Marriage ni Maya books and stories free download online pdf in Gujarati

મેરેજ ની માયા

મેરેજ ની માયા

- લેખક -

આશા શાહ, ભૌતિક પટેલ, જાગૃતિ વકીલ, જય ગોહિલ,

કંદર્પ પટેલ, મનહર ઓઝા, રેખા પટેલ, સંજય પીઠડીયા,

પરેશ સોલંકી, અંકિત સોની, વૈશાલી ભાતેલિયા

READ MORE BOOKS ONwww.matrubharti.com

© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

ભાગ - 1

આશા શાહ

“આયખાના ચોક વચ્ચે ઊડતા ફુવારાઓ,

ઘૂટાતાં અરમાનોને છલકતાં સોણલાઓ.”

ફક્ત બે શરીર જ નહીં પરંતુ.. બે આત્માના મિલનનો સુઅવસર... એટલે લગ્ન.... લગ્ન એ બે વ્યકિતની સાથે સાથે બે હ્રદય, બે પરિવાર, બે વિચારસરણી અને બે મનને જોડતી લીલેરી ઘટના તો છે જ સાથે સાથે પાનેતરનો લાલ રંગ અંગેઅંગમાં ગુલમહોરની જેમ મહોરી ઉઠવાની, મહેંદીવાળા હાથમાં ચૂડીઓના ખનખનાટની અને કાજળઘેરી આંખોમાં સોનેરી સોણલાં છલકવાની સુમધુર વેળા પણ છે. મારું માનવું છે કે, દરેકે દરેક વ્યક્તિના જીવનમાં એક સાચો અને સારો જીવનસાથી મહત્વ ધરાવે છે. પછી ભલેને એ જીવનસાથીને સ્નેહનો તંતુ સાધીને મેળવ્યો હોય કે લગ્ન પછી એની સાથે હ્રદયના તાર જોડાયા હોય. મારી દ્રષ્ટિએ એમ વિચારવું કે, વ્યક્તિના જીવનમાં કઈ રીતે થયેલા લગ્નનું મહત્વ વધારે છે, લવ મૅરેજ કે અરેન્જ મૅરેજ.... ?? કરતાં કેવી વ્યક્તિ સાથે લગ્ન થયા છે એ વધુ મહત્વનું છે. તેમ છતાં આજના વિષયની છણાવટની સાથે ‘લગ્ન’ શબ્દની પરિભાષાની વિસ્તૃત ચર્ચા દ્વારા આ ચર્ચાસ્પદ મુદ્દાનો તાગ મેળવવાનો પ્રયત્ન કરીએ...

“પ્રેમ થકી મૈત્રી બંધાતી, ચાલી પગલાં સાત;

પ્રેમશૂન્ય છે સાવ નકામો, જીવનનો સંગાથ.”

આપણા સમાજના અસ્તિત્વના મુખ્ય આધાર સમાન લગ્ન વ્યવસ્થાના બે પ્રકાર છે. એક પ્રકાર એ જેમાં વડીલો અને સ્વજનો અભ્યાસ, કમાણી, કુટુંબ-પરિવાર અને પ્રતિષ્ઠાની એરણે ચડાવીને જે પાત્ર પર પોતાની મંજૂરીનો કળશ ઢોળે એને કહેવાય ‘ગોઠવાયેલા લગ્ન’ અને બીજો પ્રકાર એ જેમાં પાત્રની બીજી બધી પાત્રતાને ગૌણ સમજીને ફક્ત ને ફક્ત લાગણી, પ્રેમ અને આકર્ષણના સથવારે બંધાતું બંધન એટલે પ્રેમ લગ્ન. આ બંને પ્રકારના લગ્નની કેટલીક લાક્ષણિકતા છે તો કેટલીક મર્યાદાઓ પણ છે. આ બંને પ્રકારના લગ્નમાં બંને પાત્રો વચ્ચે પ્રેમ સંબંધ જ સૌથી વધારે મૂલ્યવાન છે. બંને વચ્ચે પ્રેમ સંબંધ તો બંધાય છે પરંતુ ફરક ફક્ત એટલો જ છે... કે, લવ મૅરેજમાં પ્રેમ પહેલા થાય છે અને લગ્ન પછી જ્યારે અરેન્જ મૅરેજમાં લગ્ન પહેલા થાય છે અને પ્રેમ પછી.. એક લગ્ન એવા છે જેમાં ક્યારેક વર્ષો વીતવા છતાં જીવનસાથીનો પ્રેમ મળતો નથી ને એક એવા છે જેમાં પ્રેમ માટે વર્ષો સુધી જીવનસાથી માટે રાહ જોવાય છે. એક બાજુ બંને પાત્રો બ્લાઈંડ ગેમ રમે છે જ્યારે બીજી બાજુ પ્રેમ માટે બંને પાત્રો બ્લાઈંડ થઈ જાય છે. એક તરફ સામે વાળા વ્યક્તિની હિસ્ટ્રી જીઓગ્રાફીને વધુ મહત્વ અપાય છે તો બીજી તરફ સામે વાળા વ્યક્તિ સાથેની તમારી કેમેસ્ટ્રી જ પરિણયમાં પરિણમે છે. એક સંબંધ ધીરે ધીરે કેળવાય છે તો બીજો ધીરે ધીરે પોતાનું આકર્ષણ (અપવાદ રૂપ કિસ્સાને બાદ કરતાં) ગુમાવતો જાય છે. જો કે બંને પ્રકારના સંબંધના પાયામાં ત્યાગ, સહનશક્તિ, પ્રેમ, વિશ્વાસ અને પોતાના સાથીના પડખે ઉભવાની ભાવના તો હોય જ છે જે લગ્નને ખરાં અર્થમાં જિંદગીભર માટે લગ્નોત્સવ બનાવવા માટે સક્ષમ છે.

“ડાળી પર કૂંપળ ફૂટ્યાની ઘડી છે,

એના ભીનાં ઓવારણાં લે જે.”

જો કે મારું માનવું છે કે, ગોઠવાયેલા લગ્ન હોય કે પ્રેમ લગ્ન, લગ્ન વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ જ નવ સર્જન છે એટલે આ સંબંધમાં શારીરિક આકર્ષણનું મહત્વ અનેકગણું વધારે હોય છે(પ્રેમ લગ્નમાં પહેલાથી અને ગોઠવાયેલા લગ્નમાં પછીથી) તેમ છતાં લગ્ન એ સ્ત્રી અને પુરૂષ વચ્ચે બંધાતું સૌથી વધારે પવિત્ર બંધન છે. બે વિજાતીયના શરીરનું ઐકય સધાય તો એની સાથે એ બંનેના સ્વભાવ, ગમા-અણગમા, શોખ, આદત અને વિચારનો પણ સમન્વય સધાય એ પણ એટલું જ જરૂરી બની રહે છે. લગ્નની સફળતાનો મુખ્ય આધાર એકબીજા ઉપરના પ્રેમ કરતાં પણ એકબીજા ઉપરનો પૂર્ણ વિશ્વાસ છે. લગ્ન એ તો જીવનનું મંગલાચરણ છે. લગ્નજીવનને સફળ બનાવવા માટે કયા પ્રકારે લગ્ન થયા છે એ જોવું જરૂરી નથી બલ્કે કેવી વ્યક્તિ સાથે થયા છે એ જરૂરી છે. ઘણી વખત તો વર્ષોના વર્ષો સાથે વિતાવ્યા બાદ પણ પોતે જેનું પડખું સેવ્યું છે એના મનને સમજવું અઘરું થઈ પડે છે. જો એકબીજાના ગુણદોષને સહેવાની વૃતિ હોય તો જ લગ્નજીવન સફળ બની શકે છે. એકબીજાના જીવનમાં સુપેરે ગોઠવાઈ જવું એ પણ એક કલા છે. બંનેના અંતરમાં વહેતું વ્હાલપનું ઝરણું કયારેય સૂકાવું ન જોઈએ. જીવનના કોઈપણ પળે મળતી સફળતા કે નિષ્ફળતાના સમયે પતિ-પત્નિ એકબીજા સાથે જોડાયેલા હોય એ જરૂરી છે.

“સંગ જો હોય સાજનનો ને, ગરમાળાનાં ફૂલો રે;

વૈશાખી વહાલપની મોસમ, બાકી સઘળું ભૂલો રે...”

ગોઠવાયેલા લગ્નમાં જીવનના તમામ ઉતાર-ચડાવ વખતે વડીલોનો સધિયારો મળી રહે છે તો પ્રેમ લગ્નમાં જીવનસાથી તમારી મૌનની ભાષા પણ સુપેરે સમજી શકે છે. પરંતુ ગોઠવાયેલા લગ્ન ફક્તને ફક્ત પૈસા અને પ્રતિષ્ઠાની અને પ્રેમ લગ્ન શારીરિક આકર્ષણ અને વાસનાની બેડીએ ન બંધાવા જોઈએ. કારણકે, જેમ વ્હાલને ક્યારેય વ્યાખ્યામાં બાંધી ન શકાય, એ જ રીતે લગ્નને પણ ક્યારેય એક વ્યાખ્યામાં ઝકડી નથી શકાતું. લગ્ન એટલે જવાબદારી, સંવાદિતા, સમજણ અને કુનેહતાનું જીવતું જાગતું ઉદારહણ... શરત વિનાનો પ્રેમ, સંબંધોની માવજત, એકબીજાના માન-સન્માનની જાળવણી અને એકબીજાના ગમા-અણગમાનું ધ્યાન રાખીને જીવાતું સહજીવન એટલે જ લગ્ન. સહજીવનમાં ‘હું’ માંથી ‘અમે’ તરફ લઈ જઈ જીવનને ગુંજતું, ગાતું, સુરીલું બનાવવાના સહિયારા પ્રયાસ દરમ્યાન દંપતિ વચ્ચે કદાચ ક્યારેક મતભેદ ઉત્પન્ન થાય તો પણ મનભેદ ક્યારેય ઉત્પન્ન ન થવો જોઈએ.

“મળે જીવનને તાલ, ઊડે જો પ્રેમનો ગુલાલ.”

જેમ દૂધમાં સાકર ભળે એમ દંપતિ એકબીજાના હ્રદયમાં સમાઈ જાય તો એમનું સહજીવન સદાય પૂરબહારમાં ખીલેલું રહે છે. નર અને નારી બંને એક્બીજા વિના એકાકી છે, અધૂરા છે. લગ્ન એ અધૂરપને પૂર્ણતા બક્ષે છે. ગોઠવયેલા લગ્નના લગ્નજીવન દરમ્યાન બંને પાત્રો જો સતત કશીક બાંધછોડ કર્યાની ભાવના મનમાં ચગળ્યા કરતા હોય તો એમનું સહજીવન કયારેય સખ્યજીવન બનતું નથી. એવી જ રીતે પ્રેમલગ્ન કરનાર દંપતિ લગ્ન પહેલા અને પછીના પ્રેમની સરખામણી કરીને પોતાના જીવનસાથીનું મૂલ્ય ઓછું આંકતા રહે અને એકબીજાને અનુકૂળ ન બનીને જીવંતતાથી ન પામી શકે તો લગ્ન ટકાવી રાખવા અઘરાં બની રહે છે. “હું તને બહુ પ્રેમ કરું છું…. કે મને તારા માટે બહુ લાગણી છે...” એ ખાલી શબ્દોનો કોઈ અર્થ નથી જ્યાં સુધી તમે એને હ્રદયથી સ્વીકારલી ન લ્યો. અંતરના શૂન્યવકાશને ભરવું હશે તો પતિ-પત્નિના સંબંધો પ્રેમની ઉષ્માથી છલોછલ, ભાવની ભિનાશથી ભરપૂર, વિશ્વાસપૂર્ણ અને સંશયથી પર હોવા જોઈશે.

બંને પ્રકારે થતાં લગ્નની પોતપોતાની લાક્ષણિકતા અને મર્યાદા છે એતો આપણે જોયું. પરંતુ બંને પ્રકારે થતાં લગ્નમાં થેલેસેમિયાનું નિદાન કરાવવા જેવી એક મૂળભૂત બાબત વિસરાઈ જાય છે... ગોઠવાયેલા લગ્નમાં ખાનદાન, પ્રતિષ્ઠા, પૈસો અને વર-વધુની કુંડળી જોઈને સંબંધ ઉપર મહોર લાગી જાય છે અને પ્રેમલગ્નમાં તો એકબીજા પ્રત્યેનું અસ્ખ્લિત આકર્ષણ બીજું કશું ક્યાં જોઈ શકે છે.. ?? અને આમ નાદાનીમાં જો કદાચ બંને પાત્ર થેલેસેમિયા માઈનર હોય તો તેઓ ભવિષ્યમાં થેલેસેમિયા મેજર જેવી લાઈલાજ બિમારી ગ્રસ્ત બાળકને આ દુનિયામાં લઈ આવે છે જે એ બંને માટે દુ:સ્વપ્ન સમાન બની રહે છે.

“એકમેકમાં જેમ ભળે રંગો એવું ભળીએ,

ભીની-ભીની લાગણીઓમાં મનભરી પલળીએ,

આજની જેમ જ આયખું આખું યે સંગ સંગ...”

અને છેલ્લે.... લગ્ન કોઈપણ પ્રકારે થયા હોય પરંતુ પતિ-પત્નિ બંને, એકબીજાના આત્મસન્માન અને અભિમાન વચ્ચેની જે પાતળી ભેદરેખા છે એને પારખીને આગળ વધે એ વધુ જરૂરી છે. અંહકાર હમેંશા બંને પક્ષે વિનાશકારક બની રહે છે. એકબીજાની આગળ કે પાછળ નહીં પરંતુ સાથે ચાલવાથી બંને વચ્ચે અક્ષુણ્ણ મૈત્રીનું આકાશ વિસ્તરી રહે છે. ‘બંને જણાં હાથમાં હાથ નાખીને મળ્યા કે બંને મળ્યા ત્યારે હાથમાં હાથ અપાયો... ’ એમાં ઊંડા ઉતરવા કરતાં બંને વચ્ચે જે જોડાણ થયું છે એને સંતોષ, પ્રેમ, સમજણ, સંવાદિતા, કુટુંબભાવના અને ત્યાગના અંલકારો સાથે અપનાવીએ તો.. ?? તો તો સોનામાં સુગંધ જ ભળી જાય. જોડી તો ઉપરવાળો જ બનાવે છે અને એ જોડીનું સંધાણ કયા પ્રકારે થાય છે એના ઉપર એમના પૂરા જીવતરનો પ્રભાવ તો ન જ પડવો જોઈએ. Arrange Marriage હોય કે Love Marriage ફક્ત M= MERGING, A= AMBITION R= RESPECT R= RESPONSIBILITY I= INTIMACY A= Assurance G= GAIETY E= ETERNITY’ આટલું યાદ રાખવાથી જિંદગીભર માટે સમાજની સામે ધૂમધામથી ફરેલા કે પછી કોઈ મંદિરમાં સાદાઈથી લીધેલા ચાર ફેરાનું મૂલ્યાંકન અવશ્ય કરી શકાશે એ વાતમાં કોઈ જ બે મત નથી કેમ ખરું ને..... ???

***

ભાગ - 2

ભૌતિક પટેલ

Marriage arrenged હોય કે પછી love પણ આ MARRIAGE શબ્દ થી જ માણસ ડરતો આવ્યો છે તે પાક્કું છે દોસ્ત !!

શા માટે marriage શબ્દ એટલો ફિક્કો પડી ગયો છે તેના મૂળ માં જઈ ને કોઈ એ વિચાર્યું જ નથી. બસ એક dialog બધાં ને યાદ છે, કે marriage નામનો લાડવો ખાઈએ તોય પછતાઈ અને ના ખાઈએ તોઈ પછતાઈ. અત્યાર ની young generation ને જઈને પૂછજો કે marriage વિશે શું વિચાર છે? બધાનો સરખો જ જવાબ મળશે, કે મારું ચાલે તો હું લગ્ન કરું જ ની. આ તો સમાજ ના ડર થી લગ્ન કરવા પડે છે. "not only boys but also girls are fear of the marriage words"

શા માટે marriage શબ્દ આટલો ફિક્કો પડી ગયો છે. તેનું મૂળ કારણ છે કે છોકરા કે છોકરી ને પૂછવામાં જ નથી આવતું કે તને કયું પાત્ર ગમે છે ? બસ ઠોકી બેસાડવામાં આવે છે તારે આની સાથે જ marriage કરવાના છે બસ બીજું કઈ નહિ. કયા parents એવા છે કે જેણે પૂછ્યું હશે કે તને કોઈ ગમતી છોકરી કે છોકરો હોય તો કે જે આપણે તેની સાથે તારા લગ્ન કરાવશું અને જો તે કહે કે પપ્પા હું આની સાથે પ્રેમ કરું છું, અને તે પણ મને પ્રેમ કરે છે, તો ફરી થી પૂછવામાં આવે છે કે "આપણી જ્ઞાતી ની જ છે ને ? નહીતર ભૂલી જજે " વાહ!! પ્રેમ તો કપાળ પર રહેલા જ્ઞાતિ ના સિમ્બોલ જોઈ ને થોડી થાઇ કઈ? ત્યારે આ marriage શબ્દ ફિક્કો પડી જાય છે. ચાલો હવે વાત કરીએ કે marriage કેવા હોવા જોઈએ.

1 Love marriageed.

2 Arrenged marriage.

3 Live and Relltionship. આ option પણ છે.

1 Love marriage.

અત્યાર ની young genretion માટે નો શ્રેષ્ઠ choice એટલે love marriage. અરે ભાઈ કોઈ 15 વર્ષના છોકરા ને પુછોને કે શું તારે Girl friend છે? તો તેનો જવાબ આવશે કે હા!! દોસ્ત એક નહિ બે છે. હા!હા! આટલી ઉમરે તો આપણને ખબર પણ પડતી ના હતી કે what is love? Love marriage માં મને ખુબ જ પ્રિય હોય તો છે કે તમે સામે ના પાત્રને પહેલેથી જ જાણતા હોવ છો. તેનો ગામો-અણગમો, favorite વસ્તુ, clothing sence, everything...

અને સામે ના પાત્ર સાથે marriage પહેલા વિતાવેલી ક્ષણો એટલી ધારદાર હોય છે કે તેની સામે સૂર્ય ના કિરણો પણ પાછા પડે છે દોસ્ત. પોતાની એક નવી શ્રુષ્ટિનું નિર્માણ કરવું, અને તે દુનિયામાં ખોવાઈ જવું. તમારી પહેલી મુલાકાત અને તેની સાથે હાથમાં હાથ નાખી ને ચાલવું, પ્રિય પાત્ર ના ખોળામાં સુવું, પહેલું ચુંબન, તેની સાથે જોયેલું પહેલું ફિલ્મ, અને સાથે ગાયેલા song, પહેલી valentine date પર જવું આ બધું એટલું જ આનંદદાયી હોય છે કે તેની સામે સ્વર્ગ નુ સુખ પણ ઝાંખું પડે દોસ્ત. પોતાના પ્રિય પાત્ર ના કેટલાય પાડેલા નામ હની, જાનું, શોના, કે ઢીંગલી વગેરે ખુબ જ પ્રિય લાગે છે. અને જયારે call આવે ત્યારે ગર્લ-ફ્રેન્ડ કે બોયફ્રેન્ડ નામનું tital જોઈને મોમાં પાણી આવી જાય દોસ્ત. તેની સાથે ચાલેલા કલાકો ફોન જે mobile bill ની પણ પરવાહ કરતુ નથી. સામેના પાત્રને ગમતી caller tune રાખવાની મજા જ કૈક ઔર છે દોસ્ત. જયારે whats app માં લાસ્ટ સીન 1 minute અગો જોયેલું હોય અને તેના પાછા ઓન થવા માટે કેટલીય વાર રાહ જોવાની, તેના profile pic., તેના whats app status એટલા જ રોમાંચિત કરે છે કે નવા જન્મેલા બાળક વખતે આખું iઘર ખુશ હોય. facebook ના picture પર like ન કરવાથી કરેલો મીઠો ઝગડો જેનાથી કલાકો રિસાઈ ને બેસવાનું, અને સામેવાળાને મનાવવા કરેલા હઝારો પ્રયાસો ખુબ જ રોમાંચિત કરી મુકે છે.

આ બધું જ marrage માં પરિણમી શકે જો parents રાજી હોય તો !! નહીતર શું કરવાનું ? હા!!! ભાગી ને લગ્ન કરવાના પછી આખા સમાજ સાથે લડવાનું parents સામે નીચા દેખાવાનું, બીજો option પણ છે. જે news paper માં વારંવાર છપાયેલો રહે છે, કે એક પ્રેમી યુગલે નદી માં ઝંપલાવ્યું. સાહેબ અહિયાં તે યુગલ નહિ પણ પ્રેમ મરે છે! એ લોકો ની વ્યથા કેવી હશે કે જેણે જીવન નું અંતિમ પગલું ભર્યું. કમનસીબે આપણા સમાજ માં ૧૦% marriage જ love marriage માં પરિણમે છે જે ખુબ જ દુખ ની વાત છે. અને તે જ love-birds કોઈ બીજા પાત્ર સાથે લગ્ન કરી લે છે. અને પોતાએ બનાવેલી જિંદગી કોઈ બીજા સાથે જીવવી પડે છે. અને પછી ચાલુ થાય છે જંગ civil war. હા! દબાયેલી સ્પ્રિંગ બમણા વેગ થી ઉછળે છે. પોતાના અંદર રહેલા વિચારો નું pressure કુકર ફાટે છે. જે divorce માં પરિણમે છે. સાચું કહું ને દોસ્ત મને પણ આ love marrage ગમે છે પણ love કરવા માટે સામે નું પાત્ર પણ જોઈએ જે મારી પાસે નથી. so sad નઈ!! અંતે

“મહોબ્બતના સવાલો ના કોઈ જવાબ નથી હોતા

હોય છે એ એટલા સધ્ધર નથી હોતા

મળે છે એક જ પ્રેમીને સાચી લગન દિલની

બાકી બધાય ઝેર પીનારા કઈ શંકર નથી હોતા”

2 ARRANGED MARRAGE

વડીલો કે parents માટેનો શ્રેષ્ઠ OPTION એટલે arranged marrage તેનું મૂળ કારણ શું છે દોસ્ત ખબર છે. આ આપણી સંસ્કૃતિ છે. અને સંસ્કૃતિના પાયાને કોઈ હલબલાવે તે મંજુર નથી તેમના માટે. arranged marriage માં તમારી પાસે સામેનું પાત્ર select કરવા માટે option છે. હમણાં આનું lattest version આવ્યું છે તમારે bio-data તૈયાર કરવાનો અને પછી તે પાત્ર ને જોવા જવાનું જેમ જોબ લેવા જતો હોય તેમ. હા!હા! ભાઈ આ તારી જિંદગી નો સવાલ છે કોઈ એક પેજ માં સામેની વ્યક્તિને પૂરે પૂરો માની લેવો તે જરુરી નથી. તેના માટે અનુભવ કરવો પડે સામે ના વ્યક્તિની ચહેરા ની કરચલી બતાવી મુકે કે તે કેટલો પાણી માં છે.

એક વખત બંનેને ગમી જાય એટલે પત્યું? નહિ!! તેની મિલકત જોવાની, તેની જમીન જોવાની, તેની માણસાઈ જોવાની, અને જો આ બધુ જ 100% હોય તો જ તમે પાસ થાવ. પાસ થયા પછી પ્રેમ માં પડવાનું. હા!! દોસ્ત પછી ની મજા કૈક ઓર છે. એકબીજના વિચારો ને સમજવાનું અને શોધી લેવાનું કે સામે ના પાત્ર ના દીલ માં શું છે? દર રવિવારે તેના ઘરે જવાનું તેને pick-up કરી ને ફરવા જવાનું, movie જોવા જવાનું, દરિયા કિનારે જવાનું અને સાંજે સમયસર તેના ઘરે ડ્રોપ કરવાની, આખી શેરી કે મહોલ્લા ના લોકો જોતા હોય કે કેટલું મસ્ત કપલ છે. દર વખતે ઘરે જઈએ એટલે ગીફ્ટ કાં તો dairy-milk લઇ ને જવાનું સામે વાળા ની smile જ બધું કહી દે દોસ્ત.

Arranged marriage માં તમારી પાસે licence હોય છે. એટલે કોઈની ફિકર જ રહતી નથી. રાત્રીના 3 વાગ્યા સુધી call ચાલુ રાખવાનો અને ફોન માં પૂછવામાં આવેલી કેટલીય વાતો જેવી કે જમ્યા કે નહિ? શું જમ્યા? પેલી કાકા ની છોકરી ટીકુ કેટલી મસ્ત છે, નહિ? અને ઘણી બધી flying kiss મેળવી ને સુઈ જવાનું. આપણને ખબર જ ના પડે કે આપડે ક્યારે પ્રેમ માં પડી ગયા?

ઈશ્ક ના સુફી..... ના મૌલા.... ના અલીમ હૈ,

ઇશ્ક તો બસ જાલિમ હૈ... જાલિમ હૈ... ઔર જાલિમ હૈ...

જયારે marriage થાય ત્યારના દિવસો ખુબ જ મઝાના હોય છે. આખા ઘર ને દુલ્હન ની જેમ રોશની થી શણગારવાનું. અને રાજા કે રાણીની જેમ આપણી બધા સંભાળ લે. મને ખુબ જ પ્રિય છે કે કન્યાદાન, સપ્તપદીના સાત નિયમ અને અગ્નિના સાક્ષીયે ફેરેલા ફેરા, સાસરે વિદાય લેતી કન્યાના હૈયાફાટ રુદન ગમે તે બાપ ના આંખો માં આંસુ આવી જાય દોસ્ત. “ WHAT A BRILLENT MOMENT OF THIS”. આખી દુનિયા ફરી લેજો ક્યાય પણ આવા marriage જોવા નહિ મળે બોસ!!

arranged marriage પછી ના વર્ષોમાં કેટલાય કપલ ના મોઢે થી સંભાળવામાં આવતો શબ્દ “યાર હવે પહેલા જેવો પ્રેમ રહ્યો નથી.” એક્દમ ખોટું છે, દોસ્ત તમે તેને સમય જ નથી આપતા અને ફરિયાદ બીજા પર કરો છો. ક્યારેક રોઝ લઈને જાવ, birth-day મનવો, કેન્ડલ light dinner કરો, anivarsary મનાવો, કોઈ માઈ નો લાલ રોકી નથી શકવાનો તમને love કરવામાટે. અને જયારે 50 ની ઊમર થઇ જાય ને અને કબાટ માંથી કાઢેલો આલ્બમ આપણા છોકરા જોતા હોય ને ત્યારે ફરી થી પ્રેમ માં પડો. હા પહેલા જેવો જ પ્રેમ અંતિમ પથારી સુધી કરો. દોસ્ત મેં જોયો છે આવો પ્રેમ મારા દાદા-દાદી નો.

