Shu tu aevine aevi j chhu books and stories free download online pdf in Gujarati

શું તું એવીને એવી જ છું

શું તું એવીને એવી જ છું ? ’

તરુલતા મહેતા

‘શું અનોખી હજી એવી જ હશે? ’ રમાકાકીએ પેપર વાંચવામાં મશગૂલ પ્રોફેસર ત્રિવેદીને પૂછ્યું

‘હું પેપર વાચું ત્યારે દખલ કર્યા કરવાની તારી ટેવ ચાલીશ વર્ષોથી એવી જ છે, તો પછી અનોખી ય એવી હશે. ’

‘પણ આ વાત જુદી છે. આમ વાવાઝોડાની જેમ લંડનથી ડીવોર્સ લેવા દોડી આવે, આપણે ભણાવી, મોટી કરી જરા

સલાહ તો લેવી જોઈએને? રમાકાકી ઉશ્કેરાટમાં બોલ્યાં

‘એણે લગ્ન કર્યા ત્યારે આમ જ આપણને આઘાત આપ્યો હતો ને ? વર-વહુ પગે લાગ્યાં, એટલે હસીને આશીર્વાદ

આપ્યા, અનોખી નાનપણથી પોતાનું ધાર્યું કરનારી, જિદ્દી છે, પણ સાહસિક અને સ્વાલંબી છે. આપણે ચિંતા કરવાની જરૂર નથી. મને નિરાંતે વાંચવા દે.

રમાકાકીના મનમાં ગડમમથલ ચાલ્યા કરે છે. અનોખીને એમણે પોતાની દીકરી ઇલાને ઇર્ષા આવે તેટલા વહાલથી ઉછેરી હતી. કારના અક્સ્માતમાં ગુજરી ગયેલાં દિયર - દેરાણીની પાંચ વર્ષની અનોખીના તેઓ મા બન્યાં હતાં, ઈલા દશ વર્ષે અનોખી કરતાં મોટી, એ પરણીને વડોદરામાં સેટ થઈ ગઈ, રમાકાકીને તોફાની, જિદ્દી અનોખી હેરાન કરતી પણ એવી મીઠડી કે ‘મમ્મી, મમ્મી કરતી ગળે વળગી પડતી, કહેતી ‘હું તમારી સેવા કરીશ, તમને જાત્રા કરવા લઈ જઈશ. ’

‘અરે, અનોખીના વિચારમાં ક્યાં ખોવાઈ ગઈ ? આટલી તું ઈલાને યાદ કરતી નથી. મારુ જમવાનું પીરસ, મારે કૉલેજ જવાનો સમય થઈ ગયો. ’ પ્રોફેસર ત્રિવેદી જમીને કૉલેજ જવા તેયાર થયા.

ત્રિવેદીને કૉલેજ જતા પહેલા વિચાર આવ્યો ઈલાને ફોન કરું, અનોખીના મનની વાત ઈલા જાણતી હશે. અમને દુઃખ થાય એટલે પહેલાં જણાવ્યું નહિ હોય. તેઓને અનોખીમાં વિશ્વાસ હતો કે કારણ વગર ઉતાવળું પગલું તો ન જ ભરે. તે છેતરપીડી કે અન્યાય પણ સહન ન કરી લે. એમણે છોકરીઓને નાનપણથી એવી તાલીમ આપી હતી

કોને ફોન કરો છો? ’ ત્રિવેદીએ રમાકાકીને ઈશારો કરી પાસે બેસાડ્યાં, ફોનની રીગ વાગ્યા કરે છે. ’કોઈ ફોન લેતું કેમ નથી? ત્રિવેદી અઘીરા થયા.

ફોનમાં અવાજ સાંભળી તેઓ અચાનક વરસાદ તૂટી પડ્યો હોય તેમ અંદર -બહાર આખા પલળી ગયા.

‘અની, તું વડોદરા આવી ગઈ ? ’ ત્રિવેદી લાડમાં અનોખીને ‘અની’ કહેતા

ફોનમાં બેય બહેનોનો ખળખળાટ હસવાનો અવાજ આવતો હતો. રમાકાકી ગુસ્સે થયાં, ’હું અહી ચિંતા કરું છું, ને તમને બેને હસવાનું સુઝે છે. ’

‘ડીવોર્સની વાત સાચી છે કે ખોટી ? ’બન્ને જણાએ સાથે પૂછી લીધું।

‘પપ્પા, તમને અને મમ્મીને દુઃખ આપે એવી ખોટી વાત હું ન કરું . આ મારી જીદ નથી. ઈલા તમને વિગતે વાત કરશે. મારી સાથે મારા પતિ જયેશે ચીટીગ કર્યું અને ઈલાને ને ય મૂરખ બનાવી. ’ અનોખીના અવાજમાં ગુસ્સો અને હતાશા હતી.

