Hundi Ashishoni books and stories free download online pdf in Gujarati

હૂંડી આશિષોની

આશા અને છાયા બે બહેનો સાથે રહે. એક ત્યક્તા ડિવોર્સી અને બીજી વિધવા..

.. આશાનો પતિ કાર એક્સીડંટમાં દેહ છોડી ગયો ત્યારે તેને પણ એક જ દીકરો હતો અને તે દીકરાને સહારે મુંબઈ છોડી સાન્ફ્રાન્સીસ્કોનાં મરીન ડ્રાઈવ ઉપર નાનક્ડૂ મકાન રાખી નર્સ બની.. તકલીફ્નો સમય આવે અને જતો રહે છે પણ આશા અને તેનો દીકરો અમિત ૧૮ વર્ષ સુધી સાથે રહ્યા અને પછી જેમ સૌને પાંખો આવે તેમ અમિત પણ તેની સ્વીટ ડ્રીમ ગર્લ જીના સાથે આશાને છોડીને જતો રહ્યો જો કે તે તો દાયકાઓ પહેલાની વાત હતી.

છાયા આશા કરતા ઘણી નાની પણ જીના સાથે અમિત આશાને ડંપ કરીને પોતાની જિંદગી જીવી રહ્યો હતો ત્યારે શ્યામ છાયાને છોડી ફીલ્મ દુનિયામાં પગ જમાવવા ગયો ત્યારે આશા છાયા અને સ્મિત ને સાન્ફ્રાન્સીસ્કો બોલાવી લાવી.. ૧૯૯૮માં છાયા અને સ્મિત ભણતા થયા જ્યારે સ્મિત કોલેજમાં આવ્યો ત્યારે છાયા ડૉક્ટર થઇ ગઈ હતી જર્નાલીઝમમાં અને સ્થિર આવકો હતી. અમિત અને જીના ચારેક દિવસ વરસમાં કાઢતા.. મધર’સ ડે, થેન્ક્સ ગીવીંગ, જન્મ દિન અને ક્રીસ્ટમસ. તે પાકો અમેરિકન હતો.. તેને નવરાત્રી અને ઉતરાણ ગમતી જીના કહે તેટલું જ થાય ને?

છાયા અને સ્મિત .. સ્મિત અને છાયા એકમેક ઉપર હેતથી ઓળઘોળ થયા કરે જાણે એક જાન અને બે બદન. ” મોમ મારી બેસ્ટ ફ્રેંડ. ” “સ્મિત મારું જીવન” આ શબ્દો બંને સાથે હોય કે છુટા તમને સાંભળવા મળે જ.. ..

છાયા મારી નાની બેન એટલે ઘણી વખત કહું પણ ખરી “અલી આટલો લગાવ સારો નહીં.. કાલે ઉઠીને તેની ઘરવાળી આવશે ત્યારે તને બહારવાળી કરી નાખશે ત્યારે નહીં વેઠાય આ હેતનાં ઉભરા અને આંસુઓ સારી સારીને રહી જવું પડશે ખાસ કરીને તારે.. .. ”

“મોટી, તારી વાત સાચી પડે કે ખોટી એ તો સમય નક્કી કરશે પણ આજે તો મારો સ્મિત મારો જ છે અને તેને વહેંચવા વાળો તેનો પપ્પો શ્યામ ઇસરાની તેને છોડીને જતો રહ્યો છે તે મને કે તેને પણ ખબર નથી.. ”

સ્મિત આશા માસીનું દુઃખ સમજતો તેથી મોમને તે દુઃખો ન જોવા પડે તેની કાળજી રાખતો. પણ સ્વીટ સીક્ષટીન તો હજી હમણાં જ થયા છેને? તેને મોમ માટે વહાલ અને આદર બંને હતા. વળી મોમ અને પોપ પણ તેજ હતીને? તેથી ક્યારેક સમજ એને જલ્દી જલ્દી મોટા થઈને મૉમને આખી દુનિયાનું સુખ આપવું હતું. તેનાથી કોઇ પણ સમયે મોમની આંખમાં આંસુ હોઇ શકે તેવી કલ્પના થતી જ નહોંતી.

