100 words love stories books and stories free download online pdf in Gujarati

100 વર્ડ લવ સ્ટોરી

100 વર્ડ લવ સ્ટોરી

1 - આંતરદ્વંદ્વ

Aatreyee Joshi

"હા, લગભગ બે દાયકાં થયાં, એ સ્પર્શને..’’ રુડી વિચારે ચઢી.

***

જન્મથી જ એ રુડીરુપાળી. સમયકાળે એ ખીલી અને એનું રુપ નિખરી ઉઠ્યું. ગામ આખું એની પાછળ ગાંડુંઘેલું. પોતે જેની ઉપર બધું ઓવારી જવા તૈયાર હતી પણ એ મૂઓ, એની મોજમાં, અવધૂતની પેઠે શિવાનંદમાં જીવતો.

‘‘લગ્નની પહેલી રાતે, એણે પોતાનું જ્ઞાનપ્રદર્શન કર્યું. સિદ્ધાંત વર્ણવતો જાય અને…પ્રયોગ દર્શાવતો જાય..’’ વાતને બે દાયકા વીતી ગયાં હોવાં છતાં રુડીના ચહેરા ઉપર લાલાશ ઉપસી આવી.

***

‘‘આગળ વધો, બીજા ભક્તોને આવવા દ્યો દર્શન કરવાં.’’ શબ્દો સંભળાયા ત્યારે રુડીને સુધ આવી. પણ મન કહેતું હતું એ સ્પર્શસુખ માનતું નહતું.

‘‘સ્પર્શ ખરેખર એ જ હતો કે..’’

***

2 - વાઘરણ

Akil Kagda

ટોપલો ગુંથવાનું મૂકીને રમલી ઉભી થઇ.

"ક્યાં જાય છે?"

"તારી દવાઓ લેવા."

"નથી જોઈતી.... મને મરવા દે.... આખો દા'ડો કેડ તોડે ત્યારે રોટલો મળે છે, અને પાછી દવાઓ? હવે તો વેચવાનુંય કશું નથી."

રઘલાના મોઢે હાથ દાબીને રમલી બોલી "મારા સમ, જો હવે બોલ્યો તો..."

***

"શેઠ, પૈસા જોઈએ છે..."

"શું લાવી છે?"

"કશું નહિ."

શરાફની લોલુપ નજર ટૂંકી ચોળીમાં માંડ સમાતા રમલીના સ્તનોને પંપાળી રહી, "ઉપર મેડીએ જા...."

***

રઘલો આંખ ખોલીને બોલ્યો "આવી ગઈ? શું વેચી આવી?"

"એક વસ્તુ બાકી હતી તે આજે વેચી દીધી..."

રઘલાએ રમલીને છાતીએ ભીંસીને તેના કાનમાં બોલ્યો "સાલ્લી વાઘરણ..."

અને રઘલાએ છેલ્લી હિચકી લીધી.

***

3 - પ્રેમપંથના મુસાફરો…

Alok Chatt

હું સ્ટેશન પર ઉતરવા જતો હતો અને મારી તેની સાથે અથડામણ થઈ. એની સાથે મોટી ઉંમરનો પુરુષ હતો. મારી સામેવાળી સીટ પર તે બેઠી હતી. તેના નૈન-નક્ષ પરથી હું નજર પરથી હટાવી શકતો ન હતો. એનાં ઉભરેલાં વળાંકો મારી ધીરજની કસોટી કરતાં હતાં. આંખોની રમત ચાલતી રહી. પેલો પુરુષ બાથરુમ જતાં મેં એનો હાથ પકડી લીધો, છોડાવવાની કોશિશ ન કરતાં તે પ્રેમાળ નજરે જોઈ રહી. પગરવ સંભળાતા મેં હાથ છોડી દીધો. તેનાં ઉતરવાના સમયે બંનેની આંખોમાં ઉદાસી પ્રસરી ગઈ. મેં હતાશ થઈ ગયો ત્યાં એ વીજળી વેગે આવી, સીટ નીચેથી રૂમાલ લઈને મારા હાથમાં ચિઠ્ઠી મૂકીને ટ્રેનમાંથી ઉતરી ગઈ.

***

4 - Alpesh Barot

પુસ્તકો ને અલમારીમાં થી વ્યવસ્થિત ગોઠવી રહી પૂજા, હાથમાં એક સંગ્રહ આવી ગયો "પૂજા" જે અભિષેકે તેના માટે લખ્યો હતો,

એક એક શેર એક એક શબ્દો,

કેટલો પ્રેમ નીતરી રહ્યો હતો,

એટલો પ્રેમ,તે મને બેપન્હા ચાહતો હતો, તેની સંપૂર્ણ હું જ હતી, એનું કશું જ નહીં?

શું મૈં તેની સાથે કઈ ખોટો કર્યું?

હું જ આ ઓફીસ, બિઝનેસ, પૈસા પાછળ ઘેલી થઈ ગઈ હતી!

મારે એને સમય આપવો જોઈતો હતો?

ક્યાં હશે એ? શું કરતો હશે?

મૈં એને કેમ છુટા-છેડા આપ્યા.

એ મારી રાહ જોતો હશે.

મારા માટે ગઝલ લખતો હશે.

પૂજાની આંખમાં આશુંઓ ની ધાર વહી રહી હતી..

***

5 - સપનુ- પ્રેમનુ

ANISH CHAMADIYA

હુ પ્રતિકાર કરવાની કોશિસ કરી રહ્યો હતો. ત્યાજ સ્નેહા ના ભાઈએ લાકડા વળે મારા ચેહરા પર પ્રહાર કર્યો. હુ ઢળી પડ્યો, આંખો બંદ થઈ રહી હતી.

સ્નેહા તેના પપ્પાના હાથ માથી પોતાનો હાથ છોડાવાની કોશિસ કરી રહી હતી, અચાનક સ્નેહા તેના પપ્પાને ધક્કો મારીને મારી તરફ દોડી.

મારૂ માથુ પોતાના ખોળા મા લઈને,"હુ તને કશુ નહી થવા દવ, આંખો ખોલ યાર"

"જો તુ નહી ઊઠે તો હુ પણ મરી જઈશ".

અચાનક બંદૂક માથી ગોળી છૂટવાનો અવાજ આવ્યો, અને સ્નેહા મારા પર ઢળી પળી.

તે હતુ તો સપનુ પણ મરી આંખો માથી આંસુ સરી રહ્યા હતા.

***

6 - સુગંધ પ્રેમ ની

ANISH CHAMADIYA

અચાનક મારી નજર તેને શોધવા લાગી, પેહલા જેવી જ સુગંધ હુ મેહસૂસ કરી રહ્યો હતો. ત્યાજ એક અવાજ આવ્યો.

"કેમ છો તુ"

પાછળ ફરીને જોયુ તો, માનશી નાના બાળક સાથે.

હું સમજી ગયો,

જૂની યાદો તાજા થઇ ગઈ, સાથે પ્રસાર કરેલો એક એક ક્ષણ નજર ની સામે તરી રહ્યો હતી,.

અમે બંને થોડી વાર એકબીજાની સામે તાકી જ રહ્યા , પણ બોલવાની હિમ્મત ના થઈ .

તે જઈ રહી હતી, ત્યાજ તે બાળક બોલ્યું "મમ્મી આ પેલા જ અંકલ છે ને જેમનો ફોટો તારી પાસે છે ?"

તેની આંખોમાં આસું હતા.

***

7 -વોટ્સઅપ પ્રેમ

ARUN AMBER GONDHALI

સાત વાગે સામેની બાલ્કનીમાં શ્રેયા બ્રશ કરતી. નિતિનને પહેલી નજરમાં ગમી ગઈ. હિમ્મત કરી નિતિને વોટ્સઅપ ઉપર ફોટો પોસ્ટ કર્યો. નીચે લખ્યું-ફેસબુકની વિગત વાંચી. હું BARC માં છું. સામેના ફ્લેટમાં રહેવા આવ્યો છું.

મુંબઈમાં નોકરીની દિશાઓ વિરુદ્ધ એટલે એકબીજાને પ્રત્યક્ષ મળવાનું થતું નહોતું. ‘વોટ્સઅપ’ બિચારો બંનેને ખુબ મદદ કરતો. પ્રેમમાં રંગાઈ ગયાં. કોર્ટમાં ફોર્મની વિગતના આધારે રજિસ્ટ્રારે કોઈ સવાલ ના કર્યા. સાક્ષીઓની હાજરીમાં લગ્ન થયાં.

ઘરે આવ્યા, શ્રેયા પહેલીવાર નિતિન સમક્ષ બોલી - આપડે ફડવા થ્યા ડઇશું ?

નિતીને પહેલો જવાબ ઈશારામાં આપ્યો. ઠગાયેલાં બંન્ને પ્રેમીઓ ખુબ હસ્યાં. સાચાં પ્રેમીઓ આજે પણ વોટ્સઅપ ટેક્નોલોજીનો ઉપકાર માને છે.

***

8 - મારો આ એક દિવસ કેમ નાં સાચવ્યો

Ashish Chokshi

ડો.મનીષાના પેરેન્ટ્સ ઘણા વર્ષો બાદ તેમના ઘરે જમવા આવવાના હતા. ડો.મનીષાએ મમ્મી-પપ્પાને ગમતું ભોજન, સંગીત જેવી બધીજ તૈયારી કરી હતી સાથે ઘણી વાતો કરીશું તે વિચારથી જ ડો.મનીષા ઘણા ઉત્સાહિત હતા. આજે તેઓ પોતાના ક્લીનીકે ગયા જ ન હતા. તેમના સર્જન પતિ ડો.પિયુષને પણ તેમણે સમયસર ઘરે આવવાનું કીધું હતું. મમ્મી-પપ્પાએ ઘરે આવી જમી લીધું, વાતો કરી અને જવાની તૈયારી કરી તો પણ પિયુષ ઘરે નાં આવ્યા? તેમણે મારે ખાતર થઈ આ એક દિવસ કેમ નાં સાચવ્યો? ક્લીનીકેથી ફોન આવ્યો, બહેન સાંજે ઈમરજન્સીમાં આવેલ અને સાહેબે ઓપરેટ કરેલ પેશન્ટ હવે સંપૂર્ણ સ્વસ્થ છે. ડો.મનીષાનો હાથ ફોન પર જ થીજી ગયો.

***

9 - Ashkk Reshmiya

બાગમાં એક યુગલ હતું. સૂર્યાસ્તને જોઈ યુવતી બોલી:' અયાન, આવતા અઠવાડિયે મારા લગ્ન છે! આપણા પ્રણયને જીવંત રાખીને તુંય લગ્ન કરી લેજે!'

'લગ્ન' સાંભળીને અયાનના હોશકોશ ઉડ્યા.

'હવે, મારું કોણ?'

'અન્ય રસ્તો નથી!'

'કેમ?? તારા અફર વાયદાનું શું?'

'વાયદા નિભાવશું તો મોતને ભેટશું!'

'મારા અસ્તિત્વનું શું ! મારી હયાતીના અસ્તનો સમય પાકી ગયો છે! તારી ડોલી અને મારી અર્થી સાથે ઊઠશે!'

વૈભવી ગભરાઈ! 'બકા,અયાન! માત્ર ત્રણ જ વર્ષના પ્રયણસંબંધમાંથી વિખુટા પડવાથી તું બેહાલીમાં આવી કાયર વાતો ભલે કરતો કિન્તું એકવાર તારા માવતરનું વિચારજે, જેઓ ત્રેવીસ વર્ષથી તારા પર પ્રેમ વહાવી રહ્યા છે. તને મારો પ્રેમ વામણો લાગશે.

'માવતર' સાંભરતા જ પ્રેમિકાનું મન રાખવા જીવતર એમના ચરણે સમર્પિત કરી લીધું.

***

10 - આશ

Ashok Jani

બપોરના તડકાથી બચવા આંખે નેજવું કરી રઘલાએ ખેતરની પાર કાવહી કેડી તરફ નજર કરી પણ રોજની જેમ જ આજે પણ સવલી ના દેખાઈ એટલે સવારના પહોરમાં જાતે ટીપેલા રોટલાનો ડબરો કાઢી તેમાંથી મકાઇના ત્રણ મોટા જાડા રોટલા અને ડુંગળી બહાર કાઢી ગળે ઊતારવાનું શરૂ કર્યું.

લગનના ત્રણ વરસે પૂરા નહોતાં થયાં ને શેઢેથી પાણી વાળતી સવલીને એરુ આભડી ગયો તો, છૈયાં છોરાં હતા નહીં એટલે સત્તાવીશ વરસના રઘલા માટે બીજા માંગા આવેલા પણ એણે નકારી કાઢેલા, સવલીના નામે જાણે એણે જન્મારો કાઢવાનું નક્કી કર્યું હતું,

આજે ત્રીસ વરસના વ્હાણાં વીતી ગયા તોય એને સાવલી આવવાની આશ હતી.. !!

***

11 - અઢી અક્ષરનું ચોમાસું

Avani Badheka

સૌમ્યા રિક્ષામાંથી ઉતરી સીધી પુસ્તકાયલ જવા વાટ પકડી. નિશિથ માટે પુસ્તકો જ જીવવાની પ્રેરણા. અષાઢ બરાબર મધ્યમાં જામેલો. નિશિથ પુસ્તકાલયમાંથી બહાર આવતો હતો, ત્યાં જ વરસાદ તૂટી પડ્યો.

વરસાદમાં પલળતી સૌમ્યાને નિશિથ અનિમેષ નજરે નિહાળતો રહ્યો. અચાનક સૌમ્યાની નજર નિશિથ પર અટકી. નિશિથને ભીતરે હજારો દિવાઓનું ઓજસ એકસામટું ફેલાયું અને પછી રેલાયું! પછી સહિયારા સપનાની સફર શરૂ થઈ. ભીંજાવાની મૌસમ પગરવ પાડતી રહી. સામાન્ય રીતે નિશિથ છત્રી સાથે રાખે, પણ ખબર નહિ કેમ આજે છત્રી ખુલી જ નહીં.... ભીનાશ ભીતરથી જ સ્પર્શી ગઈ. અસ્તિત્વ વૃંદાવનમાં પરિવર્તિત થતાની સાથે ચોતરફ તાજગી વ્યાપી. જે રસ્તો અત્યાર સુધી સિમેન્ટનો હતો તે હવે ફૂલો પાસેથી કોમળતા ઉધાર લઈને બનાવ્યો હોય તેવું લાગ્યું.

***

12 - પ્રેમ બંધન

Banuma Vijapura

પદ્માબેને ધ્રુજતા હાથે પાણીનો ગ્લાસ રમેશભાઈના હાથમાં મૂક્યો. આજ કાલ પદ્માબેન ધીમા પડી ગયાં હતાં. હવે શરીરમાં તાકાત ના હતી.રમેશભાઈ અને પદ્માબેને પંચાવન વરસ પહેલાં પ્રેમલગ્ન કરેલા. એક દીકરો પણ થયો. રાહુલ. રાહુલને ભણાવી વિદેશ મોકલી આપ્યો. રાહુલે ગોરી છોકરી સાથે પ્રેમલગ્ન કરી લીધાં. પદ્માબેન અને રમેશભાઈ અમેરીકા આવ્યાં. પણ રાહુલ અને જેનેટ એમને સાથે રાખવા તૈયાર ન હતા. બન્ને એક સ્ટુડિઓ એપાર્ટમેન્ટમાં રહેવા લાગ્યાં. છેલા બે વરસથી પદ્માબેનને કેન્સર થયું હતું. મારાં પછી રમેશભાઈનું શું થશે એવું હમેશા વિચારતા!! આરામખુરશીમા બેઠેલા પદ્માબેન રમેશભાઈને તાકી રહ્યા. રમેશભાઈ હલન ચલન કરી રહ્યા ન હતાં. હવે પદ્માબેને નીરાતે આંખ બંધ કરી લીધી.

