Kachi Keri books and stories free download online pdf in Gujarati

કાચી કેરી

કાચી કેરી

તરુલતા મહેતા

'મમ્મી, આજે મારું મન લુમ્બઝુમ્બ કેરીઓથી ઝૂલતી આંબાની ડાળ જેવું ઝૂમે રે ઝૂલે' તું એક કાચી કેરી મારા માટે લાવીશ?.

પ્રગતિનું મન ફોન જોડતાં પહેલાં જ પોતાના સહેજ ઊભરાયેલા પેટ પર નરમાશથી હાથ ફેરવતાં મીઠી હલચલના રોમાંચક સ્પર્શથી ગણગણતું હતું. ખૂણામાં પડેલી એરીકની ગિટાર આપમેળે ગુંજવા લાગી હતી, સવારનાં સોનેરી કિરણોનાં ઝૂલે બાલસૂર્ય નભના પારણે ઝૂલતો હોય તેવું અનુભવી રહી. એણે ખુશાલીમાં મમ્મીને ફોન જોડ્યો પણ એની મમ્મી નિશિતા હમેશની જેમ કસ્ટમર સાથે બીઝી હતી . એમ તો ધણા વખતથી એ મમ્મીને એની ખુશીની વાત કહેવા વિચારતી હતી પણ એનાથી કહેવાતી નહોતી. નાનપણથી જ એની મમ્મીનું એકતરફી વલણ હતું. માત્ર તેણે જ પોતાની દીકરીને સારી કરિયર બનાવવી, ખૂબ કમાવું તેમ કહ્યા કરવું. પ્રગતિની કોઈ વાત સાંભળવાનો તેની પાસે સમય નહોતો.

છેલ્લા પાંચ વર્ષથી ડોક્ટરનું ભણીને સેટ થવામાં પ્રગતિ પણ પોતાની દુનિયામાં ખોવાઈ ગઈ હતી. પણ ગયા વર્ષે બનેલી તે વાતે એની ત્રીસીની વયમાં વળાંક આવી ગયો હતો, ત્યારે તે અને એરિક હોસ્પિટલમાં રાતની ડ્યુટી પર હતાં, સર્જરી પતાવી તેઓ ઈન્ટેન્સિવ કેરના વિભાગમાંથી બહાર આવ્યાં.

'મને તરસ લાગી છે, '

પ્રગતિએ બાથરૂમ તરફ જતાં એરીકને કહ્યું.

'મારું મો પણ સૂકાય છે' એરિકે બે ઠંડી બોટલો ટેબલ પર મૂકી.

છેલ્લા ત્રણ કલાકથી તેઓ બન્ને જણાં બીજા બે ડોક્ટરોની સાથે ઈન્ટેસીવ રૂમમાં હતાં.

પ્રગતિએ હાથ ધોવા માટે ગરમ પાણી ચાલુ કર્યું પણ સુંવાળા સાબુના ફીણને હાથ પર ધસતાં મનમાં એક પ્રકારની કૂમળી કૂમળી ફરફરાટ થઈ, માની કૂખમાં ધડકતા ગર્ભ જેવી, એ એની બે હથેળીઓમાં સાબુના ફીણને ઝૂલાવતી રહી. થોડી મિનિટો પહેલાં એના હાથમાંની નવજાત બાળકીના 'ઉંવા ઉંવા 'ના કૂણા કૂણા અવાજને સાંભળી રહી, રૂમમાં સૂતેલી માતા સીસેકશનને કારણે ખૂબ થાકી ગઈ હતી, નબળી લાગતી હતી, પાણીનો ગ્લાસ પણ પકડી શકતી નહોતી પણ જેવી બાળકીને એના હાથમાં મૂકી એટલે જતનથી એને ચૂમવા લાગી અને કોઈની નજર ન લાગે તેમ ધાવણ ઊભરાતી છાતીમાં છુપાવી દીધી, તે વખતે એનો યુવાન ચહેરો પ્રભાતની લાલિમાથી ખીલી ઊઠ્યો હતો, જગતની બધી સમુદ્ધિ તેણે હાંસલ કરી લીધી હોય તેવા આનંદ અને ગર્વમાં તે હતી. તેણે દીકરીને તેના પિતાના હાથમાં તાજા ખીલેલા પુષ્પની ભેટ જેવી મૂકી.

પિતાએ બાળકીને છાતીસરસી રાખી સલામતીની હુંફ આપી ત્યાં તો દાદી, નાની, માસી મામા . . આખું કુટુંબ હર્ષની કિલકારી કરવા લાગ્યું. એક શિશુના જન્મથી સગાઈના કેટલાં તંતુઓનો માળો રચાયો હતો!

એરિકે એને બોલાવી, 'શું કરે છે?, મેં તારા માટે પાણીની બોટલ અહી મૂકી છે. કલાકનો બ્રેક છે, જરા ફ્રેશ થઈએ.

