Jigarjan Dosti books and stories free download online pdf in Gujarati

જીગર જાન દોસ્તી

જીગર જાન દોસ્તી

- લેખક -

અશ્વિન મજીઠિયા, સ્પંદન પારેખ, કે. કે. દેસાઈ,

હિરલ પંડ્યા, નિમિષ વોરા, યશવંત ઠક્કર,

ચંદ્રલેખા, અજય ઓઝા

READ MORE BOOKS ONwww.matrubharti.com

© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

1 - મિત્રતા મૃત્યુ પછીની

2 - જે. લીલા.

3 - ભવિષ્ય

4 - મેચ ફીક્ષિંગ

5 - MADE FOR EACH OTHER

6 - અનોખી મૈત્રી

7 - એ દિવસે

8 - કર્ઝ

9 - તમે કોઈના દોસ્ત છો ?

10 - સહેલીની પહેલી

1 - મિત્રતા મૃત્યુ પછીની

લગભગ સવારનાં દસનો સમય હતો, અને મેં સંદીપને મારાં ઘર તરફ આવતો દીઠો. હા, વર્ષો જુનો આ ક્રમ છે.

દર રવિવારે સવારે દસની આસપાસ તે મારા ઘરે આવે. અમને બંનેને રજા હોવાથી, બંનેની સવારની દસની ચહા મારાં ઘરે જ થાય. અને હા, આવતાં આવતાં ફાફડા ગાંઠીયા તો તે અચૂક લઇ જ આવે.

આમ ચા-નાસ્તો કરીને એકાદ કલાક સમય પસાર કરીએ, અને પછી લટાર મારવા નીકળીએ, તે એક વાગ્યે જમવા ટાણે પોતપોતાનાં ઘરે જવા છુટ્ટા પડીએ.

આજે તેને મળવા માટે મારું મન અમસ્તું ય બેચેન હતું, તેનું કારણ હતું મારાં મનમાં ઉપજી આવેલો એક સવાલ.

એ સવાલ... કે જેનો જવાબ મારે સંદીપના મોઢેથી સાંભળવો હતો. એટલે જ તેને આવતો જોઈ હું જાણે કે વધુ જ ઉતાવળો અને ઉત્સુક થઇ ગયો.

"યાર, એક સવાલ છે મનમાં, જોઈએ તું શું જવાબ આપે છે,.." -ચહા આવી અને ફાફડાનું પડીકું ય ખુલ્યું, એટલે મારો વિષય ચાલુ કરવાની નેમથી હું બોલ્યો.

"કેમ શું પરાક્રમ કર્યું? ક્યાં અટવાયો છો ?""રીલૅક્સ.. એવું ટેન્શનવાળું કંઈ જ નથી.. આ તો જસ્ટ.. એમ જ.. !" -મેં ધરપત આપતાં કહ્યું. "ઓકે.. બોલ શું છે.. ?" –સંદીપે વધુ જીજ્ઞાસા ન બતાવતા સામાન્ય સૂરમાં પૂછ્યું. "ચલ કલ્પના કર.." -મેં વાત શરુ કરી..

"શું? કે તું એક મસ્ત મસ્ત છોકરી છે.. હહાહાહા..." -મારી વાત કાપીને મારી મજાક ઉડાવતા સંદીપ બોલ્યો. આમાં કંઈ જ નવું નથી.. કોઈ પણ વાતને હળવાશથી લેવાનો એક અવગુણ કે સદગુણ, જે ગણો તે, તેનાંમાં મોજુદ છે, અને ગમે ત્યારે તે તેનો ઉપયોગ કરતાં તે આ ઉમરે ય જરાય અચકાતો નથી.

"ચુપ કર.. ઉમર જો તારી.. હજી તો સાઈઠ પુરા થયા નથી ને બુદ્ધી નાઠવા લાગી કે.. ?" -મારી વાતમાં ખલેલ પડતાં બેચેન બની બનાવટી ગુસ્સા સાથે મેં વાત આગળ વધારી -જો સીરીયસલી સાંભળ."

"ઓકે.. બોલ.. !"

"ચલ કલ્પના કર, કે રાતનો સમય છે અને તું તારા ઘરમાં એકલો છે. અચાનક ઉપર અગાશીમાંથી તને મારો અવાજ સંભળાય છે. હું તને બુમ પાડીને ઉપર બોલવું છું એ ધ્યાનમાં આવતાં તું ઉપર આવે છે..."

"અરે પણ તું ડાઈરેક ઉપર કેવી રીતે પહોંચી જાય.. તું ઘરમાં આવે અને હું જો નીચે ઘરમાં જ હોઉં તો મને ખબર પણ ના પડે.. ? શું યાર શું હાંકે રાખે છે તું.. ? કંઇક લોજીકવાળું તો બોલ..”

“એજ તો.. !” –તેનાં આ સવાલથી ખુશ થતાં હું બોલ્યો- “એ જ તો ખાસિયત છે આ વાતની.. પણ હા, તને નવાઈ તો લાગે જ.. અરે તને શું કોઈને પણ લાગે..”

ઓકે.. પછી?"

"ઉપર આવીને તું આશ્ચર્ય વ્યક્ત કરે છે, કે હું તારા ઘરમાં આવ્યો ક્યારે. અને એવો તે કેવી રીતે આવ્યો આવ્યો કે આવીને સીધો અગાશી પર પહોચી ગયો. એટલે હું તને કહું કે તને સરપ્રાઈઝ દેવાનો ઈરાદો હતો. એટલે છાનોમાનો આવીને ઉપર બેસી ગયો.”

"ઓકે.. પછી.. ?"

"પછી આપણે થોડીવાર... બહુ જ થોડી વાર આપણે વાત કરીએ, ત્યાં નીચે તારા ફોનની રીંગ સંભળાય."

“ફોન તો હમેશાં હું ખીસામાં જ લઈને ફરું છું. તો નીચે રીંગ કેવી રીતે સંભળાય.. ?” –સંદીપે વાતને મજાકમાં જ લેવાની પોતાની આદત ના છોડી.

“અરે યાર.. કોઈ પણ કારણસર નીચે રહી ગયો હોય.. અથવા તો તારા લેન્ડ-લાઈનનો ફોન હોય.. કંઈ પણ હોય.. પણ નીચે ફોનની રીંગ સંભળાય છે જેથી ખબર પડે છે કે કોઈનો ફોન આવ્યો છે, અને ઘરમાં તું સાવ એકલો જ છે એટલે ફોન રીસીવ કરવા તારે જ જવું પડે તે સ્વાભાવિક છે.”

“પણ યાર.. ઘરમાં જો હું સાવ એકલો જ હોઉં તો આપણે બંને અગાશીમાં શું કામ બેસીયે? નીચે દીવાનખાનામાં કેમ ના બેસીયે.. તને ખબર તો છે કે રાતનાં સમયમાં ત્યાં ઉપર મચ્છર કેટલા હોય છે.”

“અબે યાર.. બેસીયે.. કારણ કે હું ચુપચાપ ઉપર જઈને બેસી ગયો અને તને ઉપર બુમ પાડીને બોલાવ્યો. તું આવ્યો અને બસ સાવ થોડી વાર જ ઉપર આપણે વાત કરી.. ને તને મચ્છર કરડે કે કરડવાનો હજી વિચાર કરે એટલામાં નીચે ફોનની રીંગ સંભળાણી. બીજું કંઈ.. ?” –મેં કંટાળો દર્શાવવા આખી વાત ફરી રિપીટ કરી.

"ઓકે.. ઠીક છે.. આગળ?" –સંદીપે જાણે રસ ન પડતો હોય તેવાં સૂરમાં વાત આગળ વધારવા કહ્યું.

પણ હું જાણતો હતો કે અત્યારે તેને ભલે રસ ન પડે પણ આગળ તો તેને જરૂર ઇન્ટરેસ્ટ આવશે જ, એટલે મેં ધીરજપૂર્વક વાત આગળ વધારી.

"ફોનની રીંગ સાંભળી એટલે તરત હું તારી પાસેથી વાયદો લઉં, કે ફોન એટેન્ડ કરીને તું જરૂર ફરી પાછો ઉપર આવીશ. એટલે તું હસીને હા પાડે. અને નીચે ફોન લેવા જાય."

"તે હા જ પાડું ને.. ! કંઈ ફોન એટેન્ડ કરીને તને ઉપર બેસાડીને નીચેથી જ થોડો ક્યાંય ભાગી જવાનો હોઉં.. શું તું પણ યાર?"

"અરે આગળ સાંભળ તો ખરો.. તું ફોન રિસીવ કરે, તો ત્યાં તને એકદમ ખાત્રીલાયક સમાચાર મળે કે થોડા કલાક પહેલા જ હું મૃત્યુ પામ્યો છું."

"શું બકવાસ કરે છે.. ?" –સંદીપ જાણે કે આંચકો જ ખાઈ ગયો. અને મેં પણ તેનાં આવા રીએક્શનની મેં અપેક્ષા રાખી જ હતી.

"હા, ” –મેં સ્વસ્થતાપૂર્વક જવાબ આપ્યો- “તને સમાચાર મળે કે હું થોડીવાર પહેલાં જ મરણ પામ્યો છું. તો બોલ હવે.. તું શું કરે.. ? મને થોડીવાર આપેલ વચન અનુસાર તું ફરી પાછો ઉપર આવે.. ? હિંમત થાય તારી એક ભૂતનો ફરી પાછો સામનો કરવાની.. ?"

"સાલા, મૂરખ છો તું તો.. આવા ફાલતું સવાલો કરે છે.." -સંદીપ મારી આ ધડમાથા વગરની વાતો સાંભળીને હવે જાણે કે ભડકી જ ગયો- "ગાળો અને મેથીપાક ખાવાનો થયો છે તું. આ તો તારા ઘરમાં છો એટલે બચી ગયો છે તું બચ્ચું.."

"નહીં સંદીપ.. હું સિરીયસલી પૂછું છું.. મને આનો જવાબ આપ.. !" -મેં ગંભીર ટોનમાં કહ્યું. સવારથી મારાં મનમાં ઘુમરાતા આ સવાલનો મારે મારા આ ખુબ જૂનાં અને જીગરી દોસ્ત પાસેથી જવાબ જોઈતો હતો અને તેનું મંતવ્ય જાણવું હતું.

"જો દોસ્ત.." -મને સીરીયસ જોઇને સંદીપ પોતે ય થોડો ગંભીર થયો, અને બોલ્યો- "સાચું કહું તો આપણો કોઈ જીગરી દોસ્ત મોતની વાત કરે તો ડીસ્ટર્બ તો થઇ જ જવાય. પણ બીજી વાર વિચારતા મોતની બાબતે તને વિચાર આવવો મને સ્વાભાવિક લાગે છે. કારણ આખરે તો આપણે બેઉ સાઈઠની આરે આવીને ઉભા છીએ. અને એમાં ય તને તો બ્લડ-પ્રેશર, ડાયાબીટીસ વગેરે.. એટલે જીવનની આ સચોટ હકીકત એવાં મૃત્યુનો ક્યારેક તો વિચાર આવે જ... આઈ અન્ડરસ્ટેન્ડ.. !"

"ઓકે.. તો બોલ શું જવાબ છે તારો?" –મેં ઉત્સુકતાથી પૂછ્યું.

"પહેલાં તો તું એ બતાવ, કે મારી જગ્યાએ તું હો તો તું શું કરે.. ? -સંદીપે મારો બોલ ફરી મારાં જ કોર્ટમાં નાખ્યો.

"સાવ નિખાલસતા બનીને કહું તો દોસ્ત, હું તો ઉપર અગાશીમાં આવતાં વિચાર કરું. પણ હા, હું નીચે ઉભા રહીને તારી સાથે થોડી વાત કરવાની કોશિષ કરું.. પણ ઉપર આવવાની હિંમત તો કદાચ ન જ થાય." -મેં હિંમતભેર એકદમ ચોક્ખો જવાબ સંભળાવી દીધો, કારણ મને પણ તેનો આવો જ સાવ નિખાલસ જવાબ જ જોઈતો હતો.

સંદીપ થોડીવાર મારી સામે આંખમાં આંખ પરોવીને જોઈ રહ્યો..

“બોલ ને... !” –મેં અધીરાઈપૂર્વક કહ્યું.

“ખેર, તો મારો જવાબ એ છે કે, " -એક પળ ખમીને કંઇક વિચારીને તે બોલ્યો- "હા... હું જરૂર ઉપર આવું. એક પળનો ય વિચાર કર્યા વિના ઉપર આવું."

"શું વાત કરે છે.. ?" -મને લાગ્યું કે તે મને સારું લગાડવા આમ કહી રહ્યો છે, એટલે મેં તેની ઉલટતપાસ લેતા પૂછ્યું- "તને કોઈ ખચકાટ.. કોઈ ડર ન લાગે?"

"ના, કોઈ ડર ન લાગે" -સંદીપ મક્કમતાપૂર્વક બોલ્યો- "મને ખબર હોય કે તું મૃત્યુ પામ્યો છે તો ય તારા ભૂત સ્વરૂપને મળવા હું કોઈ પણ ખચકાટ વગર ઉપર આવું. દોસ્ત, તને લાગતું હશે કે તને સારું લગાડવા હું આ બધું કહું છું. પણ યાર, આપણી આ ૪૫ વર્ષની દોસ્તીમાં તું જેવો છો એવો મને સ્વીકાર્ય છે. અને હું જેવો છું એવો તે મને સ્વીકારી લીધો છે. તો પછી હવે અત્યારે મારે તને સારું લગાડવાની ચિંતા કરવાની જરૂર શું છે. ?"

"હા, તારી વાત તો બરાબર.. પણ તને ડર ન લાગવાનું કોઈ કારણ?"

"અરે યાર.. ડર ન લાગવાનું એક નહીં, એક કરતાં વધુ સબળ કારણો છે મારી પાસે, કે હું ઉપર અગાશીમાં શા માટે આવું."

"ઓ કે.. ?"

"જો, આપણે ઉપરની પરિસ્થિતિનું પુનર્વલોકન કરીએ, તો ફોન આવ્યા પહેલાં આપણે અમુક ક્ષણો વાત કરી છે. રાઈટ.. ?"

"રાઈટ.. !"

"અને મારા મનમાં કોઈ પણ શંકા આવ્યા શિવાય હું નીચે ફોન ઉચકવા જાઉં છું. એનો મતલબ શું ?

"શું.. ?"

"એ જ ને, કે તારું ત્યારનું સ્વરૂપ સાવ સ્વાભાવિક હતું. અને ડરામણું તો બિલકુલ જ નહીં. ?"

"હા, બરાબર.." -મેં મારી સહમતી દર્શાવી.

"અને પછી જો કોઈ મને તારા મોતના સમાચાર આપે, તો મારે શું કરવાનું હોય? મારી આંખો પર વિશ્વાસ કરવો કે કોઈની વાતો પર.. ? તને શું લાગે છે... મને જરા પણ જીજ્ઞાસા ન થાય કે ઉપર જઈને હું ચકાસણી કરું.. ? અને એમાંય ખાસ તો ત્યારે, કે જ્યારે ઉપર કોઈ જ જોખમ કે ડર ન હોય.. ! બરાબર.. ?

"હા, પણ...."

"જો, " -મારી વાતને કાપી સંદીપે પોતાની વાત ચાલુ રાખી- "પેલી હોરર ફિલ્મોની જેમ તારો દેખાવ ડરામણો હોત, તો વાત અલગ હોત. પણ તો તો પછી તને ઉપર જોતાની સાથે જ, બીજી જ પળે મને તારા મૃત્યુનો અંદાજો આવી ગયો હોત.. ફોન થકી ખબર પડવાની કોઈ જરૂર જ ન પડત. એટલે આ કિસ્સામાં હું જરૂર ઉપર અગાશીમાં આવું. કારણ તારો, એટલે કે તારા ભૂતનો ઈરાદો જો મને હાની પહોચાડવાનો હોત, તો એ તો તું પહેલા જ કરી ચુક્યો હોત, હું ફોન ઉચકવા આવું તે પહેલા જ. હું ફરી ઉપર આવીશ એવું વચન લેવાને બદલે તે તારું ધાર્યું ત્યારે જ કરી લીધું હોત. બરાબર?"

"હા.. બરાબર.." -તેની તર્કબદ્ધ વાત સાથે સહમત થતાં મને વાર ન લાગી.

"પણ તેં તેમ ન કર્યું. એટલે હવે મને પૂરી ખાતરી હોય, કે તું પછી પણ એવું કંઈ નહીં કરે. એટલે ઉપર આવવામાં મને કોઈ વધુ હિંમત એકઠી કરવાની જરૂર જ ન પડે."

"હમમ.." -સંદીપની વાતથી હું પ્રભાવિત થતો ચાલ્યો.

"હવે બીજું કારણ.." -પોતાની પાસે એક કરતાં વધુ કારણ છે તે વાતની પુષ્ટિ કરતાં સંદીપ આગળ બોલ્યો- "એક વાત હું દ્રઢપણે માનું છું, કે મૃત્યુ કોઈની પણ માનસિકતા બદલી શકતું નથી. કારણ મૃત્યુ પહેલાં.. કે મૃત્યુ બાદ, આત્મા તો એનો એ જ હોય છે, ફક્ત શરીર હતું ન હતું થયું હોય છે. તો મૃત્યુ, એ કોઈ પણ મૃતાત્મા માટે પોતાના સ્વજનોને ધિક્કારવાનું, તેમને ત્રાસ આપવાનું, કે હાની પહોચાડવાનું કોઈ કારણ નથી બનતું.. !"

"યસ.. રાઈટ.. !" –મેં ફરી સહમતી દર્શાવી.

"હવે ત્રીજું એ, કે કહેવાય છે કે મૃતાત્માઓ માટે મૃત્યુ પછી તેનાં સ્વજનોનો સંપર્ક કરવો ખુબ.. ખુબ.. ખુબ જ કઠીન હોય છે. અને આ વાત પણ સાચી જ લાગે છે, કારણ જો એવું ન હોત, તો હર ત્રીજો મરેલો વ્યક્તિ ઉપરથી આવીને તેનાં સ્વજનોને મળી જતો હોત. તો મને લાગે છે, કે ઈશ્વરે બાંધેલી એ પાળ તોડવામાં પુષ્કળ મનોબળની જરૂર પડતી હશે."

"ડેફીનેટલી.. !"

"ઓ કે.. અને જ્યારે તું જો એમ કરી શકે તો મારે તો તારી આ કોશિષની દાદ આપવી જોઈએ કે નહીં ? મારે તો મારી પ્રત્યેની તારી લાગણીની તીવ્રતાની સરાહના કરવી જોઈએ. અરે, મારે તો કદર કરવી જોઈએ, કે મને મળવા માટેનું આ ભગીરથ કાર્ય તું કરી શક્યો. અને તું કરી શક્યો, કારણ આટલા લાખો કરોડો મૃતાત્માઓ પોતાના સ્વજનને ચાહે છે, તેની કરતા પણ વધુ તીવ્રતાથી તું મને ચાહે છે. શું કહે છે.. ?"

"યાર.. તને તો હું ખુબ ખુબ પ્યાર કરું છું દોસ્ત.. તું જાણે છે તે.." -હું ભાવવિભોર બની ગયો.

"યસ.. આઈ નો.. અને હવે જ્યારે તું આમ કરી શક્યો હોય જે ભાગ્યે જ કોઈ કરી શકે, તો તારા આ પરાક્રમની પ્રશંશા કરવાની બદલે હું તને એવોઈડ કરું અને તારી આ બધી કોશિશોને બેકાર કરી નાખું.. ? અને એ પણ ત્યારે કે જયારે મને ખાતરી હોય કે મને કોઈ નુકસાન નહીં થાય.. ? નેવર... !"

"યુ આર ગ્રેટ યાર.." –મારાથી આ કહેવા વગર રહેવાયું.

"અબે... આવે વખતે તો બીજો કોઈ વિચાર કર્યા વગર જ હું તને મળવા માટે ઉપર અગાશીમાં આવું, અને એ પણ દોડતો દોડતો. કારણ મને શું ખબર, કદાચ મારી તરફના થોડા એવાં વિલંબથી પણ બહુ મોડું થઇ જાય કદાચ. કારણ ઈશ્વર જ જાણે, કે તેં એની પાસેથી કેટલી ટાઈમ-લીમીટ મેળવી હોય... કે ચોરી લીધી હોય, મને ફરી એક વાર.. છેલ્લી વાર મળવા માટે. તો આ થોડી ક્ષણોનો લાભ મેળવવા હું જરૂર જરૂર આવું, માઈ ફ્રેન્ડ.. અને આ મારો નિર્ણય અફર છે. કારણ હું જાણું છું કે આ બધામાં તેં ફક્ત મને જ મળવાનું પસંદ કર્યું છે, અને મૃત્યુના બસ થોડા જ કલાકોની અંદર તું મને મળવા પણ આવ્યો છે.. હા મૃત્યુની વાત તેં મારાથી છુપાવી હોય, કે કદાચ હું ડરીને ભાગી ન જાઉં. પણ દોસ્ત, તું મને ઓળખી ન શક્યો.. !"

એક ક્ષણ તો કંઈ જ બોલ્યા વગર હું સંદીપની તરફ અહોભાવથી નીરખી રહ્યો.

"બરોબર ઓળખી શક્યો છું દોસ્ત.. આજ સવારે અકારણ જ મનમાં ઉગી આવેલા આ તર્કહીન સવાલને કારણે આજે આ ૪૫ વર્ષ બાદ હું તારા વિચારોને અલગ જ પ્રકારે પામી શક્યો છું, અને આજે આટલા વર્ષો બાદ મને એમ લાગે છે, કે તારી સાથે દોસ્તી કરીને.. જિંદગીનાં આટલા વર્ષો તારી સાથે વીતાવવાનો મારો નિર્ણય કેટલો સાચો છે. સંદીપ.. આઈ એમ લકી કે વી આર ફ્રેન્ડઝ.. !"

"બસ.. બસ હવે.. બહુ થઇ આ બધી કારણ વગરની પંચાત.. ચલ શર્ટ પહેર.. આખો દિવસ શું તારા ઘરમાં જ ગોંધી રાખવો છે.. ? -સંદીપે વાતને સંકેલતા કહ્યું.

પણ મારાં મનમાં સંદીપની આ વાતો, તેનાં આ વિચારો સજ્જડતાથી ઘર કરી ગયા. તેની સાથેની મારી મિત્રતાની ગાંઠ આ ઉમરે ય આટલી મજબુત હોવા પાછળનાં કારણોમાં એક કારણ વધુ ઉમેરાઈ ગયું…

***

2 - જે. લીલા.

અમરચંદ શેઠ અને ભાગીરથી શેઠાણી દરેક દેવ દેવીયો ને ચરણે માથા ટેકવી એક જ માગણી કરતાં કે " હે અંન્તરયામી ! હવે અમારી ધિરજની કસોટી રહેવા દો, અમારા વાંક ગુના માફ કરો પ્રભુ, જે કોઇ અમારાં ગુન્હા હોયતો અમે ભોગવવા તૈયાર છીયે, પણ અમારા એકના એક પુત્રને ઘેર પારણું ઝુલતું કરો. અને એ એક પારણાંને ઝુલતું કરવાં લાખોના દાન ધરમ કર્તા અચકાંતાં નહીં દિકરો વિનય અને વહુ રસીલા ની જોડી ખુબજ વિનયી વિવેકી, અને દેખાવડા અને મળતાંવડા હતાં સારસ બેલડી જેવા હતાં, કયાંરેય વડીલોનો બોલ ઉથાપતાં નહીં

પરણ્યાંને ૧૦ -૧૦ વર્ષ થઇ ગયાં. પગલીનું પાડનારની આતુરતાં પૂ્ર્વક રાહમાં અમદાવાદની " શ્રી કૃષ્ણ સિલ્ક મીલ " અને " સનાતન વિવીંગ મીલ " અમર કોટન મીલ " ના હજારો કામદારો, અને" ભાગીરથી કન્યા વિધ્યાલયની " ૧૨૦૦ બાળાઓના મીઠા મોં કરવાની આશામાં રહેતાં

એક નવી મશીનરની ખરીદી અને એક નાવા પ્રોજેકટ માટે વિનય જર્મની જઇ રહ્યો હતો, ભાગીરથી શેઠાણીના આગ્રહથી રશીલાને પણ સંગાથે જવાનું ગોઠવ્યું જર્મનીથી પાછા ફરતાં ઇગ્લેન્ડ માં રોકાણ કરી માન્ચેસ્ટરના વેપારી મી. ગ્યાસગોના દિકરાના મેરેજ પણ મહાલતાં આવે, અને આ વચ્ચે ભાગીરથી શેઠાણી એ એક ખાનગી પ્લાન પણ પોતાના વેપારી મિત્ર મી. લોર્ડ બગરીયાની મિસીસ સાથે સખીપણા હોવાથી ફોનથી ઝણાવી, ઘટતું કરવા ભલામણ પણ કરી દિધેલ.

