Oh ! Nayantara - 31 books and stories free download online pdf in Gujarati

ઓહ ! નયનતારા - 31

31 - ફઈએ પાડ્યું રૂપતારા નામ

સ્નાનવિધિ પતાવી, કપડાં પહેરીને હું નીચે ઊતરું છું. દીવાનખંડમાં બધા મીટિંગ ભરીને બેઠા છે. અલકમલકની વાતો થાય છે. પ્રિયાની નજર મારા પર પડતાં જ દોડતી મારી પાસે આવીને ભેટી પડે છે. ફક્ત એક જ શબ્દ કહેતા મોમાંથી બહાર નીકળે છે. ભાઈ...!

પ્રિયાને ધીરેથી કાનમાં કહું છું. ઉપર જઈને નયનતારાને શું પહેરવું તે સમજાવી દે, હું અને નયનતારા મારા મિત્ર અરવિંદગિરિ જેના ગઈ કાલે લગ્ન હતા તેના ઘરે તેને મળવા જઈએ છીએ.

નયનતારા તૈયાર થઈને ઉતરે તેની રાહ જોતા બધાની સાથે વાતો કરવા બેસી ગયો. મધુફુઈનો પુત્ર કાન્તિ બ્રિટિશ ઈંગ્લિશ ભાષામાં મને પૂછે છે, હે... મેન નંબર પ્લીઝ...! કાન્તિના વાક્યનો મર્મ તો સમજાયો, જવાબ દેવો મને અનુચિત લાગ્યો એટલે કાંતિ સામે મૌનસૂચક ઈશારો કરીને સમજાવું, હે મેન, પ્લીઝ વેઈટ.

અચાનક મારી નજર દાદરા ઉતરતી નયનતારા અને પ્રિયા તરફ પડી. ઈશ્વરનો આભાર કઈ રીતે માનવો તે મારી સમજ બહાર હતું. મને લાગ્યું કે ઈશ્વર હમણાં-હમણાં મારી બહુ ફેવર કરે છે. પછી વિચાર આવે છે કે મારા આગલા જન્મના પુણ્યના પ્રતાપે આવું બન્યું હશે ? ફરી પાછો વિચાર આવે છે કે મારા જેવા માણસ પાસે પુણ્યની આશા રાખવી નકામી છે. કદાચ મારા વડીલો અને પ્રિયાના આગલા જન્મના પુણ્યના પ્રતાપે આ નયનતારાની આ ઘરમાં પધરામણી થઈ છે.

આવી તે રૂપસી રાણી જેવી પત્ની હોતી હશે...! કદાચ કોઈ અંતઃમુખી અને શંકાશીલ પતિ હોય તો આવી પત્નીને ઘરમાં તાળા મારીને કામધંધે જવું પડે... આ વિચાર આવતા મને હસવું આવે છે. જતાં જતાં કાંતિની સામે ચાર આંગળી ઊંચી કરી દેખાડું છું અને કાન્તિ તરફથી થમ્સઅપ.

અરવિંદનું એ જ જૂનું ઘર છે. એક રૂમ અને ઓસરી (પડથાળ) જ્યાં હું નાનો હતો ત્યારે અરવિંદને રમવા માટે બોલાવવા જતો હતો. બચપણની યાદ તાજી થતા મનમાં ઉદ્વેગ છવાય જાય છે. મને અને નયનતારાને જોતાવેંત અરવિંદ અને તેની માતા ગદ્દગદ્દ થઈ જાય છે અને અરવિંદ મને ભેટી પડે છે. નયનતારાની ભાવસૂચક આંખો મારી આંખોમાં કાંઈક વાંચવાની કોશિશ કરતી હતી. કદાચ એને મારી આંખોએ જવાબ આપી દીધો છે. અહીંથી જ મારી જિંદગીની શરૂઆત થઈ છે. આ નક્કર ચીજોના પાયા ઉપર જ આપણી મજબૂત ઈમાતરત ટકેલી છે. અનું નામ જિંદગી. નયનતારા રાણી એટલે તો હું તને અહીંયા સાથે લઈને આવ્યો છું. અરવિંદના ઘરેથી વિદાય લઈને ઘર તરફ રવાના થયા. રસ્તામાં નયનતારા કહે છે. તમારા કાઠિયાવાડી લોકોને સમજવા બહુ આકરા છે.

