની પસંદગી ગમી છે, તને કેમ લાગે છે?” સરિતા કશું બોલ્યા વગર રસોડામાં ગઈ. મમતા પપ્પાને વળગી રડી રહી હતી.

“ હવે રોવાનુ્ બંધ કરો અને કરો મો મીઠું” કહી સૌના મોંમાં ગોળ મૂકી બોલી

“ રાણી ને ગમ્યો તે રાજા. . આપણે વગાડશું વાજા.

સમાપ્ત

પ્રફુલ્લ આર શાહ.