Ae Bari books and stories free download online pdf in Gujarati

એ બારી

એ બારી

કૈ કેટલીયે વાર એ પેલી બારીને જોઈ ચૂક્યો હતો. બોમ્બે-દિલ્હી એક્સ્પ્રેસ, વડોદરા છોડ્યા પછી કલ્લાકો પસાર કર્યા બાદ, ગોધરા સ્ટેશને ઘડીક રોકાય અને સ્ટેશન છોડે એ દરમ્યાન એ કંપાર્ટમેન્ટમાં સતર્ક થઈ જતો. અને એ સખળડખળ થયેલી, ખખડી ગયેલી બારીને થોડીક સેકંડો માટે આંખોમાં ભરી લેતો.

જ્યારે જ્યારે પણ એને ટૂરમાં જવાનું થતું ત્યારે એ જાણી જોઈને આજ ટ્રેન પસંદ કરતો. અને ખાસ ચાહીને બારી સીટ લઈ લેતો. કોણ જાણે કેમ એક અજબ પ્રકારનું ખેંચાણ હતું એને એ બારી તરફ. આમ તો કઈ ખાસ નોતું એ બારીમાં. પણ લોખંડના સળિયાવાળી, તૂટેલા કમાડવાળી એ બારી પાછળનો સળવળાટ એને હમેશાં આકર્ષતો, જબરન ઘસડી જતો એને પોતાની તરફ અને એ કોઈ અકથ્ય અભાન અવસ્થામાં એ તરફ દોરાઈ જતો.

એમ કરતાં કરતાં તો, હવે અઠ્યાવીસ વરસના વહાણાં વીતી ગયાં હતાં. ઘણું કરીને ૧૯૭૦માં એને અવારનવાર ઓફીસના કામે દિલ્હી જવાનું થતું.અને આમ વર્ષો સુધી ચાલ્યું. આજે પણ પેલી બારીને જોઈ લેવાની ચેષ્ટા અવિરતપણે, નિયમિત રીતે, ચાલુ જ છે. કોઈ પણ જાતના ફેરફાર વિના.....

ટ્રેનમાં બેઠેલો કોઈ પણ મુસાફર સ્વાભાવિક રીતે બોલતો કે “હવે ગોધરા પહોંચવા જ આવ્યા છીએ.” ને બસ, આટલું સાંભળતાં તો એ સતર્ક થઈ જતો અને યેનકેનપ્રકારેણ કંપાર્ટમેન્ટની પેલી બારી તરફની બારીસીટ પર ધક્કેલાઈ જતો. કોઈ પણ જાતના સંકોચ રાખ્યા વગર.....અને દોડતી જતી ટ્રેનની બારીમાથી “પેલી બારી”ની એક ઝલક અચૂકપણે મેળવીજ લેતો.

વિનાશ માટે દરેક ક્ષણે તૈયાર હોય એવા મકાનની એ બારી હચમચી ગયેલી અને કોઈ પણ ક્ષણે તૂટી પડે એવી હાલતમાં હતી.આજે જ્યારે ગાડી એ બારી પાસેથી પસાર થઈ ત્યારે એને આશ્ચર્ય થયું. કેટલાક જુવાનિયાઓ એ બારીની સાફસૂફી કરી રહયા હતા.“ કદાચ ઘરમાં કોઈ સારો પ્રસંગ આવવાનો હશે...” એ મનોમન બોલ્યો. ગાડીની ગતિ તેજ થઈ ચૂકી હતી. દિલ્હીથી પાછા ફરતાં રાબેતાં મુજબ એણે બારી તરફ એક નજર માત્ર નાખી હતી. કોઈ પણ કારણ વિના અનિચ્છાએ અને ટેવવશ. ...ઘરમાં રંગીન લાઈટોનો ઝગમગાટ હતો. ઘરમાં કોઈ પ્રસંગ પત્યો હોય એવું વાતાવણ એને જણાયું.