ઓકે...! હવે તને કાઠિયાવાડીનો સાચો અર્થ સમજાવું છું અને આ માટે ગુજરાતી શબ્દ વાપરવો પડે છે. હું જે જે શબ્દો બોલું તે ધ્યાનથી સાંભળજે, પાંજરાપોળ, ધર્મશાળા, સદાવ્રત, સાદગી, મહેમાનનવાજી, સાવજ, મંદિરો, ભજન, દુઆ, લોકગીત, છપ્પા, પ્રભાતિયા, લોકડાયરા, અફીણ, ભાઈબંધી, દોસ્તારી, કાઠિયાણી, તલવાર, જુવાન, જુવાનડી, ડાલમથ્થા, છોડી, ગગો, ભટ્ટજી, સાંબેલાધાર, બાપલીયા, ઘાઘરી, પોલકું, બાઈમાણહ, પટેલિયા, દરબારૂ, વહવાયા, વાણિયો, ચરિતર, નાગર-ભામણ, કાનુડો, ઓખો, માણહ, બાઈ માણહ, મેઘાણી, ભાવેણા, જામસાહેબ, રંગમતી, ભોગાવો, ભોગાત, ભાટિયા, નવાનગર, હાલાર, ઝાલાવાડ, ગોહિલવાડ અને અંબાણી...

બસ બસ... બધું સમજી ગઈ છું મારા રામ...!

લગ્ન પછીનાં સગાંવહાલાં અને સંબંધીનાં નોતરાં મળે છે. નવ પરિણીત યુગલને રોજ એક નવા ઘરે જમવા જવાનો કાર્યક્રમ શરૂ થાય છે. આ કાઠિયાવાડી ધરતી પરનો કોઈ પણ પ્રસંગ હોય સગાંવહાલાં વગર બેસ્વાદ બની જાય છે. નયનતારા હવે થાકે છે.

રામ...! તમારા સગા જમવામાં બહુ આગ્રહ કરે છે. કદાચ મારું વજન વધી જશે તો તને કેટલી તકલીફ પડશે ?

ચિંતા શા માટે કરે છે...! તારી ચરબી કઈ રીતે ઉતારવી એ હું બહુ સારી રીતે જાણું છું.

આવી ગયોને સીધી લાઈન ઉપર...! કાઠિયાવાડી કેચી બોલી ખરી...!

દિવસો પસાર થતા જાય છે. રોજ નવા નવા અનુભવો થતા જાય છે. 11 જુલાઈ 1993નો દિવસ. પ્રવીણભાઈથી ફોન આવે છે અને કહે છે કે આજે વાફાનો ફોન આવ્યો હતો. તેણે છ મહિના પહેલા ગોલ્ડ સ્ટાર પબ્લિશર્સના માલિક એલન સ્ટેઈન સાથે લગ્ન કરી લીધાં છે અને 5 જુલાઈના રોજ તેની દીકરી જન્મી છે. તેનું નામ પણ બદલી નાખ્યું છે. તેના નવા નામ સારાહ એલન સ્ટેઈન નામે પાંચ નવાં પુસ્તકો પ્રકાશિત થયાં છે. તેમાંના ત્રણ પુસ્તકો તો બેસ્ટ સેલર્સ છે. તેમાંનું એક પુસ્તક રિવોલ્યુશન ઓફ બ્લેક એન્ડ બ્રાઉન તો ખૂબ જ ચર્ચાસ્પદ બન્યું છે અને ટામલેસ રોમાન્સ આપણા ગુજરાતી સમાજમાં બહુ ખ્યાતિ પામ્યું છે. તેં એક વાત મારાથી છુપાવીને રાખી હતી તે વાફાએ મને જણાવી છે અને કહ્યું છે કે નવી જન્મેલી બેબીનું નામ શું રાખવું તે તારે મને જણાવવાનું છે.

ઓકે...! પ્રવીણભાઈ મને તેનો નંબર આપશો, પ્લીઝ...!

ના...! એ શક્ય નથી, કારણ કે તેને મને નંબર આપવાની સખત મનાઈ કરી છે.

