Ladat books and stories free download online pdf in Gujarati

લડત

લડત

લેખક: યશવંત ઠક્કર

‘એ મારા સુંદરિયારે…એ મારા બાપલિયારે...તેં તો ગજબ કર્યોરે...’

‘તને ગાંધીનગરથી તેડાં આવ્યાં ને તું તો અમને વિસરી ગયોરે...તેં તો કાળજે ઘા માર્યોરે..’

‘તને વાજતે ગાજતે ફેરવ્યો’તો આ ગામમાં ને હવે તારી ઠાઠડી ફેરવવાનો વારો આવ્યોરે… એ મારા સુંદરિયા રે...’

નાનકડા શહેરની શેરીઓ ગાજી ઊઠી. ઘરમાં હતાએ લોકો કશુંક અશુભ થઈ ગયાની શંકા સાથે, હાથમાં હતાં એ કામ પડતાં મૂકીને ઘરની બહાર દોડી આવ્યા. એમણે જોયું તો શહેરના ધારાસભ્ય સુંદરલાલની સ્મશાનયાત્રા નીકળી હતી.

સહુથી આગળ લાંબા વાળવાળો અને વધેલી દાઢીવાળો એક યુવાન હતો, જેના હાથમાં સિંદરી બાંધેલી એક દોણી હતી. દોણીમાંથી ધુમાડો નીકળતો હતો. એ યુવાનની પાછળ એક નનામી હતી, જેને બીજા યુવાનો વારાફરતી કાંધ આપતા હતા. નનામી જેવી હોવી જોઈએ એવી જ સંપૂર્ણ હતી. અપવાદ એટલો હતો કે, તેમાં નિર્જીવ માનવદેહના બદલે ગાભામાથી તૈયાર કરેલું એક પૂતળું બાંધવામાં આવ્યું હતું. નનામીની પાછળ યુવાનો અને યુવતીઓનું મોટું ટોળું હતું. યુવાનોમાંથી ઘણાએ માથે ટુવાલ ઓઢ્યા હતા. તેઓ મોટેથી સુંદરલાલના નામની પોક મૂકીને રડવાનું નાટક કરતા હતા અને વચ્ચેવચ્ચે હસી પડતા હતા. યુવતીઓ પણ સુંદરલાલનાં છાજિયાં લેતાં લેતાં હસી પડતી હતી.

‘ભ્રષ્ટાચાર વિરોધી અંદોલન’ના ભાગરૂપે કૉલેજનાં છોકરા છોકરીઓ રોજ રોજ આવા અવનવા ખેલ કરતાં હતાં. આવા ખેલ જોઈને કેટલાક લોકોને મફતમાં મનોરજન મળતું હતું, તો કેટલાક લોકો નારાજ પણ થતાં હતા. નારાજ થનારા લોકોનું કહેવું હતું કે, ‘વિરોધ કરવાની આ તે કાંઈ રીત છે? સુંદરલાલ જેવા આબરૂદાર વ્યક્તિની જાહેરમાં ફજેતી કરવાથી ભ્રષ્ટાચાર દૂર થઈ જવાનો છે? આ દેશ લોકશાહીને લાયક જ નથી.’

આ નકલી સ્મશાનયાત્રાનો આંખેદેખ્યો અહેવાલ તૈયાર કરવાના ઇરાદે, પત્રકાર રતિલાલ બગલમાં છાપાનું ભૂંગળું દબાવીને સહુથી પાછળ ચાલતા હતા. તેઓ સરઘસ જોવા ઉભેલા લોકોને એવો અભિપ્રાય આપતા હતા કે, ‘આ તો ક્રાંતિ છે ક્રાંતિ! કોઈના બાપથી રોકાવાની નથી. આજે અહીં ફેલાણી છે તો કાલે આખા દેશમાં ફેલાશે. આ યુવાનોની વાનરસેના સુંદરલાલ જેવા કેટલાય રાવણોની લંકા રોળી નાખશે’

