Oh ! Nayantara - 32 books and stories free download online pdf in Gujarati

ઓહ ! નયનતારા - 32

32 - હલકટ માણસ !

‘ભાઈ... આ છોકરી આંખો સિવાય બિલકુલ નયનતારા ઉપર ઉતરી છે. આપણા ઘરમાં બીજી નયનતારા બનીને આવી છે.’ પ્રિયાની લાગણીસભર આંખોમાંથી ભાઈ પ્રત્યેનો પ્રેમ છલકાય છે. લાગણીના બંધનોને આજે પ્રિયાનું હાઈપ્રોફાઈલ સ્ટેટસ નડતું નથી.

સમય રેતીની જેમ હાથમાંથી સારી જાય છે તેમ એક પછી એક વર્ષો આંખો સામેથી પસાર થતા જાય છે. રૂપતારાના આગમ પછી ચારે દિશાઓમાંથી લક્ષ્મીજીની મહેરબાની વર્ષે છે. નયનતારાની ઓર્થોપેડિક હોસ્પિટલ આધુનિક સાધનોથી સજ્જ છે. નયનતારા સિવાય બીજા સાત ડોક્ટરોની સેવા લેવામાં આવે છે. કોપરમેન ટ્રસ્ટની કામગીરી સતત વધ્યા રાખે છે. આજે મહિલા ઉત્કર્ષ કેન્દ્રનું ઉદ્દઘાટન છે દાદીમાના હસ્તે અને દાદીમાના નામ ઉપર આ કેન્દ્રની ઉદ્દઘાટનવિધિ સંપન્ન થાય છે.

જતા જતા દાદીમાં અને જૂની સ્ટાઈલમાં પાછા ફરીને આંખો પર છાજલી રાખીને આ કેન્દ્ર સામે જોઇને મનમાં હરખાતા હતા.

પ્રિયા છેલ્લે રૂપતારાની છઠ્ઠીની વિધિ વખતે આવી હતી ત્યારબાદ અઢી વર્ષ પછી તેના દોઢ વર્ષના પુત્ર દેવને લઈ આવી હતી. છોકરો બિલકુલ તરુણ જેવો ગોરો લાગતો હતો. ગલગોટા જેવો ખીલખીલ હસતો પરાણે વહાલો લાગતો હતો. એટલે નયનતારા પાસે દેવને તેડીને લઈ ગયો અને નયનતારાને ધીરેથી કાનમાં કહું છું : ‘હવે તને લાગતું નથી કે મારે પણ હવે આવો એક બાબો રમાડવા માટે જોઇશે.’

‘આવી ગયો ને સીધો લાઈન ઉપર ? તારો છોકરો આ દેવ જેવો થોડો ડાહ્યોડમરો હશે ? બિલકુલ તારા જેવો જ ખેપાની થશે !’ નયનતારાનું જલ્વારેજ હુસ્ન આજે પણ પાંચ વર્ષ પહેલાનું છે. સમજમાં આવતું નથી આ નયનતારાનું નામ જ કઈક એવું છે જે મને સંમોહિત કરે છે ત્યારે નયનતારાના શબ્દો મારે કાને પડે છે : ‘રામ...! તે આજ સુધી કદી પણ એક પતિની જેમ પ્રેમ કર્યો નથી, દરેક વખતે એક પ્રેમી અને આશિકની જેમ નખરાળા અંદાજમાં પ્રેમ કરવાની આ બધી કલાકારી કોણી પાસે શીખીને આવે છે ? દર વખતે મને એવું શા માટે લાગે છે કે મારા પ્રત્યે તારી આસક્તિ વધતી જ જાય છે.’

એક વખતની વાત છે. નયનતારાને હોસ્પીટલમાં ઓપરેશનના કારણે થોડું મોડું થયું હતું ત્યારે હું ફક્ત કુતૂહલ ખાતર તેની હોસ્પિટલ પર ગયો હતો. રિસેપ્શન ટેબલ પર પૂછતા જાણવા મળ્યું કે મેડમ તેની કેબીનમાં થોડીવાર પહેલા અંદર ગયા છે. ધીરેથી તેની કેબીનનો દરવાજો ખોલું છું તો નયનતારા તેની ચેરની પાછળ વ્હાઈટ બોર્ડમાં કઈક લખવામાં મશગૂલ હતી એટલે દબાતે પગલે ત્યાં પહોંચીને તેની પાછળ જઈને ઓચિંતી આલિંગનમાં ભીંસી નાખી હતી એવામાં અચાનક જૂનિયર ડોક્ટર તેની કેબીનનો દરવાજો ખોલે છે. અમારી બંનેની હાલત જોતા ફટ કરતો દરવાજો બંધ કરી દીધો.