***

13 - પ્રેમ અંજલી

Banuma Vijapura

જેકે મારિયાના કરચલીવાળા હાથ પર હાથ મૂકી સ્મિત કર્યુ. બન્ને હોસ્પીટલના બાકડા પર બેઠા હતાં. ડોકટર રીપોર્ટ આપી ગયાં. મારિયા ફીલીપીનથી આવી હતી. ૪૦ વરસના ત્રાસદાયક લગ્ન પછી ડિવોર્સ લઈ દીકરી પાસે આવી. દીકરીને ખબર પડી કે માં નું હ્ર્દય નબળું છે અને ચાર પાંચ મહીનાથી વધારે નહીં જીવે. મરિયા રોજ બગીચામાં ફરવા જાય!! જેક એને જોયા કરે, બન્નેને દોસ્તી થઈ ગઈ. મરિયા ધીરે ધીરે ખુશ રહેવા લાગી. જેકે લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો. પણ મરિયા એ કહ્યુ મારી ઉમર લાંબી નથી. અંતે જેકની સામે ઝૂકવું પડ્યુ. આજ રીપોર્ટમાં ડોકટરે કહ્યુ કે મરિયા સારી થઈ રહી છે પ્રેમ અંજલીથી!! મરિયા જીવી ગઈ!!

***

14 - પ્રેમ અગ્નિBanuma Vijapura

નજમા અને રવિ કોલેજમાં મળેલા. નજમા મુસલમાન અને રવિ હિન્દુ!! પણ પ્રેમ જ્ઞાતી ક્યાં જુએ છે. ચાર વરસ બન્નેનો પ્રેમ પરવાન ચડ્યો. પણ રવિ નજમાની લાગણીઓ સાથે રમતો હતો. નજમા લગ્ન માટે જ્યારે પણ વાત કરતી રવિ એક યા બીજા બહાને વાત ઊડાડી દેતો. નજમાના પપ્પા તૈયાર હતાં પણ રવિ ક્યા સીરીયસ હતો.એક દિવસે રવિ નજમાને મળવા આવ્યો. બન્ને વચે કૈંક દલિલ થઈ અને નજમાએ વરંડામાં જઈ પોતાના પર કેરોસીન છાંટી દિવાસળી ચાંપી દીધી.. નજમા હમેશ માટે દુનિયા છોડી ગઈ. હવે રવિને નજમાની મહોબતનો અંદાજ થયો. એ વાતને ૪૫ વરસ થયાં. હવે એક સફેદ દાઢીવાળૉ માણસ નજમાની કબર પર રોજ શમા જલાવે છે.સપના વિજાપુરા

***

15 - Bhargav Patel

“અભયનો પ્રેમ સ્વીકારીશ તો જિંદગીભર મારે જમીન પર ચાલવું નહિ પડે, ઘરવાળી થવું મને નહિ ગમે”, કાવ્યાએ શિવમને કહ્યું.

“આપણા સંબંધનું શું?”

“આપણે સાચા દોસ્ત હતા ને રહીશું. તું મને પ્રેમ કરે છે પણ મને એવી લાગણી નથી”

“છે, પણ કશાક તળે ધરબાયેલી છે”

બંને છુટા પડ્યા.

અભય-કાવ્યા પરણ્યા. એની ડ્રગ્સ અને જુગારના નશાની જાણ કાવ્યાને પછીથી થઇ.રોજેરોજ ત્રાસ અને મારપીટથી કંટાળીને કાવ્યાએ છુટાછેડા લીધા.

પગભર થવા ડીગ્રીના આધારે એક સંસ્થામાં જોડાઈ. પહેલી એમ્પ્લોયી-ચેરમેનની મીટીંગમાં શિવમ સંસ્થાના ચેરમેન તરીકે મળે છે.સમાપન પછી કાવ્યા અશ્રુપ્રવાહ રોકી શકી નહી.

“મને ખબર હતી કે પ્રેમ કશાક તળે દબાયેલો હતો”,શિવમે એના ખભે હાથ મુક્યો.

***

16 - ચોમાસાનો પ્રથમ વરસાદ

Bipin Agravat

આજે પણ જ્યારે ચોમાસાનો પ્રથમ વરસાદ આવે છે ત્યારે તારી સાથેની એ મુલાકાત નજર સમક્ષ તરવરવા લાગે છે. આમ તો મને વરસાદમાં પલળવું ઓછું ગમે, પણ ત્યારે તારો મેસેજ આવ્યો કે, 'બહાર વરસાદ આવે છે, ચાલોને સાથે પલળતાં-પલળતાં કોઈ સ્થળે ફરવા જઈએ ?' અને હું તને 'ના' ન કહી શક્યો. તારી સાથે પ્રથમ વખત વરસાદમાં પલળ્યા પછી અવારનવાર હું તારી યાદો સાથે પલળતો રહ્યો અને ચોમાસું પૂરું થતાંની સાથે જ મારા હૃદયની લાગણીને મેં તારી સમક્ષ રજૂ કરી. ત્યારે તેં એ સંબંધ શક્ય ન હોવાથી કાયમ માટે સંપર્ક તોડી નાખવા જણાવ્યું અને આપણે એકબીજાથી દૂર થઈ ગયા. ખરેખર, તારો નિર્ણય સંપૂર્ણપણે આપણા પરિવારોના સામાજિક મોભા માટે યોગ્ય સાબિત થયો પરંતુ આજે પણ પ્રથમ વરસાદ આવતાંની સાથે જ આંખો વરસવા લાગે છે અને એને સંતાડવા હું વરસાદમાં પલળવા જતો રહું છું...

***

17 - Chetan Gajjar

"તો તારા હિસાબે પ્રેમ શુ છે?" રોહન

"રોમાન્સ, સરપ્રાઇઝીસ, આઝાદી અને......" પ્રિયા

અને શુ?"

"અમન કુસુમને કોઇપણ વસ્તુ માટે ના નથી પાડતો, 1000 માંગે તો 10000 આપી દે છે"

"અમન બીઝનેસમેન છે અને હુ લેખક, સરખામણી શક્ય નથી"

સરખામણી એટલે પ્રેમને થતો પેરાલીસીસ

***

"કુસુમ એક મહિનો સખત બીમાર હતી પણ અમન નર્સને મુકીને ફોરેન ટૂર પર ચાલ્યો ગયો અને તુ તો મને મુકીને એક મીનીટ પણ દૂર જતો નથી બીમાર પ્રિયા રડમસ આંખે રોહનને ભેટી પડી

પ્રેમ તો બધા કરતાજ હોય છે, જેની પાસે જે વધારે હોય તે આપે

અને જેની પાસે કંઇજ નથી એમના માટે જીંદગી ટકાવવી એ પ્રેમ છે

***

18 - બસસ્ટેન્ડ!

Chiman Patel

બસસ્ટેન્ડપર ઉભો હતો ત્યાં કલ્પનાનુસાર યુવતિ બસ માટે આવતી જોઈ! બસ આવતાં એને વધુ નિહાળવા પર પડદો પડી ગયો!

મકાનની ઓસરીના બારણે ઉભો’તો ત્યાં ઝાંપો ખોલવાના અવાજ્થી નજર જતાં એ યુવતિને જોઈ! મારી નજીક આવી એણે પૂછ્યું; ‘દિવાળીબેન છે?”

“ના, નથી!” અને એ પાછી વળી ગઈ!

દેવાળીબેન આવતાં મેં એ યુવતિ વિશે જાણી લીધુ! અને એણે ફોન કરી મારા વિશે!

હું ગરીબ ને એ તવંગરના કારણે લગ્ન શક્ય નો’તા!

એથી, અભ્યાસાર્થે હું અમેરિકા ગયો! ભણી, સ્થાઈ થઈ, એને વિઝિટર વિઝાપર બોલાવી, લગ્ન કરી સહુને વાકેફ કર્યા!

સૌના અભિનંદનો મળવા શરું થયા!

***

19 - Darshita Dangrechiya

દરિયાપૂરની પોળમાં હું રથયાત્રા જોવા ગઇ હતી. સો ખટારાઓ, અઢાર હાથીઓ, નવ ઘોડાઓ, અખાડા, અને ત્રણ રથ જોવાની મજા આવી. ખટારામાથી બધા અમારા પર ચોકોલેટ ફેક્તાં હતા. અચાનક એક ખટારામાથી મારી બાજુમાં ઉભેલા દાદી પર જાણે ચોકોલેટનો વરસાદ થતો હતો. અને દાદી ખટારા તરફ જોઈને મલકાયાં. મારાથી રહેવાયું નહિ અને મે એમને પૂછી લીધું, કે "દાદી, બધી ચોકોલેટ તમારા પર જ કેમ વરસી રહી છે ?" દાદીએ કહ્યું. "બેટા, જો પેલા છે, એ તારા દાદા છે, અમે પહેલીવાર આમ જ રથયાત્રામાં જ મળ્યા હતા. એ વખતે પહેલા અમારી નજર મળી હતી, અને જ્યાં સુધી મારા હાથમાં ચોકોલેટ નહતી આવી ત્યાં સુધી એમણે મારા પર ચોકોલેટ નાખી હતી. અને આજે અમારા લગ્ન પછીની અમારી પચાસમી રથયાત્રા છે.

***

20 - ઝલક

Dharmesh Gandhi

મારી નજર તો રોજ ત્યાં જ મંડાયેલી રહેતી. એ સમય મેં બરાબર સાચવ્યો હતો.

રોજ ગેલેરીમાં એનાં ભીના ‘કર્લી’ વાળ સૂકવવા આવતી. બસ એ એક ઝલક માટે હું હંમેશા વ્યાકુળ રહેતો. ક્યારેક હું હાથ હલાવતો; એનું ધ્યાન મારી તરફ આકર્ષવાની કોશિશ કરતો. એ સ્મિત વેરતી ઓઝલ થઈ જતી.

એક દિવસ એણે... એનાં વાળ સાથે બંને હાથ પણ હવામાં લહેરાવ્યા.હું લગભગ મૂર્છિત થયો.

થોડી વાર બાદ...

"સામેવાળા દીદીએ આપ્યું..." એક નાનો છોકરો મોટું પરબીડિયું મને આપતા બોલ્યો.

ઉપર લખ્યું હતું : ઝલક વેડ્સ નયન

હવામાં લહેરાઈ ઊઠેલા એનાં બંને હાથોની મહેંદીની ખુશબો મેં અનુભવી, ને એક હળવું સ્મિત હવામાં રેલાયું.

***

21 - રેડ એન્ડ બ્લેક

Dharmesh Gandhi

મારી સાથળ પર મેં એની આંગળીઓનો સ્પર્શ માણ્યો. મેં ઉંહકારોયે ન કર્યો. નિષ્ક્રિય પડી રહી. હું સમજી શકું છું- એની પર શું વીતી રહ્યું હશે.

વીસ વર્ષ પૂર્વે મારાં 'બ્યુટી સ્પોટ'ને સહેલાવતા બોલ્યો હતો, "દરેક ખૂબસૂરત છોકરીને સાથળ પર 'રેડ-તલ' નથી હોતો!"

હું ઉત્તેજનાવશ બોલેલી, "દરેક લવરબોયને હૃદય પર 'બ્લેક-તલ' નથી હોતો!"

મૂર્છાવસ્થામાં ઓપરેશન-થિયેટરના ડૉકટરોની ગુસપુસ સંભળાઈ- "અકસ્માત ગંભીર છે. પોઇઝનને પ્રસરતું અટકાવવા પગ કાપવો પડશે.."

એણે કંપતા હાથે મારી સાથળ પર ઊંડો કાપ મૂક્યો. હું સમજી શકું છું- એની પર શું વીતી રહ્યું હશે. કદાચ એવું જ- જ્યારે વીસ વર્ષ પૂર્વે એના હૃદય પર બેવફાઈનું ખંજર ચાલ્યું હતું...

***

22 - પહેલી નજર

Dharmesh Gandhi

એ એકીટશે મારી તરફ જોઈ રહી હતી. કોઈક ઐશ્વર્યરૂપી આંખોની મારી તરફની આ પહેલી અપલક નજર હતી. હું પણ આકર્ષાયો.

ખૂબસૂરત તો એ હતી જ... સાધના જેવી 'હેર-સ્ટાઇલ'થી લઈને, મધુબાલાનાં મારકણા સ્મિતને શોભાવતી, પાકીઝા જેવા પગની પાની સુધીની ખૂબસૂરતી એનાંમાં છલકાતી હતી. એની આંખોમાં એક કશિશ હતી. હું સંમોહિત થયો; રોમાંચિત થયો; કાજળઘેરી આંખોમાં ડૂબ્યો, ને લગભગ એનાં પ્રેમમાં પડ્યો - સમજો કે પટકાયો!

એટલામાં એની સહેલી આવી. એને સહારો આપીને ઊભી કરી. એનાં હાથમાં હળવેથી 'વોકિંગ સ્ટીક' પકડાવી. એ તો પલક ઝબકાવ્યા વગર આગળ વધી ગઈ, પરંતુ, ચારેય આંખોની નજર હજુયે સ્થિર...

એની પહેલી નજરનીપહેલીમને સમજાઈ!

***

23 - જે થાય છે એ સારા માટે જ થાય છે ..

Dhaval Suthar

જો સમજ હવે આપણે આગળ નહીં વધી શકીએ !

તું પણ આ વાત જેટલી વહેલી સમજી જાય એટલું વધુ સારું છે.

આટલું કહી સ્તુતિ સ્પર્શ સામે તાકી રહી.

"આપણે એકમેક ને ચાહિયે છીએ , સાથે રહેવાનાં સપના સેવીએ છીએ. હવે માત્ર આ કુંડળી નથી મળતી આપણી એટલે ?

બસ માત્ર આ જ કારણ થી આપણે અલગ થઇ જઇએ?"

તારા હૃદય સુધી પહોંચતા કોઈ ગ્રહો નાં નડ્યા,

તને લાગે છે સાથે રેહવા થી નડશે?

સ્પર્શ એકી શ્વાસે બોલી ગયો.

હું કંઈ નથી જાણતી !

ઘરે પણ બધા ની આ જ મરજી છે સ્પર્શ અને

જે થાય છે એ સારા માટે જ થાય છે..!

***

24 - આખરી ઊડાન

Dinesh Jani

ધર્મ, ભાષા, જ્ઞાતિ.. અલગ પણ એકજ ફર્મ માં જોબ કરતા સમ્યક્-અંશિકા ની આત્મિયતા, નાના માછલી ઘર ની ભેટ થી પ્રેમ માં પલ્ટાઈ ગ્ઈ.

છ માસ માં દાર્જિલિંગ, સીમલા, શ્રી નગર ની વાદીઓ માં ફેરવી હતી.

કેન્સરગ્રસ્ત અંશિકા ને પ્રસન્ન રાખવાજ, મરીના બીચ ના દરિયા ઉપર સમ્યકે પેરાશૂટ જમ્પ લગાવ્યો હતો… આખરી.