પ્રગતિ એક શ્વાસે પાણી પીવા લાગી પણ ગળું તો તરસ્યું ને તરસ્યું, એની છાતીમાં, એના ગર્ભમાં વર્ષોનો દુકાળ પડેલો તે અનુભવી રહી. તેના સૂકા હોઠમાં 'તરસ . . તરસની ઝંખના જાગી હતી.

'આર યુ ઓ. કે. પ્રગતિ ?'એરિકે નરમાશથી એના હાથનો સ્પર્શ કર્યો, પ્રગતિ એને બાહુપાશમાં લેવાની હોય તેમ એકદમ નિકટ આવી એટલે એરિક બોલ્યો, 'ડીયર, વી આર ઓન ડ્યુટી '

તે વખતે પ્રગતિની આંખોમાં કોઈ આગવા તેજની ચમક આવી ગઈ. ત્રીસ વર્ષના ઉબરે ઊભેલી એક સ્ત્રી એની કૂખમાં અંકુર ફૂટયાની પળને ઝંખી રહી.

ઉનાળાની રાત્રે નવેક વાગ્યે તેઓ તેમના લેક-વ્યૂ એપાર્ટમેન્ટની ત્રીજા માળની બાલ્કનીમાં બેસી વાઈનની સાથે ડીનર લેતાં હતાં. વિશાળ મીશીગન લેકની લાઈટો જાણે તરતું આકાશ હોય તેવું સુંદર હતું. પ્રગતિ એરીકની પાસે સરી, એના શ્વાસ એરીકના કાનને ઉષ્મા આપતા હતા, પ્રગતિ એરિકને કહે છે ' મને લાગે છે કે આપણી બીઝી જિદગીમાંથી વર્તમાનની આનન્દમય પળો સંતાકુકડી રમતી ગાયબ થતી જાય છે. '

એરિક બોલ્યો', હા 'મોટાભાગની સવાર -સાંજ હોસ્પિટલમાં દર્દીઓ સાથે વીતી જાય છે. '

તળાવનો વ્યુ માણવા માટે તેઓએ આ મોધું

એપારટમન્ટ લીધું હતું. બન્ને રેન્ટ વહેંચી લેતાં. ત્યારે તેઓ એક બેચમાં ભણતાં મિત્રો હતાં, બન્ને એકબીજાની કમ્પની માણતાં હતાં, કયારે સહજ રીતે એકબીજાને મિસ કરતા અને પ્રેમ કરતા થઈ ગયાં તેનુ તેમને પોતાને વિસ્મય થયું. પહેલી નજરનો પ્રેમ થઈ જાય તેવી મુગ્ધા અવસ્થા નહોતી પણ પ્રેમ એટલે જ મુગ્ધ થવાની સ્થિતિ એ તેમને એકબીજાના સહવાસમાં સમજાયું.

એરીકે એના આઈ ફોન પરના મેસેજને જોઈ કહ્યું, 'આપણે જવું પડશે. ' પ્રગતિના ચહેરા પરથી તળાવ પરની લાઈટનું અજવાળું ખસી ગયું, બાલ્કનીમાં ટેબલ પર બે ખાલી ગ્લાસ અને બે ખાલી ખુરશીઓ પવનમાં ઝૂરતી રહી.

પ્રગતિ અને એરિકે લગ્ન જેવા કોઈ બંધનની ઝંઝટ વિના બાળકનું પ્લાનીગ કરી દીધું. આમ તો હજી એમની હોસ્પિટલની જોબ ટેમ્પરરી હતી. પણ બરોબર સેટ થવાય તેની રાહ જોવામાં બીજા કેટલાય વર્ષ વીતી જાય, પ્રગતિને એ મંજૂર નહોતું.

એરિકના પેરેન્ટસ કેનેડા રહેતાં હતાં. એરિકે આપેલા ખુશીના સમાચારે રાજી થયાં હતાં. પ્રગતિ પોતાની મમ્મીને કહેતાં મૂઝાતી હતી, એને ખાત્રી હતી તે નારાજ થવાની છે, દીકરી પોતાનું ઘર લે, સેટ થાય પછી કુટુંબની જવાબદારીમાં પડે તેમ તે આગ્રહ રાખતી.

નિશિતા એના મિત્રો સાથે રેસ્ટોરન્ટમાં ડીનર પતાવી રાત્રે દસેક વાગે ઘેર આવી ગરાજમાં કાર પાર્ક કરી રહી છે, એના સેલ ફોનની રિગ વાગતા એણે ફોન સ્પીકર પર મૂક્યો વાત કરવા લાગી. એની શિકાગો રહેતી દીકરી પ્રગતિનો ફોન હતો. આજે સવારે તેનો ફોન આવ્યો ત્યારે તે બીઝી હતી .