યુવાનોએ પૂતળાને શહેરની બહાર આવેલા સ્મશાન નજીક જ અગ્નિદાહ આપવાનું નક્કી કર્યું હતું, પરંતુ એકાએક પોલિસની ગાડીઓ આવી ગઈ અને નાસભાગ મચી ગઈ. પોલિસનો ઇરાદો નનામીનો કબજો લઈ લેવાનો હતો, પરંતુ નનામી ઊંચકનારા યુવાનોએ ચાલાકી કરી. તેઓ નનામી સાથે શહેરની શેરીઓમાં થઈને એક નાનકડા ચોકમાં પહોંચી ગયા અને ત્યાં જ એમણે પૂતળાને અગ્નિદાહ આપી દીધો. સુંદરલાલના પૂતળામાં ગોઠવેલા ફટાકડા ધડાધડ ફૂટવા લાગ્યા. પોલીસ આવી પહોંચે તે પહેલાં આંદોલનકારીઓ ત્યાંથી ભાગીને બીજા કાર્યક્રમની તૈયારીમાં લાગી ગયા.

આમ ધારાસભ્યની સ્મશાનયાત્રા કાઢવાનો કાર્યક્રમ પૂરો થયો. પત્રકાર રતિલાલે આ કાર્યક્રમ સફળ થયો હોવાની નોંધ લીધી.

આંદોલનકારીઓનો બીજો કાર્યક્રમ ગાંધીચોકમાથી એક વિશાળ સરઘસ કાઢીને સુંદરલાલના બંગલે પહોંચીને એમનું રાજીનામું માંગવાનો હતો. સરઘસની આગેવાની શહેરના સામાજિક કાર્યકર ભગવાનજીભાઈ લેવાના હતા.

હજુ તો થોડા દિવસો પહેલાની જ વાત હતી કે, વિધાનસભાની ચૂંટણીમાં પ્રખર ગાંધીવાદી એવા ગોપાલદાસની સામે શહેરના યુવાનોના માનીતા નેતા સુંદરલાલે ઉમેદવારી નોંધાવી હતી. કાપડ, અનાજ, શાકભાજી વગેરેના વેપારીઓથી લઈને દારૂના વેપારીઓએ અને તેલના દલાલોથી લઈને વરલીમટકાના દલાલોએ સુંદરલાલને પોતાનો ટેકો જાહેર કર્યો હતો. ખેડૂતોના મત મળે એ માટે સુંદરલાલે ખેડૂત આગેવાન ગોવિંદભાઈનો ટેકો પણ મેળવી લીધો હતો. આખા શહેરમાં ‘સુંદરલાલ ઝિંદાબાદ’ના નારા ગાજ્યા હતા. ‘વોટ ફોર સુંદરલાલ’ જેવાં સૂત્રો હજુ કેટલીય દીવાલો પર અકબંધ જળવાઈ રહ્યાં હતાં. જ્યારે સુંદરલાલ જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા, ત્યારે એમનું ભવ્ય વિજય સરઘસ નીકળ્યું હતું. જેમાં ‘દેખો દેખો દેખો...સુંદરલાલ કા કમાલ દેખો, ગોપાલદાસ કા હાલ દેખો.’ જેવાં ગીતો ગવાયાં હતાં. આવાં ગીતો શહેરના નાનાંનાનાં ટાબરિયાંને હજુ પણ યાદ હતાં.

પરંતુ, એકાએક હવા ફરી ગઈ હતી. ભારે વાવાઝોડું ફૂંકાયું હોય એમ રાજ્યમાં મોંઘવારી અને ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન શરૂ થયું હતું, અને જોતજોતામાં સરકાર વિરોધી આંદોલનમાં ફેરવાઈ ગયું હતું. ઠેર ઠેર ધારાસભ્યોનાં રાજીનામાં મંગાવા લાગ્યાં હતાં. શહેરના ધારાસભ્યશ્રી સુંદરલાલના રાજીનામા માટે પણ માંગ ઊઠી હતી. વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં હારેલા નેતાશ્રી ગોપાલદાસે તો ક્ષેત્રસંન્યાસ લઈ લીધો હતો, પરંતુ સામાજિક કાર્યકર ભગવાનજીભાઈ સક્રિય થઈ ગયા હતા. એમણે અણધારી આવી ચડેલી તક ઝડપી લઈને આંદોલનનું નેતૃત્વ સંભાળી લીધું હતું.