જ્રર્મની જઇ આવ્યાંના ત્રણ મહિના બાદ વહુ દિકરા એ ખુશખબર આપ્યાં. નવમહિના ને ૧૨ દિવસ પછી, ત્રણે મીલો, કારખાના, શાળામાં હરખની હેલી ઉઠી, સાકરના પુડા સાથે એક દિવસની રજા જાહેર થઇ, નાના શેઠ વિનુભાઇને ઘેર લક્ષ્મીજી પધાર્યા. અમરચંદ શેઠ-શેઠાણીનો તો હરખ સાંબેલાધાર વર્ષ્યો, સાધુ, સંતો, ભાટ, ચારણો આવી સ્તુતી કરતાં, કામદારો મહાજનો ટોળા બંધ હરખ કરવાં આવવા લાગયાં કોઇ પણ ખાલી હાથે ન જાય તેની પૂરી કાળજી શેઠાણી રખાવતાં અને દિકરી ના ૧૨ દિવસે ભારે ઉલ્લાસ પૂર્વક નામ કરણ વિધી થઇ.

લંડનથી મિસીસ બગરીયા ખાસ ફોઇ બનીને આવેલ તેમણે બ્રાહ્મણોના મંત્રોચાર સાથે વિધિવાધાન સહ જાહેર કર્યુ

"ઓળી જોળી પીપળ પાન ફોઇએ પાડયું રીટા નામ" અને મીસીસ બાગરીયા મનમાં મલકાતાં હતાં કે પોતાના નાનાભાઇ જે લંડનનો ખ્યાતનામ ગાયનેકોલોજીસ્ટ હતો, કે જેની ટ્રીટમેન્ટના ફળ સ્વરૂપ આ પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી "રીટા" હતી (૧૯૪૨) ખરા અર્થમાં રીટાના ફોઇ બન્યાંનો તેનો બેવડો હરખ અસ્થાને ન હતો.

આમ શહેરના મોટા મિલમાલીકના બંગલામાં આઠ આઠ દિવસના રંગારંગી કાર્યક્રમોનો દોર ચાલ્યો. અને આ પ્રસંગે દરેક ક્ષેત્રના કલાકારો કફલા આવી પોતાની કલાના કૌવત બતાવી ગયાં ને લોકો મહિનાઓ સુધી એ પ્રસંગ મમળાવતાં રહયાં. ગોપી કૃષ્ણના ડાન્સ, શ્યામ મીઠાઇવાળાના ગરબાઓની ગૂથણી, સિતારા દેવીના ક્લાસીક ડાન્સ, અને દેશી નાટક સમાજ વાળાના નાટકો લોકોએ મનભર માણયાં.

મોટા ઘરનું બાળક એટલે લાડ-કોડ ઉપરાંત આળ પંપાળ. વધું હોય સ્વાભાવીક છે. બેબી રીટા રૂપાળી નાકે નકક્ષે નમણી, પરાણે વ્હાલી લાગે તેવું સહજ બાળક. ભાગરથી શૈઠાણી તેને સારા પગલાની ગણતાં, કારણ તેના જન્મ બાદ " રીટા કોટન મીલ " " રીટા વિવીગ મિલ, " રીટા સિલ્કમીલ " ઉપરાંત " રીટા ડાયમંડ " " રીટા કેમ " આમ મીલો ઉપરાંત વિનયશ્શેઠે ડાયમંડ અને કેમીકલ પ્લાટમાં તરફ નવો જોક આપ્યો. ઘરમાં દિકરી અને બહાર બીજનેસ દિવસે નવધે એટલો રાત્રે વધતો જ ચાલ્યો. બેબી રીટા એક હાથમાથી બીજા હાથમાં ફરતી રહી, પલકારાંાં જાણે પાંચ વર્ષ પુરાં કર્યા, દાદીની ભારે હેવાઇ, દાદીનો પડછાયો બની ઘુમતી, મંદિર, પ્રસાદ, સત્સંગમાં બેસતી ઉઠતી. મોં મા મીઠાઇ, અને કાનોમાં ઇતિહાસ ઠોસતી રહી. એકલવાયા બાળકોની ખાસીયત મુજબ જલદી કોઇ સાથે ભળે નહી. અને સ્કૂલમાં મોટા વાળીની- મિલવાળાની દિકરી પાસે કોઇ જલ્દી ફરકે નહીં. સ્કુલામાં રીસેસમાં અન્ય બાળકો આના પાઇના ના ચણા મઠ ખાય, અથવા ઘેરથી લાવેલ નાસ્તાનાં ડબ્લા ખોલે. ત્યાં રીટાબેબી માટે કાજુ, બદામ, અખરોટ નાં ડબ્બા ખુલે બેબીને ગાડીમાં બેસાડી આ ભોગ ધરાવાઇ, આનાકાની કરેતો કેળા ચીકુ સફરજન સંતરાં ધરે, અને ઉપર ગલાસ મોસંબીનો જ્યુસ. આમ બેબીરીટા કળાયેલ મોર જેવી પૂર્ણ ચરબી યુકત દસ વર્ષે વધુ ને વધુ કળાયેલ બનતી ગઇ.

સંસકાર સીંચીલી એ વેલ ચાર, આઠ, અને અઠારના એમ ભરડે ભારઇ. સ્કૂલ છૂટી. મિસ રીટા કોલેજના પગથીયે આવી ચૂકી, અહી હવે તે પોતાના શરીર પ્રત્યે સભાન થવા લાગી કપડાં દાગીના, નવી નવી હેરસ્ટાઇલ… હેર કટ માટે ખાસ એક દિવસ માટે પ્લેનમાં મુંબઇ જઇ, કરાવી આવતી, પીકચર જોવાનું મન થાય તો પૂરુ થિયેટર બુક થઇ જાતું વાર તહેવારે ઉજવણી માટે મિત્રોને ફાર્મ હાઉસ પર પાર્ટીઓ ગોઠવાવા લાગી કોલેજમાં ફ્રેન્ડ સર્કલ જરૂર વધ્યું, આવી ચહલ પહલ ગમવા લાગી અને ચરબીને પણ મિસ રીટા ગમવાં લાગી તેણે પણ પચ્ચીસ, પચાસ, અને સો ના ભરડે રીટાને લઇ હંફાવી દીધી. કોલેજમાં રીટા સામે છોકરાંઓ આગળથી અદબમાં રહેતાં પણ પીઠ ફરતાંજ ભદ્દી મજાક કરતાં, છતાં જયાંથી ઉદભવેલી આ ગંગાના ગૌમુખને માત્ર સાંભળીને જ અધ્.. ધ્….. ધ્ થઇ જતાં. ટીખળીયો અંદર અંદર કહેતાં.

" આ લથપથ ગંગાનો હાથ પકડશે તે તો ન્યાલ થઇ જાશે, પણ કોણ પકડે, આનો હાથ ટેમ્પરરી પણ કોઇ ન પકડે " અને મિત્રોના પડકારમાં તેમાના માનો જ એક એવો જતીન વોરા જેવા ટીખ્ળીએ આ બીડૂ જડપ્યુ. જતીન અમદાવાદના પ્રતિષ્ઠત એડવોકેટ જગુભાઇ વોરાનો મોટો પુત્ર, ભારે ભેજા બાદ ભણતો ઓછૂને રખડતો વધુ છતાં પરિક્ષામાં સારા માર્કે પાસ થતો મિત્રો પુછે તો ઉડાવ જવાબ દેતો." હમ હૈ ન્યાયી બેટા, હમ કિસીસે કમ હૈ ? પાસ હોના હમારા દાયે હાથકા ખેલ હૈ."

આવા ખેલાડી એ મિત્રો સાથે રીટા સામે ખેલ કરવાનું બિડુ જડપ્યું

એક દિવસ રીટાનું કોલેજના મેગેજીનમાં એક પેઇન્ટીંગ છપાયું અને જતીન ને મોકો મળી ગયો વાતનો દોર પકડવાનો.

" વાહ શુ સરસ છે તમારૂ પેઇન્ટીગ, ગજબ અપીલ કરે છે, મને તો બહુજ ગમ્યું કોન્ગરેટસ " કહી હાથ ફેલાવ્યો. અને પાણી પાણી થઇ ગયેલ રીટા એ જવનમાં પહેલી વખત આવા હેન્ડસમ હીરાને પોતાનો કાંપતો હાથ દઇ બેઠી, અને જતીયાએ તેના બેઉ હાથ વચ્ચે રીટાના રૂના પોલ જેવા હાથને સખતાઇથી દાબી નિર્લજતાં પૂર્વક હસ્યો,

નીચી નજરે પ્રથમ વાર કોઇ પુરૂષના મજબુત હાથનો પરિચય પામી. લાલ ચોળ થતી માત્ર ધીમા, ધ્રજતાં સાદે " થેક્યું " બોલિ શકી. અને કોલેજના કંપાઉન્ડ મા ઉભેલી કારમાં બેસી અર્ધા બાકિના પિરીયડ છોડી ભાગી ગઇ. અને દુરથી જ આ લીલા, જોતાં મિત્રો પાસે દોડી જઇ ને જતીને મિત્રોની વાહ વાહ, શાબાશીના ધબ્બા પીઠમાં ખાધા.

" પ્રથમ ગ્રાસે ઘી-કેળાં " કહી મિત્રોએ કોલેજની કેન્ટીનમાંજ જયાફત ઉડાવી.

હવે રીટા કોલેજમાં વધુને વધુ ટાપટીપ કરી આવવા લાગી, ધીમે ધીમે ફ્રેન્ડ સર્કલ અને તેની ચરબીનો ઘેરાવો પરસ્પરની સ્પર્ધા કરતાં મોટુ થતું ચાલ્યું. ઘેર મા-બાપને ચિંતા રહેતી, ના ઇલાજ દિકરીને અને તેના પ્રોગ્રેસને જોતા રહ્યાં. કોલેજ પતે એટલે નકકર પ્લાન વિચારવા લાગ્યાં તેમને ક્યાં ખબર રહી કે જતીન જળો બની રીટાની રૂપાળી ચામડી, અને ભોળપણને ચૂસી રહ્યો છે. કોલેજ ની ટ્રીપ છેલ્લા વર્ષની ઉજવણી કરવાં અજંતા ઇલોરા જવા નીકળી જતીને પરાણે રીટાને તૈયાર કરી, મા-બાપે કમને ' હા ' કહી. વળતાં મુંબઇમાં તાજ હોટલમાં બે દિવસ રોકાઇ કાફલો પરત અમદાવાદ પહોચ્યોં. મિત્રોએ જતીનની રીટા પાછળની ઘેલછા જોઇ ટીકા પણ કર્તા કે " યાર તુ તારી શર્ત તો જીતીજ ગયો છો, તો પછી હજુ કેમ આ ગોદડાને લપેટ્યાં કરે છે ? "

" હુફાંળુ છે ગોદડુ, " કહી લુચ્ચુ હસી જતની મિત્રો સામે એક આંખ મારતો, અને મિત્રો હસી પડતાં પરંતું તેઓ નહતાં જાણતામ કે આ લાલા એ કેવી લીલા કરીને જાળમાં માછલી ફસાવી છે. હા એક દિવસના તાજમહાલની મોજ બાદ રીટા જતીનના સતત માણેલો સાથ મહેસુસ કરતી, તેના કાનમાં તેના મીઠા શબ્દોનો ગુંજરાવ થયા કરતો, તેની કોઇ પણ પરિસ્થિનો આસાન ઇલાજ, તેની વાક્ પટુતાં, ફીલ્મી હીરો જિતેન્દ્ર જેવોજ જંમ્પીંગ જેક લાગતો. અને જતીન પણ જીતેન્દ્ર જેવુજ ડ્રેસીંગ કરતો.

દિકરીની કોલેજની છેલ્લી પરિક્ષા બાદ વિનુ ભાઇ અને રસીલાબહેને બાની મેડીકલ તપાસઅર્થૈ અમેરીકાની ટૂર પકડી, રીટાએ દાદાજી પાસે રહેવાની જીદ પકડી, દાદાએ પણ સાથે અમેરીકા જવાની તૈયારી દાખવી આમ કમને રીટાએ જવુ પડયું, ચકોર વડીલોને ગંધ આવી ગઇ હતી. વિષેશ નહીં

ન્યુયોર્કના સ્લોગન કેન્સર હોસ્પીટલ અને અમેરીકાના ઘર વચ્ચે બાની તબિયત માટે આવન જાવન રહેતી છતાં રસીલા શેઠાણી ની ચકોર નજરે નોધ્યું કે દિકરીનું મન ક્યાંક લાગી ગયું છે, પણ આ નાજુક સમયે ધ્યાન હોસ્પીટલ અને પેશન્ટ ઉપર જ વધું દેવું પડે તેમ હતું. બધાના પ્રયત્નો, સારામા સારી ટ્રીટમેન્ટ, નંબર એક હોસ્પીટલના બીછાને થી પૂરાં પરિવાર વાચ્ચેથી ભાગેરથી શેઠાણીએ ૬૦ વર્ષથી પકડેલા અમરચંદશેઠના હાથને હાથ તાળી દઇ ગયા.. ભારે હૈયે અમદાવાદ આવી વિધીઓ પતાવી. અમદાવાદની આ પ્રતિષ્ઠત હવેલીમાં ઇટાલીયન જુમ્મરોનો પ્રકાશ યથાવત્ ફેલાતો પણ અદરશ્ય ઓછાયા સહ સન્નાટો દરેક અનુભવતાં. આવા સંજોગોમાં પણ જે બાની સાથે નાનપણથી જોડાયેલી તેની વ્હાલી પૌત્રી લાંમ્બો સમય ફોન પર વાતચીતમાં ગાળતી, રૂમમાં ભરાઇ રહેતી રીટાને મા પુછતી પણ ખરી

" કોની સાથે આમ વાતો કરે છે બેટા ? "

" છે એક મારી ફ્રેન્ડ સાથે " ટુંકમાં જવાબો મળતા.

બાના બારમાં સુધીમાં ચકોર રસીલા શેઠાણી ને કાને બહારથી પણ રીટા વિશે ટીપ્ણીઓ સંભળાઇ, રીટા સથે વાત કરી મમ્મી - પપ્પા દાદા સાથે બેસી પૂરી ચર્ચા થઇ, દાદાજીને સાથે ભણેલો જતિન એડવોકેટ જગુ વોરાનો પુત્ર છે જાણી મન ખાટુ થયું, કારણ જગુ વોરા સ્મગલરોનો માનીતો વકીલ તરીકે નામી હતાં, અને તેવર પણ તેવાજ રહેતાં, શ્યામ, દામ, દંડ, ભેદ. આચરી કેસ જિતવો જ તે તેમની એક શાખ હતી. અને એવાજ મોટા માથા સાથે ઉઠ બેસ વધું હતી. એક વાર મિલના લેબર યુનીયનના પશ્ર્ને તેમની સાથે તડફડ થઇ ગયું હતું તેવું દિકરા વિનયને યાદ અપાવ્યું પણ દિકરી રીટાના શરીર સામુ જોતાં પણ એક જ વિચાર આવતો " કે કોણ હા પાડશે ? "

બાના ગયાના ત્રિજા મહિના બાદ એક સાંજે જતિનને ઘેર બોલાવ્યો, તો તેના ફાધરે જગુ વોરાએ કહેવડાવ્યું કે તો તેમણે કોનથી જ વિનય શેઠને રોકડુ પરખાવ્યું.

" તમારી દિકરીયે મારા દિકરાને પસંદ કરી જ લીધો છે, તો હવે તમારે અમારે ઘેર આવવું જોયે, કે તમારી દિકરીયે કેવું ઘર ગોત્યું છે ? "

" આપ સર્વ આવો ' અમર વિલામાં ' આપણે મળીયે." વિનય શેઠે ગમ ખાઇ ફોનમાં કહ્યું

" શેઠ આપણે તો શહેરના નાના મોટા ફંકશનો માં મળીયે જ છીયે ને ?, આતો તમે દિકરી કેવા ઘરમાં આપોછો ? તમારી દિકરી રહી શકે તેવું ઘર છે કે નહીં તે તો જોશોજ ને ? "

" હંમમમમમ હા ના ના " ટૂકાં જવબો સાથે ફોન પૂરો કર્યો.

અને નકકી કરેલ દિવસે જતીનને ઘેર વિનયશેઠ, રસીલા શૈઠાણી ફળ ફ્રુટ, ની ટોકરીયો સાથે પહોંચ્યાં. વાતચીતમાં સતત જગુભાઇ વેવાઇ, વેવાણ ના જ સંબોધન કરે રાખ્યું કારણ કન્યા મુર્તીયાએ નકકી જ કરી લીધું છે આપણે તો સહી સીકકા જ કરવાંના છે કહી જતીનને ઉભો રાખીને વેવાણ રસીલાબહેન પાસે લીલુનાળીયેર અને સવા રૂપીયો પકડાવી વેવીશાળ ના સંબંધ પર ભારપૂ્ર્વક સિકકો મારી મોમાં ગોળ મૂક્યો. મૂછને વળ ચડાવતાં રહ્યાં.

એડવોકેટ જગુ વોરા તરફથી કપાળ પર કંકુ ચોખાના થોપેલા સિકકા સાથે વિનય શેઠ અને શેઠાણી પોર્ચમાં ગાડીમાંથી ઉતરતાં મમ્મી પપ્પાને જોઇ રીટા મોં પહોળું કરી, ઉપર પોતાનો વજનદાર હથ મૂકી માના ગંભીર મુખસામુ જોતી રહી, અને ગાર્ડનમાં હિંચકે જુલતાં અમરચંદ શેઠ હબ્બક ખાય દિકરા વહુને જોઇ રહ્યાં અને ત્રાડ નાખી બોલ્યાં

" હું હજુ હયાત છું, અને મને અવગણ્યો ? " અને નારજ થઇ પોતાના રૂમમા જતાં રહ્યાં તેની પાછળ વિનય શેઠૈ જઇ પોતાની લાચારી ની વાત કરી. વાત પૂરી કરતાં એટલું જ બોલ્યાં કે

" વકીલ જગુ વોરા આપણો કેસ જીતીને આપણને હારનો હાર પહેરાવ્યો."

ચાલો જે થયું તે, દિકરીના સુખ ખાતર બધાએ પોતાનો રાજીપો જ બતાવ્યો.

' જતીન કુમાર ' બની હવે ' અમર વિલા 'માં જતિનને રૂઆબભેર રોકટોક વગર આવવાનો પરવાનો મળી ગયો, રીટાને હવે " કરલી દુનીયા મુઠી મેં " નો અહેસાસ થયો, વિનુશેઠ, શૈઠાણિને અંદરથી અકથ્ય ડર ડરાવતો રહ્યો. છતાંય હસતાં મોં એ આવેલ પ્રસંગ પતાવ્યો જ. દિકરી રીટાને કન્યા વિદાય સમયે

" આ દશ આ દશ પીપળો આ દશ દાદાના ખેતર …

દાદા… અમે એક …. રે પાન અમે

તોડીયું, દાદા વઢના દે જો

દાદાને વ્હાલી દિકરી, દિકરી ડાહ્યાં થઇ રહે…જો ".

અમર મહેલના આંગણાના સૂના મંડપમાં અમર શેઠ અને વિનય શૈઠ ગીતોના શબ્દે હિબકે ચડી રડી લિધુ. તેમને કયાં ખબર હતી કે એક પાન સાથે આ વડલાને મૂળ સોતા ઉખેડનાર ના હાથમાં કન્યાદાન થઇ ગયું છે

રીટા-જતીને લગ્નની પહેલી એનવરસરીએ અમરચંદ શેઠના હાથમાં પ્રપૌત્ર ' પરમ' ના પારણાંની દોરી ધરી, હળવેથી મોટી રકમના ચેક પર સહી કરાવી ગીફટચેક અંકે કરી લીધો. ડીલીવરી બાદ રીટા સાસરે ગઇ જ નહી, નાની જગ્યામાં બાળકનો ઉછેર બરોબર ન થાયના બહાને અમરવિલાની બાજુનાજ આલીશાન " પરમ વિલા " બંગલો અંકે કરી જતીને પોતાના ગોરખ ધંધાના શ્રીગણેશ કર્યા. હવે મિલો, કારખાના, કેમીકલ પ્લાન્ટમાં પણ આંટા ફેરાં કરવા લાગયો. અને અમરચંદ શેઠના નિધન બાદતો તેને છૂટો દોર મળી ગયો, વિનયશેઠ પર દાદાગીરી કરી ઓથોરીટી પેપર લખાવીને વિનુશેઠને પુરેપુરાં હાસીયામાં ધકેલી દિધાં બેઉ બાપદિકરાએ બધુ ઉસડી વિનુભાઇને લોકનજરે લાચારી માં હડસેલી દીધા.

રીટાને પણ પોતાના પ્રેમ અને પ્રેમીની બદ રમતનો ઇરાદો ખ્યાલ આવ્યો જતિન તેને પણ ઇમોશન્લ બ્લેક મેઇલીંગ કરતો, અસલામતીથી પીડાતી રીટા હતી તેનાથી ડબ્બલ બોડીમાં થઇ ગઇ, તેને આવા ટેનશનમાં ડાયાબીટીસ, બી. પી થાયરોડ જેવા દરદોએ ભરડે લીધી. હવે ખુલ્લે આમ જતીન તેને ડન્ડલોપ કહેતો, બેઉ વચ્ચે એક દિવાલ રચાઇ ગયેલ. મોટા ઘરની દિકરી આવા અંગત દુખડા કયાં ? કોની પાસે જઇ રડે ? જતીન ને પાછો મેળવવા તે કંઇ પણ કરવા મથતી. તે તેના જૂના નોકરના દિકરા સુરજ જે ઘરકામ કરતો અને રીટાના દુખદરદ નજર સામે જોતો, જમાઇરાજના તોફાનો નો સાક્ષી હોય, રીટાને હમંશા સહાય રૂપથતો તે માઇભક્ત હોય તે રીટાને મંત્ર તંત્ર દોરા ધાગા કરાવવા ની સલાહ આપતો એક બાદ એક મીલો, કારખાના, ઓફીસો વેહેંચાતી ચાલી. વિનયશેઠ ડાયાબીટીસ, હાઇ બી.. પી, અને એલઝાઇમરના રોગના ભોગ બન્યાં. લાચાર રીટા આ ડૂબતી નાવનું કારણ માત્ર પોતાને સમજતી જાત જાતનાં ઉપાયો કોઇ કહે તે કરતી રહી. દિકરો પરમ અને દિકરી સિયા જોત જોતાં મોટા થતાં ગયાં જતિન મુંબઇ-અમદાવદ વચ્ચે પોતાની બાજી ચીપતો રહ્યો.