કારણ તે’દિ પેરાશૂટ નો ક્લેમ્પજ ના ખુલી શક્યો.. બચાવવા ના બધા પ્રયત્નો નાકામ રહ્લા, ખેલ ખતમ.

તેજ રાત્રે સમ્યક ના ઘરના એક્વેરિયમ ની બન્ને માછલીઓ મરી ગઈ હતી.. બન્નેના માં-બાપ, સ્નેહી, મિત્રો ખુબ રડ્યા.

કોલેજકેન્ટીન, બાગ, દરિયા કિનારા ના ખડકો સુનમુન,, નિરવ હતા.

બસ આકાશ માં બે નવા તારલીયા ટમટમતા નજીક આવી રહ્લા નો ભાસ થતો હતો…

***

25 - છેલ્લી પરીક્ષા

Dipesh Barot

MBAના છેલ્લા વર્ષની પરીક્ષા ચાલુ હતી આજે છેલ્લું પેપર હતું. ક્લાસમાં ત્રીસ વિધાર્થી અને એક નિરીક્ષક હતા. બધા ઊંધું માથું ઘાલીને લખવામાં વ્યસ્ત હતા આકાશ સિવાય. આકાશ મનોમન આગળના કલાકોમાં શુ કરવું છે એ વિષે વિચારતો હતો.

“આજે તો કહી જ દેવું છે અવનીને લવ યુ, પછી ભલે ગમે તે થાય”

ત્યાં જ પહેલી બેંચેથી અવનીએ ઈશારો કર્યો, ”આ સવાલ આવડે છે?”

આકાશે આખી ઉતરવહીમાં “ILU અવની” લખીને તેના સુધી પોહચાડી દીધી.

અવનીએ પણ એક ઉતરવહી આકાશ તરફ મોકલાવી જેમાં લખ્યું,” પહેલા પેપર પૂરું કરી પાસ થઈ જા તો લવ ય-ટુ, નહિતર બાય બાય”

પછી તો આકાશે કઈ પેપર લખ્યું....

***

26 - મારી હિરોઈન

Dipesh Barot

“રાજુ તને સૌથી વધારે કઈ હિરોઈન ગમે, શ્રધ્ધા કે આલિયા ?”, નમ્રતાએ રાજુના હાથને પોતાના હાથમાં લઈ પૂછ્યું.

“મને તો ઓલી હિરોઈન ગમે ઓલી છે ને “, રાજુ હિરોઈનને યાદ કરવાનો પ્રયત્ન કરતો હોય એવું લાગ્યું..

“કઈ પ્રિયંકા કે દિપીકા?”

“અરે નાં રે ઓલી કાળી કાળી આંખ છે ને ઈ”

“કોણ બિપાશા, મલ્લિકા?”

“ના રે જરાક આમ થોડીક જાડી છે ને ઈ”

“કોણ સોનાક્ષી કે વિદ્યા”

“અરે નાં ઈ નહી, જેનું નામ N થી શરુ થાય છે ને ઈ”

“નરગીસ, નેહા શર્મા કે ધૂપિયા?”

“ના ઈ પણ નહી ઈ છે મારી ‘નમ્રતા’”

નમ્રતાએ વ્હાલ ભર્યું ચુંબન રાજુના ગાલ પર કર્યું.

***

27 - એક્સ્યુઝ મી

Divyakant Pandya

બંને સામસામેથી આવી રહ્યા હતા. એ હતી પહેલા વરસાદની માટીની ખુશ્બુ જેવી. અને તે હતો વરસાદમાં પલળવા આવી રહેલો મુશ્તાક. માટીની ખુશ્બુ તો આગળ વધી ગઈ પણ મુશ્તાક ત્યાં જ અટકી રહ્યો. કદાચ તેની ખુબસુરતીએ ડગલા પર કબજો જમાવી દીધો હશે. તેના પગ આપોઆપ પાછળની તરફ ચાલવા લાગ્યા. માટીની ખુશ્બુએ એક્સ્યુઝ મી સાંભળ્યું. તેણે પાછળ ફરીને જોયું.

શું હું તમારો એક ફોટો પાડી શકું?

કેમ?

કેમ કે મારાં દોસ્તો વિશ્વાસ નહીં કરે કે હું એક આટલી ખુબસુરત છોકરીનાં પ્રેમમાં કેદ થઇ ગયો છું.

શું એ ફોટો હું તમારી સાથે પડાવી શકું?

ચાર પાનીઓ એકસાથે એક દિશામાં ચાલવા લાગી.

***

28 - શાયરી

Divyakant Pandya

તેઓ બંને એકબીજાને ખચકાતાં ખચકાતાં મળ્યા. થોડી પળો અને ખામોશી પસાર થઇ.

શા માટે મને અહીં બોલાવી?

બસ હવે બહુ વખત થઇ ગયો આપણે.

તો?

તો હવે બોલી નાખીએ.

તારે શું સાંભળવું છે મારી પાસેથી?’

ખબર નહીં.

કેમ?'

'કેમ કે મને આટલા વખત પછી પણ આ મુલાકાત પર વિશ્વાસ નથી બેસતો.

છતાં.

કહે કે, હું ફક્ત તારી શાયરી બનીને નથી રહી જવા માંગતી.'

'હું ફક્ત તારી…'

વાક્ય પૂરું કર્યા વિના જ એ ગળે વીંટળાઈ ગઈ.

***

29 - ધડકન

Falguni Parikh

નરીમાન પોઈન્ટની એ વરસાદી સાંજ આરવ અને ઈલા માટે ઉન્માદી બની રહી હતી. બંને એક બીજાના સ્નેહથી તરબોળ વરસતા વરસાદમાં ભીજાતા એ સુખદ પળોનો આનંદ ઉઠાવી રહ્યા હતા ત્યારે પૂરઝડપે આવતી બી. એમ. ડબલ્યુ કારની ટકકરે ઈલા અને આરવ ઊછળીને રોડ પર પડયા અને,,, આરવની બેહોશીની તંદ્રા બ્રીચકેન્ડી હોસ્પિટલમાં ખૂલી, ચારે બાજુ નર્સો અને ડોકટરોના કાફલા જોઇ યાદ કરવાની કોશિશ કરી -ઓહ, ઈલા માય કોસ્મિક લવ વ્હેર આર યુ? તેના શબ્દો અબોલ રહયા આંખો એને શોધતી રહી. જયારે ખબર પડી ત્યારે ઈલાનું હ્રદય એક નાના બાળકની ધડકન બની ધબકી રહયું હતું!

***

30 - દેવીGautam Thummar

મંજરી – “તારી ખુશી નું કારણ કંઈક બીજું જ છે. આટલી ખુશ મેં તને ક્યારેય નથી જોઈ.”દેવી – “બીજું તો શું કહું?? અત્યારે સુધી મેં ઘણા મર્દો સાથે સહશયન કર્યુ હશે પણ આ બધા થી અલગ જ હતો.”મંજરી – “પણ તારા ખુશ થવાનું કારણ આ તો નથી જ જણાતું “દેવી – “મંજરી એણે મને તૃપ્ત કરી છે. એક વેશ્યા ને તૃપ્ત કરવાનો મતલબ તો જાણે છે ને તું? મને સુખ ની સીમા સુધી લઇ જનારો એ પુરૂષ જ મારી ખુશી નું કારણ છે.”મંજરી – “પણ આ ખુશી કંઈક અલગ જ છે. તું તારા દિલ ને જ પૂછ.”દેવી - "મંજરી, શું હું એના પ્રેમ તો નથી ને ? "મંજરી એ હસતાં મોઢે ‘હા’ પાડી અને દેવી નો ચહેરો પ્રેમ નું નામ સાંભળતા જ કંઈક વધારે જ ખિલી ઉઠ્યો.

***

31 - Hardik Raja

જય અને મેં ત્રણ વર્ષ થી લગ્ન કર્યા પણ અને ૭ વર્ષ થી સાથે છીએ. અમે બન્ને એક સંસ્થા માં મળ્યા હતાં જે ફીઝીકલી ચેલેન્જડ બાળકો ને ભણાવતી હતી.. તે ત્યાં કોમ્પ્યૂટર શીખવતો અને ગીટાર એનો શોખ હતો. હું ત્યાં અંગ્રેજી શીખવતી હતી. ત્યાં એક દિવસ ક્રિએટીવ વસ્તુ બનાવવા માટે પણ રખાયો હતો. અમે લોકો ને ટીન કેન અને દોરા થી ટેલીફોન બનાવી વાત કરી શકાય તે શીખવતા હતાં. મને ત્યારે જ તે પસંદ આવી ગયો. વર્ષો પછી અમારી બન્ને ની મમ્મી ની વાતો થી ખબર પડી કે અમારો જન્મ એક જ હોસ્પિટલ માં થયો હતો. It’s true love.

***

32 - "ભેટ"

Hardik Raval

લગ્ન ની વીસમી વરસગાંઠે મહેન્દ્રભાઈ એ પોતાની જીવનભર ની બચત માંથી પત્ની સુમિત્રાબેન ને થોડા દિવસ પહેલા જે મોંઘા સોનાના હાર ની ન્યુઝપેપર માં જાહેરાત જોઈને એકલા એકલા હરખાતા હતા અને લેવાની કલ્પના કરતા હતા તે હાર લઈ આપ્યો..

.....અને સુમિત્રાબેને મહેન્દ્રભાઈ ને રોજ નોકરીના સ્થળે જવા માટે ભીડવાળી બસમાં અપડાઉનથી લાગતાં થાક ને અનુભવી ને પોતાના લગ્ન ના ઘરેણાં વહેંચી ને એક્ટિવા ગિફ્ટ આપ્યું..

અને બન્ને એકબીજા ની ગીફ્ટ જોઈ ને હર્ષ ના આંસુ સાથે એકબીજાને ભેટી પડ્યા.

***

33 - સાત ફેરા

Hitendrasinh Parmar

“બેટા, અમે અમારી દીકરી નો ભાર તારા માથા પર નાખવા નથી માંગતા”

વર્ષા ના મમ્મી પપ્પા અને સુકેતુ વચ્ચે વાત ચાલી રહી હતી.વાત એમ હતી કે બે મહિના બાદ વર્ષા-સુકેતુ ના મેરેજ થવાના હતા અને દસ દિવસ પેહલા જ અકસ્માત માં વર્ષા પોતાના બંને પગ ગુમાવી ચૂકી હતી.

“આન્ટી,ભાર વસ્તુ નો હોય માણસ નો નહીં”

“તો પણ એક વાર તું વિચાર...”

“હું અને વર્ષા એ દિવસ થી પતિ-પત્ની છીએ જે દિવસ થી અમે એક બીજા સાથે રહેવાનું વચન આપેલું,આ લગ્ન અને સાત ફેરા તો ઔપચારિકતા માત્ર છે”

લગ્ન મંડપ માં સુકેતુ વર્ષા ને હાથોં માં ઉઠાવીને સાત ફેરા લઈ રહ્યો હતો...તેમના પ્રેમ ના વર્તુળ સામે આ સાત વચનો ના મંત્રોચ્ચાર બિંદુ સમાન હતા.

***

34 - મારા જીવન નો સુંદર પળ

Ishani Raval

શિવ"માય લવ,તને જયારે પ્રથમ વાર દેખી ત્યારે જ મારી નજર તારા પર થી હટાવી ના શક્યો. અને મારૂ દિલ સ્પીડ માં ધડકવા માંડ્યું હું પ્રેમ માં માનતો ન હતો પણ તને મળ્યા પછી બદલાઈ ગયો તું મારુ સ્વપ્ન છે હું નસીબદાર છું જે તું મળી અને હવે તું મારી છે થૅન્ક યુ મારા જીવન માં આવા માટે હું વચન આપું છું કે હું હુંમેશા વફાદાર રહીશ નાના સપના પુરા કરીશ. તારો સાથ આપીશ તને સમજીશ. તને જોઈ ને જ મને ખબર પડી ગઈ કે મને જાણે મારા દિલ માટે ઘર મળી ગયું. આઈ લવ યુ."અમે ભેટી પડ્યા અને સમય જાણે ત્યાં જ થંભી ગયો.

***

35 - તરસ્યો સંગમ.....

Jasmin Bhimani

"રામ-નારાયણ કોણ?" મેડમે સરકારી દમાકથી પુછ્યું

"અનાથઆશ્રમનાં સર્વસ્વ!, આવતા જ હશે આપ ઓફીસમાં બેસો" પટ્ટાવાળાએ નમ્રતાથી કહ્યું.

થોડીવારમાં બહાર સ્કૂટરનો અવાજ સંભળાયો, રામ આવ્યો! સંગીતા દોટમુકી તેને વળગી પડી. વર્ષોબાદ વિખૂટા થયેલ પ્રેમીઓ એક બીજાનાં આગોશમાં ખોવાયા.

"આવા ખંડેર જેવા શરીરને તું ઓળખી ગઈ?"

'ના, તારા કબાટમાં પ્રેમથી જતન કરેલ મારા નુપુર, ઢીંગલીને હું પીછાણી ગઈ"

બે હૈયા વલોવાતા રહ્યા જાણે વીસ વર્ષનાં વિરહને વસુલવા! પ્રેમાંધ આલિગનનાં શાક્ષી અનાથ ભૂલકાઓ બન્યાં, આજ તેઓની માતૃત્વની ઝંખના પરિપૂર્ણ થવા જઈ રહી હતી.

"આસમાની સાડીમાં તું સુંદર લાગે છે"

"તું ફેસબૂકમાં!?" પ્રેમથી મારેલ ધબ્બાએ રામનાં તમામ કેન્સરગ્રસ્ત બેકટેરીયાઓ હણી નાંખ્યા!

***

36 - મનની માન્યતા..!!

Jay Gohil

એ દિવસથી માન્યતાને મન ઉપર ગર્વ થઇ ઉઠ્યું, તેની આંખો છલકાઈ ઉઠી, પ્રેમ બમણો થઇ ઉઠ્યો, જે દિવસે તેની સગાઈના બરાબર બે મહિના પછી અમદાવાદથી સુરત આવતી ટ્રેન અકસ્માતને લીધે માન્યતા હોસ્પીટલમાં હતી, ચાર દિવસ પછી તેને હોશ આવ્યો ત્યારે તેની બાજુમાં પડેલા સ્ટુલ પર મન તેના હાથને પકડીને, હાથને ચૂમીને સુતો હતો. મનની આંખ ખુલી માન્યતા સામે પ્રેમભર્યું સ્મિત આપ્યું, માન્યતાનાં કપાળને ચૂમ્યું ને કહ્યું “આઈ એમ ઓલવેયીઝ ધેર ફોર અસ”. માન્યતા તેના પગને અને પગના હલન ચલનને અનુભવી શકતી નોહતી પણ અનુભવતી હતી માત્ર મનને, મનનાં સાફ અને નિશ્વાર્થ દિલને, મનની ચાહતને અને મને આપેલા તેમના પ્રેમના જીવનદાનને.

***

37 - પ્રણયની પ્રીત

Jay Raval

“તારી સાથેના લગ્ન, મારા જીવનની સૌથી મોટી ભૂલ છે.... અરે મારી જીંદગીના ૩૦ વર્ષને મેં ગુમાવ્યા છે.....” પ્રીતના આ વાક્ય સાંભળીને હચમચી ગયેલો પ્રણય અચાનક જ સ્વસ્થ થયીને જાણે કંઈ જ બન્યું ના હોય એમ ચાલ્યો ગયો....