ઓકે પ્રવીણભાઈ, વાફાને જણાવજો કે મને તારા નામ પસંદ છે.

નયનતારા શું કરે છે ?

એને શું વાંધો હોય ? ખાવું કેદાનમાં અને સુવું મેદાનમાં.

હજુ પણ તું બદલ્યો નથી. કંઈક નવીન સમચાર હોય તો કહે.

ત્રણ વર્ષ પછી નવીન સમાચાર જણાવીશ, જ્યાં સુધી નયનતારા એમ.એસ. બને નહીં ત્યાં સુધી કશું જ નવીન બનવાનું નથી.

લંડન ક્યારે આવે છે ?

સપ્ટેમ્બરમાં હું અને નયનતારા બન્ને સાથે આવીએ છીએ, તેનો પાસપોર્ટ બની ગયો છે.

ચાલ હવે ફોન મૂકું છું.

જય શ્રી કૃષ્ણ...! સાંભળો... વાફાનાં બધાં પુસ્તકો મને મોકલી આપશો.

ઓકે...!

દિલમાં એક અજબની લાગણી પેદા થાય છે. આજે હું એક એવા સંતાનનો પિતા છું જે પિતાને કદી પણ તેના સંતાનના માથા પર હેતથી હાથ મૂકવાનો મોકો મળવાનો નથી. કદાચ તેનો ચહેરો જોવાનું પણ નસીબમાં લખેલું નહી હોય. કુદરતની કમાલ પણ કેવા કેવા સંજોગો બનાવે છે. આજે મારું હ્રદય એક સંતાનના પિતા તરીકે ધડકે છે, ત્રેવીસ વર્ષની ઉંમરે પિતા બનવાનું જરા વિચિત્ર લાગતું હતું.

સમય જતાં વાર લાગતી નથી. દિવસો લંબાય છે અને રાતો ટૂંકી થતી જાય છે. ત્રણ વર્ષનો ગાળો મારા માટે બહુ મહત્વનો સાબિત થાય છે. આજે આ વેપારી પુત્રની ધાક બોલે છે. કાઠિયાવાડી બિઝનેસમેન મહિનામાં દસથી બાર દિવસ દેશની બહાર રહે છે. ફૂડ, કોપર, લોખંડ, સ્ક્રેપ, ફૂડ મશીનરીની દુનિયામાં છવ્વીસ વર્ષની ઉંમરે પોતાની અલગ પહેચાન ઊભી કરી છે. અડધી દુનિયા ફરી ફરીને પોતાનો એક્સપોર્ટ બિઝનેસ જમાવ્યો છે અને પ્રવિણભાઈની ભાગીદારી નસીબ લઈને આવી છે.

ડિહાઈડ્રેડ ઓનિયન, ગાર્લિકનું બધું પ્રોડક્શન ફક્ત જર્મનીની કંપની ખરીદ કરે છે. યુરોપિયન માર્કેટમાં પીનટ્સ (મગફળીના બી)ની સૌથી મોટી સપ્લાય અમારી કંપની કરે છે. 1992 થી 1996 વચ્ચે દુનિયાના મોટાભાગના દેશો ફરીને માર્કેટ સર્વે જાણ્યા પછી નવી પ્રોડક્ટ બજારમાં આવવાની તૈયારી શરૂ થાય છે.

પ્રિયાના લગ્ન તેની બરોબરના ફેશન ડિઝાઈનર અમારી નાતના તરુણ પંચાલ સાથે થયા છે. તેનું લેટેસ્ટ કલેક્શન કોપરમેન બ્લ્યુ અને કોપરમેન રેડ ધૂમ મચાવે છે. પ્રિયા અને તરુણ વર્ષમાં ત્રણ-ચાર મહિના ન્યૂયોર્કના ઘરમાં વિતાવે છે. લાસ્ટ યર નયનતારાને દસ દિવસની રજા મળતા અમેરિકા ફરી આવ્યાં હતાં. લાસવેગાસના કેશિનોમાં નો મોર બેટ પ્લીઝનો અવાજ સાંભળીને જમિલા રહેમતખાનનો ચહેરો યાદ આવી જાય છે.