આજે અમરવિલા અને પરમ વિલા ની વચ્ચે એક ઉચી દિવાલ રચાઇ ગઇ છે. વિ નય શેઠના પુરાં ધંધાને અલીગઢના મોટા તાળાં જમાઇરાજે લગડાવી દીધાં શેઠાણી ના લોકરના ખાના ખાલી કરાવ્યાં ઓફીસ્યલી બધું પરમના નામે ટ્રસ્ટી જતિન જગુભાઇ વોરા. કરી કરોડોની મતા હાથ વગી કરી, આરામથી રીટાનો કાંટો નવા આવેલા મહારાજને ગામમાં બે માળનું મકાન બંધાવી આપવાની અને મોટી રકમ આપવાની લાલચે, તેની પાસે રીટાના જમવામાં ગડબડ કરાવી, ઘડીના છઠાભાગમાં અનંતની વાટે પહોચાડી. જુના મિત્રો સાથે બ્લેક, બ્લ્યુ લેબલના નશામાં વાત વાતમાં કહી દે કે

" શુ હં મુરખો હતો ? કે એ ગાદલાનો ભાર વેઢુ ? હેં ? એશ ….. એશ કરવાં જ આ કારસો રચેલો. ફ્રેન્ડ શું ? ને ફ્રેન્ડ શિપ કેવી. ?

***

3 - ભવિષ્ય

ભાવના ડિઝાઈન સ્કૂલ. જગ મશહુર છે એનીમેશન માટે. નવા બાળકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. તેમાં પોતાની જીંદગી બનાવવા અનેક લોકો આવતા હોય છે. તેમાંથી એક છે ચિન્ટુ. બીજો વીકી. પોતાની જિંદગીમાં અનેક નિષ્ફળતા જોયા બાદ ચિન્ટુ પોતાની જીંદગી નવેસરથી ચાલુ કરવા માટે તે અહીં આવ્યો હોય છે. તેને આશા હોય છે કે આ તેનું ભવિષ્ય બનાવશે.

વીકી આમતો બધી જ રીતે ભણવામાં હોશિયાર પણ તે વાઈની સમસ્યા હોવાથી તે વાઈના હુમલામાં બેહોશ થઇ જતો. તેને ભણાવવું મુશ્કેલી ભર્યું હતું. તે બધું ભૂલી જતો જે તેને ભણવામાં આવતું. પણ પ્રથમ દિવસની મુલાકાતથી એવી દોસ્તી બંધાઈ કે તેમને ક્યારેય આ સમસ્યા ન નડી. તેઓ રોજ રાતના સાથે અભ્યાસ કરી મૂંઝવણ સુલઝાવી દેતાં.

વર્ષ તો એમ જ વીતવા લાગ્યા. જ્યારે છેલ્લો દિવસ આવ્યો અને એસાઈમેન્ટ આપવાનો સમય આવ્યો બંને એ ખુબજ સરસ બનાવી અને નોંધાવ્યા. પરંતુ પછી શરુ થઇ સાચી પરીક્ષા. તેમને નોકરી જોઈતી હતી. અને કોઈ પણ તેમને આપવા તૈયાર ન હતું. કારણ ખુબજ સાફ હતું. તેમને જે ભણવામાં આવ્યું છે. તે પૂરતું નથી. અને તેમના રાજ્યમાં કામ નથી. તે માટે મુંબઈ જવું પડે.

બંને તેની પર વિચારણા શરુ કરે છે. તે સાથે તેમના માં બાપ પણ વિચારણા શરુ કરે છે. અંતે નક્કી થાય છે કે આ સિવાય બીજું કોઈ કામ કરવું. પણ બીજું શું કરવું? તે રહસ્ય હોય છે. તેમને કશું એવું નથી આવડતું હોતું કે કામ મળે.

તે સમયે કોઈ એડ વાંચી અને ચિન્ટુ વિકીને કહે છે. ચાલ આપણે ફિલ્મ ના ઓડીશનમાં જઈએ. ત્યાં કદાચ કામ મળી જાય. જોઈ તો જોઈએ? બંને તૈયાર થઇ જાય છે. ત્યાં જાય છે ત્યારે પેલો વ્યક્તિ સમજાવે છે કે તેઓ અભિનેતા બને કારણ કે એનિમેશનમાં કામ બહુ ઓછુ મળે છે. આવી રઝળપાટ કરતા અભિનેતા બનવું શું ખોટું?

બંને ઘરે આવી વિચારે છે. ચિન્ટુ તો અભિનેતા બનવા તૈયાર થઇ જાય છે. પણ વીકી તૈયાર નથી. તેને એકજ વસ્તુ લાગે છે. ફરીથી શીખવું જોઈએ. પેલા લોકોએ બરાબર ન હતું શીખવાડ્યું આથી જ કામ નથી મળતું. આ વાત પર બંને પર ઝગડો થાય છે. બંને અલગ થઈ જાય છે. વિકીને પોતાના બીજા દોસ્ત પર જેઓ સલાહ આપતા હતા તેની પર જ ભરોસો હતો.

ત્યાર બાદ વીકીના પિતાએ ફોન પર કહી દીધું કે તેને ફીટ આવી હોવાથી કોઈએ તેની જોડે સંબંધ રાખવો નહિ. તે પછી બંનેની દોસ્તી સમાપ્ત થઈ જાય છે. અને આ વાત ત્યાં જ પૂરી થઇ જાય છે. ચિન્ટુ પણ પોતાની જિંદગીમાં વ્યસ્ત થઇ જાય છે.

લગભગ દોઢ વર્ષ બાદ ચિન્ટુ શુટિંગમાં વ્યસ્ત હોય છે. ત્યારે તેને વિકીનો ફોન આવે છે. તે ગમેતેમ ચિન્ટુને મળવા માંગે છે. તેના ચોથા જ દિવસે ચિન્ટુ પાછો આવે છે. તે વિકીને મળે છે. વીકી તેને કહે છે કે તે પોતાનું ભવિષ્ય બનાવવામાં નાકામિયાબ ગયો. એટલું જ નહિ પણ તેણે ચાલુ કરેલ કપડાની દુકાન પણ નુક્ષાનમાં ગયી.

ચિન્ટુ તેને મદદ કરવા તૈયાર થાય છે. મદદ માટે તે પોતાના બીજા દોસ્ત જોડે પણ વાત કરે છે. તેના માટે કામ શોધવું મુશ્કેલ હતું. પણ ચિન્ટુ મહેનત કરી શોધી નાખે છે. તે વીકીને વાત જણાવે છે. તે ત્યાં પણ પોતાના મૂંજી સ્વભાવનો પરચો આપી કામ નથી કરતો.

ચિન્ટુ તેના આ સ્વભાવથી કંટાળી તેને છોડી દે છે. તે અલગ, અલગ, ત્રણ કંપનીમાં કામ અપાવવાની કોશિશ કરે છે. પણ કામ લેવામાં વિકીને કોઈ રસ જ નથી. તેને રાતોરાત કરોડપતિ બનવું છે. ચિન્ટુ તેની જોડે બિલકુલ બોલવા તૈયાર ના હતો. જ્યારે વીકી હજુ પણ એ વિચારતો હતો કે કઈ ફિલ્ડમાં ભવિષ્ય બનાવવું?

બંને વચ્ચે અબોલા થઇ ગયા. તે એકબીજા સાથે વાત કરવાનું બંધ કરી દીધું. વીકી ને નવા મળેલા દોસ્ત કોઈને કોઈ તરકીબ શિખવાડતા હતા જેની પર તેને વધારે ભરોસો હતો. તેથી તેને ચિન્ટુ ખોટો જ લાગતો હતો.

હવે ચિન્ટુ તેની પર ધ્યાન આપવાનું છોડી દીધું. તે પોતાનામાં વ્યસ્ત થઇ ગયો. તે પોતાના ભવિષ્ય પર ધ્યાન આપવા લાગ્યો. બીજી તરફ વીકી પોતાની જ દુનિયામાં જીવવા લાગ્યો.

તેના થોડા સમય બાદ ફરી વીકી ફોન કરવા લાગ્યો પણ ચિન્ટુ ફોન ઉપાડતો ન હતો. તેને વીકી પસંદ ના હતો. પણ આખરે એનો દોસ્ત છે. તે વધારે સમય તેનાથી ધ્યાન હટાવી ના શક્યો. તેને ફોન ઉઠાવ્યો. સામે વીકીએ જે વાત કરી તેના હોશ ઉડી ગયા.

આયુર્વેદિકનો વ્યાપાર શરુ કરનાર વીકી જે કંપની સાથે કામ કરતો હતો તેની પર ફ્રોડ હોવાની શંકા હોવાથી પોલીસે તેને અંકમાં લીધેલો. તે પૂછતાછ કરી રહી હોય છે. ચિન્ટુ ત્યાં પહોંચી પોલીસ જોડે વાત કરે છે. બંને ઓળખતા નીકળે છે. મામલાની ગંભીરતાને જોતા તેઓ કંપનીની તપાસ શરુ કરે છે. લોકો પાસે પૈસા ઉઘરાવી અને ખોટી દવા વેચતા હતા. તે કોલેજ અને રખડતા છોકરાને પકડી તેને માલ વેચતા અને ત્યાર બાદ તેમને દુકાન ખોલવાની સલાહ આપતા. આથી પોતે ના ફસાઈ જાય.

તેની ખબર પડતા તે કંપની વાળાઓને પકડી લેવામાં આવ્યા. પોલીસે વિકીને કહ્યું. પપ્પા પાસે ઘણા પૈસા હોય અને તે રોકવાથી લાખો રૂપિયા મળે તે વાત ખોટી. તારે પોતાના મિત્રની સલાહ લેવીતી. આવો સરસ મિત્ર મળ્યો છે છતાં તને તેની પર ભરોસો નથી?

વિકીને પસ્તાવો થાય છે કે કાશ પોતાના આ મિત્ર પર ભરોસો કર્યો હોત. તો, આજે આ દિવસ ના આવતો. પોતે અંધ બની રાતોરાત કરોડપતિ બનવા અને દેખાડી દેવાના ચક્કરમાં અને નાસમજમાં પોતે ઘણી મોટી ભૂલ કરી. ફરી ક્યારેય પોતે પોતાના દોસ્ત પર શક નહિ કરે. બંને હારી દોસ્ત બની જાય છે. પાક્કા દોસ્ત.

***

4 - મેચ ફીક્ષિંગ

ઇન્ટર કોલેજીએટ ટુર્નામેન્ટ ની ફાઈનલ મેચની ફાઈનલ ઓવર ચાલી રહી હતી. આ મેચ જીતનાર કોલેજ અને ખેલાડીઓને ઘણા મોટા ઇનામો અપાવાના હતા, તે ઉપરાંત શ્રેષ્ઠ ખેલાડીને ઘણો મોટો પુરસ્કાર મળવાનો હતો અને રાષ્ટ્રીય કક્ષાએ ઝળક્વાની તક હતી.

સતીશ બોલર હતો તો સામે છેડે એનો પરમ મિત્ર સુરેશ બેટિંગ માં હતો. છેલ્લી ઓવર નો છેલ્લો બોલ બાકી હતો અને સામેની ટીમને જીતવા માટે ત્રણ રન ની જરૂર હતી. સતીશે ઇશારત કરીને સુરેશ ને મળવા બોલાવ્યો. બન્ને પીચની અધવચ્ચે મળ્યા. લોકો જોઈ રહ્યા હતા. આવું તો કોઈએ જોયું નહોતું.

આ લોકો મેચ ફિક્ષિન્ગ્ કરતા હતા ? ત્રણ રન થશે કે કેમ તે અંગે જબરી ઉત્તેજના વ્યાપી ગઈ હતી. ઘણી મેચમાં છેલ્લા બોલમાં વિનિંગ સ્ટ્રોક ઘણાએ માર્યા હતા.

સુરેશ પણ આશ્ચર્ય સાથે આવી રહ્યો હતો. સતીશે કહ્યું, “ હું લુઝ બોલ નાખીશ, તુ બાઉન્ડ્રી મારજે, હીના મેચ જોવા આવી છે.” અને સુરેશ કઈ જવાબ આપે તે પહેલા તે બોલીંગ કરવા માટે સ્ટાર્ટ લેવા જતો રહ્યો. આશ્ચર્યમાં ગરકાવ થયેલો સુરેશ વિચાર કરતો કરતો પોતાની ક્રીઝ ઉપર પરત ફર્યો.

સતીશ અને સુરેશ નાનપણ થી જ સાથે રમતા. આહવાના ના ગામડામાં બન્ને ધુળીયા રસ્તા ઉપર લખોટી, ગીલ્લી દંડા વી રમતા રમતા મોટા થઇ રહ્યા હતા. શિયાળાની સવારમાં બન્ને કોઈ ખેતર મા વરીઆળી ખાતા હોય કે ખેતરમાંથી ગાજર કે મુળા ખાતા હોય.

ચોમાસામાં તળાવમાં ભૂસકા મારતા મારતા સુંદર લાલ કમળ તોડી લેતા તો સફેદ પોયણા ને પણ લઇ આવતા. તો વળી કાચા શિંગોડા તોડી એને બાફી ને ખાતા. હીના પણ ત્યારે સાથે જ હોય, અને ત્રણે જણ ભેગા મળીને આનંદથી આરોગતા. પછી તો બન્ને સાથે ક્રીકેટ પણ રમતા થયા સત્યા સુર્યા- ની જોડી ગામ માં પ્રખ્યાત હતી. જમવાનો વખત હોય ત્યારે જે ઘેર એ બન્ને હોય ત્યા જ જમી લેતા.

ગામમાં કોઈ એમને ચંગુ મંગુ ની જોડી કહેતા તો કોઈ ખાપરા કોડીયાની જોડી કહેતા. પણ મોટે ભાગે બધાનો એક મત હતો કે અત્યારે તો તેઓ નાના છે પણ મોટા થશે અને સ્વાર્થ નો ટકરાવ થશે ત્યારે જોડી તૂટી જતા વાર નહી લાગે. અને એના સમર્થન માં ઘણા દાખલા પણ આપતા હતા. પણ સુરેશ અને સતીશ તો મક્કમ હતા કોઈ અમારી જોડી તોડી શકશે નહી.

ગજરાબા- સુરેશના દાદી નિવૃત્ત પ્રાથમિક શિક્ષિકા હતા. ગોરો પ્રભાવશાળી દેહ. ગોળ મોઢું અને મોટો લાલ ચાંદલો. તેમણે શિસ્ત અને સંયમ ના પાઠ જીવનમાં ઉતાર્યા હતા. એમનો અનુભવ હતો કે નાનપણના કુમળા મગજ માં જો સંસ્કારના બીજ રોપાય તો તે બાળક મોટું થતા સારો માણસ બને છે..

તેથી તે આ બન્ને બાળકોમાં પણ સારા સંસ્કાર ના બીજ રોપાય તે માટે જાગૃત અને પ્રયત્નશીલ રહેતા. અને તે માટે જુદી જુદી, પંચતંત્રની નીતિ કથાઓ, ચાણક્ય ની વાર્તાઓ એમને કહેતા. એક વાર એમણે બે મિત્રો અને રીંછ ની વાત કહી. જેમાં બન્ને મિત્રો જંગલમાં ફરવા ગયા હતા અને અચાનક રીંછ આવી જતા એક મિત્ર ઝાડ ઉપર ચઢી ગયો, બીજો મિત્ર ચઢી શક્યો નહી એટલે મરવાનો ડોળ કરીને પડી રહ્યો. રીંછ એને સુંઘીને જતું રહ્યું. પછી ઝાડ પર ચઢેલા મિત્રએ પેલાને પૂછ્યું,

“રીંછે તને શુ કહ્યું ?” બીજાએ જવાબ આપ્યો, “ એણે કહ્યું કે તારી મુશ્કેલી વખતે જે મિત્ર મો ફેરવી લે તે મિત્ર નો ભરોસો કરીશ નહી.” આ વાર્તા ની બંનેના મન પર ઘેરી અસર પડી અને બન્નેએ નક્કી કર્યું, ગમે તે થઇ જાય આપણી મિત્રતાની વચ્ચે કશું પણ આવવું જોઈએ નહી. કાળક્રમે દાદી બીમાર પડ્યા અને એમણે દેહત્યાગ કર્યો, ત્યારે સુરેશ ઘણું રડ્યો અને સતીશ પણ એટલું જ રડ્યો.

દાદીને ખોવાનું દુઃખ બન્ને માટે અસહ્ય હતું. અને સુરેશે મુંડન કરાવ્યું ત્યારે સતીશે પણ કરાવ્યું.

એક વાર ચોમાસા ના દિવસો હતા. ઉપરવાસના ભારે વરસાદને પરિણામે પાસેની ગીરા નદી ગાંડી તૂર થઇ હતી. સામાન્ય દિવસોમાં નમણી, લજામણી નારી જેવી શાંત નદી ચોમાસામાં અલ્લડ, કુદતી, ઉછળતી તોફાની યુવતી જેવી થઇ જતી. અને ચોમાસા શીવાય જ્યા ચાલીને સામે પાર જઇ શકાતું ત્યા ભલભલા તરવૈયાઓને પણ ગભરામણ થાય તેમ વહેતી.

કોઈ કારણ વશ સતીશ સામે પાર ગયો હતો. ગયો ત્યારે નદી માં એટલું પાણી નહોતું. પણ અચાનક ઘોડાપુર આવ્યા અને ત્યારે સતીશ નદીની અધવચ્ચે હતો. લોકોમાં બુમાબુમ થઇ ગઈ. કોઈને સમજ નહોતી પડતી એને કેવી રીતે બચાવવો. અને સુરેશની નજર સામે ગજરાબાનું મુખારવિંદ ચમકી રહ્યું. એણે મનોમન કહ્યું, “ યમ રાજ, અમારી મિત્રતાની વચ્ચે તને પણ નહી આવવા દઉં”. અને પળવાર નો વિચાર કર્યા વગર સુરેશ ટ્રેક્ટર ના ટાયર ની હવાભરેલી ટ્યુબ લઈને કુદી પડ્યો. લોકોએ એને વારવાનો પ્રયત્ન કર્યો.

ઘણાએ કહ્યું એ તો જશે પણ તુ પણ જશે. પણ કોઈની પરવા કર્યા વગર એણે ઝંપલાવી દીધું, અને થાકેલા સતીશ પાસે જઇ પહોંચ્યો. એના હાથમાં ટ્યુબ ભેરવી ધીરે ધીરે એને કીનારા તરફ સહીસલામત લઇ આવ્યો. લોકોએ એમને હાર તોરા કર્યા અને સુરેશનું સન્માન કર્યું. સતીશ ઘણો લાગણીવશ થઇ ગયો એણે કહ્યું, “ સુરેશ તુ ના હોત તો હું જીવતો ના રહ્યો હોત”. આંખમાં આંખ પરોવી સુરેશે વિનાવિલંબે જવાબ આપ્યો, “ તુ જીવતો ના હોય તો હું પણ કેમ કરીને જીવવાનો ? “

શાળાનુ શિક્ષણ પૂરું થયું અને આગળ ભણવા માટે બન્ને ને નજીકના શહેરમાં જવાનું થયું. સુરેશ વિજ્ઞાન કોલેજ મા ગયો તો સતીશે કોમર્સ લીધું. હીનાને પણ કોલેજ મા આવવું પડ્યું અને તે મહિલા કોલેજમાં દાખલ થઇ.

ત્રણે જુદી જુદી હોસ્ટેલમાં રહેતા હતા. પણ રવિવારે અચૂક મળતા. સુરેશ અને સતીશ તો ક્રીકેટ માટે લગભગ રોજ સાંજે મળતા.

મોટા થયા એટલે બન્ને ને હીના માટે આકર્ષણ થયું તેમ હીના ને પણ બન્ને ગમવા લાગ્યા પરંતુ આ સંબધ હજુ મિત્રતાનો સંબંધ હતો.

અનંગ ક્યારે એના બાણ છોડે છે તે કોઈને ખબર પડતી નથી અને આ ત્રણે ની બાબતમાં પણ એવું જ થયું.

એક વાર સુરેશ સાંજે પોતાના ક્રીકેટ ગ્રાઉન્ડ ઉપર જઇ રહ્યો હતો અને એણે હીના અને સતીશને પાણી પૂરી ની લારી પર પાણી પૂરી ખાતા જોયા, થોડોક ખટકો લાગ્યો પણ એણે પોતાની જાતને સંભાળી લીધી.

થોડા વખત પછી હીના એ એની કોલેજ ના ગેધરીંગ માં આવવા માટે આમંત્રણ આપ્યું. અને ત્યારે સતીશ ગામ ગયો હોવાથી હીના એને આમત્રણ આપી શકી નહી. પરંતુ સતીશ એ ફંક્શન જોવા માટે ગામ થી આવી ગયો. હીનાનો એમાં એક ડાન્સ હતો અને અતિસુંદર ડાન્સ પછી સુરેશ એને અભિનંદન આપી રહ્યો હતો અને બન્ને જણ બહુ આનંદથી વાતો કરતા હતા એટલે સતીશે પોતાની હાજરીની જાણ થવા દીધા વગર ત્યાંથી ચાલતી પકડી.

બન્ને ને ખ્યાલ આવી ગયો હતો કે એ બન્ને હીનાને પ્રેમ કરી રહ્યા હતા. પરંતુ હીના ના મનમાં શુ છે તે બન્ને માંથી કોઈ જાણતું નહોતું.

હીના બન્ને જોડે પહેલા જેવોજ મીત્રતાનો સંબંધ રાખી રહી હતી.

એક વાર હીના હાથ ઉપર મેંદી મુકાવીને આવી તેમાં અંગ્રેજી “એસ” અક્ષર આગળ પડતો હતો. સુરેશે પૂછ્યું આ “એસ” કોના નામનો છે ? હીના એ ખડખડાટ હસતા હસતા કહ્યું, “બહુ ખાંડ ના ખાતા, “એસ” થી ફક્ત તમારા જ નામ શરુ નથી થતા.” પણ બન્ને એ આગ્રહ જારી રાખ્યો ત્યારે એણે કહ્યું એ તો મારી બેનપણી સ્મિતા નો છે. આ મેંદી તેણે જ મૂકી છે. અને હસતા હસતા ચાલી ગઈ અને બન્ને મોઢું વકાસીને જોઈ રહ્યા.

હીના નક્કી નહોતી કરી શકતી કે એને કોણ વધારે ગમે છે. પણ એને ખબર હતી કે જે દિવસે એ કોઈ પણ એક ને પસંદ કરશે ત્યારે બંનેની મૈત્રી તૂટી જશે. અને તેથી એમની મૈત્રી ના તૂટે તે માટે એ પ્રયત્નપુર્વક બન્ને જોડે સમાન અંતર જાળવતી અને કોઈ પણ એક જોડે એ વધારે પડતો સમય ગાળતી નહી. બને ત્યા સુધી બન્ને સાથે હોય ત્યારે જ તે મળતી.

બન્ને પોત પોતાની કોલેજમાં ક્રીકેટ માં સારું નામ કમાઇ ચુક્યા હતા. અને કોચિંગ કેમ્પમાં પણ બન્ને સાથે પ્રેક્ટીસ કરતા. કોઈ કોઈ વાર હીના ની હાજરી ત્યા પણ રહેતી. હવે બન્ને પરિપક્વ યુવાન થઇ રહ્યા હતા. અને નવરા પડે એટલે એમને વિચાર આવતો હીના અને મિત્રની વચ્ચે કોની પસંદગી કરવી ?