પ્રીતના હાથમાં એમની જૂની ડાયરીનું પાનું અને કરમાયેલું ગુલાબ આવ્યું, “આજથી બંને જીવીશું ત્યાં સુધી, મારું-તારું, સારું-ખરાબ, ભૂલ-ચૂક બધું જ આપણું છે, અને જયારે પણ એ તારું-મારું થશે ત્યારે, આ ગુલાબ નું ફૂલ એને આપણું કરવાની અને માનવાની સાક્ષી રહેશે...”

આંખનું આંસુ નીચે રાખેલા તાજા ગુલાબ પર પડ્યું અને પ્રણયે લાવેલાં એ ગુલાબથી મુરજાયેલો પ્રેમ ફરીથી મહેકી ઉઠતાં જ પ્રીત પ્રણયમય થયી ગયી....

***

38 - Jayanee Joshi

લવચેટ ચાલી રહી હતી..

અએ પોતાનું સ્ટેટસ્ લખવા ચેટબોક્સ ખોલ્યું.

Love.

અઢીથી ચાર અક્ષર પહોંચ્યા,

‘‘પ્યાર તો હોના હી થા...’’

સામે નોટિફિકેશન્સ ઝબક્યાં.

***

સામે જેવું સ્ટેટસ્ નોટિફિકેશન મળ્યું કે

તત્ક્ષણ એણે ચેટબોક્સ ખોલ્યું, જોયું અને વાંચ્યું.

જવાબી સ્ટેટસ્ લખવા એની માનસિક તૈયારીઓ હતી જ.

‘‘Love love love..

છે છતાં પણ

લવ, સેક્સ ઔર ધોકા...’’

***

અએ જવાબી સ્ટેટસ્ ખોલ્યું, વાંચ્યુ અને પ્રતિભાવ્યું.

O my love

ડીલીટ...

સમ મેમોરીઝ...

યુ નો વેરિ વેલ કી, પ્યાર ઝુકતા નહીં..

***

એણે ફરીથી ચેટબોક્સ જોયું, મેસેજ વાંચ્યો અને વ્યાખ્યા કરી..

L લખ્યોને laughed

O લખ્યોને Ohooooooo

V લખ્યોને viewing

E લખ્યોને end, The End.

***

39 - પત્રો…

Jayshree Patel

વાંચતા શ્રી ની આંખો નરમ થઈ ...છોત્તેર ની સાલ માં આ લખાયેલા આ પત્રો નું પુનરાવર્તન થયું વોટ્સપ ના ચેટ પર અને મને લીધો નિર્ણય ના બિચારા બની હવે નહિ જીવાય… એજ શબ્દો ને એ જ એકરાર ને છતાં ડરપોક એ પુરૂષ.. દુનિયા સાથે આગળ વધી ને નડરતી એ સ્ત્રી ફરી શબ્દો ની માયાજાળ માં .…ના ના ક્યાંક તો never been there ...!! શા માટે ?? બધુ જ શરતો પર ને ફરી મહાન "ત્યાગ" ના..."હુ" મારૂ અસ્તિત્વ.. નહિ જછોડું કરી નરમ આંખો ની એ મક્કમતા એ દર્પણ મા પડતું પ્રતિબિંબ ને એ પત્રો ની ગડી માવજત થી કરી "શ્રી" એ કલમ ને ફરી તેના અસ્તિત્વ ની કેડી પર રમતી મૂકી દીધી ને પ્રસન્ન ચિત્તે સવાર ના નવા સૂર્યોદય ની રાહ જોતા પલક ઢાળી દીધી....!!! શ્રી

***

40 - મૈત્રી

Jugal Kishor

સંજય અને ચિત્રા સાવ નાનપણથી જ સાથે મોટાં થયેલાં. બન્ને કુટુંબો સામસામે જ રહે. ઘુંટણભેર ચાલતાંય સાથે જ શીખેલાં.

રમતરમતમાં એકબીજાનો હાથ પકડવાનું થતું, તે છેક કૉલેજ સુધી ચાલુ રહેલું – સાવ સહજ ભાવે. કૉલેજ પછી સંજયનું વિદેશ જવાનું ગોઠવાયું...વિઝાની કાર્યવાહી બન્નેએ સાથે મળીને કરેલી. બન્નેનાં લગ્ન પછી ચિત્રા પણ જશે.

એવામાં જ તત્કાલ હાજર થવાનો આદેશ અને ટિકિટ આવી જતાં ચિત્રાને સરપ્રાઈઝ આપવા તે ગયો. અંદર કોઈ યુવાન સાથે થતી વાત સાંભળી.

“પણ સંજય બહુ દુખી થશે.” – ચિત્રા.

“પણ તારી ઇચ્છા....” – યુવાન

“ઇચ્છા તો છે પણ....સંજય....”

બિલ્લીપગે સંજય નીકળી ગયો. પચ્ચીસ વર્ષે પહેલીવાર જ તે લાંબી મુસાફરી એકલો કરશે.

***

41 - કયા સંબંધે?

Kalpana Raghu

કબાટમાંથી તારા સુહાગણના શણગારનું પોટલુ કાઢયું!“પ્રિયે, મને છોડીને તુ ક્યાં ચાલી? ૬૦ વર્ષ પહેલાં, જીવન સરિતાનાં ખળખળતા વારિમાં મને હારીને તારા પર વારી ગયો'તો. આર્યસમાજમાં લગ્ન કર્યા. દુનિયાદારી નિભાવી. પરિવાર માટે વિશાળ બંગલો બનાવ્યો. ઝૂલતો હીંચકો અને રળિયામણો બગીચો! અંતે હું એકલો રહ્યો! એક ખંડમાં આજે તારો ચોકો બનાવ્યો. તને સુવાડી, સજાવીને પૂછુ છું, તેં કેમ સાથ છોડ્યો? શી ઉતાવળ હતી? આ અસાર સંસારમાં તુ ત્યાં, હું અહીં! એક પળ પણ ના ચાલે તારા વગર ... આ સ્વાર્થના સંબંધોના બંધન ફગાવીને હું આ આવ્યો તારી સાથે. નિજ ધામમાં પહોંચીને માધવને પૂછીશું ... તેં મેળવ્યા'તા કયા સંબંધે!?...કયા સંબંધે!? … ”

***

42 - પહેલી નજર નો પહેલો પ્રેમ

Kalpesh Chauhan

મારો ઓફિસ માં આજે બીજો દિવસ હતો.મારાં જેવાં બીજા એમ્પલોઇસ ની હું રાહ જોતો હતો.

ત્યાંજ એક છોકરી ઓફિસ માં પ્રવેશી. એણે ખુબ જ સિમ્પલ પટીયાલા ડ્રેસ પહેર્યો હતો. લહેરિયા દુપટ્ટા ને એક જ તરફ નાં ખભા પર લટકાવ્યો હતો.

તેનાં સ્ટ્રેઇટ વાળ ખુબ જ સ્મૂથ અને આકર્ષક હતાં જે વારંવાર ચહેરાં પર આવતાં હતાં. તેને એ તેની આંગળીઓથી રમાડતી હોય એમ કાન પાછળ લઇ જતી હતી. તેનાં હોઠો ની લિપસ્ટિક તેને હજુ સુંદર બનાવતી હતી.તેનો ચહેરો ખુબ જ ગોરો અને સુંદર લાગતો હતો.

હું તેનાં આ મનમોહક રુપ માં પાગલ બની પહેલી નજર નાં પહેલાં પ્રેમ માં પડી ગયો.

***

43 - નજરોના તીર

Kalpesh Chauhan

હું છત્રિ લઇ ઊભો હતો. એ મસ્તીમાં વરસાદ માં ભીંજાતી આવી રહી હતી. એની એ કોટન ની લીલા રંગ ની પ્લેન સાડી ભીંજાઇ ને શરીર સાથે ચોંટી ગઇ હતી.તેનાં વિખેરાયેલાં વાળ ભીંજાઇ ને ચહેરાં પર આવી ગયાં હતાં.વાળ મારફતે પાણી નાં ટીંપાઓ તેનાં ચહેરા પરથી ઉતરીને ઝરણાં ની જેમ ગળાથી છાતી સરસા ઉતરી જતાં હતાં.

તેનાં હોઠો ની લિપસ્ટિક ધોવાઇને આછી થઇ ગઇ હતી.તેનાં આંખો નું કાજળ હજુ પણ અકબંધ હતું જે નજરો નાં તીર થી ધાયલ કરતું હતું.તેનું શરીર પાતળાં બાંધાનું ગોરા વાનવાળુ મનમોહક હતું.

એ મારી બાજુમાંથી આંખો નાં ઇશારાથી મને ધાયલ કરી પોતાનાં પ્રેમનો દર્દી બનાવી ગઇ.

***

44 - મોચીની નજર સામે પ્રેમ

Kevin Patel

ધરા અને ધ્રુમિલ. બંને બાળપણથી જ પાક્કા મિત્રો. બંને સાથે જ સ્કૂલે જતા અને સાથે જ ઘરે પાછા ફરતા. રસ્તામાં એક વળાંક પર એક મોચી બેસતો જે આ બંને મિત્રોને રોજ સ્કૂલેથી ઘર તરફ પાછા ફરતી વખતે જોતો. ક્યારેય એ મોચી બંનેની સામે સ્મિત પણ કરતો અને બંને જવાબમાં સ્મિત આપતા. સમય સાથે મોચીની દાઢીના વાળ કાળા થતા ગયા અને માથાના વાળ ખરવા માંડ્યા.

શાળાનું શિક્ષણ પૂરું થયા પછી ધરા અને ધ્રુમિલ બંનેએ એક જ કોલેજમાં પ્રવેશ લીધો હતો અને બંને કોલેજમાં પણ સાથે જ જતા અને સાથે જ ઘરે પાછા ફરતા. ઘરડા થતા મોચીને બંને માસુમ પંખીડાઓની આંખમાં હવે એકબીજા પ્રત્યેનો પ્રેમ દેખાવા લાગ્યો હતો.

એકદિવસ અચાનક ધરાને દૂરથી સાડીમાં અને ઘરેણાથી સજ્જ સ્થિતમાં કોઈક પુરુષની સાથે આવતા જોઈ. મોચીની દ્રષ્ટિ સમય સાથે નબળી થતી જતી હતી. ધરા છેક નજીક આવી ત્યારે ખબર પડી કે એની બાજુમાં જે પુરુષ હતો એ ધ્રુમિલ ન હતો. ન ધરા સ્મિત કરી શકી અને ન તો એ ઘરડો મોચી.

***

45 - લવ ઈઝ્ સોફ્ટ-કોર્નર

Khushi Savani

લિવરપુલ હું 2 વર્ષના દીકરાને એકલી માતા તરીકે લઈને ગઈ ત્યારે આલ્બર્ટ ડોક પાસેથી પસાર થતાં લવ લોક જોઈને મક્કમતાથી બુક પબ્લિશ કરવાનો વિચાર કર્યો. એકવાર મારી ઓફિસે લંડનથી દેખાવડા અને જેન્ટલમેન એવા મિસ્ટર એડમ કોઈ એડિટરની દરખાસ્ત લઈને મળવા આવ્યા હતા. ત્યારે એમની વાતોથી પ્રભાવિત થયેલી મારા દિલના એક સોફ્ટ-કોર્નરમાં વસી ગયેલા પરંતુ તે પરણેલા હતા તે જાણી સૉફ્ટ-કોર્નરમાં તે યાદને દબાવી દીધી. 4 વર્ષ પછી લંડનની એક મેગેઝીનની કૉંફેરેન્સમાં મળ્યા ત્યારે એ સોફ્ટ-કોર્નરમાં થોડો સળવળાટ થયો ખબર પડી એની પત્ની નથી રહી. પછી સોફ્ટ-કોર્નરમાં યાદ નહીં પરંતુ તેને વસાવી લીધા હવે કોએડિટર છીએ અને સાથે લાઈફ પાર્ટનર !

***

46 - ફ્રેંડસ ફોરેવર

Khushi Savani

"શું મળતું હશે બીજીવાર અરીસામાં જોઈને!", મામીનો અવાજ નજરઅંદાજ કરી મીરાએ અરીસામાંથી નજર હટાવ્યા વગર કપાળપર લગાવેલી કિશનના મનગમતા પીળા રંગની બિંદીને સરખી કરવામાં વ્યસ્ત હતી. હૃદયને કહ્યું અનાથ છું પણ બિંદીને મારૂ બધું કહી શકું. જ્યારે કોલેજમાં મારે ફ્રેંડસ નહોતા ત્યારે ફ્રીટાઈમમાં અગાશીની પાળી પરથી પગ લટકતા રાખીને બેઠું. એકવાર પાછળથી કોઈકનો અવાજ આવ્યોને ચોંકીને પડવાની તૈયારીમાં હોઈને મેં આંખ મીંચી દીધીને મારો હાથ કિશને પકડી લીધો. પછી કિશનને કહ્યું, "સોરી, લાગ્યું કે સ્યુસાઈડ...." મીરાએ કહ્યું," ઇટ્સ ઓકે, જલ્દી મરવાનો વિચાર નથી. રોજ ફ્રીટાઈમ પસાર કરું." કિશને પાળી તરફ જોઈને કહ્યું,"મે આઈ?" મીરાએ કહ્યું,"હા" ત્યારથી મીરાના દિલનો પાસવર્ડ કિશન હતો. મીરાને લાઈફટાઈમ માટે દોસ્ત મળી ગયો.

***

47 - વ્યાખ્યા

Khyati Anjaria

‘તમેં મને પ્રેમ જ ક્યાં કરો છો ? મારે આમ જ જિંદગી કાઢવાની !!’ સવારે મનન સામે ઉભરો ઠાલવતી વખતે સુધાએ બે મિનીટ વિચારી લીધું હોત તો? કેટલુય સંભળાવી દીધું, મનન સવારે ઓફીસ માટે નીકળતો અને રાત્રે નવેક વાગી જતા. છતાં ઘરે આવી ને સુધા નો હુકમ થાય કે આજે બહાર જમવું છે તો તરતજ મનન તૈયાર થઇ જતો.

સુધાનો જન્મદિવસ હોય કે મરેજ-એનિવર્સરી, તેની ગીફ્ટ તૈયાર જ હોય. સુધા ને પોતાની જીંદગી માં મનન તરફથી કોઈ રોક-ટોક નહિ. રજા ના દિવસે સુધાને ઘરકામ માં મદદ કરતો મનન. અને છતાં એનો પ્રેમ સુધા ને દેખાયો નહીં? જે વ્યક્ત નથી થતો તે સાચ્ચો પ્રેમ છે. કાશ! સુધા આ વાત ને સમજી શકે..

***

48 - અર્થ

Khyati Anjaria

સમીર સાથે નીરજાના લગ્ન એક યોગાનુયોગ જ હતો. સમીરના સામાન્ય દેખાવ અને સ્વભાવ સામે લોકોમાં નિરજા પોતાની આવડત અને રૂપના વખાણ સાંભળી રોજ હરખાતી.