‘અમને મળવા ક્યારે આવીશ ? ’રમાકાકી અનોખીને જોવા તલપાપડ થયાં હતાં, એમને થયું ‘એને ગળે વળગાડી બઘુ સમજાવીશ, નાની હતી ત્યારે અનીને એમ જ તેઓ પટાવી લેતાં। ‘

ઇલાએ મમ્મીને સમજાવતા કહ્યું, ’અનોખીને કામ માટે વડોદરા રહેવું પડશે. એની પાસે સમય ઓછો છે, તમારે ત્યાં બારડોલી પછી આવશે. ’

‘અમે વડોદરા આવીએ? ’

‘મારા સાસુ બિમાર છે. ઘરમાં તકલીફ પડશે, ’ ઇલાએ કહ્યું।

રમાકાકી ત્રિવેદીના ગયા પછી સૂના ઘરમાં સમસમીને બેસી રહ્યાં, આવો સૂનકાર એમને ક્યારેય લાગ્યો નથી. બબ્બે દીકરીઓ આ ઘરમાં રમી કૂદીને મોટી થયેલી તેની મધુરી યાદોથી તેમને ક્યારેય એકલું લાગતું નહી. અવારનવાર બન્ને દીકરીઓ ફોન કરી તેમના હદયને મમતાથી છલકાવી દેતી. આજે બન્ને જણાએ જાણે માં-બાપ વિરુદ્ધ કોઈ કાવતરું કર્યું છે. એ બેય જણા એક થઈ ગયાં અને અમને હજારો માઈલ દૂર લંડન ધકેલી દીધાં, અનોખીના જી વનના પ્રશ્નો સાથે અમારે નાવાનીચોવવાનો સબંધ નહી ? શું અમે એવા વુદ્ધ થઈ ગયાં કે નવી પેઢીની સમસ્યાને સમજી ન શકીએ ? ખૂદના સંતાનો ભૂલ કરે તો મા -બાપ માફ કરી દે. લંડન જઇને બદલાઈ ગઈ તો આવી કે મને માને પારકી ગણી લીધી, ઈલા આ દેશમાં રહે છે. છતાં બહેનની પરદેશી રહેણી કરણીમાં આવી ગઈ ? એને ઘેર આવવાની મનાઈ કરી. સાસુ માંદી છે તેમાં અમે શું ભારે પડવાના ? હું તો બે કામ કરી મદદ કરું તેવી છું, આજકાલ છોકરીઓને ઘેર માં-બાપ નિરાંતે રહેતાં જોયાં છે. અમારે તો બે ધડી મળી પાછા વળવાનું હતું।

રમાકાકી છોકરીઓ પરની નારાજીમાં એમને કોઈએ સીલબંધ ડબ્બામાં પૂરી દીઘા હોય તેવી ગૂગળામણ અનુભવતા હતાં, ડોર બેલ વાગતા ઊભા થઈ બારણું ખોલ્યું,

‘કાકી, અનોખી રાત્રે આવશે? ’ કિશોરીએ પૂછ્યું

કાકી ગુસ્સામાં બોલ્યાં, ’તું જ ફોન કરીને જાણી લે ને, તારી બહેનપણી છે, તારી સાથે દિલ ખોલીને વાત કરશે, અમે જુવાન પેઢીના મનને શું સમજીએ?

કિશોરી ડઘાઇ ગઈ, એ બે વર્ષથી સાસરેથી રિસાઈને ડીલીવરી વખતે જ પિયેર આવી ગઈ હતી. એનો વર છોકરાનું મોં જોવા ય આવ્યો નથી. રમાકાકી પાસે આવી એ પોતાની વાત કરતી. રમાકાકીએ એને પગભર થવાનું બળ આપ્યું હતું. દરરોજ બપોરે એ બબલુંને રમાકાકી પાસે સૂવાડી જતી. આજે એનું પાછું પડી ગયું, કંઈપણ બોલ્યા વગર બબલુંને લઈને પાછી જતી રહી. રમાકાકીનું મન ખાટું થઈ ગયું, ’મારાં સંતાનો મને પારકી ગણે છે, કોઈ વાત કરતાં નથી, હું પારકી પંચાતમાં ક્યાં પડું? ’

રમાકાકી કેમ કરીને છોકરીઓને મળવું તેના વિચારવમળમાં એવાં ફસાયાં કે અનોખીના લગ્નનું સપનું વેરવિખેર

થઈ રહ્યું છે, એ કેવા દુઃખદ ઝંઝાવાતમાંથી પસાર થઈ રહી હશે, એ તેમનાંથી વિસરાય ગયું।મારી દીકરીએ મને પોતાની વાત ન કરી એમ લાગતાં એમનું અહમ ઘવાયું હતું. ક્યારે ત્રિવેદી ઘેર આવે તેની રાહ જોઈ રહ્યાં, મનથી એમણે નક્કી કરી લીધું કે સવારે તેઓ વડોદરા જવા ઊપડી જશે.