સતીશને આ વિચાર આવતો ત્યારે એ વિચારતો કે સુરેશે એની જીંદગી બચાવી હતી એટલે એણે મિત્ર માટે પોતાના પ્રેમનું બલિદાન આપવું જોઈએ, અને તેથી જ એણે સુરેશને કહ્યું કે પોતે એવો બોલ ફેંકશે જેથી સુરેશ નામ અને દામ બન્ને કમાઈ શકે. મિત્રતા જાળવવા માટે બન્ને પોતાના પ્રેમ નું બલિદાન આપવા પણ તૈયાર હતા, પણ આ અતિ નાજુક મુદ્દે બન્ને કોઈ વાત કરતા નહી.

અને આજે ઇન્ટર કોલેજીયેટ ટુર્નામેન્ટમાં સામ સામે આવી ગયા હતા.

સતીશ જયારે બોલિંગ કરવા જઇ રહ્યો હતો ત્યારે સુરેશ પણ ધીરે ધીરે પોતાની બેટિંગ કરવા માટે સજ્જ થઇ રહ્યો હતો. એક ક્ષણમાં એને ભૂતકાળના ત્રણેની મિત્રતા ના પ્રસંગો યાદ આવી ગયા. સતીશ એને એક તક આપવા માંગતો હતો કે પોતે હીનાની નજરમાં ઊંચું સ્થાન મેળવી શકે. મિત્રતા જાળવવા માટે તે કારકિર્દીને ભોગે પણ, અભૂતપૂર્વ અને એની સમગ્ર જિંદગીને મોટો વળાંક આપી શકે એવું બલિદાન આપવા જઇ રહ્યો હતો. અને, એની નજર સામે ગજરા બાનું હસતું મોઢું ચમકી રહ્યું હતું.

સતીશે ધીરે ધીરે ગતિ મેળવી અને એની લેગ સાઇડ ઉપર બોલ ફેંક્યો. લેગ સાઇડ સુરેશની બહુ મજબુત સાઇડ હતી અને તે આસાની થી છક્કો મારી શકે એમ હતો. લોકો પણ વિચાર કરતા થઇ ગયા. નક્કી સુરેશ ચોગ્ગો મારશે. એ થોડો પાછો હટ્યો અને ફટકો મારવા માટે એનું બેટ પાછળ ગયું અને એની સ્ટમ્પસ પડી ગઈ. એ હીટ વિકેટ આઉટ થઇ ગયો હતો. મેદાન ઉપર જબરી ઉત્તેજના હતી. કોઈ સમજી ના શક્યું કે આવી સુંદર તક સુરેશ ને મળી તે છંતા તે ફટકો મારી ના શક્યો. આ કઈ જાતનું મેચ ફીક્ષિંગ હતું ?

અને બધા ગ્રાઉન્ડ ઉપર દોડી રહ્યા હતા. સતીશ અને સુરેશ સાથે સાથે પરત ફરી રહ્યા હતા. સતીશે કહ્યું. “ તેં બાઉન્ડ્રી કેમ ના મારી ?” સુરેશ એની સામે જોઈ રહ્યો અને ધીરેથી કહ્યું, “ હીના મેચ જોવા આવી છે” અને બન્ને એક બીજાની સામે જોઈ રહ્યા. અને એકદમ ભેટી પડ્યા. બન્ને મનમાં વિચારી રહ્યા હતા, “ આપણે નક્કી કર્યું હતું, આપણી મિત્રતાની વચ્ચે કઈ પણ આવું જોઈએ નહી.”

***

5 - “MADE FOR EACH OTHER”

આજે સૌમ્યા અને શ્રીકાંતની 15મી મેરેજ એનીવર્સરી હતી. એક કોફીબારમાં બેસીને બંને એમની ફેવરીટ કોલ્ડ કોફીની ચૂસકી ભરી રહ્યા હતાં, ખુશ અને મૌન...

થોડી ક્ષણો ના મૂક સંવાદ પછી સૌમ્યાએ આનંદિત અવાજે પૂછ્યું, "શ્રી, તને યાદ છે? જયારે આપણે ઘેર આપણી વાત કરી 'તી, એ દિવસે પણ કોફી પીવા ગયા 'તાં?" શ્રી: "હં.." સૌમ્યા:"તું બોરિંગ જ રહીશ" પછી ટેબલની આગળ આવી, અદબ વળી, આંખમાં ચમક સાથે બોલી, "યાદ છે, એ રેસ્ટોરામાં એવો નિયમ હતો કે કોઈ 15 મીનીટસ થી વધુ ત્યાં બેસે તો 25 રૂ એક્સ્ટ્રા થતા અને..." શ્રીકાંતે એને અટકાવી..."હા, સોમુ, ખર્ચો થયો 'તો." સૌમ્યા એ એને હળવી ટપલી મારી- "નાલાયક"

કોફી પીવાતી ગઈ ને 'સોમુ-શ્રી' ની વાતો થતી ગઈ. બંને ખુશ હતા આજની ચતુરાઈ પર... ઘેરથી તો બંને મમ્મી-પપ્પાને પગે લાગીને ગંભીર મોઢે "ઓફીસ" જવા નીકળ્યાં હતાં, પોતપોતાના સમયે, અને પહોચ્યાં અહી. એ જગ્યાએ જે તેમની મિત્રતાની કૈંક અંશે સાક્ષી હતી. જી હા, "મિત્રતા".

એ લોકો 15 વર્ષથી પરિણીત દંપતી છે, તેમના અરસ-પરસના સંબંધમાં પ્રેમ કરતા પણ વધુ પ્રબળ લાગણી છે, દોસ્તીની. એક-બીજાને તું કહેતાં, મોકળાશ આપતાં કે ખુલ્લા મને વાતચીત કરનારા તો ઘણાય યુગલો હશે પણ આ બંનેની તો વાત જ નિરાળી છે... એક-બીજાની રગ-રગથી વાકેફ, મનના વિચારો વાંચી લેનારા, કુતરાઓની જેમ ઝગડતા, એકબીજાના જોક્સ પર અટ્ટહાસ્ય કરતા આ બંને "લંગોટિયા યાર" છે.

બંને આજે નક્કી કર્યા મુજબ નીકળી પડ્યા છે, એવી બધી જ શક્ય જગ્યાઓએ જવા જે એલોકો માટે યાદગાર છે. શરૂઆત કરી એ કોલોનીના ગેટથી જ્યાં બંને એ જીવનની શરૂઆતના 10-15 વર્ષો વિતાવ્યા હતાં.. સૌમ્યાએ "સેલ્ફી" ખેંચ્યો... શ્રીકાંતને આવી રીતે ફોટો ખેંચાવીને એ પળ સાચવી રાખવાને બદલે ચૂપચાપ જીવી લેવી ગમે પણ સૌમ્યા જેનું નામ...

બંને યાદ કરવા લાગ્યા - આ એજ જગ્યા છે જ્યાં આપણા પેરેન્ટ્સ આપણા જન્મથી પણ પહેલાંથી રહેતાં. જ્યાં એકબીજાની મમ્મીઓ એ બનાવેલી રસોઈ, સાથે ખરીદેલા રમકડા, બુક્સ, ચોકલેટ્સ, બલૂન્સ શેર કર્યા હતા, એક સાથે સ્કૂલ ગયા હતા, ફોટો પડાવતા,... નાનપણ ની મીઠી યાદો, થોડી સાંભળેલી, થોડી યાદ આવેલી...

બંને ખૂબ ફર્યા. સ્કૂલ, હોટેલ્સ, ગાર્ડન્સ, થીયેટર, બસ સ્ટેન્ડ, ચાની ટપરી, ટ્યુશન કલાસીસ... જુનો ફંડા હતો, જયારે કોઈ બબાલ થાય અને ઝગડો પ્લાન કરવો હોય ત્યારે ટપરી અને જયારે કંઈ મૂંઝવણ હોય ત્યારે કોફી બાર.

બપોર થવા આવી હતી, શ્રીકાંતે બાઈક રોક્યું, સૌમ્યા ધીમા અવાજ અને થોડી ભીની આંખ સાથે બોલી, "યાર... અહી કેમ લાવ્યો?" શ્રીકાંતે એને કહ્યું, "ચલ, ડ્રામા નહિ કર" અને પાછળથી એના ખભા પકડીને એને આગળ થોડી દોડાવી. એક સુંદર, એકાંત તળાવની પાળ... બંને જણ પગથીયે બેસી ગયાં. આખા દિવસમાં સૌમ્યા ફક્ત અત્યારે ચૂપ હતી અને બહુ ઓછી વાર બને એમ નજર ઢાળીને બસ બેસી જ રહી. શ્રીકાંતે એને હળવો ધક્કો માર્યો - "ઓય, શું થયું?" અને પછી સૌમ્યાનો હાથ પોતાના હાથમાં લઈને બોલ્યો, "જો સોમુ, આપણે નક્કી કર્યું હતું કે આપણે દરેક યાદગાર જગ્યાએ જશું. અહી હું તને અંકિતને મળવા લઇ આવતો, પહેલા બહાર બેઠો-બેઠો બોર થતો અને પછી તમારી વાતો સાંભળીને... અહી જ તમે બ્રેક-અપ કર્યું 'તું, યાદ છે?" સૌમ્યા કંઈ જ બોલી ન શકી, ફક્ત એના હોઠ ફફડ્યા, શ્રીકાંતે એની આંખમાં જોયું, અને બોલ્યો, "બસ... એ દિવસથી મારી વાટ લાગી ગઈ..." સૌમ્યાએ એને મારવા લીધો - "નાલાયક, દુઃખી છે તું મારી સાથે??" શ્રીકાંતે એના હાથ પકડી લીધા અને કહ્યું, "સાચું કહું, સોમુ, તું યાર વાઈફ કરતા ફ્રેન્ડ વધુ સારી છો, અને સારું છે કે તું વાઈફ બનવાની કોશિશ j નથી કરતી. કોઈ દિવસ હું ઘેર આવું અને તું મને સ્વાદિષ્ટ રોમેન્ટિક ડીનર ખવડાવે એવું બન્યું જ નથી." સૌમ્યા બનાવટી ગુસ્સો કરતાં બોલી, " જા ને, સાલા ખોટાડા" પછી બોલી કે હા યાર, તું પણ દોસ્ત જ વધુ સારો છે, આઈ સ્ટીલ લવ ધેટ ફેક્ટ કે આપણા હોસ્ટેલિયા દિવસોમાં મારા ખૂટતા પોકેટ મની માટે તે પાર્ટ ટાઇમ જોબ કરેલી... શ્રીકાંતે તોફાની સ્મિત સાથે કહ્યું, "ઊહું, તારા પોકેટ મની માટે નહિ, અંજલિની મસ્ત કંપની માટે..." અને બંને ખડખડાટ હસી પડ્યાં.

ફરી ઉપડ્યા બંને અને બાઈક સીધું જઈને ઈશાનના ઘેર... ઇશાન અને ઇશાની- ટ્વીન્સ અને શ્રીકાંત-સૌમ્યાની ગેન્ગના મેમ્બર્સ. અંદર પ્રવેશતા જ બધા મિત્રોએ રીતસર ગોકીરો મચાવી દીધો... હો-હા, ભેટા-ભેટી... બધાને જોઇને કોઈ કહે નહિ કે આ બધા મિડલ-એઈજ, સેટલ, પ્રોફેશનલ લોકો હશે. ઇશાન, એની પત્ની પ્રિયા, ઇશાની, એનો પતિ અંશુમાન, રવિ, વિરાટ, યેશા, ગુલશન, કોમલ બધા જ આજે અહી એકઠા થયા હતા.

ચા પીવાતી ગઈ, પકોડા ખવાતા ગયા અને જૂની વાતો યાદ થતી ગઈ. ઈશાનીએ યાદ કરાવ્યું, "યાદ છે, આપની સ્કૂલમાં છોકરીઓના પીટી ગ્રાઉન્ડની પાછળ બદામનું ઝાડ હતું. અને એ બદામ શ્રીકાંતને બહુ ભાવતી અને દોઢ ડાહી સોમી એ તોડવા જતી. પથ્થરથી ન તૂટે તો સૌમ્યા ઝાડ પર ચડી જતી... બોલો... પછી છોલાતી ને રડતી એ અલગ." બધાં હસ્યાં... ઈશાને આગળ ચલાવ્યું..."બિચારી ના સમજજો આને... જયારે જયારે છોલાતી, બરાબરનો બદલો લેતી... ઘેર અંકલને કે'તી - શ્રીકાંતે ધક્કો માર્યો એટલે પડી ગઈ... અને પછી શ્રીકાંતનું ઘણું બધું છોલાતું." બધાં ખૂબ હસ્યાં…

ગુલશનને યાદ આવ્યું કે એકવાર બધા થીયેટરમાં એક મૂવી જોવા ગયાં 'તાં. મૂવી શ્રીકાંતને બહુ ગમ્યું 'તું અને સૌમ્યાને જરા પણ નહિ... ઈન્ટરવલ માં વાત થઇ, અને માય ગૂડનેસ, જે ઝગડ્યા છે બંને... મારામારી થઇ ગઈ, છોડાવવા પડ્યા. સૌમ્યા મોઢું બગાડતી બોલી, કેટલું બકવાસ મૂવી હતું, ખબર છે? બેખુદી. પણ બસ, શ્રીને તો કાજોલ મળી એટલે બસ...."

ચાનો કપ નીચે મૂકતા રવિ બોલ્યો, "હું તો આ લોકોનો પાડોશી છું ને, હજી આવું ઝગડે છે આ બંને, છોકરાઓએ છોડાવવા પડે છે, બોલો..." રવિ શ્રીકાંત તરફ ફર્યો, "બોલ, હું ખોટું કહું છું?" શ્રીકાંતે નકારમાં માથું ધુણાવ્યું અને ફરી એક વાર હાસ્ય પડઘાયું.

વિરાટ બોલ્યો, "ઝગડે ભલે પણ એકબીજા માટે પણ કેટલું ઝગડ્યા છે આ બંને... એક તો મને હજી યાદ છે, સૌમ્યાની કબડ્ડી ટીમની કેપ્ટન. એલોકોનો કંઈ ઝગડો થયો એમાં તો ભાઈએ પેલી હિડીમ્બાને અડબોથ મારી દીધી! પેલી તો રડતી-રડતી ગઈ પ્રિન્સીપાલ પાસે અને આ સાહેબ બીજા દિવસે વિથ પેરેન્ટ્સ પ્રિન્સીપાલની કેબીનમાં. સજામાં મળેલું હોમવર્ક કરતા-કરતા આપના બધાનો દમ નીકળી ગયો 'તો, યાદ છે?”

અત્યાર સુધી ચૂપચાપ બેઠેલી યેશાએ કહ્યું, "ગાય્સ, હું તો ભોગ બની છું આ બંનેની લડાયક વૃત્તિની. પછી સૌમ્યા સામે જોઇને બોલી, સોમુ, યાદ છે, મારી કઝીન આવી હતી વેકેશનમાં? પ્રેરણા. હવે એને શ્રીકાંત ગમી ગયો, કંઈ ચીઠ્ઠી ઘસડી મારી, મને આપવાનું કહ્યું... સૌમ્યાને જેવી ખબર પડી કે મારી બેગમાં એના 'શ્રી' માટે લવ લેટર છે, એણે મને સાઈડમાં લઇ જઈને ધમકી આપી કે શ્રીકાંતને લાઈન મારવાની કોશિશ કરી તો જોઈ લેજે..." અને હસતા હસતા ઉમેર્યું, "ફ્રેન્ડશીપ નું તો નામ છે ખાલી, બાકી આટલી પઝેસીવ તો છોકરી એના લવર માટે જ હોય, કેમ?" અને બાજુમાં મુસ્કુરાઈ રહેલી સૌમ્યાને ખભાથી ધક્કો માર્યો.

શ્રીકાંત હસીને બોલ્યો, "એનું એવું હોઈ શકે, મારું નહિ. મને તો એ હંમેશા અમારા બધા બોય્સ જેવી જ લાગતી..." પછી સોફા પર પલાંઠી વાળીને બેસી ગયો અને આગળ ચલાવ્યું, "યાદ છે, આપને શિમલા ગયા 'તા, ટ્રેકિંગમાં... અને હું, સૌમ્યા અને ઇશાની છુટ્ટા પડી ગયાં 'તાં. અડધી રાતે બધા માંડ મળ્યા. પછી ટેન્ટમાં બધા છોકરાઓ અમારા સાથે હોવાની વાત પર મજાકો કરતા હતા ત્યારે મને અહેસાસ થયો કે સૌમ્યા પણ છોકરી છે, એની સાથે હોઉં ત્યારે જવાબદારીથી વર્તવું પડશે." બધાએ સ્મિત કર્યું. શ્રી અને સૌમ્યાએ એક પળ એકબીજાની આંખોમાં જોઈ લીધું.

વાતો કરી બધાં થાક્યાં અને વિખેરાયાં... ઈશાનના ઘરમાં બસ એ બંને અને સૌમ્યા-શ્રીકાંત જ રહ્યાં. ચારેય જણ ચાના કપ વગેરે ઉપાડવા લાગ્યાં. નિરાંતે બેસીને પ્રિયાએ પૂછ્યું, "એકબીજાને આટલું બધું ઓળખવું અને મિત્રો હોવું, તમારા લગ્નજીવન પર અસર નથી કરતું?" સૌમ્યા બોલી, "કરે છે ને, સારી અસર કરે છે.... અમે ક્યારેય પતિ-પત્નીની જેમ નથી વિચારતા, યુ નો, એટલે અમને એકબીજા પાસે પતિને પત્ની પાસે હોય કે પત્નીને પતિ પાસે હોય એવી કોઈ અપેક્ષાઓ બહુ ઓછી થાય છે... મને એવી કોઈ અપેક્ષા નથી કે અમારી એનીવર્સરી પર શ્રી મને મોંઘી ગીફ્ટ અપાવે, ગ્રાન્ડ પાર્ટી થ્રો કરે કેવરસે દહાડે બહાર ફેરવવા લઇ જાય, એવી જ રીતે શ્રી અપેક્ષા નથી રાખતો કે હું એને કોઈ મેક્સિકન ડીશ બનાવીને ખવડાવું કે એના કલીગના ઘેર લગ્નમાં કાંજીવરમ સાડી પહેરીને ફરું..."

શ્રીકાંત વચ્ચે બોલ્યો."એમાં ને એમાં, મેક્સિકન તો છોડો, ગુજરાતી ડીશ પણ નથી બનાવતા શીખતી, જાડી..." સૌમ્યાએ હવામાં હાથ હલાવીને પ્રિયાને કહ્યું, "ઇગ્નોર કર એને." પછી આગળ બોલી..." યુ નો, પ્રિયા, એક બીજાના મિત્રો બનવાનો બીજો એક ફાયદો એ પણ છે કે "ઇન લોઝ- 'ઇન લોઝ' નથી લાગતાં. જો ને, શ્રીકાંતે મારા ભાઈને બીઝનેસ ક્રાઈસીસ વખતે મને કહ્યા વગર મદદ પહોચાડી દીધી "તી." શ્રીકાંત બોલ્યો: "ભાભી, હું મહાન નથી, મહાન તો આ સૌમ્યા છે. તમને ખબર છે, એની એક જ કીડની છે?" પ્રિયા બોલી ઉઠી, "વ્હોટ?" ઈશાને શાંતિથી કહ્યું, " હા ડિયર, સૌમ્યાએ મુકેશ અંકલ - શ્રીકાંતના પપ્પાને કીડની ડોનેટ કરી છે." પ્રિયાએ આદર અને આશ્ચર્યમિશ્રિત ભાવે સૌમ્યા સામે જોયું...

થોડી વાર આડી-અવળી વાતો કરીને બંને ત્યાંથી જવા નીકળ્યાં. રસ્તામાં પણ એ જ વાતો - કેવા બંને એકબીજાની મમ્મીઓના હાથની રસોઈ જ ખાતાં, એકબીજાના પપ્પાઓ પાસે જ સાઈકલ શીખતાં અને મેથ્સના પ્રોબ્લેમ્સ સોલ્વ કરાવતાં... બંનેની સગાઇ થઇ પછી સૌમ્યાની મમ્મી એને રસોઈ શીખવવા દબાણ કરતી અને છેલ્લે શ્રીકાંતની મમ્મીએ જ એને રસોઈ બનાવતાં શીખવ્યું 'તું. સૌમ્યાએ કહ્યું, "કેટલી ફિલ્મી સિચ્યુએશન કે'વાય નહિ? કે ભાવિ સાસુમા જ વહુને રસોઈ બનાવતા શીખવે.." શ્રીકાંતે કહ્યું, "તોય આવડી તો નહિ..." સૌમ્યાએ શ્રીકાંતને ચીમટો ભરી લીધો. શ્રીકાંતે સિસકારો બોલાવ્યો- "જાડી!" સૌમ્યા બોલી ઉઠી: "હશે, નકામા... પણ મારા કારણે તો કંઈ ચાર્મ હતો, બાકી કેટલા બોરિંગ હતા આપના મેરેજ..."

ઘર આવી ગયું હતું. બંને બાઈક પરથી ઉતર્યાં. ઘેર કોઈ નહોતું, બંને દીકરાઓ દર વરસની જેમ એમના ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં ગયા હતા અને મમ્મી-પપ્પા એમના સીનીયર સીટીઝન કલબના ફ્રેન્ડસની સાથે પિક્ચર જોવા. લેચ ખોલી અંદર આવતા શ્રીકાંતે કહ્યું, "સોમી, કંઈ ખાવાની ઈચ્છા નથી." સૌમ્યા બોલી, "હા શ્રી, વાતોથી જ પેટ ભરાઈ ગયું..." શ્રીકાંતે એના ખભા ફરતે હાથ વીંટાળી કહ્યું: " બહુ ચાંપલી ના થા, જાડી, પ્રિયાના હાથના પકોડા કેટલા ખાધા એ મેં જોયું... ચલ એક કામ કર, કોફી બનાવ."

થોડી વારમાં સૌમ્યા બે કોફી મગ હાથમાં લઈને બહાર આવી. બંને સોફા પર બેસીને કોફી સીપ કરવા લાગ્યાં. સૌમ્યા બોલી, "હા... તો ક્યાં હતા આપણે?... હં... આપણા બોરિંગ મેરેજ..." પછી શ્રીકાંત સામે ફરીને પલાંઠી વાળીને બેસી ગઈ. કહેવા લાગી, "મેં આંટીને, ઉપ્સ... સોરી, મમ્મીને. કહ્યું હતું કે તમે લોકો કંઈક વિરોધ તો કરો... હું કેટલી ડોમિનેટિંગ છું, ઝગડાળુ છું, મને રસોઈ બનાવતા પણ નથી આવડતું, આવી વહુ લવાય? અને એ મને જોઈ જ રહ્યાં... મેં કહ્યું, કોઈ તો ના પાડો, અમને લવ સ્ટોરી જેવું કંઈ લાગે... અને એ ચારેય ખડખડાટ હસી પડ્યાં 'તાં."

શ્રીકાંત બોલ્યો, "પણ તે કૈક નાટક કર્યાં 'તાં. બબ્બે વખત તો સગાઇ તોડી નાખી..." પછી કોફી મગ ટેબલ પર રાખતા બોલ્યો, "એક વખત તે કહ્યું કે તું મેરેજ મટીરીયલ નથી, આવી છોકરી સારી વાઈફ ન બની શકે, અને બીજી વાર તે કહ્યું 'તું કે તને એવું લાગે છે કે હું તને વફાદાર નહિ રહું."સૌમ્યા સ્વગત બોલતી હોય એમ બોલી ગઈ - "એમાં હું સાચી પડી, શ્રી."

