Hu kevo lagu chhu books and stories free download online pdf in Gujarati

હું કેવો લાગું છું

હું કેવો લાગું છું?

અચાનક, વર્ષો પછી, જેની કલ્પના પણ ના કરી હોય તેનો ભેટો થઈ જાય તો શું થાય? ભીડાયેલાં હોઠ ફાટી જ જાયને! અને શબ્દો થોથવાઈ જાય. જ્યારે એ મળ્યો અને મને પૂછ્યું

“ અલ્યા રમેશ તું અહીં?” હું એને જોતો રહ્યો જાણે કોઈ સ્વપ્નું જોઈ રહ્યો હોઉં તેમ!

“ આ સવાલ મારે તને કરવો જોઈએ?” આશ્ચર્ય નું સમાપન કરતાં હું બોલ્યો.

“ બસ સ્ટોપ પર ઊભો ઊભો શું કરે છે? ટેક્ષી કરી લેવી જોઈએને? “

“ દસ માં કામ થતું હોય તો પચ્ચીસ રુપિયા થોડા ખરચાય તારી જેમ.. પણ તું આમ અચાનક મુંબઈ ક્યાંથી? તું તો અમદાવાદ સેટલ થયો છે.. ”

“ હતો. હવે તો વિરાર છું. ત્રણ વરસ થયાં અહીં.. બાકી બોલ તું કેમ છે?”

“ મઝામાં”

“ છોકરાંછૈયા”

“ તેઓ તેમની રીતે જીવી રહ્યાં છે. ”

“ સાલ્લું, બધેયઆ જ છે. ” કહી તે કોઈ ઊંડા વિચારમાં ખોવાઈ ગયો. ક્ષણભરનું તડકા જેવું તપાવતું મૌન તોડતાં મેં પૂછ્યુ્, “ ક્યાં ખોવાઈ ગયો.. ”

“ એ તો મોટો સવાલ છે! સાલ્લું ખોવાઈ જવાય એવી જગ્યા પણ મળતી નથી? તારા ધ્યાનમાં કોઈ છે?” હસતાં હસતાં તેણે કહ્યુ.

“ તું હજી એવો ને એવો રહયો યાર! જરીયે બદલાયો નથી. ”

“ ખરેખર! તને એવું લાગે છે?” ઉત્સાહથી તેણે પૂછ્યું.

મેં કોઈ જવાબ ન આપ્યો. પણ મંદ મંદ હસ્યો. કદાચ મારું હસવાનું એને દઝાડી જાય તો એ બીકે.

“ દોસ્ત, તારી વાત સાચી છે. મારી કર્કશી પત્ની પણ આમ જ કહેતી હતી. સ્વભાવ બદલો! અલ્યા આપણે આપણા ફાટેલાં કપડાં બદલી શકતા નથી, પરાણે બદલીએ છીએ અને તમે કહો છો સ્વભાવ બદલી નાખો?” કહી મારી સામે જોઈ રહ્યો.

“ મારી પત્ની આમ કહેતી હતી નો અર્થ?”

“ સાવ સીમ્પલ. હવે નથી. બે વરસ થઈ ગયાં.. અને સહાનુભૂતિ દર્શાવાની જરૂર નથી.. ચલ સામે ચા પી લઈએ.. ” કહી મારી સામે જોવા લાગ્યો.

“ પણ તું કેમ છે?” સહજતાથી મેં પૂછ્યું.

“ તારી સામે ઊભો છું,તું અંદાજ લગાવ કે હું કેવો લાગું છું?” કહી હસવા લાગ્યો. પેંટનાં પાછલા ખિસ્સામાંથી કાંચકો કાઢી વેરવિખેર વાળ ટેસ્ટથી ઓળવા લાગ્યો. કાંચકો મૂકી રૂમાલ કાઢ્યો. ચહેરા પરનો પરસેવો લૂછ્યો. પછી બે હાથની આંગળીનો સહારો લઈ ચશ્મા આસ્તેથી કાઢી ચશ્માની નાજુક ફ્રેમ લૂછી. ત્યારબાદ કાચ લૂછ્યા. બુશશર્ટનાં કોલર બે હાથથી ટાઈટ કર્યાં. પછી કાંડા પરની ઘડિયાળ જોવા લાગ્યો.

“ કેમ ઘડિયાળ જુએ છે? કોકને ટાઈમ આપ્યો છે કે?”