આશામાસી તેમના અમિતની વાત કરી મોમને ડરાવતી પણ મને ખબર છે ને કે હું કંઇ અમિત નથી હું તો મારી મૉમને બહું જ માનું છું. પણ અંદરનો એક અવાજ વારં વાર ઉઠતો હતો.. મા ને છોડી દેવા પાછળ કોઇ કારણ હશે જ.. પછી પાછો વમળ ઉઠે.. તે શ્યામ ઇસરાનીનું નસીબ કે મારા જેવો દીકરો અને મોમ જેવી પત્ની ખોઈ. ભૂતકાળ ગમે તે હોય પણ મારી મોમની આવતી કાલ તો ઉજળી જ છે. સીલીકોન વેલી અમારા જેવા જુવાનીયાઓ માટે તો સ્વર્ગ છે. ટેકનોલોજી કંપનીમાં ૬ આંકડાથી જેટલો પગાર કોમ્પ્યુટર ગ્રેજ્યુએટ્ને શરુઆતથી જ મળે છે..

કોલેજનાં પહેલાજ વર્ષમાં સ્મિતને ફેલોશીપ મળી ત્યારે મૉમ કેટલી ખુશ હતી?

મને સોળમા વર્ષે ધ્રુજતા હાથે બી એમ ડબલ્યુ આપી ત્યારે મૉમ એક જ વાક્ય બોલી હતી.. દીકરા આ તારા ભણતરની સગવડ ખાતર આપુ છુ અને આપતા આપતા ડરુ પણ છું કે આ તને તારી રાહ પર એક એવી સવલત છે જે ક્યારેક લપસણી ધરતીનું પહેલું પગથીયું પણ બની શકે.

“ મા મને કારની જરૂર નથી મને તો ઘરેથી સીધી બસ મળે છે હું ચાર વર્ષ કાઢી લઇશ. તું ચિંતા ન કર.. . જે શ્યામ ઇસરાની તને ખુશી નથી આપી શક્યા તે સર્વ ખુશી હું તમને આપવાનો છું”

મા મારા અવાજની કંપન સમજતી હતી. તેથી બોલી “ બેટા સમયને સમયનું કામ કરવાદે.. તું સારું ભણી રહે એટલે મારું કામ પતે.. . પછીની વાતો કરવા આખી જિંદગી પડી છે બેટા”

આશા માસી પાછળથી બબડતા હતા.. “આ સોળ વરસનાં લબ્બર મુછીયાને બીએમ ડબલ્યુ આપી દીધી? ભણવાને બદલે ચરી ખાવાનો પરવાનો આપી દીધો છાયા.. . ”

“ મૉમ! હું તારું સંતાન છું તને નિરાશ નહીં થવા દઉં. ”

ફફડતા હૈયે તે બોલી “બેટા મને ખબર છે કે તું મારું સંતાન છે તેથી તું તો બધું કરીશ જ પણ મને કોલેજનાં સાથી સંગીની બીક વધારે લાગે છે.. ”

“ના મૉમ મારા માથે તારો હાથ છે. મને કશૂં નહી થાય એવી સજ્જડ મને તારી આણ છે. ”

તેને પશ્ચાદભુમાં ચલચિત્ર “મુઝે જિને દો” ની અભિનેત્રી વહીદા રહેમાન દેખાતી હતી..

તેરે બચપન કો જવાની કી દુઆ દેતી હું

ઓર દુઆ દેકે પરેશાન સી હો જાતી હું

આશામાસી વારં વાર એમજ કહેતી ’જોઈ લે આખરી વાર આ તારા સંતાન ને.. એક વખત હવા કોલેજની લાગશે અને સ્વીટ હાર્ટ મળશે પછી મારી જેમજ તું પણ ડંપ જ થવાની છે.. ”

“ મોટી, જે થશે અને જ્યારે થશે ત્યારે ઉજવી લઈશું. અત્યારથી મારે ડરવું નથી. ”