નયનતારા શરમથી લાલચોળ થઇ ગઈ હતી ! હું તેની ચેર પર બેઠો હતો અને તે મારી બાજુમાં ઊભી હતી, મેં બેલ દબાવી એટલે પેલો જૂનિયર ડોક્ટર અંદર આવે છે મેં તેનું નામ પૂછ્યું એટલે તેણે મને જવાબ આપ્યો કે ‘મારું નામ દેવેશ પરીખ છે.’ અને દેવેશ ખુરશી પર બેસે છે. એટલે દેવેશને પૂછું છું. ‘દોસ્ત, તમારા મેરેજ થઇ ગયા છે ?’ દેવેશ કહે છે ‘ના સર !’ એટલે મેં દેવેશને પૂછ્યું : ‘તમે અંદર આવ્યા એટલે શું જોયું ?’ એટલે બચારો શરમાઈ જાય છે અને જવાબ આપે છે : ‘સર ! તમે પણ...!’ ફરી તેને પૂછ્યું છું : ‘કદાચ તમારે લગ્ન કરવા હોય તો તમારી મેડમ જેવી છોકરી મળી જાય તો ગમે ખરી...?’ એટલે દેવેશ જવાબ આપે છે : ‘સર... તમે તો બહુ નસીબદાર છો તમને મેડમ જેવા વાઈફ મળ્યા છે.’ એટલે દેવેશને ફરીથી પૂછ્યું, ‘કદાચ તમે પરણેલા હો અને તમારી પત્ની ફક્ત હાઈસ્કુલ સુધી જ અભ્યાસ કર્યો હોય તો તમે તમારી પત્ની સાથે બરાબર ટ્યુનીંગ મેળવી શકશો ? દેવેશ જરા મૂંઝાઈ ગયો અને શું જવાબ આપવો તે વિચાર કરે છે અને થોડીવાર પછી જવાબ આપે છે. ‘કદાચ... બંને સમજદાર હોય તો એકબીજાનું ટ્યુનીંગ જાળવી શકે પણ આવા સંજોગોમાં પતિ અથવા પત્નીનું ટ્યુનીંગ બગડી શકવાની સંભાવના વધુ હોય છે.’

એટલે દેવેશને મેં કહ્યું : ‘આ ટ્યુનીંગ જાળવી રાખવા માટે જ આવા સમયે તમારા મેડમને સરપ્રાઈઝ આપવા અહીયા આવ્યો છું અને તમારા મેડમને કદી એવું ના લાગવું જોઈએ કે મારો હસબન્ડ મારી કેર રાખતો નથી.’

એટલે નયનતારા પેલા ડોકટરને કહે છે : ‘આ માણસની વાત પર વિશ્વાસ કરવાની ભૂલ કરતા નહી, એને મજાક કરવાની બહુ આદત છે.’ એટલે દેવેશ નયનતારાને ઉદ્દેશીને કહે છે : ‘મેડમ... સરની વાત એકદમ બરાબર છે. એજ્યુકેટેડ બિઝનેસમેન છે એટલે તેમની વાતો મજાકમાં થોડી લઈ શકાય...! એટલે નયનતારા જરા મોટેથી હસીને દેવેશને જવાબ આપે છે : ‘દેવેશભાઈ...! ઉલટાની તમે મારા હસબન્ડની વાતને સિરીયસલી લઈ લીધી છે. આ મારા હસબન્ડે ફક્ત દસ ધોરણ પાસ પણ માંડમાંડ કરેલ છે.’

એટલે દેવેશ કહે છે : ‘મેડમ, તમે મજાક પણ કરી જાણો છો...!’