“ આદત છે. આપણો વટ પાડવા વારેઘડી ઘડિયાળ જોયા કરવાથી જરા મોભો વધે. આપણે ટાઈમપાસ ફાલતુ માણસ નથી.. ” કહી હસવા લાગ્યો. હું એને તાકી રહ્યો. મારા ખભે હાથ મૂકી મને કહ્યું, “ દોસ્ત તને નહીં સમજાય. ચાપાણી પી લઈએ. ધણા વરસે મળ્યા કેમ ખરુ્ ને? “ કહી સામે ચાની હોટલ હતી ત્યાં ગયાં.

“ તને મોડું તો નથી થતું ને?” કહી મારી સામે જોવા લાગ્યો.

“ ના” કહી તેની સાથે ચાલવા લાગ્યો.

તો આ હતો મારા બાળપણનો દોસ્ત ભૂપેન. પણ અમે ભૂપો કે ભૂપા કહેતાં. આ દોસ્તી કોલેજ સુધી ચાલી. ખરો વટ રાખે. એનાં અંગેઅંગમાં રમતી હોય મગરૂરી. ભાગ્યે જ કોઈ એને વતાવે. સહનશીલતાનો અભાવ. સામેની વ્યક્તિને એક ક્ષણમાં શબ્દોની ચપટીથી મસળી નાખે. હાજર જવાબી પણ એટલો જ. કેટલાક મિત્રોએ બિરબલ ની ઉપાધિ આપેલી હતી. સૌથી મોટો ગુણ એની આંખોમાં ઝેર નો છાંટો પણ જોવા ના મળે. એટલે તો એ સૌને પ્રિય લાગતો. એની વાક્ છતાં સૌને આંજી નાખતી હતી. એની આસપાસ મિત્રો મધમાખીની જેમ બણબણ કરતાં હોય જ. અને એ પણ એવું ઝંખતો હોય કે એનો વટ પડે. એ માટે વારતહેવારે મિત્રોને ધરે બાલાવી પાર્ટી પણ આપતો હતો. પિકનીક પોતાનાં હિસાબે અને જોખમે લઈ જતો. દુશ્મનને દોસ્ત બનાવવાની આવડત અફલાતૂન હતી. પોતાની ભૂલ હોય તો માફી માગી લેતા અચકાતો નહીં. આવા ભૂપેન ને સમજવો અધરો પણ ખરો. બીજાનાં દિલની વાત ચપટીમાં જાણી લેતો. પણ એનાં હૈયાનું રતિભાર દર્દ જાણી શકાતું નહી. આવા નટખટ યુવાન પાછળ છોકરીઓ પણ કોયલની જેમ ન ટહુકે તો નવાઈ.

કોલેજ એટલે સ્વતંત્રતા એવી માન્યતા ઘર કરી ગયેલી. પણ એ સ્વતંત્રતાની પાછળ પાછળ સ્વછંદતા ધીમે પગલે આવી જતી. કોલેજની કેન્ટીંગ કે કોફી હાઉસ એટલે જૂથબંધીનો અડ્ડો. મજાક,મશ્કરી સાથે ભણતર! આવા વાતાવરણમાં અમારા ભૂપેન ભાઈ હીરોગીરી કરી વટ પાડતાં. શેરનાં માથે સવાશેર એ કહેવત સાર્થક થતી લાગી. રેશ્મા નામની છોકરી લાખ પ્રયત્ન છતાં ભૂપેન ને ભાવ ન આપે. ભૂપેનભાઈ તો મૂંઝાતા પણ હોંશિયારીનો ફાંકો ના છોડે! રેશ્મા આવે ગાડીમાં. સાથે હોય એની સહેલીઓ. સૌ એને હીરોઈન તરીકે ઓળખે. બરાબર ભૂપેન સામે અમે જ્યાં ઊભા હોઈએ ત્યાં ગાડી પાર્ક કરી ઠસ્સાથી ઊતરે મારકણી અદા સાથે!

એક વાર તો ભારે કરી. ભૂપેન બાઈક ચાલુ કરવા મથામણ કરી રહ્યો હતો અને રેશ્માએ એની સહેલી સાથેની કાર એની સામે ઊભી રાખી પૂછ્યું, “ લીફ્ટ જોઈએ છે?” કારમાં હાસ્યનો દેકારો મચી ગયો. “ અરે એને ક્યાં બેસાડશું? “ રેશ્માએ એની સખીઓને શાંત પાડતાં કહ્યું, “ કારની ઉપર બીજે ક્યાં?” અમે સૌ ધ્રૂજી ઊઠ્યાં. ભૂપેન રેશ્માની કાર પાસે જઈને ઊભો રહ્યો. વટથી કહ્યું, “ હીરોઈનજી, એક દિવસ તને મારી બાજુમાં ન બેસાડું તો મારું નામ ભૂપેન નહીં. “ કહી રેશ્માની કાર સામે બાઈક ઊભી રાખી. “ આપ જા શકતે હો. દેખતા હું કૈસે જા રહે હો?” થોડી ક્ષણ સન્નાટો છવાઈ ગયો. વાતાવરણમાં ગરમાવો આવે એ પહેલાં અમારી સામે આંખ મીચકારી બાઈક ભગાવી મૂકી.