એની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં.. શ્રીકાંત સોફા પરથી નીચે આવીને એના ઘુટણ પાસે આવીને બેસી ગયો. એની આંખો પણ ભીની હતી. એને મુશ્કેલીથી સૌમ્યા સામે જોયું અને નજર ઢાળી દીધી. નીચી નજરે જ બોલ્યો, "સોમુ, હું મારી જાતને જસ્ટીફાય નથી કરતો પણ... પણ... એ વખતે હું તને જ મીસ કરતો હતો અને એ મિસિંગ ની એકસ્ટ્રીમ ફીલીંગે જ મને લપસાવી દીધો. તું બંને દીકરાઓમાં બહુ બીઝી થઇ ગઈ 'તી. મને બહુ એકલું લાગતું. મને લાગવા માંડ્યું 'તું કે મારા અસ્તિત્વને જ તું ઇગ્નોર કરશ. હું ફેઈલ ગયો આપણા સંબંધને બદલવામાં, એની સાથે વિકસવામાં... એવી જ એક નબળી ક્ષણે વિભાને મળ્યો અને......" એનો અવાજ તરડાયો."હું ધિક્કારું છું, મારી જાતને, એ વાત માટે... હું સામનો ન કરી શકતો તારા ન પૂછાયેલા પ્રશ્નોનો... અને ભાગી જતો... કામના બહાને..." થોડું અટકીને બોલ્યો કે, કમનસીબ હતો હું, જે દીકરાઓનું બાળપણ માણવાને બદલે..."

એણે સૌમ્યા તરફ જોયું... એ એમ જ બેઠેલી હતી, શાંત અને સ્થિર. એ બોલી, "શ્રી, તું એને પહેલી વાર મળ્યોને એ દિવસથી મને ખબર હતી કે કંઈક ખોટું થાય છે, અને પહેલી વાર તું કંઈક છુપાવી રહ્યો છે." શ્રીકાંત દબાયેલા અવાજે બોલ્યો, "સૌમ્યા, તો પણ તે મને માફ કરી દીધો, ત્યાં જ તું પત્ની તરીકે દોસ્ત કરતાં ક્યાંય ઊંચી બની ગઈ..." સૌમ્યાએ નીચું જોઈ રહેલા શ્રીકાંતની હડપચી પકડી એનો ચહેરો ઊંચો કરતાં બોલી, "ના શ્રી, એક પત્ની તરીકે તો મેં તને હજુયે માફ નથી કર્યો. હું તારી દોસ્ત છું એટલે જ મને ખબર છે કે.... મારો વાંદરો ગુલાટી ખાતાં નહિ ભૂલે..." અને એ હસી પડી. શ્રીકાંત નીચું જોઈ ગયો. સૌમ્યાના પગ પર પડેલું આંસુ શ્રીકાંતે ઝડપભેર લૂછી નાખ્યું. અડધી સેકન્ડમાં સૌમ્યા ખોંખારો ખાતાં બોલી, "ચલ, બોર નહિ કર, ટીવી ચાલુ કર."

શ્રીકાંત રીમોટ લઈને સૌમ્યાની બાજુમાં બેઠો. સેટ મેક્સ પર "કુછ કુછ હોતા હૈ" નો કોલેજ વાળો સીન આવતો હતો. અર્ચના પૂરણસિંઘે પૂછ્યું હતું- "પ્યાર ક્યા હૈ?" શાહરૂખે ડાયલોગ માર્યો, "પ્યાર દોસ્તી હૈ..." બંને જણે સાથે ડચકારો બોલાવ્યો, "કચ" અને બંને હસ્યાં અને સાથે બોલી ઉઠ્યાં, " દોસ્તી પ્યાર હૈ!"

***

6 - “અનોખી મૈત્રી”

““હેય, નાના, હાઉ આર યુ?”” ઉત્સાહથી ભરપુર હિતેષે પોતાની આગવી સ્ટાઇલમાં નાના ને ત્યાં પહોચી એમના દરરોજના માળા ફેરવવાના ક્રમમાં બ્રેક માર્યો.

““હેલ્લો માય બોય હાઉ આર યુ? આઈ વોઝ વેઈટીંગ ફોર યુ સીન્સ મોર્નિંગ. હાઉ વોઝ યોર જર્ની?”” હિતેષ ના નાના એટલે કે દિનમણીરાય માત્ર માળા ફેરવતા હતા બાકી એમના મન માંતો આજે M. SC. M. SC ફાઈનલ ની પરીક્ષા આપીને અમદાવાદથી ભુજ પહોચેલા પોતાના યુવાન મિત્ર અને સંબંધ નું નામ આપીએ તો દોહિત્ર ને મળવાની તાલાવેલીજ હતી.

“આઈ એમ પરફેક્ટલી ફાઈન. જર્ની વોઝ એઝ યુઝુઅલ, યુ નેવર આસ્ક મી રીગારડીંગ માય પેપર્સ, ધીસ ઇઝ નોટ ફેઈર.” એમ કહી એ નાનાને ગળે વળગ્યો.

“અરે બેટા, આઈ નો યુ ફ્રોમ યોર ચાઈલ્ડહૂડ, યુ મસ્ટ હેવ વર્કડ હાર્ડ, સો વાય ટુ આસ્ક અબાઉટ પેપર્સ નાવ?” ચશ્માં ઉતારીને કોઈને ખ્યાલ ના આવે એમ આંખનો ખૂણો દિનમણીરાયે લૂછ્યો. એમની આ હરકત એમના પરિવારજનો માંથી કોઈને સમજમાં નાઆવતી. નાની-નાની ખુશીના સમાચારમાં એમની આંખો ભીંજાય, ખુબ સારા સમાચાર માં ક્યારેક એ ધ્રુસકે ધ્રુસકે રડી ને ઈશ્વરનો આભાર માને. અને જયારે કુટુંબ પર આપત્તિ આવે ત્યારે તેમનુ આજ નાજુક મન પહાડ જેવું અડગ બની જાય અને કુટુંબના મોભીને છાજે એવા નિર્ણયો લઈને ઉગારે. એમનું સૌથી પ્રિય અને સદાય હોઠ પર રહેતું ક્વોટ એટલે “ઈશ્વર ઈચ્છા બલિયસી”

એવુજ બન્યું હતું આ દિવસથી બરાબર ૫. ૫ વર્ષ પહેલા જયારે ૧૨ સાયન્સમાં ભણતા ખુબ તેજસ્વી હિતેષના મમ્મીને ત્રીજા સ્ટેજનું કેન્સર નિદાન થયું. આખા ફેમિલી પર જાણેકે વજ્રાઘાત થયો. કોઈ માની ના શક્યુંકે ભગવાનમાં અખંડ શ્રધ્ધા ધરાવતા વ્યક્તિ નેજ ભગવાન આવડી જલ્દી એમની પાસે બોલાવવા તૈયાર થયો છે. આ સમાચાર મળતા દિનમણીરાયે જરાયે વિચલિત થયા વિના પોતાના પુત્રો સાથે મસલત કરીને પોતાની પુત્રીનો મુંબઈની સારામાં સારી હોસ્પિટલમાં ઈલાજ કરાવ્યો. પણ હિતેષની પરિક્ષાના ૨૦ દિવસ પહેલા જ એ સમાચાર આવ્યા જેનો અંદેશો કુટુંબીજનો ને વહેલો આવી ગયો હતો. આખરે ભગવાન જીત્યો. ૧૭ વર્ષના યુવાનને માં વિનાનો કર્યો.

જયારે વ્યક્તિ ગુમાવ્યાનું દુઃખ આખું કુટુંબ વ્યક્ત કરતુ હતું ત્યારે દિનમણીરાય અડધો દિવસ મૌન રહ્યા અને કુટુંબ સામે એકપણ આંસુ સાર્યા વિના હિતેષને પાસે બોલાવ્યો. બસ આ ક્ષણ હતી જયારે ૧૭ વર્ષ ના હિતેષ અને તેના ૬૨ વર્ષના નાનાની અનોખી મિત્રતા ચાલુ થઇ, જે સમયાંતરે ગાઢ થતી ગઈ.

હિતેષ પોતે કઠણ મનોબળવાળો વ્યક્તિ, પણ માંને ગુમાવનાર વ્યક્તિનું મનોબળ ગમે તેટલું કઠણ કેમ નાહોય એ આઘાતમાંથી નીકળતા વાર લાગેજ. તે દિવસે બંને મિત્રો વચ્ચે ઘણી વાતો થઇ અને દિનમણીરાયે હિતેષને પરિક્ષા આપવા અને ડ્રોપ-આઉટ ના થવા સમજાવ્યો. ભણવામાં, વકતૃત્વ સ્પર્ધામાં, નિબંધ સ્પર્ધામાં હમેશ અવ્વલ રહેતા હિતેષને પણ ડ્રોપ-આઉટ થવું એ ભગવાન સામે જુકવા જેવો નિર્ણય લાગ્યો તેથી તેપણ ફક્ત ૩-૪ દિવસમાં ફરી પરીક્ષાની તૈયારીમાં લાગ્યો. મમ્મીની લાંબી માંદગીને કારણે ૫-૬ મહિના બરાબર અભ્યાસમાં ધ્યાન ના અપાયા છતાં છેલ્લા ૧૫ દિવસમાં લડી જ લેવું છે એવું વિચારીને રીતસરનો મહેનત માં જોતરાયો. ડોક્ટર બની ગરીબો ની સેવા કરવાના મમ્મીના સપનાને ત્યારે આંચકો લાગ્યો જયારે હિતેષ નું પરિણામ આવ્યું અને એ ૬૫% સાથે પાસ થયો.

ફરી બે કઠણ મનોબળવાળા મિત્રો ભેગા થયા આગળનો એકસન પ્લાન બનાવવા. શિક્ષણ વિભાગમાં ખુબ મહત્વના હોદ્દા પરથી નિવૃત્ત થનાર દિનમણીરાય અભ્યાસનું મહત્વ બરાબર સમજતા હતા, અને એટલેજ એ તેમના પૌત્રો/દોહિત્રોને જે ક્ષેત્રમાં રસ હોય તેમાં હમેશા આગળ વધવાનું કહેતા. હિતેષમાં નાનપણ થી લાઈબ્રેરી જવાના, ભણતા ભણતા કમાણી કરવા ટ્યુશન લેવાના, અભ્યાસ સાથે શારીરિક તંદુરસ્તી માટે ચાલવા જવું વગેરે જેવા અનેક ગુણો તેના નાનાએજ રોપ્યા હતા. હિતેષને મેડીકલ નહિતો physicsમાં રસ હોવાથી છેવટે ભુજમાંજ B. Sc. માં એડમિશન લેવાનું નક્કી થયું અને તેમાં યુનિવર્સીટી માં પ્રથમ નંબર લાવીM M. Sc (Phyyysics) અમદાવાદમાં એડમિશન લીધું.

ભુજના કોલેજકાળ દરમિયાન બંને મિત્રોનું મસ્ત શિડયુલ રહેતું. હિતેષને સવારે વહેલા ઉઠીને વાંચવાની આદત હતી. તેના પપ્પા અને તે એમ બંનેએ ઘરના કામ વહેચી લીધા હતા. હિતેષ અને તેના પપ્પા જેને તે તાતા કહે તે પણ હિતેષના મિત્ર જ હતા. હિતેષ વાંચી, કામ પતાવી અને પહોચી જાય નાના પાસે. હવે ઉમર ના હિસાબે દિનમણીરાયને વાંચવામાં તકલીફ પડે એટલે હિતેષનું પહેલું કામ તે દિવસ ના પેપર ના બધાય હેડીંગ મોટેથી વાંચી સંભળાવવાના. અને જે હેડીંગમાં નાનાને રસ પડે એ આખો લેખ વાંચી સંભળાવવાનો. આ કામમાં હિતેષને બહુ મજા આવતી કેમકે એમાં નાનાના પોતાના વિચારો પણ વચ્ચે વચ્ચે જાણવા મળે. હિતેષ અને નાના વચ્ચે સમજુતી હતીકે બંનેએ હમેશ અંગ્રેજીમાંજ વાત કરવી જેથી બંને નું અંગ્રેજી ભાષાનું જ્ઞાન વધે. આ ઉમરે પણ દિનમણીરાયમાં YUVAN યુવાનો ને શરમાવે એવી જીજ્ઞાસા હતી. પેપર વાંચ્યા બાદ બંને દેશ વિદેશના રાજકારણની વાતો કરે. દિનમણીરાય ના ઘણા મિત્રો બહારગામ હોવાથી એ હિતેષ પાસે પત્રો લખાવે અને જેમના જવાબ આવ્યા હોય એમના પત્રો પણ વંચાવે. ફરી સાંજે બંને મિત્રો મળે અને એજ જ્ઞાન અને રાજકારણ ની વાતો નો દોર જામે. ક્યારેક જો સંજોગોવસાત એકબીજાને મળી ના શક્યા તો બંને એકબીજાને ખૂબ મિસ કરે અને બીજા દિવસે ૨ કલાક વધુ વાતો કરીને આગલા દિવસનું સાટું વાળે. તે લોકો ગેમ પણ રમેં અને એ પણ કઈક જ્ઞાન મળે એવી. અંગ્રેજી ના એક વર્ડ ના લાસ્ટ લેટર પરથી બીજાએ બીજો વર્ડ બનાવવાનો એવી અંતાક્ષરી. મહિનામાં ૧ દિવસ રીક્ષા કરી અને નાના નાનીને શહેરના મંદિરોમાં દર્શને લઇ જવાનો પણ હિતેષ નો ક્રમ.

અમદાવાદ જવાના દિવસે હિતેષ ખુબ અપસેટ હતો. તેની દુનિયા તેના નાના અને તાતા જ તો હતા જે બંને ને છોડી દુર જવાનું હતું. તે દિવસે નાનીએ તેને નાના સાથે ત્યાજ જમવાનું કહ્યું. તે રાજી થયો કે વધુ સમય પસાર થઇ શકશે મિત્ર સાથે. પરંતુ એ દિવસે એ નાતો પેપર કે પત્રો વાંચી શક્યો, ના કોઈ ચર્ચા કરી શક્યો કે ના જમી શક્યો. નાનાએ પણ એને પેપર વાંચવા, વાતો કરવા કે જમવા કોઈજ ફોર્સ ના કર્યો કેમકે તેના મનની પરિસ્થિતિ પણ એજ તો હતી. છતાં દિનમણીરાય નોર્મલ હોવાનો દેખાવ કરી અમદાવાદ માં તેનું સ્વાસ્થ્ય સારું રાખવાની સલાહ આપતા રહ્યા. વિદાય ની રાતે એકલા પડ્યા ત્યારે બન્ને ની પાપણ ભીની હતી.

હિતેષ જયારે અમદાવાદ થી આવે ત્યારે નાના માટે ક્યારેક આમળા તો ક્યારેક નાના ના ફેવરીટ આંબા હળદર લાવે. દિનમનીરાય વતી હિતેષ તેમના અમદાવાદના મિત્રોને મળવા પણ જાય. આજે બંને મિત્રો એટલે રાજી હતા કે કાલે ફાઈનલ પેપર આપીને હિતેષ ભુજ આવી ગયો હતો અને હવે કમસેકમ રીઝલ્ટ સુધી ફરી એ વાર્તાલાપ અને ગેમ્સનો દોર જામશે. અને આવતાવેત અંગ્રેજીમાં વાતો નો દોર જામી પણ રહ્યો હતો ત્યાંજ...

“હવે તમે લોકો જો આવીજ રીતે વાત કરવાના હોવ તો હું દેવ દર્શને જતી રહું. કૈક સમજાય એવું તો બોલો ભાઈસાહેબ. આ આવળા દિવસે આવ્યો છે એને ચાય નાસ્તો પૂછ્યા વગર શું તમે પણ ચાલુ થઇ ગયા?” હિતેષના નાની ક્યારેય હિતેષને કઈ કહેતા નહિ. હમેશા દિનમણીરાય નેજ ટોકવાના. બન્ને મિત્રોની અંગ્રેજી માં વાત ચાલુ હોય તેનાથી નાની ક્યારેક ખુબ ચીડાતા કેમકે એ ભલે અંગ્રેજી સમજતા નહિ પણ જાણતા હતા કે રમુજી સ્વભાવના દિનમણીરાય ઘણીવાર એમની ફીરકી લેતા અંગ્રેજીમાં.

“સી, હિતેષ માય ક્વીન આલવાય્ઝ હેઝ 2 પોઈન્ટ્સ ટુ ડિસ્કસ આઇધર ફૂડ ઓર ટેમ્પલ. નાવ યુ હેવ ટુ ઓર્ડર સમથીંગ સો ધેટ વી કેન ટોક પીસફુલી”

હિતેષ કઈ કહેવા જાય તેના પહેલા નાની બોલી ઉઠ્યા “તમે શું કહ્યું મને?હું ભલે અંગ્રેજી ના જાણું પણ આ જયારે કઈ મારા વિષે વાત કરવી હોય ત્યારે ક્વીન બ્વીન કરો છો એ મને ખબર છે. તમે જો મને આમજ ચીડવશો તો આજે તમારું જમવાનું જાતે રાંધજો.”

“અરે પણ મેંતો તે મને જે પૂછવાનું કયું એજ પૂછ્યું કે તારે શું ખાવું છે એ નાનીને કહીદે એટલે આપણા બે માટે એ સ્વાદિષ્ટ વાનગી બનાવી લાવે, તુજ પૂછીલે હિતેષ ને” સાચે જાતે રાંધવાની નોબત ના આવે તો સારું એ વિચારવા લાગ્યા દિનમણીરાય. ત્યાજ હિતેષ બોલ્યો

“નાની એમણે એમ કહ્યું કે નાનીને યાતો મંદિર સુજશે યાતો ખાવાનું, તું તારે જલ્દી નાની ને ભગાડ અહીંથી રસોડામાં” હિતેષ પોતાના મિત્રની ફીરકી ઉતારવાનું ચૂકતો નહિ ઉલટું પોતાના મસાલા નાખીને નાની ને નાના વિષે વધુ ચીડવતો.

“એમને તું દાદ ના દેતો થોડો ટાઈમ પોતે સીધા થશે. હવે તારે જવાનું નથી ને?પરિણામ ક્યારે આવવાનું?”

“ના નાની હમણાંતો અહીજ આપણી મહેફિલ જામશે, પરિણામને હજુ વાર છે ત્યાં સુધી બધે એપ્લાય કરે રાખવાનું અને તમારા હાથનું આરોગે રાખવાનું”

પરિણામ નો દિવસ આવી ગયો અને હિતેષ હવે “ગોલ્ડમેડાલીસ્ટ” હિતેષ તરીકે ઓળખાયો. પરિણામના દિવસે બંને મિત્રો એકબીજાને વળગીને ખુબ રડ્યા. ફરી ખુશી ના આંસુ..

નાના ના પ્રોફેસન, ટીચિંગને જ હિતેષે અપનાવ્યું અને ગરીબ છોકરાવ ને મફત શિક્ષણ આપીને ગરીબો ને મદદ કરવાનું મમ્મીનું અધૂરું રહી ગયેલું સપનું પણ એ રીતે પૂરું કર્યું. હવે સવારે નહિ પણ સાંજે બન્ને મિત્રો ની ગોષ્ઠી જામતી. ઘણી ઓફર્સ આવવા છતાં હિતેષ પોતાના નાના, તાતા અને મમ્મી ના સપના ને છોડી ને નહોતો જવા માંગતો. સાંજની નાના સાથે ની મોજ એજ એનું આખા દિવસની મહેનત પછી નું ફળ હતું. એની એકજ ડીમાંડ હતી એના ભગવાન પાસે કે આ મૈત્રીનો ક્યારેય અંત ના આવે. પણ આપણે જે વધુ પ્રિય હોય એજ ભગવાન સૌથી પહેલા છીનવી લે છે?

એ હતો રજા નો દિવસ. એકબીજાને સવારે પણ મળવાનો દિવસ. દિનમણીરાય પોતાના નિત્યક્રમ મુજબ 5 વાગે ઉઠીને આંગણું સાફ કરવા લાગ્યા. હિતેષ આજે પોતાને ઘરે આરામથી ૮ વાગે ઉઠી ને વિદ્યાર્થીઓના પેપર્સ તપાસવા બેઠો. એના તાતા તેને કહી અને બજાર નીકળ્યા અને હિતેષ સ્નાન કરવા ગયો. હજુ તો તેણે શાવર ચાલુજ કર્યો કે તેણે હલચલ અનુભવી. ધીમે ધીમે એ ધણધણાટી વધી તે સાથેજ હિતેષને ખ્યાલ આવી ગયો કે આ ધરતીકંપ છે. હા એ ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ નો ગોજારો દિવસ હતો સમય સવારના ૮:૪૬. હિતેષ ૫માળ ના બિલ્ડીંગ માં ૩જા ફ્લોર પર રહેતો હતો. થોડીજ ક્ષણોમાં આખું બિલ્ડીંગ જમીનદોસ્ત થઇ ગયું.

આ બાજુ દિનમણીરાય ના મકાન ને ખાસ નુકસાન નહોતું છતાં હવે ઘરે રહી શકાય એમ ન હોતા આખું કુટુંબ જયારે મોટા દીકરાના ઘરની બહાર ચોકમાં ભેગા થયા ત્યારે કઠણ મન રાખીને હિતેષના સમાચાર એમને આપ્યા. અને એમનું રેઅકસન?“ઈશ્વર ઈચ્છા બલિયસી” અને અડધા દિવસ નું મૌન. એ જયારે મૌન ધારણ કરતા ત્યારે આખા કુટુંબ પર જાણે નિરાશાના વાદળો ઘેરાઈ જતા. એમના ખાસ મિત્રના આ સમાચાર સાંભળીને પણ કુટુંબ સામે એમની આંખમાંથી ૧ પણ આંસુ ના ટપક્યું. ત્યારે એ ઘરના મોભીના રોલમાં આવતા આખા કુટુંબને હવે પછી શું કરીશું એ વિચારવા મદદ કરવા લાગ્યા કેમકે કોઈના ઘર રહેવા લાયક રહ્યા ના હતા.

આ બાજુ હિતેષના મામા, તાતા લોકો એ હિતેષ ને શોધવામાં, બૂમો પાડીને સ્પોટ કરવામાં કોઈ કસર બાકી ના રાખી. છેલ્લે ૨૪ કલાકની મહેનત પછી પણ કોઈ જવાબ ના મળતા અને આજુબાજુમાંથી એજ બિલ્ડીંગના રહેવાસીઓની બોડી મળવા લાગતા રહીસહી આશા પણ મરી પરવારી. કુટુંબીજનો હારી ગયા. પણ કુદરત નો ખેલ અહી પૂરો નોહતો થયો.

જેવો હિતેષ પામી ગયો કે આ ધરતીકંપ છે તેણે સમય-સુચકતા વાપરી તરત બાથરૂમ બહાર નીકળીને ફર્નીચરની સેટી નીચે બંને પગ છાતી સરખા રાખી બેવડ વડી ને બેસી ગયો. જેવો તે બેઠો કે તરત ઉપર ના ૨ માળના સ્લેબ્સ પડવા લાગ્યા. થોડી મીનીટો સુધી ધૂળ ના ગોટા અને ભયંકર અવાજો સિવાય કઈ તેની આજુબાજુ ન હતું. થોડો સમય વીત્યો, ધૂળના વાદળો વિખેરાયા બાદ તે થોડો શ્વાસ લઇ શક્યો પણ આજુ બાજુ ઘોર અંધકાર સિવાય કઈ જ ન હતું. તેના પર ૨ માળ જેટલો કાટમાળ પડતા તેણે પાડેલો પોકાર “ઉપર” સુધી પહોંચ્યો નહિ. તે બિલકુલ સલામત પણ ૨ માળની નીચે દબાયેલ હતો એટલે કેટલો સમય સલામત રહે એ સવાલ હતો. બહુ બૂમો પાડ્યા બાદ એ શાંત થયો, એ મુસ્કુરાવા લાગ્યો અને એની મમ્મી એને બોલાવતી હોય તેવો આભાસ થવા લાગ્યો, તે પણ થાક્યો હતો, હવે તે મમ્મી પાસે જવા ઉતાવળો બન્યો હતો એની ગોદ માં સદાય ને માટે આરામ કરવો હતો અને એ જ ક્ષણે એ બેહોશ થયો અને હવે કોઈ અવાજનો તે જવાબ આપી શકે તેમ ના હતો. કુદરત ની રમત હજુ ચાલુજ હતી.