“હઝારો ગમ હો ફિર ભી મેં ખુશીસે ફુલ્લ જાતા હું,

જબ હસતી તું હે તબ હર ગમ ભુલ જાતા હું”

3 Live and Reletinship

ફિલ્મ INDUSTRY માટેનો શ્રેષ્ઠ option એટલે live in. આપણા gujarat માં 2% જેટલા જ લોકો કદાચ આમાં હોય. પણ આવતા દાયકા માં ચોકકસ હશે તેવું હું માનું છું. love કરવાનો સાથે રહી ને પણ marriage ની કરવાના. ચાલો આજ ની યુવા પેઢી ને આ ગમે છે એટલે માનવું જ રહ્યું. પણ આ option આપણી જિંદગી માં ના આવે તો સારું!!!

“કરની હે ખુદા સે યે દુવા કી તેરી મુહાબત કે સિવા કુછ ના મીલે, ઝીદગી મેં સિર્ફ તું મિલે યા ફિર જિંદગી હી ના મિલે”

***

ભાગ - 3

જાગૃતિ વકીલ

સમગ્ર સમાજમાં નર અને માદા છે, પણ એકમાત્ર માનવસમાજમાં જ પતિ-પત્ની છે. આ એક જ સંબંધને આધારે ભાઈ-બહેન, મામા-મામી, કાકા-કાકી, દાદા-દાદી, નાના-નાની જેવી સંબંધલીલા પાંગરી છે. માનવસમાજની સહુથી વિશિષ્ટ ઘટના ‘લગ્ન’ વિશેની ભારતીય પરંપરા અનોખી છે...

મહાન લેખક શ્રી ફાધર વાલેસ કહે છે: “લગ્ન એ સંસાર દીક્ષા છે, સંસ્કારની પવિત્રતા છે.” સામાજીકરણની પ્રક્રિયામાં કુટુંબજીવન, લગ્નજીવન અને સગાઇ સંબંધોની વિશિષ્ટ ભૂમિકા છે...

સમયના ચક્ર સાથે કુદરત વાતાવરણ બદલવા મજબુર હોય છે તો કાળા માથાના માનવીની શી વિસાત ?? પશ્ચિમી પવનમાં માત્ર નામની ઓળખથી નક્કી થતા વિવાહ, , ધીરે ધીરે યુવક-યુવતીના પસંદગીના કળશથી પર વધી, પ્રેમલગ્નની શતાબ્દી સુધી પહોચી ગયા છે.. આજના યુવક-યુવતીઓ વધુ શિક્ષણ મેળવતા થયા છે, સહ શિક્ષણને કારણે મુક્ત વાતાવરણમાં રહેતા થયા છે ત્યારે પોતાના ભાવિ જીવન માટે સ્વતંત્રતાથી વિચારતા પણ થયા છે… પુખ્ત ઉમરે પહોચ્યા પછી એક મોટો પ્રશ્ન સતાવતો હોય તો એ છે કે. લવ મેરેજ કે એરેન્જ મેરેજ ?

આ બંને વાતને યોગ્ય રીતે સમજી, વિચારી, કુટુંબ સાથે ચર્ચા કરી સારાસાર સમજી પછી જ નિર્ણય લેવો જરૂરી છે.

ધૂમકેતુના મતે “કુદરતે જ પુરુષ માટે પ્રકૃતિ અને પ્રકૃતિ માટે પુરુષ સર્જેલ છે.”

કેમકે બેઉ વિના જીવન વિકાસ જ પૂરો થતો નથી. એ વિકાસ સર્જનની સફળ શોધ એ જ જીવનનો અંતિમ હેતુ છે. એ જ માનવ સંસ્કારનું સાચું સૌન્દર્ય છે. એ જ પરમ સત્ય અને એ જ સંસારની શોભા છે.” લગ્નજીવન સફળ ત્યારે જ થાય જયારે બને પાત્રોમાં સમજદારી હોય, ધીરજ હોય, એકમેક પર અતુટ વિશ્વાસ હોય....

આપેલ આલેખ એક સર્વેક્ષણનો છે તે મુજબ મુજબ આજના યુવાઓના મતે લવ મેરેજ કે એરેન્જ મેરેજ્માંથી લવ મેરેજને વધુ પ્રાધાન્ય અપાયું છે. આમ જોઈએ તો બેયના ફાયદા ગેરફાયદા જોઈ સમજી વ્યક્તિએ પોતાની વ્યક્તિગત ક્ષમતાને આધારે નક્કી કરવું જોઈએ કે સ્વયં માટે શું યોગ્ય છે?

લવ મેરેજમાં ક્યારેક એવું બને કે “લવ એટ ફર્સ્ટ સાઈટ”.. મુગ્ધાવસ્થામાં માત્ર આકર્ષણ અને યોગ્ય સમજના અભાવે એવા કોઈ પાત્રની પસંદગી થઇ જાય કે જીવનભર પોતાના માટે યોગ્ય ન હોય, વડીલોની દૂરદર્શિતાને આધારે કરેલ વિરોધને વ્યક્તિ સમજી ન શકતામાં બાપની મરજી વિરુદ્ધ, ભાગીને, મિત્રોના સહકારથી પોતાનો આજીવન પ્રેમ સાબિત કરવા અને પોતાની પસંદગીને યોગ્ય છે એવો પોકળ દાવો પુરવાર કરવા સપ્તપદીના ફેર ઉતાવળે ફરી લેતા, કોર્ટ મેરેજ કરી લેતા અનેક યુગલો આજે પછતાય છે, અલગ પણ પડી ગયા છે અને

“ઝીંદગી તારું કેવું ગણિત? એક પગલું ખોટું તો આખો દાખલો ખોટો... !!”

મુજબ જિંદગીભર પોતાની જાતને કોસતા અને અમુલ્ય જિંદગીને બરબાદ કરતા રહ્યાના અનેક દાખલાઓ આજે સમાજમાં મોજુદ છે... ઉપરાંત સામાજિક વિરોધ પણ ક્યારેક બહુ મોટું વિઘ્ન બની જાય છે. પ્રતિષ્ઠા પર વિપરીત અસરો, અનુકુળતામાં મુશ્કેલી, આર્થિક અસમાનતા.. વગેરે જેવી બાબતો ત્યારે ખુચે કે જયારે પ્રેમનો ઉભાર ઉતરી જાય, , એકમેકની ખામીઓ, રીત-રીવાજ, રહેણી-કરણી ને સરળતાથી ન અપનાવી શકવાને કારણે બે પાત્રો વચે દીવાલ ચણાવવાનું શરુ થાય છે...

કવિશ્રી ગોવર્ધનરામના મતે”રસએક્ય વિણ મનએક્ય નહિ--- મનએક્ય વિણ નહિ મિત્રતા...”

લગ્ન બે શરીર, બે મનનું મિલન છે, મનની મિત્રતા વગર સફળ લગ્નજીવન શક્ય જ નથી, અને એ મિત્રતા એટલે જ સહનશક્તિ., સામા પત્રની આવડત-અણઆવડતને સર્વે અપનાવી, જે છે તેમાં જ સ્થિર રહેવાની વાત... જો એ થઇ શકે તો જરૂર લવ મેરેજ સફળ થાય...

શું તો એમ માની લેવું કે એરેન્જ મેરેજ જ સફળ થાય ???

ત્યારે ઘણા યુવાનીયાઓના મતે એરેન્જ મેરેજ એટલે? નામ માત્રથી ઓળખીને એકબીજાને પસંદ કરી લેવા?? નાં... જરાય નહિ... આવું બિલકુલ નથી હો...

સાક્ષરતાથી ભર્યા આજના સમાજમાં માતાપિતા પણ પોતાના સંતાનોને તેના ગામ અણગમા વિષે પૂછી, ચર્ચા કાર્ય બાદ જ પાત્ર બતાવે છે, એક બે વાર મળ્યા પછી વિચારોની આપ લે કાર્ય પછી, સામેનું પાત્ર પોતાને અનુકુળ છે કે નહિ તે જાણવાની, સમજવાની પૂરી તક મળે છે ત્યારે વ્યક્તિ યોગ્ય પુખ્ત વિચારો દ્વારા નિર્ણયો લઇ શકે છે... આમ એરેન્જ મેરેજમાં માત્ર બાહ્ય આકર્ષણ કે ઉમરની અસરને કારણે ખોટા નિર્ણયો આવવાની શક્યતા રહેતી નથી, સાથે વડીલોની અનુભવ દ્રષ્ટિનો મોટો લાભ મળતા ખોટું પાત્ર આવી જવાની સંભાવના નથી રહેતી... સમજીને કરેલા નિર્ણયથી રચાયેલુ, મંડાયેલું મંડપ આરોપણ સાત ભાવ નહિ તો છેવટે આ ભાવ તો પુરેપુરો સાથ નિભાવે જ છે....!! આમ, સમજી વિચારીને કરેલ એક નિર્ણય આખી જિંદગી બદલી નાખે છે. ભલે ક્ષેત્ર અલગ હોય, વિચારો અલગ હોય છતાં સમજણથી, અનુકુળ થઈને, એકમેકના પુરક બની જીવતા અનેક દાખલાઓ સંસારમાં આજે પણ છે... ટુકમાં લાભાલાભ સમજીએ તો.. આ ચિત્ર થોડામાં ઘણું કહી જાય છે:

આમ જોવા જઈએ તો બેય માંથી કોઈ એક પણ ખોટું નથી. આધ્યાત્મિક રીતે જોઈએ તો, મનુષ્યજીવન ના લક્ષ્યને યાદ રાખી આપને પરમાત્માની શોધ કરવાની છે ૮૪ લાખ યોનીઓ પછી મનુષ્ય જન્મ મળ્યો છે... પણ એમાં મનુષ્ય યોગ્ય સમજને અભાવે વિષયવાસના અને ઇન્દ્રિયોને તૃપ્ત કરવામાં જ પોતાનું જીવન વેડફી નાખીએ છીએ.... એનું એક સાદું ઉદાહરણ જોઈએ તો... જ્યાં સુધી સમુદ્રમાંથી સાચું મોટી ન મળે ત્યાં સુધી વ્યક્તિ સમુદ્ર કિનારે મળેલા ચમકતા પથારને જ મોતી સમજી સાચવી રાખે છે... જયારે સાચું મોટી મળે એટલે કે સાચી સમજ આવે ત્યારે ખોટા ચમકતા પથ્થરને ફેકી પ્રેમ તરફ આગળ વધે છે...

કબીરજી કહે છે:ઢાઈ અક્ષર પ્રેમ કે, પઢે સો પંડિત હોય...”

આ કહેવા પાછળનો મુખ્ય હેતુ એ જ છે કે એ તો આપના પોતાના પર નિર્ભર છે કે કયા સ્તરે અને ક્યાંથી આપને પ્રેમ મેળવવો છે? સ્વયં જેને પ્રેમ કર્યો છે ને જેની સાથે સ્વેચ્છાએ વિવાહ કર્યાછે એ પાત્ર માંથી કે માતા પિતાએ શોધી આપેલ અને સમજી વિચારીને અપનાવેલ વિવાહ્બંધને જોડાયેલા પાત્રમાંથી ??

અંતમાં,

“સ્નેહીજનોના સથવારો જેમાં, મીઠો કુટુંબીજનોનો કલરવ જેમાં,

જોઈ એકબીજાના હૃદય હસતા, એથી વધુ શું જઈએ જીવનમાં??”

એરેન્જ મેરેજ પછી જીંદગીમાં આવેલ પાત્રને પ્રેમ કરવો કે પ્રેમ કરેલ પાત્ર સાથે એરેન્જ મેરેજ કરી શાંતિ થી જીવવું ?તે વ્યક્તિગત પ્રશ્ન છે.... બસ એટલું યાદ રાખવું જરૂરી છે કે...

“યાદે અક્ષર હોતી હૈ સતાને કે લીએ, કોઈ રૂઠ જતા હૈ ફિર મનને કે લીએ,

રીશ્તો કે નિભાના કોઈ મુશ્કિલ તો નહિ, બસ પ્યાર હોના ચાહીએ, ઉસે નિભાને કે લીએ....”

***

ભાગ - 4

જય ગોહિલ

જિંદગીમાં લગ્ન એટલે એવો તબ્બકો કે જેમાં એક માંથી બે થવાની પ્રક્રિયા અથવા એવું કહી શકાય બે દિલની એક થવાની પ્રક્રિયા.. !!! ખોટો શબ્દ વપરાય ગયો લગ્ન એ કોઈ પ્રક્રિયા છે જ નહિ. લગ્નએ સમજ, સ્નેહ અને સંબંધનો સહયોગ છે. જ્યાં પ્રેમનો એકડો ઘુંટ્યા પછી અંસખ્ય જવાબદારી પૂરી નીષ્ટાં અને વિશ્વાસથી નિભાવાની હોય છે. લગ્ન સમયે બાંધવામાં આવેલી ગાંઠ, પોતાની અંદર પ્રેમ, સુખ, દુઃખ, હતાશા, નિરાશા, મુશ્કેલી આ બધું જ સમાવીલે છે, જે બે વ્યક્તિત્વ વચ્ચે ગાંઠ બંધાયેલી છે એ બંને વચ્ચે આ બધું જ વહેચી લે છે. પણ મૂળ ભારતમાં જો લવ મેરેજ અને એરેન્જ મેરેજ ની જો કોઈ વ્યાખ્યા કરવી હોય તો એક સિમ્પલ ભાષામાં એમ કહી શકાય કે જો બે વ્યક્તિ વચ્ચે લગ્ન થાય તો તેને લવ મેરેજ કહેવાય અને બે પરિવાર વચ્ચે લગ્ન થાય તો તેને એરેન્જ મેરેજ કહેવાય. લગ્નની આ વ્યાખ્યામાં જ લગ્નની સફળતા અને નિષ્ફળતાનો મૂળ પાયો રહેલો છે. પાછાં આપણા જેવા બુદ્ધિશાળી લોકો લગ્નની સફળતા અને નિષ્ફળતા એ ‘ડાયવોર્સ’ નામના ડેન્જર શબ્દથી નક્કી કરતાં હોઈએ છીએ. જે લોકોનાં ડાયવોર્સ થયા છે એ લોકોનાં મેરેજ નિષ્ફળ છે એવું માની લેવાની આપણી ખોટી માન્યતા માં આપણે એ ભૂલી જઈએ છીએ કે જે લોકો એરેંજ મેરેજ અથવા લવ મેરેજ કરે છે અને દુનિયાના ડરને લીધે પોતાની આખી જિંદગી “પોતાના લગ્નને ‘SO CALLED’ સફળ બનાવવા માંગે છે એ લોકો શું સાચા અર્થે ખુશ હોય છે ખરા ? વિચારવા જેવો પ્રશ્ન છે, ખરેખર.

હજુ પણ ઘણીબધી જગ્યાએ લવ મેરેજ એ પરિવારના વિરોધ વચ્ચે થતાં લગ્ન છે જેમાં જો નાનાં મોટા ઝઘડાંઓ થાય ત્યારે પરિવારમાં કોઈ સાથ આપનાર નથી હોતાં અને વડીલો એક પ્રકારના ‘ego’ પર ઉતરી જતાં હોય છે ‘તમે કર્યું છે તમે ભોગાવો, અમે તો નાં જ પાડી હતી તમને લગ્ન કરવાની તમે કર્યા’, એની બિલકુલ વિરુદ્ધ એરેન્જ મેરેજમાં ઘણી જગ્યા એ, થતાં નાનાં મોટા ઝઘડાંઓમાં બે વ્યક્તિત્વ વચ્ચે ‘ડાઈવોર્સ’ ‘નાં’ થાય એ માટે પરિવારનાં વડીલો જાનની બાજી લગાવી દેતાં હોય છે કારણ તે લગ્ન તેમની મરજીથી થયા હતાં.

આપણો આ સમાજ લગ્ન પછીનો પ્રેમ સ્વીકારી શકે છે, પરંતુ પ્રેમ પછીનાં લગ્ન સ્વીકારમાં હજી તે પાછો પડે છે. નાનાં હોઈએ ત્યારે કોઈ અજાણી વ્યક્તિ સાથે વાત કરવાની નાં પાડવામાં આવે છે, પરંતુ મોટાં થયા પછી કોઈ અજાણી વ્યક્તિ સાથે એરેન્જ મેરેજ કરી લેવાની ફરજ પાડવામાં આવે છે. આ સમાજનો પ્રોબ્લેમ એ જ છે કે રાધા ક્રિશ્નાનાં પ્રેમને તે સ્વીકારી શકે છે પણ પોતાના છોકરાં/છોકરી નાં પ્રેમને સ્વીકારી લેવો એ તેમને વ્યાજબી નથી લાગતું.

ભારતભરમાં એક માન્યતા છે કે લવ મેરેજ એ વધુ નિષ્ફળ થતાં લગ્ન છે, પરંતુ જો તેમાં એરેન્જ મેરેજની જેમ પરિવાર માત્ર થોડોક સાથ આપતો થઇ જાય અને એક લેવલ સુધીની મેચ્યોરિટી ધરાવતા બે વ્યકતિત્વ વચ્ચે જો લવ મેરેજ થતાં હોય તો લવ મેરેજને પણ એક લેવલ સુધી આપણે સફળ બનાવી શકીએ છીએ. લવ મેરેજ એક લેવલ સુધીની મેચ્યોરિટી ધરાવતા બે વ્યક્તિત્વ વચ્ચે થતાં હોવા જોઈએ. લવ કરવો જેટલો સહેલો છે, એથી વધુ અઘરુ કદાચ તેને નિભાવવો અને તેની જવાબદારીને સ્વીકારીને ચાલવું છે. લગ્ન પહેલાંનાં પ્રેમ માં જવાબદારી ઓછી હોય છે અને મેરેજ થયાં પછી જવાબદારીમાં સતત વધારો થાય છે. જો બે એક લેવલ સુધીની મેચ્યોરિટી ધરવાતા બે વ્યક્તિત્વ વચ્ચે લવમેરેજ થાય તો તેઓ કદાચ આ જવાબદારી, લગ્ન પછીનાં લવ અને લવ પછીનાં લગ્નને આસાનીથી સમજી શકે તેમ હોય છે. લવમેરેજમાં મેરેજ પહેલાંના લવમાં ઘણી બધી આશા-અપેક્ષાઓ રહેલી હોય છે કે લગ્ન પહેલાં જોયેલા સપનાંઓને લગ્ન પછી પુરા થઇ જ જશે અને મને આટલો બધો પ્રેમ કરનાર વ્યક્તિ મારાં આ દરેક સપનાં પુરા કરશે જ એવું માનીને ચાલવાનો અધિકાર કદાચ યુગલ વચ્ચે દુઃખ ઉદભવવાનું એક કારણ બનતું હોય છે. જેના સામેના છેડે એરેન્જ મેરેજમાં બન્ને વ્યક્તિએ પોતાના સપનાંને જાતે જ પાયો ખોદીને તેમાં રોપવાના હોય છે. જે છે તે સ્વીકારીને ચાલવાનું હોય છે અને લવ મેરેજ કરતાં એક રીતે અપેક્ષા અને આશાઓ ઘણી જ ઓછી હોય છે કારણ તે બંને જાણતા હોય છે કે તેમની જિંદગીનો પાયો અજ્ઞાત રીતે જ ખોદાયો છે અને તેમણે એ અજ્ઞાત પાયા પર જ, અજ્ઞાત પાયામાં જ પોતાનો અજ્ઞાત પ્રેમને જ્ઞાત બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. પોતાના સપનાંને નવી રીતે અને સારી રીતે બાંધવાના છે. પ્રેમનું પાણી આપીને પાયાને મજબુત બનાવાનો છે. લવ મેરેજમાં લગ્ન પહેલાં જે પ્રેમ પાંગર્યો હોય છે તે લગ્ન પછી કેટલાંક અંશે યાંત્રિક થઇ જાય છે. (જોકે બધાં માટે તેવું લાગુ પડે એ જરૂરી નથી.) કારણ કે તેમાં અપેક્ષાઓ વધી જાય છે. જયારે એરેન્જ મેરેજમાં તે પ્રેમ પાંગરવાનો શરુ જ લગ્ન પછી થાય છે. જયારે તે એકબીજાને મહદંશે એક-બીજાને જાણે છે. એક-બીજા સાથે નહિ એક-બીજામાં રહેવાનું શરુ કરે છે.

પરફેક્ટ લગ્ન જીવનની શોધમાં નીકળેલા યુવાનોએ એ સ્વીકારીને ચલાવાનું હોય છે કે કોઈપણ લગ્ન જીવન કે કોઈ વ્યક્તિત્વ કદીય પરફેક્ટ હોતું નથી. સામેનાં વ્યક્તિમાં રહેલા Imperfection માં આપણું Imperfection ઉમેરીને એક પરફેક્ટ લગ્નજીવનની રચનાં કરવાની હોય છે. ક્યારેય આપણને કોઈ પરફેક્ટ વ્યક્તિત્વ મળવાનું નથી માત્ર તેમાં રહેલી ખામીઓને ભરી શકવાની સમજવૃતિ આપણામાં હશે તો જ આપણે એક સુંદર અને પરફેક્ટ લગ્નજીવનનું નિર્માણ આપણે કરી શકીશું. પતિ પત્નીએ આખા મીઠા સફરજનનાં બે ટુકડાં સમાન છે.

તમારા લગ્ન જીવનમાં, તમારાં લગ્ન પછીનાં લવ અને લવ પછીનાં લગ્ન પર, અને તમારા લાઈફ પાર્ટનર પર વિશ્વાસ રાખો. લવ મેરેજ અને એરેન્જ મેરેજ ને એક લેવલ સુધી આસાન બનાવી શકાશે. લવ મેરેજ અને એરેનેજ મેરેજનાં advantages and disadvantages એક રીતે સિક્કાની બે બાજુ છે. માત્ર ફર્ક એટલો છે કે તે ટોસ ઉછાળીને નક્કી કરી શકાય એટલું સહેલું કામ નથી કારણ કે જિંદગીનો એક અનોખો અને મહત્વનો નિર્ણય કોઈ ટોસનો સિક્કો નક્કી કરી શકે તેવું નાં બને.

બાકી જો ખરા અર્થમાં લગ્ન કોઈપણ હોય જે ખરાઅર્થમાં ખુશી, પ્રેમ અને આત્મસંતોષ આપી શકે તે લગ્ન વધુ સફળ કહેવાય. ૨૫ વર્ષની ઉંમરે પકડેલા હાથને તેટલાં જ વિશ્વાસથી જો ૪૫ વર્ષે અને ૯૫ વર્ષે પકડી શકાય તો એ લગ્ન ખરા અર્થે સફળ કહેવાય. શરીર કદાચ કરચલીઓ સ્વીકારી શકે પણ પ્રેમને ઉંમર નથી હોતી અને પ્રેમમાં કદીય કરચલીઓ પડતી નથી, જો તેમાં વફાદારી અને વિશ્વાસ ભરપુર રીતે દિલથી સામેવાળાનાં દિલમાં આપણે જન્માવી શકીએ. યાદ રાખવું કે પ્રેમ લવ મેરેજ નો હોય કે એરેન્જ મેરેજનો પણ જો લવ સાચો અને ભરપુર હશે તો તે ગુલાબની સુંગધમાંથી ગુલાબને ઉગાડવાની એક અનોખી તાકાત ધરાવે છે. બાકી,

“લગ્ન જીવનને સફળ એ, બે વ્યક્તિ બનાવે છે, તેનો પ્રકાર નહિ”

***

ભાગ - 5

કંદર્પ પટેલ

सानन्दं सदनं सुताश्च सुधिय: कान्ता प्रियभाषिणी

सन्मित्रं सुघनं स्वयोषिति रतिश्चज्ञापरा: सेवका: |

आतिथ्यं शिवपूजनं प्रतिदिनं मिष्टान्नं गृहे

साधो संगुपासते हि सततं धन्यो गृहस्थाश्रम: ||

“ઘર આનંદથી કિલ્લોલતું હોય, બુદ્ધિશાળી સંતાનો હોય, મધુભાષિણી સ્ત્રી હોય, સન્મિત્ર હોય, ન્યાયપ્રાપ્ત ધનવૈભવ હોય, પોતાની પત્નીમાં જ પ્રેમ હોય, આજ્ઞાંકિત સેવકો હોય, અતિથિઓનો આદર – સત્કાર થતો હોય, શિવનું ઇષ્ટપૂજન થતું હોય, રોજેરોજ મિષ્ટાન્ન અને પીણાં પ્રાપ્ત થતા હોય, સાધુ સજ્જનોનો સંગ હોય – આ બધું જેમાં સુલભ થાય તે ગૃહસ્થાશ્રમ ધન્ય છે.

ભારતીય સંસ્કૃતિના પાંચ પ્રાણ

  • વર્ણાશ્રમ વ્યવસ્થા
  • પંચમહાયજ્ઞ
  • પુરુષાર્થ
  • સંસ્કાર
  • કર્મ પુનર્જન્મ
  • આ દરેકને સાંકળતા સોળ સંસ્કારોમાંનો એક એટલે વિવાહ સંસ્કાર.

    વિવાહ : વિશેષ પ્રકારે વહન કરવું. શારીરિક સુખ કરતા ભાવનાત્મક, બૌદ્ધિક અને આત્મિક સુખ મહત્વના લાગવા એટલે વિવાહ. કન્યાને પત્ની બનાવી તેની જવાબદારી લેવી.

    પાણિગ્રહણ : કન્યાનો હાથ પકડીને તેને પત્ની તરીકે સ્વીકારવી.

    લગ્ન : સ્ત્રી – પુરુષનું પતિ અને પત્ની સ્વરૂપે જોડાઈ જવું. શારીરિક વિભિન્નતા દૂર કરીને મનનું ઐક્ય જાળવવું.