ત્રિવેદી રોજની જેમ ધેર આવી નિરાંતે ટી. વી. જોવા બેઠા, રમાકાકી ઉકળતા દૂધની જેમ બોલી ઉઠ્યાં

‘વડોદરા જવાનું ક્યારે વિચાર્યું ? ”

‘વડોદરા શું કામ જવાનું? ’ત્રિવેદી ટાઢાશથી બોલ્યા

‘આ છોકરીઓ બારોબાર પોતાની મેળે એમનાં જીવનમાં બધું કર્યા કરે તે કેમ ચાલે? એમની મુશ્કેલી વખતે આપણે દૂરથી તમાશો જોવાનો! રમાકાકી હજી ગુસ્સામાં હતાં

‘રાજી થવા જેવું છે, આપણું ટેન્શન ઓછું કરે છે. મને ગઈ સાલ હાર્ટએટેક આવેલો, મારાથી હવે કોર્ટની દોડાદોડી થાય નહીં, તારા ઢીચણમાં દુઃખાવાથી ચલાતું નથી, તું શું મદદ કરવાની? ’ત્રિવેદી બોલ્યા

‘તમે કેવી વાત કરો છો? મા -બાપ તરીકે આપણી કોઈ ગણતરી નહી, કઈ સલાહ તો લેવી જોઈએ ને ?

‘તારી ગણતરી ના કરી, તને કહ્યું નહી એટલે તારો ઈગો ઘવાયો, તું નાની થઈ ગઈ, એ તને દુઃખે છે. ’ત્રિવેદીએ કહ્યું.

‘દુઃખે તો ખરું જ ને, હું નાની અને એ બન્ને મારાથી મોટી, માને કોઈ વાત પૂછતી નથી. ’રમાકાકીનો અવાજ રૂદનથી અટકી ગયો.

ત્રિવેદીએ પત્નીને પ્રેમથી બરડે હાથ ફેરવ્યો, ખાનગી વાત કહેતા હોય તેમ બોલ્યા,

‘રમા, છ મહિના પછી હું નિવૃત થઈશ. આપણી છોકરીઓ સમજે છે કે વુઘ્ઘ મા, બાપને એમનાં જીવનના પ્રશ્નોથી હેરાન ન કરાય, બઘી રીતે સ્વાલંબી થાય એવું જ મેં શિખવાડ્યું છે. અનોખીના ડીવોર્સનું ઝડપથી ઉકલી જાય ને પાછી પોતાની પ્રગતિ માટે લંડન જાય એવું જ હું ઈચ્છું છુ, તું એને મદદ કરવા માગતી હોય તો તું પણ ભગવાનને એવી પ્રાર્થના કરજે, તું તારા ઈગોમાં એનું દુઃખ, યાતના, તાણને ભૂલી ગઈ!

રમાકાકી પાલવથી આંસુ લુછતા બોલ્યા, ’મારે મારી દીકરીને ગળે વળગાવી મનાવવી હતી. ’

ત્રિવેદીએ કહ્યું, ’તારી મરજી હોય તો સવારે તું વડોદરા જજે. મારાથી નહી અવાય, કાલથી કૉલેજમાં પરીક્ષા શરુ થશે. ’

રમાકાકી આખી રાત પડખાં ફેરવતાં રહ્યાં, હદયની ગુફામાંથી અનોખીના બાળપણની કાલીઘેલી બોલી, તોફાનોના પડઘા પડતા રહ્યા, વડોદરા જવું ના જવુંની દ્વિધા શારડીની જેમ એમના અંગેઅંગને કોરતી હતી. વહેલી સવારે દૂઘવાળો આવે તેની રાહ જોતાં હતાં, એમને ભ્રમ થયો પાંચ વર્ષની અનોખી દૂઘ માટે રડે છે, એમનાથી સહન થતું નથી, એમણે બારણું ખોલી દૂ…ર જોયું, કોઈ ટેક્ષી ઊભી હતી. એક નાની બેગ લઈ એક યુવતી દોડતી આવી તેમને ગળે વળગી પડી.