કેશિનોમાં પ્રવેશ કરતી વખતે નયનતારાના શબ્દો યાદ આવે છે. રામ...! આજની રાત તું મને ભૂલીને તારી દુનિયામાં ખોવાય જશે. સાંભળીને નયનતારાને ખભે રાખીને કેશિનોમાં અમો દાખલ થયાં હતાં.

અહીંયા નયનતારાની દુનિયા પણ અલગ છે. કોપરમેન એજ્યુકેશન ટ્રસ્ટ અને એક ઓર્થોપેડિક હોસ્પિટલનો વહીવટ ચલાવે છે. આ ટ્રસ્ટ થકી દર વર્ષે 20 થી 30 છોકરાઓ સ્કોલરશીપ મેળવીને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા જાય છે અને ઓર્થોપેડિક હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દીઓનો ખર્ચો આ ટ્રસ્ટ ભોગવે છે. લગ્ન પછી પ્રિયા ફક્ત એક વખત અહીંયા આવી શકે છે. આજે પ્રિયા પંચાલ બહુ મોટી હસ્તી બની ગઈ છે પણ એક શબ્દ હજુ સુધી ભૂલી નથી. એ છે કાઠિયાવાડી કનેક્શન... ભાઈ જ્યારે આ શબ્દ મને પ્રિયા કહે છે જેની અનુભૂતિ વર્ણવી શબ્દોમાં શક્ય નથી.

નયનતારાને લગ્ન પહેલાં આપેલાં વચનોનું અક્ષરશઃ પાલન થાય છે. મહિનામાં પંદરથી વીસ દિવસ નયનતારા સાથે વિતાવવાનો મોકો મળે છે. હજુ પણ એ જ રોમાન્સની રોમાંચક પળો જીવંત બને છે. બેડરૂમની અંદર બુદ્ધિ અને બિઝનેસ પોલિસીને ડ્રોઅરમાં રાખીને ચાવી સંતાડી દેવાય છે. એ પંદરથી અઢાર દિવસોમાં અને ફરીથી એકબીજામાં ઊર્જા ભરીએ છીએ. નયનતારાની ખૂબસૂરતીએ માઝા મૂકી છે.

જિંદગીની સૌથી ખૂબસૂરત નયનતારા મને પહેલી વખત જોવા મળી હતી જ્યારે એક મહિના પહેલા તેની સિંમતવિધિ (ખોળાભરત) વખતે તેના ગલ પર પડેલા આંગળીનાં કંકુવર્ણાં નિશાનો જોયાં હતાં. નયનતારાની હેરસ્ટાઈલ બદલી ગઈ છે. સ્ટ્રેઈટ હેરસ્ટાઈલ અપનાવી. લાલ ઘરચોળું તેના માથા ઉપર ઢાંકેલું હતું અને ખુલ્લા વાળ હવામાં ઉડતા હતા. બે જીવવાળી નયનતારાને જોઈને હું તેના સૌંદર્ય ઉપર મંત્રમુગ્ધ થઈ ગયો હતો. મારો ટાઈમલેસ રોમાન્સ થોડો અટકી ગયો છે. ગોકળબાપાના શબ્દો યાદ આવે છે જ્યારે તેને નયનતારા મળી હતી ત્યારે બોલ્યા. અતારના છોકરાવ નસીબ તો જુવો, આવી છોકરીઓ તો ફિલમમાં જોવા મળે છે.

ગોકળબાપાની વાત સાંભળીને નયનતારા શરમાઈ ગઈ હતી. એટલે મેં તેને કહ્યું કે આ બાપો મારો ભાઈબંધ છે. એટલે ભારતીભાભી પણ હસવા લાગ્યા હતા.

ઘરના બધા સભ્યો આજે પ્રસૂતિગૃહમાં જમા થયા છે. નયનતારાને વેણ ઉપડ્યાં છે. બધા ઊચક જીવે સારા સમાચારની રાહ જુએ છે. ઘરના બધાની ઈચ્છા પહેલી છોકરી આવે તેની હતી.

ડોક્ટરને આવતા જોઈને પપ્પા તેની પાસે પહોંચી જાય છે અને પપ્પાનો અવાજ આવે છે. દાદાની દીકરી આવી છે.