    Marriage નો અર્થ,

    Merging: સમર્પણ

    Ambition: મહત્વાકાંક્ષા

    Respect: આદર

    Response: આવકાર

    Intimacy: તાદાત્મ્ય

    Accreditation: વિશ્વાસ

    Gaiety: પ્રસન્નતા

    Eternity: શાશ્વતતા

    આ સોળમાં સંસ્કાર માટે આ સાત ગુણ હોય તો ભવસાગર ટૂંકો લાગે ! સહજીવન એ સહજ વૃત્તિ છે. વિરુદ્ધ જાતિનું આકર્ષણ નિર્માણ કરે છે. જાતીય આકર્ષણને બુદ્ધિપૂર્વક નિયંત્રણ મળે છે. નિયંત્રિત સહજીવન મહેકતો સમાજ નિર્માણ કરે છે. મન માર્યા સિવાય, સમજણથી ભદ્ર-દ્રષ્ટિ કેળવીને ભદ્ર-સમાજની રચના કરવી એટલે વિવાહ. મંત્રોબદ્ધ થયેલ આદર્શોને જીવનમાં નતમસ્તકે વણી લેવા તે એટલે લગ્ન-જીવન.

    એકબીજાને નારાયણ અને નારાયણી સ્વરૂપે આદર આપવો, મધુપર્ક દ્વારા વરની પૂજા કરવી, મંગલાષ્ટક દ્વારા દૈવી જીવોનું સ્મરણ, વિવિધ પ્રતિજ્ઞાઓ અને અગ્નિની સાક્ષીએ ગુંથાતા તેજસ્વી મંત્રો – ઐક્ય સાધવા માટે મહત્વના પરિબળો છે.

    મકરંદ દવે કહે છે,

    ઉમા મહાદેવ સમું સમુન્નત

    પદે પદે અમૃત પ્રેરનારું

    ભાવૈક્યથી પૂર્ણ ભર્યું ભર્યું સદા

    પ્રસન્ન દામ્પત્ય હજો તમારું.

    -: અરેંજ મેરેજ :-

    એક કિશોરી, જે લાંબા સમયથી લગ્નના છેક આગલા દિવસ સુધી ઇચ્છાઓના ‘વિશ બોક્સ’ને મનનાં ગર્ભગૃહમાં છુપાવીને બેઠી હોય છે. બીજા છેડે તેની જવાબદારી લેવા તૈયાર થયેલો યુવક મનમાં રહેલી આકાંક્ષા અને નાવીન્યને અનુભવ કરે છે. અજીબ પ્રકારનો ડર બંનેને સતાવે છે. પરંતુ, એ વ્યક્તિને પામવાની ઇચ્છાઓ અંતહીન અને અગાધ સમંદર જેટલી ઊંડી છે. જે આ ડરને મીઠી પીપરમિન્ટ જેવો બનાવી દે છે. કેટલીયે લાગણીઓને સમૃદ્ધ કરવા માટે બંને ઐક્યના તાંતણે જોડાય છે. મનમાં જન્મેલી આશાઓ પોતાના ‘બેટર હાફ’ સાથે પૂરી કરવાની મનમાં તલપ જાગે છે. હજુ ઘણું બાકી છે. શારીરિક સુખથી માંડીને અધ્યાત્મિક અનુભવ. બંધ ઇચ્છાઓના ડબ્બાઓને રસ્તો મળે તેવી બંનેની ઈચ્છા હોય છે.

    “ઘર કેવું હશે? સાસરું કેવું હશે? ત્યાંના લોકો કેવા હશે? મને તકલીફ તો નહિ આપે ને? – અરે ના, હું સંભાળી લઈશ. મનાવી લઈશ. મારા અર્ધાંગ મારો સાથ આપશે. મને દુનિયાની બદીઓથી બચાવશે. મને ત્યાં સાસુ-સસરાના બદલે મમ્મી-પપ્પા મળશે? હું તેમને તકલીફ નહિ પડવા દઉં. મારી સાથે દુનિયાદારીની પ્રતિજ્ઞા તેઓ પણ લેવાના જ છે ને ! આર્થિક પ્રશ્નોમાં હું સાથ આપીશ. કરકસર પણ કરીશ. અમુક વાતોમાં નમતું પણ મુકીશ. છતાં, તેઓ મારો સાથ તો આપશે જ ને ! હું જ્યાં સાચી હોઈશ ત્યાં તેઓ હંમેશા મને પ્રોત્સાહિત કરશે જ ! મને વિશ્વાસ છે. કોઈ કારણોસર હું તેમને પ્રેમ નહિ આપી શકું તો?” – આ એક ગડમથલ સ્ત્રી તત્ત્વને હંમેશા થયા કરે છે. વિશ્વાસની સાથોસાથ એક પ્રકારનો ડર પણ મનમાં હોય છે. છતાં, એ ડરને તુચ્છ સમજીને નકારે છે.

    “તેનો સ્વભાવ કેવો હશે? મારા કુટુંબને સાચવી તો લેશે ને? વધુ પડતી શોખીન હશે? સામાન્ય ઘરની છોકરીઓ મોટેભાગે સામાન્ય જ હોય છે. છતાં, કોઈ તકલીફ થશે તો? હું તેને વ્યવસ્થિત સાચવી નહિ શકું તો? મમ્મીના સ્વભાવ પ્રમાણે તે ઢળી જશે ખરી? તેના મમ્મી-પપ્પા હંમેશા અમારા પરિવાર પર ગર્વ કરે તેવી રીતે હું તેને સાચવીશ. ખુબ બધો પ્રેમ આપીશ. અમે બંને હળી-મળીને રહીશું. સામાજિક ધોરણે કુટુંબનું નામ ઊંચું કરીશ. દરેક જવાબદારીઓ ખુબ સભાનપણે નિભાવીશ. મારા લીધે કોઈને શરમ કે ગ્લાનિ અનુભવવા પડે તેવું વર્તન કદી નહિ કરું. છતાં, તેનો સ્વભાવ મારા સ્વભાવ સાથે મળશે નહિ તો?” – લગ્નના આગલા દિવસ સુધી યુવક આવા વિચારો કરે છે. છતાં, વિશ્વાસની સુગંધ ભેળવીને નકારાત્મકતાને દૂર કરે છે.

    સપ્તપદી – માહ્યરાંમાં બેઠા હોય ત્યારે જે ગોર મહારાજ બોલે છે તેવું જ અનુકરણ કરવાનું બંને વિચારે છે.

    હે ઈશ્વર,

    આજથી અમારા જીવનમાં નવું પ્રસ્થાન થવા જઈ રહ્યું છે. તમારા આશિષ વડે અમારો ભવસાગરનો માર્ગ લીલોછમ કરતા રહેજો. એ માર્ગનું લક્ષ્ય પણ તમે જ રહેજો.

    સુખ અને દુઃખ, લીલું – કોરું, માંદગી અને મસ્તીનું બેલેન્સ જાળવજો. શ્રદ્ધાથી અમે એકબીજાની સાથે રહીએ, એકબીજા પ્રત્યે માત્ર પ્રેમ દાખવીએ. પોતાના વિચારો બીજાના પર ન લાદીએ. સ્વતંત્રપણે બંને વિકસિત થઈએ. અન્યના વ્યક્તિત્વને સન્માન આપીએ.

    અમે માત્ર આ પૃથ્વી પરના પ્રવાસીઓ નથી. જીવનના બધા સ્તરે, દરેક હેતુઓ સાથે મળીને સિદ્ધ કરવા બંધાયેલા છીએ. સપનાઓ સાકાર કરીને તેને નવી ઉડાન આપવાનો પ્રયત્ન કરતા રહીશું.

    અમારા સંબંધોને અમે સાંસારિક અધિકારોનું માધ્યમ નહિ, એક માર્ગના યાત્રીઓ વચ્ચેની મૈત્રી ગણીએ. એકબીજાને હિંમતનું ‘કોન્ફિડન્સ બૂસ્ટર’ આપીને સબળ બનાવીએ.

    અમારો પ્રેમ સમય વીત્યે એકબીજાને બાંધતી રાખતી સાંકળ ન બની રહે અને એ અમારી ઉડાનની પાંખો બને. જીવન માત્ર સમાધાન અને ગોઠવણીની વ્યવસ્થા ન બને પરંતુ હંમેશા ધબકતું હૃદય પ્રેમના છાંટણા કરતુ રહે.

    અમારા સુખ-સલામતીમાં સંતોષ માનીને અમે ચાર દીવાલો વચ્ચે પૂરાઈ ન રહીએ. સહુને માટે દ્વાર ખોલીએ. મહેમાનને તેના ઘરની યાદ ન આવવા દઈએ. અમારા પ્રેમરૂપી માળામાં જે પગ મુકે તને હંમેશા ઠંડક મળે. એક ફૂલની જેમ સંબંધ ખીલે અને સુવાસ ફેલાવતો રહે.

    પંખી બનીએ અને સાંજ પડ્યે એકમેકના ખોળામાં સુઈને પ્રેમભરી વાતો કરીએ. જયારે અમારા બે માંથી કોઈ એકને તમારા પુસ્તકના પાત્ર તરીકે પાછું ખેંચી લેશો ત્યારે શોકમાં ઝૂરી મારવાને બદલે જીવનની સાર્થકતાને યાદ કરીને તમારું એ જ પુસ્તકના પાત્રને જીવંત કરીને વાંચ્યા કરીશું.

    એકબીજાના સાથથી પોતે ઉંચે ચડ્યાનું ગૌરવપૂર્વક કહી શકીએ તેવી આજના અવસરે અમારી પ્રાર્થના છે.

    આ પ્રાર્થનાઓમાં માત્ર વર-વધુ જ નહિ, સમસ્ત કુટુંબીજનો અને દરેક મિત્રવર્તુળ કરે છે. દરેકના આશિષ બંને જીવ સાથે જોડાયેલા હોય છે. એકમેકને જાણવામાં અજાણ હોવાને લીધે તેઓ સમયની એરણે પરસ્પર લાગણીઓ અને પ્રેમના પુષ્પો વડે બંધબેસે છે. તેમની વચ્ચે નકારાત્મકતાને કોઈ વિશેષ સ્થાન હોતું નથી. એકબીજાને જાણીને બંને એક સરસ મજાની ફ્રેમમાં જડાઈ જાય છે. તેથી આ સંબંધ મહત્તમ મૃત્યુપર્યંત પણ જીવિત જ રહે છે.

    -: લવ મેરેજ :-

    યૌવનની ફોરમ પ્રસરાવતા યુગલો વડીલોને વંદન કરી પ્રસ્તુત શબ્દથી પોતાનો પરિચય આપીને ગૌરવ અનુભવે તે સંબંધ યોગ્ય છે. પોતાના માતા-પિતાને જે-તે પ્રેમસંબંધ માટે ગૌરવ અનુભવતા જોવા અને તેમના આશીર્વાદ લેવા એ એક લ્હાવો છે.

    ગાંધર્વવિવાહનું એક પુન:જીવન હોય છે. લગ્ન પહેલા અને લગ્ન પછીનું ! શારીરિક સુખની અનુભૂતિ લગભગ લગ્ન પહેલા થઇ ચૂકી હોય છે. લગ્ન પછી તેના આસ્વાદની અભિલાષાઓ ખૂટતી જણાય છે. એકબીજાને જાણતા થયા પછી જ પ્રેમ થયો હોય તે સંબંધ પરિપક્વ બને છે. માત્ર શારીરિક સૌન્દર્યના આધારે પસંદ કરેલ સંબંધને લૂણો લાગતા વાર પણ નથી લાગતી. વૈભવને જ સર્વસ્વ ગણતાં વડીલો – જો સંસ્કાર અને સૌન્દર્ય ભૂલી જતા હોય તેવી પરિસ્થિતિમાં યુવક/યુવતીની પસંદગી જાતે જ કરવી જોઈએ. આજીવન દયનીય સ્થિતિમાં જીવવું તેના કરતા સહચર / સહચારિણીની પસંદગી પોતે જ કરવી હિતાવહ છે.

    મનમેળ હોય તેવા યુગલો વડીલોની સંમતિથી વિવાહ કરે તો સોનામાં સુગંધ ભળે ! ગુણાકર્ષણમાં પરિણમતું દેહાકર્ષણ પ્રેમલગ્ન માટે અપેક્ષિત છે. જો વ્યક્તિના સ્વભાવ અને ગુણને આધારે કોઈ પાત્રની પોતાના માટે પસંદગી કરે તે પ્રેમ લગ્ન જીવનના અંતિમ શ્વાસ સુધી ટકી રહે છે.

    કામમૂલક વિવાહ અપેક્ષિત પરિણામ ન લાવે. વાસનાને નિયંત્રિત કરવા માટે લગ્ન છે, પ્રદીપ્ત કરવા માટે નહિ. ઇન્દ્રિય સુખની ઘેલછા હંમેશા સર્વનાશમાં પરિણામે છે. ખટરાગરૂપી વિષવૃક્ષની વૃદ્ધિ એ કોઈ પણ કુટુંબ માટે અનિચ્છનીય છે. શારીરિક સુખ કરતા વધુ મહત્વના સુખ ભાવનાત્મક, બૌદ્ધિક અને આત્મિક સુખ હોય છે.

    લગ્ન પહેલાના પ્રેમ માટે - નદી જેમ પોતાના રંગ, રૂપ, આકાર અને સ્વાદને ત્યજીને સાગરમાં ભળી જાય છે તેમજ સ્ત્રી પણ પોતાનું સમગ્ર અસ્તિત્વ પુરુષમાં ભેળવી નાખે તે અપેક્ષિત છે. દુધમાં ભળી ગયેલી સાકાર દેખાતી નથી પરંતુ પોતાના સ્વાદને આધારે પોતાના અસ્તિત્વની પ્રતીતિ કરાવે છે. સ્ત્રી ગુપ્ત રહીને પુરુષના જીવનની મીઠાશ વધારે છે. વ્યંજનમાં ભળેલો સ્વર દેખાતો નથી પરંતુ સ્વર વગરનો વ્યંજન લંગડો છે. પુરુષના જીવનમાં રહેલ શૂન્યાવકાશને ભરી નાખતી હોવાથી જ કદાચ એ ભાર્યા કહેવાતી હશે. પરંતુ, પ્રેમ-વિવાહની નિષ્ફળતા એ વાતનો પુરાવો આપે છે કે, પ્રેમ માત્ર શારીરિક ગતિવિધિનો મોહતાજ બનીને રહ્યો છે. આંતરિક વાસનાનો જથ્થો એકસાથે લગ્ન પહેલા ઠલવાઈ જાય છે. તે સમયે ઘરે લગ્નનો પ્રસ્તાવ મુકાય છે. જો લગ્નની મંજૂરી મળે તો લગ્ન પછી જે શારીરિક સુખ ભોગવવાનું છે તેનો છેદ ઉડીને રહી જાય છે. ખાલીપો લાગે છે. લગ્ન પછી જવાબદારીઓ અને સમાધાન સાથે જીવવાનું કઠિન લાગે છે. પ્રેમ કરતી વખતે આ કઠિનતાઓ સહેજે અનુભવાયેલી હોતી નથી. વ્યક્તિ બદલાઈ રહ્યો છે, અપેક્ષાઓ અધૂરી છૂટી જાય છે, લાગણીઓ શુષ્ક બને છે અને પ્રસંગો માતમ ! રસવિહીન જીવન અને કસવિહીન આત્મા. અંતે, વિવાહ વિચ્છેદના પ્રશ્નો ઉકેલાય છે. તેથી ગુણ, પરિસ્થિતિ અને કઠિનતાઓ સાથે કરેલો પ્રેમ શારીરિક આકર્ષણથી હંમેશા પર રહે છે. આવા પ્રેમલગ્નો હંમેશા ચંદનની જેમ મહેકતા રહે છે.

    ***

    ‘न गृहं गृहमित्याह: गृहिणी गृहमुच्यते |’ આ વાક્ય નારીજીવનનું ગૌરવ છે.

    ધર્માચરણ એ મહત્વની વાત છે. ધર્મ એ માનવીની વિશેષતા છે. પત્ની પોતાના પતિ સાથે ઉભી રહે. પતિનો ખભો પત્નીને ઢાલ અને આરામ લાગે. બ્રાહ્મણ, અગ્નિ અને વડીલોની સાક્ષીએ એકબીજાને પોતાનું જીવન અર્પણ થાય. મન, બુદ્ધિ અને અંતે અહંકારના સમર્પણ સુધી આગળ વધવું જોઈએ. આવું એકત્વ સંસારમાં સંગીત નિર્માણ કરે. જો તાદાત્મ્યતા નો ભાવ મનમાં ન પ્રગટે તો વિવાહ એક ઉપહાસ અને લગ્ન એક તમાશો બની રહે !

    ***

    ભાગ - 6

    મનહર ઓઝા

    દુનિયાએ ગમેતેટલી પ્રગતિ કરી હોય, ભલે આપણે એકવીસમી સદીમાં જીવી રહ્યાં હોઈએ, ભલે કોમ્પ્યુટર, ઈન્ટરનેટ, મોબાઈલ, ટેબ્લેટ, એલ. . ડી., એલ. સી. ડી., એચ. ડી., બ્લુરે, ફેસબુક, ટ્વીટર કે વોટ્સએપનો જમાનો હોય. આજની થર્ડ જનરેશન ભલેને કોઇપણ કામ કોમ્પ્યુટરની મદદથી ચપટી વગાડતાંમાં કરી શકતી હોય. બધીજ બાબતોમાં માહિર અને સ્માર્ટ લાગતી આજની થ્રીજી પ્રજા પણ એક કામ કરવામાં પાછી પડે છે. આજનાં યુવા વર્ગને સતાવતો આ મહાપ્રશ્ન છે ‘લવ મેરેજ કે અરેંજ મેરેજ’.

    આજથી પચાસ સાઈઠ વર્ષ પહેલાં આ સમસ્યા એટલી ગંભીર ન હતી, કેમકે તે સમયે વડીલો સિવાય કોઈ યુવક-યુવતીને પોતાનો જીવનસાથી જાતે પસંદ કરવાની છૂટ ન હતી. તે સમયે ઘરનાં વડીલો જે પાત્ર પસંદ કરે તેની સાથે ચુપચાપ પરણી જવું પડતું હતું.

    બધાંને મા-બાપ, ભાઈ-બહેન, કાકા, મામા, ફોઈ, માસી, દાદી, નાની વગેરેની પસંદગીનો ચાન્સ મળતો નથી. જન્મતાંની સાથેજ આ બધાં લોહીનાં સંબધો દરેકને વારસામાં મળેછે. દરેક વ્યક્તિને એકજ સબંધ પોતાની રીતે પસંદ કરવાની તક મળે છે. અને તે છે જીવનસાથીની પસંદગી. આમ જોવા જઈએ તો આ એક મોટી ઓપોર્ચ્યુનીટી કહેવાય! જો કે ઘણાલોકોને તો આ તક પણ મળતી નથી. ઘણાં લોકોનાં મા-બાપ રૂઢીચુસ્ત હોવાનાં કારણે તેમને આ જમાનામાં પણ સહન કરવું પડે છે. જોકે હવે દરેક સમાજ પોતાનાં સંતાનોને પોતાનો જીવનસાથી પસંદ કરવાની છૂટ આપતો થયો છે.

    ગ્લોબલાઇઝેશનને લીધે ધીરે ધીરે દરેકની રહેણીકરણીમાં, દરેકના વાણી-વર્તનમાં અને વિચારોમાં પણ પરિવર્તન આવવા લાગ્યું છે. મઝાની વાત તો એ છે, કે સમાજમાં મોટાભાગનાં યુવાન-યુવતીઓને પોતાનો જીવનસાથી પસંદ કરવાની છૂટ હોવાં છતાં, જયારે તેમની સામે પસંદગીનો સવાલ આવેછે ત્યારે યુનિવર્સીટીની એક્ઝામ કરતાં પણ અઘરું લાગે છે. આ સમયે તેઓ મૂંઝાઈ જાય છે.

    એટલા માટેજ ઘણાખરાં યુવક-યુવતીઓ મા-બાપે ગોઠવી આપેલી પ્રથમ મુલાકાતમાં આઠ-દસ ગોખી રાખેલાં થોડાંક સવાલો પૂછીને પોતાનાં જીવનસાથીની પસંદગી કરતાં હોય છે. શું એકાદ બે મુલાકાતથી કે થોડાંક સવાલોથી કોઈ વ્યક્તિને ઓળખી શકાય ખરાં? જો કોઈ વ્યક્તિને પુરીરીતે ઓળખી ન શકીએ તો તેને તમે પસંદ કરો કે કોઈ બીજું કરે, તેમાં કોઈ તાત્વિક ફેર ખરો?

    યુવાઓ કહેશે કે એટલા માટેજ અમને અરેન્જ મેરેજ પસંદ નથી. જે વ્યક્તિને અમે ઓળખતાં જ ન હોઈએ, જેની સાથે પ્રેમ ન થયો હોય, તેની સાથે મેરેજ કેવી રીતે કરાય? તેમની વાત તો સાચી છે પરંતુ શું તમે માનો છો કે દરેક વ્યક્તિને પ્રેમ થાયજ? દરેક વ્યક્તિનો સ્વભાવ અલગ અલગ હોય છે. ઘણાં એટલાં શરમાળ પ્રકૃતિના હોય છે, જેઓ અજાણી વ્યક્તિ સાથે વાત પણ કરી શકતાં નથી, પછી પ્રેમ તો દૂરની વાત કહેવાય. એ લોકો લકી કહેવાય કે જેમને કોઈકની સાથે પ્રેમ થાય અને તે પ્રેમ લગ્નમાં પરિણમે.

    માનીલો કે બધાંજ લોકો પ્રેમમાં પડે અને પોતાનાં જીવનસાથીની પસંદગી કરી પણ લે, તો શું તેમના મા-બાપ માની જશે? અને પ્રેમ તો ગમે તેની સાથે થાય, ત્યારે સામેના પાત્રની જ્ઞાતિ અને ધર્મનું શું? જ્ઞાતિની કે ધર્મની બાંધછોડ કરવા કોઈ તૈયાર થશે ખરાં? જેમ અરેંજ મેરેજમાં મુશ્કેલીઓ છે તેમ લવમેરેજમાં પણ અનેક હર્ડલ છે. તો શું બીજાંબધાંએ સમાજે બનાવેલી ટીપીકલ રીત-રસમ પ્રમાણેજ જીવનસાથીની પસંદગી કરી લેવાની?

    પહેલાના રાજા મહારાજાઓના જમાનામાં રાજઘરાનાના લોકો એટલે કે રાજવીઓને પોતાનો જીવનસાથી પસંદ કરવાની છૂટ હતી. ઇતિહાસના પાના ફેરવીશું તો તે બાબત સમજાશે. એટલા માટે તો પેલી કહેવત પડી હતી, ‘રાજાને ગમે તે રાણી’ તે સમયે હિંદુ રાજા મુસ્લિમ અને મુસ્લિમ રાજા હિંદુ કે ગોરી મેડમ સાથે પણ લગ્ન કરતાં હતાં. એકવીસમી સદીમાં ફરીથી ઇતિહાસનું પુનરાવર્તન થાય તો કહેવાય નહિ.

    હવે તો ટેકનોલોજીનો એટલો બધો વિકાસ થયો છે કે દુનિયા નાની થઇ ગઈ છે. કહેવાનો મતલબ એ કે દુનિયાના બીજાં છેડે રહેતાં લોકો પણ એકબીજાના સંપર્કમાં રહી શકે છે. જેના લીધે હવે એકજ દેશમાં નહિ પણ બીજાં દેશના લોકો સાથે પણ લગ્નો થાય છે. સોશિયલ મીડિયા દ્વારા એકબીજાના સંપર્કમાં આવતાં ઘણાલોકો એકબીજાને રૂબરૂ ન મળ્યાં હોવાછતાં પ્રેમમાં પડી જઈને લગ્ન કર્યા હોવાના દાખલા તમે જોયાં સાંભળ્યા હશે. લોકો હવે ગ્લોબલાઈઝ થવા લાગ્યાં છે.

    આપણા સમાજમાં લગ્ન બે રીતે થાય છે. લવમેરેજ અને અરેંજમેરેજ. અને ત્રીજી રીત છે લવ કમ અરેંજમેરેજ. કોઈ યુવક-યુવતીને પ્રેમ થયો હોય અને તેઓ તેમના માતા-પિતાની સંમતીથી લગ્ન કરે, તો તે પદ્ધતિ સારામાં સારી ગણાય.

    જીવનસાથીની પસંદગી બાબતે પિતા-પુત્રી વચ્ચે ચર્ચા ચાલતી હતી. પુત્રી કહે, ‘જીવનસાથી પસંદ કરવાની આ તે કેવી પદ્ધતિ? છોકરો છોકરીને જોવા આવે, તેની સાથે વાત કરે, સ્ટુપીડ જેવાં આઠ દસ સવાલો કરે, પછી ચાલ્યો જાય. કોઈવાર આવી બીજી મુલાકાત ગોઠવાય, કે ન પણ ગોઠવાય. મુલાકાતને અંતે છોકરીને પૂછવામાં આવે, ‘ગમ્યું કે નહિ?’ મને એ નથી સમજાતું કે આટલાં ટૂંકા પરિચયને અંતે લગ્ન જેવી મહત્વની બાબતનો નિર્ણય કેવી રીતે લઇ શકાય?’ છોકરીની વાત સાંભળીને તેના પિતા વિચારમાં પડી ગયાં. છોકરીની વાત તો સાચી હતી.

    ખુબ વિચાર કર્યાં પછી તેમણે જવાબ આપ્યો. ‘બેટા, તારી વાત સાથે હું સંમત છું. અરેંજ મેરેજમાં જીવનસાથી પસંદ કરવાની આ પદ્ધતિ સો ટકા સાચી નથી. એમ તો લવ મેરેજમાં પણ છોકરાં-છોકરી એક બીજાના પ્રેમમાં પડે છે ત્યારે, તેઓ પણ ક્યાં એકબીજાથી પરિચિત હોય છે?

    ઘણીવાર તો તેઓ એકબીજાની નાત-જાત, ધર્મ, ઉમર, અભ્યાસ, ગમા-અણગમા વગેરે કશુજ જાણતા નથી હોતાં, કે એકબીજાથી પરિચિત પણ નથી હોતાં, છતાંપણ એકબીજાને પસંદ કરે છે. જયારે અરેંજ મેરેજમાં તો તમે આ બધી બાબતો તો પહેલાંથીજ જાણતા હોવ છો. બંનેમાં ફર્ક એટલો છે, કે લવ મેરેજમાં લગ્ન પહેલાં પ્રેમ થાય છે, જયારે અરેંજ મેરેજમાં લગ્ન પછી પ્રેમ થાય છે. ’ પુત્રી પિતાની વાત સાંભળી રહી, તેમની વાત પણ ખોટી તો ન જ હતી.