ભૂતકાળના કેટલાક દ્રશ્યો એની નજર સમક્ષ એકાએક તરવરી રહ્યા. શરૂ શરૂ માં એ જ્યારે પણ બારી તરફ જોઈ લેતો ત્યારે બારીમાં નાના બાળકના સૂકાતા લટકતાં કપડાં એને દેખાતાં. થોડાક વર્ષો બાદ પાંચ વરસના બાળકના કપડાં લટકતા જોવા મળતા અને ત્યારબાદ દસ વરસના છોકરાના કપડાં અને પછી પંદર વરસના કિશોરના કપડાં હવામાં ઝૂલતા એ હંમેશાં તબક્કાવાર જોતો આવ્યો હતો. આખા ઘરમાં કપડાં સૂકાવવા માટેનું આજ એક આદર્શ સ્થળ હતું કદાચ....એને અચાનક ખ્યાલ આવ્યો કે આટલા વર્ષોથી આ સ્થળને, આ બારીને નિયમિત રીતે ભક્તિભાવપૂર્વક જોતો આવ્યો છે. એક વખત માત્ર એકજ વાર ટ્રેન સિગ્નલની રાહ જોતી પેલા મકાન પાસે જરીક ઊભેલી ત્યારે માત્ર એકજ વાર એણે પાક સ્થળ “કાબા” જેવુ એક ચિત્ર જોયેલું, એવું એને અત્યારે અચાનક યાદ આવ્યું.

પરંતુ આજે જ્યારે ટ્રેન થોડી ક્ષણો માટે રોકાઈ ત્યારે એણે જે જોયું એના પરથી એણે અંદાજ લગાવ્યો કે ઘરમાં કોઈ શુભ પ્રસંગ આવવાનો છે. ગોધરા સ્ટેશન આવ્યું. ટ્રેન ઊભી રહી. એ ટ્રેનમાંથી નીચે ઊતર્યો, લગીર પગ છૂટા કરવા. પ્લેટફોર્મ પર લટાર મારતાં મારતાં એણે જોયું કે સ્ટેશનની પેલી બાજુએ આવેલા પેલા મકાનની દિશામાથી એક કુટુંબ જાતજાતના સરસામાન સાથે આવી રહ્યું હતું. એ નાનકડી મંડળી એની પાસેજ , એનાજ કંપાર્ટમેન્ટ પાસે આવીને ઊભી રહી ગઈ. આબાલવૃધ્ધ સહિતના આ કુટુંબમાં એક નવી પરણેલી દુલ્હન પણ હતી. સાથમાં નવો નવેલો દુલહો પણ હતો. એના માબાપ પણ સાથે હતા. એટેચી, છત્રી, વાસણોના બોક્સ અને અત્યંત સામાન્ય એવી નાની-નજીવી ચીજવસ્તુઓનું ધ્યાન રાખતો અને વારંવાર એ વસ્તુઓને વ્યવસ્થિત મૂકતો ૧૯-૨૦ વરસનો એક છોકરો પણ એમની સાથે હતો. એને વિચાર આવ્યો... “શું એ દુલ્હનનો ભાઈ હશે? એને વળી પાછો વિચાર આવ્યો. દુલ્હનના લિબાસમાં સજેલી આ કન્યા પેલી નાનકડી ખોલીમાં ઊછરેલી છોકરી હતી શું?” દુલ્હને એનું માથું ચળકતી જરીનેના દુપટ્ટા વડે ઢાંકેલું હતું.એ કશાક ઊંડા વિચારમાં ખોવાયેલી લાગતી હતી. એનું મૌન, એની લજ્જા અને ચેહરા પરની સૌમ્યતા... આ સઘળું જ છતું કરતું હતું કે આ કન્યા નવપરીણિતા છે.

“ ભાઈ રતલામ જતી પેસેંજર કેટલા વાગે આવશે?” ભીડમાના કોકે સવાલ કર્યો અને જવાબ મળ્યો કે “ આ બોમ્બે-દિલ્હી એક્સ્પ્રેસ ઊપડશે પછી ..” સ્ટેશન પર ભીડ જમા થઈ રહી હતી. એણે સમગ્ર કુટુંબનું અવલોકન કરવા માંડયું. ખાસ કરીને દુલ્હનનું. કે જે અકથ્ય લાગણીઓથી સંકોચાઈને ઊભી હતી. એણે દુલ્હનને ફરીથી એક નજર નિહાળી લીધી. હવે થોડીક જ વારમાં એની ટ્રેન ઊપડવાની હતી. “ સાહેબ, અહીં બાંકડા પર બેસવું નથી?, બેસોને....લો જગા થઈ ગઈ...” પેલા કુટુંબમાનું કોઈ એક આપણી વાર્તાના મુસાફરપાત્રને સંબોધીને બોલ્યું. મુસાફરે કોઈ જ પ્રતિભાવ ના આપ્યો. એ પોતે જાણે કે ઓગળી રહ્યો હતો. પોતાના સ્થાન પર એ પીગળી રહ્યો હતો. એક જાતના શૂન્યમય વાતાવરણમાં એ ખૂંપી રહ્યો હતો. એ નવદંપતિની પાછળ ઊભો રહી ગયો. એણે પોતાની જાતને થોડીક વાંકી વાળી અને પછી ત્વરાથી દુલ્હનના કાનમાં ખૂબજ હળવેથી મૃદુતાથી બોલ્યો ........“ખુદા હાફિઝ” ......અને ઝડપથી ટ્રેનમાં ચઢી ગયો. એના હ્રદયમાં કોઈ અજબ પ્રકારની શાતા વળી હતી. જાણે વર્ષો સુધી વકરેલા ધાવ પર આજે જાણે કોઈએ મલહમ લગાવ્યો હતો.