‘જે માણસને મતપેટી દ્વારા બહુમતીથી લોકોએ પોતાના નેતા તરીકે પસંદ કર્યો હોય, જે માણસનું ભવ્ય વિજય સરઘસ નીકળ્યું હોય, ફૂલોના હારથી જે માણસ ઢંકાઈ ગયો હોય, જેના નામની શહેરમાં ધાક વાગતી હોય; એ માણસને લોકો ચોર કહે, એની હાયહાય બોલાવે, એની નનામી બાળે, ત્યારે એ માણસ આઘાતથી ભાંગી ન પડે?’ પરંતુ, સુંદરલાલ આવાં વિઘ્નોથી ભાંગી પડે એવા નિર્બળ નહોતા. એ ચંપલના તળિયાથી લઈને માથે પહેરેલી ટોપીની અણિયાળી ટોચ સુધી પાક્કા રાજકારણી હતા. વિરોધી વાતાવરણ હોવા છતાંય એ માનતા હતા કે, ‘જે પ્રજા મારી હાય હાય બોલાવે છે એ જ પ્રજા ભવિષ્યમાં મારો જયજયકાર કરશે. રાજકારણની આ જ તો ખૂબી છે.’

લોકો ભલે સુંદરલાલને બેવફા નીવડ્યા, પરંતુ શહેરના પોલીસખાતાએ પોતાની વફાદારી જાળવી રાખી હતી. આવી મુસીબતની વેળાએ ઇન્સ્પેક્ટર ચૌહાણ સુંદરલાલના સતત સંપર્કમાં રહેતો હતો અને કોઈપણ પ્રકારનું કામ હોય તો બેધડક જણાવવા કહેતો હતો.

આંદોલનકારીઓએ નક્કી કરેલો બીજો કાર્યક્રમ શરૂ થયો.

સુંદરલાલનું રાજીનામું માંગવા માટે ભગવાનજીભાઈની આગેવાની હેઠળ ગાંધીચોકથી એક સરઘસ નીકળ્યું. એ સરઘસ સુંદરલાલના બંગલા તરફ જવા લાગ્યું. ઇન્સ્પેક્ટર ચૌહાણે આ સમાચાર સુંદરલાલને ફોનથી પહોંચાડ્યા, ‘સાહેબ, સરઘસ નીકળ્યું છે. સંખ્યા વધતી જ જાય છે. તમારા રક્ષણ માટે પોલીસ મોકલું છું.’

‘મોકલવા ખાતર મોકલજો. બાકી, મારા રક્ષણ માટે તો મારા પોતાના સેવકો છે જ. પણ સરઘસ સાથે પૂરતી પોલિસ રાખજો જેથી જરૂર પડે તો કામ લાગે.’ સુંદરલાલે જવાબ આપ્યો.

‘સમજી ગયો સાહેબ’ ચૌહાણ ફોન મૂકીને સુંદરલલના આદેશને માન આપવા જરૂરી પગલાં ભરવા લાગ્યો.

સુંદરલાલે પોતાના સેવકોને કહી દીધું, ‘સરઘસ આવી રહ્યું છે, સ્વાગત કરવા માટે તૈયાર રહેજો. એવું સ્વાગત કરજો કે દીકરાઓ જિંદગીભર યાદ રાખે.’

થોડી વારમાં જ લાઠી, હોકી અને લોખંડની પાઈપ જેવા શસ્ત્રોથી સજ્જ એવા સો જેટલા સેવકો સુંદરલાલના બંગલાની ચારે તરફ ગોઠવાઈ ગયા. પૂરતો બંદોબસ્ત જોઈને સુંદરલાલે સંતોષ વ્યક્ત કર્યો કે, ‘આવવા દો સાલાઓને. આજે ભલે એમનું નવનિર્માણ થઈ જતું.’

સુંદરલાલના ફોનની ઘંટડી વારંવાર વાગતી રહી. સરધસ ક્યા પહોંચ્યું છે, સરઘસમાં કેટલી સંખ્યા છે, આગેવાનોમાં કોણ કોણ છે, વગેરે માહિતી સુંદરલાલને મળતી રહી.