હિતેષને પોતાને ખબર નથી કે કેટલા કલાક પછી ફરી તેની એજ ઘોર અંધકાર માં આંખ ખુલી, તેને લાગ્યું જાણે મમ્મીએજ એને ધક્કો માર્યો, એ રાડ પાડવા ગયો પણ એના શરીર માં હવે તાકાત જ નહોતી. શરીર માં પાણી તદ્દન ઘટી રહ્યું હતું. શક્તિ મેળવવા પોતાનું મૂત્ર પીધું અને બાદમાં પુરા જોશથી “તાતા”, “મામા”ના નામની બૂમો પાડી જે ત્યાંથી પસાર થતા રાહદારી એ સાંભળી.

કુટુંબીજનો પાસે ખબર પહોચતાજ બધા ત્યાં પહોચ્યા અને રેસ્ક્યુ ઓપેરેશન ચાલુ પણ થઇ ગયું. આ બાજુ દિનમણીરાયને માત્ર એટલું કહ્યું કે “હિતેષ નો અવાજ આવે છે અને એ જીવતો છે” ત્યાતો એમની આંખ માંથી દડદડ કરતા અશ્રુઓ વહેવા માંડ્યા. કેમે કરીને એ શાંત ના રહે. નાની પણ કહેકે “એમને રડી લેવાદો, ક્યારનો હ્રદય પર ભાર લઈને બેઠા હતા.”

હિતેષ પુરા ૩૬ કલાક પછી બહાર આવ્યો અને એ સમયે એની આંખ માં પણ આંસુ હતા. બંને મિત્રો અલગ અલગ જગાએ પણ એકજ સમય પર અશ્રુધારા વહેતી હતી. હિતેષને બાહરી ઈજા મામૂલી હોતા સૌથી પહેલા તેની ઈચ્છા મુજબ એમ્બ્યુલન્સમાં નાના પાસે લઇ ગયા બંને એક પણ શબ્દ બોલ્યા વિના ફક્ત આંખો માં આંખો મિલાવી રડતા રહ્યા. હિતેષને અમદાવાદ લઈજવામાં આવ્યો જ્યાં ડોકટરે કહ્યું એકજ પોઝીસન માં ૩૬કલાક રહેવાને કારણે બન્ને કીડની ફેઈલ થઇ છે. આ સાંભળીને હિતેષ તાતા સામે મુસ્કુરાયો અને તેમને નાના સાથે ફોન પર વાત કરાવવાની વિનંતી કરી. પોતાની બીમારીને છાની રાખીને મિત્ર સાથે ખૂબ બધી વાતો કરી એ પણ અંગ્રેજી માંજ. તેને સંતોષ થયો. તે રાતે તેણે આંખ બંધ કરી અને ફરી તેને મમ્મી દેખાવા લાગી, આ વખતે તે મમ્મી ને ચસ્કી ને વળગી પડ્યો જાણે કહેતો હોય હવે તું ધક્કો મારશે તો પણ ક્યાય નહિ જાઉં. બહુ દુર રહ્યો તારાથી, અને મુસ્કુરવા લાગ્યો. ફરી એ આંખો ખુલીજ નહિ.

આ સમયે ભુજમાં દિનમણીરાય અચાનક ઊંઘ માંથી ઉઠ્યા અને જલ્દી અમદાવાદ ફોન કરવાનું કહ્યું. તેમનો અંદેશો સાચો પડ્યો અને જયારે કહેવામાં આવ્યું કે” હિતેષ ઇઝ નો મોર”, ફરી એજ અડધા દિવસ નું મૌન. ત્યારબાદ કોઈએ એમને અંગ્રેજી બોલતા સાંભળ્યા નથી.

***

7 - એ દિવસે

એ દિવસે નિશાળેથી છૂટ્યા પછી મેં મારા ગામની વાટ પકડી. શિયાળાની સાંજ હતી એટલે વાતાવરણમાં ટાઢક હતી. ગામ દૂર હતું અને અંધારું ઢૂંકડું હતું. પીઠ પર દફતર હતું અને પગમાં ઉતાવળ હતી. મારા ગામમાં ચાર ધોરણ સુધીની જ નિશાળ હતી એટલે પાંચમું ધોરણ ભણવા મારે ઈંગોરાળા ગામે જવું પડતું. મારા નાનીધારી ગામથી દોઢ બે ગાઉ આઘું.

એ દિવસે હું એકલો જ હતો. થોડા દિવસોથી મારે એકલા જ ગામનો પંથ કાપવો પડતો હતો. નહીં તો બાલો, નાથો અને કાલીદાસ એ ત્રણ કે ત્રણમાંથી એકાદ તો મારી હારે હોય જ.

જો કે બાલો તો ઘણા દિવસોથી નિશાળે આવતો જ નહોતો. એને નિશાળે આવવું ગમતું જ નહોતું. એના માબાપ ખેત મજૂરી કરતાં. એમણે એમ કે દીકરો ભણે તો એને પારકાં કામ કરવા મટે. પણ બાલાને જેટલાં વાડી, વગડો અને ખેતર ગમે એટલી નિશાળ ન ગમે. ઘણી વખત તો એ વાટમાં વચ્ચે જ રોકાઈ જાય. અમે સાંજે પાછા ફરીએ ત્યારે એ અમારી હારે થઈ જાય. એનાં માબાપ તો પાછાં મારા ગામથી પણ આઘે એક વાડીમાં રહે. એટલે એને તો દીકરાના આવા ભણતર વિરોધી પરાક્રમોની ખબર જ ન હોય. એમાંય, ખરી મજા તો ખેતરો માંડવીના [મગફળીના] લીલાછમ છોડવાથી હર્યાંભર્યાં હોય ત્યારે આવે. નિશાળે જતી વખતે જ બાલો છૂટો પડી જાય. કોઈ રેઢા ખેતરમાં કૂદી પડે અને બાથમાં આવે એટલા માંડવીના છોડવા ખેંચી કાઢે. પછી નહેરમાં બેઠો બેઠો છોડવામાંથી માંડવીનાં ડોડવાં તોડે. સાંજે અમે નિશાળેથી છૂટીને ગામ ભણી આવતા હોઈ ત્યારે એ અમારી સાટું માંડવીનાં ડોડવાં લઈને અમને સામો મળે! અમારાં ખીસાં માંડવીથી ભરાઈ જાય! પછી તો અમારાં મોઢાં કામે લાગી જાય. અમારી આવી સરભરા કરવા બદલ બાલાની શરત એટલી જ હતી કે, ‘મારાં માબાપને કેતા નઈ કે હું ભણવા નથી આવતો. ’ નાથા અને કાલીદાસને આ શરત મંજૂર હતી પણ મને મનમાં થતું હતું કે આ ખોટું કહેવાય. બાલાનાં માબાપમાંથી કોઈ ભેગું થશે ત્યારે એમને એ વાતની જાણ કરી દઈશ. પણ, એવો વખત આવે એ પહેલાં જ બાલો નિશાળે આવતો સમૂળગો બંધ થઈ ગયો હતો.

નાથો, કાળીદાસનો મોટોભાઈ. બંને દડુભાઈ બાવાજીના દીકરા. દાદુભાઈ બાવાજી ખરા પણ એમને સારી એવી ખેતી પણ હતી. નાથો પણ કાલીદાસની હારે છઠ્ઠા ધોરણમાં ભણે. એ અમારાથી મોટો ખરો પણ એને મોટાઈ જરાય નહીં. બધી વાતમાં અમને સાથ આપે. પણ એટલું ખરું કે નિશાળેથી આવ્યા પછી કે નિશાળે ન જવાનું હોય ત્યારે નાથા હારે મારે બહુ હળવામળવાનું ન બને. અમારી એકબીજા હારેની લેણાદેવી જાણે કે નાનીધારીથી ઈંગોરાળા અને ઈંગોરાળાથી નાનીધારીનો પંથ હસતાંરમતાં કાપવા પૂરતી!

પરંતુ, કાળીદાસ તો મારો પાકો ભેરું. નિશાળેથી ઘેર આવ્યા પછી રાતે ગામના ચોકમાં એ મને ભેગો થાય જ. મારા ઘર પાસેથી નીકળતાં જ સાદ પાડતો જાય કે : ‘કાચ કાચનો કૂબો, તેલ તેલની ધાર; મારા ભેરુને આવતાં કેટલી વાર!’ ને એની વાંહે દોટ મૂકતાં જ હું વળતો જવાબ આપું કે : ‘આવું છું આવું છું; લાલ ટોપી લાવું છું. ’ ચોકમાં ગામના બીજા છોકરા પણ આવી ગયા હોય. ક્યારેક હુતુતુતુ, લંગડી, એવડો દેવડો, સાત તાળી જેવી રમતો રમીએ. તો ક્યારેક ધારે [ટેકરીએ] ચડીને બેસીએ ને અલકમલકની વાતો કરીએ. વાતો મોટાભાગે ભૂતપ્રેતની, બહારવટિયાની, ભવાયાની અને વગડાની હોય. ગામમાં શું નવાજૂની થઈ એની પણ વાત નીકળે. ઉપર વિશાળ આકાશ હોય, પરણવા નીકળેલા વરરાજાની જેમ ચાંદો વટ મારતો હોય, હરખપદોડા જાનૈયાની જેમ તારા ટમટમતા હોય, ગીરમાંથી ગળાઈને આવતો પવન હોય, તળેટીમાં ફાનસ અને દીવાણે ઝાંખાં કરીને ઢબુરાઈ ગયેલું ગયેલું ગામ હોય અને અમે ને અમારી એ વાતો! ગમે એટલું મોડું થઈ ગયું હોય પણ મને ઘર સુધી મૂકી જવાની જવાબદારી કાળીદાસની જ હોય!

કાળીદાસ ભારે ખેપાન! સસલું દોડીને જાળામાં સંતાઈ જાય એમ કાલીદાસ ગામની શેરીમાં, કોઈની ડેલી કે ખડકીમાં એવો સંતાઈ જાય કે ગોત્યો ન જડે. ઘૂનામાં નહાવા પડે ત્યારે ડૂબકી મારે ક્યાંક અને નીકળે ક્યાંક! એને ઝાડની ટોચે પોગતા આવડે. ઘોડો દોડાવતા આવડે. બળદગાડું હાંકતા આવડે. ઠાકોરજીની આરતી ઉતારતા આવડે. ખેતીકામ આવડે. ચિત્રકામ પણ આવડે. જેને ત્યાં ભાગવત સપ્તાહ બેસવાની હોય એના ઘરની ભીંતો પર કાળીદાસ મોર, પોપટ, હાથી, ઘોડા, ઝાડ, ડુંગર, નદી એવાં ભાતભાતનાં ચિત્રો દોરી આપે.

અમારા ગામથી ઈંગોરાળા ગામનો કેડો ધૂળિયો અને વાંકોચૂકો હતો. ક્યાંક ઉઘાડો તો ક્યાંક કાંટાળા થોરથી ઢંકાયેલો. કેડાની બેઉ કોર્ય ખેતરો. આઘે નજર નાખીએ તો પાનાળો ડુંગરો અડીખમ ઊભો હોય. ઊભા કેડે પંખીઓનો કલબલાટ! વિવિધ ઋતુમાં કુદરતનાં વિવિધ રૂપનાં અમને દર્શન થાય. અવનવી વાતો કરતા, આવડે એવાં ગીતો ગાતા, દુહાઓ લલકારતા. હું, ગામમાં અવારનવાર ખેલ કરવા આવતા મદારી, ચૂંદડિયા બ્રાહ્મણ, ભવાયા, મલ, બજાણિયા વગેરેના ચાળા પાડતો અને એમાં મારી કલ્પના ઉમેરતો. ક્યારેક કથાકારની જેમ કથા કરતો. કાલીદાસ અને નાથાને મારી રજૂઆતથી મજા પડતી અને અમારો પંથ જોતજોતામાં કપાઈ જતો.

દરેક ઋતુની મજા હોય તો સજા પણ હોય. પરંતુ કાળીદાસ હારે હોય એટલે ઘણીખરી બલાઓ અમારાથી આઘી રહે. શિયાળામાં તો હાલીએ એટલે ટાઢ્ય ભાગી જાય. પણ ઉનાળામા સૂરજદાદો આકરો થાય એટલે પગબળણું બહુ હોય. અભાવના કારણે ઘણી વખત અમે ચંપલ કે જોડાં પહેર્યા ન હોય. કાલીદાસ એની કરતબ દેખાડે. ખાખરાનાં પહોળાં પહોળાં પાન તોડે. સળીઓને ખપમાં લઈને એ પાન જોડે. પછી વેલાને ખપમાં લઈને અમે એ પાન અમારા પગના તળિયે બાંધી દઈએ. ફાવટ વગરનું લાગતું પણ ઘણી રાહત થઈ જતી. બહુ તરસ લાગે તો કાળીદાસ કહેતો કે : ‘હાલ્યા આવો મારી વાંહે વાંહે. ’ એ કોઈ એવા ખેતરમાં લઈ જાય કે જ્યાં ઝાડને છાંયે પાણીથી ભરેલો દેગડો રેઢો પડ્યો હોય. અમે કરકસર કરીને અમારાં ગળાં ભીનાં થય એટલું પાણી પીતા અને વહેતા થતા. ખેતરનો ધણી આઘેથી આ બધું જોતો હોય તો પણ એ પાણીની વાતમાં મન મોટું રાખે.

ચોમાસામાં તો કાલીદાસ મને એક જ સલાહ આપે કે: ‘નદી, નાળું, ખાડો, કાદવ કાંઈ પણ હોય; તારે અમારી વાંહે વાંહે હાલ્યા આવવું, ક્યાંય રોકાવાનું નહિ. રોકાયો તો મર્યો માનજે. ’ કાલીદાસની એ સલાહને હું વગર આનાકાનીએ અમલમાં મૂકતો કારણ કે મને કાલીદાસ પર વિશ્વાસ હતો. હું ક્યાંય પણ રોકાઉં તો એ હાથ લાંબો કરીને ઊભો જ હોય. નિશાળે જતી અમે અમારા દેહને બને એટલા કોરા રાખવાની કાળજી રાખતા. પરંતુ પાછા ફરતી વખતે અમે ધરાઈ ધરાઈને પલળતા. દફતર પલળી ન જાય એ માટે એને નિશાળમાં જ રહેવા દેતા. બીક પછી કોની અમારે! ઓહ! ધોધમાર વરસતા વરસાદને ઝીલવાના એ દિવસો!

શાળામાં વ્યાયામના એક ભાગ રૂપે મારે જે શીખવું જરૂરી હતું એવું ઘણું ઘણું કાળીદાસે મને શીખવાડ્યું હતું. કાળીદાસના લીધે જ ઊંચો કુદકો, લાંબો કૂદકો, શીર્ષાસન, કમાન વગેરેમા મારું પ્રદર્શન શ્રેષ્ઠ નહીં તો પણ ઘણું સારું કહેવાય એવું શક્ય બન્યું હતું. એ સિવાય પણ નદી, ખેતર, વાડી, ડુંગર, સીમ, વગડો જેવાં તીર્થધામની મારી જાત્રા કાળીદાસના સંગાથ વગર અધૂરી જ રહેત. આવી બધી વાતોનો સાર એટલો જ કે ‘હું થોડોઘણો રીઢો થયો હોઉં તો એ કાળીદાસના સહવાસના કારણે. બાકી, આખા ગામની એવી માન્યતા હતી કે : ‘વેપારીના દીકરાએ તો ભણવામાં અને હાટડીમાં જ ધ્યાન દેવાનું હોય. ગામના છોકરા હારે પાટકવાનું ન હોય. ’

અને આ બધું એકતરફી નહોતું. ભાઈબંધીમાં એકને મજા આવે ને બીજાને ન આવે તો એ ભાઈબંધી થોડી ટકે? મારી ભાઈબંધીમાં એને પણ મજા આવતી હતી. મારી પાસેથી એને વાંચવાલાયક ચોપડીઓ મળે. સાંભળવી ગમે એવી વાતો મળે. મારા મોટાભાઈને વાંચવાનો ખૂબ શોખ. હું નિશાળના પુસ્તકાલયમાથી એમને વાંચવા માટે નવલકથાઓ અને વાર્તાસંગ્રહો ઘેર લઈ જતો. એ પુસ્તકો હું પણ વાંચતો. મારા વાંચનનો સાર હું કાળીદાસને કહેતો. એને એ ગમતું. હું પોતે પણ ક્યારેક ગાંડુંઘેલું લખતો અને કાલીદાસને વાંચવા આપતો. આમ એ મારો પહેલવહેલો વાચક! એક વખત એ પરાણે મારું લખાણ એના બાપુને બતાવવા લઈ ગયો હતો. એના બાપુએ મારો ઉત્સાહ વધે એવા વેણ કહ્યાં હતાં.

પરંતુ, એ દિવસે હું એકલો જ હતો. થોડા દિવસોથી મારે એકલા જ ગામનો પંથ કાપવો પડતો હતો. કારણ કે અમારી વચ્ચે અબોલા થઈ ગયા હતા. વાત એમ બની હતી કે નિશાળે જતી વખતે હારે નીકળવાનો નિયમ એક દિવસ તૂટ્યો હતો. આમ તો કાલીદાસ અને નાથો ઘેરથી નીકળે અને મને હારે લેતા જાય કારણ કે મારું ઘર વચમાં આવે. કોઈ વખત મોડું થાય તો હું સામેથી એમના ઘેર પોગી જાઉં. પછી એ ન આવવાના હોય તો હું એકલો મારી મૂકું. હું બહુ રજા ન પાડતો. નિશાળે જવાનું મોડું થાય તો મારો જીવ બળતો. એવું થવાનું એક કારણ મારા શિક્ષક કનૈયાલાલ જોશી. એ એવી રીતે ભણાવતા કે મને એમ થાય કે બસ, ભણાવ્યા જ કરે.

એક દિવસે એવું બન્યું હતું કે નિશાળે જવાનો વખત વીતી ગયો હતો. ઘણું મોડું થઈ ગયું હતું. નાથો અને કાલીદાસ હજી આવ્યા નહોતા. મારે પણ તૈયાર થવામાં મોડું થયું હતું. હવે જો કાલીદાસની ઘેર જાઉં તો વધારે મોડું થાય. અને, એમ કર્યા પછી પણ જો એ લોકો ન આવવાના હોય તો છેવટે તો મારે એકલા જ નીકળવાનું થાય. મને થયું કે ‘જો એ લોકો આવવાના હોત તો આવી ગયા હોત. હવે નહીં આવે. હું હાલતો થાઉં. એ લોકો નીકળશે તો ઝડપ રાખીને મારે હારે થઈ જાશે. ’ એકલો નીકળ્યો તો ખરો પણ વારેવારે પાછવાળું જોયા કરતો હતો. કદાચ નાથો અને કાળીદાસ નીકળ્યા હોય તો હું જરા ધીમો પડું અને એ અમે હારે થઈ જાઈ.

અમે હારે થયા નહીં. જો કે, એ બેય ભાઈઓ મોડા મોડા પણ નીકળ્યા હતા ખરા! બસ, નિશાળેથી પાછા ફરતી વેળાએ એ વાત પર અમારી વચ્ચે વડસડ થઈ. એમનું કહેવું એમ હતું કે ‘તેં અમારી રાહ ન જોઈ. તું ભણતરની મોટી પૂછડી થઈ ગયો છો. ’ મેં મારી રીતે મારો બચાવ કર્યો કે ‘અમારે તમારે છે એવી ખેતી નથી. દુકાન છે પણ પહેલા જેવો ધંધો નથી. મારે ગમે ત્યારે ગામ છોડીને શહેરમાં નોકરીએ લાગવું પડશે. એટલે મારે તો ભણતરની પૂછડી થયા વગર છૂટકો નથી. ’ વડસડ વધતી જ ગઈ. ગામ આવ્યું ત્યારે અટકી. અટકી તો એ ફેંસલા સાથે અટકી કે ‘કાલથી એકબીજાની રાહ ન જોવી અને પોતપોતાની રીતે જવું ને આવવું. ’ એ સિવાય મારે એમની હારે બોલવાનું નહી એ પણ નક્કી થઈ ગયું.

એજ ઘડીથી અમારો અબોલાનો કાર્યક્રમ શરૂ થઈ ગયો. પછી તો એ જ ગામ, એ જ ટેકરી. એ જ નદી, એ જ પંથ, એ જ ઝાડવાં, એ જ પંખીઓનો કલબલાટ; પણ અમારા કલબલાટને ઘોબો વાગી ગયો. નિશાળે જતી વખતે અને નિશાળેથી આવતી વખતે હું કાળીદાસ અને નાથાથી નોખો હાલતો. નિશાળેથી આવ્યા પછી પણ કાળીદાસ હારે રમવાનું અને બેસવાનું બંધ થઈ ગયું. મને અબોલા આકરા લાગવા માંડ્યા હતા. મનમાં એમ થાય કે આ અબોલા તૂટે તો સારું. પણ પહેલ કોણ કરે? છેવટે તો સવાલ વટનો હતો.

એ દિવસની વાત પર આવું તો નિશાળેથી છૂટીને હું એકલો જ મારા ગામ તરફ ઉતાવળે ઉતાવળે ડગલાં ભરી રહ્યો હતો. કાલીદાસ અને નાથો બંને એ દિવસે નિશાળે આવ્યા નહોતા. આવ્યા હોત તો પણ અમે નોખા નોખા જ હાલતા હોત. અબોલા હતાને એટલે.

અને, મને પાછળથી ‘તબડક તબડક તબડક’ અવજ સંભળાયો. મને કોઈ ઘોડેસવાર આવતો હોવાનું લાગ્યું. મેં ઊભા રહીને પાછળ જોયું તો કાલીદાસ ઘોડો દોડાવતો આવતો હતો. મેં તરત જ મોઢું ફેરવી લીધું અને ઊંધું ઘાલીને હાલવા લાગ્યો. બોલવાનો તો સવાલ જ નહોતો. પરંતુ વિચાર પર ક્યાં લગામ રાખી શકાય છે? મને વિચાર આવ્યો કે: ‘એ કોઈ કામે નીકળ્યો હશે ને હવે ઘર ભણી પાછો જઈ રહ્યો હશે. ’

કાળીદાસ મારી હારે થઈ ગયો. મને હતું કે એ ચૂપચાપ પસાર થઈ જશે. પરંતુ, એમ ન થયું. મેં નહોતું ધાર્યું એવું બન્યું. એણે મારી બાજુમાં ઘોડો ઊભો રાખી દીધો. મારી સામે હાથ લંબાવ્યો અને બોલ્યો : ‘આવતો રે. ’

મારા માટે એ અણધાર્યું આમંત્રણ હતું. એક ક્ષણ માટે તો મને એ આમંત્રણને ઠુકરાવી દેવાનું મન થયું. પણ બીજી જ ક્ષણે મેં મારો હાથ કાળીદાસના હાથ તરફ લંબાવ્યો અને એણે મને ખેંચીને ઘોડા પર આગળ બેસાડી દીધો. પછી તો જાણે અબોલા જેવું કશું જ બન્યું ન હોય એમ અમે વાતોએ વળગ્યા.

ગામ આવ્યું. મારું ઘર આવ્યું. અમે છૂટા પડ્યા. છૂટા પડતી વખતે મારાથી બોલાઈ ગયું : ‘રાતે ભેગા થાઈ. ’

‘ભલે. ’ કહીને એણે ઘોડો દોડાવી મૂક્યો.