'કેમ આજે હોસ્પિટલમાં ડ્યુટી નથી ?મમ્મી બોલી

તે કહેતી હતી, ' મમ્મી, આજે થાકીને ઠૂસ થઈ છું, હમણાં સાવર પતાવીને સૂઈ

જવાની છું '.

નિશિતા બોલી, 'હું ય થાકી ગઈ છું, કાલે નિરાંતે વાત કરીશું '.

પ્રગતિના અવાજમાં અધીરતા આવી તેણે કહ્યું, 'મમ્મી તને નિરાંત ક્યારે હોય છે? કાલના કેટલાય પ્લાન તારે હશે, મારે ય ગમે ત્યારે ડ્યૂટી આવે, નિરાંત શબ્દનો તો જાણે આપણાં જીવનમાંથી નિકાલ થઈ ગયો છે. '

નિશિતાએ હમેશની જેમ ઉત્સાહ આપતા કહ્યું, 'આમ અકળાય છે શું?ઘરનું, બહારનું બધું કરીએ એટલે બીઝી તો રહેવાય પણ કોઈની સાડાબારી તો નહી, મનના રાજા'.

પ્રગતિ સહેજ ચિડાઈ, ' સમયના ગુલામ. '

આજે પ્રગતિનો મૂડ મમ્મીની વાત સાંભળવાનો નહોતો, એની મમ્મી ક્યારેય નિરાંતે એની પાસે બેઠી નથી, એના પાપાની એને સ્મૃતિ નથી, એના દાદી કહેતા હતા, મમ્મીને ફેશનડીઝાઈનર થવું હતું એટલે ત્રણ વર્ષની પ્રગતિને મૂકીને તે મુંબઈ ભણવા જતી રહી હતી, બે વર્ષ એના પાપાએ અને દાદીએ પ્રગતિને સાચવી પણ પછી મમ્મી -પાપા કાયમ માટે છુટા થઈ ગયા.

નિશિતા ગ્રીનકાર્ડ લઈ સાત વર્ષની પ્રગતિ સાથે મામાને ત્યાં લોસ એન્જલસ આવી. એની મહત્વાકાંક્ષા પોતાની ડીઝાનર શોપ ખોલવાની હતી, દસ વર્ષ પછી કોઈની પાર્ટનરશીપ સાથે નિશિતાની 'ભૂમિકા 'બુટીક શોપ અસ્તિત્વમાં આવી ત્યારે સત્તર વર્ષની પ્રગતિ હાઇસ્કુલ ગ્રેજ્યુએટ થઈ ગઈ હતી. તે કોલેજમાં ભણવા જતી રહી.

વર્ષો પહેલાં ઇ ન્ડિયાથી તે અને એની મમ્મી લોસ એન્જલસના એરપોર્ટ પર ઉતર્યા ત્યારે સાત વર્ષની પ્રગતિ ખૂબ ખુશીમાં મમ્મીની આંગળી પકડી દોડતી હતી. તેની કાલીધેલી બોલીમાં આશ્ચર્યમાં પ્રશ્નો પૂછતી હતી,

'મમ્મી આને શું કહેવાય?, પેલું શું છે?, મારી સ્કૂલ કેવી હશે?તું મારી સ્કુલમાં આવીશ ?

એ પ્રશ્નોના જવાબ આજસુધી પ્રગતિને મળ્યા નહોતા. ક્યારેક એને થતું જિદગી પણ શું એક પ્રશ્ન જ છે?

નિશિતા તે વખતે બરોબરના ટેન્શનમાં હતી. અનેક ચિંતાઓ એને ઘેરી વળી હતી, તે વિચારતી હતી, નવા દેશમાં કેમ કરીને પગભર થઈશ? દીકરીને કોણ સાચવશે?મારાં સપનાં પૂરા કરવાની ધગશમાં મેં કોઈ ભૂલ કરી છે?એના માં-બાપ, પતિ, સાસુ . . અરે મિત્રો અને હિતેચ્છુઓ સૌ કોઈ નારાજ હતાં. એના મનમાં ડીઝાઈનર બનવાનું સ્વપ્ન ગર્ભમાંના બાળકની જેમ જન્મ લેવા તડપતું હતું. પ્રેમ, લાગણી, સમાજના ધારાધોરણ, ટીકા, સલાહ કોઈ એના સપનાને રોકી શક્યું નહી, દેશમાં શક્ય ના થયું તો તે પરદેશ આવી હતી.

મનને મનાવી લેતાં પ્રગતિએ મમ્મીને કહ્યું, 'આ વર્ષે 'મધર 'સ ડે માં તું શિકાગો આવજે. '

નિશિતાને પોતાની દીકરી આજ્ઞા કરતી હોય તેવું લાગ્યું, એક વિચાર વીજળીની ઝડપે પસાર થઈ ગયો, તે કહી દે કે તેને ધણું કામ છે પણ આજે પ્રગતિને કંઈ કહી શકી નહિ.