એટલે મેં કહું : ‘આ મજાક નથી પણ એક સત્ય હકીકત છે પણ તમારા મેડમ જયારે અમારા ઘરે પહોંચે છે ત્યારે સર્જનની જગ્યાએ સર્જક બની જાય છે અને આ સર્જકે જ મારી જિંદગીનું સર્જન કર્યું છે. એટલે તેની સર્જનકલા જીવંત રાખવા એક પત્નીની જેમ નહિ પણ એક ગર્લફ્રેન્ડની જેમ તેના નખરા ઉઠાવું છું.’

એટલે નયનતારા તેના જૂના અંદાજમાં બોલે છે : ‘આવી ગયોને સીધી લાઈન ઉપર...!’

એટલે અમે ત્રણે જણા હસી પડ્યા અને નયનતારાની બેગ ઉઠાવીને તેને કહું છું : ‘ચાલો મેડમ, હવે આપણે ઘરે જવું પડશે. રૂપતારા આપણા બંનેની રાહ જોતી હશે.’

દેવેશને નયનતારા થોડી સુચના આપે છે અને અમો બંને ઘર તરફ રવાના થયા. એટલે નયનતારા રસ્તામાં કહે છે : ‘શરમ વગરના માણસ ! હવે તો ઓફીસ અને બેડરૂમનો ફરક શું છે તે સમજતા શીખી જા.’

આજે ૧૫ ફેબ્રુઆરી ૧૯૯૮ નો દિવસ છે. ફરી નયનતારાને વેણ ઉપડ્યા છે. એજ રીંડાણી સાહેબનું પ્રસૂતિગૃહ છે. સાહેબ સામેથી આવતા દેખાય છે. આજે દાદા અને દાદી પણ અહીયા છે. પપ્પા ઊભા થઈને ડોક્ટર પાસે જવાની તૈયારી કરે છે. એટલે દાદા તેને કહે છે : ‘ઊભો રે.. મારે જોવું છે.’

ડોક્ટરસાહેબ પાસે દાદા પહોંચે છે અને દાદાનો પહાડી અવાજ સંભળાય છે : ‘સાંભળો બધાય, આપણી નાની વવ ને એકી હારે બે ડાલમાથા આઈવા છે.’ મારું કાઠીયાવાડી હૃદય એક થડકારો ચૂકી જાય છે. પપ્પા તો હોસ્પીટલમાં જોરથી ચિલ્લાય ઊઠે છે. કુટુંબ માટે આજે સૌથી આનંદદાયક દિવસ છે. નયનતારાની કૂખે આજે બેલડારૂપી બે પુત્રોનો જન્મ થયો છે. દુનિયાના સૌથી સુખી પુરુષ હોવાની અનુભૂતિ થાય છે, જેનું શબ્દમાં વર્ણન કરવું અશક્ય છે. ઓગણત્રીસ વર્ષની ઉમરે ત્રણ સંતાનોના પિતા બનવાનું સ્વમાન નયનતારાના કારણે મને મળ્યું છે. ‘નયનતારા’ આ શબ્દનો જાદુ આજે પણ અકબંધ છે.

અચાનક સારાહ એલન સ્ટેઇન યાદ આવે છે અને કહે છે : ‘તું ત્રણ સંતાનોનો પિતા નથી પણ ચાર સંતાનોનો પિતા છે. ‘તારા’ નામની એક પુત્રી છે જે આજે છ વર્ષની ઉમરની છે.’ મનમાંથી અવાજ નીકળે છે : ‘સોરી... સારાહ ઉર્ફે વાફા.’

છેલ્લા પાંચ વર્ષમાં કેટલીય વખત લંડન જઈ આવ્યો પણ એકેય વખત સારાહને મળવાની તમન્ના જાગી નહી. કદાચ દિલથી ઈચ્છા કરી હોત તો સારાહને મળી શક્યો હોત. ના...! નયનતારા જ આજે મારું સર્વસ્વ છે. કદાચ નયનતારા પ્રત્યેનો બેફામ લગાવ અને લગ્ન પછીના છ વર્ષ વીતી ગયા હતા તેનું અનહદ આકર્ષણ અને ત્રણ સંતાનોની માતા હોવાથી માનવસહજ પ્રકૃતિનો ગુણધર્મ પેદા થયો છે અને વેપારી ભાષામાં કહીએ તો ‘માલ ખલાસ મહોબ્બત ખલાસ’. ના...એવું નથી, આજે પણ કાઠીયાવાડી દિલમાં એટલી જ લાગણી છે. પારકા માટે મરી ફીટનારા લોકોના પાળિયાની આ ભૂમિના ફરજંદો કદી પણ લોહીના સંબંધો સાથે ગદ્દારી નહી કરે, વખત આવ્યે એ ઋણ પણ ચૂકવાઈ જશે.