આ બનાવ સૌ ભૂલી ગયાં, કારણ કોલેજનું ઈલેકશન. કોલેજમાં જીએસની ચૂંટણી જોરશોરથી ગાજતી હતી. ગયા વર્ષની જેમ આ વરસે પણ ભૂપેને ઝંપલાવ્યું. ગયા વર્ષે તેની સામે કોઈ ઊભું ન હતું . પણ આ વખતે રેશ્મા ઊભી હતી. રસાકસી બરાબર જામી હતી. ભૂપેન નંબર વનની સ્થિતિમાં હતો. અમે સૌ મિત્રોએ જીતની ઉજવણીનો સામાન આગલી રાત્રે લાવી રાખ્યો હતો. સવારે કોલેજમાં ધમાકો થયો. અમારા હોંશકોશ ઊડી ગયાં હતાં. ભૂપેન ચુંટણીમાંથી ખસી ગયો હતો. રેશમા ની જીતનું અનુમોદન થયું. રેશ્માનું ગ્રુપ જોરશોરથી વિજયોલ્લાસ ઉજવી રહ્યું હતું . અને એક જબરદસ્ત સમાચાર ફરી વળ્યાં વંટોળની જેમ. રેશ્માનાં પિતા ખંડણીખોર છે. નાના દુકાનદારો અને નાના કારખાનાનાં માલિકો પાસેથી પૈસા પ્રોટેક્શનનાં નામે વસૂલ કરે છે. અને ધણીવાર જેલમાં પણ જઈ આવ્યો છે. કોલેજ કંપાઉંડમાં રેશ્મા સામે વિરોધ ફૂંકાયો. શરમને લીધે રેશ્મા અઠવાડિયાથી કોલેજ આવતી બંધ થઈ ગઈ. કોલેજ પ્રિન્સિપાલ સામે આક્ષેપો થવા લાગ્યાં. રેશ્માને કોલેજમાંથી કાઢી મૂકવા માટે કોલેજ કંપાઉન્ડમાં મિટિંગનું આયોજન પણ થયું. સ્ટેજ પર રેશ્માની આલોચના જે થતી હતી તે અચાનક અટકી ગઈ. સ્ટેજ પર ભૂપેન રેશ્માનો હાથ પકડી પ્રવેશી રહ્યો હતો. માઈક પાસે આવી ઊભો રહ્યો. તેની બાજુમાં રેશ્મા ઊભી હતી. શોરબકોરનું બાષ્પીભવન થઈ ગયું મૌનનું રણ છવાઈ ગયું. ભૂપેન નો ભારેખમ શબ્દ સૌના કાને અથડાયો, “ મિત્રો, તમારી હા હોય તો બે શબ્દો બોલવા માંગુ છું” કહી ઊભો રહ્યો. “ ભૂપેન, ભૂપેન.. ” ના નારાં હવામાં ગૂંજવા લાગ્યાં. “ મિત્રો.. પ્લીઝ શાંત થાવ. મને સાંભળ્યાં પછી તમે શાંત ચિત્તે વિચારી નિર્ણય લેજો. ” કહી મૌન રહ્યો. વાતાવરણમાં નીરવતા એટલી હદે છવાઈ ગઈ હતી કે સૌનાં શ્વાસોશ્વાસ પણ સંભળાય!

“ મા બાપ નાં ગુનાની સજા એનાં સંતાનો ભોગવે એ કેટલી હદે સાચું છે? ધારો કે મારા કે તમારે આપણા મા બાપની સજા ભોગવવી જોઈએ ? બોલો, આ શું વ્યાજબી છે?” પૂછી મૌન રહ્યો. સભા સામે જોઈ રહ્યો. ” તમારું મૌન તમારો જવાબ છે. મા કે બાપના ગુનાની સજા એનાં સંતાનોને ન કરાય. રેશ્માનો બાપ ગુંડો છે પણ રેશ્માની માએ તથા રેશ્માએ બાપ જોડે કોઈ પણ જાતનાં સંબંધો નથી રાખ્યાં. તેઓ અલગ રહે છે. એટલું જ નહીં તેને બદનામ કરવા તેના બાપે આ સમાચાર છપાવ્યાં છે. ” કહી સમાચાર છાપનારને સ્ટેજ પર ઉપસ્થિત કર્યો.