પરંતુ, છેલ્લા સમાચાર સાંભળીને સુંદરલાલ પોતાના ઓરડામાં આમથી તેમ ચક્કર મારવા લાગ્યા. એ સમાચાર મુજબ સરઘસ આનંદચોક સુધી પહોંચી ગયું હતું અને એમાં દસ હજારથી પણ વધારે લોકો જોડાઈ ચૂક્યા હતા.

આનંદચોકથી સુંદરલાલનો બંગલો બહુ દૂર નહોતો. સરઘસને પહોંચતાં વધુંમાં વધું અર્ધો કલાક લાગે એમ હતો. વળી, સરઘસમાં દસ હજારની સંખ્યા સુંદરલાલના ધાર્યા કરતાં વધારે હતી. આટલી મોટી સંખ્યામાં લોકો સુંદરલાલના બંગલા સુધી પહોંચે એ ઘટના જ સુંદરલાલની લોકપ્રિયતાનું તળિયું દેખાડનારી હતી. વળી, સરઘસમાં જોડાયેલા લોકો અને સુંદરલાલના સેવકો વચ્ચે જો અથડામણ થય તો એનું પરિણામ અવળું આવે એવી સંભાવના પણ હતી જ.

સુંદરલાલ ફોનની બાજુમાં જ ઊભા રહી ગયા. એમનો રાજકીય આત્મા પોકારી પોકારીને કહેવા લાગ્યો કે, ‘આ સંજોગોમાં ભગવાનાજીનો ફોન આવવો જ જોઈએ.’

અને રિંગ વાગી! સુંદરલાલે ઝડપથી ફોન ઉપાડ્યો. એ ફોન ભગવાનજીનો જ હતો.

‘સાહેબ, ભગવાનાજીની સલામ.’

‘સલામ, બોલ.’

‘બોલવાનું તમારે છે. હું તો મોટી ફોજ લઈને આવી રહ્યો છું.’

‘લાઠીચાર્જ થશે અને તારી ધરપકડ થશે એટલે બધું ઠંડું પડી જશે.’

‘’ભૂલો છો સાહેબ. આ વખતની હવા જુદી જ છે. જ્યાં સુધી હું ગરમ છુ ત્યાં સુધી આંદોલન ઠંડું પડવાનું નથી.’

‘તને ઠંડા પડવાની ઇચ્છા છે?’

‘વીસ હજારમાં.’

‘વધારે કહેવાય. પાંચ હજાર બરાબર છે.’

‘તમે મને બે વર્ષ માટે તડીપાર કરાવ્યો હતો એનો દંડ તો ગણો.’

‘પાંચ એના ગણી લે. દસમા હિસાબ પૂરો કર.’

‘તમારા પરથી મુસીબત ટળે એ ખુશાલીનું શું? ખુશાલીના પાંચ તો માંગુ જ ને? મારો હક છે. પંદરમાં હિસાબ પૂરો કરવો હોય તો બોલો. સમય ઓછો છે. ‘

‘કબૂલ છે, પણ હવે તારે આંદોલનની દિશા બદલાવવી પડશે.’

‘એમ જ થશે, પણ તમે જવાબ અત્યારે જ મારી ઘરે પહોંચતો કરો. અહીં થોડું ભાષણ કરીને સરઘસને રોકી રાખું છું. થોડી વાર પછી સરઘસ આગળ વધે ત્યારે પોલીસ હળવો લાઠીચાર્જ કરે એવી ગોઠવણ કરાવો. આઠદસને ઈજા પહોંચે તો વાંધો નહીં, પણ મને મને કાંઈ ન થવું જોઈએ.’

‘બધું વ્યવસ્થિત કરાવું છું. તને પોલીસ પકડીને પોલીસસ્ટેશને લઈ જશે એટલે લોકો પોલીસસ્ટેશને દોડશે. ત્યાં તને છોડાવવા બુલંદ માંગણી થશે, મોડેથી લોકલાગણીનો વિજય થશે અને તારો છૂટકારો થશે. બરાબર?’

