Kichen kavinana kamalna nuskha books and stories free download online pdf in Gujarati

કિચન ક્વીનના કમાલના નુસ્ખા

કિચન ક્વીનના કમાલના નુસ્ખા

મીતલ ઠક્કર

ભાગ-૧

* કટલેસ કે કબાબ બનાવતી વખતે તેમાં ફુદીનો મિક્સ કરવામાં આવે તો વધુ સ્વાદિષ્ટ બનશે.

* લીંબુની છાલ સૂકવીને ખાંડની નાની બરણીમાં રાખી તેનું ઢાંકણું એરટાઈટ બંધ કરી રાખવાથી ખાંડ સારી રહેશે.

* દાળ-શાક-સંભારનો લાલ ચટક રંગ રાખવા તેલનો વઘાર કરતી વખતે તેમાં લાલ મરચાની ભૂક્કી નાખવી.

* કિચનમાં પ્લેટફોર્મ, વાસણ અને હાથ લૂછવા માટે ઓછામાં ઓછા ત્રણ અલગ-અલગ રંગોના નાના-નાના નેપકિન રાખવા. હાથ લૂછવાના કપડાથી વાસણ અને વાસણ લૂછવાના કપડાથી કિચનનું પ્લેટફોર્મ લૂછવું નહીં. હાથ લૂછવાનું કપડું ખાવાનું ઢાંકવાના ઉપયોગમાં લેવું નહીં. તેના માટે સ્ટીલની જાળીનો ઉપયોગ કરવો. આધુનિક ગૃહિણીઓ કિચનનું પ્લેટફોર્મ લૂછવા માટે સ્પંજનો ઉપયોગ કરે છે તે સારું છે. પરંતુ તેને દિવસમાં એકવાર બરાબર ધોઇ તડકામાં સુકવવું.

* ભીની થેલીમાં શાક-ફળ રાખવા નહીં. તેનાથી બગડી જવાની શક્યતા રહે છે. સમારેલા શાકને વધુ સમય પાણીમાં પલાળી રાખવા નહીં. તેમ કરવાથી પોષ્ટિકતા નાશ પામે છે. તેથી રાંધતી વખતે વહેતા પાણીથી ધોવા. કાંદાને સૂકી તેમજ ઠંડી જગ્યામાં રાખવા. કાંદા ત્રણ-ચાર અઠવાડિયા સુધી બગડતા નથી.

* મશરૂમને બ્રાઉન ભીના પેપર ટોવેલથી વીંટાળી બ્રાઉન પેપરની થેલીમાં રાખવાથી ત્રણ-ચાર દિવસ સુધી તાજા રહે છે.

* એક કપ ઘઉંના લોટમાં અડધો કપ ઠંડુ દૂધ તથા એક ચમચી મોણ નાખી લોટ બાંધવાથી રોટલી મુલાયમ તેમજ પ્રોટીનયુક્ત થાય છે.

* એક ચમચો છાશ અથવા લીંબુનો રસ, ચાર ચમચા ઘી તથા ચપટી સાકર ભેળવી મિશ્રણ બનાવવું. પુલાવ રંધાઇ જવા આવે ત્યારે તેમાં આ મિશ્રણ ઉમેરી પુલાવ હલાવી ઢાંકણ ઢાંકી દેવું. પુલાવની સોડમ આવશે તેમજ ભાતના દાણા ચમકીલા થશે અને સ્વાદિષ્ટ લાગશે.

* રીંગણના કાપેલા ટુકડા કાળા ન પડે એ માટે એને મીઠાવાળા પાણીમાં થોડો સમય રાખો. એે પછી એને ફ્રીઝમાં મૂકો.

* સમારેલા કાચા બટાકા વધ્યા હોય અને તો તેને ફ્રિજમાં પાણી ભરેલા વાસણમાં રાખવાથી તે કાળા નહીં પડે.

* મસાલા ઢોસાનું શાક બનાવતી વખતે કાંદાનું પ્રમાણ વધારે રાખવાથી શાક સ્વાદિષ્ટ થાય છે.

* ધાણા સારી રીતે સમારાય એ માટે ચપ્પુના બદલે કાતરનો ઉપયોગ કરો.

* શાકભાજી બનાવતી વખતે પાણી શોષાઈ ન જાય ત્યાં સુધી એમાં ક્રીમ કે મસાલા ન નાંખવા જોઈએ.