સ્યોરી,સ્યોરીનાં કોલાહલ વચ્ચે રાબેતા મુજબની સ્થિતિ કોલેજમાં સ્થપાઈ ગઈ. પણ ભૂપેન અને રેશ્મા વચ્ચે ધર્ષણની જગ્યાએ દોસ્તીનો માહોલ રચાઈ ગયો. એક વાર મેં પૂછી લીધું કે રેશ્માને પામવા તે અજબ દાવ ખેલ્યો. ચૂંટણીમાંથી ખસી જવું, એને બદનામ કરવી, એની વિરુધ્ધ વાતાવરણ ઊભું કરવું, અને બધાની હાજરીમાં એનો બચાવ કરવો આ બધી વાત રેશ્મા જાણશે તો?”

“તો શું? કશું નહીં થાય. તારા સિવાય બીજું કોઈ નથી જાણતું. પણ તને કોઈ પ્રોબ્લેમ?”

“ મને કશો વાંધો નથી. પણ ક્યાંક.. ”

“ ક્યાંક શું? દોસ્ત જિંદગીની હકીકત જાણું છું. જે છે તે કાયમ રહેવાનું નથી. તો એની ચિંતા શા માટે કરવાની. મરતા મરતા જીવવા કરતાં મગરૂરીથી જીવી લેવામાં મજા છે દોસ્ત. ” કહી મારો ખભો દબાવ્યો. “ અને આ તો પ્રેમ છે. ”

“ પણ જે ક્ષણે રેશ્મા જાણશે કે તે છેતરાણી છે ત્યારે. ”

“ એ દૂરની વાત છે. અત્યારે અમારી આંખે પ્રેમનો નશો છે દોસ્ત. જો નામ લેતાની સાથે તે આવી” કહી તે ચાલતો થયો. હવે અમારી જગ્યા રેશ્માએ લીધી હતી. પરીક્ષા માથે હોવાથી મારું ધ્યાન વાંચવામાં હતું. એક સાંજે ખબર મળી કે ભૂપેન રેશ્મા બગીચામાં બેઠાં હતાં ત્યારે કોઈએ તેમનાં પર ગોળીબાર કર્યો હતો. સદ્ ભાગ્યે રેશ્મા બચી ગઈ અને ભૂપેન ધવાયો હતો. હું તેને જોવા હોસ્પિટલ ગયો. મને કહ્યું બચી ગયો. રેશ્માનાં પ્યારે બચાવ્યો. ” કહી મને પૂછ્યું,” તને શું લાગે છે. ?” આ સાંભળી રેશ્મા શરમાઈ ગઈ. તે આવું શું કહીને બહાર ગઈ.

આ બધું કેમ બન્યું એના જવાબ પેઠે ભૂપેન ધીરે ધીરે, ધીમે ધીમે બંધ પાના ખોલતો ગયો.

રેશ્મા ભૂપેન પ્રકરણ રેશ્માનાં પપ્પાને મંજૂર ન હતું. ધમકી ભર્યાં ફોન પણ આવી ગયાં હતાં. સ્વભાવ પ્રમાણે તેણે પડકાર ઝીલી લીધો હતો. રેશ્માની આંખોનાં ખૂન્નસે ભૂપેનને બેફિકર બનાવી દીધો હતો. જો કરના હો કર લેનાનો મેસેજ બંને જણે મોકલાવી દીધો અને પરિણામ સ્વરૂપ આ હુમલો થયો હતો.

“ હવે આગળ શું?”

“ હોસ્પિટલથી બહાર નીકળવા દે જોઈ લઈશ સાલ્લાને.. ” કહી મને પિસ્તોલ બતાવી કહ્યું, “ આ શું છે ખબર તને?”

મેં જવાબ ન આપ્યો. હસતાં હસતાં કહ્યું, “ આને ઘોડો કહેવાય. અંધારી આલમની કોડ ભાષા છે. ”

“ તારી પાસે ક્યાંથી?”