    સમાજની રીતે જ્ઞાતિમાં લગ્ન કરવાંમાં કઈ ખોટું નથી. બીજીબધી રીતો કરતાં તે વધારે સલામત ગણાય. હા, જ્ઞાતિમાં જ પાત્ર પસંદગી કરવાની હોય ત્યારે તમને જોઈએ તેવું પાત્ર સહેલાઈથી ન મળે તેવું બને. કેમકે જ્ઞાતિમાં તમારે એક ચોક્કસ સમૂહમાંથી પસંદગી કરવાની હોય છે. તેમાં પણ ઘણી જ્ઞાતિઓમાં તો અમુક ગોળ કે અમુક ગામમાંથી જ યુવક યુવતી પસંદ કરવાની પ્રથા હોય છે. દરેક જ્ઞાતિમાં છોકરીઓની સંખ્યા દિવસે દિવસે ઓછી થતી જતી હોવાના કારણે હવે ગોળની બહાર પણ લોકો જવા લાગ્યાં છે.

    અરેંજ મેરેજમાં જીવનસાથીની પસંદગી માટેની કોઈ યોગ્ય સીસ્ટમ નહિ હોવાના કારણે ઘણી મુશ્કેલીઓ પડે છે. જે પરંપરગત રીતભાત છે તે ચોક્કસ અને વૈજ્ઞાનિક નહિ હોવાના કારણે તેનાથી યુવાવર્ગને સંતોષ થતો નથી. યુવક-યુવતીની અછડતી મુલાકાત ગોઠવાય અને થોડીક પ્રશ્નોત્તરીને અંતે હા કે ના નો નિર્ણય લેવાનો હોય, તે બરાબર તો ન જ કહેવાય. નોકરી માટે કે કોઈને કામપર રાખવા માટે પણ આપણે વિચારવાનો થોડોક સમય લેતાં હોઈએ છીએ. કદાચ એકના બદલે બે કે ત્રણ મુલાકાત ગોઠવાય તોપણ જીવનસાથીની પસંદગીનો નિર્ણય કરવો સહેલો નથી. કેમકે કોઈ વ્યક્તિને જાણવા માટે એક બે મુલાકાત પુરતી નથી.

    આપણે કોઈ મિત્રને વર્ષોથી ઓળખતાં હોઈએ તોપણ તેની સાથે જયારે થોડાંક દિવસ રહેવાનું થાય, કે થોડાંક દિવસો સુધી તેની સાથે ફરવા જવાનું થાય, ત્યારે તેના ખરા સ્વભાવનો પરિચય થાય છે. એક કહેવત છે, ‘દુરથી ડુંગરા રળિયામણા’ દુરથી તો બધીજ વ્યક્તિઓ આપણને સારી જ દેખાવાની. કોઇપણ વ્યક્તિને, તેના સ્વભાવને, તેની વિચારસરણીને, તેના વાણી-વર્તનને જાણવા માટે તેના સહેવાસમાં રહેવું જરૂરી છે.

    યુવક-યુવતી એકબીજાના સહેવાસમાં આવે, એકબીજાનો પરિચય કેળવે તેના માટે તેમને બહાર જવાદેવાની છૂટ આપવી જોઈએ. ઘરના વાતાવરણમાં તેઓ ખુલીને વાત નહિ કરી શકે. પહેલી કે બીજી મુલાકાતમાં જ તેમનાપર નિર્ણય લેવાનું દબાણ લાવવું જોઈએ નહિ. તેમને એકબીજાને ઓળખવા માટે પુરતો સમય અને આપવો જોઈએ. તેમને ડેટપર જવાની સ્વતંત્રતા હોવી જોઈએ.

    બની શકે તો બંનેએ કોઈક નાનકડી ટુર કરવી જોઈએ. જોકે તેના માટે આપણા સમાજના મોટાભાગના વાલીઓ તૈયાર નહિ થાય. મારી દૃષ્ટિએ તો દરેક પુખ્તવયનાં યુવક-યુવતીઓ ઉપર વિશ્વાસ રાખીને તેમને બહાર જવા દેવાં જોઈએ. તેમને એકલાં જવાદેવામાં જો ડર લાગતો હોય તો બંને ફેમિલીએ સાથે મળીને એકાદ નાનકડી ટુરનું આયોજન કરવું જોઈએ. આ ટુરમાં બંને ફેમીલીએ સાથે જવું જોઈએ, જોકે સાથે જવાનો મતલબ તેમની ચોકીદારી કરવાનો ન હોવો જોઈએ.

    યુવા મિત્રો, લવ મેરેજ કરો કે અરેંજ મેરેજ, બંનેમાં પ્રેમનું તત્વ અનિવાર્ય છે. આટલી સાદી વાત સમજાય એટલે બહુ થયું. રહી વાત જીવનસાથી પસંદ કરવાની, તો એનાં માટે તમારે કાં તો કોઈના પ્રેમમાં પડવું પડશે અથવા તો કોઈ વ્યક્તિને નજીકથી ઓળખવી પડશે. જો કોઈ વ્યક્તિ સાથે પ્રેમ થઇ જાય તો તો એકબીજાને સારીરીતે ઓળખવાની તક આપોઆપ મળી જશે પણ સામાજિક રીતે પસંદગી કરવાની આવશે તો તેમાં એકબીજાને ઓળખવાનો અવકાશ ઓછો મળશે. કેમકે એકબીજાને ઓળખવા માટે સમય જોઈએ અને સમાજના લોકો તમને સમય આપશે નહિ. સમય આપતાં પહેલાં જ તેઓ તમને લગ્નનાં બંધનમાં બાંધી દેશે.

    ***

    ભાગ - 7

    રેખા પટેલ

    કહેવાય છે કે પૃથ્વી ઉપર લગ્ન માટેના જોડા ઉપરથી નક્કી થઈને આવે છે. હકીકતમાં આ વાતમાં સત્ય કેટલું છે એ તો સાથે જીવનારી બે વ્યકિત જ નક્કી કરી શકે છે. છોકરીની મુગ્ધાવસ્થા અને છોકરાની કિશોરાવસ્થા પૂરી થતાં લગ્નની ઉંમરે પહોચતાં લગભગ દરેકને આ પ્રશ્ન થતો હશે લગ્ન પછીનું જીવન કેવું હશે? લગ્ન કોની સાથે કરવા? લવ મેરેજ કરવા કે એરેન્જ મેરેજ કરવા? ક્યા લગ્ન ઉત્તમ ગણાય? લવ મેરેજ કે એરેન્જ મેરેજ?

    ઘણાં એરેન્જ મેરેજ કરનારા એમ વિચારીને દુઃખી થતાં હશે કે મારા લવ મેરેજ થયા હોત તો હું મારું મનગમતું પાત્ર મેળવી શક્યો હોત. જ્યારે લવ મેરેજ કરનારા એમ વિચારીને અફસોસ કરતાં હશે કે મેં હાથે કરી કુહાડી મારા પગ ઉપર મારી.

    એરેન્જ મેરેજ હોય કે લવ મેરેજ હોય એને ટકાવી રાખવાં સૌથી વધુ અગત્યનું પરિબળ છે પ્રેમ. લગ્ન એ પ્રેમ કરી અને તેને કાયમ ટકાવી રાખવાનું બંધન છે. કારણકે લાંબા ગાળાનાં એકધારા સહવાશ દરમિયાન પ્રેમને ટકાવી રાખવો એ જ સૌથી મુશ્કેલ કામ છે.

    પ્રેમ એટલે શું?એ કોઈ સબંધ છે કે બંધન છે ? કે મનનું મન સાથેનું ગઠબંધન છે…

    આ વિચારવા જેવી બાબત છે. કોઈ પણ સ્થિતિ પરિસ્થિતિને દોષ આપતા પહેલા તેના દરેક પાસાઓ ઉપર વિચાર કરવો જરૂરી બને છે …લવ મેરેજમાં કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. આવી સ્થિતિમાં જ્યારે બસ પ્રેમ થઈ જાય છે ત્યારે તેના સારા નરસા પરિણામોનો વિચાર કરવાની સુધબુધ પ્રેમીઓ ગુમાવી દેતા હોય છે. અને કેટલીક વખત માત્ર આકર્ષણને કારણે પાત્રની પસંદગીમાં થાપ ખાઇ જવાતી હોય છે. હકીકતમાં અઢારથી અઠ્ઠયાવીસ નાં દસકા વચ્ચેની ઉંમરનો માણસ પ્રેમ અને આકર્ષણની પાતળી ભેદ રેખાને સમજી શકતો નથી.

    આકર્ષણનાં પાયા પર રચાયેલો લગ્ન સંબધ અને તેમાં આવતા પરિણામો જીંદગીમાં સુખને બદલે અસુખ નોતરે છે. થોડા વર્ષમાં આકર્ષણનો એ ઉભરો સમી જાય એટલે વિચારે કે આના કરતા એરેન્જ મેરેજ થયા હોત તો સારું હતુ. કમસે કમ માતાપિતા કે કુટુંબના કોઈ વડીલની સલાહ કે પસંદગીને ઘ્યાનમાં લેવાઈ હોત તો મને યોગ્ય પાત્ર મળ્યું હોત!!?

    પ્રેમલગ્ન હોય કે એરેન્જ મેરેજ હોય પણ ગમે તેવી કપરી સ્થિતિમાં સાથી સાથે હળવા મૂડમાં રહેવું જરૂરી છે. નહીતર ગમે તેવા સબંધનો વિચ્છેદ થતા વાર લાગતી નથી. ક્યારેય જો આપણે જોઇએ છીએ કે સામાન્ય પણે આપણી આજુબાજુ કાયમ ખુશમિજાજમાં રહેતા લોકો બીજાને વધુ પસંદ આવતા હોય છે. જ્યારે અકડું અભિમાની કે ગંભીર લોકોને મિત્રો બહુ ઓછા હશે. બસ આજ પરિબળ સુખી લગ્નજીવને માટે જરૂરી છે. સદા મળતાવડું અને હસમુખું પાત્ર તણાવ પામેલા લગ્નજીવનને ફરીથી ખુશીઓથી મહેકતું બનાવી શકે છે.

    શોભા અને સંજીવનાં પ્રેમ લગ્ન હતા બંને કોલેજના દિવસોથી એકબીજા તરફ આકર્ષાયા હતા. ખાસ કરીને બંનેનાં શોખ અને રુચિ એકસરખા હતા આથી તેમને જોનાર દરેક માનતા કે આ જોડું બેસ્ટ કપલ બની શકે તેમ છે. બંનેના શોખ અને સ્વભાવ સરખા હતા પણ એક અસમાનતા હતી કે શોભા ઉચ્ચ મધ્યમ પિતાની પુત્રી હતી. જ્યારે સંજીવ મધ્યમવર્ગનાં પિતાનો ત્રીજા નબરનો પુત્ર હતો. તેનું પરિવાર સંયુક્ત હતું. આ અસમાનતા જોતા બંને પરિવારો આ લગ્નની વિરૂધ્ધમાં હતા. છતાં શોભા અને સંજીવની જીદ સામે બધાએ હાર કબુલી લીધી અને તેમના લગ્ન સાદાઈથી કરાવી આપ્યા. લગ્ન પછી થોડા સમય બધું બરાબર ચાલતું રહ્યું. છેવટે સંજીવને ગૃહસ્થજીવન જવાબદારી પૂરી કરવાં માટે બોજો માથે પડતા કેટલા વિસે સો થાય છે તે સમજાવવા લાગ્યું. આ જવાબદારીએ તેના હાસ્ય અને શોખને છીનવી લીધા. વધુ પૈસા કમાઈને પોતાનું ઘરનું ધર બનાવવામાં તે આખો દિવસ કામમાં રચ્યોપચ્યો રહેવા લાગ્યો.

    આ તરફ નાનકડા ઘરમાં શોભા પણ મુઝાતી હતી. જેના સાથ માટે તે બધું છોડીને આવી હતી તે સંજીવ પોતાનાં કામસર હવે એનાથી દુર રહેતો હતો. પરિણામે એ વિચારતી કે હવે સંજીવ બદલાઈ ગયો છે. હવે એની પાસે મારી માટે સમય નથી અને તેના શોખ પુરા કરવા તેની પાસે જોઈતા રૂપિયા પણ એ આપવામાં ગલ્લાતલ્લા કરે છે. આ બધા અસંતોષમાં તેનો મૂળ સ્વભાવ બદલાઈ ગયો. એક હસતા રમતા જોડાને જાણે કોઈની નજર લાગી ગઈ અને રોજનાં તણાવ અને સમયના અભાવે તેમને બહુ જલ્દી અલગ કરી દીધા.

    આવા સમયમાં શોભા અને સંજીવ પોતાના સંબંધમાં નિરસતાની ફરિયાદ કરવાને બદલે એકબીજાને સમજવાની કોશિશ કરી હોત અને બંનેએ કપરી પરિસ્થિતિમાં પોતનો મુળભૂત હસમુખો સ્વભાવ જાળવીને પરસ્પર થતી બોલાચાલી કે આક્ષેપોને ગંભિરતાથી લેવાને બદલે હળવા મુડમાં કે હસી-મજાક ગણીને અપનાવ્યા હોત તો આજે આ બે પ્રેમાળ હૈયાઓને આમ વિખૂટા પડવાનો દિવસ નાં આવ્યો હોત…. એક બીજાની અણસમજનાં કારણે ઉદભવેલી પરિસ્થિતિને કારણે છેલ્લે તો દોષ દેવાયો લવમેરેજના લેબલને.

    ઘણા યુગલો એવા હોય છે જેમાં કેટલીક વખત એકતરફી પ્રેમ હોય છે. તેવા સમયમાં જો લગ્ન નક્કી થયા તો તેના પરિણામો બહુ ઘાતક આવે છે પ્રેમમાં એક તરફી પાગલતા પણ સારી નહીં. એક તરફી પ્રેમનાં કારણે લગ્નજીવનમાં એક પાત્રની નિરસતાનાં કારણે જે સહજીવની અસલ મીઠાસ હોય છે એની સતત ગેરહાજરી જોવા મળે છે.

    મારી આસપાસના કેટલાક યુગલોનાં જે અનુભવો હતા એ એકબીજાથી ભિન્ન હતા. કેટલાંક સફળ લગ્નો હતાં, તો કેટલાક અસફળ રહ્યા તો કેટલાંક સમજુતીથી નિભાવ્યે રાખતાં હતાં.

    માત્ર સમાજને દેખાડવા ખાતર અથવાં સંતાનો હોય તો એનાં ખાતર આવા લગ્નજીવન નિભાવતાં હોય છે.

    પ્રેમ હોય કે લગ્ન જીવન હોય. જ્યારે અધિકાર ભાવના એક હદ કરતા આગળ વધી જાય છે ત્યારે ગમે તેવા મજબુત સબંધને તોડી નાખે છે. ત્યારે એમ જ લાગે કે જાણે વધારે પડતા ખેચાણને કારણે મજબુર રબર પણ તેની સ્થિતિસ્થાપકતા ગુમાવી બેડોળ બની ગયું છે.

    આમ કરવાની કોશિશ બહુ ઘાતક પરિણામ આપી શકે છે. કેટલાક લોકોને ટેવ હોય છે કે મારી પત્ની કે મારો પતિ મારી મરજી મુજબ જીવે. હમેશા મને ગમતું એ કાર્ય કરે. મારી જ પસંદગીના કપડા પહેરે. શરૂઆતમાં સામેની વ્યક્તિ વધું પડતો સ્નેહ ભાવ સમજીને સાથીને હાવી થવા દે છે પરંતુ સમય જતા તેને આજ વસ્તુઓનો ભાર લાગે છે અને તેનામાં રહેલ હું બહાર આવવા કોશિશ કરે છે ત્યારે સ્થિતિ બદલાઈ જાય છે. છેવટે થતું નુકશાન બંનેએ ભરપાઈ કરવું પડે છે.

    સીમા અને મહેશ વચ્ચે આવું જ કંઇક બન્યું હતું. બનેનાં લગ્નની શરૂઆતમાં સીમાનાં સાડી ડ્રેસથી લઇને ચપ્પલ સુધ્ધાની પંસદગીમાં મહેશ પોતાને ગમતાં રંગોની પહેરે એવો જ એનો આગ્રહ રહેતો હતો. શરૂઆત સીમાં મહેશને ગમે એ મને પણ ગમે એમ સમજીને મહેશની પંસદગીને પ્રાધાન્ય આપતી હતી. જેમ જેમ વરસો વિતતા જતાં હતા. ટીવીથી લઇને ઓનલાઇને શોપીંગ જાહેરાતોમાં અવનવી વસ્તુઓ જોઇને સીમાં પોતાને ગમતી વસ્તુંઓનો આગ્રહ રાખવા માંડી. પરિણામે નાની નાની પસંદગી બાબતનાં ઝઘડા મોટું સ્વરૂપ લઇ લેતાં હતાં.

    સૌ પ્રથમ વિચારવું જોઈએ કે તમારો સાથી શું ઈચ્છે છે?તેને તમે સજાવવા માગો છો એ પ્રકારની સજાવટ એને પસંદ છે કે નહી? પતિ પત્ની એ પોતાની ઈચ્છા અનિચ્છા એકબીજા ઉપર લાદવાનો પ્રયત્ન નાં કરવો જોઈએ. કારણકે આ રીતે પડતી ગાંઠ જલદી ઉકેલાતી નથી એકવાર જો તે આ બાબતને લઇને નારાજ કે દુર થઇ ગયેલો સાથી પછી કદાચ તમારા લાખ પ્રયાસો પછી પણ મૂળ ભાવે તમારાથી ના પણ જોડાઈ શકે.

    તમે અધિકારભાવથી સાથીદાર પંસદગી બદલી શકો છો પણ એનો મુળભૂત સ્વભાવ બદલી શકતા નથી. કદાચ એનો મુળભૂત સ્વભાવ અને આદત બદલવાં મજબૂર કરો તો એનું ધાતક પરિણામ આવી શકે છે…આવો જ એક દાખલો છે રજની અને રોકીનાં લગ્નજીવનનો છે.

    રજની અને રોકીના લગ્નજીવનમાં આ એક વાત હોળી પ્રગટાવી ગઈ હતી....

    રોકી એક ફેશનેબલ યુવાન હતો. માતા પિતાની પસંદગી પ્રમાણે તેના લગ્ન એક સીધી સાદી રજની સાથે થયા. તે ભણેલી સંસ્કારી યુવતી હતી પરંતુ તેનો ઉછેર સંસ્કારોની આડમાં બહુ સામાન્ય રીતે થયો હતો. આથી રોકીને રજની ગામડીયણ લાગતી હતી. છેવટે માતાપિતાની સલાહ મુજબ તેણે રજનીને પોતાને ગમતી યુવતી બનાવાવનું બીડું ઝડપ્યું. તેથી રજની માટે આઘુનિક યુવતીને શોભે તેવા ટુંકા વસ્ત્રો રોકી લઇ આવતો. બ્યુટી પાર્લરમાં શારીરિક સાજ સજાવટ માટે સમયાંતરે લઇ જતો. આમ ધીરેધીરે રજની રોકીની પસંદ આવે એવી મોર્ડન બની ગઈ. હવે તે રોકી સાથે પાર્ટીઓમાં જવા લાગી અને ક્યારેક ડ્રીન્કસ પણ લેવા લાગી. રજનીની સુંદરતાથી અંજાઈ રોકીના મિત્રો ક્યારેક તેની સાથે છૂટછાટ લેતા તો રોકી અકળાઈ ઉઠતો.

    પરંતુ આઘુનીકતાનો ચહેરો લગાવેલી રજનીને આ બધું સામાન્ય લાગતું હતું. તે રોકીના વર્તનને ઉલટી રીતે સમજવા લાગી. રજની હવે વિચારતી કે રોકી તેની ખુશીથી જલે છે તેને ઈર્ષા આવે છે કે પોતે બીજા સાથે મિત્રતા રાખે છે. બંને વચ્ચે નાં મતભેદ એ પછી મનભેદ સુધી પહોચી ગયા. રજની હવે રોકી વગર પણ પાર્ટીઓમાં જવા લાગી હતી અને આ બાબતે જ્યારે રોકી કે તેના પિતા રજનીને કઈ કહે તો જવાબમાં કહેતી હતી કે હું તો સીધી સાદી યુવતી હતી પણ આ બધું તમારા ઘરે આવીને હું શીખી છું. હવે જયારે આ જિંદગી મને માફક આવી ગઈ છે ત્યારે તમારા ઇશારે ફરી બદલાઈ જવું મને મંજુર નથી. હવે હું જેવી છું એવી જ અલ્ટ્રામોર્ડન સ્વીકારવી પડશે.

    આમ સામાન્ય રીતે સુખી લાગતું યુગલ દેખાડા કરવા બદલ બરબાદીના રવાડે ચડી ગયું. આમ જોતા અહી એરેન્જ મેરેજ હતા છતાં પણ આજે સ્થિતિ બદલાઈ ગઈ હતી.

    મોટે ભાગે લગ્ન નિષ્ફળ નથી જતાં પરંતુ, લગ્ન કરીને જીવાતુ જિવન નિષ્ફળ હોય છે.. બે વ્યક્તિઓ વચ્ચેની સમજ નિષ્ફળ જાય છે. કારણકે લગ્ન માત્ર સ્ત્રી અને પુરુષનું શારીરિક ઐક્યથી ટકતી કોઈ ઘટના નથી. તેમાં બે અલગ અલગ વિચારસરણી ઘરાવતા બે અલગ મનનું એકત્વ થવું જરૂરી છે. સાચુ ઐકય માનસિક રીતે તમારૂ બંધન કેટલુ મજબૂત છે, એના પાયા પર ટકેલુ રહે છે… કારણકે અહી બે અલગ વ્યક્તિઓનો વૈચારિક સંગમ પણ એટલો મહત્વનો બને છે.. દરેકનું વ્યક્તિત્વ અને વૈચારિક દ્રષ્ટીકોણ અલગ અલગ હોય છે.. અને મોટે એક બીજાથી સ્વતંત્ર હોય છે. આથી સ્વાભાવિક રીતે જ જીવન સમજવાની રીત પણ અલગ હોય છે.. આ અલગ દ્રષ્ટીકોણનું લક્ષ એક થવું જરૂરી છે આવી સ્થિતિમાં કોઈ પણ પ્રકારનું લગ્ન જીવન હશે તો પણ સફળ જશે.

    સહજીવનમાં પ્રેમની ઈચ્છા અનિચ્છાઓ નું બેલેન્સ જાળવવું એ પણ એક કળા છે. પ્રેમમાં લાગણીઓનો અતિરેક કે પ્રદર્શન કરવાનું છોડી એકમેકને સાથ આપવાનું વધુ જરૂરી બને છે. સુખી લગ્ન જીવન માટે જરૂરી રહે છે કે સાથી સામે મનની વાત મનમાં છુપાવી રાખો નહી.. અહી વિશ્વાસનું બંધન જેટલું મજબુત હશે તેટલું જીવન સરળ બનશે તે સાવ સાચું છે. જ્યાં વિશ્વાસનો જરા સરખો અભાવ જણાશે, તો ધીમે ધીમે પ્રેમમાં દુરત્વ પેદા થાય છે.

    “અવિશ્વાસ અને ભરોસોના કમી એટલે કે જાણે ઉકળતા મીઠાં દુઘમાં ચમચી ખટાસ જે દુઘ અને પાણી અલગ કરે છે”

    અને જયારે આ વાત સમજાય છે ત્યારે ઘણું મોડું થઈ જતું હોય છે, અને પ્રેમનો નાજુક છોડ લગ્નના બંધનમાં બંધાયા પછી પણ ખીલી શકતો નથી. આ સહજીવનનો છોડ આંબાની કલમની જેમ તમારા વર્ષો અને ધીરજની કસોટી કરે છે. તેને હંમેશા લાગણીનું ખાતર અને ધીરજનુ પાણી આપી માવજતથી ઉછેરવો પડે છે.. અને જ્યારે આ છોડ વિકસીને ઝાડ બની જાય ત્યારે લગ્ન જીવનમાં મીઠાસનાં ફળો ઉગવા માંડે છે…અને એની મીઠાસ આજીવન માણવા મળશે..

    નાની મોટી લડાઇ-ઝઘડા.. રીસાવવુ.. મનાવવું એ બધું અહી આવી ક્ષણભંગુર હોવું જરૂરી છે. લગ્ન જીવન પ્રેમ કર્યા પછી કરાયું હોય કે લગ્ન કર્યા પછી પ્રેમ થયો હોય બંને બાબતો માટે મહત્વનું છે કે, આ સબંધ માત્ર અપેક્ષાઓ સંતોષવા બનેલો નાં રહે. આવા સબંધ માત્ર અને માત્ર દુઃખ સિવાય કશું જ આપી શકતો નથી

    અત્યારે યુવક યુવતીઓના લગ્નની ઉંમર સામાન્ય રીતે જે ૨૨થી૨૪ વર્ષની હતી તે વધીને ૨૪ કે ૨૮ ની થઇ ગઈ છે. તેનું મુખ્ય કારણ એ છે કે આજકાલના યુવક યુવતીઓ આધુનિક શિક્ષણ અને ટેરવાં પર પીરસાતા જ્ઞાનને કારણે જલ્દી પુખ્ત બની જાય છે. આ બધી વસ્તુઓ એમની વિચારસરણી પર મજબુતાઈથી પકડ જમાવતી હોય છે. જીવનમાં કૈક કરી બતાવવાની ભાવના સાથે તેમની પોતાની જીદગીને જોવાની અલગ દ્રષ્ટી કેળવતી જાય છે. જેના પરિણામે તેઓ બાંધછોડમાં બહુ માનતા નથી અને સો ટકા ગમતું પાત્ર મેળવવાની ઈચ્છામાં ઉમર વધતી જાય છે.

    જેમ જેમ ઉમર વધતી જાય તેમતેમ તેમની માન્યતાઓ મજબુત બનતી જાય છે. પહેલા આપણે માનતાં કે કુમળો છોડ વાળીએ તેમ વળે. તે અહી લાગુ પડે છે. જ્યારે આ સત્ય અઠ્યાવીસ ત્રીસ વર્ષના પોતે કમાતા યુવાન યુવતીઓને સમજાવવું ભારે પડી જાય છે. પરિણામે લગ્નની ઉંમર વધતી જાય છે આજે આ સ્થિતિ અમેરિકામાં યુરોપ અને ભારત સહીત બધા જ દેશમાં આ સમસ્યાઓ જોવા મળે છે. ત્યારે વિચાર આવે છે કે જો અરેંજ મેરેજની પ્રથા ચાલુ રહી હોત તો આવા યુવાન યુવતીઓ પોતાના જીવનમાં ક્યારના સ્થાઈ થઇ ગયા હોત. ગ્લોબલાઇઝેશનાં યુગમાં ઘણાં યુવક યુવતીઓ લગ્ન કર્યાં વિનાં એક બીજાને અનૂકૂળ હોય ત્યા સુધી સાથે રહે છે અને અનૂકૂળ ના આવે તો બંને છુટા પડી જાય છે.