“ ડરવાની વાત નથી. સમજવાની વાત છે.. પૈસા સાચવ.. સાજે માંદે કામ લાગશે.. આ છોકરાને તો બસમાં જ ધક્કા ખવડાવવાનાં કંઇ તેમને બી એમ ડબલ્યુ ના અપાવાય. ”

“ મોટી, દરેકની કહાણી એક સરખી ના હોય! અને દરેકનાં ભાગ્ય એક સરખા ના હોય. તેં તારી ફરજ સમજીને મને કહ્યું મને જે ઠીક લાગ્યુ તે મેં કર્યુ.. હવે તારો ભૂતકાળ એ મારો ભવિષ્ય કાળ બનશે તેવી વાતો કરવાને બદલે હવે મને પરિણામો જોવા દે મારા સંસ્કારોનાં.. ”

“ ભલે ત્યારે પડો ખાડામાં .. આ તો તું નાની અને અમેરિકાથી વાકેફ ઓછી તેથી તને ચેતવી. . અહીની તેની ઉંમરની છોકરીઓ ભારતિય છોકરાઓને એટલા માટે પસંદ કરે છે કારણ કે તે વફાદાર અને હેંડ પેક્ડ હસબંડ હોય છે. બહું જ નિષ્ઠાથી દાંપત્યજીવન જીવે છે અને ઉદાર હ્રદય્નાં હોય છે. પાછો કોમ્પ્યુટર જીનીયસ એટલે પૈસાની પણ ઝાકમ ઝોળ. ”

છાયાની આંખમાં આવતા આંસુ જોઇને આશા વધુ બબડી. “જો હવે આગળ શું થશે તે તને હું કહું ચારેક મહીનામાં તે એપાર્ટ્મેંટ્માં રહેવા બહાનુ કાઢશે ફ્રીમોંટ તો બહુ દુર પડે છે ફેલોશીપ તો મળેલી જ છે એટલે પૈસાની જરૂર નથી. ખાલી સમાચાર આપુ છુ કહીને રોજ આવવાને બદલે અઠવાડીયે એક વખત આવશે. ”

મા પાસે નાસ્તા અને સારુ ખાવાનું ખાઇને જશે.

આશાની બક બક સાંભળવી નહોંતી છતા હા એ હા કરતી રહી..

“બીજા વર્ષે તેની સાથે કોઇ લુસી કે જેના આવશે તેઓ તો સારા મિત્રો છે વાળી વાત આવશે. પણ આ એક એવું ચિન્હ કે જોતું જાગીશ તો ઠીક છે નહીંતર ચોથા વર્ષે તને લગ્નમાં આશિર્વાદ આપવા આમંત્રણ અને પછી મારા અમિતની જેમ જ વરસમાં ચાર દિવસે તમારો ચિરંજીવ સ્મિત દર્શન આપશે અને આપણે બે બેનો એક મેકનાં મોઢા તાકતા રહીશું”

“મોટી! તારો અફસોસ શાનો છે?” અચાનક છાયાએ પુછ્યુ.

“મારો છોકરો ભોળો છે અને તેને જીના તેને ભોળવી ગઈ છે?”

“ ના તારા સેવેલા સ્વપ્નાઓ પ્રમાણે અમિત ના ચાલ્યો તેનો અફસોસ છે. ”

“ હા. તે તો ખરું જ.. છોકરા પાછળ ઘડપણ ની ટેકણ લાકડી થશે તેવી આશા કઇ માને ના હોય?”

“ મોટી, તું સ્વાર્થી છે. તને દીકરો જીના સાથે સુખી છે તેટલી વાતનો આનંદ નથી પણ તેણે તેના અને જીનાનાં સ્વપ્નો પ્રમાણે તેની જિંદગી જીવવાનું નક્કી કર્યું તેનો આઘાત છે. ”

“ હા તે તો છે જ. છોકરાને મોટા કર્યા લાયક કર્યા અને પારકી છોકરી આવીને તેને લઈ જાય તે ચાલે?”

