Premanjali books and stories free download online pdf in Gujarati

પ્રેમાંજલિ

પ્રેમાંજલિ

જીવા એય જીવા …… ! નહિ આવે તને મળવા. ક્યાં સુધી રાહ જોઇશ ? એની દુનિયા હવે અલગ છે ! એક પતિનીપત્ની છે, એક દિકરાની મા છે, એક વહુનીસાસુ છે. બીજી રીતે કહું હવે એક સફળ બિઝનેસમેનની પત્ની છે. બાજુના ગામમાં રહેતી પારૂનથી તે હવે પારૂજી ના નામથી સંબોધાય છે.

હા ચોક્કસ તેના હૃદયમાં હજુ પણ ગામની ગલીઓનું ચિત્ર આબેહૂબ છે. અરે ! એક ગલીમાંથી બીજીગલીમાં લપાતી…. છપાતી…. બંને ગામની વચ્ચેની નદીને પાર કરી, ગામના નાકે એક અવાવરું કૂવાના પાળની પાછળ તને મળવા આવતી, કોઈને ખબર ના પડે તેમ. કેટલું દોડતી તને મળવા ? જાણે કોઈ હરણી ! થાકેલી, હાંફથી શ્વાસની ગતિ એને વ્યાકુળ કરતી, છતાં પણ તને મળવાની ચાહત રોકી નહિ શકતી. તકલીફ છતાં મુખઉપર એની એક પણ રેખા દેખાવા ના દે. ફક્ત મલકાટ, હાસ્ય, નિર્દોષ મુસ્કાન !

માલેતુજાર ઘરની શાહુકારની દીકરી, તું ગરીબ છતાં તને કેટલો પ્રેમ કરતી ? તને કેમ પસંદ કરતી, જાણે છે ? ચોમાસામાં જયારે ડેમનું પાણી છોડી દેવામાં આવ્યું ત્યારે તે પોતાની ચિંતા કર્યા વિના કિનારાના ઘણા લોકોના જીવ પુરમાં બચાવ્યા હતા. ત્યાર બાદ બંને ગામોમાં તારી ચર્ચા હતી. એ વાત એના કાને પડી અને બસ એને નક્કી કર્યું, લગન કરવા તો આવા બહાદુર તરવૈય્યા જોડેજ ! આજુબાજુના એરિયામાં તારા જેવો કોઈ તરવૈયો નહિ. તારામાં માણસાઈ છે. કંઈક સુખ આપવાની ઈચ્છા. ડૂબતાને બચાવવાનો તરવરાટ. જગતને ભરપૂર પ્રેમ કરવાની ભાવના.

પારૂની એક ઈચ્છા, તારી સાથે લગ્ન કરવાની. તારી સાથે જિંદગી વિતાવવાની. તારા સુખ દુઃખમાં સાથ આપવાની. દોડતી દોડતી આવે, તને મળે અને ફુલાયેલા શ્વાસે એક સાથે કેટલું બોલી જતી ? બોલાતી રહેતી... અને તું….. બસ એના ચહેરાને જોઈને હસતો રહે….. અને એને સાંભળતો રહે.. કલાકો સુધી. કહેતી તારા શિવાય કોઈ જોડે લગ્ન ના કરું અને કદાચ જો ગોઠવાય તો મંડપમાંથી પણ નાસીને તારી પાસે આવીજાવું.

ફરક એક હતો તને પ્રેમ કરતી ફક્ત પ્રેમ અને તું એને કહેતો હું પ્રેમને સંઘરી રાખું છું, પળોનેસાચવી રાખું છું. તારી સાથે વિતાવેલ યાદોને મારા શ્વાસોમાંગૂંથી લવું છું. જાણું છું, કદાચ મારી ગરીબાઈ આપણને એક ના થવા દે, પરંતુ પ્રેમ કરીશ છેલ્લા શ્વાસ સુધી. સોનેરી પળોની દરેક ઘટના અને યાદને હું મારા શ્વાસનીજેમ સાચવી રાખીશ અને અંતિમ ઘડીએ તને એનું નજરાણું દઈશ.