    એક રીતે જોઇએ તો અરેન્જ મેરેજની વાત આવે છે. ત્યારે સહુથી પહેલો વિચાર આવે છે કે શું આ પ્રકારનાં લગ્નો ક્યારેક અંધારી કેડી જેવા નથી લાગતા?

    કારણકે જ્યાં આગળ ભાવિમાં શું હશે તેનો કોઈ ખ્યાલ આપણને હોતો નથી. મોટે ભાગે આપણા સગાવહાલાઓ આ સારા માણસો છે એવી ભલામણ કરી હોય છે, અને એના કહેવાં પર આવા લગ્નો નક્કી થતાં હોય છે. ઘણી વખત એવું બનતું હોત છે કે જેની સાથે આખો જન્મારો કાઢવાનો હોય તેવી વ્યકિતને એક જ મુલાકાતમાં મળીને માત્ર એક વાર કેમ છો? શું નામ તમારું? તમારો શોખ શું છે? જેવા સાવ સામાન્ય હસવું આવે તેવા સવાલો પૂછવામાં આવે છે અને બસ માત્ર દેખાવ અને એકબીજાના કુટુંબો જોઈ હા કહેવાઈ જાય છે.

    આવી પરિસ્થિતિમાં સૌથી વધારે દયાજનક સ્થિતિ સ્ત્રીની બને છે કે જેને એ જાણતી પણ નથી. એવી વ્યક્તિ સાથે લગ્ન થતાં, જે માતા પિતા એને ફૂલની જેમ સાચવે છે એ જ માતા પિતા તેને પરાયે ઘેર સાવ એકલી વળાવી દે છે અને તે પતિ કહેવાતા પુરુષને લગ્નની પહેલી રાત્રે પોતાનું સર્વસ્વ હસતા મ્હોએ સોંપી દેવાનું હોય છે. તેમાય બીજા દિવસે તેને એ પણ ખબર નથી હોતી કે જેની સાથે હવે આખી જીંદગી વિતાવવાની છે એ સવારમાં ચા પીવે છે કે કોફી? તેને શું પસંદ છે શું નાં પસંદ છે એ પણ જાણતી નથી હોતી. એક રીતે જોઇએ તો આ સામાજિક પરંપરા દ્રારા રચાતા લગ્નો સ્ત્રી માટે ટેમ્પરરી માનસિક આઘાત આપતા લાગે છે તે વાતને સાવ નકારી શકાતી નથી. છતાં પણ ભારતિય સર્વેનાં રીપોર્ટ પ્રમાણે એવું કહેવાય છે કે પ્રેમ લગ્નો કરતાં એરેન્જ મેરેજ વધું સફળ જોવા મળે છે.

    આ બાબતે એક સ્ત્રી તરીકે મારૂં એવું માનવું છે કે લગ્ન ગમે તેવી સ્થિતિમાં થયા હોય પરંતુ બંને વ્યકિતએ એકબીજાને સમજવાનો સમય અવશ્ય આપવો જોઈએ. પરણીને પ્રેમ કરો કે પ્રેમ કરીને પરણી જાઓ , તે મહત્વનું નથી પરતું મહત્વનું છે જેની સાથે જિંદગીભર રહેવાનું છે તેને સમજો તેની પસંદ નાપસંદ જાણો. તો જીવન આસાનીથી શરૂં થઇ શકશે અને હા તેનો અંત કેવી રીતે લાવવો એ તો તમારી સમજ અને ધૈર્ય ઉપર આધાર રાખે છે. લગ્ન જીવનની ગાડીને હાલકડાલક થાય નહી માટે આ બંને પૈડા વચ્ચે સમતોલન જાળવવુ અંત્યત જરૂરી છે. જો સ્વસ્થતા અને સમજદારીના સમતોલ ભારથી બેલેન્સ જાળવી જાણીએ તો જીદગીને સરળતાથી પાર કરી શકાય છે.

    જો તમારામાં એક પ્રેમાળ હ્રદય હશે તો સમજ અને ધૈર્ય જેમ જેમ પરિથિતિ આગળ વધે એમ વધુને વધુ આવતા જશે.. એક પ્રેમાળ હ્રદય જગત જીતવા માટે સક્ષમ છે. જ્યારે અહીંયા તો એક દિલને જીતવાની વાત છે…

    ***

    ભાગ - 8

    સંજય પીઠડીયા

    આપણા વડવાઓના વખતમાં પુત્ર કે પુત્રી અવતરે ત્યાંજ એમનાં વેવિશાળ થઈ જતાં. ઘણા પરિવારોમાં તો જન્મ પહેલાં જ એવું એડવાન્સ બુકીંગ થઈ જતું કે તમારે ત્યાં દીકરી જન્મે અને અમારે ત્યાં દીકરો જન્મે (કે એથી ઊલટું) તો બંનેને પરણાવીને આપણે વેવાઈ બનીશું. પછી એવો સમય આવ્યો કે છોકરો-છોકરી એકબીજાને જોયાં કે મળ્યાં વગર જ, માબાપની મરજી પ્રમાણે પરણવા લાગ્યાં. મહાત્મા ગાંધી કસ્તુરબાને લગ્ન અગાઉ જોયા વગર જ પરણ્યા હતા. છેલ્લા ઘણાં વર્ષોથી જ્ઞાતિઓના પ્રમુખો અને સભ્યો ‘યુવક-યુવતી મેળાવડો’ ગોઠવતાં હોય છે જેમાં જે-તે જ્ઞાતિના ફ્રેશ, હાઈ-ક્લાસ, ગરમા-ગરમ, સેકન્ડ હેન્ડ કે લેટ-લતીફ સેમ્પલો એકબીજાને જુએ, મળે, વાતો કરે અને પસંદગી થાય તો પછી પરિવારજનો આગળ વધે. ક્યારેક એવું પણ બને કે યુવક-યુવતીઓને એમ થાય કે આપણી જ્ઞાતિ તો મણિબહેનો અને બાઘાભાઈઓથી જ ભરેલી છે ત્યારે મેરેજબ્યુરોનો સહારો લેવામાં આવે છે. જોકે દરેક જ્ઞાતિમાં એક-બે એવા નમૂનાઓ હોય જ કે જે પોતાને હાલતા-ચાલતા મેરેજ-બ્યુરો જ સમજતાં હોય અને ગમે ત્યાં ગમે તેનું પપલુ ફીટ કરાવવા ફાંફાં મારતા જોવા મળે છે. આથી એક શેર ચઢે એવી વાત એ છે કે આપણે ત્યાં ગામડામાં જે રીતે પશુબજાર ભરાય છે, પશુમેળા થાય છે એ રીતે, બસ એ જ રીતે બિહારના મિથિલા વિસ્તારમાં પરપૂર્વથી ‘દુલ્હા-બજાર’ ભરાય છે. પરણવાની ઈચ્છા ધરાવતા છોકરાનાં મા-બાપ દીકરાને વરરાજાના વાઘા પહેરાવીને હજારોની સંખ્યામાં એક નિયત સ્થળે ભેગાં થાય છે. દીકરીઓના મા-બાપ આ બજારમાં લટાર મારે અને દરેક દુલ્હાને તપાસે-પારખે અને પછી આગળ વાત વધારે.

    આ રીતે વિધવિધ જાતના લગ્નપ્રકારો વચ્ચે એક ખૂબ જ પ્રચલિત પ્રકાર છે - લવમેરેજ, પ્રેમલગ્ન! લવમેરેજની વ્યાખ્યા આપવી પડે એવો આજનો જમાનો નથી. ઘેર ઘેર માટીના ચૂલાની જેમ કુટુંબે કુટુંબે લવમેરેજના દાખલાઓ જોવા મળતા હોય છે.

    તાજેતરમાં એક મરાઠી ફિલ્મ ખૂબ ગાજી. ફિલ્મનું નામ ‘સૈરાટ’. બે અમીર-ગરીબ (તથા સવર્ણ-દલિત પણ એવા) પ્રેમીઓ કુટુંબ સામે બંડ પોકારીને નાના ગામમાંથી ભાગી જાય છે. હૈદરાબાદની એક બદબૂદાર ઝૂંપડપટ્ટીમાં નવું જીવન શરૂ કરે છે, પછી કોર્ટમાં પરણી જાય છે. પોલિટિશિયન બાપ પોતાનું નાક કાપનારી છોકરીને ધિક્કારે છે. બાપને જ્યારે ખબર પડે છે કે દીકરી-જમાઈ ક્યાં રહે છે ત્યારે એ પોતાના દીકરાને મીઠાઈ, દાગીના, કપડાં વગેરે લઈને છોકરીને ત્યાં મોકલે છે. સાથે બીજા ત્રણ ઘરના કહેવાય એવા વિશ્ર્વાસુ માણસો પણ છે જેને છોકરી ઓળખે છે. છોકરીના પિતાએ મોકલેલા ચાર જણ આ નવદંપતીની હત્યા કરીને રફુચક્કર થઈ જાય છે.

    એ પહેલા હજુ એક મરાઠી ફિલ્મ આવેલી – ‘ટાઈમપાસ’. ફિલ્મની સ્ટોરી એકદમ સિમ્પલ. એક છોકરો. નામ એનું ‘દગડુ પરબ’. જીવનમાં ફક્ત બે ને માને - એક સાઈબાબા અને એક એના આઈબાબા (એટલે મા-બાપ). ભણવામાં ઢબૂનો ઢ. સવારે ઘરે-ઘરે છાપા નાખવા જાય, બાકી આખો દિવસ આળાટોળા ને આશિર્વાદ. એક છોકરી. સભ્ય કુટુંબની દીકરી. નામ એનું ‘પ્રાજક્તા લેલે’. દેખાવે સાદી, પંજાબી ડ્રેસ પહેરે, બે ચોટલા વાળે, એક ચોટલા પર ફૂલ લગાડે. હળવેથી બોલે, શાંત રહે, મા-બાપની બધી વાત માને, નાચવાનું મન થાય તોયે ઈચ્છાઓને દબાવીને રાખે - આ બધાનું એક જ કારણ, પ્રાજક્તાના પપ્પા માધવરાવ લેલે. જૂનવાણી, ખડૂસ, સિધ્ધાંતવાદી ફાધર. બોલવાની ભાષા અને પહેરવાની ભૂષા તદ્દ્ન સ્વચ્છ, પણ પ્રેમ નામના શબ્દથી ચીડ. આમ ઉત્તરધ્રુવ અને દક્ષિણધ્રુવ સમાન એક લડકા, એક લડકી. સાહજિક કુદરતી આકર્ષણ, ઓળખાણ, ખેંચાણ, નૈન મળ્યા, મન મળ્યા - પ્યાર તો હોના હી થા! તાજા ચોખ્ખા ઘીમાં ઝબોળેલી પૂરણપોળી પ્રાજક્તાને ડેરિંગબાજ દગડુ જેવા બોંબિલ-ફ્રાયનો રંગ ચઢી જાય છે. પછી વધુ મળવાનો, સાથે ફરવા જવાનો, લવ-લેટર લખવાનો સિલસિલો ચાલુ થાય છે અને વિલન પપ્પાને ખબર પડે એટલે બંને છૂટ્ટા પડી જાય છે.

    ઘણી વાર આપણે આવું જોયું છે. અગાઉની હિન્દી ફિલ્મોમાં હીરો-હીરોઈન આપઘાત કરતાં, તો ક્યારેક હીરોને હીરોઈનનો બાપ ઠાર કરતો ને હીરોઈનની હત્યા હીરોનો બાપ કરતો. હજી બીજી કેટલી ફિલ્મોના નામ કહું જેમાં પ્રેમલગન સામે પરિવારજનો આડા આવે છે? મુગલ-એ-આઝમ? બૉબી? જબ વી મેટ? સાથિયા? ટુ સ્ટેટસ? એક દુજે કે લિયે? કયામત સે કયામત તક!

    બેઉ પ્રેમીપંખીડા મનમેળથી તનમેળ સુધી પહોંચવા ‘પરણવા’નો સહારો લે! કોઈ લફરું કરવા કરતાં લગ્નની વાત કરવી - એ તો સામાજિક અને શુદ્ધ વાત કહેવાય. પણ સામાન્યતઃ આપણા સમાજમાં થાય છે એમ બંને પક્ષના માતા-પિતાનો ગરાસ લૂંટાતો હોય એમ નકારો ભણે! પવિત્ર ભારતભૂમિના કેટલાય અક્કલમઠ્ઠાઓ માટે પ્રેમલગ્ન કરવા એ પાપ છે પણ એ માટે કોઈ જુવાન જીવને મોતને ઘાટ ઉતારવા એ પાપ નથી! દુનિયાના દરેક ધર્મ કે દેશમાં પ્રેમને પરમાત્મા સુધી પહોંચવાનો સૌથી સરળ અને સાચો માર્ગ બતાવ્યો છે. પણ વાસ્તવિકતામાં પ્રેમનું નામ પડે કે નેવું ટકા વડીલો અને કેટલાક જનમઘરડા યુવાનો પણ ધિંગાણે ઉતરી જાય છે.

    “આ લવમેરેજ પશ્ચિમની ભેટ છે, કાં? આપણા ભારતીય સમાજને અને સુસંસ્કૃત સંસ્કૃતિને શોભે નહી”, આવું કહેનારાઓના મોંમા તોપનું નાળચું લગાડીને ભડાકે દેવા જોઈએ. ભારતના કયા ભગવાને અરેન્જ્ડ મેરેજ કરેલા એ કહો જોઈએ? શિવથી શરૂઆત કરીએ, સૌ પહેલાં તો એમના બે લગ્ન - એક સતી સાથે અને બીજા પાર્વતી સાથે. પાર્વતીએ તો એકતરફી પ્રેમને મેરેજમાં ફેરવવા કામદેવને કુરબાન કરી શિવને જીતેલા! સીતા કે દમયંતી કે દ્રૌપદી - બધી જ રાજપુત્રીઓ સ્વયંવર કરીને, પિતાને નહીં પણ પોતાને ઈચ્છિત પતિને જાહેરમાં પસંદ કરતી. રુક્મિણીનું પણ કૃષ્ણએ હરણ કરેલું. ગીતાનો સાંભળનારો અર્જુન અપ્સરાથી આદિવાસી સુધીની કન્યાઓ સાથે પરણેલો. આજે ૨૧મી સદીમાં પણ ઓનરકિલિંગના નામે આપણા સમાજની બહેન-દીકરીને મારી નાખવાની ઘટના બને છે અને તે સામે સદીઓ પહેલાં કૃષ્ણ જેવા મહાપુરુષ પોતાની બહેન સુભદ્રાને (મોટાભાઈ બલરામની ઈચ્છા વિરુદ્ધ) તેના મનગમતા પુરુષ અને પોતાના મિત્ર એવા અર્જુન સાથે ભાગી જવામાં મદદ કરે છે. આપણે આ બધાની પૂજા કરવી છે પણ એમના આચરણ જેવું આપણા સંતાનો કરે તો ભૂકા બોલાવી દેવા છે.

    અને એવું કોણે કહ્યું કે પ્રેમલગન સફળ નથી થતાં? પ્રેમલગ્નોથી છલકાતું કુટુંબ એટલે સલમાનખાનના પિતા સલીમખાન ઍન્ડ ફૅમિલી. પુત્ર અરબાઝના લગ્ન મેંગ્લોરની ખ્રિસ્તી છોકરી મલાઈકા સાથે (જેમણે લગ્નના અઢારેક વર્ષ પછી પોતાના અંગત મતભેદને કારણે હાલમાં છૂટા થવાનો નિર્ણય લીધો છે), સોહેલના હિંદુ પંજાબી કુડી સીમા સાથે, પુત્રી અલ્વીરાના પંજાબી બ્રાહ્મણ અતુલ અગ્નિહોત્રી સાથે, દત્તક દીકરી અર્પિતાના બિઝનેસમેન આયુશ શર્મા સાથે. અને એવા વાવડ છે કે સલ્લુમિયાં પોતાની ફોરેનર સ્ત્રીમિત્ર લુલિયાને પરણવાના છે! સલીમ સાહેબ પોતે પત્નીઓ હેલન-સલમા અને સાથે પ્રેમભર્યું જીવનસંગીત માણી રહ્યાં છે. મારા પોતાના મામાના દીકરાએ સિંધી છોકરી સાથે, દીકરીએ ખોજા મુસ્લિમ છોકરા સાથે ૧૯ વર્ષ પહેલાં લગ્ન કરેલ છે અને આજે સુખી છે! લગ્નની સફળતા તો સપ્તપદીના સૂત્રોમાં છે. કયા પ્રકારે લગ્ન કર્યા એમાં નથી.

    અને મૂળ ઈશ્યુ પ્રેમનો નથી. પ્રોબ્લેમ છે આપણી માનસિકતામાં. પેઢી દર પેઢી બંધિયાર મગજની મેથી મારનારા અક્કલના ઓથમીરોમાં. વાત કોઈ ચોક્ક્સ જ્ઞાતિ, રાજ્ય, કોમ કે નગરની પણ નથી - વાત છે જડસુ દિમાગની! પછી એ કોઈપણ માણસનો કેમ ન હોય! આપણે ત્યાં બે પ્રકારના વડીલો છે: એક જે સંતાનોના મુક્ત ઉછેરમાં માને છે પણ ખૂબ જ ઓછી સંખ્યામાં અને બીજા અણસમજુ જિદ્દી જે સંતાનોની સ્વતંત્ર પસંદગી કે પ્રેમને નફરત કરે છે પણ બહુમતીમાં. મૂળ તો ભારતીય માતા-પિતાઓ પોતાના બાળકને ‘મિલકત’ સમજે છે. એને ગમે એવું જ સંતાનોએ કરવું એવી ઘેલછા! ‘સારાભાઈ વર્સેસ સારાભાઈ’ નામની એક રમૂજી ટી. વી. સિરીયલ આવતી. એમાં મનિષા નામની ગરીબ ઘરની છોકરીને પોતાનો દીકરો પરણે છે તો માતાને સારુ નથી લાગતું અને હંમેશા ‘હાઉ લૉઓર મિડલ ક્લાસ!’ એવું કહી કહીને મોનિષાને (હા, ‘મનિષા’ નામ એકદમ કોમન અને મિડલ ક્લાસ લાગે એટલે પોતાની વહુનું નામ પણ બદલાવીને ‘મોનિષા’ કરેલું) વારે વારે ટોકતી રહે છે.

    લગ્ન એ માત્ર મંત્રો બોલીને અગ્નિકુંડની આસપાસ ચાર ફેરા ફરવાથી, કાગળ પર સહી કરવાથી, કે કબૂલ છે કહેવાથી બંધાઈ જતો કોઈ સંબંધ નથી. લગ્ન એ સાવ જુદા વાતાવરણમાંથી આવતા, આવ જુદી રીતે ઉછરેલા બે પાત્રોએ સાથે જીવવાની એક સુંદર સામાજિક વ્યવસ્થા છે. સારાં-નરસાની ખબર ન રહેતી હોય અને હાંઢિયા જેવા થાય તોયે નીતિ-નિયમમાં બાંધવા પડતા હોય એવા સંતાનો માટે માતા-પિતા જવાબદાર છે. ઉછેરમાં અને ઘડતરમાં ક્યાંક ચૂક કે ખોટ રહી ગઈ હશે. બાકી લવમેરેજમાં નુકસાન થાય તો એમનું પોતાનું જ થશે, બીજાનું નહીં! એ વાત સંતાનોને ખુદને સમજાવી જોઈએ. ભૂલ કરશે તો ભોગવશે ય ખરાં ને સફળ થશે તો ભાવના ભોજન સાથે જમશે ય ખરાં! પ્રેમલગ્ન વિરોધના કેસમાં લગભગ મામલો સંતાનના હિતનો ઓછો અને ઈગોનો વધુ હોય છે. ‘એવા ઘરની છોકરી અમારા ઘરની વહુ બની જ કેમ શકે?’ કે ‘આપણા ઘરની દીકરી એવા લોકોના ઘરમાં પરણાવી જ કેમ શકાય?’ - આ મેન મુદ્દો છે. અમને પૂછ્યાં વગર તમારાથી લગન થાય જ કેમ? કેટલાક સુધરેલા વડીલો કહેશે - અમારે પ્રેમલગ્નમાં કાંઈ જ વાંધો નથી. પણ પ્રેમ કરો તો અમને પૂછીને પ્રેમમાં પડજો.... આપણી બરાબરી કરી શકે એવું સામેનું પાત્ર ગોતજો! વ્હોટ ધ હેલ?

    ટુ સ્ટેટ્સ (બુક અને ફિલ્મ, બન્ને) તો હમણાં આવી પણ દાયકાઓ પહેલાં બાબાસાહેબ આંબેડકરે પોતાના એક લખાણમાં લખેલું કે ભારતીય સમાજમાંથી જો જ્ઞાતિવાદને ખતમ કરવો હોય તો લવમેરેજને પ્રોત્સાહન આપો. આ જ વિચારને લોકો સમક્ષ લાવવા ગુજરાતના પ્રખ્યાત કોલમિસ્ટ અને વ્યાખ્યાનકાર જય વસાવડાએ સન ૨૦૦૮માં ‘લીડ ઈન્ડિયા’ કોન્ટેસ્ટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું પણ આપણી માનસિકતાને કારણે જૂજ મત મળવાથી તેઓ કોન્ટેસ્ટથી બહાર થઈ ગયાં.

    અરેન્જ્ડ મેરેજમાં એક કે બે મિટીંગમાં છોકરા-છોકરીના માતા-પિતા નક્કી કરે કે આપણે અહિંયા જામશે, આ લોકો સારા છે. અહીં જ લગ્ન કરવા છે. પ્રોબ્લેમ અહીં જ ઊભો થાય છે. એક વાત કાજલ ઓઝા વૈદ્યએ પોતાના પુસ્તક ‘એકબીજાને ગમતાં રહીએ’માં લખી છેઃ અમેરિકાથી આવેલા એક છોકરાએ છવ્વીસ છોકરીઓ જોઈ નાખી પછી એક સુકન્યા પર પસંદગીની મહોર લગાવી. સુકન્યા પાસે ડિગ્રી હતી, ફિગર હતું. ગોરી-પાતળી છોકરી રસોઈકળામાં પણ નિપૂર્ણ હતી. ૧૫ દિવસ માટે આવેલા છોકરાએ લગ્ન કરી લીધાં, છોકરો અમેરિકા પાછો ચાલી ગયો. વિઝા પર છોકરી પણ તરત જ અમેરિકા પહોંચી ગઈ. અમેરિકા પહોંચતાની સાથે બંને જણા વચ્ચે ભયાનક ઝઘડાં શરૂ થઈ ગયા! કારણ? છોકરી પથારીમાં ઠંડીગાર હતી.

    લગ્ન પહેલાં બંને જણાં એકબીજાની સાથે સમય ગાળી જ શક્યાં નહોતાં એથી એમને બંનેને ખબર જ નહોતી કે એમની જરૂરિયાતો શું છે! અમેરિકામાં જીવતા છોકરા માટે સેક્સ એ લગ્નનો અગત્યનો ભાગ હતો. તેને પત્ની રાંધે નહીં તો ચાલે, પણ પથારીમાં તૃપ્ત કરી નાખે એવી હોવી જોઈએ. જ્યારે છોકરીએ પથારીમાં પોતાનું શરીર પતિને સોંપી દેવાથી આગળ બીજું કશું જ કરવાનું જરૂરી નહોતું લાગતું. એને મન રસોડામાં વાસણો વચ્ચે જિંદગી જીવવી એક લગ્નની પરિપૂર્ણતા હતી. પછી થાય શું? બંને આખરે અલગ થઈ ગયા.

    અરેન્જ્ડ મેરેજમાં જ્યારે છોકરા છોકરીની મિટીંગ ગોઠવવામાં આવે પછી પસંદ અને નાપસંદને લઈને પણ સવાલો ઊભા થાય છે. ‘ના કેમ ગમે? ફરી પાછી મિટીંગ ગોઠવો’ અથવા ‘આમા ગમવા જેવું શું છે? ના પાડી દેજો!’ મૂળ વાત છે કે છોકરા-છોકરીને પોતાને ઓળખવાનો, મળવાનો, જાણવાનો, સમજવાનો સમય જ મળતો નથી!

    ઈન્ડિયન ટેનિસની સ્ટાર પ્લેયર સાનિયા મિર્ઝાની પહેલી સગાઈ ચાઈલ્ડહૂડ મિત્ર મોહમ્મદ સોહરાબ સાથે નક્કી થયેલી અને પછી છએક મહિનામાં તૂટી પણ ગયેલી. સગાઈ તૂટ્યા પછી સાનિયાએ કહેલું: અમે ઘણાં વર્ષોથી મિત્રો હતાં, પરંતુ અમારે મનમેળ બેસતો ન હતો. અમારી જોડી જામે તેવી નથી. સગાઈ તોડી પછી સોહરાબના પિતા ઈમરાન મિર્ઝાએ કહ્યું કે, સોહરાબ અને સાનિયા અમારી પાસે આવ્યાં હતાં, એ બંની ખુશીથી છૂટા પડવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી અમારા બંનેના પરિવારના સુમેળાભર્યા સંબંધો પર કોઈ અસર નહીં થાય. આ વાતમાં કોઈ કડવાશ નથી. આખી ઘટનામાં મા-બાપે શીખવાનું છે કે તમે સંતાનને નક્કી કરવા દો કે એ લોકો સાથે રહી શકે એમ છે કે નહીં? એ બંનેની જોડી જામે છે કે નહીં? તમારા નિર્ણયો, વિચારસરણી અને પસંદ-નાપસંદ સંતાનો પર ઠોકી ના બેસાડો.

    આજની યુવાપેઢી ક્લિયર અને ફોકસ્ડ છે. જબરજસ્તી કે ધરારીનો મતલબ નથી. આખી જિંદગી ભાર વેંઢારવા કરતાં પ્રેમથી બાય બાય કહેવું વધારે હિતાવહ અને ડહાપણ ભરેલું છે. લોકો અને સમાજને જે કહેવું હોય તે કહે પણ જીવવાનું આપણે છે, આ વાત નવી પેઢી બરાબર સમજે છે. આઝાદી અને પ્રાયવસી એ યંગસ્ટર્સને સૌથી વધુ ગમતા શબ્દો છે.