મારી આંખોમાં અશ્રુધારાઓનો ધોધ છૂટી પડે છે. જિંદગીમાં પહેલી વખત આટલી ખુશી મારી આંખોમાંથી અશ્રુધારા બનીને બહાર આવી છે. બે પુત્રીઓનો બાપ બની ગયો છું. તારા અને રૂપતારા, નામ એડવાન્સમાં જ નક્કી થઈ ગયું હતું. છોકરી આવે એટલે તેનું નામ રૂપતારા રાખવાનું છે અને છોકરો આવે તેનું નામ વિરમ રાખવાનું છે. પ્રિયાનો હુકમ એટલે કોઈની તાકાત નથી કે તેમાં ફેરબદલી કરી શકે.

પ્રિયાનો ભાઈ પ્રત્યેનો પ્રેમ દર બે-ત્રણ મહિને આવતા પાર્સલોમાં છલકાય છે. એકથી એક ચડિયાતા ડિઝાઈનર શર્ટ પહેરીને પ્રિયાની બ્રાન્ડને દુનિયાભરમાં પ્રવાસ કરાવું છું. મમ્મી ઘણીવાર પ્રિયાને કહે છે. આટલા બધા શર્ટ મોકલે છે તો હવે પછી બે-ત્રણ કબાટ પણ સાથે મોકલી આપજે.

મારા જૂના મિત્રોમાંથી મોટાભાગના મારી કંપનીઓના અલગ અલગ હોદ્દા પર બેસેલા છે. રાહુલ હમણાં પાંચ મહિનાથી લંડન છે. એક વર્ષ માટે હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરવા ગયો છે.

વિચારોમાં ખોવાઈ ગયેલા મારા મગજમાં એક ઝબકારો થાય છે. હોટલ બિઝનેસ દસ ધોરણ પાસ આ બિઝનેસમેનને બધી કલાઓ તેની લાઈબ્રેરીના પુસ્તકોમાંથી પ્રાપ્ત થઈ છે. એક પછી એક સ્મૃતિઓ તાજી થતી જાય છે. પહેલી વખત ચિત્રલેખામાં વાંચેલો લેખ સ્વિડન સોનાનું પીંજર પહેલું પુસ્તક, વિજય ગુપ્ત મૌર્યનું કાશ્મીરનું અગ્નિસ્નાન અને પછી તો ગુજરાતી અને અંગ્રેજી પુસ્તકો વાંચી વાંચીને કોઈના સહકાર વિના પોતાની એક દુનિયા ઊભી કરી છે. મારા જીવનમાં સૌથી વધુ પ્રભાવ જે ગુજરાતી લેખકોનો પડ્યો છે તેમાં ચંદ્રકાંત બક્ષી, કાન્તિ ભટ્ટ, સ્વામી વિવેકાનંદજી, ઝવેરચંદ મેઘાણી અને કનૈયાલાલ મુનશીનો છે અને અંગ્રેજી લેખકોમાં મારી સૌથી માનીતી લેખિકા સારાહ એલન સ્ટેઈન (ઉર્ફે વાફા બદર ખલિલ). એ સિવાય શેક્સપિયર, જોન ગંથર અને ઓક્સફોર્ડની અમુક હિસ્ટોરી બુક્સ, ખલિલ જીબ્રાન અને ઓસ્કાર વાઈલ્ડનાં પુસ્તકો ગમે છે.

મમ્મીનો અવાજ સંભળાય છે. ચાલો બેટા, નયનતારા પાસે જઈએ, અમે બધા નયનતારાના બે સ્વરૂપ જોવા માટે તલપાપડ હતા. નયનતારાના માથા ઉપર સ્કાર્ફ બાંધેલો છે. બાજુમાં સફેદ કપડામાં વિંટાયેલી નાની ટેણકી-રૂપતારાની નાની મુઠ્ઠીઓ બંધ હતી. હાથનો પ્રેમભર્યો સ્પર્શ થાય છે. ફરી પાછી આંખો ભરાય છે. વારાફરતી મમ્મી અને પપ્પા મને ભેટી પડે છે. લાગણીઓની બાષા આંખોથી બોલાય છે. જે અશ્રુરૂપી બહાર નીકળીને હ્રદયમાં અક્ષરો બની સમાય જાય છે.