જીવા બોલને ! કેમ અધૂરી વાતો કરે છે ? ગામના છોકરાઓ તને ગાંડો સમજી પથ્થર મારે તે સહન નથી થતું. ખબર છે તું ગાંડો નથી.તારી હાલત જોવાતી નથી. તને કંઈક થાય છે પરંતુ તું કહેતો કેમ નથી ? ક્યાં સુધી ઘૂંટાતો રહીશ અંદર ને અંદર ? તે દિવસે ડોક્ટર પણકહેતા હતા, તારા ફેફસાં બરાબર કામ નથી કરતા એટલે શ્વાસ લેવાની તકલીફ રહે છે અને પછી તું ખુબ ખાંસે છે. હવે તો તું ખાંસે છે ત્યારે લોહી નીકળે છે. ખબર નથી પડતી કંઈ આશા ઉપર હજુ જીવે છે !

બોલને.. કંઈક તો બોલ.. જીવા.

આ તારા હાથ ઉપર પારૂ લખેલ છે - મેળામાં છૂંદાવ્યું તું ? હા ... બહુ પીડા થઇ હતી ? પ્રેમમાં પીડા સમજાતી નથી. છૂંદાવ્યા બાદ પારૂએ એના રૂમાલથી હાથ લૂછ્યો'તો, બસ એના સ્પર્શથી પીડા ગાયબ. મેં હળવેથી એ રૂમાલ મારા ગજવામાં મૂકી દીધો. મેળામાં બહુ ફર્યા. બોલીજીવાઆપણે ફોટો પડાવીએ, જો જીવા મેળામાં ફોટો ના પાડીયે તો મેળાની મજા લીધી ના કહેવાય. મેળામાં આપણે ફર્યા તેની યાદગીરી હોવી જોઈએ કે નહિ ?” હું તો ફક્ત એના ચહેરા પર છલકાતો આનંદ જોઈ રહ્યો. ફક્ત પ્રેમ ! નિરાગસ પ્રેમ ! આસક્તિ વગરનો પ્રેમ !

જીવા ? તારું ઘર ક્યાં હતું ? અહીજ ગામમાં. હવે છે ? ના.. કેમ ? કિંમત ચુકવવામાં અપાઈ ગયું. તે દિવસે, મેળામાં અમે બહુ ફર્યા, પણ ખબર નહિ એના કાનનો ઝુમખો ક્યાંક પડી ગયો, કિંમતી હતો. સાંજે ઘરે ગઈ ત્યારે એની મા બહુ ખીજવાઈ હતી. બે કારણોસર - એક તો આખો દિવસ ઘરે નહોતી એટલે અને બીજું પેલોએક કાનમાં ઝુમખો ના દેખાયો એટલે.

***

નવા આશ્રમના કામ અંગે પારૂ એના પતિ શિવ જોડે ગામ આવી. શિવને નદીના પેલે પારની જમીન આશ્રમ માટે વેચાતી લેવી હતી. જમીન જોઈ પાછા ફરી રહ્યા હતા ત્યારે ગલીના એક નાકે બે આખલાઓ લડતા લડતા શિવ તરફ દોડી આવ્યા. શિવ દોડીને બાજુના એક ઓટલા પર ચડી ગયો, પરંતુ ઓટલો નહોતો, પેલાઅવાવરું કૂવાની પાળ હતી. શિવનુંબેલેન્સ ગયું અને કુવામાં પડ્યો. શિવને તરતાં આવડતું નહોતું. આજુ બાજુના લોકો દોડી આવ્યા, પરંતુ શિવને કુવામાંથી તરીને બહાર કાઢી શકે એવું કોઈ નહોતું.

કૂવાની પાળમાં એક પીપળાનું ઝાડ ઉગી નીકળ્યુંતું, તેની છાયામાં જીવો પડી રહેતો. ધડામ અવાજ થયો બચાવ... બચાવ.. ની બૂમો સાંભળી અને જીવો લડખડાતો જેમતેમ ઉભો થયો. કોઈક કુવામાં પડ્યું જોઈ એક તરવૈયાની જીવ બચાવવાની શક્તિ જાગી અને એણે કુવામાં છલાંગ મારી. ડૂબતા શિવને કૂવાની દીવાલ પાસે તરીને ખેંચી લાવ્યો, એક બખોલનો સહારો હતો પકડી રાખવા માટે. થોડી વારમાં લોકોએ દોરડાઓ નાખ્યા અને શિવને ખેંચી બહાર કાઢી લીધો.