    Love marriages around the world are simple:

    Boy loves girl. Girl loves boy. They get married.

    In India, there are a few more steps:

    Boy loves girl. Girl loves boy.

    Girl’s family has to love boy. Boy’s family has to love girl.

    Girl’s family has to love boy’s family. Boy’s family has to love girl’s family.

    Girl and boy still love each other. They get married.

    આ લખાણ ભારતીય (પણ અંગ્રેજીમાં લખતા) લેખક ચેતન ભગતના પ્રસિદ્ધ પુસ્તક ‘ટુ સ્ટેટસ’ના પાછળના કવર પેજ પર લખેલું છે. કેવું સાચેસાચું લખેલું છે નહીં?

    ***

    ભાગ - 9

    પરેશ સોલંકી

    લવ મેરિજ મતલબ તમે ખુદે જ પસંદ કરેલા પાત્ર સાથે લગ્ન કરો છો. તમે તેની સાથે અનેક લાગણીઓ થી બંધાયેલા હોય છે. જે તમે પહેલા થી જ નક્કી કરીને રાખ્યુ હોય છે આજકાલ તો લવ મેરિજ ફેશન છે.

    તમે તેની સારી ખરાબ આદતો અને એના વિચારો થી પણ પરિચીત હોવ છો. કુટેવ તથા સારી ટેવોની પણ જાણ હોય છે.

    જ્યારે અરેન્જ મેરીજમા એનુ વિરુધાર્થી હોય છે.

    અરેન્જ મેરીજ એટલે તમારા પરીવાર જનોની મરજી થી તથા તમારી મરજી થી થયેલા વિવાહ. અરેન્જ મેરીજ મા તમે તમારા પાત્ર વિશે કશુજ જાણતા નથી હોતા.

    અને આજ વાત ઘણા યુવકો અને યુવતીઓ આકર્ષે છે, અરેન્જ મેરીજ કરવા તરફ જાય છે. અરેન્જ મેરીજને કારણે તમે તમારા પાત્ર માટે હંમેશા જીજ્ઞાસુ રહો છો.

    ભારતમાં લવ મેરીજ નો એક પ્રકાર થી ક્રેઝ છે

    ભારતના મેગા સિટી તથા નાના-મોટા સિટી અને ગામડાંઓમા પણ લવ મેરીજ નુ ભુત ચોટેલુ છે. આજકાલ ના નવરક્ત સંચિત યુવકો અને યુવતીઓ લવ મેરીજ કરવાનો જ વિચાર રાખતા હોય છે.

    લવ મેરીજ ની ફેશન છે માટે એનો મતલબ એતો નથી કે અરેન્જ મેરીજ થાતા જ નથી.

    ભારતના ગામડાંઓમાં મારા અનુમાન પ્રમાણે લગભગ નવાણુ ટકા અરેન્જ મેરીજ થાય છે, તથા ભારત ના ઘણા મોટા શહેરો મા પણ અરેન્જ મેરીજ થાય છે. એનુ કારણ એ છે કે લવ મેરીજ નિષ્ફળ થતા જોઈને ઘણા લોકો એવુ સમજે કે લવ મેરીજ હંમેશા નિષ્ફળ જ જાય છે. અથવા તેને એવો ડર હોય કે લવ મેરીજ નિષ્ફળ જાય છે,

    માટે તેઓ અરેન્જ મેરીજ નો સ્વીકાર કરે છે. મોટા સિટી મા રહેનારા હોય કે નાના ગામડાં ઓમા તે તેના લવ મેરીજ વિશે ના એના ભ્રામક ખ્યાલો મુકતા નથી અને અરેન્જ મેરીજ તરફ જાય છે. ઘણા અરેન્જ મેરીજ રાજકારણી સત્તા મેળવવા કે રાજકારણી સત્તા ને પછાડવા માટે પણ અરેન્જ મેરીજ થાય છે. માટે અરેન્જ મેરીજ પણ લવ મેરીજ ની બરાબરી કરે છે.

    શિક્ષણ ની કમી ને કારણે પણ અરેન્જ મેરીજ નુ પ્રમાણ ખુબ જ વધી જાય છે.

    ભારતના ગામડાં ઓમા શિક્ષણ નુ પ્રમાણ ઓછુ હોવા થી તેઓ લવ મેરીજ મા માનતા જ નથી, તેઓ અરેન્જ મેરીજ ની પાછળ દોડે છે અને દોડતા પણ રેહશે.

    કારણ કે તેઓ લવ મેરીજ ને પાપ સમજે છે તથા તેઓ લવ મેરીજ કરવા વાળા ઓ ના પ્રાણ હરવા થી પણ પાછળ હટતા નથી. અને જુદી જુદી જાતિ કે જ્ઞાતિ મા લવ મેરીજ કર્યા એનુ તો જીવવાનુ પણ મુશ્કેલ કરી નાખે છે. તે લોકો જાનવરો થી પણ ખરાબ હાલત કરી નાખે છે અને આવા અસાક્ષર વ્યક્તી ઓ હંમેશા લવ મેરીજ ની ખિલાફ જ હોય છે.

    આવા કારણો ને કારણે ભારત ના ગામડાંઓમા લવ મેરીજ નુ પ્રમાણ ઘણુ ઘટી જાય છે

    અને અરેન્જ મેરીજ વધી જાય છે. લવ મેરીજ માં ખતરો ઘણો છે પણ યુવાનો અને યુવતીઓ લવ મેરીજ કરવાનો આગ્રહ રાખે છે. લવ મેરીજ નુ આકર્ષણ એટલે વધારે છે તેમા યુવાન યુવતી તથા યુવકો તેના શારિરીક સબંધ વિવાહ પહેલા બાંધી શકે અને બીજા અગત્યના સબંધ પણ સ્થાપી શકે માટે લવ મેરીજ તરફ વધુ પ્રમાણમાં ખેંચાઈ છે માટે જ લવ મેરીજ મા વધારે ને વધારે નવરક્ત સંચિત યુવાનો તથા યુવતીઓ આકર્ષાય છે.

    જ્યારે અરેન્જ મેરીજ મા વિવાહ પહેલા આવા શારિરીક સબંધ બાંધી શકતા નથી કે બીજા અગત્ય ના કોઈ સબંધ બાંધી શકતા નથી માટે નવરક્ત સંચિત યુવાનો અને યુવતીઓ વધારે પડતો અરેન્જ મેરીજ નો સ્વીકાર કરતા નથી.

    લવ મેરીજ કરવાથી પરિવાર, મિત્રો, સબંધીઓ આપણી ઉપર ગુસ્સો એટલે કરે છે, કારણ કે તેને ઈસ્છા વિરુધ્ધ આપણે વિવાહ કર્યા તેમને કહ્યા વિના લગ્ન કેમ કર્યા તેને એટલી જ વાત નો ગુસ્સો હોય છે. તેઓ ને એમ લાગે છે કે લવ મેરીજ કરીને અાપણે તેઓ ને ભુલી જાશુ માટે જ તેઓ લવ મેરીજ ને ખિલાફ હોય છે.

    પણ તેવુ હોતુ નથી , આપણે તેઓ ને જેટલો પ્રેમ કરતા હોય એટલો જ કરીએ છીએ.

    લવ મેરીજ કરવાથી તેના હિસ્સા નો ઘટતો નથી અને તેઓ એ લવ મેરીજ કરવામા મદદ કરી હોય તો આપણે તેની ઘણી જ વધારે ઈજ્જત કરીએ છીએ.

    લવ મેરીજ કરીને આપણે પણ આપણા બાળકો ને સ્વતંત્ર રીત થી પ્રેમ કરી શકીએ છે. અાપણા માતાપિતા ની જેમ.

    લવ મેરીજ કરવાથી આપણે આપણા પૂરા માનવ સમાજ સાથે યુધ્ધ કરવા પડે કારણ કે લવ મેરીજ મા જાતિ, ધર્મ , જ્ઞાતિ , અમીરી - ગરીબી વગેરે પ્રમાણે યુધ્ધો થાય છે કોઈ ધર્મ માટે , કોઈ જાતિ માટે કોઈ અમીરી - ગરીબી માટે લવ મેરીજ થતા રોકે છે.

    લવ મેરીજ નો મતલબ એ નથી કે છોકરો - છોકરી ઘર થી દૂર ભાગી(Runaway couple) ને લવ મેરીજ કરે,

    લવ મેરીજ નો મતલબ એ છેકે તમે તો એક થાવ છો પણ પુરા પરીવાર જનોને, સબંધીઓને કુટુબ તથા મિત્રોને પણ એક કરો પરંતુ ભારતમાં આ એક કામ કરવુ ઘણુ જ મુશ્કેલ છે, માટે જ ભારત મા વધારે પડતા ઘર થી દૂર ભાગી મેરીજ કરનાર (Runaway Couple) કપલ (જોડાઓ) જોવા મળે છે.

    અરેન્જ મેરીજ મા લવ મેરીજ ની જેમ પરીવાર વેર વિખેર થતા નથી.

    કારણ કે તેની મરજી થી તેઓની ઈસ્છા થી તમે લગ્ન / વિવાહ કર્યા હોય છે. જેથી તેઓ ને તમારી ઉપર ભરોસો રહે છે. માટે તેને ગુસ્સે થવાનુ કોઈ કારણ હોતુ નથી. કારણ કે ગુસ્સો એટલી જ વાત નો હોય છે, કે તેની ઈસ્છા વિરુધ્ધ લગ્ન કેમ કર્યા, પરંતુ અહિંયા એની ઈસ્છા કે મરજી થી જ વિવાહ થાય છે માટે ગુસ્સો નથી હોતો અને લવ મેરીજ ની જેમ ઝગડા પણ નથી હોતા. અને તેઓ ને એવુ નથી લાગતુ કે આપણે તેઓ ને ભુલી જશુ,

    તેઓ આપણ ને પણ સ્વતંત્ર રીત થી પ્રેમ કરવાનો હક્ક આપે છે.

    ભારત મા મેરીજ કરવાની ઘણી જ રીતો છે. ધર્મ પ્રમાણે જુદી - જુદી રીતો છે, પણ એ જરુરી નથી કે સૌથી શ્રેષ્ઠ લગ્ન કરવાની રીત થી અરેન્જ મેરીજ કે લવ મેરીજ ટકી રહેશે. લવ મેરીજ હોય કે અરેન્જ મેરીજ હોય આ સબંધ ને જાળવી રાખવાની જીમ્મેદારી તમારી ઉપર હોય છે. તમારા મેરીજ ને ટકાવી રાખવા માટે તમારા એકબીજા પ્રત્યે સર્મપણ વિશ્ર્વાસ, લાગણી, સચ્ચાઈ, પ્રેમ હોય તો તમારા અરેન્જ મેરીજ છે કે લવ મેરીજ કોઈ જ ફરક પડતો નથી અને તમારા સબંધ માંથી તમને કોઈ જુદા પાડી શકતુ નથી.

    અરેન્જ મેરીજ મા તમને તમારા પાત્ર / પાર્ટનર વિશે ઘણી વાતો ની જાણ નથી હોતી ,

    જેવી કે

    શું તે કોઈ ને પ્રેમ કરતો હશે ? અથવા

    શું તેણી કોઈ ને પ્રેમ કરતી હશે ?

    શું તે તેને ભુલી ગયો હશે ? અથવા

    શું તેણી તેને ભુલી ગઈ હશે કે કેમ ?

    શું તે મારા માટે સારો સાબીત થશે ? કે

    શું તેણી મારા માટે સારી સાબીત થશે ?

    પણ આવા બધા સવાલો છોડીને આપણે અરેન્જ મેરીજ કરીએ એ વાત જ અરેન્જ મેરીજને લવ મેરીજ થી અલગ કરે છે.

    જ્યારે લવ મેરીજ માં એવુ હોતુ નથી.

    તમે જેને લવ કરો છો તેની સાથે જ તમારા મેરીજ થયા હોય છે માટે શકનો કોઈ ખ્યાલ પણ હોતો નથી.

    લવ મેરીજ મા તમને એ ખ્યાલ હોય છે કે તે/તેણી ગમે તેવી મુશ્કેલમાં તમને છોડીને નઈ જાય અને તે ખાતરી પણ હોય છે.

    લવ મેરીજ મા કે અરેન્જ મેરીજ કોઈ લાંબુ અંતર નથી, ફક્ત જોનાર ની નજર મા અંતર હોય છે.

    તમે કોઇ પણ પ્રકારે મેરીજ કરો. મેરીજ કરો ચાહે લવ મેરીજ હોય કે અરેન્જ મેરીજ ફક્ત રસ્તા અલગ અલગ છે પણ મંઝીલ એક જ છે.

    મેરીજ નો મતલબ એટલો જ છે કે બે વ્યક્તિને (પાત્રોને) પ્રેમ ના સબંધ મા જોડવાનો

    પછી ચાહે તે લવ મેરીજ હોય કે અરેન્જ મેરીજ.

    ***

    ભાગ - 10

    અંકિત સોની

    લગ્ન એ દરેક વ્યક્તિ ના જીવન નો અતિ મહત્વ નો અવસર કહી શકાય, કારણકે લગ્ન પછી માણસ એક માંથી બે થાય છે. લગ્ન બાદ વ્યક્તિ માત્ર પોતાની માટેજ નહીં પણ પોતાના જીવનસાથી માટે પણ જીવતો હોય છે, જીવન માં જાણે નવો ઉમંગ ભરાઈ ગયો હોય. જીવન જાણે ધન્ય થઇ જાય છે!

    યુવાની ના ઉંબરે પહોચતા જ જયારે ઘરમાં આપણા લગ્ન ની વાતો ચાલુ થતી હોય છે ત્યારે જાણે પેટ માં ગલગલીયા થતા હોય એવું અનુભવી છીએ!

    ભારતીય સંસ્કૃતિ એ વિશ્વ ની તમામ સંસ્કૃતિ ઓ માં સૌથી અજોડ અને સમૃદ્ધ વારસો ધરાવનાર છે. અહીં માણસ જન્મ થી લઈને મૃત્યુ સુધી સતત કોઈને કોઈ કારણોસર સંસ્કૃતિ સાથે જોડાયેલો રહે છે.

    બાળક ના જન્મ્યા પછી થોડા સમય બાદ બાબરી ઉતારવી, ત્યારબાદ યુવાવસ્થા માં લગ્ન કરવા થી માંડી ને મૃત્યુ બાદ અંતિમસંસ્કાર કરવા આ બધુજ ભારતીય સંસ્કૃતિ નો એક અભિન્ન ભાગ છે.

    આપણે નિ:શંકપણે આપણી સંસ્કૃતિ નું જતન કરવું જોઈએ અને પેઢી દર પેઢી તેનો વ્યાપ આગળ ધપાવવો જોઈએ. આપણે ભારતીયો જ તો છીએ કે જેઓ આપણી સંસ્કૃતિ ને જીવંત રાખી શકીશું. લગ્ન એ કોઈ પ્રથા નથી પણ એ આપણી સંસ્કૃતિ છે. કોઈ અમેરિકન, બ્રિટીશ, ફ્રેંચ,.... આ લોકો થોડા આવવાના છે આપણી સંસ્કૃતિ ને જીવંત રાખવા!?

    આમ લગ્નપ્રથા એ ભારતીય સંસ્કૃતિ નો એક અજોડ હિસ્સો છે. પહેલા ના સમય માં એવો રીવાજ હતો કે કોઈ કુટુંબ ના વડીલ કે છોકરા છોકરી ના માતાપિતા સામેના પક્ષે કોઈ સગા સંબંધી ને ત્યાં પોતાના છોકરા કે છોકરી માટે પાત્ર જોવા જતા. (આમ તો પહેલેથીજ બધું નક્કી હોય છે મેચ ફિક્સિંગ ની જેમ !)

    એકબીજા પરિવાર ને પસંદ પડતું ને ગોળ ખાઈ લેતા. અહીં છોકરા છોકરી ઓ ને એકબીજા ને મળવા ની વાત તો દુર રહી એકબીજા ને જોવાની છૂટ પણ ન હતી!નક્કી થતી તારીખો અનુસાર સગાઇ અને ત્યારબાદ લગ્ન, બીજી કોઈ લાંબી માથાકૂટ નહીં. પહેલા ના સમય માં ક્યાં મોબાઈલ હતાં કે લોકો ઓનલાઈન ચેટીંગ અને સેટિંગ કરે?

    આતો લગ્ન જીવનની પહેલી રાત્રે વહુનો ઘૂંઘટ ઉઠે ત્યારે ખબર પડે કે કાગડો દહીંથરું લઇ ગયો કે વાંદરી સફરજન લઇ ગઈ?! કે પછી એકેય જણા ફાવ્યા નથી કે પછી બંનેય ફાવી ગયા. !!

    સમય જતા સમાજ માં થોડુ પરિવર્તન આવ્યું માતાપિતા પોતાના છોકરા છોકરી ને પણ લગ્ન માટે ઠેકાણું જોવા સાથે લઇ જતા થયા, આથી થોડાક આગળ વધ્યા છોકરા છોકરી ને પોતાની પસંદ નાપસંદ, ટૂંકો પરિચય મેળવી શકે તે હેતુ થી કોઈ અન્ય રૂમમાં એકાંત માં મળવાની અથવા બહાર ફરવા જવા દેવાની છૂટછાટ આપવામાં આવી.

    ત્યારબાદ જો બંને ને એમ લાગે કે ઠીક છે વગર અટકે ગાડી ચાલશે એવું લાગે તો વાત આગળ ચાલે છે, સગાઇ થાય છે અને લગ્ન થાય છે. જો કોઈ પાત્ર ને સામેનું પાત્ર પસંદ ના પડે તો આમાં રીજેક્ટ નું ઓપ્શન આવે છે. ખરેખર તો હાલ ના સમય પ્રમાણે છોકરીઓ ને ચોઈસ મળતી હોય છે, સાંભળ્યું છે કે આજકાલ છોકરીઓની બહુ અછત છે!

    આમ જોવા જઈએ તો આપણા સાંસ્કૃતિક રીતિરિવાજ અનુસાર એરેન્જડ મેરેજ ને સમાજ માન્યતા આપતો હોય છે. આમાં કોઈ માતાપિતા નો છોકરો કે છોકરી કુંવારા હોય (વાંઢા નહિ હો!) તો તેમના સમાજ ના કોઈ અન્ય સગાસંબંધી તેજ સમાજ નું તેમને બંધબેસે એવું પાત્ર બતાવતા હોય છે. (આજકાલ માણસો સંબંધ કરાવવા માં બહુ રસ લેતા નથી, ખબર નહિ કેમ?) ત્યારબાદ બંને પક્ષ ને અનુકુળતા હોય તો એકબીજાને જોવાનું ગોઠવ્યા બાદ કેટલાક રીતિરિવાજ પૂર્ણ કર્યાબાદ સગાઇ કરીને થોડાક સમય બાદ લગ્ન ગોઠવતા હોય છે.

    અહીં એક પ્રથા ખુબજ સારી છે જે છે સગાઇ. પહેલેથીજ લગ્ન ગોઠવવાના ને બદલે પહેલા સગાઇ કરવામાં આવે છે. આને કારણે બંને પાત્રો એકબીજા ને વધુ સારી રીતે ઓળખી શકે છે. બંને પોતપોતાની પસંદ ના પસંદ, રસ રૂચી , રહેણી કરણી વગેરે વિશે જાણી શકે છે.

    પહેલા લોકો સગાઇ થઇ ગયા બાદ પ્રેમ પત્રો લખીને એકબીજા સાથે વાતચીત કરતા , ત્યારબાદ હવે મોબાઈલ નો યુગ આવતા હવે તો સગાઇ થઇ ગયા બાદ પ્રથમ પુરુષ પાત્ર દ્વારા મહિલાપાત્ર ને મોંઘા માયલો એન્ડ્રોઈડ મોબાઈલ લઇ દેવાનો રીવાજ આવ્યો છે! બંને પાત્રો સગાઇ દરમ્યાન ૩ કે ૬ મહિના એકબીજા સાથે રહે છે, વાર તહેવારે એકબીજા ના ઘેર આવે જાય છે અને એકબીજા ના સગા સંબંધી ઓ સાથે પરિચય કેળવે છે, આમ આની મજા જ અલગ હોય છે.

    આ સમયગાળા દરમ્યાન જો કદાચ એવું બને કે કોઈ પાત્ર ને સામેના પાત્ર નો સ્વભાવ ના ગમે કે મનમેળ બેસે નહિ તો બંને ની મરજી થી સંબંધ તોડી પણ શકાય છે, હવે જો પહેલેથીજ લગ્ન કરી લીધા હોય તો લગ્ન તોડતા બંને પાત્રો ને તથા તેમના પરિવાર ને થોડોક ખચકાટ રહે છે, પરંતુ સગાઇ તોડવામાં બહુ ખચકાટ રહેતો નથી. જોકે અત્યારના સમય ની વાત અલગ છે લોકો હાલતા ને ચાલતા છૂટાછેડા લઇ લેતા હોય છે. કોઈ શરમ સંકોચ વગર જાણે કે પોતે મોટી સેલીબ્રીટી હોય!દિવસે ને દિવસે માણસ બેશરમ બનતો જાય છે.

    એરેન્જડ મેરેજ એ કોઈ બે પાત્રો ની સગાઇ નથી, એરેન્જડ મેરેજ એ બે કુટુંબ વચ્ચે થતી સગાઇ છે. કોઈ નિશ્ચિત સમાજ નું કોઈ પાત્ર તેનાજ સમાજ કે જ્ઞાતિ ના પાત્ર સાથે લગ્ન કરે છે, મારા મતે આ પ્રથા ખરેખર તંદુરસ્ત પ્રથા છે. (થોડા વરસો પછી આ પ્રથા ઈતિહાસ બની જશે.) સમાજ માં કેટલીય જ્ઞાતિઓ ના લોકો વસે છે, આપણા સમાજ ના વડીલો એ જે રીતી રિવાજો બનાવ્યા છે તે એકદમ વાજબી જ હતાં. યુવાપેઢી આજે દોઢડાહી થઈને હોશિયારી વાપરી ને આ રીવાજો નું સરાજાહેર ખૂન કરી રહ્યા છે. જે તંદુરસ્ત સમાજ ના બળાત્કાર સમાન છે.

    આજે મનફાવે તે છોકરી મનફાવે તે સમાજ ના છોકરા સાથે મનફાવે ત્યારે મનફાવે તે જગ્યા એ ભાગીને જતી રહે છે. આમાં તેના માતાપિતા ને શું સમજવાનું??

    ખેર એરેન્જ્ડ મેરેજ માં બંને પાત્રો ને ઉત્સાહ હોય છે, ઉમંગ હોય છે. એ સગાઇ અને લગ્ન વચ્ચે નો સમયગાળો અમૂલ્ય હોય છે, દરરોજ ફોન પર પ્રિયપાત્ર સાથે વાતો કરવી (રાતના ૨-૩વાગ્યા સુધી , અને ક્યારેક તો સવારો સવાર!!) ક્યાંક વાર તહેવારે કટકે કટકે થતી મુલાકાતો. એની મજા જ કંઇક અલગ હોય છે. તો વળી ક્યારેક તો સાળી, કે કોઈ મિત્ર, સહેલી ની મદદ થી થોડુંઘણું એકાંત માણવાની તક દરેક યુગલ ઝડપી લેતું હોય છે.

    આમતો લગ્ન અને સગાઇ વચ્ચે નો સમયગાળો જેટલો આનંદ અને ખુશી આપે છે, તેટલો આનંદ અને ખુશી લગભગ લગ્ન બાદ મળતી નથી. સગાઇ દરમ્યાન એકબીજા થી દુર રહેનાર પાત્રો લગ્નબાદ એકબીજા ને મળી જતા એ એકબીજા ની વાટ જોવાની આતુરતા જોવાનો સુખદ કહો કે દુ:ખદ અંત જરૂર આવે છે, કારણ કે પ્રિયતમા ની વાટ જોવી એ પણ એક લ્હાવો છે સાહેબ!

    એરેન્જડ મેરેજ બાદ આવતી પ્રથમ રાત્રી માં જે મજા હોય છે તે મજા ખરેખર જોવા જઈએ તો લવમેરેજ માં હોતી નથી. આમ જોવા જઈએ તો લવ મેરેજ માં મેરેજ જેવું કઈ હોતું નથી, કારણકે મેરેજ પછી કેટલીક આનંદ ની પળો માણવાની હોય છે તે આનંદની પળો લવમેરેજ કરનારા યુગલો તેઓના મેરેજ પહેલાજ માણી લેતા હોય છે.

    લવ મેરેજ માં સગાઇ નામના તત્વ ને લગભગ સ્થાન હોતું નથી. આમતો લવમેરેજ ના બે ભાગ પાડી શકાય છે. એક તો પરિવાર ની સંમતિ થી લવ મેરેજ અને બીજું પરિવાર ની અસંમતી છતાં લવ મેરેજ.

    જો કોઈ યુગલ પરિવાર ની સંમતિ થી લવમેરેજ કરે છે તો તે થોડેઘણે અંશે સફળ થઇ શકે છે, જયારે પરિવાર ની વિરુદ્ધ જઈને લવ મેરેજ કરવા એ પરિવાર સાથે સંઘર્ષ નોતરે છે.

    આમ જોવા જઈએ તો લવ મેરેજ નું જમા પાસું એ છે કે તમે જે પાત્ર ને પ્રેમ કરો છો તેની સાથે જ આખી જિંદગી વિતાવવાની છે!પણ આપણે એ પણ ના ભૂલવું જોઈએ કે ઈતિહાસ ચાડી ખાય છે કે મોટાભાગે લવ મેરેજ લાંબાગાળે સફળ રહ્યા નથી. તેના ઘણા બધા કારણો હોઈ શકે છે. ખેર આપણે એમાં પડતા નથી, તેમાં ઘણાબધાં વ્યક્તિગત કે કૌટુંબિક કારણો હોઈ શકે છે.

    આપણા સમાજ માં પણ ઘણા વર્ગો છે. (પહેલેથી ચાલ્યા આવે છે.) ઉચ્ચ જ્ઞાતિ અને નિમ્ન જ્ઞાતિ. મોટે ભાગે લવ મેરેજ માં મોટો વાંધો ત્યારે આવે છે જયારે કોઈ નિમ્ન જ્ઞાતિ ની છોકરી કે છોકરો કોઈ ઉચ્ચ જ્ઞાતિ ના છોકરા કે છોકરી સાથે લગ્ન કરે છે. સમાજ આ લગ્ન ને ક્યારેય માન્યતા નહિ આપે. અહિયાં સવાલ જે તે કુટુંબ ની આબરું નો હોય છે જે ગુમાવવી બહુ સરળ છે પણ કમાવવી ખરેખર અઘરી છે.