* ગુલાબજાબું કડક થઇ જતાં લાગે તો માવામાં થોડીક ખાંડ ભેળવવી ને પછી તળવા. તળવાથી માવામાંની ખાંડ પીગળશે અને ગુલાબજાંબુ નરમ થશે.

* કેકને બૅક કર્યા પછી પોલિથિન બેગથી ઢાંકી દો. બીજા દિવસે પોલિથિન બેગ હટાવી લો. આનાથી કેક નરમ બનશે.

* એક વાડકામાં સોડા ભરી રેફ્રિજરેટરમાં રાખવાથી ફ્રિજમાંથી ખાદ્યપદાર્થની દુર્ગંધ દૂર થશે.

* ફરસીપૂરીમાં ડાલ્ડા તથા તેલનું મોણ નાખી બનાવવાથી ફરસીપૂરી ક્રિસ્પી બને છે.

* ચાસણી બનાવતા પૂર્વે વાસણની ચારે બાજુ માખણનો હાથ લગાડી દેવાથી ચાસણી સારી તેમજ સાફ બને છે.

* વધેલી ઇડલીને વઘારીને અથવા તો ઇડલીને પ્લેટમાં ગોઠવી તેના પર ટોમેટો કેચઅપ પાથરી ઉપરથી સેવ ભભરાવી ખાઇ શકાય. ઇડલીના વઘારમાં કેપ્સિકમની લાંબી ચીરી નાખવાથી ઇડલીનો સ્વાદ વધુ સારો આવે છે.

* નવા બટાકા બાફતી વખતે તેમાં કેટલાંક ફૂદીનાના પાન ઉમેરવાથી કાદવની ગંધ જતી રહેશે અને શાકમાં ફૂદીનાની સુગંધ પણ આવશે.

* દૂધ, ક્રીમ, દહીં પાઉચમાંથી કાઢીને કાચના જારમાં ભરીને ફ્રીઝમાં સ્ટોર કરવાથી તે વધારે સમય સારા રહેશે.

* આદુની છાલને ધોઈને સૂકવી નાખવી અને ચાની પત્તીના ડબ્બામાં ભેળવી દેવી. ચા સ્વાદિષ્ટ બનશે.

* સામાન્ય રીતે આપણે જ્યારે પણ ઘરમાં શીરો બનાવીએ છીએ ત્યારે પહેલા લોટને ઘીમાં શેકીએ છીએ. પછી લોટ બરાબર શેકાયને ઘી છોડવા લાગે ત્યારે તેમાં ખાંડ અને દૂધ અથવા તો ખાંડનું પાણી ઉમેરીને બરાબર શેકીએ છીએ. પરંતુ જો આ જ શીરાને તમારે વધુ સ્વાદિષ્ટ બનાવવો હોય તો, ખાંડ, પાણી અને દૂધ ત્રણેયનું મિશ્રણ કરવું પડશે. શીરો બનાવતી વખતે જ્યારે તમે પાણીમાં ખાંડની સાથે અડધો કપ દૂધ નાખીને તેની ચાસણી બનાવો. શીરાના સ્વાદની સાથે તેની પૌષ્ટિકતા વધી જશે.

* મીઠાઈની ચાસણી બનાવતી વખતે એમાં થોડું માખણ ભેળવવાથી ચાસણી સારી થશે.

* બાંધેલો લોટ ફ્રીઝમાં મૂકતાં પહેલાં તેના પર તેલ લગાવવાથી તે સૂકાશે નહીં.

* ફુલેવર, ભીંડા અને ગાજરને પાતળા સમારીને સૂકવી દો. તેને પેક કરી સાચવી રખાશે, જ્યારે તેનો ઉપયોગ કરવો હોય ત્યારે આખી રાત પાણીમાં પલાળીને રાખો. પછી તેની પર તેલ અને મસાલો નાંખીને ખાઓ.

* ફણગાવેલા કઠોળને ફ્રિજમાં રાખવા હોય તો થોડુ લીંબુ નીચોવી દેવું. જેથી તેની વાસ ફ્રિજમાં ફેલાશે નહીં.

* માખણને ફ્રીઝમાં સુગંધિત પદાર્થની સાથે ન મૂકશો. તેની વાસ માખણમાં આવશે.

* પુરી તળ્યા પછી લોચા જેવી થઇ જતી હોય છે તેમજ તૈલીય લાગે છે. આવું ન થાય તે માટે પુરીના લોટમાં થોડો જાડો લોટ ભેળવવો અને કઠણ લોટ બાંધવો. જેથી પુરી ફુલેલી અને કડક બનશે.