ફિલ્મી ગીતો અને હિન્દી ફિલ્મ પ્રત્યેનો લગાવ આજે પણ એટલો જ છે. એક ગીતની કડી યાદ આવે છે કે

‘ક્યાં કરતે હો સાજના, તુમ હમ સે દૂર રહે કે,

અક્સર જુદાઈ મેં ખુદા સે... તુમ કો હી માંગા કરતે હૈ.’

ના... કોઈની પણ એકબીજા માટે માંગણી નથી, હું અને સારાહ એકબીજાની દુનિયામાં ખોવાયેલા છીએ અને પોતપોતાની રીતે મસ્ત જીવન જીવે છે.

સારાહ એલન સ્ટેઇન નામની લેખિકાનું નામ આજે ઈંગ્લેન્ડમાં વજનદાર છે. છેલ્લા છ વર્ષમાં છવ્વીસ પુસ્તકો બહાર પડી ગયા છે. મોટાભાગના બેસ્ટ સેલર્સ સાબિત થયા છે.

ગોલ્ડ સ્ટાર બુકના માલિક એલન સ્ટેઇનની પત્ની હોવાને નાતે સારાહ આજે સેલીબ્રીટી બની ગઈ છે. સેલીબ્રીટી બનવા માટે સૌથી વધુ યોગદાન તેના પુસ્તકોનું છે.

૧૯૯૮ પછી અહીયા તેજીનો માહોલ છે. રાહુલ લંડનથી હોટેલ મેનેજમેન્ટના પાઠ ભણીને રૂપતારા ઇન્ટરનેશનલનો વહીવટ સંભાળે છે. અહીયા મલ્ટીનેશનલ કંપનીઓ આવવા લાગી છે. અમારી કંપની બિલ્ડીંગ કન્સ્ટ્રકશનના બિઝનેસમાં પડી છે. એક પછી એક સ્કીમ આવતી જાય છે. મલ્ટીનેશનલ કંપનીના કોન્ટ્રાક્ટ મળે છે. ૨૦૦૦ની સાલમાં અમારી ત્રણ કંપની પબ્લિક લિ. બની ગઈ છે.

૨૦૦૧ની સાલમાં અમારી કંપની એક એન્જીનીયરીંગ કોલેજ બનાવવા માંગે છે. જમીનના ભાવો આસમાન આંબે છે. છેવટે પ્રવીણભાઈ અને તેના એક એનઆરઆઈ મિત્રની જમીન પર આ કોલેજનો શિલાન્યાસ થાય છે. બજારભાવ કરતા વીસ ટકા પૈસા ઓછા લઈને આ કાઠીયાવાડી લંડનવાસીઓ માતૃભૂમિ પ્રત્યે પોતાની વફાદારી દાખવે છે.

જિંદગીનો કર્મો આઘાત પહેલી વખત લાગે છે. આજે દાદા અને દાદી આ દુનિયામાં રહ્યા નથી પણ દાદાનો મર્દાના અંદાજ તેની ત્રીજી પેઢીએ પણ જાળવી રાખ્યો છે. રૂપતારા સાત વર્ષની છે અને વિરમ અને ધરમ મારા જોડિયા પુત્રો ત્રણ વર્ષના છે. નયનતારા તેના ત્રાસથી તોબા પોકારી ગઈ છે. જયારે પણ ઘરમાં પ્રવેશ કરીએ તો બધે જાતજાતના રમકડાઓનો પથારો પડેલો હોય છે. મમ્મી આ છોકરાઓને સાચવવામાં પોતાનો આખો દિવસ પૂરો કરે છે. ક્યારેક બહુ તોફાન કરે ત્યારે મમ્મી ગુસ્સે થઈને કહે છે : ‘અસલ એના બાપ જેવા થયા છે, એની માનું તો નામોનિશાન નથી.’