એ દિવસે કોઈની પણ સમજાવટ વગર જ એક જ ક્ષણમાં અમારા અબોલા તૂટ્યા કારણ કે અમે ભાઈબંધ હતા ને વળી ત્યારે અમારું બાળપણ હતું!

***

8 - “કર્ઝ”

જો જે હોં. !!

રુચિતા એ બિના અને બિનીત સામે જોઈ જરાક આંખો પહોળી કરી ને ચેતવતાં કહ્યું.

હા, હવે ડાહી, તારા કરતાં એ મને બધી જ વાતો વધુ સારી રીતે કરે છે. તારા વખાણ કે તારી ફરિયાદ, હું એટલું તો જાણું જ છું કે એ ભલે મારો મિત્ર રહ્યો પણ તું વિશેષ છે એના માટે.

કોલેજની લાયબ્રેરીની બુક આપવામાં મોડું થતાં લાયબ્રેરીયન પટેલ સર આજે રસ્તામાં સાથે મળ્યા ત્યારે ટકોર કરી હતી, “કેટલા દિવસ થયા બુક જમા કરાવવાનું યાદ નથી આવતું, ” ? બીજી છોકરીઓ સાથે હોઈ, રુચિતાને આ વાત જરાક ખટકી. એટલે એણે બિનાને મોકલી, તો બિનીત ને પણ કામ હોઈ, બંને સાથે લાયબ્રેરી તરફ ગયા.

બિના બિનીત અને રુચિતા કોલેજકાળ માં અલગ અલગ ત્રણ ટોળકીમાં આવનારારસ્તામાં અથવા કોલેજમાં ક્યારેક ખપપુરતુંએક્બીજાને બોલાવતાં, નોટબુકની આપ-લે કરતાં, ક્યારે એક્બીજાના સૌથી પરમ મિત્ર બની ગયાં ખબર ના પડી. ! પણ બીના એક એકથી ચડિયાતી સુંદર છોકરીઓના ગુસ્સા અને ઈર્ષ્યાનુ કારણ હતી, આ મંડળી. બિના સૌથી સુંદર છોકરીઓમાની એક હતી, પૈસેટકે સુખી માબાપનું સંતાન, કોઈ કમી ના હતી પણ જાણે ભણવા ખાતર ભણવાનું હોય એમ એ કોલેજ માં આવી અને ક્યારેક વહેલી જતી રહેતી. રુચીતાને અભ્યાસ પૂરો કરી પગભર થયા વિના ચાલે તેમ ન હતું. ગામડાગામમાં ખેતી જ એક સહારો હતો. પિતાજીને તનતોડ મહેનત કરતાં જોતી અને તેમાં પણ વર્ષ સારું ણા જાય તો ઘરમાં નિરાશાનું વાતાવરણ રહેતું. આર્થિક પરિસ્થિતિ એટલી સારી ણા હોવાને કારણે એને ખુબ દુ:ખ થતું.

બિનીત મસમોટી દુકાનના મલિક નો એકનો એક દિકરો હતો. ભૂરી ભૂરી આંખો અને કસાયેલ બાંધાનો બિનીત દરેક છોકરીને ગમતો. ધંધો સભળવા માટે જ જન્મ થયો છે એમાં ઘરમાંથી કહી દેવામાં આવ્યું છતાં, એના પિતાએ એને કોલેજમાં કોમર્સ વિષયો સાથે ભણવાનું સુચન કર્યું, તેમાં એ હંમેશા ફર્સ્ટક્લાસ લાવતો. સમય જતા એને સી. એ. કરીને સારી નોકરી મળે તો તે કરવામાટે એના પ્પીતાને મનાવી પણ લીધા.

બીજા વર્ષમાં આવતા જતા સાવ સામાન્ય દેખાવવાળી રુચિતા સાથે એને ફાવી ગયું. રસ્તે ચાલતા. એનું ધ્યાન ગયું કેટલીયે છોકરીઓ રુચિતાના વાળ જોઇને અચરજ પામતી, જોકે ઈ ક્યારેક જ છુટ્ટા વાળ લઈને આવતી. પણ જ્યારે પણ એના પગની પિંડી સુધી લહેરાતા વાળા લઈને આવતી સાવ સામાન્ય દેખાતી રુચિતા બધાના આકર્ષણ નુ કેન્દ્ર બનતી. અન્ય છોકરીઓને પાછુ ફરી ફરી રુચિતાને જોતી જોઈ અને નિ:શ્વાસ નાખતી જોતો. એક દિવસ બિના અને રુચિતાએક સાથે આવતા હતા બીનાએ અચાનક ફૂલની ક્યારીમાંથી એક ગુલાબનું ફૂલ તોડી રુચિતાના વાળમાં પરોવી આપ્યું, બિનીત અચાનક ધ્યાન જતા આકર્ષાયો આ વાત બીનીતના ધ્યાનમાં આવી અને તેને પણ રુચિતા ગમવા લાગી. બંને સાથે કોલેજ આવવા જવા લાગ્યા, ક્યારેક બિના રુચીતાને બિનીત ફરી પીરીયડ માં કોલેજના કેન્ટીન કે ગાર્ડન માં બેસતા એકબિજાની મસ્તીમાં રહેતા. હવે રુચીતાને કોઈ બીજો છોકરો પણ ધ્યાનથી જુએ તો એને ગમતું નહિ ઈ કોઈ બહાનું કરીને રુચીતાને ત્યાંથી દૂર લઇ જાય. પણ બીના એને શોધી કાઢતી અને એમની સાથે જ બેસતી. એમના મીઠા ઝઘડા, રિસામણા મનામણા, એ બધાની એ સાક્ષી હતી. ઘણી વખત બીના જ મોટેભાગે ફિલ્મની ટીકીટ લઈને આવતી અને કચરો ફિલ્મ છે કહી જાણીજોઈને નીકળી જતી. એ રુચિતા અને બીનીતને સાથે બેસી ફિલ્મ જોવનીઅને મળવાની તક આપતી. બીજે દિવસે બન્નેના વાદવિવાદ તર્ક દલીલોને એ મનભરીને માણતી. એને અનહદ ખુશી મળતી, હા એના જીવનમાં એણે હજી કોઈને આવવા દીધું નહતું. કારણ સ્પષ્ટ હતુ. કોલેજ ભલે કર પણ લગ્ન અમારી પસંદના છોકરા સાથેજ કરવાનું રહેશે. અને તે પણ વિદેશથી આવેલા. ચાલીસી વટાવી ચુકેલા એના ફોઈનું પ્રેમ લગ્ન વર્ષમાં જ ભંગાણ પડી ગયું હતું હવે કોઈ જલ્દી લગ્ન માટે હા નહતું કહેતું, જો બીના અમેરિકા જાય તો એના નાના ભાઈ અને ફોઈની પણ જિંદગી બની જાય, એમ વિચારી એના પિતાજી એને છેક દૂરના ગામડેથી શહેર સુધી કોલેજમાં ભણવા મોકલતા હતા. અને સમજુ બીના એ પણ નક્કી કર્યું હતું કે જો પરદેશના છોકરા સાથે લગ્ન કરવાનું હોય તો અહી કોઈની સાથે ફરીને એને દુ:ખી કરવાનો એને કોઈ હક્ક નથી. એટલે એની જિંદગીમાં ના કહી શકાય એવી એકલતા હતી, પણ એ રુચિતા અને બીનિત ને જોઈ હરખાઈ જતી.

એ હમેશાં બીના રુચિતાને મદદરૂપ થતી ત્યારે તે બોલી ઉઠતી :અલી, ક્યારે આ બધુ કર્ઝ ઉતારી શકીશ હું? ચલ બેસ, હવે એવું કર્ઝ કે મને પણ ઉતારવું ન ગમે ઈ તું અને બિનીત મને આપી રહ્યા છો. કહે ને કેવું? કર્ઝ ? રુચિતા પૂછતી ને બીના આંખો બંધ કરી મંદ મંદ હસી પડતી. બિનીત આ બન્ને સહેલીઓના સ્નેહને જોઇને ચુપ રહી જતો ક્યારેક એને થતું આ રુચિતા મને પ્રેમ કરે છે કે બીનાને ? પણ બેમાંથી કોઈ પણ રિસાઈ જાય તે બીનીતને મંજુર નહતું એટલે ચુપચાપ એમની મૈત્રીને નીરખતો.

મોબાઈલનો હજી ઉદય નહતો થયો, એક સમય ઘણા દિવસો સુધી બિના કોલેજ ના આવી, બેચાર દિવસ સુધી એની ગેરહાજરી ની નોંધ ફક્ત રુચિતા અને બીનીતે જ લીધી વધુ દિવસ ના આવી અને તપાસ કરતા ખબર પડી બીના ને ઘણા દિવસથી તાવ આવતો હતો. બન્ને બીનાના ગામ જવાનું નકી કર્યું અને પહોંચી ગયા. રુચિતા અને બીનીતને જોઇને બીના રડી પડી, તો તે બંને તેની હાલત જોઇને અવાચક થઇ ગયા, કોઈ અજાણી વ્યક્તિને જોતા હોય એમ જ બીનાને જોઈ રહયા. શું વાત કરવી ખબર જ ણા પડી બિનીત ઘરમાંથી ઉઠીને બહાર જતો રહ્યો ત્યારે બીનાના પિતાજીને કહેતા સાંભળ્યા, “પહેલા ફક્ત તાવ જ આવ્યો પણ હવે શું છે તે સમજાતું જ નથી. બિના આમ ગળાઈ કેમ ચાલી તે જ સમજાતું નથી “

તો બિના રુચીતાને કહેતી :”મારે જલ્દી સારું થવું છે ને અમેરિકા જતું રહેવું છે”

બધું જ થશે પણ તું ચિંતા કરીશ તો સારી કેમ થશે ?બહાર બીનીત સમજાવવાથી બીનાના પિતા શહેરમાં લઈ જઈ એની વધુ સારવાર માટે તૈયાર થયા, નાના શહેરમાં રહેતા બિનીત અને રુચિતા કોલેજના લેકચર પુરા થતાન જ બિના પાસે હોસ્પિટલ પહોંચી જતા. અને એન ખુશ રાખવાની કોશિશ કરતાં. એને ખવડાવવું જ્યુસ કાઢીને આપવું દવા સમયસર આપવી બધું રુચિતા ધ્યાન રાખતી અને બહારથી જરૂરી દવાઓ અને બીજા કામ બિનીત કરતો. બંનેની હાજરી જોઇને બીના પણ ખુશ રહેવા લાગી. સમય જતા તેની તબિયત માં સુધારો થવા લાગ્યો. હવે બીના ઘરે જવાની હતી તે બોલી : “કેટલું સારું હું બીમાર થઈ ત્યારે તમેમારે સેવા કરીને મને કરજદાર બનાવી દીધી”. ’રુચિતા જો આ ડહાપણ કરવા લાગી’. બિનીત મજાક કરવા લાગ્યો બસ, તું જલ્દી સારી થઈને કોલેજ આવ તારા વિના સુનું લાગે છે.”પણ, હું તો અમેરિકા જવાની છું, પછી શું કરશો ? “હજી મુરતિયો તો મળવા દે અચાનક રુચિતા બોલી”.

એક દિવસ ચોમાસાની બપોરે કોલેજની પાછળથી પસાર થતી નેરોગેજના પાટા પરથી ચાલતા રુચિતા અને બિનીત ઘરે જવા પગ ઉપાડ્યા. મોટેભાગે કપલ્સ એકાન્ત અને લાંબે રસ્તે જવાનું પસંદ કરતાં. પોતાની વાતો માં મશગુલ બંનેને પાછળથી આવતી નાની છ ડબ્બાની ગાડીની એક પણ વ્હીસલ સંભળાઈ નહિ હોય. ડ્રાઈવરે એમનાથી દસ ફૂટ દૂર ટ્રેન થોભાવીને બંનેને ખખડાવ્યા. અને કોલેજમાં જઇને ફરિયાદ કરી પ્રિન્સીપાલને સૂચના પણ આપી કોલેજની પાછળનો ગેટ બંધ કરાવો, રોજે રોજનું થઈ પડ્યું. નહિતર આવા બેધ્યાન લોકો અમને અને તમોને મુશ્કેલીમા મુકશે. બસ બીજે દિવસે આખી કોલેજમાં વાત ફેલાઈ ગાઈ અને રુચિતા અને બિનીત સૌની મજાકનું કારણ બન્યા. રુચીતાને ઘરે ખબર પડતા એનું કોલેજ આવવું બંધ થયું. તો આ તરફ બીના સ્વસ્થ થઇને કોલેજ આવતાં જ એને આ બનાવ ની ખબર પડી. એ તરત જ બિનીત ને મળી બિનીત જાણે પહેલાંન નો બિનીત હતો જ નહિ. ગુમસુમ અને સાવ નિશ્ચેત ચહેરો. રુચિતા ને મળવાના બધા પ્રયત્નો નિષ્ફળ ગયા હોઈ તે સાવ નિરાશ હતો.

બીનાને ખુબ આઘાત લાગ્યો એને રુચિતાના પિતાને સમજાવવાની ખુબ કોશિષ કરી પણ તે માન્યા જ નહિ, “રુચિતા હવે નહી ભણે “ સ્પષ્ટ કહી દીધું, એને ભવિષ્ય બનાવવા મોકલી હતી આમ ફરવા નહિ. બસ આ દિવાળી પછી એના લગ્ન કરી દેવા છે”. બિનીત રુચીતાની આ સ્થિતિ માટે પોતાને જવાબદાર ગણતો હતો એને તે દિવસે જીદ ના કરી હોત તો એની સાથે આવી જ ના હોત અને આ હાલત ના થઇ હોત. એ હવે કોલેજ નહીવત આવતો અને દુકાને વધુ બેસતો.

એ વાત ને બે વર્ષ વીતી ગયા રુચિતાના લગ્ન સાવ ગામડાના છોકરા સાથે કરી દેવામાં આવ્યા. અને બીના કોલેજ પૂરી કરી અમેરિકાના મુરતિયા સાથે ઘર વસાવવાની તૈયારીમાં હતી. પણ એને ઊંડે ઊંડે રુચિતા અને બીનીતની ચિંતા રહ્યા કરતી હતી કેટલું મસ્ત ખુશ રહેતું યુગલ અને કેવું વીંખાઈ ગયું, બધું, બીના અમેરિકા જતા પહેલા એકવાર બીનાને મળવા માંગતી હતી, તે રુચિતાના પિયર આવવાની રાહ જોતી હતી અને એનાજ ગામમાં રુચિતાના ગામની એક છોકરીનું સાસરું હોઈ તેને સમાચાર આપ્યા રુચિતાના પતિનું ખેતરમાં વીજળીના કરંટ લાગવાથી મૃત્યુ થયું હતું. અને એસાવ જુવાન દિકરી એના પિતાના ઘરે પાછી આવી ગઈ છે

એ તરત મળવા દોડી ગઈ, સાવ સામાન્ય દેખાવવાળી પણ લાંબા ઘટાદાર વાળ ને કારણે કોઈ પણ સુંદર સ્ત્રીને ઈર્ષ્યા કરાવે એવી રુચિતા સાવ નંખાઈ ગયેલી વાળ પણ જેમતેમ અંબોડે બાંધ્યા અને પિતાના ઘરે ગાય ભેંસ ને ઘાસ નીરવતી નજરે ચડી.

બીનાના આઘાત નો પાર ના રહ્યો ! આ એજ રુચિતા છે ? જેના વાળના સૌન્દર્ય પાછળ સૌ કોઈ દિવાનું થઈ જતું !!

એને તરત જ રુચિતાના પિતાને વાત કરી ને તેને ફરી ભણાવવા માટે રાજી કર્યા અને એના ભણતરનો બધો ખર્ચ એજ ઉઠાવશે એવું વચન આપ્યું. પોતાના પિતાજી પાસેથી પૈસા લઈને એને રુચિતા નું એડમીશન કરાવ્યું ત્યારે ભણતરનો ખર્ચ ઓછો હતો અને પોતે અમેરિકા ગઈ. સાથે સાથે બિનીત ને કહેતી ગાઈ ભલે કુંવારો બેસી રહેજે પણ એકવાર તું બીનાને મળવા તો જજે. બીનીતે હા કહ્યું. પણ રુચીતાની હાલત માટે હજુયે તે પોતાની જાતને જવાબદાર માની બેઠો કેટલુંયે સમજાવવા છતાં, લગ્ન ના જ કર્યા. પોતાના દીકરાની ઉદાસીનું કારણ જાણવા માટે ખુબ કોશિશ કરી હતી પણ તેન કશું જ કહ્યું નહિ. બીનાને કહેતા સંભાળી તે દિવસથી બીનીતના પિતાજી એ નક્કી કર્યું કે તે રુચીતાને મળશે જ અને એના પિતાને સમજાવશે. બીના પાસેથી રુચિતા પિતાના ઘરનું એડ્રેસ લઈ તેને ગામ પહોંચ્યા રુચીતાની દશા માટે ભણતર છૂટવા માટે તેમનો પોતાનો દિકરો માની બેઠો છે કે તે જવાબદાર છે. પહેલાંન તો રુચિતાના પિતા ગુસ્સે થી ગયા પણ જુવાન વિધવા દિકરી તરફ જોઇને મન મનાવ્યું. બન્નેની ઉદાસી દુર કરવાનો એક જ ઉપાય છે બંનેના લગ્ન કરાવી આપીએ.

બીના અમેરિકામા બે વર્ષમાં પતિને ઘરે પહોચીને હવે બીજા કોઈ શહેરમાં સ્થાય થઈ હતી અને સતત પોતાના પિતાને રુચિતાના અભ્યાસ અને ભવિષ્ય અંગે સલાહ આપતી. પણ પોતાનું સરનામું કે ફોનનંબર કોઈને પણ નહિ આપવાનું કહી ગઈ હતી. રુચિતા પણ પોતાનું દુ:ખ ભૂલી અભ્યાસ માં આગળ વધી એમ. કોમ. પૂરું કરી સારી બેન્કમાં જોબ કરવા લાગી.

પોતાની દિકરી પોતાનું દુ:ખ ભૂલી પોતાના પિતાના ખભાનો ભાર હળવો કરતી જોઈ રુચિતાના પિતાને ગર્વ થવા લાગ્યો પણ વિધવા દીકરીનું ઘર વાસી જાય એવુ પણ ઇચ્છતા.

એક દિવસે રુચિતાના પિતા શહેરમાં જઇ પહોંચ્યા. ઘણા સમય પહેલા બીનીતના પિતાજી એમને પોતાનું સરનામું આપી ગયા હતા અને રુચિતા બીનીત ના લગ્ન વિષે વિચારવાનું કહી ગયા હતા, તે યાદ આવતા બિનીત ને ઘરે ગયા અને પોતાની દિકરી ને બિનીત જ ખુશ રાખી શકાશે એમ કહી બિનીત ને મનાવી લીધો. બિનીત અને રુચિતાના આગ્રહને લઈને સાવ સાદગીથી લગ્ન થયા, હા એ લગ્નમા બીના હાજર રહી શકી નહતી. રુચિતાના પિતાએ ખુબ કોશિશ કરી બીનાના ઘરે વાત કરવાની પણ કોઈ ફોન ઉપાડતું નહતું એમને કહ્યું.”જો બીનાએ મને ના સમજાવ્યો હોત તો મારી રુચિતા હજીયે ઘાસચારો જ નીરવતી / ભરતી હોત, એને કારણે જ રુચિતા આટલું ભણી શકી અને હવે પગભર છે. રુચિતા અને બિનીત અવાક થઈ ગયા. પોતાના હૈયામા કોલેજકાળના અનેક શમણાઓને દાટી દેનાર ફરી એક વખત ના ઉતારી શકાય એવું કર્ઝ ચડાવીને ગઈ. કોઈ નિશાન કોઈ સરનામું નહિ.

***

9 - તમે કોઈના દોસ્ત છો ?

‘તું કેમ તેની સાથે વાતો કરવા જાય છે ? એ ક્યાં તારો મિત્ર છે ?’ નિરવ ઉશ્કેરાટથી કહે છે.

રાજુ વિચારમાં પડી ગયો, ‘કેમ ? હજી કાલે જ તો તેં મને એની ઓળખાણ કરાવેલી, મીટ માય ક્લોઝ ફ્રેન્ડ દીપક.. ભૂલી ગયો?.. ને આજે આમ.. ?’

‘હા.. તો ?’ નિરવ ખિજાયેલો જ દેખાય છે, ‘મારો મિત્ર છે એમ જ કહેલું કે નહિ ? એમાં એ તારો મિત્ર કેવી રીતે બની ગયો ?’

‘આ લે.. લે !’ રાજુ હસવું રોકી ન શક્યો, ‘ઓળખાણ થાય એટલે મિત્ર જ કહેવાય ને ? મિત્ર તો આપોઆપ જ બનતા હોય.. એમાં મારો મિત્ર કે તારો મિત્ર એવું થોડું રહે ?’

‘બસ રહેવા દે હવે રાજ્યા, ઓળખાણેય મારી જ હતી કે નહિ ? આપોઆપ બનાવવા હોય તો બનાવ ને જાતે, મારી ઓળખાણ વગર બનાવ.. તો તારા મિત્ર કહેવાય... સમજ્યો ?’ નિરવ પોતાની વાતમાં તર્ક ઘોળે છે.

રાજુ વિમાસણમાં માથું ખંજવાળે છે.

થોડા દિવસ પછી વળી એકવાર નિરવે રાજુને કોઈ નવા મિત્રનો પરિચય કરાવ્યો, ‘જો રાજુ, આ ખન્નાસાહેબ છે, આર. ટી. ઓ. માં ઓફિસર છે, એમને માટે અહિ ફ્લેટ શોધી આપવાનો છે આપણે, તું પણ હેલ્પ કરજે હો !’

રાજુએ હા કહી, હાથ મિલાવ્યા.

કેટલાક દિવસો પછી રાજુએ પેલા ખન્નાસાહેબને ફ્લેટ અપાવી દીધો. ખન્નાસાહેબે બદલામાં રાજુના ભાઈના રીન્યુઅલ લાયસન્સનું એક નાનકડું કામ કરી આપ્યું.

બસ, નિરવનો પિત્તો ગયો, ‘રાજ્યા, ખન્નાસાહેબ મારા ઓળખીતા હતા, તારે કઈ કામ કરાવવું હતું મને કહેવાય ને ? એમ કોઈ સીધા કોઈના ઓળખીતાને મદદ માટે કહેવાય ?’

‘પણ મેં એમને મદદ કરેલી ને ? ફ્લેટ અપાવ્યો, રહેવાને સગવડ કરી આપી. ’ રાજુ બોલ્યો.

‘તો શુ ?’ નિરવ ગુસ્સે થયો, ‘એમ તરત જ બદલો પણ લઈ લેવાનો ? ઉપકાર વસુલ ? આવુ કોઈ ન કરે. ’

‘બદલો ? આમાં બદલાની વાત જ ક્યાં છે ? એકબીજાને મદદ કરી એટલું જ યાર, તું કારણ વગર આમ નારાજ થઈ જાય છે !’ રાજુ બોલ્યો.

‘કારણ વગર ? અરે મારા સંબંધો એ મારી પ્રોપર્ટી ગણાય સમજ્યો ? અને તું એ રીતે મારી પ્રોપર્ટી એટલે કે મારા બનાવેલા સંબંધો મને પૂછ્યા વગર આમ વાપરી લે એ ચાલે જ નહિ ને ! આમ કોઈના મિત્રોનો ઉપયોગ કરવો એ તો બહુ નફ્ફટાઈ જ કહેવાય. ’ નિરવ નો અવાજ પણ ઊંચો થયો.

રાજુ વગર વાંકે છોભીલો પડી ગયો, ‘અરે નિરવ... નિરવ, આ તું કેવું વિચારે છે ? તું પણ મારો મિત્ર જ છો ને ?’