“મોટી! તું હજી ભારતમાં જ રહેતી હોય અને સાસુપણાનાં હક્કને ખોઇ બેઠી હોય તેમ અફસોસ કરે છે. તારો દિકરો એ તારો જ છે સમજી? આ અપેક્ષાઓનાં ભારણોને ઘટાડ કદાચ તું પણ સુખી થઇશ અને અમિત પણ સુખી થશે. ”

“ અમિત તો સુખી જ છેને? મારો હક્ક ડુબે છે એટલે મને ઝાળ લાગે છે. ”

“ મોટી અમેરિકામાં તને ૪૦ વરસ થયા પણ મુંબઇનું મરીન ડ્રાઇવ તારામાંથી હજી ગયું નથી. ”

આશા હવે ગુસ્સે થતી હતી અને તે રીતે છાંછીયુ કરતા બોલી “૪૦ વરસ થયા એટલે કંઇ માથે શીંગડા ઉગ્યા? અને આ બધી વાતો હું તો તને તારા ભલા માટે કહું છું ત્યારે તું તો મને જ પાછુ કહી સંભળાવે છે.. . ”

“ મોટી, કદાચ મારી અને તારી સમજમાં બહું મોટો ફેર છે અને તેથી સુખ અને દુઃખની વ્યાખ્યામાં પણ ફેર છે . તેં કહેલું બધું જ મારી સાથે થવાનું છે અને મને તે કબુલ મંજુર છે તેથી તું કહે છે તે બધી ઘટનામાં તું જેટલી વ્યથીત થઈ તેટલી વ્યથીત હું નહીં થઉં. ”તેના રુમમાં જતા જતા તે બોલી.

આશા હજી ગુસ્સામાં હતી તેથી બોલી” હજી મારી વાત પુરી નથી થઈ મને સમજાવ કે મારામાં કઇ વાતો ખોટી છે મારા દુઃખનું કારણ હું કેવી રીતે છું?”

“મોટી આ વાત હું ફક્ત મારા દ્રષ્ટીબીંદુ થી તને સમજાવવા માંગુ છું અને હું ખોટી નહીં પડું કે દુઃખી નહી થઉં તે વાત સમજાવું છું. ”

આશાએ નજર તાંકીને છાયા તરફ જોયુ ત્યારે છાયા એ વાત શરુ કરી “ જો મોટી, તારી અને મારી પરિસ્થિત માં સમય સિવાય કોઇ જ ફેર નથી. તું જે ઘટનાઓમાંથી પસાર થી તે બધી ઘટનાઓ મારે માટે આવશે તે જે તું વિચારે છે ત્યાં પાયાનો ફેર છે, અમિતને તું તારી મિલકત ગણે છે.. પણ એક વાત સમજ આપણે આપણાં સંતાનોને આપણી મરજીથી લાવ્યા છીએ અને જવાબદારી સમજીને ઉછેર્યા છે. તેને રોકાણ સમજીને તું હવે પાછુ વાળવાનાં તબક્કે તે વાળતો નથી કે જીના વાળવા દેતી નથી વાળી વાતો વિચારી વિચારીને નકારાત્મક ઉર્જા પેદા કરે છે અને તે વિચારી વિચારીને દુઃખી થાય છે. જેની અમિત પર અસર પડે છે કે નહીં તેની ખબર નથી પણ અહીં ના વાતાવરણે ઉછરેલો અમિત તો એમ જ વિચારે છે કે તેનો પોતાનો પણ સંસાર છે અને તેની તેના પ્રત્યે પણ ફરજ છે. ”

“ તો કેમ તેની મારા તરફ પણ ફરજ છે કે નહીં?”

“ હા તેની તેને ક્યાં ના છે?તેથી તો ચાર દિવસ આવે છે અને યોગ્ય ભેટ આપીને તે બજાવે છે ને?”

“યોગ્ય ભેટ? એની સાસુને શું આપે છે ને મને શું આપે છે?”

‘મોટી, આ બીજું દુઃખ. સરખામણીનું અને અપેક્ષાનું દુઃખ. કદી જઇને જોયુ છે તેની સાસુને તે શું આપે છે? અને તેની સાસુ તેની દીકરીને શું આપે છે?”