    આપણે સમાજ માં ઘણીવાર જોતા હોય છીએ કે કરોડપતિ, સારાઘરની, સુસંસ્કારી કુટુંબ ની છોકરી જયારે કોઈ અન્ય જ્ઞાતિ ના છોકરા સાથે લગ્ન કરવાની જીદ પૂરી કરે છે, ત્યારે તેના માતાપિતા નું દિલ તૂટી જતું હોય છે. ખરેખર તેઓ ભાંગી પડતા હોય છે. એમને ક્યારેય જેવી આશા ઓ નથી હોતી તેને તેનુજ લોહી વાસ્તવિકતા માં ફેરવી નાખે છે.

    ઘણીવાર આવી ઘટનાઓ બનવાના કારણે જે તે છોકરા કે છોકરી ના માં બાપ સમાજ માં મેળવેલ પ્રતિષ્ઠા ગુમાવતા હોય છે, ઘણીવાર તો તેઓના માતાપિતા ના વિરોધીઓ તેમને આ અંગે જાહેર માં જેમતેમ બોલી ને ઉતારી પડતા હોય છે. (ભૂતકાળ ની કોઈ દાઝ રાખી ને!) ત્યારે માતાપિતા પાસે દલીલ કરવા પુરતો એક શબ્દ પણ હોતો નથી. તેઓ પણ શું કરે જયારે પોતાનો જ સિક્કો ખોટો હોય?

    સમય ની સાથે સમાજ ના વિચારો થોડેઘણે અંશે બદલાયા જરૂર છે. આજકાલ માતાપિતા અગર પોતાનું બાળક પોતાના કોઈ પાડોશી મિત્ર સાથે કે કલાસમેટ સાથે કે અન્ય કોઈ મિત્ર સાથે પ્રેમલગ્ન કરવાનો પ્રસ્તાવ મુકે ત્યારે જો સામેનું પાત્ર સારા પરિવાર નું, સારી નોકરી કે ધંધો કરતુ હોય અને પોતાની જ્ઞાતિ ની કોઈ સમકક્ષ જ્ઞાતિ નું પાત્ર હોય તો માતાપિતા થોડીઘણી બાંધછોડ કરીને રાજી ખુશી થી બંને ના મેરેજ કરાવી આપતા હોય છે. જોકે ઘણીવાર મેં જોયું છે કે આવા લગ્ન પણ બહુ લાંબો સમય ટકી શકતા નથી. આવી પરિસ્થિતિ માં પણ છોકરી ૬ કે ૧૨ મહીને રીસામણે પિયર માં પાછી આવતી હોય છે!

    હવે તમેજ વિચારો કે તમે કોઈ અન્ય જ્ઞાતિ ની યુવતી કે યુવક સાથે લગ્ન કરો છો, હવે જો બંને પાત્ર ના પરિવાર ફોરવર્ડ હોય અને તેઓ આ લગ્ન ને મંજુરી આપે તો કોઈ મોટો વાંધો રહેતો નથી, પરંતુ જો આજ લગ્ન બંને પરિવાર ની અસંમતિ વચ્ચે થાય તો..... ?

    ફિલ્મમાં જેમ હીરો હિરોઈનને તેના ઘેર જઈ પાછલી બારીએથી ઉઠાવીને મંદિરે જઈને લગ્ન કરી લે છે તેવી જ રીતે હિરોપંતી તમે કરો તો... ?

    આવી પરિસ્થિતિમાં બીજી બે પરિસ્થિતિ માંથી કોઈ એક નું નિર્માણ થાય છે. પહેલું તો છોકરી ના માતાપિતા તેની છોકરી સાથેના તમામ સબંધ તોડી નાખે છે, અથવા બીજું તો બંને ના પરિવારો વચ્ચે સંઘર્ષ થશે. આપણે અવારનવાર જાહેર ખબરોમાં વાંચતા હોઈ છીએ કે ફલાણી છોકરીને ઢીકણો છોકરો લલચાવી ફોસલાવી ભગાડી જતા ઢીકના ના માતાપિતા પર ફલાણીના પિતા, પુત્ર અને કાકા દ્વારા જીવલેણ હમલો.

    કેવી કરુણતા કહેવાય કે ભાગેડુ બંને પ્રેમી પંખીડા દુનિયાના કોઈક ખૂણે મજાથી રહેતા હોય છે અને પરિણામ તેના કુટુંબી ઓ ભોગવતા હોય છે, થાય છે સમાજ માં આવું જ થાય છે.

    વળી બન્ને પરિવાર ની સંમતી થી જો તમે પ્રેમલગ્ન કરો તો એમાંય કોઈ સારા વાટ નથી. તમારા બંને કુટુંબ ની મરજી હોય છે પણ સમાજ ક્યારેય તેને મંજુરી નહિ જ આપે. પ્રેમલગ્ન કરેલ યુવક જયારે તેના સસરા ને ત્યાં પ્રસંગોપાત જાય છે ત્યારે બને છે એવું કે યુવક ક્યાંક ખૂણા માં એકલો એકલો ઘોઘા ની જેમ બેઠો હોય છે. ના કિસીસે જાન ના પહેચાન ની જેમ.

    આતો કોઈ અજ્ઞાત વ્યક્તિ ભીડ માં આવી ચડી હોય એમ. યુવક ને જ ખ્યાલ નથી હોતો કોણ તેના કાકાજી કોણ તેના કાકીજી કોણ મામાજી કોણ મામીજી... વગેરે વગેરે અરે ક્યાં મોઢે તેની પત્ની પોતાના સગાવહાલા સાથે પોતાના પ્રેમી કમ પતિ નું ઇન્ટ્રોડંક્શન કરાવે? ભાગીને લગન કરનાર છોકરી ને કદાચ કુટુંબ કે સમાજ સ્વીકાર કરતો નથી અને કરે તો પણ એક દીકરી હોવાને નાતે. બાકી સંબંધ માં એક વાર ગાંઠ પડી જાય પછી એ ગાંઠ ખુલી જાય તો પણ તેમાં દાંતી રહી જતી હોય છે.

    પ્રેમલગ્ન માં જો સૌથી વધુ નુકશાન ભોગવવું પડતું હોય તો તે છે સ્ત્રી પાત્ર. ઘણીખરી વાર દીકરી ના આવા પગલા ને કારણે પિતાને હાર્ટ એટેક આવી જતો હોય છે, બની શકે છે કારણકે પિતા એ તેની દીકરી માટે કેટલાય ઉચ્ચા સપનાં ઓ જોયા હોય છે , તે સપના ઓ ને તેમની કહેવાતી લાડકવાયી દીકરી એક જ દિવસ માં ભસ્મીભૂત કરી નાખે છે. લવ મેરેજ ને મંજુરી આપવી ના આપવી એ જેતે પરિવાર ની અંગત બાબત હોય છે, જે તે કુટુંબ નું વલણ લવ મેરેજ પ્રત્યે અલગ અલગ હોય છે.

    લવ મેરેજ માં પણ જો યુગલ વિધિવત સગાઇ, ત્યારબાદ લગ્ન કરતા હોય તો કોઈ મુશ્કેલી રહેતી નથી, બાકી આગળ કીધું એમ ફિલ્મીઢબે છોકરી ને તેના ઘરે થીજ ઉઠાંતરી કરવાની હોય તો તે બાબત ક્યારેક સંઘર્ષપૂર્ણ બનતી હોય છે. ક્યારેક તો પોલીસકેસ સુધી પણ મામલો પહોચતો હોય છે. એકબીજા પર આક્ષેપમારી, નહિ લેવા નહિ દેવા પરિવાર ને ઘણુંખરું સાચું ખોટું સાંભળવું પડતું હોય છે. પડોશીઓ માટે એકાદ અઠવાડીયા માટે ચર્ચા નો મુસદ્દો મળી જતો હોય છે. (અને એમાંય જે પાડોશી સાથે આપણે બનતું નથી હોતું તેઓને તો મજા પડી જાય છે...)

    લવ મેરેજ માં શાસ્ત્રોક્ત વિધિ દ્વારા લગ્ન ને સ્થાન હોતું નથી, અહીં તો કોઈ મંદિર અને ત્યારબાદ કોર્ટ માં (બે જામીન સાથે) જઈને લગ્ન કરવાના હોય છે. સ્નેહી સગાવહાલા ઓ ની ઉપસ્થિતિ માં જે રંગેચંગે ઘોડે ચડી ને એય ને તમારા લગ્ન માં તમારા લંગોટિયા મિત્રો કે તમારા કાકા બાપા ના પોળિયા ઓ!, સહેલીઓ, તેમજ તમારા જન્મદાતા માતા પિતા બેન્ડવાજા ના તાલે ઠુમકા લગાવી ને નાચતા હોય ને ટેટા ની રેલ ફૂટતી હોય, આવા સુખદ અમૂલ્ય દ્રશ્યો કદાચ લવ મેરેજ માં જોવા ના પણ મળે.

    લગ્નજીવન ની સૌથી સુખદ પળ હોય તો તે છે તમારી મધુરજની ! આમ લવ મેરેજ માં મધુરજની જેવું કઈ હોતું નથી, કારણકે લગભગ પ્રેમીયુગલો એ લગ્ન પહેલાજ પોતાની તમામ મર્યાદા તોડી નાખી હોય છે, જયારે એરેન્જડ મરેજ માં કેટલીક મર્યાદા રાખવી પડતી હોય છે.

    લવ મેરેજ ની વ્યાખ્યા મારા મતે મોબાઈલ આવ્યા પછી જ સિદ્ધ થઇ છે, મોબાઈલ આવતા તો માણસ ને જાણે પાંખો આવી ગઈ છે. હજી હમણાં જ થોડાક દિવસો પહેલા જાહેરખબર માં વાચ્યું હતું કે અમદાવાદ ના એક ૨૮ વરસ આસપાસ ના બેરોજગાર યુવાને અમેરિકાની ૪૩ વરસ ની (છૂટાછેડા વાળી યુવતી!!) સાથે લગ્ન કર્યા. લો બોલો અને એ પણ ફેસબુક ચેટીંગ દ્વારા. ના કોઈ જાન ના પહેચાન માત્ર ફેસબુક ફ્રેન્ડ બન્યા પછી પહેલા ચેટીંગ પછી સેટિંગ ને પછી સીધું વેડિંગ! આમને મોંઘવારી નડે!? બાય ધ વે જેને વિદેશ જવું હોય અને વિઝા ના મળતા હોય તેમના માટે આ આઇડિયા સારો છે. આવા તો કેટલાય પ્રેમલગ્ન થતા હોય છે.

    જો આ અંગે સમાજ માં જાગૃતતા ના આવી અને માતાપિતા જાગૃત ના થયા તો આપણા દેશ માં પણ એ દિવસો દુર નથી કે ૨૩ વરસ ની યુવતી ૪૨ વરસ ના યુવાન (આધેડ!) સાથે ઘર માંડશે. લોકો પોતાના જીવન દરમ્યાન ૨ થી ૩ લગ્ન કરશે, જોકે સેલીબ્રીટીઓ એ તો આ દોર ના શ્રી ગણેશ માંડી દીધા છે બસ હવે ધીરે ધીરે આ રોગ સમાજ માં પણ ફેલાય તો નવાઈ નહિ. હે માતાપિતા ઓ ! છોકરાઓ ને છૂટ આપો પણ મર્યાદા માં રહી ને.

    રહી વાત એરેન્જડ મેરેજ ની તો તમારા માતાપિતા ક્યાં તમને કોઈ જેવું તેવું પાત્ર બટકાવી દેવાના છે, તેઓ તમને સામેનું પાત્ર જો સંપૂર્ણપણે પસંદ પડતું હોય તોજ તમને મેરેજ કરવા માટે કહેશે, તમને સામેનું પાત્ર ગમે તોજ તમેં હા પાડવાના કે નહીં?? એરેન્જડ મેરેજ માં પણ તમને લવ મેરેજ ની જેમ જ પસંદગી નું પાત્ર જ મળવાનું છે ને, તમે ગમે તેટલો સાચો પ્રેમ કરો પણ સમાજ અને કુટુંબ ની દ્રષ્ટીએ તમારો પ્રેમ લગ્ન પહેલા તો લફરું જ કહેવાવાનો. હરકોઈ બાબત ના હકારાત્મક અને નકારાત્મક પાસા ઓ જરૂર હોવાના, તેમ છતાં મારા મતે લવ મેરેજ કરતા એરેન્જડ મેરેજ વધુ સફળ રહેતા હોય છે. પછી તો બધા ના વિચારો અલગ અલગ હોય છે.

    સો વાત ની એક વાત તમે ચાહે લવ મેરેજ કરો કે એરેન્જડ મેરેજ, જો બંને પાત્રો વચ્ચે વૈચારિક પરિપક્વતા અને સામ્યતા હોય, થોડુંઘણું જતું કરવાની ભાવના હોય, એકબીજા પ્રત્યે હંમેશા વફાદારી નિભાવવાની નિષ્ઠા હોય, બંને પ્રત્યે મન સમ્માન હોય, પોતાના જીવનસાથી નું દુ:ખ પોતાનું દુ:ખ અને પોતાના જીવનસાથી નું સુખ પોતાનું સુખ માની જયારે અહીં પાર્ટનર ની ભાવના નહીં પરંતુ અર્ધાંગીની ની ભાવના જન્મ લે તો સોનામાં સુગંધ ભળે સાહેબ!

    *લાસ્ટ બટ નોટ લિસ્ટ *

    આજકાલ લવ મેરેજ ની વાત તો દુર રહી પણ સમાજ માં સજાતીય સંબંધો ની તરફેણ કરનારાઓ ની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે, આ વાહિયાત ખત્રે કી ઘંટી (વિકૃતિ) સમાન પ્રથા વિશે પણ વિચારવું પડશે હો.... ભલે તો આવજો અને આના પર જરાક વિચારજો...

    એક કવિતા વાચક મિત્રો માટે.....

    પેણું પેણું કરતો તો હું, કે દાડા નું કેતો તો.

    ગામેગામ ફરતો તો હું, એકલ દોકલ રહેતો તો.

    મિત્રો કહેતા લવ શવ કરી લે, આપણે ભોળા નોખા ફરીએ.

    મારે જોઈતો પાક્કો પરવાનો, લફરું કરી ઘેર નોતો ગરવાનો.

    ગોરભા કહે આને મંગળ નડવાનો, તમારો લાલો બત્રીસ નો થવાનો.

    હુંય ઘણો ઢીલો જવાન, કોક ની દીકરી ઉપાડી ક્યાં જવાનો??

    ***

    ભાગ - 11

    વૈશાલી ભાતેલિયા

    પરીણયના પરિચયથી પાંગરે પ્રણય

    કે,

    પ્રણયના પરિચયથી પામીએ પરીણય

    શરત માત્ર એટલી ‘ઉડાન’

    સમજણની પાંખ હો વિશાળ.

    જિંદગી તો ‘છેડા-છેડી’, સાજ છે. સૂરીલો સાજ છેડાય, ત્યારે સૂરીલી અને બેસૂરો સાજ છેડાઈ જાય, ત્યારે નાસૂર બનીને ખટકે! કોઈ જિંદગી સો ટકા સૂરીલી કે સંપૂર્ણ બે સૂરી નથી હોતી. બંને સૂર જિંદગીમાં રેલાય, ફેલાય, ક્યારેક સંકોચાય, તો ક્યારેક વિસ્તરે. એ જ તો છે, જીવનસંગીત.

    પૃથ્વી પરના તમામ સજીવો એક ચોક્કસવયે હંમેશાં વિજાતીય સાથી સાથે જોડાવાના ઊભરા અનુભવે છે. કોઈ પામે છે, કોઈ ગુમાવે છે, કોઈ પામીને સુખી, કોઈ ખોઈને દુ:ખી. પણ, પામીને પણ જીવનભર સુખી થાય, એવા વિરલા તો કોઈક જ હોય. પક્ષીઓમાં જેમ ચક્રવાક, સારસ બેલડી અપવાદ તેમ માણસોમાં અમુક અપવાદોને બાદ કરતાં મોટાભાગનાં પાત્રો પોતાના પ્રિયને મેળવવા જે ધમપછાડા કરે, એ જ ધમપછાડિયો પ્રેમ સમય પસાર થવાની સાથે સાથે પછડાટીયો વધુ થતો જાય, એવું અનેક કિસ્સામાં બનતુ હોય છે.

    યુવાન વયે દરેક વ્યક્તિની શમણાંની એક દુનિયા હોય છે. ગમતા પાત્ર સાથે અમુક કલાકો ગાળે, ત્યારે તો બંને પોતાનું શ્રેષ્ઠત્તમ એકમેક સામે ઠાલવી દે છે. ઘર-સમાજ સામે બાંયો ચઢાવીને કોઈ આ જંગમાં જીતી ગયાના કેફમાં ઢળે છે, કોઈ લાગણીશીલ પંખીડાઓ ઘર-સમાજની પસંદગી સામે ઝૂકીને લગ્નની વેદી પર બલી ચઢી રોતલિયા ચહેરે એકમેકથી વિખૂટાં પડી, જિંદગીભર દિલના કોઈ ખૂણે એ ધબકારા ધબધબાવ્યા કરે! ને કોઈ એવાં કઠપૂતળિયાં પાત્રો પણ હોય, જેને કોઈ સ્પંદન ન ફૂટે, આંખોમાં સ્પાર્ક ન થાય અને કોઈ ઝંઝાવાત કે વાવાઝોડા વિના જ્યાં એનું કોઈ ગોઠવી આપે, ત્યાં ગોઠવાઈને ‘સુખી જીવન’ના લેબલમાં શાંતિથી ઘર-પરિવાર, જીવનસાથી, બાળકો બધાંને સેટલ કરી, સંતોષના શ્વાસથી જીવી જાય! ને વળી અપવાદરૂપ નરબંકા-નરબંકી ભેગાં થવાની હિંમત ન કરી શક્યાં હોય અને બીજે ગોઠવાઈ પણ ન શક્યાં હોય, યા બેમાંથી એક પાત્ર બીજે ગોઠવાય ને બાકી રહેલું પાત્ર ‘દેવદાસ’ કે ‘દેવદાસી’ (પ્રતીકરૂપ શબ્દ)ની જેમ જાતને ખોઈને ઊતરેલા ચહેરે પોતાની ત્યાગભાવનાને ઊચ્ચસ્તરે પહોંચાડી, ચડેલા થોબડે આખી જિંદગી જીવી જાય અને લોકોની ‘આહ’ ને ‘વાહ’ મેળવી જાય!

    લગ્ન’ એક એવો શબ્દ છે, જે ભારતીય સંસ્કૃતિમાં ખૂબ પવિત્ર મનાય છે. પાશ્ચાત્ય દેશોમાં ‘લગ્ન’ એટલે સહજીવન – સાથે રહેવું – ફાવે ત્યાં સુધી. અને ભારતીય સંસ્કૃતિમાં - સાથે રહો - શ્વાસ ચાલે, ત્યાં સુધી! શ્વાસ મહેકે ત્યાં સુધી નહીં, પરંતુ શ્વાસ સિસકે ત્યાં સુધી.

    પ્રાચીનકાળમાં ઉદ્દાલક ઋષિના પુત્ર શ્વેતકેતુએ જોયું કે એક અજાણ્યો પુરુષ આવીને તેની માતા પાસે દેહસુખની માગણી કરે છે. પિતા-પુત્રની હાજરીમાં જ માતા અજાણ્યા પુરુષ સાથે એકાંત માણવા જતી રહે છે, ત્યારે શ્વેતકેતુને ઠેસ પહોંચે છે અને તે પિતાને પૂછે છે કે આવું કેમ? ત્યારે ઋષિ કહે છે કે, બેટા, આપણા સમાજમાં પ્રત્યેક પુખ્ત વ્યક્તિને એ હક છે કે તે કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ કારણસર સંબંધ બાંધી શકે છે. તે માટે પતિ-પત્નીને એકબીજાંની આજ્ઞાની જરૂર નથી હોતી. શ્વેતકેતુ વિચલિત થયો અને સમય જતાં તેણે લગ્નપ્રથા વિકસાવી. શાણા સમાજ માટે આ પગલું આવકારદાયક રહ્યું. ઘણા મહાપુરુષોને થયું, ચાલો સ્વચ્છંદ અટક્યો. એનાં દુષ્પરિણામો અટક્યાં, પરંતુ દ્રાૈપદી જેવા અમુક અપવાદોને બાદ કરતાં પુરુષો પર એ નિયમ લાગુ ન પડ્યો. રાજા-મહારાજાઓનાં અંત:પુર તો રમણીઓથી ઊભરાતાં રહ્યાં. રમણીઓનાં દિલ અમુક સમય પછી ઊભરાઈને સૂકાતાં ગયાં એના માટે કોઈ સંશોધન સમિતિઓ ન બની. ખાનગી અહેવાલો ઘણા બહાર પડ્યા અને આપણે એ ઇતિહાસ જાણી શક્યા!

    અર્વાચીન સમયમાં આપણે આપણો ભવ્ય વારસો જાળવ્યો. સ્ત્રીના શરીરની રચના જ કુદરતે એવી નિર્માણ કરી છે કે ઐહિક આવેગ અને સંબંધ તો બંને પક્ષે સમાન જાગે, સમાન ભોગવે, પરંતુ દૈહિક ભોગવટા પછી સ્ત્રીના ભાગે પરિણામો અપેક્ષિત કે અનઅપેક્ષિત આવી શકે. એટલે જ, કન્યાને સલામતી, રક્ષણ આપવા તેના જન્મદાતાઓ-પાલકો-કુટુંબ-સમાજ, લાગણી ધરાવનારા કે ન ધરાવનારો, સાચી ચિંતાથી કે ખોટી ખટપટથી દરેક રીતે હંમેશાં તૈયાર જ રહે છે. કન્યાના સાચા શુભેચ્છકો એ જવાબદારી સોંપે કે ન સોંપે, અમુક વ્યક્તિને હોંશ આવી જાય, સમાજસેવાની તો એ વગર ફીએ પણ સરસ સેવા-જવાબદારી નિભાવતા રહે છે. અને હા! અમુક કિસ્સામાં એ જરૂરી પણ બને છે. દરેક ‘પંચાતિયા’ હંમેશાં ચીલાચાલુ જ નથી હોતા. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ‘કન્યાનો જ’ પગ લપસતા એ પાપ ગણી લે અને એ સમાજમાં જ્યારે તમારે રહેવાનું છે, તો એ સલામતી ઘણીવાર જરૂરી બની જાય છે. અમુક પાશ્ચાત્ય દેશો એવા છે કે જ્યાં આ બધી વાતોથી કોઈને અંગત જિંદગીમાં ફરક નથી પડતો. પણ આપણે જ્યારે આપણી વ્યવસ્થામાં ગોઠવાયેલા હોઈએ, ત્યારે એના ભાગરૂપે સમાજના ચોકઠામાં ફિટ થવું જ પડે છે. જે નથી થતા અને ગોળ-ચોરસ એવા ભૌમિતિક આકારોને અવગણી ‘દિલ’ના નવા આકારમાં ચાલી, મન થાય તેમ જીવીને પોતાનો નિજાનંદ મેળવી લે, તેને સમાજ બહિષ્કૃત કરે ને સફળ થાય, તો પૂજા પણ કરે. એમાં ઘણા જિંદગી પૂરી કરી ખોવાઈ જાય ને ઘણા વિભૂતિઓ પણ બની જાય. ભારતમાં જ એનાં ઉદાહરણ આપણી સામે છે.

    ઓશો, રવીન્દ્રનાથ ટાગોર, નીના ગુપ્તા, પ્રતિમા બેદી અને આફ્ટર ઑલ મોસ્ટ ફેમસ નરેન્દ્ર મોદી દિલ બોલે તેમ જીવ્યા છે અને જીવે છે. ભલે તે નિજાનંદ હોય, સમાજ સેવા હોય, દેશભક્તિ હોય, વાત તો એટલી જ કે જીતીને જીવી ગયા.

    આવા અપવાદ બાદ કરતાં અત્યારે પરિસ્થિતિ સમજીએ, તો યુવાનો મરજી કે નામરજીથી પણ જ્યારે વડીલોની ઇચ્છાને માન આપીને લગ્ન કરે છે, ત્યારે અમુક યુગલ સફળ થાય છે અને પરીણય પહેલાંના પ્રેમવાળા કિસ્સા કરતાં પણ વધુ સફળ થઈ શકે છે. એ માટે જરૂર છે, કુટુંબના સભ્યોની સમજદારી જવાબદારી અને પ્રેમપૂર્ણ વ્યવહારની. એરેન્જ્ડ મૅરેજમાં એક-બે મુલાકાતો, બાહ્ય દેખાવ, શરમથી ઝૂકેલી પાંપણો પલકાવી અલપ-ઝલપ દર્શન અને દસવાર વાંચી ગયેલી એ જ બાયોડેટાના પ્રશ્નો, શું ભણ્યાં? શું શોખ? વગેરે... વગેરે...

    મારો કોઈ પ્રત્યક્ષ વિરોધ નથી આ પ્રથા માટે, કેમ કે, ઘણા કિસ્સા સફળ થતા પણ જોયા છે. આવી રીતે ‘બાયોડેટા’થી ‘જીઓ, બેટા’ના આશીર્વાદ મેળવી, બહુ સરસ જિંદગી જીવી જતાં. એટલે જેને પ્રેમ નથી થતો, જેનું દિલ જ એમાં ખુશ હોય કે આપણાં વડીલો કરે એનાથી બેસ્ટ આપણા માટે કશું જ નહીં. એના માટે ક્યાં દિલ--દિમાગની કશ્મકશ જેવું રહે? એને માટે તો એ જ દિલની ખુશી અને એ જ એના માટે ભવોભવનો પ્રેમ! તો એમાં કોઈ વિરોધની વાત જ નથી રહેતી!

