Premno rang books and stories free download online pdf in Gujarati

પ્રેમનો રંગ

પ્રેમનો રંગ

રાકેશ ઠક્કર

કોલેજનું છેલ્લું વર્ષ હતું. આગળ કારકિર્દી કેવી રીતે બનાવવી તેના આયોજનમાં છોકરાઓ પડ્યા હતા. જ્યારે છોકરીઓ કેવો વર પસંદ કરવો તેની ચર્ચા કરી રહી હતી. તેમાં મીઠી અને કિનારીની વાત અલગ હતી. બંને કોલેજની સૌથી સુંદર છોકરીઓમાં ટોપ ટેનમાં હતી. અને બંનેના પરિવારોનું લગ્ન માટે દબાણ હતું.

બંનેના કારણ જુદા હતા. મીઠીના મધ્યમ આવકવાળા પિતા એકદમ બીમાર છે. તેમની ઇચ્છા છે કે તેમને કંઇ થઇ જાય એ પહેલાં મીઠીના હાથ પીળા કરી દેવા. મીઠીએ થોડી આનાકાની કરી જોઇ હતી. પણ પિતા માન્યા ન હતા. એટલે તેનો સ્વયંવર શરૂ થઇ ગયો હતો.

બીજી તરફ કિનારીના પિતાને પૈસાની કોઇ ખોટ ન હતી. કિનારીના લગ્ન જલદી ગોઠવવાનું કારણ એ હતું કે ધંધાકીય કારણથી તેમને અમેરિકા જવું પડે એમ હતું. અને ત્યાં કેટલો સમય લાગી જાય તેની કોઇ ગણતરી થઇ શકે એમ ન હતી. એટલે કિનારીનો હાથ કોઇ સારા છોકરાના હાથમાં આપી કન્યાદાનનું પુણ્ય કમાઇ લેવા માગતા હતા. કિનારી માટે તે અમેરિકાના છોકરાઓની વાત લાવ્યા હતા. પણ કિનારીને માતૃભૂમિ જ વહાલી હતી. તે ભારતમાં જ રહેવા માગતી હતી. અહીં પણ તેના માટે એક એકથી ચઢિયાતા માંગા આવી રહ્યા હતા.

કોલેજની પરીક્ષા પૂરી થઇ એ દિવસે મીઠી અને કિનારીએ આખો દિવસ સાથે રહી વાતો કરવાનું નક્કી કર્યું હતું.

બંને શહેરના છેવાડે આવેલા એક રમણીય બગીચામાં પહોંચી ગયા.

મીઠી થોડી ઉદાસ હતી.

કિનારીએ તેને કારણ પૂછ્યું ત્યારે તેણે મોબાઇલમાંથી એક ફોટો કાઢીને બતાવ્યો. એ જોઇ કિનારી બોલી:"મારી બેન, છોકરાવાળાને કહે કે ફોટો તો રંગીન મોકલે..."

મીઠી કહે:"અલી આ રંગીન ફોટો જ છે. મારા રંગીન સપનાઓ અહીં સળગીને મેશ જેવા કાળા થઇ જશે."

કિનારીએ ફરીથી ફોટો ધ્યાનથી જોયો. ત્યારે તેને ખ્યાલ આવ્યો કે છોકરો શ્યામ નહીં પણ કાળો હતો. "આ તો..."

"કાગડો દહીથરું લઇ જશે..." મીઠીએ જ તેનું વાક્ય પૂરૂં કર્યું.

"શું વાત કરે છે. તું તો મારી જેમ હેંડસમ યુવાનને ભરથાર બનાવવાના સપના જોતી હતી. અને તારું રૂપ પણ છે. તો આવા..." કિનારીને કોઇ શબ્દ ના સૂઝ્યો.

"આવા યુવાન સાથે મારે પરણવું જ પડશે...પપ્પાએ બધું નક્કી કરી દીધું છે. તેમની માંદગીમાં હું કોઇ નિર્ણય લઇ શકું એમ નથી."

થોડીવાર સુધી કિનારી કંઇ બોલી ના શકી. એટલે મીઠી કહે:"છોડ મારી વાત તારું શું થયું."

કિનારી ઉત્સાહથી બોલી:"પપ્પાએ તો મારો સ્વયંવર જ ગોઠવી દીધો છે. અડધો ડઝન યુવાનોની વાત ચાલે છે."

કિનારીએ પોતાના મોબાઇલમાં રહેલા ફોટા બતાવવાનું શરૂ કર્યું. મીઠીએ જોયું કે કિનારી માટે મૂંઝવણ ઊભી થાય એવા માંગા હતા. દરેક યુવાન હીરો જેવો હતો. મોંઘા વસ્ત્રોમાં જ નહીં સ્ટાઇલમાં પણ પૈસો છલકાતો હતો. એમાં એક અનોખી હેરસ્ટાઇલવાળા યુવાનની ઓળખ આપી કિનારી બોલી:"આ બધામાં આની પર આંખો ઠરી છે."