સમીરના માં-બાપ તેમની સાથે નહી રહી શકે તેવું ફરમાન પણ નીરજા નું જ હતું. સમીરને નાની નાની વાતો માં ઉતારી પાડવામાં તેને ગર્વ અનુભવાતો. યશના જન્મ પછી પણ તે જવાબદારીઓ થી દુર રહી. એક દિવસ પોતાના દરવાજા પર પોતાના વિવશ માં-બાપને ભાઈ ભાભીએ ધકેલી મૂક્યાનું જાણી નિરજા ભાંગી પડી. સમીર નું કેહવું કે આ ઘર પણ તેમનુંજ છે; તેઓ આપણી સાથે રેહશે ખરેખર નિરજા માટે જીંદગી ભર નો પાઠ શીખડાવી ગયો. સમીરનો આ મોડર્ન વિચાર નીરજાથી ચઢિયાતો નીકળ્યો. આજે નિરજા પ્રેમનો અર્થ સમજી ચુકી હતી..

***

49 - Kishor Thakkar

ફરી આજે “છૂટાછેડા ની વરસી” હતી.

એની જીંદગી માં ઉત્સવ ફકત બે જ હતા....

“લગ્ન ની વરસી” અને “છૂટાછેડા ની વરસી”.

આ બંને દિવસે એ ઓફિસ માં રજા રાખતો....

ફરી એણે લગ્ન નું આલ્બમ કાઢયું.....

અને મીરાં ની વ્હાલ નીતરતી બે આંખો માં ડૂબી ગયો.

“માધવ અને મીના”...બંને ભાઈ બહેન નું સાટું હતું,

સામા પક્ષે “મીરાં અને મગન” ....

મીના અને મગન ને મનમેળ ના થયા....તે ના જ થયા.

માધવ અને મીરાં ને પણ છૂટા પડવા નો વારો આવ્યો.

આજે લગાતાર પાંત્રીસ વર્ષ થઈ ગયા....

માધવ ની જીંદગી .....એટલે ફકત આ બે જ દિવસ.....

બસ....મીરાં ની આંખો માં તાકયા કરવાનું આખો દિવસ

અને વરસ ખેંચાઈ જતું....

“ લગન ની વરસી” આવે એની રાહ માં....

***

50 - Krunal Jariwala

મહેશકાકા પર આઘાત રૂપી કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા, જે ધોધમાર વરસાદની જેમ આખોથી અશ્રુરૂપે વરસી રહ્યા હતા, તેઓનું આક્રંદ જોનારને પણ રડાવી દે એવું દર્દનાક હતું. જીવનના પંચાવન વર્ષ સાથે વિતાવી પંચોતેર વર્ષની વયે સિલાકાકી મૃત્યુ પામ્યા. મૃતક સિલાકાકીના કપાળે હાથ ફેરવતા તેઓ ડૂસકે ડૂસકે બોલવા લાગ્યા..,

"સિલા, આપણે તો સાથે જવાની કસમ ખાધી હતી, આમ, વચ્ચે મને એકલો મૂકીને......,"

"હવે રાજકુમારના પ્રેમગીત હું કોને સાંભળવું..?"

"સવારના પેપર સાથે તારા હાથની ચાહ......"

"ઢળતી સંધ્યા, અને તારા ટેકા સાથે બગીચાની સફર......"

ડૂસકે ડૂસકે રડતા કાકાએ કાકીના હાથ પર પોતાનું મસ્તક નમાવી દીધું, કાકી સાથે તેઓનો સૂર્ય પણ અસ્ત થઈ ગયો.

***

51 - કાળુ અને જમકું

Krunal K Gadhvi

છેલ્લો ફેરો શરુ થયો, જામકું ને હૈયે પિતાના લાડ થી મુક્ત થવા અને કાળું ના પ્રેમ માં વહી જવા અંતિમ પાંચ પગલાં બચ્યા. સંસ્કાર અને મર્યાદા ની ઉપજ, કાળું માટે જામકું જ છે અને જામકું માટે કાળું, આવા એક સંસ્કારિત વિચરે છેવાડા ના યુગલ ને હૈયે મિલન પેહલા જન્મ લૈલીધો, સંતાન પ્રાપ્તિ પૂર્વે હૈયે જન્મેલા સુસંસ્કારી વિચાર નો ઉછેર જ, એક સફળ જીવન ની પ્રાપ્તિ છે એવા વચને આ યુગલ જોડાયું.

આધુનિક સુવિધાઓ, શિક્ષણ ના સંપૂર્ણ અભાવ વચ્ચે એક બીજા નું મહત્વ, સમર્પણ અને સંઘર્ષ વચ્ચે પ્રેમ પાંગરી શકે એવી સમજણ સાથે કાળું અને જામકું એ પોતાની દીકરી પણ વળાવી.

***

52 - ઓનલાઇન શોપિંગ

Manisha Joban Desai

ઓનલાઇન શોપિંગ કંપની "યોર્સ ઓન્લી" માં ફરી રિંગ વાગી .

" આ મારો પર્સનલ નમ્બર છે પ્લીઝ, સર્વિસ કાઉન્ટર પર ઓર્ડર કરશો મેમ ?"

" તમારો અવાજ બહુજ જાણીતો લાગે છે."

"હું સમર્પિત રાવલ "

"હું બરોડાથી સ્નિગ્ધા પાટીલ, મારી સાથે ભણતો ક્લોઝ મિત્ર સંગતનો અવાજ પણ એકદમમ ..."

"ઓહ ,સંગત મારો નાનો ભાઈ છે, તમે પહેલો પ્રેમ જેને ખાતર સ્ટડી છોડી અહીં આવી એણે આત્મહત્યાનો પ્રયાસ કરેલો ?

"હા, મારા પેરેન્ટે મને અહીં બંધ કરી દીધી છે, બહાર નથી જવા દેતા."

"ઓકે ,હવે તમને બંનેને ભેગા થતા કોઈ નહીં રોકી શકે, અડ્રેસ મળી ગયું છે "

***

53 - તાલમેલ

Medha Pandya Bhatt

એન્જિનની વ્હિસલનો અવાજ આવ્યો. ટ્રેનના પૈંડા અને પાટા વચ્ચેનો તાલમેલ શરૂ થયો. પ્લેટફોર્મ પર ઊભેલી કેયાને ટ્રેનમાં બેઠેલા સચિન સાથે સંપર્ક છૂટતો જતો હોય તેવું લાગ્યુ. સામાન્ય રકઝક બંનેને જૂદા કરી રહી હતી. સચિન હંમેશ માટે દિલ્હી જઇ રહ્યો હતો. તેને નોકરીમાં સારી તક મળી હતી. કેયાની પણ બ્રાન્ચ ઓફિસ દિલ્હીમાં હતી. તે ઇચ્છે તો સચિનની સાથે જઇ શકે તેમ હતી. અચાનક એન્જિનની વ્હિસલના તીણા અવાજે કેયાની સ્તબ્ધતા તોડી. કંઇક વિચારની સાથે તે ટ્રેનમાં ચડી ગઇ. સચિન કેયાને જોઇને મલકાયો. તેના હાથમાં કેયાના નામની દિલ્હીની ટીકીટ હતી. પ્રેમનો તાલમેલ જળવાઇ ગયો હતો.

***

54 - ‘હા કહી દે હવે’

Minaxi Vakharia

“ચંદા, ચાલને લગ્ન કરી લઈએ..તું મને બહું ગમે...”

“આપણે ભિખારાને લગ્નની શું જરૂર? આમેય હું અભડાયેલી જ છું.. મન થાય ત્યારે આવી જજેને પડખે..”

“રામ રામ..એ તો પાપ કહેવાય. આ તો અપંગ થયો ને લાડીવાડી ગુમાવી, રસ્તા પર આવી ગયો...આ વ્હીલચેર દાનમાં મળી એટલે નભી જતું'તું. અચાનક તું મળી, દિવસરાત જોયા વગર નિસ્વાર્થપણે મારી સેવા કરવા લાગી. તને નથી લાગતું પ્રભુકૃપાએ આપણે એકબીજાના થવા માટે જ મળ્યાં છીએ? હા કહી દે હવે...”

“વગર લગ્ને મેં કેટલાયનાં પડખાં સેવ્યા પણ તારી વાત જ વેગળી.. સાચું કહું? તુંયે મને બહું ગમે..પણ આ ઉંમરે લગ્ન..?”

“ગાંડી રે ગાંડી, સાચો પ્રેમમાં ઉંમરને જોવાય? આપણો પ્રેમ તો બે દિલોના મનમેળનો છે. હા કહી દે હવે… તને મારી જીંદગીના સમ..”

***

55 - ઈંટરનેટ પર વેપાર

Murtaza Ali

વ્હેલી સવારમાં એક બાગની અંદર પારસી દંપતિ થોડું ચાલીને આરામ કરવા બેઠાં.

આવી સોજ્જી અને ખૂબસૂરત જોડીને જોઈ હું એમની પાસે જઈ સીધો સવાલ કરી આવ્યો: “આંટી, આ ઉંમરે પણ આપ લોકો કેટલું ચાલો છો?”

“ડિકરા, હું તો આમ બી બવ ‘ચાલુ’ છું. પણ આંય સાલ્લો ત્હારો અંકલ હમના હમનાનો કામચોર ઠઈ ગ્યો ચ. ગયા વિક સુધી તો મ્હારી સાથે હાંફિયા વગર ૧૫-૨૦ રાઉન્ડ મારતો હુંતો. પણ જો ની થોરા દહારાથી ૧૦ રાઉન્ડમાં ચ સાવ ઢીલોઢફ થઇ જાય છ.” - બાનુએ એના બોમનની તરફ મોં ફેરવી કહ્યું.

“એએય ! આંય પોરિયાને શું ખોટ્ટી પટ્ટી પરાવે છ? સાચ્ચી વાત કઈ દેની... ચાલતી વારે મ્હારી સામું ટગરટગર જોયા કરી સ્માઈલ આઇપા કરે છ તો હું શું ધૂર ફાસ્ટ ચાલી સકવાનો?....વાટ કરેચ ટે!” – બોમને બી એના ‘બોલ’થી બાઉન્ડ્રી મારી દીધી.

દોસ્તો, હવે આપણને આ ક્ષણે આ સુરેશભાઈ દલાલની આ પંક્તિ યાદ આવી જ જાય ને? “કમાલ કરે છે, ધમાલ કરે છે, એક ડોસો ડોસીને હજુયે વ્હાલ કરે છે...."

***

56 - દેશ અને પ્રેમ

Nilesh Murani

ઝરીનાના બચપનનો સાથી કિશનસિંહ ફૌજી બનીને જીવનસાથી બનવા એક મહિનાની રજા મૂકી ઝરીનાના અબુ પાસે ઝરીનાનો હાથ માંગવા આવ્યો,

ઝરીનાના અબુએ એટલુજ કીધું,

“બેટા તું દેશનો રખેવાળ ખરો, પણ અમારી જ્ઞાતિ નો નથી,”

નિરાશ થઇ ને પાછો વળેલો કિશનસિંહ ત્રણ મહિનામાં તિરંગામાં સજાવેલો પાછો આવ્યો, આકાશ ગજવી મુકે એવું આક્રંદ અને રુદન સાથે લોકો ની ભીડ ને ચીરતી ફૌજી પાસે જઈને તેના માથા ઉપર લાગેલું લોહી હથેળીમાં લઈ ને અબુને ઝરીનાએ એટલુજ કીધું

“અબુ, હવે આ કઈ જ્ઞાતિનો છે?”

અબુએ હથેલીમાં નું લોહી ઝરીના ના કપાળ પર લગાવી, ને બંગડી તોડી ને બોલ્યા

“ લે બેટા હવે તો શાંત થા,

***

57 - નો લવ મેરેજ

Nilesh Murani

ભૂરી ને હું એકબીજાને ખુબ પ્રેમ કરતા,પણ મમી ડેડી ને કેમ કહેવું ? ડેડીએ ચોખ્ખી ના પાડી દીધી, આ ઘર માં રહેવું હોય તો નો લવ મેરેજ, પછી તો શું થાય ?કલેજા ઉપર પથ્થર રાખી ને ભૂરી ને પણ કહી દીધું કે ભૂલી જા મને. ભૂરી પણ રડી રડી ને અડધી થઇ ગઈ. છોકરી જોવા જવાનું થયું, હું તો નમાલો થઇ ને મમી ડેડી જોડે ગાડીમાં બેસી ગયો. જેને જોવા ગયો એ ઘર ભૂરીનું જ હતું, ભૂરી ને જોઈ થોડા નાટક કરી, હા પાડી દીધી, અને મમી ડેડી ને હગ કરી ને કહ્યું લવ યુ મમી, લવ યુ ડેડી.

***

58 - બાવન વર્ષ

Nirali Patel

ઉંમર બાવન વર્ષ, એમની નહીં પણ એમના લગ્નની થઈ. પ્રેમ તો એનાથી પણ પાંચ વર્ષ જૂનો પણ હજુય એવો જ જવાન. પ્રેમલગ્નનો વારસો પણ આપ્યો એમના પૌત્ર સુધી.

કોલેજકાળથી જ એકમેકનું પૂરક થઈ એક પળ પણ જુદા ન થયાં હોય એ જોડું. ઘરમાં પગ મુકતાંજ પ્રેમમંદિર જેવી અનુભૂતિ થાય. સવારની ચા પતિ જ પત્ની માટે મૂકે અને ગાર્ડનમાં બેસી દિવસની શરૂઆત કરે, બાકીની દોર પત્ની સંભાળી લે અને રાતે હિંડોળે ઝૂલે. આ નિત્યક્રમ. વગર માગે માંગણી પુરી થઈ જાય! કપરાં કાળ માંય સાથ આપે. પ્રેમલગ્ન કરીને પણ એ જમાનાથી વસ્તારી કુટુંબમાં સંપીને રહેનાર આ જમાનાના પ્રેમીઓ માટે ઉત્તમ ઉદાહરણ બને.

***

59 - કિમતી જણસ

Pallavi Jeetendra Mistry

નીલેશે ડોરબેલ વગાડી અને અધીરાઈ પૂર્વક પત્ની અલકાની રાહ જોવા લાગ્યો. અલકાએ દરવાજો ખોલ્યો, ઉદાસી છુપાવીને સ્મિત કરતા ‘આવો’ કહીને ચહેરો ફેરવી લીધો, તે છતાં નીલેશે એની આંખોની ભીનાશને પકડી લીધી.

જમતી વખતે નીલેશે એની મમ્મી સાથે રૂટીન વાતો કરી. જમ્યા બાદ નીલેશે અને અલકા ચાલવા નીકળ્યા. ગાર્ડનની એક બેંચ પર બેસીને નીલેશે પૂછ્યું, ‘આજે ફરીથી મમ્મીએ કટાક્ષબાણથી તારું નાજુક હૈયું વીંધ્યું લાગે છે. આઈ એમ રીયલી સોરી.’

‘ઇટ્સ ઓકે, નીલેશ. તને મેળવવા મેં મારા પપ્પાના હાથનો માર પણ ખાધો છે, તો આ તો.... ‘કિમતી જણસ’ કંઈ એમ જ થોડી મળી જાય?’ અલકા બોલી અને બંને હસી પડ્યા.

***

60 - પ્રભુની લીલા

PARIKSHIT JOSHI

બ્રહ્માજીને આશ્ચર્ય થયું.. "આ વળી કોણ? મેં તો માત્ર એક પુ સર્જેલો."