એની આંખો સમક્ષ એ દ્રશ્ય તરવરી રહ્યું. હોસ્પિટલના પલંગ પર અર્ધતંદ્રામાં સૂતેલી સરયુનાં બન્ને હાથ પકડી એ કહી રહ્યો હતો: “ચિંતા નાં કરીશ સુરુ, આપણી દીકરીને કશું નઇ થાય.હું બેઠો છુંને!!! ને એટલું કહી એ બહાર નીકળી જઇ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો હતો.ડોક્ટરે ખભા પર હાથ મૂકી “ I AM SORRY…..” કહ્યું ત્યારે એ ફસડાઈ પડ્યો હતો. તે પછી બેઠાં થતાં એને વર્ષો લાગ્યાં હતાં . ત્યાર પછીના વર્ષો લગભગ ગાંડી થઈ ગયેલી સુરુને સંભાળવામાં જઇ રહ્યાં હતાં. “ તું ચિંતા ના કર સુરુ, હું આજે જ એને પકડીને ઘરે લઈ આવું છું. હા મળી હતીને, ખબર પૂછતી હતી તારી. કહેતીતી કે કૉલેજ પાસ કરે એટલે ઘેર જ રહેવું છે.....ક્યાંય જવું નથી.....હાઆઆઆ.....મે કહ્યું ને .....દીકરી એક દિવસ તો તારે પરણીને પારકે ઘેર જવુ જ પડશે ને......શરમાઈ ગઈ હતી એ ....”

ગાડીની સીટી વાગી અને એ ઝબક્યો. બેબાકળો પણ ખુશખુશાલ....અને મનોમન બબડ્યો: “સુરુ....દુલ્હનના લિબાસમાં આપણી સોનું ખૂબ સુંદર લાગી રહી છે....”

બોમ્બે-દિલ્હી એક્સ્પ્રેસ ઊપડી. શરૂઆતમાં ધીરે ધીરે અને પછીથી ગતિ પકડીને ઝડપથી દોડી ગઈ. પેલી નાનકડી નાજુક દુલ્હન લાગણીથી ગદગદિત થઈને ઊભીજ રહી ગઈ

..... “ ખુ..દા ...હા...ફી...ઝ...” પાક ઉચ્ચારણના પડઘા એના શ્રવણતંત્ર પરથી ચિત્તતંત્ર પર વારંવાર લગાતાર અફળાતા રહ્યા. પોતાના સમગ્રને પવિત્ર મહસૂસ કરતી એ વિચારી રહી... “ક્યાંથી આવ્યા હતા એ પાક શબ્દો?” એને ગળે ડૂમો ભરાઈ ગયો॰ એણે ઝડપથી પાછળ ફરીને ટ્રેન તરફ જોયું. આપણા મુસાફરપાત્રની પીઠ સિવાય એ કશું જ ના જોઈ શકી. લગ્નજીવનની શરૂઆતે દુઆ રૂપે અનાયાસે મળેલા ખુદાના પાક અલ્ફાઝોને એ મનોમન સરઆંખોપર ચૂમતી પ્લેટફોર્મ પર ઊભી રહી ગઈ… જડવત!!!!.. અને ..... ટ્રેને ગોધરા સ્ટેશન છોડી દીધું.

***

(પારૂલ પ્રેયસ મેહતા, ૨-૭-૨૦૧૭.)