"તું નસીબદાર છે. તને તારી પસંદનો છોકરો મળશે. ખેર.. એ બતાવ કે આગળ ભણવાનો વિચાર છે? મારે તો ગામડામાં ઘર- પરિવાર સંભાળવાનો થશે. તારે ત્યાં તો કોઇ વાતની કમી નહીં હોય."

"ના મીઠી, મને પણ હવે ભણવામાં રસ નથી. બસ મોજમજા કરવી છે."

બીજી કેટલીક વાતો કરીને બંને છૂટી પડી.

કિનારીના લગ્ન જલદી લેવાઇ ગયા.

મીઠીના લગ્ન વખતે કિનારી વિદેશ પિતાને મળવા જવાની હતી એટલે બે દિવસ પહેલાં આવીને જતી રહી.

મીઠીના પરંપરાગત રીતે લગ્ન થઇ ગયા.

મીઠી પરણીને દૂરના એક ગામડામાં ગઇ. અહીં કોઇ સુવિધા ન હતી. મોબાઇલનું નેટવર્ક પણ ઓછું મળતું હતું. એક સામાન્ય મધ્યમવર્ગી પરિવાર હતો. સાસુ-સસરા સારા સ્વભાવના હતા. પતિ શાંત અને પ્રેમાળ હતો. પરંતુ મીઠીને એક કદરૂપા માણસ સાથે લગ્ન કર્યાનો અફસોસ એવો કોતરી ખાવા લાગ્યો કે તે પત્ની તરીકે તેની સાથે વર્તી શકતી ન હતી. તેના સપના ચૂરચૂર થઇ ગયા હોય એવા દુ:ખમાં તે દિવસો કાઢી રહી હતી. પરિવારની વહુ તરીકેની ફરજ બજાવવામાં કોઇ ચૂક ના થાય તેનું ધ્યાન રાખતી હતી. કેમકે પિતાને કોઇ ઠપકો ના આપી જાય તેની ચિંતા હતી. પણ પત્ની તરીકેની બધી ફરજ તે ચૂકી રહી હતી. તેમ છતાં અજય ક્યારેય તેને ઠપકો આપતો ન હતો. તેને ખ્યાલ આવી ગયો હતો કે પોતાના જેવા સામાન્ય યુવાન સાથે લગ્ન કરીને મીઠી ખુશ નથી. તેણે પરિસ્થિતિ સ્વીકારી લીધી હતી. પણ તેણે પોતાનું વલણ પ્રેમભર્યું અને સહકારભર્યું જ રાખ્યું.

છ મહીના પછી મીઠી પિતાની ખબર લેવા શહેરમાં ગઇ. તેણે ચહેરા પર એક બીજો ચહેરો પહેરી લીધો હતો. તે માતા-પિતાને ખુશ હોવાનો અહેસાસ કરાવવા માગતી હતી. પિતાની તબિયત હવે સારી હતી એ જોઇ તેને શાંતિ થઇ. એક-બે વખત માતા-પિતાએ પૂછ્યું પણ ખરું કે બેટા સુખી છે ને? સાસુ-સસરા કે પતિ તરફથી કોઇ તકલીફ તો નથી ને?

મીઠીએ મીઠા સ્વરમાં બધાના વખાણ કર્યા. પણ પોતાના મનની પીડા કહી શકે એમ ન હતી. તે એકલી જ અંદરથી સોરાતી હતી. તેને કિનારી યાદ આવી ગઇ. ફોન લગાવ્યો પણ લાગ્યો નહીં. તે નિરાશ થઇ.

મીઠી વિચારતી હતી... કાશ મારું પણ કોઇ પૈસાદાર હેંડસમ છોકરા સાથે લગ્ન થયું હોત તો અત્યારે બંગલામાં મહાલતી હોત. અને કિનારીની જેમ વિદેશમાં આંટા મારતી હોત. પતિ પણ રંગે એવો છે કે કોઇને ત્યાં જઉં તો શરમથી મોં છુપાવવું પડે.

મીઠી આંખો બંધ કરીને પડી રહી.

અચાનક તેને લાગ્યું કે મોબાઇલની રીંગ વાગી રહી છે. તેણે જોયું તો કિનારી હતી. તેણે તરત જ ફોન ઊંચકી લીધો. "હાય... અલી ક્યાં ખોવાઇ ગઇ?"