પરંતુ દરમિયાન જીવાના શરીરમાં તાકાત રહી નહોતી. તે શ્વાસ લઇ શકે તેમ નહોતો. તેની બખોલની પકડ છૂટી રહી હતી અને તે ધીરે ધીરે પાણીમાં સરી રહ્યો હતો, જીવાને કોઈ તાત્કાલિક બચાવી શકે તેમ નહોતું. બે ત્રણ યુવાનોની જહેમતથી જીવાને બહાર કાઢવામાં આવ્યો. જીવાનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું.

વાત પવન વેગે પ્રસારિ. કલાકમાં બંને ગામના લોકો કુવા પાસે ભેગા થયા અને નદીના પેલે પારથી પારૂ પણ આવી પહોંચી. પોલીસ આવી. પંચનામું થયું. જીવાના ચિથરેહાલ કપડાના ગજવામાંથી કંઈક મળ્યું -એક લાલ રિબન, સુકાયેલા ફૂલોનો ગજરો, રૂમાલ, કાનનો ઝુમખો અને એક ફોટો, પવનમાં ઉડી પારૂના પગ પાસે આવી અટકીગયો, જાણે કહેતો હોય, હું તારો જીવો ! ફોટો જોઈ પારૂને ભાળ પડી.

આંખના ખૂણા આંસુથી છલકાયા ! દરેક વસ્તુ સાથે સંકળાયેલ પ્રેમની દરેક ક્ષણ અને ઘટનાઓ સ્લાઈડ શોની જેમ પારૂના નજરની સામેથી સરી જતી હતી. સત્તાવીસ વરસ પહેલાની બધી વસ્તુઓ પારૂની હતી. સામે પડેલી વસ્તુઓ અને પ્રિયતમના શરીર ઉપર હક જતાવી શકે તેમ નહોતી. સમાજની બેડીઓ કેટલી સખ્ત હોય છે ! એનો ખ્યાલ આવ્યો.

જીવાએ પારૂને વચન આપ્યું હતું કે ખોવાઈ ગયેલ ઝુમખાના બદલે નવો ઝુમખો લાવી આપશે. પોતાનું ઘરગીરવે મૂકી જીવો શહેર ગયો હતો, કાનનો ઝુમખો ખરીદવા. હોશિયાર પારૂના પિતાજીને દિકરીના પ્રેમ સબંધની જાણ થઇ હતી એટલે તરત એમણે પારૂના ઘડિયા લગ્ન ગોઠવ્યાં. જયારે જીવો શહેરથી ઝુમખો લઈ પાછો ફર્યો ત્યારે પારૂની બિદાઈ થઇ રહી હતી. પારૂ જીવાને હાથમાં પકડેલ કાનના ઝુમખા સાથે જોઈ રહી. આંખોમાંથી વ્યાકુળતા છલકાઈ રહી હતી !

જીવા સાંભળ... આજે એક વરસ બાદ તારી સાથે વાત કરું છું.

શિવ અને પારૂએ ગામના લોકો માટે એક આશ્રમની સ્થાપના કરી છે તેનું ઉદ્દઘાટન છે. પ્રવેશ દ્વારના પ્રાંગણમાં તારું પૂતળું મુકાયું છે.

એક તકતી ઉપર લખ્યું છે - શ્રદ્ધાંજલિ - વીર તરવૈયાને

બીજી તકતી ઉપર કૂવાની દીવાલ ઉપર તેં લખેલ બે પંક્તિ સામેલ છે.

તારી યાદોને સંઘરી મેં આજ સુધી શ્વાસોમાં ગૂંથીને,

છેલ્લી વિદાય દે મને લઇ લે તારી યાદો એકવાર મળીને

***