આજે મમ્મીનો મીઠો અણગમો જાહેર થાય છે. આ કળિયુગની સાસુને દીકરા કરતા વહુ વહાલી લાગે છે.

સાલ ૨૦૦૨થી ૨૦૦૪ સુધીના મંદીના માહોલમાં પણ કંપની ટકી ગયેલી છે. શેરોના ભવોમાં વીસ ટકા જેટલો ઘટાડો થયેલો છે. આજે તરુણ અને પ્રિયા એક મલ્ટીનેશનલ કંપનીના એમ.ડી. ના પર્સનલ પ્લેનમાં આવવાના છે. આ કંપનીની એજીએમ અ વખતે અહી રાખેલી છે. મુંબઈથી આ પ્લેનમાં ઘણા વીઆઈપી લોકો પધારવાના છે. તા. ૨૦/૫/૨૦૦૫ની એજીએમ હું પણ ગયો હતો, ત્યારે તરુણ અને પ્રિયાએ હિન્દુસ્તાનની ખ્યાતનામ હસ્તીઓ જોડે ઓળખાણ કરાવી હતી. આ કંપનીના એમ.ડી. પણ કાઠીયાવાડી હોવાથી એજીએમ પૂરી થયા બાદ તેને મળવાનો મોકો મળ્યો હતો. કંપનીના ગેસ્ટ હાઉસમાં જાતજાતના વ્યંજનો હાજર છતાં આ કંપનીના એમ.ડી. સાહેબે મને કહેલા શબ્દો દિલમાં ઉતરી ગયા હતા અને તે પણ અમારી કાઠીયાવાડી ભાષામાં સ્પષ્ટ રીતે બોલ્યા હતા એટલે મને અસર વધુ થઇ હતી.

‘જો ભઈલા ! આપણે ગમે તેવા મોટા માણસ બનીએ પણ આપણો સ્વભાવ આ બાજરાના રોટલા અને ખીચડી, કઢી અને રીંગણાના ઓરાને ભૂલી શકવાનો છે ! આટલા રૂપિયા કમાઈને આપણા ઘર થોડા ભરવાના છે ? દિવસના અઢાર કલાક કામ કરવા આ ખોરાક લેવો જરૂરી છે તો જ આપણી સ્ટેમીના સચવાઈ રહેવાની છે. આપણો વિચાર છોડીને કંપનીના હજારો માણસોનો વિચાર પહેલા કરવો પડે છે.’ જમતા જમતા વાત કરે છે એટલે આગળ સાંભળવા માટે થોડી રાહ જોવી પડે છે.

‘આપણે ભલે મોંઘી ગાડીમાં અને વેલ ફર્નિશ્ડ ઓફિસમાં બેસતા હોઈએ પણ કોઈ લોકડાયરામાં ક્યારેક જવું પડે તો આપણે નીચે ગાદલા પર બેસવામાં કોઈ દિવસ શરમ આવશે ખરી...! આપણી ઘરવાળી ભલે મોટી શેઠાણી હોય પણ નોરતામાં કોક દિવસ ગરબે રમવાનો મોકો મળે તો શેઠાણી મટીને બીજી ગરબે રમતી બાઈઓની જેમ ગરબે રમે છે, એમાં એને કાઈ શરમ નડે છે ! આપણા બાપાની શિખામણ યાદ રાખવાની કે જમીનથી કોઈ દિ’ એક વેંચ ઊંચું હાલવાનું નહી ! આપણો કાઠીયાવાડી ગમે ત્યાં રહેતો હોય પણ આપણી માટીની સુગંધ ભૂલી શકવાનો છે...? અને આ બધા લોકોને તો આપણે આપણા સ્ટેટસ ખાતર ભેગા લઈ આવવા પડે છે. આમે પણ આપણા પ્લેન ખાલી આવતા હોય એટલે આ મોટા માણસોને પણ થોડો હવાફેર થઇ જાય.’