બધા બહાર નીકળે છે ત્યારે નયનતારા મારો હાથ પકડીને ઊભો રાખે છે. બે હાથ પહોળા કરે છે અને મને નજીક આવવા આંખોથી ઈજન આલે છે. નીચે નમીને તેની બન્ને આંખોને વારાફરથી ચૂમીને આ શાનદાર ગૃહલક્ષ્મીનાં પગલાં માટે મારી લક્ષ્મીનું ઋણ અદા કરું છું.

રામ...! હવે મારે બે બાળકોની જવાબદારી સંભાળવી પડશે. એક આ છોકરી અને બીજા એના બાપાની, હેવ તેને લાગતું નથી કે તારે હવે બાળહઠ મારી સામે ના કરવી જોઈએ ?

આખરે આવી ગઈને સીધી લાઈન ઉપર...!

રામ...! તેની આંખો જ તારા જેવી છે. બાકી બધી રીતે મારા ઉપર ઊતરી છે એવું મમ્મી કહેતાં હતાં, તને શું લાગે છે ? નયનતારાનો હાથ હજુ પણ મારા પંજામાં દબાવેલો છે.

બિલકુલ એની મા ઉપર ઉતરી છે, અદલોઅદલ તારા રૂપનો ઉતારો છે. એટલે તેનું નામ રૂપતારા છે.

પ્રિયા ક્યારે આવવાની છે ?

પ્રિયા ગઈકાલે પેરિસથી નીકળવાની હતી અને બે દિવસ મુંબઈમાં થોડું કામ ખતમ કરીને અહીંયા આવવાની ચે અને એક દિવસ જ રોકાવવાની છે.

પ્રિયાને કહેજો કે એક-બે દિવસ પછી આવે, જેથી રૂપતારાની છઠ્ઠી અને તેની નામકરણ વિધિ સાથે પતી જશે.

ઓકે, જેવી તારી ઈચ્છા. હું ફોન કરી પ્રિયાને જણાવીશ.

રામ...! આવતી કાલે ટ્રસ્ટની ઓફિસે જવું પડશે. ટ્રસ્ટીઓની મીટિંગ હોવાથી મારા વતી તારે હાજરી આપવી પડશે, તું ત્યાં જઈ શકશે ?

નયનતારાનો હુકમ આજ સુધી મેં કદી ઉથાપ્યો નથી. નયનતારાના હુકમનું પાલન કરવા માટે આજે અમારા ટ્રસ્ટ ઓફિસે જવા રવાના થયો. પાન ખાવાની ઈચ્છા થતા પેલા પાનવાળાની દુકાને પહોંચું છું.

જૂની યાદ તાજી થાય છે. નયનતારાને પહેલી વખત જોઈ હતી ત્યારે આ પાનવાળાએ કહ્યું હતું કે, આ છોકરી ડોક્ટરનું ભણે છે, તારા જેવા દસ ધોરણ માંડ માંડ વટેલાનું કામ નથી, એના કરતા ધંધામાં ધ્યાન આપ અને બે પૈસા કમાઈશ. એક ગર્વીલી હાસ્યરેખા ચહેરા ઉપર ઉપસે છે. એ ગર્વનું નામ છે નયનતારા...!

ટ્રસ્ટની ઓફિસની બહાર જમશેદજી તાતાનું એક વાક્ય મેં લખાવ્યું છે. પ્રજાના નબળામાં નબળા કે સૌથી નિરાધાર લોકોને મદદ કરવાથી કોઈ દેશને કે સમાજને એટલો ફાયદો નથી થતો કે દેશ કે સમાજ એટલો આગળ નથી વધતો, જેટલો સમાજમાં ઉત્તમમાં ઉત્તમ અને સૌથી શક્તિશાળી માણસોને પ્રોત્સાહન આપવાથી આગળ વધી શકે છે કારણ કે આમ કરવાથી એ માણસો દેશની વધુમાં વધુ સેવા કરી શકે.

કુરાનમાંથી એક માત્ર મુદ્દો મને બહુ સ્પર્શી ગયો છે, તે છે જકાત એટલે કે તમારી કમાણીની અમુક ટકા રકમ જરૂરિયાતમંદ માણસો માટે અલગ કાઢવી. આ પરંપરા અમારી બધી કંપનીઓ ઈમાનદારીથી નિબાવે છે અને તેના થકી આ ટ્રસ્ટ ચાલે છે.