“ જુએ છે મારી બલારાત.. પણ તું કહે તું કેવી રીતે મારા કરતા વધુ સુખી હોઇશ.. . ”

“તમને તો ખબર છે ને કે શ્યામ સાથે મારા ભાગીને લગ્ન એ કેટલું જલદ અને ઉપદ્રવી પગલું હતું.. બધાને વાસ્તવિકતા દેખાતી હતી કે આ લગ્ન જીવન ના નભે કેમ કે મારા કરતા ખુબ જ રૂપાળો અને દેખાવડો શ્યામ સીંધી રાજકુમાર હતો. અને હું બધી જ રીતે તેના કરતા ઉતરતી. હું તો માનતી હતી કે હું તો ફાવી ગઈ.. મને સુંદર રાજકુમાર મળી ગયો પણ તેને જોઇતી રાજકુમારીનો અફસોસ ધીમે ધીમે બળવત્તર થતો ગયો. સ્મિતનાં જન્મ પછી હું તો સ્મિતમાં ખોવાઇ ગઈ પણ શ્યામને ખોતી ગઈ.. . ફીલ્મ દુનીયા એટલી બેવડી જીવન ધારા.. ઉગતી ફીલ્મ એક્ટ્રેસ નાઝનીન તેને ખેંચી ગઈ.. મારો સ્મિત અને તેનું હાસ્ય તેને ન રોકી શક્યા. એક કાગળ ઉપર સહીં અને અને છાયા ઇસરાની પાછી છાયા પંડીત બની ને ઘરે આવી. બા પણ હતાશામાં ઉતરી ગઈ.. પણ હું મારા સ્મિતમાં શ્યામને જોવાને બદલે મારા ભાવીની જવાબદારી સમજતી રહી તેથી ત્યકતાપણું ત્રાસ ન બનતા જીવન જીવવાનું બહાનુ બન્યું..

મોટી, શ્યામ ઇસરાની મારી જિંદગીમાં જેટલો સમય રહ્યો તેટલા સમયમાં મને એક વાત સરસ રીતે સમજાવીને ગયો છે અને તે છે દરેક ઘટનાનાં બે પાસા હોય છે હકારાત્મક અને નકારાત્મક.

દરેક ઘટનામાંથી સુખ શોધવાનાં રસ્તા એટલે હકારાત્મક અભિગમ અને દુઃખ શોધવાના રસ્તા એટલે નકારાત્મક અભિગમ. જે ઘટનામાં તમને દુઃખ લાગે છે તે સર્વ ઘટનામાં થી સુખ હું શોધી લઉં છું. સ્મિત મને કેટલું સુખ આપશે તેની કલ્પના ને બદલે સ્મિતને હું કેટલું સુખ આપી શકું?

એ મારું સંતાન છે અને તેને માટે પૈસા ખર્ચતા મારો જીવ ખચકાતો નથી. અને આ મારું રોકાણ નથી મારી ખુશી છે.. તેની સફળતા માટે હું ખરા દિલથી પ્રભુને પ્રાર્થના કરુ છું કે પ્રભ તે તકલીફ માં હોયતો તેને સાચો માર્ગ સુઝાડજે. મારા હકારાત્મક અભિગમે તેને હંમેશા મારા માટે માન અને વહાલની લાગણીઓજ જન્માવી છે. તેને માટે જ્યારે પણ હું વિચારું છું ત્યારે કલ્યાણ થાવનાં જ ભાવ આવે છે આને હું સંસ્કારની તાકાત માનુ છુ. આખરે હું મા છું અને હું તેનું કશું જ બુરુ ન વિચારતી હોય તો તેનામાં મારા વિશે નકારત્મક પ્રતિભાવ આવેજ ક્યાંથી?

આશાને આ બધી વસ્તુઓ સમજાતી નહીં તેથી તમે બહું ભણેલાઓ વાતો કરી જાણો પણ અમે તો ભોગવેલી હકીકતો કહીયે છે માનવું હોય તો માનો નહીંતર જ્યારે વાગતું વાગતુંઆવે ત્યારે ભોગવજો કહીને વાત પડતી મુકાઇ.