"હું તો શહેરમાં જ છું. તું ક્યાં ખોવાઇ ગઇ એ તો કહે? તારો તો ફોન જ લાગતો નથી. મૈત્રીના નેટવર્કમાંથી પણ બહાર થઇ ગઇ કે શું? આ તો તારો મિસકોલ જોયો એટલે થયું કે તું આવી લાગે છે... "

"હા, પપ્પાને ત્યાં આવી છું. તું કેમ છે?"

"બસ મજામાં."

"ચાલને ક્યાંક મળીએ."

કિનારી આનાકાની કરતી રહી અને બહાના બનાવતી રહી. પણ મીઠીએ મળવા માટે જીદ કરી એટલે તેને એ જ બગીચામાં બોલાવી જ્યાંથી કોલેજકાળ પૂરો કરી છૂટા પડ્યા હતા.

મીઠી બગીચામાં પહોંચી ત્યારે કિનારી આવી ન હતી. થોડીવારે તેણે કિનારીને આવતી જોઇ. તેની ચાલમાં યુવાનીનો તરવરાટ ન હતો. નજીક આવી ત્યારે તેને જોઇ મીઠી ચોંકી ગઇ. કિનારી કંઇક અલગ જ દેખાતી હતી. તે પોતાના રૂપની કાળજી રાખતી ન હોય એવું પ્રતીત થતું હતું.

આજે કિનારી ઉદાસ હતી.

મીઠીને શું પૂછવું તે સમજાતું ન હતું.

કિનારી મ્લાન હસીને બોલી:"મીઠી, તારા ચહેરા પરનો પ્રશ્ન હું વાંચી શકું છું. મને હવે આ રૂપનો મોહ રહ્યો નથી...."

"કેમ શું થઇ ગયું...?"

"મેં છૂટાછેડા માટે અરજી કરી છે. અને એકલી જ રહું છું...."

"તારા જીવનમાં છ માસમાં જ આટલું બધું બની ગયું અને ખબર પણ ના પડી."

"હું તને મળવા માગતી ન હતી. પણ તારી સાથેની દોસ્તીને કારણે દુ:ખ હળવું થશે એમ માનીને તૈયાર થઇ ગઇ. લગ્ન કરીને ગયા પછી મને ખબર પડી કે તેણે મારી સાથે લગ્ન કરવાનો ઢોંગ કર્યો છે. તેણે મને એક રખાત બનાવી દીધી. તેની પત્નીનો દરજ્જો કોઇ બીજી સ્ત્રી ભોગવતી હતી. તે બીજી કોઇ સ્ત્રીના પ્રેમસંબંધમાં કેદ હતો. તેના પિતાના કહેવાથી લગ્ન નામની વિધિ પતાવી હતી. પતિ તરીકેના બધા અધિકાર તે અન્ય કોઇ સ્ત્રીને આપી ચૂક્યો હતો. તેણે મારી સાથે લગ્ન કરીને ખુલ્લેઆમ તેની સાથે સંબંધ ચાલુ રાખ્યો. મેં વિરોધ કર્યો તો મારા પર અત્યાચાર કરવા લાગ્યો. એટલે મેં છૂટાછેડા માટે અરજી કરી દીધી છે. હવે આગળ શું થશે તે કંઇ જાણતી નથી. મને ખબર છે કે તું પણ તારા લગ્નજીવનમાં સુખી નહીં હોય. તને મનપસંદ મુરતિયો મળ્યો ન હતો."

"હા, હું હજી તેને પતિ માની શકી નથી." મીઠી જૂઠૂં બોલી ના શકી.

પછી થોડી આડીઅવળી વાત કરી બંને બહેનપણીઓ છૂટી પડી.

એ રાત્રે મીઠીને ઊંઘ ના આવી. કિનારીની હાલત જાણ્યા પછી તેને દિલમાં કંઇક ખૂંચવા લાગ્યું. મેં અજયને અન્યાય કર્યો છે. કેટલો સીધો અને સાદો છે. ક્યારેય મારા પર પતિ તરીકે હક જમાવવાનો પ્રયત્ન કર્યો નથી. સદા હસતો અને પ્રેમ વરસાવતો જ રહ્યો છે. હું જ તેના કાળા રંગમાં પ્રેમનો રંગ જોઇ ના શકી. મારી આંખો પર બાંધેલી પટ્ટી કિનારીએ છોડી દીધી છે.

બીજા દિવસે જ તે પતિને ત્યાં જવા નીકળી ગઇ. અને રાત્રે તે ચોમાસાની પહેલી હેલી જેવી તેના પર વરસી પડી. અજયને કંઇ સમજાયું નહીં પણ તે મીઠીના નિર્દોષ પ્રેમના રંગમાં રંગાતો રહ્યો.