હાલમાં તો આ ટ્રસ્ટ પાસે ખૂબ મૂડી થયેલી છે. પ્રિયા અને પ્રવીણભાઈનો બહુ મોટો સહકાર આ ટ્રસ્ટને સાંપડ્યો છે.

મીટિંગ શરૂ થતાં જે સોળ છોકરાઓ અને બાર છોકરીઓની અરજી આવી હતી તે સર્વસંમતિથી પાસ કરવામાં આવી હતી અને નવા વૃક્ષોનાં રોપણ અને રોપાની ખરીદી માટે એ જ અલગ રકમ પણ પાસ કરવામાં આવી હતી.

મિટિંગ પૂરી થતાં અમારા ટ્રસ્ટના સેક્રેટરી તથા અમારા વકીલ તથા પપ્પાના ખાસ મિત્ર રઝાકઅંકલ મારી પાસે આવીની કહે છે કે દાદા કહી ગયા છે કે પાંજરાપોળ અને પશુ દવાકાના માટે અમુક રમક અલગ ફાળવવાની છે.

દાદા જેમ કહે તેમ તમારે કરવું પડશે, દાદાનો હુકમ હોય તો મને કે પપ્પાને પૂછવાની જરૂર પણ રહેતી નથી.

એ વાત નથી...! પણ સિટીની બહાર આપણી જમીન એન.એ. થયેલી છે તે જમીન પણ પાંજરાપોળ માટે ફાળવવાનો હુકમ આપ્યો છે.

રઝાકઅંકલ...! એકવાર મેં આપને કહ્યું ને કે દાદા જે કહે તે ફાઈનલ સમજવાનું છે. આખરે તો મારા બાપાનો પણ બાપ છે.

વાહ દીકરા..! મને ખબર હતી કે તું કદી ના નહીં પાડે.

રઝાકઅંકલ... જે કાંઈ મારી પાસે છે તે બધું મારા વડીલોની મહેરબાનીથી મને મળ્યું છે. મને યાદ આવે છે, પ્રવીણભાઈના પિતા ગોકળબાપા અને મારા દાદા જૂના મિત્રો, પ્રિયાના સસરા અને મારા પપ્પા સાથેના જૂના સંબંધ, આ બધું જોતા અમોને બધું વગર મહેનતે નસીબ થયું છે.

આજે રૂપતારાની છઠ્ઠી છે. પ્રિયાના પધારવાથી ઘરમાં ચહલપહલ વધુ દેખાય છે. જ્યાં જુઓ ત્યાં યુવાન છોકરીઓ મારા મકાનમાં દેખાય છે. પછી ખબર પડી કે બધી છોકરીઓ પ્રિયા સાથેના સવાલ-જવાબ માટે એક કાર્યક્રમ ગોઠવ્યો છે તેના માટે એકઠી થઈ છે.

પ્રિયા મને કહે છે. ચાલ ભાઈ, આજે તું પણ મારી સાથે, આ બધી છોકરીઓના સવાલના જવાબો આપવા, તને મજા પડશે.

છોકરીઓના એક-એક સવાલ પરથી તેમની બુદ્ધિપ્રતિભાનો ખ્યાલ આવતો હતો. એજ્યુકેશનનો પ્રભાવ કેટલો પ્રભાવક હોય છે, જે આ છોકરીઓના સવાલો ઉપરથી ખબર પડે છે. છેલ્લે એક છોકરી પ્રિયાને કહે છે કે મારે તમારા બ્રધરને પણ એક સવાલ પૂછવાનો છે, જો આપની રજા હોય તો પૂછી શકું ? પ્રિયા હા કહે છે એટલે પેલી છોકરી મને એક સવાલ પૂછે છે.

સર...! આપ ફક્ત એસ.એસ.સી. પાસ થયેલ છો, છતાં પણ એક એમ.એસ. લેડી ડોક્ટર સાથે કઈ રીતે લવ થયો હતો ? હાઉ કેન યુ ઈમ્પ્રેસ્ડ હર ? મનમાં વિચાર આવે છે કે આ ફટાકડીને બ્રિટિશ ઈંગ્લિશ લેંગ્વેજમાં જવાબ આપું, છતાં પણ મન ના માનતા ગુજરાતી ભાષામાં જવાબ આપું છું.