    પણ, પક્ષપાત તો ત્યાં થાય છે કે... જ્યારે વડીલો આજના યુવાનોની પસંદગીને જોયા-જાણ્યા વિના સીધો પોતાનો નિર્ણય સંભળાવી દે અને પોતાની પસંદગીની મહોર મારી દે ને પોતાનું દિલ ખુશ કરી, સંતોષનો શ્વાસ લઈ લે. અને હા, આ પરિસ્થિતિની હજી તો શરૂઆત હોય છે. આ ‘દિલખુશ’ વડીલો ઘરમાં વહુ આવે, એટલે પોતાના રિવાજ, પોતાની ખાનદાની, પોતાની ઇજ્જત, પોતાની માગણીઓ એટલી હદે નવયુગલ પર ઠોકી બેસાડી, એને એક ‘ફ્રેમ’માં ફિટ કરી દે છે કે વ્યક્તિ સ્વાતંત્ર્યની વ્યાખ્યા નક્કી કરવી એ ‘દાદ’ માગી લે છે. જેમ કે, એમની વાણી, વિચારો એવાં હોય કે અરે! આવું પહેરવા-ઓઢવા-હરવા-ફરવા બીજે ક્યાં મળત? અમારા ‘ઘર’ જેવું તમને ક્યાંય ન મળત. અમે બધી જ ‘છૂટ’ આપી છે. બસ, ઘર-વડીલો બધું સચવાઈ જવું જોઈએ. બાકી, તમને બધી ‘છૂટ’. ને એમાં યુગલમાંનો વર પણ સામેલ હોય. અરે યાર! આ કંઈ ‘ડીલ’ થોડી છે? ‘દિલ’ની વાત છે. લગ્ન એટલે જોડાણ. એમાં ફક્ત કુટુંબ-સમાજ જ નહીં. મુખ્ય વાત છે, બે દિલ-બે આત્માના જોડાણની. એમને અવકાશ આપો, સમય આપો. પ્રેમ’ એવું રસાયણ છે કે, પ્રેમરત યુગલ કંઈ આખી જિંદગી સ્થૂળ પ્રેમ જ નહીં કર્યાં કરે! સંવાદિતા સાધી, સાયુજ્ય સાધી સરસ જીવન બનાવે એ અદૃશ્ય પ્રેમથી તો માણસ પોતે જીવી જાય અને બીજાને પણ જીવાડી જાય. નવયુગલ એકલું રહેતું હોય, કે સંયુક્ત કુટુંબમાં રહેતું હોય, કોઈ પણ મુશ્કેલીમાં સહજતાથી બધું ટકી જાય ને કિલકિલાટથી જીવાય જાય, જો એ પરીણયમાં પ્રણય ભળે, તો! આવાં બહુ ઓછાં ઘર જોયાં છે, જેને દિલથી વંદન આપોઆપ થઈ જાય. જ્યાં પ્રેમને પ્રાધાન્ય હોય , કોઈ પ્રથાને નહીં!

    આ જ પરિસ્થિતિ પ્રેમલગ્નમાં પણ લાગુ પડે છે...

    આંખો ચાર થઈ,

    દિલ પર વાર થઈ,

    જાણે દુનિયા દુશ્મન થઈ ને

    જુવાની ફના થઈ.

    આ પરિસ્થિતિ જોઈ, અમુક કિસ્સા બાદ કરતાં વડીલો કહે કે પ્રેમ કરો, પણ આપણી બરાબરી, આપણા ધર્મ, આપણી જ્ઞાતિમાં, તો... વિચારીશું, મંજૂરીની મહોર મારવામાં. બાકી તો, દુશ્મની ને ફના... ફના... ને એકદમ સહજ બનેલી પરિસ્થિતિ ભાગી જવું, થોડા સમયમાં ફરી સ્વીકાર યા અસ્વીકાર, પછી બધું થાળે પડી જવું અને સમાજ ફરી નવા કિસ્સા તરફ વળી જાય. જે યુવાનો-યુવતીઓ આજકાલ મૅરેજ સાથે મની, સ્ટેટસ, ક્રેડિટ કાર્ડ જોઈ, પ્રેમ’માં પડે છે, એની આપણે આ ‘પ્રેમલગ્ન’માં ગણતરી નથી કરતા, પણ આમાં મુખ્ય વાત એ છે કે ઘણીવાર પ્રેમલગ્ન પછી સમય જતાં પ્રેમ પસાર થઈ જાય છે અને લગ્ન રહી જાય છે, ત્યારે આવા નિર્બંધ વિચારો ને વિષયો આપણને વિચાર કરવા પ્રેરે છે.

    પ્રેમમાં પડતી વખતે તો ફક્ત બાહ્ય દેખાવ જોઈને, દિલ ધબકી જાય ને જેમ નજીકથી ઓળખાણ થાય, ત્યારે થોડાઘણા ગુણદોષ તો તરત સ્વીકારાઈ જાય છે ને થોડા સમયની મુલાકાતો, ગુટર ગુ અને શમણાંમાં જ સમાઈ જાય છે. પણ જ્યારે 24 કલાક, 365 દિવસ એ જ વ્યક્તિ સાથે રહેવાનું થાય, ત્યારે એને આંખો ખોલતાં વેંત હંમેશાં ‘એટિકેટ’માં જ જોવા મળે, એવું નથી બનતું. એને વાસી મોઢે, વિખરાયેલા વાળ ને ચોળાયેલાં કપડાં ને રસોઈના મસાલા ને બાળકોનાં ટિફિન ને ઑફિસની ફાઇલોમાં માથું ખૂંચેલા યા બિઝનેસનાં બિલના પત્રોમાં અટવાયેલા સ્વીકારવા પડે છે. કામ કરતી હથેળી થોડી બરછટ બને, ત્યારે પ્રેમપત્રો કે દિલવાલા ‘નેટ-ચેટ’ની પુરાણી યાદમાં લાગી આવે ને બહુ ખુમારી અને વિશાળતાથી સ્વીકારાયેલા ગુણ-દોષ ઊભરી-ઊભરીને, દિલ ફાડીને, છાતી ચીરીને ઠલવાવા લાગે! પણ, આ બધું અનુભવવા માટે લગ્ન તો કરવાં જ પડે! ને પ્રેમ પણ કરવો જ પડે! પોતે બધું કરીને પછી બીજાને ‘ન કરો’ એવી સલાહ દેવા જઈ, ગાળો ન ખાવી! કેમ કે, દરેકને હક છે, દરેક સ્વતંત્ર છે, પોતાના સારા કે માઠા અનુભવને જાતે જ ફીલ કરે, થ્રિલ કરે, રોમાન્સ કરે, ઝૂમે-ઘૂમે અને ઝુમાવે-ઘુમાવે કે ચકરડી ફરે! એ પછી જે થાય, એ એનું નસીબ એમ માનવું!

    થોડા દિવસ પહેલાં સૌરભ શાહે રૂબરૂ કહેલી એક વાત યાદ આવી, કે પ્રેમ પુષ્કળ કરવા દો, પણ લગ્ન પહેલાં એક ટેસ્ટ લો. જેમાં જવાબદારી, છૂટાછેડાની પ્રોસેસ, પૅરેન્ટિંગ તમામ પાસાં આવી જાય. લગ્ન સરળતાથી કરો અને છૂટાછેડામાં પ્રૂફ માંગો, એ વ્યાજબી નથી. જેટલી પ્રોસેસ લગ્ન પછીના કોઈ પણ પ્રશ્ન વખતે કરવી પડે, તેના કરતાં લગ્ન પહેલાં જ આ બધી પ્રક્રિયા કરી લેવી સારી. જેથી યુગલો ‘સફળ લગ્ન’ના શિખરે પહોંચી શકે.

    લગ્ન ગમે તે પ્રકારનાં હોય, મૂળ વાત છે, તેમાં પ્રેમનું રસાયણ વિસ્તરતું રહે! ગમે તે પરિસ્થિતિમાં લગ્ન કરો, વડીલોની ઇચ્છાને માન આપીને કરો કે, જાતે જાતે ફુદરડી ફરીને કરો, પણ વાસ્તવિક જવાબદારી માથે આવે, ત્યારે તેને નિભાવતાં નિભાવતાં પ્રેમના રસાયણની બાટલી એક્સપાયરી ડેટવાળી દવાની બાટલી ભેગી ભંગારમાં ન જતી રહે, એ સજગતા રાખી શકીએ, તો સારું! ગમે તે ‘ચીજ’ની એક્સપાયરી ડેટ આવે, એટલે આપણે તરત એ છોડી નવી લઈએ છીએ, તે જ રીતે ‘લવ બ્રાન્ડ’માં પણ જો આપણે નવું-નવું અપનાવતા રહીએ, તો મોબાઈલની બેટરી રિચાર્જ થાય તેમ, કોઈ બીમારીમાંથી ઊભા થઈને નવા જોમથી, નવી નજરથી, ફરી-ફરીને પ્રેમમાં પડતાં રહીએ અને લગ્નને સફળતા બક્ષતા રહીએ.

    આમાં એક જોખમ એ છે કે ઍરેન્જ્ડ કે લવ કોઈ પણ મૅરેજમાં નવું નવ દહાડા, પછી ઘણીવાર એવું બને કે અચાનક કૅફ ઊતરે ને રગરગમાં જાગી ઊઠે કે આ તો ‘કજોડું’ સર્જાય ગયું, ત્યારે શું? જો ઊતાવળે કરેલો પ્રેમ ફુરસદમાં નફરત પેદા કરી શકતો હોય, તો મારા મતે પુખ્ત વયનાં એ યુગલોને જ એમની નિયતી નક્કી કરવા દેવી બેસ્ટ રહે. વડીલો મત ભલે આપે, માર્ગદર્શન ભલે કરે, પણ પોતાને મનપસંદ ચોક્કસ માર્ગ ન દોરી આપે! ઍરેન્જ્ડ કે લવ ગમે તે લગ્ન હોય પ્રેમ, સમસ્યા, સમાધાનો - બધું જિંદગીમાં આવતું રહેશે, તો લગ્નના અમુક સમય પછી જ બાળકોનું પ્લાનિંગ કરો, ત્યાં સુધી ટ્રાયલ બેઇઝ પણ માની શકો! એકવાર તમે આ ધરતી પર નવો જીવ લાવ્યાં, તો એની જવાબદારી માથે ઉપાડીને ગમે તે પ્રકારનાં લગ્નમાં સમાધાનનો મધ્યમમાર્ગ કાઢી લેવાનું મોટાભાગનાં યુગલો નાછુટકે પસંદ કરતાં હોય છે. એ સિવાયની કોઈ પણ પરિસ્થિતિમાં એ બે જ વ્યક્તિ નક્કી કરે, કે એ સાથે જીવન પસાર કરી શકે તેમ છે કે જીવન તેમને પસાર કરી નાખશે?

    એ માટે જરૂર છે, બે વ્યક્તિઓને સમય અને મોકળાશ આપવાની. હા, ખરાબ પાત્રની પસંદગી થતી હોય, કે છોકરો કે છોકરી કોઈ ફસામણીમાં સંડોવાતું જતું હોય, એની પૂરી ખાતરી જેને હોય, એ પુરાવા સાથે તેને રોકે એ એકદમ વ્યાજબી વાત છે. લવ’ના નામે ‘લવજિહાદ’માં કે ‘પ્રેમ’ના નામે રોમિયોગીરીમાં ફસાઈ જતાં પાત્રોને પૂરી સમજ કે સચ્ચાઈથી, હિંમતથી ‘અવરોધ’ બનો, પણ સચ્ચાઈની ખાતરી વિના ફક્ત જ્ઞાતિ, ધર્મ કે તમારા સિદ્ધાંતો આગળ કરીને આડ‘ખીલી’ બનશો, તો હથોડા ખાવાનો વારો પણ આવે કેમ કે, દરેક નવયુગલ શાંત જ હોય, એવું જરૂરી નથી. આજની જનરેશન, તો ‘આઈ ડૉન્ટ કૅર’વાળી પણ છે. યુવાનીનો ધગધગાટ લાવા હોય ને રેશમી સાથમાં રંગાયેલું રક્ત હોય, એ ગમે ત્યારે સારું કે ખરાબ વિચાર્યા વિના, કંઈ પણ કરી શકે છે, કંઈ પણ! એ યુવાનીની મોસમ છે, લગ્નની લાલસા છે, પ્રેમની પરાકાષ્ઠા છે અને ભાંગી નાખું, તોડી નાખું, ભુક્કો કરી નાખુંવાળી તાકાત પણ છે. એટલે કોઈ પણ પ્રકારના લગ્ન પછી જો આપણે સફળ થવું હોય, તો લગ્નનાં બધાં જ પાસાં સમજીને ‘મગ્ન’ થવું પડે.

    મારી લગ્નવય પહેલાં મને ગમેલું એક ગીત ‘રોમાન્સ કા ભી એક લેક્ચર હોના ચાહીએ... પ્રેમ કરવાની કોઈ ઉંમર નથી હોતી. બચપણમાં, યુવાનીમાં, લગ્ન પહેલાં કે લગ્ન પછી કે મરણ સુધીમાં કોઈ પણ વ્યક્તિને કોઈ પણ સમયે પ્રેમ થઈ શકે છે. કરવો પડે એ ‘પ્રેમ’ નથી.

    ઍરેન્જ્ડ કે લવ કોઈ પણ પ્રકારના મૅરેજને આપણે ક્યાંય ‘ગૅરેન્ટી-વૉરન્ટી’વાળાં સર્ટિફાઇડ થયેલાં જોયાં નથી. આ બધું બન્યા પછી જ વાસ્તવિકતા આપણી સામે આવે છે. ને એ જેની જિંદગીમાં નથી બન્યું, એને મોટાભાગે બીજાની સાથે બનેલું કામ લાગતું નથી. દરેક વ્યક્તિ એમ જ વિચારે કે મારી સાથે થોડું આવું થાય?! ‘એ તો પડશે એવા દેવાશે’, અરે! આપણે થોડા બીજા જેવા છીએ’, મારી મૅરેજલાઇફ તો બધાથી બેસ્ટ જ હશે’!

    જો આ બેસ્ટને બેસ્ટ જ રાખવું હોય અને વેસ્ટને દૂર કરવું હોય, તો એ માટે જરૂર છે, યુવાજોડાં માટે ‘લવગાર્ડન’ બનાવવાની. નાના છોકરાઓ માટે બગીચા બને છે, દાદા-દાદી પાર્ક પણ બન્યા, તો ભઈ, આ યુવાનોનું શું? એની પણ તો ઉંમર છે, પ્રેમ કરીને પરણવાની. તો પ્રેમ કરવા અવકાશ તો આપો, જેથી એના પરીણયની ગાંઠ મજબૂત બને અને એ લગ્ન સાચા અર્થમાં ‘પ્રેમલગ્ન’ બને. જેને ઍરેન્જ્ડ કરીને વડીલોએ ‘લવગાર્ડન’માં મોકલ્યાં હોય, એવાં જોડાંને ‘છાનગપતિયાં’વાળાં લગ્નમાંથી મુક્તિ મળે.

    ગયા વર્ષે મધ્યપ્રદેશની મુલાકાત વખતે ઓશોઆશ્રમમાં જોયેલું લવગાર્ડન દિલ ખુશ કરી ગયું. ગાર્ડનમાં યુગલ પરણેલું કે વગર પરણેલું, ફક્ત રોમાન્સ જ કરી શકે ને એ યુગલ જો આનંદિત રહી, સફળ લગ્નજીવનના પ્રયત્નો કરી શકે, તો એનાથી રૂડું શું?

    એ અવકાશ નથી મળતો, એટલે જ ઘણાં કજોડાં, લગ્ન પહેલાંની ભૂલોમાં ફસાતાં, મરાતાં, લગ્ન પછી પણ મનમાં ને મનમાં હજારોવાર નંદવાતાં હૈયાં જોયાં છે અને જેણે હિંમત કરીને ‘કુંવારી મા’ કે કોઈ પુરુષ કે સ્ત્રીએ ‘છૂટાછેડા’ એવું લેબલ સ્વીકાર્યું, એને સમાજે હજી પણ ફક્ત કાગળ પર વધુ સ્વીકાર્યાં છે. એકવીસમી સદી ભલે આવી, પણ આપણે આપણી સંસ્કૃતિમાં હજી ક્યાંક લગ્નપ્રથાને સમજવામાં ઊણાં ઊતરીએ છીએ.

    ભારતીય સંસ્કૃતિના મૂળિયાં તો વિશ્વભરમાં પ્રેમની મિસાલ બની શકે તેમ છે. સહજીવનના આદર્શો તો આપણી સંસ્કૃતિમાં ઠાંસી-ઠાંસીને ભર્યા છે. આપણા ઘણા ભગવાનોની ગાથા, આપણે લવ મૅરેજ કે સ્વયંવર જે કહો તે, ગ્રંથો દ્વારા જાણી છે. જેમની આપણે પૂજા કરીએ છીએ.

    આ કહેવાનો આશય કોઈ સમાજપ્રથા કે લગ્નપ્રથાનો વિરોધ બિલકુલ નથી. કેમ કે, આપણે માણસો છીએ, સમાજ સાથે જોડાયેલા છીએ. કોઈ પણ માણસ ગમે ત્યારે પ્રકૃતિ, સ્વભાવ અને પ્રેમનું પાત્ર બદલી શકે, એવું કુદરતી વરદાન છે! એટલે આ વરદાનના અતિરેકમાં એનાં ફળ એની સાથે જોડાયેલાં પાત્રો માટે ‘શાપ’ ન બને, એ સલામતી માટે આપણે સમાજવ્યવસ્થા બનાવી, તેને અનુસરવી પડે એ સારી વાત છે. નહીં તો, બધા મન ફાવે તેમ, ધણખૂંટની જેમ ચરતા રહે. એટલે કોઈ પણ પ્રથા કે વ્યવસ્થાને આપણે આવકારીએ છીએ, પણ એમાં જરા જેટલો બદલાવ આપણને પોષાતો નથી.

    પ્રકૃતિનો નિયમ છે ‘પરિવર્તન’. પરિવર્તન સ્વીકારીશું, તો જ આગળ વધીશું. સમાજની વ્યવસ્થા એવી જડ પણ ન બનાવવી કે કોઈ ચેતનવંતુ માણસ અવ્યવસ્થિત થઈ જાય. જો કોઈ યુગલ ઍરેન્જ્ડ મૅરેજ પછી પ્રેમના પ્રયત્નો કરે અને તેનું સહજીવન આનંદિત હોય, એ આવકાર્ય છે. એમાં કોઈ પણ સભ્યોએ પછી ‘પાણા’ મારી, કાણાં’ પાડવા પ્રયત્ન ન કરવો જોઈએ અને પ્રેમલગ્ન કરે, સફળ થાય, તો વૅલ એન્ડ ગુડ, પણ પ્રેમલગ્ન જો નિષ્ફળ જાય, તો એની માથે છાણાં ન થાપવાનાં હોય. કેમ કે, લગ્નનો પ્રકાર ગમે તે હોય, જ્યારે બંનેમાં પ્રેમનું રસાયણ ખૂટશે, ત્યારે એ ટકાવવું મુશ્કેલ છે. જો તમે એ એક્સપાયરી ડેટવાળી બાટલીમાં તમારા પ્રયત્નથી નવું રસાયણ ભરી શકો, તો ઘણું સારું. પણ ન ભરી શકો, તો એ બાટલીને હલાવીને કેટલું ખાલી ને કેટલું ભરેલું એવી તમારી જિજ્ઞાસાવૃત્તિને સંતોષવા માટે હાથમાં ન લો, એ ઘણું વધુ સારું રહેશે!

    ઍરેન્જ્ડ મૅરેજ કે લવમૅરેજ ટકી ગયાં, એટલે ‘ભયો... ભયો... કહેનારો સમાજ વ્યવસ્થાના નામે ઘણા માણસોનાં લગ્નજીવન સાથે જાણે-અજાણે ખેલ કરી નાખે એ પ્રથા સામે જરૂર વિરોધ નોંધાવવો. પણ ક્યારેક કોઈ સરસ રીતે પ્રેમમગ્ન, આંખોમાં અમી ભરેલું નવયુગલ જુઓ, તો એને કાંકરીચાળો ન કરતા, જીઓ બેટા’ના આશીર્વાદ મનમાં જરૂર બોલજો. અને માણસ છે આ તો, ગમે તે પ્રકારનાં લગ્ન પછી પણ, જ્યારે બે પાત્રો તેનાં અંગત કારણોસર લગ્નજીવન સફળ ન બનાવી શકે, અથવા બની શકે પ્રેમના બેસી ગયેલા ઊભરા ફરી ઉફાણે ન ચઢાવી શકે, તો માફ કરજો. એને અલગ થવાના એના નિર્ણયમાં કોઈ બ્લૅકમેઇલિંગ ન કરતા. ઘણાનાં બીજાં કે ત્રીજાં લગ્ન સફળ થયાના દાખલા છે જ. હા, બાળકો હોય, ત્યારે લગ્નજીવનના કોઈ પણ નિર્ણયમાં વિચારીને પગલું લેવું જોઈએ. કેમ કે, ફરી કોઈ અવ્યવસ્થિત, હૃદય નંદવાયેલો સમાજ નથી જોવો. પણ, શક્ય એટલા કિસ્સામાં પ્રેમથી રસ્તો સાથે પસાર કરે, કે એકલો પસાર કરે અથવા અન્ય પાત્ર સાથે પુનર્લગ્ન કે પુન:પુન: પ્રેમલગ્ન કરે, એમાં યોગ્ય કારણ વિના ભંગાણ પડાવશું, તો બધા છાનેખૂણે બધા જાણે જ છે કે, શ્વેતકેતુએ બંધ કરાવેલો સ્વૈરાચાર આજે પાછલા બારણે થાય છે, થતો રહેશે. અત્યારનો સમાજ એને દુરાચાર નામ આપે છે, પણ ધરાર ચોરીમાં બેસાડી, પોતાના સંતોષથી લગ્ન કરાવનાર, પ્રેમ પકડાઈ જતાં, યોગ્ય હોય તો પણ સિદ્ધાંતને ખાતર પ્રેમી યુગલને મારી નાખનાર કે આપઘાત માટે મજબૂર કરનાર અને લગ્ન પછી પ્રેમ કે પ્રેમ પછી લગ્ન કરનાર યુગલને રોજ રોજ હૈયું નંદવાઈ, ઢસરડીને લગ્નને ‘આદર્શ લગ્ન’ બનાવનાર સભ્યને કયા આચારનું નામ આપીશું?! આવી રીતે જીવતાં યુગલને આપણે શું સફળ લગ્નજીવનની ઉપમા આપીને અંદરથી જીવંત જ રહીશું?

    કોઈ પ્રથા પ્રત્યે આક્રોશ કે ઉપેક્ષા નથી. આક્રોશ કે ઉપેક્ષા ત્યારે જાગે છે, કે વ્યક્તિને કોની સાથે લગ્ન કરવાં, લગ્ન ક્યાં સુધી ટકાવી શકે તેમ છે, ટકે તો તેને કેમ જીવવું? એ ઠોકી બેસાડીને સમાજ હાશકારાનો શ્વાસ લે છે, ત્યારે સમજાતું નથી કે ઍરેન્જ્ડ મૅરેજને સફળ કહેવા કે લવ મૅરેજને સફળ કહેવા?! કે ગમે તે પ્રકારે થયેલાં લગ્નને પ્રેમનું તત્ત્વ જીવંત રહી શકે, તેવી લાગણી ને સમજદારી તેમજ સચ્ચાઈના સ્વીકારનું અમૃત પાતાં રહી, એ ‘લગ્નયુગલો’ને સફળ બનાવવા સહભાગી થવું!

    આપણી ભારતીય સંસ્કૃતિ તો ‘જીવો અને જીવવા દો’ પર રચાયેલી છે, તો વ્યક્તિ સ્વાતંત્ર્ય સાર્થક કરી, ખોટી કૂથલીમાં કોઈના જીવનનો ઠેકો ન લઈ લઈએ, તો સમાજમાં વધુ સારો માણસ ઉમેરી શકીશું. એ લહાવો લેવા જેવો તો ખરો જ!

    કોઈ બાળ-બચ્ચાંવાળા પરિવારને વિખેરી નાખવાનો ઉદ્દેશ નથી, આ તો લગ્નમાં સફળતાપૂર્વક મગ્ન થવાની વાત છે. દરેક માણસને જીવવા માટે પ્રેમ-હૂંફની આવશ્યકતા છે, એ તો સિદ્ધ થયેલી વાત છે. જો આપણે માનસિક રીતે બીમાર સમાજ ન જોઈતો હોય, તો મનની તંદુરસ્તીથી એક જ વાત સ્વીકારવી જોઈએ કે વ્યક્તિ પોતાની મરજીથી ઍરેન્જ્ડ કે લવ મૅરેજ કરે યા લગ્ન પછી પોતાનું ઘર સાચવીને ફરજ કે જવાબદારી નિભાવીને એના સદનસીબે કોઈ બીજા પાત્ર સાથે દિલની લાગણીથી જોડાઈને, એ જીવે અને એની સાથે જોડાયેલાને જીવાડી દે, તો એને નિંદા કે કૂથલીનો વિષય ન બનાવતા, સફળ જિંદગી તરીકે સ્વીકારવાની ઉદારતા રાખી, શાંત, પ્રેમપૂર્ણ, સમજદાર સામાજિક જોડાણ – ‘લગ્ન’ને માન્ય રાખી, દરેક યુગલ ઍરેન્જ્ડ મૅરેજ કે લવ મૅરેજ, મૈત્રી કરાર કે પાછલી ઉંમરે શોધેલો હૂંફાળ જીવનસાથી, દરેકને યુગલસ્વરૂપે સ્વીકારી શકીએ, એ ‘અમીનજર’ મળે.

    લગ્ન’ એટલે જોડાણ, એ ‘દિલ’થી જોડાવનો વ્યાપક અર્થ છે. લગ્નને ફક્ત ‘સેક્સ’ કે ફાવે કે ન ફાવે, તો પણ જીવનભર ‘ટેક્સ’ ભર્યા કરવાની સીમિત વ્યાખ્યામાં બાંધી એને વખોડો નહીં, કોઈના સુખમાં વમળો પેદા ન કરતાં નિતાંત ઝરણું થવામાં સહાય કરી શકીએ, એ જ ‘સફળ લગ્ન’.

    પરીણય કરીએ, પ્રેમ કરીએ,

    એકબીજાંને માપતાં માપતાં પામી લઈએ,

    પણ,

    એકબીજાંને માપતાં માપતાં કાપી ન લઈએ,

    લગ્નમાં જોડે જોડે ચાલીએ

    કે, પરસ્પરના વિશ્વાસે એકલા ‘ઉડાન’ ભરીએ,

    અંતિમ ધ્યેય તો એ જ રાખીએ

    કે, પ્રેમથી પાંખો ફેલાવી સફળ થઈએ!

    ***