પછીનાં કોલેજનાં ચાર વર્ષમાં બધ્ધુજ એવું થયુ જે આશાએ કહેલું પણ એક જગ્યાએ બદલાવ હતો અને તે સ્મિત સાથે સ્મિતા હતી.. તેટલી જ કેળવાયેલી અને સંસ્કારી.. .

છેલ્લા વર્ષે સ્મિત લગ્ન ની સંમતિ લેવા આવ્યો ત્યારે બહુજ આદર અને માનથી છાયાએ સ્મિતાને સ્વિકારી ત્યારે કોઇજ વિવાદ નહોંતો.. તેમનો એપાર્ટમેંટ જુદો લઇ આપી અને વસાવી આપવાની વાત કરી ત્યારે સ્મિત સ્મિતાની સામે જોઇને ફરી બોલ્યો “માય મોમ ઇસ માય બેસ્ટ ફ્રેંડ”

સ્મિતા થોડુંક સુધારીને બોલી “અવર મોમ ઇઝ અવર બેસ્ટ ફ્રેંડ”

સ્મિતાનાં હાથમાં કેમેરો હતો. જ્યારે સ્મિત એની મોમને પગે લાગતો હતો અને બંનેનાં હાસ્ય સોળે કલાએ ખીલ્યા હતા. તે ક્ષણ ને કચકડે મઢી લીધી.

આશા અમિતને યાદ કરીને આંસુ વહાવતી હતી ત્યારે સ્મિતા બોલી “માસી અને મોમ હવે ફ્રીમોંટ્નાં ઘરને બાય બાય કરી અમારા પાલો આલ્ટોનાં મેન્શનમાં બંને એ આવવાનું છે અને હવે તમારી સુખ સુવિધાનો ખ્યાલ રાખવાની જવાબદારી અમારી છે.

“મેન્શન?”

“ હા આ મેન્શન અમારા બંને નું સ્વપ્ન હતું અને તે સ્વપ્ન અમારી નાનકડી કંપની સોયુઝ ઇન્ક ને ગુગલ જેવી કંપની એ ખરીદીને સમૃદ્ધિની અદભુત તક આપી છે. સાથે માન ભર્યુ સ્થાન અને માતબાર બોનસ. ” સ્મિત સાથે માથુ હલાવતા અને ભાવ ભરી રીતે સ્મિતા બોલી “ મા આ તમારા આશિષોની અસર છે હવે તમે કહો તમે અહી કેવી રીતે રહી શકો?”

આશા વિચારતી હતી છાયા કેટલી સાચી હતી? મા અને ધરતી તો સદા આપ્યા કરવા જ સર્જાયેલા છે તે ક્યારે અધિકાર કરતા થયા છે? મા ને અપ્રિતમ તાકાત આપી છે પ્રભુએ.. માના ઠરેલા આત્મામાંથી એક હાશકારો નીકળે અને છોકરાનો દિ’ ફરી જાય.. સ્મિત અમર્યાદ સંપતિ પામે છે કારણ કે તેની મા તો શ્વાસે શ્વાસે દીકરાને આશિષો વરસાવે છે. અને મેં મુરખી જોવા જેવી વાતને ના જોઇ અને નાખી દેવા વાળી વાતોને પ્રાધાન્ય આપ્યું.

પસ્તાવાનો પવન ફુંકાવા માંડ્યો અને આશીર્વાદ નું ઝરણ સ્ફૂટવા માંડ્યુ.. .

મેન્શનમાં મુવ થયેલી આશાબાને મળવા મધરડેનાં દિવસે જ્યારે અમિત અને જીના આવ્યા ત્યારે બહું જ વહાલથી અમિત અને જીનાને ભેટીને આશા બોલી “ મને માફ કર બેટા.. હું ખોટા માર્ગે ચઢી ગઈ હતી. ”

અમિત કહે “ બા તમે ભારતનાં મરીન ડ્રાઇવમાં રહેતા હતા તેટલી જ ભુલ થઈ છે. ” જીના ગુજરાતી સમજતી નહોંતી પણ ચહેરામાં આવેલા પરિવર્તનો સમજી શકતી હતી.. સદા રુઆબમાં રહેતો ચહેરો આજે માતૃત્વનાં વહાલથી ભર્યો ભર્યો હતો.