“ આ તો રેશ્માની છે. એટલે તો હું બચી ગયો. ” આ સાંભળી મને પરસેવો વળી ગયો. માંડ માંડ શબ્દો નીકળ્યાં, “ દોસ્ત તું આગ સાથે રમી રહ્યો છે. તમારું ગોકુળિયું ક્યાંક કુરૂક્ષેત્રનું મેદાન ન બની જાય એનું ધ્યાન રાખજે દોસ્ત “કહી હું ઊભો થયો. સામે રેશ્મા ઊભી હતી. ધ્યાન રાખજો કહીને મેં રજા લીધી ધ્રૂજતા હૈયે.

અઠવાડિયા પછી ખબર મળી કે તેઓ શહેર છોડી જતાં રહ્યાં છે. વાતો એવી સાંભળી કે રેશ્માએ ભૂપેન પર દબાણ કર્યું કે એના બાપ સાથે દુશ્મની કરવામાં સાર નથી. એનો બાપ પણ એક સીધો સાદો ઈન્સાન હતો. નાની શી વાત બદલાની અને હાફ મર્ડર કેસમાં જેલ જઈ આવ્યો હતો. ત્યાં બદનામ બાદશાહ ટોળીનાં સંપર્કમાં આવ્યો. જેલમાંથી બહાર આવી સૌ પ્રથમ એનાં દુશ્મનને ધોઈ નાખ્યો. જેલમાં જવુંઆવવું એના માટે નવાઈ ન હતી. વખત જતાં અંધારી આલમમાં વર્સસ્વ જમાવ્યું.

રેશ્માને પોતાનો નહીં પણ ભૂપેનનાં જીવનો ડર હતો. કારણ તે જાણતી હતી તેનો બાપ ફરીથી જરૂર જીવલેણ હુમલો કરશે. કારણ બાદશાહ ગેંગનો સમીર ઉસ્તાદ રેશ્માને ચાહતો હતો. રેશ્મા સારી રીતે જાણતી હતી ગેંગનો કારોબાર. અહીં દયા, લાગણી નામની ચીજ ના હોય. મતલબ માટે ગમે તે હદ પર તેઓ જઈ શકતા. એનો અંદાજ રેશ્માને બની ગયેલી ઘટનાંથી આવી ગયો હતો. અને કોઈ જાણે ના એ રીતે શહેર છોડીને ક્યાંક જતા રહ્યાં રાતોરાત!

આ ભૂપેનને હું જોઈ રહ્યો હતો વરસો બાદ. એની બોડી લેંગવેજ થી એટલું સમજી શક્યો કે જે દેખાય છે તેવું નથી. વાતવાતમાં એટલું સમજી શક્યો કે રેશ્માની બીમારી પાછળ તે ખુવાર થઈ ગયો હતો. બે છોકરાઓ પરદેશ હતાં. તે એકલતાની કાળકોટડીમાં જીવી રહ્યો હતો. કલરવ વગરનાં પારેવા શી જિંદગી તેને ડંખી રહી હતી. જેનો એક પગ ઘરમાં અને બીજો પગ બહાર ભટકતો હોય તે બંધનયુક્ત જીવન કેવી રીતે જીવી શકે? અને પીઠ પર વહાલભર્યો હાથ ફેરવતી જીવનસંગીની પણ સાથ છોડી પ્રભુશરણ થઈ જાય ત્યારે તે જલબીન મછલીની જેમ તરફડી રહ્યો હતો.

ચા નો કપ પૂરો કર્યો. અમે ઊભા થયાં. “ ચલ, ફરી મળશું” મેં કહ્યું. મારી સામે મલકાતાં મલકાતાં પૂછ્યું,” દોસ્ત, હું કેવો લાગું છું?”

“ પહેલાં જેવો તો નહીં. ” મારે ધણું કહેવું હતું, પણ જીભ લકવાગ્રસ્ત લાગી. બાય કરતો બસમાં તે ચઢી ગયો. દોસ્ત તું દુખી લાગે છે એ શબ્દો શરમાઈને મારા હોઠમાં છૂપાઈ ગયાં. મારી પત્ની સાથે રાતે ભૂપેન મળ્યાની વાત વાગોળતાં સૂઈ ગયાં,

***

અચાનક હું જાગ્યો. મારી પત્ની મને ઢંઢોળી રહી હતી. આંખ સામે વર્તમાનપત્ર ધર્યું. મોટા અક્ષરે ભૂપેનનાં વરલી સી ફેસ પર ઝંપલાવી આત્મ હત્યાનાં સમાચાર હતાં. મારી આંખ સામે ભૂપેનની તસ્વીર હતી જાણે પૂછતો ન હોય, “ હું કેવો લાગું છું?”

સમાપ્ત

પ્રફુલ્લ આર શાહ.