તરુણ અને પ્રિયાની સાથે અમો અમારા ઘરે જવા નીકળ્યા રસ્તામાં ઘણીબધી વાતો કરી હતી. એટલે તરુણ કહે છે : ‘પ્રિયા ! તારા ભાઈએ સજેસ્ટ કરેલું ‘કોપરમેન’નું નામ આજે તો દુનિયાભરમાં મોસ્ટ ફેમસ બ્રાંડ બની ગઈ છે અને ૯૩ના વર્ષથી આ બ્રાન્ડના અલગ સેડના બ્રાન્ડનેમ સાથે અમારી કેટલીય કલેક્શન વેચાણા છે, જેની કોઈ સીમા નથી.’

‘કોપરમેન’ શબ્દ યાદ આવતા જ મને વાફાની યાદ આવી જાય છે. ફક્ત વાફાની એક ફેન્ટશી કે કલ્પનાએ આ કોપરમેનને વર્લ્ડ ફેમસ બનાવી દીધો છે અને ભવિષ્યમાં આ કોપરમેન શબ્દનો કેવો ઝંઝાવાત આવવાનો છે તે મને થોડી ખબર હતી ?

ઘરે પહોંચ્યા બાદ તરુણે અને પ્રિયાએ આખા બંગલાનું રિનોવેટ કરાવેલું કામ ખૂબ બારીકાઈથી જોયું હતું અને મને તરુણ કહે છે : ‘આ ઈટાલીનો ઇન્ટીરીયર બહુ ધૂની માણસ છે. પણ તેની બુદ્ધિને દાદ આપવી પડે છે. તારા બંગલાના કારણે મારા પંદરથી વીસ દિવસ તેને બગાડ્યા છે અને ચાલીસ હજાર કિલોમીટર આ પાગલ માણસ સાથે મારે પ્લેનમાં મુસાફરી કરવી પડી છે. આ બધું બીલ તૈયાર થાય છે જે પછી તને મોકલી આપીશ.’

એટલે તરુણને મજાકમાં કહું છું કે ‘પેલા ઈટાલીના ઇન્ટીરીયરથી તો વધારે નહી હોય ને...? નહીતર હવે મારે આ બંગલો વેચવાનો વારો આવશે.’

એટલે પ્રિયા વચ્ચે ટપકી પડે છે અને કહે છે : ‘ભાઈ... ચિંતા કરતો નહી, તારા બનેવી કરતા તારી બહેન વધારે રૂપિયાવાળી છે એટલે તારું બીલ હું ચૂકવી આપીશ.’

એટલે નયનતારા પણ વચ્ચે સાદ પુરાવે છે : ‘પ્રિયા... આટલા રૂપિયા કમાઈને આપણે શું કરવાનું છે ? તારો ભાઈ તો કદી પણ બે રોટલીથી વધારે જમતો નથી.’

એટલે તરુણ કહે છે : ‘નયનતારા...! પૂછી લે તારા સેવકને. પેલા નીતિને તેને શું કહેલ હતું ? એટલે નયનતારા મને પૂછે છે : ‘શું કહેલું...? રામ...!’

એટલે હું જવાબ આપું છું : ‘સૌથી પહેલા કંપનીમાં કામ કરતા માણસોને પહેલા વિચાર કરવાનો છે. સાદું ભોજન લઈએ તો અઢાર કલાક કામ કરવાની સ્ટેમીના જળવાય રહે છે અને આટલા રૂપિયા કમાયા પછી આપણી જવાબદારી બને છે કે આપણી કંપની થકી વધારે ને વધારે માણસોને રોજીરોટી મળવી જોઈએ અને કંપનીમાં કામ કરતા એક માણસ થકી તેના કુટુંબના ચારથી પાંચ માણસોનું પેટ ભરાતું હોય છે. હવે એક વિચાર કરો. ધારો કે આપણી કંપનીમાં પાંચ હાજર માણસો કામ કરે છે. એટલે પાંચ હજારના પાંચના ગુણાંક કરતા પચીસ હજાર માણસોના પેટ ભરાય છે. આ કામમાં તો આપણે ફક્ત નિમિત્ત બનવાનું છે, સમજી ગયા નયનતારા રાણી કે સમજાવવું પડશે...?’