પ્રેમ...! એ સાથીના મનની ભાષા સમજવાનો શબ્દકોષ છે અને આ શબ્દકોષ બ્રેઈલ લિપિમાં લખેલો હોય છે. એટલે આંગળીઓના સ્પર્શથી જ વાંચી શકાય છે અને ત્યારે આંખ અંધની જેમ બંધ રાખવી પડે છે.

મારો જવાબ સાંભળી બધી છોકરીઓ એકીસાથે તાળીઓથી વધાવે છે અને પ્રિયા મારી નજીક આવીને મારા કાનમાં કહે છે. હવે તો સુધરી જા ભાઈ...! એક છોકરીનો બાપ બની ગયો છે. એટલે પ્રિયાને કહું છું કે થોડો સમય જવા દે. તારી ફેશન ઈન્ડસ્ટ્રીઝમાં પગ મૂકવાની તૈયારી કરવી છે.

ના રે ના ભાઈ...! મહેરબાની કરીને ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરતો નહીં. ત્યાં બધી મોડેલ છોકરીઓનું આવી બનશે અને બચારી નયનતારા રખડી પડશે.

ઓહ...! તારા ભાઈને તું સમજે છે શું ? બહુ મોટી ડિજાઈનર બની ગઈ છે એટલે તારા ભાઈને દબાવે છે ?

એવું નથી ભાઈ...! પણ તારા લક્ષણ જોઈને આ વિચાર પહેલા આવી જાય છે, ડાકણ પણ એક ઘર તારવીને ચાલે છે. સમજ્યો મારા ભાઈ...!

ઊભી રહેજે પ્રિયાડી... પ્રિયાના કલર્ડ હેર પકડીને તેને ઘરમાં લઈ જઉં છું. મને અને પ્રિયાને ઝઘડતા જોઈને બધા હસી પડે છે. મમ્મી કહે છે. હવે તો તમારા બન્નેનાં લગ્ન થઈ ગયાં છે છતાં પણ પહેલાની જેમ ઝઘડા કરો છો, હવે તમને આ સારું લાગતું નથી.

મમ્મી... મારો વાંક નથી પણ ભાઈનો વાંક છે. આ બધી છોકરીઓમાંથી તેને એક છોકરી પસંદ પડી ગઈ હતી એટલે મને પૂછતો હતો કે આ છોકરીને મારી સેક્રેટરી બનાવું તો કેવું રહેશે ? પ્રિયાનો અંચયખોર જૂનો સ્વભાવ વર્તાય આવે છે.

પ્રિયા ખોટું બોલે છે. તારા ભાઈની એટલી હિંમત નથી કે જ્યાં સુધી આ નયનતારા બેઠી છે ત્યાં સુધી કોઈ બીજી સાથે લફરું કરી શકે...!

જોયું ને મમ્મી...! આ તારો દીકરો અને નાગરાઈનો ગુલામ બની ગયો છે અને તેની બાયડીના પગ દબાવવામાંથી ઊંચો આવતો નથી. પ્રિયાના શબ્દબાણ સામે આ ભાઈની ટકરાવવાની તાકાત નથી.

જોયું ને મમ્મી... તરુણ પ્રિયાના પગ દબાવતો નથી એટલે મારી નાગરાણીની ઈર્ષા કરે છે. પ્રિયા પણ મારા શબ્દબાણથી ગભરાય જાય છે.

બસ કરો તમે બન્ને ભાઈ-બહેન અને આ રૂપતારાની છઠ્ઠીની વિધિની તૈયારી શરૂ કરાવવાની છે. મમ્મીનો હુકમ અમારે ફરજિયાત માનવો પડે છે. છઠ્ઠીની વિધિ પૂરી થયા બાદ, પ્રિયા ફઈબા તેની ભત્રીજીની નામકરણવિધિ શરૂ કરે છે.

ઓળી ચોળી પિયર યાન,

ફઈએ પાડ્યું રૂપતારા નામ.