ત્યાં જ પુ વંદન કરતાં બોલ્યો, "દેવ, મને એકલુંઅટુલુ લાગતું હતું. સ્નેહ વિના તો સાવ સૂનું સૂનું રે.. એવું આપ કહો જ છો ને..!’’

‘‘હા, પણ એ વાતનું અત્યારે શું.. અને.. આ કોણ છે, ત્યાં.. તું એક જ હતો ને..’’

‘‘જી ભગવન્, એ જ કહેવા પ્રયાસ કરું છું. સ્નેહ વિના સૂનું ન લાગે અને આપની ઉક્તિ ખોટી ન ઠરે એટલા મેં મારી પાંસળીમાંથી.."

બ્રહ્મદેવ શૂન્યમનસ્ક જોઇ રહ્યાં, પ્રભુની લીલા..

મનોમન વિચારી રહ્યાં, "મહાભારત તો હવે થશે જ… ‘પુ’ની પાંસળીથી શરૂ થયેલી વાત છેક કુરુક્ષેત્રમાં ‘દુ’ની પાંસળી સુધી..."

બ્રહ્મદેવ રોજ સાચાં પડયાં, પછી તો...

***

61 - નિર્ણય

Pinakin joshi

આપણી પાસે સમય છે, તું બસ મારી સાથે રહેજે એટલે તને પણ પ્રેમ થઇ જશે.

ના આ સાચો સમય નથી પ્રેમ માટે, તું ભૂલી જા મને.તેણે ગુસ્સા માં કીધું.

તું મુરખી છો, સાવ ડફોળ, એ તને ખબર છે? છોકરા એ ભી ગુસ્સા માં કહી મો ફેરવ્યું.

તું મને મનાવે છે કે ખીજાય છે એ મને નહીં સમજાતું, પેલી મંદ મંદ હસી.

હું ખિજાતો નહિ, તારી સાથે ઝગડું છુ, હું તારી માટે જ તારી સાથે ઝગડીસ. અને રડી પડ્યો. પેલી તેને જોતી રહી.કોઈ એટલો પણ પ્રેમ કરી શકે, વર્ષો પછી એ યાદ કરી ને હંસી પડે કે એનો નિર્ણય ખોટો નહતો.

***

62 - નામ શું?

Pradipkumar Raol

તે રાત્રિના અઢી વાગ્યે ઘર છોડી ગયો. ભણતર માટે પિતાશ્રીના સતત ટોર્ચરથી તે તંગ આવી ગયો હતો. અંતે તે થાકીને મહાનગરના બ્રિજ નીચે સૂઈ ગયો. અહી આલીશાન બંગલાની રજાઈઓ નહોતી. પણ હવે તેનું મન શાંત હતું. તેની કંપનીમાં ઘરડા ભિખારીઓ ઘસઘસાટ ઘોરતાં હતાં. મળસ્કે કાઇક અવાજથી તે જાગી ગયો. તે ત્યાં પહોચ્યો અને જોઈને સ્તબ્ધ થઈ ગયો. એક ગરીબ છોકરીનું મોં દબાવી કોઈ હરામી લાજ લેવાની કોશિશ કરી રહ્યો હતો. પેલાને પત્થર મારીને તેણે ની:સહાય છોકરીને છોડાવી. અને બંને એકબીજાનો હાથ પકડીને દોડતાં રહ્યાં, અને સૂર્યના પ્રથમ કિરણોએ બંનેના મોં ઉજાગર કર્યા. તારું નામ શું? બંને એકીસાથે એકબીજાને પૂછી બેઠાં.

***

63 - મુંબઈ દર્શન

Praful shah

“ સર,તમે તૈયાર છો? કાર આવી ગઈ છે.”

“ રેઙી છું. “

“ તમે લોબીમાં આવી જજો.”

પરેશે મુંબઈ દર્શન માટે પોગ્રામ બનાવ્યો હતો. મુંબઈ વીસ વરસે ફરી આવ્યો હતો. દબાઈ ગયેલી યાદો રેતીમાની કાંકરીઓની જેમ ખૂંચી રહી હતી.એમાંની એક યાદ એટલે અમીષા. પરેશના પિતા પ્રેમ લગ્નની વિરુધ્ધ છે એ જાણીને તે પરેશથી દૂર ચાલી ગઈ.

એની યાદમાં એના કામમાં એવો ખૂંપી ગયો કે એનાં પપ્પા ક્યારે પરણશે એ પૂછતાં પૂછતાં મૃત્યું પામ્યા.

સામે ઊભેલી અમીષાને જોતાં જ સ્તબ્ધ બની ગયો.

“ સર, આ છે મીસ અમીષા. તમારી ગાઈડ. હોપ યુ વીલ એન્જોય. “

“ ચલો સર..” કહેતાં અમીષાએ કારનો દરવાજો ખોલ્યો.

બપ્પોરે પરેશ અમીષાને દુલ્હા દુલ્હનમાં જોતા રિશેપ્પસન કાઉન્ટરની મેડમ બોલી ઊઠી, “ અભિનંદન, તમારા મુંબઈ દર્શન માટે..”

***

64 - સારસ બેલડી

Pratik D. Goswami

'' તારી નારાજગી દૂર થઇ ગઈ હોય તો ઉપરવાળાને કે' કે મને પણ બોલાવી લે. '' સુમિત્રાબેનની કબર પાસે બેસીને ગળગળા સાદે ગુણવંતભાઈ બોલી રહ્યા હતાં. ત્રણ મહિનાથી આ તેમનો નિત્યક્રમ બની ગયો હતો. સુમિત્રાબેન સિવાય તેમનું બીજું હતું પણ કોણ ? બસ એ સ્વર્ગીય અર્ધાંગિની સાથેની યાદો ! દરરોજ કલાકો સુધી અહીં બેઠાં બેઠાં તેઓ જૂની યાદોને વાગોળતાં.

સૂરજ ક્ષિતિજની સોડમાં લપાયો, એટલે ગુણવંતભાઈ ઉભા થયાં. થોડું ચાલ્યા હશે કે તેમનો પગ લપસ્યો અને ઊંધા માથે પડ્યાં. આત્માએ ત્યાં જ દેહ છોડી દીધો. ઘણાં સમયના વિરહ પછી સ્વર્ગમાં મળેલી એ 'સારસ બેલડી' ના મિલનના હર્ષાશ્રૂઓ વરસાદ બનીને સૂકી ધરતીને પલાળી રહ્યાં.....

***

65 - ભેટ

Pratik D. Goswami

'' બસ ને, આટલો જ પ્રેમ કરે છે ને મને ? ''

કિડની હોસ્પિટલના બિછાને લેટેલાં પ્રણયે પોતાની પ્રેયસી શ્રુતિ સામે મોં મચકોડતાં કહ્યું. રોજની જેમ આજે પણ શ્રુતિએ એને એક જ ગુલાબ પકડાવ્યું હતું. '' ના મારા ડોબુ, એનાથી લાખો ગણો વધુ પ્રેમ કરું છું. મારી ભેટને મારા પ્રેમ સાથે તોલી પણ નહીં શકે એટલો બધો ! ચલ, થોડીવારમાં ટિફિન લઈને આવું છું. '' કહીને શ્રુતિ ઘરે જવા નીકળી. ઘરે પહોંચીને, બેડરૂમનો દરવાજો બંધ કર્યો. પછી અરીસા સામે ઊભીને કમર પર પડેલા ચાર ઇંચના કાપા પર હળવેકથી હાથ ફેરવતાં બોલી... '' તારા માટે બંને બાજુ આવા કાપા પડાવી શકું એટલો બધો પ્રેમ કરું છું... મારા ડોબુ. ''

***

66 - માર્ક્સ

Pratik Modh

નવમાંના ક્લાસમાં વિનીત હવે હોંશિયાર થવા લાગ્યો. વાત એમ કે ત્રીજા ધોરણથી ગામડેથી આવીને શહેરની શાળામાં ભણતો પણ મન તો બીજા ધોરણમાં સાથે ભણતી નિયા પર જ રહેતું.

હવે નિયા એ જ શાળામાં ભણવા આવી ગઈ હતી ને ક્લાસ પણ એક જ. આમ તો વિનિતે તેની સાથે વાત નહોતી કરેલી છતાંયે એકતરફી ઉભરા આવતા રહેતા. વિનીતનો પહેલાં-બીજા ધોરણમાં પ્રથમ નંબર આવેલો ને નિયાનો બીજો.

વિનીત દશમાં ધોરણમાં આવ્યોને નિયા તરફનો એકતરફી પ્રેમ વધવા લાગ્યો. ક્લાસમાં પરીક્ષામાં ગણિતનાં માર્ક્સ બોલાયા ને નિયાએ વિનિતના માર્ક્સ સાંભળતવેંત કહ્યુ: 'આને આટલા બધાં માર્ક્સ....'

આટલું સાંભળતા જ વિનીત પુરવણી લઈ નીચા મોંઢે કાન સરવા કરતાં ઝડપથી તેની જગ્યાએ પહોંચી ગયો..!!

***

67 - Pratik Vijita

એકજ કોલેજમાં ભણતા આરવ અને નીતિ સરખી ઉંમરના જ હતા. બંને એકબીજાને ટીકી ટીકીને જોયા વગર કાંઈજ નતા કરતા. એકબીજાને કહેવામાં પણ ડર હતો. બસ જોઇને એની યાદોંમાં ખોવાઈ જવું ગમતું હતું. પણ નીતિ એકવાર કોલેજના એક પ્રોગ્રામમાં ઊભી થઈને સ્ટેજ પર આવી અને એને પ્રેમનો ઈઝહાર બધાની સામે કરી દીધો. પણ એને ખબર નતીકે આરવ બોલી શકતો ન હતો. એને જ્યારે ખબર પડી તો તે ફરી સ્ટેજ પર ગઈ અને બોલી, "આરવ, હું તને હજી પણ પ્રેમ કરીશ અને કરતી જ રહીશ. હું તારો સ્વર બનીશ અને તારી જીવનભરની સંગિનિ બની મધુર ગુંજનથી જીવન મહેકતું કરીશ. આઈ લવ યુ સો મચ..

***

68 - હું અને તુંPravina Kadkadiya

તારીને મારી કહાની છે.

પ્રેમની વાત કાંઇ જાહેરમાં થાય ?

એ તો બસ અપણા બે વચ્ચેની પ્રિતડી છે.તને જોયોને ખેલ ખતમ.

તારા દિલના ભાવની ખબર ન હતી.

હવે પ્રેમ તો કાંઇ પૂછીને થતો હશે ?દિલે સ્પંદન અનુભવ્યા, હ્રદયે હોંકારો પૂરાવ્યો અને મન, તેની તો વાત શી કરવી. પહેલી વાર !આજે બે દિવસ પછી તને જોયો.

દિલ ધબકારો ચૂકી ગયું.

તારી અને મારી આંખ મળી ન મળી ત્યાં તો મારી નજરોએ તને કેદ કર્યો.

મેં અનુભવ્યું , તું કંઈક સમજ્યો ?

સાચું ખોટું પેલો કામદેવ જાણે.આખરે આપણે બન્નેએ મન મોકળા કરી, દિલ ખોલી વાત કરી તેનું પરિણામ જોયું. ?

સ્તુતિ અને સાવન !

***

69 - "પ્રતિક્ષા.."

Priti j Bhatt

બિંદુ કોઈક વાર હેપીનેશ આઈસક્રીમ પાર્લરમાં આવીને બેસતી, એખલી જ.. આજે તેણે જોયું કે ખૂણાના ટેબલ ઉપર એક કપલ વચ્ચે હુંસાતુંસી ને રકઝક ચાલે છે.

"એક ચમચી લેવા દે.. ના એક આગળ લીધી, હા તો તે પણ લીધી ને.. બસ હવે નઈ આપું, ઓકે યુ આર ચીંટર"

'ચીંટર', સાંભળતા જ બિંદુ ભૂતકાળમાં સરી ગઈ. એક ગલતફેમીએ એને અને રાજને જુદા પાડી દીધાં. વર્ષોનો પ્રેમ નાના ચીંટર શબ્દમાં સમાયને વિખરાઇ ગયો..

થોડી અસ્વસ્થા સાથે ઉઠી અને કાઉન્ટર ઉપર પૈસા ચૂકવતા કહ્યું... 'પેલા કપલને જે જોઈએ તે આઈસ્ક્રીમ આપજો. સાથે કહેજો કે ભૂલમાં પણ એકબીજાને ચીંટર ન કહેતા. હારી જવું સારું પણ'...

***

70 - "અનુભૂતી.."

Priti j Bhatt

માનસી-રોહિત એક જ મહોલ્લામાં રહે. સાથે જ રમે. દોસ્તી ખૂબ ઘેરી. શાળામાં સાથે જ જતા-આવતા. રોજે પાણીપુરીની લારી પર એકબીજામાંથી ઝુટવીને ખાતા.

કાળનું ચક્ર ફર્યું. માનસીના પિતાની બીજા શહેર ટ્રાનસ્ફર આવી. બને મિત્રો વિખૂટા પડ્યાં. પ્રેમ કોને કહેવાય એનાથી બને જ અજાણ હતા.

વર્ષો પછી પ્રેમની અનુભૂતિ થતા માનસી નાનપણના ગામમાં આવી...પાણીપુરીની લારી જોઈ બાળપણનો પોતાનો મિત્ર અને એની સાથેનો નિર્દોષ પ્રેમ યાદ કરવા લાગી.

તે લારી ઉપર એમના જેવા જ બે મિત્રો પાણીપુરી માટે લડી રહ્યાં હતાં.

મોં ફેરવી આગળ ચાલતાં..

છોકરી જોરથી બોલી; રોહિત, હવે મારો વારો છે તું માર ખાશે'.

'રોહિત' સાંભળતા જ માનસી પાછળ શોધવા લાગી.

***

71 - વેલેન્ટાઈન ડે

Priyanka Patel

આજે શૈલી બહુ ખુશનુમાં મૂડમાં હતી,કેમ કે આજે વેલેન્ટાઈન ડે હતો. આજે એણે શૈશવને પોતાના પ્રેમનો એકરાર કરવાનો નિશ્ચય કરી દીધો હતો. બન્ને જણા કૉલેજમાં ત્રણ વર્ષથી મિત્રો હતાં. શૈલી શૈશવને મનોમન ચાહવા લાગી હતી. હજુ સુધી એ શૈશવ પાસે પોતાના હૃદયની લાગણીઓ વ્યકત નહોતી કરી શકી. એણે શૈશવને મળવા બોલાવવા માટે ફોન હાથમાં લીધો,ત્યાં જ શૈશવનો વોટ્સએપ મેસેજ એનાં ફોન સ્ક્રીન પર દેખાયો. મેસેજ હતો, "શૈલી આજે મારી ખુશીનો પાર નથી, હું જેને બાળપણથી ચાહતો હતો એ મીરાંએ આજે મારી લગ્નની પ્રપોઝલ સ્વીકારી લીધી!!" શૈલીએ આંખમાં આંસુ સાથે શૈશવનાં મેસેજનો રીપ્લાય કર્યો,"કોન્ગ્રેચ્યુલેશનસ્ શૈશવ."!!!

***

72 - ઘર

Pruthvi Gohel

સપનાની આંખો પર પટ્ટી બાંધી હતી. સમીર તેને એક નવા ઘરમાં લઈ આવ્યો અને આંખો પરના પાટા છોડી નાખ્યા. સપનાએ ઘર જોયું.