‘રહેવા દે રાજ્યા, હું તારો મિત્ર નથી, અને હા, જો તારે મારા મિત્ર રહેવું હોય તો હવે આવું ન થવું જોઈએ, યાદ રાખજે !’ નિરવે પોતાની તાસીર પ્રમાણે રાજુને અલ્ટીમેટમ જ આપી દીધું.

જો કે અહિ સુધી તો બધું સમુસૂતરુ ચાલતું હતું. પણ એક દિવસ નિરવ તેની ગર્લફ્રેન્ડ મનીષાને લઈ રાજુ પાસે આવ્યો, ‘રાજુ, હું તને કહેતો હતો ને તે જ આ.. મનીષા, મારી ખાસ ફ્રેન્ડ. મનીષા... આ છે રાજુ, મારો નજીકનો દોસ્તાર. ’

રાજુએ હાથ મિલાવ્યા. બોલકણી મનીષા વચ્ચે જ બોલી, ‘ઓહો.. એમ વાત છે ! બધા તારા જ મિત્રો હેં ? નિરવ.. તું કોઈનો મિત્ર છો કે પછી ?’

અને ત્રણેય જણા ખડખડાટ હસી પડ્યા. બસ એ હસવાના પ્રસંગે વાતવાતમાં રાજુથી મનીષાને તાળી દેવાય ગઈ ને નિરવનો બાટલો ફાટ્યો, ‘રાજ્યા... ? તને કહ્યું ને કે આ મારી ફ્રેન્ડ છે..., મા.. આ... રી.. ! ને તું એને આમ હાથતાળી.. ? શુ સમજે છે તારા મનમાં ?’

રાજુ તો હજુ પણ હસવાના મૂડમાં જ હતો, ‘મિત્ર ? તારી એકલાની ? તો મને શું ઓળખાણ કરાવાની જરૂર હતી ? હવે તો એ આપણી બંનેની મિત્ર કહેવાય.. ખરું ને મનીષા ?’

આ વખતે હસવામાં મનીષાએ પણ સાથ આપ્યો ને ફરી એક તાળી દેવાઈ. હવે નિરવના જાણે હોશકોશ ઉડી ગયા. ગુસ્સામાં લાલચોળ થઈ ગયો, ‘લૂચ્ચાઓ, હરામખોરો, તમે બંને એ મને દગો દીધો ? મને જ છેતર્યો ? મારા જ મિત્ર થઈ મને જ પછાડ્યો ! કેવા મિત્રો છો તમે તો સાલાઓ ! મિત્રતા નો મતલબ જ નથી સમજતા... મિત્રતાના નામ પર કલંક !’

નિરવના બદલાયેલા આ રંગને જોઈ રાજુ અને મનીષા સ્તબ્ધ થઈ ગયા. આવેશમાં આવેલો નિરવ હજુ કહેતો હતો, ‘મનીષા, તું ય ? તેં પણ બે મિનિટની ઓળખાણમાં આ રાજ્યાને સાથ આપી દીધો ? ને મને આમ ફેંકી દીધો ? હું તારો મિત્ર નહોતો શું ? આવી હતી તારી દોસ્તી ? મેં તને આવી નહોતી ધારી. તને મિત્ર બનાવીને મેં ભૂલ જ કરી. ’

‘ઈનફ.. ઈનફ નાઉ નિરવ, સ્ટોપ ધિસ નોન્સેન્સ !’ કાયમ આવા સમયે ચુપ જ રહેતા રાજુની વહારે આજે મનીષા હાજર હતી, એ ગરમ થઈ ગઈ, ‘નિરવ, તને મિત્રની વ્યાખ્યાય આવડે છે ? શું ક્યારનો મિત્ર-મિત્રનું રટણ કરે છે ? જાણે અમે કોઈ મોટો અપરાધ કરી નાખ્યો ? બીજાને કહેતા પહેલા ખુદને જ પૂછ ને, મિત્ર એટલે શુ ? જવાબ નહિ જડે, તારી અંદર મિત્ર નામનો માણસ હોય તો જડે ને !’

નિરવ તો સડક થઈ ગયો, મનીષા જાણે વરસોનો ગુસ્સો ઉતારતી હોય એમ અટક્યા વગર નિરવને ફટકારવાનું ચાલુ રાખે છે, ‘મિત્રતા નિભાવવામાં કંઈ સમજ તો પડતી નથી ને સતત આ મારો મિત્ર ને તે મારો મિત્ર – બીજું કશું આવડે છે તને ? ના ના, બધા તારા જ મિત્રો હોય ? તારો એક નો જ ઈજારો ? જાતને પૂછ કે તું કોઈનો મિત્ર ખરો કે નહિ ? ને જે તારા મિત્ર હોય એ બીજાના થઈ જ ન શકે શુ ? એ કેવું ?’

રાજુ માથું હલાવી કહે, ‘સાચી વાત છે, મનીષા, તું જ આને સમજાવી સીધો કરી શકીશ. હું તારી સાથે છું !’ કહી ફરી તાળી દેવા ઊંચો થયેલો હાથ એ પરાણે અટકાવી દે છે.

મનીષા ખડખડાટ હસી પડે છે, ને રાજુ વળી ઉમેરે છે, ‘જો ભાઈ નિરવ, એક વાત યાદ રાખી સમજી લે બરાબર, મિત્ર હો કે દોસ્ત... બીજા ને આપણાં બનાવવા કરતા પહેલા આપણે જ એના બનવું પડે છે !’

***

10 - સહેલીની પહેલી

રાતના આશરે ૨ વાગ્યા હશે. મોબાઇલ ફોનની રીંગ તો વાગી નહિ પરંતું વાઈબ્રરેટ મોડ પર ધ્રુજતો રહ્યો. બેબાકળી થઇ આમતેમ ફોન ફંફોસ્યો.. ચાદરની સોડમાં ગોટપાઈને માંડ ઝંપેલા ફોનને શોધીને હાથમાં લીધો. ઉંઘરેટી આંખે અંધારામાં ફોનનાં પ્રકાશમાં ખેંચાઈને ઝાંખી થયેલ નજરે અજાણ્યો નંબર એટલે કે ‘અનસેવડ નંબર’ હતો તેમ છતાં જાણીતો લાગ્યો એટલે અડધી રાતે ય ઉપાડ્યો..

ધીમા સ્વરે મેં "હેલ્લો" કહ્યું."એય જીજુ બોલુ.. આઇશાનો વર્...." અવાજ મીઠો હતો. આ અવાજને હું પીછાણી ગઈ હતી. આ આઈશાનાં પતિનો ફોન હતો. ભલે અધ રાતે ફોન હતો પણ મનમાં થયું કે કદાચ પતિ-પત્ની રાત્રે તોફાન મસ્તી કરવા મને ફોન કર્યો હશે. અવાજમાં પણ બહુ ગંભીરતા વર્તાણી નહીં. ગુસ્સામાં કે ઉધ્ધતાઈથી મારે ફોન કટ કરવાનો તો સવાલ જ નહોતો. તેથી ફોન ચાલુ રાખ્યો. હું કઈં આગળ બોલવા જાઉં તે પહેલાં સામેથી એ વ્યક્તિ જ બોલવા લાગી..

“આજ પછી કોઇ દિવસ આઇશાને ફોન કે ‘એસેમેસ’ ન કરજો.. એને જાણે ઓળખતા જ નથી.. એમ, સમ્જ્યા?” અવાજમાં ભાર જણાયો."કેમ્?" ગભરાયેલા અને ધીમા સ્વરે મેં પુછ્યું.

"એ તમારે નથી જાણવાની જરુર." અવાજમાં કડકાઇ વધી.

હું સમય અને સંજોગ સમજી ગઇ, "ઓકે." કહિ ફોન મુકવા જતી હતી.

"નીંદરમાં નથી ને? હામ્ભરો.. કઉં ઇ...” થોડો ગભરાટ થયો. ડરી ગઇ, "જી બોલો."

"જો, તમને જ્યાં સુધી ‘તમે’ કહિ ને બોલાવુ છું ત્યાં સુધી ઠિક છે, વધારે કઈં ના બોલતા." સામેથી આવેલ ફોનમાં સ્થિર અવાજે થંભ્યા વિના બોલ્યા જ કર્યું. “હાંભરો, આજ પછી આઇશાને કયારે ય ફોન કે ‘એસેમેસ’ ન કરજો. તમે એને જાણે ઓળખતા જ નથી.. એમ સમ્જ્યા?”

"ચોક્કસ!" ડર વધતો ગયો મારો પણ ફોન ન મુક્યો મેં.

“એ તમારા માટે મરી ગઇ સમજ જો!”

"ઓકે""અંગ્રેજી અમનેય આવડે છ. અન્ડરીસ્ટેડ્.. ઓકે. ઑલરાઇટ્?"

મારી સામે આઈશાનો ચહેરો તરવરી ઉઠ્યો.

આ છોકરીને તો ‘ધૂમ’ ફિલ્મનું જો લેડી વર્જન બનાવવાનું થાય તો બેધડક બાઈક સ્ટન્ટ કરે! એકદમ બિન્દાસ અને ધૂંવાંધાર વ્યક્તિત્વ. એ કઈ રીતે આમ કોઈ અમાનુષી વ્યવહાર કરતા વ્યક્તિને સહન કરતી હશે? આ વિચારે શિયાળામાં ઠૂઠરી જવાય એવી ટાઢી રાતે પરસેવો થવા લાગ્યો. હથેળીમાં પણ ભેજ ઝબ્યો હોય એવું લાગ્યું. મન અને મગજ બંન્ને પર કાબુ રાખીને જાણે હમણાં ફોન હાથમાંથી સરકી જશે એવું લાગ્યા કરતું હતું.

"ઓકે, મૂકું ફોન્.. ? મારે ઘરનાં બધાં જાગી જશે." નમ્રતા અને ખચકાટ સાથે મેં કહ્યું.

"નાઆઆ, સાંભળો... જો એને કોન્ટેક્ટ કર્યો તો પેલાં હું એને મારીશ પછી તમારા પપ્પા પાસે આવીશ્..” એ અવાજમાં ગઝબનો જુસ્સો ભળ્યો.

"ચોક્કસ્.” એક ઊંડો શ્વાસ લઈને મેં ફરી વળતો જવાબ આપ્યો. “ના હુ એને ક્યારેય ફોન નહિ કરું.. મૂકું ફોન્.. ?"

"ના પેલાં ક્યો બધુ સમજાણુને?"“ચોક્કસ્.” આ શબ્દ સિવાય કઈં બીજું સૂઝતું જ ન હતું. મારે ગળે જાણે ડૂમો બાઝ્યો. "જો એને કોન્ટેક્ટ કર્યો તો પે’લાં હું એને મારીશ પછી તમારા પપ્પા પાસે ફરિયાદ કરવા આવીશ.." ફરીફરીને એક જ વાક્યમાં જાણે મને ધમકાવ તો હોય એવો અવાજ ભાસ્યો.

હું ખુબ જ ડરતાં ડરતાં બોલી પ્લીઝ તમે આઈશાનુ ધ્યાન રાખજો.. હું એને ક્યારેય ફોન નહિ કરું." “ઇ મારે જોવાનું છે, તમારે નહીં ! ઇ મારી વાઈફ છે. હું એનુ ધ્યાન રાખું જ્. તમે એને ભુલી જ જાવ્. આજ પછી તમારી કોઇ ફ્રેન્ડ આઈશા હતી એ જ્....”

"ઑકે" મુકુ ફોન્.." એ વધારે હજુ બોલે તે પેલા મે જ ફોન મુકી દિધો..

લગભગ અઢી થયા હશે.. બાજુમાં સૂતેલી મમ્મી જાગી ગઇ હતી. એમને બધી વાત કરી. પાણી પીને થોડી સ્વસ્થ થઈ સુવા પ્રયત્ન કરવા લાગી. પથારી પર પડતાં જ્ વિચારોના ચક્ડોળે ચડી ગઈ. આઈશા સાવ નાનપણની બેનપણી. ધોરણ ૫થી૮ સાથે ભણ્યા. પણ કેમ ભણ્યા? મલકાતે ચહેરે જૂનું વાગોળતી સરી પડી અમારા નાનપણમાં...

સાથે સ્કુલ જઈયે, વળીયે પણ સાથે. બપોરની સ્કુલ એટલે વળતા ક્યારેક દાબેલી તો ક્યારેક પાણીપુરી ખાઈયે! પરીક્ષાનું વાંચવા સાથે બેસીયે ત્યારે વાતો કરીએ એટલે મમ્મી વઢે! જુદાં બેસાડે, તોય કોઇ ને કોઇ બહાને વાતો કરવા મંડીયે. લંચબોક્ષ; વોટરબેગથી લઈને ચોપડીઓ, સ્વાધ્યાય પોથીઓ, ચિત્રપોથીઓ અને બાર્બી - ટેડીથી રમવાની ઉંમરની સહેલી સાથે અઢળક યાદગીરીઓનો સંબંધ હોય છે. આઈશાનાં નામ સાથે અસંખ્ય વાતો એ રાતે ખુલ્લી આંખે યાદ આવતી રહી.

ઉનાળું વેકેશનમાં જે રાત્રે આખી સોસાઈટીમાં લાઈટ ગઈ હોય ત્યારે જમી પરવારીને બધાં શેરીમાં ઉમટ્યાં હોય. પકડદાવ અને દડાફેંક રમતે કરાતી દોડાદોડ અને કિલકારીઓથી ગૂંજતી અમારી એ શેરી આજે પણ યાદ આવે છે. અંતાક્ષરી કે ગરબાની મફેફિલ અમે અંધારાંમાં તારોડિયાઓને અજવાળે કરતા. પીળા ફ્લોરલ પ્રીંટવાળું આઈશાનો એ નાઈટ ડ્રેસ હજુ ય યાદ આવે મને. મનેય એવો જ લેવો હતો. બહેનપણીઓનાં ટોળામાં સૌને ‘હટકે’ દેખાવું હોય તોય ‘મેચિંગ’ પહેરવાની હોંશ કરતા !

તે જમાનામાં તો લેન્ડલાઈન ટેલીફોન ખુબ જ મોંઘાં પડતાં તોય એક બીજા ને ગુડનઈટ કહેવા ફોન કરતા અને પરીક્ષા વખતે વહેલાં ઉઠવાય ફોન કરતાં.. હજુ દુધવાળો ય ન આવ્યો હોય તે પે'લાં ગેઈટને ઠેકીને દરવાજે પહોંચી આવતી આઈશા.. !

એવું તો કેટલું ય.

વખત જતાં પપ્પાની બદલી થતા અમારો સંપર્ક ઓછો થયો. પણ એક બીજાના સમાચાર મળતા રહેતા. એક વખત એ મારા શહેરમાં ખરીદીનાં કામસર આવી હતી. એ એનાં લગ્નની તૈયારી કરતી હતી એવું કહ્યું હતું. સિલ્વર અને બ્લેક ‘રોયેલ એક્પ્રેસ્સ’ રેર મોડેલ બાઈક ઉપર સવાર આઈશા ઘેરા બ્લૂ રંગનું ચૂસ્ત જીન્સ અને સફેદ ટીશર્ટ ઉપર જીન્સનું જેકેટ પહેરેલ નજરે તરવરે છે. એના લગ્નની કંકોત્રી આવી હતી પણ કુટુબમાં માઠો પ્રસંગ થયો હતો એટલે જઈ ન શકી.. પછી એના કઈં જ સમાચાર નહી. હા, એટલો ખ્યાલ હતો કે એની સગાઈ તો નાનપણમાં જ થઈ ગઈ હતી.. પણ એ લગ્ન બાદ ખુશ હતી કે નહિ એ લગીરે ખ્યાલ ન હતો..

અચાનક મારો ચહેરો સંકોચાયો. આઈશા વિશેનાં વિચારો મનમાં વઘુ ઘુમરાયા. ફરી એક વખત એ ગામ હું ગઈ હતી. અંદાજે દસ વર્ષનો ગાળો થઈ ગયો હતો. જૂનાં પડોસીઓ અને જૂની બેનપણઓએ વાત કરી."ખબર છે? આઈશા એ બીજુ ઘર કર્યુ?!" વળી, કોઈ એ ટાપશી પૂરાવી, “એને એનો ગામડાંનો વર ગમતો ન હતો.. નાનપણથી સગાઈ થઈ ગઈ હતી. એટલે કુટુંબ ખાતર પરણી ખરી, પણ નિભાવી ન શકી." કોઈએ માહિતી આપી કે, “બીજો વર પણ બિજવરો અને બીજી જ્ઞાતિનો છે, એ હવે ઘરનાં જોડે પણ સંપર્કમાં નથી.” એવું તો કેટલું ય સાંભળ્યું. મને પારાવાર દુઃખ થયું પણ થયું એણે જે કર્યું તે ખરું! બસે હવે તે ખુશ હોય તોય ઘણું.

મોબાઈલ હાથમાં લીધો. સાડા ૩વાગી ગયા હતા તો ય હજુ આંખ મીંચવાનુ મન ન થયું. વિચારોનું વમળ શાંત નહોતું થયું.

અરે! હમણાં જ ૩-૪ દિવસ પહેલાં રસ્તામાં ‘ક્રોસ’ થયાં. બન્ને એ પોતાનું વાહન રોક્યું. એવાં ભેટ્યાં કે જાણે એક્-મેક્માં વસી ગયા! કેટલું ય કહેવું હતું; કેટલુયં સાંભળવું હતું, પણ બન્નેને મોડું થતું હતું. એક બીજાના ફોન નંબર આપી છુટાં પડ્યા.

બીજે દિવસે અચાનક ફક્ત ‘હાય’ લખેલ અજાણયા નંબરથી ટેક્ષ્ટ મેસેજ આવ્યો. નંબર અનસેવડ હતો એટલે પુછયું, મે આઈ નૉ યૉર નેઈમ, પ્લીઝ?” “અરે! યૉર ઓલ્ડ ફ્રેન્ડ આઈશા..” એવો વળતો જવાબ મેળવીને ખુબ ખુશ થઈ. તરત જ જવાબ આપ્યો, “હું તો સેવ કરવાનુ ભુલીજ ગઇ. થેન્ક્સ્ તે સામેથી મેસેઝ કર્યો..” પછી તો એસ. એમ. એસની રમઝટ જામી.

એણે એનો આભ્યાસ અધુરો જ મુક્યો હતો એ એના મેસેઝ ટાઈપીંગથી ખ્યાલ આવતો હતો. પણ મજા અવતી હતી. નવુંજૂનું બધું જ શેર કર્યુ; આખો દિવસ વાત કરી. અલ્બત્ત એસ. એમ. એસથી જ સ્તો! એની વાતમાં એક વાત એવી આવી કે, ‘મે જે નિર્ણય લીધો એ સામાજીક દ્રષ્ટિએ યોગ્ય નથી. મેસેજમાં નહીં કહું, કાલ સવારે નિરાંતે ફોન કરીશ.. ’ ‘મે કહ્યું તું ખુશ છો?’ એણે “યેસ” રીપ્લાય કર્યો.. ‘તો બસ ! જે થયું તે. એન્જોય કર. જીજુ ને યાદી આપજે, ઓળખાણ કરાવજે.. ગુડ નાઈટ.. ’ સંદેશની આપ-લે સાથે એમ ને એમ એક રાત પુરી થઈ..

૨-૩ દિવસ મેસેઝ આવ્યા.. એક સાંજે ફોન આવ્યો.. અજાણ્યો નંબર હતો..

"એ જીજુ બોલુ.. આઇશાનો વર્.." અવાજ ખુબ જ મીઠો હતો.. પતિ-પત્નીએ મસ્તીમાં મને ફોન કર્યો હોય એવુ લાગ્યુ.. ખુશ થઈને મેં વાત ચાલુ કરી. મારે તો ઘણી બેનપણીઓના ફોન આવતા હોય છે; ઘણીવાર એમનાં પતિ પણ મોજથી વાત કરતા જ હોય છે. પણ પહેલી જ વખત આવેલ ફોનમાં વધારે શું વાત કરું? એટલે ઔપચારિક ઓળખાણ બાદ "આઈશાને આપો ને!" કહ્યું, ત્યાં તો ફોન કટ થયો. મેં તરત જ સામેથી કર્યો, ન ઉપાડ્યો. ત્યાં આઈશાનો મેસેઝ આવ્યો “મહેમાન આવ્યા છે, પછી ફોન કરું.”

મેં પણ સ્વાભાવિક રીતે “ઓકે” કહિ વાત પુરી કરી..

એ રાત્રે રાબેતા મુજબ હું "સેન્ડ ટુ ઓલ" ગુડ નાઈટ મેસેજ બ્રોડકાસ્ટ કરી સુતી અને ૨ વાગે સાઈલન્ટમાં રાખેલ ફોન ઝબક્યો હતો.

આઈશાનાં વરનું નામ કે કામ શું કરે છે? કઈં રીતે તેમના લગ્ન થયાં? ક્યા સંજોગોમાં છે તે અત્યારે? શું તે દિવસે તેના પતિ એ તેને મારી કે ધમકાવી હશે? તે નશામાં હતો કે નહિ? મને આજે પણ ખબર નથી. એ રાત્રે ક્યારે નીંદર આવી યાદ નથી. સવારે ઉઠીને આખો દિવસ એના એસ. એમ. એસ. ની રાહ જોઇ પણ.. મને એના કોઇ વાવડ નહોતા.. સતત એમ થાયા કરતું હતું કે-

“શું આઈશા એની જીંદગીનો કોયડો ઉકેલી શકી હશે?”

બહેનપણી, એટલે મારા હિસાબે બહેનથી પણ વધુ! ઈશ્વર પાસે સતત આઈશાની સુખાકારી અંગે પ્રાર્થના કર્યા સિવાય બીજો કોઈ ઉપાય જ ક્યાં હતો મારી પાસે? વિધાતા એની હાજરીની સાક્ષી કાયમ પૂરાવે છે. નિયતીને પોતનાં જ સ્વયંભૂ નિયમો હોય છે એ નિયમને અનુસરતી પોતાનાં જ અનેક જીવન કોયડાને ઉકેલવામાં જોતજોતાંમાં આઈશાની વાત વિસરી ચાલી.

એક વખત ફેસબુકમાં આઈશાની ફ્રેન્ડરીક્વેસ્ટ આવી. આશરે ૨ વર્ષ વીતી ગયા હશે એ અડધી રાતનાં ફોન પ્રસંગને. તરત જ ઍડ ફ્રેન્ડ કરીને ઈનબોક્ષમાં ચેટ કરી. કેમ છે? શું કરે છે? પ્રશ્નોની આપલે થઈ! એણે કોપ્યુટર શીખ્યું અને કોઈ જોબ શરુ કરવાની તૈયારી કરે છે. એવું કહ્યું. એની અંગ્રેજીની ભાષા શુધ્ધી અને ટાઈપીંગમાં સુધારો જણાયો. મારે મન એનો મેસેજ એક સુખદ ચમત્કાર હતો! એનો અનસેવ્ડ નંબર પછી મેં સેવ કર્યો જ નહોતો. જેથી ફરી ક્યારેય એને સંપર્ક કરી પણ નહોતી શકી.

આઈશા સાથે ફરી વાતચીતનો દોર ચાલુ રાખવો કે નહીં એ અવઢવમાં મારાથી પૂછ્યા વિના ન રહેવાયું, “તો પછી જીજું? એ કેમ છે?”

“હિ ઈઝ નો મોર.” એનાં એ જવાબ પછી ક્યારેય મેં આઈશાને એનાં પતિ વિશે નથી પૂછ્યું. બીજી વાતચીત પરથી ખબર પડી; એને ખ્યાલ પણ નહોતો કે વર્ષો પહેલાં મને અડધી રાતે એનાં પતિનો એને જ ક્યારે સંપર્ક ન કરવા માટે ધમકાવતો ફોન હતો.

***