શનિવારની રાત્રે શિકાગોના ઓહેરા એરપોર્ટની બહાર કારની રાહમાં ઉભેલી નિશિતા દૂર જોતી હતી પણ સામેની હોન્ડા વેન તરફ તેનું ધ્યાન નહોતું, એને એમકે પ્રગતિ બી. એમ. ડબલ્યુ લઈને આવશે.

'મમ્મી, કારમાં બેસી જાવ. ' પ્રગતિએ કારનો કાચ ખોલી કહ્યું 'જલદી કરો પ્લીઝ '

મમ્મી પૂછતી હતી, 'આવી મોટી ફેમીલી કાર કેમ રાખી છે?' પ્રગતિને એની મમ્મીને ભેટી પડી વધાઈ આપવી હતી, 'મારે ફેમીલી કાર જોઇશે 'પૂછવું હતું 'મમ્મી કાચી કેરી લાવી ?'

પણ વચ્ચે ઠંડી હવાએ શબ્દોને થીજાવી દીધા.

નિશિતાને લાગ્યું એની દીકરી એને હુકમ કરી રહી છે, એણે હસવાનો પ્રયત્ન કરતાં કહ્યું 'કેમ બહુ ઉતાવળ કરે છે?. એને કોઈ જવાબ આપવાને બદલે પ્ર ગતિ બોલી 'ઘેર જતાં પહેલાં આપણા માટે પિત્ઝા લેતા જઈએ, મને ઇન્ડીયન ફૂડની વાસ નથી ગમતી, દાળ જોઇને ઉબકો આવે, ' કદાચ એની મમ્મી પૂછી બેસે કે કંઈ સારા ન્યુઝ છે કે શું? તો માં-દીકરી ભેટી પડી હરખધેલા થઈ નાચીએ.

નિશિતાને લાગ્યું એની દીકરીના સ્વાદ, પસંદ બધું બદલાઈ ગયું છે.

તેઓ ઘેર પહોચ્યાં ત્યારે એરિક નાઈટ ડ્યૂટી માટે નીકળી ગયો હતો. મમ્મીને ગેસ્ટ રૂમ બતાવી પ્રગતિ બોલી, 'મોડી રાત થઈ ગઈ, હું

થાકી ગઈ છું . ગુડ નાઈટ ''એ ધીમા પગલે એના બેડરૂમમાં ગઈ. દીકરીના ભારે પગની ધીમી ચાલ કે ભરાયેલા શરીરને કેરિયરની ધૂનમાં મગ્ન નિશિતા પારખી શકી નહિ, તેને

નિરાશા થઈ, કારણ કે એની ડોક્ટર દીકરી લેક વ્યૂ પરના એપારમેન્ટને બદલે સામાન્ય ધરમાં રહેતી હતી.

એના મનમાં અનેક પશ્નો ચગડોળે ચઢ્યા હતા. દીકરીને પૂછવું હતું, 'બે જણ માટે ત્રણ બેડરૂમનું ઘર કેમ લીધું છે? એરિક જોડે કેટલા વર્ષથી રહે છે? દીકરીના ઘરમાં તે કોઈ સાવ અજાણી વ્યક્તિ હતી.

એ રાતભર પડખા ધસતી રહી. તેણે બાથરૂમ જવા ભૂલથી સામેના રૂમનું બારણું ખોલ્યું. કોઈ રહસ્યમય પ્રદેશ જોયો હોય તેમ ઊભી રહી ગઈ, શબ્દો, પ્રશ્નો, માન્યતા, વિચારો, ઈગો સૌની પારના નિર્દોષ જગતમાં તે આવી હતી. અહી આછા પ્રકાશમાં એક નાનકડો બેડ, બાળક બેસે તેવાં ટેબલ ખુરશી, ઝૂલતાં પારણા જેવી ક્રીબ, ટેડી બેર તેણે જોયાં, એકાએક તે ત્રીસ વર્ષ પહેલાંના દીકરીના બાળપણના મધુરા પ્રદેશમાં પહોંચી ગઈ. હર્ષ અને વિસ્મયના આવેગમાં તે પ્રગતિના રૂમ તરફ જવા લાઈટની સ્વીચ કરવા ગઈ પણ તેની આંગળી અટકી ગઈ, રખેને લાઈટના અજવાળાથી તેની થાકીને સૂતેલી દીકરી જાગી જાય ! તે સવારની રાહ જોતી ત્યાં જ નાનકડા બેડમાં તેની લાડલીને ગોદમાં લઈ સૂતી રહી .

તરુલતા મહેતા 16મી જૂન 2016