સમીર બોલ્યો, "સપના આ આપણા બંનેનું સહિયારું મકાન છે. જેને તારે આપણા લગ્ન પછી ઘર બનાવવાનું છે."

એક જ વાક્યમાં સમીરે કેટલું બધું કહી દીધું?

સપના વિચારી રહી. સમીર મને કેટલો બધો પ્રેમ કરે છે! નહીં તો મારા જેવી વેશ્યા ના નસીબમાં આવું ઘર, આવો વર ને આટલો પ્રેમ ક્યાંથી મળે?

એણે ઉપર આકાશ તરફ જોયું ને પછી સમીર તરફ જોયું.

એ ઈશ્વર અને સમીર બંને નો આભાર માની રહી. અને પોતાના હર્ષાશ્રુથી બંનેને અંજલિ આપી રહી.

***

73 - અખંડ સૌભાગ્યવતી....!

Ramesh Champaneri

પામી શકી ના પ્રેમને આયખુંભર, ભીનો ભીનો....! ઓરતાને પૂરા કરું છું, ધબકાર માણી માણીગર....! પ્રેમની અઢળક છાલકો નાંખીને, તું દુનિયાની પાર ચાલી ગયો યક્ષ...? પણ, વિધિના વિધાન તો જો....? અંગદાનમાં જેને તારું હૃદય મળ્યું, તેની સાથે જ સપ્તપદીના ફેરા પણ વીંટાયા. યક્ષને બદલે, પતિના વક્ષ ઉપર માથું ઢાળીને, તારાં જ હૃદયના ધબકાર સાંભળવાના મને યોગ મળ્યા. પ્રેમનો કેવો અનુબંધ...? માથે સિંદુર તારો નહી, છતાં પણ હું ને તારૂ દિલ બંને યક્ષમય...! એ તારો ધબકાર નથી યક્ષ..! અધૂરા પ્રેમના ઉદગાર છે...! ભલે તનથી તનનું મિલન નહિ થયું. પણ તારા પ્રત્યેક ધબકારમાં, એક નાદ પડઘાયા કરે....! અખંડ સૌભાગ્યવતી રહેજે યેશા...!

***

74 - અકસ્માત

Rekha Patel

બારીમાંથી ડોકાતો એ રૂપાળો ચહેરો જોઇને સુરજની સવાર થતી અને સંધ્યાના રંગો સાથે એ ચહેરો આંખોમાં ઓગળતો. આજે તેને મળીનેજ ઝંપીશ વિચારી સુરજે સામેના ફ્લેટનો ડોરબેલની વગાડયો. એક આધેડ સ્ત્રીએ બારણું ખોલ્યું. પાડોશી હોવાના નાતે આવકાર મળ્યો. વાતવાતમાં સુરજે તેમની દીકરી માયા વિશે જાણ્યું. બે વર્ષ પહેલા થયેલા અકસ્માતમાં તેના બંને પગ નકામાં થઇ ગયા છે. બીજા દિવસે સુરજની મા સૂરજનું માગું લઈને આવી ત્યારે માયા સાથે આખો પરિવાર ચોંકી ઉઠ્યો. માયાની નાને હામાં ફેરવવા સુરજની માએ જણાવ્યું કે સુરજ અકસ્માતમાં પિતા બનવાની ક્ષમતા ગુમાવી બેઠો છે. સુરજના ખોટા સર્ટીફીકેટ અને સાચા પ્રેમ સાથે લગ્ન લેવાઈ ગયા.

***

75 - અમર આશા

Rohit Kapadiya

અમર અને આશા સાથે રમ્યા, ભણ્યા અને સાથે મોટા થયાં. મોટા થયાં પછી પણ અમરની હરકતો જોઈ આશા હંમેશા કહેતી "તું તો બાળક જ રહેવાનો ". ખેર ! પછી બંને પરની ગયા. વિદેશમાં મનાવેલી મધુરજનીમાં બંને એકબીજામાં ઓગળી ગયાં. લગ્નનાં ચાલીસ દિવસ પછી બાથરૂમમાંથી બહાર નીકળતાં આશાની ખુશી, અમરની ચીસ સાંભળીને ઓસરી ગઈ. અમરને હાર્ટ એટેક આવ્યો હતો. આશાનો હાથ હાથમાં લઇ એ તૂટતાં શબ્દોમાં બોલ્યો "આશા, મારું મોત થાય તો તું બીજા...." ને અમરને વચ્ચે જ અટકાવી આશાએ અમરનો હાથ એનાં પેટ પર મૂકી દીધો અને કહ્યું "અમર, તું મરી જ ન શકે.તું તો જો બાળક થઈને પાછો મારામાં જ....."

***

76 - બિન તેરે

Rohit Suthar

આલાપ અને કામ્યા આખરી વાર મળવા ભેગા થયા. બંને કોલેજના સમયથી પ્રેમમા હતા, પણ જ્યારે એમના પરિવારને જાણ કરી તો એમને આ સંબંધ મંજુર નહતો. પરિવારને મનાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. બંને પોતાના પરિવારની વિરુધ્ધ જઇને લગ્ન કરવા નહોતા માંગતા. એટલે અંતિમ વાર મળીને પ્રેમભરી યાદો હંમેશા પોતાના દિલમા રાખવા માંગતા હતા. બંનેએ એકબીજાને ગાઢ આલિંગન આપ્યુ, ચુંબનોનો વરસાદ વરસાવ્યો અને આંસુ વહાવીને અલગ થયા.

બીજા દિવસે ન્યુઝપેપરમા સમાચાર હતા, જેમા આલાપે સાબરમતી નદીમા ઝંપલાવીને, તો બીજી બાજુ કામ્યાએ ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. કદાચ બંનેને એક ના કરીને હવે એમના પરિવારોને પસ્તાવો થયો હશે.

***

77 - રાહ

Sagar Rabadiya

રોજની જેમ આજે પણ વિવાન પાર્કમાં બાક્ડાની સામેના વૃક્ષની નીચે ગીતાર લઈને બેસી ગયો અને ઐશ્વર્યા રોજની જેમ આજે પણ વહેલા આવીને વિવાનની રાહ જોતી હતી. આજે બંનેને મળવાનો એક્વીસમો દિવસ હતો પણ આજે વિવાન હિંમત કરીને ગીતાર સાથે સુરમાં શાયરી બોલ્યો

‘રાહમાં તારી તો જીંદગી વીતી જશે,

કહેતા મને પણ જીંદગી વીતી જશે,

તું કહે તો બોલી દઉં પણ મારાથી,

બોલવામાં પણ જીંદગી વીતી જશે,’

ઉદાસ મનથી ઐશ્વર્યા એ પણ શાયરી માં જવાબ આપ્યો

‘રાહમાં તારી હું જીંદગી વિતાવી લઈશ,

તું કહે તો છેલ્લા શ્વાસ પણ ગણી લઈશ,

કહેતા કહેતા તારા દિલ ને પણ કહી દેજે,

તારી યાદમાં પણ જીંદગી વિતાવી લઈશ,’

***

78 - પ્રેમની વ્યાખ્યા

Shakti Shiva

૭૭ વર્ષનાં રમેશભાઈ અને સવિતાબેન રસ્તો પસાર કરવા માટે એક તરફ ઉભા હતાં. રમેશભાઈ આમ થોડા જુનવાણી. એક યુગલ એ સમયે સામેથી રસ્તો પસાર કરીને આ તરફ આવ્યાં. રમેશભાઈએ જોયું તો બન્નેએ એકબીજાનો હાથ પકડ્યો હતો. રમેશભાઈએ વિચાર્યું, "આજકાલના યુવાનોને કંઈ સંસ્કાર જ નથી. આમ શું હાથ પકડી રાખવાનો?" આમ વિચારી રમેશભાઈ અને સવિતાબેન પણ રસ્તો પસાર કરવા માંડ્યા. ત્યાં એક ટ્રક પુરપાટ ઝડપે આવતી જોઈ એમણે અચાનક સવિતાબેનનો હાથ પકડીને ખેંચી લીધા. બન્નેને સદનસીબે કંઈ જ ના થયું.પેલું યુગલ દોડી આવ્યું. એમણે ખબર પૂછી કહ્યું “દાદા, તમે દાદીનો હાથ પકડીને ચાલજો.” રમેશભાઈ આ ઉંમરે પ્રેમની વ્યાખ્યાને સમજી મલકાય ઉઠ્યાં.

***

79 - સૃષ્ટિ અને પ્રણય.

Shakti Shiva

બે શરીર, એક આત્મા. બંને એકબીજાને અનહદ પ્રેમ કરે. એમનો પ્રેમ જોઈને જ કુટુંબીજનોએ લગ્ન માટે મંજૂરી આપી. બંને પ્રણયનાં તાંતણે બંધાયેલા હતા જ અને હવે પરિણયનાં તાંતણે બંધાયા. જોનારને ઈર્ષ્યા આવે એવું જીવન.

પણ કુદરતને ફક્ત સુખ ક્યાં મંજુર હોય છે? સૃષ્ટિનો બાથરૂમમાં પગ લપસતાં એ પડી ગઈ. માથામાં ઇજા થતાં બેભાન થઈ ગઈ. ડોક્ટર્સ, ભગવાન બધા સામે હાથ જોડ્યા પણ સૃષ્ટિને ભાન ના આવ્યું. આજે ૬ મહિના બાદ સૃષ્ટિની વેદના ન જોવાતા પ્રણય નિર્ધાર કરી સૃષ્ટિનું ઓક્સિજન-માસ્ક કાઢી એને કાયમ માટે શાંતિ આપે છે. કેમકે એણે વચન આપ્યું હતું કદી તને દુઃખી ના થવા દઈશ.

***

80 - હેપ્પી એનિવર્સરી

Shraddha Bhatt

ધ લવ ઓફ માય લાઈફ, માય વાઈફ આશા, વિશ યુ અ વેરી હેપ્પી ફિફટીન્થ મેરેજ એનિવર્સરી.ફેસબુકમાં સ્ટેટસ અપલોડ કરીને જતીન કમેન્ટ્સની રાહ જોતો ઓફિસમાં બેઠો હતો. એની ધારણા મુજબ થોડી વારમાં કમેન્ટ્સ આવવા લાગી. બધાને ધન્યવાદ પાઠવતી એની આંગળી અચાનક અટકી, ચાલીસી ચહેરા પર યુવાનીની ચમક આવી ગઈ. એણે તરત ફોન લગાડ્યો.

હાય ડાર્લિંગ, તારી કમેન્ટની જ રાહ જોતો હતો. આવું છું.

અરે પણ..

હું આજે કંઈ જ સાંભળવાનો નથી. ગેટ રેડી.

જતીન અને આશાના લગ્નની પંદરમી વર્ષગાંઠ બંને અલગ અલગ રીતે ઉજવી રહ્યા હતા. જતીન હોટેલના બંધ કમરામાં પોતાની પ્રેમિકા સાથે ને આશા ઘરે જતીનના આવવાની રાહ સાથે.

***

81 - નિસ્વાર્થ પ્રેમ

Shreyansh Kapasi

નાનપણ થી જેની સાથે મોટી થઇ એવી અનામિકા ને રાહુલ ગમતો હતો. પણ, હવે વાત અલગ હતી. અમેરિકા માં જન્મેલા અનામિકા અને રાહુલ ભણી ને જોબ કરવા માંગતા હતા પણ આજે અનામિકા એક પોર્નસ્ટાર હતી. પોતાના પૈસા કમાવાની લાલચ એને અમેરિકા માં એક પોર્નસ્ટાર બનાવી દીધી હતી. એટલે રાહુલ એ એને અપનાવાની ના પડી દીધી.. ૨વર્ષ પછી જયારે રાહુલ ને કેન્સર થયું ત્યારે આ અનામિકા નો જ સહારો અને એના પોર્ન સ્ટાર ના પૈસા થી જ એનો ઈલાજ શક્ય બન્યો હતો. આજે બધું ભૂલી ને અનામિકા અને રાહુલ પોતાની અલગ દુનિયા માં ખુશી ની જિંદગી જીવી રહ્યા છે.

***

82 - પ્રારંભ

Suketu Kothari

સુમન અને સુજોય દરિયાકિનારે પાણીના મોજા પગને સ્પર્શે એ રીતે એકબીજાનો હાથ પકડીને ચાલી રહ્યા હતા. સ્કુલના સમયથી લઇને અત્યાર સુધી, સાથે પસાર કરેલા સમયની જૂની યાદો અને વાતો યાદ કરી કરીને એકબીજાને વારાફરતી હસતા હસતા કહી રહ્યા હતા. જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી આવીજ રીતે એકબીજાનો સાથ અને જવાબદારીઓ નિભાવીશું એવું પોતપોતાના મનમાં નક્કી કરીને એકબીજાને આંખોથી વચન આપી રહ્યા હતા, એટલામાં પાછળથી કોઈએ બુમ પાડી, “ દાદા-દાદી, ચાલો મમ્મી-પાપા તમને બોલાવે છે, આપડી ટ્રેનનો સમય થઇ ગયો છે ”.

***

83 - Suresh Trivedi

ચાંદનીને કાયમ અફસોસ થતો કે પોતાના જેવી સુંદર સ્ત્રીને દેખાવડા અને રસિક પતિને બદલે શામળો, ઠીંગણો અને રસહીન મગનલાલ મળ્યો. દશ વર્ષમાં રોમેન્ટિક વાતો તો દૂર રહી, ક્યારેય કોઈ નાનીસરખી ભેટ પણ ના લાવી.

પરંતુ ચાંદનીને લાંબી માંદગી બાદ બંને કીડની ખરાબ થઇ ગઈ, તો મગનલાલ તરત પોતાની કીડની આપવા તૈયાર થયો. ત્યારે બદસુરત થઇ ગયેલી ચાંદની આશ્ચર્યથી બોલી: “મારા માટે તમારી જિંદગી જોખમમાં મૂકશો?”

મગનલાલે ભલભલા પ્રેમીઓ શરમાઈ જાય તેવો જવાબ આપ્યો: અરે ગાંડી! દિવસમાં દશ વાર ‘આઈ લવ યુ’ બોલે તેને જ પ્રેમ કહેવાય, એવું થોડું છે?

ચાંદનીની આંખોમાં હર્ષનાં આંસુ ના આવે તો જ નવાઈ ને !

***

84 - ' પહેલો પ્રેમ.'

Shushma Sheth

સામેની બારીએ ડોકાતી, તેની સુંદર મુખાકૃતિ જોતાં, પહેલી નજરનો પ્રેમ અનુભવ્યો. દરરોજ ત્યાં બેસી, મુલાયમ વાળ ઓળતી, મનપર કબ્જો જમાવતી તે, સપનામાંય ડોકાતી.

દૂધના બહાને ગયો. તેના ઘરનાઓએ સત્કારી, પરાણે ચ્હા પીવડાવી. જેને જોવા આંખો તરસતી હતી, તે ન દેખાઈ.

સ્મિતની આપ-લેએ મળવાની તીવ્ર ઝંખના જગાવી. તેના ઘરે પહોંચી ગયો. વ્હીલચેરમાં તેને બેઠેલી જોઈ, પગ ત્યાં જ ખોડાઈ ગયા. ચુપચાપ પાછો વળ્યો, પણ તેને મનમાંથી વાળી ન શક્યો. "પ્રેમ કરું છું." મગજને ટપાર્યું. "સાથ નિભાવીશ." મક્કમ મન, પ્રેમનો એકરાર કરવા દોડયું.