‘વાહ સાહેબ વાહ! તમે તો મારા ગુરુ છો. ‘

‘રહેવા દે ભગવાનજી, અત્યારે તો તો મારો ગુરુ નીકળ્યો.’

‘ચાલ્યા કરે સાહેબ, આ તો રાજકારણ કહેવાય.’

સુંદરલાલે ફોન મૂકી દીધો અને એક સેવકને બોલાવીને આગળની કામગીરી સોંપી દીધી.

આનંદચોકમાં ભગવાનજીએ પોતાના એક નાનકડું પણ આક્રમક ભાષણ કર્યું. છેલ્લે હાકલ કરી કે, ‘સુંદરલાલનું આસન ડોલી રહ્યું છે. ડોલતા આસનને બચાવવા એ મરણિયો પ્રયાસ કરશે, પણ આપણે લોહીના છેલ્લા બુંદ સુધી લડી લેવાનું છે.’

ભગવાનજીની હાકલને વધાવતાં સૂત્રોનો પોકાર થયો...

‘ઇન્કિલાબ... ઝિંદાબાદ.’

‘હમ સે જો ટકરાયેગા, સીધા ઉપર જાયેગા.’

‘જોર જુલમ કે ચક્કર મેં, સંઘર્ષ હમારા નારા હૈ.’

‘કદમ કદમ પર લડના સીખો, જીના હૈ તો મરના સીખો.’

‘રોજી રોટી દે ન સકે, વો સરકાર નિકમ્મી હૈ. જો સરકાર નિકમ્મી હૈ, વો સરકાર બદલની હૈ.’

‘હોશ મેં આઓ, હોશ મેં આઓ, સુંદરલાલ તુમ હોશ મેં આઓ.’

સરઘસ આનદંચોકથી જેવું આગળ વધ્યું, એવો જ પોલીસનો લાઠીચાર્જ શરૂ થઇ ગયો.

પછી તો નાસભાગ, ચીસાચીસ, લોહીલુહાણ માથાં, હાકલા, પડકારા, ઉશ્કેરાટ, ઉશ્કેરાટ અને ઉશ્કેરાટ!

ઉશ્કેરાટની વચ્ચે ભગવાનજીની સહીસલામત ધરપકડ!

પોલીસની ગાડીમાં બેસતાં બેસતાં ભગવાનજીએ લોકોને હાકલ કરી : ‘આનંદચોકમાં આજે લોકશાહીનું વસ્ત્રાહરણ થયું છે. આ પોલીસ નથી, સરકારના પગારદાર ગુંડાઓ છે. આ ગુંડાઓ સુંદરલાલના ઇશારે આ શહેરની પ્રજા પર લાઠીઓ વીંઝે છે, પણ હવે એમના પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે. પોલિસ મને ક્યાં લઈ જશે એની મને ખબર નથી, પણ તમે સરઘસ લઈને પોલીસસ્ટેશને પહોંચો. આ શહેરની પોલીસને ભાન કરાવવું પડશે કે, એ પ્રજાની નોકર છે. માલિક નથી.’

વેરવિખેર થયેલા લોકો ફરીથી ભેગા થયા. કેટલાક યુવાનોની આગેવાની હેઠળ ફરીથી સરઘસ નીકળ્યું, પરંતુ એની દિશા બદલાઈ ગઈ હતી. હવે એ સુંદરલાલનાં બંગલા તરફ જવાને બદલે પોલીસસ્ટેશન તરફ વળી ગયું.

પોલીસના લાઠીચાર્જ વખતે ભાગીને કોઈના ઘરમાં ઘુસી ગયેલા પત્રકાર રતિલાલ બહાર આવ્યા. એમના મનમાં, સમગ્ર ઘટનાનો આંખે દેખ્યો અર્ધો અહેવાલ તૈયાર થઈ ગયો હતો. બાકીનો અહેવાલ પૂરો કરવાના ઇરાદે એ પણ સરઘસની પાછળ ચાલવા લાગ્યા.

લોહીયાળ યુવાનોથી શહેરનાં દવાખાનાં ઉભરાવા લાગ્યાં.