* ઘણી વખત કટલેસ બનાવતી વખતે તેનું મિશ્રણ વધારે નરમ થઇ જાય છે. આવા સમયે ટોસ્ટને મિકસરમાં ક્રશ કરી કટલેસના મિશ્રણમાં ભેળવી દેવાથી મિશ્રણ ઘટ્ટ બની જશે.

* તમે રસોડામાં રોજ વાપરતા હોય તેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો જેવા કે મિક્સર, ઓવન, ઈલેક્ટ્રીક સગડી વગેરે વપરાશ પછી પ્લગથી અલગ કરીની લૂંછી તેને યથાસ્થાને મુકવી. આવી વસ્તુઓની સફાઈ ન થતા તેની પર ડાધ પડશે કે પછી તેના પર વંદા કે કીડીઓ ફરશે. દરેક વસ્તુ યોગ્ય સ્થાને રાખવાથી રસોડાનું પ્લેટફોર્મ મોટું દેખાશે અને ઉપકરણો પણ સ્વચ્છ રહેશે.

* મેથી અને બટાટાનાં પરાઠા બનાવવાનાં હોય ત્યારે લોટ બાંધતી વખતે તેમાં થોડોક ચણાનો લોટ નાખો. એનાથી પરોઠાંનો સ્વાદ બદલાઈ જશે. આપણે રોજ અવનવા પરાઠા બનાવતા હોઈએ છીએ. એમાં મેથી-બટાટાના પરાઠા પણ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ સ્વાદિષ્ટ પરાઠાને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે તેની જ્યારે કણક બાંધો ત્યારે ચોક્કસથી તેમાં થોડો ચણાનો લોટ ઉમેરવો. જો તમે ઈચ્છો તો થોડો ઘણો શેકીને પણ ઉમેરી શકો છો. આમ કરવાથી કણકની સાથે પરાઠાનો ટેસ્ટ પણ ચોક્કસથી ખુબ જ વધી જશે.

* કિચન કાઉન્ટર ખાલી રાખો. તેના કારણે રસોઈ બનાવવામાં સરળતા રહેશે. શક્ય તેટલા ઓછા ગેજેટ્સ ત્યાં રાખો. સવારના સમયે જલદીમાં સેન્ડવીચ, લંચ કે બ્રેકફાસ્ટ બનાવવા ઉતાવળ કરવી પડે છે. તે સમયે ફટાફટ કામ પતાવો. પછી સાફસફાઈ કરી દો. જેથી એના પછી રસોઈ કરવા જાવ તો કોઈ ટેન્શન ન રહે.

* ચોખાના ઓસામણમાં કારેલાં સમારીને થોડો સમય રાખી મૂકવાથી કડવાશ ઓછી થાય છે.

* જ્યારે ભટૂરે(છોલેની પૂરી) બનાવવાના હોય ત્યારે તેમાં મેંદામાં રવો નાંખી બનાવો. આનાથી વણવામાં સરળતા રહેશે અને ભટૂરાનો સ્વાદ પણ વધશે.

* મસાલાનો યોગ્ય સ્વાદ ભોજનમાં ત્યારે જ આવે છે જ્યારે ભોજનને ધીમી આંચે રંધાવા દીધું હોય.

* કારેલાને ચીરી મીઠું લગાડવાથી તેની કડવાશ ઓછી થઈ જશે

* કટલેટનું મિશ્રણ ઢીલું થઇ ગયું હોય તો બ્રેડને પાણીમાં ભીજવી તેમાં ભેળવી દેવાથી કટલેટ બરાબર વાળી શકાશે.

* મસાલા પૂરી બનાવતી વખતે લોટમાં થોડું ગરમ ઘી અથવા તેલ મિક્સ કરવાથી પૂરીઓ કરકરી અને સ્વાદિષ્ટ બશે. પૂરીને નરમ અને સાથે ક્રિસ્પી બનાવવા દરેક ગૃહિણી હંમેશા મહેનત કરતી હોય છે. જો તમે પણ આવી પૂરી બનાવવા માંગતા હોવ તો જ્યારે પણ લોટ બાંધો ત્યારે મોણ તરીકે તેલ અથવા ઘી ઉમેરો, પણ ગરમ કરીને. આમ કરવાથી ચોક્કસ તમારી પૂરીનો રૂપરંગ બદલાય જશે.

* દૂધને લાંબા સમય સુધી તાજું રાખવા દૂધ ઉકાળતી વખતે તેમાં થોડી ખાંડ નાખવાથી દૂધ જલદી બગડતું નથી.

*****