શોક્ગ્રસ્ત પરિવાર નનામીને વીંટળાયેલું હતું. તેના ફોટાને હાર ચઢાવેલો. એક વીંધતી નજર. હાથમાંનું પુષ્પગુચ્છ ફંગોળાયું. હું જમીનપર ફસડાઈ પડ્યો.

***

85 - 'સંગીની'

Shushma Sheth

"સૌની નજરમાં મારા પ્રત્યેનો અણગમો કળી શકાતો. કદરૂપો, શ્યામ, ચાંઠાવાળો ચહેરો જોઈ અરીસો તોડી નાખેલો. કોલેજમાં છોકરીઓને ફિલ્મસ્ટારોના ફોટા ચૂમતી જોઈ, ગુંગળામણ થતી.

પિતાનું નિધન. જે કામ મળ્યું તે! સ્પોટ-બૉય તરીકે કામ કર્યું.

તે નાજુક, રૂપાળી, અત્યંન્ત સુંદર. એક્સટ્રા. સેટપર નૃત્ય કરતી. હું તેની મીઠું હસતી, મોહક અદાઓ જોયા કરતો.

એક દિવસ નજીક આવી, અવકાશમાં તાકતી બોલી, " ઓમ, તમારો પડછંદ અવાજ મને ખુબ ગમે છે." તેનો મધુર સ્વર, મારા કર્ણપટલપર ગુંજ્યા કરતો. મુલાકાતો થતી. તે મને સાંભળ્યા કરતી, હું તેને.

અમે નજીક આવતા ગયા. મેં તેને ચુંબનોથી નવડાવી દીધી. મારી ભીતર તેનાં, અંધકારભર્યા નયનોએ પ્રકાશ પાથર્યો. તેની જ પ્રેરણાથી મેં ફિલ્મોમાં વિલનના રોલ કરવા માંડ્યા."

બેસ્ટ ખલનાયકનો સતત ત્રીજા વર્ષે એવોર્ડ મેળવનાર ઓમ શ્વાસ ખાવા રોકાયો. ઝડપભેર નીચે દોડી, નૈનાનો હાથ ઝાલી સ્ટેજપર ખેંચી લાવ્યો.

" મારા દરેક એવોર્ડની ખરી હકદાર મારી સંગીની છે. તે મારી સાથે નહોત, તો..."

પ્રજ્ઞાચક્ષુ નૈના, ઓમ સાથે કદમ મિલાવતી, હાથ પકડી ઊતરી. પ્રેક્ષકગણ આ પ્રેમીઓને તાળીઓથી વધાવતું ઊભું થઈ ગયું.

***

86 - ‘હીંચકો'

Shushma Sheth

બા હીંચકો કાઢવા નહોતી દેતી અને તેનીપર કોઈને બેસવાય નહોતી દેતી.

કહેતી, "આનીપર હંમેશ 'એ' બેસતા. સોપારી કાતરી આપે, ને હું પાનમાં ભરી તેમના મોઢામાં મુકું. કેટલીયે ખાટી-મીઠી વાતો ઝૂલે. લડીએ-ઝગડીએ. રીસામણાં-મનામણાંનો સાક્ષી, આ હીંચકો. પહેલી વાર મને આ જ હીંચકાપર..." તે શરમાઈ ગઈ.

"મને ગમતી વેણી, રોજ વાળમાં ભરાવી આપે. તેમના જૂના ચપ્પલ ફાટી ગયેલા. મેં નવા લાવવા કહ્યું ત્યારે, મારા માટે મનગમતી નવી બંગડીઓ લાવ્યા. જાણીજોઈને દવા ભૂલવાનું નાટક કરે, હું મૂઈ વઢીને યાદ દેવડાવું માટે સ્તો."

પછી હીંચકે વ્હાલથી હાથ પસરાવતી બા કહે, "તેમની યાદમાં, આનેય હેડકી આવે છે. હવે બે સળીયાનો પ્રેમભર્યો કીચૂડાટ સુનો થઈ ગયો.

***

87 - મેચિંગ લવ

Vaishali Radia Bhatelia

‘મેઘા... ક્યાં મરી ગઈ..? ભીની આંખે બારીબહારનો સૂકો વરસાદ જોતી મેઘના ત્રાડથી હબકી ગઈ! ખુલ્લા રહી ગયેલા ઘરના દરવાજામાંથી આવી ચઢેલાઅનુરાગને ફફડતી મેઘનાએ ધ્રૂજતા હાથે ટુવાલ આપ્યો.સોફામાં પડતાંજ અનુરાગ ‘ચા, કાંદાનાં ભજીયાં, વેફર...’ઓર્ડર છોડવા માંડ્યો અને મેઘનાની ભીની આંખો બહારના વરસાદ સાથે મેચિંગ થતી રહી! સમારાતા કાંદા પર આંસુઓનો આરોપ ચઢતો ગયો. એકાએક તેણે કૈંક નક્કી કર્યું અને ચપ્પુ કાંડા પર મૂક્યું. ત્યાં જ ક્યારની આ બધું જોતી ૧૬ વર્ષની સાંજી પાછળથી કમર પકડી વીંટળાઈને એના કાનમાં ગણગણી, ‘એય... મમ્મા દોસ્ત, આઈ લવ યૂ!’મેઘનાના હાથમાંથી ચપ્પુ સરી પડ્યું અને હસતી આંખો બોલી ઉઠી,‘આઈ લવ યૂ ટૂ’

***

88 - રંગીન ફૂલ

Vaishali Radia Bhatelia

‘રેખુડી, જલદી તૈયાર થાને, છોકરાવાળા હમણાં આવી પહોંચશે.’ માનો અવાજ સાંભળતી રેખા વાળની લટ આંગળીઓમાં વીંટાળતી વિચારોમાં ખોવાઈ ગઈ...

કૉલેજના વાર્ષિકોત્સવમાં નાટક ભજવતી વખતનો એ સંવાદ - હંમેશાં જેની ઉપેક્ષા કરતી એ પરાગના મુખે, ‘હેય ડાલી, ક્યારે મારો પ્રેમ સ્વીકારીશ?’ જવાબમાં, ‘માય ફૂટ’ કહી પગ પછાડતી, નિતંબ હલાવતી એને જોઈ સીટી વગાડતા કૉલેજના છોકરાઓ!… એમાંનો એક રબીન્દ્ર રોય...

એકાંત મુલાકાતમાં નીચું જોઈને બેઠેલી રેખાની હડપચી ઊંચી કરતાં પરાગ એના પેટ પર હાથ મૂકીને બોલ્યો, ‘મારી ડાલી પર ખીલેલું ફૂલ ક્યારેય બેરંગ નહીં ઊગે!’ ભીંજાયેલા ગાલ પર લાલી છવાઈ ગઈ ને સૂકાયેલા હોઠ ખૂલ્યા, ‘વ્હેર ઇઝ યોર ફૂટ?’

***

89 - લવલી મોસમ

Vaishali Radia Bhatelia

લાવણ્યાની ચોખ્ખી-નિર્દોષ આસમાની આંખો, રતુમડા હોઠ, દૂધ જેવા દાંત, ગુલાબી ગાલ, નકશીકામથી ઘડેલું નાક, રેશમી વાળ, ગોરી ત્વચા અને જોવાવાળો મોહાઈ જાય એવું ખીલતું હાસ્ય!

લાવણ્યાનો અઢારમો જન્મદિવસ હજી ગઈ કાલે અષાઢી બીજની ભીની વાછંટોની સુગંધમાં ઉજવાયો. બધા ખૂબ ખુશ હતા, પણ લાવણ્યા? એકાંતમાં આજે એનાં સપનાંને પાંખો ફૂટી હતી. એક સુંદર રાજકુમાર ઘોડા પર બેસી એને હાથ લંબાવતો દેખાયો.જેવી ઘોડા પર બેસવા ગઈ, ત્યાં ધબ્બ કરતી નીચે પછડાઈ!

તરત બે મજબૂત હાથે સેલેબ્રલ પાલ્સીની દર્દી લાવણ્યાને ફૂલની જેમ ઊંચકી લીધી અને મર્સિડીઝમાં બેસાડતાં પર્જન્યએ દિલને સ્પર્શતાં પૂછ્યું, ‘ લવલી મોસમમાં લોંગ ડ્રાઈવ પર આવીશ?’

***

90 - મૂક સંવાદ

Vaishali Radia Bhatelia

Kyrey malya vina aa muksamvad thaki parivaar ni farjo nibhavvani prerna melvi chhe. Shu aaje tmne maline jindgi ni thodi palo lagni thi jivant kri shku?

રમ્યાનો મેસેજ વાંચીને ક્યારેય કોઈને નહીં મળવાનો નિયમ તોડી સૂરજની સમજદારીYES…’લખીને એડ્રેસ મોકલી બેઠી.

સાંજના આછા ઉજાસમાં અટકાવેલો દરવાજો ખૂલતાંઆવો રમ્યા નોઆવકાર આપતો વ્હીલચેરમાં ગોઠવાયેલા શરીર પર સુંદર-હસતો ચહેરો દેખાયો. આંખો બધું સમજી ગઈ. જાતને સંભાળતીરમ્યાએ સૂરજના ખોળામાં માથું મૂકી દીધું. વાળને સહેલાવતા હાથ હૂંફની સાથે જીવનસંઘર્ષની ફરજો બજાવવાની ઊર્જા-ઉષ્માઆપી રહ્યા. મિનિટોમાં ઊઠીને દરવાજે પહોંચીને પાછું જોતી રમ્યા બોલી, ‘તમને આઈ લવ યૂ કહી શકું?’

***

91 - પ્રેમલગ્ન

Vibhuti Bipinchadra Desai

ડુંગરી બ્રહ્મદેવની ટેકરી પર દાંતી-ભાગલના દરિયામાં અસ્ત થતાં સૂર્યને જોતાં જોતાં અજાણતાં આપણે ટકરાયા. આપનો સ્પર્શ થતાં જ દિલનાં તાર રણઝણી ઉઠ્યાં. નજર એક થઈ ને સ્મિતની આપલે. દિલ બેચેન, નજર આપને જ શોધ્યા કરે.

ઘરે પહોંચતા મોબાઈલમાં મેસેજ જોયો, નવાઈ લાગી, એટલીવારમાં મારો નંબર મેળવી લીધો! મેસેજની આપલે કરતાં તેં પ્રેમનો એકરાર કર્યો. મને તો દોડવું હતું ને ઢાળ મળ્યો.

આપણી મુલાકાતો વધતી ચાલી. ઘરે ખબર પડી. કોલેજ જવાનું બંધ. મોબાઈલમાં તો સહેલીના નામે નંબર લખેલો એટલે મેસેજ ચાલુ રહ્યા અને એક દિવસ ઘર છોડી ને તારા વિશ્વાસે ચાલી નીકળી અને લગ્ન કર્યા.

આજે આપણાં પ્રેમલગ્નથી હું ખૂશ છું.

***

92 - તાજ.

Heli Vora

હાજીપીરના મેળામાં આંખો મળી, નીચી જાત છતાં યાકુબે હિંમત કરી.... “બેગમ બનશે, ઝોહરા?”

ઝોહરા હસી.. “ઘરવાlળા કભી નહિ માનશે”

“ભાગેગી?” યાકુબની આંખમાં લોહી ધસી આવ્યું.

***

બેગમ મુમતાઝના મનનો દાવાનળ કેમે’ય શમતો નહોતો, મુઘલ હેરમમાં છડી પોકારાઈ.... “શહેનશાહ મિર્ઝા શાહબુદ્દીનબૈગ શાહજહાં પધાર રહે હૈ”

“બેગમ નારાઝ હો?” શહેનશાહ પામી ગયા.

“મુમતાઝ મહેલોકી નહી, મુહબ્બ્તકી પ્યાસી હૈ.... શહેનશાહકો બેગમોકી કમી કહાં? મુમતાઝ મર ભી ગયી તો ક્યા?” અને શેહનશાહની આંખમાં તાજની સંકલ્પના ચમકી....

***

“તાજ દીખએગા મુજે?” ઝોહરાનો સ્વીકાર અને ત્રીજી સાંજે બેલડી તાજને અનિમેષ તાકી રહી હતી......

“કુબૂલ હૈ”

“કુબૂલ હૈ”

***

તાજમાં કેદ મુમતાઝને સદીઓ પછી મુહબ્બત સાંપડી.. તાજની સંકલ્પના સાકાર થઇ.

***

93 - PROPOS

Yash Panchani

  • આજ સાત વર્ષ પુરા થય ગયા ભૂમિ અને ગગનના પ્રેમ પ્રકરણને. વાત છે 2008 ની, ભાવનગરની કોલેજમાં જ ગગને એક છોકરીને પ્રથમ વખત જોયામાં જ દિલ પર રાજ કરવા લાગી અને તેને સાચો પ્રેમ થય ગયો હતો. કોલેજ પુરી થય ગય પણ વાત આગળ વધતી જ નોતી. ભૂમિ ને તો તે પણ નોતી ખબર કે ગગનને તે ગમે છે. વાત છે ભૂમિના જન્મદિવસની, અચાનક જ ગગનને જોય તે આશ્ચર્ય પામી. તે દિવસથી તે બંને નજીક આવ્યા. સોસિઅલ મીડિયા નો ફાયદો ઉપાડીને બન્ને વાતું કરવા લાગ્યા. બન્નેને ક્યારે પ્રેમ થાય ગયો તેની ખબર જ ના પડી. આજ 7 વર્ષ થઇ ગયા પણ આજ સુધી બન્ને માંથી એક પણ એ પ્રોપોસ નથી કર્યું તેમ છતાં બન્નેનો અતૂટ પ્રેમ થોડા જ સમય માં લગ્ન તરફ વળવા ગતિ કરી રહ્યો છે.
  • ***

    94 - ROMANTIC PROPOS

    Yash Panchani

  • આજ પૂનમમાં રાત્રીના દરીયામાં કંઈક અલગ જ એકદમ હૂંફાળું અને રોમાંચક વાતાવરણ હતું. કિનારા પર ઉભેલા બે પ્રેમી હર્ષ અને ધારા એકમેકની આખોમાંથી પ્રેમની ભાષાને વાચા આપી રહ્યા હતા. દરિયાનું મોજું આવીને પગ સ્પર્શ કરે અને વધુને વધુ પ્રેમ ખીલી ઉઠે. સમય જાણે થંભી ગયો હતો. આખરે થોડું મોટું મોજું આવ્યું કે બંનેના પ્રેમમાં દખલ કરી ગયું. હર્ષે ધારાની આખો પર હાથ મૂકીને થોડે આગળ ચાલ્યો. હાથ હટાવી જોયું તો પાણી ઉપર દિલ જેવી આકૃતિમાં આગ ઉત્પન્ન થતી હોય તેવી ગોઠવણ કરી હતી. ત્યારબાદ હર્ષે ગોઠણ ટેકવીને ધારાની આખોમાં આંખ રાખીને પૂછ્યું, "મારી જોડે લગ્ન કરીસ?" બસ સમય ત્યાં જ થંભી ગયોને હર્ષની આખો ખુલી અને સમજાયું કે ધારાના તો લગ્ન થાય ગયા છે અભી જોડે.
  • ***