સરઘસ શહેરની બજારમાંથી સુત્રો પોકારતું અને દુકાનો બંધ કરાવતું પસાર થયું. સરઘસમાં લોકોની સંખ્યા વધતી ગઈ. એ પોલીસસ્ટેશને પહોંચ્યું ત્યારે સાંજ પાડવા આવી હતી અને પત્રકાર રતિલાલની ભાષામાં કહેવું હોય તો વાતાવરણમાં ‘ભારેલો અગ્નિ’ હતો.

પોલીસ સ્ટેશનની બહર સૂત્રોની રમઝટ બોલી ગઈ...

‘નહીં ચલેગી નહીં ચલેગી, ઠોલાશાહી નહીં ચલેગી.’

‘યે પોલિસ નહીં જોકર હૈ, સુંદરલાલ કે સબ નૌકર હૈ.’

‘મુક્ત કરો મુકત કરો, ભગવાનજી કો મુકત કરો’

‘લાઠીગોલી ખાયેંગે, ભગવાનજી કો લેકે જાયેંગે,’

સુંદરલાલ અને પોલીસખાતા દ્વારા ‘ભારેલા અગ્નિ’ને શાંત પાડવાની ગોઠવણ ઝડપથી થઈ ગઈ. એ ગોઠવણ મુજબ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સુંદરલાલે મોકલેલા સજ્જનો કામે લાગી ગયા હતા.

પોલીસ કાર્યવાહી સામે રજૂઆત, આવેદનપત્ર, લાઠીચાર્જ કરનારા પોલીસો સામે પગલાંની માંગ, વાટાઘાટ, સમજાવટ, શરતો, પોલીસ અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહીની બાહેંધરી, સજ્જનો દ્વારા શાંતિની અપીલ, આ બધાંનાં પરિણામે રાત્રે બાર વાગે ભગવાનાજીભાઈનો છૂટકારો થયો.

જેવા ભગવાનજીબાઈ બહાર આવ્યા કે યુવાનોએ એમને ઊંચકી લીધા. માનવમેદનીએ એમનો જયજયકાર કર્યો. ભગવાનજીભાઈએ યુવાનોની શક્તિને બિરદાવતાં કહ્યું કે, ‘શહેરની યુવાશાક્તિનો આ વિજય છે. સુંદરલાલના ફેંકેલા ટૂકડા ખાઈખાઈને ઉછરેલી પોલીસને શહેરના યુવાનોએ આજે ઝુકાવી દીધી છે. આ ઘટના ખરેખર ઐતિહાસિક છે. હું શહેરના યુવાનોને સલામ કરું છું. આ તેજીલા તોખાર જેવા યુવાનોને જોઈને મારી છાતી ગજ ગજ ફૂલી રહી છે. મને વિશ્વાસ છે કે, સુંદરલાલ ગમે તેટલા ધમપછાડા કરે, પણ આ યુવાનો સામે એણે હાર માનવી જ પડશે. એણે રાજીનામું આપવું જ પડશે. ઈશ્વર સુંદરલાલને સદબુદ્ધિ આપે એ માટે આવતીકાલે આપણે ગાંધીચોકમાં ભવ્ય રામધૂનનો કાર્યક્રમ રાખીશું. આપણા જે સાથીદારો ઘાયલ થયા છે એમની કુશળતા માટે પ્રાર્થના કરીશું અને ભવિષ્યના કાર્યક્રમો નક્કી કરીશું. અત્યારે આપણે છૂટા પાડીએ. ફરીથી આપ સહુને ખૂબ ખૂબ ધન્યવાદ.’

મોડી રાત્રે સુંદરલાલના બંગલે શરાબની પ્યાલીઓથી સેવકોની કદર થઈ રહી હતી ત્યારે, પોલીસના લાઠી ચાર્જથી ઘવાયેલા યુવાનો દર્દથી કણસી રહ્યા હતા ત્યારે, અખબારોમાં ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનના સમાચારો છપાઈ રહ્યા હતા ત્યારે, માંડ એકલા પડેલા ભગવાનજીભાઈ પંદર હજાર રૂપિયાની નોટો ગણી રહ્યા હતા.

[સમાપ્ત]