એટલે નયનતારા પ્રિયાને કહે છે : ‘પ્રિયા...! તારો ભાઈ હવે પાંત્રીસનો થયો છે. હજુ પણ એના વરણાગીવેડા છૂટતા નથી. આજે પણ પહેલાની જેમ હેરાનપરેશાન કરે છે.’

એટલે તરુણ કહે છે : ‘તમારા બંનેની જોડીને જોતા કોઈ ના કહે કે તમે બંને પાંત્રીસ વર્ષના થઇ ગયા હશો. બધાને એમ જ લાગે છે કે હજુ પણ ત્રીસની અંદર તમારા બંનેની ઉમર હશે.’

એટલે ઊભો થઈને નયનતારા પાસે જઈને તેના ગળે ફરતે હાથ વીંટાળીને કહું છું કે ‘જો તરુણ ! આ નયનતારા અને મેં હજુ પણ યોગ અને કસરત અને ચાલવાનું છોડ્યું નથી એટલે હજુ પણ તરોતાજા દેખાઇએ છીએ. નયનતારાને જોઇને કોઈ કહે છે કે આ બાઈ ત્રણ છોકરાની માં હશે ? અને અમારી વચ્ચે સંયોગ બહુ જ સારા ચાલે છે.’

એટલે પ્રિયા ઊભી થઈને મારા અને નયનતારાના દુખના લઈને કહે છે : ‘તારી અને નયનતારાની જોડી સલામત રહે અને નયનતારા એવી ને એવી સેક્સી લાગે.’

નયનતારા ખોટો ગુસ્સો દેખાડીને પ્રિયાને કહે છે : ‘શું તું પણ પ્રિયા...! તારા ભાઈની જેમ જ બહુ નખરા કરે છે !’

એટલે તરુણ કહે છે : ‘નયનતારા...પ્રિયા ઈઝ રાઈટ, તે કહે છે તે સાચું છે. તું ડોક્ટર બની ના હોત અને એક મોડેલ બની ગઈ હોત તો આજે આ તારો પતિ કોઈ મેગેઝિનમાં તારા ફોટા જોઇને નિસાસા નાખતો હોત.’

‘તરુણ...! તું મને શું સમજે છે ! આ નયનતારાથી પણ ખુબસુરત છોકરી પરણી શકું છું અને તેનાથી પણ ખૂબસૂરત છોકરીઓને મારી પર્સનલ આસિસ્ટન્ટ બનાવી શકું છું.’

‘રહેવા દે, રહેવા દે ભાઈ...! હજુ પણ આ નયનતારાના પગ દબાવવામાંથી ઊંચો આવતો નથી અને દસ દિવસ ઘરની બહાર રહે અને અગિયારમાં દિવસે તને આ નાગરાણીની યાદ આવે છે. આ તો નયનતારા તારા જીવનમાં આવી એટલે અહીયા આ સ્થાને પહોંચ્યો છે. નહીતર હજુ પણ દુકાનમાં વેપાર કરતો હોત.’ પ્રિયા હંમેશા નયનતારાની જ ફેવર કરે છે બિલકુલ મમ્મીની સ્તાઈલમાં !

‘હજુ પણ તમે બંને પુસ્તક વાંચો છો ?’ પ્રિયા અમને બંનેને પૂછે છે.

‘યસ...! અઠવાડિયામાં એક-બે બુક જરૂર વાંચીએ છીએ અને મારી ટ્રાવેલ બેગમાં ત્રણ-ચાર બુક તો ફરજીયાત નયનતારાને મૂકવી પડે છે.’ પ્રિયાને જવાબ આપતા મેં કહ્યું.

‘પ્રિયા... હવે તારા ભાઈ માટે લાઈટ કલરના શર્ટ મોકલાવજે. આ ઉમરે આવા કલરફૂલ શર્ટ પહેરે તે હવે સારું લાગે નહી...!’ નયનતારા પ્રિયાને મને સાધુપુરુષ બનાવવાનો પ્લાન સમજાવે છે.