અમિત સાથે તે મધર ડે નાં દિવસે પગે લાગતી અને વિનમ્રતાથી હેપી મધર’સ ડે કહેતી. આજે એક વધુ વાક્ય ઉમેરાયુ.. ”બ્લેસ મી મોમ.. આઇ એમ અલ્સો બીકમીંગ મોમ ધીસ ઈયર. ”

આશા તો ઉછળી પડી.. . ”ઓહ માય ગોડ!.. બ્લેસ્સ માય ચીલ્ડ્રન વીથ ઓલ ધેર ડ્રીમ કમ ટ્રુ!”

અમિત અને આશા આવા શુભ પ્રસંગે આંસુ કેમ સારતા હતા તે સ્મિતાને ના સમજાયુ અને તેણે છાયાને પુછ્યુ “ખુશીનાં સમયે આંસુ કેમ?”

“ તે તો ખુશીનાં આંસુ છે .. તુ પણ સમજશે જ્યારે તુ મા થઇશ. ”

જીના આશાબાને શાંત થતા જોઇને બોલી.. ”વી ગોટ મેરીડ અર્લીઅર બટ ડીસાઇઅડેડ ટુ સ્ટાર્ટ ફેમીલી વ્હેન વી આર આઉટ ઓફ હાઉસ લોન.. વી પેડ લાસ્ટ ઇન્સ્ટોલ્મેંટ નાવ વી આર પ્લાનીંગ ટુ હેવ બેબી. ”

અમિત કહે “ બા.. તું ચાલ હવે અમારી સાથે રહેવા.. તારા માર્ગદર્શન હેઠળ અમારાં બેબીનો જન્મ થાય અને ઉછરે તેવી મારી અને જીનાની ઇચ્છા છે. ”

આ સાંભળીને આશા બા તો ડુસકે ચઢ્યા. છાયાની સામે જોઇને કહે- બેના તું કેટલી સાચી છે! મનમાં પણ કદી સંતાનો પાસેથી પામવાની તેં ઇચ્છા ન કરી તો સ્મિત આખો ધન કુબેર તને ન્યોછાવર કરી રહ્યોછે.. અને હું? કાયમ મને પાછુ વાળ. મારો સમય છે કહેતી રહી તો ૧૮ વર્ષ આ પ્રેમ અને વહાલથી દુર રહી. હવે સમજાય છે કે પ્રેમ પામવા પહેલા પ્રેમ આપવો પડે.. લાવ લાવની અપેક્ષા કરતા લે લે અને લેની વાતો મા દીકરાનાં સંબંધોમાં ચક્રવૃધ્ધી વ્યાજ નાં દરે પાછું વાળે છે.

જીનાને આ બધું વિચિત્ર લાગતું હતું તેને સમજાતું નહોંતું કે બા શું કામ રડે છે તેથી તેણે અમિતને પુછ્યુ? “વૉટ્સ ગોઇંન્ગ ઓન.. ?વ્હાય શી ઇસ ક્રાયીંગ?”

છાયા ત્યારે બોલી “ જીના શી ઇઝ ટેકીંગ હર ટાઈમ ટુ બીકમીંગ ગ્રાંડ મા.. શી વીલ બી વીથ યુ ગાય્ઝ વ્હેન એવેર યુ નીડ હર. ”

અમીત કહે “બા આજે જ ચાલ અને જોતો ખરી તારા અમિતની મઢુડી”

આશાબા કહે “ મઢૂડી હોય તો પણ તે મારે માટે મેન્શન છે મારા દીકરાની નક્કર કમાણીનું અને વહુનાં સ્વપ્ન નું ઘર છે. હું આવીશ અને જરૂરથી આવીશ. આતો અમારી આશિષોની હૂંડીઓનો પ્રભુએ કરેલો સ્વિકાર છે. દાદી બન્યાનો શિરપાવ છે.