‘નયનતારા... તમે બંને લાસ્ટ ઈયર પેરીસ આવ્યા હતા ત્યારે આપણા શોમાં કેટલા આધેડોએ લાઈટ શેડના ડ્રેસ પહેર્યા હતા ! એક પણ બુઢીયો તને સાદા કપડામાં નજરે પડ્યો હતો ?’ પ્રિયાએ આ વખતે મારી તરફદારી કરી એટલે બહુ ગમ્યું.

‘સાંભળ નયનતારા, આ પાંત્રીસ અને પિસ્તાલીસ વર્ષ વચ્ચેની ઉમરે જ સાચા લગ્નજીવનને માણવાની મજા આવે છે. છોકરાઓ હવે મોટા થઇ ગયા છે. મનના વિચારો યુવાન હોય અને તારા જેવી પત્ની હોય તો આ પાંત્રીસ વર્ષનો માણસ આપોઆપ પચ્ચીસ વર્ષનો થઇ જાય. તરુણે પણ આજે મારાતરફી બયાન આપ્યું તે મને બહુ ગમ્યું.

‘તમે મારી વાત સમજવાની કોશિશ તો કરો, આ જ તો સાચી તકલીફ છે...! આ પાંત્રીસ વર્ષની ઉમરે પણ પચ્ચીસ વર્ષના યુવાનો જેવા નખરા કરે છે. મને સાડી સિવાય કાઈ પહેરવું ગમતું નથી એટલે વારતહેવારે નવા નવા ટ્રેન્ડી ડ્રેસ પહેરવાનો આગ્રહ રાખે છે.’ નયનતારાના આ બયાનથી પ્રિયા મારી સામે આંખ પહોળી કરીને ખંધું હાસ્ય કરે છે.

‘એ તો બહુ સારી બાબત કહેવાય, ઊલટાનું તારે ખુશ થવું જોઈએ...!’ પ્રિયા નયનતારાને કહે છે.

‘પ્રિયા સાંભળ...! જ્યારથી આ ઈટાલીના ઇન્ટીરીયરે અમારું ઝાકુઝીવાળું બાથરૂમ બનાવ્યું છે તે દિવસથી મારી માઠી બેસી ગઈ છે.’ નયનતારાએ ઓચિંતી સિક્સર લગાવી દીધી.

પ્રિયા અચરજભાવથી પૂછે છે : ‘આ બાબતમાં બાથરૂમ ક્યાંથી વચ્ચે આવ્યું ?’

નયનતારા સામે તીરછી નજર નાખીને આ વાતનો રહસ્યસ્ફોટ કરું છું : ‘સાંભળો, તરુણ અને પ્રિયા... આ ઝાકુઝીવાળા બાથરૂમમાં સ્પેસ બહુ મોટો છે, એટલે હું અને નયનતારા બને ત્યાં સુધી આ બાથરૂમનો ઉપયોગ યોગાસન અને ખાસ તો સંયોગાસન કરવા માટે કરીએ છીએ.’

‘આવી ગયો ને સીધી લાઈન ઉપર ! ક્યારની વિચાર કરું છું આ કાઠીયાવાડી કેચી શા માટે ચૂપ બેઠી છે ? બાથરૂમમાં થોડા યોગાસનો થતા હશે...?’ તરુણ અને પ્રિયા બંને ખડખડાટ હસે છે.

પ્રિયા કહે છે, ‘અમારા બંનેનું લગ્નજીવન ફેશન ઇન્ડસ્ટ્રીઝ જેવા ખતરનાક માહોલમાં શા માટે સુખી છે તને ખબર છે ?’

‘ના...!’

પ્રિયા રહસ્ય જણાવતા કહે છે : ‘આ નયનતારા પાસેથી તારા બધા કારનામાની વિગત ખાનગીમાં ફોન પર જાણી લઉં છું અને પછી તરુણને જણાવું છું એટલે અમો બંને પણ તમારી જેમ ખુશખુશાલ લગ્નજીવન માણીએ છીએ.’

નયનતારાના કાનમાં ધીરેથી કહું છું : ‘આજે તો આપણો સંયોગ થવો જરૂરી છે.’ એટલે નયનતારાના મોમાંથી જૂનો અને ચર્ચાસ્પદ શબ્દ નીકળે છે : ‘હલકટ માણસ...!’